Category Archives: દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭

વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા

ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ 

________________________________________________

દીપક મહેતા

જમશેદ અને હોમી વાડિયા

વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે  વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં  તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.

Continue reading ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી(હપ્તો ૬) દીપક મહેતા

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું, મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે આપણા પારસી ભાઈ બહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે.

Continue reading ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – (હપતો ૫)

દીપક મહેતા

———————————————————————————-

સનકાદિક નારદ સ્તુતિ કરતા

તે ભાષા તાવ આદ્ય તરુ,

વાગીશ્વર વાણી રચતા, કર

બાજે ડમ ડમ ડમ ડમરુ.

ભૈરવનાથ સદાશિવ શંકર

મહંત સદ્ગુરુ આદ્ય સ્મરું,

મંદિર જેનું દિગંત નિરંતર

બાજે ડમ ડમ ડમ ડમરુ.

નિનુભાઈ મઝુમદારે રચેલી શિવ સ્તુતિના શબ્દો આજે કેમ એકાએક યાદ આવી ગયા? ના. એકાએક યાદ નથી આવ્યા. ગયે અઠવાડિયે આપણે બાણગંગાના ઐતિહાસિક તળાવની મુલાકાત લીધેલી. એ તળાવ પાસે જઈએ અને તેની સાવ નજીક આવેલા વાલકેશ્વરના મંદિરની મુલાકાત ન લઈએ એવું બને? અને એમાં પાછો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ મહિનો. શ્રાવણમાં શિવદર્શનનો મહિમા અનેરો છે. તો જઈએ વાલકેશ્વર.

Continue reading ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – (૪) – દીપક મહેતા

ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યૂટ

મુંબઈના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઈ.સ. ૧૭૭૫માં કાવસજી પટેલે તળાવ બંધાવ્યું તે પછી બીજાં તળાવો મુંબઈમાં બંધાતાં ગયાં. એક જમાનામાં આવાં દસ સાર્વજનિક તળાવો મુંબઈમાં હતાં. આજે જે વિસ્તાર ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં એસ્પ્લનેડના મેદાન નજીક ફરામજી કાવસજીએ ૧૮૩૧માં એક તળાવ બંધાવેલું, જે તેમના નામથી ઓળખાતું હતું. વખત જતાં તેના પાણીનો ઉપયોગ ધોબીઓ કપડાં ધોવા માટે કરવા લાગ્યા એટલે લોકો તેને ધોબીતળાવ તરીકે જ ઓળખવા લાગ્યા. વખત જતાં આ તળાવ પણ પૂરી દઈને ત્યાં ફરામજી કાવસજી હોલની ઈમારત ઊભી કરવામાં આવી. એક જમાનામાં મુંબઈ શહેરના મહત્ત્વના કાર્યક્રમો, સભાઓ વગેરે અહીં યોજાતા. પણ આજે તેનો ઉપયોગ મોટે ભાગે જુદી જુદી કંપનીઓના ‘સેલ’ માટે થાય છે. આ જ મકાનમાં મુંબઈની એક ઘણી જૂની લાઈબ્રેરી પણ આવેલી છે, પીપલ્સ ફ્રી રીડીંગ રૂમ એન્ડ લાઈબ્રેરી.

