પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૩-દરિયા વગરના દિવસો

દરિયા વગરના દિવસો

એમનું નામ બહુ સરસ હતું, અરુણોદય. જાણે બંગાળી-બંગાળી લાગે, અરુણોદય. એ કહેતા કે એમના ફાધરનું પોસ્ટિંગ બહુ શરૂઆતમાં ઉત્તર બંગાળીમાં થયેલું. ત્યાં આ નામ એમણે સાંભળેલું, ગમી ગયેલું, ને યાદ રહેલું. પછી ફાધર જ્યારે પરણ્યા, અને દીકરો જન્મ્યો ત્યારે ફાધરે આ નામ પાડવાનો આગ્રહ રાખ્યો. પછીથી સ્કૂલમાં એમણે નામ નવેસરથી ફક્ત અરુણ લખાવ્યું. બીજા કેટલાયે અરુણોમાંના એક બની ગયા. પણ એ કોલેજમાં આવ્યા, અને કળાકાર તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ફરીથી અરુણોદય નામ એમણે અપનાવ્યું. બીજાં બધાં માટે એ એમનું તખલ્લુસ હતું. કેવળ મારે માટે જ એ એમનું રીતસરનું નામ હતું. હું એમેને અરુણોદય કહીને બોલાવતી ત્યારે બધાંને થતું કે હું એમની મજાક કરું છું. એ જાણતા કે એવું નહતું. એમણે મને કહ્યું હતું કે મારે મોઢેથી એ નામ સાંભળવું એમને બહુ ગમતું હતું. હું ચિડાવતી, “શું પોતાના જ નામના પ્રેમમાં પડી ગયા છો?” એ કહેતા, “ના તારા પ્રેમમાં!’ ને, હું હસતી – મોટી જોક હોય એમ!

        દરરોજ અરુણોદય સાથે વાતો પૂરી થતી નહીં. જોકે અમે બે એકલાં હોઈએ ત્યારે સંકોચ થવા માંડતો, કે ચૂપ થઈ જવાતું. શાથી, તેની ખબર વળી શાની પડે? બીજાં સાથે ટોળામાં હોઈએ ત્યારે અમારું વાકચાતુર્ય બહુ ખીલતું – અરુણોદયનું, ને એટલું જ મારું પણ!

        આ પ્રેમનું પણ કૈં ગજબ હોય છે. એ અદ્રશ્ય હોય, ભૂગર્ભમાં જતો રહે, સમાંતર ધારા થઈને ચાલે. જોકે આ બધું કુશલા સમજી, અને કેટલુંક અનુભવી પણ ચૂકી, ત્યારે વચમાં ઘણાં વર્ષો વીતી ગયેલાં, એ પછી, છેલ્લે, કશો અણજાણ્યો પસ્તાવાનો ભાવ એને કોરી રહેતો હતો, તે પણ પ્રેમનું જ એક સ્વરૂપ. જાતે જ એક જણને ખોઈ બેઠાં હોવાનું ભાન થવું –મોડું મોડું, તે આ સ્થિતિ છે. કુશલાના બી.એ. પાસ કરતાં જ લગ્ન થઈ ગયેલાં. એને તો વધારે ભણવાની ઈચ્છા હતી, પણ પાત્ર બહુ સારું હતું, એમ એણે સાંભળ્યા કર્યું હતું. સુનય સાથે મળવાનું થયું તે પછી એ પણ મનોમન એવું જ કહેવા માંડી ગઈ હતી. સુનય ઊંચો ને દેખાવડો હતો, હસમુખો અને હોશિયાર હતો, એટલું જ નહીં, પણ એક શીપિંગ કંપનીમાં મોટો ઓફિસર હતો. એના સફેદ યુનિફોર્મમાં તો એ એવો સરસ લાગતો કે એના પર ધ્યાન જાય જ! કુશલાની બહેનપણીઓ કહેતી કે એ બરબર રણબીર કપૂર જેવો લાગે છે! સુનય વર્ષના કેટલાય મહિના બહાર રહેતો હતો, એના પર જાણે કે કોઈનું યે ધ્યાન જ ના આપ્યું. એ બહાર જ નહીં, પણ એને તો સામટા ઘણા મહિના દરિયા પર રહેવાનું થતું હતું. કોણ જાણે કેમ કોઈનેય એ વાત વિચારવા જેવી કેમ ન લાગી? કુશલાને પણ એ બાબત વિચારવા જેવી ન લાગી! એ પ્રશ્ન કુશલાએ પોતાને પૂછ્યો હતો. પણ તે તો લાંબા સમય પછી! એ દરમિયાન એ કહેવા માંડેલી, “હું હવે બરાબર ખલાસી બની ગઈ છું.” એ તો સારું હતું કે એને ક્યારેય દરિયો નડ્યો નહીં. સુનય ગર્વ કરીને બધાંને કહેતો; “કુશલામાં ને મત્સ્યકન્યામાં કોઈ ફેર ખરો?”

          સંસાર આવો હોઈ શકે તેવી કલ્પના પણ કુશલાએ કરી નહોતી. કુશલાને માટે તો આ જ એના જીવનની શરૂઆત હતી. આગલા વર્ષોનું જીવ્યું જાણે ફક્ત અત્યાર માટેની તૈયારી રૂપે જ હતું. જે છૂટ્યું હતું તે સાનંદ છૂટ્યું હતું. કોઈ કે કશું એને યાદ નહોતું આવતું. મમ્મી-પપ્પાની સાથે તો ફોનથી વાતો થતી જ રહેતી, અને હવે તો સ્કાઈપના સિગ્નલ સાગર પર પણ આવી શકતા હતાં. કુશલાએ પેરિસમાં વાળ કપાવેલાં, તેને એની મમ્મીએ નોટિસ કર્યું હતું.

ત્રણેક વર્ષ પછી પહેલીવાર નાના ભાઈ કેયૂરનાં લગ્ન પર કુશલા અને સુનય બંને ઈન્ડિયા ગયેલાં. નાની ભાભી જુહી બેંગલોરની હતી. બધાં જાન લઈને ત્યાં ગયાં હતાં. લગ્નના અસંખ્ય સમારંભો પછી છેક અમદાવાદ જવા જેટલો ટાઈમ સુનય પાસે હતો નહીં. ઘરનાં બધાં જ ત્યાં મળી ગયેલાં એટલે કુશલા પણ એની સાથે જ સ્ટીમર પર પાછી જતી રહી હતી.

કુશલાને કાંઠા-કિનારાની ઝંખના ક્યારેય થઈ નહોતી. એને મઝધાર જ બહુ ગમતો. સાગર અને ગગનની ભૂરી ભૂરી છીપની વચમાં કીમતી મોતી જેવું વહાણ, એ પવનના સંગમાં દૂર દૂર સરકતું જતું હોય, ને ક્ષિતિજ હસતી હસતી નજરની સાથે રમતી હોય. બસ, આ જ જોઈને કુશલા રોજ વિસ્મય અનુભવતી, – કેટલા બધા દરિયા, એક પછી એક, એકમેકની સાથે ગુંથાયેલા લાગતા! એકસરખા તોયે જુદા! કુશલા વિચારતી, ઝરણું હોય તો નાચતું-કૂદતું જાય, નદી હોય તો વળાંક લેતી હોય, દરિયો હોય તો ઊછળીને પણ બતાવે. તો પોતાના જીવનનો આ કેવો પ્રવાહ છે, જે સતત સીધો ને સરળ જઈ રહ્યો છે? શું તે ઊંડો નથી એટલે ચંચળ નથી? એકવિધ છે તેથી ક્યાંય વળતો નથી? કેવો જુદી જ જાતનો હશે એના જીવનનો જળ સમૂહ? કદાચ, એવી કોઈ વાર્તા હશે કે જેને કોઈ મધ્ય ના હોય ને કોઈનેય તેમાં રસ ન પડતો હોય?

પહેલાં એકવાર તો આ વિચારથી કુશલાને હસવું આવી ગયું. પણ પછી, પવનની સાથે હાથમાંનો લાંબો સ્કાર્ફ ફરકાવવાની રમત રહેવા દઈને, એ ગંભીર બની ગઈ. સુનય સાથેના આ જીવનથી જુદું એને કશું જ જોઈતું નહોતું. બધી જ બાબતે બેઉના વિચારો મળતા હતાં અને સરખા હતાં, સિવાય કે બાળકના સંદર્ભમાં ક્યારેક કુશલાને લાગતું કે એ કદાચ ક્યારેક જુદું વિચારે છે! સુનયને બાળકો નહોતા જોઈતા. કુશલા પણ સંમતિથી કહેતી કે, “હા, પૃથ્વી પર છોકરાંની ખોટ નથી. તો, આપણાં એક કે બે બાળકોને જ પ્રેમ કરીએ એનાં કરતાં અનેકોને પ્રેમ કરી શકીએ તો વધારે સારું છે.” ગરીબ બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓને તેઓ નિયમિત રીતે દાન કરતાં.

પણ, ક્યારેક જ કુશલાને થતું કે આવા સરસ સુનયનો વંશજ હોવો જોઈએ! સુનય આ વાતને હસી કાઢતો અને કુશલા ત્યારે અંદર જ ગૂંચવાતી. “એકલા સુનયનું જ કારણ કેમ, મારું પોતાનું પણ આમાં કારણ અથવા માનવાનું પણ હોય કે નહીં?” આ પ્રશ્નનો એને કદી જવાબ નહોતો મળતો. બાકી આમ તો બેઉ એ વિચારીને ખૂબ જ ખુશ થતાં કે અચાનક જ મળી ગયેલાં આપણી વચ્ચે કેટલો બધો પ્રેમ છે! સમય વિતતો જતો હતો. છ એક મહિના પછી, મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠના પ્રસંગે ભારત જવાનું થયું. બેઉએ એવું નક્કી કર્યું કે કુશલા આગળ જાય અને સુનય પછીથી આવશે. જવાના બે મહિના પહેલાં કુશલાને થોડુંક જુદું જુદું લાગતું હતું-એના દેહમાં અને મનમાં! ત્રીજે મહિને પણ એ રજસ્વલા ન થઈ ત્યારે એને કોઈ શંકા ન રહી. એને સુનયને બધું જ કહેવું હતું, પણ, પહેલાં, આ બાબતે એ થોડું પોતે જ વિચારવા માગતી હતી. ધીરજથી વાત કરવાનો સમય મળે એ પહેલાં જ કુશલાને ઈન્ડિયા જવા નીકળી જવું પડ્યું. એને થયું, સુનય એકાદ અઠવાડિયામાં તો ઈન્ડિયા આવવાનો જ છે ત્યારે નિરાંતે વાત કરાશે. પણ, અંતમાં એવું બન્યું કે મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે, સુનયથી સ્ટીમર પરની જવાબદારીઓને કારણે અવાયું નહીં. કુશલા અમદાવાદ પહોંચી ત્યારથી જ એને થાક બહુ લાગતો હતો. અચાનક જ કુશલાને પેટમાં દુખાવો ઊપડ્યો. ડોક્ટર પાસે ગયાં ત્યારે ચૂકાદો એ આવ્યો કે બાળક બચ્યું નહોતું ને પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. “પહેલીવારની પ્રેગનન્સીમાં આવું થાય, એમાં કઈં બહુ ચિતાનું કારણ નથી.” ડોક્ટરે કહ્યું હતું.

કુશલા મનમાં હેબતાઈ ગઈ હતી, “આ કેવું? એ આવ્યું ક્યારે અને ગયું ક્યારે? આવું છું અને જાઉં છું એવું કશું જ કહેવાનું નહીં?” પહેલીવાર એને પવનની દિશા અને મોજાંનું જોર અનપેક્ષિત લાગ્યાં. એને એ પણ થયું, ‘બાળક તો જોઈતી ચીજના લીસ્ટમાં હતું જ નહીં, તો એના નહીં હોવાનું દુખ કેમ?” આટલી સમજણ હોવા છતાંયે એને માટે કિનારો રેતાળ થવા માંડ્યો હતો!

        થોડા દિવસ પછી એની કોલેજની એક સખી, હીનાએ સહુ મિત્રો સાથે મળવાનું ગોઠવેલું. એણે કુશલાને કટાક્ષમાં કહ્યું હતું કે, “તું જોજે તો ખરી કે કોઈ ઓળખાય છે કે નહીં!” કુશલાને સાચે જ કોઈ તરત ઓળખાયું નહીં! વચમાં દરિયા જેટલાં લાંબા સાત વર્ષ વીતી ગયા હતા. ધીરે ધીરે એ જૂની બહેનપણીઓ સાથે વાત કરવા લાગી. એ બીજાં વિષે રસ બતાવતી રહી અને પોતા વિશે વાત કરવાનું ટાળતી રહી. ત્યાં જ એની પાછળથી કોઈએ પૂછ્યું, “શું મારી સાથે વાત કરવાનો વારો આજની તારિખમાં આવવાનો ખરો?” આટલા વર્ષે પણ કુશલાએ એ અવાજ ઓળખી લીધો. “અરુણોદય?” બસ, અને એ કોલેજના સ્વરૂપમાં હતી એવી એના ચતુર, ચપળ અને હસતી-હસાવતીના અવતારમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. આ સાત વર્ષોમાં અરુણોદય પણ પરણી ગયેલા. એમણે એને કહ્યું પણ ખરું કે, “હા, બધાની જેમ હું પણ સંસારનું સુખ પામી રહ્યો છું.” ત્યાં જ નજદીક ઊભેલું કોઈક બોલ્યું, “કુશલા, અમે બધાં જ મધર અને ફાધર થઈ ગયાં છીએ પણ તું હજી એવી ને એવી જ દેખાય છે!”  કુશલા અને અરુણોદયે, એ સમયની ટેવ પ્રમાણે ત્વરિત ચાતુર્યોક્તિઓમાં થોડો સમય ગાળ્યો હતો, એની યાદ આવતાં જ કુશલા તરત જ બોલી ઊઠી હતી. “અરે, હજી તો થોડી જ ગઈ છે અને બહુ તો બાકી છે!” કુશલા બીજાઓ સાથે આમ હસવા-બોલવામાં સમય ગાળતી હતી ત્યારે પણ એને એમ જ લાગતું હતું કે અરુણોદય એને જ જોઈ રહ્યા હતા, બિલકુલ એવી રીતે, જેમ એ એમને જ જોઈ રહી હતી!

        ખરેખર તો એને થયું કે આ સમય દરમિયાન અરુણોદય એને પ્રમાણી રહ્યા હતા. કોલેજકાળમાં જેમ એ કુશલાના પ્રત્યેક હાવભાવ, અરે એની આંખના પલકારાને પણ ઓળખી શકતા, શું એ જ પ્રમાણે હજુ આજે પણ એને જાણતા હતા? કુશલાએ બાળક ગુમાવ્યું હતું એ બધાંથી છુપાવી રાખ્યું હતું. ભાઇ-ભાભી પાસેથી પણ કોઈનેય ન જણાવવાનું વચન લીધું હતું, એટલે સુધ્ધાં કે મમ્મીને પણ નહોતું જણાવ્યું! એના મનમાં, જીવનમાં અકસ્માતે ખાલી પડી ગયેલી એ જગા આજે જાણે અરુણોદયની નજરોમાં પકડાઈ જતી હોય એમ લાગતું હતું.

        કુશલા ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. અરુણોદય બહાર ઊભ ઊભા એની જ રાહ જોતા હતા. એમણે ઓચિંતો કુશલાનો હાથ પકડીને એને રોકી. સહેજ જેવો સ્પર્શ, ને એ સાથે જ બધા દરિયાનાં બધાં મોજાં ત્યાં ને ત્યાં થંભી ગયા! સચેતન કુશલા જાણે બધીર બની ગઈ હતી! જાણે મધદરિયે આવેલા ઝંઝાવાતમાં ફાટતા જતા શઢની જેમ વીતેલાં વર્ષોના લીરા ઊડવા માંડ્યા હતા! અરુણોદય કશું કહી રહ્યા હતા પણ એ જાણે કશું જ સાંભળી શકતી નહતી!

“તું થાકેલી લાગે છે. ફરી મળજે.” કુશલાને લાગ્યું, કદાચ અરુણોદય એમ બોલ્યા હતા કે, “કોઈ પણ વાત કરવી હોય તો ફરી મળજે!” ખારી હવામાં સૂકાતો હોય એવા અવાજે કુશલા બોલી, “ચોક્કસ.” અને, પકડાયો હતો તેવો જ ઓચિંતો જ હાથ છૂટી ગયો. કુશલાને લાગ્યું, બધા જ દરિયા એકસામટા મઝધારેથી વરાળ થઈ ગયા!

******

“સમય વીતતો ગયો. સુનય અને હું હજી દરિયા પર જ છીએ, હા, પણ, વહાણ પર નહીં. સુનયને હાર્ટએટેક આવ્યો પછી એણે વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી. એના જેવાને કોઈ પણ માંદગી નડે એની જ નવાઈ! તે પછી અમે મુંબઈથી થોડે દૂર એક ઘર લઈ લીધું છે. દરિયા પર દરિયા પાસે તો રહેવું જ હતું. સુનયથી પણ વધારે મારે! છીપની વચમાં કે મઝધાર પર ના રહી શકું, પણ, એવા કિનારે તો રહી શકું કે જ્યાં જોરદાર મોજાંની સાથે મઝધાર મારી પાસે આવી પણ શકે અને જઈ પણ શકે!

સુનયે એક કિતાબ લખવી શરૂ કરી છે. એ કહે છે કે દરિયા સાથે વિતાવેલા સમય પર લખી રહ્યા છે. હું માનું છું કે ધીરે ધીરે લખાણ દરિયા વગરના દિવસો ઉપરનું થતું જશે! મને ઘણીવાર એવું કેમ લાગે છે કે સુનયને મારી અંદરની ખાલી જગા દેખાઈ ગઈ છે? કઈ રીતે દેખાઈ હશે? શું મારી આંખોની અંદર જોયું હશે, સુનયે, કે, પછી મારા સ્મિતોની પાછળ? એ કશું જ બોલ્યા નથી, પણ, મનેય સુનયની અંદર બની ગયેલી ખાલી જગ્યાનો અંદેશો આવી ગયો છે. શું કારણ હશે એનું? શું થયું હશે સુનયને? હું પણ કશું બોલતી નથી. સાંજે ભીની થયેલી રેતી પર અમે ચાલવા નીકળીએ છીએ ત્યારે અમારી બાજુમાં કેટલાયે જુદા જુદા દરિયા ઘુઘવતા હોય છે. અમે વાતો કરતાં રહીએ છીએ, ને, પોતપોતાની અંદરની ખાલી જગ્યાને એકબીજાંથી સંભાળતા- સંતાડતાં રહીએ છીએ, પોતપોતાના ખાનગીપણાંને ખાનગી રાખતાં!

મારે તો જે અકસ્માત્ ગુમાવી દીધેલું, તેની યાદ ઉપરાંત સમજ્યા વગર જેને જતો કરેલો તે પ્રેમ માટેનો અપરાધભાવ પણ સાચવતાં રહેવાનું છે. જો આટલું મારી પાસે ન બચી શકે તો ફક્ત પેલી ખાલી જગ્યા જ બાકી રહી જશે, એવો ભય મને સતત સતાવે છે.

અરુણોદય, કેટલું સરસ હતું એમનું નામ! “અરુણોદય”, હું પછી ક્યારેય એમેને મારા અવાજમાં આ નામ સંભળાવી ન શકી. એ નામ કેવળ દરિયો સાંભળે એમ ઉચ્ચારવાનુંયે બન્યું નહીં. જેવું એ નામ બોલવા જાઉં છું કે એમણે વર્ષો પહેલાં કહેલા બે શબ્દો પડઘાય છે –“તારા પ્રેમમાં- દરિયામાંથી કિનારા સુધી, પાણીમાંથી રેત સુધી, પાણીમાંથી રેત સુધી, મઝધારમાંથી મારા સુધી…!”

*********

Advertisements

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૨-એકનો એક પ્રેમી

એકનો એક પ્રેમી

હમણાં હમણાંથી કિનારી બહુ વિચિત્ર મુડમાં રહેતી હતી. ક્યારેક ઉદાસ અને ક્યારેક ચૂપ થઈ જાય, તો ક્યારેક અધીરી ને ઉતાવળી થઈ જતી, પણ અકળાયેલી તો હંમેશાં જ રહેતી એવું કેશવને લાગતું હતું. વાત વાતમાં ચિડિયાં કરતી રહેતી અને જીભયે કડવી થઈ ગયેલી. એને વારંવાર બધી બાબતમાં વાંકું જ પડ્યા કરતું.

સારું હતું કે કેશવ સ્વભાવે ધૈર્યવાન હતો. ૨૨ વર્ષોના લગ્નજીવન પછી પણ કેશવને કિનારી હજી એટલી જ ગમતી હતી> કિનારી – એની કિની, આખો દિવસ બેગમ અખ્તરની ગાયેલી ગઝલો ગણગણતી જાય, ને, ઘર આખામાં ફરતી જાય. કોઈવાર કેશવ એને બાથમાં લઈ લે. અને “એ મહોબ્બત તેરે અંજામ પર રોના આયા” જેવી લીટી ગવાતી હોય તો એને પૂછે, “કેમ ભઈ, તારા પ્રેમનો એવો કેવો અંજામ આવ્યો છે? અહીં હું તો તારો પડ્યો બોલ ઝીલવા હાજર તો છું, એથી વિશેષ બીજું શું કરું, કહે!” કિનારી એના ગાલ પર ટપલી મારતી ને, હસતી ત્યારે એવી સરસ લાગતી, કે ભાગ્યે જ કેશવને જો એના પર ગુસ્સો આવ્યો હોય તો કિનારીનું સ્મિત જોતાં જ લાપતા થઈ જતો! આવી સદા હસતી, ગાતી એની “કિની”ને આ શું થઈ ગયું છે, કેશવ પોતાને જ પૂછ્યા કરતો.

હવે તો કેશવ જે કઈં પણ બોલે કે કરે એમાં એને વાંધો જ પડતો. “આજે જમવામાં કઈંક સરસ બનાવજે” એવું કહે તો જવાબ મળતો, “કેમ રોજ બનાવું છું તો સારું નથી હોતું?” જો કેશવ એવું કહે કે “ચાલ, આજે બહાર જમવા જઈએ.” તો તો આવી જ બન્યું! કિનારી છણકો કરીને કહેતી, “કેમ હવે ઘરનું ખાવાનું નથી ભાવતું?” સૌથી વધારે કડવાશ સુહાસિની અને ડેવિડની બાબતે આવી ગઈ હતી. આમ તો એ લોકો એકેમેકને ઘણાં વર્ષોથી ઓળખતાં હતાં, અને, વખતોવખત ભેગાં પણ થતાં. પણ, હમણાંથી કિનારીને વાંધા જ પડતાં. “આમ તો નામ છે દેવેન્દ્ર, પોતે પક્કો ઈન્ડિયન, તો ડેવિડ નામ રાખવાની જરૂર શી? અને પાછાં બહેનબા પાછાં પોતાને ફક્ત “સુ’ – સુંદરનો “સુઉઉઉઉ…!” અમેરિકામાં લોકોને જીભે ચડે એટલે દેવેન્દ્રે “દેવ/ડેવિડ” નામ કર્યું હતું અને સુહાસિનીનું “સુ” કર્યું હતું. અરે, કિનારી પોતે પણ પોતાનું હુલામણું નામ “કિની” જ બધાને કહેતી. કેશવ જો આ વાત યાદ કરાવતો તો, કિનારી સામો હુમલો કરતાં વ્યંગમાં કહેતી, “હા ભઈ, તમારી “સુ”ની વાત તો ન જ થાય!”

