Category Archives: મને હજી યાદ છે.

મને હજી યાદ છે -૯૨ (અંતીમ)

(આજના એપીસોડ સાથે સાક્ષર શ્રી બાબુ સુથારની આતમકથાનો પ્રથમ ભાગ પૂરો થાય છે. મારી વિનંતીને માન આપી, અન્ય પ્રલોભનોને જતાં કરી, બાબુભાઈએ આંગણાંમાં સતત ૯૨ અઠવાડિયા સુધી આત્મકથાના પ્રકરણો સમયસર મોકલ્યા એ બદલ હું અહીં ૠણ સ્વીકાર કરૂં છું. – પી. કે. દાવડા)

ફિલાડેલ્ફિયાથી પાલો આલ્ટો

હવે દીકરાને સારી નોકરી મળી ગઈ હતી. એટલે એની ચિન્તા ન હતી. હું પણ ટીપે ટીપે સરોવર ન ભરાય તો કાંઈ નહીં પણ એકાદ કપ તો ભરાય છે ને – એવા કોઈક સમાધાન સાથે જીવી રહ્યો હતો. રેખા એનું કામ કરતી હતી. સુઘોષ હવે અમારા કુટુંબનો એક સભ્ય બની ગયો હતો.

એ દરમિયાન રેખાને પણ અભ્યાસ કરવાનું મન થયું. મારી પણ ખૂબ ઇચ્છા હતી કે એ પણ મારી જેમ જ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લે. પણ, શરૂઆતનાં વરસોમાં તો એ શક્ય ન હતું. કેમ કે મારે મારું પીએચ.ડી. પૂરું કરવાનું હતું. વળી અમારે દીકરાને ભણાવવાનો હતો. અને બાકી હોય એમ એ વખતે અમારી પાસે ગ્રીન કાર્ડ પણ ન હતું. એથી અમને બન્નેને થતું કે જે કંઈ બચત છે એ જો અમે વાપરી નાખીશું અને જો અમારે પાછા ભારત જવાનું આવશે તો અમે શું કરીશું?

રેખા પણ કહેતી હતી કે એક વાર ગ્રીન કાર્ડ આવી જાય પછી હું ભણવા જઈશ. હવે ગ્રીન કાર્ડ આવી ગયું હતું. પણ હવે મારી નોકરી ચાલી ગઈ હતી. એટલે એણે પણ વિચાર્યું કે હવે આ તબક્કે જો હું ત્રણ વરસની કૉલેજ કરવા જઈશ તો એને કારણે અમારા જીવનમાં એક પ્રકારની અસલામતિ ઊભી થશે. એથી એને બદલે એણે મદદનીશ નર્સનો કોર્સ કરવાનું નક્કી કર્યું. કેમ કે એમાં નોકરી માટે બહુ સંઘર્ષ કરવો પડે એમ ન હતો. એ માટે એણે ફિલાડેલ્ફિયાની કૉમ્યુનીટી કૉલેજમાં એડમીશન લીધેલું. એ સોમથી શુક્ર કામ કરતી અને શનિ-રવિ ક્લાસમાં જતી. બે કે અઢી મહિનામાં એના ક્લાસિસ પૂરા થઈ ગયા. ક્લાસમાં એ પહેલા નંબરે આવેલી. પણ, જ્યારે લાયસન્સની પરિક્ષા આપી ત્યારે પ્રેકટીકલમાં પાસ થઈ અને થિયરીમાં નાપાસ. એટલે એ ફરી એક વાર થિયરીની પરીક્ષા આપવા માટે તૈયારી કરવા લાગેલી.

એક દિવસે અમે બેઠાં બેઠાં વાતો કરતાં હતાં ત્યારે રેખા કહે કે હું આમાં આટલો બધો સમય બગાડું છું એના કરતાં મારે રજીસ્ટર્ડ નર્સનો (આર.એન.) કોર્સ કરવો જોઈએ. હું પહેલાં મદદનીશ નર્સનું લાયસન્સ લઈ લઉં. પણ, એની સમાન્તરે રજીસ્ટર્ડ નર્સના કોર્સ પણ લઉં. મદદનીશ નર્સનું લાયસન્સ મલી જાય પછી હું સ્ટોરની નોકરી છોડી દઈશ. પછી મદદનીશ નર્સની નોકરી કરતી જઈશ અને રજીસ્ટર્ડ નર્સના કોર્સ ભણતી જઈશ. ભલેને બે ને બદલે ત્રણ કે ચાર વરસ થાય. આપણે ક્યાં ઉતાવળ છે?

અમે બધાં એને જે ભણવું હોય એ ભણવામાં મદદ કરવા તૈયાર હતાં. આખરે એક દિવસે એણે કૉમન્યુનીટી કૉલેજમાં જ રજીસ્ટર્ડ નર્સના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી. ત્યારે ફિલાડેલ્ફિયામાં કૉમ્યુનીટી કૉલેજનો એ કોર્સ ખૂબ વખણાતો. આજે તો ત્રણ વરસનું waiting list છે. એથી એમાં પ્રવેશ મેળવવાનું કામ જરા અઘરું હતું. પણ, સદ્‌નસીબે રેખાને કોઈ મુશ્કેલી ન પડી. એણે એક વરસ required courses કરવાના હતા જેમાં ગણિત, જીવવિજ્ઞાન અને અંગ્રેજીના કોર્સનો સમાવેશ થતો હતો. રેખાએ દરેક સેમેસ્ટરમાં બબ્બે કોર્સ લઈને એ બધા જ કોર્સ એક વરસમાં પૂરા કરવાનું નક્કી કરેલું. એ ઉનાળાના વેકેશનમાં પણ કોર્સ લેવાની હતી.

