Category Archives: મધુ રાય

વલ્લા! યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ? (મધુ રાય)

‘આઇબીએમ’ કંપનીના રિસર્ચ ખાતાના વડા અરવિંદ કૃષ્ણ ન્યુ યોર્ક ટાઇમ્સના સાંવાદિક ટોમસ ફ્રીડમેનને કહે છે કે જે કામ આજના કમ્પ્યુટર ઉપર કરવા માટે આ પૃથ્વીના દસમા ભાગ જેવડું મોટું કમ્પ્યુટર જોઈએ, તે જ કામ ક્વાન્ટમ કમ્પ્યુટર વડે કરવાનું હોય તો હાલના કરતાં ફક્ત ચારેક ગણાં મોટાં મશીનોથી થઈ શકે. અને આ તો આજે જેની કલ્પના થઈ શકે તેવા કોયડાની વાત છે; પરંતુ હવે પછી કેવડા ગગનગામી જબ્બર ગબ્બર કોયડા ઉકેલવાનું આવશે જેની આજે આપણને કોઈ કલ્પના જ નથી. આજથી અઢી વર્ષ પહેલાં ટોમસ ફ્રીડમેન ‘આઇબીએમ‘ના બુદ્ધિસાગર–શા ‘વોટસન’ કમ્પ્યુટર વિશે એક પુસ્તક લખતા હતા. ત્યારે તેમને જાણવા મળેલું, કે ભવિષ્યકાલીન ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ બજારમાં આવવાને હજી દાયકાઓ લાગશે. પરંતુ દાયકા નહીં એકાદ માસ પહેલાં જ ફ્રીડમેનને અરવિંદ કૃષ્ણ સાહેબે વિશ્વના સર્વપ્રથમ ક્વાન્ટમ કમ્પ્યુટરનાં દર્શન કરાવ્યાં. આ મશીનો ૫૦ ક્વાન્ટમ બિટ્સ યાને ક્યુબિટ્સ સાથે ખેલી શકે છે. હજી તેને નિત્ય વપરાશમાં લાવતાં દસેક વરસ વીતી જશે પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આરોપિત મેધા), અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ ફક્ત વાર્તાલેખકોની કે સાયન્ટિસ્ટોની કલ્પનાના ગબ્બારા નથી રહ્યાં, નક્કર કહીકત બની ગયાં છે.

Continue reading વલ્લા! યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ? (મધુ રાય)

“નીલે ગગન કે તલે – અંતીમ (મધુ રાય)-કુર્યાત્ ગતિ પ્રતિ મંગલમ્

(માનનીય શ્રી મધુરાય. આંગણાંને આપની સશક્ત કલમનો લાભ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.-સંપાદક)

કુર્યાત્ ગતિ પ્રતિ મંગલમ્

વિશ્વ આખાની માનવજાત ઉપર સૌથી મોટું જોખમ શું છે? ઇસ્લામિક ફન્ડામેન્ટલિઝમ? અણુવિનાશ? મહામારી? ગ્લોબલ વોર્મિંગ? કે ‘એઆઈ’? ઈલોન મસ્ક કહે છે, ‘એઆઈ’! મસ્ક સાઉથ આફ્રિકામાં જન્મેલ (1971) કેનેડીયન અમેરિકન ઉદ્યોગપતિ છે જેણે ૧૨ વર્ષની બાબા–વયે એક વિડિયો ગેઇમ બનાવેલી જે હજી નેટ ઉપર ઉપલબ્ધ છે. હાલ અમેરિકામાં તેમની અરધો ડઝન કંપનીઓ છે જેમાંની એક મંગળ ઉપર વસવાટ કરવા માટે ‘હાઇફાઈ’ શોધખોળ કરે છે અને બીજી આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ (યંત્રજન્ય પ્રજ્ઞા)નો વિકાસ કરી રહેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સને ઊર્ફે ‘એઆઈ’. દાત. યંત્રમાનવ રોબોટ, સેલ્ફડ્રિવન કાર્સ, વગેરે જે માનવસહજ કાર્યો આપમેળે કરતાં શીખે અને કરતાં કરતાં પંડિત થાય.

મહાન સાયન્સ ફિક્શન કથાકાર આર્થર સી. ક્લાર્ક અને સ્ટાનલી કુબ્રિકે ૧૯૬૮માં બનાવેલી ફિલ્મ દ્વારા એઆઈના જોખમ તરફ આંગળી ચીંધલી. હાલ તે ઉદ્યોગ શૈશવમાં છે અને હજી જાહેર જનતા અને સરકારો રાજિંદી પળોજણોમાં ડૂબાડૂબ છે એટલે વિસ્મય તેમ જ અહોભાવથી તે ક્ષેત્રનો વિકાસ જોયા કરે છે પરંતુ તે જ ક્ષેત્રના મહાપમહોપાધ્યાય ઈલોન મસ્કે અસ્વસ્તિવચન ઉચ્ચાર્યાં છે કે સાવધાન! આ કાર્યમાં વિનાશના મહાકાળને નોતરું આપવાનું જોખિમ છે.

જુલાઈમાં ભરાયેલ અમેરિકન પ્રાન્તોના ગવર્નરોની સભામાં મસ્કે રજૂઆત કરેલી કે હું આ ક્ષેત્રની પહેલી હરોળમાંથી બોલું છું કે આપણે આ ઘડીથી ચેતવાની જરૂર છે.  આ ચેતવણી મેં વારંવાર આપી છે પરંતુ જ્યારે રોબોટ લોકો રસ્તે જઈને રાહદારીઓની બેફામ હત્યા કરશે ત્યારે સમજાશે કે જોખમ કેવું હતું. અત્યારે કોઈને પડી નથી કેમકે એવું કાંઈ બને તે અત્યારે આકાશચારી લાગે છે.

આવી કશી હોનારતથી માનવજાત સમસ્તનું અસ્તિત્વ ભયમાં આવે તો મંગળ ઉપર ભાગી છૂટાય તેની તજવીજ હું કરી રહેલ છું પણ એઆઈના સમર્થકો મારી ઠિઠૌલી કરે છે કે મંગળ ઉપર પણ એઆઈ માણસજાતનો પીછો કરશે. સાયન્ટિસ્ટોને ખ્યાલ નથી કે એકવાર માણસ યંત્રને માણસ સમોવડિયો બનાવી દેશે તે પછી તે યંત્રમાનવોને માણસની ઇર્ષ્યા આવશે, માનવો તેમને નિરુપયોગી લાગશે, એમની ક્ષુદ્ર એષણાઓ હાસ્યાસ્પદ ગણીને સમસ્ત જાતને નિર્વંશ કરવા તેઓ ઉદ્યુક્ત થશે, જેનો અણસાર આર્થર સી. ક્લાર્કે આપેલો છે.

એવા સાયન્ટિસ્ટો કોણ છે ને ક્યાં છે? ગૂગલમાં, ઊબરમાં, માઇક્રોસોફ્ટમાં, અને બીજી વિજ્ઞાનલક્ષી કંપનીઓમાં! હાલ તો તેઓ જ–ન–ર–લ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સના ક્ષેત્રમાં સાયન્સ ફિક્શન કે હોરર મૂવીઝમાં આવે છે તેવા પ્રકાંડ પ્રજ્ઞાક્ષમ યાંત્રિક વ્યક્તિ કે સાધનનો અવિષ્કાર કરવામાં જીજાનથી મચી પડેલી છે. મસ્ક અને એઆઈ ક્ષેત્રના બીજા કેટલાક વિચારકો યથા બિલ ગેઇટ્સ, સ્ટીવ વોઝનિયાક, અને શીર્ષસ્થ વિજ્ઞાની પ્રકાંડ પંડિત પ્રોફેસર સ્ટીવન હોકિંગ માને છે કે તેમાંથી સુ–પ–ર આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સવાળી અતિમાનવીય પ્રજ્ઞા ધરાવતાં સાધન બનાવવામાં ઝાઝી દેર નહીં લાગે. સ્ટીવન હોકિંગ તો ઘોર તુમુલ વિનાશની આગાહી આપે છે, જો એઆઈનો વિકાસ નાથવામાં નહીં આવે તો! જ્યારે બીજા વિચારકો કહે છે કે તો માનવજાતનો વિનાશ કરી બેસે એવી એઆઈ વ્યક્તિ આપણા જીવનકાળમાં તો નથી બનવાની.

રોબોટ ઉપરથી કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં વપરાતા ‘બોટ’ નામના વિનાશક જંતુ તો આપણા જીવનકાળમાં અને જીવનમાં પ્રવેશી ચૂક્યા છે અને ટેક્નોલોજી જે અવકાશી ગતિથી નવી શોધો કરી રહેલ છે તે જોતાં ખરેખર ભવિષ્ય કેવું હશે તે કળવું અઘરું છે. કમ્પ્યુટરને અડક્યા વિના ફક્ત વિચારમાત્રથી તેને સંચાલિત કરવાના પ્રયોગો થઈ રહેલ છે, બાળકના જન્મ પહેલાં તેના કોષોને સ્વચ્છ કરી રોગમુક્ત કરવાના પ્રયોગો વિશે આપણે વાંચીએ છીએ, યાને ટેક્નોલોજી કઈ દિશામાં કેવડો મોટો લલકાર ઊભો કરશે તે નક્કી નથી. દુબાઈની વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મસ્ક સાહેબે ઉચ્ચારેલું કે આપણે આ ક્ષણે જ આપણે કમ્પ્યુટર અને સ્માર્ટફોનનું એક્સટેશન યાને યંત્ર–માનવ સાયબોર્ગ બની ગયાં છીએ. હવે મશીનની પ્રજ્ઞા તથા માનવપ્રજ્ઞાને મર્જર કરીને, સંયોજિત કરીને માનવવિનાશ ખાળી શકાશે. યાને એક ન્યુરલ લેઇસ, અમુક દ્રવ્યનું ઇન્જેક્શન આપીને માણસના મગજને હાર્ડવાયર કરી શકાય તો માનવજાત જીવિત રહેશે નહીંતર કુર્યાત ગતિ પ્રતિ મંગલમ્. જય હોકિંગ!