આજકાલ સુહાસિનીના ઘણા ફોન આવતા પણ એ કેશવના મોબાઈલ પર જ ફોનો કરતી. કિનારીને આમ તો એની જાણ ન થાત પણ એકવાર કેશવ આઘોપાછો હતો ત્યારે એના મોબાઈલની ઘંટડી વાગતાં, એણે ફોન ઉપાડ્યો હતો. કિનારીને ખૂબ નવાઈ લાગી હતી કે સુહાસિનીને કેશવના મોબાઈલ પર ફોન કરવાની એવી તે શું જરૂર પડી? ઘરના જ નંબર પર જ ફોન કરવાનો હોય ને? તે સમયે તો એણે સુહાસિની સાથે વાત પતાવી પણ પછી કેશવ પર તૂટી પડી, “છાનુંમાનું તમારા બેઉ વચ્ચે આ શું ચાલી રહ્યું છે?”                કેશવે એને પાસે બેસાડીને કહ્યું, “અમારી વચ્ચે કઈં જ નથી ચાલતું પણ ડેવિડ ખૂબ માંદો છે. એને કદાચ પ્રોસ્ટેટનું કેન્સર છે. આ બધી વાતોમાં મારી સલાહ પૂછવા મને ફોનો કરતી હોય છે.”                                                                                   “ઓહો, એ માંદો છે તો મને કહેવામાં શું તકલીફ પડી તમને બંનેને? અને તું કઈં ડોક્ટર તો નથી તો તારી સલાહ શું કામ માંગવી પડે?” તોયે, કેશવે એની સામે કોઈ દલીલ ન કરી, કે ન ગુસ્સો કર્યો. કિનારીના વાળ સહેલાવીને એ મીઠું હસ્યો, ને, પછી, કિનારીને ગમતી ડીવીડી ચાલુ કરી. હવે ઉદાસ થઈ ગયેલી કિનારી સોફા પર જરા આડી પડી. એને થોડી શરમ પણ આવતી હતી કે કેમ એનું મન આવું કરતું હતુ, પણ, એટ અ ટાઈમ, આવું કેમ થઈ જતું હતું એની એને ખબર જ નહોતી પડતી! શુજાતખાનના ગળામાં, અમીર ખુશરોનું ગાન ચાલુ હતું, “છાપ, તિલક સબ છીની રે, મોસે નૈના મિલાય કે..!” આ સુફી પ્રેમ ગીત સાંભળતાં જ કિનારીએ દિલ પર હાથ મૂક્યો.. એના મુડના ચઢાવ-ઉતારની પાછળ હતો બિજૉન, અને તે પણ આટલાં વર્ષે! કિનારી એને ભૂલી જ ગઈ હતી. એની યાદોની કનડગતને થંભી ગયે તો જમાનો વીતી ગયો હતો…! અમેરિકામાં કેશવ સાથેનું એનું જીવન સુખી હતું. વ્હાલસોયાં દિકરો-દિકરી, સારાં મિત્રો, મોટું ઘર અને ઈન્ટરનેશનલ વેકેશનો, અને એ સાથે કેશવ હજી એના પર મુગ્ધ રહ્યો હતો! આનાથી વધુ સુખ પણ શું હોય શકે?

આમ તો ભૂતકાળની યાદને માટે કોઈ જ કારણ નહોતું, પણ થોડા સમય પહેલાં, મેનહૅટનમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલના પ્રસંગે એણે બિજૉનને જોયો હતો. પહેલાં કરતાં થોડો જાડો થઈ ગયો હતો અને વાળ પણ થોડા ઓચા થઈ ગયા હતાં પણ હતો તો એનો એ જ! બે ફેશનેબલ સ્ત્રીઓનું ધ્યાન એના પર ન્યોછાવર થયેલું હતું. એ અહીં અમેરિકામાં ક્યાંથી? હવે એ અહીં રહેતો હશે? એવું હોય તો તો આવી જ બન્યું! કિનારીને ચિંતા થઈ. બિજૉનને મળવા તો એ નહોતી જ ગઈ પણ એને મળવાનું ન થાય એવી રીતે એ સંતાતી રહી હતી! કેશવને ત્યારે નવાઈ પણ લાગેલી કે આફ્ટર-પાર્ટીમાં રોકાવાના બદલે એન નીકળી કેમ જવું હતું, પણ, કિનારીએ કહ્યું કે એનું માથું સખત દુઃખે છે, એટલે એ પણ કોઈ આનાકાની વિના નીકળી ગયો હતો.

બિજૉન કિનારીનો પહેલો પ્રેમ હતો, ને કદાચ આખરી પણ…! એ પછી ફરી એવો રોમાન્ટીક પ્રેમ પણ ક્યાં થયો હતો..? કેશવ સાથે ઊંડો સ્નેહ-ભાવ ખરો પણ એ તો સહ-સંસારને કારણે. બિજૉનની સાથે તો હ્રદયે પહેલવહેલી વાર પ્રેમ પંથ પર પગલાં પાડ્યાં હતાં. બધું જ પહેલવહેલું વળી – એ નજરોનું મળવું, એ શરમાવું, એ હાથ પકડવું, એ બેઉના ઓષ્ઠદ્વયોનું મળવું, એ ચુંબન અને એક વાર_ _ _! કિનારી ઝબકી ગઈ. વર્ષો પહેલાં જ્યાં મજબૂત ડેમ બાંધ્યો હતો, તે અચાનક જ ભાંગી પડવા માંડ્યો હતો? એ ઊભી થઈ, પણ, ખરેખર તો, જે એક વારની યાદ એને આવી તે વારે પણ એવું ખાસ કશું બન્યું નહોતું, બસ, ગાઢ આલિંગન અને એક ચુંબન, સંપૂર્ણ સમર્પણ નહોતું જ થયું, ને, બિજૉનનો કેવો ગુસ્સો સહન કરવો પડ્યો હતો! અને, એકલો જ ગુસ્સો નહીં પણ બિજૉનના હાથનો પણ પરચો મળ્યો હતો! આ યાદ બિજૉનને જોતાં જ ફરી જીવતી થઈ હતી! ને તેથી જ એના મનનો ગભરાટ પણ ફરી જાગ્યો હતો.

હવે એ કેશવને આ વિષે બધું જ કહી દેવા માંગતી હતી, પણ, ત્યારે સમય હતો નહીં. સાંજના બંનેને એક પાર્ટીમાં જવાનું હતું. કિનારીએ સોનેરી કિનાર, પાલવ અને બુટ્ટીઓવાળી મણિપુરી હાથવણાટની કાળી સાડી પહેરી. કેશવે આંખોમાં એટલા પ્રશંસાના ભાવ સાથે એની સામે જોયું કે કિનારીના મન પરથી ફરીથી આગળનું બધું સરી ગયું. એના જીવનમાં આ એક જ સંબંધ આધારભૂત હતો, તે એ જાણતી હતી, વર્ષોથી જાણતી હતી. બિજૉન ફરી મળી જશે એવી કોઈ શક્યતા તો હતી નહીં, અને ગભરાઈ જવાનો કોઈ પ્રસંગ આવવાનો નહોતો, એમ માનીને એ નિશ્ચિંત હતી. પાર્ટીમાં ઘણાં આવી ગયાં હતાં. પીણાંના ટેબલ પર ખાસ્સી ભીડ થઈ ગઈ હતી. કિનારી અને કેશવ ઓળખીતાં મિત્રો સાથે સરસ અટવાઈ ગયાં હતાં કે ના ઓળખતાં અને ઓછું ઓળખતાં હોય એવા લોકોને મળવાનો વારો જ ન આવ્યો. વચમાં બંને છૂટાં પણ પડી ગયાં. કેશવ બીજા પુરુષો સાથે હાથમાં ડ્રિન્ક લઈને ઊભો હતો. બંને દેશોના રાજકરણની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. કિનારી જરૂર પ્રમાણે મદદ કરતી હતી- ક્યારેક રસોડામાં તો ક્યારેક ગેસ્ટરૂમ તરફના કબાટમાંથી કશું કાઢી લાવવામાં.

પાર્ટીમાંથી છેવટે બંને ઘેર જવા નીકળ્યાં ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. ગાડીમાં બંને ચૂપ હતાં બંનેએ વિચાર્યું કે એ થાકી હશે કે એ થાક્યો હશે. છેવટે કિનારીથી ના રહેવાયું. એણે પૂછ્યું, “એ કોણ હતું?”  “કોણ કોણ હતું?” કેશવે સામું પૂછ્યું.

“અ  રે, પેલી બહુ દેખાવડી નહતી, એવી એ કોણ હતી? તું બહુ ઓળખતો હોય તેમ વાત કરતો હતો ને?”

“ઓહ એ? એ તો માલા હતી.

“સારું ભઈ, માલા! પણ એ હતી કોણ?”

કેશવે જરા અટકીને કહ્યું, ‘કિની આપણે નક્કી કર્યું છે ને કે પચીસમી લગ્નની વર્ષગાંઠે એકબીજાને બધું જ કહી દઈશું! રાહ જોઈ લે ત્યાં સુધી!”

“મજાક કરે છે??” કિનારીએ તીખાશથી પૂછ્યું, “બીજાં ત્રણ વર્ષો રાહ જોવાની વાત કરે છે તે મારી મશ્કરી કરી રહ્યો છે?”

“એવું નથી કિની, વાત ખાસ અગત્યની નથી રહી હવે, પણ, છતાં કહું છું. એ માલા સાથે મારું નક્કી થયું હતું.”

“શું? એની સાથે તારા વિવાહ થયા હતા?”

“ના વિવાહ સુધી વાત નહોતી પહોંચી. થોડી વાતચીત થઈ હતી બેઉ કુટુંબો વચ્ચે. ને, અમે પણ બે-ત્રણ વાર મળ્યાં હતાં.”

“પછી શું થયું? આગળ કેમ ન ચાલ્યું?”

“મને ખબર નથી. મને તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે એણે બીજે વિવાહ કરી લીધા છે.”

“હં, એટલે બિચારા તને પછી, મને પરણવું પડ્યું! મારાથી ચલાવું પડ્યું! વિચારો કેશવ!” ફરીથી એના મનમાં કટુતા ફેલાવા માંડી.

 “જો કિની, ખરેખર તો માલા બિચારી કહેવાય. એના હસબંડની વાત કરવા લાગેલી. બીજી સ્ત્રીઓ સાથે ફરે છે, એ તો ઠીક, પણ માલાને મારી પણ બેસે છે!”

પછી વાત બદલતા કેશવે કિનારીને પૂછ્યું, “પણ તું પેલાને ક્યાંથી ઓળખે?”

‘અરે જે બહુ દેખાવડી નથી એનો હસબંડ. તું બહુ ઓળખતી હોય તેમ વાત કરતી હતીને? કેશવે કિનારીના જ સૂરમાં એના જ શબ્દો વાપર્યા.

તો બિજૉન માલાનો હસબંડ હતો? ને, હજી એવો જ ક્રૂર હતો? તો, તો, માલા બિચારી ખરી જ. પાર્ટીમાં અચાનક બિજૉનને જોઈને, પહેલાં તો કિનારીને ગભરાટ થઈ આવેલો. એ સામસામે થઈ જશે તો? ને ત્યારે એ કિનારીને સંભળાવા માંડશે તો? અહીં બધાની વચમાં ફિયાસ્કો તો નહીં થાયને? કિનારીએ સિફતથી કાળજી લીધી કે એ એકલી ન પડે ને બિજૉનની નજીક પણ ન હોય. એ એટલે પાર્ટીમાં ઓળખીતાંઓ વચ્ચે રહી અને જરૂર પડે ત્યારે મદદ કરતી રહી. એને હાશ પણ થઈ હતી કે આટલાં બધાંની વચ્ચે એ બિજૉનની નજરે નહોતી પડી.

રસોડાની પાછળના ગેસ્ટરૂમ પાસેના કબાટમાંથી વધારે નેપકીન અને કાંટા-ચમચી કાઢી લાવવા કિનારીને જવું પડ્યું. એ નિશ્ચિંત ભાવે એકલી ગઈ. સામેથી આવતી એક મહેમાન સ્ત્રી ગભરાયેલી કેમ લાગતી હશે એવું સહજ વિચારતી એ આગળ ગઈ તો ગેસ્ટરૂમના બારણાની બહાર બિજૉનને ઊભેલો જોયો. હવે તો એ પણ ગભરાઈ. પાછી ફરી જાય તે પહેલાં બિજૉન એની પાસે આવ્યો. કિનારીએ જોયું કે એના હાથમાં દારૂ ભરેલો ગ્લાસ હતો, એની આંખો લાલ થયેલી હતી, જબાન થોથરાતી હતી. આશ્વર્ય જેવું તો એ લાગ્યું કે બિજૉન એની સામે જોતો હતો પણ એની આંખોમાં ઓળખાણનો કોઈ ભાવ નહોતો. દારૂની અસર નીચે એ કોઈ જોર વગરના જાનવર જેવો બનેલો હતો. કિનારી સહેલાઈથી ખસી ગઈ. બિજૉનને ભીંતનો આધાર લેવો પડ્યો અને એના હાથમાંનો દારૂ એનાં કપડાં પર ઢોળાઈ ગયો. તરત મોઢું બગાડીને એ કપડાં ખંખેરતો ગેસ્ટરૂમમાં જતો રહ્યો.

આવી હાલત થઈ ગઈ છે એની? કિનારી નવાઈ પામી. ફરીથી એને માલા માટે સહાનુભૂતિ થઈ. કેવો ઈત્તફાક હતો, એણે વિચાર્યું, કે એક સમયે અમારાં બેઉનું જીવન આ બેય સાથે કઈંક અંશે સંકળાયું હતું. ને, કેવી નિરાંત કે પોતાને ભાગે કેશવ આવ્યો હતો!

       એકદમ ને, અચાનક કિનારી નિશાત ગાર્ડનમાં હતી. સ્વચ્છ અને સુગંધી પવન એની આસપાસ ફરી વળ્યો હતો. એના આનંદનો પાર ન હતો. એણે ઊંડો શ્વાસ મનમાં ભરીને આંખો બંધ કરી. જોયું તો પોતે હારબદ્ધ ફુવારાની વચ્ચેના પથ પર નાચી રહી હતી, ગાઈ રહી હતી – “કોઈ કહે દે ગુલશન ગુલશન, લાખ બહારેં એક નશેમન”

       હવે ગાડીમાં એ પોતાના એકના એક ને વહાલામાં વહાલા ઘર તરફ જઈ રહી હતી ત્યારે એનો એકનો એક પ્રેમી પૂછી રહ્યો હતો એને કે, તું ઓળખતી હતી એને?

મુક્ત થઈ ગયેલી કિનારીએ પણ વાત સાવ બદલી. કહે, “અરે, જોવા તો દે, મોબાઈલ પર કોનો મેસેજ છે?”

વાંચીને એણે સાચી લાગણીપૂર્વક કેશવને કહ્યું, “જો, બહુ સારા ખબર છે. સુહાસિનીનો મેસેજ છે. એ કહે છે કે ડેવિડ હોસ્પિટલમાંથી ઘેર આવી ગયો છે. ધાર્યું હતું એટલું ખરાબ સ્ટેજ એના કેન્સરનું નથી. ધીરેધીરે એને દવાપાણીથી સારું થતું જશે, એમ ડોક્ટરો માને છે. કાલે આપણે મળવા જશું હોં.”

કેશવે પણ નિરાંત અનુભવી. “સુહાસિનીએ આપણને વિગતે જણાવ્યું, એ સારું થયું” પણ, એણે કિનારીને છોડી નહીં. જરા વારમાં એણે પાછું કિનારીને પૂછ્યું, “પણ, પેલો કોણ હતો એ તો કહે.”

“અરે, કહું છું. પણ કમાલ છે તું, એ બે જ મિનિટમાં તું મને જોઈ પણ ગયો?” પછી કિનારીએ બેફિકરી રીતે કહ્યું, “કોઈ દારૂડિયો હતો, મારા પર લાઈન મારવા જતો હતો.”

“ઓહો, એમ કે? તો તો વાંધો નથી.”

“નહીં કે?” કિનારીએ એને ચિડાવ્યો.

કેશવ શાંતિથી બોલ્યો, “તને કોઈમાં રસ હોય તો જ મારે ચિંતા કરવાની હોય! બાકી તારા પર લાઈન મારવાની મહેનત તો ઘણા કરતા હશે, કિની, પણ બુદ્ધુઓને ક્યાં ખબર છે કે તું તો ક્યારનીયે મારી જાળમાં ઝૂલે છે!” અને કિનારીનો હાથ પકડીને આગળ બોલ્યો, “ને, હું તને ક્યારેય છટકવા દેવાનો નથી.”

ગાડીમાં પ્રસરી ગયેલી કાશ્મીરી હવા કિનારીના હાસ્યથી રણકી ઊઠી હતી.

 

 

 

 

 

 

 

 

 

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૧-ફરજના ભાગ

(પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી અને લેખિકા છે. તેમણે અનેક પ્રવાસવર્ણનો લખ્યા છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.

પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જુઇનું ઝુમખું (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ખંડિત આકાશ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને ઓ જુલિયટ પ્રગટ થયા હતા. એક સ્વપ્નનો રંગ તેમનો વાર્તા સંગ્રહ છે.

અવર ઇન્ડિયા તેમનું છબીકલા પરનું પુસ્તક છે.

આવતા ત્રણ મહિના આપણે એમની ટુંકી વાર્તાઓનો લાભ લઈશું, પણ પ્રીતિબહેનના અન્ય સર્જનોનો લાભ પણ ભવિષ્યમાં આંગણાંને જરૂર મળશે એની મને ખાત્રી છે.

પી. કે. દાવડા (સંપાદક) )

ફરજના ભાગ

એ રાતે હજી સાડા દસ જેવા થયા હતા. સૂવા માટે હજી વહેલું હતું. કૌશિકભાઈ અને ચેતના બહેન નિરાંતે ટેલિવિઝન પર સિરિયલ જોઈ રહ્યાં હતાં. થોડીવાર પહેલાં એમની રેવાબાઈ રોજના રિવાજ પ્રમાણે એક રકાબીમાં થોડી દ્રાક્ષ અને સફરજનની ચીરીઓ આપી ગઈ હતી. ચેતનાબહેને કહેલું, “હવે તું બેસ અને ટીવી જોવું હોય તો જો.”  રેવાબાઈ કુટુંબ સાથે ઘણાં વર્ષોથી હતાં. ચેતનાબહેન જ નહીં, કૌશિકભાઈ પણ એમેને ઘરનાં જ ગણતાં. મન થાય ત્યારે એ સાથે બેસીને ટીવી જોતાં, એ રાતે રેવાબાઈને વહેલાં સૂઈ જવું હતું.  એમણે કહ્યું, “સવારના પહોરમાં વડીઓ પાડવી છે, જેથી, તડકો ચઢે એટલે તરત સૂકાઈ જાયને.”

“એને કામનો થાક નથી” ચેતના બહેન બોલ્યાં.

“આ વર્ષે કાળી દરાખ શું મીઠી આવી છે, નહીં” કૌશિકભાઈનું ધ્યાન ટીવીથી પણ વધારે ફ્રૂટમાં હતું.

બે-ત્રણ દ્રાક્ષ એક સામટી મોઢામાં મૂકતાં ચેતનાબહેને કહ્યું, “વાહ!”

એ જ વખતે ફોનની ઘંટડી સાંભળીને બંનેને નવાઈ લાગી. આ ટાઈમે ફોન કોણ કરે? બધાં સિરિયલ જોતાં હોય. ફોન કરવાનો વિચાર પણ કોને આવે? એમનો દિકરો સૂરજ અમેરિકામાં, ને બહુ ફોન ના કરે. પહેલાં પહેલા બંને ફોનની રાહ જોતાં, વલખતાં, ફોન આવે ત્યારે સૂરજને જરા વઢતાં – કે, ‘ભઈ, મહિને એક વાર ફોન કરવાની ટેવ પાડોને?’ પણ, એવું ક્યારેય બન્યું નહીં. પણ એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, “કેટલા પૈસા થાય છે, ખબર છે? ખાલી’ કેમ છો’ કહેવાનું હોય ને બધાં સારાં જ હોય એમ માની લેવાનું!” પણ, એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, સૂરજ પણ બોલેલો, “પપ્પાજી, અમેય અહીં એવા કામમાં હોઈએને કે ક્યાં દિવસો જતા રહે એનો ખ્યાલ જ ન રહે!”

અને, બંનેએ મન વાળી લીધેલું. જ્યારે ફોન ક્યારેક આવે ત્યારે ફરિયાદ કરતાં નહીં, ને, લાંબી વાતો કરવા પણ ના બેસતાં. એ રાતે ફોન સૂરજનો જ હતો. “ઓહો, કેમ છો ભઈ? સુરખી બેટા મઝામાં? લે, મમ્મી, તમને_ _ _ “

“ના, ના, પપ્પાજી, તમને સારા સમાચાર આપવાના છે. સુરખીને ન્યુઝ છે!”

“અરે વાહ, ભઈ! કોન્ગ્રેચ્યુલેશન્સ, તમને બંનેને. લે, આ મમ્મી વિશ કરે _ _ _ _”

“એક મિનિટ, પપ્પાજી. જરાક તમારી સાથે કામની વાત કરી લઈએ!” સૂરજે ઉતાવળે કહ્યું.

“હા, બોલ ભઈ.”

“એવું છે કે સુરખી તો અહીં સાવ એકલી. એને જાતે બધું ફાવશે નહીં _ _ _”

“હા, ભઈ, તમારી ત્યાંની જિંદગી તો એવી જ _ _ _ _”

“પપ્પા, જરા પૂરી વાત તો સાંભળી લોને_ _ _ જરા!”

સૂરજ કદાચ ઘડિયાળ તરફ જોતો હશે, કૌશિકભાઈએ ઉદાસ ભાવે વિચાર્યુ.

“અમારે અહીં ડિલિવરીમાં અને પછી બાળકને ઉછેરવામાં કોઈની જરૂર પડશે, એટલે, મમ્મીએ અહીં આવી જવું પડશે, એમણે એકલાંએ જ…..!”

“શું કહે છે, સૂરજ? પછી અહીં ઘર કોણ ચલાવશે?” “અરે, તમારે ક્યાં અહીં જેવાં કોમ્પલિકેશન્સ હોય છે? ત્યાં માણસોની ખોટ નથી. સહેજમાં કોઈ પણ કામ કરી આપનારાં મળી જાય. ને, રેવાબાઈ તો છે જ ને? તો, જુઓ પપ્પા, અત્યારે હવે વધારે વાત નહીં પોષાય. ટૂંકમાં, અમારા એક ફ્રેન્ડ સાથે કાગળ મોકલું છું. એમાં બધી વિગત લખું છું કે મમ્મીએ ક્યારે આવવાનું છે. તો ચાલો આવજો.”

આટલી મોડી રાતે કૌશિકભાઈ ચેતનાને અપસેટ કરવા નહોતા માગતા, એથી એમણે ચેતનાને કહ્યું, “સૂરજ ફરી ફોન કરવાનો છે, ત્યારે તું ધરાઈને વાતો કરજે.”

કૌશિકભાઈ સવારની કોલેજ પૂરી કરીને દોઢેક વાગ્યે આવી ગયા. જમીને આડા પડવાની રોજની ટેવ, પણ આજે એમની ઊંઘ ઊડી ગઈ હતી. ચેતનાબહેન બોલ્યાં, “બપોરના સૂઈ નહીં જશો તો પછી સાંજથી બગાસાં ખાશો હોં અને મારી સિરિયલ બગાડશો.” કૌશિકભાઈ મૂંઝવણમાં હતા કે સૂરજ સાથે થયેલી વાત ચેતનાને કહેવી કે નહીં અને કહેવી તો ક્યારે? એ તો સાવ દુ:ખી થઈ જવાની. કૌશિકભાઈ અને ચેતનાબહેન ક્યારેય એકલાં નહોતા પડ્યાં. હંમેશા સાથે અને સાથે જ. દીકરો અમેરિકા ગયો પછી બંને એકબીજાના આધાર બની ગયા હતાં.  એ મનમાં વિચારતાં રહ્યાં કે ચેતના માર વગર ત્યાં, અમેરિકામાં શું કરશે અને હું અહીં શું કરીશ એના વગર?

