Category Archives: નંદિની ત્રિવેદી

“આઘે આઘેથી વેણુ…”- હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

“કોઈ આઘે આઘેથી વેણુ વાય છે
મને જાતી રહું, જાતી રહું થાય છે…!”
કૌમુદી મુનશી: સ્મૃતિવંદના
નંદિની ત્રિવેદી

ત્રીજી ફેબ્રુઆરી આવે એટલે અમને અંગત મિત્રોને ખબર જ હોય કે એ દિવસે આંખ-કાન-જીભ બધાંને જલસો. બુલબુલ જેવો મીઠો કંઠ ધરાવતાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનો એ જન્મદિન. કૌમુદીબહેનનાં શિષ્યા નેહા યાજ્ઞિક જ મોટેભાગે પાર્ટીનું આયોજન કરે અને અમે બધાં જોડાઈ જઈએ.

Continue reading “આઘે આઘેથી વેણુ…”- હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

આંગળીમાં ફૂટે ટચકા..’ હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

ખેલૈયા – ભાગ ૩ જો ને છેલ્લો

‘આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ’
– નંદિની ત્રિવેદી
1990માં અમદાવાદ છોડીને મુંબઈ આવી ત્યારે મુંબઈમાં અદ્ભુત નાટકો જોવા મળશે એ આકર્ષણ સૌથી વધારે હતું. એ વખતે નાટકોમાં બટાટાવડા ‘કલ્ચર’ બહુ વિકસ્યું નહોતું. વિકસ્યું હોય તો કદાચ હું એનાથી અજાણ હતી કારણ કે સામાજિક નાટકો પ્રત્યે રુચિ થોડીક ઓછી હતી. રવીન્દ્ર સંગીત અને બંગાળી ભાષા શીખતી હોવાને કારણે એ સંસ્કૃતિનો પ્રભાવ ઘણો હતો. એ વખતે કન્નડ, ઓરિસ્સા, બંગાળીમાંથી ગુજરાતી અનુવાદો ઘણા વાંચ્યા હોવાથી કોક જુદી જ દુનિયામાં મનોવિહાર ચાલતો હતો.

આર્ટ ફિલ્મો જોવી, ન સમજાય એવાં નાટકો જોવાં એવું બધું…એબ્સર્ડ એબ્સર્ડ અને સર્રિયલ! સિતાંશુ યશશ્ચંદ્ર, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુભાષ શાહ, શિવકુમાર જોશી જેવા લેખકોએ ઉત્તમ નાટકો, રુપાંતર અને મૌલિક સ્વરૂપે ગુજરાતીમાં આપ્યાં એનોય લાભ લીધો હતો.

મને બરાબર યાદ છે કે મુંબઈ શિફ્ટ થયાં પછી છાપાંમાં ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકની એડ વાંચી. મુખ્ય કલાકાર નસીરુદ્દીન શાહ. આ નાટક અમદાવાદમાં નિમેષ દેસાઈ ભજવ્યું હતું ત્યારે જોયું હતું. નિમેષભાઈના નાટકો પણ અનોખાં એટલે એ તો જોવાનાં જ. પણ આ તો ભઈ મુંબઈ! એમાં પાછાં નસીરભાઈ એક્ટિંગ કરે એટલે તો નાટક જોવું જ પડે. એનસીપીએના કોક મિનિ થિયેટરમાં એનો શો હતો. અમે તો ઊપડ્યાં. ટિકિટ વિન્ડો પાસે ગયાં ત્યારે ખબર પડી કે સાત વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ નથી. અમારી સાથે છ વર્ષની દીકરી હતી એટલે પતિ-પત્ની બેમાંથી એક જ જઈ શકે એમ હતું. તેથી નાટક જોવાને બદલે બેબીને ફુગ્ગા અપાવીને નરીમાન પોઈન્ટની પાળી પર મેં બે કલાક પસાર કર્યા હતા!

નસીરૂદ્દીન શાહે આ નાટક વિશે એક ઈન્ટરેસ્ટિંગ વાત કહી હતી કે, “વર્ષો પછી અમેરિકન બ્રોડવેમાં આ નાટક અમે 150 ડોલર્સ ખર્ચીને જોયું હતું. તમે માનશો? અમે ભજવેલા ‘વેઈટિંગ ફોર ગોદો’ની આખી પ્રોડક્શન કોસ્ટ આ ટિકિટના પૈસા કરતાં ઓછી હતી!” પરંતુ, પેલી ઑફબીટ નાટકોની મારી ચળ ઓછી નહોતી થઈ એટલે ગમે એમ કરીને ગિરીશ કર્નાડનાં નાટકો તોખાર, હયવદન, યયાતિ, તુખલક, બાદલ સરકારનું ‘પગલા ઘોડા’ અને એ પછી સમયાંતરે મોહન રાકેશનું ‘આધે અધૂરે’, પરેશ રાવલ-નસીરૂદ્દીન શાહ અભિનીત ‘ખેલ’, જાવેદ સીદ્દીકીનું ‘તુમ્હારી અમ્રિતા’, શબાના આઝમીનું બ્રોકન ઈમેજ, જયા ભાદૂરીનું મા રિટાયર હોતી હૈ, જયતિ ભાટિયાનું ખતીજાબાઈ ઓફ કર્માલી ટેરેસ, લુબ્ના સલીમ અભિનીત ‘હમસફર’, લિલેટ દૂબેનૂં થર્ટી ડેઝ ઈન સપ્ટેમ્બર, ત્રિશલા પટેલનું ‘ધ ડૉલ’ તથા શુભા મુદગલનું ‘સ્ટોરી એન્ડ સૉંગ્સ’ વિક્રમ કાપડિયાનું ‘બોમ્બે ટૉકિઝ’, નૌશિલ મહેતાનું ‘પત્રમિત્રો’ સહિત ઘણાં મેઈન સ્ટ્રીમ અને પેરેલલ નાટકો જોઈ લીધાં. આ નાટકોએ મન પર દીર્ઘ અસર છોડી હતી.

આધુનિક ગુજરાતી રંગભૂમિનો પાયો 1980માં નંખાયો એ પછી અનેક નાટ્યકર્મીઓએ પાશ્ચાત્ય ટેકનિકનો ઉપયોગ સંગીતથી લઈને મંચસજ્જા સુધી કરીને અઢળક સરસ નાટકો આપીને ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ બનાવી. પરંતુ, માહ્યલો મ્યુઝિકનો એટલે સરસ સંગીત નાટકનો ઈન્તજાર હતો. ખેલૈયા, એવા મુંબઈમાં ચાલ જઈએ (સંગીત પિયુષ કનોજિયા), તાક્ ધિના ધીન તથા તાથૈયા (સંગીત ઉત્તંક વોરા) જેવાં આધુનિક રંગભૂમિનાં મ્યુઝિકલ્સ મુંબઈમાં મારી અનુપસ્થિતિને લીધે ચૂકી જવાયાં હતાં.

એવામાં સાલ 2001માં મેહુલ બૂચ દિગ્દર્શિત ‘અમસ્તા અમસ્તા’ નાટક આવ્યું. એ સંગીત નાટક હતું પરંતુ લાઈવ પ્રેઝન્ટેશન નહીં. છતાં મજા પડી હતી. અનિલ જોશીનાં ગીતો અને આલાપ દેસાઈનું સંગીત અને કંઠ. આજનાં જાણીતાં કલાકાર સ્નેહા દેસાઈનાં લગ્ન નહોતાં થયાં એટલે એમણે સ્નેહા પારેખને નામે બે ગીતો લખ્યાં હતાં. સ્નેહા-જીમિત ત્રિવેદી, સનત વ્યાસે ‘ખેલૈયા’ના રિવાઈવલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ એ પછી ખરા અર્થમાં લાઈવ મ્યુઝિકલ નાટક આવ્યું ‘માસ્ટર ફૂલમણિ’. ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરાની મુખ્ય ભૂમિકા સાથેના આ નાટકમાં ઉદય મઝુમદારના સંગીતની કમાલ તો ખરી જ. જૂની રંગભૂમિના મિજાજમાં આધુનિક ટ્રીટમેન્ટ સાથે ભજવાયેલું આ નાટક ‘ખેલૈયા’ના લેખક ચંદ્ર શાહે જ લખ્યું હતું અને મનોજ શાહનું દિગ્દર્શન હતું. ત્યારબાદ મિહિર ભૂતા લિખિત અને સુનીલ શાનબાગ દિગ્દર્શિત ‘મારો પિયુ ગયો રંગૂન’ એ બહુ સરસ લાઈવ મ્યુઝિકલ હતું. લંડનના ગોલ્ડન ગ્લોબ થિયેટરમાં રજૂ થયેલું પહેલું ગુજરાતી નાટક. ઉદય મઝુમદારનું કર્ણપ્રિય સંગીત તથા મુખ્ય અભિનેત્રી માનસી પારેખ-ગોહિલના કેળવાયેલા અવાજને લીધે એનાં ગીતો વધુ નિખરી ઊઠ્યાં હતાં. મીનળ પટેલ-ઉત્કર્ષ મઝુમદાર તથા ચિરાગ વોરાની પ્રધાન ભૂમિકા હતી.

સંગીત નાટકોનો એક અલગ જ ચાર્મ હોય છે. ‘ખેલૈયા’ વિશેના લેખોનો પ્રતિભાવ જોતાં એ તો નિશ્ચિત થઈ જ ગયું કે લોકોને 40 વર્ષે પણ ગીતો યાદ રહે છે. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ ‘રસકવિ’ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર અને જાણીતા સેક્સોલોજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટે ‘ખેલૈયા’નાં ગીતોની કથા વાંચીને જૂની યાદો તાજી કરી હતી. એમણે કહ્યું, “ખેલૈયા વિશે વાંચીને તરબતર થઈ ગયો. એ જમાનામાં નાટક પ્રત્યેની લગન અને નિષ્ઠા કમાલનાં હતાં. ચંદ્ર શાહે આ નાટક મજેદાર લખ્યું. એ વખતનો નાનકડો ચંદુ અત્યારે તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે! મહેન્દ્ર જોશી જબરજસ્ત ડિરેક્ટર. ગુજરાતી નાટકોને 125 વર્ષ થયાં ત્યારે પાટકર હૉલમાં એક સમારંભ હતો. મહેન્દ્ર જોશી સ્ટેજ પર હતા. કદ એવું નાનું કે કોઈ વિચારે કે આ માણસ કોણ હશે? એમણે ઊભાં થઈ અનાઉન્સ કર્યું કે અમને સારાં નાટકો, સારાં થિયેટરો આપો. પછી ખબર પડી કે આ તો નાટ્ય દિગ્દર્શક છે. પણ ગજબના દિગ્દર્શક. એમણે જે કોઈ કલાકારને સ્પર્શ કર્યો એ બધાં સોનું થઈ ગયા. પૃથ્વી થિયેટરમાં કેટલાંય અદ્ભુત એકાંકીઓ એમણે કરેલાં. એ જમાનો જ જુદો હતો. સત્યદેવ દૂબે પણ તેજપાલમાં નાટક કરે તો એની ટિકિટ ન હોય. એ પોતે ગેટ પાસે ઝોલો લઈને ઊભા રહે. જેને એમાં જે કંઈ રૂપિયા-પૈસા નાંખવા હોય એ નાંખે. પૃથ્વીરાજ કપૂર પણ આવું કરતા હતા. ખાનદાની કેવી તેઓ ઉપર પણ ના જુએ કે કોણ કેટલું થેલામાં નાખે છે. આવા પ્રતિબદ્ધ કલાકારો! ‘ખેલૈયા’ સાથે કેવાં મોટાં નામો સંકળાયેલા હતા એની પ્રતીતિ હવે થાય!”

