Category Archives: પ્રજ્ઞા દાદભાવાલા

“લક્ષ્મણરેખા”- કાવ્ય- પ્રજ્ઞા દાદભાવાળા

લક્ષ્મણરેખા

મારા ઘરનો ઉંબરો

ઘરની મર્યાદા પ્રતિષ્ઠતાનું પ્રતિક
આ મારાં ઘરનો ઉંબરો ..
મમ્મી કહેતી-
સુખ, શાંતિ, વૈભવ લાવે
જો પૂજીએ રોજ આ ઉંબરો
કેટલાયના પગ નીચે કચડાયો હશે!
તોય સૌને પ્રેમથી આવકારે આ ઉંબરો!
બાળકની પગલીથી પુલકિત થતો,
ને ક્યારેક શોકમગ્ન હૈયે વિદાય દેતો ઉંબરો!
પપ્પા જેવો,
અક્કડ, સજ્જડ, કડક થઈ ફરજ બજાવતો
આબરૂનો રક્ષણહાર મારો આ ઉંબરો!
હમણાં હમણાં
અમને રોકતો રહે છે આ ઉંબરો.
આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!

                        પ્રજ્ઞા દાદભાવાળા

બહેનશ્રી પ્રજ્ઞા દાદભાવાળા ના કાવ્ય “લક્ષ્મણરેખા” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ઘર એટલે પોતાપણું, એટલે કે જેમાં “હું”, ‘હું પદ” છોડીને, મારી જાત સાથે રહી શકું, એટલું જ નહીં, પણ ઘરનાં અન્ય સભ્યોની અંદર વસેલાં એમનાં પોતપણાંને પોતાની જાત સાથે રહેવાની મોકળાશ પણ ઘર એટલા જ પ્રેમથી આપે. ઘર પોતીકું તો જ લાગે જો આપણે, ઘરનો ઉંબરો વટાવીને ઘરમાં પ્રવેશીએ તેનાં પહેલાં જ, બહારની દુનિયા માટે પહેરેલાં મુખવટાં ઊતારીને ઘરની અંદર આવીએ. ઘરનાં સહુ સાથે ઘરોબો, વ્હાલ અને સહજતા જાળવવા હોય તો ચહેરા પરનાં સહુ ઓઢેલાં ચહેરા, ઘરનો ઉંબરો ઓળંગતાં પહેલાં ઉતારીને આવવું જરૂરી છે. ઘરની પ્રતિષ્ઠા ઘરમાં રહેનારાઓની સચ્ચાઈથી જીવવાની પ્રતિબદ્ધતા અને પોતાની જાત સાથેની જીવંતતાથી જળવાય છે. મોભાદાર ઘર અંતરથી સમૃદ્ધ હોય છે અને આ જ સમૃદ્ધિની મર્યાદા ઘરનો ઉંબરો જાળવે છે, ઘરનાં સભ્યોને અને આવનાર અન્ય જાણીતા-અજાણ્યાં સહુને, ઘરની આ પ્રતિષ્ઠાની યાદ અપાવીને.

દરેક ઘરમાં બા, દાદી કે નાની, હંમેશાં પહેલાંના સમયમાં આંગણાંમાં આવેલો ઉંબરો સારા પ્રસંગે પૂજતા,( હવે તો શહેરોના અજગરો આંગણું જ ગળી ગયા તો ઉંબરાની વાત ક્યાં કરવી?) કારણ એક જ હતું કે, ઘરની મર્યાદાનું અને ઘરમાં બનતાં સારા-નરસા પ્રસંગોની બંધ મુઠ્ઠી ક્યાં ખોલવી, એનું ભાન, સદા ઘરમાં રહેનારાઓના અંતરમાં રહે. બહારનું જગત પણ આ ઊંબર વળોટીને ઘરમાં આવશે પણ એમાંથી કેટલું ઘરમાં રહેવા દેવું અને કેટલું જવા દેવું એની સભાનતા પણ ઘરના દરવાજાની બારસાખ નીચે આડો પડેલો ઉંબરો જ આપે છે. એમાં ઘણાય એવાં હશે કે જે મકાનમાં આવવા માટે લાયક હોઈ શકે, પણ ઘરમાં આવવા માટે નહીં. આવા માણસોના ચરણો નીચે ઉંબરાનું સ્વમાન ઘવાય છે, પણ ઘરની આબરૂ ન જાય એનુંય જતન એણે કરવાનું છે. એને ખબર છે કે આવનારાઓની હકીકત શું છે, પણ એની પૂજા કરાયા પછીના કુમકુમથી ચિતરેલાં શબ્દો, “ભલે પધાર્યા”ની લાજ પણ રાખવા, સહુને આવકારો પણ એ એકસરખા વ્હાલથી જ આપે છે.

