Category Archives: વાર્તા

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૯.ટીએન…એક વિદ્યાર્થીની.

               તારા ઓષ્ઠો હલે ને મારી આંખ સાંભળે. મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.

                        ૯. ટીએન…એક વિદ્યાર્થીની. સરયૂ પરીખ

Continue reading મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૯.ટીએન…એક વિદ્યાર્થીની.

જીદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

“દાદીમા, આપણે ભગવાનના મંદિરે દરરોજ જઈએ છીએ! રોજે આપણે જ જવાનું? કોઈ દિવસ એ આપણા ઘેર ન આવે?’’ ભોળા બાળકે પૂછેલું.

જવાબમાં દાદીમા પહેલાં તો હસ્યાં અને પછી કહ્યું, “દીકરા એ ન આવે. આપણે જ જવું જોઈએ.’’

“પણ કેમ ન આવે?’’ બાળકે ફરી પૂછયું.

“બેટા, કહ્યુંને એ ન આવે. એ ભગવાન છે.’’ દાદીમાએ ટૂંકો જવાબ આપી વાત પૂરી કરી.

સમય વીત્યે બાળક યુવાન થયો. તેનું નામ અરજણ હતું. દાદીમા તો હવે રહ્યાં નહોતાં પણ પેલો પ્રશ્ન! એ આપણે ઘેર કેમ ન આવે? હજુ ત્યાં જ ઊભો હતો.

ભરયુવાનીમાં પણ ગામના લોકો અરજણને ભગત કહેતા. લગ્ન કર્યાં નહોતાં. ખેતીની સારી આવક હતી. નાના-મોટા રોગોથી પીડાતા લોકોની થાય એટલી સેવા ભગત કરતા.

રણ વિસ્તારના કેટલાક દૂરના ગામોમાં હજુ વીજળીના દીવા પણ આવ્યા નહોતા, ટેલિફોન તો દૂરની વાત હતી. ભગતે એક મોટર વસાવી હતી. ડ્રાઇવિંગ જાતે જ કરતા. આસપાસના ગામો સુધી ભગતની સેવાભાવનાની મહેક પ્રસરી હતી.

ગામના દલિત વિસ્તારમાં સુવાવડી મંગુને અડધી રાતે અચાનક પેટમાં દુખાવો ઊપડયો. વરસાદ કહે મારું કામ! દલિત પરિવાર પર જાણે આભ તૂટી પડયું! ભગતની મોટર ખોરડા પાસે આવીને ઊભી રહી.

“ભગત નહીં, ભગવાન આવ્યા!’’ મંગુની સાસુ હરખભેર બોલી હતી.

આવો મીઠો રણકાર ભગતે ઘણી વખત સાંભળ્યો હતો.

***

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૮.અસ્વીકાર્ય…

                                          સંતાન કે સામાજીક દંભ…કોને મહત્વ આપશું?

                          ૮. અસ્વીકાર્ય…સરયૂ પરીખ

Continue reading મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૮.અસ્વીકાર્ય…

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૭. શ્યામ બજાયે…

 ૭. શ્યામ બજાયે આજ મુરલિયા…સરયૂ દિલીપ પરીખ

Continue reading મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૭. શ્યામ બજાયે…

વેદના ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

“સમય પણ કેટલો ઝડપથી પસાર થઈ ગયો. સુસવાટા મારતા આ પવનની ઝડપની જેમ જ તો!’’ દેવીપ્રસાદ જીવનની ફ્લેશબૅકની યાત્રા પર હતા.

શહેરમાં દૂરના અલ્પવિકસિત વિસ્તારમાં ખોબા જેવડા મકાનમાં સુનંદા સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત થઈ હતી. સંઘર્ષમય દિવસોનો તબક્કો હતો. નવા શરૂ કરેલ ધંધાના સ્થળે સમયસર પહોંચવા એક સાઇકલની ખાસ જરૂર હતી. પરંતુ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા શક્ય નહોતી. એક સાંજે કામ પરથી પાછો ફર્યો ત્યારે સુનંદા કાંઈક વધારે ખુશ દેખાતી હતી. રાત્રે સૂતા પહેલા ગાંઠ વાળેલ એક રૂમાલ તેણે મને આપ્યો.

“સાનુ, શું છે …. આ રૂમાલમાં?’’ મેં પૂછયું હતું.

“તમે જ ખોલીને જુઓને!’’ લાડ કરતા એ બોલી હતી. રૂમાલમાં હજારેક રૂપિયા હતા. “આ પૈસા તો આપણા લગ્નપ્રસંગે વડીલોએ તને આશીર્વાદ આપતા સમયે આપ્યા હતા એ છે ને? સાનુ, આ પૈસા તારા છે. મારે એ પૈસાને હાથ પણ લગાડાય નહીં.’’ રૂમાલ પાછો આપતા મેં કહ્યું હતું.

“દેવ, તમે પણ! હવે શું મારું અને તમારું! અને હા, નવી સાઇકલ પર બેસવાના અભરખા અમને પણ હોય ને?’’ અને પછી તો હું, સુનંદા, રાહુલ અને અમારી નવી સાઇકલ, રવિવારની સાંજ પડે તેની રાહમાં હોઈએ. સાઇકલ નહીં પણ કોઈ નવા સાથીદારે અમારા જીવનમાં પ્રવેશ કર્યો હતો. દર રક્ષાબંધને સુનંદા સાઇકલના હેન્ડલ પર રક્ષાનો દોરો અચૂક બાંધતી.

પાંચેક વર્ષ પસાર થયાં. સમયે કરવટ બદલી. ધંધામાં બરકત આવી. આવતી જ રહી. શહેરના પોશ વિસ્તારમાં મોટો બંગલો, નોકર-ચાકર અને કોણ જાણે કેટલાંય સ્કૂટરો અને મોટરો બદલાતી રહી. પરંતુ પેલી સાઇકલ સુનંદાએ પૂરા જતનથી સાચવીને રાખી હતી. સુનંદાના અવસાન પછી મેં એ સાઇકલને સ્ટોરરૂમમાં પડેલી જોઈ હતી.

0 0 0

રાતના દસેક વાગ્યા હશે. બારણાને નોક કરી પુત્રવધૂએ દેવીપ્રસાદના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એ આંખો બંધ કરી પથારીમાં જાગતા પડ્યા હતા. “પપ્પાજી દવા સાથે લેવા માટેનું દૂધ ટેબલ પર રાખ્યું છે; અને હા, પપ્પાજી આજે બપોરે સ્ટોરરૂમાં પડેલ બધો જ ભંગાર વેચી નાખ્યો. તેના પાંચસો રૂપિયા આવ્યા છે. એ પણ ટેબલ પર રાખ્યા છે.’’ પુત્રવધૂએ નિર્દોષભાવે કહ્યું.

“વહુબેટા, એ પૈસા તમારી પાસે જ રાખો. દાનધર્મમાં તેનો ઉપયોગ કરજો.’’ ગળગળા અવાજે દેવીપ્રસાદ માંડ એટલું બોલી શક્યા અને ઝડપથી પડખું ફરી ગયા.

***

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૬.રચના રાજકુમારી

જીવનમાં સાવ અણધાર્યો વળાંક ઉપસ્થિત થાય તો કેમ કરીને પોતાને સંભાળશું?
                                                 જોઈએ રચના શું  કરે છે?

૬. રચના રાજકુમારી…સરયૂ પરીખ 

        નાળાની બપોરે હું મારી વ્હાલી સખી રચનાને અહોભાવથી જોઈ રહી હતી. નવા જ તૈયાર થયેલા ચણિયા ચોળી, કેવા સિવાયા છે એ જોવા માટે રચનાએ પહેરેલાં. કમરામાં દાખલ થતાં જ રચનાનાં મમ્મીનાં બોલાયેલાં શબ્દો, “અહો! મારી રચના રાજકુમારી!” એ દ્રશ્ય આજે એમ જ યાદ આવી ગયું… મારી એ સખીના લગ્ન દૂરના શહેરમાં હતાં. તેથી જ કદાચ હું મારા ઘેર અમારી મિત્રતાના મનરવમાં ખોવાયેલી હતી. રચના અને મારી ઘણી માંગણી છતાં, મારા મમ્મી પાપાએ મને લગ્નમાં જવાની ના પાડી હતી.

