http://મિત્રો સાથે વાતો. ‘ઘર ભાડે મળશે?’ આશા વીરેન્દ્ર. ‘ચાકડો’ કાવ્ય, રસદર્શન.
ઘર ભાડે મળશે? લેખિકા. આશા વીરેન્દ્ર
શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં,ખાનદાન અને ભણેલ ગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પી. એચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી રીતે ખુશ હતું. મુશ્કેલીની શરુઆત ત્યારે થઈ જ્યારે બંનેને હૈદ્રાબાદમાં સારી જગ્યાએ અહીં કરતા ઊંચા પગારની નોકરી મળી ગઈ.નોકરીમાં પગાર ભલે સારો હોય પણ બેઉનાં મનમાં મૂંઝવણનો પાર નહોતો.
‘શોએબ, અત્યારે ભલે પગારનો આંકડો મોટો દેખાતો હોય પણ મોટા શહેરના ખર્ચા પણ મોટા. આટલો પગાર તો અડધા મહિનામાં જ ચટણી થઈ જશે.’
‘એ તો હું પણ જાણું છું પણ એમ ગભરાઈને બેસી રહીએ તો જિંદગીમાં આગળ કેવી રીતે વધીશું? હિંમત તો કરવી જ પડશે.’
‘હિંમતે મર્દા તો મદદે ખુદા’-એમ તો હું પણ માનું છું પણ સૌથી મોટો સવાલ એ છે કે હૈદ્રાબાદ જેવા અજાણ્યા શહેરમાં આપણે રહીશું ક્યાં?’
‘મારા કૉલેજના દોસ્ત જુનેદને મેં પૂછ્યું હતું. એણે કહ્યું છે કે ત્યાંના મુસ્લિમોના લત્તામાં ભાડેથી ઘર મળી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક ઘર મળી જ જશે. ને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એનાં ઘરમાં આપણો સમાવેશ થઈ જશે.’ હૈદ્રાબાદ પહોંચીને જુનેદનું ઘર જોયું તો બંને ડઘાઈ જ ગયાં. બે નાનાં નાનાં રૂમ અને રસોડાનાં ઘરમાં એનાં અમ્મી-અબ્બુ, નાનો ભાઈ અને બેન તથા એ અને એની બીબી એમ છ જણાં સાંકડ-મોકડ રહેતા હતાં. બેઉએ વિચાર્યું કે, ગમે તેમ કરીને જેમ બને તેમ જલ્દી ભાડાનાં ઘરનો બંદોબસ્ત કરવો.
બીજે દિવસે ‘ઘર ભાડે આપવાનું છે’ એવું પાટિયું જોઈને એમણે બેલ મારી. એક કાબરચીતરી દાઢી વાળા, લુંગી પહેરેલા આધેડ વયના પુરુષે તોછડાઈથી ‘શું છે’ એમ પૂછ્યું.શોએબે અત્યંત નમ્રતાપૂર્વક ઘરની જરૂરિયાત વિશે જણાવ્યું.
‘ઠીક છે, આવો મારી સાથે ઉપર.’ એણે રૂઆબભેર કહ્યું. ઘર કંઈ ગમી જાય એવું નહોતું પણ અત્યારની તાતી જરૂર જોતાં ખોટું પણ નહોતું. પતિ-પત્ની બેઉએ ઈશારા માં વાત કરી લીધી કે ચાલશે.ભાડું નક્કી થયું, ડિપોઝીટની રકમ અપાઈ ગઈ ને બંને હરખભેર દાદર ઉતરવા લાગ્યાં. હા…શ, કાલ ને કાલ સામાન લઈને આવી જઈશું. પછી તો આપણું પણ એક ઘર…ત્યાં જ પેલા પુરુષના કર્કશ અવાજે પૂછયેલા પ્રશ્ને એમના વિચારો પર બ્રેક મારી.
‘શું નામ કહ્યું તમારું, શોએબ અને શાહીન, બરાબર? એટલે તમે મુસલમાન તો છો જ. તો પછી શાહીન બુરખો કેમ નથી પહેરતી? પડદામાં કેમ નથી રહેતી?’ અચાનક આવેલા આ સવાલથી બંનેને એવો આઘાત લાગ્યો કે, જવાબ શું આપવો એ જલ્દી સૂઝ્યું નહીં.
