Category Archives: પડછાયાના માણસ

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૮-એક આખો દિવસ!

એક આખો દિવસ!

વતન પાછા ફરતી વખતે, પ્લેનમાં હું એક બેહોશીભરી માનસિક સ્થિતિમાં હતી એ આજે યાદ આવતાં, હું ફરી પાછી એ નમનેસમાં -numbness- સરી પડું છું! અમેરિકાથી ભારત પાછાં આવતાં, પ્લેનમાં વિતાવેલા એ ૧૮ કલાકો કદાચ મારી તે સમય સુધી જીવાયેલી જિંદગીના ખૂબ જ કપરા કલાકો હતા. પપ્પા ગયા એ સમય પણ એ મુસાફરીમાં મને યાદ આવી ગયો…! હું પાંચ વરસની હતી જ્યારે પપ્પા ગુજરી ગયા. કદાચ, પ્લેનની ગતિથી પણ વધુ તેજ મારા વિચારો કદીક ભૂતકાળ તો કદીક ભવિષ્યમાં આંટા મારી આવતા હતા. પાંચ-છ વરસની સુલુ, એક હાથે મમ્મીનો હાથ પકડીને, થોડી સમજણ તો થોડી અણસમજણમાં રડી રહી હતી. મને પપ્પાના એ શબ્દો યાદ આવી ગયાં, “મારી સુલુની ખૂબ સંભાળ રાખજે, મા અને બાપ, બેઉનો પ્રેમ આપજે અને એને મારી કમી કદી ન લાગે, એનું ધ્યાન રાખજે!” મમ્મીએ આખી જિંદગી એ જ કર્યું હતું પણ, આજે એક વરવી વાસ્તવિકતા ઊભરી હતી, મમ્મીને ન કરે નારાયણ અને કઈંક થઈ ગયું તો? આ વિચાર આવતાં જ મેં પ્લેનમાં આપેલો બ્લેન્કેટ મારા માથા પર ખેંચી લીધો હતો અને ચૂપચાપ આંસુ સારતી રહી, ન જાણે ક્યાં સુધી! એટલી સાવચેતી અવશ્ય રાખી કે ડૂસકાંનો અવાજ બહાર ન આવે અને આંસુની સાથે, ડૂસકાં પણ પી જાઉં..! મને થતું હતું કે પ્લેન કદાચ જોઈએ એટલી સ્પીડથી નથી ચાલતું અને કોઈ કારણસર ગોકળગાયની ગતિથી ચાલી રહ્યું છે…! એક-બે વાર તો હું મારી સીટ પરથી ઊભી થઈને એર હોસ્ટેસને પૂછી પણ આવી કે, પ્લેનની સ્પીડ પ્રમાણે સમયસર મુંબઈ પહોંચી શકાશે કે કેમ, અને જવાબમાં એર હોસ્ટેસે અત્યંત વિનયપૂર્વક કહ્યું, “જી હા. પ્લેન સમયસર જ મુંબઈના એરપોર્ટ પર પહોંચશે, મેમ. તમારે શું કનેક્ટીંગ ફ્લાઈટ પકડવાની છે કે બીજી કોઈ ઈમરજન્સી છે?” જવાબમાં મેં એટલું જ કહ્યું કે હું ઘણા વખતે ઈન્ડિયા જઈ રહી છું, એટલે વતનમાં પહોંચવા માટે ખૂબ આતુર છું! મારા ગળામાં ડૂમો ભરાઈને રહેલી મમ્મીની ઓચિંતી બિમારીની વાત અને મારી ચિંતાને, શબ્દોમાં મૂકવા માટેની માનસિક સ્થિતિમાં હું નહોતી. મારી સીટ પર બેસીને હું સતત વિચારતી રહી અને ગુનાની લાગણી અનુભવતી રહી કે મારે આમ મમ્મીને એકલી મૂકીને નહોતું જવાનું! હું કેટલી સ્વાર્થી કે વતન છોડીને જતી વખતે, મને મારા અને દિલીપ સિવાય, મમ્મીની એકલી મૂકીને જઈશ તો એનું શું થશે, એવો વિચાર આવ્યો તો મેં એના પર અમલ કેમ અન કર્યો? મારા જેવી “સેલ્ફ એબસોર્બ્ડ” છોકરી, ઈશ્વર કોઈને ન આપે..! આ તો ઠીક છે કે ઋચા અને રવિ ત્યાં છે અને બેઉ ડોક્ટર છે તો મમ્મીના ઈલાજમાં પણ કોઈ કસર નહીં રહે, નહીં તો, શું નું શું થઈ જાત…!

