Category Archives: ડો. પ્રતાપભાઈ પંડયા

સહનશીલતા (ડો. પ્રતાપભાઈ પંડ્યા)

(ગુજરાતભરમાં અને અમેરિકાના કેટલાક શહેરોમાં પુસ્તક પરબના પ્રણેતા, સમાજ સેવક અને શિક્ષણવિદ ડો. પ્રતાપભાઈ પંડ્યાનો એક મનનીય લેખ)

સહનશીલતા

જગતમાં જાતજાતના લોકો વસે છે. આપણને આપણા વ્યાવસાય કે નોકરી અંગે અનેકના પરિચયમાં આવવાનું બને છે. ભિન્ન ભિન્ન પ્રકારના, ભિન્ન ભિન્ન સવભાવના માનવીઓ સાથે કામ પાડવાના પ્રસંગે, તેમજ આપણા કૌઉંબિક જીવનમાં એકરાગથી રહેવા માટે અન્ય ગુણોની સાથે સહનશીલ બનવાનો ગુણ ખીલવવો ખૂબ જરૂરી છે.

સહનશીલ માનવીની વ્યાખ્યા કરવાની હોય તો તે મુજબ કરી શકાય. સુખદુખ, માનઅપમાન, લાભનુકશાન, અને પ્રસંશાનિંદાના સમયે જે માનવી એક સરખી સ્થિતિમાં રહે, એટલું નહીં પણ આપત્તિના વિકટ સમયમાં પણ આનંદમાં રહે માણસ સહનશીલ છે. સુખમાં છકે નહીં, દુખમાં રડે નહીં એની સાદી વ્યાખ્યા છે.

આજે સમાજમાં દુઃખ નથી વધ્યાં, પ્રશ્નો નથી વધ્યા પરંતુ સહનશક્તિ ઘટી છે. પરિણામે દુઃખ અને પ્રશ્નો વધુ લાગે છે. આપણો અભિમાની સ્વભાવ, સહનશીલતા કેળવવા દેતો નથી. આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. કોઈ આપણું અપમાન કરે અથવા આપણા દોષોને દેખાડે તો તે સહન કરવું નથી. વિપરીત વિચારવાળાને સ્વીકારવા નથી, અને ગમ ખાતા શીખવું નથી. આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.

સુખમાં સૌ કોઈ એવું સમજતા હોય કે આપણે આપણી સંપત્તિ અને સંતાનો સાથે આનંદ માણીએ છીએ એમાં સહન કરવાનું શું હોય? મારો અનુભવ એવો છે કે સુખમાં છકી જવા માટે સંયમ રાખવો પણ સહનશીલતાનો એક ભાગ છે. અહંકાર માણસ માત્રનો જન્મજાત સ્વભાવ છે. એને કાબુમાં રાખવા, દરેક વખતે વિવેક અને નમ્રતા જાળવી રાખવા અને સ્થિતપ્રજ્ઞ રહેવા સહનશીલતાનો ગુણ ખૂબ ઉપયોગી થાય છે. અનેક પ્રકારની સમસ્યાઓમાં ભાંગી પડીએ, હિંમત હારી જઈયે માટે સહનશીલતા કેળવવી સૌથી સારો ઉપાય છે. મનને મજબૂત રાખવામાં સહનશીલતા કામ આવે છે. અડગ મન સહનશક્તિનું બીજું સ્વરૂપ છે, જે માનવીના આચરણમાં થતા અનિચ્છનીય ફેરફારને રોકે છે.

સહનશીલતા કેળવવી હશે તો કંઇક ભૂલવાની, કંઇક છોડવાની, કંઇક ખમવાની, કંઇક હશે જવા દો ની ભાવના તો કેળવવી પડશે. ‘Let go’ કરવું એટલે કે જતું કરતાં શીખવું પડશે.  કોઇનાથી કંઇક ભૂલ થઇ, કોઇકે આપણને બે શબ્દો કહ્યા, કોઇકે આપણને આપેલું વચન પાળ્યું નહી, ત્યારે હશે, ભૂલ થઇ જાય, એમાં શું ?” બે શબ્દો “એમાં શું?” માં ગજબનો જાદુ છે.

સહનશીલતા ઉદારતા અને ક્ષમાની સગી બહેન છે. માણસને માણસની જેમ જીવવા માટે ક્ષમા અને ઉદારતાની સાથે સહન કરી લેવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે. પરિવાર, સગા અને મિત્રો અલગ અલગ વિચાર અને પ્રકૃતિવાળા હોય છે. દરેકના સારાનરસાના માપદંડ જૂદા જૂદા હોય છે. સૌને પોતાના કરીને પ્રસન્નતા મેળવવી હોય તો કોઈ સરખામણી કર્યા વિના, બધાનો જેવા છે એવા સ્વરૂપમાં સ્વીકાર કરી લેવા જરૂરી છે. સાચા માણસને પ્રોત્સાહન આપી, આપણ અહંમને કાબુમાં રાખી જો બધા સાથે વાતો અને વ્યહવારમાં હળવા થઈને રહીએ તો આપણું જીવન સાર્થક કરવામાં વધારે સફળ થઈ શકીયે.

