Category Archives: નવલકથા

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર નવલિકા. સરયૂ પરીખ. અંતિમ

Note: republishing this last chapter of ‘Urmil Sanchar’. Due to computer glitch it did not deliver in the Sunday’s email. Saryu

ઊર્મિલ સંચાર…પ્ર. ૧૧ નવલિકા સરયૂ પરીખ http://ઊર્મિલ સંચાર…પ્ર. ૧૧ નવલિકા સરયૂ પરીખ

                                    પ્રકરણઃ ૧૧  સમર્પણ

શોમ જોષી મુસ્લિમ માતાનો પુત્ર છે તે ખબર પડતા, અંજલિનાં દાદા નારાજ થઈને ગામડે પાછા ચાલ્યા ગયા. થોડા વડિલોના ધ્યાનમાં આવ્યું, તે સિવાય સાંજના લગ્નની યથાવત તૈયારીઓ ચાલતી રહી. સજાવેલા મંડપ સામે સફેદ ખુરશીઓ ગોઠવાયેલી હતી, જેથી મહેમાનોને વર-કન્યા અને પાછળ ઊછળતો દરિયો દેખાય. નાના ભૂલકાઓ તો નવા કપડામાં મંડપની ચારે બાજુ ચક્કર લગાવી રહ્યાં હતાં અને તેની પાછળ શોમનો ભાણિયો, અયન રેતીમાં દોડતો, પડતો અને ઊઠીને ફરી દોડતો હતો. જરીકસબવાળા કુર્તા-પજામાં પહેરીને સજ્જ થયેલો રૉકી, થોડીવાર ચિંતાથી નાના અયનની પાછળ દોડ્યો પણ પછી સમજાઈ ગયું તેની શક્તિ એ ત્રણ વર્ષના કુંવર કરતા ઘણી ઓછી હતી.

નીનાને સાડી પહેરવામાં મદદ કરનારા ઘણાં હતાં. નીના સગાવહાલાની સ્નેહવર્ષા અને સંભાળથી ગદગદ થઈ ગઈ હતી. પરદેશમાં રહેવાથી શું ગુમાવ્યું છે તેની અનુભૂતિ થઈ રહી હતી. અંજલિએ સફેદ અને લાલ જરીવાળી કિનારનું રેશમી પાનેતર પહેર્યું હતું અને ઉપર સાસરેથી આવેલ લાલ ચૂંદડી ગોઠવેલી હતી. કમનીય મનોહર ઘરેણાંમાં નવવધુ લાલિત્યપૂર્ણ લાગતી હતી.

સાજન મહાજન મંડપ સામે ગોઠાવાઈ ગયું. શરણાઈના સૂરો ગુંજતા હતાં. વરરાજા શોમને મિત્રો સાથે આવતો જોઈ સહજભાવથી બધાં તાળીઓથી તેના તેજસ્વી સ્વરૂપને અહોભાવથી નવાજી રહ્યાં. શોમની સફેદ શેરવાની પર સોનેરી અને નીલા રંગનું ભરતકામ કરેલું હતું. છ ફૂટ ઊંચો, ગોરો વાન અને ઘુંગરાળા વાળમાં જાણે શોમે બધાંનું મન હરી લીધું. શોમ મંડપમાં રાજવી ખુરશી પર ગોઠવાયો, સ્ટિવ અને આરી તેની પાછળ ઉભા રહ્યા. વૈદ્યજીના આમંત્રણથી કન્યાનું આગમન જાહેર થયું.

એ સમયે, સર્વ મંગલ માંગલ્યે… મધુર મંત્રોથી વાતાવરણ પૂલકિત થઈ ગયું. અંજલિ તેની સખીઓ સાથે આવતી દેખાઈ અને શોમ સહિત બધાં ઉમંગથી આવકારવા ઊભાં થઈ ગયા. અલતાથી શણગારેલા ચરણો પર બાધેલી સોનેરી ઝાંઝરીના મીઠાં ઝણકાર સાથે અંજલિ મંડપ તરફ આગળ વધી. શોમની સાથે નજર મળતાં ક્ષણભર એ થંભી ગઈ…  

આંખોથી આંખની હલચલ સંકેતમાં
 હોઠની કળી હસી રોમાંચિત અંકમાં
હૈયાના સ્પંદનનો કંપ રોમ રોમમાં
મંગલ મિલન સર્વ સૃષ્ટિ આનંદમાં

સિતારના મંજુલ અવાજ અને સખીના સ્પર્શે અંજલિનું ધ્યાન ખેંચ્યું અને તે આગળ ચાલી અને શોમની બાજુમાં બેઠી. હસ્તમેળાપ હિંદુ વિધી પ્રમાણે કર્યા પછી વૈદ્યજીએ કહ્યું કે, “ચાર ફેરા માટે અંજલિએ ચાર શ્લોક આપ્યા છે તે બોલાશે. તમે સાંભળશો કે આ વર-કન્યાને વચનોના બંધન માન્ય નથી. શોમ અને અંજલિ અગ્નિની સાક્ષીમાં પહેલા ફેરામાં તન, મન અને ધનનું સ્નેહ સમર્પણ કરે છે…બીજા ફેરામાં સદકર્મોમાં સદા સાથ રહી જનકલ્યાણના કર્મોમાં ઉભયનો સાથ માંગે છે…ત્રીજા ફેરામાં કુટુંબ-પરિવારની સેવામાં સમાન ભાવની અપેક્ષા રાખે છે…અને ચોથા ફેરામાં પોતાનાં બાળકોના ઊછેરમાં સર્વસ્વ અર્પણ કરવાનો નિશ્ચય કરે છે.” મંગળ ફેરા પૂરા થતાં વૈદ્યજીએ કહ્યું, “શોમ અંજલિને કંઈક કહેવા માંગે છે.”

શોમ અંજલિ તરફ ફર્યો અને તેનાં બન્ને કોમળ હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “મારી પ્યારી અંજલિ, આજે આપણા મિલનથી આપણે બે મટી એક થશું તો પણ હંમેશા પોતાના અસ્તિત્વમાં મુક્ત રહીશું. મને તારામાં અનન્ય વિશ્વાસ છે, જેને હું કોઈ વચનોના બંધનમાં બાંધવા નથી માંગતો. આપણી વચ્ચે મિત્રતા, સ્નેહસંબંધ અને સ્વતંત્રતા અબાધ્ય રહેશે. મારો પ્રેમ સમય સાથે પ્રબળ બનશે. અંજલિ! મારા જીવનપથમાં તારા સાથને હું મારું અહોભાગ્ય માનું છું.” અને શોમે નમીને અંજલિના ગાલ પર ચૂમી કરી…સ્વજનોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં.

લગ્ન પછી મિજબાનીની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ અવનવી લગ્નોક્તિ વિષે આગળ ચર્ચા ચાલી. શોમ અને અંજલિ પોતાની લાગણીઓ, અરમાનોને વચનનું બંધન લાદવા નહોતા માંગતા એ ચર્ચાનો વિષય રસપ્રદ બની ગયો. અંજલિ અને શોમને ઘેરીને બેઠેલાં મિત્રમંડળે સવાલ કર્યો. અંજલિએ વૈદ્યજીને આમંત્ર્યા, “બાબા, તમે આ બિનઅનુભવી મિત્રોને સમજાવો કે અમારો આશય શું છે!”

“આપણે વર્તમાનમાં જે ભાવથી વચનો આપીએ તે આજને માટે તથ્ય છે. જીવનસફરમાં ભાવ બદલાય પણ વચનના બંધનને લીધે તમારે એ સાથ નિભાવવો જ પડે…તે વાતનો અંજલિ અને શોમને અર્થ નથી લાગતો. તે બન્નેને શ્રધ્ધા છે કે તેમનો સાથ અતૂટ છે. જે પ્રેમને વચનોમાં જકડવો પડે તે વ્યવહાર છે, પ્રેમ નહીં.” વૈદ્યજીએ સમજાવ્યું. “હું એક સલાહ આપું કે કોઈ પણ પરિસ્થિતિમાં પતિ-પત્ની ઉભય સાથે સન્માનથી વર્તે.” સૌ ધ્યાનથી સાંભળી રહ્યાં.

“ચાલો, જમવાનો સમય…”ની બૂમ સંભળાઈ અને ‘ઓહો’ અને ‘આહા’ ગરમ ગરમ જલેબી આવતા બધાં મીઠા સ્વાદમાં મગ્ન થઈ ગયાં.

પંખીનો મેળો વિખરાયો અને હ્યુસ્ટન જવા માટે ડો.રમેશ, માહી અને સાથે અંજલિના મમ્મી પણ રવાના થયા. નવદંપતી, ગોઆથી નીકળી પંડિચેરી જઈને અંજલિના સહાધ્યાયી અને ગુરુજનોને મળીને પછી હ્યુસ્ટન ગયા.

બે સપ્તાહ પછી હ્યુસ્ટનમાં અત્યંત ઉમંગથી શોમ અને અંજલિના લગ્નની ભવ્ય ઉજવણીની યોજના કરવામાં આવી હતી. મોટો હોલ ભારતિય ઝલકથી શણગારેલો હતો. તેમાં વળી નામી પિયાનો વગાડનાર હાજર હતા. અનેક ઉમદા ડોક્ટરો, મિત્રો અને સહકાર્યકર્તાઓ હાજર હતા. દેશી અને અમેરિકન શાકાહરી ખાણું હતુ. અને છેલ્લે ગીત, સંગીત અને નૃત્ય મોડી રાત સુધી ચાલ્યું.

અંજલિનું જોષી પરિવાર સાથે પુત્રવધૂ તરીકે રહેવાનું બહુ સહજ હતું. જ્યાં સંવાદિતા હોય ત્યાં સ્વર્ગ વરતાય છે. વર્ષો સુધી શોમ અને અંજલિ, તેમનાં કામની સફળતા અને નિષ્ફળતામાં અડગ સાથી દાર રહ્યાં. તેમનાં ત્રણ બાળકો, દાદા-દાદી અને નાનીના સ્નેહની છાંવમાં ઉછરી રહ્યાં હતાં.

એક ઘર એવું બનાવીએ,

જ્યાં સ્નેહની છતછાંવ હો, શ્રધ્ધાની ભીંત હો, ભરોસાની ભોમ હો,
એક પરિવાર એવો સજાવીએ,
 જ્યાં સંવાદીત તાલ હો, પ્રીતિનાં ગાન હો ને મોટાનું માન હો.
——-

સમાપ્ત. ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com
—————————————

જીવન સાઇકલ

જીવન કેરી સાઇકલના, હું ને તું બે પૈડા,
એકમેકની આગળ-પાછળ સંગાથીના હઇડા.

રોજ રોજની રામાયણમાં મુજને ટેકો આપે,
વેરાયેલી લાગણીઓ તું સંકોરીને રાખે.

ચઢાણ ઊંચું, ખડબડ રસ્તો, જ્યારે મુશ્કેલ લાગે,
ઉતાવળે જો આગળ ખેંચું, બ્રેક દઈ સંભાળે.

ખેંચતાણ ને અમતલ સમતલ પૈડા ફરતાં જાયે,
કસી કસીને સો ટચ સોનું મને કરી ઝળકાવે.
———

A Poem for Him

Since we cosigned in the race of this life cycle,
We have been two wheels of the same bicycle.

You lead me through the seven set circles,
Each has been conjured with many miracles.

The loyalty and longing intertwine hearts,
The routines and the duties tug us apart.

Your foot on the brake and steady navigation
have guided our lives without deviation.

In life’s uphill journey, I follow when you roll,
If you slip into reverse, I cruise and control.

The push and pull, check and balance,
A keen, kind critique brings the best out of me.

A good spouse, a great father, a superb grandfather,
I hope and wish the ride goes far and farther.

——-
For Dilip…on May 19TH1969…with TLC…Saryu

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ


ઊર્મિલ સંચાર, પ્ર. ૧૦ ઝરમરમાં ઝાપટું. નવલિકાઃ સરયૂ પરીખ
http://ઊર્મિલ સંચાર, પ્ર. ૧૦ ઝરમરમાં ઝાપટું. નવલિકાઃ સરયૂ પરીખ

પ્રકરણ ૧૦. ઝરમરમાં ઝાપટું

લયબદ્ધ લોક સંગીતના મધુર તાનમાં અંજલિ, શોમ અને મિત્રો નાચતાં હતાં. આનંદના એ માહોલમાંથી અંજલિના મમ્મી, મંજરીને જરા ખેંચીને દાદા સામે હાજર કરવામાં આવ્યાં. અંજલિએ જોયું, અને તે પણ પોતાની મમ્મી પાછળ આવી. “આ શું સાંભળું છું? મારી પૌત્રી એક મુસલમાન માવડીનાં છોકરા સાથે પરણે છે? મારો દીકરો જીવતો હોત તો આવું ન થવા દેત!” આ સાંભળીને અંજલિએ જોયું કે તેની મમ્મીને ચાબખો વાગ્યો હોય તેમ વળ ખાઈ ગઈ.

“ભાઈ! દાદાજીને તમારે ઉતારે લઈ જાવ, હું હમણાં આવું છું.” અંજલિએ જરા સખ્તાઈથી આદેશ આપ્યો. એ સાંભળી મંજરી અંજલિને વારતી હોય તેવી નજરે જોઈ રહી.

“મહા અનર્થ…!” એમ બોલતા બોલતા, દાદા લાકડીને ટેકે ભત્રીજા સાથે જતા રહ્યા. મમ્મીને લઈને અંજલિ પાછી બધાં સાથે સંગીતમાં જોડાઈ. વેવાણનો ચહેરો જોઈ માહી ‘કંઈક અણઘટિત’ છે તે સમજી ગઈ.

કાર્યક્રમ પુરો થયો અને બધા વિખરાયા. અંજલિનો ગંભીર ચહેરો જોઈ, તેના બન્ને હાથ પકડી શોમ તેની આંખોમા આંખ પરોવી પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો.

“મારા દાદાએ ધમાલ કરી મૂકી છે, અને વચ્ચે મારી મમ્મી સોરાઈ રહી છે.” અંજલિ રડમસ ચહેરે બોલી.

“પણ શું થયું? મને કહે,” શોમ ઉત્સુક્તાથી બોલ્યો.

“મારા દાદા તમારા અબ્બાસમામાને મળ્યા અને જાણ્યું કે માહીમમ્મી મુસ્લિમ છે. એકદમ આપણા લગ્નનો વિરોધ જણાવ્યો. દાદા પોતાની માન્યતાઓને અનુસરે તેનો વાંધો નથી પરંતુ ‘મારો દીકરો હોત તો આવું ન થવા દેત’ એમ કહીને મારી મમ્મીને બહુ આઘાત આપ્યો છે.” અંજલિની આંખો ભરાઈ આવી.

“પણ તારા પપ્પા તો એવા વિચારના હતા જ નહીં. ચાલો, આપણે દાદા સાથે વાત કરીએ, ભલે ને મોડી રાત છે.” શોમ બોલ્યો અને બન્ને દાદાના ઉતારા તરફ વળ્યા.

“હું તમને ઇતિહાસ જણાવું.” અંજલિ બોલી, “મારા પપ્પાને દાદાના સંકુચિત વિચારો માટે અત્યંત અણગમો હતો, અને દાદાને પપ્પાના સિધ્ધાંતો માટે નફરત. દાદાએ કદી પપ્પા વિષે વખાણનો શબ્દ કહ્યો નથી બલકે, પપ્પાની પ્રવૃત્તિઓ તેમને શર્મજનક લાગતી. દાદીના અવસાન પછી પપ્પા ગામડેથી ઘર છોડી નીકળી ગયા હતા. મમ્મી સાથે લગ્ન કરવાના હતા ત્યારે મમ્મીના આગ્રહને લીધે દાદાને મળવા ગયા હતા. બસ, પછી મમ્મી કાગળ લખી સંબંધ રાખતી…એ સિવાય ખાસ મનમેળ નહોતો.”

શોમ અને અંજલિએ ઉતારા પર આવીને બારણે ટકોરા માર્યા ને ભત્રીજાએ તરત બારણું ખોલ્યું. દાદા પથારી પર સંકોડાઇને બેઠાં હતાં. શોમ નજીક ખુરશી ખેંચી બેઠો અને અંજલિ નારાજગીના ભાવ સાથે ઊભી રહી. “દાદા, તમને મારી સામે તો વાંધો નથી… તો મારી મમ્મી મુસ્લિમ છે તે એટલું બધું અગત્યનું છે?” શોમ નમ્રતાથી બોલ્યો.

દાદા સખ્ત અવાજમાં બોલ્યા, “આવા લગન થાય જ નહીં. હું તો જોષીસાહેબનું ઉચ્ચ કુટુંબ સમજીને આવ્યો હતો. આવામાં તો અમારી આબરુના કાંકરા થઈ જાય.”

“વડીલ, મારી મમ્મીને લીધે ‘જોષી’ નામની ગરિમા વધી છે, ઘટી નથી.” શોમ ગૌરવથી બોલ્યો.

“દાદાજી! ભલે તમારી આવી માન્યતા છે. પણ તમે મારા પપ્પા ‘આ લગ્ન ન થવા દેત’ એવું કેવી રીતે માન્યું? તમે મારા પપ્પાના શું વિચારો હતા એ જાણવા કોઈવાર પ્રયત્ન કર્યો છે કે આજે આવો મોટો ચાબખો તમે મમ્મીને માર્યો?” અંજલિ વ્યાકુળતાથી બોલી.

“તમને જેમ ફાવે તેમ કરો. હું કાલે સવારે જ અહીંથી હાલ્યો જઈશ.” બેદરકારીથી તેમણે નિર્ણય જણાવ્યો.

“દાદા એવું ન કરો,” શોમે કહ્યું…પણ દાદાએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.

“ભલે, જેવી તેમની મરજી,” કહીને અંજલિ દાદાના ચરણસ્પર્શ કરી બારણા તરફ જતાં બોલી, “ભાઈ, દાદાને સાંચવીને લઈ જજો.” શોમે બહાર નીકળતા પહેલાં, પાકીટમાંથી રૂપિયાની થોકડી કાઢી ભત્રીજાને આપી દીધી.

શોમે બહાર નીકળી અંજલિને કમ્મરે હાથ મૂકી વ્હાલ કરી કહ્યું, “જવા દે…Life is too short to waste and too long to ignore. સૌને તેમની માન્યતાઓ મુબારક.”

