Category Archives: પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – પ્રકરણઃ ૮ – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ —– પ્રીતિ સેનગુપ્તા
પ્રકરણઃ

સુજીત નાનપણથી જ હોંશિયાર. આસપાસનાં ઘણાંને એ વધારે પડતો હોંશિયાર પણ લાગે. દરેક વાતમાં એને કાંઈ ને કાંઈ જુદું જ કહેવાનું હોય. દરેક બાબતનો ઉપાય પણ એની પાસે હોય. તેથી જ, જે લોકો એનાથી કંટાળતા હોય તે બધા પણ એટલું તો કહે જ, કે ભઇ, સુજીતને બધી ખબર તો હોય છે જ. એની સલાહ કોઈ દિવસ ખોટી નથી નીકળતી. Continue reading બે કાંઠાની અધવચ – પ્રકરણઃ ૮ – પ્રીતિ સેનગુપ્તા

    બે કાંઠાની અધવચ — પ્રકરણ ૭ — પ્રીતિ સેનગુપ્તા

    બે કાંઠાની અધવચ    —– પ્રીતિ  સેનગુપ્તા

              પ્રકરણ – ૭

કૉલૅજનું ડ્રામા-ગ્રૂપ ફરીથી ‘હૅમલૅટ’ની રજુઆત ગોઠવી રહ્યું હતું. કેતકીનું પાત્ર તો નક્કી જ છે, અને નવો દાખલ થયેલો બીજો એક સરસ ઊંચો, કૉનાદ નામનો છોકરો હૅમલૅટ બનશે, એમ વાત થતી હતી. કેતકીએ ત્યારે જ ના પાડી દીધી. કહ્યું, કે આ તો સિનિયર ઇયર છે, પહેલેથી જ ઘણું વાંચવું પડશે, આ વર્ષે ઇતર પ્રવૃત્તિ માટે જરા પણ સમય આપી નહીં શકાય. Continue reading     બે કાંઠાની અધવચ — પ્રકરણ ૭ — પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની વચ્ચે – (૬) – નવલકથા – પ્રીતિ સેનગુપ્તા

પ્રકરણ – ૬

કૉલૅજનાં બે વર્ષ ક્યાંયે પસાર થઈ ગયાં. કેતકી આતુરતાથી રાહ જોતી હતી, કયારે આ લાંબું લાંબું વૅકૅશન પૂરું થાય, અને કૉલૅજ શરૂ થાય. ‘ગીતાંજલિ’ તો એણે વારંવાર વાંચી. એ બધા ઋજુ, મૃદુ શબ્દોમાં એને પ્રેમ-ભાવ જ વર્તાતો હતો. કવિએ ઇશ્વરને સંબોધીને લખ્યાં હતાં એ કાવ્યો, તે એ જાણતી હતી, તોયે એને તો પ્રિયજનનો સંદર્ભ જ એમાં જણાતો હતો. Continue reading બે કાંઠાની વચ્ચે – (૬) – નવલકથા – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની  અધવચ – નવલકથા – (૫) – પ્રીતિ  સેનગુપ્તા 

બે કાંઠાની  અધવચ    —– પ્રીતિ  સેનગુપ્તા  –  પ્રકરણ ૫

કૉલૅજમાં જવાનું થયું ત્યારે કેતકીના મનમાં બહુ ગભરાટ હતો. સ્કૂલ સુધી તો બધું જાણીતું હતું. બધાં ટીચર દીજીને અને બાપ્સને ઓળખે. બધી બહેનપણીઓ પાડોશમાં જ રહેતી હોય. સાથે જ રમવાનું, ને સરખેસરખું જ જીવવાનું. હવે આમાંનું ઘણું બદલાઈ જવાનું. ટીચર તો નવાં જ હોવાનાં, ને બહેનપણીઓ જુદી જુદી કૉલૅજોમાં જવાની.  કેટલીક તો કદાચ કૉલૅજમાં ના પણ જાય. કેતકીને આગળ ભણાવવા માટે બાપ્સ મક્કમ તો હતા, પણ તે ઘેર રહીને નજીકની કૉલૅજ માટે જ. Continue reading બે કાંઠાની  અધવચ – નવલકથા – (૫) – પ્રીતિ  સેનગુપ્તા 

બે કાંઠાની અધવચ – નવલકથા – પ્રીતિ સેનગુપ્તા       

     બે કાંઠાની અધવચપ્રીતિ સેનગુપ્તા
       પ્રકરણ –    

ક્યાંય સુધી કેતકી રસોઈ કરતાં શીખી જ નહતી. અલબત્ત, સાવ નાનપણમાં તો કોઈ ગૅસની પાસે જવા જ ના દે. અને માધ્યમિકમાં આવી ત્યારે ભણવામાંથી ટાઇમ મળે તો ને. માઇ કહેતી, હું તને હંમેશાં ભણતી જ નથી જોતી, હોં. રમવાનો તો બહુ યે ટાઇમ મળતો લાગે છે. Continue reading બે કાંઠાની અધવચ – નવલકથા – પ્રીતિ સેનગુપ્તા       

બે કાંઠાની અધવચ  —— પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ  ——  પ્રીતિ  સેનગુપ્તા

  (પ્રકરણ -૩)

એ વખતને યાદ કરતાં કેતકી આજે પણ જરા થથરી ગઈ.

અંજલિને બહુ જ ઇચ્છા, કે પોતાને માટે પણ એક પાર્ટી થાય. લગભગ બધી બહેનપણીઓની પાર્ટીમાં એ જઈ આવેલી. હવે એનો વારો આવવો જ જોઈએ ને? પણ સુજીત માને જ નહીં. પાર્ટીની શું જરૂર છે આ ઉંમરે? પાર્ટીના ખર્ચા તે કાંઈ હોય આ ઉંમરે? Continue reading બે કાંઠાની અધવચ  —— પ્રીતિ સેનગુપ્તા

  બે કાંઠાની  અધવચ -(૨) – નવલકથા—— પ્રીતિ સેનગુપ્તા

  બે કાંઠાની  અધવચ   —— પ્રીતિ  સેનગુપ્તા

                                        પ્રકરણ -( ૨ )

સચિન અને અંજલિ બંનેની ધીરજ ખૂટી ગઈ હતી. ક્યારે એમણે “જા ત્યારે, ને ના સાંભળતી હોય તો રહેવા દે”- બબડીને ફોન મૂકી દીધો એની સરત કેતકીને રહી નહીં. થોડી વાર સુધી તો રિસિવર કાન પાસે જ રહ્યું. ફરી ભાન પાછું આવ્યું હોય એમ એ ઉતાવળે જ્યારે કહેવા માંડી, હા, બેટા, બોલ, બીજા શું ખબર—-, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનાં વ્યસ્ત અને કંઇક સ્વકેન્દ્રીય એવાં છોકરાં ક્યારનાં ફોન છોડી દઈને- કદાચ  રિસિવર પછાડીને – પોતપોતાનાં જીવનમાં પાછાં જતાં રહ્યાં હતાં. Continue reading   બે કાંઠાની  અધવચ -(૨) – નવલકથા—— પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તા – પરિચય

પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી, વાર્તાકાર, નવલિકાકાર અને લેખિકા છે. તેમણે અનેક સુપ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યા છે.  કાકાસાહેબ કાલેલકર પછી, એવી જ ઉચ્ચ કક્ષાના પ્રવાસવર્ણનો લખીને, એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે, જેને માટે આવનારી પેઢી એમને કાયમ યાદ રાખશે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય ને એ પણ ગુજરાતી સ્ત્રી તરીકે એમણે ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

આ ઉપરાંત પણ, એમને મળેલા પારિતોષિકોનું લીસ્ટ ખૂબ લાંબુ છે, જે અહીં વિગતવાર આપવું શક્ય નથી. તાજેતરમાં ૨૦૧૯માં એમને પ્રતિષ્ઠિત નંદશંકર (નર્મદ) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચંદ્રક પહેલીવાર અમેરિકા સ્થિત કોઈ સાહિત્યકારને આપવામાં આવ્યો છે.

તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.

“પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઇનું ઝુમખું’ (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને’ ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તા સંગ્રહ છે.

‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે.

થોડા સમય પહેલાં, આપણે એમની ટૂંકી વાર્તાઓનો લાભ લીધો હતો અને આજે મને ખૂબ જ આનંદ છે કે એમના જેવા સંપૂર્ણ સાહિત્યકારની નીવડેલી અને સક્ષમ કલમનો લાભ નવલકથા રૂપે આપણને ફરી મળી રહ્યો છે. તારીખ જુલાઈ ૬, ૨૦૨૦, સોમવારથી એમની નવલકથા “બે કાંઠાની અધવચ” આપણે શરૂ કરી રહ્યાં છીએ. પ્રીતિબેનનું “દાવડાનું આંગણું”માં ખૂબ આદરપૂર્વક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ આ નવલકથાને ખુલ્લા દિલે આવકારશો અને માણશો.

જયશ્રી વિનુ મરચંટ (સંપાદક)

બે કાંઠાની અધવચ

પ્રકરણ :

ટેલિફોન્ની ઘંટડી વાગતી રહેલી – એક, બે, ત્રણ

ઓહ્હો, સચિન અકળાવા માંડેલો.

ઓહ્હો, એ લેતી કેમ નથી? અંજલિને ચીઢ ચઢવા માંડેલી

ઓહ્હો, લઉં છું, કેતકી ફોનને કહેતી કહેતી રીસિવર ઉપાડવા દોડેલી.

Continue reading બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૪-હું જતો રહું પછી

હું જતો રહું પછી

સવાર ક્યારે થઈ એની આજે જલદી ખબર પડે

તેમ હતું નહીં, કારણ કે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું. ભઈ, અહીં તો આવું જ હોય, કેશવભાઈ આ જાણતા હતા, તોયે એમણે આકાશ સામે જોઈને માથું હલાવ્યું. આમ સાવ કાળું કરી મૂકવાનું, ને તે ય રવિવારની સવારે?

થોડો ગડગડાટ થયો, જાણે કે વાદળોએ જવાબ આપ્યો, ને પછી આકાશ જે તૂટી પડ્યું છે, જાણે કેશવભાઈની વાત પર ગુસ્સે ન થયું હોય! જોકે એમને તો આ આકાશી નખરાં ગમતાં હતાં. એમણે જલદી જલદી ચહા બનાવી કપ લઈને એ બાલ્કનીમાં આવ્યા ત્યારે હજી વરસાદ ચાલુ જ હતો. “મૂશળધાર વરસાદનો અવાજ સાંભળતાં સાંભળતાં ગરમ ચહા પીવાની બહુ મઝા આવે, હોં,” એ હંમેશાં વીણાબેનને કહેતા. વીણાબેન સામે કહેતાં, “ના, પણ ઝરમર જેવું તો કઈં નહીં!”

હવે આમ તો કેશવભાઈએ મન વાળી લીધું હતું, ને રોજ ચહા પીતાં આંખો ભીની થવા દેતા નહીં. શરૂશરૂમાં બહુ અઘરૂં પડ્યું હતું એમને. ચહા ઝેર જેવી લાગતી અને આંસુ પણ એમાં ભળી જતાં. ટેવ પ્રમાણે માથું હલાવીને એ મનોમન કહેતા, ‘વીણી, તેં ટાઈમસર મને ચહા બનાવતાં શીખવાડી દીધું હતું, જાણે તને ખબર પડી ગઈ હતી કે મને જરૂર પડશે!’

વીણાબેન અને કેશવભાઈ સારી એવી મોટી ઉંમરે અમેરિકા આવી વસ્યાં હતાં. એકનો એક દીકરો હેમેન ભણવા માટે મિશીગન આવ્યો ત્યારે ’પાછો અમદાવાદ આવીશ જ’ એવી ખાતરી આપતો ગયો હતો. ત્યારે એ પોતે પણ ખરેખર એમ જ માનતો હતો. પણ, પછી જેમ બીજા હજારો દીકરાઓ સાથે બન્યું તેમ હેમનને પણ સરસ જોબ મળી ગઈ અને રૂપાળી લેટિના, મારિસૉલ સાથે પ્રેમ થયો ને એ બેઉ પરણી પણ ગયાં. પછી તો અમદાવાદ જવાની વાત લગભગ ભૂલાઈ ગઈ હતી.

પણ, હા, એવું નહોતું કે એ મા-બાપને ભૂલી ગયો હતો. એણે એમને અમેરિકા ફરવા બોલાવ્યાં, અને પછી ગ્રીન કાર્ડ પણ અપાવી દીધું. આ સમય દરમિયાન, એ અને મારિસૉલ સારી ઋતુ મળે એ આશયથી જેક્સનવીલ ફ્લોરિડામાં રહેવા આવી ગયાં. કેશવભાઈ અને વીણાબેને એમના ખાસ મિત્ર ધીમંતભાઈ અને સુશીબેન જ્યાં ટેમ્પા, ફ્લોરિડામાં રહેતાં હતાં, ત્યાં રહેવાનું પસંદ કર્યું હતું. કેશવભાઈ અને વીણાબેન સમજતાં હતાં કે હવે તો દેશમાં પણ દીકરા પર વધુ પડતો હક નથી કરી શકાતો તો પરદેશમાં તો વાત જ શી? આ કારણે એમણે દીકરા અને વહુથી થોડે દૂર રહેવામાં જ ડહાપણ સમજ્યું.

