(આજે આપણે પન્ના નાયકે કરેલા જર્મન/ઓસ્ટ્રિયન લેખક રોબર્ટ વૉલ્ઝર ની બે ટૂંકી વાર્તાઓના અનુવાદનો આનંદ લઈશું. આશા છે કે આપ સહુ આ વાર્તાઓનો આનંદ લેશો.)
રોબર્ટ વૉલ્ઝર (Robert Walser: ૧૮૭૮-૧૯૫૬)
(જર્મન/ઓસ્ટ્રિયન લેખક)
માદા-ઘુવડ/અનુવાદ: પન્ના નાયક
જીર્ણ થઈ ગયેલી દીવાલમાં રહેતી એક માદા-ઘુવડ પોતાને કહે છેઃ કેવું ભયાનક અસ્તિત્વ છે. બીજુ કોઈ હોય તો હેબતાઈ જાય પણ હું સહનશીલ વૃત્તિવાળી છું. હું આંખ નીચી કરી બંધ કરી દઉં છું. મારી અંદર અને બહાર ભૂખરા પડદાની જેમ બધું લટકી રહે છે પણ ઉપર ચમકતા તારા છે જાણીને મને રાહત થાય છે. ઘટાદાર પીંછાં મને આવરી લે છે. હું દિવસે સૂઉં છું ને રાતે જાગું છું. હું કેવી લાગું છું એ જાણવા કોઈ અરીસાની જરૂર નથી. મારું મન જ મને કહે છે. હું મારા વિચિત્ર દેખાતા ચહેરા વિશે વિચારી શકું છું.