હાડકાંની અદલાબદલી
બાબુ સુથાર
(આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે. મૂળ વાર્તા પણ અહીં જેમ કહેવામાં આવ્યું છે તેમ માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે. આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે રાષ્ટ્રિય સ્તર પર પણ, ધર્મના, જાતિના, વિસ્તારવાદ વગેરે જેવા અનેક નામે અનેક પ્રકારના યુદ્ધ લડતાં રહીએ છીએ. પણ ક્યાંય એકમેક પ્રત્યેના ધિક્કરને યુદ્ધ પછી પણ ભૂલી શકીએ છીએ ખરા? આ સવાલનો જવાબ , સવાલ બનીને જ આપણી સમક્ષ ઊભો રહી જાય છે અને કોઈ પાસે આજે પણ એ સવાલ બનેલા જવાબનો કોઈ જવાબ નથી! આપણે સહુ વાચકોના સદભાગ્ય છે કે ડો. બાબુ સુથાર દર અઠવાડિયે આવા અનેક રત્નો વિશ્વસાહિત્યના સાગરમાં ડૂબકી મારીને લઈ આવે છે અને આપણી વચ્ચે મૂકે છે. તો ચાલો, આજની આ ટૂંકી પણ સુંદર કથા માણીએ.)
મહાભારતના કવિએ તો કહી દીધું કે યુદ્ધની કથા રમણિય હોય છે. પણ, ના. કાયમ એવું નથી હોતું. સ્વિડીશ લેખક પાર લેજરવિસ્કની ‘અદલાબદલી’ વાર્તા વાંચો તો તરત જ આ વાત સમજાઈ જશે.
માંડ દોઢ પાનાની આ વાર્તામાં લેખકે યુદ્ધના બિહામણા સ્વરૂપની જે વાત કરી છે એ કદાચ એક મહાકાવ્યમાં પણ ન કરી શકાઈ હોત. આ વાર્તામાં કોઈ નાયક નથી. કોઈ નાયિકા નથી. વાર્તા શરૂ થાય છે બે દેશો વચ્ચે થયેલા યુદ્ધની. લેખક કહે છે: બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું. ક્યાં બે રાષ્ટ્રો વચ્ચે? લેખકે એ કહ્યું નથી. આ બે રાષ્ટ્રોનાં નામ ન આપીને લેખકે ઘણું બધું કહી દીધું છે. એ ગમે તે બે રાષ્ટ્રો હોઈ શકે. એમાંનું એક રાષ્ટ્ર કદાચ વાચકનું પણ હોઈ શકે.
યુદ્ધ પુરુ થયા પછી પણ હજી બન્ને રાષ્ટ્રોના લોકો એ યુદ્ધની વાત કરતા. અને જ્યારે પણ એ યુદ્ધની વાત કરતા ત્યારે સામેના દેશને ધિક્કારતા. આ રીતે એમની યુદ્ધની વાતો આખરે તો લાગણીની વાતો બની જતી. લેખક કહે છે કે એમાં પણ જે લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધેલો અને યુદ્ધના અન્તે બચી ગયેલા એ લોકો તો ખૂબ જ ઝનૂનથી યુદ્ધની વાત કરતા.
યુદ્ધ પુરુ થયા પછી બન્ને દેશોએ પોતપોતાની યુદ્ધભૂમિ પર સૈનિકોનાં સ્મારકો બનાવેલાં. એમની સ્મૃતિમાં. કેમ કે એમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. અને બન્ને દેશો એ બલિદાનને યાદ રાખવા માગતા હતા.
બન્ને રાષ્ટ્રોએ એ યુદ્ધમેદાનને પ્રવાસનું સ્થળ બનાવી દીધું હતું. બન્ને દેશના નાગરિકો ત્યાં જતા અને એમના બહાદૂર સૈનિકોને યાદ કરતા.
પણ, કોણ જાણે કેમ. થોડાક વખત પછી એ યુદ્ધમેદાનમાં કશુંક વિચિત્ર, કશુંક ન સમજાય એવું બનવા લાગ્યું. લોકો એની વાતો કરવા લાગ્યા. એ કહેવા લાગ્યા કે બન્ને દેશના કેટલાક સૈનિકો રોજ રાતે કબરમાંથી બહાર નીકળે છે અને સીમા ઓળંગીને એકબીજાને મળવા જાય છે. એટલું જ નહીં, એ લોકો એકબીજા સાથે વાતો પણ કરતા હોય છે અને કશાકની આપ લે પણ કરતા હોય છે. લોકો એમ પણ કહેવા લાગ્યા કે એ સૈનિકો એકબીજાને ભેટ આપતા હોય છે.
દેખીતી રીતે જ, આવી અફવાઓને પગલે બન્ને દેશના નાગરિકો દુ:ખી થઈ ગયા. એમને થયું કે આપણે આપણા સૈનિકો માટે શું નથી કર્યું? આપણે એમનાં સ્મારકો બનાવ્યાં. એમનાં કુટુમ્બોની કાળજી લીધી. એમના નામનાં કાવ્યો રચ્યાં. બાળકોને એમના જીવનના પાઠ ભણાવ્યા. તો પણ આ સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મળવા જાય?
આખરે આ વાત સરકાર સુધી પહોંચી.
સરકાર પણ વિચારમાં પડી ગઈ: આવું તે કેમ બને?
પછી સરકારે પણ એક તપાસ પંચ નીમ્યું અને કહ્યું કે જાઓ, સત્ય શું છે એ શોધી કાઢો.
ત્યાર બાદ સત્યશોધક પંચ યુદ્ધમેદાનમાં જાય છે. એ પણ રાતે. એ લોકો એક ઝાડ પાસે બેસે છે. ત્યાં જ બન્ને દેશની યુદ્ધભૂમિમાંની કેટલીક કબરોમાંથી સૈનિકો બહાર આવે છે. સત્યશોધક પંચ પોતાના દેશના સૈનિકોને રોકે છે. કહે છે: આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમને અમે આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મન દેશના સૈનિકોને મળવા જાઓ છો?
સૈનિકો કહે છે: અમારી દુશ્મનાવટ તો ચાલુ જ છે. અમે આજે પણ એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ. પણ, અમે તો રોજ રાતે અમારાં હાડકાંની અદલાબદલી કરીએ છીએ. બહુ મોટો ગોટાળો થઈ ગયો છે. યુદ્ધ પછી એમના સૈનિકોનાં હાડકાં આપણા સૈનિકોનાં હાડકાં ગણાઈને અહીં દાટવામાં આવ્યાં છે.
૧૯૫૧માં સાહિત્યનું નોબલ ઇનામ મેળવનાર પાર લેજરવિસ્કની (Pär Lagerkvist) આ વાર્તામાં એક બીજું પાસું પણ જોવા જેવું છે: મરણ પામેલા સૈનિકો પણ કબૂલ કરે છે કે એ હજી દુશ્મન દેશના સૈનિકોને એટલા જ ધિક્કારે છે.