વાર્તા: સાંજને રોકો કોઈ – યામિની વ્યાસ
‘નિરાંત’ ઘરડાંઘરનો સૂરજ નિરાંતે જ ઊગતો. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભાગદોડ નહીં. રોજની માફક જ પ્રફુલદાદા પ્રાણાયામમાં ને કલાદાદી પૂજાપાઠમાં વ્યસ્ત. બાજુની પાટ પર હરિદાદા સૂતા હતા ને અન્ય વૃદ્ધો ધીમે ધીમે પોતાનું કાર્ય કર્યે જતાં. પ્રફુલદાદાને કલાદાદી ઘણાં વર્ષોથી અહીં રહેતાં. એમનાં દાંમ્પત્યની મીઠી નોકઝોક અને બીજા માટે કંઈ કરી છૂટવાનો સ્વભાવ સૌને આકર્ષતો.
પૂજા પૂરી થતાં જ કલાબા સહેજ નિરાશાથી, ”હર હર મહાદેવ, હે કેદારદાદા, ભોળાનાથ તારે દર્શને આવવાની હવે શક્તિ નથી રહી કે નથી સંજોગો! હવે અહીં બેઠાં બેઠાં જ તારી ભક્તિ કરું છું, સ્વીકારજો. ચાલો, હવે બહોત ગઈ ને થોડી રહી.” પ્રફુલદાદા બોલ્યા વગર કંઈ રહે! ”હોય કંઈ! થોડી ગઈ ને બહોત રહી કહેવાય, અભી તો હમ..” ”જવાન નહીં હૈ હમ” કલાબાએ પૂર્તિ કરી. કલાબાનો ભરાય આવેલો અવાજ સાંભળી, ”અરે દીકો ન રહ્યો તો શું થયું? હું છું ને, ચાર શું ! તું કહે એટલા ધામ જાત્રા કરાવીશ બસ.” ને દાદીની આંખો લૂછતાં, ”સો.. નો રોના, ધોના..” ને કંઈ યાદ આવ્યું હોય એમ હરિદાદા તરફ ફરી એમનું ઓઢવાનું ખેંચતા બોલ્યા ”એ હરિયા, ઊઠ, આજે તો તારો જન્મદિન છે, હેપી બર્થ ડે. ” હરિદાદા ચારસો પોતાની તરફ ખેંચતા બોલ્યા ”સુવા દો ને, માંડ હમણાં આંખ લાગી છે, રાત આખી જાગતો જ હતો” ”તે અલ્યા તું કહેતો હતોને કે રાત્રે બાર વાગે તને વિશ કરવા તારા દીકરાનો ફોન આવવાનો હતો, તે આવેલો? ”હરિદાદા બેઠા થતા ”ના, પ્રફુલભાઈ ના. માફ કરજો, મેં બહુ ગપ્પા માર્યાં, બહુ ડંફાસો મારી, મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન આવવાનો. તમને બધાને હંમેશા જુઠ્ઠું કહેતો રહ્યો. અરે! ફોન તો શું, એઓ મારું મોઢું પણ જોવા નથી માગતાં. મારી પત્નીનાં અવસાન પછી તો તેઓએ મને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. ભાઈ, આજે નહીં તો કાલે તમને આ વાતની ખબર પડવાની જ હતી પ્રફુલભાઈ, કલાબેન.” બોલતા તો એમની આંખો ભીની થઈ ગઈ. કલાબા સાંત્વન આપતાં કહે, ”મન ઉદાસ ન કરો ભાઈ, પણ તમે તો અવારનવાર ફોન પર વાતો કરો છો, એટલે મને થયું..!” ”અરે ના રે કલાબહેન, એ તો આપણને મળવા આવે છે ને કોલેજના છોકરાઓ, એમાંથી એક, બિચારો બહુ ભાવ રાખે છે. એને કહ્યું હતું કે ભાઈ, કોઈ વાર ફોન કરજે, ગમશે. પણ કાલે બિચારો ભૂલી ગયો હશે! આપણાં જ આપણાં ના રહે તો..! બર્થ ડે તો ઠીક મારા ભાઈ!”
