Category Archives: વિશિષ્ટ પૂર્તિ

વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

http://વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

શિલ્પકાર રાઘવ કનેરિયા.….સંપાદનઃ સરયૂ પરીખ

સ્નેહી મિત્રો,
ભારતના કલાક્ષેત્રે વડોદરાની ફાઇન આર્ટસ કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તેમાના એક, પ્રાધ્યાપક રાઘવ કનેરિયા વિદ્યાર્થી હતા ત્યારથી જ ઘણા પુરસ્કારો અને સન્માનો મેળવતા રહ્યા છે. તેવા પુરસ્કારોની હારમાળમાં એક નવું પુષ્પ હાલમાં જ ઉમેરાયું છે. તે જાણીને મારી જેમ જ બધા કળા પ્રેમીઓને આનંદ થશે. પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટિ તરફથી રાઘવ ભાઈ ને માનદ પદવી- ડૉક્ટરેટ અપાઈ છે.
શુભ નવરાત્ર. કદાચ આજે કેટલાક લોકો ભૂલી ગયા છે કે ગુજરાતમાં ફેલાઈને મુંબઈ સુધી વ્યાપેલ ગરબાનાં આજના સ્વરૂપના  બીજ ઠેઠ 1950ના દાયકામાં ફાઇન આર્ટસ કોલેજમાં રોપાયેલા. તેને વિકસાવનાર માળીઓમાં રાઘવભાઈએ  સિંહ  ફાળો આપેલો.  
તમારા કળા રસિક મિત્રોને આ સમાચાર જણાવશો. ..જ્યોતિ ભટ્ટ.   28 ઓક્ટોબર 2020


ડૉક્ટર રાઘવ કનેરિયાને દાવડાના આંગણાના સાહિત્ય અને કલા રસિક મિત્રો તરફથી અભિનંદન.

હાલમાં તેમના પત્ની શકુંતલા સાથે વડોદરામાં છે.
સંપર્ક માટે તેમના પુત્ર અંકુરની ઈમેઈલ…AnkurKaneria@hotmail.com

૨૦૧૮માં શ્રી દાવડાસાહેબ દ્વારા પ્રકાશિત શ્રી રાઘવભાઈ કનેરિયા વિષેના લેખોને ઘણો આવકાર મળેલ. દાવડાસાહેબ મહિનાઓ પછી પણ આશ્ચર્ય-આનંદ સાથે કહેતા કે કનેરિયાભાઈના વિભાગને હજી સુધી લોકો જોતા રહ્યા છે. એ પ્રકાશનો અહીં ફરીને મ્હાણીએ

વિભાગ-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. એ જ વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા જ ભારતના કલાજગતના ખુબ જ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
વધું વાંચો…શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

વિભાગ-૨

શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.

(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.) આગળ વાંચો..શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા 

વિભાગ–

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.” આગળ વાંચો… શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

વિભાગ-૪

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે. આગળ વાંચો… http://શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

પી. કે. દાવડા

વિશિષ્ટ પૂર્તિ. નારી. શૈલા મુન્શા. પુસ્તક-પ્રેમ. જીતેશ ડોંગા

નારી

નથી હોતી અબળા હર કોઈ નારી સદા,
પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા!

હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ,
થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા!

બની મા અંબા પૂજાતી રહી સદા જે જગમાં,
હણવા રિપુને એ જ  બની દુર્ગા રહી ડારી સદા!

નારીના હર રૂપ અનોખા, હર ગુણ અનોખા,
બની મીરા કે રાધા, કૃષ્ણ પર રહી વારી સદા!

શૈલા મુન્શા  તા૧૦/૦૨/૨૦૧૬
———

http://પ્રદીપ નામ છે એનું. લે. જીતેશ ડોંગા forwarded by Shaila Munshaw

પ્રદીપ નામ છે એનું.  લે. જીતેશ ડોંગા forwarded by Shaila Munshaw

પ્રદીપ રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ પર ખુંધવાળો માણસ. અવાજ એકદમ ઝીણોતીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)

આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને સત્તરેક વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે.. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે. એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.

આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય.

હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના.”…મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે. 

ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે. વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.

…પણ એ ભાઈ…આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.

વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.

એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. વડોદરામાં સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.

લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.

આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ ગુજારો કર્યો છે..

…પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ…મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”

આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.

જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.

હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?

“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ” આવો ઘસાઈને ઉજળો થનારો માણસ.