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૮-એક આખો દિવસ!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૭- વોટ અ ટેલિપેથી!

વોટ અ ટેલિપેથી!

મમ્મી વતન પહોંચી ગઈ એનો તાર રવિવારે સવારે આવી ગયો. તાર આવી ગયો કે તરત જ મેં મમ્મીની મુસાફરી કેવી રહી એ જાણવા ફોન કર્યો. “મમ્મી, આઈ એમ સો હોમસીક! મારે પાછા આવી જવું છે, અહીં, તારા અને ઋચા વિના રહીને હું શું કરીશ?” અને અનાયસે મારાથી એક ડૂસકું ભરાઈ ગયું.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૭- વોટ અ ટેલિપેથી!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૬-મને મુક્તિ જોઈએ છે!

પ્રકરણ: ૧૬મને મુક્તિ જોઈએ છે!

ગ્રેજ્યુએશન પતી ગયું! મને હજી માનવામાં નહોતું આવતું કે મને યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયા તરફથી માસ્ટર્સની ડિગ્રી મળી ગઈ છે! એક સપનું જે જોતાં વેંત જ આમ પૂરું થશે એની કદી કલ્પના પણ નહોતી કરી! ગ્રેજ્યુએશન પછી, દિલીપ રેન્ટેડ કાર રિટર્ન કરી, તે જ સાંજે, ધાજી અને અદા સાથે પ્લેનમાં ચિકાગો જવા નીકળી ગયો. નીકળતાં પહેલાં અદાએ મમ્મીને કહ્યું, “તમે અને સુલુએ ન્યુ યોર્ક જવાનું નક્કી કર્યું એ સારું થયું. આટલા વખતે મા-દિકરી મળ્યા છો તો આ સમય સાથે માણી શકશો. ભાભી, આજે મારો દોસ્ત હોત તો ખૂબ જ ખુશ થાત! સુલુ એનો શ્વાસ અને પ્રાણ હતી. ભાભી, સારું થાત જો તમે ચિકાગો આવી શકત પણ અહીં છો ત્યાં સુધી આપણે ફોન પર તો વાતો કરીશું.” મેં મમ્મી સામે જોયું. મમ્મી થોડીક મૂંઝાઈ ગઈ હોય એવું લાગ્યું. મને થયું કે કોઈ પણ કારણ વિના અદા આવું બોલે એવા નથી. મમ્મી પણ બે-ચાર ક્ષણ ચૂપ રહી, પછી હસીને બોલી, “ભાઈજી, આપની અને ભાભીજીની મદદ અને આશિર્વાદ છે. હા, એના પપ્પા હોત તો સાચે જ ખુશીના માર્યા ખૂબ ફુલાત! આ વખતે તો મારે સુલુ સાથે રહેવું છે. દિલીપે આટલી બધી ગોઠવણ કરી એનો આભાર માનું એટલો ઓછો છે. જેમ મેં ઈન્ડિયામાં કહ્યું હતું તેમ, મારો અહીં આવવાનો ખર્ચો આપવાની જવાબદારી હવે સુલુની છે! આટલું ઋણ સુલુએ ઉતારવું રહ્યું, અને ભાઈજી, સુલુને પોતાની જવાબદારી ઉપાડતાં શીખવું પણ પડશેને? હું સુલુ મને ચિકાગો અને બધે ફેરવવા જેટલી સક્ષમ થશે ત્યારે જરૂર દિલીપને ત્યાં આવીશ.” મને એક મિનિટ તો થયું કે મમ્મીને હું ભેટી પડું, અને કહું, “નાઉ, ધેટ ઈઝ માય મમ! ફુલ ઓફ ડીગ્નીટી એન્ડ કોન્ફીડન્સ! અપમાન પણ લાગે નહીં અને પિતા વિના, એકલા હાથે મોટી કરેલી, એમની એકની એક દિકરીની અમેરિકામાં પામેલી સફળતાનું ગૌરવ પણ સચવાય!” ને, મનોમન મેં મમ્મીને એક ફ્લાઈંગ કીસ આપી દીધી. અમે સહુ છૂટાં પડ્યાં.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૬-મને મુક્તિ જોઈએ છે!

“પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૫-અલવિદા કેમ્પસ લાઈફ!

અલવિદા કેમ્પસ લાઈફ!

સેમ સાથેની એ પ્રથમ કીસ…! હું એનો વિરોધ કરી ન શકી અને હું એના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. અમે અળગાં થયાં. સેમે મને અંગ્રેજીમાં કહ્યું, “તારે મને, મારા “આઈ લવ યુ” નો જે જવાબ આપવો હોય તે આપજે પણ આઈ એમ સો એટ્રેક્ટેડ ટુ યુ એન્ડ ઈટ ઇઝ હાર્ડ ફોર મી ટુ રેસિસ્ટ! (મને તારા માટે ખૂબ જ આકર્ષણ છે અને હું મારી જાતને રોકી નથી શકતો!) ઓફ કોર્સ, આ ફિઝીકલ એટ્રેક્શન છે પણ એકેમેકને સમજ્યા પછી, મનથી અને દિલથી પણ આપણે સુલુ, નજીક આવી શકીશું, એની મને ખાતરી છે. જો તું આ ચિકાગોનો જોબ લે છે તો આપણે સાથે એક જ એપાર્ટેમેન્ટમાં રહી શકીએ!” સેમે એ સાથે ઉમેર્યું પણ ખરું, “જો તું મારા તરફ એવું જ એટ્રેક્શન ન ફીલ કરતી હોય તો આપણે ફક્ત ફ્રેન્ડ રહીશું. આપણે બેઉનું એક જ પ્લેટફોર્મ પર રહેવું ખૂબ જ જરૂરી છે. સુલુ, તને શું લાગે છે? તું વિચાર કરીને જવાબ આપજે.” સેમ આ બધું એટલી સહજતાથી કહેતો હતો, કે, મને એમાં જુગુપ્સા ક્યાંય ન લાગી, પણ, મોરલ કેમ્પાસ પર – નીતિમત્તાના ધોરણે – મને ગીલ્ટ – અપરાધીપણું – લાગ્યું કે આ હું મારી મિત્ર શીના સાથે દગો કરી રહી છું. જો શીના અને સેમ કપલ હોય તો મારે વચ્ચે ન આવવું જોઈએ. તોયે, મને કેમ આમ સેમનું મારી એકદમ નજીક આવી જવું ગમ્યું? ઍટલું જ નહીં, મને એમ લાગ્યું, કે અમે, બે એડલ્ટ અને મેચ્યોર વ્યક્તિની જેમ વાત અને ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં સીધા એકતરફી નિર્ણયો કોઈ તરફથી નથી. આ અનુભવ મારા માટે સદંતર નવો હતો! અચાનક જ મને દિલીપ યાદ આવ્યો અને થયું, કે, જો આટલી સ્વાભાવિકતાથી હું અને દિલીપ આ રિલેશનશીપની વાત કરી શક્યા હોત તો પરિણામ કઈં જુદું આવત? આમ, અચાનક જ, હું મારી અંદર ઊતરી ગઈ હતી ત્યાં