પ્રાર્થનાને પત્ર-૧૧ (શ્રી ભાગ્યેશ જહા)

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

હવે વિધાનસભા સત્ર પુરુ થવા આવ્યું છે પરિણામે થોડો કાર્યભાર ઓછો થશે તેવું લાગે છે. ઓ કે તારી મમ્મીનો આત્મવિશ્વાસપૂર્વકનો અભિપ્રાય છે કે મારે કામ ઓછું થાય તેવું બનતું નથી. જ્યારે હું કોઇ પ્રોજેક્ટમાં ખુબ ડૂબેલો હોઊં ત્યારે હું એને આવું આશ્વાસન આપતો આવ્યો છું કે ‘આ વાઈબ્રંટ સમીટ પતી જાય બાદ હું થોડો ફ્રી થઈશ” અથવા ” આ આપણું સ્વર્ણિમ જયંતિ વર્ષ છે, આ પછી ચિંતા નહીં રહે”–‘ આ રણોત્સવ…” આ નવરાત્રી…….” પણ આપણને મળેલ કામમાં ડૂબી જવાનો પણ એક આનંદ હોય છે. હમેશાં બધા કામમાં ક્રીએટીવીટીની જરુર નથી પડતી. પણ આ બધામાં એક જાગૃતિ સાથેનો અ-સંગ ભાવ કેળવવાની પણ એક સાધના છે.

જો કે આ ડૂબવું અને અ‌સંગ રહેવું એ બધી પ્રક્રિયાઓએ મને પોષ્યો છે, કાયમ હું થોડીવાર બધાની બહાર નીકળી જઈને જોઇ લઉં છું મારા પે’લા બાળપણના દિવસો, ક્યારેક કારકિર્દીના મધ્યાહ્નને પણ નિહાળી લઉં  છું. મઝા એ વાતની છે કે એને મધ્યાહ્ન શું કામ કહું ? દરેક ક્ષણ, પ્રસંગ, પ્રોજેક્ટ મને અનોખો લાગે છે, એક પડકાર અને પદકાર લાગે છે. મનુષ્યોને સમજવાની અને પે’લા બ્રહ્મને પામવાની મથામણ ભારે મહેનત અને મોજ આપે છે. તું નરસિંહનું ભજન ગાતી, “હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યારે…” આ હરિનું હળવેથી આવવાનું ત્રણ વાર કહેવામાં નરસિંહ મને જુદી રીતે સંભળાય છે. પહેલા ‘હળવે’ એટલે ઉતાવળમાં નથી શામળીયો, હળવેથી આવવાનો છે, એને તો કામણ કરવા છે એને તો મનને મોતી જેવું ચળક્તું બનાવવું છે, એ એકદમ આવી જાય તો અકસ્માત કહેવાય, અચ્યૂત નહીં. બીજું પ્રયોજન છે તે ‘હળવે’ એટલે ‘હળવાશ’થી આવે છે, એના કોઇ પ્રોટોકોલ નથી, એ બધા ભુવનોને ચલાવનાર હોવા છતાં મારો તો મિત્ર છે, એની એને અને મને એક હળવાશ છે. આ બીજી હળવાશ છે તે એની મોરપિંચ્છની હળવાશ  છે, એ હવાની ડાળખી જેટલા સહજ બનીને મને સ્પર્શે છે. પણ નરસિંહ જ્યારે બીજા ‘હળવે’માંથી ત્રીજા ‘હળવે’માં સરે છે ત્યારે એ પોતાની હળવાશની વાત કરે છે. આ શામળો જે રીતે મારે મંદિર આવે છે તે મને પણ હળવો બનાવી દે છે. એ મોરપિંચ્છની સુંદર હળવાશ અને હું તૃણાકૂંરની ભોળી હળવાશ… જાણે શિવ અને જીવના મિલનમાં સત્ય (અતિ-વાસ્તવ) , શિવ (કશાપણ એજંડા વગર મળવાનું હળવાપણું) અને સુંદર ( મોરપિંચ્છની ધમાલ વિનાની કમાલ). આ જ તો ત્રિવેણીસંગમ છે. જો મેં તને ગયા પત્રમાં કહ્યું હતું ને કે નરસિંહની  હું પુનર્વાચના કરવાનો છું. કદાચ શરુ થઈ ગઈ, કદાચ છેલ્લા અઠ્ઠાવન વર્ષથી ચાલે છે. એક કવિએ જે એકોતેર કૂળ તારવાના હોય છે તે આ રીતે શબ્દથકી કે અ-ક્ષર થકી કરવાનું હોય છે.

હોળી-ધૂળેટીની આ હળવાશ પણ જીવનમાં સમજવા ઉતારવા જેવી છે. ‘મેક-અપ’ની આ ક્રિયા છે, પ્રકૃતિમાં થતા ફેરફારોનું આ મનુષ્યનું પ્રતિભાવન પર્વ છે, ઉનાળાનો સ્વાગત-કક્ષ છે, આ રંગો એ પ્રહલાદના બચી જવાના આનંદ ઉપરાંત આપણને ઘેરી વળતા હિરણ્યકશ્યપ જેવા તણાવને સ્વયં સળગાવી મૂકવાની તપતી આંતર-ભઠ્ઠીનો આવિષ્કાર છે. આમ જોઇએ તો નરસિંહની હળવાશની આ ઉત્સવ-ભીની અભિવ્યક્તિ છે. તહેવારને વહેવારના ભુતલ પર ઉતારવાની મહેનત જ માણસને જીવનમાં પરિશ્રમનો આનંદ આપી શકે.

તો, લ્યો, મઝા કરો, બેટા… !

ભાગ્યેશ.

 પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

સરસ નવું વર્ષ ઉગ્યું છે, નાણાંકીય વર્ષ. સવારનો પવન ખુશનુમા છે, સવારનો છે એટલે અને પહેલી એપ્રિલનો છે એટલે પણ,, ! અમદાવાદ અજબગજબ બનાવોનું શહેર છે, પે’લા કુત્તા પર સસ્સાના વિજયથી કરવટો બદલતું આ શહેર મને અનેક કારણોસર ગમે છે. 600 વર્ષનો  ઇતિહાસ પાલવમાં સંતાડીને ઉભેલી ઠસ્સાદાર રાણી જેવું દેખાય છે તો ક્યારેક મહાકાય પક્ષી પાંખો પ્રસરાવીને બેઠું હોય તેવું લાગે છે. ક્યારેક એમ લાગે આ શહેર રોજ નવજાત શિશુંની જેમ પોતાના ચહેરા-મહોરાને બદલ્યા કરે છે, એના ચહેરા પર નિર્દોષ નહીં એવી અજાણ્યાપણાની એક સ્તરસૃષ્ટિ રચાયા કરે છે. ફ્લાય-ઓવરો  બંધાતા જોઇએ ત્યારે લાગે કે કોઇ પ્રૌઢા ક્યારનીયે બ્યુટીપાર્લરમાં બેઠી છે, નીચે બેભાન પડેલા રસ્તાને ઢાંકતા પતરાંની ઉભી કતારો સમયસાકરને વળગેલી કીડીઓ જેવી લાગ્યા કરે છે. એમ થાય છે, મારા શહેરને ડાયાબીટીસ તો નહી ં થાય ને !

આ શહેરમાં એક સંસ્કારક્લબ શરુ થઈ છે. હું, કાજલ, અશોક દવે અને જેડી મજીઠીયા રવિવારની સવારની આવૃતિ જેવા ગોઠવાયા હતા સ્પોર્ટસક્લબના એક બેંક્વેટ-હૉલમાં.. મનપસંદ મેરેજબ્યુરો વાળા સ્મિતા શેઠે આખો ઉપક્રમ ગોઠવ્યો હતો. રવિવારનું જાજરમાન ઑડીયંસ પણ હતું, અનિતા અને રમેશ તન્ના  તો બીજી તરફ અમદાવાદ કૉલીંગ અને માર્ગીવાળા માર્ગી અને અમરીશ મહેતા પણ હતા. મેં ઓપનીંગ કર્યું, પહેલી એપ્રિલની પૂર્વ સવાર અને અમદાવાદની સવાર જેટલું તાજું અને રજાની સવારની મસ્તીને છોડીને ખાસ સાંભળવા આવેલું કાનોત્સુક બુધ્ધિ-શુધ્ધિ-શોધક-ટોળું કે સમાજની એક સરસ બ્લેક-એન્ડ-બીટર કેકની સ્લાઇસ જેવું સુગંધાતું એ હૉલનું વાતાવરણ. સ્પોર્ટસ-ક્લબમાં સંસ્કારક્લબનું શરુ થવું એટલે શું ? એક મેરેજબ્યુરોના સંચાલકને બહુ સાંભળવા મળ્યા હશે આ સવાલો ! કોઇ સંસ્કારી છોકરો બતાવો, કોઇ સંસ્કારી છોકરી બતાવો.. કારણ સંસ્કારમાપક યંત્ર હજી શોધાયું નથી અને મનુષ્યની વર્તણૂકની આગાહી કરવી વરસાદની આગાહી કરવા કરતાં અનેક ગણી મુશ્કેલ બાબત છે. બાષ્પીભૂત થતા ભાષાભક્તિ અને લગાવ સામે કટાક્ષિકાને હું રોકી ના શકયો

પ્રશ્ન અણિયાળો હતો, સંસ્કારનું શિક્ષણ નથી પણ ચિંન્તા છે. સંસ્કારની વ્યાખ્યા નથી એટલે ધર્મો એમની કર્મકાંડ લીલામાં મનુષ્ય વ્યવહાર અને વર્તનને પકડીને બંધિયાર બનાવી દેવી તેવી દહેશત છે, અને સમય એનો સાક્ષી છે. ગુજરાતી હોવું એટલે શું ? ઢેબરા, કરકસર, ટીવી સીરીયલોની વિષય વસ્તુ કે ઉત્સવપ્રિય પ્રજા !!! સંસ્કારની વ્યાખ્યા કરવા બેસીએ તો તો સમય પણ પડખુ બદલી નાખે તેવી ઝડપની ગરમી પડવા માંડી છે. મેં બે વાતો જોરથી કહી. એક ઓળખ-કટોકટીના આ કાળમાં સંસ્કાર ઓળખ છે, બીજી બાબત એ સામાજિક ચેતનાને સરળતા, સહજતા અને સુંવાળપ આપતું એક સાતત્ય છે. આ સાતત્ય અને આ ઓળખની જેટલી જાગૃતિ જબરદસ્ત એટલી સામાજિક-વર્તનની સામાજિક સુગંધ અને  નવનીત બનવાની પ્રક્રિયા અસરકારક અને દીર્ઘજીવી. ઘરમાં આની રસપૂર્વક ચર્ચા થાય અને મિથ્યાભિમાન વગરનું ગૌરવ લહેરાય ત્યારે આપણી સંસ્કાર હસ્તાંતરણની મઝા જીવવા મળે. સ્પોર્ટસ ક્લબ રવિવારની સવારે આ ભેળ કરવા માટે અને આ મેળ કરવા મથે તે ઘટના પોતે જ એક સંસ્કાર ઘટના છે. કાજલે સ્ત્રી હોવું એની માંડણી સરસ કરી, જેડી મજીઠીયાએ પોતાની દિકરી સાથેના પ્રસંગોથી સંસ્કાર માટેની નવી પેઢી સાથેના વાણીવ્યવહારની બારાખડી બાંધી આપી. જો કે આ બધું થાય તે અગત્યનું છે, સ્મિતાભેને એક પ્રશ્નાવલી પણ આપી. આખો કાર્યક્રમ રવિવારને બૌધ્ધિક અને હળવી ખુશનુમા આપી ગયો તેનું એક કારણ સમ્રાટ અશોક દવેનું રસીલું સંચાલન હતું. અમદાવાદ પોતાની ઓળખના ફ્લાય=ઓવર પર છે, વાંધો નહીં આવે, ટ્રાફિક જામ નહીં નડે…

બાય ધ વે, ન્યૂયોર્કમાં ટ્રાફિક-જામ કેમ છે ?

ભાગ્યેશ.

.

Advertisements

પ્રાર્થનાને પત્ર-૧૦ (શ્રી ભાગ્યેશ જહા)

                                                        

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

માર્ચની માર્ચ ઝડપથી ચાલી રહી છે. તમારા ત્યાં આવતા કુદરતી તોફાનોથી ક્યારેક ચિંતા થાય પરંતુ આ કૉમ્યુનિકેશન ક્રાંતિને લીધે આપણે એકબીજાના ક્ષેમકુશળથી તત્કાલ વાકેફ થઈ જઇએ છીએ. ટેકનોલોજીએ માનવમન ઉપર કરેલો આ મોટો ઉપકાર છે. ઉજ્જૈનમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો તે આ હતો ; કાલિદાસની પ્રાસંગિકતા ઘટી રહી હતી ત્યારે સ્ટીવ જૉબ્સ અને બીજા આઈ-ટીના મિત્રો મદદમાં આવ્યા. કાલિદાસ મેઘદૂતમાં જે વિરહ ભાવની તીવ્રતાથી વાત કરે છે તે વિરહ ભાવ ટેકનોલોજીને કારણે અદ્રશ્ય થૈ રહ્યો છે. તમે લોકો આટલા દુર છો પણ અમ્ને લાગતું નથી કારણ કે આપણે ઇચ્છીએ ત્યારે વાત કરી શકીએ છીએ, એકબીજાને જોઇ શકીએ છીએ. એટલે એક દ્રષ્ટીએ કાલિદાસની વિરહભાવનાની તીવ્રતાને અનુભવવાની કે સમ-સંવેદનની કક્ષાએ લઈ જવાની શક્તિ અને સ્થિતિ ભાવકો તરીકે આપણી પાસે નથી. ત્યારે સ્ટીવ જોબ્સા અને આધુનિક કૉમ્યુટીં વિશ્વના વિદ્વાનો ‘ક્લાઉડ-કમ્પ્યુટીંગ’ ની  વાત છેડે છે, જાણે એક નવી ક્ષિતિજ ખોલે છે, એક બારણું ખોલતા હોય તેવી સહજતાથી. આમ તો કાલિદાસ પણ જ્યારે વાદળ પાસેથી સંદેશવાહકનું કામ લેવાનું નક્કી કરે છે ત્યારે શરુઆતમાં જ શંકા વ્યક્ત કરે જ છે કે આ વાદળ શું છે ? (શું મારુ કૉમ્યુનિકેશન ટૂલ આધાર રાખવા યોગ્ય છે !) કાલિદાસ જ કહે  “ धूम्रज्योति: सलिलमरुत:सन्निपात:क्वचेद…..આ વાદળ એ બીજું કશું નથી પણ થોડો ધુમાડો, થોડો ઝાંખો પ્રકાશ, થોડું પાણી, થોડો પવન અને આકારશૈથિલ્ય આપતો સન્નિપાત.. આવા મિશ્રણથી બનેલા વાદળ થકી કૉમ્યુનિકેશન કરી શકાય.. ..?  પછી કાલિદાસ જાતે જ સમાધાન આપે છે, ‘સાચે જ, પ્રેમીઓ વિહ્વવળતામાં જડ-ચેતનનો ભેદ ભુલી જાય છે. એ તો કાલિદાસનું કામણ હતું, કવિતાનો ધ્વનિ અને નાદ-નિનાદનું સૌંદર્ય તો સંસ્કૃતના નિર્ભેળ સાક્ષાત્કારથી જ પામી શકાય.

