[૧૦૪] પ્રાર્થનાને પત્રો…
પ્રિય પ્રાર્થના,
જય હો, 2020ની શરુઆત અદભુત થઈ રહી છે. અહીં બામણા (ઉમાશંકર જોશીના ગામ)માં પૂ.મોરારીબાપુની કથા વિરામ પામી રહી છે. બાપુએ હવે પોતે કોઇ કાર્યક્રમમાં નહીં જાય એવી જાહેરાત કરી છે, કદાચ તબિયત અથવા આયોજનોના નિરસ પ્રોટોકોલ કે ખાલી બાપુની હાજરીનો લાભ લેનારાઓને લઈને આવું કર્યું હશે. જે હોય તે, પણ આદરણીય બાપુએ સાહિત્યની જે સેવા કરી છે, કોઈ સંતે ભાગ્યે જ કરી હશે. કદાચ, કોઈ યુનિવર્સિટી કે સાહિત્યસંસ્થા કરતાં પણ બાપુએ સાહિત્યકારોને વધું આમંત્ર્યા છે, સાંભળ્યા છે, પોંખ્યા છે. બેહજારવીસના પ્રારંભમાં એમણે કરેલી જાહેરાતથી સર્જાનારો ખાલીપો કેવી રીતે પુરાશે તે જોવાનું રહેશે.
ચાલો, ગયા પત્રથી અધુરી મુકેલી શિલ્પાદેસાઇના હાસ્યની વાત કરીએ.
હું શિલ્પા દેસાઇ (શિદે)ના હાસ્યસંગ્રહ “… ત્યારે શું લખીશું?’ ને ‘ડ્રોઈંગ-રુમ હ્યુમર’ કહું છું. બેઠકરુમના હાસ્યતરંગો, સહજ હાસ્ય. મઝા આવે એવું પુસ્તક થયું છે. અપૂર્વ આશરની પીંછી અડે એટલે કલાકૃતિ બોલતી થઈ જાય. [જો કે આનો અર્થ એ નથી કે શિદેની આ કૃતિ બોલકી નથી!] રતિલાલ બોરીસાગરે લેખિકાના હાસ્યનું મુળ રા.વિ.પાઠકના સ્વૈરવિહારમાં જોયું છે.
આ હાસ્યસંગ્રહનો ‘શીર્ષક લેખ’ એક સૂક્ષ્મ કટાક્ષ છે, ત્યારે લખીશું શું? લેખિકાનું પાત્ર ભટ્ટ કે કાકભટ્ટ વારંવાર આપણા સમયની વિભીષિકાઓ અને વિરોધાભાસો પર અવલોકનોથી ‘સ્મિતાયેલું કે ક્યારેક મરકાયેલું’ હાસ્ય નિષ્પન્ન કરે છે. શીર્ષકલેખમાં ચમકેલા લેખકનો આત્મબોધ સાંભળો: ‘મોટાભાગે શબ્દમર્યાદા જેટલા શબ્દો પુરા કરતાંય ભલભલા ચમરબંધી ફાટી પડે છે. ત્રણગણું વધું લખાઈ જવા છતાંય અમારા મનમાં અહંકાર લગીરે પ્રવેશ્યો નહીં એય પોતાની એક સિધ્ધિ જ કહેવાય વળી! “લેખનક્ષેત્રમાં હજી સુધી કોઇને વખાણની ખાણ જડી નથી અને મોટાભાગના કવિઓ લેખકોને પોતાના વખાણ જાતે જ કરીને સ્વાવલંબી થવું પડતું હોય છે. શિલ્પા દેસાઇનો ઓપનીંગ લેખ #મીટુ એક ઘેરી સમસ્યાને હળવાશથી રજુ કરે છે, પ્રાણેશ્વર કરીને સંબોધાયેલા આ પત્રલેખમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો લેખિકાનો અવાજ તીવ્રપણે રજુ થાય છે.