ધીમંતભાઈના બંને દીકરા, સુરેશ અને સુધીરની, બે મોટેલો હતી. એમણે ખુશીથી કેશવકાકાને કામ પણ આપી દીધું. કેશવભાઈએ નજીકમાં ગાડી ચલાવતાં પણ શીખી લીધું, જેથી બેઉ મોટેલમાં જરૂર પ્રમાણે જઈ શકાય. કેશવભાઈએ મન જલદીથી મનાવી લીધું હતું પણ વીણાબેનને થોડી વાર લાગી. એ હંમેશાં કહ્યા કરતાં કે મરવું તો ઈન્ડિયામાં જ છે, હોં. કેશવભાઈ પાસે એ વચન પણ લેવડાવતાં કે, જામનગરના સ્મશાનમાં જ મારે છેલ્લી ચિતા પર ચઢવું છે!

તે સમયે કેશવભાઈ ચીડથી કહેતા, “છેલ્લી ચિતા એટલે શું? તું કેટલી વાર ચિતા પર ચઢી છે?”

“અરે જિંદગીના દરેક દિવસે સ્ત્રીઓને ચિતા પર ચઢવાનું હોય છે. શું દેહને બાળે એ જ આગ? ને રોજ જીવ બળતો રહે એનું શું?” ધીમંતભાઈ કહેતા, “કેશવલાલ, તમે નહીં પહોંચો દલીલમાં, ને, હવે તો વીણાબેન, ઘણું શીખી ગયાં છે અને અમેરિકન બની ગયાં છે! આ સુશીને જ જુઓને!” અને સુશીબેન એથી આગળ એમને બોલવા પણ ન દેતાં!

અચાનક, વીણાબેન સાવ ટૂંકી માંદગી ભોગવીને, અમેરિકામાં જ, અણધાર્યાં જ જતાં રહ્યાં. કેશવભાઈ વચન પાળી નહોતા શક્યા તેથી લાંબા વખત સુધી એમનો જીવ બળ્યા કર્યો હતો, પણ, મનોમન એ રટતા રહેતા ‘વીણી, હું તારી ભસ્મ તો ઈન્ડિયા લઈ જ જઈશ!’ કેશવભાઈ અને ધીમંતભાઈ બેઉ સાથે ઈન્ડિયા જવાના હતા પણ કઈં ને કઈં કારણોસર એ હજી શક્ય બન્યું નહોતું.

હવે જાણે કે દિવસના કલાકો વધી ગયા હતા તેમ, કેશવભાઈ મોટેલના કામ પછી, હોસ્પિટલમાં વોલન્ટિયર તરીકે પણ જવા માંડ્યા હતા – અઠવાડિયામાં બે વાર તો ક્યારેક ત્રણ વાર પણ જતા. ક્યારેક નર્સો સાથે તો ક્યારેક ઈન્ડિયન ડોક્ટરો સાથે વાત કરતા. ને, ક્યારેક વળી, એકલા પડી રહેલા દર્દીઓને પણ એ કંપની આપવા બેસી જતા. એમને એવું પણ થતું કે જિંદગીમાં હજી કેટલું બધું જાણવાનું છે!

એક સાંજે કેશવભાઈના સેલ પર ઓચિંતો સુધીરનો ફોન આવ્યો. “કાકા, તમે પપ્પાના રૂમ પર જલદી આવો.” ધીમંતભાઈ છેલ્લા થોડા દિવસોથી એ જ હોસ્પિટલમાં દરદી હતા. ત્રણેક વર્ષ પહેલાં ધીમંતભાઈને હાર્ટમાં સ્ટેન્ટ મૂકાવેલો હતો. આમ તો સારું જ હતું પણ છેલ્લા થોડા સમયથી એમને ગભરામણ થતી હતી તેથી હોસ્પિટલમાં ટેસ્ટસ કર્યા પછી ઓબઝરવેશન માટે મૂક્યા હતા. તે દિવસે પણ એમને ગભરામણ થતાં, સુધીરે કેશવભાઈને ફોન કરીને બોલાવી લીધા હતા. હવે તો, કેશવભાઈ પણ વધુમાં વધુ સમય ધીમંતભાઈ સાથે વિતાવતાં. ધીમંતભાઈને વધુ શ્રમ ન પડે એથી વાતો ન કરતાં પણ એમને ગમતા ઝવેરચંદ મેઘાણીના ગીતો ગણગણતા રહેતા. ધીમંતભાઈ હંમેશાં કેશવભાઈને કહેતા કે, ‘અલ્યા, ઈશ્વરે શું અવાજ આપ્યો છે તને? શું સૂરમાં ગાય છે!’  અત્યારે પણ, જ્યારે કેશવભાઈ ગાતા ત્યારે ધીમંતભાઈના ફિક્કા મોઢા પર સ્મિત આવી જતું, અને આંગળી જરાક ઊંચી કરીને ધીરે અવાજે કહેતા, “વાહ, કેશવલાલ!”

ગયા બે દિવસથી ધીમંતભાઈને સારું હતું અને હવે થોડીક વાતો પણ કરવા માંડ્યા હતા. સુશીબેનેને એમનું મીઠું ચિડવવાનું પણ પાછું ચાલુ થઈ ગયુ હતુ. કેશવભાઈને એમ પણ કહેલું કે, “હું હવે સારો થવા માંડ્યો છું. તારો લાભ હવે બીજા વધુ બિમાર દર્દીઓને આપ.” હવે બે દિવસથી કેશવભાઈ પણ એમનો વધુ સમય બીજા બિમારોને આપવા માંડ્યા હતા.