પરંતુ આજના કૉમ્યુનિકેશનના કાલિદાસોની એક કતાર મારી સહાયે આવે છે. તે બધા છાપરે ચઢીને બોલે છે, ‘clouds are competent to receive, store, transmit, and retrieve the data-files.”. આ સાંભળીને કાલિદાસ સ્મિત વેરે છે, બૌધ્ધિકોની કાલિદાસની પ્રાસંગિકતાની પ્રશ્નાવલીને પ્રત્યુત્તર મળે છે. આને શું કહીશું, કાળની ડાળ ઉગી આવેલું બુધ્ધિફળ કે કવિતામાં વહેતી  સનાતન ચૈતન્યની સુવાસ.. મારો એવો અનુભવ છે કે ઘણા બધા લોકો કવિતાને કિનારેથી જ પાછા વળી જાય છે. કવિતા એ કવિનું કોલંબસ-કાર્ય છે, કવિ મનુષ્ય ચેતનાના સમુદ્રમાં ડૂબકી મારીને આવે છે. એટલે તો સિતાંસુભાઇ કહે છે, ” સાગરને તળીયેથી જ્યારે હું બહાર આવું, ત્યારે મારા હાથમાં મોતીના મુઠ્ઠા ના હોય, હું મરજીવો નથી, કવિ છું, જે છે તે કેવળ મારી આંખોમાં”. વિચાર કર, કાલિદાસની એ ક્ષણ કેવી કાલજયી ક્ષણ હશે જ્યારે એમને મેઘદૂતનો વિચાર આવ્યો હશે. હજી તો આપણે wind-computing, water-computing, fire-computing ની વાત માંડીશું ત્યારે જગતને ફરી એકવાર પંચમહાભુતોની નવી ઓળખ મળશે. મળશે જ.

ઉજ્જૈનના મહાકાલનગરમાં કાલિદાસની આવી વાત સંસ્કૃતમાં કરવા મળી એને પણ મહાકાલનો પ્રસાદ જા માનવો રહ્યો, માણવો રહ્યો. જો ને જે માને છે, એ ક્યાં માણે છે ..?  મને લાગે છે, જીવનને ઓળખવાની સાચી મથામણ એ જ એક કવિતા છે, કદાચ એ શબ્દો સુધી ના આવે તો પણ….!

શુભાશિષ..

ભાગ્યેશ.

 

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

           કેમ છો? અહીં ઋતુ પરિવર્તનની ધારી હતી એવી ધારદાર રજુઆત ના થઈ. બીજી તરફ મારી વધતી જતી અનુભવપ્રજ્ઞાને કારણે સામેની વ્યક્તિની મનમાં ચાલતી વિચારમુદ્રાઓ પામવાનો એક અનોખો આનંદ પણ મને નવી ભીનાશ અને અજવાશ આપી રહ્યો છે. જો કે એને કારણે એલિયટના પે’લા ‘Art and individual talent’ ના પુનર્વાચનનો સમય પણ ઘડિયાળમાં  ટહૂકી  રહ્યો છે. કવિઓ,કલાકારો અને લેખકોવિચારકોના મન-મસ્તિષ્કમાં આટલી બધી ઇર્ષ્યા કેવી રીતે ‘જીવીત’  રહી શકતી હશે-એ પ્રશ્ન મને સતત મુંઝવ્યા કરે છે…

મને લાગે છે કે મનુષ્ય ચેતનાનો પરિષ્કૃત સંસ્પર્શ થયો હોય તેવા જ લોકો સર્જકતાને પામે છે તેવું હમેશાં બનતું નથી. બીજું સર્જકતા અને સાત્વિકતા હમેશાં સાથે હોય તેવી સરળ ગતિ પ્રજ્ઞાની નથી. આ એક અદભુત માયાવી મધ્યબિન્દું છે.

          આ વર્ષે ે ફરીથી નીતિનભાઇ અને હીના બહેને ‘કવિ અમારે આંગણે’ એવો કાર્યક્રમ ઉજવ્યો. બેઠકનું વાતાવરણ. અને નિરંજન ભગતની રજુઆત.   બેટા, મારે તને અમારા કોલેજકાળમાં વક્તાઓનો અમારા પર કેવો પ્રભાવ હતો એની થોદી વાત કરવી છે. એસ.આર.ભટ્ટ સાહેબ, ફિરોજ દાવર સાહેબ, ભગવતીપ્રસાદ પંડ્યા અને નિરંજન ભગત. અદભુત વ્યક્તિત્વો અને સાંગોપાંગ વિધ્યાવ્યાસંગી અને નિર્ભેળ વિધ્યાર્થીપ્રીતિ. અમે ગામડેથી અમદાવાદમાં લહેરાતા આ શબ્દોને પકડવા, પામવા આવતા. અમારા કાન સાંભળતા, બુધ્ધિ સ્નાન કરતી પણ આંખ તો વીડીયોગ્રાફી કરવા લાગતી. દ્રશ્યો એના આધારભુત ધરાતલ છોડીને અમારા મનમાં જામી જતા. અમારા મનમાં પડેલાં ખેતરો અને શેરીઓમાં આ સીમેંટ-કૉન્ક્રીટના અવાજોની એક કેમેસ્ટ્રી રચાતી. આવામાં નિરંજન ભગતના મુંબઈ પરના કાવ્યો સાંભળતા. એમનો કાવ્યસંગ્રહ ‘છંદોલય’ અને એમાં નગરકાવ્યોનો વિભાગ નામે ‘પ્રવાલદ્વીપ’….રેલ્વે રાત્રે જતી હોય અને તમે ભરનિદ્રામાં હો તો પણ ગાડીના દોંડવાનો અવાજ એક સંગીતની અદાથી તમે સાંભળો તેવી અદાથી ઘડતરના અવાજો સંભળાતા. ઘણા સૂક્ષ્મ અને ગૂઢ  ગુફાની સુગંધવાળા અનુભવો હતા. મેં મારા પે’લા કાવ્યમાં કહ્યું હતું ને કે ” એક કાવ્યસંગ્રહનું પ્રગટવું એટલે બોમ્બને બદલે કળીના ફુટવાનો અવાજ સાંભળવો” આ  અવાજો અને આ મથામણો આ ‘કળીના ફુટવાના અવાજના કૂળ’ની હતી અને છે. આજે પણ ભુતકાળને છોડીને ક્યાં અમદાવાદમાં પ્રવેશાય છે, જાણે વરસાદમાં છત્રી  ખોલતા હોઈએ તેવી હળવેકથી ભુલવા-ખુલવામાં ભળવાનું.. બસ.. પછી તો પલળી નથી ગયાની સાવધાની અને ભીંજાઈ ગયાની ભુલભુલામણી.. બેટા, નીતિનભાઇએ  તેમના આ જોરદાર કાર્યક્રમમાં આ કામ કર્યું. નિરંજન ભગતે તો નરસિંહની કવિતાથી ઉઘાડ કર્યો અને મેં કેટકેટલાં ચોમાસાં ખોલી જોયાં.

નરસિંહ અને મીરાં અને અખો અને દયારામ અને પ્રેમાનંદની વાત છેડી. જો કે નરસિંહની વાતમાં જ મોટા ભાગનો સમય વપરાઇ ગયો. અથવા કહીએ છેક નાગરવાડાથી હરિજનવાસ અને બીજી તરફ ચૌદમી સદીથી આજની રાત સુધીના કાળ-સ્થળની ચોપાટ નંખાણી. પછી તો નિરંજન ભગત કે નરસિંહનું ક્યાં ચાલે એ તો કરતાલ અને કૃષ્ણની જુગલબંધીનો મામલો… મઝા  આવી, મને પોતાને એવું લાગવા માંડ્યં છે કે મારે નરસિંહની પુનર્વાચનાનો એક ઉપક્રમ કરવો.. ત્યારે જ તો ઇકોતેરમી પેઢી સુધી શબ્દના તારકબળનો પરચો

મળશે.

         ક્યારેક એમ થાય છે, કરતાલમાં ડૂબી જઈએ, ક્યારેક ઉંઘના મહાસાગરના તળીયે જઈને ઢંઢોળીએ આપણને પોતાને જ અને બહાર આવતાં જ ફરી એકવાર ગાઈ ઉઠીએ… જાગીને જોંઉ તો….

અત્યારે તો,

તદ્દન પરિચિત,

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૯ (શ્રી ભાગ્યેશ જહા)

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

હું ડાંગથી પરત આવી ગયો છું, હું થોડો મારામાં ઉમેરાયો છું. થોડો વગડાનો શ્વાસ, થોડી અજાણી વનસ્પતિની સુવાસ અને ભોળા ભોળા આદિવાસીઓની બોલતી અથવા મૌન તસ્વીરોથી છલોછલ આંખો.. મઝા આવી, પે’લી જૂની કવિતામાં આદિવાસી નૃત્ય પછી લખી હતી તેવી જ, પણ આ વેળા હું થોડો વધારે સાવધાન હતો, થોડો વધારે અંતર્મુખ હતો. તું જાણે છે તેમ પ્રજાસત્તાકદિનની પૂર્વસંધ્યાએ એક કાર્યક્રમ રજૂ કરવાનો હોય છે, મારા મનમાં એનો એક જબરદસ્ત ઉત્સાહ હોય છે, નોંકરીથી ઉપર જઈને કામ કરવાની મઝા આવે છે તેવો આ પ્રંસંગ હોય છે,પ્રસન્નતા પણ.

એક બીજા સ્તરે એક ઘટના બને છે, હું લગભગ દરેક શૉ માટે એક ગીત લખું છું અને ક્યારેય મારું નામ બોલવા દેતો નથી. મારે મારા આ મૌનને કોઇ નામ નથી આપવું પણ આ મનઘડતરની પ્રક્રિયામાં મને એક દિવ્ય મઝા આવે છે. આજે આવી જ એક વાત કરવી છે.

ડાંગના સામાજિક ‘નેરેટીવ્ઝ’માં એક કથા ચાલે છે. ગામોમાં. પહાડોના ઘાટો પર આ વાર્તા (વારતા) કહેવાય છે. વાત આમ છે. માનસિંહ રાજકુમાર છે, ડાંગના જંગલોમાં શિકાર કરવા નીકળે છે. એક રૂપ રૂપનો અંબાર હોય તેવી યુવતી તળાવ કિનારે ઉભી છે, સહેલીઓ સાથે છે, અને યુવાન રાજકુમાર ચાંદનીમાં ભળી જતી રાજકુમારીની સુંદરતાને મોહી પડે છે, પ્રેમની ઘોષણા કરે છે. રાજકુમારી સાળવા શરત મૂકે છે. સાળવા કહે છે,” મારી સાથે પરણવું હોય તો ત્રણ પ્રહરમાં એક સાત માળનો રાજમહેલ બનાવી આપે, દરેક માળ પર નવ ખંડ હોવા જોઇએ, દરેક ખંડને નવ બારીઓ હોવી જોઇએ. માનસિંહ શરત પ્રમાણે ભવ્ય રાજમહેલ બાંધી દે છે, સાળવા આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે સાળવા કહે છે, “હું પરણીશ પણ માત્ર શરીરથી જ, આત્માથી નહીં”. માનસિંહનું જીવન રહસ્યમય રીતે એકાકીપણાની છાયામાં ચાલું થાય છે. સાસું સાથેની મુલાકાત પછી માનસિંહ રાત્રે જુએ છે કે સાળવા રાત્રે બહાર ચાલી જાય છે, મૂલત: સાળવા પૃથ્વીનો જીવ નથી, તે અપ્સરા છે અને રાત્રે દેવોનો રથ આવે છે અને સાળવા ચાલી જાય છે. એક રાત્રે માનસિંહ રાત્રે આવેલા દેવરથને પાછળથી પકડીને રથની સાથે ઉડે છે, આકાશ પાર કરે છે, દ્વારકા પાસે કોઇ કેળના છોડમાં પગ ફસાઇ જતાં માનસિંહ પડી જાય છે. વાડીનો માલિક મૃદંગી માનસિંહને જણાવે છે, ‘ હમણાં સ્વર્ગની અપ્સરા સાળવા અહીં આવશે, હું એને રીઝવવા આ મૃદંગ વગાડું છું, આજે હું થાકેલો છું. તું ,મારો પરિવેશ સ્વીકારીને મૃદંગ વગાડજે  અને સાળવા નામની આ અપ્સરાને પ્રસન્ના કરજે.’  મૃદંગીનો વેશ ધારણ કરીને માનસિંહ સાળવાની પ્રતીક્ષા કરે છે, સાળવા આવે છે,મૃદંગ વાગે છે, એક અનોખો નાદોત્સવ સર્જાય છે. થપાટે થપાટે સાળવાના થડકાર અને ધબકારમાં એક નવી જાગૃતિ આવે છે. તે માનસિંહને વરે છે, જાહેર કરે છે એની અશરત સ્વીકારની ભાષા, અને તુરત જ માંસિંહ એનો મૃદંગીનો પરિવેશ હઠાવે છે, સાળવા ઓળખી જાય છે એના પતિને, અને પુન: સમર્પિત થઇ જાય છે. દેવોને માનસિંહ-સાળવાની ઇર્ષ્યા થાય છે. સાળવાને ત્રણા ખંડો વચ્ચે આવેલા કોઇ ટાપુ પર એક પોપટના શરીરમાં સાળવાના જીવને કેદ કરવામાં આવે છે. માનસિંહ મહાદેવની ઉપાસના કરે છે અને મહાદેવ માનસઇંહને સાળવાનું સરનામું આપે છે. પરંતુ અહીં મને મઝા આવે છે, એક આદિવાસી જીવનના નિરીક્ષક તરીકે મને અહીં એક ‘ટ્વીસ્ટ’ (વળાંક ) આપવાની મઝા આવે છે. વાર્તાઓમાં વહેતી આવી ભાગીરથીમાં એક ઝરણાની અદાથી ભળી જવાની મઝા પામવા  માટે હું અહીં મહાદેવના મુખેથી બે વાક્યો ઉમેરાવું છું. ” હે વત્સ, જા તને તારી પ્રિયતમા જે મૃદંગ થકી મળી છે એ મૃદંગ(ઢોલ)  યુગો સુધી બે પ્રિય પાત્રોના મિલન માટે સાક્ષી બની રહેશે. અને અનેક યુગો સુધી આદિવાસી પ્રજા તેના આ રાજાની તપશ્ચર્યાને યાદ કરીને આ મૃદંગ કે ઢોલમાંથી આનંદ પ્રમોદ મેળવી શકશે.” બસ,  બેટા જીવન સફળ થઈ ગયું, શિવના શબ્દમાં મેં મારો શબ્દ ભેળવ્યો, સર્જકતાની અણીદાર અનુભૂતિથી ઇતિકર્તવ્યતા અનુભવી. આ જ તો મઝા છે, ફકીરાઇની ! સાંસ્કૃતિક સચિવ તરીકે મળતી આ અલૌકિક અનુભૂતિનું એક નાનકડું અદૃશ્ય કંઠકડું પહેરી લીધું છે, મેં…

વિચાર કર, 375 કિમીનો પ્રવાસ કરીને મારે એકાંકી સ્પર્ધાના ઉદઘાટનમાં બોલવાનુ6 આવ્યું ત્યારે મેં એટલે જ સાહજિકતાથી કહ્યું, ” હું ડાંગથી આવું છું, હું પહાડના એક ઘાટ પર ઉભો હતો ત્યારે એક આદિવાસી ઝાડ નીચીથી નીકળ્યો, અને મને લાગ્યું જાણે એક ઝાડ નીચેથી બીજું ઝાડ ચાલી નીકળ્યું. પ્રજાનો અને ભાષાના ‘ચાક્ષુષ યજ્ઞ’ સમા ગુજરાત સમાચાર આયોજિત એ એકાંકી સ્પર્ધામાં મારું બોલવું પણ આદિવાસીની ચાલ જેટલું નૈસર્ગિક બની રહ્યું, અને મને ફરી પે’લા અલૌકિક આનંદનો આહલેક સંભળાણો.. બસ.. આ જ તો જીવન છે, આપણી આસપાસથી અલૌકિકતા વીણી વીણીને અદ્રશ્ય વીણા વગાડ્યા કરવાની, એક મનગમતી વીણી ગુંથ્યા કરવાની…

આટલું જ કરવાનું છે, કરશોને …?