“નીલે ગગન કે તલે – ૧૨ (મધુ રાય)-કેટલા વીસે સો થાય છે?

કેટલા વીસે સો થાય છે?

ગયા અઠવાડિયે આ કોલમમાં ઉલ્લેખેલા ન્યુ યોર્ક ટાઇમ્સના તંત્રીલેખના પ્રતિસાદમાં સુરતથી જિતેન્દ્ર દેસાઈ સાહેબ જણાવે છે કે ન્યુ યોર્ક ટાઇમ્સ જે હાડમારી વિશે લખે છે તે ભ્રષ્ટ પ્રતિપક્ષોએ અને દુષ્ટ મીડિયાએ ચગાવી ચગાવીને વતેસર કરેલી વાતની જ વાનર નકલ છે. બાકી અમેરિકાની એક સર્વેક્ષણ સંસ્થાના હેવાલ મુજબ ભારતના ૮૦થી ૮૬ ટકા લોકોએ  નોટોના રદ્દીકરણને સમર્થન આપ્યું છે. આવું બાહોશ પગલું આધુનિક ઇતિહાસમાં અદ્વિતીય છે કેમકે એથી ૧૪ લાખ કરોડ રૂપિયાનું ચલણ પાછું ખેંચાયેલું છે. બેન્કોમાં લોકોની લાઇનો લાગે છે, જે હજી થોડા અઠવાડિયા લાગતી રહેશે. પરંતુ ઇન્ટરનેટ અને એટીએમની પહેલાં પણ બેન્કોમાં આવી લાઇનો લાગેલી જ રહેતી. ન્યુ યોર્ક ટાઇમ્સ અને એના ચમચાઓ ભૂલી જાય છે કે આપણે પેઢી દર પેઢીથી રેશનિંગની, રેલવેની, સિનેમાની, ક્રિકેટની, ચૂંટણીની, પૂર કે દુકાળની આફતસહાયની લાઇનોથી ટેવાયેલાં છીએ. ન્યુ યોર્ક ટાઇમ્સ કાયમ મોદી સરકારની વિરુદ્ધ જ લખે છે, અને અમેરિકા બેઠાં તે ટાઇમ્સવાળાઓને શી ગમ પડે કે ઇન્ડિયામાં કેટલા વીસે સો થાય છે.

જિતેન્દ્રબાબુ, જિતેન્દ્રબાબુ! ગગનવાલા પોલિટિકલ બાબતમાં કાયમ રિપોર્ટિંગ કરે છે; ભાગ્યે જ કોઈનો પક્ષ લેતા હોય છે. ગયા અઠવાડિયાના લેખમાં વ્યક્ત કરેલો અભિપ્રાય ન્યુ યોર્ક ટાઇમ્સનો છે, ગગનવાલાનો નહીં. એ જ લેખના બીજા પ્રતિભાવમાં વડોદરાના સનીલ શાહ નામે સજ્જન એવા જ સૂરમાં જણાવે છે કે ભારતમાં લાઇનોની કોઈ નવી નવાઈ નથી, અને જે હેતુથી આ પગલું લેવાયું છે તે વાજબી છે. શ્યોર, શ્યોર, સનીલ ભાઈ.

એવામાં ફોન વાગે છે અને હંસોડ જાની સાહેબ એમની હસમુખી વાણીમાં જણાવે છે કે હમણાં ઇન્ડિયા જવાનું માંડી વાળો, લાંબી લાંબી લાઇનો છે ને કરન્સીની બહુ માથાફોડ છે. કિંતુ અમે ટિકિટ કપાવી લીધી છે એટલે હંસોડભાઈની સલાહ સ્વીકારી શકીએ તેમ નથી. ધરપત માટે અમે ઇન્ડિયાના ફ્રેન્ડને મેસેન્જર–ફોન કરી ખાતરી કરીએ છીએ કે ‘વીકમાં એક વાર ટેન થાઉઝન્ડ સુધી ઉપાડી શકાય છે, નો પ્રોબલેમ! અને હું બેઠો છું ને આવ ને તું તારે!’

તે ‘હું’ બેઠા છે છતાંય ‘પીસ ઓફ માઇન્ડ’ માટે ફરી બીજા ‘હું’ને ફોન કરીએ છીએ. ‘છે; જરાક પ્રોબલેમ છે, પણ પ્રોબલેમ ક્યારે નહોતો?’ સામેવાળાના અવાજમાં તોફાની હાસ્ય સંભળાય છે, જાણે આવવા દે બચ્ચુ અમેરિકનને એની ખબર પાડી દઉં! તમારા ખાતામાં જમા કરાવવા કે ખાતામાંથી ઉપાડવા તમારે જાતે જવું પડે, બીજાને મોકલો તે ન ચાલે! ને બેંકોમાં પૈસા કોઈ વાર હોય છે ને કોઈવાર નથી હોતા! નેશનલ બેંકોને વધુ કેશ મળે છે; પછી પ્રાઇવેટ બેંકોને, ને પછી કોઓપરેટિવ બેંકોને. ને કેશ હોય પણ બબ્બે હજારની નોટોને તમે ક્યાં વાપરવા જાઓ? રિક્ષાવાળાને શું આપો? પાનના ગલ્લે કે ચાની રેંકડી ઉપર શું વાપરો?

ચાના બંધાણીને બપોરે ચાર વાગ્યે ચાની તલપ લાગે તેમ દર વરસે શિયાળામાં ગગનવાલાના હૈય્યામાં ‘ઇન્ડિયા! ઇન્ડિયા!’ના નારા બોલાય છે. આખું વરસ મસાલા ઢોસાને બદલે સાદા ઢોસા ખાઈને ગગનવાલા એર ટિકિટના પૈસા બચાવે છે ને ઊતરી આવે છે ગાંધીનગર કેરા પલ્લીસમાજમાં. આવતાંવેંત રાત–દિવસના ઊલટફેરથી ઊભડક બનેલી ઊંઘના હાલા વાલા ને હીંચકા વહાલા ખાય છે, ઊધરસ પ્લસ ડાયારિયાના શિકાર બની કોચવાય છે, બસના તરાપામાં બેસીને ધૂળ ને ધુમાડાના દરિયામાં તરત તરતા અમદાવાદ મધ્યે સાહિત્યનાં સત્રોમાં સલવાવા જાય છે. દર વખતની  હાડમારીઓમાં આ વખતે નોટોના નિધનની નવી હાડમારી ઉમેરાશે. પણ યસ યસ, જિતેન્દ્રભાઈ, સનીલભાઈ, આપણે માટે હાડમારીની ક્યાં નવી નવાઈ છે?

અચાનક ગગનવાલાના વિસ્મિત ભેજામાં નિયોન લાઇટની જેમ ઝબુક ઝબુક થાય છે ગઈ સદીના સન સત્તાવનની સાલમાં ૧૬ આનાના રૂપિયામાંથી ૧૦૦ નવા પૈસાનું સંક્રમણ! ગગનબાલે તે સમાચાર પહેલી વાર ધર્મયુગમાં વાંચેલા અને તેમાં અપાયેલા જૂના અને નવા પૈસાના કોષ્ઠકની કોપી કરેલી અને તેની બીજી કોપી કરી કરીને પાડોશીઓને વહેંચેલી. ત્યારે પણ ધડધમાલ મચી હતી એક આનાના છ નવા પૈસા પણ ચાર આનાના પચીસ? પાઈઓ ગઈ, આના ગયા, ઢબ્બુ ને બટ્ટી વિલીન થઈ ગયાં સમયની તરાઈમાં. અને એમ આંખ ખોલીને કાલે જોઈશું તો આ કઠણાઈ પણ ચાલી ગઈ હશે, અને દેશમાં સુખાકારી પ્રવર્તતી હશે. આપણે ઉમેદ તો રાખી શકીએ ને? જય શાહજહાં!

“નીલે ગગન કે તલે – ૧૧ (મધુ રાય)- ગંગા’ર માટી એબમ્ કોલકાતા

 ગંગા’ર માટી એબમ્ કોલકાતા

આ લખાય છે ૨૩મી જાન્યુઆરીના દિને; નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિને. બંગાળમાં સુભાષનું સ્થાન ગુજરાતમાં સરદારના સ્થાન જેટલું જ શ્રદ્ધેય છે અને આજનો દિવસ કલકત્તામાં મોટો ત્યૌહારનો દિવસ છે. અમે કલકત્તામાં મોટા થયા હોવાના કારણે બંગાળ, બંગાળી પ્રજા, બંગાળી ભાષા માટે અહોભાવમાં રાચીએ છીએ. કોઈક રંગીલા રાજા ફરમાવે કે “તમારી માટીની મહેક વિશે બે શબ્દો બોલો તો!”, તો તત–પપ થાય. કેમકે અમે કોઈ એક સ્થળે લાંબો વખત રહ્યા નથી અને કોઈ એક માટીનું એવું બંધાણ થયું નથી કેતેના વિશે ફ્લાવરફુલ લેન્ગવેજમાં ગોટલા ફુલાવીએ, માટીની મહેક ધિસ કે માટીની મહેક ધેટ.

“માટીની મહેક” શબ્દો સાથે જોડાયેલી ઊર્મિલતાનો ભાવ પણ અમારા મનમાં ધસી આવતો નથી કેમકે બાળપણના દિવસોમાં બાળસહજ ઉછરંગ કરતાં ‘માટી’ શબ્દની સાથે અમારા કલકત્તી દિમાગમાં લિટરલ માટી એન્ટર થાય છે: હુગલી નદીના પાણીમાં ભેગાયેલી માટી. સિત્તેર વર્ષ પૂર્વે પિતાશ્રી અમને સૌને ખંભાળિયાથી કલકત્તા લઈ આવેલા. ખંભાળિયાના ધૂળિયા રસ્તા, ગ્રામ્ય પરિવેશ અને હાલારી ગુજરાતી બોલચાલને બદલે અચાનક સાંકડી ઓરડીમાં રહેવાનું! અને વીજળીના દીવા! ઘર સિવાય કોઈ ગુજરાતી બોલે નહીં! બજારમાં છડેચોક માછલી, કાપેલાં બકરાં. ઇંડાં વેચાય!

