Category Archives: વલીભાઈ મુશા

હરિયો અને જીવલો (વલીભાઈ મુસા)

 

શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું ખોરડું હતું. ખોરડાના કટલા પાસે ગોઠવેલી ઈંટોનો નાનો ઓટલો હતો. ઓટલા ઉપર ખોરડાની દિવાલને અઢેલીને મૂકેલી સિમેન્ટની શીટ હતી. તેના ઉપર ઢંગધડા વગરના અક્ષરોએ કોલસાથી લખેલી નોટિસ હતી : ‘દલિયા અને નરસંગડા સિવાય કોઈએ રજા વગર દાખલ થવું નહિ. કૂતરાથી ચેતવું. લિખિતંગ હરિયો.’

નોટિસમાંનું લિખિતંગ વાંચીને હું મલકી પડ્યો. પેલા બે જણ ‘હરિયા’ના ખાસ માણસો હોઈ શકે. છતાંય તેઓ ત્રાહિત તો ગણાય જ અને તેમને તોછડા નામે ઓળખાવવામાં આવે તે તો થોડીક ગળે ઊતરે તેવી વાત હતી. પરંતુ સિગ્નેચર નેઇમ હરિયો ? હરિભાઈ નહિ, હરિદાસ નહિ, હરિચરણ નહિ, હરિસિંહ નહિ; અને ‘હરિયો’ ! અહો, વૈચિત્રિયમ્ !

આસોપાલવના થડને અઢેલીને ઊભો કરેલો ઢોલિયો ઢાળીને હું બેઠો. મળસકાના પ્રકાશમાં દૂરદૂર સુધી નજર નાખી. રવિપાકની કામકાજની સિઝન હતી. કોઈ માણસ દેખાતું ન હતું. હોઈ શકે કે ઘઉંરાઈ કાપણીયોગ્ય થયાં હોઈ પિયત બંધ કર્યું હોય. વળી ડીઝલ એન્જિનનું ખર્ચ વધારે આવે એટલે બિનજરૂરી પાણી પાય પણ નહિ ને ! ખોરડાના બારણા આગળની છૂટા પથ્થરોની હાર પ્રતિબંધિત વિસ્તારની સરહદ હોય તેવું લાગ્યું. એ સરહદના બહારના ભાગને અડીને એક દેશી કૂતરું બેઠેલું હતું, જેને કેળવેલું હોય તેવું લાગ્યું. આગળના બંને પગ ઉપર જડબું ટેકવીને બેઠેલું એ મારી સામે જોઈ રહ્યું હતું. હું અજાણ્યો હોવા છતાં એ ભસ્યું પણ ન હતું. સરહદ ઓળંગનારને જ ભસવું અથવા બચકું ભરવું તેવી તેને કદાચ તાલીમ અપાઈ હશે !

વહેલી સવારે મારી બાઈક ઉપર હું અહીં આવ્યો હતો. ઠંડા પવનના કારણે શરદી લાગી ગયાનો મને અહેસાસ થતો હતો. એ અહેસાસને નક્કર સાબિત કરતી મને ઉપરાઉપરી ચારપાંચ છીકો આવી અને ખોરડામાંથી અવાજ આવ્યો, ‘કોણ છે, લ્યા ?’

‘હું તમારા ઈલેક્ટ્રીક મોટરના નવા કનેક્શન માટેનો ટેસ્ટ રિપોર્ટ ભરવા આવ્યો છું.’

’હંઅ, વીજળિયા સાહેબ છો?’

’ના, હું વીજળી ખાતાનો માણસ નથી; ખાનગી માણસ છું, ટેસ્ટ રિપોર્ટની એજન્સીનો માણસ.’

’જે હો તે, બેસો. થોડીવારમાં ઓરડીની ચાવી લઈને દલિયો આવશે, મારો સેક્રેટરી; મારા ખેતસાથીનો છોકરો. નરસંગડાને થોડુંક મોડું થશે. તે વહેલી સવારે બાજુના ગામે હજામત કરાવવા અને અસ્ત્રાને ધાર કઢાવવા ગયો છે.’

‘અસ્ત્રાને ધાર કઢાવવા?’

‘હા, એ મારું દાઢું છોલશે ને ! મારા ઢીંચણે વાની તકલીફ છે અને મારા બેટા ગામના ઘાંયજા અહીં વગડે આવતા નથી. નરસંગડાએ પણ તેમનો બહિષ્કાર કર્યો છે.’

‘એ નરસંગ કોણ છે?’

‘નરસંગ નહિ, નરસંગડો કહો ! મારો પુતર છે. મહિને દહાડે મારા માથાનું એ વતું પણ કરે છે અને અઠવાડિયે દાઢી પણ !’

‘નરસંગડાની કેટલી ઉંમર છે?’ મારે નાછૂટકે ‘નરસંગડો’ કહેવું પડ્યું.

‘ત્રણ છોકરાંનો બાપ છે!’

‘અરર…, એને તમે તોછડાઈથી બોલાવો છો !’

‘એ જ મને ‘હરિયો’ કહીને બોલાવે છે ને !’

‘તમને, બાપને ?’

‘મને ‘હરિયો’ ન કહે તો, તો હું બોલું જ નહિ ને ! મારો એવો ઓર્ડર છે. હું ક્યારનોય ધ્યાન રાખું છું કે તમે મને કોઈ નામથી બોલાવ્યો નથી. જો તમે પણ મને ‘હરિયા’ સિવાય સંબોધ્યો હોત, તો તમારી સાથે પણ વાત ન કરત ! મારાં પોતરાં પણ મને ‘હરિયો’ કહીને બોલાવે છે. મારી ડોશી એના ભાના રોટલા લઈને ગઈ છે, પણ જીવતી હતી; ત્યારે હું એને ‘લખુડી’ કહેતો હતો અને એ મને ‘હરિયો’’ !’

‘આ કંઈ સંસ્કારિતા ન કહેવાય, હરિકાકા.’

‘એ શું બોલ્યા ?’

‘સોરી, હરિયાકાકા !’

‘નહીં, ખાલી ‘હરિયા’ ! અને હવે એ પણ નહિ. ચૂપચાપ બેસી રહો, દલિયો આવે ત્યાં સુધી; અને હવે મને આ જીવલા સાથે થોડોક સત્સંગ કરવા દેશો ખરા !’

‘એ વળી કોણ છે ?’

‘મેં કહ્યું તો ખરું કે, હવે ચૂપ થાઓ; નહિ તો પછી કૂતરાને હલકારું ?’

‘ના બાપલિયા, ના !’