‘બસ, આમ જ. અમારા ઘરમાં સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ એવો કોઈ આગ્રહ નથી. શાહીને કદી બુરખો પહેર્યો નથી અને પહેરવાની પણ નથી.’
‘તો લો આ ડિપોઝીટના પૈસા પાછા. જેનામાં શર્મો-હયા ન હોય એવી ઓરત માટે આ મહોલ્લામાં કોઈ ઘર નહીં આપે.’ ત્યારપછી, દિવસો સુધી બંનેની ઘરોના દાદર ચઢ-ઉતર કરવાની કવાયત ચાલી. જાતજાતના સવાલોનો સામનો કરવો પડ્યો.
‘હિંદુ કે મુસલમાન?’ ’વેજ કે નોનવેજ?’’ સિયા કે સુન્ની?’ ’તમિલ કે તેલુગુ?’-કેટલાય અપમાનજનક સવાલો અને ધારદાર નજરોનો સામનો કરતાં કરતાં બેઉ હતાશ થઈ ગયાં. શાહીન તો એક દિવસ ખૂબ રડી.
‘શોએબ, મને લાગે છે કે, આપણને ક્યાંય ઘર નહીં મળે કેમકે, કોઈને એ જાણવામાં રસ નથી કે, આપણું ખાનદાન કેવું છે, આપણું ભણતર કેટલું છે, ઈંસાન તરીકે આપણે કેવા છીએ? સૌ પોતપોતાની વાડાબંધીમાં જ જીવતા હોય ત્યાં આપણે કયા ચોકઠાંમાં ફીટ થઈશું?
પણ એક એવો દિવસ ઉગ્યો ખરો જ્યારે એમને નાત-જાતના,રહેણી-કરણીના કે ખાન-પાનના સવાલો પૂછ્યા વિના એક સજ્જન પોતાનું ઘર ભાડે આપવા તૈયાર થયા. એમણે કહ્યું,
‘હું શા માટે તમને ઘર આપવા માંગુ છું જાણો છો? એક તો એ કે તમને જોઈને જ મને એવું લાગ્યું કે તમારા હાથમાં મારું ઘર સચવાશે. બીજું કે, તમે બંને ભણેલા છો.તમારી પાસેથી મને અને મારા આખા પરિવારને કંઈક સારું શીખવા મળશે, જાણવા મળશે. હું હંમેશા ભણતરનો આદર કરું છું.’
આ ઘરમાં આવીને શાહીને મકાનમાલિકની કામવાળી નરસમ્માને જ વાસણ અને કચરા-પોતા માટે રાખી લીધી.થોડા દિવસમાં તો એને શાહીન સાથે સારું ફાવી ગયું. નીચેનાં ઘરનું કામ પતાવીને એ ઉપર આવે ત્યારે શાહીન પણ કૉલેજથી આવી ગઈ હોય એટલે નરસમ્મા ફૂરસદના સમયમાં અલક-મલકની વાતો કર્યા કરતી. શાહીન પણ એને કારણે આ શહેરથી થોડી પરિચિત થતી જતી.આમ જ વાતો કરતાં કરતાં નરસમ્માએ એક દિવસ કહ્યું,
‘ભલે જાત જે હોય તે પણ નીચે વાળા શેઠ-શેઠાણી દિલનાં બહુ સારાં. મારા ઘરમાં કંઈ પણ મુશ્કેલી હોય, એ લોકો કાયમ મને મદદ કરે. મારાં છોકરાઓને ભણાવવા માટે પણ પૈસા આપે.’ જે સવાલ પો તાને બંદૂકની ગોળીની જેમ વીંધી નાખતો હતો એ પૂછ્યા વિના શાહીનથી રહેવાયું નહીં. એણે પૂછ્યું,’ એટલે? એ લોકો કઈ જાતના છે?’
‘લે, તમને નથી ખબર? એ લોકો તો ‘અરિજન’.