ઘેર જઈને અંજલિએ મંજરીને બધી વાત જણાવી અને ખાસ ચેતવણી આપી, “જો મમ્મી, તેં દાદાને સન્માન આપવાના બનતા પ્રયત્નો કર્યા છે. કાલે તેઓ જઈ રહ્યા છે તે બાબત તારે બિલકુલ પોતાનો વાંક નથી ગણવાનો.” કહીને અંજલિ તેની મમ્મીને ભેટી. “ઓ મારી વ્હાલી મમ્મી! મારે ખાતર, પપ્પાના સિધ્ધાંતોને ખાતર, કબૂલ?” અને મંજરીએ હળવા દિલથી “બહુ રાખતા ના રહે, તેને વહેતા રે મૂકીએ” ગાઈને દીકરીને સંમતિ આપી દીધી.

અંજલિએ સુવાની તૈયારી કરી પણ ઉંઘ તો ક્યાંય વરતાતી ન હતી. કુમારિકા તરીકેની છેલ્લી રાત! તે બારીની ઓથે વરસતી ઝરમરને ઘેલછાભરી જોઈ રહી.

  ધૂમ્મસની આછેરી ચાદર ત્યાં દૂર સુધી, 
નીતરતા ટીપાની ઝાલર ત્યાં દૂર સુધી.
પત્તાને ફૂલોનો થરથરાટ  ધીર અધીર,
 મસ્તક  નમાવીને વૃક્ષો  દે તાલ મધીર.

 ઊંચેરી  બારીની  કાંગરીની  કોર  પર, 
સુંદર ને શર્મિલા ચહેરાની આડ પર,
 નીલમ સી આંખોની  કાજળની કોર પર, 
ભીની થઈ પાંપણ, યાદોની છોર પર.

આંસુનાં આવરણ ઉતારવાને, ઓ સજન!
ઉત્સુક મન ઘેલું ને આતુર, ઓ રે સજન!
પાંખો  ફફડાવું,  તું  આવે,  ઓ રે સજન! 
અવની ને આભનું ઝરમર મીલન સજન!

“હવે ઊંઘી જા બેટા,” એવું બે ત્રણ વખત સાંભળ્યાં પછી અંજલિ મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ.

અરૂણોદયની સુરખીમાં, દરિયા કિનારે શોમ રોજના નિયમ પ્રમાણે દોડી રહ્યો હતો. તેને લાગ્યું કે પાછળથી કોઈ બોલાવી રહ્યું હતું. શોમે ધીરા પડી પાછળ જોયું તો એક સજ્જન આશ્રમના પાછલા દ્વારમાંથી નીકળી, તેના તરફ આવી રહ્યા હતા. નવાઈથી તે જોઈ રહ્યો અને પરિચીત ચહેરાની યાદ સાથે અણગમાનો ભાવ ઊપજ્યો.

“માફ કરજો, હું અંજલિના મામા,” હાંફતા તે બોલ્યા.

“હાં મને ખ્યાલ આવી ગયો…નમસ્તે.” શોમે જરા રૂક્ષતાથી અભિવાદન કર્યું.

“મારી દીકરી માયાએ તમારી સાથે અમેરિકાના ગ્રીનકાર્ડ માટે લગ્ન કરવાનું કપટ કર્યું, તેની હું માફી માગું છું. માયાએ પણ હાથ જોડીને માફી માંગી છે.” સજ્જન ગળગળા થઈ બોલ્યા.

શોમ ગૂંચવાઈને બોલ્યો, “તમને પણ આંચકો લાગેલો, ખરૂં? અંજલિએ કહેલું કે તમારા પરિવાર અને માયાની વચ્ચે સમાધાન કરાવવાનો તેણે પ્રયત્ન કરેલો. બધું ઠીક છે?… ખેર, મને એ અનુભવથી ઘણું શીખવા મળ્યું…અંત ભલા તો સબ ભલા. આપણે હવે તે ભૂલી જઈએ. તમે લગ્નમાં આવ્યા તે સારું કર્યું, સ્વાગત.” કહીને શોમે હસીને હાથ જોડ્યા અને ફરી દોડવાનું શરુ કર્યું.

સવારમાં પ્રાર્થના હોલમાં વૈદ્યજીના આદેશ મુજબ અંજલિના મમ્મી વ્યવસ્થા કરાવી રહ્યાં હતાં. સફેદ અને પીળાં ફૂલોથી  શણગારેલો હોલ સ્નેહનાં મંત્રોથી ગુંજતો હતો. બધા સમજી શકે તે પ્રમાણે વૈદ્યજી મંત્રોચ્ચાર બોલ્યાં, અને શુકનની ઉબટન શોમ-અંજલિના ગાલે લગાડવામાં આવી.  “રમેશભાઈ અને માહીબેન, આજના લગ્ન અનોખા પ્રકારના થશે.” વૈદ્યજીએ હસતાં હસતાં શોમના માતા-પિતાને કહ્યું.

“અમારું દિલ આનંદથી હર્યુંભર્યું છે અને વાતાવરણ પવિત્ર લાગે છે. આમેય અમારામાંથી કોઈ ચુસ્ત કર્મકાંડમાં માનતા જ નથી.” ડો.રમેશ માહીને આગળ કરી બોલ્યા. માહી ભારે સાડીમાં સજ્જ અને વાળમાં વેણી…અહા! રમેશ નવાં પરણેલાં હોય તેવી રસભરી નજરથી પત્નીને જોઈ રહ્યા હતા… જે નીના અને આસપાસના જાનૈયાઓએ નોંધ્યું.

ત્યારબાદ મહેંદી લગાવવાનો શોખ પુરો કરવા અંજલિએ નાની કલાકારી ‘શોમ’ના નામ સાથે પોતાનાં હાથમાં કરાવી અને નીનાએ બન્ને હાથ બરાબર મહેંદીથી સજાવવાનો લ્હાવો લીધો. સારા, સ્ટિવ અને આરી પણ છોકરીઓ સાથે જોડાયા ત્યારે અંજલિનાં મામીએ પૂછ્યું, “હ્યુસ્ટન કરતાં અહીં સારું છે કે નહીં?” અને શોમના મિત્રોએ કહ્યું, “ઓહ! ગોઆ અને તમે બધાં…આ અમારી જિંદગીનો અદભૂત અને અવર્ણનીય અનુભવ છે.” શોમે દૂરથી અંજલિને ઈશારો કરીને બોલાવી અને બન્ને દરિયા કિનારા તરફ નીકળી ગયા.

મંડપનું બાંધકામ  અને સજાવટ અંજલિની યોજના પ્રમાણે થઈ રહ્યું હતું. સફેદ તંબુની આસપાસ લાલ, લીલા પડદા અને તોરણ પર સુંદર ફૂલો ઝૂલતા હતા. શોમ ચારેબાજુ નિરીક્ષણ કરી ખાત્રી કરી રહ્યો હતો કે પવનની ગતિ વધે તો પણ મંડપ હલે નહીં.

“હું પણ અત્યારે બધું જોઈ લઉં. દુલ્હન બનીને આવીશ ત્યારે તો કોણ જાણે, મારી આંખ ઊંચી થશે કે નહીં!” અંજલિ શોમના હાથમાં હાથ પરોવી બોલી. વર-કન્યા મંડપ, દરિયો અને પોતાનાં સૌભાગ્ય પર હરખાઈ રહ્યાં.

દાદાના ઉતારા પાસે જતાં મંજરી બોલી, “બાબા! હું સવારે પ્રાર્થના હોલમાં આવતા પહેલા શ્વસૂરજીને મળવા ગઈ હતી, પણ તેમના નિર્ણયમાં ફેર ન પડ્યો.” દાદા ગાડીનો સમય થતા નીકળ્યા અને મંજરીએ ભારે હૈયે વિદાય આપી. વૈદ્યજીએ મંજરીને કહ્યું, “આજે અંજલિનો ખાસ દિવસ છે. તેની ખુશી આજે આગવું સ્થાન લે છે. દાદાને ધર્મના વાડાનું મહત્વ છે અને આપણને માનવીના સદગુણોનું…”

કરતા  ફરિયાદ  રુંધી અંતરનું  વ્હાલ,
હો સાચું કે ખોટું, ભલે તેનું અભિમાન,
અંતરથી  આપીએ  શુભેચ્છા  સન્માન,
સમજણ સિધ્ધાંતોનું  જાળવી સ્વમાન.

——
આવતા રવિવારે પ્ર.૧૧. ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com

રંગોળી…ઈલા મહેતા

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર નવલિકાઃ સરયૂ પરીખ

ઊર્મિલ સંચાર…સરયૂ પરીખ પ્રકરણ ૯ પતંગાદ્વીપ
http://મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર નવલિકા પ્ર.૯ સરયૂ પરીખ

માહીએ તે રાત્રે બ્રેઈન ટ્યુમરની સર્જરી નહીં કરાવવાનું નક્કી કરી લીધું અને ઘેર આવી ગઈ. તેણે અંજલિ સાથે વાત કરવા ગોઆ ફોન જોડ્યો. “અંજલિ, મેં નિર્ણય લીધો ત્યારે વિચારો સ્પષ્ટ હતા, પણ હવે ગભરામણ થાય છે. નબળાઈ કે ચક્કર જેવું લાગે ત્યારે થાય કે સર્જરી કરાવી લીધી હોત તો…આવી અસ્થિર માનસિક હાલત છે.” માહી પરાણે હસી.

“આંટી, એક શ્રધ્ધા રાખો કે તમને એ સમયે જે યોગ્ય લાગ્યો તે નિર્ણય લીધો. હવે તેનું જે પરિણામ આવે તેનો સ્વીકાર કરી હિંમતથી સામનો કરવો, એ એક જ વિકલ્પ છે. અને તે માટે સંપૂર્ણ શક્તિ સંગઠિત કરી રાખો. થોડો સુધારો થયો છે તેમ વધારે સુધારો પણ થવાની શક્યતા ખરી ને? તમને એટલા બધાની પ્રાર્થનાની ઉર્જા મળી રહી છે કે આ બિમારીમાંથી તમે જરૂર સ્વસ્થ થઈ જશો. વ્હાલ સાથ પ્રણામ, મોમ!” અને માહી સૂરજમુખી સમી ખીલી ઊઠી.

સમયના  હોઠ  પર   આયુનું   ગીત,
 પળપળના તાર પર અદભૂત સંગીત,
વિધવિધ  વર્ષોનો  શ્રાવણ ઝરમરશે,
 કૃતાર્થ મન ઝીલજે આનંદ ઘન વરસે.

શોમ નવેમ્બરમાં લગ્ન નક્કી કર્યા પછી ફરિયાદ કરતો હતો, “હજી તો ચાર મહિનાની વાર છે.” અને આ વાત પર મિત્રોને મજાક કરવાનો, શોમને ચીડવાવાનો મોકો મળી ગયો. નીનાને નાના અયનને ભારત લઈ જવાની ચિંતા હતી પણ ગોઆમાં જ બધો સમય રહેવાનું જાણી તેને રાહત લાગી. સમયની ગતિ અને આશામય દિવસો દોડી રહ્યાં હતાં. માહીનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યું હતું.

નવેમ્બર મહિનો આવતાં એક મહિનાની રજા લઈ શોમ અને તેનાં માતા-પિતા મુંબઈ આવી પહોંચ્યા. પ્રવાસ દરમ્યાન માહી રમેશને કહી રહી હતી, “મારો ભાઈ અને હું નાનપણથી સાથે ને સાથે…એટલાં નિકટ હતાં. સ્થળ અને સમયના અંતરને લીધે જાણે અમારું જોડાણ તૂટી ગયું છે. બીજુ કારણ એ છે કે તમને ભાઈએ સ્વીકાર્યા નથી અને તમે એ વિષય કોઈ પ્રયત્ન નથી કર્યો. તેને મારા લગ્નથી બધી રીતે ખોટ મળી છે. હું દૂર જતી રહી અને તેને તમારામાં સહોદર ન મળી શક્યો.”

“તારી વાત સાચી છે, પણ અમારે કોઈ વિચારોનો તાલમેલ નથી. આ વખતે પ્રયત્ન કરીને તું એને મનાવી લે જે.” રમેશને પોતાની સંબંધો સાચવવાની ન્યૂનતાની ખબર હતી, પણ એમાં ફેરબદલી કરવાની પરવા ન હતી. માહી વિચારી રહી…પુરુષની લાક્ષણિકતા! પોતાને જ પ્રયત્ન કરવો પડશે તેમ વિચારીને બીજે દિવસે સવારમાં જ ભાઈ-ભાભીને ઘેર માહી આવીને ઊભી રહી. ધીમે ધીમે મનની વાતો સ્પષ્ટ થઈ અને ફરી સરળ સંબંધોની મહેક પ્રસરી. માહી ઘેર આવી કે તરત શોમે કહ્યું, “મમ્મી, મને જગાડવો હતો ને, હું પણ તમારી સાથે અબ્બાસમામાને મળવા આવત.”

માહી બોલી, “હાં તને યાદ કરતા હતા. આપણે કાલે એમને ત્યાં જમવા જવાનું છે ત્યારે બધાંને મળી શકીશ.”

મુંબઈમાં, ન ચાહવા છતાંય, માહીનાં કેન્સરની વાત થોડાં સગાઓ જાણી ગયા હતાં. કંકોત્રી આપવા જાય ત્યારે એવાં પ્રશ્ન અજ્ઞાન લોકો પૂછતાં, “તમને કેન્સર થયું હતું, તો એ ચેપી રોગ તો નથી ને?” માહી ટૂંકમાં ‘ના’ કહી શાંત થઈ જતી. અજ્ઞાની સામે આરસી અર્થહીન રહેતી હોય છે.

શોમની ગોઆ જવાની આતુરતાનો અંત આવ્યો અને તેઓનું આશ્રમમાં આગમન થયું. “અંજલિ ક્યાં છે?” શોમનો સવાલ માહીએ કરી આપ્યો. “ક્લિનિકમાં હમણાં જ કામ પૂરું થયું તેથી અમારા રહેઠાણ પર તૈયાર થવા ગઈ છે.” અંજલિનાં મમ્મી, મંજરીએ જણાવ્યું.

શોમ ધીમેથી પાછે પગલે નીકળી ગયો અને કોઈને પૂછીને અંજલિનું રહેઠાણ શોધી કાઢી, બારણા પર ટકોરા માર્યા. આછો અવાજ સંભળાયો, “કોણ છે?” …“જેની તું રાહ જોઈ રહી છે…તે.”

અંદર થોડી હલચલ પછી બારણું ખુલ્યું અને રેશમી ગાઉનમાં લપેટાયેલી સદ્યસ્નાતા અંજલિ, ભીને દેહ ને ભીને કેશ શોમની બાંહોમાં લપાઈ ગઈ. મનોરમ લાગણીમાં ઓતપ્રોત, બન્ને પ્રેમી-પંખીડા ક્ષણો માટે અગમ આશ્લેષમાં ખોવાઈ ગયાં. “હવે તું ક્યારેય મારાથી દૂર ન જતી.” શોમનો મીઠો મનરવ અંજલિનાં કાનમાં ગુંજ્યો.

“તું મારી જીવનદોરી છે,” કહેતાં અંજલિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પળો વીતી ગઈ અને છેવટે, બન્નેની રાહ જોવાઈ રહી હશે એ ખ્યાલ સાથે અંજલિ તૈયાર થવા લાગી અને શોમ તેની દરેક હિલચાલ મસ્તીભર્યો જોતો રહ્યો.

“અંજલિ બે દિવસ પછી અમેરિકાથી બધાં આવશે. તેથી આવતીકાલે તને એક ખાસ જગ્યાએ લઈ જવાની છે, તેથી સવારના આઠ વાગે તૈયાર રહેજે.” શોમ બોલ્યો.

“ભલે, હું તૈયાર રહીશ, પણ ક્યાં જવાનું છે?”

“એ મજાની ખાનગી વાત છે…” અને શોમે બહાર નીકળતા પહેલાં અંજલિને ફરી બાથમાં લઈ લીધી.

બીજે દિવસે સવારમાં નીકળીને જે તરફ જઈ રહ્યાં હતાં, તે ઉપરથી અંજલિએ અટકળે બે ચાર નામ કહ્યાં.

“આપણે Butterfly Beach પર જઈ રહ્યાં છીએ.” શોમે જણાવ્યું.

“ઓ’ એકદમ સુંદર જગ્યા છે તેવું સાંભળ્યું છે. અરે! પણ ત્યાં જવાનું તો બહુ મુશ્કેલ છે.”

“ડો.શોમ માટે અશક્ય નહોતું. મેં હ્યુસ્ટનથી જ એક જેકબ નામનાં એજન્ટ સાથે બધું નક્કી કરી લીધું છે. બસ, તું પતંગિયાને પકડવા માટે સજ્જ થઈ જા.” શોમે દૂર રાહ જોતા જેકબને નજીક બોલાવ્યો. એક નાની શણગારેલી હોડીમાં બન્ને ગોઠવાયાં અને જેકબે હોડી ચલાવાવાની સાથે પતંગિયા- કિનારાની વાતો કરવાની શરૂ કરી. “એક નાના દ્વીપ જેવી જગ્યા કુદરતી રીતે બની ગઈ છે…જ્યાં જવાનું મુશ્કેલ હોવાથી બહુ ઓછા સહેલાણીઓ જતા હોય છે. તમે ત્યાં ન જોયા હોય તેવા રંગબેરંગી પતંગિયા જોશો.”

સુંદર દરિયો અને ખુશનુમા મોસમ તેમાં અલબેલા સાથી સાથે અંજલિનું દિલ ગાઈ ઊઠ્યું.

ઉરે આશા ને આનંદની ઝૂલે લાગણી,
ઊઠે ભરતી ને ઓટની ભુલભુલામણી,
પતંગાની પાંખ  સમાં મધુર વાયદા,
વિમલ વાયે વસંતના રસિક વાયરા,

“અહીં સાગર પાસે કોઈ આવે અને કોરા રહે ખરાં?” અંજલિએ પાણીની છાલક શોમને મારી. પછી તો શોમ તેને છોડે! ભીના ભીના દિલ તેવા જ ભીના તેમનં વસ્ત્રો થઈ ગયાં.

તનમાં ધ્રુજારી ને શીતળ પવન,
 ધડકનમાં ઉષ્માની ભીની અગન,
 ગોરંભીલ  ગાન  અંતરમાં ગહન.
 નેહનાં  લહેરિયામાં  હૈયા મગન.

પ્યારભરી ગોષ્ઠિ અને મનગમતી જાફત પછી પતંગિયાને પકડી, ને પછી છોડી દેતાં બાળપણ જાણે ફરી ડોકિયું કરી ગયું. છેલ્લે, ઢળતાં સૂરજને યાદોની પૂંજીમાં ઊમેરી, સાંજની પ્રાર્થના પહેલાં શોમ અને અંજલિ આશ્રમમાં પાછાં આવી ગયાં.