કૂતરાએ કાન સરવા કર્યા. મેં તેની સામે જોઈને મારા કાન પકડ્યા. મારી છાતી તરફ મે મારી તર્જની ચીંધી. એ જ આંગળીને મેં મારા હોઠ અને નાકના ટેરવે ઊભી ધર્યા પછી બે હાથ જોડ્યા. તે મારા ઈશારાને સમજી ગયું અને પોતાની મૂળ સ્થિતિમાં જતું રહ્યું. મારે ડાહ્યાડમરા થઈ જવું પડ્યું. પેટની ડુંટી ફરતાં સાત કે ચૌદ ઈન્જેક્શનના વિચારમાત્રથી મારી તો ઠંડી જ ઊડી ગઈ !

ખોરડામાં વાતચીત શરૂ થઈ.

‘અલ્યા જીવલા, રાત્રે ક્યારે વહ્યો ગયો હતો ? મને ખબરેય ન પડી !’

‘હરિયા, તું ચાલુ વાતે નાક ઘરડવા માંડ્યો; એટલે હું કંઈ બેઠો રહું ?’ જીવલાએ જવાબ વાળ્યો.

હરિયાનો અવાજ ઘોઘરો હતો, પણ સામેવાળા જીવલાનો અવાજ સાંભળતાં મને લાગ્યું કે તે આધેડ વયનો હોવો જોઈએ.

‘જીવલા, બહાર બેઠેલો બાપડો આપણા કામે આવ્યો અને મેં તેને ખોટો ઝાડ્યો, નહિ ?’

‘સાચું કહું, હરિયા ? તું દહાડેદહાડે કડવોવખ થતો જાય છે. અલ્યા, જતે દહાડે તો સુધર.’

‘હેઈ.ઈ..ઈ… પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહિ ! જીવલા, રામલીલાવાળાં નાટકો કેવાં મજાનાં ભજવાતાં હતાં, હેં ! નરસંગડો કે’ કે ખોરડામાં ટીવી મેલાવું, આપણે હવે લાઈટ આવવાની છે. મેં કીધું કે મેલ્ય પૂળો તારી ટીવીબીવી ઉપર ! જો મને પૂછ્યા વગર લાવ્યો છે, તો કૂવામાં ફેંકી દઈશ. હું અને મારો ભેરુડો જીવલો ભલા ! અમે બે જીવતાંજાગતાં ટીવી જ છીએ ને ! ’

‘હરિયા, મને પાક્કો વહેમ છે કે તેં પેલા વીજળિયા ઉપર બીજી કોઈક વાતની દાઝ કાઢી છે !’

‘તારો વહેમ સાચ્ચો ! શું કરું લ્યા, એ સંસ્કારિતાની પત્તર ફાડતો હતો. મેં કૂતરાની હુલ આપી એટલે બચ્ચારો જીભ જ ગળી ગયો ! હી…હી…હી…’

‘અલ્યા, હરિયા બેહર ! તારો સગલો બહાર બેઠો છે, ધીમે ભસ્ય, નહિ તો એ વીજળિયો નાસી જશે.’

‘બોલ્ય, લાગી શરત ! એ નહિ જતો રહે. મેં એની બોલતી બંધ કરી છે, પણ એના કાનમાં સિમેન્ટ થોડો ભરી દીધો છે ! પેલા બેમાંથી એકેય નખોદિયો નહિ આવે ત્યાંસુધી બાપડાને બેસવું પડશે અને ઊલટાનો આપણી બેઉની વાતોથી એનો ટાઈમ નીકળી જશે.’

‘પણ ઓરડીની ચાવી તારી પાસે રાખી લીધી હોત તો એ એનું કામ પતાવીને ક્યારનોય જતો ન રહ્યો હોત ! બચ્ચારાને કેટલાય કૂવા ગણવાના હશે, એટલે જ તો વહેલો આવી ગયો છે ને !’

‘હવે, તું એની ચમચાગીરી કર્યા વગર થોડી સત્સંગની વાત કર. તને ખબર તો છે કે મેં લખુડી જીવતી હતી, ત્યારે પણ તિજોરીની ચાવી ક્યાં પકડી હતી ! મારી વા’લી, જીવી ત્યાં લગણ એણે ઘર કેવી રીતે સાચવ્યું એની મને લગીરેય ખબર નોં પડવા દીધી હોં !’

મને એ બે ભેરુડાઓની વાતમાં એટલો બધો રસ પડવા માંડ્યો હતો કે હું મનોમન ઇચ્છવા માંડ્યો કે પેલા બે જણામાંથી એકેય હાલમાં ન આવે તો સારુ, નહિ તો રંગમાં ભંગ પડ્યા વગર રહેશે નહિ. મને એ પણ વિચાર આવતો હતો કે આ હરિયો ભલે ગાંડિયા જેવી વાતો કરતો હોય, પણ એ કંઈક ઊંચી વાત કરતો હોય તેમ લાગ્યું.

જીવલાએ સંસ્કારિતાની વાતનો તંતુ પકડતાં કહ્યું, ‘જો હરિયા, આપણે સંસ્કારિતાની જે વાત સમજ્યા છીએ, તેની એ લોકોને ખબર ન પડે. આપણે ભીતરની સંસ્કારિતામાં માનીએ છીએ. મન મેલું હોય અને મોંઢેથી મીઠડુંમીઠડું બોલાતું હોય એ તો લોકોને ઠગવા જેવું ગણાય, કેમ ખરું કે નહિ ?’

‘જો જીવલા, એ બધી સત્સંગની વાતો તો આપણે રોજ કરીએ છીએ અને જીવીએ ત્યાંસુધી કર્યે જઈશું પણ ખરા ! પરંતુ હાલ આપણે હું લોકોને કેમ તોછડું સંબોધન કરું છું અને સામે ‘હરિયો’ એવું તોછડું સંબોધન હું સાંભળું પણ છું, તેનો ભેદ ખોલીએ તો બાપડા બહાર બેઠેલા વીજળિયાને થોડીક ધરપત થાય. વળી એના મગજમાં આપણી વાત બેસે તો લોકોને સમજાવે પણ ખરો કે ખરી સંસ્કારિતા શું છે. આપણે છાપાંમાં ઘણાખરા ધર્મોના કહેવાતા મહાપુરુષોની લીલાઓને વાંચીએ છીએ. દેશદાઝની મોટીમોટી વાતો ફાડનારા નેતાઓનાં કૌભાંડો બહાર આવે છે. માબહેનોની છડેચોક ઈજ્જત લુંટાય છે. સરકારી બાબુઓ સરેઆમ લાંચરુશ્વત લે છે. મતદારો તેમના મતને વેચે છે. અલ્યા જીવલા, લિસ્ટ તો ઘણું લાંબું થાય, પણ એ કહેવાનો કોઈ મતલબ નથી. મારી વાતનો સાર એટલો જ છે કે દેશ અને દુનિયામાં સંસ્કારિતાનું નાહી નાખવાનો સમય આવી ગયો છે. પેટની ભૂખ તો બે રોટલા અંદર ઊતારી દો અને સંતોષાઈ જાય, ગળાની તરસ બે ઘૂંટડા પાણીએ મટી જાય. ફાટ્યાંતૂટ્યાં બે કપડાં શરીરે નાખો અને તન ઢંકાઈ જાય, માથું ઢાંકવા છાપરું પણ બંધાઈ જાય; આ બધી જીવવા માટેની પ્રારંભિક જરૂરિયાતો છે અને એ બધી મળી જતાં ધરપત થઈ જવી જોઈએ. બિચારા ગરીબોને તો એ થાય છે, સંતોષીજનોનેય થાય છે, સાદગીપૂર્ણ જીવન જીવનારાઓને તો થાય જ છે; પણ…પણ પેલા ધનભૂખ્યા, સત્તાભૂખ્યા, એશોઆરામના ભૂખ્યા; એ બધાની ભૂખ તો કદીય ભાંગતી નથી હોતી, ઊલટાની રોજેરોજ વધ્યે જતી હોય છે.’

