Category Archives: બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૭) – બાબુ સુથાર

સ્વિડિશ લેખક પાર લાગેર્કવિસ્ટની (Pär Lagerkvist) વાર્તા

બાબુ સુથાર

સ્વિડીશ લેખક પાર લાગેર્કવિસ્ટ (સાહિત્યનું નોબલ પ્રાઈઝ ૧૯૫૧) એમની ઘણી બધી વાર્તાઓમાં પુરાણકથાઓ અને પશુકથાઓનો વિનિયોગ કરે છે. એ માને છે કે શુભ અને અશુભ, શ્રદ્ધા અને હતાશા અને જીવન અને મરણ જેવાં સામસામેનાં બળોની વચ્ચે ફસાયેલા આજના માણસની વ્યથા વ્યક્ત કરવા માટે પુરાણકથાઓ અને પશુકથાઓ ખૂબ જ ઉપયોગી બની શકતી હોય છે. એથી જ તો એમની વાર્તાઓમાં, અને નવલકથાઓમાં પણ, પાત્રોને સતત એવું લાગ્યા કરતું હોય છે કે ઈશ્વરે એમને એકલાં ત્યજી દીધાં છે. આ પાત્રો પાછાં આસ્તિક પણ નથી કે તદ્દન નાસ્તિક પણ નથી. લાગેર્કવિસ્ટ પોતાને પણ ‘ધાર્મિક નાસ્તિક’ તરીકે ઓળખાવતા હતા. Continue reading ‘વારતા રે વારતા’ – (૭) – બાબુ સુથાર

“વારતા રે વારતા” – (૬) – બાબુ સુથાર

કાચનો પર્વત: બાર્થલમની એક અનુઆધુનિકતાવાદી વાર્તા

બાબુ સુથાર

એક પરીકથા છે: એક કાચનો પર્વત છે. એના પર સફરજનનું એક વૃક્ષ છે. એ વૃક્ષ પર સોનાનાં સફરજન લાગે છે. કહેવામાં આવ્યું છે કે જે માણસ આ કાચના પર્વત પર ચડીને પેલા સફરજનના વૃક્ષ ઉપરથી એક સોનાનું સફરજન તોડશે એ ત્યાં આવેલા સોનાના કિલ્લામાં કેદ એવી રાજકુમારીને પ્રાપ્ત કરી શકશે. Continue reading “વારતા રે વારતા” – (૬) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૫) – ‘એક એવી ઘડિયાળ જેમાં તેર વાગેલા’ – બાબુ સુથાર

એક એવી ઘડિયાળ જેમાં તેર વાગેલા 
(શૉલમ લૅક્ષમની હિબ્રુ વાર્તા)     – બાબુ સુથાર

વરસો પહેલાં હિબ્રુ ભાષાના લેખક શૉલમ આ’લૅક્ષમ (Sholem Aleichem, જન્મ: ૧૮૫૦-મરણ ૧૯૧૬) ન્યૂયોર્ક આવ્યા ત્યારે વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઈન એમને મળવા ગયેલા. આ’લૅક્ષમને પોતાનો પરિચય આપતાં એમણે કહેલું, “હું તમને મળવા ખૂબ આતુર હતો. કેમ કે હું માનું છું કે હું અંગ્રેજી ભાષાનો શૉલમ આ’લૅક્ષમ છું.” Continue reading ‘વારતા રે વારતા’ – (૫) – ‘એક એવી ઘડિયાળ જેમાં તેર વાગેલા’ – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર

‘વારતા રે વારતા’ – (૪) – “વાર્તા પહેલાંની વાર્તા “

          –   બાબુ સુથાર

વરસો પહેલાં એક અંગત વાતચીતમાં વીરચંદ ધરમશીએ મને કહેલું: સારા વાર્તાકાર થવા માટે વાર્તાકારે વધારે નહીં તો કોઈ એક ભાષાના લોકસાહિત્યનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એવું જ ભરત નાયકે પણ મને કહેલું, પણ ભાષા માટે. એમણે કહેલું: પહેલાં મેઘાણીએ ભેગી કરેલી લોકવાર્તાઓ વાંચ. એ વાર્તાઓની ભાષા સમજ. Continue reading ‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર

ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી? – બાબુ સુથાર

ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી?