મહેમાનો અમેરિકાથી આવી ગયાં. પછી મુંબઈથી મોટાકાકા અને થોડા સગાઓ આવ્યા. શોમના અબ્બાસમામા અને માસી વગેરે પણ આવી ગયાં. અંજલિનાં દાદાજી તેમના ગામડેથી એકલા તો મુસાફરી ન કરી શકે તેથી તેમના યુવા ભત્રીજાને મદદ માટે સાથે લઈને આવ્યા હતા. અંજલિનાં મમ્મીએ બધી વ્યવસ્થા કરી આગ્રહપૂર્વક બોલાવ્યા હતાં. અંજલિનાં પ્રતિભાશાળી વાગ્દત્ત શોમને મળી દાદા ખુશ થઈ ગયા.

બીજે દિવસે સંગીત-સંધ્યાનો જલસો ચાલુ હતો. ગુજરાતી ગરબા અને ડિસ્કો-ડાન્સ સાથે જોશીલા વાજિંત્રો વાગી રહ્યા હતા. અંજલિના દાદા એક બાજુ ‘ઘરડી આંખે નવાં તમાશા’વાળા ભાવ સાથે જોઈ રહ્યા હતા. શોમના મામા વડીલને મળવાના આશયથી પાસે આવ્યા અને બોલ્યા, “નમસ્તે દાદાજી. હું શોમનો મામા છું.”

“ઓહો! તમને મળીને આનંદ થયો.” દાદાજી માનપૂર્વક બોલ્યા, “ક્યાંથી આવો છો? શું નામ?”

“અમે મુંબઈથી આવ્યા છીએ. મારું નામ અબ્બાસ છે.” અબ્બાસમામાએ જવાબ આપ્યો.

દાદાનો ચહેરો નામ સાંભળી ઉતરી ગયો… “માનેલા મામા હશો.”

“હું શોમનો સગો મામો છું.”

“…સગ્ગો?” કહેતા દાદાની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ. તરત ભત્રીજા સામે ફરીને ઉંચા અવાજે બોલ્યા, “મંજરીવહુને બોલાવ. આવાં લગ્ન નહીં થવા દઉં, હરગિજ નહીં.” અને ભત્રીજો અંજલિનાં મમ્મીને બોલાવવા દોડ્યો.
——–
આવતા રવિવારે પ્ર.૧૦. ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com
——–
રંગોળી .. ઈલા મહેતા

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ

ઊર્મિલ સંચાર…નવલિકા પ્ર.૮ સરયૂ પરીખ

           પ્રકરણ ૮.  ખુશહાલી

બે ચાર દિવસો આમ આનંદના નશામાં પસાર થઈ ગયાં. નવેસરથી અંજલિના મમ્મી સાથે શોમનો પરિચય કરાવવામાં આવ્યો. વૈદ્ય ભાણજીના મુક્ત હાસ્ય અને આશિર્વાદનો શોમને અવાનવાર લાભ મળવા લાગ્યો.

બે સપ્તાહને અંતે નીના, રૉકી અને અયન હ્યુસ્ટન આવ્યાં. માહીના ચેકઅપનો સમય નજીક આવી રહ્યો હતો. એ સાંજે માહીની તબિયતની ચર્ચા થયા પછી, શોમ અને અંજલિનાં ભવિષ્યની વાતો થવા લાગી.

“શોમ, તેં અંજલિ માટે કંઈક વિશેષ કર્યું કે નહીં?” નીના બોલી.

શોમ મૂંઝવણમાં પડી ગયો, “શું કરું?”

“શોમ, સગપણની રસમ બાકી છે ને તો એ વિષે વિચાર.” રૉકીએ સૂચન કર્યું.

માહી અને રમેશ આઇસક્રીમ લઈને પૅટિઓમાં આવ્યાં અને બધાં વાતો ભૂલીને ખાવામાં મશગૂલ થઈ ગયાં. શોમ ઊઠીને ઘરની અંદર ગયો. થોડીવારમાં લગભગ દોડતો બહાર આવીને કહે, “બધું ગોઠવાઈ ગયું. ગોઆમાં વૈદ ભાણજી સાથે ગુપ્ત રીતે વાત કરી લીધી છે. આ રવિવારે મુંબઈથી મોટાકાકા અને પરિવાર, દાદીએ મારે ખાતે આપેલી એક અમૂલ્ય વીંટી લઈને, ગોઆ જશે.

“હાં મને યાદ છે, મોટાકાકાએ કહ્યું હતું કે, માયાના કપટ પછી, શોમને યોગ્ય સાથી મળે તેવા આશિર્વાદરૂપે દાદીએ એક વીંટી આપી રાખી હતી. વાહ! આ તો અત્યંત રોમાંચક ગોઠવણ કરી.” નીના અતિ ઉત્સાહમાં બોલી.

ગોઆમાં એ રવિવારે, અંજલિના મમ્મીએ તેને એક સરસ સાડી આપીને કહ્યું, “બેટા આજે તું પ્રાર્થનામાં આ સાડી પહેરજે. મને ગમશે. પહેરીશ ને?” અંજલિને મમ્મીની વાત વિચિત્ર લાગી, પણ એટલા ગહેરા ભાવથી માંએ કહ્યું હતું તેથી ના ન પાડી શકી. પ્રાર્થના હોલમાં કંઈક દર વખત કરતાં વધારે ચહલ-પહલ લાગતી હતી. આશ્ચર્ય સાથે અંજલિએ શોમના મોટાકાકાને બાબા સાથે વાત કરતા જોયાં અને તે જોષી પરિવારને મળવાં ત્વરાથી પહોંચી ગઈ.

“ઓહો, તમે આવ્યાં છો! નમસ્તે. આશ્રમની મુલાકાત માટે આ બહુ સરસ સમય છે. તમે અહીં આવવાનું કહેતા હતા, તેનો જલ્દી અમલ કર્યો તેથી મને આનંદ થયો.” અંજલિ ખુશ થઈને બોલી.

વૈદ્યજીએ કહ્યું, “અંજલિ, તું ફોન પાસે બેસ. જેથી કોઈ ફોન આવતા પ્રાર્થનામાં ખલેલ ન પહોંચે.” બધાં યથાસ્થાને ગોઠવાયાં ત્યાં ઘંટડી વાગી. “હલો અંજલિ, હું શોમ બોલું છું. મારે વાત…” શોમનો અવાજ સંભળાતા અંજલિ એકદમ બોલી,

“અરે, અત્યારે પ્રાર્થનાનો સમય છે, મૂકું છું, પછી વાત કરશું.” પણ આ શું! બધાં થંભી ગયા છે, અને બાબા વાત ચાલું રાખવાનો ઇશારો કરે છે!

“અંજલિ! મારે એક સવાલ પૂછવાનો છે!” શોમ જલ્દીથી બોલ્યો.

“અત્યારે?”

“હાં, મારી સાથે લગ્ન કરીશ?” શોમના સવાલથી અંજલિનો ચહેરો વ્યાકુળતાથી લાલ થઈ ગયો.
શોમ આગળ બોલ્યો, “જો સાંભળ, મોટાકાકા એ પ્રસંગ માટે ગોઆ આવ્યા છે. તું શું કહે છે?”

“હાં” અને તાળીઓના અવાજના જવાબમાં હ્યુસ્ટનથી પણ તાળીઓનો અવાજ સંભળાયો. જોષીકુટુંબ સાથે સ્ટિવ, સારા, આરી વગેરે હાજર હતાં.

“આવકાર, મારી પ્યારી ભાભી! આ અયનની ‘આંટીમામી’ની બૂમો સંભળાય છે ને? મામી કહેતાં શીખવાડ્યું તેનું પરિણામ…”

પ્રાર્થના હોલના ગણગણાટ વચ્ચે વૈદ્યજીનો અહેવાલ શરૂ થયો…શોમના મોટાકાકા અને કાકી અંજલિ પાસે આવ્યાં અને કાકીએ અંજલિને વીંટી પહેરાવી. “અંજલિ, જોષી પરિવારમાં તારું હાર્દિક સ્વાગત છે.” મોટાકાકાનો પ્રેમાળ અવાજ સાંભળી ફોનનાં આ છેડે સ્વજનોની આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ પ્રાર્થના શરૂ થઈ અને પ્રણામ સાથે દૂરનો અવાજ બંધ થયો.

સોમવારે ડોક્ટરની ઓફિસમાં નીના તેની મમ્મી સાથે ચિંતા કરતી બેઠી હતી. પરિણામ જોયા પછી નક્કી કરવાનું હતું કે ટ્યુમરનું ઓપરેશન કરાવવું કે હજુ આયુર્વેદિક સારવાર ચાલું રાખવી! નીના પોતાની માંનાં કરમાયેલાં ચહેરા સામે સ્નેહાળ નજરે જોઈ રહી…

જાણું છું હું, દર્દ ગહન તમ,
એથી ગહેરો મારો સ્નેહ,
દર્દ અદાહક બને કદાચીત,
હજી વધું હું આપું પ્રેમ!

માહીનાં ડોક્ટરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. “ટ્યુમરના માપમાં ફેર નથી પડ્યો. હું સર્જરી કરાવવાનું સૂચન કરું છું.” શોમની સાથે થોડી વાત કરી માહીએ સંમતિ આપી. ત્રણ સપ્તાહ પછીની તારીખ નક્કી થઈ. માહી આયુર્વેદિક દવા ચાલું રાખે તેની પરવાનગી ડોક્ટરે આપી. હવે નીનાને કેલિફોર્નિઆ પાછાં ફરવાનું બહુ આકરું લાગ્યું. શોમ અને રમેશે ઘણી બાંહેધરી આપી કે તેઓ માહીની સંભાળ રાખશે પણ નીનાનું મન કેમે કરીને માનતું ન હતું. “હું સર્જરીને સમયે હ્યુસ્ટન આવીશ.” એ નિર્ણય લીધાં પછી નીના જરાં શાંત થઈ.

તે રાત્રે અંજલિ સાથે વાત કરતા શોમ નિરાશાથી અકળાઈ ગયો. “મમ્મી દવા અને ખાવામાં બરાબર ચરી પાળે છે. મને અપેક્ષા હતી કે ટ્યુમર સંકોચાયું હશે. આપણી શોધ મારી મમ્મીને સારી ન કરી શકે એ સ્વીકારવું બહુ કષ્ટદાયક છે.”

“હજી સારવાર શરૂ થયાને બહુ દિવસો નથી થયાં…થોડી ધીરજ, થોડી માનસિક ઉર્જાની મદદ મળે તો તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા મને લાગે છે.” અંજલિ વિશ્વાસપૂર્વક બોલી. “આંટીને મેં કાગળ લખ્યો છે. દરદીની આંતરિક શક્તિ વધે તો ઔષધીની અસર સારી થાય એવું બાબા હંમેશા કહે છે. આંટી એક પવિત્ર આત્મા છે અને તેમનું આત્મબળ ઘણું છે. તેમનું ધ્યાન એ તરફ કેદ્રિત થાય તેવું કરતા રહેવું, તેવું મારું સૂચન છે.”

સર્જરી કરવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. શોમ અંજલિ સાથે વાતો કરતા બોલ્યો, “મારી મોમ કહે છે કે આપણે લગ્નની તારીખ નક્કી કરીએ. તેના મગજને આનંદમય યોજનાઓમાં રોકવું છે અને આનાં કરતાં વધારે રસમય વિષય બીજો નથી.”

“અરે વાહ! મારી મમ્મી પણ એમ જ કહેતી હતી. મારો આગ્રહ એ છે કે આપણે ગોઆમાં બાબા, મોટાકાકા, …અને જેની આપણા આનંદની જેમ અવધિ નથી તેવાં, આ સાગરકિનારે લગ્ન કરીએ. એ વિચાર કેવો લાગે છે? ક્યારે કરવા એ તમારે નક્કી કરવાનું.” અંજલિ સ્વપ્નોમાં ખોવાઈ ગઈ.

“મને એ વાત ગમી. …કદાચ નવેમ્બર, Thanksgiving રજાઓમાં…હું ચોક્કસ કરીને જણાવીશ.”
બન્ને પરિવારમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું.

માહીનો ઉમંગ કોઈથી છાનો નહોતો રહેતો. પ્રફુલ્લિત મનથી દરેક કામ કરવા લાગી. એણે હોસ્પિટલ જવાની તૈયારી પણ તટસ્થ શ્રધ્ધાભાવ સાથે કરી લીધી. નીનાને ઘણી ઈચ્છા હોવા છતાં પણ કેલિફોર્નિઆથી આવી ન શકી. આગલી સાંજે રમેશ અને શોમ, માહીને તેનાં હોસ્પિટલના કમરામાં મૂકીને ગયા. તરત લેબ-ટેસ્ટ થયો અને પરિણામ બે કલાકમાં મળશે તેમ કહ્યું. બીજે દિવસે અગ્યાર વાગે સર્જરી કરવાની હતી. ટ્યુમરની શસ્ત્રક્રિયા, અને તેમાં કોઈ વિટંબણા ઊભી થશે તો…માહીને થાય કે તેનાં વાળ કાપશે! તો કેટલાં કાપશે? એવા ડરાવના વિચારો ચાલું હતાં.

રાતના નવ વાગે માહીના ડોક્ટર આવ્યાં. “હું ઘેર જતાં પહેલાં તમને મળવા આવ્યો, કારણકે હમણાં જ મારા હાથમાં ટ્યુમર-ટેસ્ટનાં પરિણામ આવ્યાં. સુખદ આશ્ચર્ય એ છે કે ટ્યુમર સંકોચાયું છે. માપ નાનું થયું છે. શુભરાત્રી, સવારે મળીએ.” માહી અવાક બનીને સાંભળી રહી.

માહી વિચારવા લાગી, “ચાલ તરત શોમ અને રમેશને ફોન કરું.” પણ સ્થીરભાવે વિચારતી રહી. “આ સમાચારથી મારી હિંમત વધી છે. આયુર્વેદિક દવાની અસર થઈ હશે! હવે સર્જરી કરાવું કે નહીં?” માહી માથા પર હિઝાબ બાંધી જમીન પર બંદગી કરવા બેસી ગઈ. “અલ્લા મને રાહ બતાવશે. મારો અંતરઆત્મા મને સાચા રસ્તા તરફ જવાની જ્યોત બતાવશે. જય શ્રીકૃષ્ણ.” પ્રણામ કરીને માહી શાંતિથી ગહેરી નીંદરમાં પોઢી ગઈ.

“મમ્મી, ઊઠો. હવે બહુ વાર નથી. તમને સર્જરી માટે તૈયાર કરશે…” શોમ બોલતો રહ્યો…ને જાગીને માહી હસીને બાથરૂમ તરફ જતી રહી.

રમેશ કહે, “અરે, તારી મમ્મીને તો કોઈ ચિંતા નથી લાગતી.”

માહી બહાર આવી કહે, “સર્જરી નથી કરવાની.”

બન્નેનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, “શું વાત કરે છે?”

“હાં. ગઈકાલે રાતના ટેસ્ટનું પરિણામ બહુ સરસ આવ્યું છે. આજે વહેલી સવારે સર્જન આવ્યા ત્યારે મેં વિનંતી કરી કે હજુ થોડો વધારે સમય મને આપે. મારે સર્જરી હમણાં નથી કરાવવી.” માહી બોલી.

શોમે દોડીને મમ્મીને ઊંચકી લીધી અને એક ચક્કર ફેરવી. “ઓ મમ્મી, તમે અદ્ભૂત છો, ઉત્તમ, અતિ ઉત્તમ.” રમેશ ખુલ્લા દિલે હસી ઊઠ્યો. જાણે ઘેરાયેલા વાદળમાંથી નીલુ આભ દેખાયું. માહીને ઘેર લઈ જવાની વ્યવસ્થા કરતા માતા-પિતાને રૂમમાં છોડી શોમ બહાર આવ્યો અને નીનાને ફોન જોડ્યો.

નીના! તું નહીં માને! આપણી નાજુક, ભોળી મમ્મીએ આવો મોટો નિર્ણય એકલા લઈ લીધો. સર્જરી માટે ના પાડી. હવે તેને શ્રધ્ધા છે કે આયુર્વેદિક સારવારથી તે સારી થઈ જશે.”

નીના ખુશ થઈને બોલી, “માન્યામાં ન આવે તેવો ચમત્કાર!”

અનંત

મન  મંદિરે  આતુર  એકાંત,
  દઈ દસ્તક  તું  જાણ કરી  દે.
  રીસે અંતર  રૂંધાયેલાં  શ્વાસ,
  એક પળમાં તું પ્રાણ ભરી દે.

અકળ પીડાને પંપાળી  આજ,
  કૂણી  કાળજીનો સ્પર્શ જરી દે.
 દૂર  દેતાં  અતિતને  વિદાય,
  મારા  અશ્રુમાં  આશ ભરી  દે.

આ બાવરીને આવરીને આજ,
એક વચને તું સ્મિત સજી દે.
ને કસબીની કમનીય કળાથી,
મારા જીવનમાં  રંગ ભરી  દે.

વિશ્વ  મારું  અવસાદે  અશેષ,
ઋજુ  આલિંગન આવ ભરી દે.
હું ચાતક, મીટ માંડી  આકાશ,
એક  બુંદમાં  અનંત  ભરી  દે.
—–

પ્રકરણ૯ આવતા રવિવારે.  ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com 

રંગોળી…ઈલા મહેતા

ganesh   રંગોળી૧

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ
         પ્રકરણઃ ૭    મલ્હાર

 અંજલિને એરપોર્ટ પર ઉતારીને શોમ સ્ટિવ અને આરીને મળ્યો. શોમ ઉદાસ અને ખોવાયેલો લાગતો હતો. “કેમ દોસ્ત, આ સ્કાર્ફ ક્યાંથી?” એમ કહેતા આરીએ તેના ખીસામાંથી આછા ગુલાબી રંગનો સ્કાર્ફ ખેંચી કાઢ્યો. જાણે કોઈ મૂલ્યવાન વસ્તુ જતી રહી હોય તેવી ત્વરાથી શોમે સ્કાર્ફ પાછો લઈ લીધો. સ્ટિવ કહે, “અરે! કહે તો ખરો, આ ક્યાંથી આવ્યો?”

“એરપોર્ટ પર હું અંજલિને બેગ આપી રહ્યો હતો ત્યારે આ સ્કાર્ફ સરી પડ્યો અને મેં ઝીલી લીધો. મેં હાથ લંબાવ્યો પણ તે સ્કાર્ફ લીધા વગર…આછું સ્મિત આપીને જતી રહી.” શોમ વિયોગની મીઠી વેદનામાં ખોવાઈ ગયો.