        રચના દિલ્હી જેવા મોટા શહેરમાં ઊછરેલી. અમારે ગામ ભાવનગર, લગભગ દર વર્ષે એના નાનીને ઘેર વેકેશનમાં આવતી. તેના મોસાળમાં મામા-મામી, માસી વગેરેથી ભર્યા ઘરમાં ઘણાં મિત્રોનો જમેલો ચાલુ રહેતો. રમત ગમત અને વાતોમાં તે સ્નેહભર્યા વર્તનથી મિત્રોને બાંધી રાખતી. એ વખતે હું ચૌદ વર્ષની અને રચના મારા કરતાં ત્રણ વર્ષ મોટી તો પણ અમે ખાસ બેનપણીઓ બની ગયેલાં. વર્ષો સાથે અમારી મિત્રતા અનન્ય બની ગઈ. રચના કોલેજનો ઊંચી કક્ષાનો અભ્યાસ કરી રહી હતી પણ હંમેશા કહેતી કે, “હું અભ્યાસ વગેરે સરસ રીતે કરીશ, પણ મારું ભવિષ્ય તો એક સરસ મજાનું ઘર અને કુટુંબના સપના જુએ છે.”

          જ્યારે એનું લગ્ન નક્કી થયું ત્યારે રચનાએ કાગળમાં લખ્યું હતું કે અજય એમની જ્ઞાતિનો જ છે. મિલિટરીમાં હોવાથી દેશની સરહદ  પર છે….રચનાના મોટાભાઈ અજયને મળી આવ્યા હતા. રચનાના માતા-પિતાએ અજયના પિતા અને બે બહેનોને મુંબઈમાં મળી, સારું કુટુંબ છે તેની ખાત્રી કરી લીધી હતી. અજય વેવિશાળ વખતે દિલ્હી આવ્યો ત્યારે તેની સાથેની મુલાકાત પછી રચનાએ લખ્યું હતું…,”મારા તરફથી એટલું જ કહું કે -મેરે મહબૂબમે ક્યા નહીં!” મીઠી કોયલની જેમ ચહેકતી રચનાનો કાગળ વાંચી હું પણ ઝૂમી ઊઠી હતી. ત્રણ ભાઈઓની લાડલી બહેનનાં લગ્ન દિલ્હીમાં ધામધૂમથી થઈ ગયા.

         લગ્ન પછી પંદર દિવસમાં રચના એક દિવસ એકલી અમને મળવાં આવી ચડી. નવદંપતિ અમદાવાદ તેમના સગાને મળવા આવેલાં ત્યારે રચના એક દિવસ માટે ખાસ ભાવનગર આવેલી. હું તેનાં લગ્ન વખતના ફોટા જોઈ, સુખી ભવિષ્યના કાંગરે નિશંક વિરાજતી રચનાને ખુશી ખુશી જોતી રહી. અજય નહોતો આવ્યો પણ રચનાની વાતો પરથી તેનું મજાનું છાયાચિત્ર માનસપટ પર દોરાઈ ગયું હતું. રચના નવો સંસાર શરૂ કરવાની અનેક વાતો કરતી રહી. બે મહિના પછી એ સરહદ પર અજય  સાથે રહેવા જવાની હતી. અમને થયું, વાહ! ચલચિત્રની વાર્તા જેવું બધું સરસ ગોઠવાઈ ગયું.

         પછી છએક મહિના સુધી રચનાનાં કાંઈ સમાચાર નહોતાં તેથી હું કલ્પના કરતી રહેતી કે, એ કેવી આનંદમાં હશે અને કેટલા ઉત્સાહથી એનો  ઘરસંસાર ગુંજતો હશે! એવામાં એક દિવસ એના માસીનાં બેનપણી ઘેર આવ્યા અને કહે,

         “રચના તો તેનાં મમ્મીને ઘેર પાછી આવતી રહી છે.” મને આ સમાચાર તીરની જેમ વાગ્યા. એવું શું કારણ હશે? હું માનવા કે એ વાત કોઈને કહેવા, તૈયાર ન હતી. મને થયું કે એવું શક્ય જ ન હોય અને હું એ વાત દબાવી રાખું તો એમ જ ઓસરી જશે. આંખ આડા કાન કરું તો હવામાં ઓગળી જશે…મારી સખી, જે દર પંદર દિવસે લાંબો કાગળ લખતી, તે સાવ ચૂપ થઈને દૂર દેશમાં જાણે ખોવાઈ ગઈ હતી. એના ઊડતાં સમાચારો આવતાં. મારા પત્રોનો જવાબ નહોતી આપતી પણ, મને ખાત્રી હતી કે એ બનશે ત્યારે જરૂર મારી હુંફાળી લાગણીનો સહારો લેશે. મહિનાઓ પછી કોઈ મિત્રના લગ્ન પ્રસંગે અમારા ગામ આવી ત્યારે મારે ઘેર ઓચિંતી જ આવીને ઊભી રહી. અમારી બન્નેની આંખો મળતાં જ કસીને બાંધેલી હિંમતની પાળ તૂટી પડી અને આંસુ ધસી આવ્યાં. એ રાત્રે અગાશીના એકાંતમાં તેણે બધી વાત વિસ્તારથી કહી.

       રચના બોલી, “મારા લગ્ન ધામધૂમથી થઈ ગયાં. ઘરમાં ખુશીનાં માહોલમાં અતડા રહેતા અજયને મેં ‘ગંભીર સ્વભાવ’ હશે એમ માની લીધો. સુહાગરાત ખાસ વિશિષ્ઠ ન હતી. ‘સંમતિ લગ્નમાં, પ્રેમ-લગ્નનો ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે. અમે એકલાં હશું ત્યારની વાત જૂદી જ હશે. હું તેને એટલો પ્રેમ આપીશ કે એ મારો જ બનીને રહેશે’.

      “અજયને સરહદ પર એની ફરજ પર પહોંચવાનું  હતું. હું મમ્મીને ઘેર બે અઠવાડિયા રહી અને બધો  જરૂરી સામાન લઈ, અતિ ઉત્સાહથી મારું ઘર વસાવવા અજય પાંસે પહોંચી ગઈ. ઘેર આવ્યાં પછી મારા ઉમંગભર્યાં આલિંગનના પ્રતિભાવમાં તેના ઉમળકાનો અભાવ અનુભવ્યો. મને સારી રીતે ઘર વ્યવસ્થા બતાવી, રસોઈમાં મદદ કરી, પણ એકાંતમાં ન કોઈ જુવાળ કે ન કોઈ રોમાંચક સ્પર્શ. ઠંડો આવકાર અને નોકર ટોમીની સતત હાજરીથી મને જરા અચરજ થયું, પણ મારા આદર્શ પત્ની બનવાનાં અરમાનોને અજય વિષે કશું અજુગતું દેખાતું જ નહોતું….

         “પહેલાં બે દિવસ તો હું પણ ઘર વ્યવસ્થિત કરવાના કામને લીધે થાકેલી હતી તેથી તેની ઊર્મિરહિત વર્તણૂક મને ધ્યાનમાં ન આવી, પણ ત્રીજી રાત્રે મેં તેને વ્હાલ કરી પૂછ્યું કે, ‘કેમ દૂર સુતો છે?’ તો થાકનું બહાનું કહીને, પડખું ફરીને ઊંઘી ગયો. રાતના અંધારામાં મારા અંતર સ્પંદન નીરવ બની ગયા.” …રચનાનો અવાજ લાગણીના વ્હેણમાં અટવાઈ ગયો.

          “એક વખત બપોરે હું બહારથી ખરીદી કરીને આવી ત્યારે ટોમીને અમારા શયનખંડમાંથી જલ્દીથી બહાર નીકળતા જોયો, પણ સવાલ પૂછતાં મને સંકોચ થયો. આમ મૂંઝવણ અને ઉષ્માહીન ઘરમાં પંદરેક દિવસ ગયા હતાં. એ રાત્રે હું નવરાત્રીના પ્રથમ દિવસે બાજુમાં ગરબા અને માતાજીની આરતીમાં ગયેલી. ત્યાં મેનેજરના પત્નીએ મને પૂછ્યું કે, ‘ટોમી ગેસ્ટહાઉસની ચાવી લેવા પંદર દિવસમાં બે વખત આવ્યો હતો, કેમ કોઈ આવ્યું હતું?’ એ સવાલનો જવાબ મારી પાંસે નહોતો.