ને ત્યાં જ આ ઉદાસ વાતાવરણમાં ખુશીઓથી ભરપૂર વવાઝોડું પ્રવેશ્યું. કોલેજનાં ચારેક યુવક યુવતીઓ ”હેપી બર્થ ડે હરિદાદા”ના ગુંજારવ સાથે કેક અને ગિફ્ટ લઈ આવી પહોંચ્યાં. હરિદાદાને વિશ કર્યું. આરોહી, રોનકે કેક કાઢી ટેબલ પર સજાવી. સાહિલ, અનેરીએ બાજુમાં ગિફ્ટ મૂકી. આરોહી બોલી, ”સોરી, યાર કેન્ડલ રહી ગઈ લાગે છે!” કલાબા તરત જ બોલ્યા, ”લે આ દીવો, હરિભાઈનો જન્મદિન મીણબત્તી બૂઝાવીને નહીં, દીવો પ્રગટાવીને મનાવીએ” આરોહીએ દીવો પ્રગટાવ્યો. હરિદાદા પાસે કેક કપાવી, રોનકે મોબાઈલ પર મ્યુઝિક મૂક્યું. ને વડીલોનો હાથ પકડી ડાન્સ કરાવ્યો. બધાં ખુશમિજાજ, ફક્ત અનેરી બહુ મૂડમાં નહોતી! સાહિલ હરિદાદાને ગિફ્ટ આપતા, ”હરિ દાદા, ગિફ્ટ ફોર યુ.” હરિદાદા આભારવશ ગળગળા થઈ બોલ્યા, ”દીકરાઓ, થેંક્યું, તમે મને દાદા કહો છો, પણ મારી પાસે તમને રિટર્ન ગિફ્ટ આપવા કાંઈ નથી, મારી પાસે તો..” આરોહી હરિદાદાને આગળ બોલતાં અટકાવીને બોલી, ”છેને! આપની પાસે અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર ‘થોથાસૂઝ’ કામ ન લાગે ને ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તકો વાંચી તમારે અમને સમજાવવાનું છે.” ”અને હા, ફિકર નહીં કરો. દાદા, પુસ્તક લાઈબ્રેરીનું છે અને અઢાર દિવસમાં પરત કરવાનું છે, વાંચી લો, પછી લઈ જઈશું, બીજા દાદા દાદી માટે, ને તમને બીજું લાવી આપીશું.” પ્રફુલદાદા બોલ્યા, ”આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે, તો તમે ક્યારે વાંચશો?” રોનકે કહ્યું, ”ઓ દાદા, અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાયબ્રેરીની ડયુઅલ મેમ્બરશીપ. લીધી છે, એક અમે વાંચીએ અને એક આપ બધાં માટે, ચાલો અમે જઈએ.” કલાદાદી પ્રસાદનો વાટકો લાવતાં બોલ્યાં, ”લ્યો બેટા પ્રસાદ લેતા જાઓ.” ને અનેરીને સંબોધી કહ્યું, ”કેમ બેટા તું કંઈ નથી બોલતી?” અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ”પહેલીવાર આવી છેને! બીજીવાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે.” અનેરીએ પરાણે સ્મિત આપ્યું. એઓ ‘બાય, બાય’ કરને ગયાં. હરિદાદાથી બોલાઈ ગયું, ”પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન આવા દેવદૂતોને મોકલી આપતા હોય છે!” કલાદાદીથી ના રહેવાયું, ”અરે, કેટલાં મીઠડાં છે ! અમારો દીકરો હોત તો એને ત્યાં ય કદાચ આવડાં છોકરાં હોત! પ્રભુની ઇચ્છા, બીજું શું?”