ભાગ્યેશ.

 

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

સમયની માર્ચના ભાગરુપે 2013નો માર્ચ આવી પહોંચ્યો છે. છે.પણ આપણે એક એવા સમયના મેદાનમાં છીએ જ્યાં અનેક દિશાઓમાંથી જુદી જુદી માર્ચ આવી રહી છે.  એક તરફ કામનું ભારણ મારી ઘડિયાળને કોઇ દિવ્ય તારણ સંભળાવી રહ્યું છે, તો બીજી તરફ કવિતા શબ્દો વાસંતી ઉપવનના પુષ્પોની જેમ મારી સામે જોઇ રહ્યા છે. તો મારા અસ્તિત્વની શોધ અને સંઘર્ષ પ્રક્રિયામાં કૃષ્ણ અને કમલહસનની ‘વિશ્વરુપમ’ની અનુભૂતિઓનું એક આખું આકાશ આવીને ઉભું છે. અદભુત છે આ  કાળની અનંત સરિતાના સ્પર્શની અનુભૂતિ !!

ગયા અઠવાડિયે.. એટલે કે સપ્તાહાંતે (વીક-એન્ડ કહીશું કે સ્ટ્રોન્ગ-એન્ડ કહીશું તે પછી નક્કી કરીએ.) હું ઉજ્જૈન ગયો હતો. સંસ્કૃતભાષાનો એ સૌથી  મોટો  સાહિત્યોત્સવ હતો. મારે અતિથિ તરીકે સંસ્કૃતભાષાની ગતિ વિશે બોલવાનું હતું. મઝા આવી ! હું સંસ્ક્રુતમાં બોલ્યો, કદાચ હું જ એવો હતો જે સંસ્કૃત સાથે અહર્નિશ જોડાયેલો નહોતો, પણ ઘણી વાતો કરી તેની વાત નિરાંતે કરીશ .. આજે તો મારે મેં ત્યાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના દર્શન કર્યા તેની વાત કરવી છે.

ઉજ્જૈનમાં આ મહાકાલેશ્વરનું મંદિર અને દર્શન આપણા માટે ભારે શ્રધ્ધાનું કેંદ્ર રહ્યું છે. હું સાંજે સાહિત્યોત્સવના કાર્યક્રમમાંથી પરવારી મંદિર પહોંચ્યો. સાથે બે મિત્રો હતા. ઇંદોરમાં રહેતા અમિત સોની એક છાપું ચલાવે છે તેમના સાથી પત્રકાર રવિ સેન મારી સાથે હતા. અમે દર્શન કર્યા, મહાકાલના.. થોડી ક્ષણો માટે તો ભર્તૃહરિનો પે’લો અમર શ્લોક સંભળાયો’ प्रत्यायांति गता:पुनर्न दिवसा: कालोजगद्भक्षक:। એક ઝણઝણાટી વ્યાપી ગઈ… પુજારીએ ભસ્મનું તિલક કર્યું અને દાદાનો એ તેજસ્વી મુખરવિંદ પ્રગટ્યું… આખી ક્ષણની એ વિજળી વેગે વહેતી કાળસરિતાને શબ્દો સુધી લાવવું અઘરું છે, પણ એક અનોખી મઝા આવી.બહારા નીકળ્યા ત્યારે બે નાના મંદિરમાં દર્શન કર્યા એક છે, સિધ્ધિવિનાયક અને બીજા ભગવાન સાક્ષી ગોપાલ… બસ.. બે ક્ષણ માટે ફરીથી હું મારામાં ખોવાઇ ગયો. પે’લા અનંત ગીતની પંક્તિ લહેરાતી ધજામાં સંભળાઇ હતી તેવું જ કંઇક બન્યું,,, મારું એ હવે દર્શન, સુદર્શન કે વિશ્વરૂપદર્શન છે. આ એક પરિસરમાં ત્રણ મંદિર મારી સાથે શું વાત

બેઠા હતા ? એ ક્ષણના કિલ્લાના મોટા તોતિંગ દરવાજામાંથી ધસમસતો આ પ્રકાશપ્રવાહ શું છે? આ સૂરજના બુઝાતા અજવાળામાં ઉભરતી આ ક્યી મૂર્તિઓ છે ? વાર્તા કહેનારના શબ્દોને કાંઠે મૂકીને હું સાક્ષી ગોપાલને બારણે ઉભો રહ્યો, ઉભો રહ્યો એટલે ઉભરતો રહ્યો, કાળનો ઉભરો અને મનનો ભમરો, જીવનનો મમરો… બધું ક્ષણભંગુર…. કેવી મહાન દ્રશ્યરચના કરી હતી આ દેવાધિદેવે… પહેલા મહાકાળના દર્શન કરો, સિધ્ધિવિનાયકને ઓટલે તમારી આરત અને આશાઓ અને અરમાનો ને ઉમળકાને મનમાં ગુંજાવો અને પછી ઉભા રહો સાક્ષી  ગોપાલની સામે..! કાળ, સિધ્ધિ અને સાક્ષી ,,, જાણે ભારતીય દર્શનશાસ્ત્રોનો સાર આ પરિસરમાં મારી સાથે વાતે ચઢ્યો હતો. સ્વયંભૂ રીતે આવી રીતે મહાકાળનું લિંગ રૂપે પ્રગટવું તે પોતે એક ઘટના તરીકે ‘ Time and Space’ ની અભિવ્યક્તિ છે, સિધ્ધિવિનાયક એ મથામણોનો નકશો છે, ‘ A race and logic of becoming’ કશું થવાના અરમાનો એ મનુષ્યની ઇચ્છાશક્તિ અને કર્મશક્તિનું સંમ્મિલિત સ્વરૂપ મહાકાળને આંગણે ઉભું છે, પણ આ બધામાં ‘સાક્ષીભાવ’ની જાગૃતિ એ જ તો ઇતિકર્તવ્યતા છે. મહાકાળના મંદિરના આકાશમાં તે દિવસે જે સંધ્યા ખીલી હતી તેના લલાટે લખ્યું હતું ‘ TO Be’ [ T= time, O=observe, Be= becoming ] અસ્તિત્વનું તાળું ખુલી ગયું અને તાળો મળી ગયો. આપણા મંદિરો આ રીતે આપણા શાસ્ત્રોના બોલતા શિલાલેખ છે.

આ મઝા શોધજો, બેટા.. જીવનના મંદિરમાં.

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૮ (શ્રી ભાગ્યેશ જહા)

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

તમારે ત્યાં ડીસેમ્બર અને 2012 આથમવાની ધૂળ ડમરી ઉડતી હશે. યાદ છે, 2004ની 31મી ડીસેમ્બરની રાત્રે હું નીકળ્યો હતો નગરના રંગરુપને  જોવા માટે….રાત્રીનો સમય હતો, બાર વાગવાને દશેક મિનિટ વાર હતી. સયાજીગંજ આગળ આવેલા આઇસ્ક્રીમ પાર્લર 400થી 500 લોકો ઉભા હતા. મારે ફતેહગંજ જવું હતું, સયાજીગંજ પર સરદારની પ્રતિમા સાથે મારો પરિચય એકદમ અંગત છે. 2003ની પહેલી મે ના રોજ મેઁ  માનનીય મુખ્યમંત્રીને અહીં આવકારીને સૌ પ્રથમવાર ગુજરાત ગૌરવદિવસની ઉજવણી શરુ કરી હતી. મારા મનમાં તે દિવસથી આ સરદારની પ્રતિમા નવતર પ્રયોગો કરવા માટે પ્રેરણા સ્થનક જેવું બની ગયું છે. સરકારી સેવા કરતાં કરતાં કોઇ નગર સાથે તો સહી પણ નગરની આવી પ્રતિમાઓ સાથે ઇમોશનલી જોડાવવું એ મારે માટે એક પ્રમોશન જેટલું આનંદદાયક સંભારણું બની રહ્યું છે. ( અને આવા અનેક સ્થાનો અને સ્થાનિકો છે જેમણે મારા મનમાં પોતાના કાયમી સ્થાનો આજે પણ જાળવી રાખ્યા છે.).

ચાલો, આપણે ફતેહગંજ જઈએ. ખાસ્સુ પાંચસો યુવક -યુવતીઓનું ટોળું હતું. મોટાભાગના જીન્સના પેન્ટ અને ટી-શર્ટમાં સજ્જ યુવાનો હતા. વેરાયેલી લાગણીઓ અને વીખરાયેલા એજન્ડાનો ઝીણો છંટકાવ હતો. કૉફી અને ચાની ચુશ્કીઓ જ ઉજવણીને જરુરી પ્રાણ પુરો પાડતા હોય તેવુ6 જણાતું હતું. રાત્રીના અગિયાર વાગીને પંચાવન મિનિટ થઈ એટલે થોડી હરકત થઈ, અચાનક બધા સાવધાન થવા પ્રયત્ન કરતા હોય તેવું લાગતું હતું. બાર વાગવામાં જ્યારે ત્રણ મિનિટ બાકી હતી ત્યારે હું ધીરે રહીને એક ખુણામાં ગોઠવાયો, સમય બતાવનાર ઘડિયાળની જેમ. કદાચ ખુદ સમયની પાંસળીઓમાં છુપાયેલા પવનની જેમ, ડીસેમ્બરની ઠંડીમાં સંતાડાય એટલું મોં સંતાડીને. કારણ આજે કલેકટરને એક ક્ષણને ઝડપવી હતી, કલેક્ટ કરવી હતી એના અવતરણની સામૂહિકતાને..સમાજને સમજીને શાસન કરવાની મઝા કંઇ ઑર જ હોય છે. મારી આ સતત મથામણની આ પણ એક બાજુ હતી. આમાં તો સમાજ અને નગર અને યુવાનો અને ઉજવણી જેવીસંજ્ઞાઓને સમજવા જતાં મારે મહાકાળની મુખોમુખ થવાનું હતું.

બાર વાગ્યા, ટકોરા પડ્યા. આકાશ હોવું જોઇએ તેટલું નિ:સ્તબ્ધ હતું. રેસ્ટૉરન્ટસમાં ખાસ ગોઠવેલી લાઈટોએ અચાનક જ ફર્કવાનું ચાલું કરી દીધું, ટોળાએ એક ખુબ મોટી ચીસ પાડી, બીજા ટોળાએ એટલી જ હ્રદય-વિદારક ચીસ પાડી. ચીચીયારીઓની ભીષણ દોંડાદોંડ થવા લાગી. મને ભારે રોમાંચ થતો હતો. લાઈટોની ગતિ, ચીસોનું એકબીજાને અથડાવું અને જે નાની ખુલ્લી જગામાં આટલા બધા લોકો ઉભા હતા એ અચાનક જ નાની થવા માંડી. મારા કાન હવે હાંફવાનું બંધા કરીને શાંત પડ્યા હતા. કાનને શોધ હતી કોઇ ગીતની, કોઇ નવા વર્ષના સ્વાગતના શબ્દોની. પણ શાંતિથી સ્વસ્થાને બેસી ગયા મારા કાન… આંખોએ આંટો માર્યો હતો તે લાઇટોની રંગીન ગલી હવે જુની લાગવા માંડી હતી. શાંત પડેલો કોલાહલ પોતપોતાની શક્તિ પ્રમાણે ચા-કૉફીના નાનકડા તળાવોમાં ન્હાવા પડયા હતા. રાત એના નવા ગંતવ્ય માટે, નવા વર્ષની સવાર માટે નીકળી પડી હતી. રાતને ઓળખીને જુદી પાડવી મુશ્કેલ હતી.

હું મારું નાક,કાન અને આંખો વીણીને મારામાં ગોઠવાઇ રહ્યો હતો. વાંચવા મથતો હતો કે શું બન્યું અને કેમ બન્યું ? પ્રશ્ન ભેગા થવાનો હતો, સમસ્યા ચીસોની હતી, કોયડો મનુષ્યના ચિત્કારનો હતો ? શોધ આ બધા કોલાહલના કવન અને ગવનની હતી. શોધ જેટલી વિસ્મયની હતી એટલી ચિન્મયની હતી. મૂશળધાર અજવાળામાં ક્ષણના અવતરવાની અંધારી ક્ષણને પકડવી હતી. કાલાંતરની કળને અને કળાને પામવી હતી. મારે તો બાંધવો હતો મારા જ કેલેન્ડર સાથે મારો સંબધ બાંધવો હતો, અને છોડવો પણ હતો. પે’લી અજાણ્યા યુવાનોની ચીસો એ કેલેંન્ડરમાં ‘कालेन डर: ‘એવા અર્થની મથામણમાં ડૂબકી મારવી હતી. મને મઝા આવી, એક ઉજાગરાએ સમયને મેં ચૉકમાંખુલતો જોયો. ઘેર જઈને આંખ બંધ કરીને આખા દ્રશ્યને મનની દાબડીમાં મૂકી દીધું. આજે ઉકેલું છું એ ભેદ તને જણાવવા તો મારી સામે નરસિંહા મહેતા ઉભા ઉભા ગાય છે,

“રાત રહે જાહરે, પાછલી ખટઘડી, સાધુ પુરુષે સૂઇ ન રહેવું’

નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું એક તું’એમ કહેવું.”

લ્યો, 2012 તો ચાલ્યું, અને કાળ આમ જ વહ્યા કરશે, આવી ક્ષણે દાદા યાદ આવી જાય એમની ભસ્માંકિત છટા સાથે. કાળમાં મહાલાકને ઓળખવા અને ઓળખીને પૂજવા એ જ સ્તો જિન્દગી છે, બેટા !.

શુભાશિષ,

ભાગ્યેશ.

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ….

ગુજરાત ઠંડીના ચમકારાથી ચમકી રહ્યું છે, મઝા આવે છે. સવારે ચાલવા જઈએ ત્યારે પવનમાં ઉતરાણનું ગીત લહેરાતું હોય, થોડું ધુમ્મસ આપણા સમાજમાં સ્થિર થયેલા ‘કંફ્યુજન’ના સમાચાર આપવા આવ્યું હોય તે રીતે છાપાના રંગે ફેલાઇ ગયું હોય છે. સવારની સ્કૂલબસોમાં બેઠેલા બાળકોને જોઇએ ત્યારે ખ્યાલ આવે કે આવા પ્રકારની ઠંડીને “ગુલાબી” ઠંડી કેમ કહેવામાં આવે છે. સ્કૂટર પર નીકળેલી યુવતી ઉતાવળમાં છે કે ઠંડીનો સામનો કરી રહી છે તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. રીક્ષામાં જતા એક પરિવારમાં બોલતી મહિલાનો અવાજ રોડ પર ઢળી રહ્યો છે ત્યારે એના પતિની મફલરને કાન પર બાંધવાની હરકત મને થોડી રમૂજમાં ધકેલે છે. ઝાડ નીચે રોટલો શેકતી શ્રમજીવી સ્ત્રી માટે દિવસની શરુઆત થઇ ગઈ છે.