***- જીતેશ ડોંગા_ હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે? વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

————————-

વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે અને સરયૂ

વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે. સરયૂ

http://વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે અને સરયૂ

રમે સર ચંદુલાલ ત્રિવેદી. સંસ્મરણઃ લે. રમેશ પટેલ

દિવ્ય ભાસ્કર સમાચારમાં પ્રગટ થયેલ સરદાર વલ્લભભાઈની દુર્લભ તસ્વીરોમાં … પંજાબ પ્રાન્તના ગવર્નરન, સર ચંદુલાલ ત્રિવેદીની તસ્વીર જોઈને, હું રોમાંચિત થઈ ગયો..સાચે જ કહું…હું તેમને રુબરુ મળેલ, પણ આ બાબતનો અણસાર મને ન હતો…આવો મારી આ વાત તમને કહું…

કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેર બની, કપડવંજ મુકામે, જીઈબીમાં ૧૯૭૨માં જોડાયો. સબડિવિજન એટલે જાણે કલેક્ટર જેવો રૂઆબ. જુવાનીનો જુસ્સો, કપડવંજ એટલે તેલની મીલો, કપાસના જીનો અને તાલુકા મથક..વિકસિત નગરમાં પાકા રોડ ને ગટર..સુવિધાથી મલકાતું નગર. કવિતાનો ચટકો, હજુ હમણાં લાગ્યો..પણ કવિ શ્રી રાજેન્દ્ર શાહનું વતન..આ કપડવંજ અને ફાલ્ગુની પાઠક..ઈંધણા વીણવા ગઈ’તી જે ગાય છે..એ એમની રચના. 

હું સબ સ્ટેશને બેઠો હતો ને આણંદ સર્કલ ઓફિસના સુપરિન્ટેડન્ટ એન્જિનિયરનો  ફોન આવ્યો…જીઈબી, હેડ ઓફિસ. વડોદરા, ચેરમેનશ્રીનો ફોન છે..તાત્કાલિક હરિકૃષ્ણ સોસાયટીએ જઈ, તેમની ફરિયાદ વિશે મળી, રિપોર્ટ  કરો. હું તો સ્ટાફ સહિત ત્યાં પહોંચ્યો..તે વખતે કપડવંજની લાયસન્સી, બોર્ડે ઓવેરટેક કરેલી, તેનું કમ્પલેન સેન્ટર સિટી પાસે હતું. તેના ઈન્ચાર્જ ઈજનેર પણ ત્યાં આવી ગયા. અમે  તેમના ઘર પર ગયા. તક્તી પર લખ્યું હતું. સર સી.એમ.ત્રિવેદી, પંજાબના માજી ગવર્નર… સર ત્રિવેદી રિટાયર્ડ થયા પછી વતનમાં આવી વસ્યા હતા.  

અમે બહાર બેઠેલ ચોકીદારને વાત કરી. અમે જીઈબીમાંથી મળવા આવ્યા છીએ. અમને અંદર બોલાવી બેસાડ્યા. તેમની વયોવૃધ્ધ ઉમ્મર છતાં ખુમારીને વિવેક જોઈ, અમે દંગ રહી ગયા.  મેં જોયું કે તેમના ઘરની લાઈટ ચાલું હતી…હળવેથી પૂછ્યું. “આપે વિધ્યુત સપ્લાય માટે  ચેરમેનશ્રીને ફોન કરેલ….તો શી મુશ્કેલી છે?તેમણે તેમના ઘરના એટેન્ડેન્ટને ફ્રીઝ બતાવવા કહ્યું. મારી સાથે આવેલ ઈજનેર કહે..આતો ઘરના અંદરનો કોઈ ફોલ્ટ છે, તે તેમણે કરાવવાનો છે. આપણો સપ્લાય તો મીટર સુધી, બરાબર છે. …. ચાલો જઈએ પાછા.

હું ભલે નવો હતો, પણ જે ભારથી સુપરિન્ટેડન્ટ ઈજનેરનો ફોન  હતો…તે પરથી લાગેલ કે સ્થાનિક ફરિયાદનો નિકાલ કરવો એ અગત્યનું કામ છે. મેં મારી સાથે આવેલા સ્ટાફ થકી ચેક કરી, સપ્લાય ફ્રીઝને ઓન કરી દીધું. અમને તેમણે બેસાડ્યા, આઈસક્રીમ આપ્યો. મેં તેમને પૂછ્યું, “આપે વડોદરા કેમ ફોન કર્યો? આતો લોકલ ઑફિસનું કામ છે.”

