‘આપણું આંગણું’ આવકાર
આવકાર
આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,
આજનાં આનંદમાં તનમન હસીને ન્હાય છે.
નહીં નહીં જે જાણતો કે જીંદગીમાં આખરે,
શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પૂજાય છે.
શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,
સ્નેહ કેરા સ્પર્શ સાથે મિત્રતા પરખાય છે.
રાખીને જે આપતો ને આપીને જે રાખતો,
દાન ને સ્વીકાર બેથી ધન્ય જીવન થાય છે.
દ્વાર પર તોરણ સજાવી રંકને સત્કારતો,
તેની સાથે કૃષ્ણ હોંશે રાસ રમવા જાય છે.
—–
સલોની સરયૂ પરીખ
“સલોની…! સવારના સાડાસાત વાગ્યા, બ્રેકફાસ્ટ રેડી…,” શ્યામની ત્રીજી બૂમનો પણ કોઈ જવાબ ન આવ્યો!
“મારા બોલાવતા પહેલા હાજર થનારી મારી રાજકુમારી, ક્યાં છે?” એમ કહેતો યુવા ઉંમરનો Law-Profesor શ્યામ, તેના વિશાળ બંગલામાં દસ વર્ષની દીકરીને શોધવા નીકળ્યો. સલોની પોતાનાં રૂમમાં નથી! કદાચ, તેની બિલાડીને લઈને બગીચામાં ગઈ હશે…પણ બારણું તો અંદરથી બંધ હતું! ઘરમાં અને બગીચામાં શ્યામ બધે જોઈ વળ્યો. હવે શ્યામની ગભરામણ વધી ગઈ.
દસ વર્ષની નાજુક સલોની એકદમ શાંત અને રોજના નિત્યક્રમમાં વ્યવસ્થિત હતી. શ્યામની કોરીઅન પત્ની, કીમ, સવારમાં મોડી ઊઠે તેથી વર્ષોથી સવારમાં શ્યામ રસોડામાં હોય. તે બન્ને લો-સ્કૂલમાંથી સાથે ડીગ્રી લીધા પછી લગ્નગ્રંથીથી જોડાયેલાં. હજી બે દિવસ પહેલાં જ સલોની તેની દાદી સાથે ફેઈસ ટાઈમ પર વાત કરતી હતી.
“મારે અને સીસને દરરોજ કલાક પિયાનો પ્રૅક્ટિસ કરવાની.” ‘ગમે છે કે નહીં?’ તેનાં જવાબમાં બોલી, “મમ્મી કહે છે કે કરવાની જ.” તેની ઉશ્કેરાટ વગર વાત કરવાની રીતને લીધે, સલોનીનો અણગમો બહુ વાંધાજનક પ્રતીત થયો નહીં. અમે બધાંએ માની લીધું કે તેને પિયાનો પ્રૅક્ટિસ ગમે છે.
“ક્યાં ગઈ હશે?” શ્યામ આમતેમ શોધી રહ્યો…એ પંદર મિનિટ અને અગણિત ક્ષણો… સલોની ન મળતા શ્યામની ચિંતા દરેક ક્ષણે વધી રહી હતી. ફરીને શ્યામ ઘરમાં ઊપર-નીચે શોધ્યા પછી બહાર બધે જોઈને અંદર આવ્યો ત્યાં તેની મોટી દીકરી નીચે આવી. તે પણ નાની બહેનને શોધવા લાગી. તેણે જોયું કે, એક નાના રૂમમાં બારી ખુલ્લી હતી અને જાળી ખસેડેલી હતી. ‘કોઈ ભૂલી ગયું હશે’ વિચારીને તેણે બારી બંધ કરી. પણ એ અવાજ સાંભળી શ્યામને ભયંકર વિચાર આવ્યો.
“સલોનીનું કોઈ અપહરણ કરી ગયું!!!” …શ્યામના મન મગજ પર અનેક વિચારો હથોડાની જેમ ધબકવા લાગ્યાં.
“હું ૯૧૧ને ફોન કરું છું…” તેના અવાજમાં ધ્રૂજારી હતી. ત્યાં શ્યામનો સેલ-ફોન રણક્યો. તેના નજીકના મિત્રનો ફોન હતો. “શ્યામ! સલોની અહીં અમારા ઘરનાં બારણા પાસે બેઠી છે. તેને સવાલ પૂછું તે પહેલાં તને જણાવું.” તેમની દીકરી અને સલોની બેનપણીઓ હતી.
“ઓહ! હું અબઘડી આવું છું.” અને શ્યામ કાર લઈ દોડ્યો. અમેરિકાના શ્રીમંત વિસ્તારમાં છૂટાછવાયા ઘર. મિત્રને ઘેર પહોંચતા નાની સલોનીને દસેક મિનિટ ચાલવું પડ્યું હશે. શ્યામના મનમાં કેટલાય સવાલો ઊમડતા હતા. પણ મનને શાંત કરીને મિત્રના ઘર સામે કાર રોકી. જુએ છે તો તેના દિલનો ટૂકડો ત્યાં પગથિયા પર પોતાની બેક-પેક, પર્સ અને તેનું સદાનું સાથી, નાનું ઓશીકું લઈને બેઠેલ નજરે પડતાં શ્યામની આંખો અશ્રુભીની થઈ ગઈ. જરાય અકળાયા વગર શ્યામ સલોનીની પાસે જઈને બેઠો.
