Category Archives: પરભુભાઈ મિસ્ત્રી

દૄષ્ટિકોણ-૬ (પરભુભાઈ મિસ્ત્રી)-આપણો જ કક્કો સાચો!

આપણો જ કક્કો સાચો!

કેટલીક વસ્તુ જ્યારે વિના પ્રયત્ને મળી જાય છે ત્યારે તેનું મૂલ્ય આપણને સમજાતું નથી. આપણને વારસામાં મળેલી કેટલીક બાબતોમાં આમ જ થવા પામ્યું છે. કોઈ આપણને સમજાવે તો જ ખબર પડે કે જગતમાં કોઈની પાસે નથી એવી ઘણી બધી અમૂલ્ય ચીજોના આપણે માલિક છીએ. આપણે સાવ નિર્ધન નથી જ, ઊલટાના આપણે સૌથી વધારે સંપત્તિવાન છીએ. ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વરસાની વાત જવા દઈએ, પણ આપણા મૂળાક્ષરોની બાબતમાં તો આપણે સાચા અર્થમાં શ્રીમંત છીએ જ, એ વાત જો સમજાય તો આપણને આપણા પૂર્વજો પ્રત્યે જરૂર માનની લાગણી પેદા થાય.

કોઈ આપણને પૂછે કે તમને કક્કો બારાખડી આવડે છે? તો આપણને ઘડીભર તો એમ જ લાગે કે કેવો બેહુદો સવાલ છે! કક્કો બારાખડી શીખ્યા વિના જ શું આપણે આટલી ડિગ્રી સુધીનું ભણતર પ્રાપ્ત  કર્યું હશે? આપણી ભાષામાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા? સ્વરનો ઉચ્ચાર ક્યાંથી થાય, કેવી રીતે થાય, વિવિધ વ્યંજનોનો ધ્વનિ ક્યાંથી નીકળે, બોલતી વખતે આપણી જીભ કયા કયા સ્થાનોને સ્પર્શે, હવા નાકમાંથી કે કંઠમાંથી કેટલા પ્રમાણમાં પસાર થાય તે બાબત પર જો વિચાર કરીએ તો એ વાતનું આશ્ચર્ય થાય કે, આપણા પૂર્વજોએ મગજની કેટલી બધી કસરત કરીને મૂળાક્ષરો શોધ્યા હશે અને વૈજ્ઞાનિક ઢબે એની ગોઠવણી કરી હશે!

નિશાળમાં ભણતી વખતે એ બધું સમજવા- સમજાવવાનો સમય નહોતો, આપણને અક્ષરનો પરિચય થાય એટલે પત્યું. ચલતીકા નામ ગાડી! અને એ ગાડી એવી રીતે ચાલતી જ રહી કે એનું મિકેનિઝમ સમજવાનું અને એની માવજત કરવાનું જ વિસારે પડી ગયું. કેટલાયે પાર્ટ્સ આપણે બેદરકારીથી ખોઈ નાંખ્યા, એ પાર્ટ્સ બીજે ક્યાંય ઉપલબ્ધ નથી એટલે આપણે જાતે જ સમજપૂર્વક એને પ્રસ્થાપિત કરવા પડશે. વિશ્વના આંગણે ફરતા થઈએ એટલે આંતર્રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી તો શીખવી જ પડે, પણ તેથી માતૃભાષાની અવગણના તો ન જ થઈ શકે ને? બીજાની સારી બાબતોનું અનુકરણ જરૂર કરવું જોઈએ પણ આપણી અમૂલ્ય મૂડીનું રક્ષણ પણ કેમ ભુલાય?

આજે આપણી પાસે ‘મ’ અને ‘ન’ એમ બે જ અનુનાસિક વપરાશમાં બચ્યા છે કારણ કે, અંગ્રેજીમાં M અને N એમ બે જ અનુનાસિકો છે. આપણી માતૃભાષામાં પાંચ અનુનાસિકો હતા. બાકીનાનો ઉપયોગ બંધ થયો એટલે ભૂલાઈ જવા આવ્યા છે, એટલું જ નહીં કોઈ એનો ઉપયોગ કરે તો આપણને તે અજુગતું લાગે છે! જમાનો પર્ફેક્શનનો ચાલે છે, છતાં આપણે પર્ફેક્ટ્નો જ ઉપહાસ કરીએ છીએ એય કેવી વિડંબના! ગંગા બોલતી વખતે બે ‘ગ’ ની વચ્ચે જે અનુનાસિક આવે  તે ‘ન’ નથી, પણ અંગ્રેજીમાં Ganga લખાય એટલે આપણે અનુસ્વાર પછીનો વર્ણ ‘ગ’ જે વર્ગનો છે તેનો અનુનાસિક ‘ડં’ લખતા નથી. પછી બોલતી વખતે પણ ગન્ગા બોલીએ છીએ. મંજુલા અંગ્રેજીમાં (Manjula) લખતી વેળા એનો ઉચ્ચાર (મન્જુલા) બદલાઈ જાય છે. હંસ, વંશ, વાંસ અંગ્રેજીમાં લખતી વખતે Hans (હન્સ), Vansh (વન્શ) અને Vans (વાન્સ) લખીએ તો એનો ઉચ્ચાર બદલાય જાય છે. ટંડેલ બોલતી વખતે અનુસ્વારની જગ્યાએ ણ્ નો ધ્વનિ સંભળાવો જોઈએ પણ આપણને ટન્ડેલ સંભળાય છે કારણ કે,અંગ્રેજીમાં માટે કોઈ લિપિ ચિહ્ન નથી એમની પાસે M અને N–એમ રોકડા બે જ અનુનાસિકો છે એટલે આપણી પાસે યોગ્ય અનુનાસિક હોવા છતાં આપણે તે વાપરવાનો છોડી દીધો! પહેલાં લખવામાં અને પછી બોલવામાં!આપણે દૃષ્ટિનો ઉચ્ચાર દ્યષ્ટિ, દ્રુષ્ટિ કે દ્રષ્ટિ કરીએ છીએ. સંસ્કૃત ને બદલે સન્સ્ક્રિત બોલીએ છીએ, કૃષ્ણને આપણે ક્રશ્ન, કરસન, ક્રિશ્ન, કિસન બનાવી દીધો. અમૃતને અમ્રત કે અમરત બનાવી દીધા અને ગૃહપતિને ગ્રહપતિ!

આપણે જે ભાષા બોલીએ છીએ તે જુદા જુદા ધ્વનિઓની બનેલી છે. આ ધ્વનિઓ ધ્વનિપથમાંથી પસાર થતા વાયુને કારણે સંભવે છે. ફેફસાંમાંથી નીકળેલો વાયુ કંઠનાળમાં થઈને મુખ કે નાક વાટે બહાર નીકળે તેને ધ્વનિપથ કહેવાય. આ ધ્વનિપથમાંથી પસાર થતો વાયુ કોઈ પણ સ્થળે અવરોધાયા વગર સીધો બહાર આવે ને જે ધ્વનિ (અવાજ) નીકળે તેને ધ્વનિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ ‘સ્વ’ર કહેવાય અને આ વાયુ જો ક્યાંક કશે અવરોધાય તો તેનાથી પેદા થતા અવાજને ‘વ્યંજન’ કહેવાય. જો તે નહિવત એટલે કે નિગ્લિજીબલ અવરોધાય તો તેને અર્ધવ્યંજન અથવા અર્ધસ્વર તરીકે ઓળખવામાં આવે છે.

આપણી વર્ણમાળામાં સ્વર –( અ, આ, ઇ, ઈ, ઉ, ઊ,ઋ,એ,ઐ,ઓ ઔ) અને વ્યંજનો ( ક્, ખ્, ગ્, ઘ્….જ્ઞ સુધીના) ને જુદા પાડવામાં આવ્યા છે. રોમન લિપિ કે જેમાં અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પૅનિશ વગેરે ભાષા લખાય છે તેમાં આવું વિભાજન કરવામાં આવ્યું નથી. અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ – સ્વરો આલ્ફાબેટમાં વેર વિખેર પડ્યા છે. શાસ્ત્રીય વર્ગીકરણ એ વિજ્ઞાનનું પાયાનું એક લક્ષણ છે.એ દૃષ્ટિએ તો આપણો કક્કો સ્વર અને વ્યંજનનું સુસ્પષ્ટ વર્ગીકરણ ધરાવતી દુનિયાની એકમાત્ર વૈજ્ઞાનિક વર્ણમાળા છે એટલું જ નહીં, વ્યંજનોમાં પણ આંતરિક વર્ગીકરણ કરવામાં આવેલું છે.‘અ’ અને ‘આ’ કંઠ સ્થાનેથી, ‘ઇ’ અને ’ઈ’ તાલુ સ્થાનેથી, ‘ઉ’ અને ‘ઊ’ હોઠ પાસેથી ઉચ્ચારાય છે તેથી તે અનુક્રમે કંઠ્ય, તાલવ્ય અને ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે.કંઠ, તાલુ, મૂર્ધા, દાંત અને હોઠ થકી ઉચ્ચારિત થતા વ્યંજનો ક્રમ મુજબ ગોઠવાયેલા છે.

અનુનાસિક એટલે નાકમાંથી બોલાતો વ્યંજન. એ બોલતી વખતે આપણી જીભ જે તે સ્થાને વાયુને રોકી દઈને તેને નાકને રસ્તે બહાર નીકળવાની ફરજ પાડે છે. ‘S.’કંઠ્ય અનુનાસિક છે કારણ કે, તે બોલતી વખતે જીભ કંઠના ભાગે ચોંટી જઈ હવાને નાકના રસ્તે ધકેલે છે.‘ગ’અનુનાસિક બોલતી વખતે જીભ તાલુ સ્થાનેથી હવાને વાળી દે છે, ‘ણ’ બોલતી વખતે મૂર્ધાને સ્થાનેથી ‘ન’ બોલતી વખતે દાંતના સ્થાનેથી અને‘મ’ બોલતી વખતે હોઠ પાસેથી હવાને રોકીને નાસિકા વાટે બહાર ધકેલે  છે. વ્યંજનોને પાંચ વર્ગોમાં ગોઠવેલા છે, પ્રથમ વર્ણના આધારે તે ‘ક’ વર્ગ, ‘ચ’ વર્ગ,’ ટ’ વર્ગ ‘ત’ વર્ગ અને ‘પ’ વર્ગના નામે તે ઓળખાય છે.‘ય’,’ર’,‘લ’,’વ’ આ વર્ણો ‘અંત:સ્થ’ તરીકે ઓળખાય છે કારણ કે, આ ધ્વનિઓ સ્વર અને વ્યંજનની વચ્ચે, અંતરાલમાં રહેલા છે. વર્ણમાળામાં છેલ્લે ઉષ્મન ધ્વનિઓ મૂકેલા છે. પહેલાં મૂર્ધન્ય ‘ષ’, ત્યારબાદ તાલવ્ય ‘શ’ અને તેના પછી દંત્ય ‘સ’, એવો તેનો અનુક્રમ છે.એ દરેકનો ધ્વનિ અલગ હોવા છતાં તેનો ઉચ્ચાર જોઈ શીખવતું ન હોવાથી આપણે તેમને સમાન ગણીને વિકલ્પ તરીકે લખતા અને  બોલતા આવ્યા છીએ. સૌરાષ્ટ્ર તરફના લોકો તો ‘ચ’ નો ઉચ્ચાર પણ ‘સ’ જેવો જ કરે છે.  ‘હ’ ને સંસ્કૃતમાંથી લીધો છે અને ‘ળ’ એ વિશિષ્ઠ એવો ગુજરાતી ધ્વનિ છે. છેક છેલ્લે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ લખાય છે, પણ તે સ્વતંત્ર વ્યંજનો નથી. ‘ક્ષ’ એ‘ક્’ અને ‘ષ્’ નો જોડાક્ષર તો ‘જ્ઞ’ એ ‘જ્’ અને ‘ગ્’ નો જોડાક્ષર છે. આ બધી માથાકૂટ સમજાવવામાં જલસો દીપોત્સવી અંકે મદદ કરી છે તેનો આભાર માનવો રહ્યો.  આપણા તમામ વ્યંજનો ખોડા એટલે કે હલંત છે. કોઈ વ્યંજન પૂર્ણ નથી. એની સાથે જ્યારે સ્વર ‘અ’ ઉમેરાય ત્યારે જ એ પૂર્ણ બને છે, એ વાત યાદ રાખવા જેવી છે. ગીતામાં ભગવાને અમસ્થું જ નથી કહ્યું કે, अक्षराणाम् अकारोस्मि – અક્ષરોમાં ‘અ’ એ મારી વિભુતિ છે. શિવ વગર જીવનું અસ્તિત્વ જ નહીં! ૨૭૦૦ વર્ષ પહેલાં રચાયેલી આ વર્ણમાળાની વૈજ્ઞાનિકતાથી વિદેશના વિદ્વાનો ચકિત થાય છે, પણ આપણે મન તો ‘ઘરકી મુરગી દાલ બરાબર!’

