Category Archives: રાજુલ કૌશિક

સફરની સ્મૃતિના સથવારે -૩ (રાજુલ કૌશિક)

ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો

સ્કોટલેન્ડ કોન્વોલ- વેલ્સ –

લંડન પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે પણ એક્વાર લંડનની બહાર નીકળો એટલે ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે.

લંડનની બહાર નીકળતા જ નજર નાખો ત્યાં અઢળક વેરાયેલું સૌંદર્ય છે. અમારો પ્રવાસ હવે આવા હરિત-પ્રાકૃતિક નયનરમ્ય પ્રદેશો વચ્ચે શરુ થતો હતો. શરુઆત કરી અમે લંડનથી લગભગ ૩૫૦ માઇલના અંતરે આવેલા એકસ્ટ્રીમ સાઉથ-વેસ્ટ પર કોનવોલથી. કહેવાય છે .”ધરતીનો છેડો ઘર” પણ ધરતીના આવા જ એક છેડા પર તમે આવીને ઊભા હો અને જેનુ નામ પણ ‘લેન્ડસ એન્ડ’ અપાયું હોય,સામે નજરની લંબાઇ પણ ટૂંકી પડે એવો અફાટ સાગર લહેરાતો હોય ત્યારે? Continue reading સફરની સ્મૃતિના સથવારે -૩ (રાજુલ કૌશિક)

સફરની સ્મૃતિના સથવારે – ૨ (રાજુલ કૌશિક)

 લંડનના વિખ્યાત લેન્ડમાર્ક ”

લંડનની બીજા દિવસની અમારી સફર શરુ થઇ દુનિયાના અતિ પ્રખ્યાત મેડમ તુસાઝ વેક્સ મ્યુઝિયમથી .ઇ.સ. ૧૭૭૭માં વોલ્ટરનું પ્રથમ મીણનું પૂતળું બનાવ્યું ત્યારથી શરુ થયેલી અવિરત સાધનાનું ફળ આજે અમારી નજર સામે હતું. મેડમ તુસાદની ફ્રાન્સથી શરુ થયેલી ૩૩ વર્ષની યાત્રા અંતે ૧૮૦૨ લંડન આવીને અટકી હતી. બેકર સ્ટ્રીટ પર આવેલા આ વેક્સ મ્યુઝિયમમાં આબેહૂબ લાગતા પ્રખ્યાત લોકોના મીણનાં પૂતળાં ઉપરાંત ચેમ્બર ઓફ હોરર પણ એટલું જ મોટું આકર્ષણ છે.આ વેક્સ મ્યુઝિયમમાં મેડમ તુસાદના પૂતળાની સાથે દુનિયાભરના અને પ્રખ્યાત લોકોના પૂતળાં મુકાયેલા છે. રોયલ ફેમિલી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો, પાબ્લો પિકાસો,ચાલ્સ ડાર્વિન જેવી હસ્તીની સાથે સ્પોર્ટ્સ પર્સન્સને પણ સ્થાન અપાયું છે. દુનિયાની અનેક દેશની સત્તારુઢ વ્યકિતઓ જેમાં માર્ગરેટ થેચર,ચર્ચિલ, નિકોલસ સારકોઝી, રોનાલ્ડ રેગન,ટોની બ્લેર,બેનઝીર ભુટ્ટો છે તો ગાંધીજી, માર્ટિન કિંગ લ્યુથર જેવા સામાજિક,રાજકીય પરિર્વતન લાવનાર મહાનુભવો પણ છે. અમારા જેવા ભારતીયો માટે અમિતાભ બચ્ચન,ઐશ્વર્યારાય,શાહરુખ ખાન કે સચિન તેંડુલકર સાથે ફોટા પડાવવાની તક હતી તો કેટલાક રસિયાઓ કાયલી મિનોગ અથવા તો મેરીલીન મનરોના ઊડતા ફ્રોકની આસપાસ મંડરાતા હતા. Continue reading સફરની સ્મૃતિના સથવારે – ૨ (રાજુલ કૌશિક)

સફરની સ્મૃતિના સથવારે – ૧ (રાજુલ કૌશિક)

” અલબેલું લંડન ”

”લેડીઝ એન્ડ જેન્ટલમેન,પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ, નાઉ વી વીલ એરાઇવ ઓન ધ બિઝીએસ્ટ હિથ્રો એરપોર્ટ વિધીન ફાઇવ મિનીટસ” એર ઇન્ડીયાના ટ્રેડીશનલ ડ્રેસિંગ ગેટઅપ સાથે રુપકડી એરહોસ્ટેસે સૂચના આપવાની સાથે થોડા સમય બાદ લંડનના હિથ્રો એરપોર્ટ પર સફર ઉતરાણની સાથે યાત્રિકોનું સ્વાગત કર્યું. પરંતુ તે પહેલાની થોડીક મિનીટોએ ફલાઇટ વિન્ડોની બહાર જે નજારો જોયો તેના પરથી જ બ્રિટનના હાર્દ સમા પાટનગર-લંડનની વિશાળતા, વિપુલતા અને વૈભવનું મનમાં એક સુરેખ ચિત્ર ઉપસતું ગયું. લંડનના હિથ્રો એરપોર્ટ માટે કહેવાય છે કે દર મિનીટે અહીં ફલાઇટ ઉપડતી અને ઉતરતી હોય છે. જ્યારે લંડન માટે કહેવાય છે કે ” london has been called a world in one city” Continue reading સફરની સ્મૃતિના સથવારે – ૧ (રાજુલ કૌશિક)

થોર ફાડી ઉગ્યુ ગુલાબ (રાજુલ કૌશિક શાહ)

“હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ, નિરજા….” એક સરસ મઝાના સ્માઇલ સાથે નિલયે નિરજાને વીશ કર્યુ.

“હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ.. નિલય” એવા જ મસ્તીભર્યા સાદે નિરજાએ નિલયને પ્રતિસાદ આપ્યો.

