Category Archives: નરેંદ્ર પટેલ

શિલ્પ (Sculpture)-૫-(નરેન્દ્ર પટેલ-૪ – અંતીમ) -પી. કે. દાવડા

નરેન્દ્ર પટેલના ધાતુ શિલ્પ

નરેન્દ્રભાઈના ઘાતુના પતરાંમાંથી બનાવેલા શિલ્પ આક્રમક નથી. એના આકાર હળવા, હવાઉજાશ વાળા અને કદમાં મોટા છતાં ફલકાફુલકા લાગે છે. જમીન સાથે હળવાશથી સંપર્ક કરતા લાગે છે પણ એની પકડ મજબૂત હોય છે. એમના શિલ્પની ખૂબી એના રંગોમાં છે. તમે એની આસપાસ પ્રદક્ષિણા કરો તો એમ કલર પૂરો થઈને બીજા કલરમાં જાવ તો તમને આંચકો લાગતો નથી. તમે એક રંગમાંથી બીજા રંગમાં સહેલાઈથી સરી જાવ છો.

એક શિલ્પની પ્રદિક્ષણા કરતી વખતે તમે જાણે અનેક શિલ્પ જોઈ રહ્યા છો એવી અનુભુતિ થાય છે. દિવસના સમય અનુસાર તડકા છાંયાની અસર પણ ધ્યાન દોરે છે. નરેન્દ્ર પટેલના શિલ્પ સમજવા મુશ્કેલ છે, પણ જોવા માણવા માટે સહેલા છે.

નરેન્દ્રભાઈએ વધારે કામોમાં તાંબા, પીતળ અને સ્ટેઈનલેસ સ્ટીલના પતરાંનો ઉપયોગ કર્યો છે. ધાતુઓના મૂળ રંગોને એમણે રસાયણો અને ધગધગતા તાપની ઓક્સીડાઈઝ કરીને બદલ્યા છે. કયારે ક્યારેક ગ્રાઈન્ડરની મદદથી ઓછા વધારે પ્રમાણમાં ઘસીને અલગ અલગ ઝાંય ઉપજાવી છે. ક્યારેક ઇલેક્ટ્રોપ્લેટીંગ પણ કર્યું છે. આમ માત્ર ધાતુઓ ખર્ચાળ નથી, એની ઉપરની પ્રક્રીયા પણ ખર્ચાળ છે. એટલે નરેન્દ્રભાઈના શિલ્પ સસ્તામાં તૈયાર થઈ શકે.

૧૯૯૦ પછી એમણે ખુલ્લામાં ઉભા કરાયલા શિલ્પો માટે સ્ટીલનો ઉપયોગ કર્યો છે, અને વિશાળ કદના શિલ્પ Space સાથે એકરાગ થાય એવી રીતે ઊભા રાખ્યા છે. એમના ઘણાં શિલ્પ જમીન સાથે માત્ર ત્રણ જગ્યાએ સંપર્કમાં આવતા જોવા મળ્યા છે. આવા વજનદાર શિલ્પને નાજુક એવા જમીન સાથેના ત્રણ સંપર્કથી ઉભા રાખવા સ્ટ્રકચરલ એંજીનીઅરીંગની દૃષ્ટીએ એક પડકાર છે, પણ નરેન્દ્રભાઈને આવા પડકાર ગમે છે.

એમને Bright industrial રંગો ગમે છે. એમનું માનવું છે કે અમેરિકાના પુર્વભાગમાં શિયાળાના વાતાવરણમાં આવા રંગો વધારે ઉઠાવ આપે છે.

નરેન્દ્રભાઈએ પોતાન શિલ્પ દ્વારા કોઈ સામાજિક કે આધ્યાત્મિક સંદેશ આપવાનો દાવો કયારે પણ કર્યો નથી. એમને તો તમારા Routine વિચારોમાંથી બહાર કાઢી, શિલ્પ વિષે વિચારતા કરી દેવામાં મજા આવે છે.

મારી સાથે બેત્રણ વાર ફોનમાં થયેલી વાતો ઉપરથી મને અનુભુતિ થઈ છે કે નરેન્દ્રભાઈ સીધાસાદા અને મૃદુભાષી વ્યક્તિ છે. કદાચ એમના શિલ્પની જેમ તમને વિચાર કરતા કરી મૂકે છે.

શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રીમતિ દુર્ગા પટેલે લેખમાળાની વિગતો એકઠી કરવામાં મને ખૂબ સહકાર આપ્યો છે, બદલ એમનો ખૂબ આભાર માનું છું.

શિલ્પ (Sculpture)-૪-(નરેન્દ્ર પટેલ-૩)

આપ સૌના જીવનમાં આનંદનો દીપ સદાય પ્રજ્વલિત રહે.

