Category Archives: રવિશંકર રાવળ
રવિશંકર રાવળના પુસ્તકો
શ્રી રવિશંકર રાવળ એક ઉત્તમ દરજ્જાના ચિત્રકાર જ નહીં, એક ઉત્તમ દરજ્જાના લેખક અને સંપાદક હતા. ગુજરાતી ભાષાનું ઉત્તમ દરજ્જાનું માસિક કુમાર એ રવિભાઈની દેન છે. એમણે સરસ પ્રવાસ વર્ણનો લખ્યા છે, ચિત્રકલા અંગેના પુસ્તકો અને આલ્બમો તૈયાર કર્યા છે અને આત્મકથા પણ લખી છે. એમના કેટલાક પુસ્તકોની યાદી મેં અહીં આપી છે.
(૧) અજંતાના કલામંડપોઃ આ પુસ્તકમાં અજંતાની ગુફાઓના ચિત્રોના પેન્સીલ સ્કેચ અને રંગીન ચિત્રો આવરી લેવામાં આવ્યા છે.
(૨) કલાચિંતનઃ આ પુસ્તકમાં ચિત્રકલાની ખુબીઓ અને ચિત્રક્લા વિશેના એમના વિચારોનો સમાવેશ થાય છે.
(૩) આત્મકથાનકઃ એમની આત્મકથાનો આ ૧ લો ભાગ છે.
(૪) ગુજરાતમાં કલાના પગરણઃ એમની આત્મ કથાના ૧ લા અને ૨ જા ભાગને ભેગાં કરી, અને એમાં આખા પાનાના રંગીન ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૫) અજવાળી રાતઃ આ બાળકો માટે એમણે તૈયાર કરેલી સચિત્ર પુસ્તિકા છે.
(૬) ભારતીય ચિતાંકનઃ આમાં oriental art ના ૩૦ ચિત્રો છે.
(૭) કલાકારની સંસ્કારયાત્રાઃ આમાં એમણે ખેડેલા બધા પ્રવાસોના વર્ણનને ગુંથી લેવામાં આવ્યા છે.
(૮) દીઠાં મેં નવા માનવીઃ આ પણ એમનું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે.
(૯) ચિત્રકલા સોપાનઃ આમાં ચિત્રકલા શીખનારા માટે માર્ગદર્શન છે.
(૧૦) હાજી મહમ્મદ સ્મારક ગ્રંથઃ આ પુસ્તક એમની શરૂઆતની કારકીર્દીના ઘડવૈયાને અજંલી સ્વરૂપનું છે.
એક સમય એવો હતો કે જ્યારે શિક્ષિત વર્ગના લોકો રવિભાઈના ચિત્રોનું આલ્બમ શુભ પ્રસંગોમાં ભેટ તરીકે આપતા. ભારતીય વિદ્યાભવન જેવી નામી સંસ્થાએ રવિભાઈના ૬૦ ચિત્રોનું પુસ્તક પ્રગટ કરેલું, જે પણ ભેટ પુસ્તક તરીકે વપરાતું.
કલાગુરૂના શિષ્યો (અંતીમ)
રસિકલાલ પરીખ
રસિકભાઈનો જન્મ ૧૯૧૦ માં થયો હતો. એમના પિતા મામલતદારના ઉચ્ચ હોદા ઉપર હતા. નાનપણથી જ કલા પ્રત્યે તેમને લગાવ હતો. માટીના રમક્ડાં બનાવવા, વાંસમાંથી વાંસળી બનાવવી વગેરે તેમને ગમતું. કલા પ્રત્યેનો તેમનો લગાવ જોઈ, તેમને અમદાવાદમાં કલાગુરૂ રવિશંકર રાવલ પાસે મોકલ્યા. રવિભાઈએ એને શરૂઆતની ટ્રેઈનીંગ આપી અને એમને મદ્રાસમાં ચિત્રકલા અને શિલ્પકલાની ટ્રેઈનીંગ માટે દેવીપ્રસાદ ચૌધરી પાસે મોકલ્યા. કલાગુરૂએ એમના માટે ૩૫ રુપિયા પ્રતિ માસની સ્કોલરશીપનો પણ બંદોબસ્ત કરી આપ્યો. ત્યાં પણ એમની પ્રતિભા ઝળકી.
૧૯૩૦ માં ઓલ ઈન્ડિયા પેન ડ્રોઈંગમાં પારિતોષીક મળ્યું. ૧૯૩૩ માં જે. જે. સ્કૂલમાંથી ચિત્રકલાના ડીપ્લોમામાં પ્રથમ નંબરે પાસ થયા. ૧૯૩૬ માં બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૪૨ માં રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત થયો. ૧૯૭૧ માં ગુજરાત સરકારે એમનું સન્માન કર્યું.
રસિકભાઈના ચિત્રોમાં લોકજીવનના દર્શન થતા. તેમની આગવી વોશ પધ્ધતિ માટે એ જાણીતા હતા. તેમના વિષયની રજૂઆત સચોટ, ગોઠવણીની ચિવટ અને આંખને ગમે એવા રંગો માટે એમની ખૂબ તારીફ થતી. તેમના માતા અને બાળકોના ચિત્રો ખૂબ જાણીતા થયા હતા.
તેમના અનેક ચિત્રો દેશભરના જાણીતા સંગ્રાહલયોમાં છે. અહીં એમના થોડા ચિત્રો રજૂ કર્યા છે.
(આ સિવાય પણ કલાગુરૂના બીજા ઘણાં બધા શિષ્યો હતા, જેવા કે વૃજલાલ ત્રિવેદી, છગનલાલ જાદવ, જગન મહેતા, ભીખુભાઈ આચાર્ય વગેરે વગેરે. આ લેખમાળા ખૂબ લાંબી ન થઈ જાય એટલે આ વિષયને અહીં જ રોકું છું.)