આવા એક રવિવારે ઘેર બે કવિ આવે એનાથી રુડુ શું ? અમેરિકાથી પોતાના વતન સાવરકુંડલામાં એક અનોખા સન્માનને સ્વીકારવા અને વતનને જતનથી ભેટવા આવેલા આપણી ભાષાના સોનેટ-કવિ નટવર ગાંધી અને અમેરિકાસ્થિત એવા જ લોકપ્રિય કવિયત્રી પન્ના  નાયક આવ્યા હતા. ઘેર કવિ આવે એટલે જાંબુડાનો ચહેરો બદલાઇ જાય છે. તડકામાં થોડી ભરતી આવે છે, બારીના અજવાળામાં કવિનું હસવાનું ભળે ત્યારે ઓટલા પરની ચકલીનો ચહેરો બદલાય છે. બહુ વાતો કરી, અમે ત્રણેય-જણે કવિતાપાઠ કર્યો. પનાબેને એમની ‘મા’ પરની, નટવરભાઇએ એમનું એક સરસ સોનેટ રજુ કર્યુ. મેં અંધારપંખી નામનું કાવ્ય વાંચ્યું, અમે સુરેશભાઇ અને પ્રબોધજોષીને ખુબ યાદ કર્યા. આટલી બધી ઠંડીમાં પન્નાાબેનનું પે’લું વરસાદ કાવ્ય યાદ આવ્યુ, ” તારી સાથે

સતત

એમની વાતો કરવી ગમે છે.

જાણે કે

હું

વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.”

બન્ને કવિ સંપાદકોની યાદ એ રીતે તાજી થઈ આવી. હવે વરસાદના દિવસો ઓછા થતા જાય એવા ચોમાસાઓમાં આપણે જીવીએ છીએ, અને કપડા સૂકવવાની અડધીપડધી ચિંતા આપણે કામવાળીને આઉટ્સોર્સમાં સોંપી દીધી છે. આપણા સમયમાં ચેતનાના વસ્ત્રો ક્યાં સૂકાય છે એની ચિંતા કરતા કવિઓને મળવાની મહેફિલના સ્મરણમાં મને પન્નબેનની એક વધુ કવિતા યાદ આવે છે,

“પણ ઘુઘવતા ઉદધિના ભીતર

જે

કોરું કોરું તરફડે,

એને તમે શું કહેશો ?”

બેટા, તું જાણે છે કે અમેરિકામાં કેટલુંક ગુજરાતીપણું એના સાચા સ્વરુપમાં સચવાઈ રહ્યું છે. મને નટવરભાઇને જોવું-સાંભળું એટલી વાર મારી પેલી ઉક્તિ યાદ આવે જ. ” અમેરિકામાં એક ફ્રીઝમાં મુકેલું ગુજરાત ધબકે છે”. નટવરભાઇ આ ગઝલ-અછાંદસના યુગમાં સોનેટની એક સુખદ સવારી લૈને નીકળ્યા છે તે આપણી ભાષાનું સદનસીબ છે. નટવરભાઈએ વૉશિગંટનનું નાણાંતંત્ર સંભાળ્યું છે, તે ડેફીસીટના નહીં પણ સરપ્લસના માણસ છે. હું જ્યારે જ્યારે વૉશિગંટન ગયો છું ત્યારે ત્યારે એમની સાથે કાવ્ય-વિનોદની મહેફિલ અમે અચૂક માણી છે. એ  ખડખડાટ હસી શકે એવા કવિ છે, એક્ષપ્રેશનના માણસ હોવાને કારણે ડીપ્રેશનને એમનું સરનામું મળ્યું નથી. એમની સાથે એમના કાવ્યસંગ્રહ ‘પેંસિલવેનિયા એવન્યૂ’ની વાત થઈ.  આ કાવ્યસંગ્રહમાં એક અદભુત ગ્રહમંડળ જેવું ચાર  કાવ્યોનું એક ઝુમખું વાંચવા જેવું છે, એનું  શીર્ષક ‘નટવરસરના પાઠ’ એવું છે, બહુ રોચક શૈલીમાં લખાયેલા આ કાવ્યો વિશે ક્યારેક વિસ્તરણથી લખીશ. આજે તો એમને રજુ કરેલા કાવ્યની એ પંક્તિ આ પત્ર થકી ગણગણવી છે જે આજે પણ કવિના અવાજમાં ફરફર ઉડી રહી છે,

“અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.”

આ જ તો કવિઓની વિશેષતા છે, એ આનંદના ઉદગાતા છે. શબ્દો એમના સ્પર્શથી જાણે સુગંધાઇ જાય છે, જેમ છાશ્માં માખણ તરતું તરતું ઉપર આવે એમ જીવનનો આનંદ ચેતનાના એક ઉંડાણમાંથી બહાર વહી આવે છે, એટલે મને ઓડેનની પે’લી વાત ગમે છે કે કવિઓ મનુષ્ય ચેતનાના ‘કોલંબસ’ છે, એટલે જ નરસિંહા મારી શેરીમાં આવીને આજે પણ ગાય છે ” ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે..” આજ તો આપણી સાધના છે.

આવી મઝા આવી બે બે કવિઓના ઘેર આવવાથી, અન્ય નવાજુની તો છે જ, જે કહેતો રહીશ.

શુભાશિષ,

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૭ (શ્રી ભાગ્યેશ જહા)

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

અહીં શિયાળો આવી ગયો છે. સવારે ચાલવા આવનારાઓની સંખ્યા વધશે એ વિચારે બગીચો જાણે નવા વસ્ત્રો પહેરી રહ્યો છે. પણ શિયાળાના સ્વાગત જેવી ઘટના 26મી ઓક્ટોબરે સાંજે વડોદરામાં બની. તું જાણે છે શ્રી માર્કંડભાઇ ભટ્ટ ‘એક કવિ એક સાંજ’ એવો કાર્યક્રમ યોજે છે. 2007ની સપ્ટેબરની 29મીએ કાવ્યો વાંચેલાં. ગઈકાલનો અનુભવ જાણે એક વધું પ્રમોશન મળ્યું હોય તેવો રહ્યો. વડોદરાનું મારું 2સપ્ટેમ્બર 2012નું પ્રવચન અને ગઈકાલનો કાવ્યપાઠ મારા માટે એક સરસ મઝાના વળાંક તરીકે ઉભા છે. મને મારી શોધમાં જાણે કે ગતિ મળી રહી છે. અને એ રીતે અ 2012નો શિયાળો શક્તિની શોધનો શિયાળો બની રહે તેવો મારો જીવનયત્ન બની રહેશે. મને ખબર નથી સરકારી જવાબદારીઓ આમાં મદદરુપ બનશે કે વિઘ્નદાયક.. પણ એક વાત છે કે સરકારી હોદ્દાઓ અને કવિતાને અલગ રાખવાને કારણે હું પોતે જ મારી કાવ્યયાત્રાને માણી શકું છું. જો કે અનુભવ અને સર્જકતાની સામગ્રી કાર્યના વ્યાપક ફલક અને ઉંડાણમાંથી સ્રવ્યા કરે છે તે મારે નમ્રતાથી સ્વીકારવું જોઇએ.

કવિતાને આ રીતે પ્રગટાવવી -એ પોતે પણ એક મઝા છે. આ સાંજે મેં અનેક કવિતાઓ રજૂ કરી. બીજા દિવસે પધ્મશ્રી સિતાંસુભાઇ સાથે વાત થઈ. તેમને આપણું જાંબુનું ગીત ખુબ ગમ્યું. દરેકને કવિતા પોતપોતાની રીતે ગમે. આમ જોઇએ તો કવિનું કામ અરીસા વહેંચવાનું છે. બધા શબ્દોના દર્પણમાં પોતાને શોધે છે. કોઇને લયમાં એમની ધમનીનો ધબકાર સંભળાય છે તો કોઇને કલ્પનની તાજગીમાં એમની સંતાડેલી વેદનાના ચોળાયેલા વાળ દેખાય છે. ક્યાંક શબ્દોના ચયનમાં કવિની સહજતા કોઇના કાનને કામણ કરે છે તો ક્યાંક અલંકરણની અલબેલી શૈલી સ્પર્શી જાય છે. મૂળ ક્રિયા તો ચૈતન્યમાં બોળેલો શબ્દ ઝરણાના પાણીની જેમ કશુંક સંગીત ઉભું કરે છે. આખા વાતાવરણમાં મઝા ઝમે છે તે તો એજન્ડા વગરના પ્રેમમા …. એક નગર આવા ઘોર કળીયુગમાં પોતાના કવિ-કલેક્ટરને  સાત સાત વર્ષે પણ યાદ રાખે અને ધ્યાનથી કવિતાઓ સાંભળે તેનાથી વધું રૂડું શું હોઇ શકે. આ સાત વર્ષોમાં મારે મન જે અળગું થતું ગયું છે તે તો પેલું કલેક્ટરપણું, અને આ વછુટતા વળગણોમાં વડોદરાની સત્વશોધક ટોળી જોડાયેલી હોય ત્યારે એક અજાણ્યા ટાપું પર મુસાફ઼રી પર નીકળ્યા હોઇએ તેવું લાગે છે. આમાં જેમ જેમ અજાણ્યો સમુદ્ર તમારા વહાણને અને વ્હાલને સ્પર્શે તેમ તેમ તમને સંબંધોના નવા અર્થો મળ્યા કરે, ફ઼ંગોળાતું પાણી તમારી શબ્દસમજને મંથનનો દરજ્જો આપી દે. આ બધી સગવડ શબદના સગડ મેળવવા નીકળેલાઓ માટે છે. આનંદ એટલો છે કે હજારો નાવડાઓમાં એક નાવડું આપણું પણ છે…

હમણાં ફ઼રી સ્વ.કવિ રાવજી પટેલ જાગ્યા છે, મનમાં જીણી જીણી કવિતાની ધુમ્રસેર રચ્યા કરે છે આપણને ગમતું આકાશ. મને રાવજી પટેલ ગમતા કારણ એ ગામડાનો માણસ હતો. એનં ધબક્તું હ્રદય તમે સાંભળી શકો તે રીતે તેની કવિતાઓ આવતી. આજે થોડી વાત રાવજીની પણ કહું કારણ આપણે કવિતાને કિનારે બેઠા બેઠા જ વાતો કરીએ છીએ. જો કવિએ કેવી રીતે કહ્યું છે;

“અરે, હા!,

હું એ ડાળીની લાલકૂંણી કૂંપળમાંથી જ

સીધો આ ઘરમાં ઉતરી આવ્યો છું !,

નહીં તો

આ રૂંવાડામાં કોયલ ક્યાંથી આવે ?..”

આજે ખેતર જોઊં અને હળ સાથે જે કળ ખુલે છે તે કવિતાની કળ હોય છે. જો કવિ બોલે છે,

“લાવો લાવો ચંદનના જલ લાવો,

કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?,

આ તે કોણ મને-

માટીનો પરખીને મનથી ખેડે ?……

ચાલ, તમે લોકોએ તો ચૂંટણી અને હરિકેન ઓળંગી નાખ્યા, અમે કિનારે ઉભા છીએ.

દિવાળીની શુભકામનાઓ…

ભાગ્યેશ.

 

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ………..

આજે સવારે ’મોર્નિંગ વોક’ પછી ચાની લારીએ બેઠા હતા ત્યારે રાહુલભાઈએ સરસ વાત કરી. વાત કરતામ એમની આંખોનો આનન્દ વાંચી શકાય, પામી શકાય તેવો હતો. તું જાણે છે, રાહુલભાઇનો પુત્ર ’તીરથ’ વીઆઇટી(વેલ્લોર ઇન્સ્ટીટ્યુટ ઓફ઼ ટેકનોલોજી)માં ભણે છે તેને ગુજરાતીમાં એક શબ્દ વાપર્યો તનાથી રાહુલભાઇ રાજી હતા. તીરથે કહ્યું,” અહીં મુશળધાર વરસાદ પડે છે”. વાક્ય સાદુ હતું, પણ અંગ્રેજી વાતાવરણમાં ભણતા યુવાનનું હતું. અહીં ગુજરાતમાં હવે એવા અનેકસ્થળો છે જ્યાં ગુજરાતી સાંભળવા પણ ના મળે ! અમેરિકામાં એવી જગા હોય જ્યાં અંગ્રેજી સાંભળવા જ ના મળે, ચીનમાં ચાઇનીઝ સિવાયનો કે જર્મનીમાં જર્મન ભાષા સિવાયનો ખુણો શોધવો મુશ્કેલ છે ત્યારે આપણે ત્યાં એક નવીનતમ ગુલામીના યુગનો ઉદય થઈ રહ્યો છે. પ્રજા તરીકે ઓળખ-કટોકટીના પહેલા શિકાર થઈએ એવા ભાષા-વિકાર-વાયરસનો જીવલેણ હુમલો અનુભવી રહી છે આપણી સામુહિક ચેતના.. મેં એકથી વધારે વાર કહ્યું છે તે આજે ફ઼રીથી તને જણાવું છું કે ભાષા અને સાચા ધર્મ પર થતા હુમલાઓ મને રડાવી મૂકે છે. હું અચાનક જ ગાઝાસ્ટ્રીટના કોઇ ઘવાયેલી ’મા’ના દિકરાની વેદના અનુભવું છું. આ ’તીરથ’ઘટના આજે શનિવારે મને ૨૦૧૨ની મારી ભાષાચિંતાને જુદી રીતે જગાડી રહી છે.

યાદ છે, રમેશતન્નાના પુત્ર આલાપની લ્હેંકા ભરી પે’લી જમણ માટેની આમંત્રિકા.. આજે ગુજરાતી માટે મથતા લોકો સાથે મને સહજ પ્રેમ થઈ આવે છે.એક દિવસ એક ભાઇ આ જ ચાની લારી પર એવું બોલેલા તેયાદ આવે છે. ભાઇ બિનગુજરાતી હતા, બિન-અનુભવની પણ મૂડી હતી. મેં એમની ગુજરાતી વિશે પુછ્યું એમણે કહ્યું,”सा’ब मुझे मजदूरो और कारींगरोंसे काम लेना पडता है इसलिये थोडी गुजराती समझ लेता हूं ॥” મેં એમણે નમ્રતાથી કહ્યું અહીં મજૂરો જ નહીં પણ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ અને સામાન્ય  પ્રજા અનેા લેખકો અને કવિઓ અને ઉપકુલપતિઓ પણ ગુજરાતી બોલે છે. આ બાબતમાં મને કન્નડ, તમિલ અને દક્ષિણના ભણેલા લોકો માટે થોડું માન થાય કારણ આ લોકોના જીન્સમાં આ ભાષાભિમાન સરસ રીતે વણાયેલું હોય છે. ચિંતા તો એ વાતની છે કે આપણી પાસે એક અનોખી માનસિક સંપત્તિ છે, આપણા જ્ઞાનતંતુઓની એક એવી તાકાત આપણા પૂર્વજોની ઉપાસનાને કારણે મળેલી છે કે આપણે બહુ સરળતાથી અનેક ભાષાઓમાં સહજ રીતે જ આપણે વિહાર કરી શકીએ છીએ. હવે પરિસ્થિતિ એવી ઉભી થવા લાગી છે કે તથાકથિત ઉચ્ચમધ્યમ વર્ગના બાળકોને ’૪૯’ બોલતા કે લખતાં નથી આવડતું. કોઇ એક સમયે પૂંછડી ગુમાવવામાં જે ક્રમિક ઘસારો જોવા મળતો હશે તેવી અજ્ઞાનતા આપણા બાળકોના જીભ-મગજને પકડાય તેવી યુગવિદારક પરિવર્તન દેખાઇ રહ્યું છે.

