“દુવા”
ચિત્રલેખા માં મારા વિષે એક લખાયો હતો સાલ 2011 માં. અસંખ્ય લોકો એ વાંચ્યો અને બિરદાવ્યો, એ લેખ નું શીર્ષક હતું, “અમેરિકાની હવા માં ગુંજે છે, ગુજ્જુ અવાજ.”
“ચિત્રલેખા”ના ભરત ઘેલાણી અને કેતન મિસ્ત્રીએ મને તરત પ્રસિદ્ધિ અપાવી દીઘી પણ જેમ જેમ લોકો આ લેખને બિરદાવતાં ગયાં તેમ તેમ એક જવાબદારીનો અહેસાસ મને થવા માંડ્યો કે આ મારા કામ સાથે અનેક “હમવતનીઓ” અને “હમભાષીઓ”ના માન અને સન્માન જોડાયેલાં છે. તો મારે એને ઠેસ ન પહોંચે એ માટે સતત જાગૃત રહીને કામ કરવાનું છે. ક્યારેક મને એવું પણ થઈ આવે છે કે આ સન્માન ને લાયક છું કે નહીં, પણ, એટલું હું જરૂર કહી શકું કે આ લેખ મને એક આગવી રીતે જ વધારે પ્રોફેશનલી રીસ્પોન્સીબલ બનાવી ગયો.
હાલ તો આ સાથે રેડિયો જોકીના અનેક સંભારણામાંનું એક અહીં ટાંકુ છું. “ચિત્રલેખા”ના લેખ વિષે પછી વાત કરીશું.
એક દિવસ મારા પિતાશ્રી સાથે મને કોઈ બાબતમાં મન દુઃખ થયું અને in the heat of the moment, થોડીક બોલાચાલી પણ થઈ ગઈ. પછી પસ્તાવાએ માનસિક કબ્જો લીધો. મારે રેડિયો શૉ પણ તે જ દિવસે કરવાનો હતો. કોને ખબર, પણ અંદરથી મારું અંતર કોચવાયા કરતું હતું. તે દિવસે તો રેડિયો શો પર લાગણી ઊભરાઈ ગઈ. મેં મારા આગવા અંદાજમાં કહ્યું, “આજે બધા શ્રોતાજનોને મારા તરફથી એક નાનકડી વિનંતી છે. આજે તમારા માતા-પિતાને મારા તરફથી વ્હાલની જાદુની ઝપ્પી આપજો, અને કઈં નહીં તો કમ સે કમ ‘આઈ લવ યુ’ કહી દેજો.”
પછી તો મેં પણ મારા પિતાશ્રી સાથે વાળી લીધું અને જિંદગી પણ એની રેગ્યુલર રફતારમાં ગોઠવાઈ ગઈ. હું પણ આ વાતને ઓલમોસ્ટ ભૂલી જ ગઈ હતી. આ વાતને એકાદ બે અઠવાડિયા થયા હશે. હું રેડિયો સ્ટેશનમાં સ્ટુડિયોમાં મારો શૉ કરતી હતી. ત્યાં તો મને મેસેજ આવ્યો કે કોઈ મને મળવા આવ્યું છે. આમ તો અમેરિકામાં આગોતરી ખબર આપ્યા વિના કોઈ એમ જ મળવા આવે નહીં. મને થોડું વિસ્મય પણ થયું કે કોણ જાણે કોણ હશે?
મેં એમને રેડિયો શૉ પતવાની રાહ જોવા કહ્યું. રેડિયો શૉ પત્યો અને બહાર જોયું તો એક પ્રૌઢ વ્યક્તિ બહાર બેઠા હતા. તેઓ એક મુસ્લિમ બિરદાર હતા. હું યાદ કરવા મથી મનોમન કે શું હું એમને ક્યાંક મળી છું? હું આમ મારી જ મૂંઝવણમાં હતી ત્યાં તો એ ભાઈ અચાનક ઊભા થયા અને મને પૂછ્યું, “આપ જ જાગૃતિબેન છો?” મેં માથું ધૂણાવીને ‘હા’ કહી. હું હજુ એમને કઈં પૂછું કે કહું કે આપ કોણ છો, તે પહેલાં તો તેઓ મારી પાસે આવ્યા અને મારો હાથ એમના હાથમાં લઈને તેમની આંખો પર ઈબાદત કરતા હોય એવી રીતે અડાડ્યો અને એમણે મને એમની વાત કહી. એમણે candidly – મોકળા મને, સરળ ભાવે કહ્યું કે કોઈ કૌટુંબિક કારણોસર અને બાપ-દિકરાના મતભેદોને લીધે એમનો દીકરો એમનાથી નારાજ હતો અને દેખીતી રીતે એમની વચ્ચે કોઈ પણ જાતની meaningful વાતચીત બંધ હતી. ઓચિંતો જ એનો ફોન એક દિવસ આવ્યો અને એણે એમને કહ્યું કે, “આઈ લવ યુ અબ્બા.” તેમના માનવામાં જ નહોતું આવતું કે એમનો રિસાયેલો દિકરો આમ ઓચિંતી જ આટલી મોટી વાત કહી દેશે! સંબંધો સારા હતા ત્યારે પણ આવું તો ક્યારેય નહોતું થયું! એમને હમણાં જ, એક-બે દિવસ પહેલાં જ ખબર પડી કે એમના દિકરાએ મારા રેડિયો શૉ પર, મારી વિનંતી સાંભળીને એમને આ ફોન કર્યો હતો. એમણે વધુ કઈં ન કહ્યું, બસ, આટલું જ બોલ્યા, “મેં ખુદાસે દુવા કરુંગા કિ આપ સદા ખુશ રહો.” એમણે ફરી મારો હાથ એમની સર-આંખો પર લગાડ્યો અને હજુ હું કઈં સમજું કે બોલું એ પહેલાં પાછા ફરી ગયા. આ વખતે મારો હાથ ભીનો થયો હતો, અને હું મારા ભીના હાથને જોઈ રહી હતી.