આ ઉંબરો કેટકેટલી જીવનની લાઈફ ચેન્જિંગ ઘટનાઓનો સાક્ષી બન્યો છે? નવપરિણીત યુગલનાં સપ્તપદીનાં સાતેય વચન નિભાવવાના કોડનું પ્રવેશદ્વાર બન્યો છે આ ઉંબરો. બાળકનો જન્મની ખુશીઓ મનાવવા શિશુસુલભ કિલકિલાટથી ગાજ્યો છે આ ઉંબરો. ઘરનું કોઈ પોતાનું વિદાય લે ત્યારે છાનાં ડૂસકાં ભરીને રડતો ઊંબરો, ઘરમાં છવાયેલી ઉદાસીના વાતવરણની ચાડી ખાય છે. ઘરના વડીલે કે પિતાએ એક Stern- સખત ને આકરૂં- વલણ અપનાવીને ઘરની બહાર કોઈ કારણોસર જવા માટે ના પાડી હોય અને છતાં જઈએ તો ઘરનું પ્રવેશદ્વાર ઓળંગતાં આ ઉંબરો ક્ષોભ કરાવે છે. આ ક્ષોભ આજ્ઞાનું પાલન કરવા માટેનું ‘રીમાઈન્ડર’ છે. ક્યાં જવું, ક્યાં ન જવું અને કોણ ક્યાં ગયું ને કોણ ક્યાં જાય છે એ બધાંના ઉંબરાનાં વહીખાતામાં હિસાબ લખેલા છે અને આથી જ વિવેકની લક્ષ્મણરેખા બનીને ઉંબરો આપણું સંરક્ષણ કરે છે. જેને લીધે આપણે આપણાં ઘરમાં સુરક્ષિત રહીએ, પણ, એનો અર્થ એ નથી કે સિમીત રહીએ. બહારના વિશ્વની અમાપ સંભાવનાઓના અનંત આકાશનો ઉઘાડ પણ આ ઉંબરો કરી આપે છે -Sky is a limit-નું પ્રવેશદ્વાર પણ આ ઊંબર થકી જ ખૂલે છે.

જીવનમાં આજે આપણે સહુ એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યાં છીએ કે કોરોનાના કાળમાં આ ઉંબરો ઓળંગતાં પહેલાં અનેકવાર વિચાર કરવો પડે છે અને આજે તો દરેક ઘરમાં, પછી એ ઘર ઉંબરાવાળું હોય કે ઉંબરા વગરનું, એક લક્ષ્મણરેખા દોરાયેલી જ છે, એ કેમ ભૂલી જવાય?

અનેક સફળતા અને નિષ્ફળતાઓને નિર્મોહી બનીને, સુખ અને દુઃખને સ્વીકારી લેવાની ઈશાવાસ્યવૃત્તિથી જ નિર્લેપ રહી શકાય છે જેની શીખ આ ઉંબરો આપે છે. સાચા અર્થમાં મર્યાદાપુરુષોત્તમપણાનું પ્રતીક આ ઉંબરો છે.

નિદા ફાઝલીનો શેર અનાયસે યાદ આવે છેઃ

 “બાંધ રખા હૈ કીસી સોચ ને ઘર સે હમ કો,

  વર્ના યે ઘર કી દરો દિવારોમેં રખા ક્યા હૈ!”

બહેનશ્રી પ્રજ્ઞાબેનને આ સુંદર કાવ્ય બદલ ખૂબ અભિનંદન