Category Archives: વારતા રે વારતા

“વારતા રે વારતા”- (૧૭) – બાબુ સુથાર

હાડકાંની અદલાબદલી

બાબુ સુથાર

(આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે. મૂળ વાર્તા પણ અહીં જેમ કહેવામાં આવ્યું છે તેમ માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે. આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે રાષ્ટ્રિય સ્તર પર પણ, ધર્મના, જાતિના, વિસ્તારવાદ વગેરે જેવા અનેક નામે અનેક પ્રકારના યુદ્ધ લડતાં રહીએ છીએ. પણ ક્યાંય એકમેક પ્રત્યેના ધિક્કરને યુદ્ધ પછી પણ ભૂલી શકીએ છીએ ખરા? આ સવાલનો જવાબ , સવાલ બનીને જ આપણી સમક્ષ ઊભો રહી જાય છે અને કોઈ પાસે આજે પણ એ સવાલ બનેલા જવાબનો કોઈ જવાબ નથી! આપણે સહુ વાચકોના સદભાગ્ય છે કે ડો. બાબુ સુથાર દર અઠવાડિયે આવા અનેક રત્નો વિશ્વસાહિત્યના સાગરમાં ડૂબકી મારીને લઈ આવે છે અને આપણી વચ્ચે મૂકે છે. તો ચાલો, આજની આ ટૂંકી પણ સુંદર કથા માણીએ.)

મહાભારતના કવિએ તો કહી દીધું કે યુદ્ધની કથા રમણિય હોય છે. પણ, ના. કાયમ એવું નથી હોતું. સ્વિડીશ લેખક પાર લેજરવિસ્કની ‘અદલાબદલી’ વાર્તા વાંચો તો તરત જ આ વાત સમજાઈ જશે.

               માંડ દોઢ પાનાની આ વાર્તામાં લેખકે યુદ્ધના બિહામણા સ્વરૂપની જે વાત કરી છે એ કદાચ એક મહાકાવ્યમાં પણ ન કરી શકાઈ હોત. આ વાર્તામાં કોઈ નાયક નથી. કોઈ નાયિકા નથી. વાર્તા શરૂ થાય છે બે દેશો વચ્ચે થયેલા યુદ્ધની. લેખક કહે છે: બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું. ક્યાં બે રાષ્ટ્રો વચ્ચે? લેખકે એ કહ્યું નથી. આ બે રાષ્ટ્રોનાં નામ ન આપીને લેખકે ઘણું બધું કહી દીધું છે. એ ગમે તે બે રાષ્ટ્રો હોઈ શકે. એમાંનું એક રાષ્ટ્ર કદાચ વાચકનું પણ હોઈ શકે.

               યુદ્ધ પુરુ થયા પછી પણ હજી બન્ને રાષ્ટ્રોના લોકો એ યુદ્ધની વાત કરતા. અને જ્યારે પણ એ યુદ્ધની વાત કરતા ત્યારે સામેના દેશને ધિક્કારતા. આ રીતે એમની યુદ્ધની વાતો આખરે તો લાગણીની વાતો બની જતી. લેખક કહે છે કે એમાં પણ જે લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધેલો અને યુદ્ધના અન્તે બચી ગયેલા એ લોકો તો ખૂબ જ ઝનૂનથી યુદ્ધની વાત કરતા.

               યુદ્ધ પુરુ થયા પછી બન્ને દેશોએ પોતપોતાની યુદ્ધભૂમિ પર સૈનિકોનાં સ્મારકો બનાવેલાં. એમની સ્મૃતિમાં. કેમ કે એમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. અને બન્ને દેશો એ બલિદાનને યાદ રાખવા માગતા હતા.

               બન્ને રાષ્ટ્રોએ એ યુદ્ધમેદાનને પ્રવાસનું સ્થળ બનાવી દીધું હતું. બન્ને દેશના નાગરિકો ત્યાં જતા અને એમના બહાદૂર સૈનિકોને યાદ કરતા.