‘ઓહ દલિત છે એ લોકો?’ કશું પૂછ્યા વિના એમણે પોતાને ઘર શા માટે આપ્યું હતું એ કોયડો આજે આપોઆપ જ ઉકલી ગયો.એણે શોએબને આખી વાત કરતાં કહ્યું,
‘બ્રાહ્મણ, પંજાબી, શીખ, શિયા કે સુન્ની-આ બધા માટે કોઈ ને કોઈ અછૂત છે. પણ જેમને માટે કોઈ અછૂત નથી એવા દલિતો જ શું સાચા માનવ ન કહેવાય?’
‘હા, મને પણ એવું જ લાગે છે. માણસ જેવો છે તેવો એને સ્વીકારી લેવાની સહજતા એમનામાં જ છે.આજે એમની જાતિ વિશે જાણીને તો મારો એમના પ્રત્યેનો આદર વધી ગયો છે.
(ઉમા ભ્રુગુબંદાની તમિલ વાર્તાને આધારે) આશા વીરેંદ્ર
–આશા વીરેન્દ્ર શાહ વલસાડ. Mobile : 94285 41137 eMail : avs_50@yahoo.com
(તા. 16-9-2019ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી આ વાર્તા, લેખીકાબહેનની અનુમતીથી સાભાર…ઉ.મ.) મુરબ્બી ઉત્તમભાઈએ લખ્યુઃ વહાલાં સરયુબહેન, ‘નેકી ઔર પુછ પુછ!’ લો, આ રહી વાર્તા..!! મંજુરી છે.. મુકો પ્રેમથી…
♦●♦ આવી ‘ટચુકડી’ વાર્તાઓની ‘ઈ.બુક’ તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ – પચીસ વાર્તાની એક રુપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પુરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ uttamgajjar@gmail.com અથવા https://www.aksharnaad.com/downloads/ ઉપરથી 71મી બુક મફત ડાઉનલોડ કરજો. બીજાંય ઘણાં પુસ્તકો ત્યાંથી મળશે.
—————————————————————————————————————————-
કવિ નાથાલાલ દવેના અનેક ચાહકોનું પ્રિય ભજનઃ
ચાકડો
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.
વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે લખિયા કાં કેર?
નિંભાડે અનગળ અગનિ ધગધગે,
ઝાળું સળગે ચોમેર—કાચી.
વેળા એવી વીતી રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકાં પંડ રે પરમાણ—કાચી.
હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા ઉચાટ—કાચી.
——
કવિ નાથાલાલ દવે, ભાવનગર. કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩.
રસ દર્શન…મુનિભાઈ મહેતા.
જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવી એટલે જાણે કાચી માટીમાંથી બનાવેલો ઘડો. ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, “મારે કેમ આવા દુખ? કરમનાં ચાકડે ચડવાનું, નિંભાડામાં દુખની જ્વાળાઓમાં શેકાવાનું.” એવાં દુખ આવે કે જાણે એમાંથી ક્યારેય પાર નહીં ઉતરાય. “હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?”
પણ, દુખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. અનુભવોમાંથી નીકળતો, આત્મજ્ઞાન પામતો – ‘नष्ट मोह स्म्रुति लब्धा’ની વાત જાણે સમજતો જાય છે. સુખ-દુખનો સામનો કરી, પુરૂષાર્થથી માર્ગ કાઢે છે.
કવિવર રવિન્દ્રનાથે લખ્યું છે –
“એ જીવન પુણ્ય કરો દહત – દાને.
વ્યથા મોર ઊઠબે જવલે ઉર્ધ્વ – પાને.“
દાહનું દાન દઈને આ જીવન પવિત્ર કરો,
મારી વ્યથા ઉર્ધ્વમુખ બનીને પ્રજળી ઊઠશે.
ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે…
“હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા ઉચાટ.”
એવું કહીને જીવન જીવ્યાનો, સુખ-દુખથી ઘડાયાનો આનંદ અને સંતોષ સૂચવી જાય છે. અને મનમાં ઓછપ આણ્યા વગર, ઉચાટ કર્યા વગર જીવન જીવવા જેવું છે – માણવા જેવું છે…એવો અનહદ નાદ સૂણાવી જાય છે. અસ્તુ.
કવિશ્રીના ભાણેજ, મુનિભાઈ, પદ્મશ્રી ડો.એમ.એચ.મહેતા. chairman@glsbiotech.com વડોદરા.
————————————————————
રંગોળી, ઈલા મહેતા