જ, સેમ ફરી મારી નજીક આવીને મારા ગાલ પર કીસ કરીને કહે, “આઈ થીંક, મારે જવું જોઈએ. તને આમ શોક આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો.” અને એ જવા લાગ્યો ત્યારે મેં મારી જાતને સંભાળી લીધી અને કહ્યું, “સેમ, મને, તારું કીસ કરવું ફિઝીકલી નથી ગમ્યું એવું કહીશ તો હું મારી જાતને છેતરીશ. પણ, એની સાથે એ પણ એટલું જ સાચું છે કે હું તારા પ્રેમમાં નથી. મને તો એવું લાગતું હતું કે તું અને શીના ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ છો.” સેમ પાછો ફરીને હસ્યો અને કહે, “વોટ? શીના અને હું બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ? ઓહ ગોડ, નો, નેવર. શીના અને હું તો ઓલવેઝ ફ્રેન્ડ્સ હતાં અને છીએ. મારી બીજી ગર્લફ્રેન્ડ સાથે મારા બ્રેક-અપને તો બે વરસ થઈ ગયા.” આ સાંભળી મારી ગીલ્ટ – અપરાધીપણાની લાગણી ન રહેતાં, હું બોલી, “સેમ, આ સાંભળી મને ગીલ્ટ નહીં લાગે પણ, મને ખબર નથી કે હું ચિકાગો આવીશ તોયે એપાર્ટમેન્ટ તારી સાથે શેર કરવાનું મારાથી બનશે કે નહીં. તને જેટલું લાગે છે એટલું મારા માટે સીમ્પલ નથી. કલ્ચર અને બીજા કોમ્પ્લીકેટેડ સંજોગો અને તફાવતોને કારણે, મારાથી તારી સાથે રહેવાનું શક્ય નથી અને મારે આ વાત તને અત્યારે જ જણાવી દેવી જોઈએ. લેટ અસ ટેક અ બ્રેક ઈન રશિંગ ઇન ટુ અ રિલેશનશીપ ફોર નાઉ. મને લાગે છે કે મારા આ જવાબથી તું મારી સાથે હળવા-મળવાનું બોલવાનું બંધ નહીં કરેને?” સેમ હસ્યો અને મને કહે, “સ્વીટ હાર્ટ, એવું કરીને મારો ઈગો સેટિસફાય થાય પણ ફ્યુચરમાં રિલેશનશીપના ચાન્સીસ તો ગુમાવી બેસું એટલો શોર્ટ સાઈટેડ તો હું નથી..! બીસાઈડસ કિડીંગ, આઈ રિયલી લાઈક યુ અ લોટ અને વોન્ટ બેસ્ટ ફોર યુ. બાય માય લવ. ડિનર એટ ૬ ટુ ડે? લેટ અસ ગો ટુ “પગાનો” પીઝા?” “ડન. સી યુ એટ સીક્સ.” સેમ ફ્લાયીંગ કીસ આપીને ગયો અને મેં દરવાજો બંધ કર્યો.