અમે રહેતાં હતાં ત્યાં બીજા માળે ઘરવપરાશનું પાણી ફક્ત વીસ મિનિટ આવતું! મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં ‘સાદાકલ’માં મ્યુનિસિપાલિટીનું પાણી એકાદ કલાક આવે; ‘ગંગાગાકલ’માં હુગલીનું માટીવાળું પાણી ચોવીસ કલાક આવે. અમે ગંગાગકલમાં નહાતા ધુબાકા મારતા અને છેલ્લે સાદાકલથી માટી ધોઈ નાખતા.

કલકત્તામાં એ વખતે મકાનની સખત ખેંચ હતી. અમારા પિતાશ્રીના બાળમિત્ર મથુરાદાસ કાકાનું એક મકાન હતું, ‘નર્મદા સદન.’ તેના બે બાથરૂમ વચ્ચેની દીવાલ તોડીને એમણે ૧૦બાય૧૦ની ઓરડી બનાવી આપેલી, એમાં અમે રહેતાં. એ જ ઓરડીમાં અમારા બે ભાઈઓના જન્મ થયા: અરુણ અને નલિન. ત્યાંથી થોડાં વર્ષ પછી બાજુનો એક મોટો રૂમ ભાડે લીધો. તેમાં ઇલેક્ટ્રિક પંખાની સગવડ હતી જેનું વધારાનું ભાડું માસિક પાંચ રૂપિયા ઉનાળામાં લેવાતું. ઉનાળો પૂરો થાય એટલે મકાન માલિકના માણસો કનેક્શન કાપી જતા અને આવતા ઉનાળે સાંધી જતા. પંખાનું કનેક્શન ન હોય અને ખૂબ ગરમી હોય તો અમે આખી બિલ્ડંગના છડેછડા મકાનની બહાર ફુટપાથ ઉપર સૂતા. એ ઓરડામાંથી અમારી બે બહેનોનાં લગ્ન થયાં. શશીબહેન અને વિનુબહેન. એકવાર શશીબહેનના પતિદેવ પણ અમારી સૌની સાથે ફુટપાથ ઉપર સૂવા આવેલા. સવારે પાંચ વાગ્યે રસ્તા ધોવાવાળાની ટ્રકો આવતી જે ગંગાકલનાં પાણીના હોઝ ખુલ્લા છોડી અમને ઊભા કરી દેતી.

ગંગાકિનારે, યાને હુગલીના કિનારે દર બળેવે ગુજરાતી બ્રાહ્મણો જનોઈ બદલાવવાનું પર્વ ઉજવતા. લાંબાપહોળા બાબુલઘાટ ઉપર લાઇનબંધ બેસીને ભૂદેવો સમૂહમાં યજ્ઞોપવીત બદલવાના શ્લોકો બોલતા. અંતે સમૂહભોજન થતું. વારે તહેવારે અમસ્તા મન થાય ત્યારે પિતાજી અમને નહાવા ગંગાઘાટ લઈ આવતા. રસ્તે ઇડન ગાર્ડન અને લાટ સાહેબનો બંગલો આવતાં. ઘાટ ઉપરના દુકાનદારો તમારાં કપડાંલત્તા સાચવવા છાબડીઓ આપતા, અને નહાઈને બહાર  આવો એટલે તમને ટીલાં ટપકાં કરી આપતા, તેલ, દાંતિયો ને આયનો આપી તૈયાર થવાની સગવડ પૂરી પાડતા. પાણી ઊતરેલાં હોય ત્યારે કિનારા ઉપરની માટી ઉપર મલ્લો કુસ્તી કરતા, મારવાડીઓ ચંપી કરાવતા, સાધુઓ, ભિખારીઓ, કીર્તનકારો, યાત્રાળુઓ, સ્નાનાર્થીઓ, રખડતાં કૂતરાં, ગાયો અને પંખીઓ વાતાવરણમાં ‘જીવન’ની ભાંગના પ્યાલા રેડતી.

કલકત્તાના રસ્તે રસ્તે બજરિયા મટોડીવાળા પાણીના ‘ગંગાકલ’ આવેલા હતા છે જે કદાચ હજી પણ છે; તે રસ્તા ધોવાના ને આગ બુઝાવવાના કામમાં આવે છે. રસ્તે રહેતા લોકો તેમાં નહાય છે અને પીવા સિવાયના વપરાશમાં તે જ માટી–નિતારેલું પાણી વાપરે છે, અને એવા રસ્તે રહેનારા લોકો? માનો કે કલકત્તાની વસતીનો ત્રીજો ભાગ રસ્તા ઉપર જીવે છે; યાને રસ્તા ઉપર જન્મે છે; રસ્તા ઉપર ઊછરે છે; રસ્તા ઉપર પરણે છે; રસ્તા ઉપર સંતતિ પેદા કરે છે; ને રસ્તા ઉપર મરે છે. આમ, હુગલીમાં જેમ માટી ભેગાઈ ગઈ છે તેમ કલકત્તા શહેરની સ્મૃતિઓ અમારા મસ્તિષ્કની નસોમાં કાયમ દબડક દબડક દોડે છે. માટીની મહેક આઇ ડોન્ટ નોવ. માટીની મેમરીઝ, ફોર શ્યોર! જય મા મહિષમર્દિની!

“નીલે ગગન કે તલે – ૧૦ (મધુ રાય)-માઇગ્રેન યાને આધાશીશી

માઇગ્રેન યાને આધાશીશી

માઇગ્રેન યાને આધાશીશી તે જગતમાં મગજનો સૌથી વધુ પ્રચલિત ૫૦૦૦ વર્ષ પુરાણો વ્યાધિ છે. સદીઓથી વિજ્ઞાનિકો તેનું કારણ શોધવા ચકરાવે ચડેલા છે. દુનિયામાં ૭૩ કરોડ લોકોને આધાશીશી છે. જેમને તેની અસર ૪થી ૭૨ કલાક રહે છે. તેની શરૂઆત થાક, મિજાજની અવળાસવળી, ઉબકા કે દૃષ્ટિવિક્ષેપથી થાય છે. જેમને આ રોગ ઘર કરી ગયો છે તેમને મહિનાના અરધોઅરધ દિવસ પંગુ જેવી બેહાલી ભોગવવી પડે છે. ફક્ત અમેરિકામાં જ તે કારણે ૧.૭ કરોડ ડોલરનો ખર્ચ થાય છે.

પુરાણા સમયમાં તેના ઉપચાર રોગીના શરીરે કાપા કરવા, ખોપરીમાં છિદ્ર પાડવા કે માથું મૂંડીને ડામ દેવા જેવા હાસ્યાસ્પદ હતા. બસ્સો વરસ પહેલાં રોગીને વિદ્યુતયુક્ત પાણીના ટબમાં નવડાવવામાં આવતા. સો વરસ પહેલાં માથામાં માઇગ્રેનના લબકારા થતાં ડોકની કેરોટિડ ધમનીને દબાવી રોગીઓ રાહત મેળવતા. દશકાઓ સુધી મગજની રક્તવાહિનીઓ પહોળી થવાથી આધાશીશી થતી હોવાનું મનાતું રહેલું. સન ૧૯૩૦માં અમુક ઓસડિયાંવડે મગજની રક્તવાહિનીઓને સાંકડી કરવા બાબત એક પરિપત્ર પણ પ્રગટ થયેલું. આવા ઇલાજોથી ઊલટી થાય કે દવાનું વ્યસન પડી જાય તેવી આડઅસરો સહ્ય ગણતી કેમકે એથી કેટલાક દરદીઓ રાહત પામતા. સન ૧૯૭૦ દરમિયાન હૃદયના રોગીઓને તેમના ઝડપથી ધબકારાને ધીમા કરવા જે ‘બેટા બ્લોકર’ દવાઓ અપાતી હતી તેનાથી પણ માઇગ્રેનમાં રાહત મળતી હોવાનું જણાયું. માઇગ્રનના રોગીઓને વાઈની દવા પણ રાહત આપતી હોવાનું બહાર આવ્યું. આમ આધાશીશીના ઇલાજ તરીકે દાક્તરો તે તે બીજા રોગો માટેની દવાઓ આપવા માંડ્યા. આ ઉછીની દવાઓ ૪૫ ટકા દરદીઓને રાહત આપે છે, જે શાથી આપે છે તેનું રહસ્ય હજી બહાર આવ્યું નથી. વધુમાં, તે દવાઓની આડઅસર તો તમામને થાય છે.

ખાસ આધાશીશી માટે જ બનેલી દવા ‘ટ્રિપટાનસ્’ ૧૯૯૦થી મળવા માંડી. હાલ સુધી મોટાભાગના રોગીઓ તે વાપરે છે. એક અભ્યાસ મુજબ ૧૩૩માંના ૪૨થી ૭૨ જેટલા રોગીઓને એથી માઇગ્રનનો હુમલો આવે ત્યારે રાહત મળે છે.