હવે આ જોઇને કોઇને પણ આમાં કશું જ નવું કે અસામાન્ય તો ના જ લાગે.. અને લાગે તો જ નવાઇ. કારણ કે ૨૧મી સદીના સ્માર્ટ , ગુડ લૂકીંગ અને વેલ સેટલ્ડ કપલ માટે આ કોઇ નવિન- રોમેન્ટીક કે કલ્પના બહારનો સંવાદ તો નહોતો જ. નિરજા કે નિલય સાથે અગંત કે ઔપચારિક મિત્રતા ધરાવતા મિત્રવૃંદ માટે તો આ મેઇડ ફોર ઇચ અધર કપલ હતું કે જેમની સૌને ઇર્ષ્યા આવતી.હદ બહારની સામ્યતા ધરાવતી વિચારસરણી અને ગમા-અણગમાનું પરફેક્ટ કોમ્બિનેશન હતું આ બંનેમાં. Continue reading થોર ફાડી ઉગ્યુ ગુલાબ (રાજુલ કૌશિક શાહ)

સ્વીકાર (રાજુલ કૌશિક)

સ્વીકાર

ડીંગ ડોંગ….ડીંગ ડોંગ….

ઉપરા ઉપરી બેલ રણકતો સાંભળીને ભાર્ગવીએ દોડતા આવીને બારણું ખોલ્યુ. સ્પીડ પોસ્ટમાં આવેલી ટપાલ સાથે રજીસ્ટર લઈને ઉભેલા માણસના રજીસ્ટરમાં સાઇન કરીને બારણું બંધ કરી અંદર આવી. પોસ્ટ પર ધ્રુવ પંડિત વાંચીને ડ્રોઇંગ રૂમના સાઇડ ટેબલ પર મુક્યો.

આ ઘરમાં આવતી તમામ ટપાલ આવી રીતે ડ્રોઇંગરૂમના સાઇડ ટેબલ પર મુકી દેવામાં આવતી. ક્યાંય કોઇનાથી કશું જ ખાનગી ન હોવા છતાં એકબીજાની પ્રાઇવસીમાં ભાર્ગવી કે ધ્રુવને ચંચુપાત કરવાની જરાય ટેવ નહોતી. પોસ્ટ ટેબલ પર મુકીને ભાર્ગવીએ અધુરા કામ આટોપવા ડગ ઉપાડ્યા ત્યાં પોસ્ટ ઉપર લાલ અક્ષરે અર્જન્ટ લખેલુ જોઇને ખમચાઇ. લાલ માર્કાએ એના મનમાં પણ કશુંક ઉતાવળુ અને અઘટિત બની રહ્યું છે એવા એંધાણ તો આપી જ દીધા. ધ્રુવ સાંજે આવે અને પોસ્ટ જુવે ત્યાં સુધી હવે રાહ તો ન જોવાય…મનોમન બબડતા એણે હાથમાં પોસ્ટ લઈને ધ્રુવની ઓફીસે ફોન જોડ્યો અને સીધી જ મુદ્દા પર આવી ગઇ.

“ કમ ઓન ભાર્ગવી ! ખોલીને જોઇ લેને પ્લીઝ.”

સીમલાથી કોઇ અજાણી વ્યક્તિનો પત્ર હતો .કવર ખોલીને ભાર્ગવીએ અંદરથી સાવ સરળ હિન્દીમાં લખાયેલો પત્ર ઉતાવળે વાંચ્યો જેનો ભાવાર્થ એવો હતો કે ધ્રુવના ગુરૂ કહો કે એના પાલક પિતા શ્રી પુષ્કર પંડિત અત્યંત બિમાર છે અને કદાચ જીવનના આખરી દિવસો ગણી રહ્યા છે.

ભાર્ગવીની વાત પુરી થઈ ત્યારે સામો છેડો સ્તબ્ધ હતો. ક્ષણોની નજાકતા પારખીને ભાર્ગવીએ ધ્રુવને કહ્યુ કે એ થોડી જ વારમાં પાછો ફોન કરે છે ત્યાં સુધીમાં એ એનુ ઓફિસનું કામ સમેટવા માંડે. અને સાચે જ દસ જ મિનિટમાં ભાર્ગવીએ સીમલા જતી ફ્લાઇટમાં ધ્રુવનું બુકિંગ કરાવીને એને સામે ફોન જોડ્યો.

“ધ્રુવ, તું સીધો જ એરપોર્ટ પર આવ. હું અહીંથી તારો સામાન લઈને તને ત્યાં જ મળું છું. અને હા ! વન વે નું જ બુકિંગ કરાવ્યુ છે. કોને ખબર તારે ત્યાં ગુરૂજી પાસે કેટલું રોકાવું પડે. અહીંની જરાય ચિંતા કરતો નહી. બધું ય સચવાઇ જશે.”

ધ્રુવને ભાર્ગવીની સમજદારી પર માન થઈ આવ્યું. ધ્રુવ અને ભાર્ગવીના ફેમિલી બિઝનેસમાં બંને એક સરખા હિસ્સેદાર હતા. ધ્રુવના બહોળા પથરાયેલા બિઝનેસમાં ફાઇનાન્સ અને ઓડીટ એમ એ બંને ભાર્ગવી સંભાળતી.

પુષ્કર પંડિત એટલે કે સીમલાના એક અનાથાલયના આચાર્ય.. કાશીના પંડિત હોવાના નાતે સૌ એમને ગુરૂજી કહીને જ સંબોધતા. એક ઘેરાતી રાત્રીના પહેલા પ્રહરમાં પુષ્કરરાય પંડિતના અનાથાલયનો ઘંટ વાગ્યો હતો. આ ઘંટનો ટંકાર એટલે એમના અનાથાલયમાં એક નવા આગંતુકના આગમનની આલબેલ. મોટા મસ દરવાજાની બહાર એક પારણું હંમેશા ઝુલતું રહેતુ. પુષ્કરરાય પંડિતે ઘડીભર રહીને હળવેકથી દરવાજો ખોલ્યો.. એમનો એક નિયમ હતો કે ઘંટ વાગે એટલે તરત જ દરવાજો નહીં જ ખોલવાનો. વખાના માર્યા જે વ્યક્તિને પોતાના બાળકને આમ તરછોડી દેવું પડ્યું હોય એને એના બાળકથી દૂર થવાનો મોકો મળે અથવા તો મન બદલાય તો બાળકને પાછું પણ લેવાનો મોકો મળી શકે .