               પણ, કોણ જાણે કેમ. થોડાક વખત પછી એ યુદ્ધમેદાનમાં કશુંક વિચિત્ર, કશુંક ન સમજાય એવું બનવા લાગ્યું. લોકો એની વાતો કરવા લાગ્યા. એ કહેવા લાગ્યા કે બન્ને દેશના કેટલાક સૈનિકો રોજ રાતે કબરમાંથી બહાર નીકળે છે અને સીમા ઓળંગીને એકબીજાને મળવા જાય છે. એટલું જ નહીં, એ લોકો એકબીજા સાથે વાતો પણ કરતા હોય છે અને કશાકની આપ લે પણ કરતા હોય છે. લોકો એમ પણ કહેવા લાગ્યા કે એ સૈનિકો એકબીજાને ભેટ આપતા હોય છે.

               દેખીતી રીતે જ, આવી અફવાઓને પગલે બન્ને દેશના નાગરિકો દુ:ખી થઈ ગયા. એમને થયું કે આપણે આપણા સૈનિકો માટે શું નથી કર્યું? આપણે એમનાં સ્મારકો બનાવ્યાં. એમનાં કુટુમ્બોની કાળજી લીધી. એમના નામનાં કાવ્યો રચ્યાં. બાળકોને એમના જીવનના પાઠ ભણાવ્યા. તો પણ આ સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મળવા જાય?

               આખરે આ વાત સરકાર સુધી પહોંચી.

               સરકાર પણ વિચારમાં પડી ગઈ: આવું તે કેમ બને?

               પછી સરકારે પણ એક તપાસ પંચ નીમ્યું અને કહ્યું કે જાઓ, સત્ય શું છે એ શોધી કાઢો.

               ત્યાર બાદ સત્યશોધક પંચ યુદ્ધમેદાનમાં જાય છે. એ પણ રાતે. એ લોકો એક ઝાડ પાસે બેસે છે. ત્યાં જ બન્ને દેશની યુદ્ધભૂમિમાંની કેટલીક કબરોમાંથી સૈનિકો બહાર આવે છે. સત્યશોધક પંચ પોતાના દેશના સૈનિકોને રોકે છે. કહે છે: આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમને અમે આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મન દેશના સૈનિકોને મળવા જાઓ છો?

               સૈનિકો કહે છે: અમારી દુશ્મનાવટ તો ચાલુ જ છે. અમે આજે પણ એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ. પણ, અમે તો રોજ રાતે અમારાં હાડકાંની અદલાબદલી કરીએ છીએ. બહુ મોટો ગોટાળો થઈ ગયો છે. યુદ્ધ પછી એમના સૈનિકોનાં હાડકાં આપણા સૈનિકોનાં હાડકાં ગણાઈને અહીં દાટવામાં આવ્યાં છે.

               ૧૯૫૧માં સાહિત્યનું નોબલ ઇનામ મેળવનાર પાર લેજરવિસ્કની (Pär Lagerkvist) આ વાર્તામાં એક બીજું પાસું પણ જોવા જેવું છે: મરણ પામેલા સૈનિકો પણ કબૂલ કરે છે કે એ હજી દુશ્મન દેશના સૈનિકોને એટલા જ ધિક્કારે છે.

“વારતા રે વારતા”- (૧૬) – બાબુ સુથાર

સરકારી ઇન્ફ્લુએન્ઝા

બાબુ સુથાર

સરકારી કોરોના વાઈરસ હોઈ શકે ખરો? કલ્પના કરો કે કોઈક સરકાર સરકારી કોરોના વાઈરસ ઊભા કરે તો? એ વાઈરસનું એક જ કામ: જે લોકો સરકાર વિરોધી હોય એમને સંક્રમિત થવાનું. 

Continue reading “વારતા રે વારતા”- (૧૬) – બાબુ સુથાર

વારતા રે વારતા – (૧૫) – બાબુ સુથાર

વિકાસની વાતો કરતા રાજ્યની વારતા

બાબુ સુથાર

પૉલીશ લેખક સ્લાવોમિર મ્રોઝેકે (Slawomir Mrozek) એમની En Route વાર્તામાં વિકાસની સરકારી વિભાવનાના ધજાગરા ઊડાડ્યા છે.