Continue reading “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૫-અલવિદા કેમ્પસ લાઈફ!

“પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૪-નવી જિંદગીનું નામ બોલો!   

          

પ્રકરણ: ૧૪નવી જિંદગીનું નામ બોલો!             

        દિલીપ મને કેમ્પસ પર મૂકીને ગયો, ને પછી, હું કાફેટેરિયા જવા નીકળી. મારા હાથમાં કેમ્પસનો મેપ હતો. એમાં જોઈને આટલા મોટા કેમ્પસમાં અનેક જગાઓ મારે જાતે શોધવાની હતી. દિલીપ અને ઈંદિરા બીજે દિવસે ફિલાડેલ્ફિયા ફરીને, તે રાત્રે ચિકાગો જવા નીકળી જવાના હતાં. ચિકાગો ગયા પછી, મને પાછા ક્યારેય મળવા આવશે કે હું એમને ક્યારેય મળીશ કે નહીં, એની કોઈ ગેરંટી નહોતી. મારા કેમ્પસ લાઈફના એકલવાયા જીવનની શરૂઆત તો નહોતી કે પછી નવી આવનારી જિંદગીની કેડીઓ મનેએકલો જાને રેકહીને પુકારી રહી હતી? આવા વિચારોમાં અટવાતી હું, ઉનાળાના દિવસોમાં પણ ઘરની હૂંફ મીસ કરતી હતી. જિંદગી નવેસરથી શરૂ કરી, યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયામાં મારે એક ચિત્તે ભણવાનું હતું. બાકી બધી વાતો પાછળ હડસેલીને એક લક્ષ્ય રાખવાનું હતું કે હું ભણીને તથા સારો કામકાજનો અનુભવ લઈને ત્રણ થી ચાર વરસોમાં પાછી જઈ શકું, મારા વતનમાં, મારી મા પાસે! દિલીપ એની જિંદગી ફીગર આઉટ કરશે કે નહીં, વિચારો પણ મારા મનનો અજાણતાં કબજો લેવા કોશિશ કરતા પણ, વિચારોમાં મારે હવેએન્ટેન્ગલ થવું જોઈએ, એટલું મારા મન સાથે મેં નક્કી કરી લીધું હતું. સાથે , દેખાવડા સેમની યાદ આવતાં , તોફાની મન પણ મારો કબજો લેવા કોશિશ કરતું હતું. આમ મારી ધૂનમાં મસ્ત હું કાફેટેરિયામાં પહોંચી. કાફેટેરિયામાં લંચ ટાઈમ બપોરના અઢી વાગ્યા સુધી હતો. હજી તો બપોરના એક વાગ્યા હતાં. શનિવારની બપોર આળસ મરડીને ફેલાઈ હતી. આટલી બધી વિશાળ યુનિવર્સીટીનો પણ મારા માટે નવો અનુભવ હતો. એમાંયે ખૂબ સરસ રીતે વાવેલાં ફૂલો અને સતત જાળવેલા ઉપવનો કેમ્પસમાં એવો આભાસ ઊભો કરતા હતા કે જાણે સીટીની વચ્ચોવચ, એક વિશાળ હર્યુંભર્યું વૃંદાવન વસ્યું હોય! અનેક સ્ટુડન્ટોની ચહલપહલ અને યંગ એનર્જીથી મહેકતું વાતાવરણ પણ કેફી હતું. કેટલાક વિદ્યાર્થીઓ આસપાસ ફેલાયેલાં મેદાનો કે કોર્ટ પર બાસ્કેટ બોલ, ફૂટબોલ અને બેઝ બોલ રમી રહ્યાં હતાં. અનેક છોકરીઓ પણ, છોકરાઓ જેવા નાના શોર્ટ્સ અને ટેંક ટોપ્સ કે ટી શર્ટમાં પોતપોતાની ધૂનમાં મશગૂલ રમી રહી હતી. બધું જોતાં જોતાં, હું પહોંચી ગઈ, કાફેટેરિયામાં અને સરપ્રાઈઝ થઈ ગઈ જ્યારે પાછળથી કોઈએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, “હાય સ્વીટ હાર્ટ!” મેં પાછળ ફરીને જોયું તો સાચે , “મન લુભાવનસ્મિત સાથે, સેમ મને ગ્રીટ કરી રહ્યો હતો. મારા માટે દિલીપ સિવાય કોઈ અન્ય છોકરાનો સ્પર્શ કે આટલી પરિચિતતાથી બોલવાનો પહેલો અનુભવ હતો. એણે મને અમેરિકન ઉચ્ચારો સાથે અંગ્રેજીમાં પુછ્યું, “શું હું તારી સાથે લંચ લઈ શકું છું?” મેં ડોકું ધૂણાવીનેહાપાડી. સેમની હાજરીમાં મારી એકલતા અને અટપટા વિચારો એકદમ ગાયબ થઈ ગયા. ખૂબ સુડોળ કાયા અને એનાથી પણ વધુ આકર્ષક એની મેનરિઝમ પર શું હું પહેલી નજરે મોહી પડી છું?     

Continue reading “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૪-નવી જિંદગીનું નામ બોલો!   

“પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૩ – આજ કહાં આ કે મિલે …!

પ્રકરણ: ૧૩આજ કહાં કે  મિલે!

દિલીપની સાથે વિતાવેલી એ હરેક ક્ષણોને પાછી યાદોમાં હું અનાયસે જીવી રહી છું. જે પણ થઈ રહ્યું હતું, મારા વશની બહાર હતું. કદાચ, ભૂતકાળને વાગોળવાનો આ સમય મારા માટે મહામૂલો હતો, કારણ, આ “ગેટ વે” માંથી નીકળીને જ, હવે આવનારા દિલીપ વિનાના સમયને, જીવવાની શક્તિ મેળવી શકીશ! હું તો એક અભાનાવસ્થામાં અતીતની મુસાફરી કરી રહી હતી…!

Continue reading “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૩ – આજ કહાં આ કે મિલે …!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૨-વેલકમ ટુ અમેરિકા …!

પ્રકરણ: ૧૨વેલકમ ટુ અમેરિકા!

મને આજે પણ યાદ છે, જ્યારે મેં પ્રથમ પગલાં અમેરિકાના ન્યુ યોર્ક એરપોર્ટ પર મૂક્યાં હતાં. ૧૬-૧૭ કલાકની મુંબઈ થી ન્યુ યોર્કની મુસાફરી અને લંડનના એરપોર્ટ પર ત્રણ કલાકનો વિશ્રામ પછી અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. કાળા-ગોરા અનેક જાતના માનવીઓથી ઊભરાતું આ એરપોર્ટ એક જાણે શહેર જ ન હોય એવું લાગતું હતું. એ રોમાંચ અને ગભરાટનું સંયોજન પછી કદીયે એટલી તીવ્રતાથી અનુભવ્યું નહોતું. મારી પાસે ન્યુ યોર્કથી ફિલાડેલ્ફિયા કેમ જવું એની બધી જ વિગતો હતી. પણ સૌથી મોટી ચેલેન્જ હતી, બે બેગો અને હેન્ડબેગ કલેક્ટ કરીને બહાર ગ્રે હાઉન્ડની બસ સુધી પહોંચવાની! આજ સુધી કદી મેં આટલો બોજો ઊંચક્યો ન હતો. એરપોર્ટ પર તો મમ્મી, ધાજી, અદા, ઋચા અને રવિ હતાં જેથી ચેક ઈન કરાવવામાં કોઈ તકલીફ નહોતી પડી. એક મિનિટ તો થયું કે, શા માટે યુ. ઓફ ચિકાગોમાં મેં એડમીશન ન લીધું? દિલીપ મને લેવા આવી શકત અને સામાન લેવા-લઈ જવાની હાલાકી તો ન રહેત, અને, એક બે દિવસ તો મને નવી જગામાં એડજસ્ટ થવામાં ઓરિયેન્ટ પણ કરી શકત! આમ વિચારોમાં ખોવાયેલી હું, કસ્ટમની બધી વિધિ પતાવી. પછી, મેં ફ્રેન્ડલી લાગતા એક અમેરિકનને પૂછ્યું, “કેન યુ પ્લીઝ ટેલ મી, વ્હેર કેન આઈ ગેટ માય લગેજ?” એણે અમેરિકન એક્સન્ટમાં જે કહ્યું એના પરથી એટલું જ સમજાયું કે કસ્ટમર હેલ્પનું કાઉન્ટર સામી બાજુ હતું. હું મારી હેન્ડબેગ લઈને કાઉન્ટર પર પૂછવા માટે ગઈ. ત્યાં પણ એ જ હાલ. હું બે-ત્રણ વાર બોલી ત્યારે માંડ એકવાર કસ્ટમર સર્વીસ કાઉન્ટર પરના પ્રતિનિધિને સમજાયું અને પછી એણે સામાન ક્યાં, કેવી રીતે આવશે એની વિગતો આપી. મને હરીફરીને એક જ નર્વસનેસ હતી કે બે મોટી બેગો અને હેન્ડબેગ લઈને હું મારી હોસ્ટેલ પર કેવી રીતે પહોંચીશ? ત્યાં જ ઓચિતું જ યાદ આવ્યું કે ઘરેથી નીકળતી વખતે, મમ્મીની હાજરીમાં અદાએ મને ચારસો ડોલર્સ આપતા કહ્યું, “સુલુ, દિકરા આ ડોલર્સ સાચવીને તારી પર્સમાં મૂક અને એની સાથે આ રિઝર્વ બેંકનો લેટર પણ રાખજે જેથી આ ડોલર્સ કાનૂની રીતે મેળવ્યાં છે એનું પ્રુફ રહે!” મેં મમ્મીની સામે જોયું. મમ્મીના મોઢા પર લાચારી અને અહોભાવ બેઉની છાયા હતી. અદાએ અને ધાજીએ બેઉએ એમનો હાથ મારા માથે મૂક્યો અને લાગણી સભર શબ્દોમાં કહ્યું, “તારી મમ્મી સામે ન જો. આ તારા ધાજી અને અદાના આશિર્વાદ છે.” હું એમને પગે લાગી હતી ત્યારે બેઉની આંખોમાં આંસુ હતાં. મને એક ટાઈટ હગ આપીને કહ્યું, “ખૂબ સુખી રહેજે!” આ અજનબી ધરતી પર એ વાત યાદ આવતાં જ થોડીક ધરપત થઈ કે પાસે ડોલર્સ છે તો પોર્ટર કરવામાં તકલીફ નહીં આવે.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૨-વેલકમ ટુ અમેરિકા …!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૧ – દૂર દેશ ન જાજો પંખીડાં …!