એ સાંજે, ઓચિંતો જ સુધીરનો ફોન આવ્યો ને, એમને ધીમંતભાઈના રૂમ પર જલદી આવવાનું કહ્યું. કેશવભાઈ ઉતાવળે પગલે ધીંમંતભાઈના રૂમ પર ગયા. દિકરા-વહુઓ ચૂપચાપ દરવાજા પર જ ઊભા હતાં. સહુની આંખોમાં આંસુ હતાં. રૂમમાં કાળી ધબ્બ સ્તબ્ધતા હતી. ખાટલાની પાસે સુશીબેન નિર્જીવ પૂતળું બની ગયા હોય એમ ઊભા હતાં. કેશવભાઈનો મિત્ર કઈં પણ કહ્યા વગર અનંતની યાત્રા પર નીકળી ચૂક્યો હતો. કેશવભાઈ માથું હલાવતાં, આંખોમાં આંસુ સાથે, સ્વગત બોલી રહ્યા હતા, ‘અલ્યા, આવી છેતરપીંડી? મને મૂકીને આગળ જવાની આટલી ઉતાવળ? કેશવભાઈ ધીમંતભાઈને ઊઠાડવા માટે એમના હાથ ખેંચતા હતા અને કહેવા માંડ્યા, “ઊઠી જા, મારા ભાઈબંધ! આ શું નાટક કરી રહ્યો છે! જો, જો, બધાં જ તારા નાટકથી હવે ઈમ્પ્રેસ થઈ ગયા છે. ઊભો થા હવે!” અને એમનો અશ્રુ બંધ છૂટી ગયો! સુધીર એમને રૂમની બહાર લઈ ગયો અને કહે, “કાકા, આ શું કરી રહ્યા છો? તમારે તો અમને સહુને ધીરજ બંધાવવાની હોય. તમે ભાંગી પડો તો કેમ ચાલે?” બંને વહુઓ સુશીબેનેને પણ બહાર બીજી બાજુ લઈ ગઈ.

કેશવભાઈના ગળામાંથી હજી અવાજ નહોતો નીકળતો. વીણાબેન ગયાં ત્યારે પણ કદાચ એમને આટલો આઘાત નહોતો લાગ્યો. ધીમલો તો એમનો ભાઈબંધ જ નહીં, પણ, જોડિયો ભાઈ હતો. એના વગર એમના જીવનનો હવે કોઈ અર્થ પણ નહોતો! એટલામાં સુરેશ કેશવકાકા માટે પાણી લઈ આવ્યો. બંને ભાઈઓ ઊંચાનીચા થઈ રહ્યા હતા. એમણે કેશવભાઈને કહ્યું, “કાકા, એક પ્રોબ્લેમ છે અને એમાં તમારી સલાહ જોઈએ છે.” સુધીરે કહ્યું અને આગળ ચલાવ્યું.

“કાકા, અહીં રહેતાં અનેક ઈન્ડિયનોની જેમ, પપ્પાને પણ ઈન્ડિયામાં મરવું હતું અને એવું ન થાય તો મૃતદેહને ઈન્ડિયામાં બાળવો એવું પપ્પા માત્ર મમ્મીને જ કહીને ગયા હતા. મમ્મી હમણાં શોકમાં છે અને એને ખબર નથી કે એ શું કહી રહી છે!” એટલામાં જ સુરેશ અકળાઈને બોલ્યો, ‘અરે, ડેડ બોડીને પ્લેનમાં ઈન્ડિયા લઈ જવાય? કલાકોના કલાકો- અરે, બે દિવસ લાગે!”

કેશવભાઈ હચમચી ગયા અને એમના ગળામાંથી ઘાંટો નીકળી આવ્યો, “અરે, સુરેશિયા, ડેડ બોડી? તું શું બોલી રહ્યો છે? એ તારા પપ્પા છે!’

સુધીરે એમને શાંત પાડતા કહ્યું, “સોરી કાકા, એ પણ શોકમાં છે.”

કાકા કહે, “જો સુધીર, એમેને કોફિનમાં મૂકીને ત્રણ સીટો ખરીદીને પ્લેનમાં ન લઈ જવાય? તેં સરકારના અને કસ્ટમના નિયમોની તપાસ કરી છે ખરી?

“કાકા, તપાસ તો નથી કરી પણ, આ બધું કરવામાં કેટલો ખર્ચો થાય તેની તમને ખબર નથી લાગતી!’

“તો તને તારા પપ્પા કરતા, પૈસા વધુ વ્હાલા છે?” કેશવકાકાનો ઘાંટો મોટો થયો.

સુરેશથી બોલાઈ જવાયું, “તે તમને પૈસા વ્હાલા હતા, વીણાકાકી કરતાં? વીણાકાકી ગુજરી ગયા ત્યારે બોડીને કેમ ઈન્ડિયા ના લઈ ગયા? તમને વીણાકાકી કરતાં પૈસા વ્હાલા હતા?”

કેશવભાઈ, ઓચિંતા જ થયેલા આ આઘાતથી મૂઢ થઈ ગયા. વીણાની છેલ્લી ઈચ્છાની ખબર તો સુરેશને ખબર હોય એની શક્યતા નહીંવત હતી, છતાં સુરેશ આજે આવું બોલી ગયો! વાત તો સાચી હતી કે વીણાની છેલ્લી ઈચ્છા પોતે પણ ક્યાં પૂરી કરી શક્યા હતા? પણ તે ફક્ત ખર્ચાના હિસાબે નહીં. જો પોતે પૈસા માગ્યા હોત તો હેમેને કદાચ આનાકાની વિના પૈસા આપ્યા પણ હોત પણ એ કઈ રીતે લઈ જાત વીણાના મૃતદેહને? પોતે જ ખુદ મરવા જેવા થઈ ગયા હતા અને તદુપરાંત, વીનાના મૃતદેહમાં, ચેપી, અજાણ્યા બેક્ટિરિયા અને વાયરસનો મેડિકલ પ્રોબ્લેમ પણ થઈ ગયો હતો તેથી, મૃતદેહને પ્લેનમાં લઈ જવાની રજા સરકાર અને મેડિકલ ઓથોરીટી પાસેથી મળવાની કો જ શક્યતા હતી જ નહીં.. કેશવભાઈ પોતાનામાં જ ખોવાઈ ગયા. સુરેશે એમની દુખતી રગ પર હાથ મૂકી દીધો હતો.

સુધીરે પરિસ્થિતિને સંભાળી લેવા કહ્યું, “કાકા, મોટેલો છોડીને જવું શક્ય પણ ક્યાં છે? તમે તો બધું જ જાણો છો!”

“હા ભઈ, બરબર છે” અને આશિર્વાદમાં હાથ ઊંચો કરીને ત્યાંથી નીકળી ગયા.

એમણે પોતાની શાંતિ માટે પછી તો મૃતદેહને ઈન્ડિયા કેવી રીતે મોકલી શકાય એની તપાસ કરી અને એના વિષેની વિગતો જાણીને એમને માનવામાં જ ન આવ્યું! કેટલી બધી અમેરિકાની અને ભારત સરકારની પરમીશનો લેવી પડે અને ફોર્મસ ભરવા પડે અને એના પછી પણ એ રજા મળે કે ન મળે, અને ખર્ચો પણ ખૂબ જ થાય! આ બધું કર્યા પછી પણ મૃતદેહને તો કાર્ગોમાં જ, બીજા બધા સામાન સાથે જ લઈ જવો પડે, આથડતાં, પછડાતાં! આ બધી બાબત સમજી શકાય એવી હતી છતાં કેશવભાઈને એ મૃત સ્વજનના અપમાન જેવી લાગી. કોણ જાણે કોફિન ચઢાવતા-ઊતારતા, કદાચ પછાડે કે ફેંકે પણ ખરા..! સારું જ થયું કે વીણીને એ રીતે ન મોકલી કે ન લઈ જવાયું. આ સાથે જ જીગરી મિત્રના અથડાતા-પછડાતા દેહના વિચારે કેશવ્ભાઈનો શ્વાસ રૂંધાઈ ગયો!