કૌશિકભાઈએ ચેતનાને ગઈ કાલ રાતે સૂરજે આપેલા ખુશખબરની વાત ચેતનાને કરતી વખતે વ્હાલનું સંબોધન વાપરતાં કહ્યું, “સૂરજે શું કહ્યું છે ખબર છે? એણે કહ્યું કે મમ્મી વગર તો ચાલશે જ નહીં, એને કે સુરખી વહુને..!” સુરજનો કહેવાનો ઢંગ એ ચેતનાને કહેવા નહોતા માંગતા. પોતાની રીતે એમણે કહ્યું, “જો, એમણે આપણને વિનંતી કરી છે….!

“શેની વિનંતી?”

“એમ કે, તારી ખૂબ જ જરૂર પડશે, એટલે તને આગ્રહ કરીને ખાસ બોલાવી છે.”

“હા તે જઈશું, દિકરાને ત્યાં પ્રસંગ હોય તો જવાનું જ હોયને?” ચેતનાબહેન હજુ સમજ્યાં નહોતાં કે એકલાને જ બોલાવવામાં આવ્યાં હતાં.

પછીના દિવસોમાં તો જાણે શુંનું શું થઈ ગયું! સૂરજનો મિત્ર કાગળ આપવા આવ્યો, ત્યારે એણે સૂરજના કહ્યા પ્રમાણે બધી લાંબી વાત કરી. વિઝા માટેના જરૂરી કાગળો પણ એ લેતો આવેલો, અને કહે, “તમારા દિકરાનું કામ ખૂબ જ ચોક્કસ છે હોં! કશું જ ભૂલ્યો નથી.” ફિક્કાં પડી ગયેલાં મા-બાપ સંમતિનું સહેજ હસેલાં.

જુલાઈની ચોથીએ અમેરિકાનો સ્વાતંત્ર દિન, એ દિવસે બાળકના જન્મની ટેન્ટેટીવ તારીખ ડોક્ટરે આપી હતી. આથી મમ્મીએ જૂનના છેલ્લા અઠવાડિયામાં આવી જવાનું, એમ સૂરજે કહેવડાવેલું. આ જાણ્યું ત્યારથી પતિ-પત્ની બેઉ ઉદાસ થઈ ગયાં હતાં. દસ મહિનાનો વિયોગ નક્કી હતો, પણ બેઉને થતું હતું કે કેમ કરીને આ સમય જશે? કૌશિકભાઈ અમેરિકા જવા માટે પોતાની ટિકિટની સગવડ કરી શકે એમ હતા પણ સૂરજે કાગળમાં ચોખ્ખું લખ્યું હતું કે બે જણને આટલો સમય રાખવાનું પોષાય એમ નથી. વળી મમ્મી તો આખો સમય બિઝી રહેવાની, એટલે પપ્પાજી એકલા પડવાના, ને ખોટા બોર થવાના. એના કરતાં પછી વખત આવ્યે જોઈશું.

સૂરજે વિઝાના ખર્ચાના અને ટિકિટ માટેના ડોલર મોકલાવેલા, અને કહેલું કે વન-વે ટિકિટ ઈન્ડિયાથી ઘણી સસ્તી પડે છે, અને મેં ટ્રાવેલ એજન્ટને પૂછ્યું છે કે આશરે કેટલા થાય, તો, આટલા ડોલર્સમાંથી થઈ જશે ટિકિટ.

ટિકિટ ખરીદવાની થઈ ત્યારે ખબર પડી કે એ પૈસા પૂરા નહોતાં. કૌશિકભાઈએ પોતે બેન્કમાંથી પૈસા કાઢીને ખૂટતાં ઉમેરી દીધા હતા.

ચેતના બહેનને એ સાંત્વના આપતા રહ્યા કે દિકરાને જરૂર હોય ત્યારે મદદ કરવાની આપણી ફરજ છે, ખરું કે નહીં? તું ચિંતા ન કર, દસ મહિનાની જ વાત છે, એ તો ક્યાંય નીકળી જશે! પછીની રજાઓમાં તો એ મને બોલાવવાનો જ છે.

*******

સૂરજનો ફ્લેટ આટલો નાનો હશે એવું ચેતનાબહેને વિચાર્યું નહોતું. કરકસર તો એ સમજતાં હતાં પણ દિકરો-વહુ આટલી કંજૂસીથી કેમ રહેતાં હતાં એ એમને સમજાતું નહોતું. એક બેડરૂમ હતો એ દિકરો વહુ વાપરતાં હતાં. ડાયનીંગ એરિયામાં એક પાટ મૂક્યો હતો એ ચેતનાબહેનનો ખાટલો હતો! રસોડામાં બે જણ જ ખાઈ શકે એવું નાનું ટેબલ હતું. દિકરો વહુ જમી રહે પછી ચેતનાબહેન જમવા બેસતાં.

શરૂઆતના દિવસો ઝડપથી ગયા. બેબી આવી પછી થોડી અવરજવર રહી, ને મહિનો સુરખી ઘરે રહી, પણ, છોકરું સંભાળવા મમ્મી હતાં એથી નોકરી પર જલદી ચઢી ગઈ. એ પછી ચેતનાબહેનના દિવસો સાવ સૂના થઈ ગયા. કૌશિકભાઈ અઠવાડિયે બે વાર ફોન કરતાં હતાં એ પણ બંધ થઈ ગયું. સુરખીએ કહ્યું કે ગમે ત્યારે ફોનની ઘંટડી વાગે તો અમારી ચાંદની રાણી જાગી ન જાય? શનિ-રવિ અમે ઘરે હોઈએ ત્યારે મહિને એકાદવાર ફોન કરે તો વાંધો નથી.

નાનકડી ચાંદની સૂતી હોય ત્યારે ચેતના બહેન ફ્લેટનું બારણું ખોલીને કોઈક વાર ઊભા રહેતાં – બારણામાં જ કારણ, ઘરની ચાવી હજી એમને અપાઈ નહોતી. સૂરજે કહેલું કે એક્સટ્રા બનાવવાની છે પણ રહી જાય છે. સૂરજે એ પણ કહેલું કે તું એકલી જવાની પણ ક્યાં છે? ચેતનાબહેન લાંબા કોરીડોરમાં ઊભા રહેતાં આગળ પાછળ કોઈ દેખાતું નહીં, જાણે કે ભૂતિયું મકાન હોય અને એમાં એ નજર કેદ હોય! આવા જીવનને લીધે જ સહુ એકલપેટા થઈ જતાં હશે, એ વિમાસતાં અને કૌશિકભાઇના સાથને ઝંખતા રહેતાં.

ચાંદની ત્રણ મહિનાની થઈ પછી સુરખીની રજામંદી અને સૂચના પ્રમાણે ચેતનાબહેન એને બાબાગાડીમાં બરાબર ઢાંકીને, સવારના ભાગમાં, ઘરની નજીકના બાગમાં બહાર ફરવા લઈ જતાં અને બાર વાગ્યા પહેલાં ઘરે પાછા આવી જતાં, જેથી ચાંદનીને તડકો ન લાગે. ત્યાં એમની મુલાકાત શુભા સાથે થઈ. એ એની ત્રણેક વર્ષની દિકરી ઝુમુને લઈને આંટો મારવા આવતી. વાતવાતમાં શુભાએ કહેલું કે સૂરજ અને સુરખીને એ સાધારણ ઓળખતી હતી. આસપાસના સ્ટોરોમાં એ બધાં ક્યારેક મળી જતાં હતાં.

શુભા અને ચેતના બહેન વચ્ચેનો ઉમરનો તફાવત હતો છતાં બંને વચ્ચે મૈત્રી બંધાઈ. શુભા જ્યારે ચાંદનીને રમાડવાને બહાને ઘરે આવી હતી ત્યારે એણે સુરખીને પૂછી લીધું હતું અને એની રજામંદીથી શુભા, ચેતનાબહેનને દર રવિવારે બપોરે પોતાની સાથે બહાર લઈ જવા માંડી. પછી ધીરે ધીરે, સાથે જમવાનો સંબંધ પણ બંધાઈ ગયો. કોઈ વાર બહાર તો કોઈ વાર પોતાના ઘરે શુભા ચેતનાબહેને આગ્રહ કરીને જમાડી લેતી, અને કહેતી, “દીદી, જરા પણ સંકોચ ન કરો. તમે જ

જુઓ છોને કે મારા હસબંડ કામમાંથી ઊંચા જ નથી આવતાં. મને પણ તમારી કંપની ગમે છે.”

થોડા વખત પછી શુભાએ ચેતનાબહેને પૂછ્યું કે, “દીદી, મારે પાંચ મહિનાનો એક કોર્ષ કરવાનો છે. એ પછી હું લેબ ટેકનિશિયનની નોકરી માટે એપ્લાય કરી શકીશ. તમને વાંધો ન હોય તો ઝુમુને સવારે દસથી બપોરે એક સુધી રાખશો?”

“મને વાંધો નથી પણ સુરખીને ગમે કે ન ગમે.”

‘હું એની સાથે વાત કરી લઈશ. પણ દીદી, હું તમને થોડા પૈસા પણ આપીશ. તમે એ માટે જરા પણ આરગ્યુ ન કરતાં અને એ વાત આપણે સુરખીને નહીં કરીએ. એ પૈસા તમે તમારે માટે વાપરજો.”

ઝુમુ બહુ શાંત અને મીઠ્ઠી હતી. ચેતનાબહેનને દિદા દિદા કહેતી. શુભાએ સમજાવેલું કે બંગાળીમાં નાનીને “દિદા” કહે છે. ચેતનાબહેન બંને બાળકીઓને ફેરવીને આવે પછી શુભાએ મોકલાવેલું દૂધ પીને ઝુમુ સૂઈ જતી. ઊઠીને પછી શુભાએ મોકલાવેલું કેળું ખાતી અને ત્યાં સુધીમાં તો શુભા આવીને એને લઈ જતી. સુરખીના ઘરનું કશું જ ન વપરાય તથા ચાંદનીના રૂટિનમાં કઈં દખલ ન થાય, એની શુભા અને ચેતનાબહેન બેઉ કાળજી રાખતાં

શિયાળાનો અંધારો સમય પણ શુભાને લીધે ખૂબ સારો ગયો પણ હવે એમને કૌશિકભાઈની ચિંતા મનમાં રહેવા માંડી હતી. માર્ચ મહિનો શરૂ થવામાં હતો ત્યારે ચેતનાબહેને સૂરજને કહ્યું કે, “ભઈ, હવે એમના વિઝાની તૈયારી કરો. આવતા મહિને એમનું પણ ત્યાંની કોલેજનું વેકેશન શરૂ થવાનું તો ત્યારે અહીં આવી જાય તો સારું ને?”

સૂરજે જવાબ તૈયાર જ રાખેલો, “મમ્મી, તને તો ખબર છે ને કે, અહીં એક વધારે માણસની જગ્યા જ નથી. પપ્પા આવશે તો ક્યાં સૂશે?” પછી જાણે બાળકને પટાવતો હોય તેમ કહે, “હમણાં થોડા પૈસા બચાવીને મોટો ફ્લેટ લઈએ ત્યાં સુધી શાંતિ રાખ. પછી જોઈશું” ચેતનાબહેને હવે પોતાનો જ વાંક લાગવા માંડ્યો હતો કે પહેલાં પણ એણે જોઈશું કહ્યું હતું ત્યારે જ એમણે સમજી જવાનું હતું કે સૂરજની ઈચ્છા જ નથી કે પપ્પાજી આવે! રખેને ખર્ચો વધી જાય!

ચેતનાબહેન મનમાં ખૂબ ગુસ્સે થયાં અને એથીયે વધુ, દુઃખી થયાં. એમણે ત્વરિત નિર્ણય કરી લીધો અને સૂરજને કહે, “જો, સૂરજ, મને આવ્યે દસ મહિના થઈ ગયા છે. આપણે વાત થઈ હતી કે પપ્પાજી પણ આવશે અને પછી અમે બીજા બે મહિના રહીશું અને બેબીને એક વરસની કરી આપીશું. હવે જો એ ન આવવાના હોય તો આવતા મહિને હું પાછી જવા ઈચ્છું છું.” સુરખી કઈં બોલવા જતી હતી પણ એને વચ્ચેથી જ અટકાવીને કહ્યું, “જુઓ બેટા તમારા પ્રત્યેની મારી ફરજ સમજીને કોઈ પણ દલીલ વિના હું અહીં આવી. તમે બંને યુવાન છો અને પોતાની મરજી પ્રમાણે જીવી શકો છો. પપ્પાજીને ત્યાં એકલા રહેવું કેટલું કઠિન હશે એ હું સમજું છું. મને એમની તબિયતની ચિંતા છે અને હવે મારી ફરજ એમના પ્રત્યે છે.”

“તો પછી, મમ્મી, તમારે અમારી મુશ્કેલી પણ સમજવી જોઇએને?” સુરખીથી ન રહેવાયું.

સૂરજે એમાં ઉમેર્યું, “મમ્મી, આટલા બધા ખર્ચામાં તમારી ટિકિટની વ્યવસ્થા કરવી અઘરી છે.”

“ભલે, તો હું પપ્પાજીને કહીશ.”

“એમની પાસે હશે ઈન્ટરનેશનલ ટિકિટ કઢાવી શકાય એટલા પૈસા?”

અપમાન ગળી જઈને, સંયમથી પણ દ્રઢ અવાજે એ બોલ્યાં, ‘તું એની ચિંતા ન કરતો. એ સગવડ કરી લેશે.”

ખરેખર તો એ જાણતાં હતાં કે શુભાએ આપેલા પૈસા એમની ટિકિટ અને થોડી ખરીદી માટે પૂરતા હતા. શુભાની સાથે બહાર જવાનું થયું, ત્યારે એમણે પાડોશીઓને આપવા બદામ ખરીદી. ઘર માટે મોઘોદાટ સુગંધી કેસરનો ડબ્બો ખરીદ્યો. રેવાબાઈ માટે સાડી અને સેન્ટની શીશી લીધી, એમ વિચારીને કે ભલેને, એ પણ શોખ પૂરા કતી! આ બધું ખરીદીને થોડા દિવસ શુભાને ત્યાં જ રહેવા દીધું. શુભાના હસબંડની ઓફિસમાંથી એમના ડોલર્સ વાયર ટ્રાન્સફર કરાવી લીધાં અને ટિકિટની વ્યવસ્થા કૌશિકભાઇ તરફથી થઈ છે એવું સૂરજને કહ્યું. સુરજને એની ગરીબીની દલીલ કરવાની કોઈ તક જ ન આપી. શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને કહ્યું કે, “ઈન્ડિયાથી ટિકિટ સસ્તી છે, આથી આ પૈસા ટ્રાન્સફર કર્યા છે. સુરજ આવતા વર્ષે આપણને સાથે બોલાવશે.

જે બેગ લઈને આવેલાં, એજ બેગ લઈ ચેતના બહેન પાછા જઈ રહ્યાં હતાં. શુભાએ ઘરે આવીને બહુ વિવેકથી સૂરજ અને સુરખીને કહ્યું કે તમે બેઉ નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દીદીને એરપોર્ટ મૂકી આવીશ. મારી ઝુમુને ગાડીમાં ફરવાનું ગમશે પણ ખરું. સૂરજ અને સુરખી ફિક્કું હસેલાં.

જવાના દિવસે ચેતનાબહેને આવજો કહેવા સૂરજ અને સુરખી નીચે ઊતરેલાં. સુરખીના હાથમાં ઊંચકેલી ચાંદનીના માથા પર વ્હાલથી હાથ ફેરવીને, એના નાનકડા હાથમાં એક કવર મૂકતાં ચેતનાબહેને કહ્યું, ‘પપ્પાજીએ ખાસ આશિર્વાદ આપ્યા છે અને શુકનના એકાવન ડોલર્સ મોકલાવ્યા છે.”

બે પળ કવરને હાથમાં ફેરવ્યા પછી ચાંદનીએ કવર મોમાં ખોંસ્યું. સુરખી એને ખેંચવા ગઈ, પણ તરત ન નીકળ્યું, ત્યારે એ બોલી, “અરે વાહ, ચાંદની રાણીને દાંત આવ્યાં છેને કઈં?”

સુરજનો “આવજો” કહેવા, નકામો જ ઊંચો થયેલો હાથ નીચે પડતો ગયો ત્યારે એ સ્તબ્ધ થઈને વિચારતો હતો કે મમ્મીએ જતાં પહેલાં પાછું વળીને જોયું પણ નહીં!

પન્ના નાયકની વાર્તા-૧૩-રીઅલ ભાગ્યોદય

 (સતત ત્રણ મહિના સુધી આંગણાં માટે સરસ વાર્તાઓ મોકલવા માટે પન્નાબહેનનો ખૂબ જ આભાર-સંપાદક)

રીઅલ ભાગ્યોદય

આજે અમેરિકામાં થેંક્સગિવિંગનો તહેવાર છે. અમેરિકનો આજે ટર્કી, સ્ટફિંગ, મેશ્ડ પટેટો, ક્રેનબરી સૉસ, અને પમકીન પાયની જ્યાફત ઉડાવશે. દારૂ પીશે. હું, રાજેશકુમાર પંડ્યા, આજે થેંક્સગિવિંગના દિવસે મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં એકલો એકલો પથારીમાં આળોટું છું.

મને અમેરિકા આવ્યે ચોવીસ વર્ષ થયાં છે. આ પહેલો જ થેંક્સગિવિંગનો દિવસ છે જ્યારે મારે ઘેર કોઈ આવવાનું નથી. એકલો એકલો પથારીમાં આળોટું છું. સામે ટીવી ચાલુ છે. ન્યૂઝ આવે છે.

મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે. મારી પાસે અંગ્રેજી સાહિત્યમાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની પીએચ.ડી.ની ડિગ્રી છે. શિકાગો યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. કેટલાય નોબેલ પ્રાઇઝ બુદ્ધિજીવી વિજેતાઓ સાથે કામ કર્યું છે. એમની સાથે હર્યોફર્યો છું. મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં સૌથી વધુ જગ્યા રોકે છે વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોથી સભર શેલ્વ્સ. મેં વસાવેલું એકેએક પુસ્તક મેં વાંચ્યું છે. અત્યારે એટલે કે, છેલ્લાં ત્રણ વરસથી મારી પાસે કોઈ જૉબ નથી.

મારું લગ્નજીવન સુખી હતું. બાળકો મને ગમતાં પણ અમારે બાળક હોવું જોઈએ એનો આગ્રહ નહોતો. મારી પત્ની બીનાને બાળક જોઈતું હતું. એ એની માને મુંબઈ મળવા ગઈ ત્યારે તેણે ફોન પર એના સગર્ભા થવાના સમાચાર આપ્યા હતા. મેં આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું બાળક તે નીના. નીના અત્યારે બાવીસ વર્ષની છે, પેન સ્ટેટમાં જુનિયર વરસમાં કશું ભણી રહી છે. એ કોઈ કાળા છોકરા સાથે ફરે છે. આઈ લીવ હર અલોન.

લગ્નજીવન દરમ્યાન મારે માર્ગરેટ સાથે ઓળખાણ થઈ. એ મારી સાથે જ ભણાવતા ડેવિડ કોહનની બહેનપણી હતી. ડેવિડ સાથેનો એનો સંબંધ તૂટી ગયો પછી અમારો સંબંધ શરૂ થયો. પેગી (માર્ગરેટ) વાર્તા લખતી. મને વંચાવતી. અમે સુધારાવધારા કરતાં. પછી એ છપાવતી. એનો વાર્તાસંગ્રહ થયો. મને અર્પણ કરેલો. થોડા સમય પછી પેગી વાર્તાસંગ્રહના પ્રકાશકને પરણી ગઈ. આ સાત વરસ પહેલાંની વાત છે. મારી પાસે એનો ફોન નંબર છે, પણ કરતાં અચકાઉં છું. પેગી સાથેના સંબંધને કારણે હું અને બીના એકબીજાથી દૂર થતાં જતાં હતાં. એણે છૂટાછેડાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વરસ પહેલાં અમે સમજૂતીથી છૂટાં થયાં. નીના એની સાથે રહેવા ગઈ. મેં ઘર બીનાને લખી આપ્યું. બીના અત્યારે કોઈ એન્જિનિયરને પરણી છે. વેસ્ટ ચેસ્ટરમાં રહે છે. નીનાની ફી ભરવાની હોય ત્યારે મારા પર ફોન આવે છે. મેં નીનાની ફી ભરવા અને મારું ઘર ચલાવવા મારા બિઝનેસમૅન મામા પાસેથી ચાળીસ હજાર ડૉલર્સ લોન પર લીધા છે. એક વાર જૉબ મળશે એટલે બધા ડૉલર્સ ચૂકવી દઈશ.

બે વરસ પહેલાં એક છવ્વીસ વરસની છોકરી — નામે સ્મિતા — સાથે ઓળખાણ થઈ. એનો ભાઈ અહીં ડૉક્ટર છે. એને મળવા અને અમેરિકા ફરવાને બહાને સ્મિતા આવી હતી. સાચું કારણ તો કોઈ છોકરો મળે તો પરણી જવાનું હતું. ભાવનગરની મહિલા કૉલેજમાં એ ગુજરાતી ભણાવીને કંટાળી હતી. અમારું ક્લિક થયું. પણ સ્મિતાનાં પપ્પા-મમ્મી, ભાઈ વગેરે અમારા સંબંધથી નારાજ હતાં, કારણ મારી ઉંમર તેંતાળીસ વરસની હતી. જૉબ પણ નહોતી. અમે ભાગી જઈને પરણ્યાં. અમારાં લગ્નને બે વરસ થયાં છે પણ પહેલાં જેવું નથી.

મારી પાસે જૉબ નથી, કારણ શિકાગો યુનિવર્સિટીએ મારો કોન્ટ્રેક્ટ રિન્યૂ ન કર્યો. મેં નોર્મન મેઇલર પર પુસ્તક શરૂ કરેલું. ચાર ચેપ્ટર લખાયાં. ને પછી પેગી, બીના, નીના વગેરેના ચક્કરમાં અટવાયો. મારી સાથેના ડેવિડે ટોની મૉરિસન પર પુસ્તક લખ્યું. છપાવ્યું. સરસ રિવ્યૂ થયા. એ હવે ડિપાર્ટમેન્ટ ચૅરમૅન થઈ ગયો ને મને પાણીચું.

સ્મિતા કહે છે, ‘ન ભણાવવું હોય તો ગૅસ પંપ કરો, ગ્રોસરી સ્ટોરમાં બાસમતી ચોખા વેચો, કેન્ડી સ્ટોરમાં ક્લર્ક થાવ. આમ ઘેર બેસીને “સોપ”* ના જોયા કરો.’ સ્મિતા મારાથી કંટાળીને આયોવાની રાઇટર્સ વર્કશોપમાં ક્રિએટિવ રાઇટિંગના કોર્સ કરવા ગઈ છે. મને એકલું લાગે છે. હું રોજ ફોન કરું છું એ એને ગમતું નથી. મને ટાળવા આન્સરિંગ મશીન ચાલુ રાખે છે.

મેં જ્યોતિષીઓની સલાહ લીધી છે. હું શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યો છું. બસ, આ ડિસેમ્બર પૂરો થયો ને વરસ બદલાયું એટલે બધું સુધર્યું સમજો. ડિસેમ્બર પૂરો થવાને હવે પાંચ અઠવાડિયાં બાકી છે. પછી ભાગ્યોદય.

લાવ પેગીને ફોન કરું.

‘હાય પેગી. હેપી થેંક્સગિવિંગ. ડુ યુ નો હુ ધીસ ઇઝ?’

‘નો, લેટ મી થિંક.’ પેગી કહે છે.

‘રાજુ. યોર રાજુ પાંડ્યા.’

‘રાજુ, કૉલ મી સમ અધર ટાઇમ.’ આઈ એમ ઇન મિડલ ઑફ સ્ટફિંગ માઈ ટર્કી.’ પેગી ફોન મૂકી દે છે.