જુના જમાનામાં એક કહેવત પ્રચલિત હતી, ’કોઇનો મહેલ જોઇને આપણી ઝુંપડી તોડી ના નંખાય’. આપણા જનસમાજે વૈશ્વિકરણને સમજવામાં થોડી થાપ ખાધી. શિક્ષણ સંસ્થાઓ યુવાનને ’સારા’ બનાવે તેવું અપેક્ષવાને બદલે સમાજ અને શિક્ષને એક સાથે ’સ્માર્ટ’ થવાનો માર્ગ સ્વીકાર્યો. આ પણ ભુલ નહોતી. પણ સ્માર્તપણાને સારાપણાના વિકલ્પે જોવાવા માંડ્યું ત્યારથી ખબર ના પડે તે રીતે આપણા માનસને અનેકરીતે અકળ રોગ પીડવા માંડ્યો.

આ ભાષાના ક્ષય તરફ ઉદાસ અને અજાગૃત પ્રજા વિનાશને ઓળખવામાં થાપ ખાતી હોય છે. જ્યાં દિવસ-રાત ચૂપચાપ વૃધ્ધાશ્રમો વધતા હોય ત્યાં માતૃભાષાની તબિયત સારી હોતી નથી.  જો કે હું બહું સહેલાઇથી નિરાશ થવાનું શીખ્યો નથી. મને ત્રણ બાબતમાં ભારે શ્રધ્ધા છે, એક તમારી પેઢી ઉપર, બીજી શ્રધ્ધા ટેકનોલોજીના નવનવી ખુલતી ક્ષિતિજો ઉપર અને ત્રીજી શ્રધ્ધા છે ભાષાની પોતાની સમૃધ્ધિ ઉપર.

તમારી પેઢીએ ભારે કૌવત દેખાડ્યું છે. શઠ લોકોના સંકજામાંથી શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે છોડાવો છો તે એક મોટો પડકાર છે. આ  રવિવારે મેં ’યુવા અનસ્ટોપેબલ’ નામના યુવા સંગઠનના લગભગ ૭૦-૮૦ યુવાનો સાથે ગોષ્ઠી અને મસ્તી કરી, મને કંઇક સ્પાર્ક દેખાય છે.મારું પે’લું સૂત્ર કે ” ગુજરાતી મારી મા છે, હિંદી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારા પડોશમાં રહેતી રુપાળી, વિદૂષી, વિદેશી નારી છે. હું એને ખુબ ચાહું છું, બેસતા વર્ષે એને પગે લાગીને 151 ડોલર લેવાના જ, પણ મને ઉંઘા ના આવે તો હાલરડું તો મારી મા જ ગાય, અને મને પેટમાં દુ:ખે તો બેટા, સૂંઠ, ઘી અને ગોળની લાડૂલી ખાઇ લે તેવું તો મારી દાદીમા જ કહે.” આ વાક્ય યુવાનોએ પણ ખુબ જ ઉત્સાહથી ઝીલ્યું એનો મને પુષ્કળ આનંદ છે. આ નવી પેઢીની મઝા છે. બીજું ઇંટરનેટ પર ગુજરાતીની શાંત સરિતા વહી રહી છે. અને આવતા દિવસોમાં ટેકનોલોજી નવા સાધનો દ્વારા ભાષાના વૈભવને જગત સમક્ષ રાખવાની વધુંને વધું સગવડો કરી આપશે. તેમાં કોઇ શંકા નથી. પ્રશ્ન એટલો જ છે કે આ ભાષાના ભાષિકોમાં ભાષા માટેનું અભિમાન અને તેના સંવર્ધનની ખેવના કેટલી પ્રબળ છે. આ માટે એક વિશેષ ભાષગૌરવ અભિયાન છેડાવું જોઇશે.

આજે જો કે મૂશળધાર ચિંતાને બદલે શિયાળાના ચોખ્ખા આકાશમાં આવતા રક્તિમ અજવાળાના ધસમસતા પ્રવાહમાં આવેલી આજને નવાજવી છે, બાંધી દેવી છે મારી ભાષાની એક રતુમડી નારાછડી, … અને આમ અનંત સાથે જોડાઇ જવું છે ચૂપચાપ. 2012ની ઇતિહાસ તરફ દોડી જતા છેલ્લા દિવસોની ક્ષણોનું રંગકામ જ એવી રીતે કરાવું છે જેથી તોરણે કે ટહૂકાએ આપણા આંગણે આવવા માટે વિશિષ્ટ દિવસની રાહ ના જોવી પડે.

શુભાશિષ.

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૬ (શ્રી ભાગ્યેશ જહા)

પત્ર નંબર -૮

4-10-2012

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ…

ભાદરવો થોડો ભીનો રહ્યો, એનો આનંદ છે પણ તડકો બધાને બાષ્પીભૂત કરવા જેટલો નઠોર અને કઠોર બની રહ્યો છે. સાડા આઠ સુધીમાં તો સવાર બાળમજૂરની જેમ એની કોમળતા ત્યજીને પરસેવે રેબઝેબ દેખાય છે. ચૂંટણીની મોસમ પણ સૂર પુરાવે તે વધારાનું.

પણ મને ઇશ્વર ગમે છે કારણ કે એની ડીઝાઇનમાં અદભુત સુંદરતાઓ છુપાયેલી હોય છે. તમે વાસ્તવિકતાના ે છે એક સ્તર ઓળંગો અને તમારી સમક્ષ એક નવા વિશ્વનું પોત ખુલે છે, ગુલાબની પાંખડીઓ ખુલે તેમ, વરસાદની સાંગિતિક સવારીની સાથે ખુલી જતી પવન-પાલવ સંકોરતી દિશાઓની દિવ્ય આંખોની જેમ. ભાદરવાના વરસાદમાં ઓગળતા તડકાને માણવો એક અનોખો આનંદ છે. આમાંથી જ મનમાં ઉગે છે  નવરાત્રીની નવપલ્લવિત શ્રધ્ધા ડાળ. આ ડાળ પર જ બેઠો છે પે’લો શ્રાધ્ધસંતૃપ્ત કાગડો. ભુલાયેલ ’કાગવાસ’ના શબ્દો સુંઘતો કાગડો.ચતુર આંખોથી સમય સંહારતો કાગડો. આ પંદર દિવસનું શ્રાધ્ધપર્વ ભુતકાળની ડાળ પર બેસવાનું કાગપર્વ છે, પૂર્વજોને પોંખવાનું કાળપર્વ છે. એટલે આજે તડકાને ઓલવી નાખીને હું મારામાં જાગ્યો છું.

શ્રાધ્ધ અને નવરાત્રીનું આ રીતે સાથે આવવું- હવે એક નવો અંતરંગ અજવાળું ખોલી આપે છે. કાગડાનો કાળો રંગ અવ્યક્તને વ્યક્ત કરે છે કે ડાળ પર બેઠેલા મૃત્યુંની કૂદાકૂદ વ્યક્ત કરે છે. પૂર્વજોને આવી રીતે સજીવારોપણથી સ્મરવાનું મહાત્મ્ય છે.

ચાર-પાંચ કાગડા કુદી રહ્યા છે.તારી મમ્મી સ્વાભાવિકતયા જ મને પ્રશ્ન કરે છે, ’આ કાગડાઓને કેલેન્ડરનું ભાન કોણે દીધું હશે ?’ આમ જોવા જઈએ તો કેલેન્ડર પણ માણસની જ શોધ છે, વ્યવસ્થા છે. રાત-દિવસ એમ બે મોટા ભાગ પાડતો સૂરજ ક્યારેક તો કઠિયારા જેવો લાગે છે. પછી દરમાંથી ચોર પગલે આવીને પુરી લઈ જાય તે ઉંદરની જેમ મૃત્યું આવે. માણસ આ બધું વિસ્મયથી જોતો હશે તેમાંથી તેનામાં ’માપવાની’ અને ’પામવાની’ વૃત્તિઓ જન્મી હશે. આવી ક્ષણે જ રેલાયો હશે એક ચળકતો પ્રકાશ લીસોટો, બુધ્ધિનું બૌધ્દ્ધસૌંદર્ય, ચિત્ત અને ચૈતન્યની ચમત્કૃત ક્ષણ. આવી ક્ષણોની કૂખે જ અવતરી હશે, કવિતા તત્વજ્ઞાનની, પીડાની, સૌંદર્યની.

ચાર પાંચ કાગડા હજી કુદી રહ્યા છે. કોણ છે આ કાગડાઓ ? પક્ષીઓ, પહેલો જવાબ સાચો. પણ આ કાળો રંગ, કાળા રંગના પીંછાઓ, દિશાઓ ખોદતી ચતુર આંખો અને ઉડવાનું કે કુદવાનું સુચવતું કાગડાનું કાળું (શું કામ કાળું મન !) મન…અને એના અર્થઘટન કરવા આવી પહોંચેલા અમે બે, અમારા ખભે કેલેન્ડરનો ભાર, મનના ઓરડે ઇચ્છાઓના ગોડાઉન અને આંખોમાં કેલેન્ડરનું કાજળ. પ્રાર્થના, માનીશ, ત્રણ ફ઼ુટની જગામાં જાણે ત્રિભુવન પ્રગટ્યું. જાણે વીતી ગયેલા સમયનો ગઠ્ઠો, કાળા રંગનો ગઠ્ઠાએ ધીરે થતા સ્તરીયકરણની પ્રક્રિયાથી પાતળી પાંખો બનવાનુમ સ્વીકાર્યું છે, ક્ષિતિજના પોલાણમાંથી ભળી છે ઉડવાની ઇચ્છા અને દિશાઓના કાણા પારદર્શી બનીને ગોઠવાઈ ગયા છે આ કાળા મુઠ્ઠીભર પર આંખો બનીને, યુગોની ચતુરાઇ અને લુચ્ચાઇને વેરવા માટે. હું મારા અસ્તિત્વના પ્રશ્નોના જંગલમાંથી ગુજરી રહ્યો છું, ગુજરી ગયેલા સ્વજનો અને સમય સાથે. એક તરફ઼ મારે મારી ઓળખને પાકી કરવી છે તો બીજી તરફ઼ થાકી ના જવાય એટલા માટે શ્રધ્ધાનું રેશમી વસ્ત્ર પહેરાવવું છે મારી પ્રજ્ઞાને. બસ, મને મળી જાય છે મારા શ્રાધ્ધની ક્ષણ, આંગળી પકડવા ઉભા છે, દાદાઓ અને પરદાદાઓ અને ભાષાઓ. અહીં જ નીતરી રહી છે ઋચાઓ અને કવિતાઓ. કાગડાના કાળા રંગમાં જ ઉપસી આવ્યા છે ઉઝરડાઓ, યુધ્ધના અને ઇર્ષ્યાના અને વેરના અને વિસ્મૃતિના અને ટુકડાઓમાં વ્હેંરતી સમયની કાતરના અને કતરણના. બેટા, શ્રાદ્ધની આવી ક્ષણે દાદાની યાદ આવે છે, સ્મૃતિની સરિતામાં પગ બોળીને ઉભા રહેવું અને ઓળખવું આસપાસના બ્રહ્માંડને તે જ તો છે આ કાગડાઓના ગીતનો અર્થ અને લય….

ફ઼રી ક્યારેક… શુભાશિષ સાથે,

ભાગ્યેશ.

પત્ર નંબર-૯

પ્રિય પ્રાર્થના,

અને પ્રિયા અનીશ.

નવરાત્રીએ વિદાય લીધી એમ કહીએ કે મનનો મોડ આરાધનાથી ઉત્સવ તરફ વળ્યો એમ કહીશું, ‘અખંડ બ્રહ્માંડ દીપાવ્યા’ ગાતાં લાગેલો પે’લો અખંડતાનો રંગ મનને લાગવા લાગ્યો છે. દીપાવ્યા વાળા દીપકને ઘરને ટોડલે મુકવા માટેની સ્પંદનરેખાઓ રચાયી રહી છે. જ્યાં જ્યાં દિવાળીના દીવા મૂકીએ છીએ તે તે જગાઓના અંધારામાં જાણે કે ખંજન પડી રહ્યા છે, તો બીજી તરફ અખંડ જ્યોતા તરીકે નવરાત્રી સુધી પરિવારના સભ્ય તરીકે રહેલા દિવાએ એની આથમતી દીપશિખાથી અજવાળાની એક લિપિ  આલેખી દીધી છે. નવરાત્રી અને દિવાળીને આરાધના અને ઉત્સવ એવા સ્પષ્ટ વિભાગોમાં વહેંચવાનું મુશ્કેલ છે. આપણા ઉત્સવોમાં આનંદની સાથે ચૈતન્યની એ જાગૃતિ ભળેલી હોય છે જે ઉત્સવને સમજણપૂર્વકનું ઉંડાણ આપે. એ જ રીતે આરાધનામાં ઉજવવાની -ઉત્સવની એક સૂક્ષ્મ રંગપૂરણી હોય છે જે આરાધનાને એક ‘કોસ્મિક-લય’નું સંગીત બક્ષે છે. અસ્તિત્વના આ બે અભિવ્યક્ત થતા ભાવાવેશ-વિશેષો સમાજના સાંસ્કૃતિક સમારંભો છે અને વ્યક્તિના મીરાંકરણ કે કૃષ્ણકરણની અદભુત કેમીકલ-કલ-નિનાદ ઘટનાઓ છે. આવી નવરાત્રી જાય અને દિવાળી આવે

એમ કહેવું એના કરતાં ઉત્ક્રાંત મનોસ્થિતિ હવે નવી રંગોળી દોરવાની તૈયારીમાં છે જેને બાકીના લોકો વર્ષાંતર કે નૂતન વર્ષની સમયાભિવ્યક્તિ કહ્યા કરે છે. સમયને અને સંયમને લયમાં ઘુંટવાનો આ સૌથી મોટો માનવયત્ન છે.

ઉત્સવોમાં પણ નૂતન વર્ષ શુભેચ્છાઓની જેમ સંકલ્પોથી પણ આલોકિત થયેલું હોય છે. તને પત્ર લખવાનું નક્કી કરેલું ત્યારે એમ હતું કે એક કડક નિયમિતતાથી પત્રો લખીશ પરંતુ એમ થયું નહીં, થઈ શક્યું નહીં એમાં અનેક કારણો હું ગણાવી શકું. માનવમન માટે તે સ્વાભાવિક પણ છે. પણ જે થઈ શક્યું તેના પણ કારણો છે અને એનું કારણ છે સંપાદક રમેશા તન્નાનું સંપાદકપણું.. બધાને સંપાદકની ભૂમિકાની પોતપોતાની ઓળખ હશે. હમણાં રમેશભાઈનો એક એસએમએસ આવ્યો, લખે છે, “જે રાહ જુએ છે તે સંપાદક હોયા છે“. તને ખબર હશે કે એક કાવ્યપંક્તિ છે કેજે રાહ જુએ છે તેમાહોય છે.” તાજેતરમાં શ્રી અશોક દામાણીના બે પુસ્તકોનું વિમોચન હતું તેમાં હું અને શ્રી વિનોદ ભટ્ટ હતાત્યારે પંક્તિના સંદર્ભફેરથી ઉલ્લેખેલી કેજે રાહ નથી જોતો તેઘાહોય છે.”  મૂળ વાત સંપાદક રમેશભાઇનું સહસંવેદન અને ધીરજથીફોલોઅપકર્યા કરવાની શક્તિ. મને માણસની ગુણગ્રાહિતા જોતાં એક વિચારશૃંખલા મનમાં ઉભી થાય છે જે સંપાદકના ગુણોને વ્યાખ્યાયિત કરવા પ્રયાસ કરે છે.