Continue reading વારતા રે વારતા – (૧૫) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’- (૧૪) – બાબુ સુથાર

બસ, અમે તો ગિલ્લીદંડો રમીશું: કાલ્વિનોની એક બોધકથા

બાબુ સુથાર

આજના સમયમાં ઇટાલિયન લેખક ઈટાલો કાલ્વિનોની ‘Making Do’ બોધકથા સમજવા જેવી છે. 

Continue reading ‘વારતા રે વારતા’- (૧૪) – બાબુ સુથાર

વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર

સમાજવ્યવસ્થા સામે બળવો કરતી નાયિકાની વાર્તા

બાબુ સુથાર

આપણામાંના ઘણાએ metonymy શબ્દ સાંભળ્યો હશે. Metonymy હકીકતમાં તો એક પ્રકારનો અલંકાર છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ એને ‘અજહલ્લક્ષણા’ તરીકે ઓળખાવે છે. ‘સાર્થ જોડણીકોષ’ આ શબ્દનો અર્થ આપતાં કહે છે: ‘લક્ષણાનો એક પ્રકાર – અજહતી લક્ષણા, જ્યાં મૂળ અર્થ અથવા વાચ્યાર્થનો ત્યાગ થતો નથી અને બીજા અર્થનો બોધ થાય છે. કોશ આ અર્થ સમજાવવા એક ઉદાહરણ પણ આપે છે: “બંદૂક જોઈ બધા ભાગ્યા.’ વાસ્તવમાં તો બધા બદૂંકધારીઓને જોઈને ભાગ્યા હોય છે. ટૂંકામાં, આ પ્રકારના અલંકારમાં એકની જગ્યાએ બીજો શબ્દ વપરાતો હોય છે અને એ બીજો શબ્દ મૂળ શબ્દના વાચ્યાર્થનો ત્યાગ કરતો નથી.

Continue reading વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૧૨) – બાબુ સુથાર

દેવદૂત બની ગયેલો માણસ

બાબુ સુથાર

એવું કહેવાય છે કે ઇટાલિયન લેખક ગેસુઆલ્ડો બુફાલિનો (Gesualdo Bufalino) એનાં લખા઼ણોમાં શબ્દોના વાવાઝોડાની સામે લડતો હોય છે અને એમ કરતી વખતે એ જે કોઈ શબ્દો કે વાક્યો એના હાથમાં આવે એને કથામાં મૂકી દેતો હોય છે. એને કારણે ઘણી વાર એના સર્જનમાં આવતી ઘટનાઓ સરળતાથી જોડાતી ન હોય એવું લાગતું હોય છે. સાચું પૂછો તો આ એની શૈલી છે. એનું કાવ્યશાસ્ત્ર છે. આ લેખક એનાં લખાણોમાં એક પ્રકારની અરાજકતા ઊભી કરવાનો પ્રયાસ કરતો હોય છે. એ અરાજકતા પાછી ભાષા પૂરતી જ મર્યાદિત નથી રહેતી. ત્યાંથી પણ આગળ જતી હોય છે. Continue reading ‘વારતા રે વારતા’ – (૧૨) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ -(૧૧) – બાબુ સુથાર

‘પૂર’ જાપાની લેખક કોબો આબેની એક વાર્તા

બાબુ સુથાર

જાપાની લેખક કોબો આબેની ‘The Flood’ નામની એક વિજ્ઞાનકથા છે. એમાં એક ગરીબ અને પ્રામાણિક ફિલસૂફ વિશ્વનું સંચાલન કરતા નિયમોનો અભ્યાસ કરવા એના ધાબા પર એક દૂરબીન લઈને બેઠો છે. Continue reading ‘વારતા રે વારતા’ -(૧૧) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૧૦) – બાબુ સુથાર

બોધકથાનું પુન:વાંચન

બાબુ સુથાર

વાતમાંથી વાત નીકળતાં એક સર્જક મિત્રએ મને પૂછ્યું, “બાબુ, આજકાલ તું શું વાંચી રહ્યો છે?” મેં જવાબ આપ્યો, “બોધકથાઓ.” કોણ જાણે કેમ મારા સર્જક મિત્રને મારો જવાબ જરા વિચિત્ર લાગેલો. એને કદાચ એવું પણ લાગ્યું હશે કે હું કદાચ એની મશ્કરી કરતો હોઈશ. આપણામાંના ઘણા એવું માનતા હોય છે કે બોધકથાઓ તો કેવળ બાળકો માટે હોય.