સાયન્ટિફિક અમેરિકન નામે પ્રકાશનમાં ડેવિડ નૂનાન નામે લેખક જણાવે છે હવે એક નવી વાત આગળ આવી છે: મગજમાં પ્રાથમિક મજ્જાતંત્ર, જે ચહેરાના હાવભાવનું નિયમન કરે છે, તે જ માથામાં પીડાનો સંચાર પણ કરે છે તેવું ૧૯૮૦માં શોધાયેલું. આ મજ્જાતંત્ર પ્રકાશ, અવાજ કે ગંધથી તીવ્ર પ્રમાણમાં ઉત્તેજિત તો ચેતાપ્રેષક દ્રાવણો છોડે છે. ત્યારે આધાશીશીનો હુમલો આવે છે. જેમના રક્તમાં કેલ્સિટોનીન જિન–રિલેટેડ પ્રોટીન (CGRP) નું પ્રમાણ અતિશય હોય તેમને આધાશીશી થતી હોવાનું બહાર આવ્યું છે. લગભગ ૮૦ ટકા રોગીઓને એવા તીવ્ર સંવેદનાવાળા કોષ વારસગત મળેલા હોય છે. હવે તે તીવ્ર સંવેદનાવાળા કોષોને શાંત પાડવા ખાસ શોધાયેલ નવી દવાઓમાં  સરકારી માન્યતા મળતાં એકાદ વરસમાં મળતાં ઉપલબ્ધ થાય એવો સંભવ છે. એ જો ધાર્યા જેટલી અસરકારક નીવડે તો અસંખ્ય લોકો આ વ્યાધિનો ભોગ બનતા અટકશે. એમ બને તો આપણે આધાશીશીનો ઇલાજ જે રીતે કરીએ છીએ તેમાં ધરમૂળના ફેરફાર થશે. આ દવાઓમાં એન્ટિબોડીઝ તરીકે ‘ડિઝાઇનર પ્રોટીનો’ સૂક્ષ્મ સચોટતાથી ફેંકાતા મિસાઇલની માફક મસ્તિષ્કના ધારેલા સ્થળે ભોંકાય છે, મજ્જાઓ ઉત્તેજિત થતી અટકે છે અને રોગી ખાઈપીને રાજ કરે છે. આ રોગ ઘાતક નથી કે તેનાં દેખીતાં કોઈ બેહૂદાં લક્ષણો નથી તેથી તેનાં બાણ વાગ્યાં હોય તે જ જાણતું હોય છે.

અમેરિકાની સ્થાપનાના પૂર્વપુરુષ, અમેરિકાની આઝાદીના જાહેરનામાના સહલેખક તેમ જ અમેરિકાના તૃતીય રાષ્ટ્રપતિ ટોમસ જેફરસન કહેતા કે ‘પેપર મની’ યાને ડોલરની નોટો તે સાચેસાચ નાણું ન કહેવાય, નાણાનું ભૂત કહેવાય. વચ્ચે અમેરિકામાં બે ડોલરની નોટ જેફરસનની મુખાકૃતિ સાથે બહાર પડેલી પણ જનતાને ફાવી નહીં તેથી ચલણમાંથી લુપ્ત થઈ ગઈ છે. તે દિલથી માનતા હતા કે બેન્કો બધી હથિયારબંધ ફોજથીયે વધુ ખતરનાક છે. આ પ્રકાંડ ચિંતક પણ તીવ્ર આધાશીશીથી પીડાતા હતા. છેલ્લે છેલ્લે ૧૮૦૭માં તો રાષ્ટ્રપતિ રાત પડે ત્યાં સુધી અંધારા ઓરડામાં બેસી રહેતા. હાલ જેફરસન–કથિત ભૂતના જોરે રાષ્ટ્રપતિ થવા તૂતૂ મૈંમૈં કરતા ઉમેદવારો જનતાને આધાશીશી કરાવે છે. જય જેફરસન!

“નીલે ગગન કે તલે – ૯ (મધુ રાય)-એચ. આર. શાહને પદ્મશ્રી

એચ. આર. શાહને પદ્મશ્રી

થોડા સમય પહેલા મોરારી બાપુના “સાંનિધ્ય અને આશીર્વચન” સાથે, ગોવર્ધનધારીની નિશ્રામાં આ વર્ષે પદ્મશ્રી બનેલા સ્થાનિક ટીવી એશિયાના માલિક એચ. આર. શાહને અભિનંદન આપવાનો ઉત્સવ ઉજવાયો. આ રાષ્ટ્રીય સન્માન મેળવનાર અમેરિકાના આ બીજા ગુજરાતી છે. ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા, અને વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે તથા ભારતીય વિદ્યાભવનના સહકારથી આયોજિત આ ઉત્સવના સંચાલક હતા કવિ, નાટ્યકાર, ઉદ્યોગપતિ ચંદુ શાહ. મંદિરના સભાગારની ખરશીઓ ઠસોઠસ ભરાઈ ગયેલી, બીજી સોએક વધારાની નંખાયેલી, અને ભોંયે શેતરંજી ઉપર મમુક્ષુ મહિલા ભક્તોની ચંદ્રાકાર પંક્તિઓ વ્યાસપીઠના ચરણ સુધી ગોઠવાયેલી.

માઇક ચેકિંગના હલો, હલો, શ્રોતાઓની વાતચીતના ગણગણાટ, ઉદય મજમુંદાર, રેખા ત્રિવેદી, ફાલ્ગુની ગૌરવ શાહ અને દિલીપ ગુંદાણીનાં ગીત–સંગીત, આરતી, અને અકાદમીના પ્રમુખ રામ ગઢવી તેમ જ ટેમ્પલના સૂત્રધાર દીપક શાહ આદિનાં વક્તવ્યો સુધી ટીવી એશિયાના કેમેરામેનોની ઊડાઊડ વચ્ચે રાબેતા મુજબ કાર્યક્રમ તબડક તબડક ચાલ્યો પરંતુ મોરારી બાપુ ઊભા થતાં જ કેન્ટકી ડર્બી રેસ જેવો રોમાંચ સભામાં ફેલાઈ ગયો. બાપુએ બે ઉર્દૂ ગઝલો અને એક ગુજરાતી ગીત (“બાવો ગાયા વિના ના રહે”)ના અસબાબ સાથે બંધારણીય, આદરણીય, સંધારણીય અને અંત:કરણીય સન્માનોના ભેદ સમજાવતાં નવજાત પદ્મશ્રીને અભિનંદન અને શીખ આપી વધાવ્યા. ડેનવરની કથામાંથી સીધા ચાર ઘટિકાની વિમાનયાત્રા કરી બાપુ ન્યુ યોર્ક પધારેલા. આમ તો સાંજનો એ સમય તો એમની દૈનિક “સંધ્યા”નો હતો પણ ગોવર્ધનધારીના મંદિરમાં અમારા સૌના  “હસીન” ચહેરા જોઈને એમની “ઇબાદત” યાને “સંધ્યા” જાણે આપોઆપ સંપન્ન થઈ ગઈ હતી. મદારી સાપની ડોકી પકડીને પોટલીમાં પૂરી દે એવા નૈપુણ્યથી આ “બાવા”એ શ્રોતાઓને મંતર મારીને ડોલાવ્યા.

તે પછી પદ્મશ્રી શાહે એમની જાણીતી મૃદુ શૈલીમાં ન્યુ યોર્કના ટેક્સી ડ્રાઇવરમાંથી ક્રમશ: અમેરિકાની પ્રતિષ્ઠિત ટીવી ચેનલના માલિક અને હવે પદ્મશ્રી બનવા સુધીની કારકિર્દી નિખાલસતાથી વર્ણવી, અમેરિકાભરમાં એમનાં ૩૫૦ જેટલા બ્યૂરો હોવાની માહિતી આપી  જણાવ્યું કે હું તમારો “સર્વન્ટ” છું અને કોઈ પણ સેવા માટે પ્રતિબદ્ધ છું. ન્યુ યોર્કની ભારતીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ટીવી એશિયાનો લોગો કાયમ દેખાતો હોય છે. અને શાહ સાહેબ ભારપૂર્વક જણાવતા હોય છે કે એમની ચેનલ ફક્ત ભારત નહીં પણ પાકિસ્તાન, બંગલાદેશ આદિ એશિયાઈ દેશોની ચેનલ છે. “જોકે મારું મન સતત ગુજરાત તરફ હોય છે.”

સભાન્તે ગગનવાલાને ભાસ્યું કે ભક્તોની ઊભી પંક્તિઓ વચ્ચેથી સભાગાર છોડતાં બાપુએ ગગનવાલાનો પંજો પકડી જણાવે છે, કે “તમને વાંચું છું હો!” ઓમાઈરામ! બાપુ ગગનવાલાને વાંચે છે? બાપુનો સાહિત્ય પ્રેમ જાહિર છે પરંતુ એ કદી વ્યખ્યાનમાં ધૂમકેતુ કે ર. વ. દેસાઈ કે કનૈયાલાલ અથવા મો. ચુ. ધામીની પંક્તિ બોલ્યા નથી કે શિવકુમાર કે તારક મહેતાનાં નાટકના સંવાદ એમણે ટાંક્યા નથી. દર વર્ષે બાપુ કવિઓને લાખોનાં ઇનામો આલે છે પણ કોઈ વાર્તાકારનું નામેય બાપુ ઉચ્ચારતા નથી. અમે એમના રસાલેદારોને (ઇક્વલ ટુ કવિઓને) વારંવાર રિમાઇન્ડ કરાવ્યા છતાં તેમાંથી કોઈએ એમનું ધ્યાન દોર્યું નથી કે સાહિત્યમાં વાર્તા, નાટક બી ઇન્ક્લુડેડ હોય, નોવેલુંયે સાહિત્યમાં ગણાય અને કોઈક કોઈક છપાની કટાર સહિત સાહિત્ય કહેવાય.

એટલે, અમે “બાવા”ની નજરબંધીમાં, અમારા સાંધ્યસ્વપ્નમાં ભળતું ન સમજ્યા હોઈએ, અને બાપુ હાચેહાચ અમારી આ મનચલી, કાલીઘેલી કટારું વાંચતા હોય તો જત જણાવવાનું કે હવે જરીક વાર્તા–નવલકથા–નાટક–નિબંધ તરફ બી લક્ષ કરો અને અત્યારસુધી ઉપેક્ષા કરવા બદલ હવે પાંચ વરસ સુધી લક્ષાધિક રાશિની થેલિકા ફક્ત ગદ્યકારોને અર્પો.

નો, નો, હમોને એવી થેલિકા જાહેર કરો તો બી હમો સવિનયે નહીં સ્વીકારીએ. (કવિઓ બવિઓ લેતા હોય એવી થેલિકા કાંઈ હમો ના લઈએ!) જોકે હમારા વાર્તાના ‘મમતા’ મેગેઝિનને અર્પી શકો. સિયાવર રામચંદ્ર કી જય!