***
વૃદ્ધાશ્રમમાંથી નીકળતાં જ સાહિલે અનેરીને પૂછ્યું, ”કેમ અનેરી તને મજા ન આવી?” આરોહી બોલી, ”એ તો ના જ પાડતી હતી. હું એને ખેંચીને લાવી.” અનેરી તરત જ ”યાર, આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલડીઝ.” અનેરીની વાત અટકાવતાં જ આરોહી બોલી, ”મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી. આપણો ‘મોટો’ (Motto) જ એમના ચહેરા પર ખુશી લાવવાનો છે. જો આ પ્રફુલદાદા અને કલાદાદીનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો, હવે એમને કોઈ જોનાર નથી, ને હરિદાદા રોજ રાહ જુએ પણ..” ”આઈ નો બટ.. આઇ રિયલી ડોન્ટ નો વાય.. બટ આઇ હેઈટ ધીસ ઓલ્ડ પીપલ, રીંકલવાળા ફેઈસ, ટિપિકલ હેબિટ્સ! ખોંખારો ખાયા કરે, અને ગમે ત્યાં ત્યાં થૂંકે, નકામું બોલ બોલ કર્યા કરે, હમારે જમાને મેં ઐસા થા, વૈસા થા…. બ્લા બ્લા બ્લા..!” રોનક તરત જ બોલ્યો, ”નો અનેરી, ધે આર ક્યૂટ, તારે દાદા દાદી હોત તો..” ”આઈ ડોન્ટ નો, હું શું કરત! હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમના મા-પપ્પા ગુમાવેલા.. નો નેવર, હું બીજીવાર નહીં આવું. અરે, હું જુદું સમજી હતી. મને તો સ્વીટ કિડ્સ, ક્યૂટ ડોગ્સ, કે ઈવન બલાઈન્ડસ..પણ ગમે..! એટ લીસ્ટ બ્લેક સનગલાસ પહેર્યા હોય એટલે સારા લાગે!” સાહિલ વાત અટકાવતાં જ બોલ્યો, ”છોડો, ચાલો જલદી, ક્લાસનો ટાઈમ થઈ ગયો.” અનેરીએ જવાબ આપ્યો, ”ઓકે, લન્ચ બ્રેકમાં મળીએ છીએ પિત્ઝા પબ પર.. મારા તરફથી..!”
આ ચારેયની પાક્કી દોસ્તી, બધે સાથે જ જાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે ત્રણ જ જાય. આમ તો અનેરીના ઘરેથી કોલેજ જતાં વૃદ્ધાશ્રમ વચ્ચે જ આવે પણ ત્રણેય મિત્રો એને વૃદ્ધાશ્રમ આવવા દબાણ કરતાં નહીં.
એક વખત ચારેય મિત્રો ફિલ્મ જોઈને પરત ફરતાં હતા. સાહિલ આરોહીને મુકવા ગયો. ને રોનક અનેરીને.. રોનકની બાઈક બગડી, બહુ મહેનત કરી પણ વ્યર્થ! અનેરીએ કહ્યું, ”તું ફિકર નહીં કર, જો પેલ્લું દેખાય મારું ઘર! વોકિંગ ડિસ્ટન્સ જ છે, જતી રહીશ. પહોંચી ફોન કરી દઈશ સ્યોર.” એ પ્રોમિસ લઈ રોનક બાઇક ઘસડતો ચાલવા લાગ્યો.
અનેરીએ ચાલતાં ચાલતાં આરોહી સાથે પણ વાત કરી, છેલ્લે હસતાં કહ્યું ”લે તમારાં વૃદ્ધાશ્રમ પાસેથી જ પસાર થાઉં છું, બાય ત્યાં જ પાછળથી કોઈ મવાલી ધસી આવ્યો. અનેરીને પકડી છેડછાડ કરવા લાગ્યો. અનેરી ખૂબ ગભરાઈ ગઈ હતી છતાં ચીસાચીસ કરી મૂકી. ઊંઘ ન આવતા પ્રફુલદાદા બહાર જ આંટો મારતાં હતાં એઓ લાકડી ઠોકતાં દોડી આવ્યા. મોટેથી ઘાંટો પાડ્યો ને મવાલી ભાગી ગયો. કલાદાદી, હરિદાદા પણ દોડી આવ્યા. અનેરીને અંદર લઈ જઈ શાંત પાડી. અનેરી આભારવશ થઈ ‘થેન્ક યુ સો મચ, દાદા આપ ના હોત તો!’ કલાબાએ હેતથી હૈયે વળગાડી કહ્યું, ”અરે અમે હોઈએ તો કોઈ હાથ તો લગાડે અમારી દીકરીને! ચાલ, બહુ મોડું થઈ ગયું છે. મમ્મી, પપ્પાને ફોન કરી દે, તને લઈ જાય. આટલા મોડાં એકલાં નહીં જવાનું દીકરા.” અનેરીએ બધી જ વાતો કરી ને કહ્યું મમ્મી, પપ્પા અમેરીકા છે. મારું આ લાસ્ટ ઈયર પતે પછી જઈશ. હમણાં એકલી જ છું, પણ ઘર સાવ નજીક જ છે, હું જતી રહીશ.” કલાબાએ વ્હાલથી હાથ ફેરવ્યો અને વોચમેનને બોલાવીને એને અને વોચમેનની પત્નીને, અનેરીને ઘરે મૂકવા મોકલ્યા.