એ રાતે, મોટીબહેન નીના સાથે શોમ તેના અંતરની દરેક વાત કરી ચૂક્યો. મુંબઈમાં દાદાજીના અવસાનને વરસ થયું હતું. “નીના, આજે દાદાજીની બહુ યાદ આવે છે.” કહેતા શોમનો કંઠ ભરાઈ ગયો અને આગળ બોલી ન શક્યો. તેને નિરાશામાંથી બહાર લાવવા નીનાએ બને તેટલી અયનની વાતો કરી પણ ખાસ ફાયદો ન થયો. માતાની માંદગી, અંજલિનો વિયોગ અને દાદાજીની યાદ તેને ધ્યાન તરફ દોરી ગયા. શોમ તેની ગમતી ગાદી પર બેઠો અને પસાર થતાં વિચારોને તટસ્થ ભાવથી જોઈ રહ્યો. એ જગ્યાએ જ ક્યારે ઊંઘી ગયો તે ખબર ન પડી.

એ પછીના દિવસો શોમ માટે ચિંતાજનક રહ્યાં. માહીને વધારે ટેસ્ટ કરાવવા અને શું ઉપાયો કરવા તે યોજનાઓમાં શોમ વ્યસ્ત રહેતો. કેલિફોર્નિઆથી નીનાના અનેક સવાલો ચાલુ રહેતાં. નીના પોતાની મમ્મીને મળવા હ્યુસ્ટન આવવાં અધીરી થતી હતી પણ અઢી વર્ષના અયનની અને રૉકીની અનુકુળતાનો પણ વિચાર કરવાનો હતો.

બે સપ્તાહ પછી તપાસ માટે માહીને રમેશ હોસ્પિટલ લઈ આવ્યા અને શોમની પાસે મૂકીને ગયા. શોમ અને તેની મમ્મી ડોક્ટરની ઓફિસમાં નવા પરિણામો જાણવાં ઉત્સુક હતાં.

“સારા સમાચાર એ છે કે ટ્યુમરનું કદ વધ્યુ નથી. બસ, મીસીસ જોષી, તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો. હવે ત્રણ સપ્તાહ પછી ફરી મળશું.” સૌનો ઉચાટ ઓછો થયો અને માહીના ચહેરા પર હાસ્ય ફરક્યું.

ઘેર પાછાં ફરતાં માહી બહુ વાતો કરવાના તાનમાં હતી. “આજે સવારે મોટાકાકાનો મુંબઈથી ફોન હતો. અંજલિ તેનાં મામાને ઘેર મુંબઈ આવેલી હતી. મોટાકાકા કહેતા હતા કે, તેમને મળવા આવી હતી અને આખો દિવસ જોષી પરિવાર સાથે પસાર કર્યો હતો. બધાં અંજલિને મળીને ખુશ ખુશ થઈ ગયા.”

“અરે વાહ! ખરેખર, અંજલિ હંમેશા મને આશ્ચર્યચકિત કરતી રહે છે.” શોમનું મન મીઠો ગુંજારવ કરવાં લાગ્યું. “મને એટલી ખબર પડે કે એ ખરેખર શું વિચારી રહી છે!…તો રસ્તો નીકળે.”

“બેટા, તારે જરા વધારે તપ કરવાનું બાકી હશે…વિશિષ્ટ વ્યક્તિ એમ સહેલાઈથી ન મળે.” માહીએ હસતાં હસતાં શોમનો કાન ખેંચ્યો. “અચ્છા, આજે બહુ દિવસે આવ્યો છે તો તારી ગમતી વાનગીઓ બનાવીશ.”

“બહુ તકલિફ નહીં લેવાની…ડોક્ટરનો આદેશ છે.”

વરસાદ અને વીજળીના મલ્હાર મોસમમાં સાંજનું જમણ સાથે કર્યા બાદ, શોમ તેના રૂમમાં પુસ્તકો અને કપડાની ગોઠવણી કરી રહ્યો હતો. બારીમાંથી વીજળીનો ચમકાર ટેબલ પર પડેલાં પુસ્તકને ઉજાળી ગયો. શોમ ઉદાસીન ભાવથી અંજલિએ પરત કરેલ પ્રેમ-ગુંજન પુસ્તક સામે જોઈ રહ્યો.

પોતાના હાથને પરાણે લંબાવી તેણે પુસ્તક ઉઠાવ્યું, અને એક કાગળ નીચે સરી પડ્યો. ‘અરે આતો અંજલિના હસ્તાક્ષર છે.’ ધડકતાં દિલથી તેણે વાંચવાનું શરૂ કર્યું.

“પ્રિય શોમ, હું જઈ રહી હતી, પણ જાણે મારા સારા નસીબની ઊર્જાએ મને અહીં રોકી લીધી. એક સપ્તાહમાં ઘણું બની ગયું, કદાચ મારી જિંદગી બદલાઈ ગઈ. તારો અને અન્કલ-આન્ટીનો નવો પરિચય થયો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મજબૂત પરિવાર કેવી રીતે અન્યોન્યની કાળજી લે છે તે મેં જોયું. છેક કેલિફોર્નિઆથી બહેન નીના કેટલી નજીક લાગે છે! હું મારું સૌભગ્ય ગણું છું કે હજી પણ જોષી પરિવાર મને આવકારે છે.

ઓ’મારા પ્યાર! હું જતાં જતાં એ કહેતી જાઉં છું કે હવે મારા માટે શોમ સિવાય બીજો કોઈ જીવનસાથી હું કલ્પી નથી શકતી. નિર્ણય લેવાનું તારા પર છોડું છું. તને વિચાર કરવા પૂરતો સમય મળી શકે તેથી આ પત્ર છોડી જાઉં છું. …આતુરતાથી તારા જવાબની રાહમાં…અંજલિ.”

શોમ ‘યાહૂ’ની બૂમ પાડી તેના રૂમમાંથી બહાર ધસી આવ્યો, “એ મને પ્રેમ કરે છે!!!” કહેતો પાછલું બારણું ખોલી, વરસાદમાં આમતેમ, અહીંતહીં ઝૂમી રહ્યો. રમેશ અવાજ સાંભળી બેઠકરૂમમાં આવ્યા અને કાચના દરવાજાની બહાર જોઈ રહેલી માહીને આશ્ચર્યથી પૂછ્યું, “શુ થયું તારા પ્રિન્સને?”

“’એ મને ચાહે છે’ કહીને દોડ્યો. જુઓ તો કેવો વરસાદમાં ભીંજાઈ રહ્યો છે!” અને માતા-પિતા આનંદમાં પાગલ પુત્રને કાચનાં બારણાં પાછળ ઊભાં ઊભાં જોઈ  રહ્યાં. શોમના ફફડતા હોંઠ શું બોલી રહ્યા છે તેની ધારણા કરી રહ્યાં…

સુજલ વર્ષા વંટોળની વચાળ,
વીજ ઘેલી  નહીં  રોકી રોકાય,
 દ્યુત પલમાં તૃપ્ત ને તરબોળ,
આજ  સંપૂરણ  સૃષ્ટિ રસરોળ.

શોમને તેની મસ્તીમાં છોડી માતા-પિતા પોતાનાં કામમાં હોય તેવો દેખાવ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડાં સમય પછી ફોન પર વાતો કરવાનો હળવો અવાજ આવતો હતો.

શોમે કપડાં બદલી તરત ગોઆ ફોન જોડ્યો હતો. “હલ્લો, વ્હાલી! હમણાં જ તારો પત્ર વાંચ્યો…”

“પણ આટલા બધાં દિવસોની વાર કેમ? હું તો અહીં મરી રહી હતી.” અંજલિ અત્યાનંદથી બોલી.

શોમે ખુલાસો કર્યો અને પછી મીઠી ગોષ્ટીમાં લાંબો સમય નીકળી ગયો.

“હું હમણાં જ દરિયાકિનારે ચાલીને આવી. અરૂણોદય જોતાં કલાપીની પંક્તિઓ મારા હૈયામાં ગુંજી ઊઠી… “ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;” હું ખુલ્લા અવાજે ગાઈ રહી હતી જાણે તું ત્યાં સાંભળવાનો હોય! મને ભણકારા વાગતાં હતાં કે આજે કંઈક ખાસ થવાનું છે.”

“મને આ બધાં મધુરા શબ્દો સમજાયા નહીં. ત્યાં આવું ત્યારે એ જ સાગર કિનારે મને સમજાવજે. ત્યાં સુધી મીઠાં સપનાં…”

અંજલિ ખુશ થઈને બોલી, “આ સમાચાર કહેવાં મમ્મી પાસે દોડી જાઉં, મારે અત્યારે જ આલિંગન જોઈએ છે…પણ તું નહીં, તો મમ્મી. Je t’aime…”

“હું પણ તને પ્રેમ કરું છું. વાહ! ફ્રેંચ આવડે છે…પોંડિચેરીમાં રહ્યાનો લાભ. ફરી વાત કરશું”  

લગભગ સુવાનો સમય થવા આવ્યો હતો. રમેશ અને માહી શિવકુમારનું સંતૂર સાંભળી રહ્યાં હતાં. શોમને બહાર આવતો જોઈ સંગીત ધીમું કરી તેની વાત ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થઈ ગયાં.

“મોમ, ડેડ, અંજલિ અહીં એક પત્ર મૂકી ગઈ હતી જે મેં આજે વાંચ્યો. અમે એકબીજાથી આજે વચનબધ્ધ થયાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું છે.” શોમનું વાક્ય પૂરું થતા જ બન્ને જણાંએ વ્હાલથી દીકરાને બાથમાં લઈ લીધો.

“અમને બધી વાત કર…તેનાં મમ્મીને, મારા મુસ્લિમ હોવા સામે, કોઈ વાંધો તો નથી ને?” માહીએ પૂછ્યું.

“મેં અંજલિને તે વિષે પૂછ્યું તેનાં જવાબમાં તેણે કહ્યું કે તેનાં મમ્મી-પાપા હંમેશા માનતાં આવ્યાં છે કે સૌથી ઊંચો માનવધર્મ છે. લોકોએ ધર્મનાં વાડા બનાવેલાં છે, તેમાં તમારો ધર્મ જ ઉત્તમ છે તેવું કેવી રીતે માની શકાય?”

“અંજલિ આવા વિચારોવાળા માતા-પિતાની જ દીકરી હોઈ શકે, તે સ્પષ્ટ છે.” રમેશ બોલ્યા. ત્યાર બાદ ફોન પર નીના અને રૉકી અને પાછળ અયનનો અવાજ સૌના આનંદના તરંગોને વીંટળાઈ વળ્યો.

અંજલિનો ફોન ફરી રણક્યો. “કેમ તમને ઉંઘ નથી આવતી?” અંજલિએ હસીને પૂછ્યું.

“એકવાર તને શુભરાત્રી કહું પછી આવશે. અહીં તો વરસાદ છે, તેની રૂમઝૂમ સાંભળીને જોઈએ તને કયું ગીત યાદ આવે છે.” અને શોમે થોડીવાર ફોન ચાલું રાખ્યો અને અંજલિનાં હૈયાના સ્પંદન તેને સ્પર્શી ગયા…મલ્હાર…

મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.

કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.

ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.

કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.

મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.

મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
——

‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com

R ra-20-1

રંગોળી…ઈલા મહેતા

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ

                                           ઊર્મિલ સંચાર…નવલિકાઃ સરયૂ પરીખ.
                                                                              પ્રકરણઃ ૬    અકળ દોરી

                ૯

શોમ સાથે ચર્ચા કરતા ડોક્ટર બોલ્યા, “માહીની તબિયત પર આવી પડેલ આપત્તિને કેમ કરીને નિવારવી? તે છપ્પન વર્ષના જ છે અને બીજું કોઈ દરદ નથી…”

“અમે અંદર આવી શકીએ?” રમેશ બારણું પકડીને ઊભા હતા અને અંજલિ દાખલ થતાં પહેલાં પૂછી રહી હતી. “હાં જરૂર આવો.” જવાબ મળતા તેઓ અંદર દાખલ થયાં. શોમનું દિલ ખુશીનું માર્યું જોરથી ધડકવા લાગ્યું. વિસ્ફારીત નયને અંજલિ સામે જોઈ રહ્યો. રમેશે નજીક આવી જરા સ્પર્શ કરી તેનું ધ્યાન ખેંચ્યું.

“હાં, તો અમે વાત કરતા હતા કે રોગનિદાન સારું લાગે છે. સામાન્ય તંદુરસ્તી સારી હોવાથી શ્રીમતી જોષી જલ્દી સારા થઈ જશે. આગળ જતાં અમુક કારણો, જેમકે ટ્યુમર કેટલી ત્વરાથી વધે છે, અને બીજી કોઈ ગૂંચવણ ઊભી થાય તો ઇલાજ બદલવો પણ પડે.  હવે ડો. અંજલિ મારુ, તમારૂં આયુર્વેદિક સારવાર માટે શું સૂચન છે તે વિષે જોઈએ.

અત્યાર સુધી આત્મવિશ્વાસ સાથે બોલી રહેલો શોમ સાવ શાંત બની, વિદ્યાર્થીની માફક સાંભળી રહ્યો. વ્યવસ્થિત સારવારનો ક્રમ નક્કી કરી મિટિંગ પૂરી થઈ.

બહાર નીકળતા જ શોમ બોલ્યો, “અંજલિ! તું અહીં કેમ?”

“ભારત જવા નીકળવાની તૈયારી જ હતી અને સ્ટિવનો ફોન આવ્યો કે ‘આંટી બેભાન થઈ ગયાં હતાં અને બ્રેઈન ટ્યુમરની શક્યતા લાગે છે. તેણે જણાવ્યું કે કયા સ્તરની ગંભીરતા છે તે કાલે ખબર પડશે.’ અને તરત મેં એક સપ્તાહ પછીની ટિકિટ કરાવી નાખી.” અંજલિ રમેશ તરફ ફરીને બોલી, “આંટીને મળવા જઈશું?” અને શોમને ત્યાંજ વિચાર કરતો છોડીને તેઓ નીકળી ગયા. 

જોષીનિવાસ પહોંચીને જોયું તો માહી તેની પથારીમાં રડતી હતી. રમેશને જોઈને વધારે રડી પડી. “બસ, હવે હું નહીં બચુ. ડોકટરો તો કહે પણ… મને આવી કેંસરની બિમારી થાય જ કેમ? મુંબઈ મારી મમ્મીને છેલ્લી વખત મળવા જવું છે.”

“અરે, તું જો તો ખરી, તારી ફિકરમાં કોણે ભારત જવાનું માંડી વાળ્યું છે!”

અંજલિ ધીમેથી અંદર આવી અને માહીના ચહેરાના ભાવ વિજળીના ચમકારાની જેમ બદલાઈ ગયા. અંજલિ નજીક આવતાં તેનાં બન્ને હાથ પકડીને માહીએ પોતાની બાજુમાં બેસાડી…અને તેની માંદગીનાં સમાચાર સાંભળીને અંજલિ રોકાઈ ગઈ છે, તે સાંભળતાં માહી ગદગદ થઈ ગઈ.

“આંટી, બહુ ભુખ લાગી છે. શું જમશું?”

“ફ્રીઝમાંથી શોધી કાઢ, હું હમણાં રસોઈમાં આવું છું.” માહી ઝડપથી ઊભી થઈ તે જોતા રમેશ હસીને બોલ્યો, “ઓ મેડમ! જરા સંભાળીને…”

અમુક વ્યક્તિનો સ્પર્શ પારસમણિ જેવું કામ કરે છે. અહોભાગ્ય હોય છે, જ્યાં સોનુ બનવાની ક્ષમતા બીજા વ્યક્તિત્વમાં મળી આવે છે. અશ્રધ્ધા અને ચિંતાની સાથસાથ, સમજ અને આશા પણ જોડાઈ ગયાં અને મુશ્કેલીને સ્વીકારવાનો દ્રષિકોણ બદલાયો. એ દરમ્યાન શોમ અને મોટીમાસી પણ આવી ગયા અને થોડા સમય માટે માહી હળવીફૂલ બની, સ્વભાવગત બીજાની સંભાળ લેવામાં વ્યસ્ત થઈ ગઈ.

નક્કી કર્યા પ્રમાણે, માહીને લઈને શોમ આયુર્વેદિક સેંટર પર ગયો. અંજલિ અને શોમ, બન્ને કુશળ ડોક્ટર્સ, સંવાદિતાથી કામ પર ધ્યાન આપી રહ્યાં હતાં. અજાણતા આંખ મળી જાય કે સ્પર્શ થઈ જાય તે પળ થંભી જતી, એ વ્યાકુળ ઝણઝણાટી વિષે તે બે સિવાય બીજા અજ્ઞાત હતાં.

અંજલિએ મીસીસપંડ્યાના આગ્રહને નમ્રતાથી નકારી, તેની મિત્ર સારાને ઘેર તે અઠવાડિયું રહેવાનું નક્કી કર્યું હતું. સારાએ શનીવારે સાંજે, ઘેર નાની પાર્ટી ગોઠવી, સ્ટિવ અને શોમને બોલાવ્યા હતા. આરી અને તેની ગર્લફ્રેંડ અને બીજા બેચાર જણા સાથે સારાનું ઘર ગુંજતું હતું. અંજલિ અને શોમના ચહેરા પર ક્યારેક હસતાં હસતાં ઉદાસીની પીંછી ફરી વળતી. ‘હું આના વગર કેમ જીવી શકીશ?’ તો સાથે અંજલિને એ પણ વિચાર સતાવતો કે…’મારા મન પર આ મણનો ભાર છે, તે કેમ જતો નથી? ‘બાબા કહે છે તેમ, સમયને તેનું કામ કરવા દો, અવળા પ્રવાહમાં વલખાં મારવાનું છોડી દો… આ ચઢાણનો ઉતાર મળી રહેશે.’ ગમે તે હો, પણ મિત્રો સાથેની એ સાંજ અણમોલ હતી. શોમ નીકળી રહ્યો હતો તે વખતે અંજલિએ કહ્યું હતું કે, ‘રવિવારે સવારે એબી સેંટરમાં જઈને, આંટી માટે જરૂરી ઓસડિયાં તૈયાર કરી દઈશ, જેથી આવતા મહિનાઓમાં ખલાસ ન થઈ જાય.’

અંજલિ દસેક વાગે સેંટર પર પહોંચી અને ગાર્ડ સાથે થોડી વાત કરી, ઉપર જઈને કામે લાગી ગઈ હતી. ઔષધી માપીને લીધી અને પછી લોખંડનો ખાંડણીદસ્તો લઈ અંજલિ ખાંડવામાં મગ્ન હતી. પાછળથી એકદમ બારણાંનાં ખૂલવા-બંધ થવાના અવાજથી ચમકીને તેણે પાછળ ફરી જોયું. “અરે! રાકેશ? અહિંયા શું કરે છે?” રાકેશનો દાઢી-મૂછથી ભરેલો બિહામણો ચહેરો જોઈ અંજલિના ધ્રૂજતા હાથમાંથી દસ્તો સરી ને તેનાં પગ પર પડ્યો. “ઓ મા!” કરીને  અંજલિ ખુરશી પર બેસી ગઈ.