પાંચ અઠવાડિયાં પછી જાન્યુઆરીની પહેલીથી ડૉક્ટર રાજેશકુમાર પંડ્યાનો ભાગ્યોદય થાય છે. પંદરમી જાન્યુઆરી સુધીમાં જૉબ હશે, હશે, ને હશે. પછી બા કહેશે. ‘ભઈલા, બહુ દી’થી મોં નથ જોયું.’ સ્મિતા કહેશે ‘ડાર્લિંગ, ચાલને નાયગારા ફૉલ્સ જઈએ.’ પેગી કહેશે ‘લેટ્સ હૅવ અ કેન્ડલલાઇટ ડીનર ફૉર ધ ઑલ્ડ ટાઇમ્સ સેઇક.’ અને હું ડૉક્ટર રાજેશકુમાર પંડ્યા પોઝ લઈને કહીશ ‘લેટ મી થિંક ઇટ ઓવર.’

દર ગુરુવારે બાજુવાળા હરિભાઈ પટેલનાં વહુ ભાનુબહેન તપેલી ભરીને દાળ મોકલાવે છે. હરિભાઈ આવે એટલે એકનો એક સવાલ પૂછે ‘જૉબનું કાંઈ થિયું?’ હું બોલું એ પહેલાં જ જૉબ ચીંધવા માંડે ‘ન થિયું હોય તો આવી જાવ આપણી ‘ઓસનફ્રન્ટ મોટેલ.’ પર. રાતપાળીની ખાલી જગ્યા તમારી. બોલો છે વિચાર?’ હું નકારમાં માથું ધુણાવું એટલે વળી કહે કે ‘તમે તો ભણેસરી. અમારા મોટેલિયાની હોડમાં હાના બેહો!’ આજે હજી દાળ આવી નથી. સારું થયું. આજે સપરમે દિવસે હરિભાઈના સવાલમાંથી બચી ગયો.

બઝર વાગે છે.

‘હુ ઇઝ ઇટ?’ ઇન્ટરકોમ પર પૂછું છું.

‘નીના.’

હું બઝર દબાવું છું. નીચેનું બારણું ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવે છે. હું અપાર્ટમેન્ટનું બારણું ખોલી ઊભો રહું છું. નીના દાદર ચડીને ઉપર આવે છે. સાથે કાળો છોકરો છે.

નીના મને વળગી પડે છે. એના ગાલ ઠંડા છે. એણે વૂલન કોટ પહેર્યો છે. હાથમાં મોજાં છે. ખભે પર્સ છે. કેટલે બધે વખતે મેં જોઈ નીનાને.

‘પપ્પા, આ સ્કોટ ગીબ્સ. એ ટ્રિનિડાડનો છે. વી લિવ ટુગેધર.’ નીના કહે છે.

‘હલો સ્કોટ.’ હું હાથ મિલાવું છું.

‘પપ્પા, મારે બાથરૂમ જવું પડશે.’ નીના દોડીને બાથરૂમમાં જાય છે, બારણું બંધ કરે છે. સિન્કમાં આખો નળ ખોલવાનો અવાજ આવે છે.

હું સ્કોટને બેસવા કહું છું. એ ઊંચો છે. એના વાળ ભૂંગળીવાળા છે. આંખો તેજસ્વી છે. બરછટડા કાળા વાળવાળી દાઢીમાંથી એના જાડા પહોળા હોઠ ડોકાય છે. સ્વચ્છ શર્ટ, જેકેટ, ટાઈ પહેર્યાં છે. સ્કોટ હૅન્ડસમ છે.

‘નીનાએ તમારી ખૂબ વાતો કરી છે. તમને મળીને આનંદ થયો.’ સ્કોટ કહે છે.

‘શું ભણો છો તમે?’ હું પૂછું છું.

‘પેન સ્ટેટમાં એન્જિનિયરિંગમાં અન્ડર ગ્રેજ્યુએટ કરું છું.’ સ્કોટ જવાબ આપે છે.

ટોઇલેટ ફ્લશ થવાનો અવાજ આવે છે. નળ બંધ થાય છે. બારણું ખૂલે છે. નીના બહાર આવીને મારી ને સ્કોટની વચ્ચે ઊભી રહે છે.

‘બેસ, નીના. કોટ કાઢ.’ હું કહું છું.

‘પપ્પા, અમે તમને ડીનર પર લઈ જવા આવ્યાં છીએ.’ નીના કહે છે.

હું તૈયાર થવા જાઉં છું. દાઢી કરી, ક્વીક શાવર લઉં છું. નાહીને ક્લોઝેટમાંથી ઇસ્ત્રી કરેલું શર્ટ, ગ્રે સૂટ, ટાઈ પહેરું છું. ખાનામાંથી મોજાં, રૂમાલ કાઢું છું. ચેસ્ટર ડ્રૉઅર પર પડેલું વોલેટ ખોલું છું. એમાં પચાસેક ડૉલર છે. જતાં જતાં મૅક મશીનમાંથી બીજા લેવા પડશે.

હું બેડરૂમમાંથી બહાર આવું છું. નીના ફરીથી બાથરૂમમાં જાય છે. ફરી ખુલ્લા નળનો અવાજ. સાથે ઊલટીનો અવાજ.

મારા કાન ચોંકે છે. બીનાને આમ જ ઊલટીઓ થતી.

નીના બહાર આવે છે.

‘એવરીથિંગ ઓ.કે.?’ હું પૂછું છું.

‘ફાઇન, ફાઇન, લેટ્સ ગો.’ નીના કહે છે.

અમે સ્કોટની ગાડીમાં જમવા જઈએ છીએ. હું પાછળ બેસું છું. રસ્તામાં મૅક મશીન આવે છે. હું ડૉલર્સ લઈ લઉં છું. સ્કોટ અને નીનાએ રેસ્ટોરંટમાં રિઝર્વેશન કરાવ્યું છે. રેસ્ટોરંટમાં નીના મારી અને સ્કોટની વચ્ચે બેસે છે. એણે કોટ પહેરી રાખ્યો છે. અમે ડ્રિન્ક્સ ઑર્ડર કરીએ છીએ. મેન્યુ જોઈએ છીએ. થેંક્સગિવિંગનું ટ્રેડિશનલ ડીનર ઑર્ડર કરીએ છીએ. ડ્રિન્ક્સ આવે છે. ગ્લાસ હાથમાં લઈ ‘ચીયર્સ’ કહી ટકરાવીએ છીએ.

‘ગુડ લક યુ ઑલ ઑફ અસ.’ — હું કહું છું. ઊલટીના અવાજને મારા કાન ખંખેરી શકતા નથી.

અમે પેન સ્ટેટના એજ્યુકેશનની વાતો કરીએ છીએ. નીના જુનિયરમાં છે. એણે બાયોલૉજી મેજર લીધું છે. મેમાં સિનિયરમાં આવશે. મેડિકલ સ્કૂલનો વિચાર હમણાં માંડી વાળ્યો છે. સ્કોટ મેમાં ગ્રેજ્યુએટ થશે.

‘આઈ લવ નીના વેરી મચ.’ સ્કોટ કહે છે.

બન્ને જણ એકમેકની આંખમાં આંખ પરોવી એમની આંગળીઓ ગૂંથે છે. હું અને પેગી પણ આમ જ કરતાં.

અમારું ડીનર આવે છે. અત્યારે ડીનર કરતાં મને નીનામાં, નીનાના ભવિષ્યમાં વધારે રસ છે.

‘પપ્પા, તમને ગુડ ન્યૂઝ આપવાના છે.’ કહીને નીના સ્કોટ સામે જુએ છે.

‘બોલ બેટા.’ મને ખબર છે પણ મારે એને મોઢે સાંભળવું છે.

‘તમે ગ્રાન્ડફાધર થવાના છો. આઈ એમ સો એક્સાઇટેડ.’ નીના કહે છે.

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. બેબી ક્યારે ડ્યુ છે?’ હું પૂછું છું.

‘મેમાં. ગ્રેજ્યુએશન ગિફ્ટ ફૉર સ્કોટ.’ સ્કોટની સામે જોઈ નીના જવાબ આપે છે.

‘પછી ભણવાનું? બેબીને રેઇઝ કરવાનું?’ હું પૂછું છું.

‘થઈ જશે.’ નીના વિશ્વાસથી બોલે છે.

સ્કોટનું વસ્તારી કુટુંબ ટ્રિનિડાડમાં છે. એ લોકોનાં કેળાંનાં મોટાં પ્લાન્ટેશન છે. બેબીને લઈ સ્કોટ ટ્રિનિડાડ જશે. નીના અહીં રહી સિનિયરનું વરસ પૂરું કરશે. પછી એ પણ ટ્રિનિડાડ જશે.

નીના પરણવાની વાત નથી કરતી. હું અંદરથી સમસમી રહું છું.

નીના અને સ્કોટ મને ઉતારીને સ્કોટના પપ્પાને ત્યાં જાય છે.

હું દાદર ચડી ઉપર આવું છું. અપાર્ટમેન્ટ ખોલી એક પગે ધક્કો મારી બારણું બંધ કરું છું. કપડાં બદલું છું. બ્રશ કરું છું. ટીવી ઑન કરી પથારીમાં પડું છું.

સ્મિતાને ખબર આપવા ફોન જોડું છું. એનું આન્સરિંગ મશીન જવાબ આપે છે.

નીનાને બેબી આવવાનું છે એની બીનાને ખબર હશે? આઈ વંડર. નીના નામ શું પાડશે. દેશી કે અમેરિકન.

રાજેશકુમાર પંડ્યાને હજી પેગીના વિચાર આવે છે, ને છ મહિનામાં તો એ દાદાજી થશે. ગ્રાન્ડપા. જ્યોતિષીઓએ નવા વરસમાં ભાગ્યોદય ભાખ્યો છે. હુ નોઝ? મે બી ધીસ ન્યૂ બેબી વિલ બ્રિંગ મી લક. ઇન ધ કમિંગ યર રાજેશકુમાર પંડ્યા વિલ હેવ અ જૉબ ઍન્ડ ઓલ્સો અ ગ્રાન્ડચાઇલ્ડ ટુ પ્લે વિથ. રીઅલ ભાગ્યોદય.

“પન્ના નાયકની વાર્તા-૧૨-ઊડી ગયો હંસ

ઊડી ગયો હંસ

1995ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું.

હંસા કોઈના પ્રેમમાં છે. પણ કોના? કશું બોલતી નથી. બોલે તો તો સારું. છેલ્લાં ત્રણ વરસથી એની વર્તણૂકમાં, એના બોલવાચાલવામાં, એની વિચારસરણીમાં ખાસ્સો ફેર પડી ગયો છે.

બાળકૃષ્ણે અદબ વાળી. ફરી એક વાર હંસા સામે જોયું. એ નિરાંતે સૂતી હતી.

બાળકૃષ્ણ ને હંસા મુંબઈમાં મળેલાં. મિત્રો દ્વારા. ક્લિક થયું ને પરણ્યાં. બાળકૃષ્ણને અમેરિકા ભણવા આવવાની સ્કૉલરશિપ મળી. બન્ને આવ્યાં. બાળકૃષ્ણે પોલિટિકલ થિયરીમાં પીએચ.ડી. કર્યું. હંસાનો વિષય ગણિત. ઇન્ડિયન પોલિટિક્સમાં સાધારણ રસ. એમનાં લગ્નને પંદર વરસ થયાં છે. સંસાર સુખી. મિત્રો ઈર્ષ્યા કરે ને કહે કે હંસા–બાળકૃષ્ણ એટલે લક્ષ્મી–નારાયણની જોડી. થોડા સમયથી હંસા બાળકૃષ્ણ સાથે હોય તોય ન હોય. વાતવાતમાં કંઈ વિચારમાં પડી ગઈ હોય.

ગઈ રાતે એમણે પ્રેમ કર્યો.

‘કેવું રહ્યું, હંસુ?’ હંમેશની જેમ બાળકૃષ્ણે પૂછ્યું.

‘તે તને લાગે છે કે તેં એક હાથે તાળી પાડી, બાળકૃષ્ણ?’ હંસાએ કહ્યું.

પહેલાં કાયમ બાળકૃષ્ણ પૂછે કે કેવું રહ્યું, હંસુ? તો હંસા હસીને કહે કે, ‘એય બિલ્લુ, શિખરે ચડ્યાં’તાં ત્યારે હુંય સાથે હતી, હં કે.’ બાળકૃષ્ણને બિલ્લુ કહે. બાળકૃષ્ણ તો ન જ કહે.

‘કેટલું લાંબું નામ પાડ્યું છે! બોલતાં બોલતાં મોં ભરાઈ જાય. બિલ્લુ સારું. ટૂંકું ને ટચ.’ એ કહેતી.

‘પણ નામ તો કૃષ્ણનું છે ને?’ બાળકૃષ્ણ કહેતો. બાળકૃષ્ણનાં બાએ બધા છોકરાઓનાં નામ કૃષ્ણના પર્યાયનાં પાડેલાં. માધવરાય, મુકુંદરાય, ગોવિંદલાલ, ગોપાળકૃષ્ણ, ને છેલ્લો બાળકૃષ્ણ. બાળકૃષ્ણનાં બા કહે કે જેટલી વાર છોકરાઓને નામથી બોલાવીએ એટલી વાર કૃષ્ણનું નામ દેવાય. બા બાળકૃષ્ણને ખીજવવો હોય ત્યારે એનું નામ ટૂંકાવીને ‘બાળુ’ કહે. બાળકૃષ્ણને ‘બાળુ’ નામ નહોતું ગમતું. વરસો પહેલાં એમના ઘરઘાટીનું નામ ‘બાળુ’ હતું. વળી કોઈ વાર હંસા બાળકૃષ્ણને ‘બાલુ’ કહે. એ પણ બાળકૃષ્ણને નાપસંદ. બાલુ પટેલ કરીને એનો દોસ્ત. ‘આઈ હૅવ નથિંગ અગેઇન્સ્ટ ધૅટ બાલુ. બટ વૉટ્સ રૉઁગ વિથ માઇ રિયલ નેઇમ બાળકૃષ્ણ? ટૂ લૉંગ? ધેન બિલ્લુ ઇઝ ઓ.કે.’ બાળકૃષ્ણ કહેતો.

હંસા સારા મૂડમાં ન હોય ત્યારે કે કટાક્ષ કરવો હોય ત્યારે જ બાળકૃષ્ણ કહે. ગઈ રાતે ‘બાળકૃષ્ણ’ કહ્યું. બાળકૃષ્ણને એ વાગ્યું.

ત્રણ વરસથી ફેર પડી ગયો છે હંસામાં. ત્રણ વરસ. હં. ત્રણ વરસ પહેલાં હંસાની બહેનપણી કૅથી અને એનો બૉયફ્રેન્ડ જ્યૉર્જ, ક્લિન્ટનની ઇલેક્શન કૅમ્પેઇનમાં વૉલન્ટિયર થયાં. સાથે હંસાને પણ ઘસડી ગયાં. રાતના નવદસ સુધી બધાં વૉલન્ટિયરો ઇલેક્શન ક્વોર્ટર્સ પર ભેગાં થાય. વોટર્સને ફોન કરે. મત આપવા સમજાવે. ફ્લાયરો બનાવે. પરબીડિયાંમાં ભરે. સરનામાં કરે. સ્ટૅમ્પ લગાડી વોટર્સને પોસ્ટ કરે.

‘બિલ્લુ, જોજે! બુશ હારી જશે.’ હંસાએ ઘેર આવીને કહ્યું.

‘એમ? ત્યાં બધા કહેતા હશે એટલે તું પણ કહે છે? પોલિટિક્સ વિષય મારો છે. મને તો પૂછ.’ બાળકૃષ્ણ બોલ્યો.

‘તું તો થિયરીમાં ગળાબૂડ છે. અમે તો આંખોદેખા હાલની વાત કરીએ છીએ. સમજ્યા, બિલ્લુજી?’

એકાએક હંસાને અમેરિકન પોલિટિક્સમાં રસ પડવા માંડ્યો. એનો નશો ચડવા માંડ્યો. રોજ સાંજે અચૂક પબ્લિક ટેલિવિઝન પર મેકનીલ લેહરરનાં ‘ઇન ડેપ્થ’ ન્યૂઝ એનાલિસિસ જુએ. રવિવારે સવારે બધા ટૉક શોઝ. દરમ્યાન બાળકૃષ્ણ બોલે તો શ… શ… કરીને ચૂપ કરે.

‘ઇન્ડિયન પોલિટિક્સમાં પણ રસ લે ને. એય એક્સાઇટિંગ છે.’ બાલકૃષ્ણે કહ્યું.

‘કેટલી બધી તો પાર્ટીઓ છે આપણે ત્યાં. હુ કૅન કીપ ટ્રૅક? અહીં તો બે. એમાં આ રૉસ પરો આડો ફાટ્યો છે.’ હંસા બોલી.

‘મૂક ને હવે. આ પોલિટિક્સની વાતોમાં હંસા, “મોતીડાં નહીં રે મળે.” આપણે બેડરૂમમાં જઈએ.’ બાળકૃષ્ણ એને ખેંચી ગયો.

પ્રેમ કરવાનું શરૂ કર્યું ત્યાં અધવચ પૂછ્યું.

‘તું બિલ ક્લિન્ટન માટે શું ધારે છે? આ દેશને માટે એનું પ્રેસિડેન્ટ થવું ફાયદાકારક નથી? જ્યૉર્જ અને કૅથી તો એમ માને છે.’

‘પણ અત્યારે એનું શું છે? હજી ભેંસ ભાગોળે ને આપણે ઘેર ધમાધમ.’

‘એય, ક્લિન્ટનને ભેંસ ના કહેવાય. જીતશે એટલે ખબર પડશે.’

બાળકૃષ્ણે પરાણે હંસાનું મન વાળ્યું. અઠવાડિયા પછી બૅન્કનું સ્ટેટમેન્ટ આવ્યું. બાળકૃષ્ણે કૅન્સલ્ડ ચેક્સ મેળવ્યા. એમાં ચેક હજાર ડૉલર્સનો એક ક્લિન્ટનના કૅમ્પેઇન ફંડ માટે લખેલો હતો. બાળકૃષ્ણનો પિત્તો ગયો.

‘આ શું?’ હંસાને ચેક બતાવી પૂછ્યું.

‘જે દેખાય છે તે. જ્યૉર્જ અને કૅથીએ પણ આપ્યા છે.’

‘મને પૂછવાનુંય નહીં? ને આટલા બધા પૈસા તે અપાતા હશે? ક્લિન્ટન જીતશે એની શી ખાતરી?’

‘તું જોજે ને.’ હંસા વિશ્વાસથી બોલી.

‘મારી માને મોકલવા હોય ત્યારે હું સો વિચાર કરું ને અહીં ફટ દઈને લખી દીધો ચેક.’

‘આપણે અમેરિકન નથી? કેટલાંય લોકો ડોનેશન આપે છે. તારે જે માનવું હોય તે માન. ઇટ ઇઝ અ વર્થવ્હાઇલ કૉઝ.’ હંસા બોલી.

અને સાચે જ ક્લિન્ટન જીતી ગયા ને બુશ હારી ગયા. બાળકૃષ્ણ ને હંસાને ઘેર દિવસો સુધી ખાસ્સી ધમાધમ રહી. હંસા પ્રેસિડેન્ટ થઈ હોય એમ મોરની જેમ ડોક ફુલાવીને ફરે.

‘અમે તો કહેતાં’તાં જ. માને કોણ? આ રિપબ્લિકનો બહુ ચગ્યા’તા. લેતા જાવ હવે.’ હંસા કહેતી ફરે.

બાળકૃષ્ણને થયું, હવે આ બધું ઠંડું પડે તો સારું. ક્લિન્ટનના સો દિવસ પૂરા થયા. જર્નાલિસ્ટોએ કહેવા માંડ્યું કે ‘હનીમૂન ઇઝ ઓવર.’ પણ બાળકૃષ્ણે જોયું, નૉટ સો ફૉર હિઝ ડિયર હંસા.

કૅમ્પેઇન વૉલન્ટિયરો માટે વ્હાઇટ હાઉસમાં રિસેપ્શન રખાયું. હંસાની છાતી તો ગજગજ ફૂલે.

‘કઈ સાડી પહેરું?’ હંસાએ પૂછ્યું.

‘ત્યાં હજારો વૉલન્ટિયરો હશે. એમાંની તું એક. કોઈ ભાવ નથી પૂછવાનું. ગાંઠનું ગોપીચંદન કરીને છેક વૉશિંગ્ટન જવાની કંઈ જરૂર નથી.’ બાળકૃષ્ણે કહ્યું.

‘છે જરૂર.’

‘તો કંઈ સજીધજીને જવાનું કંઈ કારણ નથી.’ બાળકૃષ્ણ બોલ્યો.

હંસાએ સરસ મજાની કાંજીવરમની ગુલાબી બૉર્ડરવાળી કાળી સાડી કાઢી. મૅચિંગ બ્લાઉઝ, ચંપલ, પર્સ. આછો દાગીનો. બનીઠનીને હંસા કૅથી અને જ્યૉર્જ સાથે વ્હાઇટ હાઉસમાં ગઈ. હજારો વૉલન્ટિયરો લાઇનમાં ઊભા હતા. ક્લિન્ટન આવ્યા. પસાર થતાં થતાં સૌને હલો કહ્યું. કોઈ સાથે હાથ મિલાવ્યા.

‘મિસ્ટર પ્રેસિડેન્ટ, ધિસ ઇઝ હંસા પરીખ. શી વર્કડ વેરી હાર્ડ.’ કોઈકે ઓળખાણ કરાવી.

‘ઓ — નાઇસ ટુ મીટ યુ.’ પ્રેસિડેન્ટે હાથ મિલાવી કહ્યું.

હંસાએ હાથ પકડી રાખ્યો. ક્લિન્ટન હાથ છોડી આગળ ગયા. હંસા બરફની પૂતળી થઈ ઢળી પડવા જતી’તી ત્યાં જ બાજુમાં ઊભેલી કૅથીએ એને ઝાલી લીધી. બીજાં વૉલન્ટિયરો જોઈ રહ્યાં.

હુ ઇઝ શી? હુ ઇઝ શી? વૉટ હૅપન્ડ ટુ હર? — કોઈએ પૂછ્યું.

‘શી ઇઝ લિટલ એક્સાઇટેડ.’ જ્યૉર્જ કહ્યું.

ઘેર આવીને ક્લિન્ટનપુરાણ ચાલ્યું. બિલ ક્લિન્ટન ગ્રે વાળમાં હૅન્ડસમ લાગતા’તા. રતુંબડી ત્વચા. સૉફ્ટસ્પોકન. આકર્ષક સ્મિત. બ્લુ સૂટ પહેરેલો. મૅચિંગ ટાઈ. જૉગિંગ કરીને શરીર સરસ સાચવ્યું છે. એક ઔંસની ફૅટ નહીં. દેખાવમાં ને હાવભાવમાં જ્હૉન કેનેડીની યાદ આપે. જેવી ફોનની ઘંટડી રણકે એટલે હંસા અથથી ઇતિ સુધીનો આખો ઇતિહાસ કડકડાટ બોલી જાય.

‘મારે મોટું મન કરવું જોઈએ. હંસા ખુશ રહે એ તો સારી વાત છે. કેટલીક સ્ત્રીઓ ઘેર બેસીને કૂથલી કરતી હોય છે એના કરતાં ભલે ને અહીંના પોલિટિક્સમાં રસ લે. જ્યાં સુધી મને પ્રેમ કરીને ખુશ કરે છે, ત્યાં સુધી ઇટ ઇઝ ઓ.કે.’ બાળકૃષ્ણ વિચારતો હતો.

એક વાર બાળકૃષ્ણ અને હંસા એમના ચાર અમેરિકન મિત્રો સાથે રેસ્ટોરંટમાં જમવા ગયાં. વેઇટ્રેસ આવી. ડ્રિન્કસના ઑર્ડર આપ્યા. વેઇટ્રેસ ડ્રિન્ક્સ આપી ગઈ.

‘આ વેઇટ્રેસ દેખાવમાં જેનિફર ફ્લાવર્સ જેવી લાગે છે.’ રિચર્ડ બોલ્યો.