ગોવાલિયા ટેન્ક , ૧૯ મી સદીમાં

મુંબઈનાં બીજાં કેટલાંક તળાવમાં એક હતું ગોવાળિયા તળાવ. આજે એ તળાવ નથી, પણ એ વિસ્તાર હજીએ લોકજીભે ગોવાલિયા ટેંક તરીકે ઓળખાય છે. એક જમાનામાં આસપાસના વિસ્તારોમાંથી ગોવાળો પોતાનાં ઢોરને પાણી પીવડાવવા અહીં આવતા એટલે તેનું આ નામ પડેલું. આ જગ્યા માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના ઇતિહાસમાં પણ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈ.સ. ૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮થી ૩૧ તારીખે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું હતું તે આ તળાવ નજીક આવેલા ગોકુલદાસ તેજપાલ પાઠશાળાના મકાનમાં. આજે એ જગ્યાએ તેજપાલ ઓડીટોરિયમ આવેલું છે જે ગુજરાતી રંગભૂમિનું એક માનીતું સ્થળ છે.  એક જમાનામાં ખૂબ જાણીતી એવી બે ગુજરાતી સ્કૂલ – ન્યૂ ઈરા સ્કૂલ અને ફેલોશિપ હાઈસ્કૂલ આ જ વિસ્તારમાં આવેલી હતી. તેમાંની ન્યૂ ઈરા હવે બંધ થઇ ગઈ છે. આ તળાવની જગ્યાએ પછીથી મોટું મેદાન બન્યું. આ જ મેદાન પર ૧૯૪૨ના ઓગસ્ટની ૮મી તારીખે ઈતિહાસ રચાયો. એ વખતે મળેલા કોંગ્રેસના અધિવેશન વખતે આ મેદાન પરથી ગાંધીજીએ ‘ક્વિટ ઇન્ડિયા’નું આંદોલન શરૂ કર્યું. તેમણે આ મેદાન પરથી કરેલા જાહેર ભાષણમાં આ દેશ છોડીને પાછા જવા અંગ્રેજોને હાકલ કરી. એ ઐતિહાસિક ઘટનાની યાદમાં હવે એ મેદાન ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે.

મુંબઈનાં બીજાં જાણીતાં તળાવોમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ નજીકનું બાબુલા ટેંક, ખારા તળાવ, દોન ટાંકી, નવાબ ટેંક, વાંદરા તળાવ અને બાણગંગા તળાવનો સમાવેશ થાય છે. આ દસ જેટલાં જાણીતાં તળાવોમાંથી આજે ફક્ત બે જ હયાત છે: બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. જે વખતે મુંબઈમાં પીવાના પાણીની પુષ્કળ તકલીફ હતી એ તે વખતે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આ બધાં તળાવ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બંધાયાં હતાં. પણ ગીચ વસ્તીની કારણે તેની આસપાસ ઘણો ગંદવાડ ભેગો થતો જેથી રોગચાળો ફેલાતો. જો કે ૧૯૦૯ના બોમ્બે સીટી ગેઝેટમાં જણાવ્યું છે કે ઘણી વાર આ તળાવોમાં બહુ ઓછું પાણી રહેતું અને એટલે મુંબઈમાં ઠેર ઠેર કૂવાઓ ખોદવાનું શરૂ થયું હતું. ૧૮૫૬માં મુંબઈ શહેર પર દુષ્કાળની આફત આવી પડી. ત્યારે પાણી બચાવવા માટે સરકારે શહેરમાંનાં બધાં જ ઢોરઢાંખરને માહિમ સુધીના વિસ્તારમાં રાખવા પર પ્રતિબંધ મૂક્યો. (એ વખતે ‘મુંબઈ’ની હદ માહિમ સુધી જ હતી.) એટલું જ નહિ, હજારો પીપડાંમાં દૂર દૂરથી પાણી લાવીને સરકારે બોરીબંદર, ચીંચબંદર અને ડોંગરી વિસ્તારમાં આવેલા કૂવાઓમાં ઠાલવ્યું હતું. પણ પછી વિહાર અને તુલસી તળાવનું પાણી નળ વાટે પૂરું પાડવાનું શરૂ થયા પછી ધીમે ધીમે આ તળાવોનું મહત્ત્વ ઘટતું ગયું. વળી તેના ગંદા પાણીને કારણે અવારનવાર રોગચાલો ફેલાતો હતો તેથી એક પછી એક એ તળાવો પૂરાતાં ગયાં.

