Category Archives: લેખ

મળ્યા વગરનો મેળો : એષા દાદાવાળા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

પ્રયોગ 

એક દિવસ ડાયરીમાં સાચવી રાખેલું 
વર્ષો પહેલાનું સુકાઈ ગયેલું ગુલાબ કાઢી 
એને એક 
ખાલી કુંડામાં ફરી વાવી જોયું.
બે-ચાર દિવસ પાણી પાયું 
પ્રમાણસરનો તડકો પણ આપ્યો 
શક્ય એટલી બધી જ કાળજી લીધી 
પણ ન તો એ ગુલાબ ફરી પાછું તાજું થયું 
ન તો કોઈ નવી કૂંપળ ફૂટી 
બસ,
એ દિવસથી તારા પાછા ફરવાની આશા 
મેં છોડી દીધી !!

એષા દાદાવાળા 

સુરતમાં રહેતી આ પત્રકાર-કવયિત્રી ગુજરાતી કાવ્યસાહિત્યનું, સવા દાયકાથી ઊભરી ચૂકેલું, ગુજરાત ગૌરવ સન્માનથી પુરસ્કૃત “એષાસ્પદ” નામ છે. પ્રસ્તુત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ ‘જન્મારો’માંથી લીધું છે.

અહીં  વાત પ્રયોગની છે, જે સાવ જુદો છે. શાળામાં આપણને વિજ્ઞાનના વિષયમાં પ્રયોગો ભણવાના આવતા. ચંબુમાંથી કસનળીમાં રસાયણ રેડી એમાં અમુકતમુક પદાર્થ નાખો. દ્રાવણને સરખું હલાવો અને 20  મિનિટ રાખી મુકો…. આ રીતે બધી કાર્યવાહી ચાલતી.

જિંદગીના પ્રયોગમાં વાત થોડી જુદી બને. પહેલા તો બે જણ વચ્ચે રસાયણ સર્જી શકાય એટલો સંબંધ વિકસ્યો છે કે નહિ તે જોવાનું હોય. યોગ થયા પહેલા પ્રયોગ કરી લેવો પડે. આ પ્રયોગમાં સફળતા ન મળી હોય ત્યારે મહેબુબ કે મહેબુબા બની મહોબતને બદલે માયુસી પધારી હોય. યાદ આવે છે પેલું ‘મેરે મહેબુબ’ ફિલ્મનું ગીત જેમાં રાજેન્દ્રકુમાર અને સાધના વચ્ચે પડી ગયેલા પુસ્તકો ઉપાડતો  નજરોનો ખેલો રચાય છે. નજરો મળે પછીની પ્રોસેસ હૈયા મળે તેની હોય છે. હૈયા મળે પછી વડીલોની અનુમતિ લેવી પડે છે. આમ વિવિધ તબકકામાંથી પ્રેમ પસાર થાય છે. ક્યારેક એકાદ તબક્કે અટકી જવાય તો જિંદગીના સમીકરણ બદલાઈ જાય.

ડાયરીમાં મુકાયેલી ગુલાબની પાંદડીમાં ઘણા સ્મરણો સચવાઈને  બેઠા હોય છે. ડાયરીમાં ગજબની તાકાત છે. કબાટમાં એક ખૂણે પડી પડી પણ પોતાનું અસ્તિત્વ નોંધાવે.  ડાયરી એ ક્ષણોને સાચવીને બેસે છે જે કદાચ  હવામાં ઓસરી ગઈ હોત. એને દસ્તાવેજ સાચવવામાં રસ નથી, એને આંખોનો ભેજ સાચવવામાં રસ છે. પાનાનો રંગ તો વરસો જતા બદલાવાનો જ. એમાં ધબકતો પ્રેમ સમયની પરીક્ષા આપતો રહેવાનો.  એક સમયે વિશ્વાસ હોય કે સંબંધમાં દેખાતી ગુલાબની લાલી કદી ઝાંખી નહિ પડે. હાંસિયામાં સચવાયેલી ઈચ્છાઓ હાંસિયાની બહાર નહિ મુકાય. બધું પાર પડી જશે એવી શ્રધ્ધા હોય. આવું કશું ન થાય ત્યારે સ્મરણોના ખાતામાં ઘણું બધું જમા થાય, પણ જિંદગીને ઉઝરડાની ભેટ મળે.  