‘હિલરી જેવી સ્માર્ટ અને દેખાવડી પત્નીને મૂકીને આવી ચીપ લાગતી સ્ત્રીમાં ક્લિન્ટન કેવી રીતે પડ્યો હશે?’ બાર્બરા બોલી.

‘ક્લિન્ટન આખરે તો પુરુષ છે ને! હિલરી તો છે જ. જેનિફર ઇઝ અ થ્રિલ ઑફ પાવર.’ પીટરે કહ્યું.

‘હું માનતી જ નથી કે ક્લિન્ટનને જેનિફર સાથે અફેર હોય.’ હંસા બોલી.

‘કેમ ખબર પડી?’ પીટરે પૂછ્યું.

‘આઈ બિલીવ હી ઇઝ નૉટ લાઇક ધૅટ.’ હંસાએ કહ્યું.

‘કેમ, વ્હાઇટ હાઉસના રિસેપ્શનમાં એણે તને કહેલું?’ બાળકૃષ્ણે પૂછ્યું.

‘આ તો ઉપજાવી કાઢેલી વાત છે. રિપબ્લિકનો હારી ગયા છે એટલે હવે ક્લિન્ટનના ચારિત્ર્ય પર ડાઘ લગાડવા બેઠા છે. આ રિપબ્લિકનો તો એટલા હલકા છે કે ગાંધીજી પ્રેસિડેન્ટ થયા હોત તો એમને માટેય કહેત કે નાગી સ્ત્રીઓ સાથે સૂવા માટે અખતરાનું બહાનું કાઢ્યું.’ હંસાએ કહ્યું.

ક્લિન્ટને જે જે વ્યક્તિઓની નિમણૂક કરેલી એ બધાનો ફિયાસ્કો થયો એના પર બધા હસ્યા. હંસા દુ:ખી હતી.

‘જેનિફર ફ્લાવર્સની બાબતમાં આટલાં ઉશ્કેરાઈ જવા જેવું શું હતું?’ બાળકૃષ્ણે ઘેર આવતાં ગાડીમાં પૂછ્યું.

‘કોઈને માથે ખોટું આળ ચડાવો ને મારે ચૂપ બેસી રહેવાનું? નૉટ મી, બાળકૃષ્ણ.’ હંસાએ કહ્યું.

‘બાળકૃષ્ણ.’ હંસા સારા મૂડમાં નથી.

છ મહિના વીતી ગયા હશે. એક નવું તૂત શરૂ થયું. સ્ત્રીઓના સમાન હકનું. કૅથીએ હંસાના ભેજામાં ભરાવ્યું કે કેટલાક પુરુષો સ્ત્રીનું શોષણ કરે છે. એમની કદર કરતા નથી. નોકરી કરતી સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પગાર મળે છે. ઘરકામમાં અને બાળઉછેરમાં પણ પુરુષો સ્ત્રીઓ પર વધારે જવાબદારી નાખે છે. ‘નેશનલ ઑર્ગેનિઝેશન ઑફ વિમેન’ તરફથી સ્ત્રીઓ ભેગી થઈને વૉશિંગ્ટન ગઈ અને વ્હાઇટ હાઉસ સામે દેખાવ કર્યા. દેખાવ પત્યા પછી હંસા કેટલોય સમય વ્હાઇટ હાઉસ સામે ઊભી રહી. એને અંદર જવાનું મન થયું. એ દરવાજા પાસે ગઈ. દરવાને એને રોકી. ‘લેડી, કીપ મૂવિંગ’ કહ્યું. હંસાએ આખું શહેર જોયું. મૉન્યુમેન્ટ્સ જોયાં. મ્યુઝિયમો જોયાં. પટોમેક નદી પરનાં પ્રફુલ્લિત ચેરિબ્લૉસમ્સ જોયાં.

‘આપણે વૉશિંગ્ટન રહેવા જઈએ તો કેવું?’ ઘેર પાછાં આવીને હંસાએ પૂછ્યું.

‘કેમ?’

‘જ્યૉર્જ વૉશિંગ્ટનમાં છે ને કૅથી ત્યાં જૉબ લે છે. મને પણ વૉશિંગ્ટન ખૂબ ગમે છે. ઇટ ઇઝ સચ ઍન એક્સાઇટિંગ સિટી. તને ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં જરૂર ટીચિંગ પોઝિશન મળી જાય.’ હંસા બોલી.

બાળકૃષ્ણ કશું બોલ્યો નહીં.

‘હંસા રોમેન્ટિક છે. એને કોઈ કલ્પના જ નથી કે અત્યારની ઇકોનોમીમાં જૉબ મળવી કેટલી મુશ્કેલ છે. અને આ ન્યૂયૉર્ક શું ઓછું એક્સાઇટિંગ છે!’ બાળકૃષ્ણ વિચારતો હતો.

એક દિવસ બાળકૃષ્ણ ઘેર આવ્યો ત્યારે હંસા ફોન પર હતી. ક્લોઝેટમાંથી હૅન્ગર કાઢી જૅકેટ ટાંગતાં ટાંગતાં એણે થોડી વાત સાંભળી. હંસા કહેતી હતી કે સપનામાં એણે પેલાને મઘમઘતા મોગરાનો હાર પહેરાવ્યો.

‘મોગરાને અંગ્રેજીમાં શું કહેવાય?’ માઉથપીસ પર હાથ દાબીને હંસાએ પૂછ્યું.

‘જૅઝમીન.’ બાળકૃષ્ણે કહ્યું.

વાત પતી એટલે હંસાએ ફોન મૂકી દીધો.

‘કોણ હતું? મોગરાની શી વાત હતી?’

‘કૅથી હતી.’ મોગરાની વાત હંસાએ ઉડાવી દીધી.

થોડા દિવસ પછી એક સવારે હંસા ચા કરતી હતી. બાળકૃષ્ણ ‘ટ્રિપલ એ’ની ટૂર ગાઇડ લઈને બેઠો હતો. ઉનાળાની રજાનું પ્લાનિંગ કરવાનું હતું. બાળકૃષ્ણની ઇચ્છા હતી સૅન ફ્રાન્સિસ્કો ફ્લાય કરવું. ત્યાંથી ગાડી રેન્ટ કરી સૅન ડિયેગો સુધી જવું. એણે સાંભળ્યું હતું કે કૅલિફોર્નિયાનો કોસ્ટ ખૂબ રળિયામણો છે.

‘આપણે આરકેન્સો જઈએ તો?’ હંસાએ પૂછ્યું.

‘ત્યાં શું દાટ્યું છે? કોઈને જોયાં છે આરકેન્સોમાં વૅકેશન લેતાં? તારું ખસી ગયું છે કે શું?’

‘ક્લિન્ટન પ્રેસિડેન્ટ થયા એ પહેલાં આરકેન્સોના ગવર્નર હતા.’

‘મને ખબર છે.’

‘જ્યૉર્જ ને કૅથી જઈ આવ્યાં છે. ત્યાં જઈને “વ્હાઇટ વૉટર” આપણે જાતે જ જોઈ આવીએ. એ લૅન્ડ કેટલી મોટી છે એ તો ખબર પડે. એમાં ક્લિન્ટને રોકેલા પૈસા ગયા કે બનાવ્યા એની ખાતરી થઈ જાય.’ હંસા ટેબલ પર ચાના મગ મૂકતાં બોલી. ચા અડધી મૂકીને બાળકૃષ્ણ ઊઠી ગયો.

એક શનિવારે સાંજે ડૉક્ટરોની પાર્ટીમાં બાળકૃષ્ણ અને હંસાને નિમંત્રણ હતું. જમીને બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. ક્લિન્ટનના ‘હેલ્થ કૅર પ્લાન’ પર ચર્ચા શરૂ થઈ. બધા ડૉક્ટરોને હાય પેસી ગઈ’તી કે રખે ને ‘હેલ્થકેર’ બિલ પાસ થાય તો અત્યારે એમને ઘીકેળાં છે એ બંધ થઈ જાય. કોઈ ડૉક્ટર ઇચ્છતો નહોતો કે ક્લિન્ટનનું એ ‘હૅલ્થકૅર પૅકેજ’ પાસ થાય.

‘ઇટ વુડ નેવર પાસ ધ હાઉસ. રિપબ્લિકનો મૂરખ થોડા છે કે પોતાને હાથે જ પોતાના પગ પર કુહાડો મારે?’ કોઈ બોલ્યું.

‘પણ એ બિલ પાસ થાય તો સામાન્ય માણસને કેટલો બધો ફાયદો થાય એનો તો કોઈ વિચાર જ કરતું નથી. સામાન્ય લોકો વીમાના પૈસા ક્યાંથી લાવે? વીમો ન હોય ને ઘરમાં માંદગી આવે તો શું કરે? મરી જાય? આઇ થિન્ક, ક્લિન્ટન ઍન્ડ હિલરી આર ઑન ધ રાઇટ પાથ.’ હંસા બોલી.

કોઈ હંસા સાથે સંમત થતું નહીં. બધા ડૉક્ટરો ક્લિન્ટનને ગાળો આપતા છૂટા પડ્યા.

‘આ જ ડૉક્ટરમિત્રો આપણને જરૂર હોય ત્યારે આવીને ઊભા રહે છે. એમની હામાં સૂર પુરાવવાનો કે ક્લિન્ટનને ડિફેન્ડ કરવાના?’ બાળકૃષ્ણે ઘેર આવીને શૂઝ કાઢતાં કહ્યું.

‘આઇ લિસન ટુ માઇ ઇન્ટ્યુઇશન ઍન્ડ આઈ કૅન ઑલ્સો થિન્ક. “હેલ્થકૅર પૅકેજ” ઇઝ રાઇટ ઍન્ડ ડૉક્ટર્સ આર વેરી રૉંગ.’

‘ક્લિન્ટને તને કોઈ કૅબિનેટ પોઝિશન આપવી જોઈએ.’

‘આપશે તો હું ના નહીં પાડું. પછી તારે ગાવું પડશે કે ઊડી ગયો હંસ, પિંજર પડી તો રહ્યું…’

બીજે દિવસે ફરીથી હંસા એના સપનાની વાત કરતી’તી. દરિયાકિનારો હતો. બન્ને હાથમાં હાથ નાખી, રેતીમાં ચાલ્યાં. પાછળ ફરીને જોયું તો એમનાં ચાર પગલાં સિવાયની રેતી અકબંધ હતી. થોડી વાર પછી એક મોજું આવ્યું ને એમનાં પગલાં ભૂંસાઈ ગયાં. હંસાએ પેલાને કહ્યું કે માત્ર એ જ નામશેષ થઈ જશે પણ પેલો તો અમર થઈ જશે. થોડી વાર પછી સૂર્યાસ્ત થયો. પેલાએ હંસાને ચુંબન કર્યું. ધીરે ધીરે અંધારું થવા માંડ્યું. પેલાએ કહ્યું કે અંધારું એટલા માટે થયું કે સેલારા મારતું પેલું ગલવાયસ એની ચાંચમાં સાંજનો કૂણો તડકો ચણીને અદૃશ્ય થઈ ગયું હતું.

બાળકૃષ્ણને થયું કે હંસા જરૂર કોઈના પ્રેમમાં છે. એ વ્યક્તિના હંસા સતત વિચાર કરે છે, સાન્નિધ્ય ઝંખે છે. એટલે જ એને સપનામાં મળે છે. એ માણસ પોલિટિક્સનો જાણકાર હોવો જોઈએ. નહીં તો હંસાને અમેરિકન પોલિટિક્સમાં આટલો રસ ન જાગે. બાળકૃષ્ણે એના મિત્રો — સ્નેહીઓમાંથી કોણ હોઈ શકે એનો વિચાર કરવા માંડ્યો. ‘મોગરાના હાર’ની વાત યાદ આવી. તો તો જરૂર કોઈ ગુજરાતી હશે. ‘મઘમઘતો મોગરો’ કહ્યું એટલે કવિ હશે? કવિને અને સૂર્યાસ્તને પણ ખાસ્સી લેવાદેવા. પણ કવિ ગુજરાતી હોય અને અમેરિકન પોલિટિક્સમાં ખૂંપેલો હોય એવું કોણ હોઈ શકે? મોટા ભાગના ગુજરાતીઓને અમેરિકન પોલિટિક્સની કંઈ પડી હોતી નથી. તો રિચર્ડ કે પીટર? હાઉ અબાઉટ કૅથીસ બૉયફ્રેન્ડ જ્યૉર્જ? એ વૉશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. હંસા કૅથીને ડિસીવ કરતી હશે?

બાળકૃષ્ણને 1994નો નવેમ્બર યાદ આવ્યો. નવેમ્બરની ચૂંટણી પછી કૉઁગ્રેસમાં રિપબ્લિકનોની મેજૉરિટી થઈ હતી. હંસા ખૂબ અસ્વસ્થ રહેતી. વાતવાતમાં છંછેડાઈ જતી.

‘મને તો ખબર જ પડતી નથી કે આ દેશના અને વૉશિંગ્ટનના મૂરખો કેમ ન્યૂટ ગિંગરિચની પાછળ પડ્યા છે? પ્રેસિડેન્ટ કોણ છે? ક્લિન્ટન કે ગિંગરિચ? એટલો તો ગુસ્સો આવે છે આ રિપબ્લિકનો પર —’ એક દિવસ હંસા બોલેલી.

બાળકૃષ્ણને ફરી ઝબકારો થયો. હવે બેઠું. હંસા જે વ્યક્તિના પ્રેમમાં છે એ વ્યક્તિ બિલ, બિલ ક્લિન્ટન છે. બિલ્લુ, બિલ્લુ કહીને ત્રણ વરસથી વળગે છે ત્યારે હંસા બાળકૃષ્ણને નહીં, બિલ ક્લિન્ટનને પ્રેમ કરે છે. બાળકૃષ્ણને તાળો મળી ગયો. બાળકૃષ્ણે બારી બહાર જોયું. એ હસ્યો. અંધારું ઓસરતું હતું.

“પન્ના નાયકની વાર્તા-૧૧-સુઝન અને વિવેક

સુઝન અને વિવેક

એમીનું પ્લેઇન રાતના સૅન ડિયેગોના ઍરપૉર્ટ પર લૅન્ડ થયું અને એ બહાર આવી ત્યારે અરાઇવલ ગેઇટ પર સુધાને જોઈ એને આશ્ચર્ય થયું. સુધા બૅગેજ ક્લેઇમ્સ પાસે મળવાની હતી. સુધાના મોઢાના ભાવ પરથી એમીને લાગ્યું કે સુધા વ્યથિત હતી. એ પૂછે એ પહેલાં જ સુધાએ કહ્યું કે એના કુટુંબમાં મરણ થયું છે એટલે એને લૉસ ઍન્જલસ જવું પડશે. એમીની રહેવાની વ્યવસ્થા એણે એના મિત્રો વિવેક અને સુઝનને ત્યાં કરી છે. એમીને આ કાંઈ ઠીક ન લાગ્યું. પોતે ડૉક્ટર છે. મેડિકલ કોન્ફરન્સ માટે આવી છે. કોઈ અજાણ્યાને ત્યાં આઠ દિવસ ગાળવા કરતાં હોટેલમાં રહી શકે. સુધાનો આગ્રહ હતો કે વિવેક અને સુઝનને ત્યાં રહે. એણે કહ્યું કે એ લોકો ગાડીમાં બેઠાં છે. મળશે એટલે પરિચય થશે.

સામાન લઈને બહાર આવ્યાં ત્યાં ગાડીમાંથી વિવેક ઊતર્યો. સુધાએ ઓળખાણ કરાવી. સુઝને ‘હલો’ કહ્યું. સુધા એની ગાડીમાં ગઈ.

વિવેકે એની ઓળખાણ આપી. ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે. ઘેરથી બિઝનેસ કરે છે. સુઝન સારી કંપનીમાં કમ્પ્યુટર પ્રોગ્રામર છે. બે બાળકો છે. દીકરી અલ્પા અગિયાર વરસની અને દીકરો આશિષ ચાર વરસનો.

વિવેકને જોઈને એમીને મનોજ યાદ આવ્યો. હસમુખો. આઉટગોઇંગ.

સુઝને ગાડીમાં ટેઇપ ચાલુ કરવાનું કહ્યું.

વિવેકે ના પાડી. ‘આખી ટેઇપ ન સાંભળીએ તો એમાં કલાકારનું અપમાન કહેવાય.’ ઘેર આવી સુઝને એમીને એનો બેડરૂમ બતાવી દીધો. વહેલી ઊઠે ને ચા કૉફી પીવાં હોય તો એની સુવિધા બતાવી દીધી.

‘મને તમારે ત્યાં રાખવા માટે આભાર.’ એમીએ કહ્યું.

‘અમારે ત્યાં કોઈ આવે એ અમને ખૂબ ગમે છે.’

બીજે દિવસે સવારે એમી વહેલી ઊઠી. રસોડામાં બેસીને વાંચતી હતી. વિવેક નીચે આવ્યો. ‘ગુડમૉર્નિંગ’ કહીને ટેઇપરેકૉર્ડર પાસે ગયો. વેરવિખેર પડેલી ટેઇપોને સરખી કરી. એક ટેઇપ કાઢી. બાજુમાં પડેલા ક્લીનેક્સના ડબ્બામાંથી એક ટિશ્યુ ખેંચી ટેઇપ લૂછી. ટેઇપરેકૉર્ડર લૂછ્યું. ટેઇપ અંદર મૂકી. ભગવાન પાસે દીવો કરતો હોય એવી ભાવનાથી ટેઇપરેકૉર્ડર ચાલુ કર્યું. બાંસરીના આછા સૂર હતા.

‘શું પીશો? ચા, કૉફી?’

‘તમે જે બનાવશો તે.’

‘જુઓ, હું કૉફી પીશ અને સુઝન ને મારાં મા મસાલાની ચા.’

‘હું પણ ચા પીશ.’

વિવેકે કૉફી-મેકર કપડાથી લૂછ્યું. ફિલ્ટરમાં કૉફી ગ્રૅન્યુઅલ્સ નાખતાં થોડા વેરાયા એ એક હાથેથી બીજા હાથમાં લઈ ગાર્બેજ બૅગમાં ફેંક્યા. હાથ ધોયા. પાણી માપી કૉફી-મેકરમાં રેડ્યું. કૉફી-મેકર ચાલુ કર્યું. અને પછી ચા, ચામાં દૂધ, પાણી, મસાલો, ખાંડ. સાણસીથી તપેલી પકડી બરાબર ઉકાળી. ત્રણ મગમાં ગાળીને મગ ટેબલ પર મૂક્યા. કૉફી પણ થઈ ગઈ હતી. મગમાં લઈ વિવેક ટેબલ પર બેઠો.

સુઝન નીચે આવી.

‘ગુડમૉર્નિંગ. ઊંઘ આવી?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા.’

સુઝને એક ચમચી ખાંડ પોતાની ચામાં નાખી.

‘કેમ, આજે પણ ખાંડ ઓછી છે?’ વિવેકે પૂછ્યું.

‘હા.’

એમીને પણ ખાંડ ઓછી લાગી એટલે એણે ઉપરથી લીધી.

‘કેવી છે આ બાંસરીની ટેઇપ?’ વિવેકે પૂછ્યું.

‘રોજ સવારે હરિપ્રસાદ ચૌરસિયાની બાંસરી પર “આહીર ભૈરવ” રાગ સાંભળું છું.’ વિવેકે કહી દીધું.

‘તમને વોકલ મ્યુઝિક ગમે?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા, શાસ્ત્રીય અને લાઇટ બન્ને.’

‘વિવેકને ન ગમે એટલે મારાથી કોઈ દિવસ વોકલ મ્યુઝિક ના વગાડાય, મને તો શબ્દો સાંભળવા ગમે.’

‘એમી, સુઝન હજી શબ્દો સાંભળતાં તો માંડ શીખી છે. શાસ્ત્રીય સંગીત સમજતાં લાઇફટાઇમ લાગશે.’

‘વિવેક, શાસ્ત્રીય સંગીત જાણે, એ જ જાણકાર કહેવાય એવું થોડું છે?’

વિવેકે વાત બદલી.

‘તમારા ઘરમાં કૉફી કોણ બનાવે?’

‘હું.’

‘તમારા હસબન્ડને તમારી કરેલી કૉફી ફાવે?’

‘હું એકલી જ રહું છું.’

‘તમને બાળકો છે?’ વિવેકે પૂછ્યું.

‘ના.’

‘તો તમને ખ્યાલ નહિ આવે બાળઉછેરનો.’

એમી સમસમી ઊઠી. એને એલેક્સ યાદ આવી ગયો. એનો ને મનોજનો. મનોજે એને છોડી દીધી પછી જન્મેલો. ચાર વરસની એની જિંદગી ભરી ભરી હતી. એક સવારે એલેક્સ ઘર આગળ સાઇકલ ફેરવતો હતો ત્યાં જ કોઈ ગાડી સ્પીડમાં ધસી આવી. એલેક્સ ફંગોળાઈ ગયો. એલેક્સને યાદ કરતાં હજીય એમીને ધાવણ છૂટે છે.

બીજે દિવસે સાંજે આંતરરાષ્ટ્રીય સંગીતસંમેલન હતું. એમીની બહેનપણી બાર્બરા એમાં ચેલો વગાડવાની હતી. બધા સાંભળવા ગયાં. લગભગ પંદરેક સંગીતકારો હતા. એમાં માર્કેઝ ગાર્સિયા નામનો યુવાન હતો. એણે વાયોલિનના તાર છેડ્યા અને શ્રોતાઓના મોંમાંથી ‘વાહ, વાહ’ સંભળાવા માંડ્યા.

‘આ છોકરો કોણ છે?’ સુઝને એમીને પૂછ્યું.

‘એ તો મેક્સિકોનો સંગીતકાર છે.’

‘કેમ, મળવું છે તારે?’ વિવેકે પૂછ્યું.

‘ના રે, મને તો એનામાં તું જ દેખાય છે, વિવેક.’

‘બોલાવીએ સાંજે એને જમવા? તો તું એની સાથે આંખમાં આંખ મેળવી પેટ ભરીને વાત કરી શકે.’

સંમેલન પૂરું થયું પછી બધાં રેસ્ટોરંટમાં જમવા ગયાં. ઑર્ડર આપ્યો. વિવેક ઉશ્કેરાઈને બોલ્યે જતો હતો. રાજકારણમાં જે સડો પેસી ગયો છે એ કોઈએ તો દૂર કરવો જ જોઈએ. કોઈએ તો પહેલ કરવી જ પડશે વગેરે વગેરે. અચાનક એણે સુઝનને પૂછ્યું:

‘કેમ ચૂપ છે તું? પેલા વાયોલિનિસ્ટના વિચારોમાં ખોવાઈ ગઈ છે કે શું?’

‘જો એમી, વિવેક એની સ્ત્રી-મિત્રો સાથે ફોન પર વાત કરે, સૅન ડિયેગો આવે ત્યારે ઍરપૉર્ટ લેવામૂકવા જાય એ બધું બરાબર. મેં એક સંગીતકારમાં સહેજ રસ બતાવ્યો ત્યારથી આમ મહેણાં માર માર કરે છે.’

‘સુઝન, આ આંસુ લાવીને તું ત્રાગું કરે છે. તમે બેસો. મારે એક ફોન કરવાનો છે. અડધા કલાકમાં પાછો આવીશ.’ કહી વિવેક બહાર ગયો.

સુઝન વાત કરવાની તક જ શોધતી હતી.

‘તું કહે મને એમી, મારો વાંક હોય તો. હું તો બહુ જ ફફડતી રહું છું. વિવેક હોશિયાર છે પણ એની સાથે રહેવું એટલે તલવારની ધાર પર રહેવું. ક્યારે છંછેડાઈ જશે એની ખબર ન પડે. હું કાંઈ પણ કરું કે બોલું એ ખોટું જ હોય.’

‘ક્યાં મળ્યાં તમે?’