બીજે દિવસે જ અનેરી એકલી પહોંચી ગઈ વૃદ્ધાશ્રમ દાદા દાદી માટે કંસાર લઈને! દાદા દાદીએ એને આવકારી ને કંસાર જેવી વાનગીથી આ પેઢી પરિચિત છે, વળી જાતે બનાવે જાણી આનંદ વ્યક્ત કર્યો. અનેરીએ પોતના હાથે ખવડાવ્યો. દરમ્યાન ત્રણેય મિત્રો આવી ગયાં. ખરેખર તો કાલની ઘટના બાબત આભાર માનવા જ આવ્યા હતાં પણ ત્યાં અનેરીને જોઈ સુખદ આશ્ચર્ય થયું અનેરીએ એમને પણ કંસાર ધર્યો. ”કંસાર અને તું?” બધાંનાં ચહેરા વાંચી આરોહી બોલી, ”યાર, ગુગલ સર્ચ કરી ઓલડીઝને.. સોરી દાદાદાદીને શું ભાવે એ શોધી બનાવ્યું.” કહી ચમચી આરોહીના મોઢામાં મૂકી. ”ઓયે, આટલો ખારો! મીઠું નાખ્યું છે, સ્ટુપીડ..” થું થું કરવા લાગી. અનેરીએ દાદાદાદી સામે જોયું, દાદાદાદી બોલ્યા, ”દીકરીના હાથનું મીઠું જ લાગે. અમે તો છોકરાઓના વહાલના ભૂખ્યા છીએ” સોરી કહેતા અનેરીની આંખ ઊભરાઈ ગઈ. પણ બધા ખુશ હતા.
હવે અનેરી પણ નિયમિત વૃદ્ધાશ્રમ આવતી. અરે, નજીક જ રહેતી હોવાથી ઘણીવાર એકલી પણ આવતી, એ દાદાદાદીની વધુ નજીક થતી ગઈ. હવે તો અનેરીએ રોજ જ જવા માંડ્યું હતું. અલકમલકની વાતો થતી. અનેરી દાદી પાસેથી વિવિધ વાનગી, અથાણાં, ભરતગુંથણ, વિવિધ નુસ્ખા વિગેરે શીખતી ને અનેરી દાદાને મોબાઈલમાં જુદી જુદી એપ્સ, ગુગલ વિગેરે ટેકનોલોજી સમજાવતી. દાદી અનેરીને માથામાં તેલ માલીશ કરતી તો અનેરી દાદીને આગ્રહ કરી પેસીયલ કરી આપતી.
કોલેજના એન્યુઅલ ગેધરીંગમાં બધાના આગ્રહથી દાદાદાદીએ જવાનું જ. ત્યાં અનેરીએ નાટકમાં કલાબાનાં ગેટઅપમાં દાદીનું પાત્ર ભજવેલું, જોઈ ખૂબ ખુશ થયેલા.