‘બસ કર હરિયા, બસ કર. હવે ભાષણ ભરડવાનું મેલ્ય પડતું અને મુદ્દાની વાત કર કે આ બધું નઠારું જન્મે છે ક્યાંથી ? જોજે પાછો લાંબીપહોળી વાત ન કરતો, એક જ શબ્દ બોલી નાખ; નહિ તો મને બોલવા દે એ શબ્દ !’

‘તું ગદ્ધી શું કહેવાનો હતો ? હું જ કહું કે એ શબ્દ છે, અહમ્ ! બસ, એને મારો અને બધાં દુ:ખદર્દ ખતમ !’

હું ‘ગદ્ધી’ સંબોધનથી મનમાં હસ્યા વગર ન રહી શક્યો અને સાથેસાથે હરિયાના સૂત્રાત્મક વિધાને પણ મને વિચારતો કરી દીધો. કેવી ગાગરમાં સાગર સમાઈ જાય તેવી અહમ્ અંગેની હૃદય સોંસરવી નીકળી જાય તેવી સાવ ટૂંકી અને ટચ વાત !

જીવલો હરખભેર બોલી ઊઠ્યો,‘વાહ હરિયા, વાહ ! લાવ્યો બાપુ, લાવ્યો; લાખ રૂપિયાની વાત લાવ્યો. એટલે જ તું તને ‘હરિયા’ તરીકે ઓળખાવે છે, ખરું ને; ‘અહમ્’ને ઓગાળવા જ તો !’ હવે જો, પેલા બહાર બેઠેલા વીજળિયાના મનમાં એક બાબતનું સમાધાન થતું ન હોય તેમ મને લાગે છે. જો હરિયા, તારો અહમ્ ઓગાળવા માટે તું ‘હરિયા’ તરીકે બોલાવાય એ તો બરાબર, પણ તું બીજાઓને એમ બોલાવે એ તો તારી તોછડાઈ જ કહેવાય ! જોજે, પાછો મારા ઉપર બગડતો નહિ, થોડુંક જરા શાંત મને વિચારી જો.’

‘અલ્યા જીવલા, તું મારો જન્મારાનો ભેરુડો ખરો; પણ તું મને સમજ્યો નથી લાગતો. હું મારાં ઘરવાળાં, નિકટનાં સગાં અને મારા ત્યાં કામ કરતાં લોકોને જ એ રીતે બોલાવું છું. તેમના તરફ મારો જીવ બળે છે, માટે જ તો ! ગાંડિયા, એ બધાં મારાં પોતીકાં છે અને તેમને હું કેળવું છું. ‘તુંકાર’ સાંભળવાથી તેમની સહનશક્તિ કેળવાય ! મારા નરસંગડાનો ટેણિયો અંગ્રેજી નિશાળમાં ભણે છે. મને એક દહાડો કે’ કે આપણા સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાત્રી ડાઉન ટુ અર્થ (Down to Earth) હતા. હું પોતે પણ એવો બનવાનો પ્રયત્ન કરું છું અને મારાં વાલીડાં પણ એવા સંસ્કાર ધારણ કરતાં થાય માટે જ તો તેમને એ ડોઝ આપ્યે રાખું છું. યાદ કર, મેં મારાં એ જણ સિવાય અન્યોને કદીય એ રીતે બોલાવ્યાં છે ખરાં ? હા, મારી જાત માટે તો એ નિયમ પાક્કો, કોઈ મને માનથી બોલાવે તો ચૂપ રહું છું, વાતનો હોંકારો પણ દેતો નથી. બહારના લોકોને ઓછું મળવાનું થાય એટલે જ તો વગડે આ ખોરડામાં પડ્યો રહું છું.’

મને એ બેઉના સત્સંગમાં એટલો બધો રસ પડ્યો કે પેલા કૂતરાની પરવા કર્યા સિવાય ખોરડામાં ધસી જઈને એ બે જણા ભેગો હું ત્રીજો ભળું અને હરિયાના પગ પકડીને તેને મારો ગુરુ બનાવી દઈને તેની પાસેથી મને એ આપે તે ગુરુમંત્ર લઈ લઉં, પણ પેલા કૂતરાની લાંબી જીભમાં મને વિરાટ દર્શન થયાં અને મને સરકારી દવાખાનાનો હડકવાની સારવાર માટેનો વોર્ડ દેખાયો.

પરંતુ સાચા આધ્યાત્મજ્ઞાનના ભૂખ્યાજનને કોઈક માર્ગ તો મળી જ રહે અને મારા મગજમાં ચમકારો થયો કે મારી પાસેના બગલથેલામાં નાસ્તા માટેનાં બિસ્કીટ છે. હજુ ઘરેથી કોઈ સ્ત્રી આ લોકો માટે ભાત લઈને આવી પણ નથી. શ્વાનમહારાજ ભૂખ્યા તો થયા હશે જ અને જો એ બિસ્કીટ તેમને દક્ષિણારૂપે ધરી દેવામાં આવે તો હું ખોરડામાં દોડીને ઘૂસી શકું.

મારી યોજના સફળ થઈ અને હું લાગ જોઈને ખોરડામાં ઘૂસી ગયો. પણ આ શું ? અંદર ખાટલા ઉપર બારણા તરફ પીઠ રાખીને એક જ માણસ બેઠેલો હતો. એને ખબર ન હતી કે હું ખોરડામાં પ્રવેશી ગયો છું, પણ એણે તો બદલાતા અવાજે પોતાનો સત્સંગ ચાલુ જ રાખ્યો હતો ! હરિયો પોતાની જાત સાથે, પોતાના જીવ સાથે  વાત કરી રહ્યો હતો; અને એટલે જ તો તેણે તેનું નામ જીવલો પાડ્યું હતું.

