Category Archives: ભાવિન ગોપાણી

સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

“સાંભળે કોઈ…!”

છો વાગે નગારું નહી સાંભળે કોઈ
અહીં  એકધારું નહી સાંભળે કોઈ Continue reading સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

“વાત કરવી છે ” -ગઝલ- ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ – “વાત કરવી છે”

લખીને એક ઉપન્યાસ વાત કરવી છે
શું હોય રાતનો અજવાસ વાત કરવી છે

વિતાવી શબ્દનો વનવાસ વાત કરવી છે
હતી મજા કે હતો ત્રાસ વાત કરવી છે

બધા જે દૃશ્યને જોઈ વિતાવે છે જીવન
એ સત્ય છે કે છે આભાસ, વાત કરવી છે

આ કારણે જ તને ખાનગીમાં છે મળવું
તું છે જ ખાસ અને ખાસ વાત કરવી છે

મને તું આપ હે ભગવાન આટલી હિંમત
તું સામે હોય ને બિન્દાસ વાત કરવી છે

તટસ્થતાથી રજૂઆત થાય એ માટે,
દબાવી હર્ષ ને ઉલ્લાસ, વાત કરવી છે

હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી ?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે

                              ભાવિન ગોપાણી

શ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “વાત કરવી છે નો આસ્વાદ- જયશ્રી વિનુ મરચંટઃ

વાત કરવા માટે કોઈની પાસે ક્યારે કેટલું જમા થઈ જાય છે એની કોઈ વહી-પોથી ક્યાં હોય છે? કોણ કેટલા તરસ્યા છે, એની સાબિતી જ્યારે જળાશય પાસે જાય ત્યારે જ ખબર પડે છે. શાયર શરૂઆત કરે છે કે એમને આખી નવલક્થા ભરાય એવી અને એટલી વાત કરવી છે અને એ ક્યાં કરવી છે એનાથી અવગત પણ નથી કરાવતા, એટલું જ નહીં, પણ, જેની સાથે વાત કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં. એ તો સૌની સંવેદના પર છોડી દીધું છે. અહીં બ. ક. ઠાકોરની આ પંક્તિઓ યાદ આવે છે, “ગમે તો સ્વીકારી લેજે ગત સમય કેરા સ્મરણમાં.” એક ઉપન્યાસમાં પ્રેમની વાત આવે, કુટુંબની વાતો આવે, તિરસ્કાર અને તોફાન પણ હોય, મૈત્રી અને દુશ્મની હોય, રાજકરણ અને સમાજની વાત હોય, કલા અને સંસ્કૃતિ પણ એમાંથી છલકે. આટલી બધી વાતો છાતીમાં ડૂમો ભરાઈને ઊભરાઈ રહી હોય ત્યારે વાત ક્યાંથી માંડવી? વાતનો પ્રારંભ અને પોત પરથી જ નિર્ણય થાય કે વાત હાજર રહેલા પ્રિયજનને કરવી છે કે પછી વિખૂટા પડી ગયેલા વ્હાલને યાદ કરીને, આમંત્રણ આપીને ફરિયાદ કરવી છે, કે, આવ, જરા જો, કેટકેટલી અને કેવી કેવી સુખ-દુઃખની વાતો કરવાની ભેગી થઈ છે. અને, એક નવલકથામાં હોય એટલી અને એવી લાંબી વાતો તો અંધારી રાતના પોતે જ દીવા બની જશે અને રાત આખી ઉજાસનો ઉત્સવ થઈ જશે!

“આંખોઆંખોમાં થઈ જાય વાત તો કેવું?

વાતો વાતોમાં થઈ જાય રાત તો કેવું?”

ન જાણે કેટલા વર્ષોથી શબ્દોને સંન્યાસ લેવડાવ્યો છે. આ સમય પણ કેવો હતો એ પણ કહેવું છે, થોડુંક રડીને અને થોડુંક હસીને!