“નીલે ગગન કે તલે – ૮ (મધુ રાય)-આકાશ દલાલને ઓળખો છો? લો, ઓળખો!

આકાશ દલાલને ઓળખો છો? લો, ઓળખો!

તમે આ વાંચતા હશો તે ૧૪મી મેના દિવસે અમેરિકાના ન્યુ જર્સીની રાજધાની ટ્રેન્ટનમાં ગવર્નરની કચેરીની સામે ડઝનબંધ બસોમાંથી કતારબંધ ભારતીયોનાં ટોળેટોળાં ઊતરવાનાં છે, ને ભારતીયોનું એક વિરાટ જુલુસ ગવર્નર સાહેબની સામે નારો પોકારવાના છે: આકાશનો ઇન્સાફ કરો, ઇન્સાફ કરો!

તમને ખબર નથી આકાશ યાને આકાશ દલાલ કોણ, યાહ? આ આકાશ દલાલ, હાલ ઉંમર ૨૧, ભારતીય માબાપનો અમેરિકામાં જન્મેલો ચિરંજીવી. હાઇસ્કૂલમાં આકાશ ટેનિસ ટીમનો કેપ્ટન હતો, અને બર્ગન કાઉન્ટીના સાયન્સ લીગમાં ઇનામ જીતી લાવેલો. પછી અમેરિકન કેમિકલ સોસાયટીની સાયન્સ કોમ્પિટિશનમાં બીજા સ્થાને આવેલો, તથા એસએટી નામની બુદ્ધિપરીક્ષામાં આકાશને ૯૫% માર્ક આવેલા. ભણવામાં ગ્રેડ પોંઇન્ટ એવરેજ ૪.૦ યાને ઓલવેઝ સ્ટ્રેટ ‘એ’. અને ન્યુ જર્સીની રટગર કોલેજમાં ભણતો હતો ત્યારે યન્ગ અમેરિકન્સ ફોર લિબર્ટી (સ્વતંત્રતા ઝંખતા અમેરિકન યુવાનો) નામની સંસ્થાનો પ્રમુખ હતો! નો, નો, તમે હાથ લાંબો કરો પણ આકાશ તમારી સાથે હાથ મિલાવી શકશે નહીં કેમકે આકાશ બે વર્ષથી ન્યુ જર્સીની જેલમાં છે. દિવસના ૨૧ કલાક તેને ફરજિયાત એકાંત કારાવાસમાં રાખવામાં આવે છે, કારણ? આકાશ ઉપર આરોપ છે કે બે વર્ષ પહેલાં ૧૮ વર્ષની ઉંમરે યુહૂદીઓના મંદિર ઉપર તેણે બોમ્બ ફેંકેલા અને તે વિસ્તારનાં બીજાં યહૂદી મંદિરો ઉપર બીજા ફાયરબોમ્બ ફેંકવાની સાજિશનો માસ્ટરમાઇન્ડ હતો. તરત આકાશ તથા એના શાગીર્દની ધરપકડ થઈ, અને ૨૫ લાખ ડોલરની જામીન નક્કી થઈ. ભારતીયોનું જુલુસ ગવર્નર પાસે તગાદો કરે છે કે ભલે ગમે તે આરોપ હોય તમે કેસ તો ચલાવો! તમે ન્યાય કરો કે આકાશ ગુનેગાર છે કે નહીં? આકાશ ટેરરિસ્ટ છે કે નહીં? ભારતીય જનતામાં ઉશ્કેરાટ છે. ભારતીયો, એમની કરકસર, ખંત ને સમૃદ્ધિના કારણે અમેરિકનોની આંખે આવી ગયા છે. ભારતીય સમાજના આગેવાનોનું કહેવું છે કે ભારતીય હોવાના કારણે આકાશ પ્રત્યે સખ્તી દર્શાવાઈ છે. આકાશને ઇન્સાફ માગનાર ચળવળના તથા સમાજના એક આગેવાન પીટર કોઠારી કહે છે કે બબ્બે વરસ સુધી આમ કુમળા કિશોરને એકાંત કારાવાસમાં ગોંધી રાખવાનું કારણ તે જ છે કે યહૂદીઓની બહુમતીવાળા ગામમાં બોમ્બ ફેંકાયો છે ને યહૂદીઓની બહુમતીનો શિકાર આકાશ બન્યો છે. છોકરાને ફક્ત જીવ ટકી રહે એટલો ખોરાક અપાય છે ને ફક્ત ત્રણ કલાક ઓરડીની બહાર કસરત કરવા જવા દેવાય છે.

એમના સાથીઓની હાકલ છે, કે ચલો ટ્રેન્ટન. આપણે કાંઈ નહીં કરીએ તો આજે આકાશ છે તેમ આપણામાંથી બીજા કોઈના સંતાન સાથે પણ આવો દુર્વ્યવહાર થશે! આકાશના કેસની તારીખો પાછળ ધકેલાતી રહી છે, અને જામીનની રકમમાં પણ ઉછાળા થયા છે. પહેલાં ૨૫ લાખ નક્કી થયેલા, પછી કોર્ટે તે ઘટાડીને ૧૦ લાખ કર્યા. ત્યાં એફબીઆઈને નવા પુરાવા મળ્યા કે આકાશને જો છોડવામાં આવશે તો તે તરત એક પિસ્તોલ ખરીદીને તેની ઉપર કામ ચલાવનાર સરકારી વકીલનું અને બે ન્યાયમૂર્તિઓનું ખૂન કરવાનો છે. અને જામીન સીધી ૪૦ લાખની થઈ ગઈ.

આ ફેબ્રુઆરીમાં જ્યારે આકાશને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે ૬૦ ભારતીયોનું ટોળું વિરોધ કરવા એકત્ર થયેલું. આકાશના વકીલે અરજ કરેલી કે આકાશ ઉપર ન્યાયધીશોનાં ખૂનની કોશિશ કર્યાનો આરોપ છે તેથી અહીં તેને નિષ્પક્ષ ન્યાય નહીં મળે, કેસ બીજે લઈ જવા દો. પરંતુ કોર્ટે તે મંજૂર કરેલ નથી. હવે પછીની સનાવણી વખતે ૨૦૦થી ૩૦૦ વિરોધકારો હાજર થશે એવું કોઠારીનું કહેવું હતું.

આકાશની સામેના વિકરાળ આરોપોની સાંભળતાં જ લોકોને અચંબો થાય છે કે ભારતીયો અને યહૂદીઓ વચ્ચે કદી કોઈ તકરાર હતી જ નહીં. બંને કોમો વચ્ચે સુમેળ જ હતો ને છે, અને ન હોવાને કશું કારણ નથી. ભારતમાં મુસ્લિમોની વિરાટ વસતી હોવા છતાં ભારત અને ઇઝરાયેલના સંબંધો મીઠા છે. ભારતને સૌથી વધુ શસ્ત્રો ઇઝરાયેલ વેચે છે. પત્રકાર પલાશ ઘોષ કહે છે કે સીતારામ ગોયલ, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી જેવા જાણીતા ભારતીય નેતાઓએ ઇઝરાયેલની સ્થાપનાને ટેકો આપેલો અને બીજા દેશોમાં ફેલાયેલા યહૂદી દ્વેષની સખત ટીકા કરેલી છે. ઇઝરાયેલના જન્મ વખતે મહાત્મા ગાંધી કોઈ પણ ધર્મના આધારે કોઈ પણ દેશની રચનાની કરવાની વિરુદ્ધ હતા, તેથી પાકિસ્તાનની સ્થાપનાનો તેમ જ ઇઝરાયેલની સ્થાપનાનો એમણે વિરોધ કરેલો. પણ પાછળથી જવાહરલાલ નહેરુએ ઇઝરાયેલની સ્થાપનાને ટેકો આપેલો, બે દેશો વચ્ચે ગુપ્ત કરાર થયેલા. ભારત અને ઇઝરાયેલ બંને દેશો ટેરરિસ્ટોનું નિશાન બનેલા છે અને ભારતને ટેરરિસ્ટો સામે લડવા બાબત ઇઝરાયેલે અનેક સલાહ અને કુમક આપી છે. યાને ઇઝરાયેલના જન્મથી જ બંને દેશ અનેક વર્ષોથી અનેક સ્તરે જોડાયેલા છે.

તો પછી જો ફાયરબોમ્બના અને સાજિશના આરોપો સાચા હોય તો આકાશ દલાલને આ શું સૂઝ્યું હશે? જો આકાશ ખરેખર દોષી હોય તો સંભવ છે કે તે માનસિક રીતે અસ્વસ્થ હોય. અથવા પરાક્રમ કરવાના તાનમાં આવી કશોક યશ કમાવા તેણે આવું કર્યું હોય. કેમકે આકાશ દલાલને ઇન્સાફ અપાવવાની આ ચળવળના બીજા એક મોવડી મુકેશ કાશીવાલા કહે છે તેમ, ભારત અને ઇઝરાયેલ તો મિત્રો છે જ; અમેરિકામાં પણ ગુજરાતીઓ અને યહૂદીઓ વચ્ચે કશુંય વૈમનસ્ય નથી; બંને લઘુમતીઓ સમૃદ્ધ છે, શિક્ષિત છે, સંપન્ન છે. ફરક એ છે કે યહૂદીઓ પોતાનાં હિત બાબત અત્યંત બોલકા ને કર્મઠ છે તેમ ભારતીયો ને ગુજરાતીઓ પોતાનાં હિત બાબત અત્યારસુધી આગ્રહી થતા નહોતા. હવે થવાની જરૂર છે, તો ચાલો ટ્રેન્ટન! જય ઇન્સાફ!

 

“નીલે ગગન કે તલે – ૭ (મધુ રાય)-‘કલશ’ એટલે કોણ?

 

‘કલશ’ એટલે કોણ?

ગગનવાલા સવારના પહોરમાં ફોન ખોલીને ‘ડિકશનરી ડોટ કોમ’ નામની ‘એપ’ જુએ છે. એમાં આજે સહસા એક માહિતીલેખનું શીર્ષક જોયું: કળશ! અથવા કલશ કે કલાશ! આ કલાશ પીપલ પાકિસ્તાનમાં વસે છે, અહો! તે લોકો ‘દેવલોક’ તરીકે પૂજાતા મહાદેવ, ઇન્દ્રદેવ અને યમરાજા નામક દેવતાઓથી ખચિત પુરાતન આર્યોનો ઋગ્વેદિક ધર્મ યાને પૌરાણિક હિંદુ ધર્મ પાળે છે! વ્હોટ્ટ? ગગનવાલાના કાન સટાક ઊંચા થાય છે; ગગનવાલા યાહોમ કરીને મારે છે ખલાંગ છલાંગ નેટ–સાગરમાં.

પાકિસ્તાનની  ફકત ૪૧,૦૦૦ માથાંની આ બારીક લઘુમતી કલાશ પ્રજા પાકિસ્તાનના ખૈબર–પખ્તુનખ્વા પ્રાન્તની ‘કલાશ દેશ’ કહેવાતી ઘાટીઓમાં વસેલી છે. તેઓ ભારોપીય શાખા કેરી દાર્દિક કુળની બોલી બોલે છે. વીસમી સદીની પહેલાં તેમની સંખ્યા વિશાળ હતી પણ પછીથી બહોળી સંખ્યામાં કલાશ લોકોએ ઇસ્લામ અંગીકાર કરતાં ખાલિસ કલાશ પ્રજા પાંખી થતી ગઈ છે. કલાશ ધર્મનો પરિત્યાગ કરનારને કલાશ કબીલામાં પુન:પ્રવેશ નથી.

કલાશ પુરુષો કોડીઓથી શણગારેલા લાંબા કાળા ડગલા પહેરે છે, અને સ્ત્રીઓ ભરત આભલાનાં વસ્ત્રો ધરે છે. એમને બીજી પ્રજાઓ ‘ચિત્રાલ’ યાને ‘કાળા કાફિર’ કહે છે. ઇસ્લામકેન્દ્રી દેશની વચ્ચે રહેવા છતાં કલાશ સ્ત્રીઓ અને પુરુષો છૂટથી હળેમળે છે. કોઈ પરીણિત લલનાને થાય કે મને મારો નવરો નથી ગમતો ને મારે બીજા નવરા સાથે રહેવું છે તો તે અભિસારિકા પોતાના ઇચ્છિત નવરાને જણાવે. પેલાને નવરાશ હોય તો તેના પતિએ જે કીમત આપી હોય તેથી બમણી આપીને તે લલનાને પોતાની મહેરારુ બનાવી શકે. આ પ્રથા ઠાઠમાઠથી તહેવારોમાં પણ સ્થાન પામેલ છે. કલાશ લોકોનો ‘ચિલમ જોશી’ નામે વાસંતી તહેવાર અને શિશિર ઋતુમાં સૌથી મોટો તહેવાર ‘ચતુર્માસ’ ગાણાંબજાણાં ને નાચણાંથી ઊજવાય છે. કિશોરો દેવોનો વેશ લઈ ‘ઇન્દ્ર મહાલય’ જવા શેરી સરઘર કાઢે છે. મૃત્યુ પામેલા વડીલોના તર્પણાર્થે ડાબા હાથે કાગડાઓને કાગવાસ નંખાય છે.

એમની ગૈર–મુસ્લિમ રહનસહનવાળી આ પ્રજા ઉપર ૧૯૭૦ના દાયકામાં મુસ્લિમ મૌલવાદીઓ અને લડાયક મૌલવીઓ દ્વારા ઘોર અત્યાચાર થયા હતા. તેથી તેમની સંખ્યા ફક્ત ૨૦૦૦ જેટલી થઈ ગઈ હતી. પછી સરકારી સુરક્ષણથી અને બાળમરણનું પ્રમાણ ઘટ્યાથી હવે એમની વસતી ૪૧૦૦ જેટલી થઈ છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં તાલિબાનોએ કલાશ અને ઇસ્માઇલી પ્રજાઓની સરેઆમ કતલ કરવાની હાકલ કરેલી તેથી પાકિસ્તાની લશ્કરે કલાશ ગામડાંની આસપાસ સુરક્ષા ફેલાવીને તેમને રક્ષણ આપ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઐલાન કર્યો છે કે લઘુમતી પ્રજાઓને અભયદાન આપવાનું પાકિસ્તાનના સંવિધાનમાં અને શરીયતમાં પણ જાહેર કરેલું છે કે જે મુસ્લિમો પરધર્મી લોકોને વખોડશે કે રંજાડશે તે ગુનેગાર ગણાશે.. ઇમરાન ખાન જેવા શાંતિવાદી નેતાઓએ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારાઓની સખત ટીકા કરી છે.  આ કલાશ પ્રજાનો એક હિસ્સો અફઘાનિસ્તાનના નૂરીસ્તાન કે ‘કાફિરીસ્તાન’ નામે પ્રદેશમાં પણ વસેલો છે, પણ ઇસ્લામીકરણના કારણે તેમની સંખ્યા નજીવી થતી જાય છે.

આવડી ટચુકડી પ્રજાની આવી અનૂઠી સંસ્કૃતિથી ગગનવાલા તો બિલકુલ ગાફેલ હતા પણ રડયાર્ડ કિપલિંગ નામે નામીગિરામી લેખક એમનાથી અજાણ નહોતા. કલાશ લોકો ઉપર એમણે એક વિખ્યાત કથા લખેલી, ‘ધ મેન હૂ વુડ બી કિંગ’. તેના ઉપરથી ૧૯૭૫માં શૌન કોનેરી અને માઇકલ કેઇન અભિનીત ફિલ્મ બનેલી. બીબીસીના માઇકલ પેલિને ૨૦૦૪માં કલાશ પ્રજા ઉપર ડોક્યુમેન્ટરી સિરીઝ બનાવેલી જેમાં સોનેરી વાળ અને ભૂરી આંખોવાળા કલાશ લોકો ગ્રીસના સિકંદર મહાનના વંશજ હોવાનું કહેવાયું છે. જ્વલંત નલિન સંપટ નામે લેખકની નવલકથા ‘ધ ટેન્થ અનનોઉન’માં પણ કલાશ પ્રજા ઉપર એક દીર્ઘ પ્રકરણ આવે છે.

પાઠક બંધુગણ અને બાંધવીઓ, ડિક્શનરી–ડોટ–કોમ દ્વારા ગગનવાલાની સવાર સોનેરી થઈ. ઇન્ટરનેટ ઉપર ચરુના ચરુ ભરીને ડિટેલુ ઉપર ડિટેલું છે. પણ અત્રે  કેવળ અંધારામાં વીજળી ઝબકે ને દેખાય એટલું કહેવાયું છે. જેમને રસ હોય તે પોતાના બાહુબળે કલાશ પોશાક, વરણાગી પ્રણય પ્રથાઓ, કલાશ ભાષાકલાપ, કલાશ ડીએનએ, વંશાવલિ, સંગીત, વાનગીઓ, ઇતિહાસ અને કલાશ ધર્મ વિશે ગનાન પ્રાપ્ત કરી શકે.

“નીલે ગગન કે તલે – ૬ (મધુ રાય)-ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ

ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ

 વિશાલ ભારદ્વાજ, મણિ રત્નમ, અપર્ણા સેન જેવા જાણીતા, શરત કટારિયા, સોનાલી બોસ, અભિષેક જૈન, આદિત્ય વિક્રમ સેનગુપ્તા જેવા નવા ઉભરતા, તેમ ગૌરવ કલ્યાણ, મણિકાન્તન એમ, રવિ અને ગીતા પટેલ જેવા તરવરતા નવા દિગ્દર્શકોની ફુલ લેન્થથી માંડીને પાંચ મિનિટ જેવડી નાની ને મોટી, ફીચર ને ડોક્યુમેન્ટરી, સેમીડોક્યુમેન્ટરી ફિલ્મો પ્લસ પ્લસ પ્લસ, વિભા બક્ષી કૃત Daughters of Mother India. યારો, ન્યુ યોર્કમાં મે ૪થી મે એમ સતત દિવસ સુધી ઉજવાઈ ગયો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ. સાઇઠથી વધુ ફિલ્મો: હિન્દી, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાળમ અને તમિળ! વરસતા વરસાદમાં માથે છાપું પહોળું કરી દોડતા રસ્તો ક્રોસ કરીએ એટલું ભિંજાયા ગગનવાલા. ન્યુ યોર્કની ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ છેલ્લાં ૧૦ વર્ષથી આવા ફિલ્મુત્સવો યોજે છે, એમાં વખતે ગગનવાલા ફક્ત ઇનમીનસાડેતીન ફિલ્મો જોઈ શક્યા એનો હરખ અને ફક્ત એટલી જોવાઈ તેનો વસવસો અત્રે વ્યક્ત કરે છે!  

ગગનવાલાએ પહેલી ફિલ્મ જોઈ હૈદર. એના વિશે એટલું લખાઈ ચૂક્યું છે કે વધુ ડબડબ કર્યા વિના કહેશું કે અગાઉના રોમાન્ટિક લટકાંમટકાં કરતા શાહિદ કપૂરને બદલે ફિલ્મમાં ફાટી આંખે જોયેલો, મૂંડેલા માથે ચકળવકળમૈં હૂં, યા રહૂંની એકોક્તિ કરતો હૈદર, બિસ્મિલનું બોલિવૂડી ગાણું ગાતો બાગી, ચૌરાહા ઉપર પાગલના ભેસમાં પ્રલાપતો શાહિદ એક અઠવાડિયા સુધી હજી સપનાંમાં આવે છે. હેમલેટનું રૂપાંતર છે કે નહીં તેની, કે કાશ્મીરનો કિસ્સો નિષ્પક્ષ રીતે રજૂ કર્યો છે કે એકપક્ષી ઝનૂનથી તે વાત બાજુએ રાખીને ફિલ્મ તરીકે અફસાનો વર્ષો સુધી યાદ રહેશે એટલું કહેવું પૂરતું લાગે છે. ના, એટલું પૂરતું નથી; અચાનક જમણા પગનો જોડો ડાબા પગે ને ડાબાનો જમણે પહેરાઈ ગયા જેવી અકળામણ, અસ્વસ્થતા ૧૬૨ મિનિટની ફિલ્મ જોતાં સતત થતી રહેલી. ભારતીય સેનાને વિલેનના રૂપમાં અને મિલિટન્ટોને હીરોના રૂપમાં જોતાં જોતાં જીભ કચરાઈ જતી હતી.