બાબુ સુથાર

 
આર્જેન્ટિનાના લેખક એનરીક એન્ડરસન-ઈમ્બરતની (Enrique Anderson Imbert) એક વાર્તા છે:
 
***
ફાબિયાનનું રક્ષણ કરતા દેવદૂતે એને કાનમાં કહ્યું, “કાળજી રાખજે ફાબિયન. એવું ફરમાન છે કે જો તું ‘ડોયન’ શબ્દ ઉચ્ચારશે તો એની બીજી જ મિનિટે તારું મરણ થશે.”

“‘ડોયન’ શબ્દ?” મુંઝાયેલા ફાબિયાને પૂછ્યું.
અને એ સાથે જ ફાબિયાનનું મરણ થયું.
***
કોઈને પ્રશ્ન થશે? આને વાર્તા કરી શકાય? મને પ્રશ્ન થાય છે: કેમ ન કહેવાય? આ વાર્તામાં કથાવસ્તુ છે, પાત્રો પણ છે અને સંવાદ પણ છે. એટલું જ નહીં, આ વાર્તામાં ચમત્કૃતિ પણ છે. ‘ડૉયન’ શબ્દ બોલતાં જ ફાબિયાન મરી જાય છે. ફાબિયાન તો ખાલી ખાતરી કરવા માગતો હતો કે મારે ‘ડૉયન’ શબ્દ નથી બોલવાનો એમને? એથી જ તો એ ખૂબ જ સાહજિકતાથી એ પ્રશ્ન પૂછે છે અને જવાબમાં એને મરણ મળે છે.

ઘણા મિત્રો મને પૂછતા હોય છે: વાર્તા કેટલી લાંબી હોવી જોઈએ.  વચ્ચે મેં એક જ વાક્યની વાર્તાનો પરિચય ‘મમતા’માં કરાવેલો. ઘણાને એના વિશે પ્રશ્નો થયેલા. મેં પણ એવો એક પ્રયોગ કરેલો. એક જ વાક્યની વાર્તા લખવાનો. કોઈ સામયિક એ વાર્તા છાપવા તૈયાર ન’તું થયું. આખરે મેં એ વાર્તાને મારા જ સામયિકમાં, ‘સન્ધિ’માં, પ્રગટ કરેલી. એ વાર્તા હતી: “આ વાર્તાના વાચકનું આજે સવારે અવસાન થયું છે.” મેં આ વાર્તા ૯૫ વરસના હરિકૃષ્ણદાદાને વંચાવેલી ત્યારે એમણે મને પૂછેલું: તો તમે હજી જીવો છો કઈ રીતે? તમે વાચક નથી? હું જે વિરોધાભાવ પ્રગટ કરવા માગતો હતો એ ભાવ એમણે તરત જ પકડી પાડેલો.

પ્રયોગશીલ વાર્તાઓ હંમેશાં પરાપરાગત વાર્તાઓના માળખાને પડકારતી હોય છે. એમ હોવાથી જ્યારે પણ આપણે એ પ્રકારની વાર્તાઓ વાંચીએ ત્યારે આપણે સૌ પહેલો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે આ વાર્તા પરંપરાગત વાર્તાના કયા પાસાને પડકારે છે? અને બીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે વાર્તાકાર એ કામ કઈ રીતે કરે છે?

દેખીતી રીતે જ, આ વાર્તામાં વાર્તાકાર પરંપરાગત વાર્તા સાથે સંકળાયેલા લંબાણના મુદ્દાને પડકારે છે. એ એવો સંદેશો આપવા માગે છે કે વાર્તામાં લંબાણ બહુ મહત્ત્વનું નથી હોતું.

વિશ્વ સાહિત્યમાં આવી ઘણી વાર્તાઓ છે. ગુજરાતીમાં પણ હશે. અહીં મને એક અમેરિકન લેખક રસેલ એડસનની ‘Father Father, What have you done?’ વાર્તા યાદ આવે છે. એમાં એક માણસ ઘોડા પર બેસે એમ એના ઘરના વચલા મોભ પર બેસે છે અને બોલે છે: giddyup. તમે Western ફિલ્મોમાં જોયું હશે. ઘોડેસ્વાર ઘોડા પર બેસી, ચાબૂક ફટકારતાં, ‘giddyup’ (Giddy-up) બોલતો હોય છે. એ સાથે જ એના ઘરની દિવાલો તૂટવા માંડતી હોય છે અને ઘર ઘોડાની જેમ દોડવાનો પ્રયાસ કરતું હોય છે.  જોતજોતામાં ઘર ભોંય પર! ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્ની કહે છે: અરે અરે, તમે આ શું કર્યું? મૂળ વાર્તામાં ‘અરે, અરે’ને બદલે ‘Father, Father’ છે. ગુજરાતમાં પણ ઘણી સ્ત્રીઓ પતિનું નામ બોલવાને બદલે ‘મગનના કે છગનના બાપા’ બોલતી હોય છે એમ.