મનગમતી વ્યક્તિ ન મળે ત્યારે ઝુરાપો કબજો લઇ લે. જે કામ થઇ ન શક્યું એનો અફ્સોસ તો ટાંકણીની માફક ભોંકાતો રહેવાનો. સાવ લગોલગ રહેતું પાત્ર અલગ થઇ ગયું હોય ત્યારે ઇનામમાં પીડા સિવાય કશું મળતું નથી. વિસરાયેલા સંબંધને ફરી જીવંત કરવાનું કામ કપરું છે. પ્રયાસ કરીએ તો પણ એ કેટલો ફળીભૂત થશે એની આશંકા વર્તાતી રહે. એક શેર યાદ આવે છે.

સંબંધ તોડ્યા પછી પસ્તાવો કરવાનો નથી કોઈ અર્થ
ફરી જોડો તમે ને તોય સાંધો આંખમાં રહેશે

સવાલ એ છે કે ફરી પાછો તાર સંધાય એના પ્રયાસો કરવા ગુનો છે? નથી. માનસિક તૈયારી એ રાખવાની છે કે આ પ્રયાસો નિરર્થક નીવડે તો શ્વાસોને ટૂંપો ન દઈ દેવાય. પ્રેમ સર્વોપરી છે એમાં કોઈ બેમત નથી, પણ જિંદગી છે તો પ્રેમ છે. દેહ છે તો સાયુજ્ય છે. પ્રસ્તુત કાવ્યના સમર્થનમાં એષાનું જ ‘મૂર્ખામી’ કાવ્ય વાંચવા જેવું છે.

એક દિવસ એ મારી પાસે આવેલો 
અને માંગેલું થોડું વહાલ 
એણે  કહેલું:
મુઠ્ઠી ભરેલા વહાલને 
કૂંડામાં રોપીશું
તો વહાલનું એક આખું વટવૃક્ષ ઊગી નીકળશે.
અને હુંય મૂરખી 
તે એક મુઠ્ઠી વહાલ આપી
આખાય વટવૃક્ષની રાહ જોતી 
હજીય ઊભી છું 
એ જ રસ્તાની ધાર પર !!

***

જેવી દૃષ્ટિ, એવી સૃષ્ટિ ~ કવિ સુરેશ દલાલ : આસ્વાદ હિતેન આનંદપરા

નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ
કદીક હોઠ પર ગીત હોય ને કદીક રમે છે છંદ

બારી ખુલ્લી, દરવાજા ખુલ્લા
        ખુલ્લું છે આકાશ,
ધરા-ગગનનો મળે ક્ષિતિજે
        કોઈ અવનવો પ્રાસ.
હાશ! મને છે અહો એટલીઃ હું નહીં મારામાં બંધ
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ

જ્યાં જાઉં ને જોઉં ત્યાં તો
        મળે શુભ ને લાભ,
સરવરજળમાં અહો! અવતરે
        મેઘધનુષી આભ.
એક એક આ વૃક્ષને મળતો પવનનો પ્હોળો સ્કંધ.
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ

– સુરેશ દલાલ

કવિ સુરેશ દલાલની સમગ્ર કવિતાનો સંપુટ ‘કાવ્યવૃષ્ટિ’ 2014માં પ્રગટ થયેલો. 3 ભાગ, 50 કાવ્યસંગ્રહ, 2028 પાનાં, 3652 કાવ્યો ધરાવતા આ દળદાર સંપુટમાંથી એક કવિતાની ઝરમર માણીએ. જિંદગીભર જેમણે સેંકડો કવિઓના કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે એ કવિના કલામને આસ્વાદની તક મળે એ પણ એક ગમતો ઋણાનુબંધ છે.