બીજા દિવસે જોઈ શ્રીલંકામાં જન્મેલા સાઈ સલ્વારાજનની શોર્ટ ફિલ્મ Sugarless Tea. એક ભાઈ ઇન્ડિયામાં છે ને અમેરિકામાં માંદગી ભોગવતા તેના જોડિયા ભાઈને મળવા જવા પૈસા બચાવે છે ને ખાંડ ખાવાની માનતા માને છે. આખરે ૫૪ વર્ષે તેને અમેરિકા જવાના વીઝા મળે છે. પાંચ મિનિટની ફિલ્મ વોઇસઓવર અને એનિમેટેડ પેઇન્ટિંગની ટેકનીકથી કહેવાઈ છે. દિગ્દર્શકની પત્નીએ દોરેલાં ચિત્રો દિલહર કથાની હૃદયદ્રાવકતાને ભીનીભીની બનતાં અટકાવે છે, વેરી નાઇસ. તે પછી અમેરિકાના મુખ્ય ધારાના ટીવી એક્ટર રવિ પટેલ અને તેનાં બહેન ગીતા પટેલની ઉતારેલી સેમીડોક્યુમેન્ટરી Meet the Patels. રવિના પોતાના માબાપ, પ્રેમિકા, વગેરેને સાંકળીને ઉતારેલી દોઢ કલાકની ફિલ્મ એનઆરાઈ માબાપ, અમેરિકામાં ઉછરેલાં સંતાનો, લગ્ન માટે ભારત આગમન, સગાંવહાલાંનો મેલાવડો વગેરે વાતો વિનોદી રીતે કહેવાઈ. સરસ. અમેરિકા બોર્ન ઇન્ડિયન સંતતિની બે કલ્ચર વચ્ચેની સાઠમારી વગેરે હૂબહૂ દર્શાયાં, ગ્રેટ. વચ્ચે વચ્ચે બે ચાર મીઠા ગુજરાતી બોલ સાંભળતાં કાનમાં ગુદગુદી થઈ તે બી બરાબર. પણ તેમની વેકેશન વિડિયો જોતા હોઈએ એવી લાગણી થઈ. કલાકારી હવે પછીની ફિલ્મોમાં આવશે. રવિભાઈ અહીં ટીવી એક્ટર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે; ગીતાબેન પણ ફિલ્મમેકર તરીકે સ્થિર થઈ રહ્યાં છે.

I Am Steve Lopez નામે મલયાળમ સિનેમેટોગ્રાફર રાજીવ રવિની દિગ્દર્શક તરીકેની બીજી ફિલ્મ છે. કેરળના એક પોલીસ અફસરનો આદર્શવાદી પુત્ર, ગુંડા ટોળીઓ, કિડનેપિંગ, કરપ્શન, વગેરેની સંતર્પક થ્રિલર જેવી કથા એના મુખ્ય અભિનેતા આહાના ક્રિશ્નાની સંયત અદાકારીથી મોહક લાગેલી.

પારી માથુર નામે તદ્દન નવા દિગ્દર્શકની ૫૧ મિનિટની ફીચર ફિલ્મ Family Party. વડીલોએ ગોઠવેલી પાર્ટીમાં અમેરિકા બોર્ન સંતતિની અકળામણની, એક આછીપાતળી વોટરકલરના ડ્રોઇંગ જેવી સ્ટોરી ગુંથાઈ છે. વડીલોની વચ્ચે બિનધાસ્ત ટીનએજ ગર્લ, સામે ચાલીને ટીનએજ બોયને ચષચષતું ચુંબન ચોડી દે છે તે છે તેની હાઈલાઇટ. નાયકાના પાત્રમાં કિશોર વિશાલ વૈદ્ય તેની છટા બતાડે છે.

વ્યવસાયે વકીલ માલિની ગોએલની ૨૩ મિનિટની ડોક્યુમેન્ટરી Should Tomorrow Be પણ મોતના મોંમાંથી બહાર આવેલા પિતાની પક્ષઘાતની માંદગીના સંદર્ભમાં એનઆરઆઈ પરિવારની દાસ્તાન છે, ફેમિલી વિડિયોના સેંકડો કલાકોમાંથી તારવીને રજૂ કરેલી કૃતિ અલબત્ત સર્જન નથી ને કલાકૃતિ હોવાનો એનો દાવો પણ નથી. તેની સાથે સાથે પ્રસ્તુત થઈ ૨૮ મિનિટની મર્દીસ્તાન. હરિજાન્ત ગિલની ફિલ્મમાં જુદા જુદા મર્દોના મોઢે કહેવાયેલી ભારતના પુરુષોની વિતકકથા છે, ઇન્કલુડિંગ એક હોમોસેક્સુઅલ મરદની વ્યથા. ગિલ સાહેબે અગાઉ પણ હોમોસેક્સુઅલના મુદ્દા ઉપર ફિલ્મો બનાવી છે.

નિર્ભયાના કિસ્સા પછી સ્તબ્ધ બનેલા દિલ્હીના શહેરીઓ પાસે દિગ્દર્શક ગૌરવ કલ્યાણે એક નવી વાત મૂકી, આજથી અમુક વર્ષ પછીની કોઈ કલ્પિત વ્યક્તિને તમે દિલ્હી વશે પત્ર લખો તો શું લખો? અને તેના પરિણામે બની શોર્ટ ફિલ્મ Letter to the City Yet to Come. દિલ્હીની ઐતિહાસિકતા, દૈનિક જિન્દગાનીની કશમકશ, રાજકીય ઊથલપાથલ ને કર્મશીલ ચળવળો વગેરેને વોઇસઓવર સાથે સાંકળીને બનેલી ફિલ્મ નવતર પ્રયોગ બની રહી. ગૌરવ કલ્યાણ ન્યુ યોર્ક નિવાસી ફિલ્મમેકર છે.

આદિત્ય વિક્રમ સેનગુપ્તાની પહેલી પેશગી જર્જરિત કલકત્તા મહાનગરની પૃષ્ઠભૂમિમાં ઉતારેલી સ્વપ્નિલ મૂડ ફિલ્મઆસા જાવા માઝેએટલે કેઆવવા ને જવાની વચ્ચે“, અહીં Labour of Love નામે રજૂ થઈ હતી. ૮૩ મિનિટની ફિલ્મમાં એક પણ સંવાદ નથી! સાયલન્ટ ફિલ્મ! વચ્ચે વચ્ચે બહારના અવાજો કે ગીતોની લહેરખી વહી આવે છે. નાયક નાયિકા એક ઘરમાં રહે છે પરંતુ એક દિવસે કામ કરે છે ને એક રાતે. આવવા અને જવાની વચ્ચે સૂનકાર છે. ડોક્યુમેન્ટરીના સતત આહાર પછી નમણી કલાકૃતિ હિપ્નોટાઇઝિંગ લાગેલી. આર્ટફિલ્મ વર્તુળોમાં પોંખાયેલી ફિલ્મ વિશાલ સાહબના વરદ હસ્તે ફેસ્ટિવલની શ્રેષ્ઠ નવી ફિલ્મનું ઇનામ જીતી ગઈ.

અને છેલ્લી ફિલ્મ હતીદમ લગા કે હાઇશા!” લોકાલ હરિદ્વાર! બુડથલ છરહરા લડકા સાથે મોટી બુદ્ધિમાન લડકીનો બ્યાહ, અને હરિદ્વારની સુરંજિત આબોહવામાં ત્યાંની લોકલ ફેમિલી લાઇફનું નિઓરિયેલિસ્ટિક ચિત્રણ. આયુષ્માન ખોરાના કી અદાકારી અને આખિર મેં લડકાની પીઠ ઉપર તેની મોટી મેહરારુ સવાર થાય છે ને લડકો દિલધડક રેસમાં દોડે છે, દોડે છે, છેક તુમ્હારા દિલ સુધી યારો! દોઢ કલાકની ફિલ્મે બધી ડોક્યુમેન્ટરીઓએ પેદા કરેલો નિર્વેદ ઉડાડીને તુમ્હારા દિલ બહેલાયા. સંવાદ લેખક શરત કટારિયાની પહેલી ફીચર ફિલ્મ છે, બહોત ખૂબ.

અને અંતે મહાભોજ! બધા એક્ટરો, ડિરેક્ટરો ને ફિલ્મો સાથે સંકળાયેલા ચમકતા દમકતા સેંકડો નરનારી સાથે રોયલ સેલ્યુટના ગિલાસ ટકરાવી બુફે ડિનર! ગગનવાલા બીતા બીતા વિશાલ ભારદ્વાજ પાસે ગયેલા. વિશાલ સાહબ આપ હિન્દી મેં સ્ક્રિપ્ટ લિખતે હો યા અંગરેઝી મેં? જી? હિન્દી મેં, હિન્દી મેં. ડાયલોગ હિન્દી મેં, ઇન્સ્ટ્રક્શન્સ અંગરેઝી મેં. ગુડ, ગુડ. સાહબ આપને એક ફિલિમ દેખી થી ક્યા, “વ્હોટ્સ યોર રાશિ?” પણ જવાબ મળે તેની પહેલાં કોઈ બેકલેસ ગાઉનવાળાં છમ્મકછલ્લો વિશાલજીને ઉપાડી જાય છે.  

અફસોસ, અફસોસ કેબે યાર“, કેમાર્ગારિતા વિથ સ્ટ્રોકે સારી રાતજેવી ફિલ્મો જોવાની રહી ગઈ. નવા દિગ્દર્શકોને મંચ આપતો અને પીઢ કલકારોથી આપણને અભિરંજિત કરતો ફેસ્ટિવલ દાયકાઓ સુધી થતો રહે તો જય હો દાદા ફાળકે!