આ વાર્તા પણ લાંબી નથી. એમાં પણ પાત્રો છે. સંવાદ છે. પરિવેશ પણ છે. એમાં પણ ન બનવાનું બને છે. કોઈ માણસ વચલા મોભ પર ઘોડા પર બેસે એમ બેસે અને એનો આદેશ થતાં જ ઘર ઘોડાની જેમ આજ્ઞાંકિત બનીને દોડવા માંડે એ અતિવાસ્તવવાદી કલ્પના આ વાર્તાને magic realismની પરંપરાની વાર્તા બનાવે છે. એટલું જ નહીં, એની પત્નીનું પાત્ર પણ એટલું જ મહત્ત્વનું બની જાય છે. જો ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્નીએ ચીસાચીસ ન કરી હોત તો કદાચ આ વાર્તા એક તરંગ કે તુક્કો બની જાત. સૌથી વધારે મજા અહીં એ બાબતની છે કે વાર્તાકાર જેની વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય એમ છે જ નહીં એ બે વસ્તુઓ વચ્ચે અર્થાત્ ઘર અને એના માલિક વચ્ચે કાર્યકારણનો સંબંધ બાંધે છે. એથી આપણે ધાર્યું ન હતું એવું બને છે. જેમ ઈશુએ પ્રકાશ થાઓ એમ કહેલું ને પ્રકાશ થયેલો એમ અહીં પણ બને છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણા વાર્તાકારો ‘ફ્લેશ ફિક્શન’ લખે છે. એમાં પણ આમ જુઓ તો વાર્તાની પરંપરાગત લંબાઈની સામેનો વિદ્રોહ હોય છે. પણ, એમાંનું મોટા ભાગનું ફિક્શન કાં તો સાદી ઘટનાનું વર્ણન બની જતું હોય છે કાં તો નબળી નીતિકથા બની જતું હોય છે. એ ફિક્શનમાં આ બે વાર્તાઓમાં જોવા મળે છે એવો જાદુ ભાગ્યે જ જોવા મળતો હોય છે.

“વારતા રે વારતા” – (૩) – બાબુ સુથાર

છ એબ્સર્ડ રશિયન લઘુકથાઓ
દેનિયલ ખાર્મસ
ભાવાનુવાદ: બાબુ સુથાર

મારા સ્પેનિશ ફિલ્મના પ્રોફેસર કહેતા હતા: તમને કોઈ પણ ફિલ્મમાં રસ પડે તો સમજવું કે તમે ખરેખરા ફિલ્મરસિયા છો. મને લાગે છે કે આ જ વાત વાર્તારસિકોને અને વાર્તાકારોને પણ લાગુ પડવી જોઈએ. મારા ઘણા વાર્તાકાર મિત્રો હોંશે હોંશે કહેતા હોય છે: મને ફેન્ટસી વાર્તાઓ ન ગમે. કેટલાક તો એથી ય વધારે હોંશમાં આવીને મને કહેતા હોય છે: હું પ્રયોગશીલ વાર્તાઓને ધિક્કારું છું. જ્યારે પણ કોઈ આવું કહે ત્યારે મને પ્રશ્ન થતો હોય છે: આ લોકો આવા કેમ હશે? એક અમેરિકન ફિલસૂફ હર્બટ માર્કયુઝે One-dimensional man શબ્દપ્રયોગ કર્યો છે. એ આવા લોકો માટે વાપરી શકાય કે નહીં?