“કેમ બેટા અહીં આવી?”
“બસ મારે થોડા દિવસ ક્યાંક દૂર જતાં રહેવું છે.” સલોની સાદી સીધી વાત કરતી હોય તેમ બોલી.
“પણ કેમ?”
“મારે આવતા બુધવારના પિયાનો પ્રોગ્રામમાં ભાગ નથી લેવો અને મારે કલાક દોઢ કલાક પ્રેક્ટિસ નથી કરવી. બસ હું દૂર જતી રહીશ.” સલોનીને એક ડૂસકું આવી ગયું.
“ચાલ ઘેર, તારા વગર હું કે બીજા કેમ રહી શકિએ?” અને કોમળતાથી પોતાના પિતાનો હાથ ઝાલી સલોની સાથે જવા તૈયાર થઈ ગઈ. શ્યામે જોયું તો બેગમાં થોડા કપડા અને ૧૨૦ ડોલર પણ હતાં.
“તું તો બરાબર તૈયારી કરીને નીકળી છો, પણ તને સવારમાં ન જોતા મને તો હાર્ટ એટેક આવી ગયો હતો.” શ્યામે વ્હાલથી સલોનીને હ્રદય સાથે ચાંપીને, મિત્રનો આભાર માનીને, સાથે ઘેર જવા નીકળ્યા.
ઘેર જઈને બારણા પાસે રાહ જોતી તેની મમ્મીને સલોની ભેટી. કીમને શું કારણ છે તે ખબર ન હોવાથી સવાલો ન કર્યા. સલોનીની બેન તેને ખેંચીને લઈ ગઈ અને રડતાં રડતાં ધમકાવવા લાગી. એ સમયે, શ્યામે ઈશારાથી કીમને – ‘પિયાનો પ્રેક્ટીસ’ સામેનાં વિરોધનું કારણ સમજાવી દીધું.
“સલોની બેટા, હવે પછી અમે તારી વાત ધ્યાનથી સાંભળશું. પણ આમ કહ્યાં વગર ક્યારેય ન જતી…વચન?” મા-પિતાને તાળી આપીને સલોની ઉપર દોડી ગઈ.
શ્યામ તેના મા અને પિતા સાથે ફોન પર વાત કરતા બોલ્યો, “હું કીમ પર ગુસ્સે તો ન થયો પણ આ બાબતમાં દીકરીઓ પર હવેથી કોઈ પણ જાતનું દબાણ કરવાની મેં મનાઈ કરી દીધી છે.” તેનો અવાજ ગળગળો થઈ ગયો. “એ પંદર મિનિટ હું કદી ભૂલી શકીશ નહીં. મને હતું કે સલોની મારાથી એટલી નિકટ છે કે હું તેને બરાબર સમજુ છું. પણ મારી સમજ ટૂંકી પડી. મારી વ્હાલી દીકરી એટલી મુંઝાઈ ગઈ હશે કે ઘર છોડીને જતી રહી!”
“બાળકના મનમાં શું ચાલી રહ્યું હોય છે તે સમજવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ ઉંમરના કેટલાયે બાળકોએ આવી- ભાગી જવાની હરકતો કરી હોય છે – જે સમય સાથે મજાક બની જતી હોય છે. તેથી દીકરા! પોતાને બહુ ગુનેગાર નહીં માનતો.” શ્યામની માએ અશ્વાસન આપ્યું.
તમારા બાળકો તમારા નથી, તમારી પરછાઈ નથી;
એ તો પોતાના જીવનની ઝંખનાના પ્રતિછાયાનાં પુત્ર અને પુત્રી છે.
બાળકો આપણી દ્વારા આવ્યા છે, આપણામાંથી નથી આવ્યા.
આપણી સાથે છે પણ આપણી જાગીર નથી.
તેમને પ્રેમ આપો, તમારા વિચારો ન થોપો.
ખલિલ જીબ્રાન સમજ આપે છે કે…,
તમે બાળક જેવા બનવા પ્રયત્ન કરો,
તેમને તમારી જેવા બનાવવા ન મથો.
કારણકે, જીવનચક્ર ભૂતકાળ તરફ નથી ફરતું.
Your children are not your children.
They are sons and daughters of life’s longing for itself.
They come through you, but not from you,
And though they are with you they belong not to you.
Give them love, not your thoughts.
You may strive to be like them, but seek not to make them like you,
For life goes not backward.
—Wisdom of Khalil Gibran.—
સાહિત્યમિત્રો, “દાવડનાં આંગણું”માં આ મારું છેલ્લું પ્રકાશન છે.
આનંદ સાથ આભાર. સરયૂ પરીખ http://www.saryu.wordpress.com
“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.
આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, “આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે…જયશ્રીબેન મરચંટ