“અવાજ ધીમો,” રાકેશે કરડાકીથી કહ્યું. તેની ગુસ્સાભરી લાલ આંખોમાં ભય ઝલકતો હતો, ‘આ બે ભાવ, ક્રોધ અને ભયનું ભયંકર મિશ્રણ’ એમ વિચારતા અંજલિ વધારે ગભરાઈ ગઈ.

“મારી પાછળ કત્રીના પોલીસ લઈને પડી છે, કહે છે મેં તેને મારી હતી.” રાકેશની વાત સાંભળીને અંજલિનો ચહેરો તંગ થયો. “એ તો સાવ જૂઠ્ઠી છે…મારી સાથે જંગલિયત કરતી હતી અને મારી માને ગાળ દીધી, તેથી મેં જોરથી એક થપ્પડ અડાવી દીધી…કત્રીના એ લાગની જ છે. અરે, એ તો લગ્ન કરવા તૈયાર હતી… ત્યાં એને મારી એબી સેંટરની બાતમી મળી ગઈ અને પછી તો આભ તૂટી પડ્યું.”

“પણ તું અહીં કેમ આવ્યો છે?”

“મને શંકા હતી જ કે કત્રીના આવું કાંઈક કરશે. મારા સગાને ત્યાં આગલા બારણે ધમાલ સાંભળી પાછલાં બારણેથી મારી તૈયાર બેગ લઈને ભાગી નીકળ્યો. આ જગ્યા સલામત લાગી. થોડાં કલાકોનો જ સવાલ છે કારણકે મારી પાસે આજ સાંજની ભારત જવાની ટિકિટ છે. મને ખબર હતી કે તું હ્યુસ્ટનમાં રોકાઈ ગઈ છે. અને જો! …મારા સારા નસીબે તું અહીં મળી ગઈ! બસ તારે મને એરપોર્ટ પહોંચાડવાનો છે. તારે મને મદદ કરવી જોઈએ. મેં કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો. આપણાં બન્નેનું સારું દેખાય તેથી થોડાં આંકડા બદલ્યા, એમા તો આ સતવાદીઓએ મને હેરાન કરી નાખ્યો.” રાકેશ અસંબદ્ધ બોલ્યે જતો હતો.

“મારી પાસે ક્યાં કાર છે?” અંજલિ તેનાં પગને પંપાળતી બોલી.

“તું તારા બોયફ્રેંડ, શોમને બોલાવ…”

“હું એવું કાંઈ કરવાની નથી, તું થાય તે કરી લે.” અંજલિ ગુસ્સે થઈને બોલી.

રાકેશે ખીસામાં હાથ નાખી નાની શીશી કાઢી, જેના ઉપર ‘ઝેર’ લખેલું હતું. “ભલે. તારે મદદ ન કરવી હોય તો હું આ ઝેર ખાઈ લઈશ. બસ, એટલી મહેરબાની કરજે…ભારત જાય પછી મારા વિધવા મમ્મીને મળીને કહેજે કે, મેં તમારા દિકરાને મરવા દીધો.”

“હું એવા ગપ્પાથી ભોળવાઈશ નહીં. તેં જે ભૂલો કરી છે તેની સજા ભોગવ.”

રાકેશ કશું બોલ્યા વગર, શીશી ખોલી ગોળીઓ હાથમાં કાઢી અને સિંક પાસે પાણી લેવા ગયો.  અંજલિને લાગ્યું કે હમણા તેનો ગોળીઓવાળો હાથ મોં પાસે પહોંચશે…

“બસ કર!! મારે તારું મોત મારા માથાં પર નથી થોપવું, સમજ્યો?” અંજલિએ બૂમ પાડી અને શોમનો નંબર જોડ્યો. “શોમ! અહીં સેંટર પર આવી શકશો? જલ્દી…”  

“હાં, થોડું કામ પતાવીને આવું…”

“ના હમણાં જ, ઇમર્જન્સી છે.” અંજલિ અચકાઇને બોલી.

“શું વાત છે? તું ઠીક છે?” શોમ ચિંતિત થઈ બોલ્યો. રાકેશે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. અંજલિએ “હાં” કહીને ફોન મૂકી દીધો.

શોમનો ફોન ફરી વાગ્યો, “ડોક્ટર! હું કત્રીના બોલું છું. રાકેશ ત્યાં આવ્યો છે?”

“ના” કહીને ફોન પડતો મૂકી શોમ ઝડપથી નીકળીને સેંટર પર પહોંચ્યો. વાતોડિયા ગાર્ડ સાથે ‘કેમ છો’ કરીને ઉપર જવા લાગ્યો, પણ દાદર પાસે અટકીને ગાર્ડને પૂછ્યું, “ડોક્ટર અંજલિ સિવાય બીજું કોઈ આવ્યું છે?”

“હાં, પંદરેક મિનિટ પહેલાં ડોક્ટર રાકેશે તેમની કોઈ વસ્તુ લેવા અંદર જવાની માંગણી કરી હતી, અને મેં જવા દીધા હતાં.”

“હું થોડાં સમયમાં નીચે ન આવું તો, તમે ઉપર આવજો,” કહેતા શોમ બે બે પગથિયાં ચડતો દોડ્યો. બારણું બંધ હતું. શોમે ટકોરા માર્યાં અને અંજલિનો અવાજ આવ્યો, “કોણ?”

“હું શોમ.” બારણાની આંકડી ખૂલી અને રાકેશે તેને અંદર આવવા દઈ બારણાં પર ફરી આંકડી મારી દીધી.

“રાકેશ આ શું કરે છે?” કહેતો શોમ અંજલિ પાસે ગયો. તેનો વેદનાથી ખરડાયેલો ચહેરો જોઈ અકળાઈને રાકેશ તરફ ગુસ્સાભરી નજર નાંખી. નીચે નજર પડતાં, “અરે, તારા પગના અંગુઠા પર સોજો આવી ગયો છે અને નખ લીલો પડી ગયો છે. આનો તરત ઇલાજ કરવાની જરૂર છે.”

રાકેશ જલ્દીથી બોલ્યો, “ઇલાજ પછી, પહેલાં મને એરપોર્ટ ઉતારી દો, પછી પ્રેમથી અંજલિને સંભાળજો.” શોમ કડકાઈથી ના પાડવા જતો હતો ત્યાં અંજલિ કણસતાં બોલી, “મહેરબાની કરીને રાકેશ કહે છે તેમ કરો. મારાથી આ પગનો દુખાવો સહન નથી થતો.”

“ચાલો નીકળીએ. મારી બેગ બહાર ખૂણામાં પડી છે તે લઈ લઉં.” રાકેશ જવા ઉતાવળો થઈ ગયો.

“કત્રીનાનો મારા પર ફોન આવ્યો હતો.” શોમે કહ્યું અને રાકેશના પગ થંભી ગયા.

“હવે હું કહું તે પ્રમાણે કરો.” રાકેશ મક્કમ અવાજે બોલ્યો, “અંજલિ! તું અને શોમ નીચે જાવ. શોમ કાર લેવા જાય અને અંજલિ તું ગાર્ડને કોઈ પણ બહાને પ્રવેશદ્વાર પાસેથી દૂર લઈ જજે. હું કાર આવતા જ પાછલી સીટમાં ઘૂસી જઈશ અને પછી તું આવી જજે. ગાર્ડને ખબર પડશે કે હું બેગ લઈને નીકળ્યો છું, તો કત્રીના તેની પાસેથી સામ, દામ, દંડ, ભેદથી બાતમી મેળવશે. મારી ફ્લાઈટ નીકળે પહેલા મને પકડી પાડે તેવી પાગલ બાઈ છે.”

શોમ તેનો હૂકમ માનવા તૈયાર ન હતો અને બિલકુલ ખસ્યો નહિ. એ જોઈ રાકેશ ઢીલો પડી ગયો અને બે હાથ જોડીને રડવા લાગ્યો. “મેં ખરેખર કત્રીના પર જૂલમ નથી કર્યો. મારા પર દયા કરીને એરપોર્ટ પહોંચાડો. ગોઆમાં વૈદ્ય ભાણજી મને સજા આપશે.” અંજલિએ શોમ સામે જોયું અને ઊઠવા માટે ટેકો લેવા હાથ લંબાવ્યો.

નીચે જઈને અંજલિએ પોતાનાં દુખતાં અંગુઠા માટે ગાર્ડને રૂમાલ ભીનો કરવા મોકલ્યો. શોમની કાર આવતા જ રાકેશ પાછલી સીટમાં જઈનો સંતાઈ ગયો, પછી અંજલિ આવી અને તેઓ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ પર કાર અટકી કે તરત આજુબાજુ જોતો રાકેશ ઝડપથી જતો રહ્યો. “એને લાંબી વિદાય નથી ગમતી લાગતી.” કહીને શોમ હસ્યો. પણ પગના અંગુઠામાં થતાં લબકારાને લીધે અંજલિની આંખમાં આંસુ આવી ગયાં.

વધું બોલ્યા વગર શોમે કાર હોસ્પિટલ તરફ લીધી. અંજલિ આંખો મીચી બેસી રહી. હોસ્પિટલ પહોંચીને શોમે અંદર જઈ નર્સને વ્હીલચેર લાવવાનું કહ્યું. કારનું બારણું ખોલ્યું, પણ અંજલિની નિંદર ન ખૂલી. શોમે કોમળતાથી તેને ઊંચકી અને વ્હીલચેરમાં બેસાડી, “ઓહ, માફ કરજો. મારી આંખ મળી ગઈ હતી.” સફાળી જાગીને તે જરા ગૂંચવાઈ ગઈ.

શોમ જે રીતે તેની કાળજી લઈ રહ્યો હતો તેવી ઘણાં સમયથી કોઈએ નહોતી લીધી. ડોક્ટર તરીકે પોતે જ હંમેશા ખડે પગે રહેતી. અંજલિ આરામથી બેસીને આળપંપાળ મ્હાણી રહી. પાટાપિંડી પત્યા પછી શોમે પૂછ્યું, “જોષીનિવાસ જઈશું? ગરમ લંચ મળવાની શક્યતા છે.” અને તેઓ ઘેર આવી પહોંચ્યા. કારમાંથી અંજલિને પગથિયાં સુધી શોમ ચલાવીને લઈ આવ્યો… જ્યાં તે અચકાઈને ઊભી રહી ગઈ. પાંચ પગથિયાં ચડીને શોમે ડોરબેલ વગાડ્યો. માહી અને મોટીમાસી બારણું ખોલી આશ્ચર્યથી જોતાં રહ્યાં. શોમ પાછો ફરી, અંજલિને બાંહોમાં ઊંચકી, સહજ રીતે ઊંબરો પસાર કરી અંદર લઈ આવ્યો. મોટીમાસી તો આ કામને એકદમ ગંભીરતાથી અવલોકતા રહ્યાં. ખાનગીમાં માહી સાથે તેની આલોચના પણ થઈ. પણ માહી કહે, “ના, ના. એવું કશું નક્કી નથી.”

અંજલિએ બે દિવસ સારાને ઘેર આરામ કર્યો. એકાંતમાં શાંત અને નિસ્વાર્થભાવથી પોતાના મનને ચકાસ્યું. ‘હું શા માટે શોમને ચાહું છુ? પ્રેમ છે કે કોઈ લાલચ છે?’ અને દર વખતે અંતર પોકારે કે મારે શોમનો સાથ જોઈએ છે… ‘પરંતુ શોમની ખુશી મારાથી દૂર રહેવામાં હોય તો એ પણ કબૂલ છે. તે હંમેશા ખુશ રહે… મમ્મી અને બાબા સાથે વાત કરીશ ત્યારે સ્પષ્ટતા થશે.’

જવાનાં આગલાં દિવસે બપોરે અંજલિ આવજો કહેવા જોષીનિવાસ આવી હતી. રમેશના ઘેર આવવાની રાહ જોતી હતી એ દરમ્યાન… ટેબલ પર કાગળપેન લઈને બેઠી અને કશું લખી રહી હતી. સમય પછી, “આંટી, એક પુસ્તક શોમના રૂમમાં મૂકું છું.” કહીને અંજલિ અંદર ગઈ. રમેશ આવી ગયા અને દીકરીને વિદાય કરતાં હોય તેટલાં સ્નેહથી ‘આવજો’ કહ્યું. ‘હવે નહીં મળીએ? અને મળશું તો કયા સંબંધના નેજા નીચે?’ એ પ્રશ્ન માહીને બે ધારી તલવારની જેમ સોરતો હતો.
આ વખતે શોમે અંજલિની ના સાંભળી જ નહીં, અને એરપોર્ટ લઈ જવા માટે કાર લઈને સારાના ઘેર હાજર થઈ ગયો.

રમણીય તવ સાથ  હું આજે લઉં ચોરી,
 કરી આંખોમાં બંધ કરું છાની બળજોરી.
ભલે જાયે આઘેરી, પણ લાગે તું ઓરી,
રોકવાને  કાજ  દિલ ખેંચે
અકળ દોરી.
——
પ્રકરણ ૭ આવતા રવિવારે. 
‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com 
——-
રંગોળી ..ઈલા મહેતા

રં૨૦

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર.. નવલિકાઃ સરયૂ પરીખ

૯   ઊર્મિલ સંચાર..નવલિકાઃસરયૂ પરીખ. પ્ર. ૫ ઋણાનુબંધ

            પ્રકરણ -૫   ઋણાનુબંધ

એબી સેંટરમાં ગંભીર વાતાવરણ હતું. દરેકના મનમાં જુદી જુદી આશંકાઓ હતી. મિટિંગ માટે ડોક્ટર રાકેશ અને ડોક્ટર અંજલિને બોલાવ્યાં હતાં. અંજલિ તો ગઈકાલથી જ નિસ્તેજ લાગતી હતી. સારા અને ડીનની સાથે શોમને જોઈને તેનું દિલ એક ધડકન ચૂકી ગયું. નજર મેળવ્યાં વગર જ ‘હેલો’ કહીને રાકેશની બાજુની ખુરશીમાં અંજલિ બેઠી.

“એબી સેંટરનું કામ બરાબર ચાલે છે તે મેં સાંભળ્યું છે. ડોક્ટર રાકેશ! તમે મને જણાવશો કે દરદી અહીં આવે પછી કઈ રીતનો નિત્યક્રમ હોય છે?” ડીને વાતની શરૂઆત કરી.

“દરદીને તપાસીને પછી ટ્યુમરના માપ વગેરે મારી ઓફિસમાં લેવાય છે અને પછી દરદીને ડોક્ટર અંજલિ પાસે મોકલવામાં આવે છે” …અંજલિને થયું કે આવી સામાન્ય નિત્યક્રમની વાતો કેમ કરે છે? એણે સારા સામે જોયું અને સારાએ ઇશારાથી ધીરજ રાખવા કહ્યું.

શોમે રાકેશને ત્યાં જ અટકાવી પરિણામની ફાઈલ તેની સામે ધરી. “રાકેશ તમે જુઓ કે પહેલાં કોલમમાં હ્યુસ્ટન ક્લિનિકના માપ લખેલા છે. બીજા કોલમમાં ત્રણથી પાંચ દિવસના ગાળામાં જ તમે લીધેલા માપ આટલા વધારે કેમ છે?” આ સાંભળીને અંજલિની આંખો પહોળી થઈ ગઈ. તેને પરિસ્થિતિનો તરત ખ્યાલ આવી ગયો અને શોમની સામે જોઈ રહી.

શોમ રાકેશની ઊલટ તપાસમાં પરોવાયેલો હતો. અંતે રાકેશે કબૂલ કર્યું કે “હાં મેં ઊંચાં નંબર લખ્યા જેથી સંકોચાયેલ ટ્યુમરની સરખામણીનું અંતિમ પરિણામ ખુબ સરસ લાગે.”

શોમ નિઃશબ્દ રાકેશ સામે તાકી રહ્યો. ડીન કહે, “તમે માનવસેવાના ક્ષેત્રમાં કામ કરવા આવ્યા અને આ જાતનું કર્મ? તમારી પાસે ખરા પરિણામો છે ને? તે તમારી ઓફિસમાંથી લઈ આવીએ, ચાલો. અને સારા, તમે પણ સાથે આવો.”

શોમ સાથે એકલાં પડતાં, અકળામણનો ભાવ અંજલિને ઘેરી વળ્યો. બન્નેમાંથી કોને શું બોલવું તેની મૂંઝવણનો ભાર હવામાં તોળાઈ રહ્યો…શોમ અંતે બોલ્યો, “અંજલિ, ગઈકાલની મારી તોછડાઇ માટે માફ કરીશ?”

“ગઈકાલે મને બહુ દુખ લાગ્યું હતું, પણ અત્યારે હું કારણ સમજી શકું છું. તમે ખુબ અસ્વસ્થ હતા કારણકે તમને લાગ્યું હતું કે હું પણ આ કાંડમાં ભળેલી છું, ખરું?” જાણે મનમાં ગણગણી, “હવે વિશ્વાસના તૂટેલા તારને કેમ જોડશું?” અંજલિનાં સવાલનો શોમ જવાબ આપે તે પહેલા, ડીન રાકેશને કહેતા સંભળાયા, “આ ઘડીથી તમારા બધા હક્ક રદ થાય છે. તમારા બાકીના ડોલરની ચુકવણી નહીં થાય. ઓફિસ ખાલી કરીને અત્યારે નીકળી જાવ.”

રાકેશ બારણા પાસેથી જ પાછો ફરી ગયો. અંજલિ ધીમેથી બોલી, “ખબર નહીં તેની મંગેતર, કત્રીના આ મામલો કેમનો સ્વીકારશે!”

ડીન અંદર આવીને બોલ્યા, “મીસ અંજલિ, આ વાત જાણીને તમને આંચકો લાગ્યો હશે. થોડાં દિવસો તમારી જવાબદારી વધી જશે પણ તમને પૂરતી મદદ મળે તેવી વ્યવસ્થા કરશું, જેથી તમારા છેલ્લા મહિનાનું અહીંનું કામ સફળ રીતે પાર પાડી શકો.”

શોમના હોઠ ખુલ્યા પણ શબ્દ ન નીકળ્યા અને અંજલિ વિદાય લઈ ચાલી ગઈ. શોમે પોતાના એપાર્ટમેંટ પર જઈને તેની ચિંતા કરતી મમ્મીને તરત ફોન જોડ્યો.

“મા, અંજલિ નિર્દોષ છે.”