‘એક લડકી કો દેખા… ‘ એક ઇન્ટરવ્યું લેખ છે. આ લેખની જેમ આખા પુસ્તકમાં અંગ્રેજી શબ્દો (ઑફ કોર્સ, બોલચાલના ) વિખરાયેલા જોવા મળે છે. ગુજરાતીઓની માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતાનું આ બ્લેક (યલો)હ્યુમરથી આલેખન થયું છે. અહીં કેરલની પ્રિયા નામની એક્ટ્રેસનું ઇંટરવ્યું છે. પે’લી આંખ મારતી નાયિકાથી રાજકારણીઓ સુધી ચક્ષુનર્તનના પ્રયોગોની હાસ્યસભર આલોચના નિસ્બતભરી બની છે. અહીં આ નટીનું ઇન્ટરવ્યું વાંચીએ ત્યારે સલમાન રશ્દીનું પાત્ર સલમા-આર યાદ આવે. એનું પણ હોલીવૂડ તરફનું આકર્ષણ જોઇને રશ્દી સરસ શબ્દસમુહો જેવા કે ‘westoxinicated’ અને ‘unfettered ambition and greed’ આલોચકોની ભાષામાં મુકી આ એક્ટ્રેસનું હોલિવૂડ જવાની વાતને એક આયામ આપે છે.
એક પ્રકરણનું શીર્ષક ‘ચાલો..ચાલો….ચાલો’ વાંચ્યું એટલે અમને એમ થયું કે શિદેને સીએએનો સળવળાટ થયો કેશું? તુષારભાઇને એ તો ખ્યાલ હશે જે કે દિકરીને ગાંધીવાદીઓના ઘરે પરણાવીએ છીએ તો ‘સત્યાગ્રહ’ના સંસ્કાર આપીને જ મોકલીએ. કદાચ ગાંધીજનોએ સરકાર સાથે ના રહેવાય એમ ધારીને આ લેખ લખ્યો હશે એવી બધી શંકાઓ સાથે આ લેખ વાંચ્યો ત્યારે શિદે એ અમને નિરાશ કર્યા કારણ એ અમારા જેવા મોર્નિંગ-વૉકર નીકળ્યા. આજકાલ ચાલતા આ ‘વૉક-અભિયાન’ પર અને સમુહમાં બેસી આસનો કરવાના પ્રજા-પરિશ્રમ તરફ શિદે આંગળી કરી છે. [અંગૂલિનિર્દેશ એવું કહીએ તો લેખિકાને અન્યાય થાય એટલે આંગળી ચીંધવાને બદલે ‘આંગળી કરવાનું’ એમને સુઝ્યું હોય એવું લાગે છે].
આ શિદેનું પહેલું પુસ્તક હોવા છતાં એમણે એ પહેલું ના લાગે એવા પ્રયોગો કરીને વાચકને આશ્ચર્યમાં નાંખી દીધાં છે. જો કે ‘હાસ્યલેખકે’ આ સરપ્રાઈઝને જ પ્રાઈઝ ગણી લખવાનું હોય છે. મને ‘દાઝ કાઢવાની કળા… ‘ પ્રકરણે સુખદ આશ્ચર્ય આપ્યું. સરસ. લેખિકા પોતાની ‘અનાલિટીકલ એબિલીટી’ની એક ગાઢી લીટી દોરે છે એનો મને આનંદ છે. દાઝ કાઢનારા કેવાકેવા હોય છે એની એક મહાલેખિકાની અદાથી ‘યાદી’ બનાવી શિદે એ હાસ્ય અને સર્જકતાને પ્રગટ કરી છે. દાઝ કાઢનારા દસપ્રકારના છે અને રામે તો દાઝ કે ક્રોધ સિવાય જ દશાનન રાવણને હણેલો પણ આપણી લેખિકા સમાજમાં રહેલા દશાનનનો આવો દશમોંઢળો પરિચય કરાવે છે જેમકે , સંગ્રાહક, મનોવ્યાપારી, હાથીસમા, કાનબંભેરું ટાઇપ્સ, સ્પષ્ટવક્તા, ડબલઢોલકી ટાઇપ, પ્યોર ઇર્ષ્યાળું, ભાગેડું, સ્વનુકશકર્તા અને અવિચારી. આ લેખિકાની અવલોકનશક્તિને પ્રગટ કરે છે. અમારા કૉમનગુરુ વિનોદભટ્ટ એવું કહેતા કે જેને અવલોકનની ટેવ ના હોય એને હાસ્ય લખવાની હિમ્મત ના કરવી.