કવિએ આપણી માનસિકતાને આબાદ ઝીલી છે. માણસની લાલસાને કોઈ થોભ નથી હોતો. ભૂખ અને તરસની કક્ષાએ એ આવી ગઈ છે. સંતોષવી જ પડે, છીપાવવી જ પડે. લાલસા માણસનો જન્મજાત ગુણ છે. બાળપણમાં રમકડા, લખોટી, ટિકિટ વગેરે ભેગા કરવાની નિર્દોષ લાલસા આજીવન માફ છે. એમાં સમજ નથી હોતી, એમાં આનંદ હોય છે. ભણીગણીને ઠરીઠામ થવાની દોડ શરૂ થાય ત્યાંથી લાલચટાક લાલસા અંતિમ શ્વાસ સુધી લંબાય છે. જે અલગારી છે એ લોકો અધવચ્ચે અટકી જવામાં માને છે. જે સ્વર્ગમાં પણ પોતાની પિગી બૅન્ક લઈ જવાની અભિપ્સા રાખે છે તેની કડાકૂટ ચાલુ જ રહે છે.

આપણને બધું જ મળે એ જરૂરી નથી. જે જરૂરી છે એ પણ મોટા ભાગના લોકોને નથી મળતું. એક વર્ગ એવો છે જે ઉપર આભ ને નીચે ધરતીની મૂડીના સહારે જીવતો હોય છે. ના ઘર હોય, ના અવસર હોય. લાખો લોકો ઝુંપડપટ્ટીઓમાં જિંદગી વ્યતિત કરે છે. ઘણી વાર વિચાર થાય કે વિધાતાએ પણ કેવી રચના કરી છે! એકની એક સ્થિતિમાં કોઈ માણસની આખી જિંદગી વીતી જાય. જાણે પૃથ્વી પર સજા કાપવા આવ્યો હોય એ રીતે શ્વાસો ખૂટે.

પૈસા અને ફ્લેટ આ બે એવા આકર્ષણો છે જે દરેકની જિંદગીમાં સુપરસ્ટારનું સ્ટેટસ ભોગવે છે. વન રુમ કિચનને ઝંખના હોય વન બીએચકેમાં જવાની. વનવાળો ટુ બીએચકે, ટુવાળો થ્રી બીએચકે… એમ ઝંખના વિસ્તરતી જાય. 3000 સ્કવેર ફીટના ઘરમાં રાત્રે 2800 સ્કેવર ફીટ તો ખાલી જ પડ્યા હોય, છતાં રમણા હોય વિસ્તરવાની. જે છે એનો આનંદ માણવાને બદલે, જે વધારાનું છે એને નભાવવામાં જિંદગી ખર્ચાતી જાય.

સંતોષ નામનું સ્પીડબ્રેકર દરેકે જાતે જ બનાવવાનું હોય. પરસેવો સીંચીને બધું ઊભું કર્યું હોય ને ભોગવવા જ ન મળે એ નિષ્ફળ વેપાર ગણાય. મારુતિમાંથી હોન્ડા સિટી ને હોન્ડા સિટીમાંથી મર્સિડિઝના વિચારો કર્યા કરતી જિંદગી જે છે એનેય ઉજવી નથી શકતી. ઈશ્વરે દરેકને જાતજાતના દુઃખની સાથે ખપ પૂરતું સુખ આપ્યું છે, પણ ખપ પૂરતો સંતોષ કેળવવાનું કામ આપણા પર જ છોડ્યું છે.