 

 

Advertisements

દૄષ્ટિકોણ-૫ (પરભુભાઈ મિસ્ત્રી)-રામાયણની ચર્ચાસ્પદ વાતો (૫)

રામાયણની ચર્ચાસ્પદ વાતો  (૫)

 સ્વેચ્છાએ સ્વીકારેલા ચૌદ વરસના વનવાસ પાછળ રામજીની અને ઋષિઓની ગણતરીપૂર્વકની એક ગુપ્ત ચાલ છે. પિતાની આજ્ઞા તો એક નિમિત્ત છે. પૃથ્વી પર ભોગવાદી વિચારોનું આક્રમણ વધી રહ્યું છે. આતંકવાદ ફેલાઈ રહ્યો છે. સાત્વિક પ્રકૃતિના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. શહીદોના હાડકાંનો ડુંગર ખડકાયેલો રામે પ્રત્યક્ષ જોયો છે. આ બધી આતંક લીલાનું પ્રેરક બળ રાવણ છે. રાવણનો પરાભવ કરવો જરૂરી છે. બ્રહ્મશક્તિ તરફથી ક્ષાત્રશક્તિને આગળ કરવામાં આવી છે. રાવણ જોડે યુદ્ધ કરવું એ ખાવાના ખેલ નથી. ઘર આંગણે યુદ્ધ કરવાથી પોતાની ધરતી રક્તરંજિત થાય, જનજીવન અને ધંધા રોજગાર ખોરવાય એવું જોખમ વહોરવાનું યોગ્ય નથી. રામ વનમાં જાય છે, પણ ઠરીને એક જગ્યાએ બેસતા નથી. પરિવ્રાજકની જેમ ફરે છે, વિવિધ જનસમુદાયોમાં ભળે છે, તેમના સુખ દુ:ખ જોડે સમરસ થાય છે. તેમની જોડે સંબંધ બાંધે છે. તેમની શક્તિને ઓળખે છે. તેમનું ગૌરવ વધારે છે. ઋષિઓના આશ્રમે આશ્રમ ખૂંદી વળે છે. તેમનું માર્ગદર્શન અને આશીર્વાદ મેળવે છે. ગુપ્ત મંત્રણાઓ થાય છે. હવે વનવાસની અવધિ પૂરી થવામાં છે ત્યારે તેઓ દંડકારણ્યમાં ગોદાવરી તટે પંચવટીમાં નિવાસ કરે છે,

રાવણને લલચાવવાનું, લલકારવાનું અને વ્યૂહમાં ફસાવવાનું અહીંથી સુગમ છે. અહીં રાવણની બહેન શૂર્પણખા ફરતી રહેલી છે. ખર દૂષણ જેવા રાવણના સાગરિતો- ઓરમાન ભાઈઓનો અહીં મોટો અડ્ડો છે. અહીંની દરેક હિલચાલનો રાવણને ગુપ્ત અહેવાલ મળતો રહે છે. રાક્ષસો આસુરી પ્રકૃત્તિના હોય છે, ભોગવાદી વિચારસરણી ધરાવે છે. રાક્ષસોનો દેખાવ વિકરાળ હોય એવું વર્ણન કે એવાં ચિત્રો દ્વારા એ દર્શાવવાનો અભિગમ છે કે એમની વૃત્તિ અને વ્યવહાર વિકૃત છે. બાકી તેઓ સંસારની લેટેસ્ટ ટેકનોલોજી વાપરતા હોય, મેકઅપ કરતા હોય, રૂપાળા થઈને ફરતા હોય, ફૂલફટાક અંગ્રેજી કે સંસ્કૃત બોલતા હોય. ઈમ્પ્રેસ કરી નાખનારા હોય; પણ માયાવી હોય! માયાવી એટલે દેખાવે સજ્જન અને વ્યવહારથી દુર્જન. ભલભલાને મોહ પમાડે, આંજી નાંખે અને પછી સામેવાળાને વેતરી નાંખે! મોટા લાંબાં દાંત, લાંબા વધેલા વાળ અને નખ, લાલ બિહામણી આંખો- આ બધું વર્ણન એમની વૃત્તિને ચિત્રિત કરે છે.

રાવણની બહેન શૂર્પણખા એક દિવસ સજીધજીને પંચવટીમાં આવી ચડે છે. બંને રાજકુમારોને જોઈને મોહિત થાય છે, કામવિહ્વળ થાય છે. જગતમાં જે કંઈ સારું અને મૂલ્યવાન છે તે મારું જ હોવું જોઈએ અને ગમે તે પ્રકારે મારે તે મેળવવું જ જોઈએ એમ જેને લાગતું હોય તે અસુર છે. શૂર્પણખા રામ સમક્ષ પ્રસ્તાવ મૂકે છે, રામ એને લક્ષ્મણ પાસે મોકલે છે, લક્ષ્મણ પોતાને દાસ ગણાવે છે. વારાફરતી બંને ભાઈઓ વચ્ચે ટિચાતી શૂર્પણખા અપમાન અનુભવે છે, ક્રોધિત થઈને સીતા પર હુમલો કરે છે અને લક્ષ્મણ તેના નાક- કાન કાપી લે છે! સિનેમા અને સિરિયલમાં શૂર્પણખા બનેલ પાત્રના નાક કાનની જગ્યા પર લોહી નીકળતું દેખાડે છે. પણ નાક કાપી લેવું એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય કોઈને બેઈજ્જત કરવું. સ્ત્રી એ લજ્જાનો અવતાર ગણાય. કામવાસના ભોગવવાનો પ્રસ્તાવ મૂકવામાં ભાગ્યે જ તેઓ પહેલ કરે છે, જો તે પહેલ કરે અને સામેથી ઈન્કાર થાય તે સ્થિતિ એના માટે અપમાનજનક હોય છે. શૂર્પણખા ભોગવાદી છે, એણે પ્રસ્તાવ મૂક્યો છે અને આ બંને ભાઈઓ સંમત થવાને બદલે ચલકચલાણું રમે છે તે સમજાતાં જ તે વિફરી. એની અસલ વૃત્તિ પ્રગટ થઈ. ઉશ્કેરાઈને સીતા પર હુમલો કરવા જાય છે. રૂપાળા ચહેરા પાછળ ઢંકાયેલી વિકરાળ વૃત્તિ પ્રગટ થઈ જાય છે. આ છે એનું અસલી આંતરિક કુરૂપ. લક્ષ્મણ તેને સખત શબ્દોમાં અપમાનિત કરે છે. લોહી નિંગળતા શરીરે એટલે કે અપમાનને કારણે ઉશ્કેરાયેલી સ્થિતિમાં એ અપર ભ્રાતા ખરને મળે છે. ખર ગુસ્સે થાય છે અને રામ લક્ષ્મણ સહિત સીતાને મારવા માટે પોતાના ચુનંદા ચૌદ રાક્ષસોને પંચવટી તરફ મોકલે છે.

રાવણ સાથેના યુદ્ધની શરૂઆત પંચવટીથી થઈ જાય છે. ખરના યોદ્ધાઓને શૂર્પણખા પંચવટી લાવે છે. સીતાનું રક્ષણ કરવાની જવાબદારી લક્ષ્મણને સોંપીને રામે એ રાક્ષસોને લલકાર્યા. ખરને છંછેડવાનું પરિણામ સારું નહિ આવે એમ કહી ચૌદ રાક્ષસો પોતપોતાના ત્રિશૂળ, ખડગ વગેરે આયુધો ઉગામી એકીસાથે રામચંદ્ર પર ધસી ગયા અને ત્રિશૂળોના પ્રહાર લરવા લાગ્યા. પછી રામે પોતાના ચૌદ બાણો વડે તેમના ચૌદે ત્રિશૂળને એકસામટા છેદી નાંખ્યા. બીજા ચૌદ બાણો એકી સાથે છોડ્યાં તે અત્યંત વેગવાળા બાણો ચૌદે રાક્ષસોનાં વક્ષસ્થળ ભેદી રૂધિરથી ખરડાઈ આરપાર નીકળી ગયાં. રાક્ષસો નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પડ્યા તે જોઈને શૂર્પણખા ભયથી થરથરતી ત્યાંથી નાઠી. ખર પાસે જઈને રડવા લાગી. ખરે કહ્યું કે અત્યારે જ તો મારા ખાસ આજ્ઞાંકિત અને બળવાન યોદ્ધા તારી સાથે મોકલ્યા છતાં તું કેમ રડે છે? શૂર્પણખા અતિ ભયભીત છે. કોઈ પણ દિશામાંથી આવીને રામ હમણાં મને મારશે એવો ડર ભરાઈ ગયો છે. જો ખર મોટી સેના સાથે આક્રમણ કરી આ ત્રણેનો નાશ નહિ કરે તો પોતે ખર સમક્ષ પ્રાણત્યાગ કરવાનો નિર્ણય સંભળાવે છે. શૂર્પણખા તમામ પ્રકારે ખરને રામ સાથે લડવા પાણી ચડાવે છે. કહે છે કે તું ખાલી નામનો જ શૂરવીર છે. રામ લક્ષ્મણ બંને ભાઈઓનો નાશ નહિ કરે તો તને આ દંડકવનમાં રહેવાનો પણ અધિકાર નથી.

ખરની આજ્ઞાથી સેનાપતિ દૂષણે ચૌદ હજાર રાક્ષસોની ભયંકર સેના તૈયાર કરી. ખરની આગેવાની હેઠળ કૂચ કરી રહેલા સૈન્યના રથના ઘોંઘાટથી દશે દિશાઓ ગાજી ઊઠી. ચૌદ હજારની સેના જનસ્થાન જવા નીકળી છે તેને અનેક જાતના અપશુકનો થાય છે. કવિ વાલ્મીકિએ અતિ અદભૂત વર્ણન કર્યું છે. રથને જોડેલા ઘોડા, ગળિયા બળદ જેવા કમજોર બની અસહકાર કરવા લાગ્યા. સૂર્યની ફરતે કાળું વર્તુળ દેખાવા લાગ્યું, અતિ દારુણ રૂપવાળો અને પર્વત જેવો મહાકાય ગીધ ખરના મહાધ્વજ પર આવીને બેઠો. કઠોર સ્વરવાળા અનેક પશુ પક્ષીઓ સેના સમક્ષ આવીને ભયંકર નાદ કરવા લાગ્યા. ક્રૂર સ્વરવાળાં શિયાળવાં રાક્ષસોનું અમંગળ સૂચવનારાં ઘોર શબ્દો કરવા લાગ્યાં. ભયંકર મેઘોએ આકાશને પ્રકાશહીન કરી દીધું. રુંવાટા ખડા કરી દે તેવા ભયંકર અંધકારને લીધે દિશાઓ ઓળખવી મુશ્કેલ બની. ભયંકર મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા તોપણ મહા અભિમાની ખર યુદ્ધ કરવાનો નિશ્ચય અકબંધ રાખ્યો. એ હસતાં હસતાં રાક્ષસોને કહેવા લાગ્યો, ‘ હે શૂરવીર યોદ્ધાઓ! હું એ ભયંકર ઉત્પાતોને ગણતો નથી. હું મારાં તીક્ષ્ણ બાણોથી આકાશમાંના તારાઓને પણ નીચે પાડવા સમર્થ છું. હું ક્રોધ પામું તો મૃત્યુને પણ મારી નાંખું તો મનુષ્યરૂપ રામ- લક્ષ્મણની તો વળી શી વિસાત?‘ પંચવટી થોડેક દૂર રહી ત્યારે ખરે પોતાના રથને વેગથી દોડાવ્યો. અને રાક્ષસોની સેનાની મોખરે ચાલવા લાગ્યો.. યુદ્ધ માટે ઉત્સુક સેના અલ્પ સમયમાં રાજપુત્રો રામ- લક્ષ્મણની સમીપ જઈ પહોંચી.

