Category Archives: લલિતકળા

વિશિષ્ટપૂર્તિઃ ફોટોગ્રાફ સાથેના પ્રસંગો – શ્રી.જ્યોતિ ભટ્ટ

ફોટોગ્રાફ સાથેનો પ્રસંગ…શ્રી.જ્યોતિ ભટ્ટ
1955માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમી સ્થપાઈ તે જ વર્ષથી ત્યાં રાષ્ટ્રીય ધોરણે કલા-પ્રદર્શન પણ યોજાવા લાગ્યું. થોડાં વર્ષ પછી અકાદમીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિ-વાર્ષિકી કલા-પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. એ સંદર્ભે 1974 દરમિયાન ભારતીય વિભાગ માટે કલાકૃતિઓ પસંદ કરવાની જવાબદારી ત્રણ કલાકારોને સોંપાઈ. મારો પણ તે કમિટીમાં સમાવેશ કરાયેલ. પસંદગી માટે ભારતમાં વિવિધ સ્થળોએ ફરવાનું બન્યું હતું.
jy.Bh.docx

West Bengal, 1974

શાંતિનિકેતન જવા માટે હું અને સમિતિના બીજા સદસ્ય વિખ્યાત મૂર્તિકાર શ્રી ધનરાજ ભગત કોલકાતાના હાવડા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અમારી ટ્રેંનની રાહ જોતા ઉભા હતા. મારી પાસે કેમેરા હતો તેથી હું પ્લેટફોર્મ પર લટાર મારવા લાગ્યો, અચાનક મારી નજર પ્લેટફોર્મ પર બેઠેલા પાંચ લોકોના સમૂહ પર પડી. તેમાં નાના બાળકો અને તેમના માતા-પિતા જેવી દેખાતી બે વ્યક્તિઓ પણ હતી. તેમના ચહેરાના ભાવ એટલા તો સ્પર્શી ગયા કે મેં તરત જ તેમની છબી લઈ લીધી.

1978 દરમિયાન જર્મનીમાં દર બે વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ‘ફોટોકિના’ (Photokina) યોજાવાનું હતું. તે વર્ષે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનનું ત્રીસમું વર્ષ પણ હતું. તેથી ‘ફોટોકિના’ના એક નાનકડા ભાગ તરીકે એક છબીસ્પર્ધા પણ યોજાયેલી. વડોદરાના ઘણા છબીકારો આ પ્રકારના પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે અને સારી એવી સંખ્યામાં પુરસ્કારો પણ મેળવ્યા છે. ‘ફોટોકિના’માં આયોજાયેલ સ્પર્ધા માટે ‘Work and Leisure’ – વિષય આપવામાં આવેલ.

વડોદરાનો એક યુવાન છબીકાર એ સ્પર્ધામાં ભાગ લેવા ઉસ્તુક હતો. તેથી પોતાની છબીઓ મને દેખાડવા મારા ઘરે આવેલો. તેણે મને ‘ફોટોકિના’ના પ્રદર્શન અંગે વાત કરી ત્યારે ‘ફોટોકિના’ એ શું છે તે હું બિલકુલ જાણતો ન હતો, પરંતુ તે છબીકાર પ્રદર્શન અંગેની માહિતી આપતું પરિપત્ર (બ્રૉસ્યોર) સાથે લાવેલો. પરિપત્ર વાંચીને મને પ્રદર્શન અંગે થોડી માહિતી મળી. જે મેં તેને સમજાવવા પ્રયત્ન કર્યો. કામ કરવાનું તેમજ આરામ કરવાનો એ માનવીનો મૂળભૂત અધિકાર છે. તે દેખાડતી છબીઓ પ્રદર્શન માટે મંગાવેલી. આ વિષય અંગે શબ્દોથી તેને હું સમજાવી શક્યો નહિ તેથી મારી થોડી છબીઓ તેને દેખાડી તે સમૂહમાં કોલકાતાના હાવડા સ્ટેશન પર લીધેલી છબી પણ હતી. એમાં બેઠેલા લોકો આરામ કરતા હોય તેવું તો જરાય ન હતું. પરંતુ કામધંધા વિના બેકારીના ભોગ બન્યા હોય તેવું લાગતું હતું. મને થયું કે આ છબી ‘ફોટોકિના’ પ્રદર્શનમાં મોકલી શકાય કેમકે કામ  (work) જે માનવીનો પાયાનો અધિકાર છે તેનાથી મારી છબીમાં દેખાતા લોકો વંચિત રહ્યા હતા.

