આપણી ભક્તિના પાયામાં જ લેવડ –દેવડ !
દર વર્ષે પવિત્ર શ્રાવણ મહીનો આવે છે અને સમાજમાં ભક્તિનું જાણે પૂર આવે છે. આડે દિવસે મંદિરમાં ન જનારા લોકો પણ મંદિરમાં દર્શનાર્થે જાય છે. પૂજાપાઠ કરે છે, ઉપવાસ કરે છે. પાંચ મહાદેવ કે અગિયાર મહાદેવના પ્રવાસો ગોઠવે છે. શિવ મંદિરોમાં રૂદ્રી કરાવે છે. કથાશ્રવણ કે ધાર્મિક પુસ્તકોનું વાચન થાય છે. ભજનની સપ્તાહો મંડાય છે- આ બધું કેવળ દેખાવ ખાતર થાય છે એવુંય નથી, લોકો પૂરા ભાવથી અને –શ્રદ્ધાપૂર્વક પોતાના ઈષ્ટદેવની પ્રીતિ અર્થે પોતપોતાની સમજણ અને આવડત મુજબ કરે છે. લોકોની આ ધાર્મિકતાને વટાવીને વેપલો માંડનારાઓ કમાય છે, તેમ લોકોની ધાર્મિકતાનું સમાજસેવા સાથે સંકલન કરી જાહેર કલ્યાણના કામો પણ થાય છે. પવિત્ર શ્રાવણ કે અધિક મહીનામાં કરેલા સત્કાર્યનું અનેકગણું પૂણ્ય મળતું હોવાની માન્યતાને લીધે ભાવિકજનો ઉદારતાથી દાનધરમ કરે છે, જેને લીધે નિઃસ્વાર્થ સમાજસેવા કરનાર પૂણ્યશાળી સજ્જનો કે સેવા સંસ્થાઓને એક ઉત્તમ તક પણ પ્રાપ્ત થાય છે. કાશ! એ ભાવના અને એ સત્કર્મોનું બારેમાસ સાતત્ય જળવાતું હોય તો સમાજને કેવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય, પણ અફસોસ કરવા જેવો નથી; લોકોના હૈયામાં સુષુપ્ત ધરબાઈ પડેલી સદભાવના એ નિમિત્તે પ્રગટ થાય છે એ વાત ખૂબ મહત્ત્વની છે. એ અંકુર ફૂટશે તો વખત જતાં એ જરૂર ફૂલશે, ફાલશે અને ફળશે એવી આશા બંધાય છે.
જ્યારે જ્યારે ભક્તિની વાત કરતા હોઈએ ત્યારે શ્રીમદ ભગવદ ગીતા જરૂર યાદ આવે. ગીતાના સાતમા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે ‘હે ભરતશ્રેષ્ઠ અર્જુન! ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની‘. રોગ અથવા શારીરિક કષ્ટથી પીડાતા લોકો ભગવાનને કરુણભાવથી યાદ કરતા હોય, તેમને આર્તભક્ત કહ્યા છે. જીવન છે એટલે સંકટો તો આવવાના જ, ભગવાને સંકટ કેમ મોકલ્યું એવી ફરિયાદ ચાલે નહીં. માણસ સંકટમાં હોય ત્યારે તેણે સૌ પ્રથમ તો બુદ્ધિપૂર્વકના તમામ પ્રયત્નો કરવા જોઈએ. ભગવાને બુદ્ધિ આપી છે તે શા માટે? ભગવાને આપેલી બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને મુસીબતોનો ઉકેલ શોધવો જોઈએ. તે સાથે ઈષ્ટદેવતાનું નામસ્મરણ કરવાનું ભૂલવું ન જોઈએ. મોટાભાગના રોગો દવાથી સારા થાય છે, પણ એકલી દવાને જશ ન આપતા ભગવાનની કૃપા વિસરાવી જોઈએ નહી. સંકટ સમયે ઈશ્વરને યાદ કરવા એ ધારવા જેટલું સરળ નથી. ટેવ પાડી હોય તો જ હોઠે ઈશ્વરનું નામ યાદ આવે. સંકટમાંથી પાર ઊતરી ગયા પછી પણ ભગવાનનો ઉપકાર ભુલાવો ન જોઈએ.