આમિર ખાને કરિયરની શરૂઆત ‘ખેલૈયા’થી જ કરી હતી. એય બૅકસ્ટેજ બૉય તરીકે. આ નાટક એને બહેન નિખતને લીધે જ મળ્યું હતું કારણ કે નિખત એ વખતે નાટ્ય દિગ્દર્શક મહેન્દ્ર જોશીના પ્રેમમાં હતી. એણે મહેન્દ્રને ‘ખેલૈયા’ માટે આમિરનું નામ સૂચવ્યું. એ વખતે એ આમિર હુસૈન તરીકે ઓળખાતો. આમિરને એ વખતે એક્ટિંગમાં બિલકુલ રસ નહોતો. એને ફિલ્મ અને નાટકના ટેકનિકલ પાસાં તથા ડિરેક્શન કરવાની ઉમ્મીદ હતી. તેથી જે પાણીએ મગ ચડે એમ ચડાવવા સમજીને ખેલૈયામાં બૅકસ્ટેજનું કામ લઈ લીધું જેમાં ઝાડૂ મારવાથી લઈને કલાકારોનાં કપડાંની ઈસ્ત્રી કરવાં જેવાં કામો હતાં. ધીમે ધીમે નાટકનો સર્વગ્રાહી અનુભવ એ મેળવતા ગયા. આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ બગાસું ખાતાં પતાસું મળી જાય એમ મળી હતી. આમિરનો કઝીન મનસૂર ખાન એ ફિલ્મનો પ્રોડ્યુસર હતો. એ પણ સાવ નવો હતો એટલે એની સાથે કોઈ સ્થાપિત અભિનેતા કામ કરવા તૈયાર ન હોવાથી ચોકલેટી ફેસ ધરાવતા આમિરને એમણે ઊભો કરી દીધો. એન્ડ, રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી!

હીરા બજારમાં કામ કરતો એક યુવાન દર મહિનાનો પગાર ‘ખેલૈયા’ પાછળ ખર્ચી દેતો હતો. પચીસ શો જોયા પછી એણે બૅકસ્ટેજમાં જોડાઈ જઈને બધા શોમાં બૅકસ્ટેજનું કામ કર્યું હતું. એ યુવાન પછી તો જિતેન ગાંધી ફોટોગ્રાફર ઓળખાવા લાગ્યો. જિમિત મલ નામના ગુજરાતી ભાષાના શિક્ષકે ખેલૈયાનો સુવર્ણ કાળ વાગોળ્યો હતો.

મુંબઈ સમાચારના વાચકોની ઈચ્છાને માન આપીને ‘ખેલૈયા’નાં રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં આવ્યા ખેલૈયા અને સૂંઘ્યો પવન તો છે જ તમારી પાસે. અન્ય ત્રણ જાણીતાં ગીતો અહીં માણો. ‘ખેલૈયા’નો ખેલ હવે સમાપ્ત કરીએ. આ ગીતો ‘સ્વરગુર્જરી’ યુટ્યુબ ઉપર સાંભળવા મળી શકશે. સ્મરણો સાથે લઈ જજો અને મિત્રો સાથે વહેંચજો.
*****

અક્ષયકુમાર અને ચૈતાલીનું ગીત
“ફેર ફુદરડી ફરી દઈ તાળી
ભમ્મ ચક્કેડી  ભમ્મ ચૈતાલી
રૂપ નીંગળતી  સાંજ  પડી છે
ભમ્મર કાળી રાત ગુજરતા
સવાર થાશે ઝાકળિયાળી
ફરફર થાતી ઈચ્છાઓને પૂરી કરવી સહેજ રમાડી
અનુભવી લે પાંપણ  ઢાળી,
ભમ્મ ચક્કેડી  ભમ્મ ચૈતાલી
તું દરિયાનું મીઠ્ઠું પાણી
હોઠે કોકિલકંઠી નદીઓ
હથેળીઓમાં લહેરો તરતી
સાવ છલોછલ તું હરિયાળી
અનુભવી લે પાંપણ  ઢાળી
પાંપણ  ઢાળી મેં રૂપાળી
લે તું લઇ જ મને ઊપાડી
જુલમ સિતમના જોગી બાવા
હું આવી છું તારી થાવા
ઈચ્છાઓને સહેજ રમાડી
લે તું લઇ જ મને ઊપાડી
આવ તને હું અનુભૂતિનાં ચશ્મા આપું
નથી મળ્યા જે હજી તને એ અજબગજબના સપનાં આપું
આ જો અહીંથી પાંખ સમેટી
ઊડી જતું આકાશ મને દેખાય
અને દેખાય દૂરની પતંગિયા જેવી ટેકરીઓ
સોનમઢ્યા ત્યાં ઘેટાં ચરતાં
ઝલમલ ઝલમલ તળાવ ફરતાં
અહીંના દ્રશ્યો જોઈ બધાનાં
હોઠ ફફડતાં તારી માફક
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
તારી હથેળીઓમાં ફૂલ ખીલે ને
આંગળીઓની સાથે એની પાંખડીઓ લહેરાતી
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
ફેર ફુદરડી ફરતાં રહીએ
ભમ્મ ચક્કેડી ભમતાં રહીએ
ચક્કર ચક્કર ફરે દુકાનો, ફરે માણસો ફરે મકાનો
ફેર ચડે તો ભલે ચડે ફરતાં રહીએ ફેર ફુદરડી

ગાયક : પરેશ રાવલ-મમતા શેઠ
*****
છેલશંકર અને મરણદાસ (અપહરણકારો)નું ગીત
ચાલ ઊડી જા ભેરુડા તું પાંખો તારી ખોલ
લાલ બદામી લોક વસે જ્યાં ઢમઢમ વાગે ઢોલ
ઊડી જા તું ભેરુડા!
હવા ચલે જ્યાં વિષ્ણુ બોલે
શંખ ફૂંકે ને સમંદર ડોલે
પરી નામ જ્યાં કોયલ બોલે
કોઈ ના આવે એની તોલે
રૂ ના જેવી ધોળી પાંખો
મોટી જેવી ઝગમગ આંખો
હોઠે એના મબલખ મોલ, પાંખો તારી ખોલ
ઊડી જા તું ભેરુડા!
ગાયકો : દર્શન જરીવાલા-કિરણ પુરોહિત
*****
બોકસમાં મૂકવાનું ગીત
આંગળીમાં ફૂટે ટચાકાને ટાચકામાં
રઘવાતું કોડીલું નામ
એમ કેમ સહેજમાં હું કહી દઉં
એ લખલખતું નામ એ છે કલબલતું નામ
હું હરણની જેમ તરસ આંખોમાં લઈને
ધોમધખ્ખ રણમાં ફરું રેબઝેબ થઈને
આંગળીઓ મૃગજળમાં તરતી પલળતી
ને ત્યાં જ આવી ખળખળતી
તું નદી બરફની એવી
કાનો છે માતર છે ઈ પણ છે દીર્ઘ ઈ
ચંદ્રમાંથી ચ લાવ્યો તારલાનો ત લાવ્યો
કહી દઉં તું ખળખળતું નામ કોનું લઈ આવ્યો
ચ ને માથે બે માતર તને એક કાનો ને
લને દીર્ઘ ઈ લગાવો ચૈતાલી નામ…!
કવિ : ચંદ્રકાન્ત શાહ
સંગીત રજત ધોળકિયા
ગાયન : ફિરોઝ અબ્બાસ ખાન અને મમતા શેઠ
નાટક : ખેલૈયા 

(હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
(ભાગ  ત્રીજો અને છેલ્લો આજે પ્રગટ થતાં “ખેલૈયા નાટકની શ્રેણી અહીં સમાપ્ત થાય છે..)

આપ સહુએ આ શ્રેણીને મન મૂકીને માણી, એ બદલ આપ સહુ વાચકોનો આભાર. આ સાથે બહેનશ્રી નંદિની ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર કે “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી ખેલૈયાની આ શ્રેણી આંગણું માં મૂકવા માટે સહર્ષ આપી. અહીં મારા મિત્ર ચંદ્રકાંત શાહનો આભાર માનું છું.