રોજની જેમ જ અનેરી વૃદ્ધાશ્રમ ગઈ, આજે ખૂબ ખુશ હતી, ખાસ તો એટલે કે અનેરી એની બર્થ ડે માટે દાદાદાદીને આમંત્રણ આપવા આવી હતી, ”દાદાદાદી, કાલે મારી બર્થ ડે છે, તમારે આવવાનું છે, મેં ઘરે જ નાનકડી પાર્ટી રાખી છે.” દાદી બોલ્યા. ”અરે, અમને ઘરડાંને રહેવા દે, અમારાં આશિષ છે જ.. તું મિત્રો સાથે પાર્ટી કર.” એમ નહીં, દાદાદાદી, તમારો જે સમાન લેવો હોય એ લઈ લો, તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું, મારા પ્રિન્સીપાલસાહેબ અને અહીંના મેનેજમેન્ટની મદદથી પરમિશન મળી ગઈ છે. પેપર્સ તૈયાર છે. ખાલી તમારી હા બાકી છે. તમારે દીકરી નથી ને મારે દાદાદાદી નથી. તો હવે એકે અક્ષર નહીં સાંભળું, બસ મને વહાલ કરતાં હો તો માની જાઓ.” દાદાદાદી એકબીજા સામે જોયું. ”અરે બેટા, ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક.. કાયમ.. તો તને ભારે પડીશું.” ”હું કંઈ ના જાણું” કહેતી અનેરી નીકળી ગઈ. બીજે દિવસે દાદાદાદી ઘરે પહોંચતા જ, ”બહુ જ નજીક છે તારું ઘર બેટા” ”હા મારી કોલેજ નજીક પડે એટલે અહીં આ વન બીએચકે લીધું છે. મોટું ઘર દૂર છે.” હેપી બર્ઢ ડે અનેરી અને વેલકમ દાદાદાદી આમ બે કેક સજાવ્યા હતા. ”ચાલો, દાદાદાદી, પહેલા તમે કેક કાપો..” ડોર બેલ પડતાં જ અનેરી ખોલવા ગઈ, ખુશીથી ઝૂમી ઊઠી, એનાં મમ્મી પપ્પા અમેરિકાથી સરપ્રાઈઝ આપવા આવ્યાં હતાં, ”અરે હું પણ તમને સરપ્રાઈઝ આપું આવો..! દાદાદાદી, આ મારા મમ્મી પપ્પા ને મમ્મી પપ્પા, આ મારા દાદાદાદી..” દાદાદાદી પોતાના જ દીકરા-વહુને અને મમ્મીપપ્પા પોતાના જ મા બાપને જોઈ અવાચક થઈ ગયાં.. દાદા તરત જ ”માફ કરજે બેટા અનેરી” કહી કલાદાદીનો હાથ પકડી ઘરમાંથી નીકળવા જાય, અનેરીને કાંઈ ન સમજાય, પપ્પા દાદાને પગે પડ્યા અને મમ્મી પણ તેમને અનુસરીને, માફી માગતાં કહે ”મા, બાપુજી, ફોરેન સેટ થવાના ને એકલા રહેવાના અભરખાંમાં અનેરીના જન્મ પહેલા મેં જ તમને દૂર મોકલી દેવાની જીદ કરેલી, નહીં તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપેલી..” પપ્પા બોલ્યા ”એ ભૂલ અમને જિંદગીભર સતાવતી રહી.. અમે હવે અહીં જ રહેવા વિચારીએ છીએ. આપની સાથે.. હવે તો અમારી પણ સાંજ ઢળશે.” અનેરીથી બોલાઈ ગયું ”ઓહ, ગોડ.. તો, એકબીજાને મન તો મારા મમ્મી-પપ્પા અને દાદા-દાદી તો જીવતા છે જ નહીં!” કલાબાનો માનો જીવ જરા ખેંચાયો. આ જોઈ દાદા કલાબાનો હાથ જોરથી ખેંચી બોલ્યા, ”ચાલ કલા..” અનેરીએ ડૂસકાં સાથે દાદાની કફનીની બાંય ખેંચતા આજીજી કરી ”રોકાઈ જાઓ..” ને ઘરની ગરમ થયેલી આબોહવા ગાતી હતી..
‘તપી ગયેલા સૂરજને ટોકો કોઈ..
વહી જતી આ સાંજને રોકો કોઈ..’
Like this:
Like Loading...