બીજી તરફ, આવી રહેલા સૈન્યની ગર્જના સાંભળીને રામ સચેત થઈ જાય છે. લક્ષ્મણને કહે છે કે તું ધનુષબાણ ધારણ કરીને તથા સીતાને લઈને કોઈ પર્વતની ઘાટાં વૃક્ષોવાળી ગુફાનો આશ્રય કર કે જ્યાં આગળ ક્રૂર રાક્ષસો દુ:ખે કરીને પણ આવી શકે નહિ. હું તને સોગંદ આપીને કહું છું કે હવે તું કાંઈપણ ઉત્તર પ્રત્યુત્તર કર્યા વિના જ નિર્વિલંબે સીતાને લઈને કોઈ નિર્ભય ગુફામાં જા.. લક્ષ્મણે આજ્ઞાનું પાલન કર્યું તેથી રામ ખૂબ રાજી થયા. કવચ ગ્રહણ કર્યું તથા શત્રુનાશક રામચંદ્ર કોપાવિષ્ટ થઈ શસ્ત્ર સજ્જ થઈને આશ્રમની બહાર ઊભા રહ્યા ત્યાં ખર પોતાના સાથીઓ સહિત આવી પહોંચ્યો અને કઠોર ટંકારવવાળું ધનુષ્ય ઉપાડ્યું.

ખર રાક્ષસે રામની સામે જઈ એકસામટાં એક હજાર બાણોની વૃષ્ટિ કરી રામને વ્યથિત કર્યા. ખરે પહેલ કરી એટલે સર્વ રાક્ષસો પણ ભયંકર ક્રોધ કરીને મુદ્ગળ, ત્રિશૂળ, પ્રાસ, તલવાર, ફરસી અગેરે આયુધો વડે રામ પર પ્રહાર કરવા લાગ્યા. રામને હણવા માટે હાથી, રથ અને ઘોડાઓ વગેરે વાહનો પર બેસીને રામ પર ધસી આવ્યા. જેમ મેઘ પર્વતો પર જળધારા વરસાવે તેમ તેઓ રામ પર અસ્ત્ર શસ્ત્રો વરસાવવા લાગ્યા. કેટલાંક અસ્ત્રોના રામચંદ્રના શરીર પર સચોટ પ્રહારો થવાથી તેમનું આખું શરીર રુધિરથી ખરડાઈ ગયું હતું. રામચંદ્ર સંધ્યાકાળના રાતાં વાદળો વડે ઘેરાયેલા સૂર્ય સરખા જણાતા હતા. ચૌદ હજાર સૈનિકોથી ઘેરાયેલા રામની સ્થિતિ અતિ વિકટ હતી પણ શ્રીમાન રામચંદ્ર રાક્ષસોના સંહાર માટે કૃતનિશ્ચયી હતા. અત્યંત ક્રોધયુક્ત થઈ પોતાના ધનુષ્યની પ્રત્યંચા કર્ણપર્યંત ખેંચી ઉપરા ઉપરી સેંકડો અને હજારો બાણો મૂકવા લાગ્યા. તે બાણો પાછાં ન વળે તેવાં, કોઈથી સહન ન થઈ શકે તેવાં અને કાળપાશ સમાન હતાં. આ તીક્ષ્ણ બાણો સૂસવાટા કરતા મહાવેગથી રાક્ષસોની સેના તરફ જવા લાગ્યાં અને રાક્ષસોના દેહને ભેદી આરપાર નીકળી જવાને લીધે લોહીથી રંગાઈને પ્રજ્વલિત અગ્નિ જેવાં લાગતાં હતાં.

રામ રાવણનું યદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ, ‘રામરાવણોર્યુદ્ધ: રામરાવણયોરિવ‘ એને કોઈની ઉપમા ન આપી શકાય, પણ રામનું ખર જોડેનું યુદ્ધ પણ અતિ દારુણ યુદ્ધ હતું. એકલે હાથે ખરની ચૌદ હજારની સેનાનો નાશ થયેલો જોયા પછી ખર ભુંરાટો થયો અને રામની સામે આક્રમણ કર્યું. રામે એને હણ્યો અને જનસ્થાનની ધરતી હરખાઈ ઊઠી. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. એ યુદ્ધ દેવોને પણ હંફાવનારું હતું છતાં, રામે એકલે હાથે જે પરાક્રમ કર્યું. તેનાથી ઋષિઓ હર્ષિત થયા અને રામને આશીર્વાદ આપ્યા.રાક્ષસોનો વિનાશ થયેલો જાણ્યા પછી સીતા સહિત મહાત્મા લક્ષ્મણ પર્વતની ગુફામાંથી નીકળી પોતાના આશ્રમ પ્રત્યે આવ્યા અને રામચંદ્રના ચરણકમળમાં વંદન કરી સુખપૂર્વક આશ્રમમાં પ્રવેશ કર્યો. વિજયી રામચંદ્રના દર્શન કરીને સતીશિરોમણિ સીતાજી અત્યંત હર્ષિત થયાં અને પરમ પ્રીતિપૂર્વક તેમને હૃદય સાથે ચાંપીને સંતોષ પામ્યા.

ચૌદ હજારના સૈન્યમાંથી અકંપન નામનો એક રાક્ષસ જીવતા ભાગી જવામાં સફળ નીવડે છે. તે લંકા જઈને દંડકારણ્યમાં ખેલાયેલા આ ભીષણ યુદ્ધ વિષે રાવણને નિવેદન કરે છે.

દૄષ્ટિકોણ-૪ (પરભુભાઈ મિસ્ત્રી)-રામાયણની ચર્ચાસ્પદ વાતો (૪)

રામાયણની ચર્ચાસ્પદ વાતો (૪)

રામાયણના પાત્રો આદર્શવાદી છે. રામની જ વાત કરીએ તો રામ આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ શિષ્ય, આદર્શ પતિ, આદર્શ નેતા, આદર્શ રાજા હતા. એમણે આદર્શ રાજ્યવ્યવસ્થા ઊભી કરી હતી. હજારો વર્ષ પછી પણ આપણે રામરાજ્યને યાદ કરીએ છીએ, વખાણીએ છીએ અને એવા કલ્યાણ રાજની મનોકામના કરીએ છીએ. મહાપુરુષોના અમુક નિર્ણયો વિષે આજે આપણને શંકા જાગે એ સ્વાભાવિક છે, પણ તેમને સમજવા માટે તે દેશકાળનો વિચાર કરવો પડે. તેમના વર્તનમાં ભૂલ કાઢવા માટે આપણી બુદ્ધિનો ગજ ખૂબ નાનો પડે. રામની જગ્યાએ હું હોઉં તો આમ કરું અને આમ ન કરું એવી શેખી કરવાનો કોઈ મતલબ નથી. રામ કે સીતા મારા વિદ્યાર્થી કે મારા અસીલ હોત તો અમુક પ્રસંગે મેં એમને આવી સલાહ આપી હોત અને તેમને હેરાન થતા અટકાવ્યા હોત એવી દલીલો કરવી એ કેવળ વાણીવિલાસ છે.

રામ વનવાસ એવો જ પ્રસંગ છે જેનાથી સહુ શોકાતુર થયા છે. રામના વિરહથી આખું રાજકુટુંબ તો દુ:ખી છે જ, પણ અયોધ્યા આખી અપસેટ છે. દશરથ તથા કૈકેયી માટે તિરસ્કારની લાગણી ઊભી થઈ છે, પ્રજા ગમે તેવા શબ્દો બોલે છે. લક્ષ્મણ પણ અતિ ક્રોધિત અવસ્થામાં દશરથને કેદ કરી રામને ગાદી પર બેસાડવાની વાત કરે છે, પણ રામ વનમાં જવા ઉત્સુક છે. પિતૃઆજ્ઞા તો જાણે મન માગ્યું વરદાન હોય એ રીતે સહજભાવે સ્થિરબુદ્ધિથી તેઓ વર્તે છે. કોઈનો દોષ તેઓ જોતા નથી. ગંગા પાર કરીને ચિત્રકૂટ પર પર્ણકૂટિ બાંધીને રહે છે. બીજી તરફ મોસાળથી પરત ફરેલો ભરત રાજા દશરથની અંતિમક્રિયા પતાવીને વહેલી તકે રામને અયોધ્યા પાછા તેડી લાવવા કૃતનિશ્ચયી છે. શાસકની હાજરી વિહોણા નગર પર કોઈ આપત્તિ ન આવી પડે તે માટે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા કરીને મોટા કાફલા સાથે રામને વિનવવા જાય છે. ચિત્રકૂટ પર મિલન થાય છે. પુનરાગમન માટે ચર્ચા, સંવાદ ચાલે છે. ભરતની બુદ્ધિકૌશલ્યયુક્ત દલીલોનો સામનો કરવાનું રામ માટે પણ દુષ્કર છે ત્યારે દશરથ રાજાના મંત્રી વર્ગમાંના બ્રાહ્મણોમાં ઉત્તમ એવા એક ‘જાબાલી‘ નામના બ્રાહ્મણે વૈદિક ધર્મથી વિરુદ્ધ એવા નાસ્તિક મતનો આધાર લઈને રામને જે ઉપદેશ કર્યો તે વાત અયોધ્યાકાંડના એકસો આઠમા સર્ગમાં આવે છે જે વિશે આપણા કથાકારો આપણને એક શબ્દ પણ કહેતા નથી. નાસ્તિકવાદ અને રેશનાલિઝમ એ કંઈ આજના કાળની જ ઉપલબ્ધિ નથી. રામના વખતમાં પણ રેશનાલિસ્ટો હતા. લોકો મહદઅંશે ધર્મનું પાલન કરવાવાળા હતા એટલે એમનું કંઈ ઉપજતું નહોતું એ જુદી વાત છે, પણ તેમનું અસ્તિત્વ તે જમાનામાં પણ હતું.

જાબાલી પોતે કંઈ નાસ્તિક નહોતા, પણ અતિ પ્રભાવી નાસ્તિક વિચારધારાયુક્ત દલીલો કરીને રામનો નિશ્ચય ફેરવવાના સાધન તરીકે એનો ઉપયોગ કરે છે. બુદ્ધિ અને તર્કથી કરાયેલી એ દલીલો સાંભળીને ગમે તેવા ધર્મજ્ઞ પુરુષનું મન પણ સંશયમાં પડી જાય એવી મોહકતા એમાં રહેલી છે. ચારુ એટલે મધુર વાક્યો દ્વારા મોહ પમાડે એવી દલીલ કરનાર ચાર્વાક દર્શન એ માણસની બુદ્ધિને ભ્રમિત કરનારું દર્શન છે. તે વેદ બાહ્ય હોવાથી સત્પુરુષો તેને માન્ય રાખતા નથી. જાબાલીનો આશય શુભ હતો. દલીલો વડે રામને પીગળાવીને તેમને અયોધ્યા પાછા લાવવાનો હતો.

જાબાલી રામને કહે છે, ‘ હે રાઘવ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા અને તપસ્વી એવા તમને આવી પ્રાકૃત મનુષ્યના સરખી, પિતાનું વચન પાળવારૂપ ધર્મને માનનારી, નિરર્થક બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? એવી બુદ્ધિ તમને ન થાઓ. આ જગત વિષે કોણ કોનો બંધુ છે અને કોઈને કોઈના સંબંધથી શું પ્રાપ્ત થાય છે? જીવ એકલો ઉત્પન્ન થાય છે અને એકલો જ વિનાશ પામે છે; માટે હે રામ! જે પુરુષ આ મારી માતા છે તથા આ મારા પિતા છે એવું જાણી તેમને વિષે આસક્ત થાય છે તેને ઉન્મત્ત જ જાણવો, કેમકે આ જગતમાં કોઈ કોઈનું નથી. હે કાકુત્સ્થ! જે રીતે કોઈ મનુષ્ય મુસાફરી કરતા માર્ગમાં આવતા કોઈ ગામમાં ઉતારો કરે અને બીજે દિવસે તે ગામનો ત્યાગ કરી ચાલ્યો જાય તે રીતે મનુષ્યમાત્રના પિતા, માતા, ગૃહ તથા દ્રવ્ય વગેરે ઉતારારૂપ જ છે. આમ હોવાથી સજ્જન મનુષ્યો તેનાથી આસક્ત થતા નથી. હે નરોત્તમ! તમે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્યનો ત્યાગ કરીને અનેક ખાડા ખાઈઓવાળા અને ઘણા કાંટાવાળા દુ:ખરૂપ વનમાર્ગનું સેવન કરવા યોગ્ય નથી.તમારો દશરથ રાજા સથે કંઈપણ સંબંધ નથી પછી તમે શા માટે રાજ્યરૂપ સ્વાર્થથી ભ્રષ્ટ થાઓ છો? હે રામ! આ જગત વિષે જે જે પુરુષો પ્રત્યક્ષ પ્રાપ્ત થતાં સુખોનો ત્યાગ કરી માત્ર પરોક્ષ ધર્મનું જ સેવન કરે છે, તેઓનો હું ઘણો શોચ કરું છું.‘

જાબાલી ચાર્વાક મતનો આધાર લઈને બીજી વાતો પણ કરે છે. જેમ કે, ‘મૃત્યુ પામનાર માટે શ્રાદ્ધ કરવું એ અન્નનો મિથ્યા બગાડ છે. મૃત્યુ પામનાર માણસ તે શ્રાદ્ધાન્ન ખાવાનો નથી. ભસ્મિભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત:. આ લોકમાં કોઈએ ભોજન કરેલું અન્ન કોઈ બીજાના ઉદરમાં જતું હોય તો મુસાફરી કરનારને સાથે ભાથું લઈ જવું નહિ પડે અને ભાર પણ ઉપાડવો પડે નહિ! પરંતુ તેવું ક્યાંય જોવા મળતું નથી તેથી મરનારની તૃપ્તિ માટે તેની પાછળ કરાતાં શ્રાદ્ધાદિ કર્મો મિથ્યા છે. હે રામ! વ્યાપાર અને ઉદ્યોગ કરવામાં પરિશ્રમ પડતો જોઈને હરામ હાડકાંના કેટલાક ચતુર લોકોએ વિના શ્રમે આજીવિકા ચલાવવા સારુ અને બુદ્!હીન મનુષ્યાને છેતરીને તેમની પાસથી અર્થોપાર્જન કરવા સારુ દાન વગેરે કર્મો કરવાના ઉપદેશથી ભરેલા અનેક ગ્રંથો રચ્યા છે. હે રામ! પ્રત્યક્ષ દેખાતી વસ્તુ સત્ય જ છે એમ કહેનારા સત્પુરુષોની બુદ્ધિ કે જે સર્વ લોકને સંમત છે, તેનું જ અવલંબન કરી તમે ભરતની યાચના મુજબ રાજ્યનો સ્વીકાર કરો!‘

સ્વાભાવિક છે કે ધર્મજ્ઞ રામ જાબાલીની દલીલો શાસ્ત્રસંમત ન હોવાથી તેનો અસ્વીકાર કરે છે. ચાર્વાક મત ઉપર ઉપરથી પ્રમાણભૂત જેવો ભાસે છે, પણ પરમાર્થ દૃષ્ટિએ વિચાર કરતાં તે કેવળ અકાર્ય અને દુ:ખરૂપ છે. સત્પુરુષોએ માન્ય કરેલા સત્ શાસ્ત્રોને દૂર મૂકી તેનાથી ઊલટાં શાસ્ત્રોમાં પ્રીતિ રાખનારો પુરુષ સજ્જનોના સમાજમાં કદી માન પામતો નથી. રામ કહે છે કે, ‘ જે જાબાલી! તમે કહેલા, લોકને ભ્રષ્ટ કરનારા એ અધર્મ માર્ગને ધર્મરૂપ માનીને સ્વીકાર કરું તો વેદોક્ત વિધિમાં દર્શાવેલી ક્રિયાનો ત્યાગ કરવાથી મારું અકલ્યાણ જ થાય. રાજાઓ જેવા આચરણવાળા હોય છે તેવાજ આચરણવાળી પ્રજા પણ થાય છે.‘

અત્યંત પરાક્રમી રામચંદ્રે જાબાલૌને નાસ્તિક ગણીને જ્યારે તેમના પ્રત્યે અતિ તિરસ્કારયુક્ત નિંદાવચનો કહ્યા, ત્યારે લજ્જિત થયેલા મહર્ષિ જાબાલી અત્યંત નમ્રપણે કપટરહિત અને યથાર્થ એવાં આસ્તિક મતનોં વચન કહેવા લાગ્યાં, ‘હે રામચંદ્ર! હું નાસ્તિક મત સારી રીતે જાણું છું. તેથી ધર્મસંકટ પ્રાપ્ત થયે કોઈવેળા આવા નાસ્તિક મતના વચનોનો ઉપયોગ કરું છું.કાંઈ સદા- સર્વદા એવાં વચનો બોલતો નથી. તેથી હું નાસ્તિક છું એમ તમારે માનવું યોગ્ય નથી.‘

સીતા વિશે ફરીથી થોડીક વાત કરી લઈએ. જનક રાજાએ યજ્ઞ કરવા માટે ક્ષેત્રની ભૂમિ શુદ્ધ કરવાના આશયથી હળ વડે પૃથ્વીને ખેડવા માંડી. તે વેળા હળની અણી વડે ખોદાતી પૃથ્વીમાંથી એમને એક કન્યા મળી આવી હતી. હળની પદ્ધતિનું નામ સીતા હોવાથી એ કન્યાનું નામ સીતા રાખવામાં આવ્યું. સીતાના જન્મદાતા માતા પિતા વિષે કંઈ ખબર ન હોવાથી અને એ જમીન પરથી મળી આવી હોવાથી એ ધરતીપુત્રી તરીકે ઓળખાય છે. આપણા ખેડૂતોને પણ આપણે ધરતીપુત્રો કહીએ છીએ. આપણે બધાં જ ધરતી માતાના સંતાનો છીએ, પણ સીતાને આપણે ધરતીમાંથી પેદા થયેલી સમજીએ છીએ! સીતા અયોનિજ છે એનો અર્થ એ નથી કે એનો જન્મ કોઈ સ્ત્રીની કૂખેથી નથી થયો. આપણા સૌની જેમ એ પણ એની માતાના ગર્ભશયમાં વિકાસ પામી છે અને માતાની કૂખેથી જ જન્મી છે; એના માતા પિતાનો પત્તો ન હોવાથી એ અયોનિજ નથી થઈ જતી. ધરતીના ઉછંગે કોઈ જીવ ઉછરે તેનો અર્થ એ નથી કે ધરતીએ એને જન્મ આપ્યો. એના માતા પિતા વિષે કોઈ વાદ વિવાદ ન થાય, કોઈ વાર્તા જોડી નહિ કાઢે એ માટે એને અયોનિજ કહીને વાલ્મીકિજીએ ચર્ચા પર પડદો પાડી દીધો છે. આપણે તો એને જનકપુત્રી તરીકે જ ધ્યાનમાં રાખવાની છે. એ ધરતીપુત્રીને અંત સમયે પૃથ્વી પોતાનામાં સમાવી લે છે એ ઘટના ચમત્કારિક લાગે છે. દંતકથા મુજબ સીતાની દર્દભરી પ્રાર્થના સાંભળીને ધરતી ફાટી પડી, તેમાંથી એક આસન બહાર આવ્યું, સીતાજી તેના પર બેઠા અને ધરતીએ એને પોતાનામાં સમાવી દીધી. ઈતિહાસકાર વાલ્મીકિજીએ અહીં સાહિત્યકારની ભૂમિકા ભજવી છે. સીતાજીએ કોઈ ખીણમાં ભૂસકો માર્યો કે પછી ક્યાંક ભુગર્ભમાં ચાલ્યા ગયા એવા તર્કની સમાપ્તિ કરીને સજીવારોપણ અલંકાર પ્રયોજી એમના દેહાંતને ગરિમા બક્ષી છે. આજે પણ કોઈ માણસનો ક્યાંય પત્તો ન મળે ત્યારે આપણે શબ્દપ્રયોગ કરીએ છીએ કે એ વ્યક્તિ ક્યાં ગઈ હશે, આકાશમાં ઊડી ગઈ કે ધરતી એને ગળી ગઈ?

  માત્ર સીતાજીની જ અગ્નિપરીક્ષા નથી થઈ. આજે પણ પ્રસંગોપાત આપણી અગ્નિપરીક્ષા થતી રહી છે. અગ્નિપરીક્ષા એટલે અત્યંત આકરી કસોટી. અત્યંત ભરોસાપાત્ર વ્યક્તિ તરફથી, નિર્દોષ માણસ પર, કલ્પના પણ ન કરી હોય એવા પ્રકારના ભયંકર આરોપો મૂકાય, વગર પૂરાવે એને દોષિત જાહેર કરાય, એને જાહેરમાં સતત અપમાનિત કરાય ત્યારે માણસને મરવા જેવું લાગે. મરી પણ ન શકાય અને જીવી પણ ન શકાય એવી સ્થિતિમાં માણસને એમ કહેવામાં આવે કે  તું તારી નિર્દોષતાની ખાતરી કરાવ. માણસ સોગંદપૂર્વક પોતે નિર્દોષ છે એમ જણાવે પણ કોઈને એના પર ભરોસો જ ન હોય એ તે કેવી કસોટી? અગ્નિ વગર જ સળગી રહેલા માણસને માટે લાકડાંની ચિતા ખડકવાની કે તેમાં અગ્નિ પ્રગટાવવાની ક્યાં જરૂર રહે છે?

દૄષ્ટિકોણ-3 (પરભુભાઈ મિસ્ત્રી)-રામાયણની ચર્ચાસ્પદ વાતો (3)

રામાયણની ચર્ચાસ્પદ વાતો (૩)

             રાવણની લંકા નગરી સોનાની હતી એમ કહેવાય છે. દ્વારિકા પણ સોનાની હતી. આજે અમેરિકાને પણ સોનાની લંકા તરીકે ઓળખવામાં આવે છે. તો શું ત્યાંની ધરતી, ત્યાંના પહાડો, વૃક્ષો, મકાનો બધા સોનાના હશે? કહેવાનો મૂળ મુદ્દો તો એ જ કે લંકા સમૃદ્ધ નગરી હતી. સુખસગવડના તમામ સાધનો ત્યાં સહજ પ્રાપ્ય હતા. કોઈ વાતની અછત નહોતી. જ્યાં સમૃદ્ધિ હોય ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ જડબેસલાક રહેવાની. ગુંડા, મવાલી, લુંટારા અને આતંકવાદીઓનો ડોળો સમૃદ્ધ પ્રદેશો પર સતત ફરકતો જ રહેવાનો. સિક્યોરિટીમાં બાકોરાં પાડવાના હરકોઈ પ્રયત્નો તેઓ કરતા જ રહેવાના. લંકેશ રાવણ મહાજ્ઞાની, વિજ્ઞાની અને પરાક્રમી હતો. આખી પૃથ્વી પર એનું રાજ્ય હતું અને ઠેર ઠેર એના થાણા હતા. લંકા એની રાજધાની હતી. દેવોને પણ ઈર્ષ્યા આવે એ રીતે લંકાને એણે પોતાની રીતે ડેવલપ કરી હતી. વાલ્મીકિ રામાયણમાં અને તુલસી રામાયણમાં પણ એનું મનોહારી વર્ણન વાંચવા મળે છે. બચપણમાં વાર્તા સાંભળી હતી કે દેવોને પણ એણે ગુલામ બનાવ્યા હતા. વા વાસીદુ કરે અને વરુણદેવ પાણી ભરે! મતલબ કે પ્રકૃત્તિના તમામ તત્ત્વો પર એનો કાબુ હતો. પ્રકૃત્તિના નિયમોને ઓળખીને જનસુખાકારી માટે તેનો સદુપયોગ કર્યો હતો. રાવણ માટે વાલ્મીકિ ‘મહાત્મા‘ વિશેષણ વાપરે છે. થોડાક દુર્ગુણો ન હોત તો અવતારી પુરુષમાં ગણના પામે એટલી બધી સિદ્ધિ એણે પ્રાપ્ત કરી હતી. વેદોનું ગાન કરતી વખતે બ્રાહ્મણો હાથ ઊંચા નીચા કરીને જે વિવિધ મુદ્રાઓ ઊભી કરે છે તેને સ્વર કહેવામાં આવે છે. વેદમંત્રો બોલવાના આ સ્વર એ રાવણનું પ્રદાન છે એમ કહેવાય છે. એવો વેદપંડિત રાવણ હનુમાન, અંગદ અને સુગ્રિવ જેવા વાનરકૂળના આદિવાસીઓને કોઈ ગણતરીમાં જ નહિ લે એ સ્વાભાવિક છે. જ્ઞાન, ભક્તિ અને પરાક્રમમાં રાવણની બરોબરી કરનાર વિશ્વભરમાં કોઈ નહોતું. ‘એક: અહમ્, ન દ્વિતીય:‘ એમ કહેવાનો રાવણને સંપૂર્ણ અધિકાર હતો. રાવણે સ્વબળે મેળવેલી સિદ્ધિ બદલ એનામાં અભિમાન ન આવે તો જ નવાઈ.

આ રાવણ જ્યારે યુદ્ધમાં પરાસ્ત થયો અને મૃત્યુશૈયા પર મોતની ઘડીઓ ગણી રહ્યો હતો ત્યારે ભગવાન રામ લક્ષ્મણજીને આજ્ઞા કરે છે કે ‘જ્ઞાનનો સૂરજ અસ્તાચળે જઈ રહ્યો છે, એના મૃત્યુ સાથે અમૂલ્ય જ્ઞાન પણ વિલીન થઈ જાય એ પહેલાં એની પાસે જઈને વિનમ્રતાથી જ્ઞાન પ્રાપ્ત કરી લાવ‘. મૃત્યુની સાથે શત્રુતાનો હવે અંત આવે છે. ગુણોનું પૂજન અને સત્કાર થવો જોઈએ. આ છે મહાપુરુષોની હૃદયની ઉદારતા.