મને ખબર છે કે કહેવું સહેલું છે પણ આચરણમાં મૂકવું ખૂબ અઘરૂં છે. પણ ધીરે ધીરે સહનશીલતાની વૃત્તિ ખીલવતા રહીએ તો સારૂં પરિણામ આવે છે.

વાતવાતમાં ક્રોધ કરવો, બીજાને ઉતારી પાડવા, પોતાનો કક્કો ખરો સાબિત કરવાની મિથ્યા પ્રવૃત્તિથી દૂર રહી, ટીકાખોર સ્વભાવને નાથીને સહનશીલતા કેળવી જીવન જીવવાની શરૂઆત કરી દઈએ, તો લાંબા ગાળે પ્રસન્નતાભર્યું જીવન જીવવાની તક અવશ્ય મળે છે. માણસ તરીકે જન્મ લીધા પછી જો આપણે માણસ તરીકે મરવું હોય તો સહનશીલતા એક ઉત્તમ ઔષધ છે. સહનશીલતા એ જીવનઘડતરનો અમૂલ્ય ગુણ છે.

ક્ષમા વીરસ્ય ભૂષણમ

(શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોલી દ્વારા સંચાલિત લોકભારતીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયેલા ડો. પ્રતાપભાઈ પંડ્યા “પુસ્તક પરબ” ના પ્રણેતા તરીકે જાણીતા છે. આ ટુંકા લેખમાં એમણે જે લખ્યું છે તે આજના આપાધાપી ભરેલા સમયમાં અમલમાં મૂકવું અઘરૂં છે, પણ અશક્ય નથી.)

ક્ષમા વીરસ્ય ભૂષણમ

માનવજીવન કુદરતનું સૌથી ઉત્તમ સર્જન છે એ વાત આપણે જાણીયે છીયે અને સમજીયે છીયે, અને છતાં એને અનુસરીને જીવતા નથી.

આજે મારે કુદરતે માણસને બક્ષેલા અનેક ગુણોમાંથી એક ગુણ ‘ક્ષમા’ ની વાત કરવી છે. ક્ષમાનો માગવી અને ક્ષમા આપવી એ વીરતાનું કામ છે. એ કામ સફળતા પૂર્વક કરી શકીયે તો માનવીય ગુણોનું સફળતા પુર્વક આચરણ કરી શકીયે.

જીવનમાં આપણે શરીર અને મનથી, વાણીથી અને વર્તનથી, સૌજન્યપૂર્વક જીવી રહ્યા છીયે. તેમ છતાં તણાવ ભર્યા પ્રસંગો સર્જાય છે. આ તણાવોમાંથી મુક્તિ મેળવી અને પ્રસન્ન અને હળવાશભર્યું જીવન જીવવાનો ક્ષમા એક ઉત્તમ ઉપાય છે. ક્ષમા માનવ મૂલ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે. ક્ષમામાં અજોડ તાકાત છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ કાયર માણસનું કામ નથી, એ વીર માણસનું કામ છે. આ વીરતા પ્રાપ્ત કરવા આત્મબળ કેળવવું જરૂરી છે. જેનું આત્મબળ અડગ, લોખંડી અને અણનમ હોય એ જ ક્ષમા આપી શકે. ક્ષમા સહનશીલ માણસ જ આપી શકે.

સામી વ્યક્તિની અનેક ભૂલો, અનેક ક્ષતિઓ સ્પષ્ટ રીતે નજરે ચડતી હોય, એ વ્યક્તિનો ભૂતકાળમાં કડવો અનુભવ થયો હોય, એને લીધે નુકશાન ઊઠાવવું પડ્યું હોય, અને તેમ છતાં જ્યારે આવી વ્યક્તિ ક્ષમા માગે ત્યારે માત્ર વીર અને ઉદાર માણસો જ એનો સ્વીકાર કરી ક્ષમા આપી શકે છે.

ઘણા વરસ પહેલા કાન્તિ ભટ્ટના પુસ્તક ‘સ્વ વિકાસની ચાવી’ માં બે લેખ વાંચ્યા હતા. ત્યારથી મારી તીવ્ર ઇચ્છા રહી છે મારા ક્રોધી, ઘમંડી અને વેર લેવાના સવભાવને સયંમિત કરવો જોઈએ. મને પોતાને નવાઈ લાગે છે કે કંઈક ચમત્કાર થયો અને મારા જીવનમાં સહજતા, સરળતા અને સુગંધ આવી.