એ દરમિયાન સુઘોષને ખબર પડી કે મધુ રાય એમની કાર વેચવા માગે છે. સુઘોષ પાસે બે કારો હતી. પણ બેઉં જૂની. એને ત્રીજી કારની જરૂર ન હતી. પણ એણે મધુ રાયની એ કાર ખરીદી લીધી. પછી જરૂરી રીપેરીંગ કરાવીને એણે એ કાર રેખાને આપી. કહ્યું: તમે ફેરવો.  રેખા એ કાર લઈને નોકરી પર જતી. એને કારણે એને થોડો આત્મવિશ્વાસ પણ આવી ગયેલો. પછી તો કૉલેજ પણ કાર લઈને જ જતી.

સુઘોષ તો વારંવાર એક જ વાત કરતો હતો: “રેખાબહેને નોકરી છોડી દેવી જોઈએ અને ભણવા સિવાય બીજું કશું જ ન કરવું જોઈએ.” એ કહેતો કે ઘરની આર્થિક જવાબદારી હું અને હેતુ લઈ લઈશું. તમે ચિન્તા ન કરો. પણ અમે એ માટે તૈયાર ન હતાં. રેખાને તો આમેય કોઈના પર આધાર રાખવાનું ગમતું નથી. અમુક બાબતોમાં તો એ મારા કરતાં વધારે સ્વંતત્ર મિજાજી છે. એણે સુઘોષને કહી દીધું કે હું મારું કામ નહીં છોડું. હું સામે ચડીને કોઈના પર આધાર રાખવા માગતી નથી.

       જોતજોતામાં એનું પહેલું સેમેસ્ટર પૂરું થઈ ગયું. રેખા ગણિતમાં તો A+ લઈ આવેલી. પણ અંગ્રેજીમાં એને પુનરાવર્તન કરવાનું આવેલું. અહીં કેટલીક કૉલેજોમાં તમે પાસ થાઓ તો પણ તમને કહી શકે કે તમે બહુ ઓછા ગ્રેડથી પાસ થયા છો એટલે તમારે એ કોર્સ ફરીથી લેવો પડશે. રેખાને વાંધો ન હતો. અમને પણ. આમેય અંગ્રેજી ૧૦૧ કોર્સ ઘણો અઘરો હોય છે.

       હવે રેખાએ બીજા સેમેસ્ટરના કોર્સ લેવાનું પણ શરૂ કરી દીધેલું.

       એ દરમિયાન, મને પણ થયું કે મારે પણ કંઈક ભણવું જોઈએ. હું ક્યાં સુધી એચ.આર.ના ભરોસે રહીશ? એટલે મેં પણ કૉમ્યુનીટી કોલેજમાં Accountancyના બે વરસના કોર્સમાં પ્રવેશ લીધો. મને એમ કે accountancy કદાચ મને સારી નોકરી મેળવવામાં મદદ કરશે. અમેરિકામાં કેટલીક નોકરીઓમાં સિનિયર માણસો વધારે શોભતા હોય છે. Accountantની નોકરી એમાંની એક છે. એ કોર્સ કર્યા પછી ઘેર બેઠાં પણ કેટલીક પેઢીઓનું નામું લખવાનું કામ પણ કરી શકાય. મેં પીએચ.ડી. કરેલું હતું એટલે મારે અંગ્રેજીના કોર્સ લેવાની જરૂર ન હતી. ગણિતનો એક જ કોર્સ લઈ હું બીજા કોર્સ માટે placement test લેવાનો હતો. આ testમાં તમે સાબિત કરો કે તમને બીજા કોર્સમાં નક્કી કરેલા અભ્યાસક્રમ પ્રમાણે ગણિત આવડે છે તો એ કોર્સ તમારે લેવો ન પડે. એ રીતે હું આ બે વરસનો કોર્સ દોઢ વરસમાં જ પૂરો કરવાનો હતો.

       એ દરમિયાન સુઘોષની જીદ પણ વધારે આક્રમક બની ગઈ હતી. એ રોજે રોજ સવારસાંજ એક જ વાત કરતો: બસ, રેખાબેન નોકરી છોડી દે અને ભણે. એ આક્રમકતા હવે લગભગ ‘કકળાટ’ સુધી પહોંચી ગઈ હતી. એ માટે અનેક કારણો હતાં. સુઘોષ ઘણી વાર રેખાને કહેતો કે તમે જ મારાં બહેન છો. તમારા સિવાય મારું કોઈ નથી. વગેરે. જો કે, સુઘોષ જ્યારે પણ આવું કંઈક બોલતો ત્યારે હું રેખાને કહેતો કે એ નાટકીયો છે. એની દરેક વાતને તારે નાટકની એક ઊક્તિ તરીકે જોવી. સુઘોષ પોતે પણ ઘણી વાર એવું કહેતો કે એ તો rhetoricનો માણસ છે. “મારું સત્ય મારી વાક્પટુતા.”