ક્વીટ ઈન્ડિયાનું ભાષણ આપતા ગાંધીજી

પણ મુંબઈનું સૌથી જૂનું તળાવ તો છે બાણગંગાનું તળાવ. એક દંતકથા તો તેને પૌરાણિક પરશુરામ સાથે સાંકળે છે. સ્કંદ પુરાણના સહ્યાદ્રી ખંડમાં પરશુરામની કથા જોવા મળે છે. તેમણે આ પૃથ્વી પરના તમામ ક્ષત્રિયોનો નાશ કરીને બધી ભૂમિ બ્રાહ્મણોને હવાલે કરી. એટલું જ નહિ સાગર – સમુદ્ર – ને પાછળ હઠવા ફરજ પાડી નવી ભૂમિ મેળવી. (એ હતું પહેલવહેલું ‘રેકલમેશન.’) પરિણામે કન્યાકુમારીથી ભૃગુકચ્છ સુધી જમીનની નવી લાંબી પટ્ટી અસ્તિત્ત્વમાં આવી. ભૃગુકચ્છ તે આજનું ભરૂચ. આ આખો વિસ્તાર પરશુરામ ક્ષેત્ર તરીકે ઓળખાયો. આ નવસાધ્ય ભૂમિને તેમણે સાત ભાગમાં વહેંચી. તેમાંનો એક ભાગ તે શૂર્પારક, થાણે, અને મુંબઈના સાત ટાપુઓ. આ બધા જ પ્રદેશોમાં તેમણે બ્રાહ્મણોને વસાવ્યા. પણ ધાર્મિક ક્રિયાઓ માટે બ્રાહ્મણોને રોજ પાણી જોઈએ તે આ બધા પ્રદેશોમાં નહોતું. આથી પરશુરામે પહેલાં ૧૪ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ કર્યું અને પછી તે દરેકની પાસે જમીનમાં બાણ મારી પાણીનું તળાવ બનાવ્યું. એ પાણી કાંઈ જેવું તેવું નહોતું, ગંગા નદીનું પાણી હતું. આ રીતે પરશુરામે જે ૧૪ તળાવ બનાવ્યાં તેમાંનું એક તે મુંબઈનું બાણગંગા. તો બીજી એક દંતકથા પ્રમાણે સીતાનું અપહરણ થયું તે પછી તેને છોડાવવા લક્ષ્મણ સાથે લંકા જઈ રહેલા શ્રી રામ મલબાર હિલના ડુંગર પર રહ્યા હતા. તે વખતે લક્ષ્મણને તરસ લાગતાં શ્રી રામે જમીનમાં તીર મારી પાણી કાઢ્યું હતું.

આજે પણ બાણગંગા પાસે જઈએ તો આપણે મુંબઈ જેવા મહાનગરમાં છીએ એ હકીકત બે ઘડી તો ભૂલી જઈએ. જાણે કોઈ તીર્થસ્થાનમાં આવ્યા હોઈએ એમ લાગે. તળાવની આસપાસ મંદિરો, મઠ, સમાધિઓ, ધર્મશાળાઓ જોવા મળે. અબોટિયું પહેરીને પૂજા કરવા જતા પુરુષો પણ મળે. સવાર સાંજ મંદિરોના ઘંટારવ ચારે દિશામાં ફેલાય. અલબત્ત, જરાક ઉપર નજર કરીએ તો અનેક બહુમાળી મકાનો પણ દેખાય. અને ત્યારે ફરી ખ્યાલ આવે કે આપણે ઊભા છીએ એક મહાનગરમાં. અમુક વર્ષો એવાં પણ આવ્યાં કે જ્યારે આજુબાજુનો વિસ્તાર ‘વિકાસ’થી ધમધમવા લાગ્યો, પણ બાણગંગાનું તળાવ એક ગંદુ ખંડિયર બનતું ગયું. પણ પછી કેટલાક લોકો જાગ્યા. મ્યુનિસીપાલિટી જાગી, સરકાર જાગી. વિસ્તાર ‘નો ડેવલપમેન્ટ ઝોન’ જાહેર થયો. બાણગંગાનું નવનિર્માણ થયું. ૧૯૯૨થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં બે દિવસનો બાણગંગા ફેસ્ટિવલ યોજાવા લાગ્યો. તેમાં શાસ્ત્રીય સંગીતના દેશના ટોચના કલાકારો ભાગ લે છે. 

કનૈયાલાલ મુનશીની નવલકથા ભગવાન પરશુરામ માટે રવિશંકર રાવળ દોરેલું ભગવાન પરશુરામ નું ચિત્ર