ધીમંતકાકાની પાછળ ગોઠવેલી પ્રાર્થનાસભામાં હેમેન અને મારિસૉલ જેકસનવિલથી ખાસ આવ્યાં હતાં. એ બેઉએ કેશવભાઈને ખૂબ સમજાવ્યા કે હવે એમના ખાસ મિત્ર, ધીમંતકાકાના જવા પછી કેશવભાઈ સાવ એકલા પડી ગયા છે તો કેશવભાઈએ જેકસનવિલ આવી જવુ જોઈએ. હેમેને એમને કહ્યું પણ ખરું, “પપ્પા, તમારી તબિયત પણ સારી નથી લાગતી. આવી જાઓ અમારી સાથે રહેવા.” પણ, કેશવભાઈ માન્યા નહીં, ને, સામે દલીલ કરી કે, “મારી ચિંતા ન કરો. હું ઠીક થઈ જઈશ અને જ્યારે થશે કે નથી રહેવાય એમ, ત્યારે તમને જણાવી દઈશ, જરાય મૂંઝાતા નહીં, દીકરા.”

વીણાબેનની ગેરહાજરીને પચાવવા જેમ એમણે માનસિક મહેનત કરી હતી તેમ હવે ધીમંતભાઈની ખોટને સહ્ય બનાવવા કરવા માંડી, પણ, ઝવેરચંદના ગીતો ગળામાં અટકતાં હતાં. સતત ઉચાટ અનુભવાતો હતો, અને મગજમાં ઘૂમરીઓ ઊઠતી હતી. કેશવભાઈને જ્યારે આ ઉચાટનું કારણ જ નહોતું સમજાતું તો ઉપાય તો ક્યાંથી જ સમજાય? કેશવભાઈએ હમણાં તો મોટેલમાં જવાનું ચાલુ રાખ્યું હતું. ધીમંતભાઈના દીકરાઓને અને સુશીબેનને કેશવભાઈ દુખ પહોંચાડવા નહોતા માગતા. હોસ્પિટલમાં હવે તો એ રોજ જતા. ઈન્ડિયન દર્દીઓને ખૂબ જ મદદરૂપ થતા પણ, અન્યભાષી દર્દીઓને પણ કેશવભાઈ એમના સહ્રદયી મિત્ર લાગતા. દરેકના જીવનની પરિસ્થિતિઓ જોઈને એમને થતું કે વીણીનું કહેવું સાવ સાચું હતું કે ખરેખર માણસમાત્રને રોજેરોજ ચિતા પર ચઢવું જ પડતું હોય છે!

એક દિવસ, જેના બચવાની કોઈ આશા નહોતી તેવા એક દર્દી અને એના કુટુંબીજનો પાસેથી મેજીક શબ્દો, “ડોનેટ ફોર સાયન્સ” સાંભળ્યા અને એનો અર્થ જાણ્યો કે જાણે એમના મનમાં ઊઠતા વિચારોના વમળો સ્થિર થઈ ગયાં અને મનમાં સતત રહેતા ઉચાટમાંથી જાણે ઉઘાડ થઈ ગયો! આટલા દિવસોની મૂંઝવણનું કારણ પણ સમજાયું અને ઉપાય પણ મળી આવ્યો!

કારણ તો એ હતું કે પોતાના મૃત્યુ પછી કેશવભાઈ એકના એક દીકરા હેમનને કે બીજા કોઈનેય કોઈ પણ રીતે હેરાન કરવા નહોતા માગતા. ઈન્ડિયામાં જઈને મરવાની કે બળવાની તો વાત જ નહોતી. છતાં એ દ્વિધા કોઈના પણ મનમાં ન રહે તેવું તેઓ ઈચ્છતા હતા. એવામાં ‘દેહદાન’ જેવો શબ્દ એમને જાણવા મળ્યો, અને જાણે મન પરથી ભાર ઊતરી ગયો. ઘણા દિવસે કેશવભાઈને ઝવેરચંદ મેઘાણીના ગીતો ગણગણવાનું મન થઈ આવ્યું. દેહદાન માટેની જરૂરી માહિતી એમણે મેળવી લીધી અને એને માટેના જરૂરી બધાં જ ફોર્મસ ભરીને નોંધણી પણ કરાવી લીધી. એ સાથે જ, એમને વીણાબેનની ભસ્મ, જે હજી અહીં જ હતી, એને માટે પણ સરસ આઈડિયા સૂઝી આવ્યો.

એમણે ધીરજથી વીલ લખ્યું. એની ચારેય કોપી નોટોરાઈઝ્ડ પણ કરાવી લીધી. હેમનને હમણાં નહીં પણ સમય આવે એ કોપી મળે એની વ્યવસ્થા પણ એમના વીલમાં કરી, એટલું જ નહીં, પણ, હેમેનને એની કોપી ઘરમાંથી સહેલાઈથી મળી આવે, એવી રીતે ઘરમાં મૂકી.

એમના વીલમાં બે મુખ્ય બાબતો હતી, અને આ બેઉ આ દેશમાં શક્ય હતી એની ખાતરી પણ કરી લીધી. આ બેઉ બાબતો નીચે પ્રમાણે હતી. “એક વાત એ કે, હું જતો રહું પછી મારો દેહ હોસ્પિટલમાં વિજ્ઞાનના લાભ માટે દાન કરવો. બીજી વાત એ કે, હું જતો રહું પછી, હોસ્પિટલમાંથી દેહદાનની વિધી પતી જાય પછી, અગ્નિદાહ કરવો અને મારી ભસ્મ સાથે મારી પત્ની વીણાની રાખ મેળવીને એને ધરતી પર ઝરમરાવી શકાય તો એમ કરવું (જો વીણી, તને ગમતી હતી તેવી ઝરમર તું જ થઈ જવાની) અને જો એ શક્ય ન હોય તો અમારી ભસ્મ દરિયામાં વહેવડાવી દેવામાં આવે. (વીણી, વરસાદનો અવાજ નહીં તો મોજાંનો ઘૂઘવાટા તો હશે સાથે!)