જીવન આખું જે “મારું છે”, એવા માલિકીપણાના ભાવનું દ્રશ્ય સતત નજર સામે રાખીને, આખો ભવ માણસ કાઢી નાંખે છે અને આ “મારાપણા”નો અંત જિંદગીનો અંત આવે તોયે નથી આવતો.  શું આ “હું” અને “મારાપણું” જિંદગીનું સત્ય છે કે, પછી બસ, સત્યનો આભાસ છે? આ વાત સ્થૂળ અર્થમાં બધાં જ સમજતાં હોય છે અને છતાંય નથી સમજતાં. જેને માટે આટલા બધા ‘મોહ, મોહ કે ધાગે’ વણ્યાં હોય, એને જ પૂછી લેવાય, પણ, એની પાસે તો ઉત્તર ક્યાંથી હશે? એના કરતાં આ આસક્તિ જો પરમ તત્વમાં રાખીએ તો પછી અંતરપટ ખોલતાં જ સત્ય અને આભાસ વચ્ચેના ફરક અને એનો ઉઘાડ પોતાની મેળે થઈ શકે ખરો?

એક એવી ખાસ વાત કરવાની હોય, ગુફતેગુ કરવાની હોય તો ડંકાની ચોટ પરથી એ ખાનગી વાત ખાસ વ્યક્તિને કઈ રીતે કરી શકાય? અહીં નાજુકતાનો આવિર્ભાવ અદભૂત છે. વાત ખાનગી અને ખાસ છે, જેને કહેવી છે એ તો એનાથી પણ વિશેષ ખાસ છે, તો એને ખાનગીમાં જ આવવાનું ઈજન દેવું પડે ને? પણ, એ જો સામે આવશે તો શું થશે, એકેય વાત મોંમાંથી નીકળશે જ નહીં! વાત ક્યારેય કહેવાશે નહીં, પૂરી થશે નહીં અને આમ જ એક વાત કહેવાની ચાહમાં અને રાહમાં સાથે સાથે જ રહીને જિંદગી વિતી જાય તો, તો કહેવું જ શું?

નઝીર દેખૈયાની આ પંક્તિ યાદ આવે છે,

“સંભાળું હોઠને તો નયન મલકી જાય છે,

 બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

માણસ આખી જિંદગી મંદિરોમાં જઈને ઘંટારવ વગાડ્યા કરે કે ક્યારેક મને ઈશ્વર મળી જાય. પથ્થરની મૂર્તિ સામે તો ઊભા રહીને જે પણ બોલવું હોય તે બોલી નાંખી શકાય પણ જો ભગવાન એક દિવસ ખરેખર રૂબરૂ થઈ ગયા તો? ઈશ્વરના સતત નામ સ્મરણ લેતાં જ તે સમય પૂરતું અંતરમાં અજવાળું થઈ જાય છે, તો જરા વિચારો કે એ પ્રકાશપુંજ આખો ને આખો આપણી સમક્ષ આવીને ઊભો રહી જાય તો? એ તેજપુંજમાં અંજાઈ ગયેલું આપણું આખેઆખું અસ્તિત્વ, એની સમક્ષ કશું બોલવાની કે ફરિયાદો અને રોદણાં રડવાની હિંમત પણ કરી શકીશું ખરા? ત્યારે શું કંઈ પણ યાદ આવશે ખરું? જો ભૂલેચૂકે પણ આવું થાય તો હે પ્રભુ, મને હિંમત આપજે કે, જરા પણ શેહમાં રહ્યા વિના, અંજાયા વિના, તને પોતાનો માનીને જે પણ કહેવું છે તે આમને સામને, બિન્દાસ કહી શકું, અને, ત્યારે એટલી તટસ્થતા પણ રાખતાં શીખવાનું છે કે હર્ષ અને ઉલ્લાસનો અતિરેક ન રખાય. અહીં, ‘વાત કહેવી છે’ એમ નહીં, પણ, ‘વાત કરવી છે’ એમ કવિ ચતુરાઈ વાપરીને કહે છે. ઈશ્વરને આ ચેલેન્જ છે કે મને તું હિમ્મત આપ જેથી હું ખુલ્લંખુલ્લા, તારી જોડે સંવાદ સાધી શકું! આ બહુ જ મોટી વાત છે. પ્રભુને કહેવું કે ‘બેસ, મારી સામે અને આપણે એક લેવલ પર જીવ અને શિવ એક હોઈએ એમ વાત કરીએ! પણ આ તો જ બને જો આત્મા સાથેનું ઐક્ય લાધ્યું હોય!    

છેલ્લા શેરમાં, કવિ સાચે જ ‘ખંગ’ વાળે છે, એ કહે છે,

‘હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે.’