નીલે ગગન કે તલે – ૫ (મધુ રાય)-ઘણાને ખબર નહીં હોય કે…

ઘણાને ખબર નહીં હોય કે…..

બે દિવસ પહેલાં એક સમાચારની ટીકડી જોયેલી કે ‘વેન્ડી’ નામની ફાસ્ટ ફૂડ ચેઇનના અમુક સ્ટોરોમાં વેજિટેરિયન બર્ગર મળવાનું શરૂ થયું છે. મેકડોનાલ્ડ, બર્ગર કિંગ જેવી મહાકાય ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટોમાં તો ઘણા વખતથી વેજિબર્ગર મળે છે. હવે વેન્ડીના સમાચારની આ ચાર લીટીની ટીકડીથી ગગનવાલાના મનગગનમાં આશાની આંધી આવી કે હાલો, હાલો, હવે સતયુગ આવી ગયો, કે તૈયારીમાં છે.

ગગનવાલા શુદ્ધ શાકાહારમા માને છે અને પ્રાણીઓને મારીને એમની ટાંગટુંગ ખાવાના વિરોધી છે. મરઘીના બચ્ચાને ખાવું તે માણસના બચ્ચાને ખાવા જેટલું અવિચારી કૃત્ય ગણે છે. ગગનવાલા ઝનૂનપૂર્વક માને છે કે પ્રાણીઓ માણસ કરતાં ઓછાં બુદ્ધિમાન છે, એમને બાળક જેવાં ગણીને સ્નેહ કરવો જોઈએ તેમ જ રક્ષણ આપવું જોઈએ. એમને મારીને, પીડીને માણસ અમન ચમન કરે તે અનૈતિક છે.

ઘણાને ખબર નહીં હોય કે—ગગનવાલાને તો નહોતી જ ખબર કે—ખ્રિસ્તી ધર્મનો પ્રારંભ શાકાહારના આચરણથી થયો હતો. ધર્મના બંને પવિત્ર ગ્રંથો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યુ ટેસ્ટામેન્ટમાં  જીવો પ્રત્યે અનુકંપાનો આદેશ છે. આજના અમેરિકા, યુરોપના ખ્રિસ્તી સમાજને જોતાં બિલકુલ માનવામાં ન આવે! બાઇબલમાં કહેવાયું છે કે મનુષ્ય અને મનુષ્યેતર જીવોમાં ‘આનિમા’ અર્થાત આત્મા વસે છે, અને તે સર્વે જીવો અને મનુષ્યો સૃષ્ટિના પ્રારંભથી શાકાહારી હતા. બાઇબલના કેટલાક વ્યાખ્યાકારો કહે છે કે ઈડન ઉદ્યાનમાં આદમ અને ઈવને ભગવાને શાકાહારનો ઉપદેશ આપેલો (જેનેસિસ ૧:૨૯), “અને ભગવાન બોલ્યા, મેં તમને વનસ્પતિ, વૃક્ષ અને લતા બક્ષ્યાં છે અને તે દરેકમાં તેનાં ફળ, તથા તે દરેક ફળમાં તેનું બીજ છે, જે સર્વ તમારા આહાર માટે છે.” તે પછી મહાપ્રલય થયો અને તેમાં વનસ્પતિ નાશ પામી હોવાથી પ્રભુએ અનિચ્છાપૂર્વક થોડા સમય પૂરતી માણસને માંસ ખાવાની છૂટ આપી પણ લોહીની મનાઈ કરી કેમકે લોહી તે જીવન છે. શાકાહારમાં માનતા ખ્રિસ્તીઓ કહે છે માંસની છૂટ ફક્ત મર્યાદિત સમય માટે હતી, કાયમી નહોતી. અને જીવતા પ્રાણીની નસ કાપીને તેનું લોહી વહેવડાવી દેવાથી કાંઈ તેનું માંસ ખાઈ શકાય એવું પરમાત્માએ કહ્યું નથી. કોઈપણ પ્રાણીના શરીરમાંથી તમામ લોહી દૂર કરવું સંભવ જ નથી. દસ આદેશોમાં, ટેન કમાન્ડમેન્ટ્સમાં, કહ્યું જ છે કે “તું જીવ હિંસા કરીશ નહીં.” એમાં અમુક પ્રાણીની હિંસા થાય ને અમુકની નહીં એવું કાંઈ કહ્યું નથી. “એક બળદને કતલ કરો તે માણસને કતલ કર્યા બરોબર છે(ઇસાઇયાહ ૬૬:૩).” આમ છતાં મોઝેઝ દાદાએ અમુક પાપના પ્રાયશ્ચિત્ત તરીકે અમુક પ્રાણીનું બલિદાન આપવાની છૂટ આપી હતી. એવા પ્રાયશ્ચિત્ત માટે કયા પ્રાણીનું બલિદાન કરાય તે પણ નિશ્ચિત કરાયું છે. અમુક અવસરે ઘેટાનો ભોગ આપવાનું કહેવાયું છે, જેને નિર્દોષ બલિ કે ‘એગ્નસ ઓફ ગોડ’ (ઈશ્વરનું લાડકું) કહેવાય છે, જે પછીથી ઇસુ ખ્રિસ્તનું પ્રતીક બન્યું કેમકે કે ઇસુ મસીહએ પણ બલિદાન આપેલું.

ઘણા ખ્રિસ્તીઓ શ્રદ્ધાથી કે સિદ્ધાન્તથી અથવા તબીબી કે આધ્યાત્મિક કારણોસર શાકાહાર પાળે છે, અને કેટલાક તો દૂધ કે પ્રાણીજન્ય કશુંય ન વાપરવાની ચરી પાળે છે જેને ‘વિગનિઝમ’ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મમાં પણ, હિંદુ ધર્મની જેમ અગણિત શાખાઓ, ફાંટાઓ અને ફિરકાઓ છે. અગાઉ આ પાનાંમાં જણાવેલું તેમ, તેમાંની બાઇબલ ક્રિશ્ચિયન ચર્ચ શાખાના ગુરુ વિલિયમ કાવહર્ડે ૧૮૦૯માં તેમ જ સેવન્થ–ડે એડવેન્ટિસ્ટ પંથનાં વડવા એલન જી. વ્હાઇટે ૧૮૦૯માં વિશ્વના પ્રથમ શાકાહારી સમાજની સ્થાપના કરેલી. આજે પણ અમુક પંથ સંચાલિત હોસ્પિટાલોમાં માંસાહારનો નિષેધ છે.
‘મોરમોન’ તેમ જ ‘ક્વેકર’ તરીકે ઓળખાતા ખ્રિસ્તી પંથો પણ માંસની પરહેજ રાખે છે. મોરમોનની ધર્મપોથીનો આદેશ છે કે “જમીન ઉપરનાં પ્રાણી અને આકાશનાં પંખીનું માંસ ન ખાઓ તો ભગવાન રાજી થશે, હેમાળામાં, કે દુકાળમાં જ ન છૂટકે ખાવું.”

રોમન કેથલિક પંથના અમુક ફાંટા કઠોર શાકાહારી છે. ‘રાસ્તાફેરિસ’ કહેવાતા ખ્રિસ્તીઓ માને છે કે માંસને અડકવું તે મોતને અડકવા બરાબર છે. ‘લેન્ટ’ નામના ખ્રિસ્તી તહેવારમાં મિડલ ઇસ્ટના ખ્રિસ્તીઓ ૪૦ દિવસ સુધી શાકાહારી ભોજન જમે છે. ખ્રિસ્તી પરંપરામાં બુધવારે અને શુક્રવારે માંસ ખાવાનો નિષેધ છે કેમકે બુધવારે જુડાસ નામના શિષ્યે ઇસુનો દ્રોહ કરેલો અને શુક્રવારે ઇસુને સલીબ ઉપર ખિલ્લા મારીને જડી દેવાયેલા.

લિબરલ કેથોલિક મૂવમેન્ટ શાકાહારનો મહિમા કરે છે. મહાન વિચારકો લિઓ તોલ્સતોય (ચિત્રમાં), રોમાં રોલાં, બર્નાર્ડ શો, એની બીસન્ટ શાકાહારી હતા. એક્ટ્રેસ જૂલી ક્રિસ્ટી, અને એક્ટર (વિન્ક વિન્ક) બિલ ક્લિન્ટન, બ્રેડ પિટ, લિઓનાર્દો દિકાપ્રિયો, અને બીજા મહાન ખ્રિસ્તીઓ શાકાહાર કરે છે. જૈન, વૈષ્ણવ, બૌદ્ધ, શીખ ધર્મોમાં શાકાહારનો જ મહિમા છે. યહૂદી ધર્મમાં પણ શાકાહારની જ ભલામણ છે એવા ઘણા યહૂદી ધર્મગુરુઓનો મત છે.

કશાય વિષયના જ્ઞાતા હોવાનો દાવો ગગનવાલાનો નથી. નતનયને ગગનવાલા પોતાની મૂઢમતિ સ્વીકારે છે. ઉપરની માહિતી ઇન્ટરનેટ ઉપરથી તારવેલી છે, મૂળ ગ્રંથોને નજરે જોયા નથી. ગગનવાલાની ખોપરીમાં ખખડતાં અનેક ભૂતોમાં એક છે, જીવદયાનું. તે વિષયની સતત ખોળના દૌરમાં જ્યારે જ્યારે આવી માહિતી આંખે ચડે ત્યારે ત્યારે વાચકોને કહેવા તલપાપડ થાય છે, અને આજે એવો જ એક અવસર છે. માહિતી આપવાની ભાવના શદ્ધ છે. જાણીજોઈને કોઈની લાગણી દુભાવવાની ખંધાઈ કદાપિ હોતી નથી. કોઈપણ આદર્શ કે સિદ્ધાન્ત કરતાં પણ ગગનવાલા માણસને ઊંચો સમજે છે. પણ પશુઓને માણસ કરતાં નીચા સમજતા નથી. જય બજરંગ બલી!