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૩-દરિયા વગરના દિવસો

દરિયા વગરના દિવસો

એમનું નામ બહુ સરસ હતું, અરુણોદય. જાણે બંગાળી-બંગાળી લાગે, અરુણોદય. એ કહેતા કે એમના ફાધરનું પોસ્ટિંગ બહુ શરૂઆતમાં ઉત્તર બંગાળીમાં થયેલું. ત્યાં આ નામ એમણે સાંભળેલું, ગમી ગયેલું, ને યાદ રહેલું. પછી ફાધર જ્યારે પરણ્યા, અને દીકરો જન્મ્યો ત્યારે ફાધરે આ નામ પાડવાનો આગ્રહ રાખ્યો. પછીથી સ્કૂલમાં એમણે નામ નવેસરથી ફક્ત અરુણ લખાવ્યું. બીજા કેટલાયે અરુણોમાંના એક બની ગયા. પણ એ કોલેજમાં આવ્યા, અને કળાકાર તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ફરીથી અરુણોદય નામ એમણે અપનાવ્યું. બીજાં બધાં માટે એ એમનું તખલ્લુસ હતું. કેવળ મારે માટે જ એ એમનું રીતસરનું નામ હતું. હું એમેને અરુણોદય કહીને બોલાવતી ત્યારે બધાંને થતું કે હું એમની મજાક કરું છું. એ જાણતા કે એવું નહતું. એમણે મને કહ્યું હતું કે મારે મોઢેથી એ નામ સાંભળવું એમને બહુ ગમતું હતું. હું ચિડાવતી, “શું પોતાના જ નામના પ્રેમમાં પડી ગયા છો?” એ કહેતા, “ના તારા પ્રેમમાં!’ ને, હું હસતી – મોટી જોક હોય એમ!

        દરરોજ અરુણોદય સાથે વાતો પૂરી થતી નહીં. જોકે અમે બે એકલાં હોઈએ ત્યારે સંકોચ થવા માંડતો, કે ચૂપ થઈ જવાતું. શાથી, તેની ખબર વળી શાની પડે? બીજાં સાથે ટોળામાં હોઈએ ત્યારે અમારું વાકચાતુર્ય બહુ ખીલતું – અરુણોદયનું, ને એટલું જ મારું પણ!

        આ પ્રેમનું પણ કૈં ગજબ હોય છે. એ અદ્રશ્ય હોય, ભૂગર્ભમાં જતો રહે, સમાંતર ધારા થઈને ચાલે. જોકે આ બધું કુશલા સમજી, અને કેટલુંક અનુભવી પણ ચૂકી, ત્યારે વચમાં ઘણાં વર્ષો વીતી ગયેલાં, એ પછી, છેલ્લે, કશો અણજાણ્યો પસ્તાવાનો ભાવ એને કોરી રહેતો હતો, તે પણ પ્રેમનું જ એક સ્વરૂપ. જાતે જ એક જણને ખોઈ બેઠાં હોવાનું ભાન થવું –મોડું મોડું, તે આ સ્થિતિ છે. કુશલાના બી.એ. પાસ કરતાં જ લગ્ન થઈ ગયેલાં. એને તો વધારે ભણવાની ઈચ્છા હતી, પણ પાત્ર બહુ સારું હતું, એમ એણે સાંભળ્યા કર્યું હતું. સુનય સાથે મળવાનું થયું તે પછી એ પણ મનોમન એવું જ કહેવા માંડી ગઈ હતી. સુનય ઊંચો ને દેખાવડો હતો, હસમુખો અને હોશિયાર હતો, એટલું જ નહીં, પણ એક શીપિંગ કંપનીમાં મોટો ઓફિસર હતો. એના સફેદ યુનિફોર્મમાં તો એ એવો સરસ લાગતો કે એના પર ધ્યાન જાય જ! કુશલાની બહેનપણીઓ કહેતી કે એ બરબર રણબીર કપૂર જેવો લાગે છે! સુનય વર્ષના કેટલાય મહિના બહાર રહેતો હતો, એના પર જાણે કે કોઈનું યે ધ્યાન જ ના આપ્યું. એ બહાર જ નહીં, પણ એને તો સામટા ઘણા મહિના દરિયા પર રહેવાનું થતું હતું. કોણ જાણે કેમ કોઈનેય એ વાત વિચારવા જેવી કેમ ન લાગી? કુશલાને પણ એ બાબત વિચારવા જેવી ન લાગી! એ પ્રશ્ન કુશલાએ પોતાને પૂછ્યો હતો. પણ તે તો લાંબા સમય પછી! એ દરમિયાન એ કહેવા માંડેલી, “હું હવે બરાબર ખલાસી બની ગઈ છું.” એ તો સારું હતું કે એને ક્યારેય દરિયો નડ્યો નહીં. સુનય ગર્વ કરીને બધાંને કહેતો; “કુશલામાં ને મત્સ્યકન્યામાં કોઈ ફેર ખરો?”

          સંસાર આવો હોઈ શકે તેવી કલ્પના પણ કુશલાએ કરી નહોતી. કુશલાને માટે તો આ જ એના જીવનની શરૂઆત હતી. આગલા વર્ષોનું જીવ્યું જાણે ફક્ત અત્યાર માટેની તૈયારી રૂપે જ હતું. જે છૂટ્યું હતું તે સાનંદ છૂટ્યું હતું. કોઈ કે કશું એને યાદ નહોતું આવતું. મમ્મી-પપ્પાની સાથે તો ફોનથી વાતો થતી જ રહેતી, અને હવે તો સ્કાઈપના સિગ્નલ સાગર પર પણ આવી શકતા હતાં. કુશલાએ પેરિસમાં વાળ કપાવેલાં, તેને એની મમ્મીએ નોટિસ કર્યું હતું.

ત્રણેક વર્ષ પછી પહેલીવાર નાના ભાઈ કેયૂરનાં લગ્ન પર કુશલા અને સુનય બંને ઈન્ડિયા ગયેલાં. નાની ભાભી જુહી બેંગલોરની હતી. બધાં જાન લઈને ત્યાં ગયાં હતાં. લગ્નના અસંખ્ય સમારંભો પછી છેક અમદાવાદ જવા જેટલો ટાઈમ સુનય પાસે હતો નહીં. ઘરનાં બધાં જ ત્યાં મળી ગયેલાં એટલે કુશલા પણ એની સાથે જ સ્ટીમર પર પાછી જતી રહી હતી.