કવિ કહે છે કે જીવ રૂપી ‘હરણ’ ભૂખ અને તરસથી વલખાં મારે છે આજના આ યુગમાં. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિજ્ઞાનની, વિકાસની, ટેકનોલોજીની, વિશ્વાસની. પણ, આ પૃથ્વી પર આજે પણ અનેક જીવોની ભૂખ અને તરસ મિટવવામાં આપણે એક જાગૃત સમાજ તરીકે સફળ નથી થયા ત્યારે આ મોટી વાતો કેટલી અર્થહીન લાગે છે, માત્ર એક કાલ્પનિક વાર્તા લાગે છે! હવે કદાચ એવું બની જાય કે આ વાર્તામાં આપણે ફળફૂલ, અનાજ ઊગાડી શકીએ અને એ રીતે કદાચ આ જગતમાંથી ભૂખ મટે! યાદ આવે છે, બહુ જૂની ફિલ્મ, ‘ઉજાલા’નું આ ગીત,

“સૂરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાયેંગે હમ.   અય આસમાં, તુ બડા મહેરબાં, આજ તુઝકો ભી દાવત ખિલાયેંગે હમ!”

આ ગઝલનો છેલ્લો શેર વાંચતા આફરીન કહેવાઈ ગયું પણ જેમ ઉકેલાતો ગયો તેમ, એક માણસ તરીકે, ૨૧મી સદીમાં પણ આપણે ભૂખ અને તૃષાની બેઝીક જરૂરિયાત પણ પૂરી દરેક જીવ માટે નથી કરી શક્યાં, એ સમજાતાં, મારું માથું શરમથી ઝૂકી જાય છે. કવિએ એક ચાબખો સમાજને અને સમાજની વ્યવસ્થાને માર્યો છે. ભગવાન કરે અને આ ચાબખાની કળ ત્યાં સુધી ન વળે જ્યાં સુધી આ પૃથ્વી પરની ‘ભૂખ-તરસ’ની સમસ્યાનું સમાધાન

ખબર પણ પડી નહીં – ગઝલ- ભાવિન ગોપાણી- આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

પરિચયઃ ભાવિન ગોપાણી એ નવયુવાન તરવરિયા શાયર છે, ગઝલોને ઘોળીને પી ગયા છે. વ્યવસાયે બીઝનેસમેન પણ શબ્દોના વનોમાં અલગારી રખડપટ્ટીના માણસ. ૨૦૧૬માં એમનાં બે ગઝલસંગ્રહો, ‘ઉંબરો’ અને ‘ઓરડો’ પ્રગટ થયા છે. એમને ૨૦૧૬માં શયદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ૨૦૧૮માં એમને રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ મળ્યો હતો. એમનો જન્મ સુરેન્દ્રનગર પણ કર્મભૂમિ અમદાવાદ. ભાવિન ગોપાણી જેવા નવયુવાન સાહિત્ય સર્જકો, ગુજરાતી ભાષાને જીવંત જ નહીં, પણ વિશ્વભરમાં ધબકતી રાખશે એની ખાતરી છે. એમની ગઝલોના આસ્વાદ “દાવડાનું આંગણું”માં મૂકતાં અને “આંગણું’ની ટીમ તરફથી એમનું સ્વાગત કરતાં, હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ વાચકોને પણ એમની ગઝલો સ્પર્શી જશે.    

અજવાસ તારતાર ખબર પણ પડી નહી
થઈ રાત આરપાર ખબર પણ પડી નહી

રાત્રે સહાયભૂત થયો એ ચિરાગથી
સળગી ગઈ સવાર ખબર પણ પડી નહી

પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો
છેલ્લો હતો પ્રહાર ખબર પણ પડી નહી

મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો?
ઈશ્વર થયા પસાર ખબર પણ પડી નહી

આપ્યું જો દર્દ જાણ થઈ  રોમરોમને
આપી જો સારવાર ખબર પણ પડી નહી

એ ટોચ પરથી ખીણમાં ક્યારેય ના પડ્યો
મિત્રો હતા હજાર ખબર પણ પડી નહીં

બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો
કરતો રહ્યો  પ્રચાર ખબર પણ પડી નહી