“તારા વિનાનો મેં સૂંઘ્યો પવન” – (૨) – “હૈયાને દરબાર” – નંદિની ત્રિવેદી

“તારા વિનાનો મેં સૂંઘ્યો પવન” 
નંદિની ત્રિવેદી
આઈરિશ કૉફીના કેફ સાથે ‘ખેલૈયા’નો નશો ઘૂંટાતો જાય છે. થર્ડ બેલ થઈ ગઈ છે. બીજા અંકની ઉત્સુકતા સાથે ઓડિટોરિયમમાં સૌ ગોઠવાઈ જાય છે. છોકરો-છોકરી (ફિરોઝ અબ્બાસ ખાન-મમતા શેઠ) પહેલાં અંકમાં લગ્નના ખ્વાબમાં હોય છે ત્યાં સુધીની કથા આપણે જાણી. બીજા અંકમાં વાર્તા આગળ વધે છે. ગીતોનો ચહેરો બદલાય છે. મસ્તી-તોફાનનાં ગીતો ધીમે ધીમે કરુણ-શાંત-શૃંગાર રસમાં પલટાય છે.
જેમણે આઠ હજારથી વધુ કમર્શિયલ એડ ફિલ્મમાં મ્યુઝિક તથા સાઉન્ડ ડિઝાઈનિંગ કર્યું છે તેમજ ચારસો જેટલાં નાટકોમાં સંગીત આપ્યું છે એ સુજ્ઞ સંગીતકાર રજત ધોળકિયાએ આ નાટકમાં એક એકથી ચડિયાતાં ગીતો આપ્યાં છે. નાટકના સંગીત વિશે એ કહે છે, “કરિયરના આરંભનું મારું આ નાટક. કોઈ ચિંતન-મનન વિના રિહર્સલ વખતે સાવ સાહજિક રીતે ગીતો લખાતાં અને કમ્પોઝ થતાં હતાં. પડકાર એ હતો કે અભિનેતાઓને મારે ગાયક બનાવવાના હતા. કઈ રીતે વોઈસ થ્રો કરવો, સ્વરાભ્યાસ માટે કેવો વ્યાયામ કરવો એ બધું હું રોજ શીખવતો. મોટાભાગના કલાકારોને સામાન્ય સૂરજ્ઞાન તો હતું જ. તાલીમ ન હોય એટલે ગાવું અઘરું પડે. બાકી, પરેશ રાવલ મોહમ્મદ રફીનાં ગીતોના ચાહક એટલે એમનાં ગીતો એ મૂડમાં હોય તો અમસ્તાંય ગાયા કરે. મેં આ નાટકનાં ગીતો શિખવવાનું શરૂ કર્યું તો હાર્મોનિયમની કાળી પટ્ટી પર આંગળી મુકું કે તરત પરેશ એ સ્કેલ પકડી શકે. પરંતુ, એ સ્કેલ પર સ્થિર રહેવું બધાને અઘરું પડતું. ફિરોઝ અબ્બાસ ખાનને બે-ત્રણ દિવસ સૂર પકડતાં લાગ્યા પણ દસ દિવસમાં એય તૈયાર. મમતા બહુ સારી એક્ટર પણ ગીત શીખવામાં એને સમય લાગ્યો હતો. દર્શન જરીવાલાની સંગીતની સૂઝ તથા અવાજ સારાં એટલે ઝડપથી શીખી ગયા. સંગીતમય બાળનાટકોનો અનુભવ પણ એમને કામ લાગ્યો હશે. કિરણ પુરોહિત અને સુરેન ઠાકર પ્રમાણમાં સારું ગાઈ શકતા હતા. મૂળે બધા સારા એક્ટર્સ. બધાંનો પરફોર્મન્સ જ એવો સરસ હતો કે સૂર પ્રત્યે પ્રેક્ષકો બહુ સભાન ન રહે. એ વખતે હું સંગીતકાર પ્યારેલાલના પિતા રામપ્રસાદ શર્મા પાસે નોટેશન્સ શીખતો હતો. આ નાટકનાં ગીતો માટે મેં નોટેશન્સ તો લખ્યાં પણ એક્ઝિક્યુટ કોણ કરે? ત્યારે મને સુરિન્દર સોઢી યાદ આવ્યો. શર્માજી પાસે એ પિયાનો શીખતો. અચ્છો કલાકાર. પંદર-સોળની ઉંમર. સંગીત પ્રત્યે જરાય સિરિયસ નહીં. વારંવાર ગામ ભાગી જાય. એને લઈ આવવો પડે. એટલે રામપ્રસાદજી એને સાંકળથી બાંધી રાખે. ગુરુ પણ સારો શિષ્ય ગુમાવવા નહોતા ઈચ્છતા એટલે સાંકળનો એક ભાગ પિયાનો સાથે ને બીજો સોઢીના પગમાં. આ નાટક માટે સોઢીને બોલાવવા શર્માજીને ત્યાં ગયો ત્યારે સોઢી સાંકળ ખોલીને જ રૂમની બહાર આવ્યો હતો. સોઢી સાથે બધું નક્કી થઈ ગયા પછી એણે ખૂબ મહેનત કરીને પિયાનોને એક પાત્ર જ બનાવી દીધું હતું. પછી તો એ બૉલીવૂડના જાણીતા બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ડિરેક્ટર થઈ ગયા હતા. પિયાનો સ્ટેજ પર મૂકવો એ અઘરું હતું. પહેલા શોમાં પિયાનો સ્ટેજ પર મૂકવા જ નાટકના બાર જણે મહેનત કરી પણ એ તો ટસનો મસ ન થાય. છેવટે કોઈએ મને કહ્યું કે પિયાનો ઉઠાવવા પ્રોફેશનલ માણસો જોઈએ. પિયાનો ટ્રેઇનર્સ એ ઉંચકવાના જ રૂ.700 લે. પણ એક જ મિનિટમાં ઊંચકી લે. છેવટે એમને જ બોલાવવા પડ્યા હતા. પિયાનો સ્ટેજ પર મૂકવાના ટેન્શન ઉપરાંત ભયંકર ડર એ હતો કે બધા સૂરમાં ગાશે કે નહીં! ઓપનિંગ સોંગ ખેલૈયા સુપરહિટ ગયું એટલે શાંતિ થઈ. પરેશ રાવલ સોલો અંતરા સરસ ગાઈ ગયા. બીજું ગીત મમતાનું હતું. મંચ પર અંધારપટ છવાય ત્યારે ગીત શરૂ થાય. મને ફરી ટેન્શન થયું કે સોઢી અંધારામાં પિયાનો કેવી રીતે વગાડશે! પરંતુ, એય કાબો હતો! પિયાનો પર બાર પાનાંની નોટેશન શીટ પાથરીને બેઠો હતો. અંધારું થતાં ખીસામાંથી ખાણિયાઓ પહેરે એવી હેડલાઈટ કાઢી, પહેરી અને બેક ગ્રાઉન્ડ સંગીત શરૂ થયું. અઢળક તાળીઓ પડી એટલે હું રિલેક્સ થઈ ગયો. પછી ફિરોઝ-મમતાના ગીત આંગળીમાં ફૂટે ટચાકાએ તો વન્સ મોર લીધો. આમ, બધાં ગીત ઉપડ્યાં ને નાટક સુપરહિટ થઈ ગયું.”
હવે અધૂરી વાર્તા પૂરી કરીએ. લગ્ન વખતે બધાં કેવો પોઝ આપશે ત્યાં ઈન્ટરવલ પડ્યો હતો. ફેમિલી ફોટોના એ જ પોઝથી બીજો અંક શરૂ થાય છે. દર્શકોને એવો અંદેશો આવે છે કે વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું! વરસાદી મોસમ પછી તડકો સતાવવાનો છે!
છોકરો (હકુ) છોકરી (ચૈતાલી) અને બન્ને બાપાઓ હજી વાતો શરુ કરે ત્યાં જ સૂત્રધાર- અક્ષયકુમાર (પરેશ રાવલ) આવીને બાપાઓને બિલ બતાડે છે. ખેલ ખરાખરીનો હવે મંડાય છે. ભાડૂતી અપહરણકારોનું ભાડું, પ્રોપર્ટીનો હિસાબ-જેમ કે બુઠ્ઠી તલવારો – પૂંઠાનો ચાંદો – લોહી માટે સિંદૂરનો હિસાબ ચૂકવવા અક્ષયકુમાર બાપાઓને કહે છે. હકુ-ચૈતાલીને તેમના પ્રેમની પરીક્ષાનું આ નાટક જ હતું એ વાતની જાણ થતાં બન્ને પિતાશ્રીઓ અને સંતાનો વચ્ચે મનદુ:ખ, બોલાચાલી થાય છે. અહીં સૌ સાથે મળીને એક ગીત ગાય છે-લઇ લો લીલાં શાંત સરોવર! અદ્ભુત ગીત છે. પહેલા અંકમાં જે બધું સરસ અને મનોરમ્ય હતું તે હવે પાછું લઇ લો એવો ભાવ ગીતમાં છે. હકુ ઉદાસ છે, ચૈતાલી ગમગીન છે.
આ હકુ નામના છોકરાની મુખ્ય ભૂમિકા ભજવી હતી ફિરોઝ અબ્બાસ ખાને. અત્યારે તો તેઓ નાટ્ય દિગ્દર્શક, ફિલ્મ ડિરેક્ટર, સ્ક્રીન પ્લે રાઈટર છે. ઑલ ધ બેસ્ટ, તુમ્હારી અમૃતા, મહાત્મા વર્સેસ ગાંધી, એવા મુંબઈમાં ચાલ જઈએ તથા રૌનક એન્ડ જસ્સી જેવાં સુપરહિટ નાટકો તેમજ ‘ગાંધી માય ફાધર’ જેવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મના ડિરેક્ટર રહી ચૂકેલા ફિરોઝ અબ્બાસ ખાનનું મેગા પ્રોડક્શન ‘મુગલ-એ-આઝમ’ મ્યુઝિકલ દેશ-વિદેશની સફર કરી ચૂક્યું છે.
ફિરોઝભાઈ આ નાટકનાં સ્મરણો તાજાં કરતાં કહે છે, “મારું આ પહેલું જ ગુજરાતી કમર્શિયલ નાટક હતું. હું પોતે ગુજરાતી નહીં છતાં કેવી રીતે લીડ રોલ મળ્યો એ મને યાદ નથી. મિત્રો સૌ ગુજરાતી એટલે ભાષા સમજાય પણ પ્રવાહિતા નહીં. એમાં આટલાં બધાં ગીતો યાદ રાખવાનાં! પરંતુ, જે ભાષા તમારી ન હોય એમાં તમે વધારે એલર્ટ રહો. રોલ મળ્યો પછી તો બરાબર નિભાવવા હું કૃતનિશ્ચયી હતો. તમે માનશો? ગીતોના અર્થ મને 15-20 દિવસે માંડ સમજાયાં હતાં. એમાં એક ગીત તો પહેલા શોના દિવસે સવારે લખાયું, બપોરે કમ્પોઝ થયું અને સાંજના શોમાં મારે લાઈવ પરફોર્મ કરવાનું હતું! મને ગાતાંય ના આવડે. જોકે, સંગીતકાર રજત ધોળકિયાએ બધાંને બરાબર તૈયાર કર્યા હતાં એટલે બધું સમુંસૂતરું પાર પડ્યું હતું. અમે તો પાછાં પ્રોડ્યુસર એટલે વધારે જવાબદારી. મેં, મહેન્દ્ર જોશી અને ચંદ્રકાન્ત શાહે મળીને ‘અવાન્તર’ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું ત્યારે કોઈના ગજવામાં પૈસા નહીં. મારી મમ્મીને મનાવીને મેં પૈસા જોડ્યા. એ જ રીતે ચંદુ અને મહેન્દ્રે પણ પૈસા જેમતેમ જમા કર્યા હતા. શો જોરદાર ચાલવા માંડ્યો પછી અમારો ઉત્સાહ બેવડાતો ગયો. આજે હું મારી જાતને એક્ટર તરીકે વિચારું તો અચરજ થાય! તમને જાણીને નવાઈ લાગશે કે અમારાં ફાઉન્ડર મેમ્બર કલાચાહક નીતા દલાલ હતાં એટલે કે આજનાં નીતા અંબાણી. એ વખતે એ સાંતાક્રુઝ ઈસ્ટમાં રહેતાં હતાં.” નાટક સાથે કેવી કેવી પ્રતિભાઓ જોડાયેલી હતી!