કુશલાને કાંઠા-કિનારાની ઝંખના ક્યારેય થઈ નહોતી. એને મઝધાર જ બહુ ગમતો. સાગર અને ગગનની ભૂરી ભૂરી છીપની વચમાં કીમતી મોતી જેવું વહાણ, એ પવનના સંગમાં દૂર દૂર સરકતું જતું હોય, ને ક્ષિતિજ હસતી હસતી નજરની સાથે રમતી હોય. બસ, આ જ જોઈને કુશલા રોજ વિસ્મય અનુભવતી, – કેટલા બધા દરિયા, એક પછી એક, એકમેકની સાથે ગુંથાયેલા લાગતા! એકસરખા તોયે જુદા! કુશલા વિચારતી, ઝરણું હોય તો નાચતું-કૂદતું જાય, નદી હોય તો વળાંક લેતી હોય, દરિયો હોય તો ઊછળીને પણ બતાવે. તો પોતાના જીવનનો આ કેવો પ્રવાહ છે, જે સતત સીધો ને સરળ જઈ રહ્યો છે? શું તે ઊંડો નથી એટલે ચંચળ નથી? એકવિધ છે તેથી ક્યાંય વળતો નથી? કેવો જુદી જ જાતનો હશે એના જીવનનો જળ સમૂહ? કદાચ, એવી કોઈ વાર્તા હશે કે જેને કોઈ મધ્ય ના હોય ને કોઈનેય તેમાં રસ ન પડતો હોય?

પહેલાં એકવાર તો આ વિચારથી કુશલાને હસવું આવી ગયું. પણ પછી, પવનની સાથે હાથમાંનો લાંબો સ્કાર્ફ ફરકાવવાની રમત રહેવા દઈને, એ ગંભીર બની ગઈ. સુનય સાથેના આ જીવનથી જુદું એને કશું જ જોઈતું નહોતું. બધી જ બાબતે બેઉના વિચારો મળતા હતાં અને સરખા હતાં, સિવાય કે બાળકના સંદર્ભમાં ક્યારેક કુશલાને લાગતું કે એ કદાચ ક્યારેક જુદું વિચારે છે! સુનયને બાળકો નહોતા જોઈતા. કુશલા પણ સંમતિથી કહેતી કે, “હા, પૃથ્વી પર છોકરાંની ખોટ નથી. તો, આપણાં એક કે બે બાળકોને જ પ્રેમ કરીએ એનાં કરતાં અનેકોને પ્રેમ કરી શકીએ તો વધારે સારું છે.” ગરીબ બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓને તેઓ નિયમિત રીતે દાન કરતાં.

પણ, ક્યારેક જ કુશલાને થતું કે આવા સરસ સુનયનો વંશજ હોવો જોઈએ! સુનય આ વાતને હસી કાઢતો અને કુશલા ત્યારે અંદર જ ગૂંચવાતી. “એકલા સુનયનું જ કારણ કેમ, મારું પોતાનું પણ આમાં કારણ અથવા માનવાનું પણ હોય કે નહીં?” આ પ્રશ્નનો એને કદી જવાબ નહોતો મળતો. બાકી આમ તો બેઉ એ વિચારીને ખૂબ જ ખુશ થતાં કે અચાનક જ મળી ગયેલાં આપણી વચ્ચે કેટલો બધો પ્રેમ છે! સમય વિતતો જતો હતો. છ એક મહિના પછી, મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠના પ્રસંગે ભારત જવાનું થયું. બેઉએ એવું નક્કી કર્યું કે કુશલા આગળ જાય અને સુનય પછીથી આવશે. જવાના બે મહિના પહેલાં કુશલાને થોડુંક જુદું જુદું લાગતું હતું-એના દેહમાં અને મનમાં! ત્રીજે મહિને પણ એ રજસ્વલા ન થઈ ત્યારે એને કોઈ શંકા ન રહી. એને સુનયને બધું જ કહેવું હતું, પણ, પહેલાં, આ બાબતે એ થોડું પોતે જ વિચારવા માગતી હતી. ધીરજથી વાત કરવાનો સમય મળે એ પહેલાં જ કુશલાને ઈન્ડિયા જવા નીકળી જવું પડ્યું. એને થયું, સુનય એકાદ અઠવાડિયામાં તો ઈન્ડિયા આવવાનો જ છે ત્યારે નિરાંતે વાત કરાશે. પણ, અંતમાં એવું બન્યું કે મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે, સુનયથી સ્ટીમર પરની જવાબદારીઓને કારણે અવાયું નહીં. કુશલા અમદાવાદ પહોંચી ત્યારથી જ એને થાક બહુ લાગતો હતો. અચાનક જ કુશલાને પેટમાં દુખાવો ઊપડ્યો. ડોક્ટર પાસે ગયાં ત્યારે ચૂકાદો એ આવ્યો કે બાળક બચ્યું નહોતું ને પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. “પહેલીવારની પ્રેગનન્સીમાં આવું થાય, એમાં કઈં બહુ ચિતાનું કારણ નથી.” ડોક્ટરે કહ્યું હતું.

કુશલા મનમાં હેબતાઈ ગઈ હતી, “આ કેવું? એ આવ્યું ક્યારે અને ગયું ક્યારે? આવું છું અને જાઉં છું એવું કશું જ કહેવાનું નહીં?” પહેલીવાર એને પવનની દિશા અને મોજાંનું જોર અનપેક્ષિત લાગ્યાં. એને એ પણ થયું, ‘બાળક તો જોઈતી ચીજના લીસ્ટમાં હતું જ નહીં, તો એના નહીં હોવાનું દુખ કેમ?” આટલી સમજણ હોવા છતાંયે એને માટે કિનારો રેતાળ થવા માંડ્યો હતો!

        થોડા દિવસ પછી એની કોલેજની એક સખી, હીનાએ સહુ મિત્રો સાથે મળવાનું ગોઠવેલું. એણે કુશલાને કટાક્ષમાં કહ્યું હતું કે, “તું જોજે તો ખરી કે કોઈ ઓળખાય છે કે નહીં!” કુશલાને સાચે જ કોઈ તરત ઓળખાયું નહીં! વચમાં દરિયા જેટલાં લાંબા સાત વર્ષ વીતી ગયા હતા. ધીરે ધીરે એ જૂની બહેનપણીઓ સાથે વાત કરવા લાગી. એ બીજાં વિષે રસ બતાવતી રહી અને પોતા વિશે વાત કરવાનું ટાળતી રહી. ત્યાં જ એની પાછળથી કોઈએ પૂછ્યું, “શું મારી સાથે વાત કરવાનો વારો આજની તારિખમાં આવવાનો ખરો?” આટલા વર્ષે પણ કુશલાએ એ અવાજ ઓળખી લીધો. “અરુણોદય?” બસ, અને એ કોલેજના સ્વરૂપમાં હતી એવી એના ચતુર, ચપળ અને હસતી-હસાવતીના અવતારમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. આ સાત વર્ષોમાં અરુણોદય પણ પરણી ગયેલા. એમણે એને કહ્યું પણ ખરું કે, “હા, બધાની જેમ હું પણ સંસારનું સુખ પામી રહ્યો છું.” ત્યાં જ નજદીક ઊભેલું કોઈક બોલ્યું, “કુશલા, અમે બધાં જ મધર અને ફાધર થઈ ગયાં છીએ પણ તું હજી એવી ને એવી જ દેખાય છે!”  કુશલા અને અરુણોદયે, એ સમયની ટેવ પ્રમાણે ત્વરિત ચાતુર્યોક્તિઓમાં થોડો સમય ગાળ્યો હતો, એની યાદ આવતાં જ કુશલા તરત જ બોલી ઊઠી હતી. “અરે, હજી તો થોડી જ ગઈ છે અને બહુ તો બાકી છે!” કુશલા બીજાઓ સાથે આમ હસવા-બોલવામાં સમય ગાળતી હતી ત્યારે પણ એને એમ જ લાગતું હતું કે અરુણોદય એને જ જોઈ રહ્યા હતા, બિલકુલ એવી રીતે, જેમ એ એમને જ જોઈ રહી હતી!