  પ્રકરણ: ૧૧દૂર દેશ જાજો પંખીડાં!

“૨૧મી સપ્ટેમ્બર, ૧૯૭૮, સાંજના, સાડા ચાર થયા છે. આજે તો મારે, આખી સાંજ, બસ, અમેરિકા પહેલી વાર ગઈ એની વાતો વાગોળવી છે.” બસ, આટલું એક વાક્ય લખી, મેં ડાયરી બંધ કરીને સીતાને બૂમ પાડી. “સીતા, એક કપ મદ્રાસ કોફી બનાવી આપે?” મેં કઈં ખાવા કે પીવાનું માગ્યું એ સાંભળતાં જ સીતા ગળગળી થઈ અને કહે, “સાથે ગરમ ભજિયાં લાવું? પાંચ મિનિટમાં બધું થઈ જશે!” હું મ્લાન હસી અને કહ્યું, “બસ, કોફી પીવાની ઈચ્છા થઈ છે. ખોટી દોડાદોડી ના કરતી, સીતા.” મેં બાલ્કનીમાં મૂકેલી આરામખુરશી પર લંબાવ્યું. થોડી વારમાં તો સીતા, કોફી અને ના પાડવા છતાં પણ બટેટાના ભજિયાં બનાવીને લઈ આવી અને મારા ખભે હાથ મૂક્યો, “દીદી, સરસ બન્યા છે. તમને ભાવશે જ.” ના પાડવાનો તો સવાલ જ નહોતો! હું પહોંચી ગઈ હતી, એ વરસોમાં, જ્યારે, ૧૯૬૪-૬૫માં અમેરિકા જવા માટે હું મારી જાતને સજ્જ કરવામાં લાગી ગઈ હતી. હું ત્યારે જમીન પર જ હતી કે હવામાં ઊડતી હતી એ આજે પણ હું નક્કી કહી શકતી નથી. એ ગાળા દરમ્યાન, એક દિવસ ઋચાએ કહ્યું હતું એ મને ક્લીયરલી યાદ છે, “યાર, હું અને તું, આજકાલ મોગરાની સુગંધમાં તરબતર સતત મહેકતાં રહીએ અને આ હોઠ સતત મરકમરક થતાં અટકતાં જ નથી! સુલુ, તું અમેરિકા ભણવા જાય છે પણ એ સાથે ઓપન માઈન્ડ ભવિષ્ય માટે રાખતાં ભૂલતી નહીં!” હું અભિપ્રેત અર્થ સમજી ગઈ હતી.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ: ૧૧ – દૂર દેશ ન જાજો પંખીડાં …!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૧૦-અમેરિકા, લિ. હું આવું છું…!