હું આંસુ છલકતી આંખે હેરત પામતો ચૂપચાપ નવી પંદરેક મિનિટ સુધી એ આધ્યાત્મિકતાની ગહન વાતોને સાંભળતો જ રહ્યો. મને થયું કે કાશ લોકો આમ જ પોતાની જાત સાથે વાત કરતા થાય તો માનવજાતની કેટલી બધી સમસ્યાઓ  હલ થઈ જાય !

-વલીભાઈ મુસા

 

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! -વલીભાઈ મુસા

તમે ગુજરાતી બ્લોગજગતને જાણતા હો અને વલીભાઈ મુસાને ન જાણતા હો એ વાત માનવા હું તૈયાર નથી. ગુજરાતી ગદ્ય અને પદ્યમાં અનેરૂં ખેડાણ કરી, ગુજરાતી બ્લોગ જગતમાં એમણે પોતાનું સ્થાન અંકે કર્યું છે. આજે એમણે આંગણા ઉપરના પ્રેમ અને મારી ઉપરના સ્નેહને લઈને પોતાની એક અપ્રગટ અછાંદસ હાસ્ય કવિતા મોકલી છે. કબૂતરની જોડીને માધ્યમ બનાવી, માણસની મજબૂરી જ નહીં, માણસની કમજોરી ઉપર પણ મર્માળું હાસ્ય કર્યું છે. આંગણાંના મહેમાનો માટે આજે આ ખાસ ઉજાણી છે.

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! -વલીભાઈ મુસા
(વ્યંગ્યકવન / અછાંદસ)

“’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
વ્હેલી પરોઢે ચણ ચણીને,
જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;
ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,
બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,
વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,
નિજ પરસેવે ન્હાઈ લેવાનું, હાથલારીઓ ખેંચી ખેંચી!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

જો ને પેલો છોરો બિચારો,
વાણ તૂટેલી ખાટલીએ ઘોરે, આખી રાત તન વલોર્યું
તડકો જગાડે તોય ના જાગે, આસપાસ કોલાહલ છતાંયે!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

‘ભૂખ ભૂંડી કે ભીખ?’, એવો વિચાર તજીને
પાઠ ભણે ભીખ માગવા તણા, પડખે નિશાળ છતાંયે;
કકળતું તો હૈયું મારું, તેઉને જોતાં, વાલમ, કેવું તો તેઉનું દુઃખ?
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા,
કહો તો દત્તક લઈએ, નાગીપુગી એ છોરીને,
મારો તો જીવ બળે છે, પણ આપણે તો લીલાલહેર!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
* * *

“’હા,અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’,
એય ગાંડી, આજ સવારે ચણ ચણતાં, ચણ્યો શું ઝેરી દાણો?
સાનભાન વણી વાત કરે તું, શું છોરીને મારવી તારે?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’
રાંધ્યા વગરનો એ કાચો દાણો, કરાવે બિચારીને ઝાડા,
એ માણસ છે, વ્હાલી, કાચું તો ખાય જો અન્ન,
માવતર પાપે દુઃખી થાતાં, આપણો ક્યાં વાંક લગાર?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”
“માવતર પાપે? ના સમજાયું, ફોડ પાડીને કરો વાત,
વાંક તેઉનો ને નવસ્તરી ફરે, એ બિચારી છોરીની જાત
પાડાના વાંકે પખાલીને ડામ, એ તો ખોટું સાવ હળાહળ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
“ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા,
તેઉની નજરું આગળ, શ્વાનગાડી લાગે ખસી કાજે
તોય, ‘અમે બે, અમારાં બે’ ન જાણે, કેવી નઘરોળ જાત!
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”
“આવું સાવ ઊઘાડું કહેતાં, ના’વી આવી શરમ લગારે?
વાલમડા, હું તો લાજી મરું, ભલે તોય આપણે તો નસીબદાર,
આપણને એવો કાનૂન નોં લાગે, ને આપણે પિંજર બા’ર
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”
* * *
“સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી
‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’
નહિ તો પછી વાંઝિયામેણાં, સરકારી બસ ગાડીઓ તૈયાર!!!
‘અલ્યાં સાંભળ્યું કે, સૌ જન, પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!’”
-વલીભાઈ મુસા
(તા. ૦૭૦૮૧૭)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577 // +91-94261 84977
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને! – વલીભાઈ મુસા

