વિરોધવાચક તથા પરિણામવાચક સંયોજકો
બાબુ સુથાર
વિરોધવાચક સંયોજકો
બે વાક્યો વચ્ચેના અર્થનો વિરોધ કરવા માટે આપણે કેટલાક શબ્દો અને કેટલાંક પદો પણ વાપરીએ છીએ. આ પ્રકારના શબ્દો અને પદોને વિરોધવાચક સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. વાક્ય (૧) લો:
(૧) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.
અહીં આપણે ‘રમેશ આવવાનો હતો’ અને ‘રમેશ ન આવ્યો’ એ બે વાક્યોને ‘પણ’ વડે જોડ્યાં છે. આ ‘પણ’ અહીં વિરોધવચાક સંયોજક છે. જો કે, ગુજરાતીમાં ‘પણ’ હંમેશાં વિરોધવાચક સંયોજક તરીકે કામ નથી કરતો એ વાત પણ યાદ રાખવાની છે. જેમ કે:
(૨) તે દિવસે રમેશ પણ મારા ઘેર આવ્યો હતો.
વાક્ય (૨) માં ‘પણ’ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. અંગ્રેજીમાં આ ‘પણ’ માટે ‘also’ અને ‘too’ વપરાય છે.
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ વિરોધવાચક સંયોજકોમાં ‘પણ’, ‘છતાં’, ‘છતાં પણ’, ‘જો કે’, ‘તો પણ’, ‘તોય’, ‘પરંતુ’, ‘કિન્તુ’ વગેરેનો સમાવેશ કરે છે. મેં અવારનવાર નોંધ્યું છે એમ જ્યારે આપણે વ્યાકરણમૂલક કોટિઓની વાત કરીએ ત્યારે આપણે દેખીતી રીતે જ આપણી ભાષાના શબ્દોના વ્યાકરણમૂલક વર્ગીકરણની વાત કરતા હોઈએ છીએ. એમ હોવાથી આમાંના કેટલાક ‘વિરોધવાચક સંયોજકો’ને આપણે બાજુ પર મૂકવા પડશે. કેમ કે એ ‘શબ્દો’ નથી. આવા સંયોજકોમાં ‘છતાં પણ’, ‘જો કે’, ‘તો ય’નો સમાવેશ કરી શકાય.
પણ હવે પ્રશ્ન એ થાય કે આ બધા સંયોજકો ગુજરાતી ભાષામાં કયા પ્રકારનું વર્તન કરે છે? આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે પણ કમનસીબે હજી આપણે એનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો નથી. જેમ કે, આપણે ફરી એક વાર વાક્ય (૧) લઈએ:
(૩) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.
અહીં આપણે જે બે વાક્યો જોડ્યાં છે એ બન્ને વાક્યોની સંરચના એક જ પ્રકારની છે. બન્ને એક જ કાળમાં છે, અહીં પૂર્ણભૂતકાળમાં. એ જ રીતે, બન્નેનાં ક્રિયાપદો પણ એક સરખાં જ છે. આપણે (૪) જેવાં વાક્યો ન બનાવી શકીએ:
(૪) *રમેશ આવવાનો હતો પણ એણે કેરી ના ખાધી.
એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘પણ’ના જે વિવિધ ઉપયોગો છે એમાંનો આ એક ઉપયોગ છે. એમાં પહેલું વાક્ય સકારાત્મક હોય તો બીજું વાક્ય નકારાત્મક અને જો પહેલું વાક્ય નકારાત્મક હોય તો બીજું વાક્ય સકારાત્મક. જેમ કે, વાક્ય (૫) લો:
(૫) રમેશ આવવાનો ન હતો પણ આવ્યો.
હવે વાક્ય (૬) લો:
(૬) રમેશ આવવાનો હતો પણ એને તાવ આવી ગયો.
અહીં પણ (૧)ની જેમ જ બે વાક્યો છે: એક તે, ‘રમેશ આવવાનો હતો’ અને બીજું તે, ‘રમેશને તાવ હતો’. આ બે વાક્યોને આપણે સંયોજક ‘પણ’થી જોડ્યાં છે. જોવા જેવી વાત એ છે કે આ બન્ને વાક્યો સંરચનાની દૃષ્ટિએ એકસરખાં નથી. તો પણ આપણે એમને ‘પણ’ વડે જોડી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘પણ’ વિરોધવાચક સંયોજક તરીકે જ કામ કરે છે એ દલીલ સ્વીકાર્ય નથી. અહીં, ‘પણ’નું કાર્ય વિરોધ કરવાનું નથી. અહીં એનું કામ પહેલી ઘટના ન બનવા માટેનું કારણ આપવાનું છે.
આવું જ બીજું એક વાક્ય લો:
(૭) મીના રમેશ સાથે પરણવા તૈયાર થઈ પણ એણે એક શરત મૂકી.