બીજો વર્ગ જિજ્ઞાસુ ભક્તોનો છે. આ જિજ્ઞાસા એટલે બ્રહ્મજિજ્ઞાસા. સંકટની જેમને કોઈ પરવા નથી, કોઈ અપ્રાપ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ જેમને નથી, મોક્ષ પ્રાપ્તિની પણ જેમને ખેવના નથી, મુક્તિ સ્વયં જેમના પગ પાસે આવીને ઊભી રહી છે તેવા ઋષિમુનિઓ આ વર્ગમાં આવે છે.
અર્થાર્થી એટલે કે ભગવાનને ભજવા પાછળ જેમનો કોઈ ચોક્કસ હેતુ હોય, કોઈ અભિલાષા હોય, મહત્ત્વાકાંક્ષા હોય, મનોરથો પૂરા કરવાના હોય, કોઈ ગરજ હોય અથવા સ્પષ્ટ ભાષામાં કહીએ તો કોઈને કોઈ સ્વાર્થ હોય! શરીર સુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને સંસારના ભોગોની પ્રાપ્તિ માટે જે લોકો ભગવાનને યાદ કરે છે તેમને પણ ભગવાને સુકૃતિન: એટલે કે પુણ્યશાળી કહ્યા છે તેનાથી આશ્ચર્ય જરૂર થાય છે કારણ કે, જે સંબંધમાં સ્વાર્થની દુર્ગંધ આવતી હોય તે સંબંધ ઉત્કૃષ્ટ તો નથી જ. એ તો નરી સોદાબાજી કરેલી કહેવાય. સ્વાર્થનો સંબંધ એટલે થૂંકથી ચોંટેલો સાવ તકલાદી સંબંધ! ગરજ પતે કે સંબંધ પૂરો. આવા સંબંધોમાં સુવાસ નથી હોતી.
ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે માણસ ગમે તેના પગ પકડવા તૈયાર થતો હોય છે. ગરજવાનનું તો એક જ લક્ષ હોય કે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ પાર પડવો જોઈએ! પછી એ તાંત્રિક ભુવો હોય કે કોઈ રાજકીય પક્ષનો ગુંડો હોય કે પછી પોતાની જાતને ભગવાનની સમકક્ષ ગણાવનારો પાખંડી સાધુ હોય; એને તો ગોળ ખાધે ગરજ !! પણ ઈચ્છાપૂર્તિ માટે ભગવાનનો એક સાધન તરીકે ઉપયોગ કરવો એ કંઈ શ્રેષ્ઠ વાત તો નથી જ. મનવાંછિત ફળપ્રાપ્તિ હેતુ આપણે ત્યાં અનેક વ્રતો અને તત્સંબંધિત વ્રતકથાઓ પ્રચલિત છે, પણ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તના જે લક્ષણો ભગવાને વર્ણવ્યા છે તેની સાથે એવા વ્રતધારીઓનો મેળ બેસાડવો અઘરો છે. ભગવાને ‘યદ્ ભક્ત: સ મે પ્રિય: –‘ આવો જે ભક્ત છે તે મને પ્રિય છે- એમ કહીને જેમને પોતાના ગણાવ્યા છે તેમાં આર્ત અને અર્થાર્થી ભક્તો આવતા નથી.