કથા આગળ વધે છે. ઉદાસી સાથે બધાં છુટાં પડે છે. હકુને આ મિથ્યા જગત પ્રત્યે નફરત થાય છે. એને પ્રેમની સ્વપ્નિલ દુનિયા છોડી સાચી દુનિયા જોવી છે. અક્ષયકુમારના ગોઠવ્યા પ્રમાણે અપહરણકારો છેલશંકર (દર્શન જરીવાલા) અને મરણદાસ (કિરણ પુરોહિત) આવીને છોકરાને સાચી દુનિયાની મોજ મસ્તી કરાવવાની લાલચો આપી લઇ જાય છે. દૂર..સુદૂર. પરંતુ, વાસ્તવિક દુનિયા જોતાં હકુને થાય છે કે પ્રેમ કે લગન કરતાં પહેલાં બહુ પાપડ વણવા પડે, સ્ટ્રગલ કરવી પડે, કામ-ધંધો કરવો પડે. છેલશંકર અને મરણદાસ છોકરાને અલગ અલગ રીતે વાસ્તવિક દુનિયાના ત્રાસનો અનુભવ કરાવે છે.
બીજી બાજુ અક્ષયકુમાર ચૈતાલીના સાચા પ્રેમની ફરી પરીક્ષા લેવાને બહાને એને પોતાના પ્રેમમાં પાડવાની રમત શરુ કરે છે. છોકરીને એ બધે ફેરવે છે ને કહે છે કે જો દુનિયા કેવી સરસ છે! આ સિચ્યુએશનમાં ગીત આવે છે, ફેર ફૂદરડી, ફરી દઈ તાળી!
બીજી તરફ અક્ષયકુમાર ચૈતાલીને વાસ્તવિક જગતમાં પડતા ત્રાસના ખેલ પણ દૂરથી બતાવે છે. છોકરી એ જોઈ દુઃખી થાય છે ત્યારે અચાનક અક્ષયકુમાર ચૈતાલીને માસ્ક પહેરાવી દે છે. જ્યારે જયારે છોકરી માસ્ક પહેરે ત્યારે એને ત્રાસ અપાતા ખેલ રૂડા-રળિયામણા લાગે છે. માસ્ક વગરની દુનિયામાં કડવાશ અને માસ્ક સાથે મધૂરપ. દુનિયા દુઃખી લાગે ત્યારે નકલી પ્રેમી બનેલા સૂત્રધાર ચૈતાલીને કહે કે તું રંગીન માસ્ક પહેરી લે, દુનિયા તને રંગરંગીલી દેખાશે. છોકરી લગભગ એ સૂત્રધારના રંગે રંગાતી જતી હોવાની શક્યતા દેખાતાં સૂત્રધાર સંબંધ વાળી લે છે ને સાચી હકીકત જણાવી દે છે.
અક્ષયકુમાર હકુ-ચૈતાલીને સ્વપ્નાની દુનિયામાંથી બહાર લઇ જઈ વાસ્તવિક દુનિયાનો સ્વાદ ચખાડી ફરી ભેગા કરે છે. વિરહના તાપમાં દાઝેલા પ્રેમીઓ ફરી પૂરી સભાનતા સાથે મળે છે. પ્રેમી-પ્રેમિકા જુદી જુદી રીતે જીવનની સચ્ચાઈ જુએ છે એ પણ સૂત્રધારની એક રમત જ હોય છે. દુનિયા જોઈ લીધાં પછી પ્રેમીઓ ફરી મળે છે ત્યારે છોકરી પૂછે છે કે મારા વિના તું શું કરતો હતો? એના જવાબમાં આ હ્રદયસ્પર્શી વિરહગીત આવે છે કે ; તારા વિનાનો મેં સૂંઘ્યો પવન. ખૂબ લાગણીસભર સ્વરાંકન છે. તોફાને ચડેલું ઓડિયન્સ શાંત થઇ ગયું છે. તાળીઓની ગૂંજ કરતાં ઘણીવાર દર્શકોનું મૌન વધુ અસરકારક હોય છે.
બન્નેને પ્રેમમાં તરબોળ જોઈ બંને બાપાઓ ગેલમાં આવી જાય છે. સૌ સાથે મળી આ ક્ષણનો આનંદ લે છે. સૂત્રધાર પરેશ રાવલ કબૂલે છે કે આ બધી મારી રમત હતી. ગમ્મત હતી. ખેલ હતો. પ્રેક્ષકોથી છૂટાં પડતાં – હાલો હાલો ખેલૈયા, આવજો, અલવિદા ખેલૈયા…એ ગીત ગાઈ ખેલ પૂરો કરે છે. તો આવી કથા છે ‘ખેલૈયા’ની
ખેલ તો પૂરો થયો પણ લેખમાં કેટલીક સરસ વાતો કહેવી છે. સૌથી પહેલાં તો આ નાટક બરજોર પટેલ પ્રોડ્યુસ કરવાના હતા. સંજોગોવશાત એ ન થયું અને ‘અવાન્તર’એ એનું નિર્માણ કર્યું. નાટકમાં ઉદય શેટ્ટીનું મ્યુટ કેરેક્ટર હતું જે નાટકની પ્રોપર્ટી તરીકે પણ કામ કરતું હતું. એ દીવાલ બની જાય અને ઝાડ પણ બની શકે. એમનો ચાહક વર્ગ અલગ જ હતો. નાટકમાં છેલ્લે એ એક ડાન્સ કરે છે એ નૃત્ય જોવા જ જુવાનિયાઓનું 30 જણનું ગ્રુપ દરેક શોમાં ટિકિટ લેતું અને ફક્ત છેલ્લી 15 મિનિટ જ નાટક જોવા આવતું. એ જ રીતે મરણદાસે જબરી ભૂમિકા ભજવી હતી.
નાટક અને ગીતોના રચયિતા ચંદ્રકાન્ત શાહે ‘બ્લુ જીન્સ’ નામે ઈમ્પ્રેસિવ કાવ્યસંગ્રહ આપ્યો છે.
‘ખેલૈયા’ પછી ચંદ્રકાન્ત શાહે ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘માસ્ટર ફૂલમણિ’ જેવાં અન્ય મ્યુઝિકલ પ્લે આપ્યાં તથા ‘માલામાલ વીકલી’, ‘ઓ માય ગોડ’, ‘સપ્તપદી’ જેવી ફિલ્મો સાથે પણ તેઓ સંવાદલેખક તરીકે સંકળાયેલા હતા. ‘ખેલૈયા’ના અમુક શો પછી કલાકારો રિપ્લેસ થયા. હકુની ભૂમિકા આતિશ કાપડિયાએ ભજવી, છેલશંકરની દિલીપ જોશીએ. દિલીપ જોશીનું આ પહેલું કમર્શિયલ નાટક. ચૈતાલીની ભૂમિકા પદ્માવતી રાવે ભજવી. મરણદાસ તરીકે પરેશ ગણાત્રા તથા ‘તારેં ઝમીં પર’ના લેખક અમોલ ગુપ્તે પણ ‘ખેલૈયા’ સાથે જોડાયા હતા. જોકે, દર્શકોના મનમાં છાપ તો પહેલી ટીમની જ રહી ગઈ.
મનહર ગઢિયા પ્રોડક્શન હેઠળ ઉમેશ શુક્લના દિગ્દર્શનમાં ‘ખેલૈયા’ ફરી ભજવાયું હતું જેમાં જિમિત ત્રિવેદી, સ્નેહા દેસાઈ, સનત વ્યાસ, ડૉ. પરાગ ઝવેરી, અલી રઝા નામદાર, અભય હરપળેએ ભૂમિકા ભજવી હતી.
‘ખેલૈયા’ની કથા અને ગીતો વિશે મુંબઈ સમાચારમાં વાંચીને ‘ખેલૈયા’ના ચાહકોએ ફોન કરીને વાતો શેર કરી એ કથા પણ રસપ્રદ છે.
દાદરમાં રહેતા જગદીશ વખારિયાને લેખ વાંચ્યા પછી હવે આખી સ્ક્રિપ્ટ વાંચવી છે, તો પાર્લાનાં નીલાબહેનને આ જ કલાકારો સાથે ફરીથી આ નાટક જોવું છે! જાણીતાં પત્રકાર અને લેખિકા ગીતા માણેકે આ નાટક એટલા બધા મિત્રોને એ વખતે બતાવ્યું હતું કે ‘ખેલૈયા’ વિશે વાંચ્યા બાદ પોતાના અવાજમાં જ એ ગીતો ગાઈને મુંબઈ સમાચારની ઈ કૉપી સાથે મિત્રોમાં વહેંચીને આનંદ લીધો હતો. પરેશ રાવલનાં ભાભી બિન્દા રાવલ ગીતાની ખાસ મિત્ર હતી એટલે એમની સાથે જ પહેલી વાર આ નાટક જોયું હતું. પછી તો શિવાની અડાલજા સહિત કેટલાંય મિત્રો સાથે એમણે ફરી ફરી માણ્યું હતું. નેહા યાજ્ઞિકે નાટક સાથે સંકળાયેલી વ્યક્તિઓને લેખ મોકલી વીતેલા વક્તને ફરીથી જીવ્યો. ગીતો સાંભળવાની ડિમાન્ડ તો ઘણાંની હતી. ગુજરાતી નાટકની આવી જબરજસ્ત લોકપ્રિયતા જાણીને કેટલો બધો હરખ થાય, નહીં? પણ કહેવાય છે ને, ગુઝરા હુઆ ઝમાના, આતા નહીં દુબારા…! માણ્યું એનું સ્મરણ કરવું એ જ લહાવો!
ટૂંકમાં, બધાને મજા પડે એવી માંડણી તો મેં કરી પણ હકીકતે મેં પોતે જ આ નાટક જોયું નહોતું. નાટકના લેખક ચંદ્રકાન્ત શાહને આ ખબર પડતાં આશ્ચર્ય સાથે કહ્યું કે, “વી મિસ્ડ અ પર્સન લાઈક યુ ઈન ધ ઓડિયન્સ”. મેં કહ્યું, “તમે તો એક દર્શક જ ગુમાવી, મેં તો આખેઆખું નાટક ગુમાવ્યું!” વેલ, જેમણે આ નાટક જોયું નથી એમને આ બે લેખ દ્વારા પરેશ રાવલવાળું પેલું માસ્ક પહેરાવી દીધું છે અને ઈયર પ્લગ્સ પણ આપી દઉં છું. ખયાલોમાં જુઓ ‘ખેલૈયા’ અને સાંભળો ખમતીધર ગીતો. અમે જઈએ હવે બૅકસ્ટેજમાં. આવજો ખેલૈયા, અલવિદા ખેલૈયા!
*****
તારા વિનાનો મેં સૂંઘ્યો પવન
મારા છલકાતાં શ્વાસ થયો હું ખાલીખમ
તારા વિનાનાં છે નક્કામાં શ્વાસ
કે તું સામે હોય તો છે કલબલતા શ્વાસ
ને તું સાથે હોય તો છે ટહુકાતાં શ્વાસ
તારા વિનાનું મેં જોયું આકાશ
ને આંખ મારી ખટકી ગઈ
હું અંદરથી બટકી ગઈ .
તારા વિનાનું મેં જોયું આકાશ
તારા વિનાની છે નક્કામી આંખ
તું સામે હોય તો છે પતંગિયાની પાંખ.
ને તું સાથે હોય તો છે કદમ્બની એ શાખ.
તારા વિનાનું મેં જોયું આકાશ
તારા વિનાનો મેં સૂંઘ્યો પવન…!
ગીતકાર: ચંદ્રકાન્ત શાહ
સંગીતકાર: રજત ધોળકિયા
ગાયન : ફિરોઝ અબ્બાસ અને મમતા શેઠ 
(“હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
(ભાગ  ત્રીજો અને છેલ્લો આવતા ગુરુવારે વાંચવો ચૂકશો નહીં.)
*******
ફોટોલાઈન
* ડાબેથી નીચે ફિરોઝ અબ્બાસ ખાન, એમની પાછળ ઉભેલા સુરેન ઠાકર, પરેશ રાવલ, હનીફ મોહમ્મદ, મમતા શેઠ અને વચ્ચે બેઠેલામાં ઉપરથી દર્શન જરીવાલા, કિરણ પુરોહિત અને ઉદય શેટ્ટી
* ડાબેથી ઉપર ફિરોઝ અબ્બાસ ખાન, ચંદ્રકાન્ત શાહ, નીચે મહેન્દ્ર જોશી અને રજત ધોળકિયા 