પ્રશ્ન છે કે કોણ હોય છે સંપાદક ? શું હોય છે એના ગુણો ? મને જે જવાબ જડે છે, તેને કોઇ થીયરી સાથે શો સંબંધ હશે તેની મને ખબર નથી. સંપાદક શબ્દના ચાર અક્ષરો મને અર્થ સૂચવે છે, અનુભવના આકાશમાંથી ચુવે છે અર્થો. સંપાદક્નોસં સંપ્રેરક વ્યક્તિને આપણી સમક્ષ રજૂ કરે છે. વ્યક્તિ કોલમલેખકને મોટીવેટ કરે છે. સમાજમાં બહુ લોકોને લખવું છે, અનેક વ્યક્તિઓને અભિવ્યક્ત  થવાની અભિલાષા હોય છેઆવા સમયે સંપાદકપારખુંબને છે.(એનાપાને ઉજાગર કરે છે.) ઘણીવાર કોલમિસ્ટ તો પોતાના વિષયમાં મગ્ન હોય છે, એની મસ્તીને કારણે સંપાદકને ના પામી શકે તે શક્ય છે. પરંતુ સંપાદકને એનું પોતાનું દર્શન હોય છે. સંપાદિત કૉપીનું એક વિઝ્યુલાઈઝેશન કરીને પોતાના પ્રયત્નોને આકારિત કરતો હોય છે સંપાદક.( એનોસક્રિય બની પોતાની સર્જક્તાની રેખાઓ સજાવતો હોય છે) આમ કરતી વેળા એના મનમાં એકઅખિલાઇનુંઆખી આવૃત્તિનું દર્શન હોય છે. આમાં ક્યારેક માલિકઅથવાતંત્રીની એક સૂક્ષ્મ હાજરી પણ એના ઉરતંત્રને પ્રભાવિત કર્યા કરતી હોય છે. એના પોતાના દર્શન પર એક બીજા દર્શનનો સંવાહકસંવાદ ચાલતો હોય છે, ક્યારેક નાજુક સંઘર્ષ પણ સંભળાતો હોય છે. જ્યારે સંપાદક નોંકરીની ભાવના છોડીને આગળ વધે છે ત્યારે એનામાં એક સૂક્ષ્મ પરિવર્તન આવતું હોય છે તે તેના વ્યક્તિત્વને અણિયાળું બનાવતું હોય છે, તે છે તેનીકર્મશીલપ્રતિભા. ર્મશીલતા એને ક્યારેક લોકશિક્ષક, ક્યારેક સર્જક તો ક્યારેક આખી ભાષાના એક જવાબદાર પોષકની જવાબદારી સોંપે છે. એનું દર્શક અને કર્મશીલ હોવું તે એના વ્યક્તિત્વની સુવાસ કે કવિતા બને છે. પોતે એક વર્તમાનને અતિક્રમીને એક સ્વવિકાસની ઉત્ક્રાંતિને પામતો હોય છે. બીજા અનેક મિત્રોને હું જાણું છું તે રીતે શ્રી રમેશભાઇમાં પણ સંપાદકના ઉન્મેષોને મેં સતત વિકસતા જોયા છે. એમની ચતુર્મુખી પ્રતિભા આહલાદક પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.

આમ આપણી ભાષા એક નવી દિવાળીના ટોડલે થતા દીવાઓની સાક્ષી થવા તૈયાર થઈ રહી છે ત્યારે તમને સૌને શુભકામનાઓ….

ભાગ્યેશના જયઅંબે.

પ્રાર્થનાને પત્ર-૫ (શ્રી ભાગ્યેશ જહા)

25-8-12

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ અને પ્રિય લજ્જા.

       વરસાદ વિનાનો શ્રાવણ  ગયો અને અધિક પણ વરસાદ વિના જઈ રહ્યો છે. અભાવ વિહ્વળતાની સાથે સાથે એક જુદા જ પ્રકારની ભક્તિ પ્રગટાવે છે. વાદળોથી છલોછલ આભ આંખને એક ભીની અપેક્ષામાં પલાળે છે. ક્યારેક પવનથી ડોલતું અંધારભર્યું વાતાવરણ અચાનક જ ગાવા માંડે છે,” આજ અંધાર ખૂશ્બૂભર્યો લાગતો…”પણ વરસાદ પડતો નથી, પેલી પંક્તિઓ ઉપ-ઉનાળાના વેષમાં આવેલા તડકામાં બાષ્પીભૂત થતી દેખાય છે, ત્યારે અંધારનો અંધાર ગાઢો બને છે. હું ભાષાની ઉત્પત્તિ,ઉત્ક્રાન્તિ અને ભાવિ-એવા ભાવવિશ્વમાં લપેટાઇને બેઠો છું ત્યારે ઋતુંનો આ છણકો રચી આપે છે એક નવી ભાષા.

    જો કે ભાષાની વાત નીકળી છે તો એક અનુવાદ અંગેના સેમિનારની પણ વાત કરી લઉં. ગુજરાત વિધ્યાપીઠમાં માનનીય નારાયણભાઈ દેસાઇના અધ્યક્ષપદે એક ’અનુવાદ પ્રતિષ્ઠાન’ કાર્યરત છે. આપણી ભાષાને કેવીરીતે સમૃધ્ધ કરવી તેની નિસ્બતથી વ્યવસ્થા ગોઠવાયી છે. જો કે મુ.નારાયણભાઇ ગુજરાતીને જ સમૃધ્ધ કરવી છે તેવી વાત ઉચ્ચારી જ્યારે અમારા જેવા અનેકોની લાગણી છે કે આપણી ભાષાનું  શ્રેષ્ઠ સર્જનકાર્ય અન્ય ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં પહોંચાડવું જોઇએ.

   ઉદઘાટનમાં મારે ગુજરાતી સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના અધ્યક્ષ તરીકે બોલવાનું હતું. પણ વિધ્યાપીઠના કુલપતિ સુદર્શનભાઇ ચિરપરિચિત મિત્ર. એમણે સ્વાગતપ્રવચનમાં મારો ’મિત્ર’ તરીકે ઉલ્લેખ કર્યો તેની સાથે જ મન માંગરોળ(તા.રાજપીપલા)ના દિવસો  જાગી ઉઠ્યા. સુદર્શન આયંગર મૂળ દક્ષિણ ભારતના પણ કાકાસાહેબ કાલેલકર અને ફ઼ાધર વાલેસની જેમ સવાયા ગુજરાતી. ખુબ સરળ અને સાલસ ગાંધીવિચારક અને સંનિષ્ઠ આચાર્ય. તેમણે કન્નડ ભાષાનું પુસ્તક જે તેમને સ્વાગતચિહ્ન તરીકે મળ્યું તેનો સાહિત્યિક ઉલ્લેખ કરી આખે વાત માંડી. આમ તો વિધ્યાપીઠનું વાતાવરણ જ વિધ્યાપ્રેરક છે ત્યારે રાજેન્દ્ર પટેલ અને રાજેન્દ્ર ખીમાણી જેવા સમર્થ ભાષા-આરાધકોની મહેનતની મહેંક વધું છલકતી જણાય.  કોઇપણ ભાષાના સર્જનકાર્યને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સ્વીકારી શકે તે જ આવા અનુવાદના કાર્યક્રમમાં જોડાય તેવી પ્રારંભિક પ્રવચન-માંડણીથી આખા સેમિનારના ગણેશ સ્થપાયા. મેં એ જ વાત સહેજ વિસ્તારીને કહી. ’અનુવાદની આખી પ્રવૃતિ અને પ્રકૃતિ’ને ત્રણ બાબતોએ બદલી નાખી છે. એક, વૈશ્વિકરણે અનેક ક્ષેત્રોમાં પોતાનો પ્રભાવ પાથર્યો છે. કલા અને સાહિત્યના કોમળ પ્રદેશની આબોહવામાં આ અસર તદ્દન જુદા સ્તર પર અનુભવાય છે. બીજી તરફ઼, ૯/૧૧ પછીના વિશ્વમાં સાર્વત્રિક ભાવે એક આતંકિત ભયગ્રસ્ત માનસિકતાનો જન્મ થયો છે. આને કારણે માનવમૂલ્ય તરીકે વિશ્વાસ અને ક્મ્યુનિકેશનની ભાષાના પોત, પડળ અને પ્રતિધ્વનિમાં અલગ પીઠીકા બંધાણી છે. આ જાગતિક ભાવભંગિમાએ અનુવાદની આવશ્યકતા અને તરસ વધારી મૂકી છે. ત્રીજી અને સૌથી વ્યાપક પરિવર્તનકારી બાબત ટેકનોલોજીનો મહાપ્રભાવ છે. સોશીયલ મીડીયા અને ટેબ્લેટક્રાંતિએ ભાષાની ભૂષા અને ભૂષણ બન્ને બદલીને આપણને ’વિરહ વિનાના’ વિશ્વમાં ઉઠાડ્યા છે. આ ત્રણે પરિબળોને કારણે અને ભારણે જન્મેલી ઓળખ કટોકટીએ અનુવાદની દિશાને અનિવાર્ય ક્ષિતિજ બનાવી છે.  જો કે એ પણ એક ઐતિહાસિક સત્ય છે કે આપણને જગતના મહાન સાહિત્યકારોનો પરિચય એમના સબળ ભાષાંતરકારીઓએ જ કરાવી આપ્યો છે. બોદલેર કે એલિયટ કે રિલ્કે કે સાર્ત્ર કે કાફ઼કા આજે અનુવાદના અજવાળે મળેલા દિગ્ગજો છે. જો કે બધી સગવડો અને ભાષાશિક્ષણ અને પ્રવાસસવલતોની ઉપલબ્ધિ છતાં અનુવાદની મર્યાદા સમજવી રહી. પ્રત્યેક ભાષાનો નાદવૈભવ કે લયલાવણ્યનો મહિમા સાહિત્યમાં પદઘાયો હોય છે. એને યથાતથ ઝીલવો- અવતારવો મુશ્કેલ અને અનેક કિસ્સાઓમાં અશક્ય હોય છે. આપણા કાઠીયાવાડના દૂહા-છંદને ભાષાંતરવા અઘરા છે.

       આ આખી ઘટનામાં આનંદની બાબત એ છે કે રમેશ તન્ના,હર્ષદ ત્રિવેદી, ત્રિદીપ સુહ્રદ,ઉષા ઉપાધ્યાય, મહેશ દવે, રીટાબેન કોઠારી, અનિલા દલાલ અને પ્રદીપ ખાંડવાલા જેવા અનેક ખ્યાતનામ ભાષાંતરકારો અને સાહિત્યવિદો અનુવાદિત પુસ્તકોનો પરિચય કરાવવાના છે. જાણે વિધ્યાપીઠના એક વડલા નીચે બધી ભાષાભગિનીઓ પોતાના સંતાનોની સર્જનપ્રક્રિયાને વાગોળશે.

      ઉમાશંકરની કવિતામાં ગવાયેલો વિશ્વનાગરિક મારામાં પ્રગટ્યો છે. ઇન્ટરનેટની સૂક્ષ્મ પ્રકાશરેખા મારા તન-મનની આંખનો કબજો લઈને બેઠી છે. અનુવાદ એ અનુસર્જન છે તેવં જાહેર કરવા મારી પ્રજ્ઞામાં બેઠેલી કવિતાઓ પોકારી રહી છે. આપણા પૂર્વજોના જીવનનો અનુવાદ કરવા બેસું છું ત્યાં જ મારી ભાષાની ડાળ પર દુર દેશના કોઇ પંખી આવીને બેસે છે, અને ખંખેરે છે તેના આકાશને, હું હવે એ અપરિચિત પક્ષીના આકાશનો અનુવાદ કરવાની મઝા માણી રહ્યો છું, એક સેતુસમી નવી સદીની, નવી ભાષાના નાવડામાં.

શુભાશિષ.

ભાગ્યેશ.

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ તથા ચિ.લજ્જા.

આ પત્રોએ સરસ શબ્દવર્તુળ રચ્યું  છે. ગુજરાત ટાઇમ્સના સ્થાનિક સંપાદક મિત્ર રમેશ તન્ના એમની અનોખી શૈલીમાં આવો પ્રતિભાવ પાઠવે છે, “પત્રો જેમાં સાંપ્રતનું અનુસંધાન અને શાશ્વતનું સંધાન”. મૂળ હેતું તો સંવાદ અને વાતચીતની અને પત્રાચારની નવી તરેહ સર્જવાની છે. એ જમાના તો વીતી ગયા કે ‘મારી દિકરી સાસરે ગઈ છે’ . ટેકનોલોજીએ વિરહ કે ભૌગોલિક અંતરનો તો છેદ ઉડાડ્યો છે.

    રમેશ તન્નાએ એક સરસ વિચાર છેડ્યો છે, સાંપ્રત અને શાશ્વતના સંબંધનો. ૨જી સપ્ટેમ્બરે મારે ગીતા અને આધુનિક વ્યવસ્થાપનના સંબંધને આપણા વડોદરાવાસીઓ આગળ ખોલવાનો છે. મને અહીં ગીતાનો આ ષ્લોક યાદ આવે છે, ગુંજે છે મારા વિચારોના ઘુમ્મટમાં.

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । કૃષ્ણ આ સાંપ્રત અને શાશ્વતના વિષયને એમની કન્સલટન્ટની અદામાં નિરુપે છે. જગતમાં અવ્યક્ત અને વ્યક્તને સમજ, તું નહોતો અને નહીં હોઇશ- તે બે અવ્યક્ત અવસ્થાઓ વચ્ચેની આ વ્યક્ત અવસ્થા છે. એટલે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ. વાસ્તવમાં વ્યક્તિ એ પેલા સનાતન ચેતન તત્વની અભિવ્યક્તિ છે. હું બ્રહ્મનું વ્યક્ત સ્વરુપ છું -તેવી ભાવના જન્મે ત્યારે માનસ સ્વયં “અહં બ્રહ્માસ્મિ”ની કવિતા બની જાય છે. એના રોમરોમમાં યુગોનો પ્રવાહ જાગૃત થઈ જાય છે. એના વાણી અને વર્તનમાં શાશ્વતનો પડછાયો નહીં , પ્રતિધ્વનિ પ્રગટે છે, પ્રતિબિંબ પ્રસરે છે. આજ તો આનંદ છે જીવનનો.

     જેને આવી શાશ્વતની ક્ષણનું સરનામું મળી ગયું છે, તે તો પવનના સ્પર્શથી ગાઇ ઉઠતા પાંદડાઓની હળવાશ અનુભવે છે. એ એક એવી કવિતા સાથે જોડાય છે જ્યાં શબ્દ ખાણિયાની માફ઼ક અવ્યક્તની ખાણમાં ઉતર્યો હોય. એ એવા આકાશમાં અજવાળાની પે’લે પારના પ્રદેશ પર આંખ માંડે છે જ્યાં ’ઓગળવું’ શબ્દ પણ ઓગળી ગયો હોય છે. સમુદ્રના લહેરોનો લય કે પર્વતોના મૌનના મહાલય એના વિલય પામતા અર્થાલયને ઝાંપે નાન્દીગોષ્ઠી કરતા હોય છે.  આ ક્ષણ જ કવિઓની આરાધ્ય ક્ષણ હોય છે, આ દર્શન માટે જ દાર્શનિકો મથતા હોય છે. અહીં  જ  ભજનિકો નરસિંહ અને મીરાંને મળે છે, ભક્તના રક્તકણો અહીંથી જ પામતા હોય છે પ્રાણવાયું.