હકારાત્મક અભિગમ ધરાવતી આંખો ઉપર ચશ્મા ભલે હોય, પણ એ દૂરનું જોઈ શકે છે. ઈશ્વરે આપણને સૃષ્ટિ જાણવા ને માણવા મોકલ્યા છે. જે નથી એનો વસવસો કરવામાં, જે છે એનો આનંદ અળપાઈ જાય છે. હાયહાયમાં હોશ ભૂલાઈ જાય અને હોંશિયારીમાં હાશ ગુમાઈ જાય. કમળાવાળી આંખો લઈને ફરતા આપણે કૌતુક ગુમાવી બેઠા છીએ. જેને સમજાય એ દિવાના ગણાશે, નહીં સમજાય એ સમજદાર. બોલો, તમારે લાંબું વિચારવું છે કે ઊંચું વિચારવું છે?  
***

વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા

કોયલ શોધે છે કાગડાનો માળો,
હોમલોન માટે નહીં મૂકે ડિમાન્ડ
નહીં ઊઘરાવે ઝાડ પાસે ફાળો Continue reading વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા

આભાર માનું છું ~ હિતેન આનંદપરા

ભારતભરમાં લૉકડાઉન અમલમાં આવ્યાને દસ દિવસ થવા આવ્યા. રોજ સવારે ઊઠીને ચા સાથે અખબાર પીવાની ટેવ ધરાવતી આંખો એક પ્રકારનો જુદાગરો વેઠી રહી છે. જે અખબારોની પીડીએફ વાંચવા મળે છે એના કારણે અસ્પૃશ્ય આંખોને થોડી રાહત મળે. માત્ર દેશ નહીં, જગત આખું કોરોનાની કડકાઈથી કંપિત, વિસ્મિત અને ભયભીત છે. આજે વાત કરવી છે જનતા કરફ્યુને દિવસે કરવામાં આવેલા સામૂહિક થેંક્સ ગિવિંગની.

૨૨ માર્ચે સાંજે પાંચ વાગ્યે ઘરના દરવાજે, બારી પાસે કે બાલ્કનીમાં ઊભા રહી કોરાના સામે લડત લડતા સ્વાસ્થ્ય-સેનાનીઓ, સ્વચ્છતાકર્મીઓ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને છડેચોક થેંક્સ કહેવામાં આવ્યું. તાળી, થાળી અને ઘરવાળી સાથે થયેલું આ સહિયારું આભારદર્શન ભલે પહેલી નજરે મુખર લાગે, પણ એમાં નાની વાત મોટા સ્વરૂપે સમાયેલી હતી. કસોટીની આ ઘડીમાં કાર્યરત વિવિધ કર્મઠોને સ્મરીને ભરત વિંઝુડાનો આ શેર પાઠવીએ.      

ઠીક છે બીજું બધું પણ તારી જે રચના કરી
હું પ્રભુનો માનું છું આભાર તારા કારણે

કોરાના સામે લડતા લોકોને સેનાનીઓ સાથે સરખાવીને તેમનું ગૌરવ સરકારે વધાર્યું છે. તેમણે બજાવેલી ફરજને ઍકનોલેજ કરી જનતાએ  કર્મશીલતાને બિરદાવી છે. ચીનનું વુહાન કોરોના-જનક તરીકે જગતમાં કુખ્યાત થઈ ગયું. ચીનના અન્ય પ્રદેશોમાંથી ચાલીસ હજારથી વધારે મેડિકલ સ્ટાફ વુહાનમાં તૈનાત કરવામાં આવ્યો હતો. સ્થિતિ ધીરે ધીરે નિયંત્રણમાં આવતા સ્ટાફને પોતપોતાના પ્રદેશમાં  પાછા મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. મેડિકલ સ્ટાફ દોઢ મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી દરદીઓની સેવા કરતો રહ્યો. વુહાનની વિવશતા કવિ વિવશ પરમારના શેરમાં આભાર સાથે વ્યક્ત થાય છે…