દરવાજો ખોલીને જોયું તો એક સરસ મઝાનું તંદુરસ્ત ગલગોટા જેવું બાળક સાવ નિશ્ચિંતતાથી પારણામાં ઝુલતુ હતું. ક્ષણવારમાં જ જોઇને મોહી પડાય એવો ગોરો ચહેરો જોઇને ગુરૂજીના હ્રદયમાંથી ફળફળતો નિસાસો નિકળી પડ્યો. કેવી મજબૂરી હશે કે આમ આવી રીતે તરછોડી દેવું પડ્યું હશે? ક્ષણવાર જ પછી પાછી એ જ સ્વસ્થતા ધારણ કરી લીધી ગુરૂજી એ. “ઇશ્વર ઇચ્છા બલિયસી” કહીને ઉપર આભ તરફ નજર નાખી. નિરભ્ર આભમાં દૂર એક તેજસ્વી તારલો ટમટમતો હતો.

“ધ્રુવ…

ધ્રુવના તારા પરથી પુસ્કરરાયે એ બાળકનું નામ આપ્યું ધ્રુવ. આમ તો અનાથાલયમાં અનેક બાળકો આવતા પણ ખબર નહીં કેમ પુષ્કરરાયને આ બાળક પર જરા વધુ પડતું મમત્વ હતુ. ધ્રુવ હતો પણ એવો જ તેજસ્વી અચળ અને અડગ. સૌ તારા વચ્ચે ય ઝળકી ઉઠે એવો. સીમલાની સ્કુલમાં પણ એ હંમેશા ઝળકી રહેતો. કોલેજના એડમીશન સમયે ધ્રુવના નામ સાથે પુષ્કરરાયે પોતાની અટક પંડિત ઉમેરીને એને ગૌરવ બક્ષ્યુ. ધ્રુવ ગુરૂજીનો આજીવન આભારી હતો. પણ એણે ભાર્ગવીથી કશુંય છુપાવ્યું નહોતુ. એ અનાથ છે એ પણ નહીં. સાથે એ પણ કહ્યું કે એ અનાથ છે પણ એકલો નથી. એની સાથે એના પરમ પૂજ્ય ગુરૂજીના સંસ્કાર અને આશીર્વાદની શ્રીમંતાઇ હતી.

ભાર્ગવીને પણ ધ્રુવના ભૂતકાળ સામે જરાય વાંધો નહોતો. દિલ્હીની કોલેજમાં આમને સામને થઈ ગયેલા બે જીવો ખરા અર્થમાં એક થઈને રહ્યા હતા. ભાર્ગવીએ ધ્રુવનું હીર પારખ્યું હતું અને એના પરિવારને ભાર્ગવીના નિર્ણય પર ગર્વ હતો. ધ્રુવની નિખાલસતા અને કોરી પાટી જેવો વર્તમાન ભાર્ગવીને સ્પર્શી ગયા હતા. એ કોરી પાટી પર ભાર્ગવીએ એના નામની મહોર મારી.

દિલ્હી એરપોર્ટ પર છુટા પડતા ફરી એકવાર ભાર્ગવીએ ધ્રુવને કોઇ જાતની ચિંતા કર્યા વગર ગુરૂજી માટે જરૂરી હોય ત્યાં સુધી રહેવા માટે કહ્યુ…..

****

ભાર્ગવી અને ધ્રુવનો નાનકડો પણ સુખી પરિવાર.  પરિવાર વગરના ધ્રુવને પુરેપુરા માન-સન્માન સાથે ભાર્ગવીએ સ્વીકારી લીધો હતો કારણ એમાં એની ઉદારતા નહોતી પણ એ એને સાચે જ ખુબ પ્રેમ કરતી હતી.

“ધ્રુવ, આ આયના જેવો સાફ દેખાતો તારો ચહેરો અને એવી જ સાફ સીધી તારી વાત મને ખુબ ગમે છે. માણસ જન્મે એ પહેલા એનો પિંડ બંધાતો હોય ત્યારે જ એનું ભાવિ નિશ્ચિત થઈ જતુ હશે ને? એ ભાવિ પર માણસનો પોતાનો અખ્ત્યાર ક્યાં હોય છે કે તારો હોય? પણ હા! કોઇ ઘટના એવી હોય કે જેના માટે તું નિમિત્ત બન્યો હોય તો એ ભલે ને એ સારી હોય કે નરસી એની જવાબદારી તારી કહેવાય. એમાં ક્યારેય તું ઉણો ના ઉતરતો પ્લીઝ.”

ભાર્ગવી ખુબ વિચક્ષણ અને સ્પષ્ટ વક્તા હતી. એ જે માનતી એ જ કહેવાનો અને કરવાનો આગ્રહ સેવતી. દંભ –દેખાડો તો એના સ્વભાવથી વિપરીત વાત હતી.

ધ્રુવ પાસે પણ હંમેશા એવો આગ્રહ રાખતી કે “જે જીવો એ દિવા જેવુ ઉજળુ હોવું જોઇએ. અને તેમ છતાં માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ ભૂલ સ્વીકારવાની માણસમાં હામ હોવી જોઇએ. ધ્રુવ, ક્યારેક મારા કે તારા જીવનમાં એવું કશુંક બની જાય કે જેની કલ્પના સુધ્ધા ન કરી હોય તો ય હું કે તું એકબીજાથી કશું જ ગોપનિય નહી રાખીએ.

ધ્રુવ હસી પડતો. “અરે! ક્યાંથી ક્યાં તુ વાતને લઈ જાય છે?”

આ સુખી દંપતિના ઘરમાં ભૌતિક સુખ છલોછલ ,એકમેક માટેનો પ્રેમ ભારોભાર. બસ જો કોઇ કમી હોય તો એ શેર માટીની. જો કે ભાર્ગવીને તો એનો ય વસવસો નહોતો.