મારી સમજ બહુ અસ્પષ્ટ તો હતી જ પરંતુ નકારાત્મક સ્વરૂપ તેનાથી અવળા હકારાત્મક સ્વરૂપનો પણ ખ્યાલ આપે તેવું કંઈક મારા મનમાં ત્યારે લાગેલું. જેમ કે, એક પ્યાલામાં અર્ધે સુધી પાણી ભર્યું હોય તો તે બાબતને અર્ધો ભરેલો કે અર્ધો ખાલી એમ બંને રીતે વ્યક્ત કરી શકાય.

પેલા યુવાન છબીકારને તેની છબીઓમાંથી થોડી છબીઓ પસંદ કરવામાં મેં મદદ કરી. આથી તેણે કહ્યું કે, પોતાની છબીઓ સાથે તે મારી છબીઓ પણ મોકલી આપશે આમ, અનાયાસે ‘ફોટોકિના’ માટે મારી છબી મોકલવાનું બન્યું. ત્યાર પછી એક દિવસ અચાનક ટપાલમાં પત્ર મળ્યો કે મારી પૂર્વોક્ત છબીને ‘ફોટોકિના’ પ્રદર્શનમાં પ્રથમ દસ સમાંતર પુરસ્કારોમાં સ્થાન અપાયું છે. અને તે પુરસ્કાર લેવા માટે જર્મની આવવા જવાનો વિમાન ખર્ચ તથા ત્રણેક દિવસ સ્થાનિક પરોણાગત પણ ‘ફોટોકિના’ દ્વારા કરાશે.

1978માં જર્મની બે વિભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની તેથી પશ્ચિમ જર્મનીની રાજધાની ‘કોલોન’ હતી. ત્યાં ગયા પછી જ મને જાણવા મળ્યું કે, ત્યાં ‘ફોટોકિના’ એ ફોટોગ્રાફી તથા સિનેમા ક્ષેત્રે વપરાતા દરેક પ્રકારના સર-સાધનો બનાવતી ઔદ્યોગિક કંપનીઓ તથા વિક્રેતાઓ માટેનો ઇન્ડસ્ટ્રીયલ ફેર (ઔદ્યોગિક મેળો) છે. આ તકનો લાભ લઈને ત્યારે જર્મની તથા આજુબાજુના દેશોમાં ફરીને ઘણાં બધાં આર્ટ મ્યૂઝીયમો પણ જોઈ શકાયાં.

પદ્મશ્રી. જ્યોતિ ભટ્ટ.

ઈમેઈલ: jotu72@gmail.com

ચિત્રકળા-૮ (પી. કે. દાવડા)-ઓઈલપેઈન્ટના ચિત્રો

ઓઈલપેઈન્ટના ચિત્રો

ઓઈલ પેઈન્ટના ચિત્રો માટે કેનવાસ, લાકડું, કાગળ વગેરે અનેક પ્રકારના ફલક વાપરી શકાય. સૌથી વધારે ઉપયોગ કેનવાસ અને લાકડાના બોર્ડનો થાય છે. બન્ને જાતના ફલક ઉપર ચિત્રકામ કરતાં પહેલાં એની ઉપર ખાસ પ્રકારનું રંગ વગરનું પ્રાઈમર લગાડવામાં આવે છે, જેથી ફલક રંગોને ચૂસી લે, અને ફલક ઉપર રંગોને સારી રીતે ચોંટવામાં મદદ કરે છે તે ઉપરાંત મોસમની માર અને રંગોમાં રહેલા એસીડ સામે રક્ષણ આપે છે. કાગળને ઓઈલ પેન્ટના ચિત્રો માટે ઓછી પસંદગી અપાય છે.

પ્રકારનું કામ શીખનાર માટે ફલક ઉપર ઝાંખી પેન્સીલથી એના મનમાં બેઠેલા ચિત્રની રૂપરેખા દોરી લેવી હિતાવહ છે. વધારે અનુભવી કલાકારો તો સીધું પીંછીથી દોરવાનું શરૂ કરી દે છે.

ઓઈલ પેઈન્ટના ચિત્રોમાં રંગોના એકની ઉપર બીજા પડ ચઢાવવામાં આવે છે. પહેલા પડમાં આછા અને પાતળા રંગો વાપરવામાં આવે છે. પછીના પ્રત્યેક પડમાં રંગ ગાઢા અને ઘેરા થતા જાય છે. ઓઈલ પેઈન્ટના ચિત્રો ખૂબ ધીરજ પૂર્વક કરવા પડે છે. એક પડ સંપૂર્ણ પણે સૂકાઈ જાય ત્યાં સુધી એના ઉપર બીજો પડ ચઢાવવામાં આવતો નથી. કેટલીકવાર તો સુકાવાનો સમય દસ દિવસ જેટલો લાગી જાય છે. ચિત્રને ખુબ સાફ જગ્યાએ રાખવામાં આવે છે કે જેથી એના ઉપર હવામાના રજકણ ચોંટી જાય.