          “અકળાયેલું મન લોકોના ઘેરામાં બહુ ન લાગ્યું અને ત્યાંથી વહેલી નીકળી ગઈ. ઘેર આવી અજયને ચમકાવવા અમારા કમરામાં હસતી, હસતી જઈને ઊભી રહી… પણ અજય અને ટોમીને એકબીજા સાથે વીંટળાયને અમારા પલંગમાં સુતેલાં જોઈ મારા પર જ આશ્ચર્યની વીજળી ત્રાટકી!!!”… ઓહ! એવી વાત સાંભળી જાણે હવા સ્તબ્દ બની થંભી ગઈ.

          રચનાને મેં આગળ બોલતાં રોકી. “રહેવા દે મારી બહેની,” કહી હું તેનો હાથ મારા હાથમાં લઈને બેસી રહી. થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈ રચના ફરી બોલી.

         “ટોમી જટ ઊઠીને જતો રહ્યો પણ પછીની અજયની વર્તણૂકથી મને અત્યંત દુઃખ થયું. કશા સંકોચ કે શરમ વગર એ બોલ્યો, ‘સારું, હવે તને આ બાબતની ખબર પડી ગઈ. હાં, ટોમી આપણાં જીવનનો હિસ્સો બનીને રહેશે.’ તરત તો હું કશું બોલી ન શકી. આવડું મોટું જૂઠ! પરિસ્થિતીનું તથ્ય સમજતાં આંખે અંધારા આવી ગયાં. બહારના ઓરડામાં આખી રાત મારા ભવિષ્ય, મારા સ્વજનો અને સમાજ વિષે વિચાર કરતી બેસી રહી. એ રાતની એકલતા હું ક્યારેય ભૂલી નહીં શકું.

         “બીજે દિવસે સવારમાં અજય આવીને મારી સામે બેઠો. મને મનમાં એટલી બળતરા થતી હતી કે એની સાથે નજર મેળવવાની શક્ય ન હતી. મારો પહેલો પ્રશ્ન, ‘તમે મારી સાથે લગ્ન શા માટે કર્યાં?’  તેના જવાબમાં અજય સામાન્ય વાત કરતો હોય તેમ બોલ્યો, ‘બધાને તું  પસંદ પડી ગયેલી. ઘરનાં લોકો મારા લગ્ન કરાવવા માટે એવા પાછળ પડેલાં હતાં કે મારા નકારનું કોઈ કારણ જ ધ્યાનમાં નહોતા લેતા. અંતે તારી સાથે બધું સરળતાથી ગોઠવાઈ ગયું અને મને લાગ્યું કે તું મને સ્વીકારીશ.’

          “’તેં મારી જિંદગી બરબાદ કરી નાખી…’ એવા મારા નિશ્વાસ પર એ કહે, ‘તું જરા સહકાર આપશે તો બધું ઠીક થઈ જશે.’ એ માણસની બેદરકારી અને બેજવાબદારી ભરી વાતો સાંભળી હું અવાચક થઈ ગઈ. એ ઘડીએ બધું તોડી ફોડીને ભાગી જવાનું મન થઈ ગયું. પણ મમ્મી-પપ્પા અને ભાઈઓને કેટલો મોટો ધક્કો લાગશે એ વિચારે અટકી ગઈ. કદાચ આ માણસમાં પરિવર્તન લાવી શકું! પ્રયત્ન તો કરવો જ રહ્યો. રાત્રે હું અમારી પથારીમાં સૂતી ત્યાં થોડી વારમાં ટોમી આવીને અજયની બીજી તરફ  સૂઈ ગયો. મારાથી આ સહન ન થતાં એ દિવસથી મેં એ શયનખંડમાં રાતના પગ મૂકવાનું બંધ કર્યું.  દિવસે અનેક રીતે સમજાવવા અને તેને સમજવા મેં પ્રયત્નો કરી જોયા. પણ દર વખતે અજય મને આ વ્યવસ્થા સ્વીકારી જીવવા માટે આગ્રહ કરતો રહ્યો.

         “પહેલાંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે દશેરાને દિવસે મમ્મી આવ્યાં. એ તો ઉમંગ સાથે એની રચનાને ઘેર થોડા દિવસ રહેવાં  આવ્યાં  હતાં. મારો ઉતરેલો ચહેરો અને નિસ્તેજ આંખો જોઈ સમજી ગયા કે, ‘કાંઈક મુશ્કેલી છે.’ પણ આવી અજુક્ત હાલત હશે એની કલ્પના સુધ્ધા ન હતી. બે દિવસ પછી જેમતેમ હિંમત ભેગી કરી, મેં પહેલી વખત વિચારોને શબ્દોમાં ગોઠવી, મમ્મીને વાત કરી. એમનાં મુખ પર નિરાશા, ગુસ્સો અને અસહાયતાના ભાવો રડી રહ્યાં. અજયના વર્તનમાં ઉપેક્ષા અને રૂક્ષતા જોઈ તેની સાથે વાત કરવાનો કશો અર્થ મમ્મીને દેખાયો નહીં… હવે શું?

         “મેં અજય સાથે વાત કરી કે ટોમીને છોડીને અમારું લગ્નજીવન બચાવવા  કોઈ પણ ઉપાય બતાવે તો હું સહકાર આપવા તૈયાર છું. પણ એ તો, ‘ટોમી સાથેનો મારો સંબંધ સૌથી વધારે મહત્વનો છે અને એ સ્વીકારી આગળ વધવા તૈયાર હોય તો જ વાત કરવાનો અર્થ છે,’ એમ જણાવી ચૂપ થઈ ગયો…હવે નિર્ણય મારે લેવાનો હતો. મમ્મી સાથે મારી માનસિક અવદશાનું રાતદિવસ વિશ્લેષણ કરવાને અંતે, ‘મારો આમાં કશો વાંક નથી,’  એટલો આત્મવિશ્વાસ આવ્યો. લગ્ન ખંડિત થવાનું આવું અતિ ગુહ્ય કારણ કેમ કરીને સમાજમાં સમજાવીશ એ ચિંતા કોરી ખાતી હતી.

           “છેલ્લે દિવસે મારા ગુસ્સાને હું કાબુમાં ન રાખી શકી. કાંપતા અવાજે અજયને મેં જણાવ્યુ કે, ‘આપણા સંબંધનું નિધન થઈ રહ્યું છે, અને તને હત્યારાના સ્વરૂપમાં જોઈ રહી છું. મને અને મારા સ્વજનોને વિના વાંકે આટલું દુઃખ પંહોચાડવા માટે તને ભગવાન માફ નહીં કરે. તને મારી આહ્‍ની એવી આંચ લાગે કે તું કદી સુખેથી જીવી ન શકે. મારી નજર સામેથી જતો રહે. તારો નિર્લજ ચહેરો ફરી નહીં બતાવતો…'” રચના આવેશમાં ધ્રૂજી રહી હતી.

          “મહિનાઓથી પ્રયત્ન કરું છું, પણ મારા દિલના અરીસા પર ઘેરાયેલું જાળું છે તે સાફ નથી થતું. ફરી ક્યારે હસી શકીશ! મારા માટે જ નહીં, ઘરના લોકો માટે પણ મારા ભવિષ્યનો દોર જલ્દી હાથમાં લેવો પડશે.” રચના મારા ખોળામાં માથું મૂકી ઉદાસ નજરે અવકાશમાં જોઈ રહી. પછી મનોમન બોલતી હોય તેમ કહે, “મને લાગે છે કે અજયના બાપ અને બહેનો પણ આ ષડયંત્રમાં જોડાયેલાં હતાં.”

             “ઓહ! ના ના, કોઈ એટલાં નિર્દય અને સ્વાર્થી થઈ શકે?”  

          રચનાની આ ધારણાનું પ્રમાણ મારા લગ્ન પછી થોડાં સમયમાં જ મળી ગયું. મારા સસરાને મળવા તેમના એક સજ્જન મિત્ર આવ્યા. તેમની સાથે વાતો કરતાં ખબર પડી કે તે અજયના સગા કાકા થતા હતા. એ વડીલ કહે કે મારે એક વાતની કબુલાત કરવાની છે. અજયના લગ્ન પછી રીસેપ્શન માટે અમે મુંબઈ ગયા ત્યારે રચનાને મળ્યા. રાતના અમે બે ભાઈઓ એકલા બેઠાં હતા ત્યારે મેં ભાઈને પૂછ્યું, “પેલો નોકર- માણસ અજયની સાથે ને સાથે કેમ ફર્યા કરે છે?”

      “એ તેનો…, શું કહું? પ્રેમી છે. આ વાત અજયે થોડાં દિવસ પહેલાં જ કહી.”