    બેટા, ઘણીવાર તમે બધાએ મને પ્રશ્નો કર્યા છે. ખટપટિયા કે ચાલબાજ લોકોની સફ઼ળતાએ તમને હેરાન કર્યા છે ત્યારે મારા અકળાવનારા મૌનની શોધ તો આ પ્રદેશ માટેની હોતી હોય છે. હું ઉપેક્ષામાં સૌંદર્ય શોધી શકું તેટલી સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી છે. મેં અપેક્ષાઓનું સ્ટેશન છોડી દીધું હોય તેવી ગાડી પકડી છે એટલે મારા પ્રવાસનો આનંદ બધાને ન સમજાય તેવો રહેવાનો. પણ મારી મસ્તીને હું એવી ધારદાર બનાવી રહ્યો છું જેથી એને પસ્તીમાં વેચવી ન પડે. મને યાદ આવે છે એક દિવસ જ્યારે માહિતી વિભાગના મિત્રો વિભાગીય ચિંતન શિબિર માટે કોઇ સૂત્રની શોધમાં હતા, નૈસર્ગિક રીતે જ મને સુઝ્યું, “ સેવા એ જ સાધના, અક્ષરની આરાધના”. બસ, હવે તો આ અલખના ઓટલાની એંધાણી મળી ગઈ છે.

       લજ્જાને પાછા વળવાનો સમય થયો છે એટલે અમેરિકાના આકાશ સામે નજર કરવાની એક જુદા જ પ્રકારની મઝા તે લેતી હશે.  એક અલગ દુનિયા સાથે જોડાતાં આપણામાં પરિવર્તન આવે છે તે જોવા અને સમજાવવાની તાકાત આપણા આકાશમાં હોય છે. લજ્જાને કહેજે ; આવતી વખતે ખુબ ઉંચા આકાશમાં આળસુ  સિંહ માફ઼ક વરસ્યા વિના પડી રહેલા વાદળોને ખખડાવે, નાણી જુએ થોડી સૂરજની મજબૂરીઓને. અહીં તો ૨૮મી ઓગસ્ટની રાતે વરસાદ પડ્યો તેની મઝા આવી. ભારે વિજળીઓ અને ધડાકા-ભડાકા જેવા ગર્જનો સાથે વરસાદ પડ્યો.  આ પણ અવ્યક્તની વ્યક્ત સાથીની મસ્તી હતી, ભીંજાઇ જવું એ જ જીવન છે, વરસી જવું એ જ કવિતા છે, ફ઼ેલાઇ જવું એ જ ફ઼ોરમ છે. સો, એન્જોય…..એવરી મોમેન્ટ…….

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૪ (શ્રી ભાગ્યેશ જહા)

19-6-2012

પ્રિય  પ્રાર્થના,

પ્રિય   અનીશ   અને   લજજા.

ટીખળી મિત્ર   ડોકીયું  કરીને  જતો  રહે   એવી રીતે   વરસાદ   આવ્યો  અને  ગયો.    એના  કારણે   ગરમીને  જાણે નવો જનમ  મળી ગયો હોય  તેવી રીતે ધૂણે છે. બાળકો  વેકેશન  પડે  તે દિવસે જે આનંદથી દોંડે તેવા આનંદથી દોંડતો  પવન  જુનની  જુની ઓળખ  ભુંસી નાખે છે.  જુનમાં બે જ   નવાજુની  હોય, શાળાઓ    ખુલે  અને  વરસાદ  પડે.  વરસાદ  પડે એટલે  ખેડૂત  હળ  જોડે, શિક્ષક  નવા વિધ્યાર્થીઓમાં એની નજર વાવે. વાવેતરની  ઋતુ  આમ  જામે.  મન   અને  પૃથ્વી  નવા  ગર્ભાધાનનો   ભાર  અનુભવે.   આવતે   અઠવાડિયે    હું  ક્વાંટના   ગામડાઓમાં  જઈ    રહ્યો   છું,   કન્યા-કેળવણી    અને  પ્રવેશોત્સવ-2012 ના     માહોલને      પામવા અને  માપવા.

પરંતુ    એ    પહેલાં  અમદાવાદમાં  બનેલી   એક    સરસ   ઘટનાની   તમને    વાત   કરવી છે.    આપણા  સાક્ષર  ધીરુભાઇ ઠાકરનો  95મો  જન્મદિવસ  ઉજવાયો તેની વાત   કરવી છે.  એક   કર્મઠ વ્યક્તિ કેવી રીતે પોતાના  બૌધ્ધિક   પરિશ્રમ  અને  નિષ્ઠાને કારણે  કેવું  અદભુત   કામ  કરી શકે તેની વાત કરવી છે.  રવિવારની સાંજ   હતી, હોલ  ક્લબનો  હતો પ ણ સૌમિલ-શ્યામલ-આરતીની અદભુત   ગાયકીએ    ક્લબના  વાતાવરણને   ધીરુભાઈના  જીવનધબકાર    સાથે વણી લીધો. એમની  જીવનસરિતાની   ખળખળ   થતી  જળવીથિકાઓને  ગૂંથતા હતા આ   મિત્રો.પડાવે પડાવે ખુલતા અને ખીલતા ધીરુભાઇની જીવનકથા તેમના જીવનવૃતાન્ત અને ડાયરીના પાનાઓમાંથી વાંચી વાંચી  જીવંત   કરતા  હતા  કવિ તુષારશુકલ.   કાર્યક્રમની  રચના અદભુત   હતી.

ધીરુભાઇને જોઇએ   એટલે અનેક   રીતે દાદા યાદ આવે.  આ    આખી પેઢીનું કૌવત  જ   કંઇ   જુદા પ્રકારનું  હતું. તને  યાદ  છે ત્યારે હું માહિતી કમિશ્નર તરીકે  હતો અને અમારી વિભાગીય  ચિંતન  શિબિર  માટે  એક સૂત્ર  આપવાનું  હતું,  થોડો  વિચાર કરીને   જે સૂત્ર  મેં આપ્યું હતું તે કંઇક  આવું હતું;  ‘સેવા  એ    જ  સાધના,  શબ્દની  આરાધના’. એકદમ   સહજ  ભાવે  સરી પડેલું  આ   સૂત્ર  આમ  તો 1981થી  એ   પિતા-શિક્ષક  પાસેથી  મળેલું   જીવનપાથેય   છે  અને  હતું.    શબ્દની     આરાધના     જે         નિખાલસતા        આપે  તેનાથી   પ્રગટતું  તેજ   ચહેરા  પર   એક   નોખી  નિર્દોષતા  બક્ષે   છે.    ધીરુભાઇનું    બાળ-સહજ     હાસ્ય,     પ્રેમાળ  ઉમળકો, બોલાતા શબ્દોમાં ઉમેરાતો  આંખોનો અવાજ,  ‘મને-તમે-ગમો-છો’ની  મૌન અભિવ્યક્તિ-  આ   બધું એમના  વર્ષોના  તપનું  નવનીત   છે.  આ   તો પામે જ   પમાય, અને  માપે ના મપાય.  શબ્દો પણ   થોડે સુધી આવી પાછા  વળે.   આવા વ્યક્તિની  ‘બર્થ-ડે   પાર્ટી’    એટલે     આપણે     પણ      જાત     સાથે  વાત કરી  લેવી પડે.

આજે મારે તને એમણે નોબેલ  વિજેતા  કવિ પાબ્લો  નેરુદાની  એમણે  જે  જીવની લખી  છે  તેની પણ  થોડી  વાત  કરવી  છે.  પાબ્લો  નેરુદાએ   અનેક  ગુજરાતી  સાહિત્યકારોને  આકર્ષ્યા છે પણ   ધીરુભાઇ એ   એમના  જીવન  સાથે  ગુંથાતા  શબ્દો  અને   પછી   શબ્દોના   સથવારે  ગોઠવાતું     જીવન     એક     શબ્દશિલ્પીની અદાથી  રજુ  કર્યું  છે,  એમાં    નેરુદાની સાથે  સાથે   તમે ધીરુભાઇને  પણ     પામો  જ.

જુઓ   ધીરુભાઇ   ’મારા દેશના  અંધકારમાં’  એવા પ્રકરણમાં  નેરુદા તેના સમય   અને  ભુગોળ    સાથે  સમન્વય  સાધીને  કવિતાપ્રવાહને  આલેખે  છે, “મારી  કવિતા અને  મારું જીવન   અમેરિકન  સરિતાની માફ઼ક આગળ  વહ્યા  કરે છે.દક્ષિણના  પર્વતમાંથી નીકળીને ચીલીનો સરિતાપ્રવાહ  સતત  વહેતો  વહેતો 

સાગર  સુધી  પહોંચતો  હતો.મારી  કવિતા   તેના પ્રવાહમાં  આવતા કશાને તરછોડતી   નહી.   તે   ભાવાવેશનો  સ્વીકાર  કરતી, રહસ્યોને  ઉકેલતી, લોકોના હ્ર્દય   સુધી પહોંચી જતી હતી.”

ચોમાસું   આવવાની  તૈયારી છે  એના સમાચાર   જાંબુડાને મળી  ગઈ   છે.   કળીઓના  ગાલે    ખીસકોલીઓનો  અવાજ  સ્પર્શે  છે  ત્યારે   વાદળ   નવી શરમ  અનુભવતા  જણાય  છે, કાલિદાસ  આ   ક્ષણની  જ  રાહ  જોઇને  બેઠા છે. આવતો  પત્ર  લખીશ  ત્યારે  આષાઢ   આવી  ગયો હશે.  तदैव  कथयामि…………

એ   જ,

આષાઢાકાંક્ષી,

ભાગ્યેશ.

25-10-2012

પ્રિય  પ્રાર્થના,

પ્રિય  અનીશ   અને  લજ્જા.

      જૂન  સૂનમૂન   પસાર  થયો તેની વ્યથા  સાથે  ઉભેલા  એક  યુગજુના વડ  સામે બેઠા છીએ.  નવસારીના  આ સર્કીટહાઉસની  અગાસીમાં  તડકા  વગરની    ગરમી   વરસાદના     રીસામણાની     વાત       છેડીને       બેઠી  છે.  ગઈકાલે   બપોરથી   નવસારીના   રોટરીના    કાર્યક્રમમાં    હું આવ્યો       છું.       આ     નગરની    બે લાખની  વસ્તી  થઈ   ગઈ  છે અહીં ગઈકાલે  ‘Peace through service’ એવા  સિધ્ધાંતને  વરેલી ટીમને  મારે  પદગ્રહણ   પછીનુપહેલું   પ્રવચન આપવાનું હતું. પછી  કવિસમ્મેલન અંકિતે  સંચાલ્યું, મઝા  આવી.

        માણસ  જાત શાંતિ શોધી રહી છે, શોધ શાશ્વત છે અને છેતરામણી છે. શાંતિ માટે યુધ્ધ પણ કરી જાણે એવો જાદુગર છે આ ’માણસ’.  આવી શાંતિની શોધ અથવા પ્રાપ્તિની મથામણનું એક આખું જગત ’સેવા’ સાથે સંકળાયેલું છે, ગુંથાયેલું છે, વિકસતું રહે છે. રોટરી ક્લબ સામાજિક સેવાઓની અનોખી પરંપરા સર્જવા જાણીતી સંસ્થા છે. મેં મારા પ્રવચનમાં નવસારીના ’નવ સાર’ ગણાવ્યા જે સેવાના રસ્તાને સમજાવે છે, એના માર્ગને પ્રશસ્ત કરે છે.

            પહેલા તો બે માનસિકતાઓ જે મિથ્યાભિમાન સર્જી શકે તે સમજી લેવી જોઇએ. એક; સેવાથી કીર્તિ મળે છે માટે સેવા કરીએ. બીજી;  જેની સેવા કરીએ છીએ એમની જરુરિયાત છે માટે સેવા કરીએ છીએ અથવા કરવી જોઇએ.આ  બન્ને  માનસિકતાઓને  વધું પુખ્ત અને વધું સમજણપૂર્વક  આધ્યાત્મિકતાથી સમજવી જોઇએ.  નહીં  તો મંદિરના પરસાળમાંથી જ પાછા ફ઼રવાનો સમય આવશે.

બધા મંત્રોમાં ત્રણ ત્રણ વાર આવતા  ’ઔમ શાન્તિ:’ ના બે આયામો પણ સમજી લઈએ. માનસ જાતને ત્રણ પ્રકારની શાંતિ જોઈએ છે, ધનની, તનની અને મનની. એ જ પ્રમાણે એના પોતાના ’અવકાશ’માં પણ ત્રણ પ્રકારની શાંતિ પ્રાર્થ્ય છે, પોતાના ઘરની, જનપદની  અને વિશ્વની.  આપણા શાંતિ માટેના બધા પ્રયાસોના મૂળમાં આ બન્ને આયામોની આસપાસ આપણી મથામણ ચાલ્યા કરતી હોય છે.

                આ ચાર બાબતોને ઉલ્લેખ્યા પછી મેં મારી ગાંધીનગરથી નવસારી સુધીની યાત્રામાં કેવી રીતે આ શાંતિની વિભાવનાના આપણી લોકમાતા નદીઓમાં દર્શન કર્યા તે દર્શાવ્યું. હું ગાંધીનગરથી નીકળ્યો ત્યારે સાબરમતીના જળશીકરોમાં ગાંધી અને નરસિંહ એકસાથે સંભળાયા, તે ગાતા હતા, “ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે”. આજે “પીડ પરાઇ માણે રે”નું વિષાક્ત વાતાવરણ જોવા મળે છે ત્યારે સએવાની માનસિકતાનો પાયો નાખી આપે છે આપણા આદિકવિની આ પંક્તિઓ. પછી મહીની મસ્તી આવે છે. ત્યાં મને સંભળાય છે,”મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે….” વૈષ્ણવતાનું બીજ ઉત્સવમાં પરિવર્તિત થવું જોઇએ. મારી સેવાભિમુખતા મારામાં એક મેળો જન્માવે તે ધ્યેય છે આ સેવાભાવનાનું. હું ભાવવિભોર બનીને નર્મદાને મળું છું, નર્મદાકિનારે મન ભારે થાય છે, ભક્તિના વાદળ ઘેરાય છે, મારા મનમાં મંજુલસ્વરે શંકરાચાર્ય ગાય છે, નર્મદાષ્ટકં. “सबिन्दुसिन्धू शुष्कलतरंग…….नमामि देवि नर्मदे…”મારા બિન્દુપણાને સિન્ધુની વિ્શાળતામાં ઓગાળવાનું આમંત્રણ આપે છે આ નર્મદા. સેવાભિમુખ મન, ઉત્સવઘેલું વાતાવરણ અને વિશાળતાની મનોભૂમિ સર્જતી મારી યાત્રા જ્યારે સૂર્યપૂત્રી તાપીને મળે છે ત્યારે હજી શંકરાચાર્ય મનમાંથી ગયા નથી અને ઉભા થાય છે યજ્ઞમનસ ઋષિના અવાજ સંભળાય છે, સૂર્યોપાસનાનો ગાયત્રીમંત્ર મારી પ્રજ્ઞાને પ્રચોદિત કરવાની પ્રાર્થના કરે છે. કારણ મારે મારો આહલાદ સ્થિર કરીને શાશ્વત સાથે જોડવો છે.મારી શાંતિની શોધયાત્રા જ્યારે નવસારીમાં  (નવ-સાર પ્રબોધતી, નવીન સાર ઉછાળતી ) પૂર્ણા નદીને પામે છે. જ્યાં ઇશોપનિષદની પ્રાર્થના  “पूर्णमिदम् पूर्णमद:…..शान्ति:, शान्ति:, शान्ति: ॥” સંભળાય છે. હું અનોખી શાંતિ પામું છું. મને લાગે છે આપણી શાંતિ માટેની મથામણના આ નવ-સાર છે.

