Category Archives: ડો. મહેશ રાવલ
ભીંત વચ્ચે ક્યાંક બારી થઇ શકે (ડો. મહેશ રાવલ)
(આજે ફરી એકવાર જાણીતા ગઝલકાર ડો. મહેશ રાવલની સંભાવનાઓથી ભરેલી એક દમદાર ગઝલ રજૂ કરૂં છું. જીવનમાં “કુછ ભી હો શકતા હૈ”ની સંભાવના ઉપર ભાર મૂકતાં મહેશભાઈ કેટલાક લા’જવાબ ઉદાહરણો આપે છે. ગઝલ મને ગમી છે, આશા છે તમને પણ ગમશે.- સંપાદક) Continue reading ભીંત વચ્ચે ક્યાંક બારી થઇ શકે (ડો. મહેશ રાવલ)
થઈ થઈને થાશે શું બીજું?
(ડો. મહેશ રાવલ અર્વાચીન સમયના સશક્ત ગઝલકાર છે. સામાન્ય બોલચાલની તળપદી ભાષામાં લખાયલી એમની ગઝલોમાં જીવનમાં આવતી વિટંબણાઓનો સામનો કરવાની સરગમ છે. એમના ચાર ગઝલ સંગ્રહ પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે અને નવી નવી ગઝલ રચવાનો સિલસિલો ચાલુ જ છે. હાલમાં તેઓ અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યના Bay Area માં રહે છે.)
થઈ થઈને થાશે શું બીજું?
આવ્યા એમ જ પાછા જાશું, થઈ થઈને થાશે શું બીજું?
ખેપટ છીએ, ખંખેરાશું થઈ થઈને થાશે શું બીજું?
બદલાતી મોસમની હારે, વા ફરશે વાદળ પણ ફરશે,
તપશું,ઠરશું,ભીના થાશું થઈ થઈને થાશે શું બીજું ?
રસ્તો આખો પથરાળો ને ટેકણ તકલાદી સમજણનું,
પડશું, આખડશું, છોલાશું થઈ થઈને થાશે શું બીજું?
મનમૂઝાંરે ઈશ્વર તરફે અમથા મનમરજીનાં માલિક;
સગવડિયા માણસ કે’વાશુ, થઈ થઈને થાશે શું બીજું?
સીધી રીતે કોણે કોને રસ્તો દીધો આગળ થાવા,
હડસેલશું કાં હડસેલાશું થઈ થઈને થાશે શું બીજું?
રોવાની ફાવટ, ને મુઠ્ઠી વાળેલી ભેગી લઈ જન્મ્યાં
ગળથુંથી પીધી, એ પાશું થઈ થઈને થાશે શું બીજું?
આઘા ઓરા અંગત અમથા સંબંધો જીવતાં – જીરવતાં,
ખરપાણા એમ જ ખરપાશું, થઈ થઈને થાશે શું બીજું?
-ડો. મહેશ રાવલ