આપણા અગ્રણી સાહિત્ય સર્જક કનૈયાલાલ મુનશી હતા ભાર્ગવ બ્રાહમણ. પોતાને ભગવાન પરશુરામના વંશજ માનતા. તેમણે ભગવાન પરશુરામનાં જીવન અને સમય પર આધારિત નાટકો અને નવલકથા લખ્યાં છે. તેમની એક નવલકથા તે ભગવાન પરશુરામ. તેની પ્રસ્તાવનામાં પરશુરામ વિષે મુનશી લખે છે: “તે મહર્ષિ હતા, સંસ્કારી ઉચ્ચતાના પ્રતિનિધિ હતા અને વળી ભયંકર ને દુર્જેય, પ્રતાપી ને અડગ વિજેતા હતા. કૃષ્ણપૂજાના સમય પહેલાંની હિંદુ લેખકોની કલ્પનાશક્તિ, ભૂતકાળના પટ પર ચિતરાયેલા એ નક્ષત્રીકારક દ્વિજેન્દ્રની મહત્તાના ગુણની ગુલામ થઇ હતી. જે રીતે શ્રી કૃષ્ણ આર્યાવર્તનાં જીવન અને સાહિત્યમાં અધિષ્ઠાતા તરીકે અપૂર્વ સ્થાન પામે છે, તેવું સ્થાન ઈ.સ.ની ચોથી કે પાંચમી સદી પહેલાં પરશુરામ ભોગવતા.” પછી મુનશી ઉમેરે છે: “મારા પર એક આક્ષેપ જરૂર થવાનો કે આ મહાનાટકમાં ભૃગુવંશના મહાપુરુષોની કથા મેં માંડી છે. હું ભરૂચનો ભાર્ગવ બ્રાહ્મણ રહ્યો, એટલે ગુજરાતીઓ એમ કહેવાના જ. પણ જે અભ્યાસીઓ છે તે તો સમજી શકશે કે ભૃગુવંશ એ વૈદિક ને પુરાણકાળની એક મહાપ્રચંડ શક્તિ હતી.” આવી મહાપ્રચંડ શક્તિએ જો મુંબઈની ધરતી પર ખરેખર પગ મૂક્યો હોય તો તે ભૂમિ નસીબદાર કહેવાય. આ નસીબદાર ભૂમિની બીજી કેટલીક વાતો હવે પછી.

(વધુ આવતા ગુરુવારે)

ચલ મન મુંબઈ નગરી – (૩) – દીપક મહેતા

વાર શનિ. મહિનો ડિસેમ્બર. તારીખ બીજી. અને વર્ષ ઈ.સ. ૯૯૯. મુંબઈની તવારીખમાં આ દિવસનું મહત્ત્વ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે. એ દિવસે કેટલાક પારસીઓ મુંબઈ નજીકની કેનેરી ગુફાઓ જોવા આવ્યા હતા અને જતાં પહેલાં પોતાનાં નામ ગુફાની એક દીવાલ પર કોતરી ગયા હતા, તારીખ-વાર સાથે. અલબત્ત, આ લખાણ પહેલવી ભાષામાં છે. પણ મુંબઈની ધરતી પર પગ મૂકનારા આ પહેલવહેલા ગુજરાતીઓ. કેનેરીનું મૂળ નામ તો કૃષ્ણ ગિરિ, એટલે કે કાળો પર્વત. એ પર્વત પર કુલ ૧૦૯ ગુફાઓ આવેલી છે. તેનું નિર્માણ ઈ.સ.પૂર્વે પહેલી સદીમાં શરૂ થયું હતું, અને ઈ.સ.ની ૧૧મી સદી સુધી એ કામ ચાલ્યું હતું. જો કે ઈ.સ.ની ત્રીજી સદી સુધીમાં તો કેનેરી બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ચૂક્યું હતું. એટલે કે આ પારસીએઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે કેનેરી એ કાંઈ આજની જેમ એક પર્યટન ધામ નહોતું, પણ બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે કોઈ બીજા – પારસી – ધર્મના અનુયાયીઓ અહીં આવે એ વાત મહત્ત્વની ગણાય.