     વાત સાંભળી મને સખત ઝટકો લાગ્યો, “ભાઈ! તો એને આ છોકરી સાથે પરણાવ્યો કેમ?”

      “રચના એટલી સુંદર અને સમજુ છોકરી છે કે અજયને સુધારી લેશે.” પિતાએ બચાવ કર્યો.

     “મેં તેમને કહ્યું કે, ‘ભાઈ, તમે મોટું પાપ કર્યું છે’. એ દિવસ પછી ભાઈ કે અજય સાથે હું બોલ્યો નથી.” આ વડીલની વાત જાણી રચના માટે અમારું દિલ દર્દથી વધુ ખોતરાયું.

         થોડાં સમયમાં જ રચનાએ ઘણી અઘરી પરીક્ષા પાસ કરી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી, સફળ વ્યવસાયિક જીવન વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓમાં પણ ઘણો ફાળો આપ્યો. તેનાં આકર્ષક વ્યક્તિત્વને લીધે સફર દરમ્યાન કેટલીક તક આવી અને ગઈ, પણ એનાં દિલને જીતનાર જીવનમાં કોઈ આવ્યો જ નહીં.

દિલ મારું એક  વાર દઈ ચૂકી,
મેળામાં   ઘેલી  હું  થઈ  ચૂકી.
સ્નેહ  ને  સમર્પણના મેહ લઈ,
વાદ
ળી  બનીને  વરસી  ચૂકી.

         માતાપિતાના ગયા પછી અને ભાઈઓ સાથેની પલક જલક  મુલાકાત વચ્ચે એકલતાની સંવેદના રચનાને ઘણી વખત સતાવતી….છેલ્લે એક પ્રસંગ વિષે રચના કહેતી હતી. “નિવૃત્ત થયેલા મિલિટરીનાં સભ્યોને ભેટ આપવાના મેળાવડામાં હું મુખ્ય-મહેમાન હતી. એમાં અજયનું નામ બોલાતા મારું હ્રદય   એક ધડકન  ચૂકી ગયું. મંચ પર આવીને ભેટ લેતા મારી સામે નજર મિલાવી શક્યો નહીં. મેં જોયું કે સાવ નબળો લાગતો હતો અને ધીમે ધીમે જઈ ટોમીની બાજુમાં બેઠો. મારા મનમાં ચણચણાટી થઈ કે એની સાથે કોઈ છે, જ્યારે હું એકલી છું!”

રચના રાજકુમારી
ત્રણ ભાઈની એકલ બહેની ગરવી ને લાડકડી,
માની મમતા બોલે, ‘મારી રચના રાજકુમારી’.

અમનચમનમાં
 ઊછરી કન્યા હીરદોરને ઝાલી,
દુધ મળે  જો માંગે પાણી, દીકરી સૌની વ્હાલી.
સુજ્ઞ સુશીલા આશ  ઉંમરે  રાહ  જુએ સાજનની,
ચારેબાજું   શોધ  ચલાવી ઉમંગથી  પરણાવી.

મધુરજનીનાં રંગીન સ્વપ્નો સળગે તેના બોલે,
“મને  ગમે આ  નોકર બંદો, પહેલો એ પ્રેમી છે.
સૌની ટીકટીક  કચકચથી હું કંટાળ્યો’તો એવો;
લગ્ન કરીને લાવ્યો તુજને  છોડવવાને પીછો.”

ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન  અટકાવે,
અનેક  ડંખો  સહીને  કળથી કપટીને સમજાવે.
અરે! વિંખાયો  માળો  એનો  શરૂ  શરૂના  રસ્તે.
અંતે  ચાલી  એક અટૂલી  લાંબા  જીવન  રસ્તે,

અગર હોત જો સોણો સાથી સહેજે પ્રેમ પીરસતી,
ઘેરાયેલી  હોત  કુટુંબમાં  આજે  પ્યાર જતનથી.
——

સંજોગ; ઓક્ટોબર ૨૦૧૯માં ભારત જવું કે નહીં એ વિવાદ ચાલતો હતો, ત્યારે વડોદરાથી ભાઈએ કહ્યું કે આપણે દિવાળી દિલ્હીમાં ઉજવશું… રચના પણ ત્યાં મળશે. બસ તરત નિર્ણય લેવાઈ ગયો. દિલ્હીમાં બધાં વચ્ચે બે કિશોરીઓનું હસવાનું ચાલ્યું. “હું તને તારા ઘર સુધી મૂકવા આવું અને પાછી તું મને મૂકવા આવે…તું ઘેલી અને હું પણ ઘેલી…” “જા હવે, એ તો તું નાની તેથી…” ત્યાં મારી ભત્રીજી યાદ કરાવે, “એ સિનિઅર આન્ટી! અમારી સાથે પણ વાતો કરો.” અને હું અને રચના વર્તમાનમાં ખેંચાઈ આવીએ. એ અંતિમ મુલાકાત મનભરીને હૈયામાં સાંચવી અમે છૂટા પડ્યાં. તેનાં મિત્રો સાથે પાંચ દિવસના પ્રવાસમાં જવાની હતી.

        પછી બે સપ્તાહમાં જ મારી હસતી રમતી સખી, રચના, નશ્વર દૂનિયા છોડી ચાલી ગઈ.
આતે કેવો જોગાનજોગ! સખીએ હંમેશા જીવન જીવતાં, અને સંકેલતા, બીજાને ખુશી આપી.                                                                         

 

 

બૅન્ક-બૅલન્સ્ (લઘુકથા) ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

ત્રીજા માળે આવેલ અમારા ફ્લૅટનાં પગથિયાં દરરોજ ઊતરવાં અને ચડવાનો મારો રોજનો ક્રમ હતો. પરંતુ આજે સાંજે પગથિયાં ચડી ઘરમાં દાખલ થયો અને શ્વાસ ચડ્યો. મારા શ્વાસોચ્છ્વાસની ગતિ જોઈ પુત્રવધૂએ પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગી. તેનો હાથ ફરતો રહ્યો. થોડી વારે હું સ્વસ્થ થયો.

“પપ્પાજી, હવે કેમ છે?’’ તેણે પૂછયું.

“સારું છે, આ પગથિયાં જરા ઝડપથી ચડયો એટલે… અને બેટા, હવે છાસઠ થયાં. ક્યારેક થાય આવું. ચિંતા નહીં કરવાની.’’ મેં સહજભાવે કહ્યું.

કમલ ઘેર આવ્યો ત્યારે ફૅમિલી ડૉક્ટરને સાથે લઈને આવ્યો હતો. ડૉક્ટરે મારું બી.પી. વગેરે તપાસ્યું. બધું જ નોર્મલ હતું. હતી તો માત્ર સંતાનોની મારા તરફની ચિંતા.

સવારે મૉર્નિંગ વૉકમાં અને સાંજે ગાંધી પાર્કમાં જૂના મિત્રોને મળ્યા વગર મને ચાલતું નહીં. આ બંને મેળાપ મારું ‘ટૉનિક’ હતું! કમલ એ જાણતો હતો. મારા આશ્ચર્ય વચ્ચે પંદરેક દિવસ પછી રવિવારની સવારે એક ટ્રક અમારા ફ્લૅટની નીચે આવીને ઊભો હતો.

“નજીકમાં સરકારી ક્વાર્ટર છે. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે રહેવા જવાનું છે.’’ કમલે કહ્યું.

“પણ… ત્યાં તારા પગારમાંથી મોટું ઘરભાડું કપાશે અને આ ફ્લૅટના હપ્તા પણ ચૂકવવાના. મને પૂછવું તો હતું!’’