થઈને પરાવલંબી રખડવું ગમી ગયું
શું હોય રોજગાર ખબર પણ પડી નહી

                 – ભાવિન ગોપાણી

“ખબર પણ પડી નહીં” – ભાવિન ગોપાણી – આસ્વાદ જયશ્રી વિનુ મરચંટ

અજવાળું રહ્યું ન રહ્યું, એનાથી પણ બેખબર થઈ જવાય અને રાત આખી ની આખી પાર કરી ગયા એનાથી પણ અજાણ રહેવું એ પ્રણયમાં વિતાવેલી પળો અને પ્રણયના અનુભવોના રોમાન્સનો સંધિકાળ છે. દરેક સંધિકાળની જેમ આ સંધિકાળ પણ આથમી જાય છે. પ્રિયતમના આવવાની રાહનો આશાદીપ જે રાતના બળતા દીવાને લીધે જલતો રહ્યો અને એમાં ને એમાં સવાર પડી ગઈ, પણ, પ્રિયજન તો આવ્યા નહીં. રાત આખી જે દીવાની સાક્ષીએ ગુજારી એ દીવો, સદ્ય ઉદીપ્ત કોમળ કોમળ સવારને વિરહની આગમાં સળગાવીને બુઝાઈ ગયો. હવે દિવસ કેમ જશે એનો કોઈ અંદાજ કવિ આપતા નથી, પણ એક આરત આપણી અંદર જગાવી જાય છે.

કવિશ્રી ‘કાન્ત’ ના ખંડકાવ્ય, “ચક્રવાક મિથુન” ની આ પંક્તિ ઓચિંતી યાદ આવે છે,

“પ્રણયની પણ તૃપ્તિ થતી નથી

પ્રણ્યયનો અભિલાષ જતો નથી

સમયનુંય લવ ભાન રહે નહીં,

અવધિ અંકુશ સ્નેહ સહે નહીં!”

            કવિનો આગલો શેર એક શાયર જ કરી શકે એવો સિંહનો હુંકાર છે. પ્રણયીને માટે વાક્બાણ, ઉપેક્ષા અને તિરસ્કારના જુલમો સહેવા એ કંઈ નવી વાત નથી. “કોઈ પથ્થર સે ન મારે મેરે દિવાને કો” એવું કહેવાવાળી લયલા જ જો જુલમ કરે તો? જમાનાએ આપેલા દુઃખ-દર્દ તો સહી લેવાય છે પણ જેને છાતીફાટ પ્રેમ કરતા હો એના તરફથી જ આઘાત કરવામાં આવે તો સાચા પ્રેમીની ખુમારી તો જુઓ..! જરા પણ વિચલિત થયા વિના કવિ કહે છે કે,

“પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો
 છેલ્લો હતો પ્રહાર, ખબર પણ પડી નહીં”

જિંદગી આખી જુલમ અને આઘાતો સહન કરવામાં વિતી ગઈ પણ જો એ છેલ્લો જ ઘા થવાનો હોત એની ખબર આગળથી હોત તો એક ઉત્સવની જેમ એને ઉજવી લેત, જો આ છેલ્લો પ્રહાર હોય તો બે વાત બની શકે, કાં તો એ આ છેલ્લા ઘા પછી કદીયે ઘા ન આપે અથવા પ્રહાર કરીને કાયમ માટે જતાં પણ રહે! આ બેઉ સીનમાં એક ઉત્સવ, ઉજવણી તો બને જ છે ને?

               આપણે પ્રભુ મળે એના માટે મંદિરોમાં જતાં હોઈએ છીએ, પણ પ્રભુ શું મંદિરોમાં મૂકેલી પથ્થરની મૂર્તિઓમાં છે? માણસમાં રહેલા ઈશ્વરીય તત્વને ઓળખવાની નજર આપણે ખોઈ બેઠાં છીએ. બાહ્ય આડંબર અને દંભનું ધુમ્મસ આપણી આંખોમાં પડળ બનીને રહે છે, જેથી માણસમાં રહેલો ઈશ્વર જોવાનું શક્ય નથી.

      “રાહોં પે નજર રખના,  હોંઠોં પે દુવા રખના,

       આ જાયે કોઈ શાયદ, દરવાજા ખુલા રખના”                                                                            બસ, આટલું યાદ રાખીને, અંતરમનના દ્વાર સહુને માટે ખુલ્લા રાખીએ. આવનાર જો ઈશ્વર હોય તો?  