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું? એમનું દૂધ લઈ લો ને.’
‘મને ખબર નથી. એમ કર બૂમ પાડ. અંદર છોકરાં સૂતેલાં જ હશે.’ મેં જવાબ વાળ્યો.
મને બધી ખબર હતી તોય મારે ખોટું બોલવું પડ્યું; એમ કરવું જ પડે તેમ હતું, કેમ કે કારણ જ કંઈક એવું હતું.
‘અનુબહેન, આજે રવિવાર હોઈ એ બિચારાંને ઊંઘવા દીધાં હોત તો!’
‘મેના, મેં એકવાર કહ્યું ને. મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે, હમણાં આવશે.’ મારે ફરી ખોટા પર ખોટું બોલ્યે જવું પડ્યું.
દાતણ ચાવતાં ચાવતાં ઓસરીમાં લટાર મારતા મારા પતિમહાશયે મને પૂછ્યું, ‘કેમ; આજે સાવ આવું શુષ્ક વર્તન? બંને સહેલીઓ વચ્ચે કોઈ રિસામણાં છે કે શું?’
‘ના, એવું બિલકુલ નથી; જે છે તે હું પછી કહીશ મનિષ.’ મેં ધીમેથી કહ્યું.
પરંતુ મારે મનિષને ‘પછી કહેવા’ની નોબત જ ન આવી. બાજુના મહેલ્લામાં જ રહેતાં છોકરાંનાં દાદા-દાદી, અને બે કાકા-કાકી આવી ગયાં. ‘મા ક્યાં ગઈ, મા ક્યાં ગઈ?’ એવું રટણ કરતાં છોકરાંઓને દાદીએ બાથમાં લીધાં અને મહાપરાણે ફોસલાવી પટાવીને તેમના ઘરે લઈ ગયાં.
વહેલી સવારે વાયુવેગે વાત ગામમાં પ્રસરી ગઈ. એ લોકોના ગયા પછી ટોળાબંધ સ્ત્રીઓ અમારાં આંગણે આવીને તરેહતરેહની વાતો કહેવા માંડી. કોઈએ કહ્યું, ‘માજિયારી બહોળી ખેતીમાંનો જમીનના ભાગે આવતો આવકનો એક મોટો હિસ્સો તેને ઘેર બેઠાં મળતો હતો. વારસામાં ભાગે આવેલું મેડીબંધ પોતીકું ઘર હતું. જોતજોતાંમાં છોકરાં મોટાં થઈ જતાં અને આમ મુઈને ઘર માંડવાની શી જરૂર પડી?’
તો વળી કોઈએ અનુમાન કરતાં કહ્યું, ‘નક્કી કોઈને કહી ન શકે તેવું કંઈક દુ:ખ હોવું જોઈએ, નહિ તો આવું પગલું ભરે નહિ. આજકાલ ક્યાં કોઈ વિધવા નાતરું કરે છે? બિચારીને છોકરાં છોડીને જતાં કેટલું બધું દુ:ખ થયું હશે?’
‘ગામ આખું એકી અવાજે કહેતું કે મરનાર રાવજી અને એની વચ્ચે એવો મનમેળ અને પ્રેમ હતો કે સૌ કોઈને ઈર્ષા થાય. ઝેરી એરુ આભડતાં તત્કાળ અવસાન પામેલા એ બિચારાના આત્માને આ જાણીને કેટલી વ્યથા પહોંચી હશે! વળી વિધવા તરીકે ખૂણો જાળવવાની સમયાવધિ પૂરી થયાને માંડ ત્રણેક મહિનાય નહિ થયા હોય અને તેને આ શી કુબુદ્ધિ સૂઝી!’ એક ડોશીએ પોતાનો બળાપો કાઢ્યો.
અમારી જમણી તરફના સમજદાર પાડોશી બેચરકાકાએ એકદમ વ્યવહારુ વાત કરી, ‘છોકરી ભણેલી, ડાહી અને સંસ્કારી છે તે અમે આડોશીપાડોશી જાણીએ છીએ. મારા મતે ભરયુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી પુનર્લગ્ન કરી દે એમાં જરાય ખોટું નથી. મરનારના નામે બેસી રહેવાનો દંભ કરીને ચારિત્ર્યહીન જીવન જીવવા કરતાં આવું હિંમતભર્યું પગલું ભરી લેવું વધારે ઉત્તમ છે. લોકો ચાર દિવસ વાતો કરીને આવી ઘટનાને ભૂલી જવાનાં અને તેથી કોઈએ શા માટે જીવનભર દુ:ખી થવું? આ કો’કની છોકરી છે માટે નથી કહેતો, મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું.’
બેચરકાકાનાં ધર્મપત્ની જીવી ડોશીએ વાતાવરણ હળવું બનાવવા આકાશમાંની વીજળી પછીના કાટકાની જેમ ચાળા પાડતાં બોલી પડ્યાં, ‘દીકરી નથી એટલે બોલ્યા કે માલી દીકલી હોય તો પણ હું આમ જ કહું. લ્યો, હું તમારી ડોશી છું અને મારા વિષે કહો તો ખરા!’

‘લે, તારા માટે પણ કહું. મને ડાગટરિયાઓ ખાત્રીબંધ કહે કે બેચરકાકા તમે દસ કે પંદર દિવસમાં ઉકલી જવાના છો, તો હું જીવતાં મારી જાતે જ તને નાતરે વળાવીને પછી સુખેથી મરું!’ સૌ ખડખડાટ હસી પડ્યાં.
પેલી તરફ ઘટનાને અનુલક્ષીને વિવિધ મંતવ્યો અને ટોળટપ્પા ચાલી રહ્યાં હતાં, તો આ તરફ વળી હલકા વિચારો ધરાવતી એક બેશરમ ઓરત નામે ઝમકુડીએ તો હું જ સાંભળું તે રીતે દબાતા અવાજે મારા કાનમાં કહી લીધું, ‘તું પાડોશમાં છે એટલે તને ખબર હશે જ કે એણે કાળું મોંઢું તો નથી કર્યું? વળી રૂપનો કટકો હતી એટલે રાવજીના જીવતાં જ એના બાળગોઠિયા જાલમડા સાથે તમે ભણેલાં કંઈક ‘ઈલુ … ઈલુ’ કહો છો એવું તો કંઈ નહિ હોય ને! આ તો મુઈ જાલમડાના ત્યાં જ ગઈ એટલે શંકા થાય તો ખરી ને! જો એનાથી જ ભારે પગે થઈ હોય તો સારું થયું કે ઘીના ઠામમાં ઘી ગયું!’
‘અરરર ઝમકુ, તું કપોલ કલ્પિત વાત ક્યાંની ક્યાં લઈ જાય છે? કોઈની ઈજ્જત ઉપર કાદવ ઉછાળવું એ આપણને શોભા આપે નહિ. બીજી એક વાત સાંભળી લે કે હવે પછી તું એ બિચારી મીનાક્ષી અંગેની કોઈ ગંદી વાત મારા આગળ કરતી નહિ. મારા ઘરવાળા તમારા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી અમે મીનાક્ષીના પાડોશમાં ભાડુઆત તરીકે રહીએ છીએ. મરનાર રાવજી અને મીનાક્ષીનો પ્રેમ કોઈથી અજાણ્યો નથી. રાવજીનો મિત્ર જાલમ પણ ભલો માણસ છે. એ વિધુર હતો અને બંને સમદુ:ખિયાં ભેગાં થયાં એમાં શું ખાટુંમોળું થઈ ગયું? હવે તું ગામની છે, એટલે મારું એક કામ કર; બધાંને મારા ઘર આગળથી રવાના કરી દે અને તું પણ ઘર ભેગી થઈ જા. મારા પતિને પરનિંદા ગમતી નથી અને મને બીક લાગે છે કે તું નાહકની અપમાનિત થઈ જઈશ.’