એક પ્રવચન મારા પ્રવાસને કેવો સભર અને ભીનો બનાવે છે તે તમે જોયું ને !

ખૂબ આનંદમાં રહો એ જ શુભેચ્છાઓ અને શુભાશિષ………

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૩ (શ્રી ભાગ્યેશ જહા)

17-7-2012

પ્રિય પ્રાર્થના, પ્રિય અનીસ અને લજ્જા,

આ અઠવાડિયામાં દિલ્હીએ મનમાં જબરા તંબુ તાણ્યા છે. હમણાં એક મોટા સરકારી ાભવનની બહારઉભો હતો ત્યારે તો એવું લાગ્યું જાણે કોઇ કો’ક અજાણ્યા ગરમ મલમનો લેપ કરી રહ્યું છે આપણા ચહેરા ઉપર.  ઘણા ઐતિહાસિક ભવનો, કેટલાક ઇતિહાસમાં જીવતા ભવનો,  કેટલાક ઇતિહાસ રચવા મથી રહેલા ભવનો તો ક્યાંક ખંડેર થવાની રાહ જોતા મકાનો.  ક્યાંક ખંડેરાઇ ગયેલી ભાષાની કરચો ચાવતો ઉનો પવન. આપણા બધા સંદર્ભો ખંખેરી આપણા સમયને જોવાની મઝા સાવ જુદા પ્રકારની  છે.  આવા  આનંદ માટે અનુભવનો નશો આવશ્યક છે.

આવી કાળઝાળ ગરમીની હાજરીમાં  વરસાદની આગાહી વાંચવાની મઝા આવી રહી છે.  હું વિમાનમાં છું,ઘટ્ટ વાદળોની વચોવચ.  છાપામાં આવેલી આગાહી અને વાદળોની ગીત ગાવાની ઇચ્છાથી હલતા હોઠો વચ્ચે મારી આંખો એક સેતુક્રિયાની રમતમાં ડૂબી છે. 20મી જુને કવિ કાલિદાસને યાદ કરીને ‘

સંસ્કૃતોત્સવ’ ઉજવવો છે તેનો માહોલ બાંધવા એક વાદળ મારી સાથે  વારતા માંડે છે.  મારી ભાષા અંગડાઈ લે છે.  વિમાનની બારીમાંથી કુદી  પડેલી  મારી નજર  જનોઇની જેમ  વાદળને વીંટળાઇ વળે છે. મારા ચોમાસાની  બારાખડી  બંધાય છે. આવતા દિવસોમાં આ વાદળના અને આ બારાખડીના ગીતો સંભળાવીશ, તને.

ગઈકાલે  વડોદરામાં ડો.ચૈતન્ય બૂચના પુસ્તકનું વિમોચન થયું. ‘આરોગ્યની અનેરી   દિશા…’એવું  શીર્ષક એટલે  વાત  જામી,  જામી એટલે  હળવી બની. વાતાવરણમાં આરોગ્યની અનિવાર્ય  દિશા તરીકે  હાસ્ય  છવાયેલું  રહ્યું. મેં ત્રણ વાતો મુખ્ય કહી, એક, આરોગ્ય માટે હાસ્ય અનિવાર્ય છે. ( આ મુદ્દા માટે ચૈતન્યભાઇની  ‘સેન્સ ઓફ હ્યુમર’નો ખાસ્સો ઉલ્લેખ કર્યો.  બીજું, એક ડોક્ટરતરીકે  એમના નિત્ય પહેરવેશમાં ‘ટાઇ’ની મઝા પણ  કરી. કહ્યું, ‘ભાઇ,  આમને શૉલ આપવાનો કોઇ અર્થ નથી  એ તો આમાંથી પણ ‘ટાઇ’ બનાવશે. આ રોજ પહેરાતી ‘ટાઇ’ એમના વ્યક્તિત્વનું એક સ્ટેટમેંટ- વિધાન છે. આ વિધાન છે, બંધનનું, નિયમપાલનનું. ડોક્ટર તેમના આ પહેરવેશ દ્વારા તેમના દર્દીઓ સાથે વાત કરી રહ્યા છે.. ત્રીજું, એમના નામનો મહિમા કર્યો. તે છે ‘ચૈતન્ય’ની ઓળખ. એક ડોક્ટર પોતાના દર્દીમાં ચૈતન્યને જોઇ શકે તો કેવી ક્રાંતિ આવે તેની વાત કરી. આને વેદાંતની દ્રષ્ટિએ સમજાવીએ તો એક ડોક્ટર પોતાના દર્દીમાં પણ પોતાનું જ ચૈતન્ય વિલસતું જુએ તો એને પોતે પોતાનો જ ઇલાજ કરતો હોય તેવો અલૌકિક આનંદ મળે. આ એક જુદી ઉંચાઇનું ‘સેલ્ફ-એક્ચ્યુલાઇઝેશન’ છે. તમે એમબીએમાં ભણ્યા છો તેનાથી જુદું, પરંતુ નરસિંહે ગાયેલા ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’થી નજીક… જેવું. ચૈતન્ય શબ્દ અને એનું ભાવજગત  ડોક્ટર ના સહેજ જુદી  રીતે  પણ  જોવું  જોઇએ.  ડોકટરો  અભ્યાસથી   જગતના   એક    ભૌતિકવિશ્વથી   અભ્યસ્ત   થયા    હોવાથી   તેઓ    પ્રક્રિયા  અને  પરિણામમાં  એક  ‘મિકેનીકલ-મ્યુઝિક’  જોતા હોય  છે જે  સ્વ-ચૈતન્યના સહારે એક ડોકટર સાંભળી શકે. આ એક શક્યતા અને તક હોય છે.  ત્રીજી બાબત ટેકનોલોજીએ આપણા જીવનને એક નવો પડકાર ફેંક્યો છે. મેનેજમેંટમાં જેને ‘ઇનફોર્મેશન-એસીમેટ્રી’ એટલે કે ‘માહિતીસંપદા’ની એક પ્રકારની ખાઇ કે વિસંગતતા હતી તે આ ટેકનોલોજીએ હટાવી દીધી છે. બીજી તરફ બધું નિત્ય અને ઝડપી બદલાતું જાય છે. આપણા ઓર્થોપેડીક સર્જન ડો. વિજયભાઇ કહે છે તેમ ‘દર છ મહિને સર્જરીની ટેકનોલોજીમાં પણ બદલાવ આવે છે. આ સ્થિતિમાં જે લોકો જાગૃત છે તે જ ટકે છે, જે રોજ પોતાના માહિતીના મિજાગરાઓ અને માળીયાઓને માંજતા રહે છે તેમને જ આ જગત અજાણ્યું નથી લાગતું. ચૈતન્યની આપણી ઉપાસના આપણને આપણા આસપાસના અસ્તિત્વ વિશે એક અનોખી સજગતા આપે છે. હું સવારે છાપામાં જે શોધું છું તે આ નવી કળી ફુટવાના અવાજ સાંભળવાની મારી મથામણ હોયા છે.

બેટાઓ,  જાંબુડો હરખઘેલો બન્યો છે, હું શુક્રના સંક્રમણ શોધવા નીકળેલી આંખને થોડી વાર જાંબુની કળીઓમાં (મંજરી કહીશું) પાર્ક કરું છું અને મને મારા ચૈતન્યનો અલૌકિક સ્પર્શ થાય છે. દુરથી આવી રહેલા ગોગલ્સ પહેરીને પૃથ્વીલોકને જોતા વાદળો કદાચ મને જ, કોઇ કવિને શોધી રહ્યા છે. દરેક વાદળને એની કુંડળીમાં ઉલ્લેખાયા પ્રમાણેનો એક કાલિદાસ મળે છે. બેટા,ચાલ, હું આ વાદળદળની સ્વાગતસભાની તૈયારી કરું.

ન્યૂયોર્ક કે ન્યૂજર્સીના ચોમાસાની છલક મોકલજો રે….

શુભાશિષ,

ભાગ્યેશ.

પ્રાર્થનાને પત્ર-૨ (શ્રી ભાગ્યેશ જહા)

27-5-2012

પ્રિય પ્રાર્થના, પ્રિય અનીશ અને પ્રિય લજ્જા.

લજ્જાના પગલાં થયા તેનાથી ન્યૂયોર્કને કે લજ્જાને શું રોમાંચ થયો હશે તેની અમને ખબર નથી પરંતુ અમને કેવો રોમાંચ થયો તેની વાતથી આજના પત્રની શરુઆત કરવી છે. મઝા આવી ! પહેલાં તો અનીશનો આભાર કે આ ફ્લાઈટ ટ્રેકીંગ સાઈટ સાથે અમારી ઓળખણ કરાવી. આ અગાઊ મેં અનેકવાર કહ્યું છે કે ટેકનોલોજીએ આપણા શબ્દકોષના ‘વિરહ’ શબ્દના અર્થોને ફેરવી નાખ્યા છે. હવે કોઇ દુર છે તે અનુભવવું મુશ્કેલ છે. તો બીજી તરફ ‘વિરહી’ હોવા માટે દુર હોવું જરૂરી નથી એવી ઘટનાઓ પણ બનતી જ રહે છે. આપણે બહુ મઝાથી નવા ‘કોમ્પ્લીકેટેડ’ શબ્દકોષ   સાથે  ગોઠવાઈ  ગયા છીએ.

આજે  વિરહની,   વિયોગની  એક વાત કરવી છે. આપણા શીર્ષસ્થ સાહિત્યકાર ભોળાભાઇ દિવંગત થયા. ભોળાભાઇ એટલે ઉત્તર ગુજરાતના વતની અને આજીવન શિક્ષક. આપણા સરઢવની બાજુમાં સોજા ગામના. અમારું  GJ2 પાસીંગ. ભોળાભાઇના વ્યક્તિત્વમાં દાદા જેવા જુની પેઢીના શિક્ષકોની સુવાસ ભળેલી અનુભવાય. ભોળાભાઇ અનેક ભાષાના માણસ અને તેને કારણે તેમની સર્જકચેતનામાં તમને એક પ્રકારનું તાજું, પુલકિત પર્યાવરણ જોવા મળે. સંસ્કૃત અને બંગાળી પર અદભુત પ્રભુત્વ. બોલતા હોયા ત્યારે સહજ રીતે જ કાલિદાસ કે રવીંદ્રનાથ આવ્યા કરે. ભોળાભાઇના પ્રવાસનિબંધો એક જુદી પરિપાટી પર સર્જાયા છે. જુઓ, સાંભળો, ગ્રાંડ કેન્યન જોઇને ભોળાભાઇ લખે છે;

ગ્રાંડ કેન્યનનો કોણ સ્થપતિ છે ? એક પ્રસ્તરીય ભૂમિખંડને કોલોરાડો કોતરતી ગઈ છે,કોતરતી   જાય  છે. પવન અને પાણીએ સાથ આપ્યો છે, ગરમીએ અને ઠંડીએ સહાય કરી છે. સંવૃતિવિવૃતિની યુગવ્યાપી લયલીલામાં રચાતી ગઈ છે આ કેન્યન. પણ આપણી નજરે તો એવું લાગે; બધું પાતાળલોકમાંથી સ્વયંભૂ પ્રકટ થયું છે. અહીં સાચે જ છે; વિષ્ણુ, બ્રહ્મા, શિવ, જરથુષ્ટ્ર, જ્યુપિટર. ” 

ભોળાભાઈ ગુજરાતી સાહિત્યની એવી બારી હતા જેના થકી બીજી ભાષાઓનું અજવાળું આપણી ભાષામાં લાવી આપતા હતા. આ દ્રષ્ટિએ ભોળાભાઇ ગ્લોબલાઈઝેશનના પ્રતિનિધિ હતા. સુરેશ જોશી કે એ પછી હતી તેના કરતાં ‘સાહિત્યિક વૈશ્વિકરણ’ની જરુરિયાત ઉભી થઈ છે. મિત્રો મધુ રાય તથા બાબુ સુથાર આ દિશામાં ભારે જહેમત કરી રહ્યા છે. પણ નાના તાલુકામથકોએ પણ ડેન બ્રાઉન કે ફિલિપ રોથ કે વ્હીટમેનની ચર્ચા અને પરિશીલનો થતા રહેશે તો નવું એકવીસમી સદીને શોભે તેવું વાતાવરણ ઉભું કરી શકાશે. પ્રાર્થના, મને લાગે છે આપણે ગુજરાતી ભાષાની આટલી લાંબી યાત્રામાં એક ભારે ઉત્તેજનાભર્યા વાતાવરણમાં મુકાયા છીએ. ભોળાભાઇને શ્રધ્ધાંજલિ આપવાની નવી રીત આપણે જ ખોળવી પડશે.

ભોળાભાઇની બહુઆયામી પ્રતિભાનો પરિચય એક જ પત્રમાં આપવો મુશ્કેલ છે. એમના નિબંધોનો એક સંચય તેમને જા સંપાદિત કર્યો છે. તેનું નામ આપ્યું છે; ‘તેષાં દિક્ષુ’ ….. આ શબ્દ છે તો મેઘદૂતનો. કાલિદાસ વિદિશા નગરીનો પરિચય આપતાં જણાવે છે;  तेषां दिक्षु प्रथितविदिशालक्षणां राजधानीं……અહીં વિદિશાના વર્ણનની વાત કરવાની મારી ઇચ્છા નથી. મને તો ભોળાભાઇના શીર્ષકની અર્થછાયાઓની મઝા આવી. મૂળ તો કાલિદાસે જ કમાલ કરી હતી. મેઘ સાથે વારતા માંડીને, મનુષ્ય અને નિસર્ગનો આ ઘરોબો તો એક કાવ્યને અદ્વિતીયતા આપે છે જ, પણ ભોળાભાઇ આ દિશાઓને શોધીને આપણને આપણી વિદિશા સાથે મુકી આપે છે, આપણને આપણી વિરહી પ્રિયા-કવિતાને, ભાષાને, એ લયલીલાને આપણી સમક્ષ મૂર્તિમંત કરી આપે છે.

મારી ઇચ્છા રહેશે કે ભોળાભાઇની આ યાત્રા અને યાત્રાનિબંધો અનેક વળાંકો સાથે આ સુંદર પૃથ્વી સાથે પોતાનો રાગ છેડે. હમણાં ભોળાભાઇની શોકસભામાં શ્રી રઘુવીરભાઇએ એક સરસ મુદ્દો ઉભો કર્યો હતો કે ધર્મને કદાચ માત્ર નીતિની વાતોથી, ઉપદેશ અને આચરણથી ચાલશે પણ સાહિત્યનું એ દાયિત્વ છે કે સત્ય અને શિવ ઉપરાંત સુંદરની પણ એ જ તીવ્રતા અને નાજુકાઇથી ઉપાસના કરવામાં આવે.

મને લાગે છે આ વાત પણ એક નવી દિશા ઉઘાડશે.

એ જ,

ભાગ્યેશના શુભાશિષ.