સુઘોષે ઘણા લોકોને સેટ થવામાં મદદ કરી છે. કેટલીક મદદની તો વાત પણ કરાય એમ નથી. આમાં એ કદાચ એના બાપુજી હરિકૃષ્ણદાદાને અનુસરતો હતો. હરિકૃષ્ણ દાદા પણ ઘણા લોકોને મદદ કરતા પણ એ ગાંઠનું ભાગ્યે જ ખર્ચતા. આમેય એમની કોઈ મોટી આવક તો હતી નહીં. જે હતી તે પેન્શનની અને કેલિફોર્નિયા રાજ્યના સામાજિક કલ્યાણની. પણ એમની મદદ કરવાની પદ્ધતિ જરા જુદા પ્રકારની હતી. જો કોઈને મદદની જરૂર હોય તો દાદા પોતે જેને મદદ કરી હોય એને કહેતા કે તું બદલામાં આને મદદ કર. દાદા પર એમના દાદાનો પ્રભાવ હતો. એક વાર એમણે મને કહેલું કે એમના દાદાએ એમને કહ્યું છે કે બીજાને મદદ કરવા તારે ભીખ માગવી પડે તો માગવાની. એ એમ કરતા પણ ખરા. સુઘોષ એ પણ એ જ પરંપરાનો જીવ. અમે છેલ્લાં ચારેક વરસથી કેલિફોર્નિયામાં છીએ. એ દરમિયાન પણ સુઘોષે એકબે કુટુંબોને સેટ થવામાં મદદ કરી છે.

આખરે રેખાને પણ થયું કે ચાલો. વધારે નહીં તો મારા required કોર્સ પૂરા થઈ જાય ત્યાં સુધી હું કામ પર ન જાઉં. અમારી પાસે થોડી બચત તો હતી જ. વળી હેતુ પણ કામ કરતો હતો. અને મારી આવક પણ આવતી હતી. એટલે રેખાએ નોકરી છોડી દીધી. હવે એ ભણવા સિવાય બીજું કોઈજ કામ કરવાની ન હતી.

       એ દરમિયાન, બીજી એક ઘટના બની. કદાચ એ માટે પણ સુઘોષ જ જવાબદાર હશે.

સુઘોષનાં માબાપ, મેં આગળ નોંધ્યું છે એમ, કેલિફોર્નિયાના પાલ્ટો આલ્ટોમાં રહેતાં હતાં. પાલો આલ્ટો એટલે એપલ, ફેઈસબુક, ગૂગલ વગેરેના સીઈઓનું શહેર. વિશ્વ વિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટી પણ અહીં જ. સુઘોષનાં માબાપ અહીં સુઘોષનાં બહેનબનેવી, માત્રાબેન અને રાજેશભાઈની સાથે, રહેતાં હતાં. એમનું ઘર પાલો આલ્ટોના પોશ વિસ્તારમાં. પાંચ છ ગલી આ બાજુ જાઓ તો ગૂગલવાળા, પાંચ છ ગલી બીજી બાજુ જાઓ તો એપલવાળા ને પાંચ છ ગલી ત્રીજી બાજુ જાઓ તો ફેઈસબુકવાળા. સ્ટેનફર્ડ યુનિવર્સિટી પણ ત્યાંથી ચાલતાં જવાય. એ ઘર પણ વિશાળ બગીચામાં.

એક દિવસે રાજેશભાઈનો અમારા પર ફોન આવ્યો. કહે: અમારે સુઘોષનાં માતાપિતાની કાળજી રાખવા માટે એક દંપતી જોઈએ છે. જો તમે બન્ને ફિલાડેલ્ફિયાથી કેલિફોર્નિયા આવવા તૈયાર હો તો આપણે એ વિશે વિચારીએ. મેં આગળ કહ્યું છે એમ રેખા અને પ્રેમલતાબેન વચ્ચે ઘણી માયા બંધાઈ ગયેલી હતી. રેખા મુઝવણમાં મૂકાઈ ગઈ. હું પણ. કેમ કે રેખાને ભણવું હતું. જો અમે પાલો આલ્ટો જઈએ તો એણે ભણવાનું છોડી દેવું પડે. હું પણ બે કારણથી મુઝાયેલો હતો. એક તે મારી ટીવી એશિયાની નોકરી હતી. મને હજી આશા હતી કે એક દિવસે એચ.આર. છાપું કાઢશે અને મને ફૂલ ટાઈમ નોકરી આપશે. બીજું તે મારું accountancyનું ભણતર. હું દોઢેક વરસમાં જ એ ભણતર પૂરું કરી શકું એમ હતો. મારે એ તક જતી કરવી ન હતી.