 

જંતરમંતર

અત્યાર સુધીમાં આપણે નરેન્દ્રભાઈના ધાતુના બનેલાં શિલ્પ જોયાં. ધાતુના શિલ્પની બાબતમાં શિલ્પ જગતમાં નરેન્દ્રભાઈનું મોટું નામ છે.

આજે આપણે એમનું કોંક્રીટથી બનેલુ શિલ્પ જોઈએ. નરેન્દ્રભાઈનું આ શિલ્પ ૧૯૫ માં બન્યું હતું. શિલ્પ પણ Wisconsin ના Milwaukee માં યુનિવર્સિટીના કેમ્પસમાં છે.

શિલ્પની પશ્ચિમની બાજુ કોલેજ ઓફ એંજીનીઅરીંગ અને એપ્લાઈડ સાયન્સનું મકાન છે. એની પૂર્વની બાજુ ફીઝિક્સ ડીપાર્ટમેન્ટનું મકાન છે. ઉત્તર તરફ પ્લેનેટોરિયમ છે.

એંજીનીઅરીંગ એટલે યંત્રશાસ્ત્ર. યંત્રનું અપભ્રંશ જંતર. ફીઝીક્સ એ વિજ્ઞાનનું મંત્ર છે, અને એનું અપભ્રંશ મંતર. એમણે નામ રાખ્યું જંતરમંતર. વળી પ્લેનોટોરિયમ નામને સાર્થક કરે છે. કદાચ એમના મનમાં દિલ્હી અને જયપૂરના જંતરમંતર પણ રહ્યા હશે.

વિશાળ શિલ્પનું નિર્માણ એમણે એંજીનીઅરીંગ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓની મદદથી કર્યું હતું. શિલ્પમાં વપરાયલું સીમેન્ટ કોંક્રીટ નવું પેટન્ટ મેળવેલું સીમેન્ટ કોંક્રીટ હતું, જેમાં નકામા થઈ ગયેલા ટાયર અને બળીગયેલા કોલસાની રાખ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર ૧૨ જણાની ટુકડીએ સાથે મળીને કામ પુરૂં કર્યું હતું. જૂન ૧૯૯૫ માં કામનું ઉદઘાટન થયું હતું.

શિલ્પ પણ Abstract Art છે. એટલે એના આકાર વિષે કંઈપણ કહેવાની મારી ક્ષમતા નથી. એક એંજીનીઅર હોવાને નાતે કહી શકું કે કોંક્રીટના આવા ભારે ભરખમ ચાર ટુકડાને જે રીતે સ્થિરતા આપી છે, એમાં એમણે Theory of Equilibrium જરૂર વાપરી છે. સૌથી મોટા બીજા ટુકડાને એક બાજુ નમાવીને પછી એને પડતો રોકવા એક નાના ટુકડાને ટેકા તરીકે વાપર્યો છે. ઉપરના ત્રીજા અને ચોથા ટુકડાને કાં તો બોલ્ટ કર્યા હશે, અને કાં તો એના Centre of Gravityne નીચા લાવી સ્થિર કર્યા હશે. કોંક્રીટના Volume કે વજનની માહીતિ મારી પાસે નથી.

શિલ્પ તૈયાર કરતી વખતે કામકાજનીલેવાયલી ત્રણ તસ્વીરો અહીં રજૂ કરું છું.

નરેન્દ્રભાઈના કોંક્રીટના બનેલા બીજા બે શિલ્પ પણ ખૂબ જ જાણીતા છે. અહીં એમના ફોટોગ્રાફસ અને ટુંકી વિગત આપી છે.

Nice Spirit નામનું આ શિલ્પ એમણે એમના એક સ્વર્ગસ્થ મિત્રની યાદમાં તૈયાર કર્યું છે. લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલાં મિત્રની આત્મશક્તિને આ શિલ્પ બિરદાવે છે.

Ornithopod નામનું આ શિલ્પ એ પ્રાગ ઐતિહાસિક એક ઉડતા પ્રાણીની કલ્પના રજૂ કરે છે. આગળના ભાગમાં બે પગ છે, અને પાછળ મજબૂત પુંછ્ડી છે, જે પણ એને ઉભા રહેવામાં મજબૂત ટેકો આપે છે. ૧૯૯૭ માં તૈયાર કરાયલા આ બે શિલ્પ ઉપર ભેજવાળી હવાથી શેવાળ બાજે છે, અને એનાથી આ શિલ્પો વધારે આકર્ષક લાગે છે.

આવતા બુધવારે નરેન્દ્રભાઈના શિલ્પનો આખરી મણકો રજૂ કરીશ.

શિલ્પ (Sculpture)-૩-(નરેન્દ્ર પટેલ-૨)

શ્રી નરેન્દ્ર પટેલનું શિલ્પ એક Abstract શિલ્પ છે. ધાતુના પતરાંમાંથી બનાવેલા ત્રણ ત્રિકોણનું બનેલું છે. સામાન્ય રીતે ત્રિકોણ એના પાય ઉપર ઊભું રાખવામાં આવે છે કારણ કે એની કુદરતી સમતુલ મુદ્રા છે (Stable Equilibrium). પણ અહીં ત્રણે ત્રિકોણને ઊંધા, એટલે કે એના ટોચના બિંદુ (Vertex) ઉપર ઊભા કરવામાં આવ્યા છે. Free Standing દશામાં ત્રિકોણ રીતે ઊભા રહી શકે, એટલા માટે જમીનમાં કોંક્રીટના મજબૂત પાયા બનાવી, એની સાથે નટબોલ્ટની મદદથી પડકી રાખવામાં આવ્યા છે. ચોથા પતરાને કદાચ આ ત્રણ ત્રિકોણ સાથે વેલ્ડીંગ કરી અધ્ધર મૂકવામાં આવ્યું છે.

ત્રિકોણો માટે લાલ અને કાળા રંગનો  ઉપયોગ કરવામાં આવ્યો છે. શિલ્પ એટલું મોટું છે કે બાળકો એની ફરતે નહીં, એની અંદરથી પણ પસાર થઈ શકે છે. શિલ્પની નજીક એક તક્તી ઉપર “ Celebrating the Arts/ Created by Narendra Patel/ as a tribute to/ Linda Nice/ Beloved Music teacher/ Roosevelt Middle School of the Arts/ Dedicated on October 12, 1989.” લખેલું છે. શરૂઆતમાં તો રાતે એને રોશનીથી ચમકાવવામાં આવતું, પણ કોઈએ તોડફોડ કર્યા પછી રોશની બંધ કરવામાં આવી છે.

શિલ્પમાંથી કોઈ સંદેશનો અંદાઝ આવવો મુશ્કેલ છે. ત્રિકોણોને એની ટોચ પર ઊભાં રાખીને એમણે આપણી કોઠાસૂઝને પડકારી છે. દરેક જોનાર પોત પોતાના વિચારો અનુસાર અંદાઝ લગાવી શકે. મારા મનમાં જે વિચાર આવ્યો છે અનુસાર શિલ્પનો સંદેશો છે કે જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.

૧૯૮૯ માં તૈયાર કરેલું શિલ્પ ૨૦ ફુટ ઊંચું, ૧૪ ફૂટ પહોળું અને ૬ફૂટ ઊંડું છે. તૈયાર કરવા માટે બે ટન લોખંડના પતરાં વપરાયાં છે અને એને જોડવા માટે વેલ્ડીંગ કરવામાં આવ્યું છે.

શિલ્પ (Sculpture)-૨-(નરેન્દ્ર પટેલ-૧)

નરેન્દ્ર પટેલ

૧૯૨૯ માં ભાવનગરમાં જ્ન્મેલા નરેન્દ્રભાઈ હાઈસ્કૂલના દિવસોથી ચિત્રકામ કરતા, અને જુદા જુદા કલાપ્રદર્શનોમાં ભાગ લેતા. ૧૯૫૫ માં એમની કલાકૃતિઓનું પહેલું પ્રદર્શન દીલ્હીની લલિતકલા એકેડેમીમાં ભરાયું હતું. ત્યાર બાદ ભારતના જુદા જુદા શહેરોમાં એમની કલા પ્રદર્શિત થતી રહી.

૧૯૫૮ માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાંથી ફાઈન આર્ટ્સના સ્નાતક થયા. ૧૯૬૦ માં જવાહરલાલ નહેરૂના હસ્તે, ઈજીપ્તના પ્રમુખ નાસરની હાજરીમાં એમને રાષ્ટ્રીય લલિતકલા એકેડેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૧ માં કલાના ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા તેઓ પત્ની સાથે અમેરિકા આવ્યા. ૧૯૬૫ માં ડેટ્રોઈટની વેઈન યુનિવર્સીટીમાંથી સ્થાપત્ય (Sculpture) માં માસ્ટર્સ ડિગ્રી મેળવી અને ત્યાર બાદ ૧૯૬૭ માં ક્રેનબુક એકેડમી ઓફ આર્ટસ (મીશીગન)માંથી એમ.એફ.. (Equivalent to Ph.D.) ડીગ્રી મેળવી.

૧૯૬૭ થી નિવૃતિ સુધી નરેન્દ્રભાઈ યુનિવર્સીટી ઓફ વીસ્કોન્સીન (મીલવોકી)માં કલા વિભાગના પ્રોફેસર તરીકે કામ કર્યું.

અમેરિકાના કલા જગતમાં નરેન્દ્રભાઈનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અમેરિકાના ન્યુયોર્ક,વીસ્કોનસીન, ઈન્ડીયાના અને મીશીગન રાજ્યોમાં એમના ૩૫ થી વધારે પ્રદર્શનો ભરાઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બેલ્જીયમ અને ઈટાલીમાં પણ કલા જગતમાં એમનું નામ લેવાય છે.

ચિત્રકારો કાગળ કે કેનવાસ ઉપર બ્રશ અને રંગોની મદદથી કૃતિઓનું સર્જન કરે છે. નરેન્દ્રભાઈ માટે ધાતુનાં મોટા મોટાં પતરાં એમના કાગળ અને વેલ્ડરની ટોર્ચ એમનું બ્રશ. સ્ટેઈનલેસ સ્ટીલનાં મોટાં મોટાં પતરાં, તાંબાના વજનદાર પતરાં, કેટલાંક કેમીકલ્સ અને વેલ્ડરની ટોર્ચથી બનાવેલી આકૃતિઓ સુંદર કલાકૃતિઓ બની જાય છે. તાંબાના પતરાંને કયે ઠેકાણે કેવી રીતે અને કેટલી ગરમી આપવી એની આવડતથી નરેન્દ્રભાઈ એના ઉપર અલગ અલગ રંગો પેદા કરે છે. સ્ટેઈનલેસ સ્ટીલના પતરાં ઉપર કેમીકલ્સ લગાવી એને અલગ અલગ જગ્યાએ અલગ અલગ માત્રામાં ઘસીને સુંદર આકૃતિઓ ઉપજાવે છે. આમાંની કેટલીક રીતો અને પ્રક્રીયાઓ તો નરેન્દ્રભાઈની પોતાની આગવી શોધ છે.

એમની કલાકૃતિઓ અનેક આર્ટગેલેરીઓમાં અને અનેક જાહેર જગ્યાઓમાં તથા ખાનગી સંસ્થાઓમાં જોવા મળે છે. એમના સાગના લાકડામાંથી કંડારેલી કલાકૃતિઓ દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં જોવ મળે છે, મિલવાઉકીની એક ખાનગી કંપનીમાંવેવ્સ”, ડેટ્રોઈટના એક શોપીંગ સેંટરમાંબુલઅને વિસ્કોનસીન યુનિવર્સીટીમાંરીફ્લેક્ષન૨૨શિલ્પકૃતિ જોવા મળે છે.

લેખમાળામાં આપણે એમની થોડી શિલ્પકૃતિઓ જોઈશું.

        Confluence

ચિત્રનું નામ Confluence છે. આનો અર્થ થાય છે એક બીજામાં વિલીન થવું. સામાન્ય રીતે કોઈપણ શિલ્પના પાયામાં એક તક્તિમાં શિલ્પનું નામ, એના કલાકારનું નામ, શિલ્પની સ્થાપનાની તારીખ, અને શિલ્પ તૈયાર કરવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો છે એની માહિતી આપવામાં આવે છે.

શિલ્પમાં ધાતુના પતરાંઓના રંગોના સંયોજન દ્વારા સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે અહીં જાત જાતના અને ભાત ભાતના માણસો એક બીજામાં વિલીન થઈને અહીંનો સમાજ બન્યો છે. બીજો સંદેશ કદાચ મળે છે કે અહીં અલગ અલગ સમયમાં અલગ અલગ ઋતુઓના રંગ સાથે જોવા મળે છે. આવા કઈક વિચાર શિલ્પ આપે છે.

આપણે ત્યાં પ્રયાગમાં જ્યાં ગંગાના આછા રંગના પાણી સાથે જમુનાના શ્યામ રંગના પાણી મળે છે એને કદાચ Confluence કહી શકાય. શિલ્પનું બીજું મહત્વનું અંગ છે કે તમે એની ફરતે એક આંટો મારતી વખતે થોડી થોડી વારે શિલ્પ જોવા પ્રયત્ન કરશો તો તમને અલગ અલગ આકૃતિઓ દેખાશે. અનેક આકૃતિઓનું એક શિલ્પમાં Confluence કહી શકાય.

ઉપરની ત્રણે તસ્વીરો આ શિલ્પને અલગ અલગ ખુણેથી લેવામાં આવી છે. દરેક તસ્વીર એક જ શિલ્પના અલગ અલગ સ્વરૂપ જોઈ શકાય છે.

એક ઈન્ટરવ્યુમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક વહેતી નદીના તરંગોને લીધે પાણીના બદલાતા રંગો જોઈને એમના મનમાં જે વિચાર આવ્યા, એ આ કૃતિના મૂળમાં છે. એમણે કાગળ ઉપર એ વિચારને આ પ્રમાણે સ્કેચ કરી લીધો.