આપનો આભાર કે આવ્યા અહીં
આપની હર વાત ખમવાના અમે

કેટલા લોકોએ ખમી ખાધું હશે એની કલ્પના પણ ધ્રુજાવી દે. અર્થતંત્રને તો ફટકો પડે જ, પણ સંવેદનતંત્ર ઉપર પણ મણમણના ઘા ઝીંકાય. માસ્કથી ચહેરો ઢાંકી શકાય પણ આંખોની વેદના ડોકાયા વિના રહેતી નથી. વુહાનમાં ફરજ બજાવતી એક નર્સ બે વર્ષની છોકરીની મા પણ હતી. દીકરીને પોતાની મમ્મીને સોંપી પોતાની ફરજ બજાવવા આવી હતી. આ બધા સેવાકર્મીઓનું વુહાનની જનતાએ હાથ હલાવી અભિવાદન કર્યું. પોલીસે તેમને ઍસ્કોર્ટ કર્યા. મેડિકલ સ્ટાફ ચીનના નિંગશિયા પ્રદેશનો હતો. તેમને ‘થેંક યુ નિંગશિયા’ કહીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મનસુખ લશ્કરી આ ભાવ સુપેરે આલેખે છે…

ઠીક છું જ્યાં જેમ છું, જે છું, નમું આભારમાં
ઉરથી આનંદ આ સ્ફુરેલ હોવો જોઈએ

આપણને ખ્યાલ છે કે આ આનંદની ઘડી નથી, સાવચેતીની ઘડી છે. બેએક દિવસમાં આંકડાઓનો ફેર એવો મોટો થઈ શકે કે બાજી હાથથી જાય. કમ્પ્યુટરનો વાઈરસ હોય તો ઈથિકલ હૅકરની મદદથી એનો તોડ નીકળી શકે, પણ નવા પ્રકારના વિષાણુઓ એવા જોરુકા છે કે જલદીથી નમે નહીં. સંશોધકો એનો ઉપાય ખોજવામાં લાગેલા છે. રાતદિવસ મચી પડીને સત્વરે એની રસી કે દવા શોધવામાં વ્યસ્ત છે. આ બધા લેબોરેટરીમાં કામ કરતા સૈનિકો છે. આપણને તો એમના નામ પણ ખબર પડવાના નથી. ફક્ત એટલો અંદાજ આવે કે એક આખું ક્ષેત્ર એ માટે મચી પડેલું છે. પારુલ ખખ્ખરનો શેર હૃદયના એક શાંત ખૂણામાંથી પ્રગટે છે… 

ઉપકાર અદાથી કરતા રહ્યા કે બસ
આભાર ના મનાયો પણ ધન્યતા રહી

મહારાષ્ટ્રમાં એક તહેવાર મનાવવામાં આવે છે પોલા. આ તહેવારમાં ખેડૂતો બળદની પૂજા કરીને આભાર વ્યક્ત કરે છે. આખા વર્ષ દરમ્યાન ખેતીમાં તનતોડ મહેનત કરનાર બળદોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ‘બેલ પોલા’ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ મહિનાની અમાસનાં દિવસે બળદોની પૂજા થાય. આ જ રીતે ભોઈ અને કુંભાર સમુદાયના લોકો ગધેડાઓનો આભાર માનવા આ દિવસે તેમની પૂજા કરે છે. પ્રાણીઓ પણ આપણા જીવનનો અંતરંગ હિસ્સો છે. આપણી થાળીમાં પીરસાતું અન્ન કયા બળદે કરેલી ખેડનો પરિપાક હશે એની આપણને ખબર નથી. મરીઝસાહેબનો શેર છે…

તારા વચનનો કેટલો આભાર માનીએ
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં

રાજકોટમાં રહેતા કટારના વાચક, ચાહક અને મિત્ર વિજય ગજ્જર દર વર્ષે અનેક મિત્રોસ્વજનોને ઓર્ગેનિક ગોળ મોકલીને પોતાનો ગળચટ્ટો પ્રેમ વિસ્તારે છે. ઓટોમોબાઈલના પાર્ટ્સનું ઉત્પાદન કરતાં તેમના ઉદ્યોગ સાહસિક મિત્ર વિનુભાઈ વેકરિયાની ફેક્ટરીમાં અમલમાં મૂકાયેલી બે વાત પ્રેરણાદાયક છે. રોજ સવારે કામકાજની શરૂઆત રાષ્ટ્રગાનથી થાય.  એથી એક વેંત આગળ હૃદયસ્પર્શી વાત. કર્મચારીઓને ખાસ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન કાર્ય ચાલતું હોય ત્યારે પ્રાર્થના કરી સારા ભાવોનું આરોપણ ઓટોમોબાઈલના પાર્ટ્સમાં કરવું. જે પણ ગાડીમાં પાર્ટ ફીટ થવાનો હોય એને ક્યારેય અકસ્માત નડે એવી સદભાવના વિચાર સાથે જોડાયેલી છે. આપણે મશીનોનો પણ આભાર માનવો જોઈએ ને એના પૂર્જાઓનો પણ, જેની ઉર્જા આપણી જિંદગીને સરળ ને સુગમ બનાવે છે.  રિષભ મહેતાની વાત સાથે હકારાત્મક, વિચારાત્મક અને આભારાત્મક અભિગમ કેળવીએ.

આકાશ રૂપે આપનો પાલવ મળી ગયો
આંસુ અમારા તારલા થઈ ટમટમી ગયા

જ્યારે લોકો થથરી રહ્યા હોય એવા સંજોગોમાં પોતાની ફરજ બજાવનાર રાષ્ટ્રકર્મીઓનું થેંક્સ ગિવિંગ થવું જોઈએ.

આભાર તુજ જુદાઈનો કે એને આશરે
જીવનના સૌ અભાવના દુઃખો શમી ગયા

ક્યા બાત હૈ

કોરોનાસૂર વધ  

ડોક્ટર થઈને હરિ અવતર્યા
નર્સ રૂપે મા અંબા
કોરોનાસૂરનો વધ કરવા
રણે ચડ્યા જગદંબા 

સેનેટાઇઝર, માસ્ક ઉગામી
ધસ્યા અસૂરની સામે
હસ્તે જીવનરક્ષક આયુધ
લઈ ઉતર્યા સંગ્રામે
જાણે વ્હેતી ધવલ વસ્ત્રમાં
માનવતાની ગંગા

આઇસોલેટેડ વોર્ડ
વોર્ડમાં સાવ અટૂલી ચીસ
એને નવજીવન અર્પે
તે જનની ને જગદીશ
જીવન જીતે જંગ
બધાના ફરકી ઉઠે તિરંગા.

– કૃષ્ણ દવે    

(લેખ સૌજન્ય : ગુજરાતી મિડ-ડે)

અંતીમ પડાવના આઠ વર્ષ (પી. કે. દાવડા)

 

જીવનના ૭૬ વરસ કદીયે ન ઊંઘતા મુંબઈ શહેરમાં ગાળ્યા પછી, ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૨ ના જીવનનો અંતીમ પડાવ ગાળવા, અમેરિકા સ્થિત સંતાનો સાથે કાયમ માટે રહેવા આવી ગયો. આજે એને આઠ વર્ષ પૂરા થયા. Continue reading અંતીમ પડાવના આઠ વર્ષ (પી. કે. દાવડા)

શતં જીવંમ શરદમ…( પી. કે. દાવડા)

જીવનના ૭૬ મા વરસે હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. છેલ્લા આઠ વરસમાં મને અમેરિકામાં ઘણાં બધા નવા મિત્રો મળ્યા. મોટા ભાગના મિત્રો ૭૦+ છે, અને ઘણાં મિત્રો ૮૦+ છે. અહીં એક વાત મારા ધ્યાનમાં આવી. અહીંની ઇનસ્યુરન્સ કંપનીઓ અને અહીંના દાકતરો તમને સહેલાઈથી મરવા નહીં દે. તમને જીવતા રાખવા માટે એ સતત કાર્યશીલ રહેશે, કારણ કે આમ કરવું એમન હીતમાં છે. એમની એ રોજી–રોટી છે. વૃધ્ધ લોકો પાસેથી એમને જેટલું કમાવાનું મળે છે એટલું તંદુરસ્ત યુવાનો પાસેથી મળતું નથી. Continue reading શતં જીવંમ શરદમ…( પી. કે. દાવડા)