એ કહેતી કે “ ભગવાને જો નિર્ધાર્યુ હશે અને મારા નસીબમાં સંતાન સુખ હશે તો એ આપીને જ રહેશે. પણ જે બાળક હશે એ માત્ર તારા અને મારા લોહીનો જ પિંડ હશે. મારામાં કોઇ પારકા બાળકને પોતાનું કરવા જેટલી ઉદારતા નથી.”

સમય અને સંસાર સરળતાથી વહે જતો હતો.

**

ધ્રુવ સીમલા એરપોર્ટ પરથી ટેક્સી કરીને છોટા સીમલા થઈને કુસુમહટ્ટી પહોંચ્યો ત્યારે ગુરૂજીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. એક અપરાધની ભાવના સાથે ધ્રુવ એમાં જોડાયો. છેલ્લા કેટલાય સમયથી વ્યસ્તતાને લીધે ગુરૂજીને મળવા જ એ આવી શક્યો નહતો.

અગ્નિદાહમાંથી ઉઠતી અગ્નિની સેરોમાં ઓગળતો ગુરૂજીનો પાર્થિવ દેહ ધ્રુવની નજરથી સહન થતો નહોતો. આંખ ભરાઇ આવી પણ એ રડી શક્યો નહીં. છેલ્લે ગુરૂજીના અસ્થિફુલ એણે ત્યાં મુકેલા કુંભમાં એકઠા કરી લીધા. એટલો તો હક બનતો હતો ને એનો?

“આપ કે લિયે ગુરૂજી યે ખત છોડકે ગયે થે.” આશ્રમના સંચાલક જેવા કહેવાતા અખિલેશજીએ એક બંધ કવર ધ્રુવના હાથમાં આપ્યું. બંધ કવરમાં ધ્રુવ માટે વિસ્ફોટક જાણકારી હતી.

***

પૂનમ… ધ્રુવની જેમ જ પુષ્કરરાયના આશ્રમમાં ઉછરેલી એક સરસ મઝાની છોકરી. ધ્રુવના ગયા પછી એ જ ગુરૂજી અને ગુરૂમા નું ધ્યાન રાખતી હતી. એ પૂનમ આજે તો હયાત નહોતી પણ એ એક નિશાની ગુરૂજીના આશ્રમમાં છોડતી ગઈ હતી.

“અમર… આજે પાંચ વર્ષનો થવા આવ્યો છે. પૂનમે જ્યારે એને જન્મ આપીને દેહ છોડ્યો ત્યારે અને ત્યાં સુધી પણ એણે કોઇનું નામ આપ્યું નહોતું. કદાચ એ એની ખાનદાની હતી અથવા તો જેનો આ અંશ હતો એને એ સાચે પ્રેમ કરતી હતી અને એની દુનિયા બરબાદ થાય એમ ઇચ્છતી નહોતી પણ એનામાં મેં જેના અણસાર જોયા એ અણસાર જ્યારે તને કોઇ આ વાત્સ્લયધામ મુકીને ગયું ત્યારે તારામાં મેં જોયા હતા. અમર તારી જ હુબહુ પ્રતિકૃતિ છે એ મારા્થી વધુ કોણ જાણી શકવાનું છે? એક દિવસનો હતો ત્યારથી આજ સુધી તને પળે પળે મોટો થતા મેં જોયો છે. દરેક ધ્રુવના નસીબમાં હંમેશા પુષ્કરરાય નથી હોતા પણ હવે  અમરનું નસીબ અને ભવિષ્ય તારા હાથમાં છે. તારું છે એનો તું સ્વીકાર કર. બાકી તો બીજા અનેક મા-બાપ વગરના બાળકની જેમ અમર માટે આ આશ્રમ તો છે જ.”

સાવ નાનકડી ચિઠ્ઠીમાં સીધી ને સટ વાત લખાયેલી હતી. નખશીખ ધ્રુવ ધ્રુજી ગયો. ક્ષણવારમાં એ દિવસની સાંજ એની નજર સામેથી પસાર થઈ ગઈ.

દિલ્હી સ્થાયી થયા પછી પણ એ અવારનવાર સીમલા ગુરૂજીને મળવા આવી જતો. લગ્ન પછી ભાર્ગવીને લઇને પણ ગુરૂજીના આશીર્વાદ લેવા આવ્યો હતો. ગુરૂજી ખુબ ખુશ હતા. ધ્રુવની પ્રગતિ જોઇને , ભાર્ગવીને મળીને.

એ દિવસની વાત સાવ અલગ હતી. એ સીમલા કોઇ સેમીનાર એટેન્ડ કરવા આવ્યો હતો. સેમીનાર પતતા સાંજ પડી ગઈ હતી. એ ગુરૂજીને મળવા આવ્યો ત્યારે એ ગુરૂમાને લઈને દવાખાને ગયા હતા. ઘરમાં હતી માત્ર પૂનમ. અને મેઘલી વરસાદી સાંજે એવું બની ગયુ કે જે ધ્રુવ કે પૂનમના હાથ બહાર હતુ.

આજે પાંચ વર્ષના વ્હાણા વહી ચુક્યા પણ એને એનો અણસાર સુધ્ધા ગુરૂજીએ આવવા દીધો નહોતો. કદાચ એ પણ પૂનમની જેમ ધ્રુવની આબાદ દુનિયા બરબાદ થાય એમ ઇચ્છતા નહોતા. પણ હવે અમરનું ભાવિ આમ જ અહીં આ અનાથાલયમાં પસાર થઈ જાય એ ય ઇચ્છતા નહોતા.

પગ નીચેથી ધરતી ખસતી હોય એમ લાગતું હતું. વાત્સલ્યધામની ઓફિસમાં બેઠેલા ધ્રુવને જમીન માર્ગ આપે તો સમાઇ જવાની પ્રબળ ઇચ્છા થતી હતી. હતપ્રભ ધ્રુવને પોતાની દુનિયા ખળભળતી દેખાઇ. ભાર્ગવીના વિશ્વાસગઢના કાંગરા ખરતા દેખાયા.