‘હું તો આયોવાના એક નાના ગામડામાં જન્મી ને ઊછરી છું. ગ્રેજ્યુએટ થઈ ને એક પાર્ટીમાં વિવેક મળી ગયો. આયોવા પાછા આવીને મેં કહ્યું કે પરણું તો વિવેકને જ. મમ્મીપપ્પા વિવેકને મળ્યાં. એમણે કચવાતે મને હા પાડી. પરણ્યા પછી વિવેકે ધંધો શરૂ કર્યો પણ એ જે શરૂ કરે છે એમાં નસીબ યારી નથી આપતું. દર થોડા દિવસે એનું ફટકે છે.’

‘તમે બન્ને સાથે મળીને વાત કરો કે એકબીજાને શું ગમે છે ને શું ખૂંચે છે.’

‘કેવી વાત કરે છે એમી તું? જેવી વાત શરૂ કરું એટલે ધ્રુવવાક્ય બોલે: પહેલાં બુદ્ધિનો છાંટો આવવા દે પછી વાત કર.’

એમીને એનાં મિત્રદંપતી મેરિયન અને જોસેફ યાદ આવ્યાં. એમના ત્રણ સંવાદ યાદ કરીને એ હસી.

‘ખાનામાં ચપ્પુ હતો એ ક્યાં ગયો?’ જોસેફે પૂછ્યું.

‘ખાનામાં જ હતો. ત્યાં નથી?’ મેરિયને કહ્યું.

‘ખાનામાં હોય તોય પૂછું એવો મૂરખ છું?’

‘મેં તમને મૂરખ કહ્યા? મૂરખ શબ્દ મારો નથી.’

‘ના, તેં કહ્યું નથી પણ મોઢાના ભાવ પરથી ખબર પડે છે.’

‘મોઢાના ભાવ પરથી ખબર પડે છે તો પચ્ચીસ પચ્ચીસ વરસ પરણ્યે થયાં તો મારા મનમાં શું ચાલે છે એ કેમ કળાતું નથી?’

‘ટીવી ધીરું કર.’ જોસેફે કહ્યું.

‘ધીરું હોય તો મને સંભળાતું નથી.’ મેરિયન બોલી.

‘કહું છું ધીરું કર.’

‘લો, કર્યું.’

‘આટલું ધીરું? હવે કશું સંભળાતું નથી. સહેજ મોટું કર.’

‘લો, મોટું.’

‘આટલું મોટું? તારે મારા કાનના પડદા ફાડી નાખવા છે?’

‘આજની સ્પેશિયલ ડિશ કેવી થઈ છે? ક્યારેક તો વખાણ કર.’

‘ખાઉં છું ને?’

‘કહ્યા વગર તો કૂતરાંય ખાય. સારી થઈ છે કહેતાં જીભ તૂટી જાય છે?’

‘સારું, કહું. સાચું કહું ને?’

‘અફ કોર્સ.’

‘બહુ ખારી છે.’

‘મને તો કાંઈ ખારી ન લાગી. તને સ્વાદની ખબર પડે છે?’

‘તો પછી મને પૂછે છે શા માટે?’

‘ભૂલ થઈ બસ.’

ત્રણ દિવસ એમી કોન્ફરન્સમાં ગઈ એટલે વિવેક અને સુઝનને ત્યાં તો સૂવા આવવાનું જ થયું. પછીના દિવસે વિવેકના કામ માટે સૅન ફ્રાન્સિસ્કો જવાનું હતું. એને થયું કે બધાં જઈએ તો મજા પડશે. એનો મિત્ર લૅરી પણ આવશે. મા ને છોકરાંઓ ઘેર રહેશે.

સવારે છ વાગ્યે નીકળી જવાનું હતું. બધાં તૈયાર થયાં. લૅરી આવી ગયો. વિવેકે ગાડી બહાર કાઢી. એમી પાછળની સીટ પર બેઠી. સુઝન એની સાથે બેસવા ગઈ ત્યાં વિવેકનો પિત્તો ઊછળ્યો:

‘તારે તારા વર સાથે આગળ બેસવું જોઈએ કે પાછળ? કેમ હું નથી ગમતો? કોઈ સંગીતકારને બેસાડવો છે?’

સુઝન ભોંઠી પડી ગઈ.

‘એમી સાથે અમે અમારી વાત કરી શકીએ…’

‘ના, લૅરી પાછળ બેસશે.’

સુઝન આગળ બેઠી.

રસ્તામાં બ્રેકફાસ્ટ માટે ઊભાં રહ્યાં. વિવેક, લૅરી અને એમીએ ટોસ્ટ અને કૉફી મંગાવ્યાં. સુઝને દૂધ.

‘બીજાંથી જુદું જ કરવાની તારી આ રીત છે સુઝન!’

‘પણ મને દૂધ ભાવે છે. એમીએ દૂધ મંગાવ્યું હોત તો?’

સૅન ફ્રાન્સિસ્કો પહોંચ્યા પછી સુઝન અને એમીને ખબર પડી કે વિવેકને નાની બોટ ખરીદવી હતી, જે શનિ-રવિ ભાડે આપી પૈસા બનાવી શકે. વિવેક એ બાબત વાત કરવા ગયો ત્યારે સુઝને કહ્યું કે આ પહેલાં વિવેકે છ જણ બેસી શકે એવું ઍરોપ્લેઇન ખરીદેલું, જે એનો ભાગીદાર જ રાતોરાત ચોરી ગયેલો. વિવેકે પાછા આવીને કહ્યું કે બધાંએ નાની બોટમાં ફરવા જવાનું છે. સુઝને એમીનો હાથ દબાવ્યો ને ધીરેથી કહ્યું કે બોટમાં એને સી-સિકનેસ થાય છે પણ જો એ વાત વિવેકને કરશે તો એનું આવી બનશે. જવાઆવવાનો સમય તો પોણા જ કલાકનો હતો પણ સુઝનને સતત ઊલટી થયા કરી.

‘આ તો સુઝનની ધ્યાન દોરવાની તરકીબ છે.’ વિવેકે કહ્યું.

પાછાં બધાં સૅન ડિયેગો આવવા નીકળ્યાં. લૅરી પોતાની રીતે આનંદ માણતો હતો. બારી ખોલીને માથું બહાર કાઢે પછી વિવેકને કહે કે સ્પીડથી એની હૅર સ્ટાઇલ ખરાબ થઈ જાય છે. લૅરીને માથે એકે વાળ નહોતો. વળી, વાળ સરખા કરતો હોય એમ ટાલ પર હાથ ફેરવે. થોડી વાર પછી પાછો કહે કે શિયાળામાં રસ્તા પરનાં ઝાડ એવાં બુઠ્ઠાં થઈ જાય છે જાણે કોઈએ એના હાથ જ કાપી નાખ્યા હોય. બોલીને પાછો ઊંડા વિચારમાં ડૂબી જાય.

કેટલાય વખતથી મારા મનમાં એક સવાલ ઊઠે છે કે સ્ત્રી અને પુરુષની મૈત્રી — જસ્ટ પ્લૅટોનિક મૈત્રી સંભવે ખરી?’ લૅરી બોલ્યો.

‘મને તો લાગે છે કે સંભવે.’ એમીએ કહ્યું.

‘પણ કેટલીક વાર પતિ-પત્ની બન્નેને એક વ્યક્તિ સાથે ન ફાવે. મારો જ દાખલો આપું. શિકાગોથી એક બહેન આવેલાં. મારી પત્ની જોઆનાએ કહ્યું કે એ છોકરીનો પગ આપણા ઘરમાં ન જોઈએ. મને મિત્ર તરીકે એ બહેન ગમે છે.’ લૅરી બોલ્યો.

‘ઈર્ષ્યા હશે.’ વિવેકે કહ્યું.

‘ના રે, એ બહેનની વર્તણૂક એને માટે જવાબદાર છે. મને ખાતરી છે કે એમી માટે જોઆના કશો વાંધો ન લે.’

આટલો વખત ચૂપ બેઠેલી સુઝન એકાએક બોલી.

‘મને તો લાગે છે કે સ્ત્રીને પુરુષમિત્ર હોવો જોઈએ. હું સેક્સની વાત નથી કરતી. જસ્ટ ફ્રેન્ડશિપ. કદાચ વિવેકને હું વધારે સારી રીતે સમજી શકું.’

‘એમ, એમ, એટલે મને સમજવા પુરુષમિત્રની દોસ્તી જોઈએ? કરને પેલા વાયોલિનિસ્ટ સાથે દોસ્તી.’

‘વિવેક, આપણે જનરલ વાત કરીએ છીએ.’ એમીએ કહ્યું.

‘ના, ના, મને લાગે છે કે તું બીજા પુરુષની ભૂખી છે. આપવો છે તારે મને ડિવૉર્સ અને પરણવું છે પેલા મેક્સિકનને?’

સુઝને એમીની સામે જોયું.

‘વિવેક, હું સોગંદ ખાઈને કહું છું કે તારાથી વિશેષ મારે કોઈ નથી. પણ તું “વૅલરી, વૅલરી” કરે એનું મારે ખરાબ નહિ લગાડવાનું. તું એને ઍરપૉર્ટ પર લેવા-મૂકવા જાય અને શૉપિંગ કરવા લઈ જાય એ મારે હસીને સ્વીકારવાનું. અને આટલી નાની વાત પરથી તું ડિવૉર્સ સુધી પહોંચી જાય છે.’

કોઈ કશું બોલ્યું નહિ. વિવેકે ચુપચાપ ડ્રાઇવ કર્યું. બધાં ઘેર આવ્યાં. લૅરી એને ઘેર ગયો. સૌ જમ્યા વિના સૂઈ ગયાં.

બીજે દિવસે સવારે વિવેક નીચે આવ્યો ત્યારે એમી છાપું વાંચતી હતી. વિવેકે ટેઇપ મૂકી. કૉફી-મેકર ઑન કર્યું. ચા ઊકળવા મૂકી. એમી પાસે આવીને બેઠો.

‘તમને હું રાક્ષસ લાગતો હોઈશ.’

એમી કાંઈ બોલી નહિ.

‘મારો ધંધો સારો હતો. હમણાં તકલીફમાં છું. મને સ્ટ્રેસ લાગે છે. જે ખાઉં એનાથી ઍસિડિટી થઈ જાય છે. એમાં સુઝન રોજ કચકચ કરે છે. લગ્નને પંદર વરસ થયાં એની ઉજવણીમાં હીરાની બુટ્ટી ખરીદવી છે ને કેરેબિયન આઇલૅન્ડ્ઝની ક્રૂઝ લેવી છે. હું કહું છું કે થોડું ખમી જા. મને ખૂબ અકળાવે છે એ…’ વિવેક બોલ્યે જતો હતો. સુઝનને નીચે આવતી જોઈ એ અટક્યો.

‘ચા તૈયાર છે. હું થોડી વારમાં આવું છું.’ કહી બહાર ગયો.

સુઝન ટેબલ પર બેઠી અને રડવાનું શરૂ કર્યું.

‘એમી, મેં એટલું જ કહ્યું કે આપણે લગ્ન ટકાવવું હોય તો આપણા વારંવાર થતા ઝઘડા માટે કોઈ મિત્ર કે થેરપિસ્ટ કે મૅરેજ કાઉન્સેલરની સલાહ લઈએ. મને કહે કે, “હું તારી સાથે હવેથી પલંગ પર સૂવાનો નથી. નીચે પથારી પાથરી એકલો સૂવાનો છું.” એમી, મને તો આપઘાત કરવાનું મન થાય છે. તું કોઈને પણ પૂછી જો કે આ ઘર કોણ ચલાવે છે. મારા મોઢામાંથી એ વાત નીકળી નથી પણ લોકો મૂરખ થોડા છે! વિવેકને તો બસ મોટી મોટી ડીલ કરવી છે. કેટલાના પૈસા ડુબાડ્યા છે ને અમારાય. અરે, આપણાથી ઍરોપ્લેઇન તે ખરીદાતું હશે? અને હવે બોટ ખરીદવી છે. કોઈ પ્રૅક્ટિકલ વિચાર જ નહિ…’

એમીને લાગ્યું કે એ થિયેટરમાં બેઠી છે. પડદા પર ફિલ્મ ચાલે છે. પહેલાંની ફિલ્મમાં કલાકાર એ હતી. હવે પ્રેક્ષક છે. અત્યારની ફિલ્મમાં એ ભાગ લઈ શકે એમ નથી ને એને લેવો પણ નથી. એને થયું કે એ પ્રેક્ષકાગાર છોડીને ચાલવા માંડે.

“પન્ના નાયકની વાર્તા-૧૦ (વૉટરફિલ્ટર)

વૉટરફિલ્ટર

 ‘ક્યાં જાય છે અલ્પા?’

જ્યારથી અમારા મિત્ર ભાનુભાઈએ મારા જન્માક્ષર જોઈને કહ્યું કે મારે પ્રવાસયોગ છે ત્યારથી હું જેવી તૈયાર થાઉં કે નિમિષ અચૂક પૂછે:

‘ક્યાં જાય છે, અલ્પા?’

‘ક્યાંય નહીં.’

‘તું છુપાવે છે.’ નિમિષ છાપામાંથી જ્યોતિષનું પાનું જોતાં બોલ્યો.

અમારાં લગ્નને પાંચ વરસ થયાં છે. નિમિષે પાંચ નોકરીઓ બદલી છે. અમારું ઘર હજી અનફર્નિશ્ડ છે. ઓરડાઓમાં રંગ કરાવવાનો બાકી છે. રસોડાની ફર્શની ટાઇલ્સ ઊખડવા માંડી છે. નવાં ટોસ્ટર, બ્લેન્ડર લાવવાનાં થયાં છે. ભાનુભાઈએ કહ્યું ત્યારથી નિમિષ માત્ર જ્યોતિષ પર ધ્યાન આપે છે.

નિમિષનો દેખાવ મોટે ભાગે ગુજરાતી પુરુષોનો હોય એવો. સાધારણ. રંગ ઘઉંવર્ણો. આંખો ચબરાક પણ કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી એનો બહુ ખ્યાલ ન આવે. ઓછાબોલો. કેટલાક એને મીંઢો કહે એટલો ઓછાબોલો. ઉંમર પિસ્તાળીસ. મારા કરતાં પંદર વધારે. હવે ટાલ પડવા માંડી છે પણ મને દેખાતી નથી. કદાચ મારે જોવી નથી.

મને ટાલનો વાંધો નથી. વાંધો એના સ્વભાવનો છે. એનો સ્વભાવ બૉરિંગ છે. મને બૉરિંગ લાગે છે. કદાચ મારી અપેક્ષાઓને કારણે હશે. નિમિષ છેલ્લાં એક વરસથી ટેક્સેકો ગૅસકંપનીમાં ઍડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. ત્યાં એણે ગૅસ માટેના સ્લોગન તૈયાર કરવાનાં હોય છે. ‘ફિલ અપ ઍન્ડ ફીલ ધ ડિફરન્સ.’ ‘વન્સ યુ વોક ઇન, યુ વિલ નેવર વોક આઉટ વિધાઉટ ફિલિંગ ધ ટૅન્ક.’

અમે મળ્યાં લાઇબ્રેરીમાં. એ માર્કેટિંગની ચોપડીઓ વાંચે ને હું કવિતાની. ધીમે ધીમે લાઇબ્રેરી જવાનું ને ચોપડીઓ વાંચવાનું ઓછું થતું ગયું. અમારી સેક્સ લાઇફની જેમ. એક જ શબ્દમાં કહેવું હોય તો લગ્નના પહેલા વરસ પછી બધું ‘ડાઉનહિલ’ છે. ભાનુભાઈએ મારા જન્માક્ષર જોયા ત્યારથી એક નવો વળાંક આવ્યો છે.

‘ક્યાં જાય છે, અલ્પા?’ નિમિષ ધ્રુવવાક્ય બોલ્યો.

નિમિષ નહાવા ગયો ત્યારે આજના છાપામાં આવેલો મારા વિશેનો જ્યોતિષનો વરતારો મેં વાંચ્યો હતો. લખ્યું હતું: પૈસાનું ધ્યાન રાખવું. નવા રોમાન્સની વકી. આ વરતારો વાંચીને નિમિષ શંકાશીલ બને એ સ્વાભાવિક હતું.

‘તું કોઈ બીજા પુરુષની આકર્ષાઈ છે?’

મેં વિચાર્યું: આકર્ષણ કેવું! નસીબ ફૂટ્યાં છે? પતંગ દીવા પાસે દાઝી મરે છે એ ખબર છે. સામે ચડીને દાઝવાનું. ના રે ના.

‘હું તો નથી આકર્ષાઈ. તું?’

‘બીજા પુરુષોથી?’

‘ના, ના. બીજી સ્ત્રીઓથી?’

‘અરે અલ્પા, એટલું તો સમજ કે તને મળ્યા પછી બીજી સ્ત્રીઓ મારે મા બહેન સમાન છે.’

મને ખબર છે. નિમિષ બીજી સ્ત્રી પાસે ન જાય. એને મૈત્રી કે સેક્સ કશામાં રસ નથી.

મહિના પહેલાં ટ્રેનમાં મારી સામે એક પુરુષ બેઠો હતો. દેખાવડો હતો. એણે દાઢી રાખી હતી. મને દાઢી નથી ગમતી. ચુંબન કરવા જાવ ને ખૂંચે. ચુંબનની બધી મજા બગડી જાય. મનમાં નિમિષને કહું છું કે મને બીજા પુરુષનું આકર્ષણ નથી. હા, ક્યારેક ફૅન્ટસી કરું છું. એ કોઈ મોટી કંપનીનો સીઈઓ હોય. સાંજે એની મર્સીડીસમાં ઘેર આવે. હીંચકે બેસીને અમે ચા પીએ. એ મને વહાલથી નવડાવી દે. એના ચુસ્ત બાહુપાથમાં ભીંસી દઈ મારી કાયાને એની કાયામાં ઓગાળી દે. મારા પુરુષ ચહેરાહીન હોય છે. એમને કોઈ ઉંમર હોતી નથી. એમને ટાલ હોતી નથી. રાતના એ મારી ઊંધી બાજુ સૂઈ ભીંત સામે જોતા નથી. એ વૉટરપ્યુરિફાયરનાં ફિલ્ટર બદલવાની તારીખ નોંધી રાખતા નથી. એમને જ્યોતિષમાં રસ નથી. એમને મારા પ્રવાસયોગની ખબર હોય તોય પૂછપૂછ કરતા નથી.

‘ક્યાં જાય છે, અલ્પા?’

ગુલાબની વાડીમાં તો નહીં જ. મને ગુલાબ બહુ ગમે છે એટલે ગયે વરસે નિમિષે દસપંદર છોડ વાવી દીધા. પછી સમ ખાવા એક દિવસ જઈને જોયું હોય કે છોડ જીવે છે કે મરે છે! મારે જ ક્યારી સાફ કરવાની ને મારે જ પાણી પાવાનું. વળી, જૅપનીઝ બીટલ કળીઓ ખાઈ જાય એટલે સ્પ્રે છાંટ્યા કરવાનું. એના કરતાં તો ગુલાબ ખરીદવાં સારાં!

મેં પાછું લાઇબ્રેરી જવાનું શરૂ કર્યું છે. ત્યાંના સ્ટાફરૂમમાં બે સ્ત્રીઓને વાત કરતાં સાંભળી હતી. એક સ્ત્રી બીજી સ્ત્રીને કહેતી હતી કે લગ્નમાં જ્યારે ગૂંગળામણ થાય છે ત્યારે નજીક હોવા છતાં પતિપત્ની એકબીજાને જોતાં બંધ થઈ જાય છે. બીજી સ્ત્રીએ સંમતિમાં માથું હલાવ્યું હતું. નિમિષને એવું થતું હશે? ‘ક્યાં જાય છે, અલ્પા?’ એમ પૂછે છે ત્યારે હું એને છોડી દઉં એમ સૂચવતો તો નહીં હોય? કે પછી એને બીક હશે કે હું એને છોડી દઈશ?

‘ક્યાં જાય છે અલ્પા?’ સવાલ પૂછતી વખતે નિમિષના કપાળમાં બે-ત્રણ રેખાઓ ઊપસીને ભેળસેળ થયેલી હતી.

મારા પપ્પા મને સવાલ પૂછતા ત્યારે હું જવાબ ન આપું તો એ ભવાં ચડાવી મારી તરફ આવતા. એક ડગલું… બીજું… ત્રીજું ભરે એ પહેલાં હું દોડી જતી.

મને લાગે છે કે નિમિષ પણ ભવાં ચડાવી મારી તરફ આવે છે. એક ડગલું… બીજું… પણ હું દોડીને જાઉં ક્યાં?

કદાચ ટ્રેનમાં મળેલા પેલા દાઢીવાળા પુરુષ પાસે. મેં એની સાથે વાત કરી છે. અમે સાથે કૉફી પીધી છે. એ યુનિવર્સિટીમાં વર્ષોથી પ્રોફેસર છે. અંગ્રેજી સાહિત્ય ભણાવે છે. મારે એની ખૂંચતી દાઢી પસવારતાં પસવારતાં શેક્સપિયર, શેલી અને એલિયટની કવિતા સાંભળવી છે.

‘ક્યારે જાય છે અલ્પા?’

‘ક્યારે?’

‘ના, ક્યાં?’

‘મેં સાંભળ્યું, “ક્યારે”?’

‘તારી ગેરસમજ થાય છે. મેં તો પૂછ્યું કે ક્યાં જાય છે અલ્પા?’

નિમિષ જેમ જેમ પૂછે છે તેમ તેમ વધારે ને વધારે ચાલી જવાના વિચાર આવે છે. ચાલી પણ જાઉં. ચાલી જવું ગમે પણ ખરું.

ચાલી જવાના કશા પ્લાન તો નથી. છતાં દર રવિવારના ટ્રાવેલ સેક્શનમાં બહામા, બર્મ્યુડા, અલાસ્કા, યુરોપની જાહેરખબર આવે છે એ જોઉં છું. વન એઇટ હન્ડ્રેન્ડ પર ફોન કરીને રિઝર્વેશન કરાવવાનું. પૅકેજ ડીલમાં પ્લેઇન ફેર અને હોટેલ બન્ને. બહામા બર્મ્યુડામાં હોટેલની સામે જ નાળિયેરીનાં ડોલતાં વૃક્ષો અને ઊછળતો દરિયો. ના, ના. મને તો ગમે વૃક્ષોથી આચ્છાદિત ટેકરી, જ્યાં સેંથા જેવી પગથી પર ચાલીને ઝરણા પાસે જવાનું ને એનું સંગીત સાંભળવાનું. ખળ ખળ ખળ. પગ ડુબાડીને કલાકો સુધી બેસવાનું. એવી ય જગ્યા ગમે જ્યાં ઊંચી છતવાળો મોટો સફેદ ઓરડો હોય. વૉલ-ટુ-વૉલ બુક શેલ્વઝ હોય. મ્યુઝિક સિસ્ટમ હોય. આજુબાજુ મ્યુઝિયમ હોય. રેસ્ટોરંટ હોય. ઓરડામાંથી નદી દેખાતી હોય. બાળકો રમતાં હોય. એમની કાલી ભાષાના ગુંજતા સ્વર કાનને ભરી દેતા હોય. મને પણ બાળક થવાનું હતું. ઉચ્ચારની ભૂલ ન થાય એવાં નામ પણ મેં શોધી રાખેલાં. મારું નામ જુઓને. અલ્પા. કેવું નામ છે, અલ્પા? અમેરિકામાં બધાં મને ખીજવે છે, ‘આલ્પો’, ‘આલ્પો’ કહીને. ‘આલ્પો ડૉગફૂડ.’

નિમિષને મારું નામ ખૂબ ગમે છે. વહાલમાં અલ્પુ, અલ્પી, અલ્પ કહે છે. ‘અલ્પા’ કહે ત્યારે સમજવાનું કે મામલો ગંભીર છે.

મને બાળક હોત તો નિમિષને છોડવાનો વિચાર કર્યો હોત? મારી સાથેની રૂથ અને લીસા સિંગલ પૅરન્ટ છે.

‘ક્યારે જાય છે અલ્પા?’