રસિકલાલ પરીખનું આ ચિત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે.
ગ્રામ્ય કન્યા ચિત્ર પણ ખૂબ જાણીતું છે.
બાવલી (Doll) ચિત્ર પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.
કલાગુરૂના શિષ્યો-૪
બંસીલાલ વર્મા (ચકોર)
બંસીલાલ વર્માનો જન્મ ૧૯૧૭ માં થયો હતો. તેઓ ૧૯૩૫ માં કલાગુરૂની ગુરૂકુલમાં જોડાયા. થોડા સમયમાં જ એમની નામના થવા લાગી. ગુલજારીલાલ નંદા અને શંકરલાલ બેંકરે એમને લખનૌમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનના પ્રવેશ દ્વારનુમ સુશોભનનું કામ સોંપ્યું, અને ત્યાંથી એમની ખ્યાતિ ફેલાવાની શરૂઆત થઈ.
૧૯૩૭ માં “નવ સૌરાષ્ટ્ર” માસિકમાં જોડાઈને કટાક્ષ ચિત્રો દોરવાનો ગુજરાતમાં પાયો નાખ્યો. ત્યારથી પ્રસિધ્ધ અખબારો અને સામયિકોમાં એમના કાર્ટુન અને ચિત્રો છપાતા. ૧૯૪૨ થી ૧૯૪૫ વચ્ચે ભારત છોડો આંદોલનના એમના ચિત્રો લોકોમાં નવો જોમ અને જુસ્સો ભરતા. ૧૯૪૮ થી મુંબઈના સાંજના અખબાર જન્મભૂમીમાં જોડાયા. ૧૯૫૯ માં અંગ્રેજી અખબાર ફ્રી પ્રેસ જરનલમાં જોડાયા. ૧૯૭૮ માં ફરી સંદેશ ગુજરાતી અખબારમાં જોડાયા અને ૨૦૦૨ માં નિવૃત થયા. આ બધા અખબારોમાં એમણે “ચકોર”ના ઉપનામથી કાર્ટુન દોરેલા, જે માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમામ ખૂબ જ લોકપ્રિય થયેલા.
અનેક પુસ્તકોના ચિત્રો બનાવનાર અને જન્મજાત ચિત્રકાર કે જેમના ચિત્રો આજે પણ વિશ્વ પ્રસિદ્ધ મૈસુરની આર્ટ ગેલેરીમાં જોવા મળે છે. વર્ષ ૧૯૪૧માં આંતર રાષ્ટ્રીય મોન્ટ્રીયલ એવોર્ડ એમને પ્રાપ્ત થયો હતો.
ચકોરના કેટલાક ચિત્રો અહીં રજૂ કર્યા છે.
(મીઠાનો સત્યાગ્રહ)
(સાક્ષરોના કાર્ટુન)
(ચકોરના ચિત્રોમાંથી એક)
(ચકોરનું એક પ્રખ્યાત ચિત્ર)
કલાગુરૂના શિષ્યો-૩
સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪)
૧૯૨૬ માં મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ્માં ક્લાવિભાગમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંનો અભ્યાસ પુરો કરી તેમણે કલકત્તામાં અભાનિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત ઈન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટમાં વધુ અભ્યાસ કર્યો.
કલાગુરૂએ એમને નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત દક્ષિણામૂર્તિમાં કલા શિક્ષક તરીકે જોડાવાની સલાહ આપી, જેમનો એમણે સ્વીકાર કર્યો. દક્ષિણામૂર્તિએ એમનો રંગરેખા નામનો ૧૫ ચિત્રોનો સંગ્રહ ૧૯૩૫ માં પ્રકાશિત કર્યો. ભાવનગરના રાજકુટુંબના એ માનીતા કલાકાર હતા. દક્ષિણામૂર્તિ સંસ્થાએ ૧૯૩૯ માં ભાવનગરથી સ્થાનંતર કર્યું ત્યારે સોમાલાલ શાહે કુમારશાળા અને ઘરશાળામાં થોડો સમય શિક્ષણ આપ્યું. ભાવનગરના રાજવી કુટુંબની સલાહથી તેઓ ૧૯૪૪ માં આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં જોડાયા, જ્યાં તેમણે વીસ વરસ સુધી કલાશિક્ષણ આપ્યું.
એમના ચિત્રોમાં સૌરાષ્ટ્રના વિસ્તારની સંસ્કૃતિના અને કચ્છ અને સૌરાષ્ટ્રના પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. ૧૯૪૯ માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૮ માં અમદાવાદ નગરપાલિકા દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું અને ૧૯૯૦ માં ગુજરાત સરકાર તરફથી રવિશંકર રાવળ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાત લલિતકળા અકાદમીએ પણ એમને પુરસ્કૃત કર્યા હતા.
૧૯૯૪માં એમનું અવસાન થયું. એમના થોડાક જાણીતા ચિત્રો અહીં આપ્યા છે.
(પાણીયારી) (પુજારણ)
(મા)
કલાગુરૂના શિષ્યો-૨
કનુભાઈ દેસાઈ
કલાગુરૂના અનેક શિષ્યોમાં કનુભાઈ દેસાઈ એક આગળ પડતું નામ છે. એમનો પરિચય અહીં એમના શબ્દોમાં જ (ટુંકાવીને) આપું છું.
“નાનપણથી જ મને ચિત્રકલાનો શોખ, ચિત્રોની પોથીઓ હોંશે હોંશે જોતો. મોટા શહેરોમાં પેઈન્ટરના પાટિયાં મારનારા ઘણા. જો કે એ તો સાઇનબોર્ડ પેઈન્ટર જ, પણ તેમાંથી હું અક્ષરોના મરોડ અને રંગોની સજાવટ જોયા કરતો.
૧૯૨૨ માં મેં સાંભળેલું કે રવિશંકર રાવળ એક મહાન ચિત્રકાર છે, અને તે બઉવા પોળમાં પોતાને ઘરે અમુક અમુક વિદ્યાર્થીઓને ચિત્રકામ શીખવાડે છે. મને પણ મન થયું. મને બરોબર યાદ છે, ૯મી જૂન, ૧૯૨૨ ના બઉવાની પોળમાં ઊંડે ખૂણે તે રહેતા હતા, ત્યાં થોડા ચિતરામણને સુશોભિત બનાવી, તેમનો ખખડધજ દાદર ચડી ત્યાં પહોંચી ગયો. “
“મારા ચિત્રો જોઈ એમણે મારી મહેનત માટે સારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એમને ત્યાં જવાની પરવાનગી મળી. પછી તો મારા કામકાજથી એમનો મારા પર અપાર પ્રેમ થતો ગયો.”
“હું રોજ એમના ઘરે પહોંચી જતો. તેમના બારણાં મારા માટે હમેશાં ખુલ્લાં જ રહેતાં. નકલો કેવી ચોકસાઈથી કરવી, ચારકોલ, પેન્સીલ, રંગકામ વગેરે કેમ કરવા તેના પ્રયોગો તે કરી બતાવતા. બપોરનો ઘણો વખત રવિભાઈને ત્યાં શીખવા મળતો. તે વખતે રવિભાઇ “ગુજરાત” અને બીજા માસિકો અને પુસ્તકો માટે ચિત્રો કરતા તે જોવા મળતાં. જુદાજુદા ચિત્રસંયોજનો, આકૃતિઓ તથા ઘણી ઘણી ક્રીયાઓ જોવા શીખવા મળતી. પૂરા થયેલાં ચિત્રો આબેહૂબ રંગોમાં અને પુરા કદની ઓઈલપેન્ટ તસ્વીરો જોવા મળતી.”
૧૯૨૫ માં આચાર્ય કૃપલાણીએ કનુભાઈ માટે શાંતિનિકેતનમાં નંદલાલ બોઝની પાસેથી ચિત્રકલા શીખવાનો બંધોબસ્ત કરી આપ્યો. રવિભાઈ ખૂબ રાજી થયા કે એમના એક શિષ્યને આવી સરસ તક મળી છે. એમણે ખુશી વ્યક્ત કરવા એક પાર્ટી યોજી, અને આશીર્વાદ આપ્યા.
બે વર્ષ પછી પાછા આવી, કનુભાઈ પાછા રવિભાઈ સાથે જોડાઈ ગયા. હવે કનુભાઈએ ચિત્રકળાના વર્ગોનું ઘણું કામ સંભાળી લીધું. ચિત્રકળાના અનેક પ્રકારમાં કનુભાઈએ મહારથ હાંસિલ કરી.
૧૯૩૦ માં ગાંધીજી સાથે દાંડી માર્ચમાં જોડાઈ, માર્ચના અનેક ચિત્રો તૈયાર કર્યા. ૧૯૩૭ ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનના સુશોભનનું કામ એમણે સંભાળ્યું. ૧૯૩૮ માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૪૫ થી એમણે ચલચિત્રોના કલાનિર્દેશક તરીકે શરૂઆત કરી, એ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી. રામરાજ્ય, બૈજુ બહાવરા, નવરંગ, ભરત મિલાપ અને ઝનક ઝનક પાયલબાજે ચિત્રોમાં સફળતા પૂર્વક કલાનિર્દેશન કર્યું. ૧૯૮૦ માં એમનું અવસાન થયું.
કનુભાઈ દેસાઈના થોડા ચિત્રો
(રામ રાજ્ય ચિત્રપટનું પોસ્ટર) (કૃષ્ણા) (બુધ્ધ ગાંધી)
કલાગુરૂના શિષ્યો-૧
ત્રિગુણાતીત પંચોલી
(૧૯૩૪માં કલાગુરુ રવિશંકર રાવળે “ગુજરાત કલાસંઘ ચિત્રશાળા” નામની નિશુલ્ક ગુરુકુળ સંસ્થા અમદાવાદમાં શરુ કરી. તેમના પ્રથમ શિષ્યગણમાં શ્રી.ત્રિગુણાતીત પંચોલી પણ હતા. થોડા સમય પહેલા જ એમનું અવસાન થયું છે. તેમના કલાગુરુ સાથેના વિદ્યાર્થીકાળના પ્રસંગો એમના શબ્દોમાં અંહી રજુ કરૂં છું. )
મારો જન્મ તા. ૨૦, જુન-૧૯૧૮માં ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના વસઈ ગામમાં થયો.મારા પિતાશ્રી રવિશંકર નારાયણદેવ સંસ્કૃતના મહાવિદ્વાન તત્વવેત્તા અને વ્યાકરણાચાર્ય હતા. મારાં માતુશ્રી મેનાબા સુસંસ્કારી, શ્રેષ્ઠ ગૃહિણી હતાં. મારાં બધાં ભાઈ બહેનોમાં હું સૌથી નાનો હતો.
સન ૧૯૨૩માં પિતાશ્રીને માણસા દરબારનું આમંત્રણ આવ્યુકે તેમને રાજ્યના રાજશાસ્ત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. તેથી અમારું વસવાનું માણસામાં દરબારી મકાનમાં થયું. અહીં મને પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. શાળાના અભ્યાસ સાથે મને ઘરે પિતાશ્રી સંસ્કૃત શીખવતા. તેવામાં મુંબાઈથી એક ચિતારો દરબાર મહેલની ભીંતો પર મોટાં ચિત્રો કરવા બોલાવેલો. ત્યારે અમે બન્ને ભાઈઓ તે જોયા કરતા. અમને ચિત્રો દોરવાનો શોખ એની પરથી પડેલો.
સન ૧૯૩૨માં મને સંસ્કૃતના વધુ અભ્યાસ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો. પણ બે વર્ષમાં તો મને તે અઘરું લાગવાથી કંટાળી ગયો. મને તો ચિત્રો કરવાનું ઘણું જ ગમતું.; અને તેથી એક નોટબુકમાં ચિત્રો દોર્યે રાખતો.
સન ૧૯૩૪માં ઓક્ટોબર માસમાં વિજયા દશમીએ ચિત્રશાળાનું ઉદ્ઘાટન થયું. ચિત્રકાર શ્રી. રવિશંકર રાવળે એલિસબ્રીજમાં આવેલ એક મોટા બંગલામાં ‘ગુજરાત કલા સંઘ’ નામે ચિત્રશાળા શરૂ કરી. તેમાં સૌ પ્રથમ વિદ્યાર્થી તરીકે મેં પ્રવેશ મેળવ્યો.
‘કુમાર’ માસિકનો સન ૧૯૨૪માં પ્રથમ અંક પ્રકશિત થયો ત્યારથી અમે સૌ તે વાંચતા. તેમાં આવતા રવિભાઈ તથા કનુ દેસાઈનાં છાયાચિત્રો અને રસિકલાલ પરીખનાં ચિત્રો અમને ખૂબ જ ગમતાં. તે રીતે આ કલાકારોનો પરિચય તો ત્યારથી જ થયેલો. શ્રી. રવિભાઈ તેના તંત્રી હતા. આ બધું અમારે માટે પ્રેરણાદાયક હતું. ગુજરાત કલા સંઘ ચિત્રશાળામાં મેં પ્રવેશ મેળવ્યો; ત્યારે કલા શિક્ષકોમાં પૂજ્ય રવિભાઈ ઉપરાંત શ્રી. રસિકલાલ પરીખ અને કનુ દેસાઈ પણ હતા. તેમાં કનુભાઈ તો અવાર નવાર આંટો મારી જતા. પણ રસિકભાઈ પુરો સમય આપી સૌને શીખવતા. તે પરણીને આવ્યા પછી ચિત્રશાળાની સામે આવેલા એક બંગલાના ભાગમાં તેમના પત્ની વિદ્યાબેન સાથે નજીકમાં જ રહેતા. કનુભાઈ ગુજરાત સોસાયટીમાં આવેલ ‘દિપીકા’ નામના મકાનમાં તેમના નવપરણિત પત્ની નાગર કન્યા ભદ્રાબહેન સાથે રહેતાં ચિત્રશાળાનો બંગલો રવિભાઈના ‘ ચિત્રકૂટ’ નામે બંગલાની હરોળમાં હતો. તેમના બંગલાને ચિત્રશાળાના બંગલા વચ્ચે બચુભાઈ રાવતનો ‘નેપથ્ય’ નામે બંગલો આવેલો હતો. તે ‘કુમાર’ માસિકના વ્યવસ્થાપક હતા. ચિત્રશાળા એલિસબ્રીજમાં ખોલી, તે અગાઉ રવિભાઈ પાસે ચિત્ર શીખવા જનારા શિષ્યોમાં સૌથી પ્રથમ કનુ દેસાઈ હતા. તે તો છેક બૌઆની પોળમાં રવિભાઈને ઘેર શીખવા જતા. રાયપુરના ‘કુમાર’ કાર્યાલયના વર્ગમાં શીખનારાઓમાં જગન મહેતા, વ્રજલાલ ત્રિવેદી જેવા ગણ્યા ગાંઠ્યા હતા.
મેં એલિસબ્રીજની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો, ત્યારે ત્યાં શ્રી. વ્રજલાલ ત્રિવેદી, ચન્દ્રશંકર રાવળ અને બીજા એક બે હતા. મારી પછી દાખલ થનારાઓમાં બંસીલાલ વર્મા, તેમના ભાઈ લક્ષ્મણ વર્મા,ધીરૂભાઈ ગાંધી, ભીખુભાઈ આચાર્ય, છગનલાલ જાદવ, તુળજાશંકર ત્રિવેદી, પ્રતાપરાય પરીખ, શાંતિલાલ ત્રિવેદી વિ. હતા.
મારી કલા ઉપાસના : ચિત્રશાળાના અભ્યાસક્રમમાં ‘સ્ટીલ લાઈફ’ -પદાર્થ ચિત્રો, જલરંગોમાં ફૂલો, મહાન ચિત્રકારોનાં ચિત્રોની નકલ, પછી દૃષ્ય ચિત્રોનું આલેખન –એ ક્રમમાં તાલીમ અપાતી. છેલ્લે મૌલિક ચિત્રો કરાવતા.મારું સૌથી પ્રથમ ચિત્ર ‘ તુલસીને પાણી’ જ્યારે મેં પુરું કર્યું, અને તે ‘કુમાર’માં છપાયું ત્યારે બચુભાઈએ કહેલું કે, ‘આ વર્ષનાં બધા ચિત્રોમાં આ શ્રેષ્ઠ છે; જે સદા સૌને જોવું પ્રિય થઈ પડશે.‘ તે પછી ‘ભગત’ અને ’ હોળી પૂજન’ પણ ‘કુમાર’માં પ્રસિદ્ધ થયાં. આમ બે વર્ષના અભ્યાસ દરમ્યાન મને ગુજરાતનો પ્રસિદ્ધ ચિત્રકાર માનવામાં આવ્યો.
.
(તુલસીને પાણી)
એ જ વર્ષે , એટલે ૧૯૩૬માં ગુજરાત સાહિત્ય સંમેલનનું બારમું અધિવેશન અમદાવાદમાં ભરવામાં આવ્યું; તેના પ્રમુખ પદે મહાત્મા ગાંધી હતા. તેની સાથે જ ગુજરાતના ચિત્રકારોનાં ચિત્રોનું પ્રદર્શન પણ પૂ.રવિભાઈના માર્ગદર્શન નીચે ગોઠવવામાં આવ્યું હતું. તે પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ ગાંધીજીના હસ્તે થવાનું હતું. ગાંધીજીની સાથે તેમના મિત્ર ડો. પોલોક પણ હતા. ચિત્રો જોતાં જોતાં જ્યારે તેઓ મારા ચિત્ર -‘ભુતકાળનાં ગીતો’ ( રાવણ હથ્થો)- પાસે આવ્યા; ત્યારે ગાંધીજી કહ્યું હતું, “હું આ ચિત્રને જ સાચી કલાકૃતિ કહું છું; કારણ કે, આ ચિત્રને સમજવા મારે કોઈની જરૂર નથી. આ ચિત્ર તો નાના બાળકથી દરેક વયના માણસોને સમજાય અને આનંદ આપે તેવું છે. અરે! ગામડાનો ખેડૂત, કોશ ચલાવનાર કોશિયો પણ તેનો આનંદ લઈ શકે છે.” મારું તે ચિત્ર ડો. પોલોકને પણ ખૂબ જ પસંદ પડ્યું અને તેમણે તે ખરીદી લીધું. તે પછી ડો. પોલોક એ ચિત્ર લન્ડન લઈ ગયા. ત્યાં તે ખૂબ જ તારીફ પામ્યું. ડો.પોલોકે મારા વધુ અભ્યાસ માટે ત્યાંની રોયલ સોસાયટી ઓફ ફાઈન આર્ટ્સની સ્કોલરશીપ મેળવી મને એડમીશનનું ફોર્મ પણ મોકલ્યું હતું. પણ તે સમયમાં મારું સ્વાસ્થ્ય સારું ન હોવાથી હું જઈ ન શક્યો.
(રાવણહથ્થો)
સન ૧૯૩8 માં સૂરત જિલ્લાના હરિપુરા ગામમાં તાપી નદીના તટે કોન્ગ્રેસનું મહા અધિવેશન ભરાયું હતું જેના પ્રમુખપદે સુભાષચન્દ્ર બોઝ હતા. ત્યારે તેના મુખ્ય પ્રવેશદ્વાર વિ. ના સુશોભન માટે બંગાળથી શ્રી. નંદલાલ બોઝ તેમના શાંતિનિકેતનના શિષ્યો સાથે આવ્યા હતા.તે સમયે ત્યાં ગુજરાતના કલાકારોનાં ચિત્રો સાથે ગુજરાતની સંસ્કૃતિનું પ્રદર્શન પણ ભરાયું હતું. તેમાં હું એકવાર સ્કેચ દોરતો હતો ત્યારે શ્રી. નંદબાબુ તે પ્રદર્શન જોવા આવેલા. તેમણે મારી સ્કેચબુક જોવા માંગી. મેં તેમને આપી. તે જોઈને તેઓ ખુબ રાજી થયેલા અને તેમણે ‘પદ્મિની’નું સુંદર રેખાંકન મારી સ્કેચબુકમાં દોરી આપ્યું.
ઈ.સન. ૧૯૩8માં દિલ્હીના ચિત્ર પ્રદર્શનમાં મારા એક ચિત્ર ‘પ્રારબ્ધનો પલટો.’ ફર્સ્ટ પ્રાઈઝ સુવર્ણ ચન્દ્રક મેળવ્યો. તે ચિત્ર લુણાવાડાના રાજાશ્રીએ ખરીદ્યું.
ઈ.સન ૧૯૪૦માં ગાંધી આશ્રમથી નરહરિભાઈ પરીખનો પત્ર આવ્યો કે, ‘તમને અહીની શાળામાં માસિક રૂપિયા પંચોતેરના પગારથી નીમવામાં આવ્યા છે.’ તેથી હું ત્યાં ગયો અને શાળાની બાજુમાં આવેલા શિક્ષક નિવાસમાં મને રહેવા માટે ઘર આપ્યું. ત્યાંના મારા શિક્ષણકાર્યથી નરહરિભાઈ અને અન્ય સૌ ખૂબ રાજી થયા. તેવામાં ૧૯૪૨ના ઓગસ્ટમાં ‘ક્વીટ ઈન્ડિયા’ ની ‘અંગ્રેજો હિન્દ છોડો’ની લડત શરૂ થઈ. બધા જ નેતાઓને પકડીને જેલમાં પુરવામાં આવ્યા. હું પણ તે લડતમાંથી ભૂગર્ભમાં ચાલતી પ્રવૃત્તિમાં જોડાયો. જ્યારે તે લડતમાંથી પાછા આવી મેં મારા ઘરમાં જોયું તો આખું ઘર ખાલી હતું. બધું જ ચોરાઈ ગયું હતું. મારા આશ્રમ વાસી થયા પછી ગુજરાત કલા સંઘ ચિત્રશાળા તો બંધ થઈ ગઈ હતી. તેથી ત્યાં પાછા જવાનો કશો અર્થ ન હતો. પછીના વર્ષો અન્ય શિક્ષણ સંસ્થાઓમાં બાળશિક્ષણ અને ચિત્રશિક્ષણમાં વિત્યો.
સન ૧૯૪૩માં શેઠ શ્રી. અંબાલાલ સારાભાઈને ત્યાં તેમનાં પૌત્રો માટે યોગ્ય શિક્ષકની જરૂર પડી. તે માટેની પુરી યોગ્યતા મારામાં છે એમ તેમને કોઈએ માહિતી આપતાં હું આશ્રમની મારી જવાબદારીમાંથી મુક્ત થઈ, શાહીબાગમાં આવેલ તેમના વિશાળ બંગલામાં તેમના કામમાં જોડાયો અને તે ઉત્તમ રીત પાર પાડ્યું. અહીં અંબાલાલ સારાભાઈનાં પુત્રવધુ મનોરમાબેનની બે દીકરા આનંદ અને સુહૃદ માટે શિક્ષણ કાર્ય ચાલતું હતું; અને મેડમ મોન્ટેસરીની સૂચના પુજબ જ એ પદ્ધતિ અનુસાર કામ કરાવાતું. મારા અહીંના કાર્યની તેમને જાણ થતાં તેમણે પોતે મને દક્ષિણમાં કોડાઈ કેનાલના ગિરીશિખરે યોજેલા એડવાન્સ ટીચર્સ ટ્રેઈનિંગ કોર્સમાં પોતાની સહાયમાં મોકલવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. મનોરમાબેને પણ તેમાં પોતાનાં બાળકોનું હિત સમજી મને ત્યાં મોકલી આપ્યો. ત્યાં તેમના લેસન માટે તે તે વિષયના ઇન્ફોર્મેશન ચાર્ટ અને ચિત્રો કરી મેં તેમને મદદ કરી. ત્રણ માસને અંતે તેમનો કોર્સ પુરો થતાં પદવીદાન સમારંભમાં સર્વ શિક્ષકોને તે કોર્સમાં પાસ થયાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. મને પણ એવું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તે સમયે તેમણે સૌની સામે જાહેર કર્યું કે, ‘જો આ શ્રી. પંચોલી મને થોડાં વર્ષ અગાઉ મળ્યા હોત, તો મારી ઘણી ઇચ્છા પુરી થાત. પણ કાંઈ નહીં હજી પણ જો તે મારી સાથે રહી મને સહાય કરશે તો મારી ઇચ્છા હું પુરી કરી શકીશ. આ પછી મેડમે મને પુછ્યું,” શું તેઓ (મનોરમાબેન) તેમનાં સૌ બાળકોને કોઈ નિશાળમાં ભણાવે છે?” મેં કહ્યું,” ના! તેઓ તો પોતાના બંગલાના એક ભાગમાં બાળકોને દરેક વિષયના શિક્ષકોને બોલાવીને અભ્યાસ કરાવે છે.” ત્યારે તેમણે મને કહ્યું,” કદાચ તેથી તે બાળકોને ફક્ત વિષયોનું જ જ્ઞાન મળશે પણ જે સામાજિક અનુભવ અનેક વિદ્યાર્થીઓ સાથે સામૂહિક રીતે શાળામાં મળવો જોઈએ તેનાથી તે બાળકો વંચિત રહેશે. માટે આ માટેનો મારો ખાસ આગ્રહ તેમને જણાવીને શાળામાં શિક્ષણ શરૂ કરાવશો.”
સન ૧૯૪૭માં મનોરમાબેને ‘રિટ્રિટ’ બંગલાની સામે આવેલા વિશાળ ‘ખજુરી’ બંગલામાં બાલમંદિર શરૂ કર્યું. આ શાળાનો વિકાસ અતિ ઝડપે થયો. તે પછી પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલ સુધીના વર્ગો સુધી પહોંચ્યું. શ્રેયસની ફી માસિક ત્રણસો રૂપિયા હતી, તેથી તેમાં મોટા ભાગના મીલ માલિકો અને શ્રીમંતોનાં બાળકો જ ભણી શકતાં. આ સ્થિતી મને ગમતી ન હતી. તેથી હું રાજીનામું આપી મારી જવાબદારીમાંથી મુક્ત થયો.
આ સ્થિતીમાં લીનાબેને એલિસબ્રિજમાં આવેલાએક ઊંચા ટેકરાની વિશાળ જગ્યામાં સ્થળાંતર કર્યું, અને ‘શ્રેયસ ફાઉન્ડેશન’નું નામ રાખ્યું. પણ અહીં સંસ્થાની સ્થિતી તેમણે ધાર્યા કરતાં ઉલટી થઈ. પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધીનાં જે બાળકો હતાં, તે ગમે તે કારણે જતાં રહ્યાં. આર્ટ્સ કોલેજ અને સાયન્સ કોલેજમાં તો કોઈ વિદ્યાર્થી હતાં જ નહીં. એટલે મેં પણ મારી પુત્રી પ્રજ્ઞાને એલિસબ્રિજમાં આવેલીએચ.કે. આર્ટ્સ કોલેજમાં દાખલ કરી. શ્રેયસ ફાઉન્ડેશનમાં હવે ફક્ત બાળમદિરના વર્ગો જ રહ્યા.
શ્રેયસમાંથી મુક્ત થયા પછી મેં મારા સિદ્ધાંત મુજબની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને મારે શાહીબાગમાં જ શેઠ શ્રી. જયકૃષ્ણ હરિવલ્લભદાસનું , તેમના બંગલાની બાજુમાં જ આવેલું સફરી બાગ નું મકાન ભાડે રાખ્યું. સન ૧૯૫૮ની ફેબ્રુઆરીની ૧૨મી તારીખે વસંત પંચમીના રોજ શ્રીમતિ લીનાબેનના હસ્તે, ‘આશિષ બાલમંદિર’નું ઉદ્ઘાટન થયું. અહીં બે વર્ષમાં તો વિદ્યાર્થી સંખ્યામાં વધારો થતાં મકાન નાનું પડવા લાગ્યું. ત્યારે શેઠ શ્રી. કસ્તુરભાઈના દીકરા શ્રેણિકભાઈનો પુત્ર સંજય પણ અહીં જ ભણતો હતો. શ્રેણિકભાઈને અમારી આ સ્થિતીની ખબર પડતાં, તેમણે મને તેમના બંગલાની સામે આવેલ એક વિશાળ ખાલી મકાનમાં શાળા ખસેડવા આગ્રહ કર્યો તેઓ અમને ભાડું લીધા વિના જ આપવા માંગતા હતા. અમે શાળા ત્યાં લઈ ગયા.અહીં ધોરણ ૧ થી ૪ સુધી શાળાનો વિકાસ થયો. ત્યારે શ્રેણિકભાઈ અને તેમનાં પત્ની પન્નાબેને મને બાલમંદિરથી જ ફક્ત અંગ્રેજી માધ્યમ શરૂ કરવા જણાવતાં મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, વિશ્વભરના શિક્ષણકારો દરેક બાળક માટે તેનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ ભણાવવાનું કહે છે. પણ તેઓ માન્યા નહીં. ત્યારે મેં તેમને કહ્યું કે, ‘હું તો સિદ્ધાંતવાદી હોઈ, હું કદી અંગ્રેજી માધ્યમની સ્કૂલ કરી શકીશ નહીં. પણ તમે તમારી ઇચ્છામુજબ આ જ સ્થાને અંગ્રેજી માધ્યમની શાળા બનાવજો. હું મારે માટે બીજું સ્થાન શોધી લઈશ.”
સન ૧૯૬૪માં મેં શાહીબાગમાં જ શેઠ શ્રી. સોમનાથ રૂઘજીનો વિશાળ બંગલો માસિક સાતસો રૂપિયાથી ભાડે રાખી લીધો.. આ સ્થાને આ સંસ્થાનો વિકાસ બાલમંદિર, પ્રાથમિક , માધ્યમિક અને હાઇસ્કૂલ સુધી થયો. બાલમંદિરની ફી પ્રારંભથી માસિક દસ રૂપિયા હતી જ્યારે પ્રાથમિક અને માધ્યમિક વર્ગોમાં ભણતા વિધ્યાર્થી દીઠ રૂ. પંદર હતી.
આ રીતે મારા અને મારાં પત્ની મંજુલાબેનના જીવનનાં પાંત્રીસ વર્ષો શિક્ષણકાર્યમાં વીત્યાં. મારી વય ૭૦ની થઈ. મારાં પત્નીની ઉમર પણ લગભગ ૬૦ વર્ષની થઈ. આ વયે અમે નિવૃત્ત થવાનું વિચાર્યું; અને ઉત્તરમાં હિમાલય પાસે આવેલા ઉત્તરકાશીમાં જઈ વસવા નક્કી કર્યું. આ વાત અમારી પુત્રી જે અમેરિકાવાસી હતી તેને કાને પડતાં તે અમદાવાદ આવી અને અમને કહ્યું,” બાપુજી! તમે અને મમ્મી અમેરિકા આવી અમારી સાથે થોડોક સમય રહો અને જો ન ફાવે તો પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો.” અમે બન્નેએ દીકરી અને જમાઈ રવિન્દ્રની વાત સ્વીકારી. તેમણે તે અંગેનો વિધી – સ્પોન્સરશીપ વિ. પતાવ્યા . આ રીતે અમે ઉત્તરકાશીને બદલે ઉત્તર અમેરિકામાં આવેલા ટેક્સાસ રાજ્યના ઐતિહાસિક શહેર સાન એન્ટોનિયોમાં દીકરીને ઘેર આવીને વસ્યાં. સન ૧૯૮૯ના સપ્ટેમ્બર માસની તા. ૧૪મીને શુક્રવારની રાતે સાડા આઠ વાગે સાનએન્ટોનિયોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમારું ઉતરાણ થયુ.
હવેના વર્ષોમાં મારું જીવન પરિવાર સાથે સુખદ વિતી રહ્યું છે. લેખન,વાંચન ,મનન ઉપરાંત સ્થાનિક સંસ્થાઓમાં વાર્તાલાપો વિગેરે પ્રવ્રુત્તિઓમાં મન મસ્ત રહે છે. ચૌદ વર્ષની કુમળી વયે શરુ થયેલી કલા યાત્રા અસ્ખલિત વહી રહી છે. આજે 97 વર્ષના પડાવે પણ અનાયાસે પિંછી કે કલમ હાથમાં આવી જાયતો અવાર નવાર ચિત્રકામો આલેખાતા રહે છે.
તે તો આ જીવનનો અહૈતુક સાધના યોગ અને ગુરુક્રુપાજ ને ? ઉપરવાળાનું તેડું આવે ત્યારે અંતિમ સ્વાશોમાં પણ રંગોની સુગંધ રહે તેજ મારી કલાસાધનાની પરાકાષ્ટા !
કલાસાધક થી કલાગુરૂ સુધીની સફર
કલાગુરૂ પોતાની આત્મકથા “ગુજરાતમાં કલાના પગરણ”માં લખે છે. “ચિત્રકલા શીખવામાં મને પડેલી મુશ્કેલીઓ ભાવિ કલાસાધકોને આડે ન આવે તેની મને ધગશ હતી; એટલે ઈ.૧૯૧૯ માં અમદાવાદમાં આવી જેવો સ્થિર થયો કે તરત એક ‘ગુજરાત કલામંદિર’ ખોલ્યું. માસિક ફી ફક્ત પાંચ રૂપિયા રાખેલી”. છ મહિના સુધી આ વર્ગ ચલાવી જોયા, માત્ર ત્રણ વિદ્યાર્થીઓ જ જોડાયા, એમાંથી એક પાસેથી ફીને બદલે વર્ગની સાફસફાઈ કરાવી લેતા. આમ મહિને દસ રૂપિયાની આવક માટે આ કલાસ ચવાવવાનું શક્ય ન હતું, એટલે એમણે જેને રસ હોય અને એમના ઘરે જે શીખવા આવે એને માર્ગદર્શન આપતા.
થોડા સમય પછી રવિભાઈને વિચાર આવ્યો કે રાજ્ય સરકારો દ્વારા લેવાતી Elementary અને Intermediate ડ્રોઈંગની પરીક્ષાઓ પાસ કરી, શાળામાં ડ્રોઈંગના શિક્ષક તરીકે કામ કરતા લોકોને એકઠા કરી, એમને ચિત્રકલાના પથ તરફ વાળી શકાય. આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. થોડા થોડા અંતરાલે, ક્યારેક ભાડાની જગ્યામાં તો ક્યારેક કુમાર કાર્યાલયમાં, જેને રસ હોય એને કોઈપણ જાતની ફી વિના શીખવવાના પ્રયત્નો કરેલા.
રવિભાઈને સમજ પડી ગઈ કે ચિત્રકલા માટે જેને લગની ન હોય, એ એમનો વિદ્યાર્થી બનશે નહીં. રવિભાઈનો એમના સમયના બધા જ જાણીતા સાહિત્યકારો સાથે ખૂબ જ સારા સંબંધ હતા. કેટલાક સાહિત્યકારો ચુનંદા વિદ્યાર્થીઓને રવિભાઈ પાસે ચિત્રકલા શીખવા મોકલતા, જેમાંના થોડા આગળ જતાં નામાંકિત કલાકારો થયા. છેક ૧૯૩૩ માં એમના મકાન ચિત્રકૂટના બાંધકામ પછી એમને ત્યાં ચિત્રકલાનું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ શરૂ થયું.
હવે આ શિક્ષણ ગુરૂકુલની કક્ષાએ પહોંચ્યું. ગુરૂ પોતાના પ્રિય શિષ્યને સર્વસ્વ આપી દેવાની ભાવના સાથે શિખવે અને શિષ્ય ગુરૂ પ્રત્યે નિષ્ઠા અને ભક્તિભાવથી એ બધું ગ્રહણ કરે. ક્યાંયે આર્થિક વ્યહવાર નહીં.
આ અગાઉ, અજંતાના ચિત્રો જોઈ કાકાસાહેબે “હવે તમે દ્વીજ થયા” કહેલું. પાણીદાર શિષ્યોની કતાર તૈયાર કર્યા પછી, કાકાસાહેબ કાલેલકરે એમને કલાગુરૂની ઉપાધી આપી.
જે કારણોથી રવિન્દ્રનાથ ટાગોર ગુરૂદેવ કહેવાયા, ગાંધીજી મહત્મા કહેવાયા, એવાજ કારણથી રવિશંકર રાવળ કલાગુરૂ કહેવાયા.
એમના થોડા શિષ્યો વિશે હવે પછીને પોસ્ટમાં વાત કરીશ.
સાક્ષરો-ઉપલબ્ધ ચિત્રોની અંતીમ ખેપ
(નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા ૧૮૫૯-૧૯૩૭) નાન્હાલાલ કવિ (૧૮૭૭-૧૯૪૬)
(બ. ક. ઠાકોર ૧૮૬૯-૧૯૫૦) (મણીલાલ નભુભાઈ ૧૮૫૮-૧૮૯૮)
(મણીશંકર ભટ્ટ-કાન્ત ૧૮૬૭-૧૯૨૩) (મનસુખલાલ ઝવેરી ૧૯૦૭-૧૯૮૧)
(ર. વ. દેસાઈ ૧૮૯૨-૧૯૫૪) (રાજેન્દ્ર શાહ ૧૯૧૩)
(સુંદરજી બેટાઈ ૧૯૦૫-૧૯૮૯) (ત્રિભુવનદાસ લુહાર-સુંદરમ ૧૯૦૮-૧૯૯૧)
સાક્ષરો-કલાગુરૂએ દોરેલા અન્ય સાહિત્યકારોના ચિત્રો
(રામનારાયણ પાઠક ૧૮૮૭-૧૯૫૫) (કાકાસાહેબ કાલેલકર ૧૮૮૫-૧૯૮૧)
(કનૈયાલાલ મુન્શી ૧૮૮૭-૧૯૭૧) ( કિશોરલાલ મશરૂવાળા ૧૮૯૦-૧૯૫૨)
(ઝવેરચંદ મેઘાણી ૧૮૯૬-૧૯૪૭) (ઈશ્વર પેટલીકર ૧૯૧૬-૧૯૮૩)
(ઉમાશંકર જોષી ૧૯૧૧-૧૯૮૮) (ચં. ચી. મહેતા ૧૯૦૧-૯૧૯૧)
(ચુનીલાલ મડીયા ૧૯૨૨-૧૯૬૮) (જયંતિ દલાલ ૧૯૦૯-૧૯૭૦)
(જ્યોતિન્દ્ર દવે ૧૯૦૧-૧૯૮૦) (ગૌરીશંકર જોષી-ધૂમકેતુ ૧૮૯૨-૧૯૬૫)