તો પણ અમે એક બે દિવસ વિચાર કરવા માટે માગ્યા. રાજેશભાઈએ કહેલું કે અમારે દંપતી જ જોઈએ. કેવળ રેખાબહેન નહી કે કેવળ બાબુભાઈ નહીં. એમની એ ફિલસૂફી મને ગમી ગયેલી. એ જ દિવસે સાંજે એમણે અમને બધી વીગતો પણ મોકલી આપી. એ પ્રમાણે અમારે ત્યાં એમની સાથે જ રહેવાનું હતું. પગાર પણ સારો હતો. હું મારો પગાર વાપરું તો પણ અમે વરસે દહાડે સાઈઠેક હજાર ડૉલર બચાવી શકીએ એમ હતાં. એ રકમ અમારા માટે નાની ન હતી. રેખા કહે કે આપણે એક કામ કરીએ. બે વરસ માટે જઈ આવીએ. બે વરસની કમાણીથી જ આપણે ઘરની લોન ભરી શકીશું. પછી કોઈ ચિન્તા જ નહીં કરવાની. અમેરિકામાં ઘર અને ગાડીની લોન ભરવાની ન હોય તો કોઈ પણ માણસ સરળતાથી અને મોજથી જીવી શકે. એટલું જ નહીં, રાજેશભાઈએ એમ પણ લખેલું કે તમે કોઈ વધારાનું કામ કરો અને જો તમને એમાંથી કોઈ આવક થાય એ તમારી. મારે હરિકૃષ્ણદાદાને સાથ આપવાનો હતો; રેખાએ પ્રેમલતાબેનને. તદ્ઉપરાંત, મારે ગુજરાતી સ્પેલ ચેકર પર પણ કામ કરવાનું હતું. એટલે મારો પગાર ત્રણ ઠેકાણેથી આવવાનો હતો: એક તે ટીવી એશિયામાંથી; બીજો હરિકૃષ્ણદાદાના સાઉથ એશિયા ફાઉન્ડેશનમાંથી અને ત્રીજું તે સ્પેલ ચેકરની કામગીરીમાંથી.

 આખરે અમે રાજેશભાઈ સાથે સંમત થયાં અને અમે બન્નેએ પાલો આલ્ટો જવાનું નક્કી કર્યું. રેખાનું ભણતર ત્યાં અટક્યું. મારું ભણતર શરૂ ન થયું. એ દરમિયાન પ્રેમલતાબેન એકાએક બિમાર પડ્યાં. રાજેશભાઈનો ફોન આવ્યો કે પહેલાં રેખાબેનને મોકલો. એમને એક મહિનાનો અનુભવ લેવા દો. જો એમને ફાવે તો જ તમે અહીં આવો. મને પણ એમની વાત સાચી લાગેલી.

રેખા પહેલી જાન્યુઆરી, ૨૦૧૬થી કામ શરૂ કરી શકાય એ રીતે પાલો આલ્ટો ગઈ. એ ત્યાં હતી એ દરમિયાન પ્રેમલતાબેનની તબિયત વધારે બગડી અને અમે ધાર્યું ન હતું એવું થયું. પ્રેમલતાબેનનું અવસાન થયું. એ વખતે રેખા એમની સાથે હતી. રેખાને એક મહિનો થઈ ગયો પછી એણે મને કહ્યું કે મને બહુ ફાવતું નથી પણ આપણે બે વરસ કાઢી નાખીએ. એને ઘર યાદ આવતું હતું. બીજું, હેતુ પણ યાદ આવતો હતો. અને ત્રીજું, એણે આ રીતે કોઈના ઘેર રહીને આ પૂર્વે કદી કામ કર્યું ન હતું. એણે મને કહ્યું કે તું આવી જા પણ તને ફાવશે કે કેમ એ એક પ્રશ્ન છે. એણે ઉમેરેલું: આપણે ઘણો સંઘર્ષ કર્યો છે. તો આ વધુ એક સંઘર્ષ.

મેં એચ.આર.ને વાત કરી. કહ્યું કે હું અહીં રહીને જે કામ કરું છું એ જ કામ હું પાલો આલ્ટોમાં રહીને પણ કરી શકીશ. જો તમે મને મદદ કરો તો મારી આવક પણ વધે અને અમે પતિ-પત્ની સાથે રહી શકીએ. એ વખતે એચ.આરે. ફરી એક વાર મને કહ્યું કે તમે અહીં જ રહી જાઓ. હું તમને ફૂલ ટાઈમ રાખવા તૈયાર છું. એમણે વરસે ચાલીસ હજાર ડૉલરની ઓફર પણ કરી. પણ, કોણ જાણે કેમ હું એચ.આર. પર વિશ્વાસ મૂકવા તૈયાર ન હતો. મેં એમની એ ઓફરનો અસ્વીકાર કર્યો.

જો કે, એચ.આરે. મને બધી વ્યવસ્થા કરી આપી. એમણે મને કહ્યું કે ભલે તમે જાઓ. પાછા આવો ત્યારે તમારે અહીં જ કામ કરવા આવવાનું છે. એમણે હું પાલો આલ્ટોમાં બેઠો બેઠો એમનું કામ કરું એવી વ્યવસ્થા પણ ગોઠવી આપી.