 આ રાવણ વિષે ક્યારેક એવી વાતો રજુ થાય છે કે એ રામનો ભક્ત હતો, રામને એ શત્રુભાવે ભજતો હતો! શત્રુભાવે ભક્તિ કરવાની કોઈ રીત ભક્તિશાસ્ત્રમાં ક્યાંય જાણવા નથી મળી. માણસ જેની ભક્તિ કરતો હોય તે આરાધ્યની પત્નીનું જ અપહરણ કરવું એ વળી ક્યાંની ભક્તિ? અધિકૃત ગ્રંથો વાંચવાને બદલે દંતકથાઓ વાંચવાને કારણે બુદ્ધિમાં ગરબડ સર્જાય છે.

 રામકથામાં રામસીતાના વિવાહનો પ્રસંગ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવે છે. જે પ્રચંડ શિવધનુષ્યનો ઉપયોગ સીતા બાળપણમાં રમતી વખતે કરતી હતી તે ધનુષ્યની પણછ જે ચડાવે તેની સાથે સીતાનો વિવાહ કરવાની જનક રાજાની પ્રતિજ્ઞા હતી. અનેક રાજાઓ નસીબ અજમાવી ચૂક્યા હતા, પણ એ ધનુષ્ય કોઈથી ઉંચકાયું નહોતું. રામ –લક્ષ્મણને સાથે લઈને આવેલા વિશ્વામિત્રે એ ધનુષ્ય રામને બતાવવાની ઈચ્છા પ્રગટ કરી એટલે આઠ પૈંડાવાળી એક મોટી લોખંડની પેટી કે જેમાં એ ધનુષ્ય રાખવામાં આવેલું હતું તેને ખેંચી લાવવામાં આવી. ઘણા વરસો પછી નગરના લોકોએ એ જોયું કારણ કે, અદ્યાપિ કોઈ વીર એને સજ્જ ન કરી શકવાથી એને પેટીમાં રાખવામાં આવ્યું હતું. એ ઉત્તમ ધનુષ્ય રાજકુમારોને દેખાડવાની વિશ્વામિત્રને અનુમતિ આપવામાં આવી અને વિશ્વામિત્રજીએ રામને એની પણછ ચઢાવવાની આજ્ઞા આપી. રામચંદ્રે ધનુષ્યને મધ્યભાગથી પકડીને ઉંચક્યું, એક છેડાને જમણા પગના અંગુઠાથી ટેકવી જરા વારમાં પણછ ચડાવી દીધી. એ રીતે ધનુષ્ય સજ્જ કરીને પોતાના બંને હાથમાં પકડી કર્ણ પર્યંત ખેંચવા જાય છે ત્યાં કડડડ શબ્દ સાથે એના બે કટકા થઈ ગયા. એ સમયે વજ્રના નાદ સમાન ઘોર શબ્દ થયો. જોવા આવેલા નગરજનો મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. બધા સ્વસ્થ થયા પછી જનક રાજાએ રામ સાથે સીતાને પરણાવવાની જાહેરાત કરી અને દૂતોને અયોધ્યા મોકલ્યા. રથ વગેરે વાહનો પર બેસીને ત્રણ દિવસ પછી તેઓ અયોધ્યા પહોંચ્યા અને જનકે આપેલી કુમકુમ પત્રિકા આપી મંગલ સમાચાર પહોંચાડ્યા. કથામાં વર્ણવવામાં આવે છે તેમ રાજાઓનો કોઈ સમુદાય ત્યાં હાજર નહોતો. સીતા પણ વરમાળા હાથમાં લઈને ઊભી હોય એવું કોઈ વર્ણન વાલ્મીકિ રામાયણમાં આવતું નથી. રાજાઓ બળવો કરે છે તે વેળા ક્રોધનો અવતાર એવા પરશુરામ હાથમાં પરશુ લઈને પૃથ્વીનો સંહાર કરવા એકાએક પ્રગટ થાય એવું રૌદ્રરસભર્યું ચિત્ર કથાકારો ઊભું કરીને ભાવિકોના જીવ અધ્ધર કરી દે છે, એ વાક્છટા સિવાય બીજું કંઈ નથી. લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે થતું વાગ્યુદ્ધ પણ કાલ્પનિક છે અને બ્રાહ્મણ- ક્ષત્રિય વર્ગ અપમાનિત થાય એવા શબ્દબાણો વર્ષાવવાનું કોઈ રીતે ઉચિત પણ નથી. અયોધ્યાથી જાન આવે છે. ચારે ભાઈઓનો વિવાહ સંપન્ન થાય છે પછી પરશુરામનું આગમન થાય છે, મુનિ અતિ ક્રોધિત છે, રામ સાથે જ સીધી દલીલો થાય છે, લક્ષ્મણજી ચિત્રમાં આવતા જ નથી. પરશુરામ શાંત થાય છે અને આનંદમંગળ સાથે જાન અયોધ્યા પાછી ફરે છે.

 હવે, આ પરશુરામ માટે કહેવાય છે કે એમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી નાખી હતી. એક વખત જ પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી નાખી હોય તોયે શંકા ઉદભવે કે બીજીવાર  ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? માની લઈએ કે ગર્ભસ્થ શિશુઓ પર દયા લાવીને તેનો નાશ ન કરાયો હોય, તોયે વીસ એકવીસમા રાઉન્ડ સુધીમાં તો મૂળિયાં સાફ થઈ જવા જોઈએ. દશરથ અને જનક કેવી રીતે બચી ગયા? અને બચી ગયા એટલે જ નક્ષત્રિય કર્યાની વાત ખોટી ઠરે છે. મતલબ કે જે ક્ષત્રિય રાજાઓ સત્તાથી મદોન્મત્ત થયા હતા તેમને પરશુરામે કંઠસ્નાન કરાવ્યું હશે. જેઓ સાત્વિક પ્રકૃતિના રાજા હતા તેમની જોડે મૈત્રી કરી હશે. આ પરશુરામ પાસે મહાભારતનો કર્ણ પણ બાણવિદ્યા શીખે છે. રામાયણ અને મહાભારતના કાળ વચ્ચે ખાસ્સું અંતર છે, એટલા બધા વરસ પરશુરામ જીવ્યા હશે? દેવર્ષિ નારદ પણ દરેક યુગમાં દેખાય છે, તેઓ પણ અમર હશે? સાત ચિરંજીવીઓમાં એમનું નામ તો આવતું જ નથી! એક મત મુજબ આદિ શંકરાચાર્યનો જન્મ આઠમી સદીમાં થયો અને આજે પણ શંકરાચાર્યો હયાત છે. અહી શંકરાચાર્ય એ વ્યક્તિ નથી પણ પરંપરાનું નામ છે. જે પીઠાધીશ બને તેને શંકરાચાર્ય કહેવાય તે રીતે વ્યાસ, વસિષ્ઠ, નારદ, પરશુરામ એ પણ પરંપરા હશે એમ માની શકાય, બાકી મનુષ્યનું આયુષ્ય હજારો વરસનું તો હોઈ જ ના શકે. પૌરાણિક વાર્તા મુજબ ઈન્દ્રાસન પર જે બેસે તે ઈન્દ્ર! એવા કેટલાયે ઈન્દ્રો થઈ ગયા. કનૈયાલાલ મુનશી લખે છે કે ઈન્દ્ર ખરાબ નથી, ઈન્દ્રાસન ખરાબ છે. સત્તા માણસને મદાંધ બનાવે છે, સત્તા પરથી ઊતરી ગયેલો માણસ તો એકદમ શાણો જ હોય છે!

મૈત્રી કરાર મુજબ સુગ્રિવે સીતાજીની શોધ કરવામાં મદદ કરવાની હતી, પણ તેમાં વિલંબ થયો. લક્ષ્મણ ક્રોધિત થયા. હનુમાનજીની સમયસૂચકતા અને મુસદ્દીથી સુગ્રિવને રાહત થાય છે. પછી તે જુદી જુદી દિશામાં રહેતા વાનરોના યૂથપતિઓને તાબડતોબ હાજર થવાનો સંદેશો મોકલાવે છે. સૈન્ય એકત્રિત થયું એટલે જુદી જુદી ટૂકડી પાડીને તેની સરદારી સોંપાય છે. રામે સુગ્રિવને હૃદયસરસો ચાંપીને કહ્યું કે ‘ આ સૈન્યના પ્રભુ તમે છો, સૈન્ય તમારું છે અને તમારે જ વશ વર્તનારું છે. તમારે જ તેને આજ્ઞા આપવી ઉચિત છે. પ્રથમ વાત તો જનકનંદિની સીતા જીવતી છે કે નહિ તેની તથા રાવણ કયા સ્થળે વસે છે તેની ભાળ મેળવ. ત્યારબાદ તારી સહાયથી સમયને અનુસરીને કે કાર્ય કરવું યોગ્ય લાગશે તે કરીશ. આ કાર્યમાં તમે જ સમર્થ છો, હું અથવા લક્ષ્મણ કોઈ રીતે સમર્થ નથી. હે સુગ્રિવ! અત્યંત પરાક્રમી, બુદ્ધિશાળી,, દેશકાળને જાણનારો તથા મારા હિતમાં તત્પર રહેનારો, સ્નેહવાળો, હિતોપદેશ કરનારો અને સત્યાસત્યનો નિર્ણય કરનારાઓમાં શ્રેષ્ટ એવો તું આ વચનને વિષે મને ખરેખર લક્ષ્મણ સરખો જ બીજો બંધુ મળી આવ્યો છે‘

આજે રામકથા કે ભાગવતકથા બેસાડવાનો ઉદ્દેશ કેવળ નાણા એકત્રિત કરવાનો છે. લોકોનું અને શ્રીમંતોનું મનોરંજન કરીને તેમના પૈસા ખંખેરવાના ક્ષુલ્લક હેતુથી પારાયણો થાય છે. એ નાણાંનો સદુપયોગ કે દુરૂપયોગ થાય એ વાત બે નંબરની છે એટલે કે ગૌણ છે. જેના પાયામાં જ ભગવાનને બદલે પૈસો હોય તેમાં કોઈ દમ રહેતો નથી. ઈશ્વરપ્રીતિ વધારવા કે દેશના સાંસ્કૃતિક ઈતિહાસ પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો કોઈ પ્રામાણિક પુરુષાર્થ જ નથી, નહિ તો સુગ્રિવે જુદા જુદા યૂથપતિઓને ચારે દિશામાં મોકલતા પહેલાં તે વખતની ભૂગોળ સમજાવીને જે સૂચનાઓ આપી તે વાંચીને ખૂદ રામજી વિચારમાં પડી જાય છે કે સુગ્રિવને આખા વિશ્વની જમીન, જંગલો, જંગલોમાં થતી સારી નરસી વનસ્પતિ, રણપ્રદેશો, તળાવ, સરોવરો, નદી, સમુદ્રો, તેના જળચરો અને તેની વિશિષ્ટતાનું જ્ઞાન કેવી રીતે થયું હશે. આ બધી માહિતી આશ્ચર્યજનક છે. સુગ્રિવ જવાબ આપે છે કે વાલી મારા પ્રાણનો વેરી બની મને મારવા દોડ્યો ત્યારે તેના ભયથી બચવા મેં એકે દિશા બાકી ન રાખી. આ સૃષ્ટિ પર એકેય પ્રદેશ મારા માટે અજાણ્યો નથી. જીવ બચાવવા હું ભાગ્યો ત્યારે આ બધું મારા જોવામાં આવ્યું. છેલ્લે ઋષ્યમૂક પર્વત પર હું સલામતી શોધી શક્યો.

રામકથા કે ભાગવતકથાથી જો આપણને શ્રીરામ અને શ્રીકૃષ્ણ માટે હૃદયમાં પ્રેમ જાગતો હોય તો એ સારી વાત છે, પણ તે સાથે એ મહામાનવોએ માનવજાત માટે કપરા સંજોગોમાં જબરદસ્ત પુરુષાર્થ કરીને કેવો ઈતિહાસ સર્જ્યો તે જાણવાની ઉત્કંઠા પણ જાગૃત થવી જોઈએ. વાલ્મીકિ રામાયણ અને વેદવ્યાસ રચિત મહાભારત એ વિશ્વના મહાકાવ્યો તો છે જ, પણ તેમાં સાહિત્યરસ ઉપરાંત જીવનને ઊર્ધ્વગામી બનાવનારા તત્ત્વજ્ઞાન તથા ભારતને જગદગુરુનું સ્થાન અપાવનાર મહાન વૈદિક સંસ્કૃતિનો ઈતિહાસ પણ સચવાયેલો છે તે જાણવાનો અભિગમ કેળવાવો જોઈએ.

દૄષ્ટિકોણ-૨ (પરભુભાઈ મિસ્ત્રી)-રામાયણની ચર્ચાસ્પદ વાતો (૨)

રામાયણની ચર્ચાસ્પદ વાતો (૨)

                    દૂરદર્શન પર આવતી રામાનંદ સાગરની રામાયણ સિરિયલે ભારતની જનતા પર ભારે કામણ કર્યું હતું. અઠવાડિયામાં એક કલાક માટે પ્રસારિત થતી આ સિરિયલને કારણે તે સમયે સ્વયંભુ કરફ્યુ લાગી જતો હતો. ઘરનું તમામ કામ પડતું મૂકીને લોકો ટી.વી. સેટ સામે બેસી જતા હતા. હાઈવે સુદ્ધાં સૂમસામ બની જતો હતો. રામાયણના પાત્રોને ટીવીના પડદા પર બોલતા ચાલતા જોવાનો લ્હાવો લેવાની તક કોઈ ગુમાવવા નહોતું માંગતું. કિષ્કિંધા કાંડની વાત શરૂ થાય છે અને વાલી, સુગ્રિવ, હનુમાનજી, અંગદ જેવા વાનરકૂળના વીરોની કથા શરૂ થાય છે. જાંબુવંત જેવા રિંછ કૂળના મુત્સદ્દી મહાપુરુષ અને નલ- નીલ જેવા આર્કિટેકની વાર્તા રજુ થાય છે. હનુમાનજીની માતા અંજનિદેવી પણ પડદા પર રજુ થાય છે. પ્રેક્ષકો ધ્યાનમગ્ન થઈને એકેએક દૃશ્ય પોતાના મનમાં અંકિત કરી રાખવા ઉત્સુક છે. જેથી અવારનવાર તેને યાદ કરીને એ દૃશ્યને માણી શકે.

                   બરાબર એ જ અરસામાં એક સ્થળે રામકથાનું આયોજન થાય છે. અત્યંત લોકપ્રિય અને જ્ઞાની તથા પ્રભાવી કથાકારને ભાવિકો અત્યંત ઉમળકાભેર સાંભળી રહ્યા છે. લોકોના મનમાં કેવા કેવા સવાલો ઊભા થતા હોય છે તેનો નમુનો પેશ કરતા કથાકાર કહે છે, ‘એકવાર એક યુવાન મારી પાસે આવ્યો. મને સવાલ કર્યો કે ‘બાપુ, મારા મનમાં એક પ્રશ્ન છે તેનો ખુલાસો હું આપની પાસેથી મેળવવા માગું છું. રામાયણ સિરિયલમાં હનુમાનજીને પૂંછડું છે, જ્યારે એમની માતા અંજનિને પૂંછડું નથી, આવું કેમ?‘ મેં એને કહ્યું કે ‘તને મૂંછ છે અને તારી માતાને મૂંછ નથી, આમ કેમ, તેનો જવાબ પહેલા તું મને આપ પછી હું તારી શંકાનું સમાધાન કરું! એ પછી એ યુવાન ગયો તે ગયો, આજ સુધી મારી પાસે આવ્યો નથી!‘ શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પ્રશ્ન રજુ કરનાર એ અજાણ્યો યુવાન જાણે ગુનેગારની કક્ષામાં આવી ગયો. વાક્ચાતુરીથી કોઈને બોલતો બંધ કરી દેવો એ એક વાત છે અને તાર્કિક જવાબ આપવો એ જૂદી વાત છે. જ્યારે જ્યારે જિજ્ઞાસુઓ તરફથી શંકા રજુ કરવામાં આવી છે ત્યારે આપણા મહાન પંડિત લોકોએ તેમને ઉતારી પડવાની કોશિષો કરી છે. તેમને ચૂપ કરી દઈને મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ પોતાનો પ્રભાવ પાડવા માટે તે ઘટનાનું વર્ણન કરવામાં આવે છે, આ બહુ ઘાતક રીત છે; આ અભિગમ બદલાવો જોઈએ.

                    નાના બાળકોને રામાયણના પાત્રો વિશે ભણાવતી વખતે હનુમાનજી અને બીજા વાનરોને પૂંછડી હોય તેવા ચિત્રો બતાવાતા હોય છે અને લંકામાં હનુમાનજીનું પૂંછડું સળગાવવામાં આવ્યું, સળગતા પૂંછડા સાથે હનુમાનજી આખી લંકામાં ફરી વળ્યા અને લંકાદહન કર્યું એવી વાર્તા પણ સંભળાવવામાં આવે છે. બાળકોમાં ઉત્સુકતા જગાવવા એવી વાત થતી હોય અને બાળકો એને યથાતથા સાચી સમજી બેસતા હોય તો એમની વય જોતાં એ ક્ષમ્ય છે, પણ સાત વરસની ઉંમરે સાંભળેલી વાતને સાંઠ વરસ સુધી એ જ સ્વરૂપમાં સાચી માનતા બેસી રહીએ તો એમ કહેવું જોઈએ કે આપણે હજી બાળકના બાળક જ રહ્યા! આપણો બૌદ્ધિક વિકાસ એક મિલીમીટર જેટલો પણ વધ્યો નહિ. આ બહુ દુ:ખદ વાત છે.

                    આપણે ત્યાં જાયન્ટ ગૃપ અને લાયન્સ ગૃપ જેવી સંસ્થાઓ સમાજસેવાનું કામ કરતી રહેલી છે. જાયન્ટ એટલે રાક્ષસ અને લાયન એટલે સિંહ. જાયન્ટ ગૃપના મહાનુભાવોને આપણે રાક્ષસ નથી સમજતા અને લાયન્સ ગૃપના સજ્જનોમાં સિંહત્વ હોય તો પણ એમને જાનવર સમજવાની ભૂલ આપણે નથી કરતા. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આપણે ત્યાં રમવા આવે અને મેચનું રિઝલ્ટ આવે ત્યારે અખબારોમાં હેડિંગ બંધાય કે ભારતની ક્રિકેટ ટીમે કાંગારુઓને ચાર વિકેટે હરાવ્યા! વાસ્તવમાં કાંગારુ પ્રાણીઓની કોઈ ક્રિકેટ ટીમ નથી હોતી. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીસ સૈનિકોને વાંદરા અને રશિયન સૈનિકોને રીંછ નામે ઓળખાવાતા હતા. તેથી તેઓ માણસ નહોતા મટી જતા. આપણે ત્યાં નાગ જાતિના લોકો રહે છે અને નાગાલેન્ડ નામનું તેમનું એક અલગ રાજ્ય પણ અસ્તિત્વ ધરાવે છે, તેનો અર્થ એ નથી કે તેઓ બધા સાપ થઈ ગયા. ચીનને ડ્રેગન તરીકે ઓળખાવાય છે, એ સૌ જાણે છે. વિવિધ સમુદાયો વિષે પ્રાણીઓના સંકેતથી ઉલ્લેખ થતો આવ્યો છે. આ બધું તો સમજાય છે પણ હનુમાનજી, વાલી, સુગ્રિવ વગેરે માણસો નહોતા, પણ વાંદરા જ હતા એવી ગેરસમજ આપણા મગજમાંથી હજી દૂર થતી નથી એ બાબત ચિંતાજનક છે.

             વાંદરાને કોઈ ભાષા નથી હોતી. તેઓ માણસની જેમ વાત નથી કરી શકતા. વાંદરાઓ તેમની સંસ્કૃતિ નથી વિકસાવી શક્યા. તેમની કોઈ સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા નથી હોતી તેમના કોઈ ગામ કે નગરો નથી હોતા, જ્યારે રામાયણના વાનરોનું તો આખું સામ્રાજ્ય હતું. તેમના પરિવારો હતા. તેઓ યુદ્ધકળામાં અને બીજી વિદ્યાઓમાં પારંગત હતા. જટાયુ અને સંપાતિ અવકાશવીરો હતા અને તેઓ ગગનવિહાર કરતા રહેતા તેથી તેમનું વર્ણન ગીધ તરીકે કરવામાં આવ્યું. ખોટકાયેલા અવકાશ યાન સાથે પડેલા જટાયુએ વિમાન માર્ગે જતા રાવણ સાથે યુદ્ધ કર્યું અને ઘાયલ થઈને જંગલમાં પડ્યો.  સૂર્યની પ્રદક્ષિણા કરવા નીકળેલા સંપાતિનું અવકાશયાન સ્કાય લેબની જેમ દક્ષિણ ભારતના દરિયા કિનારે પડ્યું. ભંગાર જેવા અવકાશયાન સાથે મરવા પડેલા સંપાતિએ બગડેલા દૂરબીન(દિવ્યચક્ષુ) નો ઉપયોગ કરીને એ વાતની માહિતી આપી કે સીતાજી અશોકવનમાં બેઠા છે.

            રામાયણના કિષ્કિંધા કાંડના ત્રીજા સર્ગમાં હનુમાનજી અને રામ-લક્ષ્મણનો ભેટો થાય છે. વાલીના ભયથી ઋષ્યમૂક પર્વત પર રહીને સલામતી ભોગવતો સુગ્રિવ ધનુર્ધારી રામ લક્ષ્મણને ઋષ્યમૂક ભણી આવતા જોઈને શંકા કરે છે કે તેને મારવા વાલીએ દૂત મોકલ્યા લાગે છે. તેઓ કોણ છે તેની ખાતરી કરવા પોતાના સચિવ હનુમાનજીને મોકલે છે. હનુમાનજી વિપ્રવેશે તેમની પાસે જઈ પોતાનો પરિચય આપે છે અને રામને સુગ્રિવ જોડે મિત્રતા કરવાનો પ્રસ્તાવ મૂકે છે. વાર્તાલાપ પૂરો થયો અને હનુમાનજીના ગયા પછી રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે, ‘આ હનુમાન વાક્યોનું રહસ્ય જાણવામાં ચતુર અને બળવાન હોવાથી શત્રુઓનું દમન કરવામાં સમર્થ છે. આ હનુમાનના ઉત્તમ સંભાષણ ઉપરથી જણાય છે કે, એણે વેદોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે; કેમ કે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદને નહિ જાણનારો કોઈ પણ પુરુષ આવું ઉત્તમ અને સ્પષ્ટ સંભાષણ કરી શકે નહિ. વળી એણે ઘણું કરીને વ્યાકરણશાસ્ત્રનો પણ સંપૂર્ણ અભ્યાસ કરેલો જણાય છે; કારણ કે તેના આટલા બધા સંભાષણમાં કોઈ પણ સ્થળે એકાદ પણ અશુદ્ધ શબ્દ આપણા સાંભળવામાં આવ્યો નથી. તેમ જ ભાષણ કરતી વેળાએ તેના મુખ, નેત્ર, લલાટ, ભ્રુકુટિ તથા બીજાં કોઈ અંગો વિષે કાંઈ પણ દોષ વિકાર આપણા જોવામાં આવ્યો નથી. વળી કંઠપ્રદેશમાંથી બહાર આવતાં મધ્યમ સ્વરવાળાં વાક્યો વિસ્તાર વગરના, નિર્વિલંબે ઉચ્ચારાતાં, સંદેહ વિનાના અને સાંભળનારના કર્ણને વ્યથા ન કરે એવાં છે. આ હનુમાન સ્પષ્ટ પદો તથા સ્પષ્ટ અક્ષરોવાળી અને સાંભળનારના મનને હર્ષ ઉપજાવે એવી કલ્યાણરૂપ વાણીને બહુ ઉતાવળે નહિ તેમ જ બહુ ધીમે પણ નહિ એ રીતે ઉચ્ચારે છે. અહો! હૃદય, કંઠ, તથા મુખ એ ત્રણે સ્થળોમાં સ્પષ્ટપણે રહેલી આ હનુમાનની વાણીથી કયા પુરુષનું ચિત્ત પ્રસન્ન ન થાય?‘

રામચંદ્રજી જાતે હનુમાનજી વિષે આવું પ્રમાણપત્ર આપે ત્યારે એ ઘટનાને સાવ સાધારણ માનવાની ભૂલ કરવા જેવી નથી. ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ્‘ એવા હનુમાનજીને વાંદરો કહેવામાં આપણી નાસમજનું પ્રદર્શન છે.