“પપ્પાજી, કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હવે અમને પણ આપો.’’ પુત્રવધૂએ હસીને કહ્યું. બપોરના એક વાગ્યા સુધીમાં નવા ઘરમાં સામાન પણ ગોઠવાઈ ગયો. કમલ બધા માટે સારી હોટલમાંથી જમવાનું લઈ આવ્યો હતો. જમીને બે-અઢી વાગ્યે કમલ અને પુત્રવધૂ તેમના રૂમમાં જઈ ઊંઘી ગયા. પાંચ વર્ષના લાલાને મારા પડખામાં સૂવાની આદત હતી. થોડી વારે એ પણ ઊંઘી ગયો અને હું વિચારતો રહ્યો…

આઠેક વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે વીસેક લાખ રૂપિયા આવ્યા હતા. કેટકેટલી સલાહ મળેલ ‘જો જો હો… લાગણીમાં આવી બાળકો પાછળ ખર્ચી નાખતા નહીં. આ મરણમૂડી કહેવાય. ખાતામાં પૈસા પડયા હોય તો વૃદ્ધાવસ્થામાં બીમારી સામે લડી શકાય. સારી હૉસ્પિટલમાં સારવાર લઈ શકાય. પૈસા હોય તો બાળકો પણ સારસંભાળ લેવામાં કાળજી લે.’ વગેરે ઢગલો સલાહસૂચનો મિત્રો અને સંબંધીઓ દ્વારા મળ્યા હતા, પરંતુ હું મારા સ્વભાવ પ્રમાણે જ ચાલ્યો. પુત્રને ફ્લૅટ ખરીદવા મોટી રકમ આપી. અને નિવૃત્તિ પછી અન્ય કેટલાક વ્યવહારિક ખર્ચાઓ પણ આવ્યા. પરિણામ બૅન્ક બૅલન્સનું તળિયું દેખાયું.

આજે આ ઉંમરે બૅન્ક બૅલન્સ્ લગભગ નહિવત્. પરંતુ સામે પક્ષે જે કાંઈ હતું એ સો ટચના સોના જેવું હતું.

***

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ ૫.સુકાયેલાં આંસુ

નિરાશામાં ડૂબેલ વ્યક્તિ પોતે જ મિત્રતાનું દ્વાર બંધ કરે છે. મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય, પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાં માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે. સુકાયેલા આંસુની કહાણી…

                                          ૫. સુકાયેલાં આંસુ…. સરયૂ પરીખ

થોડા સમય પહેલાં જ હ્યુસ્ટનની સ્ત્રીઓને મદદ કરતી સેવા સંસ્થામાં મને નિર્ણાયક સમિતિમાં સભ્ય, Board Member બનાવી હતી. મારા વારા પ્રમાણે એ અઠવાડીએ ટેલિફોનકોલનો જવાબ મારે આપવાનો હતો. અમે શહેરમાં રહેતી ગૃહસંસારમાં પીડિત બહેનોને મદદ કરતા. તેથી એ દિવસે, દૂરના રાજ્યમાંથી ફોન આવતા નવાઈ લાગી. એ બહેન કહે, “હું મારી ભાણેજ, જે ભારતથી અહીં આવી રહી છે તેને માટે આપની સંસ્થાની મદદ માંગી રહી છું. મને બીજી સંસ્થાઓમાંથી નકારાત્મક જવાબ મળી ગયો છે. તમારી છેલ્લી આશા છે.”

         “પણ તમે ક્યાંથી બોલો છો? તમને જણાવું કે અમારી સંસ્થા નાની છે અને અમે બીજા રાજ્યોમાં મદદ ન કરી શકીએ તેથી ત્યાંની સંસ્થાની મદદ શોધો.” અને હું ફોન મૂકવાની તૈયારીમાં હતી ત્યાં એ બહેન એકદમ બોલ્યાં,

         “મહેરબાની કરી મને પાંચ મિનિટ આપો. મારી ભાણેજના પતિ અને દીકરી હ્યુસ્ટનમાં છે, તેથી તમારી મદદની જરૂર છે. મારી ભાણેજ, સીમા પાસે આ દેશમાં રહેવા માટેનું જરૂરી ગ્રીન કાર્ડ છે. બે વર્ષથી દેશમાં છે, પણ થોડા સમયમાં તેની ફોઈની સાથે હ્યુસ્ટન આવશે. એના પતિ અને પાંચ વર્ષની દીકરી, ત્યાં હ્યુસ્ટનમાં  રહે છે…. તમારી સંસ્થા અમારી છેલ્લી આશા છે.” ઓહ! આ તો અટવાયેલો મામલો લાગે છે… અને હું બેસીને તેમની વાતની નોંધ કરવા લાગી.

         આ સાથે ઘણાં સવાલો ઊઠ્યાં, પણ મેં વિચાર્યું કે સીમાને અહીં બીજા કોઈની મદદ નથી તો અમારી સમિતિમાં તેનો કેઈસ દાખલ કરી શકીશ એમ વિચારી…., ‘શહેરમાં આવી મને જણાવે’ એમ કહી એ સમયે વાત પૂરી કરી.  

        એકાદ મહિનામાં સીમાની માસીએ મને જણાવ્યું કે સીમા તેની ફોઈ સાથે હ્યુસ્ટન આવી ગઈ છે. હું એને મળવા ગઈ. લગભગ અઠ્યાવીશ વર્ષની સીમા, દક્ષીણ ભારતમાં ઉછરેલી નમ્ર, ઓછાબોલી અને જરા ધીમી લાગતી હતી. તેની ફોઇ ઘણાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી હતાં. સીમાએ દેશમાં ફાર્મસીનો અભ્યાસ કરેલો છે એ જાણતા મારો વિશ્વાસ વધ્યો કે અહીંની લાઈસન્સ પરીક્ષા પાસ કરી નોકરી શોધી શકશે. જો કે સીમા અને ફોઇ મારા ઉત્સાહમાં સાથ નહોતાં પુરાવતાં એથી મને મૂંઝવણ થઈ. ફોઈએ સીમા માટે વકીલની વ્યવસ્થા કરી હતી.   

        બીજે દિવસે હું તેમને સ્ત્રી-આશ્રય સંસ્થામાં લઈ ગઈ જ્યાં સીમાને રહેવાની વ્યવસ્થા કરાવી હતી. ત્યારે એમણે મને કહ્યું કે ફોઈએ સીમાના પતિ, માધવને તેમની દીકરી સાથે રેસ્ટોરન્ટમાં પરાણે મળવા બોલાવ્યા હતા. પણ તે એકલો જ આવ્યો, દસ મિનિટ બેઠો, અને “મારા વકીલ દ્વારા જ આગળ વાત કરશું,” કહીને, પોતાના વકીલનું કાર્ડ પકડાવીને જતો રહ્યો હતો… સીમાને પોતાની જવાબદારી સંભાળવાની સૂચના આપી, ફોઈ તેને મારે ભરોસે સોંપીને, નીકળી ગયાં.

         અમારા સંસ્થાસભ્યોની હાજરીમાં સીમાના જીવનની કરુણતા જાણવા મળી. સીમાનાં ડોક્ટર પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામેલા તેથી એકલી માના સહારે મોટી થયેલી. ભારતમાં ફાર્મસીનો અભ્યાસ પૂરો કર્યા પછી, સાત વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈને સીમા અમેરિકામાં ફોઈને ઘેર આવી હતી. ટૂંકી મુલાકાત બાદ કમ્પ્યુટર નિષ્ણાત માધવ સાથે લગ્ન થઈ ગયેલા. હ્યુસ્ટનમાં લગ્નજીવનની શરૂઆત થઈ જ્યાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતા. દોઢ વર્ષમાં દીકરીનો જન્મ થયો.

       સીમા નીચી નજર રાખી બોલી, “મને ખબર નથી કેમ, પણ ઘર અવ્યવસ્થિત પડ્યુ હોય ને હું ખરીદી કરવા નીકળી પડું. મને એવું બધું ગમતું. સાસુ, સસરા અને પતિ મારી અણઆવડત પર ફરિયાદ કરતા રહેતા તો પણ મને કશું કરવાનું મન નહોતું થતું. દીકરીને મારા સાસુ સંભાળતાં. મારાં મન મગજ  પર બેદરકારી અને ઉદાસીનતા છવાયેલી રહેતી જેની મને પોતાને પણ સમજ ન હતી. જાણે આસપાસ શું ચાલી રહ્યું હતું એ વિષે અભાન રહેતી.”

        અમને ખ્યાલ આવી રહ્યો હતો કે સીમાની આ Depression, માનસિક ઉદાસીનતાની નિશાનીઓ છે. દરદીને પોતાને જ સમજ નથી પડતી. આસપાસના લોકો પણ આ એક બિમારી છે તે સમજવાને બદલે, ‘આળસુ’ અને ‘બેદરકાર’ ગણી ઉતારી પાડતા હોય છે. સજ્જન પરિવારો આવી વ્યક્તિઓને વફાદરીના ભાવથી સંભાળી લેતા હોય છે, પણ કેટલાક જાકારો આપી દેતા હોય છે.        

        સીમા બીજા કોઈની વાત કરતી હોય એમ ભાવરહિત આગળ બોલી, “મારી પરી ત્રણ વર્ષની હતી ત્યારે અમે બધાં દેશમાં મુલાકાત માટે ગયા. પાછા ફરવાના દિવસે મારા પતિ કહે કે, મારે દેશમાં રોકાઈ જવું અને તબિયતનો ઈલાજ કરાવવો. મારે એકલાં ભારતમાં નહોતું રોકાવું પણ મારા વિરોધ માટે મને ધક્કો મારીને એક બાજુ હડસેલી દીધેલી. મારો પાસપોર્ટ વગેરે જરૂરી કાગળીયા મારા પતિ પોતાની સાથે લઈ ગયેલાં જેથી હું અમેરિકામાં દાખલ ન થઈ શકું,… જે વાત બહુ મોડી મારા ધ્યાનમાં આવી.” ઑહ! જ્યારે આભ ફાટી રહ્યું હોય ત્યારે થીગડું શોધવાનું યાદ ન આવે…આમ બાળકી સાથે કુટુંબના ત્રણે સભ્યો હ્યુસ્ટન પાછા ફર્યા, અને સીમા ભારતમાં લાચાર એકલી રહી ગઈ.

        નવું ગ્રીનકાર્ડ મેળવતાં બે વર્ષ નીકળી ગયા. હવે પોતાની દીકરીને મળવાં અને પરિસ્થિતિનો સામનો કરવા અહીં આવી ઊભી હતી. સીમાને ક્રૂર રીતે તરછોડવામાં આવી હતી અને બાળકીને આંચકી લેવામાં આવી હતી. અમારી સંસ્થાએ એને મદદ કરવાનું સ્વીકાર્યું. શક્ય એટલી બધી મદદ શરૂ કરી દીધી. નોકરી શોધવા માટે એને અનેક ઓફીસોમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ થોડા દિવસોમાં જ મને સીમા વિષે ફરિયાદો આવતી કે, સમય પર તૈયાર નથી હોતી અથવા કહેલી જગ્યાએ હાજર નથી હોતી, વગેરે. નમ્ર અને ગરીબ સીમા પર દયા પણ આવતી અને રોષ પણ આવતો. ફાર્મસીના પુસ્તકો અભ્યાસ કરવા માટે લાવી આપ્યાં હતાં, જે લાંબા સમય સુધી ખોલેલાં પણ નહીં. પરીક્ષા માટેની તારીખ નજીક આવતાં એની પાછળ પડીને તૈયારી કરાવી, પણ પાસ ન થઈ.

         લગભગ રોજ કોઈ અણજાણે રસ્તેથી કે નાની મુશ્કેલીને કારણે, મારા ફોનની ઘંટડી વાગતી રહેતી અને મારે મદદ કરવા તૈયાર રહેવું પડતું. નિરાશા ઊંડી ઘર કરી ગયેલી જેના કારણે નિત્યકર્મ અને સામાન્ય જવાબદારી પણ બરાબર નહોતી નિભાવી શકતી….હવે મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે કંઈક ખૂટે છે. માનસિક ચિકિત્સા વગર નહીં ચાલે. સીમાની જ ભાષા બોલતાં અને સેવા આપતાં એક માનસશાસ્ત્રી, psychologist, સાથે સીમાની મુલાકાત ગોઠવી આપી. પણ આ એવું દરદ નથી કે તદ્દન મટી જાય.

         આ દરમ્યાન, મા દીકરીના મેળાપ અને સીમાનો સ્વીકાર કરે એ વિષે વાત કરવા, મેં સીમાનાં પતિને ફોન કર્યો. પરંતુ વિવેકપૂર્વક એણે મને કહી દીધું કે જે વાત થશે એ એના વકીલ દ્વારા થશે. હવે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે એ નક્કી હતું. સીમા માટે નોકરી શોધવાના પ્રયત્નમાં મને સફળતા મળી. એક ઓળખીતાં દુકાન મેનેજર બહેને સંવેદના બતાવી સીમાને નોકરી આપી. એની પાસે કાર હતી નહીં તેથી મારા ઘર નજીક એનું રહેવાનું જરૂરી હતું. અનાયાસ અમારા લોકલ સમાચાર પત્રમાં જાહેરાત જોઈ, ‘કોઈ બહેનને મારા ઘરમાં એક રૂમ ભાડે આપવાનો છે.’ હું સીમાને લઈને તરત પહોંચી અને અમારી સંસ્થા આપી શકે એટલા ભાડામાં સીમાને રહેવાની જગ્યા મળી ગઈ. હવે નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ પણ વાહન ન હોવાથી લેવા મૂકવાની મારી જવાબદારી બની ગઈ. સવારમાં એને લેવા જતાં બરાબર તૈયાર થઈ હોય તેવા ઓછાં દિવસો. ક્યારેક ઊઠતાં મોડું થઈ જાય, તો કોઈ વખત વસ્તુઓ શોધવામાં મોડું થઈ જાય.

        સીમા પાસે કાર ચલાવવાની પરવાનગી હતી. અમારા પાડોશમાં એક નાની કાર વેચવા માટે મુકાયેલી એ જોતા મેં તપાસ કરી અને સીમાની મુશ્કેલીની વાત સાંભળ્યાં પછી એ ભલા લોકો સસ્તા ભાવમાં વેચવા તૈયાર થયા હતા. નિયમ પ્રમાણે, અમારી સમિતિનાં સભ્યો કાર લેવા માટે પંદર સો ડોલર આપવાં તૈયાર નહોંતા, પણ ઘણી સમજાવટ પછી, સીમાએ શક્ય બને કે તરત હપ્તા ભરવા એવું નક્કી કરી, કાર ખરીદવાની સંમતિ મેળવી. આ પહેલાં ક્યારેય કાર ખરીદવાની મદદ મંજુર થઈ નહોતી અને શંકા છે કે ભવિષ્યમાં ફરી કદી થશે. મારા દિલમાં ઊંડો વસવસો રહી ગયો કે આ કાર આપવાની ચર્ચામાં અમારાં સમિતિ સભ્યો વચ્ચે મતભેદ થયો હતો.

         સીમા કાર તો બરાબર ચલાવતી, પણ કોઈ વાર સવારે, “મારી ચાવી નથી મળતી” કે એવો કોઈ કોલ આવે…. એક વખત રાતના અગ્યાર વાગે કામ ઉપરથી નીકળતાં,

       “મારી ગાડી ચાલુ નથી થતી.” એવો કોલ આવ્યો. હું મદદ માટે નીકળવા પ્રવૃત્ત થઈ, પણ તરત એક વિચાર આવતા મેં કોલ કરી પૂછ્યું, “કાર ક્યા ગીયરમાં છે?”

       “ઓહ! હાં, ડ્રાઈવમાં હતી.” કહેતાં જરા હસવાનો અવાજ સંભળાયો, “સોરી”. જ્યારે કાર બંધ કરી હશે ત્યારે પાર્કમાં મૂકવાનું ભૂલી ગઈ હોવાથી ડ્રાઈવમાં જ ગાડી પડી રહેલી. જૂની કારમાં કોઈ યાદ કરાવનાર ઘંટડી નહોતી.      

       સીમાના વકીલની અરજીથી એ દિવસ આવ્યો જ્યારે સીમા તેની દીકરીને મળવા જવાની હતી!! એણે રમકડાં તો લઈ રાખ્યાં હતાં. એ દિવસે પોતે નવાં વસ્ત્રો પહેરીને મારે ઘેર આવી ગઈ હતી. એનાં પતિએ પોતાના ઘરથી નજીકના શોપિંગમોલમાં મળવા માટે બોલાવ્યા હતા, જે અમારા ઘરથી કલાક દૂરની જગ્યા હતી. સલામતીના વિચાર સાથે, મારા પતિ અમને કારમાં લઈ ગયા.