ઝમકુ મારી વાતનો ઈશારો પામી ગઈ અને મોટા અવાજે કહી દીધું, ‘ચાલો, ચાલો; હવે બધાં પોતપોતાનાં ઘરે જાઓ. દરેક સમાજમાં આવું તો બનતું આવ્યું છે અને બીજું કે ઘર માંડવું કોઈ પાપ નથી.’
સૌ વિખરાતાં હું ઘરમાં ગઈ અને મનિષને બાઝી પડીને રડવા માંડી.
‘અરે, અરે! પણ તું કેમ રડે છે? હું પણ માનું છું કે મીનાક્ષી ભલી અને સંસ્કારી બાઈ હતી, પરંતુ એણે બેઉ છોકરાં ખાતર પણ આવું કઠોર પગલું ભરવું જોઈતું ન હતું. વળી જાલમ સાથેના જોડાણથી લોકોને અનાપ-સનાપ ગોઠવી કાઢવાનું કારણ મળ્યું. ખેર, હવે આપણે એ બધી વાત જવા દઈએ; પણ તને પૂછું છું કે તું તો એની ખાસ બહેનપણી હતી અને તને તો તેના આ પગલાની અગાઉથી જાણ હશે જ.’
‘હા, મનિષ; જાણતી તો હતી જ, પણ આ અંગે મને વધુ ન પૂછો તો સારું. તેણે મને પુનર્લગ્ન કરવાનું કારણ તો જણાવ્યું છે; પણ કોઈનેય કહેવાની ના પાડી છે, તમને પણ નહિ!’
‘તો જા, હું પણ તે જાણવાનો આગ્રહ રાખીશ નહિ; પણ સવાલ રાવજીનાં બંને છોકરાંના યોગ્ય ઉછેરનો છે.’
‘જાલમે એ પોતાનાં જ છોકરાં હોવાના ઉમદા ખ્યાલ સાથે તેમની જવાબદારી માથે લેવાનું સ્વીકાર્યું છે, પણ એક શરતે કે કોર્ટકચેરીની ઝંઝટ વગર એમને બાળકોનો કબજો મળે તો!’
‘એ તો જ્ઞાતિના સમજદાર આગેવાનો બંને છોકરાં મીનાક્ષીને સોંપાવશે. પરંતુ અનુ, હું વિચાર કરું છું કે આ તે કેવું નારીજીવનનું દુર્ભાગ્ય! વિધવા સ્ત્રી યેનકેન પ્રકારેણ જીવન તો જીવી જાય, પણ ઘરમાં અને ઘરબહાર થતું તેનું શોષણ હૃદય હલાવી નાખે તેવું હોય છે. ધાર્મિક અને અધાર્મિક એવા ઉભય પ્રકારના લોકો પોતપોતાની રીતે વિધવાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી હોતા. કહેવાય છે કે અધર્મ કરતાં ધર્મે વિધવાને વધુ પરેશાન કરી છે અને તેથી જ તો સ્વામી વિવેકાનંદને પણ કહેવું પડ્યું છે કે વિધવાનાં આંસું લૂછી ન શકે તે ધર્મ નકામો ગણાય. ખેર, જવા દે એ વાત; પણ બીજું એ સારું થયું કે નાતાલના વેકેશનના કારણે આપણાં છોકરાં મોસાળે ગયાં છે, નહિ તો આ મહિલા મંડળની આવી ગંદી વાતોની તેમનાં કુમળાં માનસો ઉપર કેવી ખરાબ અસર પડત? એમાંય આપણી કૌશલ્યા તો તીખા મરચા જેવી તેજ! એની બહેનપણીની મમ્મી વિષે આવું બધું ઘસાતું બોલાતું તો એ હરગિજ સહન ન કરત!’
આટલું કહીને મનિષ બાથરૂમ ગયા અને મારો મોબાઈલ રણક્યો. મીનાક્ષીનો જ ફોન હતો. તેણે રડમસ અવાજે પૂછ્યું, ‘મારાં છોકરાંના શા સમાચાર છે અનુ?’
‘વડીલો આવીને તેમને લઈ ગયાં છે. મનિષ તેમના યોગ્ય ઉછેરની ચિંતા કરતા હતા. તેમને વિશ્વાસ છે કે કોર્ટકચેરીના ચક્કરમાં પડ્યા વગર જ્ઞાતિના આગેવાનો તારાં બાળકો તને સોંપાવશે. ’
‘આ સઘળા અનિષ્ટના મૂળ જેવો એ આવ્યો હતો ખરો?’
‘હા, એ અને એની ઘરવાળી આવ્યાં હતાં. રડ્યે જતી એ બિચારીને તો એના ધણીના પરાક્રમની ખબર ક્યાંથી હોય, પણ એ ખલનાયકનું મોંઢું પડી ગયેલું હતું. તારા પુનર્લગ્ન પાછળના કારણને આપણે બે જ જાણીએ છીએ અને કદાચ તેં જાલમને કહ્યું પણ હશે, પરંતુ તારી રજા હોય તો હું મનિષને એ કહેવા માગું છું, કેમ કે અમારી વચ્ચે કોઈ વાત અંગત કે ખાનગી હોતી નથી. જો કે મેં એમને ચોખ્ખી ના પાડી છે કે તારા આ પગલા પાછળનું કારણ તેમને નહિ જણાવું અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે, પરંતુ હું પોતે જ માનસિક બોજ મહસૂસ કરું છું. તું એ વાતની ખાત્રી રાખજે કે અમારા બે પાસેથી એ રહસ્ય ત્રીજી કોઈ જગ્યાએ નહિ જાય, સિવાય કે અન્ય કોઈ સ્રોતેથી એવું બને.’

”જા, તું મોટાભાઈને કહી શકે છે. મને ખબર છે કે તેઓ મારા સંસ્કાર અને ચારિત્ર્ય વિષે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે અને મારા જીવનની બનેલી આ અનીચ્છનીય ઘટનાને માનવા તેમનું મન ના પાડતું હશે. વળી તેમને પારાવાર દુ:ખ પણ થયું હશે. મારા માનવા પ્રમાણે તું હકીકત જણાવશે તો એમને સંતોષ થશે. બીજું મેં સ્વાતિને ગોળગોળ કહી દીધું છે કે, ‘હું જાલમકાકાના ત્યાં કાયમ માટે જાઉં છું, પણ તમને ભાઈબહેનને હાલ સાથે નહિ લઈ જઈ શકું. તમારે મારી પાસે વહેલાં આવવું હોય તો તમારે ખાવાપીવાનું છોડી દઈને રડ્યે જતાં મારી પાસે આવી જવાની જીદ પકડી રાખવાની. દાદી દયાળુ અને જીવાળ છે, એટલે તમને વધુ રડવા ન દેતાં મારી પાસે મોકલી આપશે. કુટુંબમાં એમનો એવો પ્રભાવ છે કે બધાંને એમનું કહ્યું કરવું જ પડે.’”
‘તો.. તો મને લાગે છે કે સાંજ સુધીમાં છોકરાં તારી પાસે આવી જ જશે. બોલ, બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો જણાવ. બાકી અમે પરવતની હોઈ તથા સ્થાનિક સંસ્થામાં મનિષની નોકરી હોઈ એક મર્યાદાથી વધારે પ્રત્યક્ષ રીતે તને મદદરૂપ નહિ થઈ શકીએ.’
‘તારા અને જીજુ પરત્વેના મારા ગળા સુધીના વિશ્વાસ અને હૈયાધારણના સહારે મેં જોખમી પગલું ભર્યું છે, નહિ તો એ ખલનાયકના માનસિક ત્રાસથી કાં તો મેં મારું જીવન ટુંકાવી નાખ્યું હોત અથવા તો એની ઘરવાળી બિચારીને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડત.’
મીનાક્ષી સાથેની વાત પૂરી થઈ. મનિષ સ્નાન પતાવીને મારી સામે બેઠા. મેં પૂછ્યું, ‘મનિષ, મારો નાસ્તો કરવાનો મુડ નથી. તમારા એકલા માટે જે કહો તે બનાવી આપું.’
‘મારી પણ મુદ્દલેય ઇચ્છા નથી. ચાલ, આપણે છોકરાંને ફોન કરીએ.’