આમ તો બધા પ્રકરણોમાં/નિબંધોમાં લેખિકાએ સહજ રીતે હાસ્યનિષ્પન્ન કર્યું છે પણ એમની જે વિવિધ છટાઓ છે તેનો ઉલ્લેખ માત્ર કરું છું. કદાચ પહેલી જ મેચમાં ગાવસ્કર કે તેંદુલકરે પણ પહેલી મેચમાં આવો કરતબ બતાવ્યો હોવો જોઇએ. એક અન્ય પ્રકાર જેનાથી હાસ્ય સિધ્ધ કરી શકાય એ સંવાદનું માધ્યમ છે. શિદે એ ઢીંચાક-પૂજામાં આ માધ્યમથી એકસાથે બે સિધ્ધિઓ હાંસલ કરી છે. (આ વિધાનને હાસ્યનિષ્પન્ન કરનારું ના ગણવું). લેખિકા બીગબૉસના કાર્યક્રમની પાર્શ્વભૂમિકા સાથે આ ઢીંચાકપૂજાનું પાત્ર સરસ રીતે નીપજાવે છે. આમાં બીજી અનેક બાબતો ઉપરાંત આપણાં આધુનિકતા ઓઢેલા લોકોની છીછરાઈ અને દંભને પ્રગટ કર્યો છે. અંગ્રેજી શબ્દોથી ‘દેખાડા’ને વધું દેખાડાગમ્ય બનાવ્યો છે.
આવો જ સરસ ઇન્ટરવ્યુંલેખ ‘મંદાબેંનની મુલાકાત’માં થયો છે. રાવણભાઇ કે વિભીષણભાઈ જેવા ઉપયોગોથી હાસ્ય નીપજે છે સાથે સાથે લેખિકાની ‘પાત્રસર્જન’ની સૂક્ષ્મતાકાતનો પણ પરિચય થાય છે.
આમ આજે તમને એક ઉભરતી/ ઉભરાતી/ સ્થાપિત હોય એવી કલમમુદ્રાવાળી હાસ્યલેખિકાનો પરિચય કરાવ્યો. એવું લાગે છે આપણે નવા ભારત અને ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા છીછરાપણાને ખોલી આપવું પડશે. આ સર્જકપ્રતિભાઓની ફરજ અને શક્તિ છે. શિલ્પાદેસાઇનું આ પુસ્તક’. ત્યારે શું લખીશું? ‘એક દિશા ખોલનારું, હાસ્યને નવા જમાનાની આંખે રજુ કરનારું પુસ્તક છે. એની છપામણી અને રંગકામ એના તથ્ય અને કથ્ય જેટલું આકર્ષક છે. એટલે આ માધ્યમથી અભિનંદન આપીએ…
બીજું, કેમ ચાલે છે.
ઠંડીનું જોર જામ્યું છે. પતંગની મઝા અને ઉંધિયું અને કમુરતાં પુરા થતાં ઉઘડનારા નવા વર્ષને વાત્યા કરીશું..
કિં વિસ્તરેણ… !
ખુબ ખુબ શુભકામનાઓ,
અને શુભાશિષ.
ભાગ્યેશ,
જય જય ગરવી ગુજરાત.
Like this:
Like Loading...