        બે વર્ષથી એણે પોતાની બાળકીને જોઈ નહોતી. ત્રણ વર્ષની પરી, જેને સીમા તેડીને ફરતી હતી, એ આજે પાંચ વર્ષની નિશાળે જતી અને સ્પષ્ટ બોલતી બાલિકા થઈ ગઈ હતી. પિતા પુત્રીને નજીક જોતા, સીમાના મુખ પરના બદલાતાં ભાવો હું જોઈ રહી. એ રડી પડશે એવું લાગ્યું… અમે સામાન્ય વાતચિત કરી એ ત્રણેને એક જગ્યાએ બેસવાનું સૂચન કર્યું. અમે દૂરથી જોઈ રહ્યાં હતાં કે પરી એનાં પિતાથી જરા પણ દૂર ખસવા નહોંતી માંગતી અને સીમાથી બને તેટલી દૂર બેસવાં પ્રયત્ન કરતી હતી. સીમાને કેટલું માઠું લાગતું હશે એ વિચારથી અમારૂ દિલ દ્રવતું હતું. હુકમ પ્રમાણે કલાકનો મુલાકાતનો સમય આપવામાં આવેલો હતો. જેમતેમ સમજાવી પિતાએ મા-દીકરીને એકાંત આપ્યું. પહેલાં તો એ રડતી હતી પણ સીમાએ એને રમકડાં આપી ખુશ કરી અને થોડા સમય પછી એ બન્ને સાથે મોલના અંદરના ભાગમાં ગયા. સીમાનો પતિ માધવ અમારી સાથે થોડી વાતો કરી પુસ્તક વાંચવાં લાગ્યો.

         જ્યારે સીમા અને પરી પાછાં ફર્યા ત્યારે બાળકીના મુખ ઉપર હાસ્ય જોઈ અમને સારું લાગ્યું. પરી દોડતી જઈ તેનાં પિતાને વળગીને ઊભી રહી…. કારમાં મેં બાળકીના પ્રસન્ન ચહેરા વિષે આનંદ વ્યક્ત કર્યો ત્યારે સીમાએ કહ્યું, “બધો વખત પરી તેનાં  પિતાની જ વાતો કરતી હતી અને ઉદાસ હતી. એ પહેલી વખત હસી જ્યારે એણે એના પિતાને ફરી જોયો.” આ વાત કેટલી પીડાજનક હતી એ માનું દિલ જ સમજી શકે. પછી દરેક મુલાકાતમાં સીમાને એવો જ અનુભવ થતો રહ્યો.

        સીમાના આમ  પાંચ મહિનાઓ પસાર થઈ ગયા. તેને બે મિત્ર કુટુંબનો પહેલાનો પરિચય હતો. સીમાનો પક્ષ મજબૂત કરવા માટે જુબાની આપવા માટે અમે એ મિત્રોને વિનંતી કરી પણ કોઈને મનાવી ન શક્યા. સીમાની નોકરી પરથી પણ ફરિયાદો આવતી. પોતાના બીલ ભરવા, વસ્તુઓ વ્યવસ્થિત રાખવી વગેરે પણ એ જવાબદારીપૂર્વક નહોતી કરી શકતી. એના પતિને ફરી સીમા સાથે સંસાર માંડવો નહોતો. એનું કારણ સીમાની માનસિક અવસ્થાનું હતું, પણ જે રીતે એને તરછોડવામાં આવી એ અમાનવિય હતું. કોર્ટમાં છૂટાછેડાના પરિણામમાં, બાળકી પિતા પાસે રહી અને સીમાને પરીને રજાઓમાં મળવાની પરવાનગી મળી. થોડા ડોલર મળ્યા જેમાંથી નાની રકમ બાળકીના ખર્ચા તરીકે આપવાની સીમાને જવાબદારી અપાઈ. અહીં દરેકને લાગે કે આમાં ન્યાય ક્યાં છે! પણ, બુદ્ધિનું પ્રભુત્વ દરેકના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. કાયદા પ્રમાણે ન્યાય આપનારા જુએ કે સીમા પાસે આવક નથી કે રહેવા ઘર નથી. એના કોઈ મિત્ર નહોતાં જે આવીને એની ક્ષમતાની સાબિતી આપી શકે. સીમાને જે તે નિર્ણય સ્વીકારવો રહ્યો.

         હું એને કહેતી કે, “તારો આ પ્રયત્ન વ્યર્થ નહીં જાય. દીકરી સમજણી થશે ત્યારે એને સમજાશે કે એની માંએ એને પાછી મેળવવા પ્રયત્નો કર્યા હતા અને તને શોધતી આવશે.”

        અમે સીમાને તેના કુટુંબ સાથે જઈને રહે અથવા ભારત પાછી જઈને, તેની માતા સાથે રહે તેવી સલાહ આપી. સાત મહિનાઓ પછી અમારી તેને મદદ કરવાની ધીરજ અને સાધનસામગ્રી ક્ષીણ થતા જતા હતા. ઘરમાલિક મહિનાથી રુમ ખાલી કરવાની નોટીસ આપી ચૂકી હતી. થોડા દિવસો ફરી સ્ત્રી સેવાસંસ્થામાં સીમાને રહેવાની વ્યવસ્થા કરી આપી.

         ઘર ખાલી કરવાના દિવસે સીમાને કહ્યું હતું કે, “સામાન સમેટી રાખજે. બને તેટલો તારી કારમાં ભરી દેજે.” … હું બપોરે મદદ કરવા ગઈ ત્યારે રુમમાં બધું વેરણ છેરણ પડેલું. બીચારી સીમા, ખૂબ કામ કરતી પણ વ્યવસ્થાની ખામીને લીધે કશું પાર નહોતું પડતું. મારી અકળામણ દબાવી તેની કાર ભરી અને બાકીની વસ્તુઓ મારી કારમાં મૂકી શેલ્ટર પર મૂકી આવી.

        “જો સીમા, હવે નોકરી કે બીજા કોઈ કામ નથી તો આમાંથી નકામી વસ્તુઓ ફેંકી તારી કાર ખાલી કરી નાખજે.” મેં ભાર દઈને કહ્યું.

         “હાં, હાં,” હસીને સીમાએ જવાબ આપી દીધો. દસેક દિવસ પછી ટિકિટની વ્યવસ્થા થતાં સીમા તેનાં ફોઈને ઘેર, ફિલાડેલ્ફીઆ જવા તૈયાર થઈ. અમારા ડ્રાઈવ-વેમાં કાર પાર્ક કરવાની અનુમતિ આપવી પડી. મેં જોયું કે કારમાંથી પોતાની બેગ કાઢી લીધા પછી બાકીની વસ્તુઓ એમ જ ભરેલી હતી. હવે કાર વેચવાની મારી જવાબદારીને લીધે, વસ્તુઓ ઠેકાણે પાડી. કાર વેચતા બે મહિના નીકળી ગયા. આજ સુધીમાં સીમાએ ફક્ત એક વખત હપ્તાના સો ડોલર સંસ્થાને આપેલાં.

         સીમા તેની દીકરીને મળવા માટે પાછી હ્યુસ્ટન આવી. મેં તેને વસ્તુઓ અને વેચેલી કારના ડોલર્સ આપતાં કહ્યું, “સીમા કાર વેચાયાના પૈસા સંસ્થાને પાછાં આપવા જોઈએ પણ તારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, સભ્યોની મંજુરીથી, તને આપું છું.”

          “પંદર સો ડોલરનો ચેક મેં આપ્યો હતો ને?” દસ મહિના પહેલાની વાત એ સાવ ભૂલી ગયેલી કે ખરીદવાના ડોલર અમારી સંસ્થાએ આપેલાં.

            “સીમા! તારું ખાતુ ખોલાવી પંદર સો ડોલર કોણે જમા કરાવ્યા હતા? અમારી સંસ્થાએ, ખરું?”

            “હા, એ વાત તો તમારી સાચી,” કહી સીમા ભોળી નજરે આભારવશ મારી સામે જોઈ રહી.     અનેક રીતે કરેલી મદદ કરવાં માટે તેને સમજાવ્યા પછી તેણે અમારી સંસ્થાનો આભાર માનતો કાગળ લખીને મને આપ્યો.

           પરી સાથે ગાળેલા સમય વિષે સીમાએ કહ્યું, “દીદી, આ વખતની મુલાકતમાં પરીનું અતડાપણું ઓછું થયું હતું. હું તેની મા છું એ સમજ પડી હોય તેમ લાગ્યું… એટલો સંતોષ લઈ શકું.” તેની સુકાયેલા આંસુવાળી આંખો પહેલી વાર ભીની થઈ ગઈ.

          “હા સીમા, તારા અસ્તિત્વનું સત્ય તેને ઉજાગર થયું અને ભવિષ્યમાં પરી જરુર તારા તરફ સ્નેહ અને સંવેદનાથી ખેંચાઈને આવશે.” મેં તેને પ્રેમથી ભેટીને વિદાય આપી.

