“ઊંઘી ગઈ છે” – ગઝલ
ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઊંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઊંઘી ગઈ છે !
અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઊંઘી ગઈ છે !!
વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઊંઘી ગઈ છે !
સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઊંઘી ગઈ છે !!
વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઊંઘી ગઈ છે !!
જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઊંઘી ગઈ છે !!
શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઊંઘી ગઈ છે !!
એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઊંઘી ગઈ છે !!
ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઊંઘી ગઈ છે !
મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઊંઘી ગઈ છે !!
– રિષભ મહેતા
રિષભ મહેતા ની ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા
ગઝલ જગતમાં રિષભ મહેતાના નામથી કોઈ અજાણ્યું નહિ હોય. મલ્ટી ટેલેન્ટ ધરાવતા કવિ શ્રી ગોધરાના વાતની છે અને ગોધરામાં વસવાટ કરે છે. કવિશ્રી એક સુંદર અવાજના માલિક અને સ્ટેજ શો માટે મશહૂર છે. એમની આ ગઝલ ફેઈસબુક પરથી મળી. વાંચતા જ ગમી જાય એવી આ ગઝલના નવ શેર છે અને ઉંઘી ગઈ છે રદીફ લઈને એક થી એક ચઢિયાતા શેર આપ્યા છે.
ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઉંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે !
કોઈવાર ગઝલ લખવા બેઠા હોઈએ અને કલમ હાથમાં રહી જાય અને કાંઈ સૂઝે નહિ. તો કેવી હાલત થાય. મગજ સુન્ન હોય એમાં કોઈ પણ પ્રકારની ખળભળ ના હોય કશું યાદ ના આવે ત્યારે કોઈપણ કાઇને લાગે કે ટેબલ ઉંઘી ગયું છે ખુરશી ઉંઘી ગઈ છે કાગળ, કમ અને છેવટે ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે. મત્લાનો શેર કોઈપણ ગઝલકારની હાલતનું બયાન કરે છે. આવી પરિસ્થિતિ દરેક કવિના જીવનમાં આવતી હશે. પંક્તિ ડોકિયા કરીને ઉંઘી જતી હોય છે.
અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઉંઘી ગઈ છે !!
જેવી બત્તીની સ્વીચ બંધ કરો. અંધકારની ભૂતાવળ ચારેબાજુ ફરવા લાગે છે. અંધકારને બિંદાસ્ત ફરે છે. કારણકે હવે પ્રકાશ એને કનડતો નથી. એને ખબર છે કે બત્તી ઉંઘી ગઈ છે. કવિની બત્તીને ઉંઘાડવાની વાત ગમી. સામાન્ય માણસ હોય તો કહે બત્તી બંધ કરો, પણ કવિ આત્મા હોય તો એમ જ કહે બત્તીને ઉંઘાડી દો.
વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઉંઘી ગઈ છે !
પવન ભલે ધીમે ધીમે વાતો રહે. પણ બિલકુલ ચુપચાપ! જરા પણ મર્મર કે સળવળ ના થાએ! કારણ? કારણકે થાકીને આ પર્ણો ઉંઘી ગયા છે અને ડાળી ઉંઘી ગઈ છે. કવિ પ્રકૃતિને પણ સુવાડી દે છે.
સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઉંઘી ગઈ છે !!
આજ સારું થશે કાલ સારું થશે !! એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ આ સમય ખરેખર વીતે છે કે કૈક સારું થશે એની આશ માં બેસી રહે છે. આજકાલની પેઢી પર શ્લેષ કરતા કવિ કહે છે કે સારપ ની આખી પેઢી ઉંઘી ગઈ છે. ખરેખર જ્યારે આંખે બુરાઈની પટ્ટી આંખે બાંધેલી હોય એ પેઢીને ઉંઘતી પેઢી જ કહેવાયને!! સારપ ની એ પેઢીને શું થયું? જમાનાની એવી હવા લાગી છે કે લોકો માં ભલમાનસાઈ રહી નથી. સારપ શોધવા જાઓ તો મળતી નથી.
વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઉંઘી ગઈ છે !!
મેટ્રો સિટીમાં માણસને માણસની પડી નથી. ગિરદી એટલી છે કે માણસને શોધવો અઘરો છે. એ ગિરદી પણ કેવી? ઉંઘેલી લાગણીવહિન, બેઅસર, પથ્થર સમાન માનવી જાગે તોય શું અને ઉંઘે તોય શું? ગામ છોડવાની સજા છે. કે માણસને પથ્થર બનાવી ગઈ. પછી વિચારો પણ એ રીતે લાગણીવિહીન અને બેઅસર થઇ જતા હશે. બિલકુલ મેટ્રો સિટીની જેમ!
જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઉંઘી ગઈ છે !!
મંદિરમાં થતા ઘંટારવથી ઈશ્વર જાગતો નથી! તો તમને કેવી રીતે જગાડવા? આ તમારી નિદ્રા કેવી છે ઈશ્વર? મૂર્તિ ઈ સમક્ષ રોજ પૂજા થાય છે. તમને જગાડવા ઘંટારવ થાય છે તમને જગાડતા જગાડતા મૂર્તિ ઉંઘી ગઈ છે! પણ તમારી નિદ્રા તૂટતી નથી! આ કરોના કાળમાં તો દરેક ધર્મના લોકો ઈશ્વરનો દરવાજો ખટખટાવી ચુક્યા પણ ઈશ્વર પણ જાને બધિર થઇ ગયા છે કે પછી ઈન્સાનના પાપ વધી ગયા છે!
શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઉંઘી ગઈ છે !!
ઉપરના શેર કરતા બિલકુલ વિરુદ્ધનો શેર બન્યો છે કવિને હજુ પણ શ્રદ્ધા છે કે એ ઈશ્વરને જગાડી શકશે. આ તો બુદ્ધિ ક્યારેક ઉંઘી જાય એટલે ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય પણ ફરી શ્રદ્ધા જગાડી પણ જાય અને ઈશ્વરને જગાડે!
એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઉંઘી ગઈ છે !!
આંખો બંધ કરી લેવાથી સામેથી મુશ્કેલીઓ હટી નથી જતી! એ તો ત્યાંજ હોય છે. આંધળા માણસને વળી પ્રકાશની શું ખબર? એજ રીતે પોતાની આંખનો અંધાપો આપણને ક્યાં સાચી હકીકત બતાવે છે. સુષ્ટિ ઉંઘી નથી પણ મારી આંખ સામે પરદા છે. કહે છે ને જગતના કાંચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,જગત કાજી થઈને તું ના પીડા વહોરી લેજે!
ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઉંઘી ગઈ છે !
દીવાલ સાથે માથા પટકાવાથી શું ફાયદો? કોઈના દિલમાં ઉતારવા માટે હૃદયની બારી પર દસ્તક કરો અને જ્યારે ખબર પડે કે હૃદયની બારી ના ખુલે તો એ પથ્થર હૃદયની દીવાલો પર ટકોરા મારતા રહો!! બારી જ ઉંઘી ગઈ છે તો ભીંત શું જવાબ આપવાની!
મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઉંઘી ગઈ છે !!
ગઝલ આવે તો અડધી રાતે આવે!! આ ગઝલનું પણ એવું છે. દિવસના ભાગમાં ભાગતી ફરે અને રાતે તકિયે આવીને બેસી જાય! એટલે ગઝલ પણ રાતરાણી જેવી છે. એ રાતે જ મહેકે! એને જાગવાની આદત છે. પણ ક્યારેક આખી રાત જાગો તો પણ એ ના આવે! ત્યારે કવિ કહે છે કે આમ તો મોડે સુધી જાગતી હોય છે પણ આજ જરા વહેલી સુઈ ગઈ છે! કવિ શ્રી રિષભ મહેતાજી ખૂબ સુંદર રદીફ સાથે સુંદર ગઝલ !!ધન્યવાદ!
સપના વિજાપુરા