તેમણે કહ્યું કે, “મારે તો ફ્રીઝનો ઉપયોગ દવા વિગેરે માટે ખૂબ જ જરુરી છે…મારી પાસે ડાયરીમાં આ તમારા ચેરમેનશ્રીનો ફોન હતો..તેથી તે નંબર મને લગાવી આપ્યો ને મેં વાત કરી”..મેં તેમને કહ્યું, “હવે પછી આપ..આ બે નંબરે સિટી કે સબસ્ટેશને ફોન કરજો…અમે તાત્કાલિક આવી જઈશું.” સાચું કહું…ત્યાર બાદ મને અમારા સર્કલના ઈજનેરશ્રી ઓળખતા થઈ ગયા ને મને એક શીખ મળી..ફિલ્ડમાં કામ કરનારે સ્થાનિક આગેવાનો, સરપંચ કે સંસ્થાઓ જોડે, સામેથી ચાલી સંબંધો જાળવવા.

એ દિવસે, કેવી ભવ્યતા ભરી જીંદગીના એ સ્વામી, સર સી. એમ. ત્રિવેદીસાહેબને મળવાનું અને અનાયાસ મદદ કરવાનું મને સૌભાગ્ય મળ્યું!…આજે ફોટા જોઈ બોલાઈ જવાયું!——–લે. રમેશ પટેલ.
———

કવિ નાથાલાલ દવે
નિર્વ્યાજ એના સ્નેહની તે વાત ક્યમ કહેવી?
જિંદગી લાગે મધુર તે જીવવા જેવી.

યાદ

આજ સ્વપ્નામાં ફરી આવી છબી દિલદારની,
યાદ એ આપી ગઈ મુજને ભુલેલા પ્યારની.

જિંદગાનીના પરોઢે તું મળી’તી મહેરબાં!
બોલતાં આભે પરિન્દા, “ચાહવા જેવી જહાં,”
                              ને બજી ઊઠી સિતારી  જિદ્દ કેરી કારમી        — આજ

એ હતી પહેલી મહોબ્બત, એ ખુમારી, એ નશો,
ખુશનસીબીનો ભરાયેલો છલોછલ જામ શો!
                         ગુલશને જામી ગજબ મસ્તી ફૂલોના બ્‍હારની    — આજ

ઊડવા આસમાન શું બુલબુલને પાંખો મળી,
સાંપડી ગુમરાહ દિલને પ્યાર કેરી રોશની;
                        ખીલતાં ગુલને મળી મીઠી નજર આફતાબની    — આજ

એ દિન ગયા, દિલબર ગઈ, પલ્ટાઇ સારી જિંદગી,
મારી દોલતમાં રહી ગઈ યાદ ઘેલા પ્યારની,
                     યાદ એ પાગલ દિલોના બેફિકર ઈતબારની         — આજ
—-

અર્પણ
પ્રિય એ વાચક! ઝીલો હાસ્ય કેરાં ફૂલ,

નર્મ મર્મ માણી થાજો મનથી પ્રફુલ્લ.
હસે તેનો વિશ્વ મહીં વિજય નિશ્ચિત,
સર્વ સંકટોને સ્મિત કરે પરાજિત.

——-
મામા, કવિ નાથાલાલ દવે કાવ્યસંગ્રહ ‘ઉપદ્રવ’ ૧૯૭૯

વિશેષ કોણ?

સહેજે અગર ન લઈ શકે, કશું ન દઈ શકું,
ન પ્રેમ કે નફરતની એક બુંદ દઈ શકું.

લેવાને મદદ આવે તો મને રુણી ગણું,
વિશ્વાસના વ્યવહારને સન્માન હું ગણું.

નફરત ભરેલ કોઈના હુંકાર, હુંપણું,
અસ્પર્શ છે, જો મન રહે નિસ્પૃહ આપણું.

હું એ જ છું, કોઈ કહે, પરબ એક પ્રેમનું,
કોઈ જતાવે… હોવું મારું, સાવ નકામું.

અજબની લેણ દેણ છે ઉપકાર ને સ્વીકાર,
વિશિષ્ટ કોણ બેઉમાં, લેનાર કે દેનાર?
               ——  સરયૂ પરીખ

જ્યાં સુધી લેનાર તમારી ભેટ ગ્રહણ ન કરે ત્યાં સુધી તમે ગમે તેટલાં ઉદાર હો તો પણ ન દઈ શકો. તમે પ્રેમ સભર હો પણ લેનારને તમારી કદર ન હોય તો તેને પ્રેમ દેખાય નહીં.
તેમ જ નફરત કોઈ ઉમદા દિલ સ્વીકારે નહીં, તો વ્યર્થ રહે છે.