પણ, ના. હું માનું છું કે બોધકથાઓ દરેક વયના માણસો માટે Continue reading ‘વારતા રે વારતા’ – (૧૦) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૯) – બાબુ સુથાર

બોટલમાં પૂરાયેલી નારીની કથા

બાબુ સુથાર

ઇઝરાયલની લેખિકા આલ્ચિના લુબિશ ડોમેકે (Alcina Lubitch Domecq) એમની ‘Bottles’ નામની વાર્તામાં પોતાની જાત સાથેનો સંબંધ ગુમાવી બેઠેલી અને યંત્રની માફક જીવ્યા કરતી એક સ્ત્રીની વાત કરી છે. આમ જુઓ તો આ વાર્તા સાવ સરળ છે. એમાં નાયિકા આપણને એની મા વિશે વાત કરી રહી છે. વાર્તાના આરંભમાં જ એ કહે છે કે મારા બાપુજીએ મને કહ્યું છે કે મારી માને ક્યાંક દૂર લઈ જવામાં આવી છે. જો કે, એને ક્યાં લઈ જવામાં આવી છે એ વિશે એમણે અમને કશું કહ્યું નથી. પણ, એમ ચોક્કસ કહ્યું છે કે મારી મા જ્યાં હશે ત્યાં સુખી હશે. એની સરસ કાળજી લેવામાં આવતી હશે. જે હોય તે. પણ મને મારી માની ખૂબ ખોટ સાલે છે. પછી એ કહે છે કે બાપુજીએ મને કહ્યું છે તારી માને બોટલોને પ્રેમ કરવાનો રોગ થયેલો હતો. અહીં ‘પ્રેમ કરવો’ ક્રિયાપદમાં કોઈ erotic ભાવ નથી એ વાત યાદ રાખવાની છે. સાવ વાસ્તવવાદી modeમાં કરવામાં આવેલા આ કથનમાં લેખિકાએ એક બીજી વાત પણ ગૂંથી નાખી છે. પણ, એ વાત કોઈક ચતુર વાચક જ સમજી શકે એમ છે. એ કહે છે કે “બાપુજીએ કહ્યું છે.” પણ એની સાથોસાથ એ એમ પણ કહે છે કે એને ક્યાં લઈ જવામાં આવી છે એ વિશે કંઈ કહ્યું નથી. અહીં ‘બાપુજી” એક પ્રકારની સત્તા તરીકે આવતા હોય એવું લાગે છે. જ્યારે બાપુજી નાયિકાને એમ કહે કે એ જ્યાં હશે ત્યાં એની સરસ કાળજી લેવાતી હશે ત્યારે પણ બાપુજી આપણને જરાક બેજવાબદાર લાગે. Continue reading ‘વારતા રે વારતા’ – (૯) – બાબુ સુથાર

“વારતા રે વારતા” – (૮) – બાબુ સુથાર

જેમ્સ થર્બરની એક પ્રાણીકથા આપણા બધા માટે

બાબુ સુથાર

મને ઘણી વાર થાય છે કે અમેરિકન લેખક જેમ્સ થર્બરની The Owl Who Was God નામની બોધકથા વર્તમાન સમયને સમજવા માટે ખૂબ ઉપયોગી બને એવી છે. મધરાતનો સમય છે. એક ઘૂવડભાઈ એક ઑક વૃક્ષની ડાળ પર બેઠા છે. ત્યાં જ એમની નીચે પડે છે. નીચે જમીન પર બે છછુંદર લપાતાં લપાતાં જઈ રહ્યાં છે. એમને જોતાં જ ઘૂવડભાઈ એમને પડકારે છે. Continue reading “વારતા રે વારતા” – (૮) – બાબુ સુથાર