કેનેરીની ગુફાઓ ૧૯મી સદીમાં

પણ એ પારસીઓ તો મુલાકાતીઓ હતા. પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો તે પહેલાં ગુજરાતથી આવીને અહીં કેટલાક લોકો વસ્યા હતા. સુરત પાસેના એક ગામડામાંથી દોરાબજી નાનાભાઈ ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવીને વસ્યા હતા. મુંબઈના એ પહેલા ગુજરાતી વસાહતી. મુંબઈ આવ્યા તે પહેલાં દોરાબજી વેપાર કરતા હતા અને તેને કારણે જુદા જુદા લોકોના પરિચયમાં આવેલા. તેને કારણે તેઓ મરાઠી અને પોર્ટુગીઝ જેવી ભાષાઓના પણ જાણકાર બની ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેઓ અહીંના કોળી લોકો સાથે સારી રીતે હળીભળી ગયા હતા. એ વખતે પોર્ટુગીઝ શાસકો અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા નહોતા. એ ભાષાઓ તથા પોર્ટુગીઝ જાણનાર દોરાબજી તેમની આંખમાં વસી ગયા. એટલે પોર્ટુગીઝ શાસકો મુંબઈના વહીવટમાં નિયમિત રીતે તેમની સલાહ લેતા એટલું જ નહિ, વહીવટની કેટલીક જવાબદારી પણ તેમને સોંપેલી. પણ પછી પોર્ટુગીઝ રાજાએ દાયજામાં મુંબઈ શહેર અંગ્રેજોને આપ્યું અને પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. પણ જતાં પહેલાં તેમણે દોરાબજીની વફાદારીપૂર્વકની સેવાની કદર કરી અને આજે જે કાવસજી પટેલ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં તેમને જમીન અને એક બંગલો ભેટ આપતા ગયા. એટલું જ નહિ, જતાં જતાં તેઓ નવા આવેલા અંગ્રેજ શાસકોને દોરાબજી માટે ભલામણ કરતા ગયા. મુંબઈ પોતાના તાબામાં આવ્યું તે પછી ૧૬૬૮માં અંગ્રેજોએ મુંબઈના લોકો પર મુન્ડકા વેરો લાદ્યો. દેખીતી રીતે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. અહીંના લોકોને જો કોઈ સમજાવી-પટાવી શકે તો તે દોરાબજી. એટલે આ વેરો ઉઘરાવવાનું કામ સરકારે તેમને સોંપ્યું. દોરાબજીએ લગભગ ૨૬ વર્ષ સુધી અંગ્રેજોની સેવા વફાદારીપૂર્વક કરી. તે પછી ઈ.સ. ૧૬૮૮માં તેઓ બેહસ્તનશીન થયા. આમ, દોરાબજી ગુજરાતથી આવીને મુંબઈમાં વસનારાઓમાં સૌથી પહેલા હતા એટલું જ નહિ, મુંબઈના વહીવટમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પહેલા ગુજરાતી હતા.

મુંબઈમાં વસતું એક પારસી કુટુંબ

દોરાબજી પછી તેમની જગ્યા તેમના બેટા રુસ્તમજીએ લીધી. તેમણે તો બાપ કરતાંય સવાઈ વફાદારી અંગ્રેજ સરકાર તરફ બતાવી. અને ૧૬૯૨માં એક પ્રસંગે તો તેમણે અસાધારણ હિંમત, કૂનેહ, અને વફાદારી બતાવી. બન્યું એવું કે એ વર્ષમાં જંજીરાના સિદીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું. એ વખતે અંગ્રેજોની ફેક્ટરી (ઓફિસ)નો વડો બહારગામ ગયો હતો. રૂસ્તમજીએ મુંબઈના સ્થાનિક કોળી યુવાનોને ભેગા કર્યા અને તેમનું સૈન્ય બનાવી સીદીઓ સામે લડ્યા એટલું જ નહિ, તેમને હરાવીને ભગાડ્યા. આ હુમલાના ત્રણ દિવસ દરમ્યાન આખા શહેરનો કારભાર પણ રૂસ્તમજીએ જ સંભાળ્યો હતો. ત્યારથી લોકો તેમને જનરલ રૂસ્તમજી તરીકે ઓળખવા લાગ્યા. અને સરકારે તેમને ‘મુંબઈના પટેલ’નો ખિતાબ આપ્યો. ત્યારથી તેમના વંશજોએ પટેલ અટક અપનાવી. આજે વિચિત્ર લાગે એવો બીજો એક હક્ક પણ અંગ્રેજોએ રૂસ્તમજીને આપેલો: માછલી પકડીને જેટલા મછવા મુંબઈના કોઈ પણ બંદરે આવે તેણે એક-એક માછલી રૂસ્તમજીને વેરા તરીકે આપવી પડતી! વળી મુંબઈનાં ખેતરોમાં પાક લણતાં પહેલાં ખેડૂતે રુસ્તમજીને વેરો ચૂકવવો પડતો અને તે પછી જ પાકની લણણી શરૂ થઇ શકતી. બ્રિટીશ સરકાની ૭૧ વર્ષ સુધી વફાદારીપૂર્વક સેવા કર્યા પછી, ૯૬ વર્ષની પાકટ વયે,૧૭૬૩ના એપ્રિલની ૧૨મી તારીખે રૂસ્તમજી બેહસ્તનશીન થયા.