“જે જીવો એ દિવા જેવુ ઉજળુ હોવું જોઇએ. માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ ભૂલ સ્વીકારવાની માણસમાં હામ હોવી જોઇએ. ધ્રુવ, ક્યારેક મારા કે તારા જીવનમાં એવું કશુંક બની જાય કે જેની કલ્પના સુધ્ધા ન કરી હોય તો ય હું કે તું એકબીજાથી કશું જ ગોપનિય નહી રાખીએ….. ભાર્ગવીએ કહ્યુ હતુ ને?

પણ ધ્રુવે ક્યાં કશું જ ગોપનિય રાખ્યું હતું? એને જ ક્યાં કશી ખબર હતી? પણ હા ! એ સાંજની વાતનો ઉલ્લેખ એણે ભાર્ગવી પાસે નહોતો કર્યો એ ય એક હકિકત હતી.

સામે અખિલેશજી પાંચ વર્ષના અમરને લઈને ઉભા હતા. પોતાની નખશીખ પ્રતિકૃતિને ધ્રુવ જોઇ રહ્યો. ધ્રુવ સીમલા છોડીને જઈ રહ્યો હતો ત્યારે નાનપણથી જ એની સફળતાની ગાથા ગાતા ફોટાઓ ગુરૂજીએ ધ્રુવને સોંપ્યા હતા. આજે એ ફોટામાંનો ધ્રુવ જાણે નજર સામે ઉભો હતો.

સ્તબ્ધ ધ્રુવ અને અમરને મુકીને અખિલેશજી ઓફિસની બહાર નિકળી ગયા. અહીંયા કોઇને વધુ સવાલો કરવાનો કે લાંબીચોડી વાતચીત કરવાનો શિરસ્તો જ નહોતો.

હવે? પોતાની સામે ટગર ટગર નિહાળી રહેલા અમર સામે પણ સીધી નજરે એ જોઇ શકવાને શક્તિમાન નહોતો.  નજર સામે આ અનાથાલયમાં વિતી ગયેલો ભૂતકાળ , ભાર્ગવી સાથેના વર્તમાનના દિવસો અને લગ્નજીવનના હચમચી ગયેલા પાયાનું ભવિષ્ય એકમેકમાં ભળીને તાંડવ રચતા હતા.

“મારે તમારી સાથે આવવાનું છે ને? તમે મને લેવા આવ્યા છો ને? દાદા મને કહેતા હતા કે એક દિવસ હું મારા ઘેર જઈશ. મારું ઘર ક્યાં છે? બહુ દૂર છે? નાનકડા અમરના સવાલો પણ જાણે બધિર મન સુધી પહોંચ્યા વગર જ  કાનેથી અફળાઇને પાછા ફરતા હતા.

અમરના સવાલો અને ભાર્ગવીના કથન… એ કશું જ જુદુ તારવી શકતો નહોતો. ભાર્ગવીએ એને એના સ્વચ્છ આયના જેવા ભૂતકાળ સાથે સ્વીકાર્યો હતો અને હવે આ? શું કહેશે એ ભાર્ગવીને ? કયા મોઢે એ સામનો કરી શકશે એ ભાર્ગવીનો?

અમરનો ય શું વાંક હતો?

ગુરૂજી કહેતા હતા ને કે “ અહીંયા આવનાર બાળકનો પોતાનો તો કોઇ વાંક હોતો જ નથી. વાંક હોય છે એમની કિસ્મનો કે જે કિસ્મત એમને અહીંયા પહોંચાડે છે નહીંતર કોઇના ઘરનો કુળદિપક કે કોઇના ઘરની લક્ષ્મી આમ અહીંયા તરછોડાયેલી અવસ્થામાં ઉછરતા હોય? વળી કોઇ એવા નસીબના બળિયા ય હોય છે જેમના નસીબમાં ફરી એકવાર પોતાનું કહી શકાય એવું ઘર અને એ ઘરના મોભી મા-બાપ લખાયેલા હોય. ધ્રુવ તને હું એટલું તો જરૂર કહીશ કે ક્યારેક જો કોઇ સતકર્મની ભાવના મનમાં જાગે તો આવા કોઇ બદનસીબનું નસીબ સુધારજે.” હજુ તો ગુરૂજીની વાત પુરી થઈ એ સાથે ભાર્ગવીનો અવાજ સંભળાયો.

“માણસ જન્મે એ પહેલા એનો પિંડ બંધાતો હોય ત્યારે જ એનું ભાવિ નિશ્ચિત થઈ જતુ હશે ને? એ ભાવિ પર માણસનો પોતાનો અખ્ત્યાર ક્યાં હોય છે કે તારો હોય? પણ હા! કોઇ ઘટના એવી હોય કે જેના માટે તું નિમિત્ત બન્યો હોય તો એ ભલે ને એ સારી હોય કે નરસી એની જવાબદારી તારી કહેવાય. એમાં ક્યારેય તું ઉણો ના ઉતરતો પ્લીઝ.”

“હે ભગવાન! કેટ-કેટલા અવાજો ઉઠતા હતા. અમર, ગુરૂજી ,ભાર્ગવી જાણે સૌ એક સમટા જ ધ્રુવ સાથે સંવાદ રચી રહ્યા હતા અને આ સામે આંખમાં આશાની કિરણ સાથે ઉભેલો અમર..

એક ક્ષણમાં ધ્રુવે નિર્ણય કરી લીધો ફરી એક નિર્દોષ જીવને એ આ વાત્સલ્યધામમાં અનાથ ઉછરતો છોડીને નહીં જાય બલ્કે એને પોતાનું નામ આપશે.

****

ડીંગ ડોગ ડીંગ ડોંગ….ઉપરા ઉપરી બેલ રણકતો સાંભળીને ભાર્ગવી એ દોડતા આવીને બારણું ખોલ્યુ.

સામે ગારમાટી જેવો દેખાતો ધ્રુવ અને એનો હાથ પકડીને ઉભેલો અમર…

ધ્રુવે દિલ્હી આવતા પહેલા ભાર્ગવીને ફોન કરીને બધી જ વાત કરી હતી. સામો છેડો સ્તબ્ધ હતો.