મેં બરાબર સાંભળ્યું. ‘ક્યા-રે?’ હું હજી અવઢવમાં છું? હજી સમય પાક્યો નથી? સમય પાક્યો છે એ કેમ કહી શકાય? હજી વધારે કંટાળીશ ત્યારે? બીજી સ્ત્રીઓએ નિર્ણય ક્યારે ને કેવી રીતે લીધો હશે? એક પણ દિવસ વધારે ખેંચી શકી નહીં હોય ત્યારે? ઇબ્સનની નૉરાએ એવું જ કર્યું હશે? બારણાને ધક્કો મારીને છેલ્લી સલામ?

હું ક્યારે જાઉં છું? થોડા જ સમયમાં… થોડા જ… મને લાગે છે વૉટરફિલ્ટર બદલવાનો સમય થઈ ગયો છે.

“પન્ના નાયકની વાર્તા-૯ (વળાંક)

વળાંક

ચાલ નિધિ, તારી બહેનપણીઓ પૂર્વા અને કેયાને બોલાવ. ગાડીમાં વાત કરજો. શૂઝ પહેરો. હું ગાડી કાઢું છું. ચાલો, ચાલો, જલદી કરો. મારે તમને શારદાઆન્ટીને ત્યાં ઉતારવાનાં છે ને છ વાગ્યે કોન્સર્ટમાં પહોંચવાનું છે. ક્યાં ગઈ કેયા? મેં કહેલું કે પાંચ વાગ્યે નીકળવાનું છે. નીકળતી વખતે જ ચોપડી લેવાનું યાદ આવે છે.

હવે પૂર્વા ક્યાં ગઈ? બાથરૂમમાં?

શારદાઆન્ટીને ઘેર બાથરૂમમાં ન જવાત? સારું ચાલો, બારણું બંધ કરો. જો નિધિ, કોન્સર્ટ પતશે એટલે હું ફોન કરીને લેવા આવીશ. તૈયાર રહેજે. તારા પપ્પાને શનિવારે જ કોન્ફરન્સ આવી પડી. એ હોય તો મારે આમ સરસ રીતે તૈયાર થઈને ગાડી ચલાવવાની ને તમને બીજાને ત્યાં મૂકવા જવાનો વારો ન આવે.

પપ્પા હોય તો ડૉર-ટુ-ડૉર સર્વિસ મળે. પાછી આ ગરમી. હૉલ પર પહોંચતાં સુધીમાં સાડી તો ડૂચો થઈ જશે.

નિધિ, તું આગળ બેસ. પૂર્વા, કેયા તમે પાછળ બેસો. સીટબેલ્ટ બાંધો. જુઓ, બારી ઉતારચડ નથી કરવાની. હું ઍરકન્ડિશનર ચલાવવાની છું.

અરે, જરા ધીરે! આટલું જોરથી બારણું બંધ કરવાનું? લૉક કરી દો.

નિધિ, ગણપતિની પ્રાર્થના બોલી લે એટલે ગાડી ચલાવું. વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ…

જુઓ, શારદાઆન્ટીને હેરાન નહીં કરતાં. દૂધ, જ્યૂસ માંગી લેજો, પૂર્વા, કેયા, તમારી મમ્મી તમને સાત વાગ્યે લેવા આવશે.

ભગવાન! શનિવારે એક્સપ્રેસ વે પર આટલી ગાડીઓ!

હા, ભાઈ, હા. ધીરે જ જાઉં છું. પંચાવનની સ્પીડ પર તો જાઉં છું ને? કેયા, તું આટલી ગભરાય છે શાની? પહેલી વાર આ ગાડીમાં બેઠી છે? પાછળ અઢેલીને બેસ. આમ આગળ આવીને ડોકિયું ન કર્યાં કર.

ચાલો, મેં શીખવેલું પેલું ગીત ગાવ. યાદ નથી? હું યાદ કરાવું. ‘ચાલો ને, રમીએ હોડી હોડી.’ ‘હોદી નહીં હોડી.’ ‘ડ’ ‘ડ’ બોલો પા…ણી. ‘પાની’ નહીં ‘પાણી’. જુઓ, એકમાં ‘ન’ છે અને બીજામાં ‘ણ’. ‘મરવા’ અને ‘મળવા’માં ફેર સંભળાય છે? બન્ને સરખા સંભળાય છે? ના, જુદા છે. એકનો મિનિંગ થાય ‘ટુ ડાય’ અને બીજાનો ‘ટુ મીટ’.

હવેથી આપણે દર રવિવારે એક કલાક ગુજરાતી બોલીશું. આપણે ગુજરાતી હોઈએ ને ગુજરાતી ન આવડે એ સારું ન કહેવાય. બરાબર?

શું ગુસપુસ ચાલે છે પાછળ?

મારા ફોરહેડ વિશે?

ફોરહેડને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? કપાળ. હં, તો શી વાત હતી? કપાળ પર ડૉટ? ડૉટ નહીં ચાંલ્લો… બિંદી…

સ્કૂલમાં શું કહે છે? ફોરહેડ બ્લીડિંગ. તો તમારે સમજાવવાનું ને કહેવાનું કે આપણો રિવાજ છે.

અમેરિકામાં શા માટે? એમ કહેવાનું કે આપણે આપણી આઇડેન્ટિટી મેઇનટેઇન કરવી છે.

બધા હસે છે?

તો એમ કહેવાનું કે બ્યુટી માર્ક છે. કેમ, તમારી સ્કૂલમાં છોકરાઓ બુટ્ટી નથી પહેરતા? આપણે સાડી સાથે ચાંલ્લો કરીએ છીએ. રેડ ડૉટ નહીં, ચાંલ્લો. ચાંલ્લો અઘરું લાગે તો બિંદી… કે કુમકુમ….

પૂર્વા, તું બરાબર બેસ. બાજુની બારીમાંથી બહાર જો. ઊંચી થઈને પાછળ શું જોવાનું છે? તું ઊંચી થાય છે તો રીઅર વ્યૂ મિરરમાં મને કશું દેખાતું નથી.

મારે શું જોવાનું છે? આ એક્સપ્રેસ વે પર ટ્રાફિક સિવાય બીજું છે શું? ભગવાન જાણે અત્યારે પાંચ વાગ્યે જ બધાંને ક્યાં જવાનું હશે? કોન્સર્ટ મોડો શરૂ થાય તો સારું.

કોનો કોન્સર્ટ? માઇકલ જેક્સનનો?

ના, ભાઈ ના. તો તમને ન લઈ જાઉં? પંડિત જસરાજનો. ક્લાસિકલ સિંગર છે. વોકલિસ્ટ. તમને મજા ન પડે. નિધિ, તારા પપ્પાનેય નહીં. એમને તો મૂકેશ ને કિશોરકુમાર. પચ્ચીસ વરસ પહેલાંનાં ગીતો સાંભળે ને ખુશ થાય.

અમે રૉક ને પૉપ કેમ નથી સાંભળતાં?

જુઓ, અમને તો એમાં સમજ જ ન પડે. એમાં અમને મ્યુઝિક જ નથી લાગતું. ધમાધમ ધમાધમ. કાનના પડદા ફાડી નાખે.

આપણે બેઇઝબૉલ કેમ નથી રમતાં?

તમારા પપ્પા તો તમને બેઇઝબૉલ ગેઇમમાં લઈ જાય છે ને?

શું થયું પૂર્વા?

પાછલી ગાડીમાંથી કોઈ આપણા તરફ આંગળી ચીંધે છે? ચીંધવા દે. એની સામે જોઈશ જ નહીં. કેટલાય ગાંડા લોકો ગાડી ચલાવે છે. એમાં એક્સપ્રેસ વે પર એને શૂર આવે છે. હમણાં જ મેં વાંચેલું કે એક ડ્રાઇવરે બીજાને આગળ ન જવા દીધો એટલે જોરથી ગાડી અથડાવી. ડ્રાઇવરને વાગ્યું ને ગાડીને નુકસાન. ટ્રાફિકમાં પુરાઈ રહેવું કોઈને ગમતું નથી. આપણે ફાસ્ટ નથી ચલાવવી. કોઈએ જ ફાસ્ટ ન ચલાવવી જોઈએ. ઍક્સિડન્ટ થાય. સ્પીડ લિમિટ ફૉલો કરવી જોઈએ. મોડા પહોંચાય તો કંઈ નહીં, તમને કંઈ થાય તો તમારાં મમ્મીડેડીને શો જવાબ આપું?

શું પૂર્વા? હજી આપણી પાછળ જ છે?

મને તો નથી દેખાતી.

જમણી બાજુ? જમણી બાજુ આવી એ જ ગાડી?

શું કેયા? હવે પાછી પાછળ આવી ગઈ? ડ્રાઇવરની બાજુમાં બેઠેલા માણસના હાથમાં કંઈ છે?

તું બેસી જા. હું જોઉં છું. આપણી આગળ કેમ નથી જતા? હું પંચાવનની સ્પીડ પર જાઉં છું પણ આગળ તો જગ્યા છે.

શું પૂર્વા? ડાબી બાજુ આવી ગયા?

ભલે, જુઓ નહીં. આપણી વાતો ચાલુ રાખો.

શું કહ્યું? ગન બતાવે છે? કોણે કહ્યું?

હું નથી જોવાની. મેં સાડી પહેરી છે. ચાંલ્લો કર્યો છે. વધારે ઉશ્કેરાશે.

કાળા છે કે ધોળા?

અહીંના કેટલાય માણસોને થાય છે કે આપણે ઇન્ડિયનો બહુ કમાઈએ છીએ, પૈસા બનાવીએ છીએ ને મોટાં ઘરોમાં રહીએ છીએ. કામ કેટલું કરીએ છીએ એ ક્યાં જોવા આવે છે?

કેયા, રડવાનું નથી. હું તમને થોડી જ વારમાં શારદાઆન્ટીને ત્યાં પહોંચાડી દઈશ.

પાછા બાજુમાં આવી ગયા? તમે જુઓ નહીં.

પોલીસ ક્યાં છે?

બાજુ પર ઊભી રાખું ને એમને જવા દઉં?

ના, એવું કરીએ તો એય ઊભા રહે ને ગાડી હાઈજેક કરે તો?

જુઓ, તમે સીટ નીચે ભરાઈ જાવ. હું ફાસ્ટ ચલાવીને બીજી ગાડીઓની આગળ નીકળી જાઉં છું. પંચાવન… સાઠ… પાંસઠ… સિત્તેર…

મેં કહ્યું ને કે સીટ નીચે ભરાઈ જાવ. કેયા, પાછળ જોવાની જરૂર નથી.

શું? પોલીસ સાયરન વાગે છે? આપણને બાજુ પર ઊભી રાખવાનું કહે છે?

આપણને ગાડી ઊભી રાખવાનું કહે છે એના કરતાં હેરાન કરે છે એ ગાડીને કેમ ઊભી નથી રાખતા? નિધિ, પૂર્વા, કેયા, હું ગાડી ઊભી રાખું છું. કાચ બંધ રાખજો. દરવાજો લૉક. ગાડીમાંથી કોઈએ ઊતરવાનું નથી.

તમે પોલીસ ઑફિસર છો? તમારો બેજ બતાવો. મેં તો ઑફિસરોના યુનિફૉર્મમાં ખોટા બેજ બતાવીને ધોળે દિવસે લોકોને લૂંટી જતા જોયા છે.

ઑફિસર, તમારો સાચો છે. હા, હા, કાચ ઉતારું છું.

સ્પીડિંગ? પોલીસ ઑફિસર, મને ખબર છે હું સ્પીડિંગ કરતી’તી પણ…

થેંક યુ? થેંક યુ શેને માટે?

પાછલી ગાડીને આગળ ન જવા દેવા બદલ?

અરે, એ લોકો જ અમને ટ્રેઇલ કરતા’તા.

પાછલી ગાડી ચોરેલી હતી? કેવી રીતે ખબર પડી?

તમે રડાર પર જોયું? તો જલદી કેમ ન આવ્યા? હું અને આ ત્રણ છોકરીઓ હૈયું હાથમાં લઈને હેરાન થતાં’તાં એનું શું?

હજી ધ્રૂજું છું?

તે ધ્રૂજું જ ને? આ છોકરીઓને ખબર નથી કે હું ધ્રૂજું છું. પેલા માણસો ગન બતાવે તો કોઈયે ધ્રૂજી જાય.

તમે મારી સાથે આવો છો?

ના, ના આઈ એમ ઑલરાઇટ. મારે આ છોકરીઓને ઉતારીને કોન્સર્ટમાં જવાનું છે.

મારે પોલીસસ્ટેશન પર આવવું પડશે? શા માટે?

પેલી ગાડીના માણસોને આઇડેન્ટિફાય કરવા?

ઑફિસર, મેં તો એમને અલપઝલપ જોયા છે, ડ્રાઇવ કરતી વખતે બાજુની ગાડીમાં કોણ છે એ ધ્યાનથી થોડું જોયું હોય?

મારી મદદની બહુ જરૂર છે? અગત્યનો કેસ છે?

સારું. પહેલાં આ છોકરીઓને ઉતારી દઈએ. જુઓ! નિધિ, પૂર્વા, કેયા, હું તમને શારદાઆન્ટીને ત્યાં ઉતારું છું. પછી પોલીસઑફિસર સાથે જઈશ. કોન્સર્ટમાં મોડી જઈશ. નિધિ, તને લેવા આવીશ.

ડોન્ટ વરી. એવરીથિંગ વિલ બી ઑલરાઇટ.

પેલા માણસોને આઇડેન્ટિફાય કરીશ?

હા, હા, એ બન્નેને ઓળખી કાઢીશ ને જેલમાં બેસાડી દઈશ.

કાલે છાપાંમાં આવશે?

આવશે તો તમારાંય નામ હશે. તમે ત્રણે બ્રેવ છો. હું એકલી હોત તો પેલી ગાડીની ખબર જ ન પડત. જુઓ, શારદાઆન્ટીનું ઘર આવી ગયું. તમે અંદર જાવ પછી હું જઈશ.

હં, તો ઑફિસર હવે ડિરેક્શન આપો.

સીધી જાઉં? ભલે.

હવે ડાબી તરફ? ઓ.કે.

મારા હસબન્ડને ખબર છે? શેની? કોન્સર્ટની?

હાસ્તો. પણ મારે આ છોકરીઓને ઉતારવા જવું પડશે એની ખબર નહોતી. મારી ફ્રૅન્ડ શારદાની ગાડી બગડી ગઈ. નહીં તો એ જ મારે ઘેર આવવાની હતી. છોકરીઓનું ધ્યાન રાખવા. હું તો સીધી કોન્સર્ટમાં જવાની હતી.

મારા હસબન્ડ શું કરે છે?

કમ્પ્યુટર સેલ્સમૅન છે. તમારે જાણીને શું કામ છે?

એમને ખબર આપવી છે?

ના, કંઈ જરૂર નથી. રાતના ઘેર આવશે ત્યારે કહી દઈશ.

પોલીસસ્ટેશન આવી ગયું?

ભલે.

દરવાજામાં જ પાર્ક કરું?

થેંક યુ. ઑફિસર બહુ મોડું તો નહીં થાય ને? મારે કોન્સર્ટમાં જવાનું છે. જલદી પેલા માણસોને લાવો.

અરે, ઑફિસર! સામેથી આવે છે એ તો મારા હસબન્ડ છે. એને તમે ક્યારે ખબર આપી?

તું અહીં શું કરે છે? શું થયું ખબર છે? અમારી પાછળ એક ગાડી પડી’તી. ડ્રાઇવરની બાજુમાં બેઠેલા માણસ પાસે ગન હતી. અમારી સામે તાકતો’તો. મેં સ્પીડિંગ કર્યું. એ લોકો છટકી જતા’તા પણ પોલીસે પકડ્યા. એમને આઇડેન્ટિફાય કરવા આવી છું. તું અહીં ક્યાંથી?

ઑફિસર, મારા હસબન્ડ ગભરાઈ ગયા છે. કશું બોલતા નથી.

એવું નથી?

અરે, આ શું કરો છો તમે? એમના હાથમાં બેડી કેમ પહેરાવો છો? પેલા માણસોને લાવો. આ તો મારા હસબન્ડ છે. એને અરેસ્ટ કેમ કરો છો? પણ કેમ, કેમ?

એણે પેલા માણસોને પૈસા આપેલા? મને મારી નાંખવા? હોય નહીં ઑફિસર, આ મજાકનો વખત નથી. એવું બને જ નહીં. વી આર હેપિલી મૅરીડ. વી આર વેરી હેપી. તમે ભૂલ કરો છો. તમારી પાસે પ્રૂફ છે? ઓહ માઈ ગૉડ…!

“પન્ના નાયકની વાર્તા-૮ (નિત્યક્રમ)

નિત્યક્રમ

એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મેનહેટન બેગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો.

કામ પતાવી પાછા આવો ત્યારે ‘મેનહેટન બેગલ કાફે’ પાસે તમારા પગ અટકે છે. તમને થાય છે પ્રેરણા એની કોઈ બહેનપણી સાથે આવી હશે. તમે અંદર જવાનું મન રોકી શકતા નથી. જાઓ છો. ‘બેગલ વિથ ક્રીમ ચીઝ ઍન્ડ કૉફી ટુ ગો’નો ઑર્ડર આપો છો. હાથમાં બ્રાઉન બૅગ લઈ આજુબાજુ નજર કરો છો. પ્રેરણા રસ્તા પર પડતા ટેબલ પર બેઠી છે. તમારી આંખો મળે છે. એ સ્મિત આપે છે. તમે એની પાસે જાઓ છો. ઊભા રહો છો. સામેની ખુરશી ખાલી છે.

‘હું…’ તમે તમારું નામ બોલતાં થોથવાઓ છો.

‘હું પ્રેરણા. આપણે સુધીર અને વિશાખાને ત્યાં મળ્યાં હતાં. ઉતાવળ ન હોય તો બેસો ને!’

પ્રેરણાએ પહેરેલી ચાંદીની ઘૂઘરીવાળી લાંબી બુટ્ટી લોલક જેમ આમતેમ હલે છે. એ કોઈ જાડી ચોપડી વાંચતી હોય છે તે બંધ કરે છે. તમને ચોપડીનું શીર્ષક દેખાતું નથી. તમે બેસો છો. તમને લાગે છે જાણે તમારા જીવનમાં નવો વળાંક આવી રહ્યો છે. પ્રેરણાના ટૂંકી બાંયના કુરતાવાળા હાથ પર રુવાંટી નથી. એના હાથની આંગળીઓ લાંબી અને પાતળી છે. એક આંગળી પર એક હીરાની વીંટી છે. એણે ‘બેસો ને’ કહ્યું ત્યારે તમે એના હોઠનો વળાંક જોઈ લીધો હતો. સુધીર અને વિશાખાને ત્યાં આમ નજીકથી જોઈ નહોતી.

તમે તમારી પત્ની જયશ્રી અને ચાર વરસના નિશીથ વિશે વાત કરો છો. તમે જામનગર પાસેના નાના ગામમાં ઊછર્યા છો. તમને હંમેશ મોટા શહેરનું આકર્ષણ હતું. બાપાએ મુંબઈ ભણવા મોકલ્યા. ત્યાં તમે પહેલી વાર અમેરિકન મૂવી જોઈ હતી. અમેરિકાથી ખૂબ અંજાઈ ગયેલા. તમારા એક મિત્રે તમને અમેરિકા બોલાવ્યા. તમે ઇન્સ્યોરન્સ સેલ્સમૅન છો. સાંજે કમ્પ્યુટર કોર્સ ભણાવો છો. તમને થાય છે તમે ઘણું બોલો છો. કદાચ એને તમે મૂરખ લાગતા હશો. અને છતાંય બોલવાનું ચાલુ રાખો છો. તમે કહો છો કે અમેરિકા આવ્યા ત્યારે તમારી પાસે પૈસા નહોતા. લોન લઈને ભણ્યા અને જાતમહેનતે આગળ આવ્યા છો. બૉસ તમારા પર ખુશ છે. પત્ની સરળ સ્વભાવની છે.

પ્રેરણા અરુણ વિશે વાત કરે છે. અરુણ ડાયમંડ મરચન્ટ છે. એને અવારનવાર એન્ટવર્પ જવું પડે છે. દીકરી અનુજા કૉલેજમાં છે. અરુણ લાંબો સમય એન્ટવર્પ રહેવાનો હોય ત્યારે એ મુંબઈ જઈ આવે છે. બાકીના સમયમાં ચિત્રો દોરે છે.

‘શહેરમાં અવારનવાર આવો છો?’ તમે પૂછો છો.

‘હા, દર બુધવારે મેટિને-શૉમાં મૂવી જોવા.’

‘એકલાં જ?’

‘હા, કેમ નવાઈ લાગે છે?’

તમને સાચે જ નવાઈ લાગે છે પણ કબૂલી શકતા નથી. પ્રેરણા દેખાવડી છે. એના દેખાવ વિશે એ પોતે સભાન છે એવું તમને તેની આંખોમાં, તેના હાવભાવમાં, કપડાંમાં, વર્તનમાં દેખાય છે. તમારે જવું પડશે કહીને તમે છૂટા પડો છો. ઑફિસમાં પાછા જાઓ છો. તમારું ચિત્ત ચોંટતું નથી. તમને ઑફિસ છોડી પ્રેરણા સાથે મૂવી જોવા જવાનું મન થાય છે. તમારામાં હિંમત નથી. તમારા બૉસ પાસે તમે માંદા છો એવું ખોટું બોલી શકતા નથી. તમારી પત્ની જયશ્રી પાસે પણ ઢાંકપિછોડાવાળી વાત કરી શકતા નથી. બૉસ કે જયશ્રીને બનાવવાની આવડત તમારામાં નથી. કોઈ બહાના વિના ચાલુ દિવસે મૂવી જોવા ન જઈ શકાય એની તમને પ્રતીતિ થાય છે.

તમે બુધવારની રાહ જોવાનું શરૂ કરો છો. બેએક બુધવાર પ્રેરણા દેખાતી નથી. તમે બેગલ અને કૉફી લઈ બહાર નીકળી જાઓ છો. પછીના બુધવારે તમે બહાર નીકળો છો ત્યારે પ્રેરણા બારણામાં મળે છે. તમે પાછા અંદર જાઓ છો. પ્રેરણા માટે કૉફીનો ઑર્ડર આપો છો. વાતો કરો છો. પ્રેરણા કહે છે કે એમની વેડિંગ એનિવર્સરી પર અરુણે એને કમ્પ્યુટર ભેટ આપ્યું છે જે એના કરતાં વધારે અનુજા વાપરે છે. પ્રેરણાએ શીખવા માટે ઇવનિંગ સ્કૂલ જોઇન કરેલી. પ્રેરણા તમને પૂછે છે કે તમે રિફ્રેશર કોર્સ આપી શકો કે કેમ. તમારે એમ કહેવું છે કે ભવિષ્યમાં જ્યારે તમે અને જયશ્રી એમને ત્યાં જશો ત્યારે થોડી જ વારમાં શીખવી શકશો, પણ એને બદલે તમારાથી હા પડાઈ જાય છે. પ્રેરણાના નિમંત્રણને તમે નકારી શકતા નથી. ઊંડે ઊંડે તમને પ્રેરણાને એકલા મળવાનું મન છે.

પ્રેરણા પછીના બુધવારે બપોરે મળવાનું ગોઠવે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢીને ઑફિસથી નીકળી જાઓ છો. પ્રેરણાએ આપેલા એડ્રેસ પર પહોંચો છો. શહેરના સરસ પાડોશમાં વિક્ટોરિયન ઘર છે. ઘરની આગળ ફૂલક્યારીઓ છે. ટ્રિમ કરેલી લીલીછમ લૉન છે. ઘંટડી દબાવો છો. પ્રેરણા બારણું ખોલે છે. ઘરમાં દાખલ થતાં એક તરફ દીવાનખાનું છે. બાજુમાં રસોડું અને નાનો બાથરૂમ. પ્રેરણા ઉપલે માળે લાઇબ્રેરીમાં લઈ જાય છે. એક તરફ સ્ટીરિયો. ટેઈપ્સ, સીડી, વગેરે છે. બીજી તરફ સફેદ શેલ્વ્સ પર પુસ્તકો. સામે કમ્પ્યુટર ડેસ્ક પર નવુંનક્કોર કમ્પ્યુટર છે. કમ્પ્યુટરની બાજુમાં તમારી નજર ખાળી ન શકે તેવો સોફા છે.