 

“હો આવ્યા આવ્યા ખેલૈયા”- (૧) -“હૈયાને દરબાર”- નંદિની ત્રિવેદી

(૧) – “હો આવ્યા આવ્યા ખેલૈયા
આવિયા રંગરાજીયા ખેલૈયા”

–      નંદિની ત્રિવેદી
1981ની સાલ અને 17 સપ્ટેમ્બરનો દિવસ ગુજરાતી નાટ્યજગતમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો. શું અસબાબ હતો એ નાટકનો ને શું પ્રચંડ લોકપ્રિયતા! કેટલાક દર્શકો તો દરેક શોમાં એક, બે નહીં પચ્ચીસ વાર હાજર. પૃથ્વી થિયેટરને ફેમસ કરનાર તેમજ ટાટા થિયેટરને છલકાવી દેનાર એ નાટક એટલે ‘ખેલૈયા’. જબરજસ્ત ગુજરાતી મ્યુઝિકલ પ્લે! ગીતો તો એવાં રમતિયાળ કે લોકો આજેય ભૂલી શકતા નથી. પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, ઉદય શેટ્ટી, કિરણ પુરોહિત, સુરેન ઠાકર, મમતા શેઠ જેવા જાંબાઝ કલાકારો. આમિર ખાન એમાં બૅક સ્ટેજ કરે, બોલો!
ચંદ્રકાન્ત શાહ નાટ્યલેખક, રજત ધોળકિયા સંગીતકાર અને મહેન્દ્ર જોશી દિગ્દર્શક. સ્ટાર સ્ટડેડ પ્લે કહીએ ને, બસ એવું જ! જોકે, આ સ્ટાર્સ એ વખતે તો લબૂક ઝબૂક થતા વીસ-બાવીસ વર્ષના નાના છોકરડા! પણ, દરેકનો સ્પાર્ક એવો હતો કે એ બધા તેજોમય સૂરજ થઈને નાટ્યજગતને અજવાળશે એનો અંદેશો બધાને આવી જ ગયો હશે. ને સાહેબ, એક નાટકમાં સોળ-સત્તર ગીતો! નવી-આધુનિક રંગભૂમિમાં આ તદ્દન નવતર પ્રયોગ હતો. બ્રોડવે મ્યુઝિકલ્સ પ્રકારનો. ઓફકોર્સ, એવી ભવ્ય મંચસજ્જા નહીં, પણ થીમ આખી એવી. 220ની કેપેસિટી ધરાવતા પૃથ્વી થિયેટરમાં શો ભજવાય ત્યારે દરેક શોમાં ત્રણ સો દર્શકો આવી જાય, જેમાંના કેટલાક ગેટ પાસે ઊભા રહીને જુએ, કેટલાક બૅક સ્ટેજની વિંગમાંથી. ક્યારેક તો એટલો ધસારો થાય કે સ્ટેજ ઉપર બન્ને બાજુ એમને લાઈનબંધ બેસાડી દેવા પડે! કલાકારો તો સક્ષમ હતા જ પણ નાટકનું સંગીતેય કાબિલેદાદ! આ મ્યુઝિકલ પ્લેનાં રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં ગીતો અને એની કથા જ નાટકનો જાન હતાં!
આ નાટકના કયા ગીત વિશે વાત કરું એ બહુ મોટી દુવિધા છે. કોઈક ગીતના શબ્દો અદ્ભુત છે તો કોઈકનું સંગીત. કોઈની વળી સિચ્યુએશન સરસ છે. એટલે પહેલાં તો આ સંગીતમય નાટકના સર્જનની વાત કરું.
અમેરિકાના બોસ્ટન શહેરમાં કવિ-નાટ્યલેખક ચંદ્રકાન્ત શાહ રહે છે. ચંદુના નામે મિત્રો સંબોધે છે. ચાર વર્ષ પહેલાં એમની એક પાર્ટીમાં આ નાટકના અમુક કલાકારોને ‘ખેલૈયા’ના ટાઈટલ સોંગ પર ઝૂમતા-ગાતા જોઈને વિચાર આવ્યો કે કોઈક નાટક કેવી સહજ રીતે કલાકારની જિંદગીનું અવિભાજ્ય અંગ બની જાય છે! જે મસ્તીથી બધાં ગાતાં હતાં એ દૃશ્ય મારા મન પર અંકિત થઈ ગયું હતું.
આ સદાબહાર ગીતો તથા નાટ્યસર્જન વિશે અમેરિકાથી રાત્રે બાર વાગે ઉત્સાહપૂર્વક વાત કરતાં ચંદ્રકાન્ત શાહ કહે છે, “‘ખેલૈયા’ની વાત આવે એટલે હું ચાર્જ્ડ અપ થઈ જાઉં છું. આ નાટક મૂળ ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ નામના 1960માં ભજવાયેલા ઓફ્ફ બ્રોડવે મ્યુઝિકલનું નાટ્ય રૂપાંતર છે. અમારા નાટ્યગુરૂ, દિગ્દર્શક દિનકર જાનીની નજરે આ નાટક પડ્યું. એમણે કોઈ નાટ્યસંગ્રહમાં એ વાંચ્યું હતું. એમના અને મહેન્દ્ર જોશીના સૂચનથી મેં એનું નાટ્ય રૂપાંતર કર્યું. ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ની લોકપ્રિયતા એટલી બધી હતી કે અમેરિકામાં એ 42 વર્ષ ચાલ્યું હતું. મારા હાથમાં તો હીરો આવી ગયો હોય એવું લાગ્યું. મચી પડ્યો લખવા. નાટ્ય કલાકારોનો મીઠીબાઈ અને એન.એમ.કૉલેજમાં અડ્ડો. ફિરોઝ, પરેશ, હનીફ, દર્શન એ બધા મિત્રો તથા નાટકના જીવ એટલે કલાકારો બીજે શોધવા જવાનો તો પ્રશ્ન જ નહોતો. ‘અવાન્તર’ પ્રોડક્શન મિત્રોએ જ ભેગા મળીને શરૂ કર્યું હતું એના નેજા હેઠળ રિહર્સલ્સ શરૂ કરી દીધાં. પૃથ્વી થિયેટર એ વખતે સાવ નવું હતું. ગુજરાતીઓને એ વિશે બિલકુલ ખબર નહોતી. પહેલો શો અમે પૃથ્વીમાં કર્યો અને જે ધસારો થયો એ જોઈને પૃથ્વી થિયેટરના સ્થાપક અભિનેતા શશિ કપૂર રોમાંચિત થઈ ગયા. લોકો પૃથ્વી થિયેટરને જાણતા થયા એનો પુષ્કળ આનંદ હતો. તેથી અમે એમને વચન આપી દીધું કે આ નાટકના પહેલા પચાસ શો અમે પૃથ્વીમાં જ કરીશું. હકીકતે તો, અમે બધાં પાર્લાની કૉલેજોમાં ભણતાં એટલે પૃથ્વી થિયેટરની નજીકમાં હોવાથી શશિ કપૂરે પહેલેથી જ પૃથ્વી થિયેટર અમને એક વર્ષ માટે નાટકો કરવા આપી દીધું હતું જેમાં અમે 36 એકાંકીઓ કર્યાં હતાં. શશિ કપૂરને પૃથ્વી થિયેટરથી લોકો પરિચિત થાય એવી ઈચ્છા અને અમારે બીજાં થિયેટરો શોધવાની ઝંઝટ નહીં એટલે ડીલ પાક્કી થઈ ગઈ. પૃથ્વી થિયેટર ગુજરાતી દર્શકોથી ઊભરાવા માંડ્યું અને અમારા બધાનું શેર લોહી ચડતું ગયું. દરમ્યાન એનસીપીએનું પ્રતિષ્ઠિત ટાટા થિયેટર નવું જ બન્યું હતું. હજાર દર્શકોની કેપેસિટી ધરાવતું એ ઓડિટોરિયમ ‘ખેલૈયા’ના પહેલા જ શોમાં છલકાઈ ગયું. પહેલી વાર અમને રૂ.ત્રીસ હજારની કમાણી થઈ હતી. પૃથ્વીમાં તો એ વખતે રૂ. 15ની ટિકિટ હતી. એમાં શું મળે? નાટકનું મુખ્ય પાત્ર બની ગયેલા વાદ્ય પિયાનોને લાવવા-લઈ જવામાં જ કમાણીના અડધા રૂપિયા ખર્ચાઈ જતા, બાકીના રૂપિયા કલાકારોના ચા-નાસ્તા અને ટેક્સીભાડામાં. કમાણી કંઈ નહીં છતાં પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને જ અમે પોરસાતા હતા.”
નાટકનો ઉઘાડ શીર્ષકગીત ખેલૈયા…થી થાય છે. પિયાનોની પહેલી ટ્યુન શરૂ થતાં જ દર્શકો નાટક સાથે જોડાઈ જાય છે. ગીત છે ; હો આવ્યા આવ્યા ખેલૈયા, આવિયા, રંગરાજીયા ખેલૈયા..! ગીતની પંક્તિઓમાં સપનાની સિંદૂરી સાંજ અને યુવા હૈયાંની કુમાશનું સાયુજ્ય મનમોહક છે. ટહુકાતી સાંજ, મઘમઘતી સાંજ, રણકતી, કલબલતી સાંજનો બપૈયા, ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા..! તળપદો ગુજરાતી શબ્દ બપૈયો ગીતમાં સરસ ગોઠવાઈ ગયો છે. કોયલ કૂળના આ શરમાળ પંખી જેને હિન્દીમાં પપીહા કહીએ છીએ એ જ ‘બપૈયો’ ગીતમાં તાર સ્વરે ગવાય ત્યારે આખા હૉલમાં એના ટહુકા પડઘાય. એક સાથે બધાં કલાકારોને સ્ટેજ પર નાચતા-ઝૂમતા જોઈને જ દર્શકો આફરીન થઈ જાય. ગીતના અંતમાં વેસ્ટર્ન સિમ્ફની જેવું મ્યુઝિક મનને તરબતર કરી દેવા કાફી છે.
પરેશ રાવલ નાટકમાં ત્રણ પાત્રો ભજવે છે. એક સૂત્રધાર અક્ષયકુમાર તરીકે, બીજું નાટક કંપનીના માલિક અને ત્રીજું છોકરીના બનાવટી પ્રેમીનું.
આરંભમાં સૂત્રધાર કાવ્યાત્મક ભાષામાં નાયિકા (મમતા શેઠ)ની ઓળખ આપે છે ; આંખોમાં ખીલે છે સપનાં ટમ ટમ! નાયક (ફિરોઝ અબ્બાસ ખાન)ની ઓળખ પ્રસ્થાપિત થાય છે મસ્ત મજાના ડ્યુએટ સોંગથી, આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ!
અભિનયના એક્કા પરેશ રાવલ જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે, “નિરાશ માનસિકતા સાથે કોઈ આવ્યું હોય તો ફૂલગુલાબી કરી નાંખે એવું નાટક અમે ભજવ્યું હતું. પ્રેમ, સંવેદના, લાગણીની અહીં રમતિયાળ ચર્ચા થતી. પ્રૌઢને જુવાન કરી દે એવી જડીબુટ્ટી હતી આ નાટક પાસે. એક છોકરાએ પચીસ વાર આ નાટક જોયું પછી એની પાસે પૈસા નહોતા તો એણે કહ્યું કે મને આ નાટકમાં બેક સ્ટેજનું કામ આપો જેથી હું નાટક સાથે જોડાઈ શકું. ‘ખેલૈયા’ નામ પડે એટલે લોકોના ચહેરા પર મુસ્કાન આવી જતી. ઉત્સવની જેમ આ નાટક ભજવાતું હતું. ભાવનગર, રાજકોટ, અમદાવાદથી લોકો ટિકિટ બુક કરાવતા. ગીતોનો ક્રેઝ તો જાણે રૉકસ્ટાર ફેસ્ટિવલ હોય એવો. કલાકારોમાંથી એકેય ગાયક નહીં પણ આપણા સંગીતકાર અજિત મર્ચન્ટ એકવાર નાટક જોવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે હું બરાબર ગાઉં છું ને? તો કહે નાટકના કલાકારો સંગીતમાં માહેર હોય એ જરૂરી નથી. એમનું ગાયન ભાવવાહી હોય તો સૂર થોડા ઉપર-નીચે જાય તો પ્રેક્ષકો ચલાવી લે. તમારા ઈમોશન્સ-એક્સપ્રેશન્સ અભિવ્યક્ત થવા જરૂરી છે. નાટકમાં પિયાનોની ઈમ્પેક્ટ જબરજસ્ત હતી. આ પ્રકારનું પિયાનો પ્લેયિંગ કોઈ ગુજરાતી નાટકમાં મેં જોયું નથી. પિયાનો વાદનમાં સુરિન્દર સોઢીએ કમાલ કરી હતી. દરેક શોમાં અમે ઉત્તરોત્તર જુવાન થતા જતા હતા. નાટકમાં ચંદુએ જે ભાષા ઉપયોગમાં લીધી હતી એ લાજવાબ હતી. કાળક્રમે સરસ ગુજરાતી ભાષા નાટકમાંથી લુપ્ત થવા માંડી છે. મને તો થાય કે શુદ્ધ ગુજરાતી ભાષા જ નાટકમાં વાપરો અને સાથે ગાઈડબુક આપો જેથી નવી પેઢી એ શબ્દો સાથે નાતો બાંધી શકે. ઉદય શેટ્ટી બિનગુજરાતી હતો એટલે એનું પાત્ર મૂક હતું છતાં નાટકનો એ સ્ટાર હતો. ઉગ્રતા, વ્યગ્રતા, સંતાપ સાથે આવ્યા હો તો તમને ચંદન લેપ લગાડીને મોકલી દે એવું નાટક હતું.”
‘ખેલૈયા’ની કથા હવે સાંભળો. ખૂબ સરળ એવી વાર્તામાં છોકરો-છોકરી (ફિરોઝ અબ્બાસ ખાન-મમતા શેઠ)બન્ને પડોશી છે, એકબીજાને ચાહે છે. બન્નેના બાપાઓને એ ખબર છે પણ એમને આ પ્રેમ પસંદ નથી એવો દેખાડો કરે છે. સુરેન ઠાકર ‘મેહુલ’ અને હનીફ મોહમ્મદ આ નાટકમાં છોકરા-છોકરીના બાપ છે. છોકરાઓ વિશેનું એક રમૂજી ગીત તેઓ તોફાની અંદાજમાં રજૂ કરે છે. બન્નેના પ્રેમની પરીક્ષા લેવા તેઓ એક પેંતરો ઘડી કાઢે છે જેમાં છોકરીનું અપહરણ ભાડૂતી અપહરણકારો (દર્શન જરીવાલા-કિરણ પુરોહિત) કરે, છોકરો ફિલ્મી હીરોની જેમ પ્રેમિકાને છોડાવે, છોકરી અંજાઈ જઈને ફરી પ્રેમમાં પડે અને લગ્ન લેવાય એવો પ્લોટ તૈયાર થાય છે.
અહીં નાટક કંપનીના માલિક પરેશ રાવલ અપહરણ કરવાની જુદી જુદી રીતો, સસ્તું-મોંઘું, જાજરમાન, અટપટી સ્ટાઈલો બતાવતું એક લાંબું રૅપ સોંગ રજૂ કરે છે.
નાટકમાં પછી અપહરણનો તખ્તો તૈયાર થાય છે. પ્રેમીઓને મળવાનું લોકેશન નક્કી થાય છે. વાદળ ઘેરાયાં છે, વરસાદ પડવાની તૈયારીમાં છે એ દરમ્યાન બે-ત્રણ રોમેન્ટિક ગીતો દિલ બહેલાવી જાય છે. પ્રેમીઓની મુલાકાત જામી છે એવામાં જ હુમલો થાય છે. અપહરણની કોશિશ, બનાવટી મારામારી, સૂત્રધાર સાથેની ફાઈટ અને છેવટે છોકરાની જીત. છોકરો હીરો પુરવાર થતાં છોકરી ઓળઘોળ થઈને એને પરણવાના ખ્વાબમાં ખોવાઈ જાય છે. બે પ્રેમીઓ અને એમના પિતાઓ લગનમાં કેવી રીતે ફોટા પડાવશે એવા પોઝમાં ચારેય જણ ચિયર્સ કરી ફોટો પડાવે છે ત્યાં ઇન્ટરવલ પડે છે. બટાટાવડાં અને આઈરિશ કૉફીનો સમય થઈ ગયો છે. પેટપૂજા કરી આવીએ પછી સંગીતકાર રજત ધોળકિયા તથા અન્ય એક-બે કલાકારો સાથે વાત કરીશું. નાટકનો વધુ રસપ્રદ ભાગ અને મસ્ત મજાનાં બીજાં ગીતોની વાત આવતા અંકે.
*****
હો આવ્યા આવ્યા ખેલૈયા આવિયા
રંગરાજીયા ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી સાંજનો રંગભીનો ખેલૈયા
કેવી સાંજ?
એવી તમારી ઉંમરની સાંજ હતી
કેવી ફાગણની મધમધ સાંજ હતી
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
કેસરીયાળા તમે ખીલ્યા’તા પહોર ત્રીજામાં
તરવરિયાં રે તમે ખોવાતાં એકબીજામાં
એવી ફાગણની સાંજનો કે રણકાતી સાંજનો કે ટહુકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
યાદ આવે છે?
યાદ આવે તો સપનાંની સાંજ હતી
એવી તમારા ફાગણની સાંજ હતી
તમારા ફાગણની સાંજનો બપૈયા.
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
ફાગણીયા રે આજ ખીલેલાં ફૂલો ને ભમ્મરા
શ્રાવણીયા રે આજ ભીંજાશે કોતર ને કંદરા
હો એવી શ્રાવણની સાંજનો કે ભીંજાતી સાંજનો કે ટહૂકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
વીંખાતી પીંખાતી પડઘાતી સાંજ હતી
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાય છે તમારા એ ફાગણની કુંવારી સાંજ?
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
મોરલિયા રે તમે ટહુકતા વંન જોયા’તા
વંનરાયા રે તમે અમ્મારી જેમ મોહ્યા’તા
હો તમે અમ્મારી જેમ મોહ્યા’તા
એવી ફાગણની સાંજનો કે રણકાતી સાંજનો કે વૈશાખી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી સાંજનો રંગભીનો ખેલૈયા…!
ગીતકાર : ચંદ્રકાન્ત શાહ
સંગીતકાર : રજત ધોળકિયા
લીડ સિંગર્સ : પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, કિરણ પુરોહિત. 