‘પછી ફોન કરીશું, હાલ હું વ્યથિત છું. બીજું મનિષ, તમે બાથરૂમમાં હતા ત્યારે મીનાક્ષીનો ફોન આવ્યો હતો. છોકરાં અંગે પૂછતી હતી. બીજી ખાસ વાત કે તેણે તેના પુનર્લગ્ન પાછળના કારણને તમને એકલાને જણાવવાની મને રજા આપી દીધી છે. મેં તેને ખાત્રી આપી છે કે એ રહસ્ય આપણા બે પૂરતું સીમિત જ રહેશે, આગળ નહિ વધે.’
‘તેં જ રજા મેળવી હશે. હું જાણું ને કે તું મારાથી કશું જ છુપાવી ન શકે. તો કહી જ દે કે જેથી મારા મનનું સમાધાન થાય.’
‘હમણાં જ તમે નહોતું કહ્યું કે વિધવા સ્ત્રીનું શોષણ ઘરમાં અને ઘર બહાર થતું હોય છે. આપણા સમાજે વિધવા સ્ત્રીને ભલે ગંગાસ્વરૂપનું બહુમાન આપ્યું હોય, પણ લોકોનો તેની સાથેનો વ્યવહાર તો અભદ્ર જ હોય છે. એમાંય વળી વિધવા સમાજને તો પહોંચી વળી શકે, પણ કુટુંબીજનો કે આપ્તજનો આગળ એ લાચારી અનુભવતી હોય છે. ઘરવાળાં તરફથી થતું શોષણ કે માનસિક ત્રાસ એવાં હોય છે કે જે કહ્યાં પણ ન જાય અને સહ્યાં પણ ન જાય. મીનાક્ષીના કિસ્સામાં પણ વાડ જ ચીભડાં ગળે જેવી સ્થિતિ થઈ હતી. તેની સુંદરતા તેની દુશ્મન બની હતી. તેનો દિયર મુકેશ રાવજીની હયાતીમાં પણ ઘણીવાર તેને અડપલાં કરતો, પણ એક દિવસે તેણે રાવજીને કહી દેવાની ધમકી આપી હતી ત્યારથી તે માપમાં આવી ગયો હતો. પછી તો મુકેશ પરણી ગયો અને તેનામાં થોડું થોડું પરિવર્તન આવવા માંડ્યું, આમ છતાંય તે મોકો મળતાં મીનાક્ષીને લોલૂપ નજરે જોયા વગર રહી શકતો ન હતો.’
‘આનો મતલબ તો એ થયો કે મીનાક્ષી પરણીને આવી ત્યારથી જ તેના દિયર તરફથી તેને માનસિક ત્રાસ હતો. વળી બિચારીને વિધવા થયા પછી તો તેના તરફથી ઘણી હરકતો સહન કરવી પડી હશે, ખરું કે નહિ?’

‘મીનાક્ષીના ઘરનો ખૂણો પાળવાના દિવસોમાં પણ એ નફ્ફટાઈપૂર્વક છોકરાંને મળવા અને રમાડવાના બહાને તેના ઘરે આવતો હતો. તેની બેશરમીએ એવી તો હદ વટાવી દીધી હતી કે મરનાર મોટાભાઈની આમન્યા અને માતાતુલ્ય વિધવા ભાભીમાની માનમર્યાદા જ સાવ વીસરી ગયો હતો.’
‘અનસૂયા, આવી અકળાવી નાખતી પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા મીનાક્ષીને યોગ્ય માર્ગદર્શનની જરૂર હતી. તેં આ સઘળી વાત મારી સાથે પહેલાં શેર કરી હોત તો આપણે કોઈક માર્ગ કાઢત! ખેર, બીત ગઈ સો બાત ગઈ; હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને થોડી બદલી શકાય?’
‘મનીષ, તમે કદાચ નહિ માનો પણ મીનાક્ષીએ એના દુ:ખની વાત તો તેણે પુનર્લગ્નનો નિર્ણય લીધા પછી ચારેક દિવસ પહેલાં જ મને કરી. મેં એને વારવાની કોશિશ કરી, પણ તેણે સ્પષ્ટ કહી દીધું કે જાલમે અને તેણે મક્કમ નિર્ણય લઈ જ લીધો હોઈ હવે પુનર્વિચારને કોઈ અવકાશ નથી. જાલમ તેને હવે વધુ લાંબા સમય સુધી આવી દુ:ખમય સ્થિતિમાં રાખવા માગતો ન હતો.’
‘મારું મન કહે છે કે હું તેની સાથે સીધી વાત કરું. તારા મોબાઈલ ઉપર મને સ્પીકર ઓન કરીને નંબર જોડી આપ, કે જેથી તું પણ સાંભળી શકે.’
મેં નંબર જોડીને મનિષને ફોન આપ્યો. તેમની વચ્ચે આમ વાત થઈ.
‘હેલો મીનુ, હું જીજુ. બહેન તેં તો મને અને આખા ગામને મોટી સરપ્રાઈઝ આપી. અનુએ મને અર્ધીપર્ધી વાત કરી છે, બાકીનું હું તારા મોંઢે સાંભળવા માગું છું. તું ખુલ્લા દિલે મને કહે. સાંભળ, દુ:ખ વહેંચવાથી દુ:ખ ઘટે અને સુખ વહેંચવાથી સુખ વધે.’
‘…..’