“હું એક વાર ઘરના ઉંબરે આવીને ઉભો તો રહીશ જ. માફ કરવો કે સજા દેવી એ તારા હાથમાં છે. એક પણ શબ્દ બોલ્યા વગર તને જે મંજૂર હશે એ સ્વીકારી લઈશ.” એ ય ધ્રુવે ફોન પર કહ્યું હતું.

ભાર્ગવીએ ધ્રુવનો હાથ છોડાવીને અમરને ઉંચકી લીધો.. “ધ્રુવ, તારા ઘરમાં આવવા માટે તને આમંત્રણ કે આવકારની જરૂર છે?”

 

”મારી  બા ” (રાજુલ કૌશિક)

(રાજુલબહેનથી આંગણાંના મહેમાનો પરિચિત છે, એટલે અહીં ફરીથી એમનો પરિચય ન આપતાં એટલું જ કહીશ કે એમની લાગણીભીની એક વધારે વાર્તા તમને ગમશે.)

”મારી  બા ”

“હેપ્પી બર્થડૅ- દાદીબા”

મારે તને શું કહેવાનું? થેન્ક્યુ ને? હું તને થેન્ક્યુ કહુ છું –બેટા

આટલી વાત કરતા -કરતામાં તો ૭૮ વર્ષના દાદીબાના મોં પર અપાર આનંદ અપાર વાત્સલ્યના ભાવો આવી ગયા. અને ના કેમ આવે ? પરણીને સાત વર્ષથી  અમેરીકા ચાલી ગયેલી  મિલીનો ફોન હતો. મિલી એટલે સુલભાબા અને બાબુભાઇની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન .અને પછીતો મિલી સાથેનો દાદીબાનો વાર્તાલાપ લંબાતો ગયો.મનમાં ભરી રાખેલી કઇ કેટલીય વાતો મિલી સાથે ચાલ્યા કરી . નિરાંતે વાતો કરી રહેલા સુલભાબાને જોઇને છેવટે બાબુભાઇથી મીઠી ટકોર કર્યા વગર ના જ રહેવાયું.

“ભારે વટ છે ને ઠાઠ છે તારો તો? ક્યાંથી ને ક્યાંથી તો તારી પર ફોન્ આવે છે ને?”

“તે તમારો ય ક્યાં ઓછો વટ કે ઠાઠ છે? તમારી વર્ષગાંઠ હતી તો કોણે બાકી રાખ્યું તું? સવાર થી તો રાત સુધી કોના ફોનોની વણઝાર ચાલી?” -સુલભાબા પણ કંઇ બાકી રાખે તેવા ક્યાં હતા?

અને વાતે ય કયાં ખોટી હતી? જીંદગીના કંઇ કેટલાય વર્ષ સુધી પોતાની વર્ષગાઠ ક્યારેય યાદ ના કરતા બાબુભાઈ અને સુલભાબા ને આજે પરદેશ વસતા પૌત્ર-પૌત્રીઓ  યાદ કરીને આ દિવસોએ અચૂક ફોન કરી લેતા અને કુટુંબ વત્સલ દાદાજી અને  દાદીબા માટે તો આ જ  સૌથી મોટી સોગાત હતી. વર્ષો સુધી ભર્યા  ઘરમાં સંતાનો અને એમના ય સંતાનો સાથે રહ્યા પછી આજે તો બાબુભાઇ અને સુલભાબાને એમનો માળો ખાલીખમ લાગતો હતો. ભણવા ગયા અને પરણીને લંડન, અમેરીકા અગર તો ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલા પૌત્ર પૌત્રીના અવારનવાર રણકતા ફોનોથી સુના માળામાં કલરવ લાગતો.

અને વર્ષગાંઠનું કોઇ ખાસ મહત્વ ના માનતા દાદીબાને તો એ નિમિત્તે દિકરા-દિકરીઓ જોડે વાત કરવાનો આનંદ જ વિશેષ રહેતો. આ આનંદ સુલભાબા બાબુભાઇ પાસે વ્યક્ત કર્યા વગર ક્યાં રહી શકે તેમ હતા?  અને એટલે તો પછી ચાલ્યો એમનો મિલી સાથેની વાતોનો અસ્ખલિત અહેવાલ  પણ એમની  વાતો ને  એકીટકે સાંભળી રહેલા બાબુભાઇનું મન તો લગભગ ૭ દાયકા વળોટીને પાછળ પેલી નાનકડી એ  સાંકડી શેરીમાં પહોંચી ગયુ હતુ એની સુલભાબાને કયાં ખબર હતી ?

આછી પાતળી દલાલીની આવક પર નભતા બાપા-બા અને બાબુભાઇ સહિત ૯ સંતાનો-એમ ૧૧ જણનો પરિવાર , ત્રણ સાંધતા તેર તુટે એવી પરિસ્થિતિ .તિવ્ર મેઘા ધરાવતા બાબુભાઇ છાત્રાલયમાં રહીને ભણતા પણ મહિનો થાય એટલે ફી ના પૈસા લેવા ઘેર આવવું પડતુ.રોકડા રુપિયા ૬ ની ફી માં અઢી રુપિયા  નાતમાં થી મળતા . બે રુપિયા બાપાની માર્કીટમાંથી મળતા અને તોય દોઢ રુપિયો તો ખૂટતો  પણ આ દોઢ રુપિયો બા ગમે ત્યાંથી વ્યવસ્થા  કરીને  ભેગો  કરી રાખશે એની બાબુને ખાતરી રહેતી .

પણ આટલેથી ક્યાં અટકવાનું હતું?  ઘરમાં બાકીના ભાઇ-બહેનનો પણ વસ્તાર તો ઉભો રહેતો ને? બા કેમ  કરીને ઘર ચલાવતી એની ઝાઝી ખબર બાબુ કે એમના એકે નાના ભાઇ બહેન ક્યાંથી હોય? વળી દુકાળમાં અધિક માસની જેમ બાપા માંદગીમાં પટકાયા .જે આછી પાતળી આવક હતી તેની તો વાત બાજુમાં રહી અને બાપાની દવાનો સૌથી વિકટ પ્રશ્ન ઉભો થયો . માંદગી  પાછી  મોટી અને ચાલી  ય લાંબી ..બા તો ઘર ચલાવે કે દવા કરે? બાપાની દવાના પૈસા ક્યાંથી આવતા ? અનાજ કે શાક પાંદડુ  ઘરમાં ક્યાથી આવતુ? અરે દવાની સાથે દુધની વ્યવસ્થા કેવી રીતે  થતી એની બા સિવાય કોઇને ક્યાં ખબર હતી? હા ઘરમાં બહેનો   સુતરની આંટીઓના પિલ્લા વીંટીંને કે સ્વેટર ગુંથીને બાને ટેકો કરતી પણ  આભ ફાટ્યું હોય ત્યાં  થીગડુ કેવુ અને કેટલું ટકે?