હનુમાનજીને પવનસુત કહેવામાં આવે છે. કામ કરવાની એમની ગતિ અતિ તેજ હતી. શરીર વજ્ર જેવું મજબૂત હોવાથી વજ્રઅંગી કહેવાયા, તેનું જ અપભ્રંશ થયું તે બજરંગી. સીતાજીની શોધ કરવા જતી વખતે તેમણે ઊડીને દરિયો પાર કર્યો એ વાત મગજમાં ઉતરે તેમ નથી. પાંખ વગર કે વિમાન વગર ઊડીને દરિયો પાર કરવાનું શક્ય નથી. આર્યસમાજનું સાહિત્ય કહે છે કે હનુમાનજીએ ઊડીને નહિ પણ તરીને દરિયો પાર કર્યો હતો. મૂળ શ્લોકો સાથે એવું વર્ણન જોવા મળે છે કે પાણીમાં વેગથી તરતી વખતે દરિયામાં પ્રચંડ મોજાં સર્જાતાં હતાં. દરિયામાં અનેક પ્રકારના ઝેરી જીવજંતુનો ચેપ ન લાગે એ માટે શરીરે તેલ ચોળીને એન્ટિસેપ્ટિક એવું સિંદુર લગાડ્યું હતું.

એક કાળે એવી લોકવાયકા હતી કે, બર્લિનની લોખંડી દિવાલ કૂદીને કોઈ પૂર્વ જર્મનીમાં પ્રવેશ સુદ્ધાં ન કરી શકે, રામાયણકાળમાં એ જ સ્થિતિ લંકાની હતી. ચારે બાજુ ઘૂઘવતો સમુદ્ર અને ઊંચા દુર્ગમ પહાડો, દુર્ગો તથા ઘોર જંગલ વટાવીને તથા રાવણની અતિ ચુસ્ત સંરક્ષણ વ્યવસ્થા ભેદીને એક ચકલું પણ લંકામાં પ્રવેશી ન શકે એવી સુરક્ષિત લંકા નગરીની સિક્યોરિટી તોડીને હનુમાનજી લંકામાં પ્રવેશ્યા એટલું જ નહિ, સીતાજીની ભાળ મેળવવા ગલીએ ગલીએ અને મહેલે મહેલે ફર્યા, વિભીષણને મળ્યા પછી સીતાજીને મળ્યા, સાંત્વન આપ્યું, અશોકવાટિકા ઉજ્જડ કરીને ત્રિભુવન વિજેતા રાવણને ખુલ્લી ચેલેન્જ આપી. રાવણના દરબારમાં જઈને સચિવ સલાહકારોમાં કેટલું પાણી છે તે પણ જાણી લીધું. મહોલ્લે મહોલ્લે ફરીને વ્યૂહરચના માટેના સ્થળો પણ વિચારી લીધા. લંકાની પ્રજાને હૈયે આગ લગાડીને પરત કિષ્કિંધા આવ્યા. રાવણનો આત્મવિશ્વાસ ડગાવીને પાછા ફર્યા. જેનો દૂત આટલી ખાનાખરાબી કરી શકે તેનો સ્વામી જાતે આવીને શું ન કરી શકે, તેનો ડર ઊભો કરી આવ્યા. હનુમાનજી માનસશાસ્ત્રમાં પણ પારંગત હતા. આ ચરિત્રકથા નવી પેઢી સમક્ષ સતત મૂકતા રહેવું જોઈએ. હનુમાનજીને વાંદરા સમજવા એ એમનું અપમાન અને આપણું બૌદ્ધિક દેવાળું છે.

માણસ ખરાબ નથી, પણ સત્તા તેની મતિને ભ્રષ્ટ કરી શકે. ભરત એ ભ્રાતૃભાવ અને સાધુતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચૌદ વરસ સત્તા પર રહ્યા પછી જો ભરત બદલાયો હોય અને એનામાં રાજ્યલોભનું એકાદ નાનું સરખું લક્ષણ પણ પ્રવેશ્યું હોય તો મારે અયોધ્યાના પાદરે પણ નથી જવું એમ રામચંદ્રજી વિચારે છે. ભરતનું જરા પણ અવમૂલ્યન ન થાય એ રીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળજી રાખીને તેનું મન વાંચવાનું કામ તેઓ હનુમાનજીને સોંપે છે. હનુમાનજી રામના આગમનના સમાચાર આપવા પહોંચે છે અને ભરતજી નિર્વિકાર, નિર્લોભી તથા અવધિ વીત્યા પછી ક્ષણનો યે વિલંબ કર્યા વગર ગાદી છોડવા અતિ આતુર છે એ સમાચાર હનુમાનજી રામને પહોંચાડે છે.

પ્રાણપ્યારી સીતાની ભાળ મેળવીને પરત આવેલા હનુમાનજી પાસેથી સીતાના સમાચાર જાણવા રામ અતિ વિહ્વળ છે. તે હયાત છે કે કેમ એ જાણવા રામ કાનોમાં પ્રાણ લાવીને ઊભા છે ત્યારે ‘સીતાજીને મેં જોયાં‘ એમ કહેવા કરતા ‘જોયાં મેં સીતાજીને‘ એમ જોયાં ક્રિયાપદ પહેલા બોલે છે. દૃષ્ટ્વા મયા સીતા. પહેલો શબ્દ સાંભળતાંવેંત રામજીને હૈયે કેવી ટાઢક વળી હશે તેની કલ્પના કરી શકાય તેમ છે. માનસશાસ્ત્રના અભ્યાસ વિના આવી કાળજી લેવાનું કોઈને સૂઝે નહિ.

                                      *****

આવા મહાન ચરિત્ર વિષે ભજન ગવાય છે ગર્વ કિયો સોઈ નર હાર્યો!  કથાકારો આ ભજનનો આધાર લઈને અભિમાન પર પ્રહાર કરે છે. હિમાલય પર્વત પરથી સંજીવની લઈને આકાશમાર્ગે અયોધ્યા પરથી પસાર થઈ રહેલા હનુમાનજીને ગર્વ ભરાય છે કે આજે હું નહિ હોત તો લક્ષ્મણનો જીવ બચવો મુશ્કેલ હતો. બરાબર એ જ ટાણે નંદીગ્રામમાં ભરતજી ધનુષ્યબાણ લઈને આકાશમા જૂએ છે. કોઈ રાક્ષસ જતો હશે એમ માની બાણ મારે છે અને હનુમાનજી ચક્કર ખાઈને નીચે પડે છે. બાણ પગમાં વાગે છે અને હનુમાનજી લંગડા થઈ જાય છે. ગર્વ કીધો તેનું આ પરિણામ! શું હનુમાનજી જેવા બુદ્ધિમતાં વરિષ્ઠમ એવા વિવેકીપુરુષ અભિમાન કરે ખરા? લંગડા બતાવવા જરૂરી છે? અને લંગડા જ બતાવવા હોય તો તેની પાછળ એમને અન્ય થાય એવી વાર્તા જોડી કાઢીને પ્રચલિત કરવાની?

દૃષ્ટિકોણ-૧ (પરભુભાઈ મિસ્ત્રી)-રામાયણની ચર્ચાસ્પદ વાતો (૧)

(જમણી બાજુ Follow લખેલું નાનકડું બટન છે. બસ એની ઉપર પોઈન્ટર લઈ જઈને ક્લીક કરો, પછી તમને ઈ-મેઈલ દ્વારા આંગણાંના હાલચાલ જાણવા મળશે.)

(શ્રી પરભુભાઈ મિસ્ત્રીનો જન્મ ૧૯૪૯માં નવસારી જીલ્લાના એક નાના ગામમાં થયો હતો. ૧૯૭૨માં ગણિતના વિષય સાથે B.Sc. થયા. ૧૯૭૨ થી ૨૦૦૯ સુધી સળંગ બેંકમાં નોકરી કરી, અને એમ છતાં ભાષા, સાહિત્ય, સંગીત અને અધ્યાત્મમાં એમનો એકધારો રસ રહ્યો.

વિચારવાના અને લખવાના એમના શોખને એમણે સમાચારપત્રોમાં ચર્ચાપત્રો લખીને પોષ્યો. થોડા સમાચારપત્રોમાં એમની કોલમ પ્રગટ થાય છે. એમના વિચારોના ઘડતરમાં સ્વાધ્યાય પરિવારના પ્રણેતા અને વિદ્વાન પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની અસર છે, કારણ કે સ્વાધ્યાય પ્રવૃતિ સમાજલક્ષી છે, અને પરભુભાઈ માને છે કે ધર્મ સાથે સમાજલક્ષી પ્રવૃતિ જોડાય તો ખૂબ સારૂં પરિણામ લાવી શકે છે.

આંગણાંમાં આવતા ત્રણ મહિના પરભુભાઈના લેખ દર શનિવારે ચંદરવામાં મૂકવામાં આવશે.-પી. કે. દાવડાસંપાદક)

રામાયણની ચર્ચાસ્પદ વાતો (૧)

રામાયણની વાતો આપણે દંતકથાના રૂપમાં ભણ્યા છીએ. વાર્તા, કવિતા, ભજન, નાટક, સિરિયલના રૂપમાં આપણી સમક્ષ જે પીરસાયું તે શ્રદ્ધાપૂર્વક સાંભળીને કાનને પવિત્ર કરવામાં આપણે ઇતિશ્રી માની લીધી છે. કથા સાંભળવાથી મળતું પૂણ્ય અંકે કરી લીધું. કથારસ વારંવાર પીધા પછી પણ આપણને સંતોષ થતો નથી, મન અતૃપ્ત રહે છે એટલે વારંવાર કથા સાંભળીને  શ્રવણભક્તિ કર્યાનો આત્મસંતોષ અનુભવીએ છીએ. વાલ્મીકિના મૂળ રામાયણ સુધી પહોંચવાની તસ્દી આપણે લેતા નથી. પ્રચલિત કથાને આપણે ઇતિહાસ માની લઈએ છીએ. શાસ્ત્રોમાં શંકા ન કરાય- એ સૂત્રનો આધાર લઈને આપણા ધાર્મિક આગેવાનોએ આપણી વાજબી જિજ્ઞાસા પર ક્રૂરતાથી ઠંડુ પાણી રેડી દીધું છે. આપણી વિચારશક્તિને ખિલવા દીધી નથી.

આવો, મિત્રો! રામાયણ સાથે વણી લેવાયેલી કેટલીક લોકવાયકા અને દંતકથાઓ  વિષે થોડી વાતો કરીએ. પહેલી વાત તો એ કે આપણને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન રામનો જન્મ થાય તે પહેલાં જ મહર્ષિ વાલ્મીકિએ રામાયણ ગ્રંથની રચના કરી દીધી હતી. આપણે જોયું કે નિષાદે મિથુન મગ્ન નરક્રૌંચ પક્ષીને વિના અપરાધે વિંધી નાખ્યું તે જોઈને ઋષિનું હૃદય દ્રવી ઊઠ્યું અને એકાએક એમના મુખેથી એક શ્લોક સરી પડ્યો. નારદજીની પ્રેરણાથી તે સમયમાં વિદ્યમાન દશરથપુત્ર રામચંદ્રના જીવન આધારિત મહાકાવ્ય એમણે રચ્યું. સીતાજીને પોતાના આશ્રમમાં રાખ્યાં. લવ-કુશના જન્મ બાદ તેમનો ઉછેર અને અભ્યાસ પણ વાલ્મીકિના આશ્રમમાં જ થયો. ઋષિએ લખેલી પટકથા મુજબ રામાયણના પાત્રોએ અભિનય કર્યો હોવાની વાતનો અહીં છેદ ઊડી જાય છે.