ચિત્ર તૈયાર થઈ જાય પછી સંરક્ષણ માટે એની ઉપર વાર્નીસનું કોટીંગ કરવામાં આવે છે.

ઓઈલ પેઈન્ટથી લેન્ડ સ્કેપ, સ્ટીલ લાઈક, પોર્ટ્રેઈટ, એબસ્ટ્રેકટ, નેચર વગેરેનું ચિત્રાંકન કરવામાં આવે છે. ખૂબ સમય અને શ્રમ માગી લેતા હોવાથી ઓઈલ પેઈન્ટ ચિત્રો મોંઘા હોય છે.

વિશ્વના સૌથી વધારે પ્રખ્યાત ચિત્રો ઓઈલપેઈન્ટના માધ્યમથી જ બનેલા છે. કેટલાક ચિત્રો તો ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાના છે. આજે એ ચિત્રોની કીમત મૂકવી શક્ય નથી. અહીં થોડા અતિ વિખ્યાત ચિત્રો, તો થોડા ઓછા જાણીતા ચિત્રો મૂક્યા છે.

મોનાલીસા

કદાચ આ ચિત્ર વિશ્વનું સૌથી વિખ્યાત અને સૌથી મોંઘું ઓઈલપેઈન્ટનું ચિત્ર છે. આ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોરાયલું છે. આ તૈલચિત્ર પોપ્લર વુડ પેનલ પર દોર્યું છે. મોનાલીસાના ચહેરા પર જે હાસ્ય દેખાય છે, એ હાસ્ય જ બહુ પ્રખ્યાત છે. ચિત્રની સાઈઝ ૨’ ૬” X ૧’ ૯” છે. લુવ્રે મ્યુઝીયમમાં તેના પર બુલેટપ્રૂફ કાચ જડી દેવામાં આવ્યો છે, અને તેની આગળ લાકડાનો કઠેડો બનાવ્યો છે. મુલાકાતીઓએ કઠેડા આગળ ઉભા રહીને જ ચિત્ર જોવાનું.

નાઈટ વોચ

એમસ્ટરડેમમાં આવેલ ‘ધ રિસ્ક’ મ્યુઝિયમમાં મૂકેલું અતિ વિખ્યાત પેઈન્ટિંગ ‘ધ નાઈટ વૉચ’ ૧૬૪૨માં ૩૬૩ સેન્ટિમીટર x ૪૩૭ સેન્ટિમીટરના કેનવાસ ઉપર પેઈન્ટ કરેલા  રેમબ્રાન્ડના આ ચિત્ર માટે અદ્ભુત શબ્દ ઓછો પડે એમ છે. એક ચિત્રકાર પડછાયા અને પ્રકાશનો ઉપયોગ કરીને એનું ચિત્ર કેટલું જીવંત બનાવે છે એનું ઉદાહરણ રેમબ્રાન્ડનું ‘ધ નાઈટ વૉચ’ પૂરું પાડે છે.

એબસ્ટ્રેક આર્ટનો આ નમૂનો સામાન્ય લોકો માટે સમજ્વો મુશ્કેલ છે. ફક્ત ખૂબ જ અનુભવી ચિત્રકાર અને કલાનિરીક્ષકો સમજી શકે. અહીં મેં માત્ર એબસ્ટ્રેકટ આર્ટના નમૂના તરીકે આ ચિત્ર રજૂ કર્યું છે.

સ્ટીલ લાઈફ ચિત્રના આ નમૂનામાં સિલ્વરની ચમક અને ટમેટાના પ્રતિબિંબ દેખાડવામાં કલાકારની ખૂબી દર્શાવવા માટે આ ચિત્ર મૂક્યું છે.

લેન્ડસ્કેપ કેટેગરીનું આ ચિત્ર, એના રંગો અને પ્રતિબિંબ કેટલા આકર્ષક છે એ દર્શાવવા મૂક્યું છે.

પ્રાણીઓના ચિત્રમાં એમના મુખભાવ અને લાગણી દર્શાવતું ચિત્ર, ઓઈલપેઈન્ટ ચિત્રકળાનો એક ઉતકૃષ્ટ નમૂનો છે.