Continue reading “વારતા રે વારતા” – (૩) – બાબુ સુથાર

“વારતા રે વારતા”-(૨)- ડો. બાબુ સુથાર

હેન્રીખ બ્યોલની (Heinrich Böll) એક વાર્તા: હાસ્યકારીગર

બાબુ સુથાર

જર્મન નોબલ પ્રાઈઝ વિજેતા લેખક હેન્રીખ બ્યોલની એક વાર્તા છે: The Laughter. ૧૯૬૬માં પ્રગટ થયેલી આ વાર્તાનો નાયક હસવાનું કામ કરે છે અથવા તો એમ કહી શકાય કે એ ભાઈ હસવાનો ધંધો કરે છે. જો કે, એને કોઈ પૂછે કે તમે શું કામ કરો છો ત્યારે એ શરમાઈ જતો હોય છે અને અવઢવમાં પણ મૂકાઈ જતો હોય છે. નાયક કહે છે કે એવો પ્રશ્ન સાંભળતાં જ મારા ગાલ જરા રાતા થઈ જતા હોય છે અને જ્યારે હું જવાબ આપવાનો પ્રયાસ કરું ત્યારે મારી જીભ તોતડાઈ જતી હોય છે. 

Continue reading “વારતા રે વારતા”-(૨)- ડો. બાબુ સુથાર

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો.

આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય છે. એમણે નીચેના લેખમાં કહ્યું છે તેમ, કોપીરાઈટના કારણે વાર્તાઓના ભાષાંતર કરવા શક્ય નથી પણ રસાસ્વાદ તો જરૂર કરાવી શકાય. તો આવો, આપણે આજથી આ નવી પ્રારંભ થતી સિરીઝ, “વાર્તા રે વાર્તા” ના શ્રી ગણેશ કરીએ. બાબુભાઈ, આપને “આંગણું” અને એના વાચકો વતી વંદન કરું છું અને આટલો સમય ફાળવીને આટલા સુંદર રત્નોની ગુજરાતી ભાષાને ભેટ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજથી શરૂ કરીને જ્યાં સુધી બાબુભાઈ થાકે નહીં ત્યાં સુધી, દર શુક્રવારે, આપણે આ “વારતા રે વારતા” માં રજુ થનારા, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ, એમની તાકતવર અને અભ્યાસુ કલમ થકી માણવાનું વાચક મિત્રો, રખે ને ચૂકી જતાં! આજનો પહેલો હપ્તો, આપણને વિશ્વ સાહિત્યની વાર્તાઓના ખજાનાને ‘ખૂલ જા સીમસીમ” કહીને દરવાજા ખોલી આપે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાબુભાઈ.

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

વાર્તાલેખકોને બોલાનોની સલાહ

બાબુ સુથાર

ચીલીના લેખક રોબર્તો બોલાનોએ (Roberto Bolano) Advice on the Art of Writing Short Stories નામનો એક સરસ લખ્યો છે. એમાં એમણે વાર્તાલેખકોને બાર સલાહો આપી છે. જો કે, આ સલાહો આપતી વખતે એમણે લેટિન અમેરિકન ભાષાના લેખકોને ધ્યાનમાં રાખ્યા છે. એમ છતાં મને એવું લાગે છે કે એમની ઘણી બધી સલાહ આપણને પણ કામ લાગે એવી છે.

Continue reading “વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ગુજરાતીમાં લટકણિયાં

બાબુ સુથાર

ગુજરાતી ભાષામાં લટકણિયાંના સંદર્ભમાં પણ ઠીક ઠીક ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ વાક્યના આરંભમાં આવતા ‘તો’ને પણ લટકણિયું ગણતા હોય છે. દા.ત. આ વાક્ય જુઓ: (૧) ‘તો તમે કાલે આવશોને?’ અહીં વાક્યના આરંભમાં આવતો ‘તો’ લટકણિયું નથી.

Continue reading ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર

શું ભાષાઓ મરે ખરી? – બાબુ સુથાર

ઘણા લોકો કહે છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. એની સામે કેટલાક લોકો એમ પણ કહે છે કે ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. ભાષા તો વહેતી નદી જેવી છે. એ સતત બદલાયા કરશે પણ મરશે નહીં. જો કે, આવી દલીલો કરતા લોકો એક વાત ભૂલી જાય છે કે સરસ્વતી પણ એક નદી હતી અને એ પણ એક જમાનામાં સતત વહેતી હતી. અત્યારે એ નદી કેવળ પુરાણોમાં ને દંતકથાઓમાં જ મળી આવે છે. જો કે, આપણા માટે સવાલ એ છે કે ભાષાઓ મરે ખરી?

Continue reading ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર