Category Archives: રવિશંકર રાવળ

સાક્ષરો

(નવલરામ ૧૮૩૬-૧૮૮૮)

નવલરામ પંડયા વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી અને પત્રકાર હતા.

(ગોવર્ધનરામ ત્રિપાઠી ૧૮૫૫-૧૯૦૭)

ગુજરાતી મીડીયમમાં ભણેલી દરેક વ્યક્તિએ ગો.મા.ત્રિ. ના સરસ્વતીચંદ્રના ચાર ભાગ જરૂર વાંચ્યા હશે.

(રમણભાઈ નીલકંઠ ૧૮૬૮-૧૯૨૮)

મહીપતરામના સુપુત્ર અને ભદ્રંભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠને કોણ નથી ઓળખતું?

(કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોયેલ-૧૮૭૪-૧૯૦૦)

કોઈપણ ગુજરાતીને કલાપીની ઓળખાણ આપવી એ એના અપમાન કર્યા સરખું છે.

(આનંદશંકર ધ્રુવ ૧૮૬૯-૧૯૪૨)

તત્વચિંતક આનંદશંકર બાપુભાઈ ધ્રુવના ગોવર્ધનરામ ત્રિપાઠી, આચાર્ય કૃપલાણી, મહાત્મા ગાંધી જેવા અનેક વિદ્વાનો સાથે તેમને આત્મીય હતા.

(અરદેશર ફરામજી ખબરદાર ૧૮૮૧-૧૯૫૩)

કવિ, વિવેચક, નાટ્યકકાર. “ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !” યાદ છે એમની આ કવિતા?

દરેક ચિત્રમાં કલાગુરૂએ પ્રાણ પૂરી ચિત્રોને બોલતા કરી દીધા છે. આ ચિત્રો વિષે હું શું બોલું?

 

સાક્ષરો-દયારામ, દલપતરામ અને નર્મદ

(દયારામ ૧૭૭૭-૧૮૫૨)

દયારામ ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન કવિ હતા. તેમના પુષ્ટીમાર્ગી કૃષ્ણભ્ક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈ, આ ત્રણ ગુજરાતી સાહિત્યના ભક્તિ આંદોલનના અગ્રણીઓ ગણી શકાય.

દયારામની આ રચના તો મને બહુ જ ગમે છે.

 શ્યામ   રંગ  સમીપે   ન  જાવું

 મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

 જેમાં કાળાશ તે તો સૌ એકસરખું

 સર્વમાં    કપટ    હશે     આવું

 

(દલપતરામ ૧૮૨૦-૧૮૯૮)

ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્યકારોમાં દલપતરામનું નામ મોખરાનું છે. એમણે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણીને ગુજરાતીઓની ઘણી પેઢીઓ ઊછરી છે. અંધેરી નગરી ને ગંડુરાજા તો એક કહેવત બની ગઈ છે. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, પશુઓને પક્ષીઓ અપાર છે ને કોણ ભૂલી શકે?

કલાગુરૂના નરસિંહ, મીરાં અને અખાની જેમ દલપતરામનું ચિત્ર પણ ખૂબ જ લોકપ્રિય છે.

 

(નર્મદ ૧૮૩૩-૧૮૮૬)

“સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.” યાદ આવે છે આઝાદીની લડાઈ વગતે પોરસ ચડાવતી આ કવિતા? આ કવિતાએ નર્મદને વીર નર્મદ બનાવી દીધો.

નર્મદના નીડર લખાણનો નાનકડો નમૂનો આપું છું. “ ગુજરાતીલોકો જેવી નફટ જાત બીજી કોઈ નથી. કૂતરાની પુંછડી ભોંયમાં દાટો તોયે વાંકી, કહી કહીને મોઢું થાકી ગયું, પણ બેશરમીથી એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખે. નકટીનું નાક કાપ્યું તો નવ ગજ વધ્યું. આવા છે ગુજરાતી લોકો, ખરાબ રશ્મો, નીચા વ્હેમો, ગાંડા વિચારો, શરમ ભરેલી રીતો, એ બધા વિષે લખતાં લખતાં તો કાગળ ખૂટ્યા, શાહી ખતમ થઈ, કલમ થાકી ગઈ, પણ એમના મન પર પંદર વરસમાં કંઈ અસર થઈ નહીં”

આવા નર્મદને કલાગુરૂએ કેવો ઊઠાવ આપ્યો છે એનું તમે જ આંકલન કરો.

સાક્ષરો-પ્રેમાનંદ અને શામળ ભટ્ટ

(પ્રેમાનંદ ૧૬૪૯ -૧૭૧૪)

એમના સમયના ગુજરાતી સમાજનું આબેહૂબ આલેખન કરનાર પ્રેમાનંદની કવિતા અને આખ્યાનોને પવિત્ર ગણાતાં વ્રત-તહેવારો અને વિશેષ અવસરે ગવાતાં સાહિત્યમાં ગણી શકાય.  તેમનાં આખ્યાનોની સાહત્યિક ગુણવત્તા પ્રેમાનંદને મહાકવિનું બિરૂદ આપવા સક્ષમ છે. આજે પણ એમનાં આખ્યાનોમાં રહેલો વાર્તારસ, કાવ્યારસ, ધાર્મિકતા અને સામાજીક રીતરિવાજોની સમજ સમાજના બધા વર્ગોને આકર્ષે છે.

માણભટ્ટ પરંપરાના આ આખ્યાનકાર કવિ ધારે ત્યારે શ્રોતાઓને હસાવતા અને ધારે ત્યારે રડાવતા. એમની ખુબી એ હતી કે તેઓ એક રસમાંથી બીજા રસમાં સહેલાઈથી જઈ શકતા. પરલક્ષી કવિતાના આ સ્વામી મધ્યકાલીન સાહિત્યમાં પોતાનું અગત્યનું સ્થાન સહેલાઈથી પ્રાપ્ત કરી શક્યા છે.

એમની રચનાઓમાં ઓખાહરણ, કુંવરબાઈનું મામેરૂં, સુદામા ચરિત વગેરે ખુબ લોકપ્રિય છે.

 

(શામળ ભટ્ટ ૧૭૦૦-૧૭૬૬)

શામળ ભટ્ટ્ની રચનાઓ મોટાભાગે પદ્યવાર્તાઓ છે. તેમણે અગાઉથી પ્રચલિત લોકકથાઓ અને સંસ્કૃત ભાષામાં લખાયલી કથાઓને નવા અર્થમાં રજૂ કરી શ્રોતાઓનો રસ જાળવી રાખ્યો હતો. તેમના કેટલાક જાણીતા સર્જનોમાં વૈતાલ પચ્ચીસી, સિંહાસન બત્રીસી અને સુડા બહોંતરી છે. આ ત્રણે સર્જનોમાં એક વાર્તામાં બીજી વાર્તા સમાયલી હોય એવો પ્રયોગ દેખાય છે. તે સિવાય એમણે કેટલાક ચરિત્રો પણ લખ્યા છે.

સાક્ષરો-અખો (૧૫૯૧-૧૬૫૬)

સાહિત્ય જગતમાં કેટલાક સર્જકો પોતાના સમય પૂરતા પ્રચલિત હોય છે પણ કેટલાક અખાની જેમ કાલાતિત હોય છે.

અખો મધ્યકાલીન સમયનો જ્ઞાનમાર્ગી કવિ હતો. એણે સમાજમાં ચાલતા પાખંડો ઉપર પોતાની કલમને તલવારની ધાર જેવી બનાવીને જનોઈવઢ ઘા કર્યા છે. અખાની વાતો આજે પણ એટલી જ લાગુ પડે છે.

અખાએ છ ચરણવાળી ત્રણ ત્રણ પંક્તિઓમાં જે વાતો કહી છે, એ સાહિત્યમાં અખાના નામે પ્રસિધ્ધ છે. આજે પણ એવી વાતો કરતાં લોકોને ધર્માંધ લોકોનો ડર લાગે છે, તો વિચાર કરો અખાના સમયમાં અખાએ કેટલું જોખમ ખેડીને, કેટલી હીમ્મત એકઠી કરીને ધર્મના નામે લોકોને ઠગતા લોકોને ખુલ્લા પાડ્યા છે?

“એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સનાન, તુલસી દેખી તોડે પાન,

એ તો અખા બહુ ઉત્પાત, ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત?”

અખાએ આપેલા જ્ઞાનને વેદોના જ્ઞાન સાથે સરખાવીને લોકોએ એને “અખો વેદાંતી”ના બિરૂદથી સન્માન્યો છે.

સાહિત્યકારોમાં અખો મારો સૌથી પ્રિય સાહિત્ય સર્જક છે.

અખાના આ ચિત્રમાં કલાગુરૂએ અખો શરૂઆતમાં વ્યવસાયે સોની હતો એ દર્શાવ્યું છે. પણ ચિત્રોનો ધ્યાનથી અભ્યાસ કરશો તો અનેક વાતો સામી આવસે. અખાના હાથમાં જે તરાજુ છે, એ બિલકુલ સમતોલ છે. કંઈ સમજાયું? મહાજ્ઞાની હોવા છતાં, અખાની આંખો અને એની નીચે તરફ વળેલી મૂછો એની નમ્રતા દર્શાવે છે. એની ગંભીર મુખમુદ્રા, એણે કહેલી વાતો કેટલી ગંભીર છે એના તરફ ઈશારો છે.

કલાગુરૂનો અખો પણ કલાગુરૂના નરસિંહ-મીરાં જેટલો જ પ્રસિધ્ધ છે.

સાક્ષરો-મીરાંબાઈ

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)

ઉદેપૂરના રાજકુટુંબમાં જ્ન્મેલી મીરાંબાઈના લગ્ન મેવાડના રાજકુટુંબમાં થયેલા. ખૂબ નાની વયથી જ મીરાં કૃષ્ણભક્તિમાં ઓતપ્રોત થઈ ગયેલી. લગ્ન પછી પણ એની આ ભક્તિમાં વધારો થતો રહ્યો. ખૂબ નાની વયે એના પતિનું મૃત્યુ થયા પછી પણ એની કૃષ્ણભક્તિ વધતી જ રહી. ગાદી નશીન એના દિયર અને મેવાડના રાણાને આ પસંદ ન હતું. ત્યાર પછીની વાતો તો ખૂબ જ પ્રચલિત છે, એટલે અહીં ફરી નથી લખતો.

મીરાંબાઈની મૂળ રચનાઓ વ્રજભાષા અને મારવાડી ભાષામાં મળે છે. એમની અનેક ગુજરાતી રચનાઓ પણ અતિ લોકપ્રિય છે.

મીરાંબાઈના અનેક ચિત્રો કેલેન્ડરો માટે અનેક કલાકારોએ તૈયાર કર્યા છે. મીરાંબાઈના જીવન ઉપર આધારિત ચલચિત્રોમાં મીરાં બનનાર અભિનેત્રીઓના ચિત્રો પણ લોકપ્રિય થયા હતા. અહીં કલાગુરૂએ મીરાંના મુખના જે ભાવ દર્શાવ્યા છે એ બીજા ચિત્રોમાં તમને જોવા નહીં મળે. આ ચિત્રમાં ગ્લેમરનો અભાવ છતાં મુખ ઉપરની નમણાસ, રાજકુટુંબનું તેજ અને ભક્તિમાં ખોવાયેલું વ્યક્તિત્વ; કેટકેટલું એક સાથે જોવા મળે છે?

નરસિંહ મહેતા

સાક્ષરોના ચિત્રોની શરૂઆત નરસિંહ મહેતાથી કરૂં છું. નરસિંહના ચિત્રની વાત કરૂં તેથી પહેલા એક જરૂરી વાત કરી દઉં. હિન્દુસ્તાનમાં ૧૮૪૦ સુધી ફોટોગ્રાફી અસ્તિત્વમાં ન હતી. ૧૮૬૦ સુધીમાં મોટા શહેરોમાં એક બે સ્ટુડીઓ હતા, પણ કીમત વધારે હોવાથી બહુ લોકો પોતાના ફોટા પડાવતા નહીં. એટલે ૧૮૬૦-૧૮૭૦ સુધીમાં અવસાન પામેલા સાક્ષરોના ફોટોગ્રાફ્સ અસ્તિત્વમાં ન હતા. કદાચ કોઈ એક બે સાક્ષરોએ ચિત્રકારો પાસેથી પોતાના પોરટ્રેઈટ કરાવ્યા હોય, પણ મને લાગે છે કે રવિભાઈએ ૧૯૧૫ થી પોરટ્રેઈટ દોરવાની શરૂઆત કરી તે પહેલા કોઈ પોરટ્રેઈટ દોરનાર ગુજરાતી ચિત્રકારનું નામ મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે ૧૮૭૦ અગાઉ થઈ ગયેલા સાક્ષરો કદાચ કલાગુરૂની કલ્પનાશક્તિનું પરિણામ હોઈ શકે.

હવે નરસિંહ મહેતાની વાત કરું. નરસિંહ મહેતાનું જીવનકાળ પંદરમી સદીનું માનવામાં આવે છે. કલાગુરૂએ નરસિંહ મહેતાનું પોરટ્રેઈટ બનાવ્યું, તે અગાઉ નરસિંહ મહેતાના અનેક ચિત્રો અસ્તિત્વમાં હતા; પણ કલાગુરૂના આ રંગીન ઓઈલપેઈન્ટે એવું આકર્ષણ જમાવ્યું કે હવે નરસિંહ મહેતાનું ચિત્ર એટલે કલાગુરૂએ દોરેલું ચિત્ર. આ ચિત્ર એટલું લોકપ્રિય થયું કે ૧૯૬૭ માં ભારત સરકારે ૧૫ પૈસાની ટપાલ ટીકીટ માટે આ ચિત્ર પસંદ કર્યું. જે ત્રણ ચાર ચિત્રો સાથે ર.મ.રા. નું નામ કાયમ માટે જોડાઈ ગયું, આ ચિત્ર તેમાંનું એક છે.(બીજું પ્રખ્યાત ચિત્ર ૧૯૨૨ માં ગાંધીજી ઉપર ચાલેલા કેસનો છે.)

                                     (ભારત સરકારે છાપેલી ટપાલ ટીકીટ અને First Day Cancellation Cover)

 

સાહિત્ય અને કલાના ચાહક શ્રી યશવંત પંડ્યા

પ્રશ્નોરા નાગરબ્રાહ્મણ પરિવારમાં ૧૯૦૫ માં જન્મેલા યશવંત પંડ્યાનો, એ સમયના સાહિત્યકારો અને કલાકારો સાથે ખૂબ જ ઘરોબો હતો. એમણે પોતે પણ “વીણા” નામના સામયિકનું સંપાદન કરેલું. એમણે મિત્રો સાથે મળીને ઘણાં એકાંકી નાટકો લખેલા. એમણે બાળકો માટે બાળનાટકો પણ લખેલા. આ બધું એમણે માત્ર ત્રીસ વર્ષની વયે જ હાંસીલ કરેલું.

સામાજીક ક્ષેત્રોમાં પણ એમનું સારૂં યોગદાન હતું. દિલ્હીમાં ગુજરાતી સમાજની સ્થાપના એમણે કરેલી. એમના દિલ્હીના વસવાટ દરમ્યાન ગુજરાતના સાક્ષરો એમને ત્યાં જ રોકાતા, આમાં ઉમાશંકર જોષી, કીશનસિંહ ચાવડા, ચં.ચી. મહેતા, ગુલાબદાસ બ્રોકર, જયંત ખત્રી, રસિક ઝવેરી અને અન્ય સાહિત્યકારોનો સમાવેશ થતો હતો. ગાંધીજી અને રાજાજી જેવા રાજકીય નેતાઓ એમને સારી પેઠે જાણતા હતા. મુન્શીજી, બ.ક.ઠાકોર, ક્રીષ્નલાલ શિધરાણી, વિનુ માંકડ અને વિજય મરચંટ એમના મિત્રો હતા.

કલાગુરૂ રવિશંકર રાવળ સાથે એમને ઘનિષ્ટ મૈત્રી હતી. એમણે રવિશંકરભાઈને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારોના ચિત્રો બનાવવાનું કામ સોંપેલું. કેટલાક પાત્રો તો માત્ર કલ્પનાથી જ દોરવાના હતા. કલાગુરૂએ એ પાત્રોમાં એવા પ્રાણ પૂર્યા કે એ બધા પાત્રો ગુજરાતિ સાહિત્ય અને કલાના ક્ષેત્રે અમર થઈ ગયા. આમાંના ઘણાં ઓઈલપેન્ટના ચિત્રો યશવંતભાઈએ ભાવનગરની શામળદાસ કોલેજને ભેટમાં આપેલા. પ્રત્યેક ચિત્રનું અનાવરણ એ સમયના પ્રતિષ્ઠિત આગેવાનના હાથે થયેલું.

માત્ર ૪૯ વર્ષની વયે જ યશંવતભાઈનું અવસાન થયું.

હવે પછીની થોડી પોસ્ટમાં આપણે કલાગુરૂએ એમના માટે દોરેલા કેટલાક ચિત્રોનો અભ્યાસ કરશું.

કલાગુરૂનો જાપાનનો પ્રવાસ

૧૯૩૬ માં રવિભાઈ થોડા મિત્રો સાથે દરિયાઈ માર્ગે જાપાનના પ્રવાસે ગયેલા. સ્ટીમર મુંબઈથી કોલંબો, સિંગાપોર, હોંગકોંગ અને શાંઘાઈ થઈને જાપાન ગઈ હતી. એક તરફનું સેકંડ ક્લાસનું ભાડું ૨૭ પાઉન્ડ હતું. એ સમયે એક પાઉન્ડની કીમત ૧૩ રૂપિયા હતી. જો ૯૦ દિવસમાં પાછા ફરવા સાથેની (Return) ટીકીટ ખરીદો તો એ ૩૪ પાઉન્ડમાં મળતી, એટલે ૨૦ પાઉન્ડની બચત થતી. રવિભાઈએ ૯૦ દિવસમાં પાછા આવવાવાળી ટીકીટ ખરીદીને માર્ચ મહીનામાં પ્રવાસની શરૂઆત કરી.

રસ્તામાં જે જે બંદરે સ્ટીમર થોભતી ત્યાં ૮-૧૦ કલાકથી માંડીને એક-બે દિવસ એ શહેર જોઈ શકાય એવી વ્યવસ્થા હતી. રવિભાઈ જ્યાં પણ જતા, ત્યાં પોતાની સ્કેચબુક સાથે જ રાખતા. એમણે એ પ્રત્યેક જગ્યાએ જે કંઈ જોયું એના ચિત્રો સ્કેચબુકમાં દોરી લીધા હતા.

આપણા દેશી લોકો જાપાનના પ્રવાસે જતા ત્યારે જાપાન સ્થિત દેશી લોકો ખૂબ મદદરૂપ થતા. એમની મદદથી, રવિભાઈએ જાપાનનું સર્વાંગી નિરીક્ષણ કરેલું. ત્યાંના માણસો, ત્યાંની સંકૃતિ, ત્યાંનું શિલ્પ-સ્થાપત્ય, ત્યાંની કલા-કારીગરી, આમ અનેક દૃષ્ટીકોણથી એમણે એ દેશનો અભ્યાસ કરેલો. એમની બીજી એક સારી આદત એ હતી કે પ્રવાસ દરમ્યાનના પ્રત્યેક દિવસના નાના-મોટા અનુભવો એ ડાયરીમાં ટપકાવી લેતા.

જાપાનના પ્રવાસ દરમ્યાન મોટી મુશ્કેલી ભાષાની હતી. બહુ જ ઓછા લોકો અંગ્રેજી જાણતા હતા, એટલે આપણાં લોકો જે જાપાનીસ ભાષા સમજતા હોય, એમના સાથ વગર તો કંઈ થઈ જ ન શકે. ૧૯૭૦ માં મેં ૧૮ મહીના સુધી જાપાનીસ એંજીનીઅરો સાથે કામ કર્યું હતું. એમાંથી માત્ર ચાર-પાંચ લોકો જ અંગ્રેજી સમજતા હતા, એમના નામો મને હજી યાદ છે, ઓકુમુરા, ટોકુનાગા, શિમાચી, સોહોચી કીકુચી. એમની સાથે પણ વાતચીત કરવામાં મને મુશ્કેલી આવતી.

જાપાનથી પાછા ફર્યા બાદ એમણે કુમાર માસિકમાં ૧૬ હપ્તામાં પોતાના જાપાનના અનુભવો સચિત્ર વર્ણવ્યા છે. આ લેખમાળાની મર્યાદાને લક્ષમાં રાખીને હું અહીં વધારે વિગતો આપી શકું નહીં. પણ કુમારમાં પ્રગટ થયેલા હપ્તાઓ વાંચ્યા પછી એટલું કહી શકું એક રવિભાઈ માત્ર ચિત્રકલાના જ નિષ્ણાત ન હતા, એ એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર પણ હતા. એમનું જાપાનની મુસાફરીનું વર્ણન, એમના પુસ્તક “કલાકારની સંસ્કારયાત્રા”માં સમાવી લેવામાં આવ્યું છે.

બાવલાના પરાક્રમો (અંતીમ)

બાપ-દિકરાએ મળીને મોટી માછલીના પેટમાંથી બહાર નીકળવાની તરકીબ વિચારી. બન્ને જણાએ મળીને એને અંદરથી ગુદગુદી કરી. જેવું માછલીએ મોઢું પહોળું કર્યું કે બન્ને જણ તરત બહાર નીકળી ગયા.

બહાર નીકળીને એ જ માછલીની પીંઠ ઉપર ચડી ગયા. માછલી કીનારે પહોંચી એટલે કૂદકો મારીને પાણીથી દૂર જતા રહ્યા.

બન્ને જણ ખૂબ થાકી ગયા હતા, એટલે ઘરે પહોંચીને ઊંઘી ગયા. પરીએ જોયું કે બાવલો સુધરી ગયો છે

એટલે એનું માથું ખોળામાં લઈ અને ખૂબ વહાલ કરે છે. પછી પોતાની જાદુઈ છડી વાપરી એને બાવલામાંથી સાચુકલો છોકરો બનાવી દે છે.

સાચુકલો છોકરો બન્યા પછી બાવલો ભણીગણીને ખૂબ પૈસા કમાયો અને પોતાના પિતાની ખૂબ સેવા કરી.

(કલાગુરૂએ માત્ર ત્રણેક કલાકમાં દોરેલા આ ૧૭ ચિત્રો ગુજરાતી બાળવાર્તાઓનો ઉત્તમ નમૂનો છે. એક કલાકારનો બાળકો પ્રત્યેનો પ્રેમ છતો થાય છે.)

બાવલાના પરાક્રમો-૪

બાવલાએ હવે ડાહ્યા થઈને પોતાના પિતા સાથે રહેવાનું નક્કી કર્યું. એ ઘર તરફ ચાલ્યો. રસ્તામાં એને એક કબૂતર મળ્યું.

કબૂતરે બાવલાને કહ્યું, “તારો બાપ તને કેટલા દિવસથી શોધે છે. તુ જમીન ઉપર ન મળ્યો એટલે એ હોડી લઈને તને શોધવા દરિયામાં ગયો છે.” આ સાંભળી બાવલાને બહુ દુખ થયું. એ દરિયા તરફ ગયો.

દરિયા પાસે જઈ, બાવલાએ રણછોડને શોધવા દરિયામાં છલાંગ લગાવી. થોડે દુર ગયો ત્યાં એક મોટી માછલી બાવલાને ગળી ગઈ. બાવલો માછલીના પેટમાં પહોંચ્યો તો એણે ત્યાં રણછોડને જોયો.

માછલીના પેટમાં બાપ-દિકરો એક બીજાને મળ્યા.

(બાવલાનો અંતીમ હપ્તો આવતી કાલે)