            જીવન પણ સાચે જ કેવું Unpredictable – જેની પૂર્વ આગાહી ન કરી શકાય એવું હોય છે. જ્યારે પ્રિયપાત્ર દર્દ આપે, તે સાચે જ આપણા રોમરોમમાં પ્રસરી જાય છે અને દર્દની એ ટીસ ક્યારેક જાનલેવા પણ બને છે. પણ, જ્યારે એમને જ આપણે ચૂપચાપ કોઈ પણ શોર વિના એમના ચારાસાજ બનીને સારવાર આપીને નીકળી જઈએ છે એની તેઓ કદી નોંધ પણ લે છે ખરા? કદાચ નહીં પણ, પ્રેમીઓને એની ક્યાં પડી હોય છે? એને તો બસ, એટલું જ જોઈએ કે હું ગમે તેટલું દર્દ સહન કરી લઉં, પણ મારા પ્રિયજનને ઈલાજ દરમિયાન પણ કોઇ તકલીફ ન થવી જોઈએ અને આ ભાવના જ છે પ્રેમનું ઉત્તુંગ શીખર.              

સાત્વિક રીતે, એવું કહેવાય છે કે પડતાને થામે એ મિત્ર અને પડવા પહેલાં એના હાથમાં ઉપાડી લે તે ઈશ્વર. ટોચ પરથી નીચે ખીણમાં પડ્યા જ ન હો તો મિત્રોના વજૂદનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. પણ સિક્કાની બીજી બાજુ, બીજો વિચાર એ પણ છે કે, ટોચ પરથી નીચે પડો અને તમને ઊઠાવવા માટે એકેય હાથ ન આવે તો? બેઉ સ્થિતિમાં હજારો મિત્રોમાંથી સાચા મિત્રો કોણ હતા, એની પરખ કરવી સરળ પડત, પણ અફસોસ, શિખર પર પહોંચવાની અને ત્યાં જ રહેવાની આ કિંમત તો ચૂકવવી જ પડે છે, કારણ સાચા મિત્રો કોણ હતા એની ખબર ક્યારેય પડતી નથી.

               નીચેના શેરમાં એક માણસ સ્વભાવની મજેદાર વાત કહી છે. આપણી બહુ ઉજળી ન હોય એવી બાજુ આપણે જાહેરમાં ઉઘાડી ન પાડીએ એને માટે સદા સતર્ક રહીએ છીએ, પણ, એ સતર્કતા જ એ વાતનો સતત ઉઘાડ કરતી હોય છે એની ખબર પણ નથી પડતી.  

“બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો
કરતો રહ્યો  પ્રચાર ખબર પણ પડી નહીં’

         બે પંક્તિ યાદ આવે છે,

“રસભરી નિંદાના જામ કેવી ભર મહેફિલે પીતી રહી હું,

 હોંશ આવ્યાં તો જાણ્યું, એ મારા જ ઘરની વાત હતી!”

ગઝલના શિરમોર સમો, છેલ્લો શેર તો શાયરની અલગારી રખડપટ્ટી અને ફકીરીહાલની ચાહમાં જીવન જીવવાના જોમની વાત કરે છે. આ શેર તો આંખ મીંચીને વાંચ્યા પછી મમળવતાં અંતરથી માણવાનો છે, જેની રંગત તો “માંહી પડ્યાં તે મહાસુખ પામે,” જેમ જ જીવી જવાની છે, પોતપોતાની રીતે!
“થઈને પરાવલંબી રખડવું ગમી ગયું
 શું હોય રોજગાર ખબર પણ પડી નહી” આ ઈશ્વર પરના આલંબનનું જગત એ જ છે મીરાંની મિરાત, કબીરની વાણીનું સત્ય, અને નરસિંહનું વૈંકુઠ! આ છેલ્લા શેર સાથે ઊંચાઈ પર એકદમ જ કવિ આપણને લઈ જાય છે અને પછી એક ચૂપકી સાધીને મૌન થઈ જાય છે. કવિશ્રી ભાવિનભાઈની આ ગઝલ આપણી અંદર એક પ્રેમ અને અલખ એક સાથે જગાવી જાય છે.