આખરે હું પણ પાલો આલ્ટોમાં, અર્થાત્ બે એરિયામાં, અર્થાત્ સિલિકોન વેલીમાં, કામ કરવા માટે આવ્યો.

***

હું ૨૦૧૬થી બે એરિયામાં છું. અત્યાર સુધીમાં હરિકૃષ્ણદાદાની કાળજી લીધી. થોડોક વખત મહેન્દ્ર મહેતાની કાળજી લીધી અને ૨૦૧૮થી અમે બન્ને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની કાળજી લઈ રહ્યાં છીએ. આ ચાર વરસ દરમિયાન અમને જે અનુભવ થયા છે એ વિશે જો વીગતે વાત કરવા બેસું તો મારી આત્મકથાનો મારે એક અલગ જ ભાગ કરવો પડે. એવું આયોજન પણ મેં કરી રાખ્યું છે. પણ, એ માટે આ આત્મકથા એક પુસ્તક રૂપે પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. પણ, એના થોડાક અંશો નોંધવા જેવા ખરા: હરિકૃષ્ણ દાદાનું અવસાન થયું. પછી અમે મહેન્દ્રભાઈની કાળજી લીધી. પણ, થોડો વખત પૂરતા. જો કે, એનો પણ એક ઇતિહાસ છે. પછી તો મહેન્દ્રભાઈનું પણ અવસાન થયું. પછી અમે ફ્રિમોન્તમાં આવ્યાં. એ પણ મેં આગળ નોંધ્યું છે એમ એક માજીની કાળજી લેવા. ત્યારે એ ૯૪ વરસનાં હતાં. ઘેર હોસપીસ કેરમાં હતાં. અમારી કાળજીને પગલે એમને થોડા વખતમાં જ હોસપીસ કેરમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. એ દરમિયાન ટીવી એશિયાનું કામ અનિયમિત બનવા લાગ્યું. એક તબક્કે તો એ કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું. જો કે, એચ.આર. દર પંદર દિવસે મને પગાર મોકલ્યા કરતા હતા. એ દરમિયાન, એચ.આરે. ગુજરાતમાંથી પ્રગટ થતા એક સમાચાર પત્રમાં ભાગીદારી કરી. એમણે મને કહ્યું કે હવે મારે એ સમાચાર પત્ર માટે કામ કરવું પડશે. હું કાગને ડોળે એ કામની રાહ જોતો રહ્યો. થોડા વખત પછી એચ.આરે. પગાર મોકલવાનું પણ બંધ કર્યું. દેખીતી રીતે એ મને કોઈ કામ સોંપતા ન હતા એટલે મને પગાર લેવાનો પણ કોઈ અધિકાર ન હતો. પણ, હું હવે ટી.વી. એશિયામાં કામ કરતો નથી એ વાતની ખબર મને એચ.આરે. કે ટી.વી. એશિયાએ ન હતી આપી. એ ખબર મને અમદાવાદમાં રહેતા મારા એક જૂના પત્રકાર મિત્રએ આપેલી. જો કે, મને એનાથી કોઈ આશ્ચર્ય ન હતું થયું. એચ.આર.ની આ શૈલીની મને ખબર હતી. પણ એમણે મને જે સહકાર આપ્યો એ હું કદી પણ ભૂલીશ નહીં.

આ ચારેક વરસમાં અમે બન્નેએ ઘણું જોયું, ઘણું અનુભવ્યું. જે અમારાં ન હતાં એમને અમે અમારાં બનાવ્યાં. એમનાં મરણનાં અમે કેવળ સાક્ષી જ નહીં, અમે એમાં સહભાગી પણ બન્યાં. અમે અમારા દર્દીઓ પાસેથી બીજે ક્યાંયથી ન શીખવા મળે એવા માનવતાના પાઠ શીખ્યા. દાદા પાસેથી હું બીજું તો ઠીક પણ વૃદ્ધ બનવાની કળા શીખ્યો. મહેન્દ્રભાઈ પાસેથી પણ મરણની સામે લડવાની કળા શીખ્યો. મારાં આલ્ઝેઈમેરનાં દરદી પાસેથી હું અઢળક શીખી રહ્યો છું. અમે બન્નેએ નક્કી કર્યું છે કે અમે ઈશ્વરને પણ એ વાતની ખાતરી કરાવીશું કે તું જેને ભૂલી ગયો છે એની અમે કાળજી રાખી રહ્યાં છીએ.

 આ માનવતાના પાઠ અમને કોઈ યુનિવર્સિટીઓમાં શીખવા ન મળત.