અહીં પણ ‘મીના રમેશ સાથે પરણવા તૈયાર થઈ’ અને ‘મીનાએ રમેશ સમક્ષ એક શરત મૂકી’ એવાં બે વાક્યોને ‘પણ’ વડે જોડ્યાં છે. બન્ને વાક્યોની સંરચનાઓ જુદી છે. એમ છતાં આપણે એમને ‘પણ’ વડે જોડી શકીએ છીએ. વળી અહીં ‘પણ’નો અર્થ વિરોધવાચક નથી. એટલું જ નહીં, એ કારણ પણ દર્શાવતો નથી.
એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં વિરોધવાચક ‘પણ’ જ્યારે બે વાક્યો એકસમાન સંરચના ધરાવતાં હોય ત્યારે જ વાપરી શકાય. બીજી પરિસ્થિતિઓમાં ‘પણ’ના અર્થ જુદા થતા હોય છે. બીજું, વિરોધવાચકમાં સમાન કર્તાનો આપણે લોપ કરી શકીએ. જેમ કે, ફરી એક વાર વાક્ય (૧) લો:
(૮) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.
રસ પડે એવી હકીકત એ છે કે આ પ્રકારનાં વાક્યોમાંના પહેલા વાક્યમાં પણ આપણે કર્તાનો લોપ કરી શકીએ. આપણે (૯) પ્રકારનું વાક્ય બોલી શકીએ:
(૯) આવવાનો હતો પણ રમેશ ન આવ્યો.
‘પણ’ જેવા સંયોજકો ગુજરાતીમાં કયા અર્થ પ્રગટ કરે છે એ એક તપાસનો વિષય છે. હું માનું છું કે એ કામ અર્થવિજ્ઞાન (semantics) અને ભાષાવ્યવહારશાસ્ત્ર (pragmatics) વધારે સારી રીતે કરી શકે. જો કે, આ પ્રકારનું કામ કરતી વખતે સંશોધકે ‘તો પણ’ જેવાં સયોજક પદો પણ ધ્યાનમાં લેવાં પડે.
પરિણામવાચક સંયોજકો
કેટલીક વાર આપણે બે વાક્યોને પરિણામવાચક સંયોજકો વડે જોડતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે નીચે આપેલું (૧૦) મું વાક્ય લો:
(૧૦) તમે બોલાવ્યો એટલે હું આવ્યો.
અહીં ‘એટલે’ ‘તમે બોલાવ્યો’ અને ‘હું આવ્યો’ એ બે વાક્યોને જોડે છે. આ પ્રકારના, અર્થાત્ પરિણામવાચક બીજા સંયોજકોમાં આપણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘આથી’, ‘એથી’, ‘જેથી’, ‘તેથી’, ‘એટલા માટે’ અને ‘તો’નો સમાવેશ કરે છે. જો કે, આમાંના મોટા ભાગના સંયોજકોની આ પ્રકારની ઓળખ વિશે આપણે શંકા કરી શકીએ. હું માનું છું કે ‘આથી’, ‘એથી’, જેથી’ તેથી’ હકીકતમાં શબ્દો નથી. આપણે એમનો શબ્દકોશમાં સમાવેશ કરીએ છીએ એ હકીકત છે પણ કદાચ એમ કરવા પાછળ બીજાં કોઈક કારણો હશે. આમાં દરેકને વિભક્તિનો પ્રત્યય -થી લાગેલો છે. ગુજરાતી વ્યાકરણના નિયમ પ્રમાણે નામ કે સર્વનામને વિભક્તિ પ્રત્યય લાગે. એ રીતે જોતાં ‘આ’, ‘એ’, ‘જે’ અને ‘તે’ પણ આમ જુઓ તો સર્વનામ છે. હવે સવાલ એ ઊભો થાય કે આ બધા સંયોજકોને વ્યાકરણમૂલક કોટિ ગણવી કે વાક્યમૂલક? આવો જ પ્રશ્ન આપણે ‘એટલે’ વિશે પણ પૂછી શકીએ.
મને લાગે છે કે પરંપરાગત ગુજરાતી વ્યાકરણોમાં જે કોઈ શબ્દને કે શબ્દસમૂહને પરિણામવાચક સંયોજક તરીકે ઓળખાવવામાં આવે છે એ બધાંની પુન: તપાસ કરવી જોઈએ. દા.ત. એક પુસ્તકમાં આ ઉદાહરણ આપવામાં આવ્યું છે:
(૧૧) વાંચશો તો પાસ થશો.
આ ‘તો’ શરતવાચક નથી? આ વાક્ય મને તો ‘જો તમે વાંચશો તો તમે પાસ થશો’માંથી derive કરેલું વાક્ય લાગે છે. એમાં ‘તો’નું કાર્ય પરિણામ બતાવવાનું નથી.
ટૂંકામાં, આ બધા સંયોજકોનો નિકટવર્તી અભ્યાસ થવો જોઈએ. આશા રાખીએ કે કોઈક તો આવું કામ કરશે જ.
Like this:
Like Loading...