Category Archives: વિનોદ જોષી

“તેં સાંભળ્યું?” -વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

‘તેં સાંભળ્યું?’-


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

                                 – વિનોદ જોષી૨૦૦૯

કવિશ્રી વિનોદ જોષીની ગઝલ ‘તેં સાંભળ્યું?’-નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
પ્રિયતમાના આવવાની ઘડીની કાગડોળે રાહ જોવાની એક આગવી મજા છે. “જો મજા હિજ્ર મેં હૈ, વો મજા વસ્લમેં કહાં!” પણ એક દિવસ એવો આવે કે માંગેલી બધી જ દુવાઓ કબૂલ થઈ જાય અને આલિંગનમાં અચાનક જ પ્રિયતમા આવી જાય, અને એ પણ ફક્ત એક રાત માટે, તો શું થાય? ગઝલનો મતલા એની છાની વાત લઈને આવે છે અને કાનમાં ખુલ્લંખુલ્લા કહી જાય છે. આંગળીઓનું પોતાનું વજૂદ છે અને બીજા બધાં અંગોને આંગળીઓની ઈર્ષા આવે, એવું પણ કંઈક અચાનક જ બને તો? રાત આખી હવે ઊંઘ અને સપનાંનો સવાલ જ નથી ઊભો થતો. પ્રિયતમાના કેશમાં આંગળીઓ ફરતી રહી. ન જાણે કેટકેટલા વર્ષોની રાહ જોવાનો થાક એને ઉતારવાનો હતો. રાતભર ન જાણે સેંકડો માઈલોની સફર ખેડી આવેલી એ આંગળીઓ થાકીને સવારમાં જાગે છે. ટેરવે ટેરવે થાક છે પણ આ મનગમતો થાક છે. એની ફરિયાદ આંગળીઓ નથી કરતી પણ રાત આખી સૂઈ ન શકેલી આંખો એની ચાડી કાનને કરે છે કે, ‘ભઈ, અમે જે રાતભર જોયું, એ તેં સાંભળ્યું કે નહીં?’ પ્રિયતમાની ઝુલ્ફોને રાતભર સહેલાવ્યા કરી, જાણે કે જન્મોજનમનાં વિરહના ઓવારણાં લેવાનાં રહી ગયા હતાં!

અને, હા, આ આંગળીઓ થાકેલી જરૂર છે, શરીર પર જરાના ઓછાયા પણ આવી ચૂક્યાં હોય પણ આ આંગળીઓ તો એ ખંડેર થતી ઈમારતનો હિસ્સો હવે ક્યારેય નહીં રહે. આ આંગળીઓ તો એનાં કેશને રાતભર સંવારતા સંવારતા, મંદારપુષ્પ સમી સદાયે મહેકતી ચિરયૌવના ગુલમ્હોરની કળી બની ગઈ છે! 

આટલાં બધાં વર્ષોની લાંબી ડગર અને એકલાં કાપેલી સફર, એ આંગળીઓના કાપા ગણી શકે એમ પણ ક્યાં હતા? પણ આજે, એકમેક વિના કાપેલી બેઉની જિંદગીમાં, જે ગાઢો સૂનકાર હતો, એવા ચિર સુનકારનું આવરણ આ આંગળીઓ પર કાયમ માટે વસી ગયું હોય એવું લાગતું હતું. પણ પ્રિયજનના આવવાથી અને એના કેશમાં આંગળીઓ રાતભર ફેરવતા, ટેરવા પરથી સૂનકાર તો અદ્રશ્ય થયો જ, પણ હવે દરેક આંગળીઓમાં વાંસળીના સૂરની મિઠાશ વસી ગઈ છે. આંખ બંધ કરીને જરા સાંભળો, તો મુલાયમ સ્વરોનો જાદુ કાનને સંભળાયા વિના ક્યાંથી રહેવાનો હતો? એટલું જ નહીં, ડંકાની ચૉટ પરથી એને કહેવું પણ છે કે, પ્રણયની વાંસળીના સૂરો આ અંગળીઓમાં એ રીતે આવીને વસ્યા જાણે કે શ્રીકૄષ્ણએ જ ગોપીઓને ઘેલી કરવા વાંસળી વગાડી હોય! પ્રેમ હોય ત્યાં કૃષ્ણ હોય અને કૃષ્ણ હોય ત્યાં વેરાની, સૂનકાર અને ભેંકારતા તો સંભવે જ નહીં.

પ્રિયાને જે પણ કંઈ કહેવું છે તે એક જનમમાં પણ કહેવાતું નથી તો એક રાત ક્યાંથી પૂરી પડે? એના રેશમી વાળમાં ફરતી આંગળીઓને જમાનાએ આપેલા અનેક દુઃખ દર્દને પોતાના સ્પર્શથી સહેલાવ્યાં પણ એ ઉઝરડાઓ, અચાનક જ ત્રાટકી પડેલી વિરહની વિનાશકારી વિજળીના હતા. આ વાત કોને કહેવી, કાનને કહે તો કદાચ મુખ સુધી જાય અને ફરિયાદ રૂપે કદાચ ઈશ્વર સુધી વાત પહોંચાડી શકાય..!