(“હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
(ભાગ બીજો, આવતા ગુરુવારે વાંચવો ચૂકશો નહીં.)

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો.

“ખો રહા ચૈન-ઓ-અમન, મુશ્કિલોં મેં હૈ વતન” – નંદિની ત્રિવેદી

ખો રહા ચૈનઅમન, મુશ્કિલોં મેં હૈ વતન

નંદિની ત્રિવેદી

આમિરખાનના ઉત્કૃષ્ટ અભિનયવાળી ફિલ્મ ‘સરફરોશ’નું આ હ્રદયસ્પર્શી ગીત ખો રહા ચૈન-ઓ-અમન, મુશ્કિલોં મેં હૈ વતન, સરફરોશી કી શમા દિલ મેં જગા લો યારોં….યાદ છે ને? અત્યારના સંજોગોમાં વિચારીએ તો સરહદ પર ચાલી રહેલો જંગ, વિશ્વયુદ્ધના ભણકારા, વ્યાપક આર્થિક મંદી અને બાકી હતું તે આ કોરોનાએ દેશવાસીઓનું હીર ચૂસી લીધું છે. સુખ-શાંતિ,  ચૈન-ઓ-અમન છિનવાઇ ગયાં છે ત્યારે માનસિક શાંતિ મેળવવા સૌ કોઈ તત્પર છે. આ શાંતિ મેળવવા કોઈ મેડિટેશન કરે છે તો કોઈ મંત્રોચ્ચાર. આપણે તો અહીં સ્વાસ્થ્યના સંગીતમય ઉપચાર વિશે જ જાણવાનું છે. Continue reading “ખો રહા ચૈન-ઓ-અમન, મુશ્કિલોં મેં હૈ વતન” – નંદિની ત્રિવેદી

પુરુષોત્તમ ઉપાધ્યાય – “અય ઝિંદગી ગલે લગા લે!” – નંદિની ત્રિવેદી 

પુરુષોત્તમ ઉપાધ્યાય 

“અય ઝિંદગી ગલે લગા લે!”