રુસ્તમજીના અંગત જીવનનો એક કિસ્સો પણ મજેદાર છે. પહેલાં લગ્ન પછી થોડાંક વર્ષોમાં તેમનાં પત્ની ગુજરી ગયાં. એ વખતના સામાન્ય રિવાજ મુજબ રુસ્તમજીએ બીજાં લગ્ન કર્યાં. દામ્પત્યજીવન સુખી, પણ ઓલાદ નહિ. પણ જેવી ખોદાયજીની મરજી એમ માની મન મનાવી લીધેલું. પીરોજાબાનુ નામની ૧૩-૧૪ વર્ષની છોકરી એક જર્મન મુસાફર સાથે ઈરાનથી મુંબઈ આવી. પીરોજા હતી રૂપરૂપનો અંબાર, અને એ વખતે ઈરાનના મુસલમાનો આવી છોકરીઓને ઉઠાવી જઈને તેમની સાથે બળજબરીથી નિકાહ પઢતા. એટલે કોઈ સારો પારસી મુરતિયો જોઈ તેની સાથે પરણાવી દેવાની વિનંતી સાથે પીરોજાના પિતાએ જ તેને પેલા જર્મન મિત્ર સાથે મુંબઈ મોકલેલી. કોટ વિસ્તારમાં આજે જ્યાં ફોર્બ્સ સ્ટ્રીટ છે ત્યાં એ વખતે એક તળાવ હતું. સાંજ પડ્યે પારસી પુરુષો તેને કાંઠે ભેગા થઇ ગામગપાટા હાંકતા. એક દિવસ શેઠ ભીખા બહેરામ પોતાની સાથે પીરોજાને લઈને ત્યાં આવ્યા. કહ્યું કે અ બધા બેઠા છે તેમાંથી કોઈ એકને પસંદ કરી લે. પીરોજાએ વારાફરતી બધા પુરુષો સામે જોયું. પછી ત્યાં બેઠેલા રુસ્તમજીનો હાથ પકડીને બોલી કે પરણું તો એવણને જ પરણું. આ સાંભળી રુસ્તમજી જનરલ તો ઊભી પૂંછડીએ ભાગ્યા. કારણ ભલે ઓલાદ નહોતી, પણ ઘરસંસાર સુખી હતો. ત્રીજું ઘર માંડવાની ઈચ્છા નહોતી. બીજી સાંજે પણ શેઠ ભીખા બહેરામ પીરોજાને લઈને ત્યાં આવ્યા. બીકના માર્યા રુસ્તમજી તો આવ્યા જ નહોતા! ફરી એ જ વાત: અ બધા બેઠા છે એમાંથી કોઈ એક મુરતિયો પસંદ કરી લે. પણ છોકરી માની નહિ. કહે, પરણું તો રુસ્તમજીને, નહિતર નહિ. છેવટે ભીખા બહેરામ અને બીજા કેટલાક પારસી આગેવાનો રુસ્તમજીને ઘરે ગયા. સમજાવ્યા: છોકરી સારી, સુશીલ, ગુણવાન છે. તમારું ઘર ઉજાળશે. અને ખોદાયજીની ઈચ્છા હશે તો તમારો વંશવેલો પણ વધારશે. બીજાં પત્નીએ પણ સંમતિ આપી. એટલે છેવટે રૂસ્તમજી પીરોજાને પરણી ગયા. વખત જતાં પીરોજા અને રૂસ્તમજીને ચાર દિકરા થયા: કાવસજી, દોરાબજી, કેખુશરૂ, અને તેમુલજી.