“હાં… મને તો ખાત્રી હતી. તારા ડેડી હોસ્પિટલથી આવી ગયા છે તેમને જણાવી દઈશ. તું અંજલિને મનાવી લે જે.” માહી બોલી. અંજલિ સાથે વાત કરવાની શોમે ઇચ્છા બતાવી.

“અરે બેટા, અંજલિ તો આજે સવારે જ પંડ્યાસાહેબને ઘેર શિફ્ટ થઈ ગઈ. મીસીસ પંડ્યા આવીને સામાન લઈ ગયા. મેં સમજાવી પણ અંજલિ કહે કે ‘મને હવે અહીં રહેવાનું વિચિત્ર લાગશે’.”

શોમે એક બે વખત અંજલિને ફોન કર્યો પણ સહકાર્યકર માફક વાત થતી, અને ફોન લાઈન કપાઈ જતી. એક સાંજે હોસ્ટ અને ગેસ્ટનાં માનમાં મેળાવડો હતો. શોમ, માહી અને રમેશ બેંક્વેટ-હોલમાં દાખલ થયાં અને પરિચિત ચહેરાને શોધી રહ્યાં હતાં. મુખ્ય ટેબલ પર પંડ્યા સાથે બેઠેલી અંજલિના ટેબલ પાસે આવ્યાં. અંજલિ ઊભી થઈને માહીને વળગી પડી.

“અંજલિ, ભારત પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારા તરફથી યાદગીરી સમજી, આ એક ભેટ સ્વીકારજે.” કહીને માહીએ એક નાજુક બ્રેસલેટ તેનાં કાંડા પર પહેરાવી દીધું.

“ઓહ! આંટી, બહુ સુંદર છે અને મારા માટે અત્યંત મૂલ્યવાન.” શોમ એ બન્ને વચ્ચેનો સ્નેહ જોઈ રહ્યો. શ્રી અને શ્રીમતિ પંડ્યા, માહી અને રમેશ સાથે વાતોએ વળગ્યાં. હવે અંજલિને શોમથી દૂર ભાગવાનો કોઈ રસ્તો ન હતો કારણકે તે પણ એ જ મુખ્ય ટેબલ પર બેસવાનો હતો. કાર્યક્રમ શરૂ થયો. જમણ અને ત્યારબાદ માન સન્માનની વાતો એક પછી એક વક્તાઓ કરતાં ગયાં. વિચારોમાં ખોવાયેલ શોમ, કાર્યક્રમનો અગત્યનો ભાગ પૂરો થતાં બોલ્યો,

“અંજલિ, તું મારી સાથે બહાર આવીશ?” અને તેણે આંખો નમાવી હા ભણી. મીસીસ પંડ્યાની રજા લેતા શોમ બોલ્યો, “આંટી, અંજલિ અને હું નીકળીએ છીએ અને પછી તમારે ઘેર તેને મૂકી જઈશ.”

“ભલે. ખુશ રહો.”

શોમની કારમાં પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલાં હતાં. સ્વીચ ઓન કરતાં કારનું કસેટ ચાલું થયું અને “લટ ઊલજી સુલજા જા બાલમ, હાથમે મહેંદી લગી મોરે બાલમ…” પંડિત જસરાજ ગાઈ રહ્યાં હતાં. અંજલિના ચહેરા પર સ્મિત આવી ગયું. “રાગ બિહાગ. હું ગોઆમાં હતી ત્યારે તેમનો પ્રોગ્રામ સાંભળવા ગયેલી. એક અદ્ભૂત અનુભવ! આ રાગ અને તેમની રજુઆત મને બહુ પસંદ છે.” દિલમાં ઊમડતી ઊર્મિઓને છુપાવવાનું મુશ્કેલ બની ગયું.

“મારું પણ આ માનીતુ છે.” શોમ હર્મન-પાર્ક પાસે કાર રોકી અંજલિનાં પ્રસન્ન ચહેરા સામે જોઈ રહ્યો. અંજલિ શરમાઈને બારણું ખોલી બહાર નીકળી ગઈ. સમી સાંજના આછા ઉજાસમાં બહુ દિવસની એકલતાથી આળા થયેલાં હૈયાને શીતળ પવન મીઠો લાગ્યો. અંજલિ મનોમન પ્રાર્થના કરી રહી કે “હે પ્રભુ, આ પળ અનંત બની જાય અને હું શોમના સાથમાં ચાલતી જ રહું.”  ગહેરા વિચારમાં ચાલતાં ચાલતાં શોમ થંભી ગયો અને અંજલિને ખભે હાથ મુકી બોલ્યો, “મને કહે, તું શું વિચારે છે? આ પરાયાપણું મને પાગલ કરી દે છે. આપણે પહેલાં હતાં એમ જ કેમ ન થઈ શકીએ?”

“હું પણ એ ચાહું છું, પણ આપણે આશંકા અને બીજા સંબંધોમાં સંપૂર્ણ સ્પષ્ટ ન થઈએ ત્યાં સુધી મારાથી કોઈ ખાત્રી આપી શકાય નહીં. મારી પિતરાઇ બહેન માયાએ કરેલા કપટને કારણે હું તમારે યોગ્ય નથી તેવું મને લાગ્યા કરે છે.”

“પણ અમે કોઈ તને જવાબદાર નથી માનતા.”

“હું જાણું છું, પણ મારા મન પર વળગેલું આ ગીલ્ટનું કોચલું મારે જ ઉતારવાનું છે. જ્યાં સુધી પ્રમાણિકતાનો દીવો દિલમાં ન જલે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ અલ્પજીવી હોય, તે નિશ્ચિત છે.” અંજલિનો અંતર આત્મા માનતો નહોતો.

“એકાદ સપ્તાહમાં તું જતી રહીશ, પછી શું?” શોમ નિરાશ થઈને બોલ્યો.

“મને ખબર નથી. આવી ડામાડોળ મનઃસ્થિતિમાં કોઈ નિર્ણય લેવો શક્ય નથી.” તટસ્થ ભાવ સાથે બોલાયેલું અંજલિનું વાક્ય, બન્ને માટે આકરું હતું, પણ શોમને માટે તો પીડાકારી હતું. પંડ્યાસાહેબને ઘેર અંજલિને ઉતારી, અંતિમ વિદાય આપીને શોમ જતો રહ્યો.

પોતાનાં રૂમની ગહેરી એકલતામાં અંજલિ શોકાતુર થઈ ગઈ. શોમના સાથનો તલસાટ તેને અકળાવી રહ્યો… શોમનું ભેટ આપેલું પ્રેમ-કાવ્યોનું પુસ્તક લઈ તેણે પોતાના વક્ષઃસ્થળ પર ચાંપ્યુ, અને એક પાનું ખોલ્યું,

મનનાં  પતંગાને  સાહિને કોરથી,
અંતર  આકાંક્ષા  સંકોરી  વિચારે…
ઓ’ મારા પ્યાર!
તું હોતે સંગાથે, ભિન્ન નક્ષો અંકાતે,
જીવન સરિયામ હોત નોખે વળાંકે!

અંજલિ ગુરુવારની સાંજે જવાની હતી. શોમે એરપોર્ટ ઉતારી જવાનો આગ્રહ કર્યો પણ, ‘સારા સાથે નક્કી છે’ તેમ અંજલિએ કહ્યું હતું. તે સાંજે શોમ ઉદાસ હશે તેમ સમજીને, તેના મિત્રો સ્ટિવ અને આરી તેની ઓફિસમાં આવી ચડ્યા. “ચાલ, આપણે એક ખાસ જગ્યાએ ડીનર લેવા જવાનું છે. ત્યાં પહોંચતા કલાક લાગશે.” શોમને થોડું કામ પતાવવાનું હોવાથી, તેના મિત્રો રાહ જોતા બેઠાં. શોમ જવા ઉભો થયો ને ફોનની ઘંટડી વાગી. “ઓહ, આ લેવો પડશે…” કહી ફોન ઉપાડ્યો.

“બેટા શોમ, તારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી. હમણાં ભાન આવ્યું છે તેથી હું હોસ્પિટલ લઈને આવું છું. તું Emergency entrance પાસે મળજે.” રમેશનો ગભરાયેલો અવાજ તેના મિત્રોએ પણ સાંભળ્યો અને ત્રણે મિત્રો ERની દિશામાં ઉતાવળે પગલે ગયા.

માહીને તપાસવા માટે ડોક્ટરની ટિમ તૈયાર હતી. શોમે પ્રાથમિક ચિન્હો જોઈ લીધા પછી બહાર આવીને તેના પિતા અને મિત્રો પાસે બેઠો. રમેશે કહ્યું, “હું ઘરમાં દાખલ થયો ને માહી બોલી ‘આવી ગયા?’ અને ઢળી પડી. ઝીણવટથી ચિન્હો જોતાં મને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રોક કે હાર્ટએટેક નથી. હું એને બોલાવતો રહ્યો અને માનું છું કે, લગભગ બે-ત્રણ મિનિટમાં ભાનમાં આવી ગઈ.”

શોમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી તરત ઊઠીને એક્ઝામ રૂમમાં ગયો. પછી બહાર આવીને જણાવ્યું કે, “મમ્મીને Brain scan માટે લઈ જશે. તેથી વાર લાગશે.” મિત્રોના આગ્રહથી તેઓ કાફેટેરિયામાં ગયા અને ત્યારબાદ, સ્ટિવ અને આરી ઘેર ગયા.

CT Scan લેવાયો ત્યારે શોમ હાજર હતો. માહીને વ્હીલચેરમાં બહાર લઈને આવતા શોમના ગમગીન ચહેરા પરથી રમેશને ચિંતાજનક સમાચારના એંધાણ આવી ગયા. “કાર લઈને આવું” કહીને રમેશ ગયા. કારમાં થોડાં સમયની શાંતિ લાવા રસની જેમ પથરાયેલી હતી. ઘેર આવ્યાં પછી શોમે જણાવ્યું કે, “મમ્મીને Meningioma Brain Tumor છે. ટ્યુમરની ગંભીરતા તો બીજા પરિણામો આવશે ત્યારબાદ ખબર પડશે.” શોમ માને વ્હાલથી હિંમત આપતો બોલ્યો, “મોમ, તમે ગભરાતા નહીં. તમારો દીકરો આ વિષયમાં નિષ્ણાત છે. આનો ઉપાય છે જ અને થોડા સમયમાં તમે પાછા સંપૂર્ણ સારા થઈ જશો.”

શોમને ખભે માથું ઢાળીને માહી ભીની પલકો સાથે હસી. રમેશના ચહેરા પર ચિંતાની રેખાઓ ગહેરી બની ગઈ. રાતના મોડે સુધી રમેશ સાથે વાતચીત કરી શોમે નિર્ણય લીધો હતો કે એલોપથિ અને આયુર્વેદ બન્ને રીતે સારવાર કરવી.

વધારાના ટેસ્ટના પરિણામો જાણવા શોમ વહેલી સવારે માહીનાં ડોક્ટરની ઓફિસમાં પહોંચી ગયો. નિરાંતનો શ્વાસ લઈ તેણે ઘેર ફોન કર્યો, “મોમ! ટ્યુમર benign છે, ફેલાયેલું નથી. મેં અહીં સર્જન સાથે વાત કરી છે અને અમે આયુર્વેદિક સારવાર પણ સાથોસાથ કરવાની યોજના કરી છે.”

“બેટા, બહુ ચિંતા નહીં કરતો…ઈશ્વરઇચ્છા પ્રમાણે થયા કરશે. પંદર મિનિટ પહેલાં તારા ડેડી ત્યાં આવવા નીકળી ગયા છે. અને હાં, મોટીમાસી મારી સંભાળ લેવા ડલાસથી આવી રહ્યાં છે. બસ, ફોન મૂકું છું. અલ્લા હાફીસ.”

“મોમ, તમારી આ… બન્ને તરફના ભગવાન સાથે સારા સંબંધ રાખવાની પધ્ધતિ અજબ છે.” માહી હસી પડી. શોમ મનમાં બોલ્યો, “ઓહ! મમ્મીને ઔષધો વિષે બરાબર સમજાવવા માટે અંજલિની અહીં સખ્ત જરૂરત છે…પણ એ તો અત્યારે ભારત જવાના અરધે રસ્તે હશે.”

ડોક્ટરની ઓફિસમાં બધાં પરિણામો આવી ગયાં હતાં અને સારવાર વિષે વાત આગળ ચાલી ત્યાં બારણાં પર ટકોરા વાગ્યા અને, “અમે અંદર આવી શકીએ?” એ અવાજ સાંભળીને શોમ સ્તબ્ધ થઈ ગયો.
———

‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com

રંગોળી…ઈલા મહેતા

રંગેલી     rai

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર..નવલિકા. સરયૂ પરીખ.

          ૯           ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ પ્ર. ૪ કસોટી

           પ્રકરણ-૪   કસોટી

અંજલિ અને શોમ જમણ પૂરું કરી, હાથમાં હાથ લઈ… કરસ્પર્શનો આનંદ માણતા સરોવરના કિનારે મીઠી વાતોમાં ખોવાયેલાં હતાં. અંજલિ પાસે વાતોનો ખજાનો હતો અને શોમ તેનાં ચહેરાના ભાવ જોવામાં મશગૂલ હતો. પરંતુ, વચ્ચે તેમનાં કામની વાતો ટપકી ન પડે એ શક્ય નહોતુ. અને એ વાતના દોરને પકડી શોમ બોલ્યો, “આપણી પાસે પૂરતા આંકડા ભેગા થયા છે. આયુર્વેદિક સારવાર વિષે લેખ પ્રસિધ્ધ કરવાનો સમય આવી ગયો છે. હવે આંકડા ઝીણવટથી તપાસવાનું કાલથી શરૂ કરી દઈશ. આજકાલમાં વૈદ્યજીને પણ ગોઆ ફોન કરવો છે.”

“મને ખાત્રી છે કે આંકડાઓ બરાબર જ હશે.” અંજલિ બોલી અને તેઓ કાર તરફ વળ્યાં. ઘરમાં દાખલ થઈ, લાઈટ ચાલું કર્યા વગર જ એક આહ્લાદક આશ્લેષમાં વીંટાયા. સહજ વ્હાલ કરી અલગ થતાં હતાં ત્યાં જ ગરાજ ડોર ખૂલવાનો અવાજ આવ્યો. એકદમ અજવાળું થતાં અને અંજલિની નજર પડી. ‘અરે, લિપસ્ટિક’… કહી, શોમના ચહેરા પરથી લાલ રંગ લૂછ્યો.

“શું વાત છે? શનિવારે અમારો પ્રિન્સ અહીં?” મશ્કરીભર્યા સવાલથી શોમ મૂંઝાઈ ગયો.

“આંટી, અમે ડીનર લેવા ગયાં હતાં.” અંજલિએ સાચો જવાબ આપી દીધો. ચારેય જણા બેઠક રૂમમાં જઈને બેઠાં.

“અંજલિ, તો સાથે એ પણ કહી દે કે શું ચાલી રહ્યું છે? અમને તો કંઈક ગુપ્ત સંચાર હોય તેમ લાગે છે.” હવે અંજલિ શરમાઈ ગઈ. “કોફી બનાવું” કહી રસોડા તરફ સરી ગઈ. માતા-પિતા પ્રશ્નાર્થભરી નજરે શોમની સામે જોઈ રહ્યાં.

“હાં, અમે એકબીજાને પસંદ કરીએ છીએ,” જાણે શોમના ચહેરા પરની હસતી રેખાઓ બોલી ઊઠી.

“ઓહ, મારી પ્રાર્થના સફળ થઈ, શુકર અલ્લા!” માહી ભાવવિભોર થઈ ગઈ.

કોફીની ટ્રે મૂકતાં અંજલિ બોલી, “એક વિચિત્ર વાત સાંભળી. મારી સાથે ભારતથી આવેલા ડો. રાકેશે કોઈ કત્રીના નામની અમેરિકન છોકરી સાથે સગાઈ કરી. ખબર નહીં, રાકેશનો અહીં રહી પડવાનો ઇરાદો હશે!” અંજલિની વાત સાંભળી ત્રણેને માયાની યાદ આવી ગઈ. કોફીને ન્યાય આપી શોમ જવા માટે ઊભો થયો  અને અંજલિ તેની સાથે બારણા નજીક ગઈ. ધીમા અવાજે શોમ બોલ્યો, “મારે એક વાત જણાવવાની છે.”

“મને ખ્યાલ છે કે આંટી મુસ્લિમ છે.” અંજલિએ તેનો હાથ પકડ્યો.

“ના, એક બીજી અગત્યની વાત છે…અત્યારે મોડું થઈ ગયું છે તેથી આગલી મુલાકાતમાં કહીશ.” શોમ અંજલિના હાથને ચૂમીને ધીમે પગલે જતો રહ્યો …. અને તેની પાછળ એ અપલક પ્રેમભરી નજરે જોતી રહી. અંજલિ પાછી આવીને બોલી, “આંટી, આજે મીસીસ પંડ્યાનો ફોન આવ્યો હતો. તેઓ ભારતથી પાછાં આવી ગયાં છે. મને એમને ઘેર પાછા શિફ્ટ થવા પૂછતાં હતાં..”

“તું નહી જાય ને?” માહીનાં અવાજમાં જાણે નિર્ણયાત્મક આગ્રહ હતો અને અંજલિ સહમત થઈ.

“કેંસરના દરદીઓની આયુર્વેદિક સારવાર” વિષય પર લેખ લખવાની શોમે તડામાર તૈયારીઓ શરૂ કરી. પ્રથમ હ્યુસ્ટન ક્લિનિકમાં ટ્યુમરનું માપ અને ત્યાંની સારવારના પરિણામ. ત્યાર બાદ એબી સેંટરના પરિણામનો ચાર્ટ, જે સારા લઈ આવી હતી તે જોઈને શોમને થયું, ‘વાહ! બહુ સરસ કામ થયું છે. ગ્રાફ પણ બહુ આશાસ્પદ છે.’ અંજલિ અને શોમના પ્રેમ પ્રવાહને જાણે ઉત્તમ પરિણામોથી વેગ મળ્યો. તેમનું મગજ ક્યાક વ્યસ્ત રહેતું અને દિલ એકબીજા માટે ધડકતું…અવનવા આહ્લાદક સ્વપ્નોના સાગરમાં સ્વૈર વિહાર કરી રહ્યાં હતાં. એ દરમ્યાન શોમને સેમિનાર આપવાં માટે ઓસ્ટિન જવાનું થયું. આમ દિવસો સુધી, એકબીજાને એકાંતમાં મળવાની આકાંક્ષાઓ વિરહવ્યથાની શાયરીમાં ઢળતી રહી.