તમે કમ્પ્યુટર ડેસ્ક પાસેની ખુરશી પર બેસો છો. કમ્પ્યુટર કંઈ મોટું રહસ્ય નથી એમ કહી જાણવા જેટલું બેઝિક બતાવો છો. સમજાવો છો. એને કાગળ ટાઇપ કરવા કહો છો. તમે પાસે ઊભા રહો છો. પિયાનો પર આંગળી ફરે એમ એ ટાઇપ કરે છે. ટાઇપ કરેલો કાગળ પ્રેમપત્ર છે. ‘ટુ હૂમ ઇટ મે કન્સર્ન’ કરીને અન્ડરલાઇન કર્યો છે. તમે થોડા વિવશ થઈ જાઓ છો.

એ તમને એના બેડરૂમમાં ખેંચી જાય છે. ક્ષોભ સાથે તમે પ્રેમ કરો છો. પ્રેમ કર્યા પછી, દૂધ પીને સંતોષી બિલ્લી સૂતી હોય એમ, પ્રેરણા તમારી બાજુમાં સૂતી છે.

તમારી આખી જિંદગીમાં આવા જાગ્રત ન થયા હોય એમ જાગતા તમે પડ્યા છો. તમે કોઈ દિવસ પરસ્ત્રીને પ્રેમ કર્યો નથી. અચાનક ફોનની ઘંટડી વાગે છે. પ્રેરણા તંદ્રામાંથી જાગીને ફોન લે છે. ફોન અરુણનો છે. તમને પેશાબ થઈ જશે એટલો ભય તમારા શરીરમાં વ્યાપી વળે છે. તમે થરથર કાંપો છો. તમારું હૃદય બમણી ઝડપે ધડકે છે. તમને ભયંકર અપરાધભાવ જાગે છે. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પ્રેરણા તમારો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે વાત કરે છે. ‘ડાર્લિંગ, કેમ છે તું? શું કર્યું આજે? લંચ ખાધો? ટપાલમાં કશું નથી. સાંજે કેટલા વાગ્યે આવીશ? જમવામાં શું બનાવું? દાળઢોકળી? ચો…ક્ક…સ. અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’ પ્રેરણાનો હાથ છોડીને તમે ત્વરાથી ઊઠો છો. કપડાં પહેરી લો છો. તમે કહો છો કો તમારે જવું પડશે. પ્રેરણા દરવાજે આવીને હળવું ચુંબન કરીને આવજો કહે છે. તમે ગાડી સ્ટાર્ટ કરો છો. તમને પસીનો છૂટે છે. રૂમાલ કાઢીને લૂછો છો. રૂમાલ લથબથ થઈ જાય છે. તમે ઍરકન્ડિશનર ચલાવો છો. અન્યમનસ્ક થોડે સુધી જાઓ છો. આખું દૃશ્ય તમારી આંખ સામે ખડું થાય છે. તમે આવી કોઈ સ્ત્રીને મળ્યા નહોતા. એનો સંગ તમને માણવો ગમ્યો હતો. સિગ્નલ આવે છે. તમે લાલ લાઇટ પાસે ઊભા રહો છો. ત્રીસ સેકન્ડ પછી લાઇટ લીલી થાય છે. ઝબકારા સાથે થતી લીલી લાઇટ સાથે તમને ય ઝબકારો થાય છે. તમારું થરથર કાંપવું અને પ્રેરણાનું મીઠાશભર્યા અવાજમાં અરુણ સાથે સહજતાથી વાત કરવું— આંખ પલકારવા જેવું સહજ. ધૂળ ઊડે ને આંખ જે રીતે બંધ થઈ જાય એવું સહજ. સવારે ઊઠીને બ્રશ કરવા જેટલું સહજ. તમને થાય છે: આવી સહજતા કેવી રીતે આવતી હશે? પોતાના ઘરમાં અંધારામાં ય દાદર મળી જાય એ માટે પગને ટેવાવું પડે છે. સવાલ ટેવનો છે.

તમે ઘેર પહોંચો છો. કેમ અચાનક વહેલા આવ્યા એમ પત્ની તમને પૂછે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢો છો. પહેલી વાર તમારા બૉસ અને તમારી પત્ની પાસે ખોટું બોલ્યા છો.

તમને લાગે છે કે પહેલી વાર ખોટું બોલવું કે ખોટું કરવું અઘરું છે. પહેલી વાર એવું કરતા હોઈએ ત્યારે હૃદય એક ધબકારો ચૂકી જતું હોય છે. આપણે સહેજ મરી જતાં હોઈએ છીએ. પછી ટેવાઈ જવાય. કોઠે પડી જાય. અને એ બધું સહજ બની જાય. આંખ પલકારવા જેટલું સહજ.

તમે આવતા બુધવારનો વિચાર કરો છો.

“પન્ના નાયકની વાર્તા-૭ (રૂમ વિથ અ વ્યૂ )

રૂમ વિથ વ્યૂ

એક દૃશ્ય કલ્પો. એક વ્યક્તિને ત્રણ પગથિયાં ચડી, હૉલ પસાર કરી ઉપર જવાનું છે. અંધારું છે. હૉલમાં કાર્પેટ છે. પગલાંનો અવાજ સંભળાતો નથી. ટપકતાં પાણી માટે બાલદીઓ મૂકી છે એ અડફેટમાં આવે છે. લિફ્ટ બંધ છે. અગિયાર માળ ચડવાના છે. ધીરે ધીરે એ વ્યક્તિ ઉપર જાય છે. ઉપર પહોંચ્યા પછી ત્યાં કોઈ જ નથી. વ્યક્તિ સાવ એકલી છે. એ વ્યક્તિ તે અનિલ. એ બારી પાસે આવે છે. નીચે અસંખ્ય ગાડીઓ પસાર થાય છે. લોકોનાં ટોળાંટોળાં છે. લાઇટ લાલમાંથી લીલી થઈ જાય છે. રસ્તો ક્રોસ થાય છે. ઉપર એ એકલો છે.

એને આ અનુભવ વિશે વાર્તા લખવી છે. લખી શકે એમ છે. દરેક પગથિયા વિશે એક વાર્તા અને અગિયારમે માળે પહોંચવાની નવલકથા. આંગળીઓમાંથી લીસ્સા શબ્દો સરી જાય છે. પેન હાથમાં રહી જાય છે.

એને આ અપરિચિત શહેર ગમે છે. એને અમદાવાદ યાદ આવે છે. ત્યાં એ ‘પરિતોષ’ કૉમ્પ્લેક્સના પહેલે માળે રહેતો હતો. એને ત્યાંથી ભાગી છૂટવું હતું. પસાર થતી ટ્રેનની જેમ આજુબાજુની પરિસ્થિતિ બદલાતી હતી. રાતના આંખ બંધ કરીને બોલતો, ‘ચાલો એક દિવસ પૂરો થયો.’

એક દોસ્તારે એને અમેરિકા બોલાવ્યો ને નવો દિવસ શરૂ થયો. આકાશ, બારે માસ વરસતો અહીંનો વરસાદ, ઘાસ, રસ્તાઓ, માણસો ગમે છે. અમદાવાદ હતો ત્યારે આ બધું બૂચ મારેલી આકર્ષક શીશીમાં બંધ હતું. ત્યારે આ બધું માત્ર હોલિવૂડના કચકડામાં મઢેલું હતું.

શહેરની વચ્ચોવચના સ્કાયસ્ક્રેપરને અગિયારમે માળે એનો અપાર્ટમેન્ટ છે. લિવિંગરૂમ, બેડરૂમ, રસોડું બધું એક જ રૂમમાં. અપાર્ટમેન્ટની મોટી બારી રસ્તા પર પડે છે. બારીમાંથી આખા શહેરનો વ્યૂ દેખાય છે. સામે બે માળની ‘રમાડા ઇન’ હોટેલ-મોટેલ છે. એની પાછળ લોગન સ્કેવર છે. સ્કેવરમાં ઋતુ ઋતુનાં ફૂલો ઉગાડેલાં છે. વચ્ચે ફુવારો છે. એમાં સૂતેલી ચાર મત્સ્યકન્યાઓના મુખમાંથી પાણીની સેરો ઊંચે ઊડે છે. પાણી નીચે પડે છે. એ જ પાણી રિસાઇકલ થઈને મત્સ્યકન્યાના મુખમાં આવે છે. ફુવારા પાસે સિટી હૉલનું ટાવર છે. બારીની જમણી બાજુએ અઠ્ઠાવન અઠ્ઠાવન માળનાં ‘લિબર્ટી વન’ અને ‘લિબર્ટી ટુ’ નામનાં મકાન છે. દસ વાગ્યાના ન્યૂઝમાં એની ટોચ દેખાડે છે. ઍરપૉર્ટ બહુ દૂર નથી. પ્લેઇન લૅન્ડ થતું હોય ત્યારે નીચે આવતું પ્લેઇન આ મકાનોની ટોચને ‘આ અડ્યું’ ‘આ અડ્યું’ થાય છે પણ એ અનિલની ભ્રમણા છે. રાતના આખું શહેર ઝગમગ ઝગમગ દીવાઓનો દેશ બની જાય છે. અનિલ આ રૂમને ‘રૂમ વિથ અ વ્યૂ’ કહે છે. વ્યૂ જોતો જોતો સવારની ચા પીએ છે અને રાતે જમે છે. ભલેને નાનો પણ પોતાનો અપાર્ટમેન્ટ છે. માથે છાપરું છે. ભાડું ભરે છે ત્યાં સુધી કોઈ એને કાઢવાનું નથી.

પાડોશીઓ સારા છે. ક્યારેક હૉલવેમાં મળી જાય છે. એકબીજાનાં નામ ખબર નથી. એક પાડોશી રાતદિવસ નિસાસા નાખે છે. ગાળો બોલે છે. પાતળી દીવાલોમાંથી એ એને સંભળાય છે. અનિલને ‘પરિતોષ’નો પાડોશી યાદ આવે છે. પાનની પિચકારી મારતો. ‘લ્યા, જોતો હો તો!’ કહેતી શાકવાળી દૂર ખસતી. રોજ બપોરે આવતી શાકવાળી. રંગબેરંગી કમખો, ઘેરવાળો લાલ ચણિયો ને ઉપર છાપેલી ઓઢણી. વાલોળ પાપડીની બાજુમાં મૂકેલાં ડીંટાવાળાં રવૈયાંનો પાડોશી ભાવ પૂછતો. ‘લેવા નહીં ને રોજ રોજ ભાવ હાના પૂછો છો!’ એમ શાકવાળી કહેતી. અહીં અનિલ શોપિન્ગ કાર્ટ લઈ સુપરમાર્કેટમાં શાક લેવા જાય છે. બ્રસલ સ્પ્રાઉટસ, આસ્પારેગસ જેવાં શાક ખરીદે છે. ઘેર આવીને માઇક્રોવેવમાં બાફી, ઉપર મરીમીઠું નાંખી ખાય છે.

સુપરમાર્કેટમાં એક દિવસ એક ઇન્ડિયન છોકરી કૅશ રજિસ્ટરની લાઇનમાં એની આગળ ઊભી હોય છે. એ હસીને એને હલો કહે છે. પૈસા ચૂકવીને અનિલ બહાર નીકળે છે ત્યાં સુધીમાં પેલી છોકરી ચાલી ગઈ હોય છે.

એ છોકરી પચ્ચીસની આસપાસ હશે. ટૂંકા કાળા વાળ, મીનાકારી આંખો, ઘઉંવર્ણી ત્વચા, સ્કર્ટબ્લાઉઝમાંથી દેખાતો સપ્રમાણ બાંધો. હસીને ‘હલો’ કહ્યું ત્યારે મોંમાંથી નીકળેલો મધુર અવાજ.

અનિલને થાય છે સારું થયું. નહીં તો કદાચ ઔપચારિક વાતો કરવી પડત. ક્યાંનાં છો? ક્યાં રહો છો? શું કરો છો? પાસે જ રહું છું. એમ? આવોને, ચા પીએ. ના, આ સંબંધ શેને માટે? સંબંધો છોડીને તો એ દસ હજાર માઈલ દૂર આવ્યો છે. એને એનો ભૂતકાળ ભૂલી જવો છે. બીજાં પણ એને ભૂલી જાય એમ ઇચ્છે છે. અને તોય દોરીના વળની જેમ એ રોજ સવારે ‘કર મધ્યે સરસ્વતી’ કહી એના જમણા હાથની હથેળી જુએ છે. ઠાકોરજીને દીવો કરે છે. ડેસ્ક પર બેસે છે. સ્મૃતિને ટપારે છે. અંદર ડોકિયું કરે છે. પડઘાતા અસંખ્ય શબ્દોમાંથી એના કાનમાં ઘર કરી ગયેલો કોઈ માર્મિક શબ્દ પકડે છે. અચાનક એ શબ્દ તૂટેલી બારીના કાચમાંથી બહાર વહી જાય છે. એને રોકવા એ બારી ખોલે છે. સંભળાય છે ચકળવકળ થતી આંખ જેવી પોલીસકારના અને ઍમ્બ્યુલન્સની સાયરનના અવાજો. કોઈ ચગદાઈ ગયું. ચીસ, એ જ, એ જ એનો શબ્દ.

એને ચગદાઈ ગયેલા શબ્દ વિશે વાત કરવી છે. એ કોની સાથે વાત કરે? કરે તો શું કહે? કોણ સાંભળે? જે સાંભળે તે સમજે ખરું?

વરસાદ શરૂ થાય છે. તૂટેલા કાચમાંથી વાછંટ અંદર આવે છે. ભૂલવો છે તોય ત્યાંનો વરસાદ યાદ આવે છે ને એને રૂંવે રૂંવે પહેલા વરસાદ પછીનું કૂણું કૂણું ઘાસ ઊગી નીકળે છે. ‘આવે ત્યારે થોડી દુર્વા લાવજે’ મા કહેતી. મા છે પણ લોહીથી લદબદતી નાળ કપાઈ ગઈ છે.

હવે એ મુક્ત છે. કોઈને ય જવાબ આપવામાંથી મુક્ત છે. એણે માત્ર એની જ સાથે વાત કરવાની છે. એકપાત્રી સંવાદ બોલવાનો છે, કાનને છેતરવાના નથી. જાતને છેતરવાની નથી. આ અમેરિકા છે. એના પાસપૉર્ટના ચહેરા પર અમેરિકન સિક્કાની છાપ છે.

એ છત્રીસ વર્ષનો છે. જિવાયેલી જિંદગી એને ભૂલી જવી છે. ના, શબ્દો દ્વારા ફરી જીવવાની એને ખંજવાળ આવે છે. એના નખ બુઠ્ઠા થઈ જાય એ પહેલાં એને વલૂરી લેવી છે. નથિન્ગ વેન્ટ રાઇટ. બાપ મરી ગયો એટલે ઘરની જવાબદારી એના પર આવી. પાર્ટ ટાઇમ ભણીને બી. એ. થયો. માએ પરાણે પરણાવ્યો. પત્ની કોઈ બીજાના પ્રેમમાં હતી. છેવટે એ એને છોડી ગઈ. બહેનને પરણાવી. એના વરે દહેજ માટે એને હેરાન કરી. બહેનના જેઠની બહારગામ બદલી થઈ. એના નાના અપાર્ટમેન્ટમાં અનિલ ને એની મા રહેતાં હતાં. બહેનના જેઠ પાછા આવ્યા. અપાર્ટમેન્ટ ખાલી કરી આપવો પડ્યો. મા ગામ ચાલી ગઈ. દરમ્યાન એના પાર્ટનરે કાપડની દુકાનમાંથી પૈસા કાઢી લીધા. દુકાન વેચી નાંખી. અનિલને એની જૂની પરિસ્થિતિ પર હસવું આવે છે. અમેરિકાના અપરિચિતો વચ્ચે એને ખડખડાટ હસવું છે. એ પરદેશી છે એ એને અચાનક યાદ આવે છે. અમેરિકનો વચ્ચે ભૂંડા દેખાવામાં શોભા નહીં. એનું હાસ્ય બે હોઠ વચ્ચે સંકોચાઈ જાય છે.

એ બારી સાથે ટકરાતું પતંગિયું જુએ છે. બંધ બારીમાંથી આકાશ આંબવા મથતા પતંગિયામાં ને એનામાં શો ફેર છે? એ એના શબ્દો દ્વારા આકાશને આંબવાની ચેષ્ટા નથી કરતો? કરે છે.

એક વાર શબ્દો દ્વારા એક છોકરી કંડારેલી. એ છોકરી હજી ય એના મનનો કબજો લઈ લે છે. એ છોકરીની ગુલમોરી યાદથી એના આખા શરીરની ત્વચા રતુમડી થઈ જાય છે. એના સ્નાયુઓ તંગ થઈ જાય છે. જેવી પેલી છોકરીની પકડ છૂટે એવો એ ઢીલોઢફ થઈને ટૂંટિયું વાળી દે છે. આવી રમણામાં એ વારંવાર રાચે છે.

એને સેક્સમાં રસ છે પણ સંબંધમાં નથી. સંબંધ ન હોય તો ય સેક્સ સંભવે એમ એ ચોક્કસપણે માને છે. સંબંધ પ્રવેશે એટલે જ ઉઝરડાની શરૂઆત થાય છે.

એને સુપરમાર્કેટમાં મળેલી એ છોકરી યાદ આવી જાય છે. શા માટે એણે એનો વિચાર કર્યો? મૈત્રી માટે? સેક્સ માટે? એને હસવું આવે છે. સેક્સ એ મૈત્રીનો વિસ્તાર નથી? બારણે ટકોરા થાય છે. કોણ હશે? એ પૂછે છે. પેટ્રિશિયા. કોણ પેટ્રિશિયા? એ કોઈ પેટ્રિશિયાને ઓળખતો નથી. ઊભો થઈને બારણું ખોલે છે. પેટ્રિશિયા લીશ પર બાંધેલા બે નાના કૂતરાઓ સાથે બહાર ઊભી છે. બન્નેની આંખો મળે છે. ખુલ્લી બારીમાંથી આવતા પવન સાથે બન્નેના શ્વાસ અથડાય છે. પેટ્રિશિયા એની બહેનપણીને મળવા આવી છે. અનિલે બારણું ખોલ્યા પછી એને ખ્યાલ આવે છે કે ખોટે માળે આવી છે. સૉરી. ખુલ્લા બારણામાંથી એ અનિલનો અપાર્ટમેન્ટ જુએ છે. ‘નાઇસ વ્યૂ’ કહીને જાય છે. અનિલ એને જતી જોઈ રહે છે. લિફ્ટ સુધી એની સાથે જવાની ઇચ્છા રોકી રાખે છે. બારણું બંધ કરે છે.

પેટ્રિશિયા પણ પચ્ચીસની આસપાસ. ગુલાબી. પ્રફુલ્લિત ગુલાબ જેવી. પોની ટેઇલમાં બાંધેલા ઝૂલતા વાળ. શ્વાસ ચૂમવો ગમે તેવી આકર્ષક, પ્રાણીના સાન્નિધ્યમાં જીવી શકે ને પથારીમાં પ્રાણી સાથે સૂઈ શકે.

બે દિવસમાં બે છોકરીઓ સાથે ‘હલો’ કહેવાનું થયું. સ્મૃતિપટ પરથી અદૃશ્ય થયેલા શબ્દો આળસ મરડી બેઠા થતા લાગ્યા. ટટ્ટાર. એક ત્રિકોણ રચાવા માંડ્યો. એ, સુપરમાર્કેટવાળી છોકરી, અને પેટ્રિશિયા. એના ડાઇનિંગટેબલ પર ત્રણ જણ બેસી શકે એમ છે.

અડધો કલાક બધા ચુપચાપ બેસે છે. બધા વ્યૂ જુએ છે. સરસ છે. સો વૉટ? વ્યૂ કાંઈ જીવનની વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા છે અપાર્ટમેન્ટનું ભાડું, ગ્રોસરી, જીવનની જરૂરિયાતો અને સેવિંગ્સ.

પેટ્રિશિયા એની વાત કરે છે. પેટ્રિશિયા ખૂબ શોખીન જીવ છે. હૉસ્પિટલમાં નાઇટ મૅનેજર છે. ‘ડ્યૂટી’ ઓરિએન્ટેડ માણસ છે. પેટ્રિશિયાને વર્લ્ડ ટ્રાવેલમાં રસ છે. એને માટે પૈસા ભેગા કરવાના છે. એ પણ રાતના બે કલાક ‘કામ’ કરે છે. એમાંથી એના શોખ પોસાય છે. થોડા બચે છે એ બૅંકમાં મૂકે છે. એને માટે અનિલ એક નોવેલ્ટી છે. એનો હિસાબ ચોખ્ખો છે. અનિલ પૈસા આપે તો એને ‘ખુશ’ કરવા તૈયાર છે.

કોઈ કંઈ બોલતું નથી. સોપો પડી જાય છે. સુપરમાર્કેટવાળી છોકરીનું નામ અનિલને ખબર નથી. એ મિતા નામ રાખે છે. ‘મિતુડી, હવે તારો વારો.’ અનિલ વહાલમાં કહે છે. મિતુડી એની વાર્તાની નાયિકા હોઈ શકે જે હવે અઢાર વરસે સદેહે આવી છે. અનિલને એની વાર્તા સાકાર થતી લાગે છે. અનિલને એને ચુસ્ત આલિંગનમાં ભીંસી એના હોઠ ચૂમવા છે. એની ભરાવદાર છાતી પર માથું મૂકવું છે. એ સંબંધની નજીક જઈ રહ્યો છે. એ સંબંધ ભ્રમણા છે. એ સંબંધ એને છેતરશે. પટાક દઈને પછાડશે. ચોટ લાગશે. કળ વળતાં વરસો નીકળી જશે. આ બધાંની અનિલને ખબર છે. છતાંય, એના મનના બંધ, બખિયાના ટાંકા તડ તડ તૂટે એમ, તૂટતા જાય છે. એ મિતુડીના અવાજના પૂરમાં ધકેલાતો જાય છે.

મિતાએ સ્કર્ટબ્લાઉઝ પહેર્યાં છે. મિતાને અનિલે ‘મિતુડી’ કહ્યું એ મીઠું લાગ્યું. એને અનિલ ગમે છે. એ સાન્નિધ્ય આપી શકે એમ છે. સાહચર્ય નહીં. એનું વાગ્દાન થઈ ચૂક્યું છે. એને રસ છે મૈત્રીમાં, પ્લેટોનિક રિલેશનશિપમાં. એ બોલતી બંધ થાય છે. પછી શું કરવું એની મૂંઝવણમાં અંગૂઠાથી ફર્શ ખોતરે છે. ફર્શ તડકે લીંપેલી છે. સોનેરી તડકામાં, ઘઉંવર્ણી ઝાંયવાળો પગ શોભે છે.

અનિલ સવારથી કમ્પ્યુટર પાસે બેઠો છે. એને ભૂલી જવો હતો એ ભૂતકાળ અને હવે પ્રવેશેલી બે તદ્દન જુદી કક્ષાની સ્ત્રીઓ. બધા તાણાવાણા એ ભેગા કરે છે. રેશમી પોત વણવાનું છે. એણે દાઢી કરી નથી. કપડાં બદલ્યાં નથી. નાહ્યો નથી. સિગરેટ પણ પીધી નથી. વાર્તાએ એના મગજમાં ભરડો લીધો છે.

વાર્તા પૂરી થાય છે. એ અપાર્ટમેન્ટની બારી આખી ખોલી નાખે છે. અનાવરણ થઈ જાય છે. અને અગિયારમે માળેથી બૂમ પાડી. પસાર થતા લોકોને કહે છે ‘હીઅર ઇઝ માય સ્ટોરી, ઍન્ટાઇટલ્ડ, “રૂમ વિથ અ વ્યૂ.”