નંદિની ત્રિવેદી 

જીજીવિષા. આ શબ્દનો ખરો અર્થ આ કોરોનાકાળમાં દરેકને સમજાઈ ગયો છે. જિંદગીથી વિશેષ કશું જ મહત્વનું નથી અને જિંદગી ટકાવવા સારા સ્વાસ્થ્યથી અગત્યનું કંઈ નથી એ સત્ય સામે આવી ગયું છે. જાન હૈ તો જહાન હૈ! આખી દુનિયા મહામારીના કટોકટી કાળમાંથી પસાર થઈ રહી છે. એક સૂક્ષ્મ વાયરસની સામે ઝઝૂમી રહી છે. કેટલાય યોદ્ધાઓ એને હરાવીને, વિજેતા બનીને, વિજયતિલક સાથે સ્વગૃહે પાછા ફર્યા છે. સલામ છે આ બધાં વોરિયર્સને. Continue reading પુરુષોત્તમ ઉપાધ્યાય – “અય ઝિંદગી ગલે લગા લે!” – નંદિની ત્રિવેદી 

હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

“ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ”

નંદિની ત્રિવેદી
આ વખતની રક્ષાબંધન સાવ મોળી લાગી. વિડિયો કૉલ કરીને ભાઈને રાખડીનાં દર્શન કરાવ્યાં અને મીઠાઈનો ટૂકડો દૂરથી જ બતાવ્યો. શું દિવસો આવ્યા છે! Continue reading હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

“સ્વર ગુર્જરી” – રાવણ તાંડવ સ્ત્રોત્રમ્ – નંદિની ત્રિવેદી

(શ્રાવણ મહિનો હમણાં જ પૂરો થઈ રહ્યો છે અને આ માસમાં શિવની ભક્તિમાં બધાં તરબોળ થઈ ને, શિવની આરાધના કરીને શિવ જોડાયેલા જ રહે છે. સાચું કહો તો શિવ ભક્તિ કંઈ માત્ર કોઈ એક મહિના પૂરતી કરવાની વાત નથી પણ કાયમ તન, મન અને અંતરનું આરોગ્ય અને શક્તિ કાયમ રાખવા માટે શિવની આરાધના સતત રોજ કરવી જોઈએ. રાવણ રચિત આ શિવ તાંડવ સ્ત્રોત્ર શક્તિનો પ્રપાત છે, જે અહીં રજૂ કરીએ છીએ.) Continue reading “સ્વર ગુર્જરી” – રાવણ તાંડવ સ્ત્રોત્રમ્ – નંદિની ત્રિવેદી

હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી        (“મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)      

“જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો
અરે! લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો” –  શોભિત દેસાઈ

મૂડ આજકાલ ગઝલનો જામ્યો છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ગઝલોએ શ્રાવણની વરસાદી રાતોએ મન પર પકડ જમાવી છે. પરિશુદ્ધ પ્રેમથી છલોછલ પ્રિયતમને મળવા માટે આતુર અભિસારિકા એ ગઝલ છે. પ્રણય ત્રિકોણનું ત્રીજું પાત્ર પણ કદાચ ગઝલ છે. ખાલીપો, વિરહ, આંસુ અને પ્રેમની નજાકત એ ગઝલનાં મૂળ તત્ત્વ અને સત્ત્વ છે. ગઝલ એ સાહિત્યનો રોમાંચક અને જાદુઈ પ્રકાર છે. ગઝલ સ્વરૂપમાં ત્રણ રંગનો પ્રભાવ છે. પ્રણયનો ગુલાબી રંગ, વિરહનો શ્વેત અને વૈરાગ્યનો ભગવો રંગ. ગઝલનું અનુભૂતિવિશ્વ મહદંશે પ્રેમ અને ફિલસૂફીના બે કાંઠા વચ્ચે વહે છે. શૂન્ય પાલનપુરીની ગઝલ બે અઠવાડિયા પહેલાં જ આપણે માણી. આજે શોભિત દેસાઈની ગઝલો મનમાં રમ્યા કરે છે. મુશાયરાઓની શાન ગણાય એવા શાયર શોભિત દેસાઈના એક ગુણથી કોઈએ પણ પ્રભાવિત થવું પડે, એ ગુણ છે આસમાનને આંબે એવી ગઝલ પ્રીતિ અને એ ગઝલપ્રેમને કારણે યાદ રહી જતા હજ્જારો શેર-ઓ-શાયરી. ઉર્દૂના ગાલિબથી માંડીને ગુજરાતીના ‘ગની’ સહિતના અનેક શાયરોને એમણે કંઠસ્થ અને મંચસ્થ કર્યા છે. રંગમંચ પર ખીલતાં જેમણે આ રંગ નગરના રસિયા નાગરને જોયા છે એ સૌ મારી આ વાતના સાક્ષી છે.

પરંતુ એમની સક્ષમ ગઝલો પ્રમાણમાં ઓછી ગવાઈ છે. તેથી ‘પ્રચલિત’ અર્થમાં ‘લોકભોગ્ય’ પણ ઓછી. યાદ કરવું પડે કે શોભિત દેસાઈની ગેય ગઝલ કઈ છે! જોકે, મને તો યાદ આવી ત્યારે બે-ત્રણ એવી અદ્ભુત ગઝલો યાદ આવી કે કઈ ગઝલ વિશે લખવું એ મૂંઝવણ થઈ. શોભિતભાઈને ફોન કરીને પહેલાં તો એ જ સવાલ પૂછ્યો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તમારી ઉત્તમ ગઝલો ગવાતી સંભળાઈ નથી એનું કારણ શું? એમણે જે જવાબ આપ્યો એ આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે. સવાલના જવાબરૂપે એમણે મરીઝનો એક શેર કહ્યો;
“શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ,
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે.”

‘હું કોઈના કંઠનો મોહતાજ નથી. ગાવા જેવી ગઝલ હું તરન્નુમમાં ગાઈ શકું છું. ગાયક કલાકારો કવિઓનાં ગીત-ગઝલ ગાઈને મહેફિલો ગજવે અને કવિ ઘેર બેસી મંજીરાં વગાડે. કવિઓને કોઈ રોયલ્ટી મળતી નથી. કોન્સર્ટમાં મળેલી રકમના માત્ર દસ ટકા પણ કાર્યક્રમમાં ગવાયેલાં ગીતોના કવિઓમાં વહેંચવામાં આવે તો કંઈક તો કદર થઈ કહેવાય, પરંતુ કોઈ કશું આપતું નથી. દરેક કવિની આ વ્યથા છે. એટલે મનદુ:ખ કરવા કે સંગીતબદ્ધ થાય એવી ઈચ્છા રાખવાને બદલે માત્ર લખીને જ જલસા કરવા એવો અભિગમ કેળવ્યો છે. અલબત્ત, જે સંગીતકારોએ મારી ગઝલોને સુંદર શણગારી છે, એ ઋણસ્વીકાર તો કરું જ છું.’

વાત સમજવા જેવી તો છે જ. આ શાસ્ત્રીય સંગીત નથી જેમાં કલાકારને માત્ર સૂર-તાલ-રાગ ગાવાનું મૂલ્ય ચૂકવાય. કાવ્યસંગીતમાં કવિનો શબ્દ સર્વોપરી ગણાય. આયોજકોએ સમજી વિચારીને કવિને આપવાની રકમ ઉમેરીને પેમેન્ટ કરવું જોઈએ. પરંતુ ‘ખાટલે માટી ખોટ’ એ છે કે માતૃભાષા પ્રત્યેના પ્રેમ કે સંવર્ધન માટે થઈને કે ફક્ત મનોરંજન માટેય ગુજરાતી ગીતોના કાર્યક્રમો મોટાભાગના આયોજકોને કરવા નથી. જે કરે એમાં કલાકારોને પીનટ્સ જેવું પેમેન્ટ મળે, એવામાં કવિને કોણ યાદ કરે! દુષ્ચક્ર છે! બહાર આવવું પડે.

અલબત્ત, શોભિતભાઈના ગઝલ લેખનના આરંભકાળમાં સંગીતકારોએ એમની કેટલીક ગઝલો સ્વરબદ્ધ કરી છે જે આજેય લોકપ્રિય છે. એમની બે ઉત્તમ ગઝલ વિશે વાત કરવી છે.

શોભિત દેસાઈ કવિ, લેખક, અભિનેતા અને સારા ગાયક. શાસ્ત્રીય સંગીતમાં તથા વક્તૃત્વ સ્પર્ધાઓમાં સ્કૂલ-કોલેજમાં અનેક ઈનામો જીતી લાવતા. તોફાની પણ એટલા જ. હજુય. મંચ ઉપર જોયા છે ને? પરંતુ કંઈક અનોખું પુરવાર કરવાનો જોશ નાનપણથી જ હતો.

‘૧૯૭૩ની આસપાસના સમયગાળામાં મારા જીવનમાં મહત્ત્વની ઘટના બની. સંગીતકાર દિલીપ ધોળકિયાનો પુત્ર કંદર્પ મારો મિત્ર. એક વાર દિલીપકાકાને ત્યાં ગયો ત્યાં મેં બરકત વીરાણી ‘બેફામ’નો ગઝલસંગ્રહ જોયો. એમાં મેં બે-ત્રણ ગઝલો વાંચી તો હું ચકિત થઈ ગયો.

“જીવનમાં રસ નથી એની જ મસ્તી બતાવું છું.
છે એનો કૈફ કે હું ખાલી પ્યાલી ગટગટાવું છું

બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં
ને હું છું જીવન નાવ રેતીમાં ચલાવું છું…!”

આ ગઝલ વાંચીને ગઝલમાં જે જબરજસ્ત તાકાત છે એનો પરચો થયો. સ્વનું દુઃખ, સ્વની સમસ્યા, સ્વના આનંદને સર્વના બનાવી શકાય, એ પાવર ગઝલમાં છે એ પ્રતીતિ થઈ. ગાયન, અભિનય, બોલવાનું અને ભણવાનુંય બંધ કરીને ગઝલમાં જ જિંદગી ખપાવી દેવાનો નિર્ધાર કર્યો. અનેક કલા-કૌશલ્ય હોવા છતાં માત્ર શાયર બન્યો, એનો ભરપૂર આનંદ છે. જીવનમાં જે કંઈ મળ્યું એ મારા શાયર તરીકેના અસ્તિત્વને લીધે જ મળ્યું એમ હું ગર્વપૂર્વક કહી શકું,’ કહે છે શોભિત દેસાઈ.

અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલ વિશે વાત કરતાં એ કહે છે, ‘૧૯૭૯માં હું યુનિયન બેંકમાં નોકરી કરતો હતો. એ વખતે એક મુશાયરાનું આયોજન કરવાનું મારે ભાગે આવ્યું. ૧૪ ઓગસ્ટ ૧૯૭૯ના ‘એક વરસાદી સાંજ’ નામના મુશાયરામાં મેં એ વખતના નવા-જૂના કવિઓને ભેગા કરીને એવો યાદગાર મુશાયરો કર્યો કે ઉદયન ઠક્કર, હેમેન શાહ, પ્રફુલ પંડ્યા અને દર્શન જરીવાલા, જે આમ તો અભિનેતા પણ કવિતા સરસ લખે, એ બધા જ કવિ તરીકે ઈન્ટ્રોડ્યુસ થઈ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા. અમેરિકા સ્થિત કવિ ચંદુ (ચંદ્રકાન્ત) શાહનું પહેલવહેલું મોટામાં મોટું પબ્લિક એક્સ્પોઝર એ દિવસે. સાથે મરીઝ, સૈફ પાલનપુરી, મેહુલ, કૈલાસ પંડિત, દેવદાસ શાહ, મહેશ શાહ, દિગંત પરીખ જેવા પ્રસ્થાપિત કવિઓ તો ખરા જ. ‘ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે…’ જેવા એકમેવ શેર દ્વારા મરીઝને પણ એ મુશાયરામાં જબરજસ્ત અપલિફ્ટમેન્ટ મળ્યું હતું. શોભિત દેસાઈનું નામ પણ કવિની નામાવલીમાં બ્રાન્ડેડ કવિ તરીકે રજિસ્ટર થઈ ગયું હતું. સંચાલક હતા શબ્દોના સ્વામી સુરેશ દલાલ. એ વખતે કોઈ એક કવિની ગઝલના રદીફ પરથી બીજા કવિઓ કવિતા રચે એવો ટ્રેન્ડ હતો. અદમની ગઝલોના રદીફ પરથી મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ વગેરે ગઝલો લખતા. હરીન્દ્ર દવેની ઓફિસમાં એક વાર હું ને ઉદયન ગયા ત્યારે એમણે અદમનો એક શેર સંભળાવ્યો; ‘જો કતરા થા વો હસ્તી બેચ કર દરિયા ઉઠા લાયા, જો ઝર્રા થા વો મૌકા ઢૂંઢકર સહરા ઉઠા લાયા..!’ એ ઉઠા લાયા રદીફ પરથી મને ગુજરાતી ગઝલ સૂઝી, ‘જરા અંધારનો દસ્તાવેજ લઈ આવ્યો.’ અનાયાસે ઉત્તમ ગઝલનું સર્જન થયું. લખાયાનાં ૩૫ વર્ષ પછી ૨૦૧૨માં મેં એક શેર; બીજું તો શું કહું… એમાં ઉમેર્યો હતો. ગઝલ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ એક જ એવું સ્વરૂપ છે જેમાં ૭૦ વર્ષ પછી પણ ઉમેરો શક્ય છે. ગીતની જેમ એ બંધાયલી નથી, એટલે જ મને આ સ્વરૂપ વિશેષ આકર્ષે છે. આશિત-હેમા સાથે મેં ઘણા કાર્યક્રમો કર્યા છે. સંગીતના સ્વરોથી ગઝલને એવી સજાવે કે સાંભળીને કલેજું ચિરાઈ જાય. ‘શુષ્ક થઈને એમને ચૂમો અરે, લાગણીનો આવો તરજૂમો અરે…’તથા ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ’ એ બન્ને મારી લાજવાબ કમ્પોઝ થયેલી ગઝલો છે.’

રાગ ચંદ્રકૌંસ-જોગનો મુલાયમ સ્પર્શ ધરાવતી અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલમાં કેવી અદ્ભુત કલ્પના છે! આગિયો અંધાર નાબૂદીનું એગ્રીમેન્ટ લઈ આવે અને એ માટે સૂરજ પાસેથી થોડું તેજ લાવે એ વાત જ રોચક છે! એમાંય મોરપીંછની હળવાશ જેવા ચંદ્રકૌંસના સ્વરો રૂંવાડાં ખડાં કરી દે છે. આગિયાનું તેજ અંધકાર દૂર કરવા પૂરતું હોય છે. આવા જ કોઈક તેજની ઝંખનામાં શાયર આગળના શેરોમાં અજવાળું પૂરતા જાય છે.
આ ગઝલના સંગીતકાર આશિત દેસાઈ કહે છે, “ ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ…’માં ગઝલિયત સાંગોપાંગ બહાર આવે છે. મને અને હેમાને અત્યંત પ્રિય એવી આ ગઝલ છે. સિત્તેરના દાયકામાં શોભિત અમારે ઘરે ઘણી વાર આવતો. પછી તો શેર-ઓ-શાયરીનો જે દૌર ચાલે. સાચું પૂછો તો ગુજરાતી ગઝલ વિશ્વનો અમને પરિચય કરાવનાર શોભિત જ. એને બેફામ, મરીઝ, શૂન્ય, ગની દહીવાલા, અમૃત ઘાયલ એ બધાની ગઝલો કંઠસ્થ હોય. એ વખતે તો એ પચીસેક વર્ષનો હશે પણ એની ગઝલો ખાસ્સી પરિપક્વ હતી. એના શેરમાં તિખારો જોવા મળતો. ‘અરે’ શબ્દ એવી રીતે ઉચ્ચારે કે સંગીતમાં પણ તમારે ‘અરે’ શબ્દ એ જ રીતે વ્યક્ત કરવો પડે. એ લાઈવ એન્સાઈક્લોપીડિયા છે. એના પઠન સાથે મારામાં કમ્પોઝિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જતી. દસ્તાવેજ જેવા નોન મ્યુઝિકલ શબ્દ ગઝલમાં લઈ આવીને શબ્દરમત ખેલવામાં એ માહેર છે. એમની ગઝલોમાં શબ્દોનો આડંબર નહીં પણ ઊંડાણ છે. અમે બન્ને ઋણી છીએ કે શોભિતે અમારી સમક્ષ ઉચ્ચ ગુજરાતી ગઝલો ઉઘાડી આપી. રાગના માળખાને ધ્યાનમાં રાખીને હું ક્યારેય ગીત કમ્પોઝ નથી કરતો પણ સ્વરબદ્ધ કરતી વખતે આપોઆપ રાગ નીખરી ઊઠે ત્યારે મજા આવે.”

શોભિત દેસાઈની બીજી ગઝલ, “રૂપ કૈફી હતું..” વિશે હવે વાત કરીએ. કોઈને પહેલી વખત જુઓ અને એ વ્યક્તિની એક ઝલક તમને દુનિયા ભુલાવી દે, એને કહેવાય પહેલી નજરનો પ્રેમ. પહેલી જ નજરમાં આખા જીવનનું પ્લાનિંગ દિમાગમાં આવી જાય એ પ્રક્રિયા ધરાવતી ગઝલ છે, “રૂપ કૈફી હતું, આંખ ઘેલી હતી.” પહેલી મુલાકાતમાં આકર્ષણ, ઉચાટ, મૌન, રોમાંચ, રીસામણાં, ઉદ્વેગ, સ્પર્શ જેવી એક પછી એક ઘટના બનતી જાય એ ગઝલના શેર રૂપે એમાં અવતરી છે.

‘કૈલાસ એક વાર મને પંકજ અને મનહર ઉધાસ પાસે લઈ ગયો અને આ બે સરસ મિત્રોની ઓળખાણ થઈ. મનહરભાઈએ પણ મારી ગઝલો સુંદર કમ્પોઝ કરી છે, પરંતુ ‘રૂપ કૈફી હતું’ ગઝલ જુદી જ રીતે રચાઈ હતી. પંકજ ઉધાસની ઉર્દૂ-હિન્દી ગઝલો એ વખતે એટલી લોકપ્રિય હતી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતને એમણે બાનમાં લઈ લીધું હતું. પંકજજીના મ્યુઝિક રૂમમાં અમે બેઠા હતા. એમણે કહ્યું કે મને રોમેન્ટિક ગઝલ જોઈએ છે, લખી આપ. પહેલો શેર મેં તરત આપી દીધો; “રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી…!” એમણે તરત જ પહાડી ધૂન વગાડી અને પહેલો શેર કમ્પોઝ કરી દીધો. આગળ કંઈ સૂઝે નહીં તો બંગલા બહાર જઈને હું લટાર મારું ને આવીને બીજો શેર આપી દઉં. કૈલાસ પણ વચ્ચે ટાપસી પુરાવતો જાય. કદર કરવામાં અને દાદ આપવામાં હું દાતાર છું એટલે આ ગઝલને હું અમારા ત્રણેયનું સહિયારું સર્જન ગણું છું.’ શોભિતભાઈ કહે છે.

સ્હેજ ફોક ટ્યુન ધરાવતી આ ગીતનુમા ગઝલના ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસ કહે છે, ‘મારી વ્યસ્તતાના દિવસોમાં મેં એકમાત્ર ગુજરાતી આલબમ ‘રજૂઆત’ બહાર પાડ્યું હતું. શોભિત દેસાઈ અને કૈલાસ પંડિત પ્રેરિત એ આલબમમાં મરીઝની એક વિવાદાસ્પદ નઝમ સહિત અન્ય શાયરોની ગઝલો પણ મેં ગાઈ હતી. રૂપ કૈફી હતું…ના શબ્દો સરળ અને રોમેન્ટિક હોવાથી મેં એને જાણીજોઈને ગીતની જેમ જ કમ્પોઝ કરી. શબ્દોની બ્યુટી જાળવી રાખીને કમ્પોઝ કરેલી ગઝલનું આ નવું સ્વરૂપ શ્રોતાઓને ખૂબ પસંદ આવ્યું હતું.’

પંકજ ઉધાસે શોભિત દેસાઈની “છૂક છૂક છોકરી” ગઝલને “ચાંદી જૈસા રંગ હૈ તેરા” જેટલી જ પોપ્યુલર કરી છે. એમાં સ્ટીમ એંજિનના અવાજો ઉમેરીને વધુ સહજ બનાવી છે. ‘હવા પર લખી શકાય’, ‘અંધારની બારાખડી’ ‘અરે!’ તેમ જ ‘અહમ્ ઓગાળવા આવ્યા’ નામના ગઝલ સંગ્રહ શોભિત દેસાઈએ આપ્યા છે, પરંતુ ગઝલ પરની એમની જબ્બર હથોટી જાણવી હોય અને આ બન્ને ગઝલો માણવી હોય તો ઈન્ટરનેટ પર શોધીને સાંભળી શકાશે. ગો ફોર ઈટ!

જરા અંધાર નાબૂદીનો, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.

‘તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ આવ્યો.

હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેકની સેજ લઇ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઇ આવ્યો.

બીજું તો શું કહું તમને હું, માયાવી હતો સંબંધ એ
એનો અંત પણ શરૂઆતની સાથે જ લઈ આવ્યો

શાયર : શોભિત દેસાઇ

ગાયક-સંગીતકાર: આશિત દેસાઈ

નીચેની લીંક ક્લીક કરીને, શોભિત દેસાઈ અને નંદિની ત્રિવેદીના મુખે આ લેખનો એક નાનકડો પરિચય સાંભળ્યા પછી,  ગાયક-સંગીતકાર: આશિત દેસાઈના કંઠે આ ઉપરની ગઝલ સાંભળવાનો લ્હાવો લઈએ.

https://youtu.be/z0P8j1M99Mg

 

Preview YouTube video Shobhit Desai |Gujarati Ghazal |Jara Andhar Naboodi no dastavej |Nandini Trivedi |SWARGURJARI |Ep 32

હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી “શ્રાવણની એ સાંજ હતી”

હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી        (“મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)                                                 

“શ્રાવણની એ સાંજ હતી”

  શ્રાવણનાં સરવરિયાં વચ્ચે મન જઈ પહોંચ્યું છે સ્મૃતિઓની કુંજગલીમાં. સુગમ સંગીતનાં ગીતો સાંભળવાની શરૂઆતના દિવસો એટલે કે મારું શાળાજીવન. નવાં નવાં કાવ્યોનો પરિચય થતો જાય, એ કાવ્યો ગીત તરીકે રજૂ થાય અને સુગમ સંગીતમાં રૂચિ કેળવાતી જાય. ગુજરાતી ગીતોમાં અવિનાશ વ્યાસનાં ગીતો એ વખતે સૌથી વધુ સાંભળવા મળતાં. Continue reading હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી “શ્રાવણની એ સાંજ હતી”