           ત્યાર બાદ સીમા દીકરીને મળવાં આવી શકી નહીં… ફરી આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ તેને પોસાય તેમ ન હતો…. એ દિવસે અમારા ઘેર લગ્નપ્રસંગની ધમાલ હતી, એવામાં સીમાનો ફોન આવ્યો, “દીદી! તમારી સલાહ પ્રમાણે દેશમાં પાછી જઈ રહી છું. મારી બાળકીને મળવાનું શક્ય બનાવવા બદલ તમારો ખૂબ આભાર.”  એના માટે પ્રાર્થના સિવાય હવે હું કશું નહીં કરી શકું, એવો કરુણ ભાવ મારા મન પર છવાઈ ગયો.
…. પણ ભવિષ્ય કોણ જાણે છે? 

સુકાયેલાં આંસુ
આ નિરાશાનાં અંધારે ઓરડે, એકલતા દર્દની દીવાલમાં,
હીબકાં ભરુંને હસું બાવલી….
પ્રભુએ આપેલ મને એક પરી, શોધું હું ક્યમ ગલી અંધારી,
બોલાવું તો ય દૂર ગઈ સરી….
કોને કોસું ને કોને પરહરું! મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઈ સંગમાં ઊડી રહ્યું….
પડતી આથડતી અવકાશમાં, ખુલ્લી બારી ને મન મૂંઝાયું,
હું જ ખુલ્યા દ્વાર જઈ ભિડાવુ….
એક જ તણખો કે આ દિલ જલે, અચેતન જડને કો’ ઢંઢોળે.
એક દે નિશાની મમ જીવને,
હું અહીં છું, જીવંત છું….
—-
નિરાશામાં ડૂબેલ વ્યક્તિ પોતે જ મિત્રતાનું દ્વાર બંધ કરે છે. મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય, પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાં માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે.
saryuparikh@yahoo.com

પ્રસાદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

(આજથી દર ગુરુવારે મૂકાતી વાર્તાઓનું સંપાદન કરવાના કામનો સક્ષમ સાહિત્યકાર શ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકાર કર્યો છે એ બદલ “દાવડાનું આંગણું” તરફથી હું એમનો દિલથી આભાર માનું છું. એમની સાહિત્યની સૂઝબૂઝનો આપણને સહુને અમૂલ્ય લાભ મળશે જેનો મને અત્યંત આનંદ છે. થેંક્યુ હિતેનભાઈ. – જયશ્રી વિનુ મરચંટ)

(આવકાર: રાજકોટસ્થિત વાર્તાકાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ નિવૃત્ત શિક્ષક છે. વર્ષ 2017થી ‘ફૂલછાબ’ની બુધવારની પંચામૃત પૂર્તિમાં ‘સ્પંદન’ કૉલમ અંતર્ગત તેમની લઘુકથાઓ પ્રગટ થાય છે. કેરળ રાજ્યનાં ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠયપુસ્તકમાં વર્ષ 2012થી તેમની લઘુકથા ‘દૂધપીતી’નો સમાવેશ થયો છે. મોરારિબાપુની ઉત્તર કાશીની કથામાં તેમની સાથે વ્યક્તિગત મુલાકાત થઈ. કવિતા પછી વાર્તા મારો વિશેષ ગમતો પ્રકાર છે. તાજેતરમાં તેમના લઘુકથાના પુસ્તક ‘કૂંપળ લીલીછમ’માંથી  લીલુંછમ પસાર થવાનું બન્યું. કેટલીક કથાઓ સ્પર્શી ગઈ. તે આ બ્લોગના માધ્યમથી વિશેષ કરીને પરદેશમાં રહેતા ભાવકો સુધી પહોંચે એવી મારી ઇચ્છાને તેમણે સહર્ષ સંમતિ આપી. આ ક્ષણે પ્રકાશક કોમલ પબ્લિકેશનનો પણ ખાસ આભાર. ચાલો, આજનો ‘પ્રસાદ’ ગ્રહણ કરીએ. – હિતેન આનંદપરા )
—————————————————————————————————————————-

લઘુકથા : પ્રસાદ’

“માસીબા, મને ન ઓળખ્યો?’’

ઊંડી ઊતરી ગયેલી આંખોએ પચાસેક વર્ષના પ્રૌઢને ઓળખવાનો રૂડીમાએ નિષ્ફળ પ્રયત્ન કર્યો.

“હું ઘનશ્યામ, તમારો ઘનયો!’’ આંગણે ઊભેલાએ પોતાની ઓળખ આપી.

“અરે મારો ઘનયો! આ તારા વાળ પણ ધોળા થયાં અને હું પણ હવે ઓછું ભાળું – દીકરા, કેટલા વર્ષે આવ્યો?’’

“પાંત્રીસ-છત્રીસ તો ખરા.’’ ઘનશ્યામે જવાબ આપ્યો.

“તું નવમા ધોરણમાં હતો અને તારા બાપુજીની અહીંથી બદલી થઈ હતી. છેક બીજા રાજ્યમાં. રોટલો રળવા માણસે વતન છોડવું પડે. પણ, પછી તમે કોઈ દેખાયા જ નહીં. ક્યારેક તમારા કુટુંબના વાવડ મળતા. પછી વાવડ મળતા પણ બંધ થયા. નોકરિયાત લોકોની આ જ તકલીફ, માયા મૂકીને ચાલ્યા જાય!’’ રૂડીમાએ લાગણીની વ્યથા ઠાલવતાં કહ્યું.

આજે પચાસની ઉંમરે પહોંચેલ ઘનશ્યામ કરોડોનો આસામી હતો. થોડાં વર્ષ પરદેશમાં રહી પૈસા કમાઈને ભારત આવ્યો હતો. માતા-પિતાની છત્રછાયા રહી નહોતી. પત્ની અને બાળકો સાથે મુંબઈમાં રહેતો હતો. રાત્રે રૂડીમાના ઘેર રોકાઈ સવારે મુંબઈ જવા એ નીકળી જવાનો હતો.

પછી તો ઘનશ્યામ અને રૂડીમા વચ્ચે ઘણી વાતો થઈ. વચ્ચેનાં વર્ષો ઓગળતાં વાર લાગી નહીં! ઘનયાનો જન્મ થયો ત્યારથી પંદર વર્ષનો થયો ત્યાં સુધીના રૂડીમા સાક્ષી હતાં. ઘનયાને શું ભાવે, શું ન ભાવે? શું ગમે, શું ન ગમે? જેટલું ઘનયાની મા જાણે, તેટલું રૂડીમા પણ જાણે.

સાંજે વાળુ કરવા રૂડીમાનો નાનો દીકરો અને ઘનશ્યામ રસોડામાં જ પલાંઠીવાળીને બેઠા. બાળપણમાં પણ આ રીતે પલાંઠી વાળીને ઘણી વખત અહીં જમ્યો હતો.

“વહુબેટા, ભાણામાં ગોળ મૂકવાનું ભૂલતાં નહીં.’’ અંદરના ઓરડામાંથી રૂડીમા બોલ્યાં.

“બા, મોહનથાળ પીરસ્યો છે.’’ વહુએ જવાબ આપ્યો.

રૂડીમા ધીમા પગલે રસોડામાં ગયાં. ગોળનો ડબ્બો શોધ્યો. જાતે જ ગોળનો ગાંગડો થાળીમાં મૂક્યો અને એ પણ પલાંઠી વાળી ઘનયાની સામે બેઠાં. “મારા ઘનયાને ગોળ બહુ ભાવે હો… આખા મલકની મીઠાઈ એક તરફ અને તેને ભાવતો ગોળ એક તરફ.’’

ભાણામાં પડેલ ગોળ તરફ ઘનયાએ જોયું. ઘણાં વર્ષ થયાં ગોળની તેણે ટેક લીધી હતી. ‘ભાવતી વસ્તુની ટેક રાખીએ તો ટેક ફળે.’ કોઈએ તેને કહ્યું હતું.

દીવાના આછા પ્રકાશમાં તેણે રૂડીમાના મોં તરફ જોયું, એક પળનો પણ વિલંબ કર્યા વિના ગોળની ગાંગડી તેણે મોઢામાં મૂકી.

***

મિત્રો સાથે વાતો-સરયૂ પરીખ-૪. કોઈ મારી રાહ…

                            ૪. કોઈ મારી રાહ…સરયૂ પરીખ

સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી
બહાર નીકળવા માટે અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે,…જેને ‘વ્યસ્તતાનામ અપાય છે.

Continue reading મિત્રો સાથે વાતો-સરયૂ પરીખ-૪. કોઈ મારી રાહ…