કથાકારો કહે છે કે રામ- સીતાની રખેવાળી કરનાર લક્ષ્મણજીએ ચૌદ ચૌદ વરસ સુધી ઉજાગરા કર્યા છે; આંખનું મટકું સુદ્ધાં નથી માર્યું. પુરાણકથાઓને રામાયણ સાથે જોડી કાઢીને રચાયેલા તુલસીકૃત રામચરિત માનસને આધારે આપણે ત્યાં કથાઓ થઈ રહી છે. તુલસીજી સંસ્કૃતના મહાન પંડિત હતા, તેમને ભક્તશિરોમણિ અને કવિ શિરોમણિની ઉપમા આપવામાં આવી છે તે બિલકુલ વાજબી છે. પરંતુ, તત્કાલીન સમય સંજોગોની જરૂરિયાત અનુસાર તેમણે એવી અનેક છૂટ લીધી છે જેનો મૂળ રામાયણ જોડે મેળ ખાતો નથી. તુલસીએ ન લખી હોય તેવી વાતો પણ કથાકારો બહેલાવી બહેલાવીને શ્રોતાઓ સમક્ષ રજુ કરતા આવ્યા છે. વાલ્મીકિના રામ ‘ભગવાન રામ‘ નથી, ‘દશરથપુત્ર રામ‘ છે, તેઓ મહામાનવ છે. બધા જ ચરિત્રો મનુષ્ય છે કોઈને દેવ તરીકે વર્ણવવામાં આવ્યા નથી. લક્ષ્મણ શેષનાગનો અવતાર છે એવું વાલ્મીકિ રામાયણમાં ક્યાંય આવતું નથી. કોઈ મનુષ્ય ચૌદ વરસ સુધી મટકું માર્યા વગર કેવી રીતે જીવી શકે? અતિશયોક્તિ કરવાની પણ કોઈ હદ હોય કે નહિ? નવી પેઢી ઘણી હોશિયાર છે અને જે સાંભળે કે વાંચે તેને વગર વિચાર્યે સ્વીકારી લે તેવી ભોટ નથી. અતાર્કિક દલીલો કરવાનું છોડીશું નહિ તો ભાવિ પેઢી નાસ્તિક થઈ જશે.

દશરથ રાજાને ચાર રાજકુમારો તો પાછળથી ઢળતી ઉમરે થયા, પણ તે પહેલાં એમને શાંતા નામની દીકરી હતી. શૃંગી ઋષિ જોડે તેને પરણાવવામાં આવી હતી. પુત્રકામેષ્ટિ યજ્ઞ આ શૃંગી ઋષિ કરાવે છે. સવાલ એ થાય કે, યજ્ઞનો પ્રસાદ ખાવાથી રાણીઓને ગર્ભ કેવી રીતે રહી શકે? આવા કુતર્કનો દુરૂપયોગ કરીને ઘણા લફંગા બાવાઓએ સમાજની મહિલાઓને ભ્રષ્ટ કરી છે. રામાયણ જે યજ્ઞની વાત કરે છે અથવા ગીતા જે યજ્ઞની વાત કરે છે તે યજ્ઞની પરિભાષા જ જુદી છે. ગીતા કહે છે કે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે અને વરસાદની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે. દુકાળના વર્ષોમાં આપણા લોકોએ વરસાદ લાવવા માટે ઘણો ધુમાડો કર્યો, પણ વરસાદ થયો નહિ. ગીતા ખોટી નથી, પણ આપણે એની ભાષા ઉકેલવામાં કાચા પડ્યા. વિનોબાજી યજ્ઞનો અર્થ ‘ઘસાઈ જવું‘ એ અર્થમાં કરતા. શ્રમયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, કાંતણયજ્ઞ જેવા યજ્ઞોમાં ઘી, જવ, તલ, નાળિયેર, સમિધ વગેરેની ક્યાંયે જરૂર પડતી નથી. દ્રવ્યયજ્ઞથી વાતાવરણની શુદ્ધિ થાય એ સમજી શકાય, પણ દ્રવ્યયજ્ઞ એ તો યજ્ઞનો એક પ્રકાર થયો કહેવાય. આપણી સીમિત સમજણમાં તો યજ્ઞનો અર્થ સ્વાહા સ્વાહામાં જ સમાપ્ત થઈ જાય છે.

આપણી પ્રજાને ચમત્કાર વિના ચાલતું નથી. અશક્યને શક્ય કરી બતાવનારી તર્કહીન વાતોમાં  ‘અદભૂત‘ રસ સમાયેલો છે. બાળકોને અને બાળબુદ્ધિ ધરાવનાર વયસ્કોને પણ એવી વાર્તા સાંભળવામાં મજા પડે છે. રામ-લક્ષ્મણ બંને રાજકુમારોને લઈને વિશ્વામિત્ર ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા ત્યાં ઋષિપત્ની અહલ્યા પથ્થર થઈને પડી હતી તે રામના ચરણસ્પર્શ થવાથી પથ્થરમાંથી ફરીથી સ્ત્રી બની ગઈ. મહામાનવ રામને પહેલેથી જ ભગવાનનો અવતાર માની લીધા પછી આવી વાતો બહુ સરળતાથી મગજમાં બેસી જાય છે. ભગવાન માટે કશું અશક્ય નથી. ભગવાન તો કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તુમ છે, તેઓ કંઈ પણ કરવા સમર્થ છે, પણ મનુષ્ય રામ માટે એ શક્ય નથી. ગૌતમ ઋષિએ હાથમાં જળ લઈને જંતરમંતર જાદુ બનંતર બોલીને પત્નીને પાષાણ નથી બનાવી દીધી. હું તારો ત્યાગ કરું છું, હવે પછી તું ઉપેક્ષિત થઈને જીવશે, તારો કોઈ ભાવ નહિ પૂછે, તારી કોઈ પ્રતિષ્ઠા નહિ રહે – આમ કહેવાથી કોઈ સ્ત્રી ખરેખર પથ્થર નથી બની જતી. સમાજમાં ધણીથી તરછોડાયેલી ત્યક્તા બહેનો જે અપમાનભરી જિંદગી જીવે છે તે તપથી ઓછું કંઈ નથી. અહલ્યા તપ કરીને આશ્રમ પાછળ જીવન ઘસી નાખે છે. રામે અહલ્યાને પ્રતિષ્ઠા આપી છે. મોટા લોકો જેનું બહુમાન કરે તેને સમાજમાં માનપાન મળે છે. આશ્રમ નવપલ્લવિત થાય છે. એનો અર્થ એમ સમજી શકાય કે દેવી અહલ્યાનું ગૌરવ કરવાથી આશ્રમમાં સર્વત્ર ઉત્સાહ ફેલાયો છે. પ્રકૃતિએ પોતાનો ઉમળકો પ્રદર્શિત કર્યો એ તો કવિએ પ્રયોજેલા સજીવારોપણ અલંકારનું પરિણામ છે. ગની દહીંવાલાએ લખ્યું કે, ‘તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે; ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે‘, પણ વાસ્તવિક આમ બનતું નથી, મનનો ભાવ કહેવાની કવિની આ રીત છે. ઉપેક્ષિતને પ્રતિષ્ઠા મળી એ એનો ઉદ્ધાર છે. નવાં પર્ણો અને પુષ્પો ખિલ્યાં, ભમરા ગુંજારવ કરવા લાગ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, પતંગિયા ફૂદકવા લાગ્યા અને નિષ્પ્રાણ આશ્રમમાં જાણે જાન આવ્યો એમ કહેવું એ મનના ભાવો વ્યક્ત કરવાની રીત  છે.

ગંગાકિનારે નાવ ચલાવતા કેવટને આ વાતની ખબર પડી ગઈ એટલે ગંગા પાર કરાવતી વખતે પગ ધોઈને બેસવાની ફરજ પાડી. ‘પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો મનમાંય- એવું ભજન ખૂબ લોકપ્રિય બન્યું. રામ લક્ષ્મણ અને સીતાને ગંગા પાર કરાવવા કેવટે જે નખરાં કર્યાં તેવો કોઈ પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં વાંચવા મળતો નથી. ગુહ રાજા આવે છે અને તેનો મિત્રભાવ પ્રગટ કરે છે. મારા રાજ્યને અયોધ્યા સમજીને ચૌદ વરસ અહીં જ રાજ કરો એમ પણ કહે છે, પણ વનમાં જવા કૃતનિશ્ચયી રામ ગંગા પાર કરવા ઈચ્છે છે, ગુહ રાજાએ નાવિકોને બોલાવ્યા, નાવમાં સૌ પ્રથમ સીતા અને લક્ષ્મણને બેસાડ્યા પછી રામ બેસે છે. અહીં લાકડાની બનેલી મારી નાવ જો સ્ત્રી બની જશે તો મારા ઘરમાં કેવી મોંકાણ સર્જાશે એવી વાહિયાત દલીલો કરનાર કોઈ કેવટ નથી અને એટલે સીતાએ તેને વિંટી આપ્યાનો પ્રસંગ પણ નથી. આ ઉપજાવી કાઢેલી વાર્તા પાછળ કથાકારો એક કલાક આરામથી ખેંચી કાઢે છે અને શ્રોતાઓ ભક્તિજળમાં ઝબકોળાઈને ધન્યતા અનુભવે છે. વાગ્વૈખરી સિવાય આમાં બીજું કશું નથી. રામાયણનો ઇતિહાસ સમજાવવાને બદલે કેવળ ટાઈમપાસ ખાતર થતું મનોરંજન છે જેને સંગીતથી મઢીને રજુ કરવામાં આવે છે.

રામે ભીલડી શબરીના એઠાં બોર ખાધાં એ વાતને ખૂબ ચગાવીને વર્ણવવામાં આવે છે. આ વાત લોકહૈયે એવી ઠસી ગઈ છે કે કોઈને મૂળ ગ્રંથ ખોલીને જોવાની જરૂર લાગતી નથી. રામાયણમાં બોરની તો વાત જ નથી, વનફળની વાત છે. માતંગ ઋષિના આશ્રમમાં રહેલી શબરી જ્ઞાની છે, સંસ્કારસંપન્ન છે, તે એટલી અસભ્ય તો નથી જ કે પોતાના આરાધ્યને એઠાં ફળ ખાવા આપે. વનમાં જે ફળઝાડો હતા તે પૈકી કયા ઝાડના ફળ મીઠાં મધુરાં છે એની ખાતરી કરવા નમૂનારૂપ ફળો ચાખીને ખાતરી કરીને એવા ખાતરી લાયક વૃક્ષના ફળો એકત્રિત કરીને એણે રામને ખવડાવ્યા છે. રામાયણમાં લખ્યું છે તે મુજબ શબરી રામને કહે છે, ‘હે પુરુષોત્તમ! તમારું આતિથ્ય કરવા અર્થે મેં પંપા સરોવરના વનોમાંથી નાના પ્રકારના સ્વાદિષ્ટ ફળોનો સંચય કરી રાખ્યો છે. તેનો તમે અંગિકાર કરો.‘ એવું કહી તેણે પોતે એકઠાં કરી રાખેલાં ફળો લાવીને રામ-લક્ષ્મણની આગળ મૂક્યા. રામ- લક્ષ્મણ બંને ભાઈઓ પણ શબરીએ પ્રીતિપૂર્વક આણેલા ફળોનો આહાર કરી શીતળ જળનું પાન કરી પ્રસન્નચિત્તે બેઠા.

શબરીના એઠાં બોર જેવી જ ઘટના મહાભારતમાં વિદુરપત્ની સુલભાએ મહાત્મા શ્રીકૃષ્ણને ખવડાવેલી કેળાંની છાલ અંગેનો છે. મહાભારતનું યુદ્ધ થતું ટાળવા વિષ્ટિકાર થઈને શ્રીકૃષ્ણ હસ્તિનાપુર આવે છે ત્યારે દૂર્યોધનના મહેલમાં ઉતારો ન કરતા વિદુરજીને ત્યાં જાય છે. રાજાના મેવા મિઠાઈ ત્યજીને વિદુરના ઘરની ભાજી ખાવાનું વધારે પસંદ કરે છે એમ આપણે સાંભળતા આવ્યા છીએ. વિદુરજી સાદા ઈન્સાન છે, સંયમી છે, પણ ગરીબ નથી. તેઓ હસ્તિનાપુર જેવા મહાન રાષ્ટ્રના વડાપ્રધાન છે. શ્રીકૃષ્ણ જેવા મહાનાયકનું સ્વાગત કરવા કે એમને ભોજન પીરસવા સારુ દેવાળું કાઢવું પડે એવા સંજોગો તો નથી જ. શા માટે તેઓ હાથે કરીને પોતાની ગરીબાઈ દેખાડે? બત્રીસ ભોજન ને તેત્રીસ શાકવાળો વૈભવ નહિ દેખાડ્યો હોય, પણ સાવ ભાજી ખવડાવે એ વાત બંધબેસતી નથી. મહાપુરુષ પોતાને ત્યાં જમવા પધારે એ ભાવવિભોર થઈ જવાનો પ્રસંગ જરૂર કહેવાય, પણ વિદુરપત્ની સુલભા સાવ એવી ઇડિયટ તો નથી જ કે કેળાંનો ગર પોતે ખાય અને મોંઘેરા મહેમાનને છાલ ખવડાવે! જ્યાં ભાવ આવે ત્યાં સામાન્ય માણસોની બુદ્ધિ સમતોલપણું ગુમાવે એ સમજ્યા, પણ આ ચરિત્રો વિવેકબુદ્ધિવાળા છે, તેમને સામાન્ય ગણવાની ભૂલ કરવા જેવી નથી.  (અપૂર્ણ)