પરંતુ, ભગવાને એમને પુણ્યશાળી ગણાવ્યા તો તેનો કોઈ વિશિષ્ટ અર્થ હોવો જોઈએ. હેતુ ભલે સ્વાર્થપૂર્તિનો હોય, પણ મનુષ્ય ઈશ્વર તરફ વળે એ એક શુભ સંકેત છે. સ્વાર્થથી આવ્યો તો ભલે, પણ એને માટે સાચી ભક્તિ સમજવાના દ્વાર તો આજથી ખૂલી જ ગયા. સાચી નિરપેક્ષ, નિષ્કામ ભક્તિ સમજાશે તથા માગ્યા વગર પ્રભુએ કરેલા ઉપકારો જ્યારે સમજાશે ત્યારે એનું માંગવાનું છૂટી જશે. આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણા સૌનો પરમ પિતા એક છે. આપણે સૌ ભગવાનના સંતાનો છીએ. ‘તમે જ માતા વળી તાત છો ને…- ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…‘ સંતાન પોતાના માતા પિતા પાસે નહીં માંગે તો કોની પાસે માંગવા જશે. દુઃખ આવી પડે ત્યારે આશ્વાસન મેળવવા મા-બાપ પાસે જઈને વ્યથા ઠાલવી હૈયું હળવું કરવું એ ઉચિત જ છે. પણ કેવળ માંગવા માટે જ જવું એ શોભાસ્પદ પણ નથી.
ગીતાનું બીજું એક સૂત્ર છે, ગમે તેટલો દુરાચારી માણસ પણ જો મારો ભક્ત બને તો તે જલદીથી ધર્માત્મા બને છે. અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્ય ભાક્, સાધુરેવ સ મંતવ્ય સમ્યગ્વ્યવસિતો હિ સ: (અ.૯/૩૦) ભગવાનનું શરણું લેનાર ગમે તેટલો પાપી, અપરાધી અને દુરાચારી હોય તો પણ એકવાર ભક્ત બન્યા પછી તે દુરાચારી રહેતો નથી. ગીતાકારે તેને માટે સુદુરાચારી શબ્દ પ્રયોજ્યો છે તે ધ્યાનાર્હ છે. વાલિયો લૂંટારો, અંગુલિમાલ, જેસલ જાડેજા જેવા અનેક મનુષ્યો પૂર્વાશ્રમમાં ઘોર પાપી હતા, પણ સત્જનોના સંગથી તેમને પોતાની ભૂલ સમજાઈ. પાપ ડંખવા લાગ્યું, પશ્ચાતાપ થયો, સન્માર્ગે વળી ગયા અને સુદુરાચારી બની ગયા. નાના મોટા પાપો તો આપણા હાથે પણ થાય જ છે, સત્સંગ તો આપણે પણ કરીએ છીએ છતાં આપણા જીવનો ઊંચા આવતા નથી. કારણ કે, આપણે પાપ કર્યા છે એમ આપણને લાગતું જ નથી. પાપ સ્વીકારતા નથી એટલે પાપ ડંખતું પણ નથી અને પાપ ડંખતું ન હોય તો પશ્ચાતાપ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પશ્ચાતાપ વિના જીવન બદલાતું નથી. વેશ પરિવર્તન નહિ, પણ જીવન પરિવર્તન થકી જ ધર્માત્મા બનાય.
આપણી ભક્તિના પાયામાં જ ઉધઈ લાગેલી છે, આપણે જીવન પરિવર્તન માટે નહિ, પણ કામ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે ભગવાનનો કે ધર્મનો ઉપયોગ કરતા આવ્યા છીએ એટલે આપણી ભક્તિમાં અને સત્સંગમાં કંઈ દમ નથી. સ્પાર્ક નથી. બચપણથી માંડીને મોટા થઈએ ત્યાં સુધી ઈચ્છાપૂર્તિ માટે આપણે મમ્મી પપ્પાનો ઉપયોગ કરીએ છીએ, મોટા થયા પછી વારસામાં શું મળે, એના પર બધી ગણતરી મંડાતી હોય છે અને બીજાને વધારે મળ્યું તો મને ઓછું કેમ, એવી ફરિયાદ થતી હોય છે. સાંસારિક સંબંધોમાં માણસ જેવો વર્તાવ કરતો રહેલો છે તેવો જ વર્તાવ તે ભગવાન સાથેના સંબંધમાં પણ કરતો રહેલો છે. જીવન પરિવર્તન કઈ બલાનું નામ છે આપણા શબ્દકોશની બહાર છે. એટલું તો નક્કી કે આપણી ભક્તિ રિનોવેશન માંગે છે.
Like this:
Like Loading...