(આવતા બુધવારે ઉપસંહાર સાથે આ શ્રેણી સમાપ્ત કરીશ.)

 

 

કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૧

૧૯૬૭ માં કાર્તિકભાઈ કલાના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં આવ્યા. ચિત્રકલા અને સંગીતના ક્ષેત્રમાં એમણે ત્રણ માસ્ટર્સની ડીગ્રીઓ મેળવી. ચાલીસથી વધારે વર્ષ સુધી સખત મહેનત કરી ચિત્રકલામાં અને પિયાનો વાદનમાં નામના મેળવી.

અમેરિકાના જુદા જુદા શહેરોમાં એમના ચિત્રોના પ્રદર્શનો ગોઠવી, એમણે પ્રસિધ્ધી મેળવી. અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધારે સુંદર ચિત્રો એમણે પ્રદર્શિત કર્યા, જેમાનાં ૭૦૦ થી વધારે ચિત્રો કલારસિકોએ ખરીદી લીધા.

એમણે અમેરિકા અને ફ્રાંસના પ્રમુખોને તથા બ્રિટનની મહારાણીને પોતાના ચિત્રો ભેટ કર્યા, જેમનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. ઈન્દીરા ગાંધીને પણ એમણે ચિત્રો ભેટમાં આપેલા.

હું એમને ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ માં કેલિફોર્નિયાના Bay Area માં રૂબરૂ મળ્યો, અને એમના ચિત્રો વિષે એમની સાથે થોડી વાતચીત કરેલી. એમણે ચિત્રકલાના અનેક માધ્યમો ઉપર કામ કર્યું છે, પણ એમના મોટાભાગના ચિત્રો કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટ, કે કાગળ ઉપર એક્રીલીક અને વોટર કલરના છે. એમણે નાની અને મોટી બન્ને સાઈઝના ચિત્રો તૈયાર કર્યા છે, અને ચિત્રકળાના અલગ અલગ પ્રકાર ઉપર કામ કર્યું છે.

ખોડિદાસ પરમારની જેમ કૃષ્ણ કાર્તિકભાઈનો પ્રિય વિષય છે. કૃષ્ણના જીવન ઉપર આધારિત ચિત્રોમાંથી વાંસળી સાંભળતી ગોપીઓનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. ચિત્રમાં કૃષ્ણની તલ્લીનતા અને મંત્રમુગ્ધ થઈ સાંભળતી ગોપીઓના મુખભાવમાં ચિત્રકારની કલાનું ઊંડાણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પાત્રોના વસ્ત્રો અને અલંકારોમાં જે બારીકી દેખાય છે, એ ચિત્રકારની મહેનતની પરાકાષ્ટાનો પરિચય આપે છે.

રાધા અને કૃષ્ણનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. વાંસળી વગાડવામાં તલ્લીન કૃષ્ણનું મુખ રાધા તરફ નથી, એવી જ રીતે રાધા પણ વાંસળીના સુરમાં ખોવાઈ જઈને કૃષ્ણ તરફ જોતી નથી. બન્ને એકમેકની નીકટતા વાંસળીના સુરમાં માણે છે. આ ચિત્રમાં પણ રાધા અને કૃષ્ણના વસ્ત્રો ચિતરવામાં વપરાયલી ચીવટ અને મહેનત અદભૂત છે. પાત્રોની રેખાઓ સ્પષ્ટ અને જોરદાર છે, રાધા અને કૃષ્ણની આંખોમાં દેખાતી તલ્લીનતા ઉડીને આંખે વળગે છે.

૨૦” X ૨૦” ના આ એક્રીલીક રંગોવાળા ચિત્રમાં વાંસળી વગાડતા કમલનયન કૃષ્ણને રાધા કમળનું ફૂલ અર્પણ કરે છે. આ ચિત્રમાં એક સાથે અનેક સંકેત દેખાય છે. પૂર્ણીમાની રાત છે, કૃષ્ણના મસ્તકની આસપાસ દૈવી આભાનું વર્તુળ છે, અનેક વૃક્ષો અને Back Ground માં પાણીનો રંગ કદાચ યમુના કિનારાનો નિર્દેશ કરે છે. કૃષ્ણના સુંદર વસ્ત્રોની આસપાસ રાધાની ચુંદડી, રાધા-કૃષ્ણની એકાત્મતા દર્શાવે છે. વૃક્ષ અને વસ્ત્રોમાં કરેલું સુક્ષ્મ કામ અથાગ ચીવટ અને મહેનત માંગી લે છે.