‘જો મીનાક્ષી, તું તો રડવા માંડી! ચાલ, તારા સુખની વાત કર; આપણે રોદણાં નથી રોવાં.’
‘મોટાભાઈ, મુકેશ છેલ્લે તો એટલી નીચી પાયરીએ ઊતર્યો કે હું દિયરવટું કરું; નહિ તો તે મારા ઉપર બળાત્કાર કરશે.’
‘તારે કહેવું હતું ને કે તું કુંવારો અથવા વિધુર હોય તો જ દિયરવટું થઈ શકે ને!’
‘મેં એમ કહ્યું તો તેણે જવાબ આપ્યો કે હું તારા વગર એક પળ જીવી શકું તેમ નથી. તું કાં તો મારી રખાત તરીકે રહે અને એ તને મંજૂર ન હોય તો તારી દેરાણીને કાં તો છૂટાછેડા આપું અથવા તેનું ખૂન કરીને પણ તારા માટે જગ્યા કરી આપું. તું મારી ભાભી બનીને આવી હતી, ત્યારથી મારા દિલમાં વસી ગઈ હતી. જો મારો સાચો પ્રેમ હતો એટલે જ તો નાગબાપાએ મારા ભાઈ રાવજીને ડંખ દઈને આપણા બેઉ વચ્ચેનો કાંટો દૂર કરી દીધો!’
‘અરર, મુકેશ આટલી હદ સુધી ગાંડો થઈ ગયો હતો! સગો મોટો ભાઈ અને કાંટો! તેણે તો માણસાઈની હદ ઓળંગી દીધી કહેવાય!’
‘…..’
‘જો મીનુ, ઈશ્વરને ખાતર રડીશ નહિ; નહિ તો હું ફોન કાપી નાખીશ.’
‘જીજાજી, છેલ્લે મેં તેને ધમકી આપી કે જો તું મને ત્રાસ આપવાનું બંધ નહિ કરે તો હું બંને છોકરાં સાથે આત્મહત્યા કરીશ. તેણે ખંધાઈપૂર્વક જવાબ આપ્યો કે તો તો તમારા ત્રણ પછી ચોથો આત્મહત્યા કરનારો હું હોઈશ અને આપણે ચારેય જણ ઈશ્વરના ત્યાં આરામથી શેષ જિંદગી પૂરી કરીશું!’
‘મીનાક્ષી, તારી આ બધી કેફિયત સાંભળીને મને તો એમ લાગે છે કે તેનું માનસ વિકૃત થઈ ગયું હોવું જોઈએ. અત્યાર સુધી તને મેળવી શકાશે એ આશાએ તેણે હદ ઓળંગી નથી, પણ હવે તારા પુનર્લગ્નથી તેનું બધું જ લૂંટાઈ ગયું એમ માનીને તે હવે તમારા બંને ઉપર આક્રમક બની શકે છે. મારી સલાહ છે કે તમારે બંનેએ ખૂબ જ સાવચેત રહેવું. જે માણસ પોતાના સ્વર્ગસ્થ ભાઈનાં સંતાનો અને ભાભીના મોતને સહજ ગણે છે, જે તને પામવા માટે પોતાની પત્ની સુદ્ધાંનું કાસળ કાઢવા માટે પણ તૈયાર છે તેના ઉપર કોઈ ભરોંસો મૂકી શકાય નહિ. વળી બીજી શક્યતા એ પણ છે કે તારા પુનર્લગ્નથી તે હતાશામાં એવો તો ઘેરાઈ ગયો હોઈ શકે કે તે પોતે આત્મહત્યા પણ કરી બેસે. આમ ખરેખર જો તે ટળે તો તારે જરાય લાગણીશીલ થવાનું નથી, કેમ કે છેલ્લા એક દસકાથી તેણે તને હેરાન-પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. તારે તો એમ જ માનવાનું કે ધરતી ઉપરથી એક પાપીનો બોજ ઓછો થયો!’
હું મીનાક્ષી અને મનિષની વાત સાંભળતાં સાંભળતાં વિચારતી રહી કે મનિષે દસ દસ વર્ષથી ઘોળાયે જતી આ કરુણ દાસ્તાનને હમણાં જ જાણી છે અને છતાંય તે હવે પછી સંભવતઃ ઘટનારી ઘટના અંગેના પોતાના અનુમાનમાં કેટલા બધા ચોક્કસ છે. ખરે જ, મીનાક્ષીની સમસ્યાની જાણ મનિષને વહેલી થઈ હોત તો તેઓ તેનો સરસ ઉકેલ લાવી શક્યા હોત! ખેર, હવે જોવાનું એ રહે છે કે મુકેશ, મનિષના કયા અનુમાનને સાચું ઠેરેવે છે!
મનિષ મીનાક્ષી સાથેની વાતચીત પૂરી કરીને મારો મોબાઈલ મારી સામે હજુ ધરી રહ્યા છે, ત્યાં તો મહેલ્લામાં ધડબડ ધડબડ એવાં પગલાંના અવાજે લોકો ગામકૂવા તરફ દોડતા જોવામાં આવ્યા. પાડોશી બેચરકાકાએ દોડતા એક જણને પૂછ્યું, ‘અલ્યા, કેમ દોડો છો?’ અને જવાબ મળ્યો, ‘કરસનદા મુખીના મુકેશે ગામકૂવામાં પડતું મેલીને આપઘાત કર્યો છે!’
બેચરકાકા ગામકૂવે જઈ આવીને અમારા આગળ તરેહ તરેહની લોકવાયકાઓનું બયાન કરવા માંડ્યા. કોઈ કહે છે, ‘છોકરાં રઝળાવીને ભાભી નાતરે ગઈ તે બિચારાને ગમ્યું નહિ!’ કોઈ કહે છે, ‘ભાઈને બાયડી ગમતી નહોતી, એટલે ન્યાતનો દંડ ભરીને તેને છૂટી કરીને રૂપાળી ભાભીને ઘરમાં ઘાલવી હતી; પણ મનની મનમાં જ રહી અને હતાશામાં કૂવોહવાડો કરવો પડ્યો!’

મનિષે હળવેકથી બેચરકાકાને પૂછ્યું, ‘વડીલ, આપ તો જમાનાને ઓળખી ચુકેલા છો. આપનું શું અનુમાન છે?’
બેચરકાકાએ ખોંખારો ખાતાં કહ્યું, ‘અનુ દીકરીના સાંભળતાં કહેવું પડે છે, પણ મને તો વાત જુદી જ લાગે છે. બેટમજીએ એકતરફા લટ્ટુ બનીને ભાભીને આડો સંબંધ બાંઘવા ખૂબ પજવી લાગે છે! પેલી બિચારી કંટાળીને બીજે જતી રહી, એટલે હાથ ઘસતા રહી ગયા અને નિરાશ થઈને જીવન ટુંકાવવું પડ્યું!’
મનિષે મારી સામે જોઈને માર્મિક સ્મિત કર્યું. બેચરકાકાના ગયા પછી તેમણે મને કવિ કલાપીના એક કાવ્યની કડી ‘દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી’ સંભળાવીને અફસોસ વ્યક્ત કર્યો કે મીનાક્ષીને તેના દર્દનું ઔષધ મળ્યું તો ખરું; પરંતુ ક્યારે, પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!
– વલીભાઈ મુસા