ગિરમીટિયા (પી. કે. દાવડા)

બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીજીએ પોતાને ‘પહેલા ગિરમીટિયા’ તરીકે ગણાવ્યા હતા. ગિરમીટિયા એટલે વેઠિયા મજદૂર, લગભગ અર્ધા ગુલામ જેવા. ૧૮૭૯માં અંગ્રેજોએ એક ઠેકા વ્યવસ્થામાં હિંદુસ્તાનના મજુરોને ફિજીનાં ખેત-બગીચાઓમાં કામ કરવા માટે લઈ જવામાં આવતા હતા. આ વ્યવસ્થામાં મજરોના જે ‘એગ્રિમેન્ટ’ પર એમના અંગૂઠા લેવામાં આવતા તે ‘એગ્રિમેન્ટ’ને આ અભણ મજૂરો ‘ગિરમીટ’ કહેતા.(એગ્રીમેંટનું અપભ્રંશ). ૧૯૧૬ માં જ્યારે ફીઝીમાં ઠેકા ઉપાર મજૂરો રોકવાની પ્રથાનો અંત આવ્યો ત્યાં સુધીમાં ૬૦,૯૬૫ મજૂરો હિન્દુસ્તાનથી લઈ જવામાં આવેલા. આમાં સ્ત્રી, પુરૂષ અને બાળકો હતા. Continue reading ગિરમીટિયા (પી. કે. દાવડા)

નર્મદ અને સુધારાયુગ (સંકલન – પી. કે. દાવડા)

ગુજરાતમાં અંગ્રેજી શાશનતંત્ર સ્થાપિત થયું ત્યાર બાદ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સમાજ સુધારની પ્રવ્રુતિનો આરંભ થઈ ગયો હતો. સુધારાના મુખ્ય સુત્રધારોમાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, દલપતરામ અને મહિપતરામ હતા. બધામાંથી નર્મદનું નામ આગળ પડતું છે. Continue reading નર્મદ અને સુધારાયુગ (સંકલન – પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારત, હિંદુ ધર્મના આ બે મહાન ગ્રંથોની તુલના કરવી એક રીતે યોગ્ય નથી. આ બન્ને ગ્રંથો અલગ અલગ યુગમાં અને અલગ અલગ સંદર્ભમાં લખાયલા છે. રામાયણ દ્વાપર યુગમાં અને મહાભારત ત્રેતા યુગમાં રચાયલા છે. Continue reading રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

ટૂંકી વાર્તા અને લઘુકથા (સંકલન – ચીમન પટેલ ’ચમન’)

ટૂંકી વાર્તા અને લઘુકથા બંનેને જીવન સાથે સરખી નિસબત છે. ટૂંકી વાર્તાના સર્જક પાસે મોકળૂં મેદાન છે. લઘુકથાની રચનારીતિ આથી ઊલટી પ્રક્રિયામાં ચાલે છે, વિવિધ પ્રસંગો યોજીને ઘટનાઓનું ગુંફન કરવા માટે એની પાસે મોકળું મેદાન નથી. લઘુકથાના સર્જકે એક જ ઘટનાના આધારે સર્જાયેલા સિચ્યુએશન ઉપર સઘળો આધાર રાખીને ભાવકને વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મૂકવાનો હોય છે, એટલું જ નહીં; એણે ક્યારેક આવશ્યક ઘટનાઓને પણ પડદા પાછળ રાખીને કૃતિની રચના કરવી પડે છે. Continue reading ટૂંકી વાર્તા અને લઘુકથા (સંકલન – ચીમન પટેલ ’ચમન’)