કાન્તિ ભટ્ટ લખે છે કે “નવો પ્રેમ, નવો સંબંધ અને નવો રાહ અપનાવવામાં જૂની કડવી વાતો અને અનુભવે ફેંકી દેવા જોઈએ.” મેં ભૂતકાળમાં થયેલા આઘાતજનક, અપમાનકારક અને દુખદાયક પ્રસંગોને ભૂલવાનું અને મનમાંથી કાઢી નાખવાનું ગંભીરતાથી શરૂ કર્યું અને પ્રસન્નતા મળવાનો અનુભવ થવા લાગ્યો. આજે આ ક્ષમાનો ગુરૂમંત્ર મે અને મારી પત્નીએ અપનાવ્યો અને એના કારણે અનેક અવરોધો દૂર થયા. નવી સમસ્યાઓ, નવા વિરોધો બંધ થયા. પ્રગતિ રૂંધાતી હતી તે બંધ થઈ. દંપતિ જીવનમાં એકબીજાને ક્ષમા આપી જીવવાનું શરૂ કર્યું તો ૫૦ વરસે સાચા પ્રેમનો અનુભવ થવા લાગ્યો.

આજે અમેરિકામાં સમજણ અને શાંતિપૂર્વક, જે માનવીય વ્યહવાર-સમૃધ્ધિ માણી રહ્યા છીએ એ ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું જ પરીણામ છે. ક્ષમા અંગે એક જ વાત કરૂં કે સૌ પ્રથમ પોતાની જાતને પછી પત્ની અને પરિવારને દરેક બાબતમા ઉદારતાથી માફ કરવાનું શરૂ કરો, ધીમે ધીમે સમાજની પ્રત્યેક વ્યક્તિ સુધી એનો વ્યાપ વધારો. માત્ર ક્ષમા આપો જ નહીં, તમારી ભૂલ હોય ત્યારે ક્ષમા માગવામાં પણ વિલંબ ન કરશો.

-ડો. પ્રતાપ પંડ્યા

સારાટોગા, કેલિફોર્નિયા, યુ.એસ.એ.

 

ગીતા કોર્ટમાં નહીં હ્રદયમાં રાખો (ડો. પ્રતાપભાઈ પંડયા)

(ડો. પ્રતાપભાઈ પંડ્યા ભારતમાં અને અમેરિકામાં “પુસ્તક પરબ”ના પ્રણેતા તરીકે જાણીતા છે. ભારતમાં અને અમેરિકામાં સાહિત્ય અને સામાજીક પ્રવૃત્તિઓ માટે મુક્ત મને એમનું કુટુંબ અનુદાન આપે છે. આ નાનો ઉતારો મેં એમના લખેલા પુસ્તક “વેદવાણી”માંથી લીધો છે.)

ગીતા કોર્ટમાં નહીં હ્રદયમાં રાખો

ગીતા જેવા અદભુત ગ્રંથનો દરેક જીવ અધિકારી છે. ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડિવધારી અર્જુનને જે અણમોલ ઉપદેશ આપ્યો છે તે કોઈ ખાસ માટે નથી. ઈશ્વર ક્યારેય સંકીર્ણ ન થઈ શકે. કૃષ્ણના વિચારો વૈશ્વિક વિચારો છે, અને આજે પાંચ હજાર વર્ષો પછી પણ એટલા જ પ્રસ્તુત છે. કોઈપણ માણસ, ગમે તે વર્ણ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, રંગ કે પ્રદેશનો હોય, પરંતં ગીતાનું અધ્યયન કરીને જ્ઞાન મેળવવાનો સમાન અધિકારી છે. આ અધિકાર મેળવવા ઈશ્વર પ્રત્યે અખુટ શ્રધ્ધા હોય એટલે અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ગીતામા ભગવાન કૃષ્ણે કહ્યું છે કે મારો ભકત એનો અધિકારી છે અને ભક્તિભાવથી ગીતાનું વાંચન કરનાર દરેક માણસ ભક્ત છે.

વેદમાં જે માનવીય મૂલ્યોનું વર્ણન કર્યું છે, એ જ વાત ગીતાજીના અઢારમાં અધ્યાયમાં મળે છે. ભગવાન વેદવ્યાસે અર્જુનના પાત્ર દ્વારા સાબિત કર્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, દુખો આવે, ચારે બાજુથી સંજોગો પ્રતિકૂળ થાય, જીવનમાં કેવળ નિરાશા અને હતશા વ્યાપી જાય, કોઈપણ માર્ગ ન સુઝે, એવા કપરા સંજોગોમાં મન મક્કમ રાખીને ઈશ્વરનો આશ્રય લઈએ તો વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે. આપણે અર્જુનની માફક કોઈપણ યુધ્ધ લડવાનું નથી, પરંતુ આપણે જીવનસંગ્રામમાં ગીતાનો આશ્રય લઈયે તો વિજય અવશ્ય પ્રાપ્ત થાય એમાં કોઈ શંકા નથી. શરત માત્ર એટલી છે કે અર્જુનની જેમ સંપૂર્ણ શ્રધ્ધાથી કૄષ્ણના ચરણમાં પડીને કહીયે, “કરિષ્યે વચનં તવ.”

-ડો. પ્રતાપભાઈ પંડ્યા