        ખરેખર તો એને થયું કે આ સમય દરમિયાન અરુણોદય એને પ્રમાણી રહ્યા હતા. કોલેજકાળમાં જેમ એ કુશલાના પ્રત્યેક હાવભાવ, અરે એની આંખના પલકારાને પણ ઓળખી શકતા, શું એ જ પ્રમાણે હજુ આજે પણ એને જાણતા હતા? કુશલાએ બાળક ગુમાવ્યું હતું એ બધાંથી છુપાવી રાખ્યું હતું. ભાઇ-ભાભી પાસેથી પણ કોઈનેય ન જણાવવાનું વચન લીધું હતું, એટલે સુધ્ધાં કે મમ્મીને પણ નહોતું જણાવ્યું! એના મનમાં, જીવનમાં અકસ્માતે ખાલી પડી ગયેલી એ જગા આજે જાણે અરુણોદયની નજરોમાં પકડાઈ જતી હોય એમ લાગતું હતું.

        કુશલા ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. અરુણોદય બહાર ઊભ ઊભા એની જ રાહ જોતા હતા. એમણે ઓચિંતો કુશલાનો હાથ પકડીને એને રોકી. સહેજ જેવો સ્પર્શ, ને એ સાથે જ બધા દરિયાનાં બધાં મોજાં ત્યાં ને ત્યાં થંભી ગયા! સચેતન કુશલા જાણે બધીર બની ગઈ હતી! જાણે મધદરિયે આવેલા ઝંઝાવાતમાં ફાટતા જતા શઢની જેમ વીતેલાં વર્ષોના લીરા ઊડવા માંડ્યા હતા! અરુણોદય કશું કહી રહ્યા હતા પણ એ જાણે કશું જ સાંભળી શકતી નહતી!

“તું થાકેલી લાગે છે. ફરી મળજે.” કુશલાને લાગ્યું, કદાચ અરુણોદય એમ બોલ્યા હતા કે, “કોઈ પણ વાત કરવી હોય તો ફરી મળજે!” ખારી હવામાં સૂકાતો હોય એવા અવાજે કુશલા બોલી, “ચોક્કસ.” અને, પકડાયો હતો તેવો જ ઓચિંતો જ હાથ છૂટી ગયો. કુશલાને લાગ્યું, બધા જ દરિયા એકસામટા મઝધારેથી વરાળ થઈ ગયા!

******

“સમય વીતતો ગયો. સુનય અને હું હજી દરિયા પર જ છીએ, હા, પણ, વહાણ પર નહીં. સુનયને હાર્ટએટેક આવ્યો પછી એણે વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી. એના જેવાને કોઈ પણ માંદગી નડે એની જ નવાઈ! તે પછી અમે મુંબઈથી થોડે દૂર એક ઘર લઈ લીધું છે. દરિયા પર દરિયા પાસે તો રહેવું જ હતું. સુનયથી પણ વધારે મારે! છીપની વચમાં કે મઝધાર પર ના રહી શકું, પણ, એવા કિનારે તો રહી શકું કે જ્યાં જોરદાર મોજાંની સાથે મઝધાર મારી પાસે આવી પણ શકે અને જઈ પણ શકે!

સુનયે એક કિતાબ લખવી શરૂ કરી છે. એ કહે છે કે દરિયા સાથે વિતાવેલા સમય પર લખી રહ્યા છે. હું માનું છું કે ધીરે ધીરે લખાણ દરિયા વગરના દિવસો ઉપરનું થતું જશે! મને ઘણીવાર એવું કેમ લાગે છે કે સુનયને મારી અંદરની ખાલી જગા દેખાઈ ગઈ છે? કઈ રીતે દેખાઈ હશે? શું મારી આંખોની અંદર જોયું હશે, સુનયે, કે, પછી મારા સ્મિતોની પાછળ? એ કશું જ બોલ્યા નથી, પણ, મનેય સુનયની અંદર બની ગયેલી ખાલી જગ્યાનો અંદેશો આવી ગયો છે. શું કારણ હશે એનું? શું થયું હશે સુનયને? હું પણ કશું બોલતી નથી. સાંજે ભીની થયેલી રેતી પર અમે ચાલવા નીકળીએ છીએ ત્યારે અમારી બાજુમાં કેટલાયે જુદા જુદા દરિયા ઘુઘવતા હોય છે. અમે વાતો કરતાં રહીએ છીએ, ને, પોતપોતાની અંદરની ખાલી જગ્યાને એકબીજાંથી સંભાળતા- સંતાડતાં રહીએ છીએ, પોતપોતાના ખાનગીપણાંને ખાનગી રાખતાં!

મારે તો જે અકસ્માત્ ગુમાવી દીધેલું, તેની યાદ ઉપરાંત સમજ્યા વગર જેને જતો કરેલો તે પ્રેમ માટેનો અપરાધભાવ પણ સાચવતાં રહેવાનું છે. જો આટલું મારી પાસે ન બચી શકે તો ફક્ત પેલી ખાલી જગ્યા જ બાકી રહી જશે, એવો ભય મને સતત સતાવે છે.

અરુણોદય, કેટલું સરસ હતું એમનું નામ! “અરુણોદય”, હું પછી ક્યારેય એમેને મારા અવાજમાં આ નામ સંભળાવી ન શકી. એ નામ કેવળ દરિયો સાંભળે એમ ઉચ્ચારવાનુંયે બન્યું નહીં. જેવું એ નામ બોલવા જાઉં છું કે એમણે વર્ષો પહેલાં કહેલા બે શબ્દો પડઘાય છે –“તારા પ્રેમમાં- દરિયામાંથી કિનારા સુધી, પાણીમાંથી રેત સુધી, પાણીમાંથી રેત સુધી, મઝધારમાંથી મારા સુધી…!”

*********