અમેરિકા, લિ. હું આવું છું!

“તા. ૨૦, સપ્ટેમ્બર, ૧૯૭૮. આજે હું પહેલીવાર જિંદગીમાં આ ડાયરી લખવા બેઠી છું. દિલીપના ચોથાની વિધિ અને અંતિમ ૧૧મું, ૧૨મું તથા ૧૩માનું શ્રાધ્ધ કર્યા જો પંડિતજી કહેતા હોય એ સત્ય હોય તો, મારી પાસે નવ દિવસ અને આઠ રાત્રી બાકી છે જેમાં મારે એને એના મહાપ્રયાણ માટે એને બિલકુલ મુક્ત કરી દેવો છે. મને ખબર નથી કેવી રીતે, પણ, અતીતને યાદ કરતાં એટલું સમજાય છે કે, દિલીપ મારા અસ્તિત્વની ક્ષણેક્ષણ અને કણેકણમાં છે. મને આજે ફરી એ જ લાગણી અને અસલામતી થઈ રહી છે, જે, એના લગ્ન તથા અમેરિકા જવાના સમયમાં થઈ હતી…! જો કે, એક વાત એ પણ છે કે, મારી સાવ સાદી જિંદગીમાં, મૈત્રી અને પ્રેમ, બેઉની મહેર પણ સદા જ રહી છે….!”

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૧૦-અમેરિકા, લિ. હું આવું છું…!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૯-તે હિ નઃ દિવસો ગતાઃ…!

   તે હિ નઃ દિવસો ગતાઃ…!   

આજે, ૧૯મી સપ્ટમ્બરે, દિલીપના ચોથાની વિધિ તો પતી ગઈ. આગંતુક સ્નેહીઓ અને સ્વજનો પણ થોડીવાર બેસી, ભોજન કરીને ગયા. પંડિતજીએ દિલીપને મહાપ્રયાણ માટે અનુમતિ આપતા મંત્રોનું પઠન કર્યું અને આગળ સમજાવતા કહ્યું કે “૧૧મું, ૧૨મું અને ૧૩માની વિધિ પછી આત્મા સંપૂર્ણ મુક્તિ પામે છે પણ, એનો આરંભ ચોથાની વિધિથી થાય. શાસ્ત્રોમાં આ ચાર વિધિ-વિધાન, જીવનના ચાર તબક્કા, – શૈશવ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા- માટે છે. નાની વયમાં મૃત્યુ પામવાથી, આ ચારેય તબક્કા ન જીવાયા હોય તો પણ, આ વિધાન કરવાથી મુક્તિ મળે છે. એટલું જ નહીં પણ, આ વિધિ-વિધાન થકી, મૃતાત્માના સ્નેહીઓને પણ માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે, કે, જેથી, સ્નેહી-સ્વજનો, મૃત્યુ પામેલા એ શરીરની હયાતીનો મોહ ત્યાગી, એના આત્માને અંતિમ મુસાફરી માટે જવા દેવાની અનુમતિ, તન, મન, અને હ્રદયથી આપી શકે.” શું હું આમ, આ બધાં જ ક્રિયાકાંડ પછી પણ દિલીપને કદીયે મારા તન, મન અને હ્રદયમાંથી ચિરકાળ વિદાય આપી શકીશ? આ સવાલનો જવાબ મારે મારા અંતરતળમાં જ શોધવાનો હતો. હું હજુ તો એની અને મારા અતીતની યાદોમાં કેદગ્રસ્ત હતી.

Continue reading પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૯-તે હિ નઃ દિવસો ગતાઃ…!