પણ ધીમે-ધીમે સૌથી મોટા બાબુને આ બધી સમજણ પડવા માંડી .ઘરમાંથી એક પછી એક દાગીનો ઓછો થતો ગયો -જુના તાંબા -પિત્તળના મોટા વાસણો ઓછા થતા ગયા એમ બાબુની સમજણ વધતી ગઇ.અને એ સમજણના લીધે તો છેવટે ૧૫ વર્ષનો બાબુ વિદ્યાર્થી મટીને ઘરનો વડિલ બની ગયો. ભણતર છોડીને ભરણ-પોષણની વેતરણ કરવા માંડી.  જ્યાં જે કામ મળે તે કરીને બાને  ઘરમાં કેમ કરીને ટેકારુપ થવાય એની વ્યવસ્થા શોધવા માંડી.

‘’ઘરરર ઘંટી -બાજરો કે બંટી.’’ — શું ઓરાયું તે તો બા જાણે કે બાબુ, પણ ઘર ચલાવાના ઘર ટકાવાના સમજણપૂર્વકના સહિયારા પ્રયત્નો આજ-કાલ કરતાં દસ વર્ષ સુધી ચાલ્યા. બાપાની માંદગીનો દસ વર્ષનો કપરો કાળ બાએ કેમ કરીને કાઢ્યો એનો રજે-રજનો હિસાબ  રજે-રજનો ચિતાર બાબુભાઈના મનમાં આજે પણ અકબંધ કોતારાયેલો  છે. એક તો બાપા અને બા વચ્ચે સાત વર્ષનો ફરક એટલે બાની ઉંમર પણ નાની. આ નાની ઉંમરમાં એક પછી એક ૯ સંતાનોનો જન્મ અને જન્મ પછીની પલેવણોમાં જ બા ની તો જિંદગી પસાર થઈ રહી હતી .એમાં ય બાપાની રાજરોગ સમી માંદગીમાં બાકીની જીંદગીના બાના વર્ષો નિચોવાતા ગયા.

નાની ઉંમરે બા અને ઘરને ટેકારુપ બનેલા બાબુભઈ બાપાને ટેકો આપીને ઠેઠ આણંદ દવા કરાવવા લઈ જતા. કેમ? તો એક તો ડોકટર સારા અને પાછી  સારવાર પણ મફત કયાંથી એક રુપિયો મળશે કે ક્યાંથી એક રુપિયો બચશે એની પાછળ મગજ અને જાત ઘસી નાખવાની તો જાણે બા અને બાબુભાઇની આદત બની ગઈ હતી .આટ-આટલી તકલીફોમાં પણ  બાની સ્વસ્થતા અને બીજા બાળકો સુધી એનો ઓછાયો પણ બને ત્યાં સુધી ના પહોચે એની બાની તકેદારી એ તો બાબુભાઇને પરિસ્થિતિ સામે લડવાનું બળ આપ્યું. એની સામે બાપામાં  જીંદગી સામે લડવાનું -ઝઝુમવાનું બળ ખુટવા માંડ્યુ. ખુટતી જતી જીંદગીમાં બાપાને રહી રહી ને એક લાલસા રહ્યા કરતી .બાબુભાઈને પરણાવવાની. ૨૫ વર્ષની ઉંમરે પહોચેલા બાબુભાઈના એ કડકાઈના દિવસોમાં કન્યા તો સામે ચાલીને કોણ આપવાનું હતું? એટલે બાબુભાઈએ એ કામ પણ જાતે ઉકેલી લીધુ. વેવિશાળ કરીને બાના હાથમાં શુકનનો સવા  રુપિયો રોકડો મુક્યો.

અને વેવિશાળના એ શુકનવંતાએ રુપિયાએ તો જાણે બાબુભાઈનું તકદીર બદલી નાખ્યું. સુલભાબેનના પગલા એ તો જાણે એ ઘરના બારણે સુખ-શાંતિના દસ્તક દીધા. ૧૨૫ રુપિયાની નોકરીમાંથી  ૧૦૦૦ રુપિયાની નોકરી? આજથી સિત્તેર વર્ષ  પહેલા ૧ હજાર રુપિયા એટલે એક હજાર સપના પુરા કરાય એવો ખજાનો. એને આ એક થી  માડીને હજારે સપનામાં બાને સુખી જોવાની બાબુભાઈની મરજીમાં સુલભાબેન નો પણ  સાથ ભળ્યો.

૨૫ વર્ષની ઉંમરે દિકરાનો શરુ થતો સંસાર જોઇને બાપાને પહેલીવાર જીવને ટાઢક વળતી લાગી. ઘરમાં તાજા સુખના નાના નાના કિરણો જોઇને બાપાએ સુલભાને ઉષા કહીને બોલાવતા પણ એ ઉષાના કિરણો ઘરમાં વધુ સુખના ઓજસ પાથરે એ પહેલાં બાપાએ જીવનલીલા  સંકેલી  લીધી .

પણ ત્યારપછી આવનાર  પ્રત્યેક દિવસમાં બાનુ જીવન  ખુબ  સુખમય વિતે એ જ બાબુભાઈનો જીવનધર્મ  બની ગયો, બાબુભઈ, સુલભાબા અને એમના સંતાનો  અને બાની ચોથી પેઢી એટલે કે આ મિલી. સુખના દિવસોનું સરવૈયુ  પણ બાબુભાઈના મગજમાં કોતરાયેલુ અકબંધ છે ..મિલી નામ પાડવાનો ય આગ્રહ પણ  બાનો  જ ” ભઈ મારી  જીભે ચઢે એવું નામ રાખજો પાછા “

બાની વ્હાલસોઇ કાળજી .બાબુભાઇ-સુલભાની મમતામાં મિલી એક વર્ષની  થવા આવી .