રુસ્તમજીના અવસાન પછી તેમના વડા બેટા કાવસજી સરકારી કામમાં જોડાયા. તેમને સરકારે એક નવી જવાબદારીએ સોંપી: સરકારી માલસામાનની હેરફેર માટે જરૂરી વહાણો ભાડે મેળવી આપવાની. વખત જતાં મુંબઈ નજીકનાં થાણા અને વસાઈ પણ અંગ્રેજોના તાબામાં આવ્યા. તેના સઘળા વહીવટની જવાબદારી સરકારે કાવાસજીને સોંપી. એટલું જ નહિ, આ બે જગ્યાએથી મુંબઈની મુલાકાતે  આવતાં પહેલાં અને મુંબઈથી એ બે જગ્યાએ જતાં પહેલાં હર કોઈ ‘દેશી’એ કાવસજીની લેખિત મંજૂરી લેવી પડતી.  આ કાવસજીના માનમાં જ કોટ વિસ્તારના એક રસ્તાનું નામ કાવસજી પટેલ સ્ટ્રીટ રાખવામાં આવ્યું. અને હવે તો એ તળાવનું નામોનિશાન રહ્યું નથી, પણ હજી આજેય તે ખેતવાડી નજીકનો જે વિસ્તાર સી.પી. ટેંક તરીકે ઓળખાય છે તે તળાવ ઈ.સ. ૧૭૭૫માં કાવસજીએ પોતાને ખર્ચે બંધાવેલું એટલું જ નહિ, તેની જાળવણી અને સમારકામનો બધો ખર્ચ દાયકાઓ સુધી પટેલ ખાનદાનના નબીરાઓ કરતા હતા. કાવસજીએ બંધાવેલું આ તળાવ તે જ કાવસજી પટેલ (સી.પી) ટેન્ક. મુંબઈમાં બાંધવામાં આવેલું જૂનામાં જૂનું તળાવ. ૧૭૯૯ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે માત્ર ૫૭ વર્ષની ઉંમરે કાવસજી બેહસ્તનશીન થયા.   એક વાર દોરાબજીએ મુંબઈનાં બારણાં ઉઘાડી આપ્યાં પછી તો ગુજરાતથી અહીં પારસીઓ આવ્યા, કપોળ વાણિયા અને નાગર આવ્યા, વોરા, ખોજા અને મેમણ આવ્યા, જાતભાતનાં કારીગરો અને વસવાયાં આવ્યાં. એક જમાનામાં મુંબઈનો સી વોર્ડ એ ગુજરાતીઓનો ગઢ ગણાતો. ગુજરાતના બધા પ્રદેશની, બધી જ્ઞાતિઓની, બધા વ્યવસાયોની, બધા કારીગરોની બોલી જો કોઈ એક જ જગ્યાએ સાંભળવી હોય તો તે ગુજરાતમાં નહિ, મુંબઈના સી વોર્ડમાં સાંભળવા મળતી. અમદાવાદવાસી કવિ દલપતરામ બે-ત્રણ વખત મુંબઈ આવ્યા હતા અને મુંબઈને જોઇને દંગ થઇ ગયા હતા. આથી જ તેમણે લખ્યું:

કવિ દલપતરામ

જનો દેશદેશોતણા ત્યાં ફરે છે,

જુદી વાણી ને વેશ જુદા ધરે છે;

દિસે જાણીયે ઈશ્વરે ધારી લીધું,

જનોનું ભલું સંગ્રહસ્થાન કીધું.

લંકાની લક્ષ્મી બધી, છે મુંબઈ મોઝાર;

જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર.

(વધુ આવતા ગુરુવારે)

ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ ગયું છે: ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ પહેલાં મુંબઈ કે મુંબાઈ હતું તેને અંગ્રેજોએ બોમ્બે બનાવ્યું. અંગ્રેજોએ જેને બોમ્બે બનાવેલું તેને આપણે ફરી મુંબઈ બનાવ્યું. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખાતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બીયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દક્રિસ્ટો નામનો માણસ તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક માણસ લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. તો વળી હિન્દીભાષીઓ  આ શહેરને ‘બમ્બઈ’ કહેતા.