મને હજી યાદ છે – ૯૧ (બાબુ સુથાર)

ક્યારેક દીવામાં કેરોસિન ન હોય તો ક્યારેક…

હવે જીવન પાટા પર ચાલવા લાગેલું. પણ, મને અને રેખાને ખબર હતી કે કશુંક બનશે. અને જે બનશે એ કદાચ અમારી તરફેણમાં નહીં હોય. હું સતત ભયમાં રહ્યા કરતો. એ માટે મારો દીકરો મને વારંવાર ટોકતો પણ ખરો. અલબત્ત સારા શબ્દોમાં. એ કહેતો કે પપ્પા દરેક બાબતને અંતિમ સુધી લઈ જાય છે અને એ બાબતોમાં રહેલી અનિશ્ચિતતા પર વધારે ભાર મૂકે છે. હું એને કહેતો કે હું દરેક બાબતને એટલા માટે અંતિમ સુધી લઈ જતો હોઉં છું કે એનાથી ઓછું કંઈક બને તો આનંદ થાય અને એટલું બને તો ઓછો આઘાત લાગે. હું નાનપણથી જ અનેક અનિશ્ચિતતાઓની વચ્ચે જીવ્યો છું. એને કારણે નિશ્ચિતતા મને કાલ્પનિક કથા જેવી લાગતી હોય છે. એટલું જ નહીં, ઘણી વાર નિશ્ચિતતા મને ક્ષણિક પડાવ જેવી પણ લાગતી હોય છે. Continue reading મને હજી યાદ છે – ૯૧ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૯૦ (બાબુ સુથાર)

અમાસે ય ઓટ ને પૂનમે ય ઓટ

મેં ઘણો પ્રતિકાર કર્યો તો પણ સુઘોષ કહે: ના, તમને અન્યાય થયો જ છે તો તમારે વધારે નહીં તો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાને નોટીસ તો આપવી જ જોઈએ. હું, મેં આગલા પ્રકરણમાં નોંધ્યું છે એમ, ઢચુપચુ હતો. કેમ કે મને ખબર હતી કે યુનિવર્સિટી જેવી મહાસત્તા આગળ મારું કંઈજ નહીં ચાલે. એ વખતે આર્ટ્સ ફેકલ્ટીના જે ડીન હતા એમને પણ મેં આગળ એક પ્રકરણમાં નોંધ્યું છે એમ ભાષાઓ માટે કે માનવવિદ્યાઓ માટે ખાસ આદર ન હતો. અમેરિકામાં, ખાસ કરીને ખાનગી યુનિવર્સિટીઓમાં, આવું બનતું હોય છે. દરેક ડીન પોતાની શિક્ષણની ફિલસૂફી પ્રમાણે પોતાની ફેકલ્ટીને આકાર આપવાનું કામ કરે. તો પણ, મને ખૂબ ઊંડે ઊંડે થોડીક આશા હતી. મને થયું કે મારા સાઉથ એશિયા ડીપાર્ટમેન્ટના જવાબદાર માણસોએ ગુજરાતી પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે કદાચ એમના પર ડીનનું દબાણ હશે. કેમ કે એ વખતે ગુજરાતીમાં બહુ વિદ્યાર્થીઓ ન હતા આવતા. જો હું નોટીસ આપું તો એ લોકોએ સાચું બોલવું પડશે. મને એમ પણ હતું કે આટલા બધા વિદ્વાન પ્રોફેસરો જૂઠું તો નહીં જ બોલે. હા, વહીવટીતંત્ર કદાચ પોતાના બચાવમાં જૂઠું બોલે એવું બને ખરું. યુનિવર્સિટીઓ પાસે આપણે હંમેશાં એક પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. કેમ કે યુનિવર્સિટીઓ પોતે નૈતિકતાના પાઠ ભણાવતી હોય છે. કોઈ યુનિવર્સિટી એના વિદ્યાર્થીઓને જૂઠું કે અસત્ય બોલવાની કળા નહીં શીખવાડે. Continue reading મને હજી યાદ છે – ૯૦ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૮૯ (બાબુ સુથાર)

ગાડી પાટા પર પણ પાટા…

હવે ટી.વી. એશિયામાં હું અઠવાડિયાના ત્રણ દિવસ જતો. એ પેટે મને મહિને હજાર ડૉલર મળતા હતા. આ કાંઈ મોટી રકમ ન હતી. અમેરિકામાં કોઈને આ રકમ કહીએ તો એને આપણા પર દયા આવી જાય. પણ બીજું કોઈ કામ ન મળે ત્યાં સુધી મારા માટે તો આટલી રકમ પણ મોટી હતી. રેખા કહેતી: તારી હાથખર્ચી નીકળે એટલે બસ. બાકીનું હું સંભાળી લઈશ. રેખા ત્યારે ૭/૧૧ના એક સ્ટોરમાં મેનેજર હતી. Continue reading મને હજી યાદ છે – ૮૯ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૮૮

મારા ટી.વી. એશિયાના પ્રયોગો

હવે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ટી.વી. એશિયામાં જતો હતો. જો કે, હું જે કામ કરતો હતો એ ન્યૂઝલેટર તૈયાર કરવાનું કામ આમ જુઓ તો ત્રણ કે ચાર કલાકમાં જ પૂરું થઈ જાય એવું હતું. પણ મુશ્કેલી એ હતી કે જે લોકો ન્યૂઝલેટરના નિર્માણ સાથે સંકળાયેલા હતા એમાંના મોટા ભાગના ન્યૂઝલેટરના નિર્માણને પ્રાધાન્ય ન હતા આપતા. દરેક કાર્યાલયોમાં બને છે એમ અહીં પણ દરેક કર્મચારી પોતાના કામની એક પ્રકારની પ્રાયોરીટી નક્કી કરતો. એમાં પણ સૌથી પહેલી પ્રાયોરીટી એચ.આર. કહે તે કરવાની. એને કારણે ઘણી વાર એવું બનતું કે હું કામ પર જાઉં પછી આખો દિવસ લગભગ બેસી રહું. કેમ કે ન્યૂઝલેટર તૈયાર કરવા માટે મારે જે સામગ્રી જોઈએ એ સામગ્રી સમયસર મારી પાસે આવે જ નહીં. Continue reading મને હજી યાદ છે – ૮૮