પ્રિયાના અંગો પર હાથ ફેરવતાં એક “આહ” નીકળી જાય છે કે જે અંગો ક્યારેક રેશમ-રેશમ હતાં, આજે ત્યાં વર્ષોની બરછટતાએ નિવાસ કરી લીધો છે. ન જાણે શું શું વીત્યું હશે એના પર? પોતાને પડેલી બધી જ તકલીકો ત્યારે ભૂલાઈ જવાય છે જ્યારે પ્રિયપાત્ર સાથે હોય, સામે હોય અને શબ્દો કંઈ પણ ન કહેતા હોય, બરછટતાને અડતાં જ, બસ, સ્પર્શના નાજુક પરપોટાં ફૂટી જતાં, વિતેલાં વરસોનું સરવૈયું પોતે જ મુખર બનીને રહસ્યોને ખોલવા માંડે છે. કારણ, સ્પર્શના પરપોટાનું લાંબુ આયુષ્ય નથી હોતું.

“આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
 એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.”

આ અજાણ્યો દેશ ક્યો છે, અને શા માટે એની કબૂલાત કરવી પડે છે, કંઈક સંદિગ્ધતાથી, કદાચ, કોઈક ખાતરી મેળવવા કે હા, પ્રિયતમ પર જે વિત્યું છે અને એ દેશ-કાળ અજાણ્યો છે, પણ સાંભળ, ચિંતા નહીં કર, મને તો ફાવી જશે. આ જ સમયે, જેમ કોઈ ધીર ગંભીર વડીલ કે વ્હાલા મિત્ર સધિયારો અપાવે એમ કાન કહે છે, “ચિંતા શું કરે છે? આ દેશ ને કાળમાં જે જીવવાનું છે, જીરવવાનું છે, તે અજાણી ભોમકા છે તો શું થયું? પ્રણયની એ ગલી તો જાણીતી છે ને? બસ, ત્યાં એ ગલીમાંથી ગુજરતાં કશું જ અજાણ્યું નહીં લાગે, મેં તો એવું જ સાંભળ્યું છે.” આ કવિશ્રી વિનોદ જોષીની સક્ષમ અને ખમતીધર કલમથી જ નિપજી અને, નીતરી શકે એવી આત્મવિશ્વાસથી છલાકાતી ખુમારી છે, ભરોસો છે, Assurance છે. “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યું હી મસ્ત નગમે લૂંટાતા રહું!”

આ ગઝલનો છેલ્લો શેર, સમાપન કરે છે, સ્નેહનું, પ્રણયનું, એકમેકની સંભાળ લેવાની અદમ્ય ઝંખનાનું અને જો કોઈ પણ શંકા હજુ રહી ગઈ હોય તો, કે,

“આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
 કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.”

કાફિયા ઓઢવા એટલે “મને પણ”-Me too – ની પૂર્તિ કરવી. હવે પ્રિયા એકલી નથી, એના પર જે કંઈ પણ વીત્યું હોય તો એની સાથે “બેક સીટ” પર, ગઝલના રદીફ જેમ હું સાથે જ છું! અહીં, બધાં જ દ્વૈત ખરી પડે છે અને ગઝલના રદીફ-કાફિયા જેમ ઐક્ય સંધાય છે, આત્માથી આત્માનું, શરીરી તત્વોથી અશરીરી તત્વોનું. અહીં સાંભળવાની અને સંભળાવવાની ક્રિયા-પ્રક્રિયાઓ, બધું જ ખરી પડે છે અને પ્રેમ માત્ર “શિવોડ્હમ્ શિવોડ્હમ્, સચ્ચિદાનંદોડ્હમ્!” બની જાય છે.

આ ગઝલ વિરહની કે દુઃખની નથી પણ પ્રેમ નામના પ્રદેશનું રાષ્ટ્રગીત છે.

ક્લોઝ-અપઃ જિગર મુરાદાબાદી

“શબે-વસ્લ ક્યા મુખ્તસર હો ગઈ,

 જરા આંખ ઝપકી, સહર હો ગઈ.

નિગાહોંને સબ રાઝે-દિલ કહ દિયા,

ઉન્હેં આજ અપની ખબર હો ગઈ.”

ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

મિલનની ટૂંકી રાત કેમ તાર-તાર થઈ ગઈ?

જરા આંખ શું મળી, તરત સવાર થઈ ગઈ!

શું છે એ મારા માટે એ તો લ્યો જાણી ગયા!

ભેદ ખોલતી નજર કેવી ધારદાર થઈ ગઈ!”