આપજે એકાદ એવું બારણું
હર ઘડી પળ રાહ જોતું બારણું
તોરણો બાંધ્યા ને પૂર્યા સાથિયા
જિંદગીભર તોય સૂનું બારણું
વાગતા ભણકાર પગલાંના અને
ભીતરે છાનું રડેલું બારણું
વાત અંગત લાગણીની માંડવા
પળ-વિપળ માટે અઢેલું બારણું?
ક્યાંક હું ખૂલી ગયો હળવેકથી
ક્યાંક કાયમ બંધ મારું બારણું
લાગણીને આગળો માર્યો હતો
તે છતાં એ છટપટ્યું’તું બારણું
અંધકારે જે વસાયું રાતભર
પામવા અજવાસ ઉઘડ્યું બારણું
દીવડો જો તું બને મુજ ટોડલે
થઈ જશે ઝળહળતું મારું બારણું
– વિજય સેવક
ઘરની સલામતી બારણા-દરવાજાને કારણે છે. હજાર સ્ક્વેર ફીટનું ઘર હોય પણ સાડા છ ફીટ બાય ત્રણ ફીટનું બારણું એક સધિયારો આપે છે. ઘર બંધ કરીને જઈએ ત્યારે ગેસનું બટન બંધ કરવાનું કદાચ ભૂલી જવાય, પણ બારણું બરાબર લોક થયું છે કે નહીં તે બે વાર ચકાસી લઈએ. ચકાસવું જ પડે એવો જમાનો પણ છે. વેકેશનમાં બહારગામ ગયા હોઈએ ને પાછા ફરી જોઈએ તો ચોરો ઘરમાં હાથ કી સફાઈ કરી ગયા હોય. અરે રજાની વાત જવા દો, મુંબઈમાં તો એવા કિસ્સા બને છે કે ત્રણ-ચાર કલાક બહાર ગયા હો તો પણ ઘરમાં પડેલા જોખમનું અચ્યુતમ કેશવમ થઈ ગયું હોય. દાગીના અને રોકડ જોખમ માટે બેન્કનું લોકર સારું. બીજો એક આડફાયદો એ કે આપણે દુનિયાને જણાવી શકીએ કે જુઓ અમે કેટલી સાદાઈથી જીવીએ છીએ.
વાત બારણાની કરવી છે. સાંજે ઓફિસેથી પાછા ફરીએ ત્યારે બારણું આપણી રાહ જોતું હોય. પંખી સાંજે પાછું ફરે એની રાહ માળો જોતો હોય એમ જ. ઘરમાં અવસર આવે ત્યારે બારણું ઝૂમી ઉઠે. એના પર આસોપાલવનું તોરણ કે ફૂલોનો હાર બંધાય તો લાગે નક્કી જતેદહાડે આનું રૂપાંતર ઝાડમાં થઈ જવાનું. એક કુમાશ ઉમેરાય છે જડત્વમાં.
બારણાએ પોતે જડ રહેવું જરૂરી છે કારણકે એણે સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવવાની છે. ઉંબરા પર સાથિયા પુરાય ત્યારે એમ લાગે કે બારણાની પાનીમાં ઉમંગોની પવિત્ર મહેંદી પૂરાઈ રહી છે. દીકરીના લગ્નપ્રસંગે સજધજ થયેલું બારણું એને વળાવી એકાકી થઈ જાય. અચાનક એની તિરાડમાંથી એક સંબંધ સરીને બીજે ઘર જતો રહે. હર્ષનો પ્રસંગ હોય કે શોકનો પ્રસંગ હોય, વિદાય પછીનું ઘર વસમું જ લાગે. ઘર ભાંગી ન પડે એટલે બારણાએ તટસ્થ રહેવું પડે.
ઘણી વાર બારણાને અઢેલીને પાડોશી સાથે આપણે સુખદુઃખની વાતો કરી લઈએ છીએ, પણ બારણું કોને અઢેલે? હવા સિવાય કોઈ એની પાસે હોતું નથી. એના ઉઘાડબંધ થવા સાથે કેટલીક વાતો વસાઈ જાય છે અને કેટલીક વાતો ખુલે છે.
વિદેશ વસેલા માલિક માટે ઝૂરતું બારણું રાહ જોતું રહે છે. કસરત ન કરીએ તો શરીર કટાઈ જય એમ જ વપરાશ વગરનું બારણું ધીરે ધીરે નાના બાળક જેવું જિદ્દી બનતું જાય. ઘણી વાર એવું રિસાઈ જય કે માલિક પરદેશથી આવે ત્યારે ગુસ્સામાં ઉઘડે જ નહિ. એકાંત બધાને ગમે, પણ એકલતા કોઈને ગમતી નથી. કોઈ વાત કરવાવાળું ન હોય તો ભીતરે તોફાન સર્જાતા વાર નથી લાગતી.
આપણે પાડોશીને ઘરે અમસ્તા થોડી વાર માટે ગયા હોઈએ તો બારણાને તાળું નથી મારતા. આગળો મારીએ તો ચાલે. ધારો કે ઘરમાં કોઈ નાનું બાળક હોય તો થોડી વાર થાય એટલે બારણું ઝટ આવી જવાનું રિમાઈન્ડર મોકલે. એ પોતે બોલાવવા ન આવી શકે એટલે બાળકનું રડવું મોકલી પોતાની ફરજ બજાવે.
ફ્લેટ સિસ્ટમમાં મોટાભાગે બારણું બંધ રાખવાનો વણલખ્યો રિવાજ હોય છે. રાતે તો બંધ હોય જ, પણ દિવસે ય કામ પૂરતું જ ઉઘડે. સલામતીના પ્રશ્નો હોય એટલે મુખ્ય દરવાજાને કંપની આપવા સેફટી ડોર હોય. આ બંને દોસ્તની જેમ એકબીજા સાથે હળીમળીને રહે. જવાબદારી વહેંચી લે.
પહેલાના સમયમાં બારણાની બાજુમાં ટોડલાનો રિવાજ હતો. દિવાળીમાં તથા શુભ પ્રસંગે એના પર દીવો મુકાય એટલે આંગણું રોશન રોશન થઈ જાય. હવે તો પગલુછણીયાની બાજુમાં જ દીવો મુકવાના સમાધાન કરવા પડે છે. ખેર, ફરિયાદ કરવા કરતા બારણે બેએક ટકોરા હળવેકથી મારીને ક્રોસ ચેક કરીએ કે આપણી ભીતર કોઈ જીવે છે કે નહિ!!
***