મને હજી યાદ છે – ૮૭

ટીવી એશિયામાં:૧

બેએક અઠવાડિયાં વીત્યાં હશે. ત્યાં જ પાછો એચ.આર. શાહનો (હવે પછી ‘એચ.આર.’) ફોન આવ્યો. એમણે ફરી એક વાર મને તારીખ, વાર ને સમય આપ્યાં ને કહ્યું કે તમે આવી જાઓ. આપણે કામ શરૂ કરી દઈએ. મારે તો શુકનઅપશુકન જોવાના ન હતા. એટલે હું તો એમણે કહેલા દિવસે ન્યૂ જર્સીના એડીસન શહેરમાં આવેલા ટી.વી.એશિયાના કાર્યાલયમાં પહોંચી ગયેલો. Continue reading મને હજી યાદ છે – ૮૭

મને હજી યાદ છે – ૮૪ (બાબુ સુથાર)

કામની શોધમાં: ૨

જેમ જેમ નજીકના ભૂતકાળની વાત કરતો જાઉં છું એમ એમ સ્મૃતિ નબળી પડતી જાય છે. ખબર નથી આવું કેમ થતું હશે. બની શકે કે આપણી સ્મૃતિવ્યવસ્થા યાદ રાખવા જેવું જ યાદ રાખતી હશે અને બાકીનું trashમાં મૂકી દેતી હશે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની નોકરી ગયા પછી મેં બીજી નોકરી શોધવાના જે પ્રયત્નો કર્યા એ બધી ઘટનાઓ બરાબર યાદ છે પણ એ ઘટનાઓ જે ક્રમમાં બનેલી એ ક્રમ મને યાદ નથી. એમ છતાં હું એ ઘટનાઓને જે તે ક્રમમાં મૂકવાનો પ્રયાસ કરીશ. Continue reading મને હજી યાદ છે – ૮૪ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૮૩ (બાબુ સુથાર)

નોકરીની શોધમાં: ૧

પછીના થોડા દિવસો સાચે જ ખૂબ ખરાબ ગયા. મને સતત એમ લાગ્યા કરતું હતું કે હું એક અર્થહીન વ્યક્તિ છું અને મેં સૌ પહેલાં તો ભણીને અને ત્યાર બાદ ગુજરાતી ભાષા ભણાવવાનું સ્વીકારીને ભૂલ કરી છે. જો કે, હજી હું નિયમિત કૉલેજ જતો ખરો. ભણાવતો પણ ખરો. કોઈ સનિયર અધ્યાપક મળે તો એને મારી પરિસ્થિતિની જાણ પણ કરતો. પણ મોટા ભાગના અધ્યાપકો મને બહુ બહુ તો આશ્વાસન આપતા ને કહેતા કે કોઈકને કોઈક માર્ગ નીકળશે. મને એમની ભાષામાં રહેલી ઔપચારિકતા તો ખ્યાલ આવી જતો. થોડા દિવસ પછી તો મેં મારી વાત બીજા લોકોને કહેવાનું પણ બંધ કરી દીધું. કેમ કે મને હવે ખાતરી થઈ ગયેલી કે આ બધાનો કોઈ અર્થ રહ્યો નથી. અમેરિકનો મોટે ભાગે પોતાનું દુ:ખ બહુ ઓછા લોકોને કહેતા હોય છે. એ લોકો એકલા એકલા બધું સહન કરતા હોય છે. એને કારણે એ લોકો બીજા લોકોના દુ:ખને પણ ઔપચારિકતા સિવાયની બીજી નજરે જોઈ શકતા નથી. એને કારણે એ લોકો જ્યારે આપણને આશ્વાસન આપે ત્યારે એમાં આત્મિયતાનો અભાવ લાગે. જો કે, એની સામે છેડે ભારતીયો આત્મિયતાનો એવો તો ઢોંગ કરે કે આપણને એમ લાગે કે આ માણસ જ મારો સાચો તારણહાર છે. એ જ મારો ઈશ્વર છે. એના સિવાય મારું કોઈ જ નથી. પછી એ કંઈજ ન કરે. Continue reading મને હજી યાદ છે – ૮૩ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૮૨ (બાબુ સુથાર)

