બે કાંઠાની વચ્ચે – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા
ઘણા વખતથી વામાના કોઈ ખબર નથી, એમ કેતકીને લાગેલું. એક વાર સુજીતે પણ એને પૂછ્યું, હમણાં વામાનો ફોન-બોન આવ્યો નથી લાગતો.
વામાનું અત્યાર સુધીનું જીવન સુખ અને સ્નેહના વાતાવરણમાં ગયેલું. આર્થિક અછતનો તો એને ખ્યાલ જ નહતો, પણ માનસિક અજંપો પણ એણે ક્યારેય અનુભવ્યો નહતો. અમેરિકામાં અભ્યાસ દરમ્યાન યુવાનો એનાથી આકર્ષાતા રહ્યા હતા, ને બેએક સાથે સારી મૈત્રી પણ થયેલી.