પણ ત્યારપછીની ઘટના ખુબ ઝડપથી બની. બાની માંદગી અને કેન્સરનું નિદાન અને મોટા ઓપરેશન .સમયે જાણે બધાના હાથ હેઠા પાડી દીધા, આટલા વર્ષોના બાબુભાઇના સંબંધોના લીધે  શ્રેષ્ઠ ડોક્ટરોની સારવાર અને એનાથી  વધીને બાબુભાઈના પરિવારની બા પ્રત્યેની સતત પ્રેમભરી સુશ્રુષા ,છતાંય બામાં જીદગીના શ્વાસ ખુટતા ચાલ્યા. જે સમતાથી  બા એ દસ વર્ષ  બાપાની  ચાકરી  કરી એ જ સમતાભાવે બા એ આ દસ મહિનાની માંદગીની વેદના પણ ભોગવી. બાની શારિરિક વેદનાએ બાબુભાઈની માનસિક વેદના બની જતી. બાની સાથે પળેપળ ૧૬ વર્ષની ઉંમરથી  માંડી ૫૬ વર્ષ સુધી બાબુભાઈ ટેકો બનીને ચાલ્યા હતા પણ  કે દિવસે બા એ દેહ છોડ્યો તે પળે બાબુભાઈને થયું કે એમનો -એમના પરિવારનો ખરો ટેકો તો બા હતા.

આજે  આટલા વર્ષે જ્યારે સુલભાબા મિલી ની દિકરી રિયા એટલેકે બાબુભાઇની  ચોથી પેઢીના પ્રથમ સંતાનની વાતોમાં પરોવાયેલા હતા ત્યારે બાબુભાઈના મનનાં મણકા તો ક્યાંય બાના વિચારોમાં પરોવાયેલા હતા અને ત્યારે  જ તો એમને  થયું કે બા ની આટલી નજીક હોવા છતાંય બાની વર્ષગાંઠ તો ક્યારે હતી એની ક્યાં કોઈને ખબર હતી?

પણ છતાંય બાની દરેક યાદ એમના માટે બા ની સ્મરણગાંઠથી કમ નહોતી .ડ્રોઇગરુમ્માં બાના  વિશાળ ફોટા સામે જોઈને બાબુભાઇથી મનોમન બોલાઇ ગયુ “બા મેં તો ક્યારેય તને હેપ્પી બર્થ ડે કહ્યું નહી”

બા નો  મલકતો કરચલીવાળો ફોટો જાણે બાબુભાઇને મલકીને કહી રહ્યો હતો ” તે મેં ય તને ક્યારે ય થેન્ક્યુ કહ્યુ છે ભઈ “

(સત્યઘટના પરથી આધારિત)

 

પ્રતિક્ષા (રાજુલ શાહ)

પ્રતિક્ષા

 “આજ તક ઐસી શર્મ મૈ ને કભી નહી મહેસુસ કી, મૈ યહાં ઇસ જગહ પુરે તીસ સાલસે હું. પર કઇં દિનો સે મુઝે લગતા હૈ કિ ચુલ્લુ ભર પાનીમેં ડુબ જાઉ”

સામે ઉભેલો પુરા પાંચ ફુટ અગિયાર ઇંચ ઉંચાઇ, પહોળા ખભા, પાતળી કમર લાલ બુંદી જેવો ચહેરો  ધરાવતો પંજાબી જાટ સતપાલ સલુજા પાણીથી ય પાતળો થઈને વાત કરતો હતો.

Continue reading પ્રતિક્ષા (રાજુલ શાહ)

પ્યાર બાંટતે ચલો (રાજૂલ કૌશિક)

(બહેન રાજૂલ કૌશિક શાહ એક કટાર લેખિકા છે. ચલચિત્રો અને બીજા મનોરંજનના કાર્યક્ર્મોના સમીક્ષક રાજુલ બહેન એક નિષ્ણાત ભાષાંતરકાર પણ છે. હીન્દી, અંગ્રેજી અને ગુજરાતી આ ત્રણે ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ છે. પ્રુફ રીડીંગનું કામ પણ કરે છે. આજે એમનો માનવીય સંવેદનાને સ્પર્ષતો એક લેખ રજૂ કરૂં છું.)

પ્યાર બાંટતે ચલો

વાત છે -વિશ્વના મહાન સંગીકાર અને વાયોલિન વાદક પેગાની ની.

લંડનમાં તે દિવસની કડકડતી ઠંડીમા એક વૃધ્ધ અંધજન નાના સ્ટૂલ પર બેસીને વાયોલિન વગાડી આવતા-જતા લોકો કંઇક મદદ કરશે તેવી આશાએ બેસી રહ્યા હતા. અતિશય ઠંડીના લીધે તેમની આંગળીઓ ભૂરી પડી ગઇ હતી, શરીર ધ્રુજતુ હતું.લોકો ત્યાંથી પસાર થતા એને જોતા હતા ખરા પરંતુ કોઇ એક પૈસો પરખતું નહોતું. આવા સમયે એક સજ્જને આવીને પૂછ્યુ , “કેમ આજે નસીબ સાથ આપતું નથી?  વાંધો નહીં હવે મારો વારો”  આટલું કહી પેલા અંધજન પાસેથી વાયોલિન લઇ પોતે વગાડવા માંડયુ. જૂના પુરાણા વાયોલિનમાં જાણે પ્રાણ પૂરાયા. અલૌકિક સંગીતની સુરાવલીએ આવતા-જતા લોકો પર જાદુઇ અસર કરી. સંગીત અટકયું,પેલા સજ્જને પોતાની હેટ ઉતારી ટોળામાં ફેરવી. ટુંક સમયમાં તો ખાસ્સા એવા સિક્કા ભેગા થઇ ગયા.

Continue reading પ્યાર બાંટતે ચલો (રાજૂલ કૌશિક)