પંદરેક દિવસો પછી સમય મળતાં શોમે ઝીણી નજરે સેંટરના ચાર્ટ તપાસ્યા. જોયું તો હ્યુસ્ટન ક્લિનિક કરતાં સેંટરમાં નોંધેલાં ટ્યુમરના પ્રારંભિક માપ મોટાં હતાં. શોમે વિચાર્યું કે એકાદ સપ્તાહમાં દરદીના ટ્યુમરના માપમાં આટલો ફેર શક્ય નથી, કદાચ એક દરદીના ચાર્ટમાં ભૂલ હશે. પછી શોમે દરેક દરદી વિષે ચકાસણી કરી…અને આ શું? શોમને તેની પાછળનો આશય સમજાતા કમકમાટી થઈ…ટ્યુમરનું પ્રાથમિક માપ મોટું નોધ્યું, જેથી સારવાર પછી સંકોચાયેલ ટ્યુમરના માપની સરખામણીમાં મોટો તફાવત બતાવી શકાય! …આયુર્વેદિક ટીમ છેતરપિંડી કરી રહી છે!! એકદમ અકળાઈને શોમ ઊભો થઈ ગયો અને અચોક્કસ ઝડપથી ક્યાંક જવા નીકળી ગયો. “કોની સાથે વાત કરું?”

અંજલિ તે સાંજે સેંટરથી જોષીનિવાસ પર આવીને માહી સાથે બેસીને વાતો કરી રહી હતી. રમેશ મેઇલ લઈને આવ્યા અને કહે, “અંજલિ તારો કાગળ.”

“અરે વાહ! મમ્મીએ વળતી ટપાલે જ જવાબ મોકલી આપ્યો છે.” કહીને કવર ખોલીને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. “વ્હાલી દીકરી, તને આઘાત લાગે તેવી વાત લખી રહી છું. તને યાદ છે? લગભગ અઢી વર્ષ પહેલાં હું નાનામામાને ઘેર મુંબઈ ગઈ હતી. ત્યાં મેં અમેરિકાથી આવેલા ડોક્ટર વિષે જાહેરાત જોઈ તારા માટે વાત છેડી હતી, પણ આગળ વાત વધી નહોતી તેથી મેં તને જણાવ્યું નહોતું… ત્યારબાદ ભત્રીજી માયાના લગ્ન થયાં એ વાતની તને ખબર છે. તે આ જ વ્યક્તિ, શોમ, જેની સાથે માયાનાં લગ્ન થયેલાં. મને ખબર નહોતી કે અમેરિકામાં તેઓ ક્યાં રહેતા હતા. મેં પછીથી માયાનાં સમાચાર ભાઈને પૂછ્યાં તો તેમણે છેડાઈને કહ્યું હતું કે ‘માયા અમારાં માટે મરી ગઈ છે.’ કારણ ખબર નથી કે શું થયું હતું, પણ માયાના લગ્ન શોમ સાથે થયેલાં તે હકીકત છે…”

અંજલિનો લડખડાતો અવાજ અટકી ગયો અને માહીની સામે બાવરી આંખે જોઈ રહી. તેનાં ચહેરાનાં ભાવ જોઈ, લખેલી વાત સત્ય છે તેમ ખ્યાલ આવતાં, તેની આંખોમાં આંસુંનાં તોરણ બંધાયા.

 “શોમ તને જણાવવાનો જ હતો, પણ તું જાણે છે કે ઘણાં દિવસોથી તમને નિરાંતે મળવાનો સમય મળ્યો નથી.” માહી અંજલિનો હાથ પંપાળતાં બોલી, “સત્ય એ છે કે, માયાએ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાં આવું છલ કરેલું, અને અહીં આવીને તરત તેના પતિ સાથે જતી રહી હતી.”

“ઓ’ભગવાન! તમે કદાચ નહીં માનો પણ, માયાને હું મળી નથી, સિર્ફ ફોટામાં જોઈ છે. એ ક્યાં છે? તમે કોઈ કાનૂની પગલાં ન લીધાં? ” અંજલિ બોલી.

“ગુસ્સો તો બહુ આવેલો. પણ દરેક જણ પોતાનાં કાર્મિક સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે, તેવું આ પરિવારનું માનવું છે. અંતમાં, શોમનો જ નિર્ણય હતો કે ડિવોર્સ આપી એ ‘ટ્યુમર’નો ત્વરિત નિકાલ કરી દેવો.” રમેશ ગમગીની સાથ બોલ્યા.

બારાણાંમાં ચાવી ફરવાનો અવાજ આવ્યો. “કોણ શોમ? આજે ગુરુવારે?” એ સાંભળતાં અંજલિ કાગળ લઈ પોતાનાં રૂમમાં દોડી ગઈ. શોમ જલ્દીથી અંદર આવી રમેશની પાસે જઈ, ચારે બાજુ અછડતી નજર નાંખીને ગંભીરતાથી બોલ્યો, “ડેડી, અંદર ચાલો, મારે ખાસ વાત કરવાની છે.” નવાઈ પામીને માહી પિતા-પુત્રને માસ્ટર બેડરૂમ તરફ જતા જોઈ રહી.

રમેશને એબી સેંટરના ખોટા આંકડાની વાત કરતા…, અંજલિ પણ આમા શામિલ હશે, એ ભયથી શોમ વધુ અસ્વસ્થ થઈ ગયો. “ડેડ, ફરી વખત મારો ભરોસો તૂટશે તે હું સહન નહીં કરી શકું,” શોમ ગળગળો થઈ બોલ્યો.

“બેટા! પહેલાં જરા શાંત થઈને વિચાર કર. તારી ચકાસણી બરાબર છે ને? બીજું, આ કામ કરવા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ કર? આપણે અંજલિને જાણીએ છીએ તે પરથી લાગે છે કે તે અજાણ હોઈ શકે.”

“આ વિષે ઊંડી તપાસ કરવી પડશે. મારી પ્રમાણિકતા અને સન્માનનો સવાલ છે.” શોમ બોલતો હતો ત્યાં બહારથી ‘રમેશ તમારો જરૂરી ફોન છે’ તેમ માહીએ કહ્યું.

“શોમ, ધીરજથી દરેક પગલું ભરજે.” કહી રમેશે નાછૂટકે ફોન ઊપાડ્યો. શોમ બહાર આવી, સ્ટવ પાસે માહી કામ કરી રહી હતી તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. “બેટા! તું ઠીક છે ને? જમીને જઈશને?” શોમે ના કહેવા માથુ હલાવ્યું અને જવા માટે પગ ઉપાડ્યો.

“તું જાય એ પહેલા એક વાત…માયા અંજલિના મામાની દીકરી બહેન છે.”

“ખરેખર?” શોમના મનમાં કડવાહટ વધી ગઈ. “છળકપટ તેમનો પારિવારિક ધંધો લાગે છે.”

“એટલે તમે શું કહેવા માંગો છો? કહો તો ખરા…!” પાછળથી અંજલિનો તીક્ષ્ણ અવાજ આવ્યો. 

શોમ તેની સામે ફર્યો અને બન્નેની ક્રોધિત આંખો એકબીજાને તાકી રહી. તેના હોંઠ ફરક્યાં પણ તેને દબાવીને શોમ બોલ્યો, “કહીશ, જરૂર કહીશ, પણ આજે નહીં,” કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. અંજલિ તેનાં રૂમમાં જતી રહી, અને માહીના પગ શક્તિહીન થઈ ગયા હોય તેમ એ ખુરશી પર બેસી પડી.

બીજે દિવસે સવારે અંજલિએ સેંટર પહોંચીને જોયું તો, હ્યુસ્ટન ક્લિનિક અને એબી સેંટર વચ્ચે કડી તરીકેની ફરજ બજાવતી, સારા અને બીજા એક ડોક્ટર, આગળની ઓફિસમાં કર્મચારીઓ સાથે વાત કરતા હતા. અંજલિ પોતાની ઓફિસમાં જઈ કામે લાગી ગઈ. બે કલાક પછી સારા તેને મળવા આવી અને સામાન્ય વાતચીત તેમજ દિનચર્યા વિષે વાતો કરીને જતી રહી. 

સારાએ આપેલી માહિતી પ્રમાણે, રાકેશ જ ટ્યુમરનાં માપનાં આંકડા બદલવા માટે જવાબદાર હતો અને અંજલિને તે વિષે ખબર નથી, એ સ્પષ્ટ થતું હતું. શોમના ચહેરા પરથી ચિંતાની વાદળી ગાયબ થઈ ગઈ. સારાએ આગળ કહ્યું, “રાકેશ ઓફીસમાં આવ્યો તે પહેલાં, મેં ઝીણવટથી તપાસ કરી તો એક ફાઈલમાં સાચા માપ લખેલાં હતાં.” આ સાંભળીને શોમ ઉત્સાહ સાથ બોલ્યો, “હાશ, આપણો પ્રોજેક્ટ બચી ગયો… સારા! બપોરે બે વાગે, ડીનની હાજરીમાં એબી સેંટર પર મિટિંગ છે તેમ બન્ને ડોક્ટર્સને જણાવી દેશો.” અને નવી ઉર્જા સાથે તે કામમાં વ્યસ્ત થઈ ગયો. અચાનક વિચાર ઝબક્યો… વૈદ્યજી સાથે વાત કરું. ગોઆ કોલ કરવા માટે જરા મોડું તો હતું, પણ એ પોતાને રોકી ન શક્યો અને વૈદ્ય ભાણજીનો નંબર જોડ્યો.

“હાં શોમ, હું તારા ફોનની રાહ જોતો હતો. અંજલિનો ફોન આવ્યો હતો. તે બહુ અસ્વસ્થ હતી. તેની પિત્રાઈ બહેન માયા સાથે તારા લગ્ન થયેલા હતાં એ બાબત પર તું અંજલિ પર કેમ ગુસ્સે થઈ ગયો?”

શોમે જવાબ આપ્યો, “હું દિલગીર છું…બાબા! હવે, હું જે તથ્ય તમને કહેવાનો છું, તે જાણીને તમને અહીંની પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવશે.” વૈદ્યજી પોતાના વિદ્યાર્થી રાકેશના કપટ વિષે સાંભળીને, વ્યથિત થઈ ગયા. “એ મહત્વાકાંક્ષી છે પણ આટલી નીચી કક્ષાનું કામ કરશે એવી મને અપેક્ષા નહોતી. તમે ત્યાંના નિયમ મુજબ કારવાહી કરશો અને અહીં હું તેના કુકર્મ માટે યોગ્ય કારવાહી કરીશ.”

“હવે એકાદ કલાકમાં જ મિટિંગ છે જ્યાં આ વાત જાહેર થશે. મને આવી સ્થિતિ કેમ સંભાળવી તેનો અનુભવ નથી.” શોમને પોતાની વિચલિત મનોદશા પર ભરોસો નહોતો.

“તારા વિચારોને પરખ અને તટસ્થભાવથી આ સમયે કોણ સૌથી અગત્યનું છે, તે નક્કી કર.” વૈદજીનો શાંત અવાજ તેને માર્ગદર્શન આપી રહ્યો હતો.

“મારા દરદીઓ સૌથી વધારે અગત્યના છે. તેમની સલામતી અગ્રગણ્ય સમજીને નિર્ણય લેવો જોઈએ.” પછી અચકાઈને શોમ બોલ્યો, “પણ બાબા, હું અંજલિને કેવી રીતે મનાવીશ? એ સમયે તે માયાની બહેન છે અને કામમાં કપટી છે, એવી માન્યતાને લીધે તેનું અપમાન કરી બેઠો.”

“તારો પ્રકોપ સમજી શકું છું. પરંતુ તારાથી જે કટુ વચન બોલાઈ ગયા તે ક્રોધનું પરિણામ છે. ક્રોધ અને પુણ્યપ્રકોપમાં એ જ તફાવત છે. ક્રોધમાં આપણે ઇંદ્રિયો પર કાબુ ગુમાવી બેસીએ છીએ અને અયોગ્ય વર્તાવ થઈ જાય છે. જ્યારે પુણ્યપ્રકોપમાં તમે ઉત્તેજિત થાવ પણ બેકાબુ નહીં… જેમકે ગુરૂનો પુણ્યપ્રકોપ શિષ્યને સાચા માર્ગ તરફ વાળવા શક્તિમાન છે. માતાનો પુણ્યપ્રકોપ બાળકને કેળવણી આપે છે. પરંતુ ક્રોધનું પરિણામ ભાગ્યે જ કલ્યાણકારી હોય છે… શોમ! મને તારી વિવેક બુદ્ધિ પર વિશ્વાસ છે. હું તને શુભેચ્છા પાઠવીને વિરમું છું.”

પુણ્યપ્રકોપ
ક્રોધાગ્નિની ક્લાંત રાખ સમતલ બુદ્ધિને ઢાંકે,
કૃધ્ધ કર્મથી અન્યજ તેમજ  અંતરને  પ્રજાળે.
પ્રકોપ  પાગલ રાજ કરે ને સમજણને પોઢાડે,
  પરજાયા ને અંગતને  પણ, ઉગ્ર આંચ  રંજાડે….

મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
શ્રધ્ધા નિષ્ટા મુખ ફેરવી અબુધ  થઈને  નાસે.
લાગણીઓ કકળતી  બેસે આત્મદયાની  આડે,
 ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો  કરવા  પ્રેરે….

બની શકે સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
વૃત્તિ   લેતી  રોષને વશમાં  આવેશોને  નાથે.
પુણ્યપ્રકોપે  ઉજ્વલ  જ્વાલા  ઉર્જાને  જગાડે,
  પ્રજ્ઞાચક્ષુ   ખોલી  મારગ  અનેકનાં  ઉજાળે….

  અંગારા ના હસ્તક લઈએ જ્યોત કામમાં લઈએ,
 જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.
——-
પ્રતિભાવઃ સરયૂબહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઇંદ્રિય સુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઇચ્છા. ઇચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે. પુણ્યપ્રકોપ-વિવેકબુધ્ધી સાથે, જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ ક્રોધ, પાઠ શીખવે છે.”
P.K. Davda…
====

‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી અંગ્રેજી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com

રંગોળી …ઈલા મહેતા

૨    ૧

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ

           ૯         ઊર્મિલ સંચાર. નવલિકા…પ્ર-૩ સરયૂ પરીખ

            પ્રકરણ-૩   પરિચય

શોમને માયાએ આપેલ ઝટકાને બે વર્ષ પસાર થઈ ગયાં હતાં. શોમનો ઉદાસ ચહેરો અને પ્રયત્નપૂર્વક આવતું સ્મિત માતા-પિતાને કાંટાની જેમ વાગતું. આ ખરાબ અનુભવ પછી માહી કે રમેશ લગ્નની વાત છેડતા નહીં. કેલિફોર્નિઆથી બહેન નીના ફોન જોડી આપે પછી, બે વર્ષનો ભાણો અયન, મામા સાથે લગભગ રોજ ભાંગીતૂટી ભાષામાં વાતો કરતો. એ અશ્વાસન હતું કે કેંસર રીસર્ચના કામમાં શોમની પ્રગતિ અસાધારણ હતી.

શોમ દર રવિવારે સાંજે ઘેર આવી માહીની બનાવેલ રસોઈ શોખથી જમતો. એ રવિવારે તે અદમ્ય ઉત્સાહમાં હતો. “ડેડ! ગોઆમાં વૈદ્ય ભાણજી સાથે બધું નક્કી થઈ ગયું છે. બે ડોક્ટર્સ આજે આવી રહ્યાં છે. તેમનું આયુર્વેદિક જ્ઞાન આપણી એલોપથિક સારવાર સાથે કઈ રીતે કેંસરનાં દરદીઓને લાભદાયી થાય તેનાં પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બે યુનિટ્સ તૈયાર કર્યા છે. એક હ્યુસ્ટનનું એલોપથિ ક્લિનિક જે અત્યારે ચાલુ છે, અને નવું આયુર્વેદિક સેંટર શરૂ કર્યું છે. તમને આ વ્યવસ્થા કેમ લાગે છે?” વર્ષોથી ત્યાંની હોસ્પિટલમાં કામ કરતા પિતાનો અભિપ્રાય મહત્વનો હતો.

એ બન્નેની વાતો પૂરી થતાં માહીએ પૂછ્યું, “શોમ, તું કહેતો હતો કે છ મહિના આ લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની હતી, તેનું શું થયું?” મેડિકલ સેંટર સાથે જોડાયેલા ભારતિય પરિવારોમાં ઘણી નિકટતા હતી.

“એક લેડી ડોક્ટર, અંજલિ, પંડ્યાસાહેબને ઘેર, અને ડો. રાકેશ તેમના સગાને ઘેર રહેવાના છે. હું મળ્યો નથી, પણ વૈદ્યરાજ ડો.અંજલિનાં બહુ જ વખાણ કરતા હતા. આવતીકાલે મિટિંગ છે, જોઈએ કેમની વ્યવસ્થા થાય છે.”

જમવાનું પૂરું કરી હાથ ધોતા જ શોમ બોલ્યો, “આજે જલ્દી જવું છે, શાસ્ત્રીય સંગીતના કેફીનનો સમય નથી. આવતા રવિએ…” તેની મમ્મીને વ્હાલ કરી, શોમ જતાં જતાં બોલ્યો, “અને હાં, આજ રાતના મુંબઈ દાદાજીને ફોન કરવાનો છું.”

“શોમ કેટલો ખુશ છે!” રમેશ અને માહી ટેબલ પર પ્રસન્નતાથી એ પળને મમળાવતા બેસી રહ્યાં.

બીજે દિવસે, મિટિંગ માટે શોમ અને તેના સાથી ડોક્ટરો અને બીજા સભ્યો સમયસર  હાજર હતા. તેમના ડીન બે વ્યક્તિને લઈને રૂમમાં દાખલ થયા. પરિચય આપતા જણાવ્યું કે, “આપણાં સારા નસીબે, આ કુશળ ડોક્ટરોને આવકારતા આનંદ અનુભવું છું. ડોક્ટર અંજલિ મારુ, અને ડોક્ટર રાકેશ રોય… શોમ, હું આમને તમારી સંભાળમાં સોંપુ છું.”

શોમે ઊભા થઈ રાકેશ સાથે હાથ મિલાવ્યા. અંજલિ ‘નમસ્તે’ કહી હસી. શોમ હાથ જોડીને થોડી પળો ભૂલી ગયો કે હવે શું કહેવાનું છે! …’આહ, શું હાસ્ય છે!’ શોમની નજર તેને એક ખુરશી તરફ જતી જોતી રહી. ગોળ ટેબલ આસપાસ બધાં ગોઠવાયાં. શોમે તેના વિચારોને કાબુમાં લાવી, વ્યવસ્થિત યોજનાની રૂપરેખા દોરવાની શરૂઆત કરી. શોમની ઊંડી સમજ અને દરદીઓ વિષેની અનુકંપાની વાત અંજલિ અહોભાવથી સાંભળી રહી.