બેરોજગાર બન્યાના દિવસે ઘેર જતાં

જ્યારે રમ્યાએ મને કહ્યું કે ડીન સંમત થતા નથી. એથી યુનિવર્સિટી તમને આવતા શૈક્ષણિક વરસથી છૂટા કરે છે, ત્યારે મારે કોઈ દલીલ કરવાની હતી નહીં. અલબત્ત, અમેરિકન ઔપચારિકતા પ્રમાણે મારે એમનો આભાર માનવો પડે. એટલે મેં એમનો આભાર માનીને કહેલું કે તમે મને મદદ કરવાનો પ્રયાસ કર્યો એ બદલ આભાર. મેં સ્વીકારી લીધેલું કે કોઈકનું મરણ થાય તો આપણે મરણની સામે દલીલો નથી કરતા. અરે મરનારને પણ એમ નથી કહેતા કે મરતાં પહેલાં તમારે મને કહેવું જોઈએ ને. કેમ કે આપણને ખબર હોય છે કે દલીલો વડે મરણને હરાવી શકાય નહીં. પણ, મેં એક કામ કરેલું. મેં રેખાને ફોન કરીને તરત આ વાત ન હતી કરી. એ ત્યારે કામ પર હતી. એ કામ પર હોય ત્યારે મારે એને દુ:ખ ન હતું પહોંચાડવું. પણ મેં મારા સ્ટાફના બે મિત્રોને વાત કરેલી. એક તો દેવન પટેલને અને બીજા તે વાસુ રંગનાથનને. આખા સાઉથ એશિયા વિભાગમાં કેવળ દેવેન જ એવો હતો જે મને શાન્તિથી અને સહાનુભૂતિથી સાંભળતો. એને મારી આવડત પર અને મારી સમજણશક્તિ પર પૂરો વિશ્વાસ હતો. એ માનતો હતો કે મારા જેવા ‘વિદ્વાન’ માણસને ડિપાર્ટમેન્ટે રાખવો જોઈએ. પણ, એ મને સાંભળવા સિવાય બીજી કોઈ મદદ કરી શકે એમ ન હતો. જો કે, આ અમેરિકા નામના દેશમાં તમારી વાત કોઈ સહાનુભૂતિથી સાંભળે તો પણ તમને વૈકુંઠ મળ્યાની લાગણી થાય. જો કે, એ વખતે એ પણ ખૂબ વ્યસ્ત હતો. એને પોતાની નોકરી ટકાવી રાખવા માટે એણે પુસ્તક પ્રગટ કરવાનું હતું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો કે જો આસિસ્ટન્ટ પ્રોફેસરે કાયમી નોકરી મેળવવી હોય તો એણે એનો શોધનિબંધ કોઈક અમેરિકન યુનિવર્સિટીમાંથી જ પ્રગટ કરવો પડે. આ નિયમ કદાચ અત્યારે પણ હશે. જો ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી શોધનિબંધ પ્રગટ કરે તો એ ન ચાલે! દેવેનનો શોધનિબંધ Columbia University Press દ્વારા પ્રગટ કરવાનો હતો. પણ, દેવેનને કાયમી કરવાની તારીખ અને પ્રકાશનની તારીખ વચ્ચે બેએક અઠવાડિયાનો તફાવત હતો. દેવેન ડરતો હતો કે આ ટેકનીકલ બાબત આગળ ધરીને એ લોકો મને કાઢી તો નહીં મૂકેને? અમેરિકન યુનિવર્સિટીઓનું કંઈ કહેવાય નહીં. એમાં પણ ખાનગી યુનિવર્સિટીઓનું અને એમાં ય પણ આઈ વી લીગ યુનિવર્સિટીઓની તો વાત જ ન થાય. એ લોકો કોઈ પણ બહાનું કાઢીને તમને વિદાય કરી શકે. એમને પૈસાની કંઈ પડી નથી હોતી. આફ્રિકાના નાના દેશના અંદાજપત્ર કરતાં પણ એમનાં અંદાજપત્ર મોટાં હોય છે.

Continue reading મને હજી યાદ છે – ૮૨ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૮૧ (બાબુ સુથાર)

પહેલી વાર બેકાર

હવે મને અણસાર આવી ગયેલો કે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાનું કોઈ ભાવિ નથી. એક બાજુ અમેરિકામાં બદલાતી જતી ભાષા પરિસ્થિતિ, બીજી બાજુ યુનિવર્સિટીની બદલાતી જતી ભાષાનીતિ, ત્રીજી બાજુ ડીપાર્મેન્ટનો ગુજરાતી ભાષા પરત્ત્વેનો અભિગમ. એમાં વળી વહીવટીતંત્રના અભિગમનો પણ સમાવેશ કરવો પડે. ચોથી બાજુ ઘટતા જતા વિદ્યાર્થીઓ. આ બધાની વચ્ચે હું ‘ગાંધીજીની ભાષા ભણો’-ની જાહેરાતો આપું તો પણ કોઈ અર્થ સરે એમ ન હતો. એટલે મેં વિચાર્યું: મારે કોઈક વૈકલ્પિક માર્ગ શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. પણ વરસો સુધી ભાષાનું અને એ પણ એકેડેમિક કામ કર્યા પછી ભલભલા માણસો અર્થહીન (insignificant­) થઈ જતા હોય છે. મને પણ એવું લાગવા માંડ્યું હતું કે હું હવે ધીમે ધીમે insignificant માણસ બનવા તરફ જઈ રહ્યો છું.

Continue reading મને હજી યાદ છે – ૮૧ (બાબુ સુથાર)