Continue reading ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા

“ચલ મન મુંબઈ નગરી”- (૧) – દીપક મહેતા

દીપક મહેતાનો પરિચયઃ


દીપક મહેતાનો પરિચયઃ
(દીપક મહેતાનો જન્મ ૧૯૩૯માં મુંબઈમાં થયો હતો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યા પછી ૧૯૬૩મં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. એમ.એ. ની પરીક્ષામાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. એમ.એ. ની પરીક્ષામાં ગુજરાતીના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને મુંબઈ યુનિવર્સિટીનો બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૬૩થી ૧૯૭૪ સુધી તેમણે મુંબઈની કે. જે. સોમૈયા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને ત્યારબાદ ૧૯૭૭ સુધી પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે કામ કર્યું. તે પછી ૧૯૮૬ સુધી દિલ્હીની યુ.એસ. લાયબ્રેરી ઓફ કોંગ્રેસની ઓફિસમાં ગુજરાતી અને મરાઠી ભાષા-સાહિત્યના વિશેષજ્ઞ તરીકે કામ કર્યું અને ૧૯૯૯માં નિવૃત્ત થયા.
એમની નવલકથાઃ કસબ અને કલા, કથાવલોકન, કથાપ્રસંગ, આપણા કેટલાક સાહિત્ય સર્જેકો, દીપે અરુણું પરભાત, અને ઓગણીસમી સદીની ગુજરાત ગ્રંથસમૃદ્ધિ (ગુજરાતી સાહિત્ય પરિષદના રમણલાલ જોષી પુરસ્કારથી સન્માનિત) એ તેમનાં સાહિત્ય વિવેચનનાં પુસ્તકો છે. માતૃવંદનાના પાંચ ભાગ, માતૃપ્રદક્ષિણા, માતૃસંહિતા, લગ્નકથા, પ્રતીચી (અંગ્રેજીમાં), મુનશીનો વૈભવ, ૨૦૦૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, ઉત્તરાયણ, ગુલાબદાસ બ્રોકરની શબ્દસૃષ્ટિ, શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ જેવાં સંપાદનો તેમણે આપ્યાં છે. તેમણે ૧૫ જેતલી પરિચય પુસ્તિકા લખી છે. મુંબઈના સમકાલીન અને મુંબઈ સમાચારમાં તથા સુરતના ગુજરાત્મિત્રમાં તેમ્ણે લાંબા વખત સુધી સાહિત્યિક કટારો લખી છે. ૨૦૧૪માં તેમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જીવન ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આવા નિવડેલા લેખકની કલમે આપણે પણ માણીએ, “ચલ મન મુંબઈ નગરી”. દીપકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, “દાવડાનું આંગણું”માં.)

ચલ મન મુંબઈ નગરી – (૧)
દીપક મહેતા

નાનપણમાં આપણામાંથી ઘણાએ સિન્ડ્રેલાની વાર્તા વાંચેલી કે સાંભળેલી. તેનાં ચિત્રો પણ ચોપડીમાં જોયેલાં. ફાટેલાં તૂટેલાં કપડાં પહેરીને આખો દિવસ ઘરકામનો ઢસરડો કર્યા કરતી, નોકરડીની જેમ. પણ પરીની જાદુઈ લાકડી અડી અને તે તો બની ગઈ રાજકુમારી! પછી આપણે મોટા થયા. પરીકથા એટલે તો ઠાલી કલ્પના, ગપગોળા, એવું માનતા થયા. પણ ના. પરીકથાની વાત ક્યારેક સાચી પણ પડે છે. આપણા દેશના પશ્ચિમ કાંઠા પર સાત ટાપુનું એક નાનકડું ઝુંડ. સાતે ટાપુ સિન્ડ્રેલા જેવા જ ભૂંડાભખ. પણ પુરુષાર્થની જાદુઈ લાકડી અડી અને એ સાત ટાપુઓ બની ગયા એક સોનેરી શહેર. પુરુષાર્થની એ જાદુઈ લાકડી કોઈ એક હાથમાં નહોતી. અનેક હાથમાં હતી એ લાકડી. મરાઠીઓ અને ગુજરાતીઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓ, મારવાડીઓ અને કોંકણીઓ. ખાલી તળાવને દૂધથી છલકાવી દેવા માટે કોઈ ચાંગળું દૂધ લાવ્યા, કોઈ ઘડો ભરીને. જેની જેવી ત્રેવડ. રાતોરાત તો નહિ, પણ અઢી સો- ત્રણ સો વરસમાં તળાવ તો ઊભરાઈ ગયું. ન સાંધો મળે ન રેણ, એવી રીતે એ સાત ટાપુ એક બીજા સાથે જોડાઈ ગયા. Continue reading “ચલ મન મુંબઈ નગરી”- (૧) – દીપક મહેતા