“આપણે બે પધ્ધતિથી કેંસરના દરદીઓની સારવાર કરશું. હ્યુસ્ટન ક્લિનિકમાં આવતા દરદીઓને આયુર્વેદિક સારવાર વિષે માહિતી આપશું અને જે દરદી સહમત થશે તેમને એબી સેંટરમાં મોકલશું…મેં આયુર્વેદિક સેંટરને ‘એબી સેંટર’ નામ આપ્યું છે.” શોમે સ્પષ્ટતા કરી. “રાકેશ અને અંજલિની સાથે પત્રવ્યવહારથી અને વૈદ્ય ભાણજીની સલાહ અનુસાર અમે સારવારની ચોક્કસ યોજના બનાવી છે.”

ઘણી ચર્ચા વિચારણા પછી લંચ સમયે બધાં કાફેટેરિયા તરફ ગયા. અંજલિને લાઈનમાં જોઈ શોમ તેની પાછળ જોડાયો. અંજલિએ આભાર માન્યો કારણકે તેને ભય હતો કે નવી જગ્યામાં એ કાંઈક મૂર્ખામી ન કરી બેસે!  જમતી વખતે, બન્ને માટે પહેલો રસનો વિષય વૈદ્ય ભાણજીનો હતો.

અંજલિ બોલી, “મારા પિતાની સાથે હું પોંડિચેરીથી ગોઆ આશ્રમમાં જતી હતી. હું ચૌદ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે મને અને મમ્મીને ખુબ સ્નેહ અને સંભાળ આપ્યા છે. વૈદ્ય ભાણજી, હું  બાબા કહીને બોલાવું છું, તેમની હું માનસ પુત્રી બની ગઈ. મેડિકલ કોલેજ પછી, ખાસ આયુર્વેદનો અભ્યાસ કરવા હું ગોઆમાં બે વર્ષ રહી અને હવે અહીં.” …ફરી, એ જ મધુ સ્મિત!
શોમને બીજા કામનું દબાણ ન હોત તો ખબર નહીં ક્યાં સુધી અંજલિ સાથે વાતો કરતો રહેત.

શોમની યોજના પ્રમાણે કામ શરૂ થઈ ગયું. નિયમિત ક્રમ પ્રમાણે હ્યુસ્ટન ક્લિનિકમાંથી એબી સેંટરમાં આવતાં કેંસર દરદીઓને તપાસી, ટ્યુમરનું માપ નોંધી લેવાનું કામ રાકેશનું હતું. ત્યારબાદ, કઈ આયુર્વેદિક દવા અને કેટલી માત્રામાં આપવી તે નક્કી કરી, સારવાર શરૂ કરવાની જવાબદારી અંજલિની હતી. દર અઠવાડિએ એક વખત મિટિંગમાં શોમ અને અંજલિને મળવાનું શક્ય બનતું. કામ વિષે વાતો કરી પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતાં… પણ છૂટાં પડતી વખતે, અંજલિના ગાલનું ખંજન, અલવિદા કહેતી એક નજર, અને એવી યાદો એ જરૂર મનની મંજૂષામાં આવરીને લઈ જતો.

એક દિવસ શોમ અને સ્ટિવ કાફેટેરિયામાં સવારનો નાસ્તો કરી રહ્યા હતાં. સ્ટિવ કહે, “સારા કહેતી હતી કે આપણે આ શનિવારે દરિયા કિનારે જઈએ.” ડોક્ટર સારા, બન્ને ક્લિનિકને સાંધતી કડી હતી, જે  સ્ટિવની મિત્ર પણ હતી. છેલ્લા બે મહિનાની મુલાકાતો પછી સારા અને અંજલિ વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. “આરી પણ આવશે.” તેમનો નાનપણનો દોસ્ત આયંગર ઉર્ફે આરી, એંજિનીઅર હતો. આ ત્રણ બાલમિત્રોની જોડી અતૂટ હતી.

“જોઈએ, શક્ય છે કે નહીં!” શોમ વિચાર કરતા બોલ્યો.

“સારા અંજલિને પણ કહેવાની છે.” સ્ટિવે આપેલી માહીતિ પછી શોમનું, ‘જોઈએ’… ‘ચોક્કસ’માં બદલાઈ જતું સાંભળી સ્ટિવ હસી પડ્યો.

શનિવારે સ્ટિવની કારમાં બધાં ગોઠવાયા. શોમ અંજલિની બાજુમાં બેસીને હાઇસ્કુલના કિશોર જેવો અધીર અને ઉત્તેજિત હતો. અંજલિની દશા પણ જરા એવી જ હતી. દરિયા કિનારે ટહેલતા અંજલિ એકદમ ચૂપચાપ હતી. એ દૂર જઈ એક પથ્થર પર બેસી ગઈ. મિત્રો વાતો કરતા આગળ નીકળી ગયા પણ શોમ પાછો ફરી, અંજલિની નજીક જઈ બેઠો.

“આ શું? તમારી આંખોમાં આંસુ?” શોમ બોલ્યો.

“હાં, ઘરની બહુ યાદ આવે છે. આ ઊમડતાં મોજા સાથે મારું દિલ મમ્મી પાસે દોડી જવા ઝંખે છે.” શોમ સંવેદનાથી અંજલિ સામે જોઈ રહ્યો. લાંબો સમય સાગરના ગહેરા અવાજમાં કોઈ અણકહી લાગણીઓમાં બન્ને અટવાઈ રહ્યાં. શોમને પોતાની લાગણીનો પ્રતિસાદ અંજલિની ધડકનમાં સંભળાયો. તેમની વચ્ચેનાં આકર્ષણની અનુભૂતિ જાણે આપસમાં સ્વીકારી લીધી. સાગરનાં સાનિધ્યમાં અંતરની સંવાદિતા તેમને પરિચયના ઘનિષ્ટ સ્તર પર લઈ ગઈ.

અને પછી જ્યારે મનચાહે ત્યારે, અકારણ ફોન કરવાનું, મીઠી મજાક મશ્કરી કરવાનું, ગમતાં પુસ્તકો એકબીજાને આપવાનું પ્રેમપ્રકરણ ચાલું થઈ ગયું.

એક વખત મેળાવડામાં રમેશ અને માહી સાથે અંજલિનો પરિચય થયો હતો. એબી સેંટરનું કામ સફળતાથી આગળ વધી રહ્યું હતું. ઘણાં દરદીઓમાં ચાર મહિનાની સારવારનું પરિણામ આશાજનક હતું. વ્યસ્ત હોવાથી બે રવિવાર પછી, શોમ તેનાં મમ્મીની રસોઈ માણવા જઈ રહ્યો હતો. માહીનાં મમતાભર્યા ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશી જોવા માટે, ચાવી હતી તો પણ, શોમે ઘરની ઘંટડી વગાડી. બારણું ખોલનારને જોઈને તેને જ આશ્ચર્ય થયું, “અરે, અંજલિ! અહીં કેમ?”

માહી પાછળથી કહે, “મીસીસ પંડ્યાને ઓચિંતા ભારત જવું પડ્યું, તેથી અંજલિના યજમાન અમે છીએ.”

“માન ન માન મેં તેરા મહેમાન…” અંજલિ બોલી.

“અમારા માટે તો મોંઘેરા મહેમાન, કેમ માહી?” રમેશ રસોડા તરફ જતી માહીને સંબોધી બોલ્યા. પરિવારના સભ્ય જેવી સરળતાથી અંજલિ માહીને મદદ કરી રહી હતી. “જુઓને તેની સાથે ‘મહેમાન’ જેવું તો કશું લાગતું નથી.” માહીએ જવાબ આપ્યો.

જમ્યાં પછી પૂલ પાસે ચારે વાતોએ વળગ્યાં. “અંકલ! એક માંગણી…હું સપ્તાહમાં એક વખત મારી મમ્મીને ભારતમાં ફોન કરું છું. હાં, ટુંકો સમય રાખું છું. તેનું બિલ મને જણાવશો, તે હું આપી દઈશ.”

“કઈ જગ્યાએ તમારા મમ્મી છે?” રમેશે પૂછ્યું.

“પહેલી વાત. તમારે અને આંટીએ મને તું કહીને બોલાવવી… અને હાં, મમ્મી સ્કૂલ ટીચરની નોકરી પરથી રિટાયર થઈ પોંડિચેરીથી ગોઆ શિફ્ટ થઈ ગયા છે.”

“જરૂર ફોન કરવો, અને બિલની ચિંતા નહી કરતી.” રમેશની વાતમાં માહીએ હામી ભરી. મહેમાન સાથે વાતોમાં મગ્ન દીકરાને જોઈને માતા-પિતાએ હસીને એકબીજાને ઇશારો કર્યો કે, ‘આજે શોમને પોતાના એપાર્ટમેંટ પર જવાની ખાસ ઉતાવળ નથી લાગતી!’

“અંજલિ, આવતા શનિવારે નીના, રૉકી અને અયન કેલિફોર્નિઆથી આવશે. અયનની બીજી વર્ષગાંઠ હમણાં ગઈ છે. આપણે નાની પાર્ટી રાખશું. અંજલિ, મને મદદ કરીશને?” ક્યાં અને કેવી ગોઠવણી કરવી જેથી અયન ખુશ થઈ જાય, એ બાબત ચર્ચા ચાલી. શોમ મોડી રાતે પોતાના મુકામે  પહોંચી, ઉપર વરંડામાં જઈ ચંદ્રમાને જોઈ રહ્યો…અને ત્યાં, એ પણ, ભાવથી ચંદ્રમાને જોઈ રહી!

શાને આ ચહેરો મારા મનને લુભાવે?
શાને દિન રાત મીઠાં દર્દથી  સતાવે?
ઊર્મિલ  દિલ ચાહે એ મૂજને બોલાવે,
ઓળઘોળ આજ  તેની આંખને ઇશારે.

નીનાએ આવતાં વેંત ફરિયાદ કરી, “આવી છું ત્યારથી એક નામ સાંભળ્યાં કરું છું. પણ એ છે ક્યાં? હું જોઉં તો ખરી કે મારું સ્થાન કોણે કુશળતાથી પચાવી પાડ્યું છે? મારો નાનો ભાઈ પણ એનું જ નામ જપે છે, ખરું?”
અંજલિ અંદરના રૂમમાંથી બહાર આવી. નીના એકદમ અટકી જઈ, “ઓહ! માન ગયે…” કહીને તેને ભેટી પડી.

“અંજલિ, આ છે મારી જબરી બહેન. જરા સંભાળજે.” કહીને શોમે નીનાને ખભે હાથ મૂકી નજીક ખેંચી.

“ગઈ કાલે ‘મારી પ્યારી બહેન’ કહેતા હતા, એ જ આ છે ને?” અંજલિએ પ્રશ્ન કર્યો અને નીના ખુશ થઈને હસી ઊઠી. રૉકી અયનને તેડીને નજીક આવ્યો. “જુઓ, એક જ વાક્યમાં અંજલિએ નીનાને જીતી લીધી.”
માહીએ ખુશ થઈને નોંધ્યું કે દીકરો અંજલિને ‘તું’ કહે છે.

અંજલિને નવા કુટુંબ વચ્ચે રહેવામાં જરા સંકોચ થતો હતો. શોમની સાથે મળી જતી નજર, અહીં તહીં અજાણતા થઈ જતો સ્પર્શ તેને પાગલ બનાવી રહ્યાં હતાં. ઘણીવાર અંજલિ દિવાસ્વપ્નમાં ખોવાયેલી હોય તે પકડી પાડી નીના ચીડવતી. શોમ અંજલિની નજીક જવાની એકે તક છોડતો નહીં. ભલે આજુબાજુ ઘણાં લોકો હતાં, પણ મનોકુંજમાં સિર્ફ એ બે જ હતાં.

સાંજના ઝાંખા ઉજાસમાં બધાં ભેગા મળી બેઠાં હતાં. નીના અયનને સૂવાડીને આવી અને વાતોનો દોર શરૂ કર્યો. “અંજલિ, આટલા બધાં લોકો વચ્ચે કંટાળી તો નથી ને?”

“અલબત્ત, આ મારા માટે નવો અનુભવ છે, પણ મને ગમે છે?”

“નવો અનુભવ! કેમ એમ?” માહીએ પૂછ્યું. નીના અને શોમના ચહેરા પર ‘આવો અંગત પ્રશ્ન ન કરાય’ તેવો ભાવ આવ્યો.

પણ અંજલિએ હસીને જવાબ આપ્યો, “મારા પપ્પા બહુ આદર્શવાદી અને સ્વતંત્ર વિચારોવાળા હતા. દાદા સાથે જરાય મેળ નહોતો પડતો તેથી પોતાની માના અવસાન પછી ઘેરથી કહ્યા વગર નીકળીને મુંબઈ પહોંચી ગયા. આપકર્મથી પગભર થયા. મારા મમ્મી સાથે પ્રેમલગ્ન કર્યા ત્યારે જ્ઞાતિભેદના નામે બન્ને પરિવારે તેઓનો બહિષ્કાર કર્યો. મમ્મી-પપ્પા શિક્ષકની નોકરી લઈ પોંડિચેરીમાં સ્થાયી થયાં.”

આગળ સાંભળવાના આશયથી બધાં શાંત હોય તેમ લાગતાં, અંજલિએ આગળ વાત કરી. “મારાં મમ્મી દાદા સાથે પત્રવ્યવહાર રાખતાં, પણ હું એકવાર જ  મારા દાદાને મળી છું. મોસાળમાં હમણાંથી મમ્મીએ તેમનાં ભાઈને ત્યાં જવાનું શરૂ કર્યું છે. મારા પિત્રાઈઓનો મને પરિચય નથી.” પછી પ્રસન્નતાથી અંજલિએ વાક્ય ઊમેર્યું, “પણ મને ક્યારેય એકલું નથી લાગ્યું કારણ કે, પોંડિચેરી અને ગોઆમાં અમારું વિશાળ કુટુંબ છે.”

દિવસો આનંદમાં પસાર થઈ ગયા અને અયનની પાર્ટીના માહોલમાં ઘણાં ફોટા લેવાયા. નીનાનું કુટુંબ જવાથી ઘર સૂનું થઈ ગયું, પણ અંજલિ હતી તેથી રમેશ અને માહીને સારું લાગ્યું.

એક બપોરે અંજલિની ઓફિસમાં ફોન રણક્યો, “હેલો, આજે એક ખાનગી આમંત્રણ આપવા ફોન કર્યો છે. શનિવારે સાંજે સાત વાગે હું લેવા આવીશ. તમારા યજમાનથી છુપાઈને નીકળી શકાશે?”

“ચોક્કસ. યજમાન શનિવારે કોઈને ઘેર જવાના છે. ગુપ્તતા જાળવવા બનતા પ્રયત્નો કરવામાં આવશે.” અંજલિ ગહેરા અવાજે બોલી. “અને હાં, ફોટાઓની કોપીઓ વિષે યાદ કરાવું.”

શનિવારની સાંજે, સરસ રીતે સજ્જ થયેલા શોમે જોષીનિવાસના બારણે ટકોરા માર્યાં. બારણું ખૂલતાં, આસમાની રંગનાં સલવાર-કમીઝમાં મનોહર લાગતી અંજલિને શોમ અનિમેષ જોઈ રહ્યો. તેણે ઘરમાં  દાખલ થઈ બારણું બંધ કર્યું. લાલ ગુલાબના ગુચ્છ સાથે લંબાયેલ બાંહોમાં અંજલિ અનાયાસ ખેંચાઈ આવી. એ પળ ત્યાં જ થંભી ગઈ. ‘બસ મારે આખી દુનિયામાં આ જ વ્યક્તિ જોઈએ’ એ સ્પંદન પતંગિયાની જેમ તેમના અસ્તિત્વને વીંટળાય વળ્યું. ધીમેથી શોમની આંખોમાં આંખો પરોવી અંજલિ પૂર્ણ વિશ્વાસ સાથે સમર્પિત થઈ ગઈ….પહેલું ચુંબન! પહેલાં કદી ન અનુભવેલું ચુંબન… ઉભરતી આકાંક્ષાઓથી ઉભયને બહેકાવી ગયું. ઊંડો શ્વાસ લઈ બન્ને આકસ્મિક સંયોગ પર મધુરું મલકાયા.

 પહેલી  પહેલી  પ્રીતનો  જુવાળ,
મત્ત  ઝરણ  બુંદબુંદનો  ઉછાળ,
અલકનંદા   આનંદનો    ફુવાર,
વીજ  વ્હાલપનો  મીઠો ચમકાર.

  જો  ઉમંગ  સંગ રંગનો   નિસાર,
હેત   હેલીનો     રૂદિયે    પ્રસાર,
મધુર  મંદમંદ  પમરાતો  પ્યાર,
કસક  કળીઓને ઝાકળનો  માર.

   રસિક  નયણે  ઈશારા  દિલદાર,
અલી   આછેરી  ઓઢણી  સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
મદન મોરલીનો  મંજુલ  મલ્હાર.

“વધારે સમય અહીં એકલાં રહેવું સલામત નથી… ચાલો જઈશું?” મસ્તીભર્યાં અવાજમાં અંજલિ બોલી. ફૂલોને ફૂલદાનીમાં ગોઠવી, પોતાનું પર્સ લઈ અંજલિ અગ્રેસર થઈ. “મમ્મી કહેતાં કે આપ એવી પરિસ્થિતિમાં ન મૂકાવું જેના પર પોતાનો કાબુ ન હોય અને પરિણામ સહન કરવાની શક્તિ ન હોય. જોકે તારો પરિચય થશે પછી એમની સલાહ બદલાય તો નવાઈ નહીં.”

“તો બસ, જલ્દીથી પરિચય કરાવી દે.” શોમે અંજલિ માટે કારનું બારણું ખોલ્યું.

કાર શરૂ કરતાં પહેલાં શોમે ફોટાઓવાળું કવર આપ્યું. “આભાર. મારા મમ્મી સાથે હમણાં સરખી વાત થઈ નથી. હું પંડ્યાસાહેબને ઘેર નથી રહેતી એ વાત કહેવાની પણ રહી ગઈ છે. આ ફોટા સાથે કાગળ લખીને જણાવું તો ખરી કે હું કોની સાથે ગુલછલ્લા ઊડાવી રહી છું!”

———      ઊર્મિલ સંચાર…પ્રકરણ -૪ આવતાં રવિવારે

        ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી  નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા  લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on,  https://saryu.wordpress.com

                                                              રંગોળી…ઈલા મહેતા  રં૩  રંપિ

મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ.

                     ૯ ઊર્મિલ સંચાર. પ્ર.૨

પ્રકરણ-૨.  હ્યુસ્ટન

Continue reading મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ.