Category Archives: સુરેશ દલાલ

મ્હાંને ચાકર રાખોજી- મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,

      ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં, નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં, ગોવિંદા – લીલા ગાસૂં રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં, સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતાં સરસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે, ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે, મોહન મૂરલીવાલા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી;
સાંવરિયા કે દરસન પાઊં, પહિર કસુમ્બી સારી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે, વૃન્દાવનકે વાસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો, જમુનાજી કે તીરા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મીરાં એટલે તો ભક્તિનું મૂર્તિમંત અને સ્ફૂર્તિમંત સ્વરુપ. મીરાં જેવી કર્મયોગી પણ બીજી કોઈ નહીં મળે. મેવાડ છોડ્યું, વૃંદાવને વ્હાલું કર્યું અને સંપૂર્ણ જીવન માત્ર ભક્તિ અને ભક્તિના પ્રસારમાં વ્યતીત કર્યું. કૃષ્ણપ્રેમ એ જ એનો કર્મયોગ અને એ જ એનો ભક્તિયોગ. જ્યાં કર્મ અને ભક્તિનો સંગમ થાય ત્યાં જ કર્મયોગની પરમ અને ચરમ સીમા છે. આ સીમા પાર કરી જાઓ પછી બસ, ઈશ્વરની અસીમ કૃપાનું બ્રહ્માંડ ઊઘડે છે. મીરાં પાસે નાનું અમથું જાણે ઝાકળબિંદુ કૃષ્ણપ્રેમનું ,જે વિસ્તરતાં બની જાય છે, જ્ઞાનનો આખો સમુદ્ર!

 મીરાંની ભક્તિની પરાકાષ્ઠા એવી કે બીજું કશું ત્યાં ટકી જ ન શકે કે જે કૃષ્ણ સાથે નિયોજીત કે સંયોજીત ન હોય. મીરાં એટલે સર્વસમર્પણ, ચરણાગતિ અને શરણાગતિનું સાયુજ્ય. ‘મ્હાંને ચાકર રાખોજી”, આ ઉદગારમાં “જી” અક્ષરમાં નરી આરત ભરી છે. વિનંતી છે, કોઈ પણ શરત વિનાની શરણાગતિ છે, કારણ, સમસ્ત વિશ્વના વિધાતાના ચાકર રહેવામાં એના સાંનિધ્ય માટેની અમીટ તૃષા છે. એની સાથે ભીની ખુમારી એવી છે કે ઈશ્વરને પણ કહે છે કે તારા માટે અમે બાગ રચી આપીશું. મીરાં બાગને ઉછેરે છે કે ભક્તિને ઉછેરે છે એ મીરાંની અને આપણી મીઠી મૂંઝવણનો વિષય છે. બાગ ઉછેરવાનું તો બહાનું છે. મૂળ કારણ તો રોજરોજ એ બાગના ફૂલો સાંવરિયાનાં ચરણે ધરીને એના દર્શન પામવાનું છે. પણ આ તો મીરાં નો બાગ છે, એ કંઈ જેવો તેવો ન હોય! મીરાંનો બાગ તો આખું વૃંદાવન જ હોય! એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પી જોઈએ ઈશ્વરને માટે બાગ રચવાનો, એ બાગમાં રહેવાનું, રોજરોજ ગોવિંદની લીલા ગાવાની, હરિના દર્શન કરવાનાં, એમના ચરણોમાં ભક્તિપ્રેમનાં બાગમાં ઊગાવેલાં તાજાં, મઘમઘતાં પુષ્પો ધરવાનાં અને કૃષ્ણના સ્મરણનો સતત ઓચ્છવ ઊજવવાનો! આ કેટલું અદભૂત હોય, એ વિચાર આવતાં જ પળવાર મીરાંની અમીરાતની અસૂયા થયા વિના રહે નહીં. મીરાંની પાસે મોટામાં મોટી મૂડી જે છે, તે છે એની ભાવભક્તિ. ઈશ્વરનું સોહામણું સ્વરૂપ મીરાંના જીવનની પળેપળને રળિયામણું કરે છે અને અહીં જ આ ભજન ન રહેતાં કવિતા બની જાય છે. એટલું જ નહીં, એની પરાકાષ્ઠાને પાર કરે છે. અહીં કલ્પનાશીલતા તો જુઓ, ઊંચાઊંચા મહેલ અને બીચબીચ બારી, જે આપણને સીધી પરમાત્માની સાથે જોડી આપે છે! રાજકુંવરી અને રાજરાણી મીરાંની ભક્તિમાં પણ રાજવી ઠાઠમાઠ છે. વાત શરૂ કરતાં કહે છે કે ‘મને ચાકર રાખોજી’ પણ પછી કહે છે કે હું બગીચો રચી આપીશ. ભાવનાને કોઈ અંત નથી હોતો. કહે છે કે, ઊંચાઊંચા મહેલ બનાવીશ, વચ્ચેવચ્ચે બારીઓ રાખીશ અને સંવારિયાનાં દર્શનનો પ્રસંગ એ કંઈ જેવોતેવો નથી. એ દર્શન કરીશ ત્યારે કસુંબી સાડી પહેરીને કરીશ. કસુંબી રંગ પણ સાંકેતિક છે. મીરાં તો જોગ, તપ વગેરેથી પણ પર થઈ ગઈ છે. એ તો હરિભજનમાં રમમાણ થઈ ગઈ છે અને એને તો રસ છે વૃંદાવનવાસી થઈ જવામાં. છતાં સાંવરિયાને રીઝવવાએ કસુંબી રંગના વસ્ત્રો ધારણ કરવા તૈયાર છે કારણ એના હૈયા પર તો પિયુનો કસુંબી રંગ ક્યારનોય ચડી ચૂક્યો છે. એણે પોતાની આસપાસ એક ભજનમય ભાવસૃષ્ટિ રચી છે જેમાં વૃંદાવન છે, યમુનાના નીર છે, યમુનાના તીર છે અને એની સામે એનો ‘મનમોહના’ સાંવરિયો શ્રી કૃષ્ણ છે. આ જ છે મીરાંનું સદેહે રચેલું સ્વર્ગ. આ સ્વર્ગમાં એ એના સાંવરિયા કૃષ્ણના દર્શન કરશે ત્યારે એના સિવાય બીજું કોઈ નહીં હોય, હશે સામે એક માત્ર એનો પિયુ, એનો પ્રીતમ, અને એ મનોમન ગુંજતી હશે, “મૈં તો હરિગુણ ગાવત નાચૂંગી”.

મીરાંની કવિતાને બાહ્ય સંગીતની જરુર નથી પડતી કારણ, એ તો મીરાંના રોમરોમથી નીતરતા આંતરસંગીતથી છલોછલ છલકાય છે.

(સુરેશ દલાલ સંપાદિત પુસ્તક “ભજનયોગ”ના સૌજન્યથી, સાભાર . )

હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક – આસ્વાદઃ સુરેશ દલાલ

હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,

               હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,

અંત સમે  એવા  ઓરતડાની હોય ન  ગોતાગોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ

ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણી કણીથી પ્રગટે  એક જ  શાન્ત સરોદઃ

જોજે રખે પડે પાતળું  કદીયે  આતમ  કેરું પોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ

સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ  જ્યોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

આસ્વાદઃ સુરેશ દલાલ

ઈશ્વર જીવન આપે છે. મનુષ્ય યથાશક્તિમતિ, એ જીવન જીવે છે. સંધર્ષો, મથામણો, આનંદ આ બધાંનો અનુભવ કરે છે. પ્રત્યેક મનુષ્ય વ્યાસ વિનાનું મહાભારત છે અને એની મનોભૂમિ કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર છે. માણેક તો મહાભારતના અઠંગ અભ્યાસી.

કવિએ મોતને માગ્યું છે આ કાવ્યમાં. મનુષ્યને ઈચ્છા પ્રમાણેનું જીવન તો મળતું નથી, પણ ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ મળે તો પણ કેવી ધન્યતા! મૃત્યુ એ જીવનનું પૂર્ણવિરામ છે કે નવજીવનની શરૂઆત છે એની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે છે. કવિ જે મૃત્યુને ઝંખે છે એ મૃત્યુ અત્યંત શાંત, નીરવ, સ્વસ્થ. મૃત્યુ પોતે જ જાણે કે ગીતા કે ગીતાનો સ્થિરપ્રજ્ઞાયોગ.

અંતિમ વેળાએ, અબળખા, ઓરતા, વાસના, મનોરથ, કોડ આ બધાંનાં વળગણ શા માટે? અ બધાંથી પર જીવનની જાણે કે સ્વાભાવિક ગતિ હોય એવી મૃત્યુની સ્થિતિ, ઉપસ્થિતિ હોવી જોઈએ.

મૃત્યુ આવે છે ત્યારે આપણે જીવન માટે વલખાં મારતા, તરફડિયાં મારતા માણસોને જોયા છે. જિજીવિષા એ રેશમનો તંતુ છે, કાથાનું દોરડું નહિ. પણ મનુષ્ય એ રેશમનું દોરડામાં રૂપાંતર કરી નાખે છે. આ કાયા, આ લોહી, લોહીનો લયઃ- આ બધાંનો ઘોંઘાટ નહિ કોલાહલ કે ધમાલ નહિ, પણ શરીરમાંથી એક શાંત સરોદ પ્રગટ્યાં કરે એની જ ઝંખના. આખી જિંદગી તો આત્માને ઓળખ્યા વિના ચાલી જતી હોય છે. અંતિમ સમયે શોધ બીજા કશાની નહિ, કેવળ આત્માની, આત્મા પાછળ છુપાયેલા પરમાત્માની જ હોય. હું મારામાં લીન થાઉં ત્યારે પણ પ્રાણ ઊડે તો જ કોઈક અ-લૌકિક આકાશ પામ્યાનો અર્થ અને આનંદ.

જીવનમાં કેટલીયે કપરી વિષમતાઓ વેઠી. સારાનરસા સઘળા અનુભવો કર્યા. વન પણ વીંધ્યા અને વાદળોનાં વન પણ વીંધ્યા. પર્વતોનાં કપરાં ચડાણ પણ કંઈ ઓછાં નહોતાં અને આ બધાંનો થાક ઊતરે એવી એક સરિતા પણ અવહેતી, જે પોતે તરતી અને તારતી. કવિનું અંતિમ સ્ત્રોત છે કે મૃત્યુ આવે ત્યારે આંખ સામે હોય કેવળ જનમોજનમનો સાથી- આપણા સૌનો, આપણે બધા જ સ્વજનથી વિખૂટા પડતા હોઈએ ત્યારે આપણો એકમાત્ર સ્વજન – સજ્જન – સજન પરમાત્મા. દયારામે પણ અંત સમયે અલબેલો ચેલો આવે એવી પ્રાર્થના કરી હતી. અને ટાગોરે સન્મુખે શાંતિનો પારાવાર હોય એવી ઝંખના પ્રગટ કરી હતી.

આખા જીવનની અશાંતિ વેઠ્યા પછી કોઈ પણ જીવ શાંતિને ઝંખે એ યાચના સ્વાભાવિક છે. મૃત્યુનું આ નાનકડું ગીત હકીકતમાં તો જીવનના વ્યાકરણનું પૂર્ણવિરામ છે.

*********

આ સાથે કરસનદાસ માણેકની અત્યંત પ્રસિદ્ધ કવિતા , “આ અમને સમજાતું નથી” ના પઠનની લિંક અહીં મૂકી રહ્યાં છીએ.

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦)જયા મહેતાસંપાદનઃ સુરેશ દલાલ

( આજે લલિતકળાઃ મ્યુઝિયમ્સ – જયા મહેતા લિખિત અને સુરેશ દલાલ સંપાદિત શ્રેણીનો છેલ્લો હપ્તો છે. આપ સહુ વાચકોનો આભાર માનું છું કે આપે આ શ્રેણીને હોંશે હોંશે વાંચી અને માણી. મૂળ આ સિરીઝ ૨૦૦૫માં છપાઈ હતી આથી આજના પરિપેક્ષ્યમાં એને મૂકવાની કોશિશ જેટલી માહિતી મળી શકે અને જે મૂળ લખાણના પોત સાથે સુસંગત બેસી શકે, એ પ્રમાણે કરી છે. ક્યાંક એ જો ઊણી ઊતરી હોય તો એ મારી સમજણની ઊણપ છે અને જો યોગ્ય રીતે એ ભળી ગઈ હોય તો એ મૂળ લેખકની સર્જકતાનો કમાલ છે કે જેના વડે આ લેખ સમકાલિનમાંથી સર્વકાલિન બની શકે છે. અહીં હું જયાબેન મહેતાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા ગુજરાતી સાહિત્યને લોકભોગ્ય અને લોકપ્રિય કરવામાં જે એક સાક્ષરનો અથાક પ્રયાસ રહ્યો છે અને જેની નોંધ ગુજરાતી ભાષાનો ઈતિહાસ લખાશે ત્યારે એમના નામની નોંધ લેવી આવશ્યક બનશે એવા સ્વ. શ્રી સુરેશ દલાલને અહીં એમના સંપાદન માટે આભાર માનવાના નિમિત્તે ખૂબ જ આદર અને અહોભાવથી સ્મરણ કરીને નમન કરું છું.) 

Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

હું વાદળ જેવો એકલવાયો…” -ગીતઃ સુરેશ દલાલ-રજુઆતઃ અમર ભટ્ટ

“હું વાદળ જેવો એકલવાયો” – સ્વરકાર અને ગાયકઃ અમર ભટ્ટ

કવિ શ્રી સુરેશ દલાલ (જન્મતારીખ 11/10)નું એક ગીત આજે માણો.


એમણે કવિ વર્ડ્ઝવર્થના એક ગીતની પ્રથમ પંક્તિનો અનુવાદ કર્યો અને પછી બાકીનું ગીત પોતાની રીતે લખ્યું-
“‘હું વાદળ જેવો એકલવાયો ભટકું છું’
ખીણ ખીણમાં ફરી વળું ને શિખર શિખર પર ભટકું છું.
સરવરમાં હું કદી જોઉં છું તરવરતા પડછાયાને
એક પલકમાં લઉં સમેટી મારી વિધ વિધ માયાને
અનેક મારાં રૂપ છતાંય અરૂપનું હું લટકું છું
એકલો છું પણ એકલતાની મારા મનમાં શૂળ નથી
સભર થાઉં ને વરસી જાઉં એકાન્ત સમ કોઈ ફૂલ નથી
વિશાળ આ આકાશમાં હું તો નાનું અમથું ટપકું છું”

કવિ: સુરેશ દલાલ
સ્વરકાર: ગાયક: અમર ભટ્ટ
સુ.દ. કવિતામાં  પ્રયોગો માટે જાણીતા છે. લોકગીતની પ્રથમ પંક્તિ લઇ ગીત પોતાની રીતે પૂરું કરવું, કહેવત પરથી ગીત લખવું, મધ્યકાલીન કવિતાની પ્રથમ પંક્તિ લઇ ગીત લખવું…..
અહીં વર્ડ્ઝવર્થની પ્રથમ પંક્તિ લીધી છે.
બીજી પંક્તિમાં ‘શિખર શિખર પર ભટકું છું’ એમ એમણે લખ્યું; પણ ગાતાં ગાતાં મને વિચાર આવ્યો કે સિદ્ધિનાં એક શિખર પર પહોંચાય પછી ઘણાને અટકેલા જોયા છે એટલે ‘શિખર શિખર પર અટકું છું’ એમ ગાવાની છૂટ લીધી છે.
‘લટકું’ શબ્દ  ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ ને ‘વારી જાઉં રે સુંદર શ્યામ તારાં લટકાંને’ યાદ કરાવશે 
‘ટપકું’ એટલે કે બિંદુ- એટલે કે નજીવું અસ્તિત્વ કે (કાળું) ટપકું ?
અમર ભટ્ટ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ- (૯)- જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૯) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

ભારતના અન્ય, કેટલાક મુખ્ય મ્યુઝિયમોઃ

હવે તો, દરેક નાનાં-મોટા શહેરોમાં મ્યુઝિયમની કે મ્યુઝિયમ જેવી વ્યવસ્થા આજના ટેકનોલોજી યુગમાં કરવામાં આવી છે, જેને કારણે મ્યુઝિયમનું કાર્ય-ફલક પણ ઘણું વિકાસ પામ્યું છે અને વિસ્તર્યું છે. આવા સેંકડો મ્યુઝિયમને અહીં આવરી લેવા શક્ય નથી પણ થોડાંક ખાસ મ્યુઝિયમોનો અહીં ઉલ્લેખ કરીએ છીએ.

૧. રાજા દિનકર કેળકર મ્યુઝિયમઃ પૂણેનું આ પ્રસિદ્ધ મ્યુઝિયમ છે. એમાં ડો. દિનકર જી. કેળકર નું પર્સનલ કલેક્શન પણ છે. ૧૯૨૦ માં એમના પુત્ર રાજાના અકાળ અવસાનથી શોકગ્રસ્ત પિતા દિનકર કેળકરે દેશભરમાંથી કલાકારીગીરી યુક્ત પ્રાચીન ને અર્વાચીન દીવીઓનો સંચય કરવાનો આરંભ કર્યો; પછી બીજી વસ્તુઓ પણ સંચિત કરવા માંડી. આ મ્યુઝિયમમાં ૧૪મી સદીના શિલ્પના નમૂનાઓ, યુદ્ધના અલગ અલગ હથિયાર અને અન્ય પેઈંન્ટિંગ્સ તો છે જ, પણ આનું મુખ્ય આકર્ષણ છે હાથીદાંત, ચાંદી અને સોનાના ઘરેણાંઓ અને એ સમયની દીવીઓ સમી ઘરગથ્થુ ખાસ વસ્તુઓ. આમ તૈયાર થયું આ મ્યુઝિયમ. સ્ત્રી જીવનને આવરી લેતું આ પહેલું મ્યુઝિયમ છે

રાજા દિનકર કેળકર મ્યુઝિયમ – પૂણે
દીવીઓનું કલેક્શન – રાજા દિનકર કેળકર મ્યુઝિયમ

૨. સાલરજંગ મ્યુઝિયમ (સિકંદરાબાદ):   હૈદરાબાદના નિઝામના એક પ્રધાનને અને પછી તેના પુત્ર અને પૌત્રને પણ સાલારજંગ બિરૂદ અપાયું હતું. આ ત્રણેયે કરેલો વસ્તુ સંચય આ મ્યુઝિયમમાં સચવાયો છે. અનેક સુંદર કલાત્મક વસ્તુઓના સંચય માટે આ મ્યુઝિયમ સુપ્રસિદ્ધ છે.

૩. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સ્ટાઈલ (અમદાવાદ): શ્રીમતિ ગિરા સારાભાઈના પ્રોત્સાહનથી સન ૧૯૪૯માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. હાથવણાટના શરબતી, મુગા સિલ્ક, ખાદી, પટોળાં, મહારાષ્ટ્રની વિશિષ્ટ પ્રકારની પૈઠણી સાડી, કાંચીપુરમ સિલ્ક, કલમકારી (કાપડ પર પેઈન્ટિંગ), પશમીનો વગેરે સૂતર, રેશમ અને ઊનનાં અનુપમ વસ્ત્રોનું આ સુંદર મ્યુઝિયમ છે.   

૪. મ્યુઝિયમ ઓન વ્હિલ:  પૂણેની ડેક્કન કોલેજ દ્વારા સન ૨૦૦૪થી આ હરતાફરતા સંગ્રહલયનો આરંભ થયો છે. ડેક્કન કોલેજના પુરાવસ્તુવિદ્યા વિભાગે પાષાણયુગના માનવજીવન સંદર્ભિત પ્રાપ્ત કરેલી વસ્તુઓ એક હરતીફરતી બસમાં પ્રદર્શિત કરવામાં આવી છે. તે સાથે જ એને લગતો દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ પણ બસમાં જ રજૂ કરવામાં આવે છે.

૫. નેશનલ કસ્ટમ્સ એન્ડ એક્સાઈઝ મ્યુઝિયમ સેલ:  (ગોવા) સીમાશુલ્ક મ્યુઝિયમ! નામ વાંચીને આશ્ચર્ય જ થાય; પણ આ હકીકત છે. સીમાશુલ્ક એટલે કે કરવેરાને લગતી સામગ્રી અને કરવેરા ઉઘરાવવાની પ્રવૃત્તિઓનો ઈતિહાસ, દસ્તાવેજો વગેરે તેમાં પ્રદર્શિત થાય છે. સન ૨૦૦૫ના સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલા આ મ્યુઝિયમ દ્વારા સીમાશુલ્કને લગતો ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ દર્શાવતો ગ્રંથ તેમ જ દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

૬. મચ્છર મ્યુઝિયમઃ દિલ્હીમાં આ એક અજબગજબનું મ્યુઝિયમ છે. ૧૯૩૮માં સ્થપાયેલું આ મ્યુઝિયમ, એના પ્રકારનું એશિયાભરમાં સૌથી જૂનું અને મોટું છે. તેમાં ટાંકણીથી બેસાડેલા લગભગ એક લાખ મચ્છરો, પ્લેગવાળા ઉંદરો તથા વિવિધ વાયરસ ફેલાવતા જાતજાતનાં પક્ષીઓ છે. સમયાનુસાર વિજ્ઞાનની શોધખોળને આધારે આ સંગ્રહનો વિસ્તાર થતો રહે છે. આ બધું વૈજ્ઞાનિક માહિતી સાથે રજુ કરાય છે અને તે રોગચાળા અંગેના સંશોધનો માટે અત્યંત ઉપયોગી નીવડે છે.

૭. ઈન્ડિયન એર ફોર્સ મ્યુઝિયમઃ પાલમ – દિલ્હીમાં પાલમ એરફોર્સ સ્થિત આ મ્યુઝિયમ એક માત્ર આ પ્રકારનું હતું. પણ, હવે નેશનલ એવિએશન મ્યુઝિયમ, ૧૯૯૮થી ગોવામાં સ્થાપવામાં આવ્યું છે અને HAL નું સંગ્રહાલય ૨૦૦૧માં બેંગલોરમાં સ્થાપવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં જુદાજુદા એરક્રાફટ્ને એના ઈતિહાસ સાથે રજુ કરવામાં આવ્યાં છે.

ભારતનાં મ્યુઝિયમો દ્વારા અપાતી સેવાઓઃ ભારતનાં મ્યુઝિયમો ઓછેવત્તે અંશે નીચેની સેવાઓ આપતાં રહે છે. અહીં થોડાંક ઉદાહરણો આપ્યાં છે.

૧. ધ નેશનલ મ્યુઝિયમઃ (દિલ્હી) –મ્યુઝિયમમાં પ્રદર્શિત વસ્તુઓને આધારે અભ્યાસ લેખો તેમ જ મ્યુઝિયમનું સૂચિપત્રનું પ્રકાશન, પ્લાસ્ટરમાં બનાવેલી શિલ્પકૃતિઓ, સિંધુખીણની સંસ્કૃતિનાં રમકડાં અને પ્રાણીઓની પ્રતિકૃતિઓ વગેરેનું નિર્માણ અને વેચાણ કરે છે.

૨. ધ નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટસઃ (દિલ્હી) – ટૂંકા ગાળાનાં ખાસ પ્રદર્શનો યોજે છે. અભ્યાસ લેખ, પિક્ચર, પોસ્ટકાર્ડ, ભીંતચિત્રો – પોસ્ટર્સ, વગેરેનું પ્રકાશન અને વેચાણ કરે છે.

૩. ધ નેશનલ હેન્ડિક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ મ્યુઝિયમઃ (દિલ્હી) – બાળકો માટે પ્રવાસ, કાર્યશિબિરો, દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમો તેમ જ પ્રવચનો યોજે છે. તેમ જ પ્રકાશનો પણ કરે છે.

૪. ધ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ ધ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમઃ (દિલ્હી) – આ બંને મ્યુઝિયમો દ્વારા ગાંધીજીનાં લખાણો ને એમનું જીવન ચરિત્ર, આઝાદીની લડતને લગતાં પુસ્તકો વગેરેનું પ્રકાશન અને વેચાણ કરાય છે.

૫. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમઃ (દિલ્હી) – આ મ્યુઝિયમોનો પ્રકાશન વિભાગ છે. તે પુસ્તકો, ફોટા વગેરેનું વેચાણ કરે છે.

૬. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમઃ (મુંબઈ) – મ્યુઝિયમને લગતાં પુસ્તકો, પિક્ચર, પોસ્ટકાર્ડ વગેરેનું પ્રકાશન કરે છે  , વેચાણ કરે છે અને શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે.

૭. આર્કિયોલોજીકલ મ્યુઝિયમઃ રાંચી – પુસ્તકો અને મ્યુઝિયમની વસ્તુઓની સચિત્ર ગાઈડ વગેરેનું વેચાણ કરે છે.

૮. આર્કિયોલોજીકલ મ્યુઝિયમઃ (સારનાથ) – આ મ્યુઝિયમ દ્વારા સારનાથ વિષે કેટલાંક પ્રકાશનો થયાં છે.

૯. ભારત કલાભવન (બનારસ હિંદુ યુનિવર્સીટી) – આ કલાભવન મિનિએચર પેઈન્ટિંગ્સનાં પોસ્ટકાર્ડ્સ, માહિતીપત્ર અને અભ્યાસ લેખોનું વેચાણ કરે છે.

આપણાં મ્યુઝિયમોની ઉપરોકત તેમ જ અન્ય સેવાઓ પર ઊડતી નજર નાખતાં એ જણાઈ આવે છે કે એમને હજી તો ઘણું કરવાનો અવકાશ છે. લોકાભિમુખ પ્રવૃત્તિઓ વિકસાવવાની જરૂર છે અને આ કામ સતત બદલાતાં સમય સાથે કદમ થી કદમ મિલાવીને કરવાનું છે. આ એકવારનું કામ નથી કારણ કે વખત પ્રમાણે લોકોની રૂચી અને રસના વિષયો પણ બદલાતાં રહે છે. વિશ્વભરમાં ઇતિહાસ, સાંપ્રત સમય એ બધું જ સાચવી લેવા પ્રત્યે જાગૃતિ આવી છે અને ભારતમાં આ જાગરૂકતા હજી જોઈએ એવી ફેલાઈ નથી. આથી જ આપણા દેશમાં લોકલ અને મધ્યવર્તી સરકારો આ બાબતમાં વધુ વિચારે અને યોજનાઓ લાગુ કરે એ અનિવાર્ય બની જાય છે.

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સના સૌજન્યથી, સાભારઆમાં સંપાદક તરફથી સોશ્યલ મિડીયાનો ઉલ્લેખ કરવાની છૂટ લેવામાં આવી છે જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય બદલ લેખકનો આગોતરો આભાર માનું છું)

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૭) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૭)જયા મહેતાસંપાદનઃ સુરેશ દલાલ

ભારતનાં મ્યુઝિયમોઃ

ઈતિહાસ અને પરિચયઃ

આપણે આગળના પ્રકરણોમાં જોઈ ગયા કે મ્યુઝિયમ સર્વ સામાન્ય જનતા માટે, બાળકો માટે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે, પ્રૌઢ વસ્તીના જ્ઞાન વર્ધન માટે, અને સંશોધનના વિદ્વાનો તથા વિદ્યાર્થીઓ માટે હોય છે. Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૭) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬)જયા મહેતાસંપાદનઃ સુરેશ દલાલ

મ્યુઝિયમ અને જનસમાજની વચ્ચે એક પ્રકારનું Organic Symbiosis – નૈસર્ગિક સહજીવન, પરસ્પરોપજીવન હોવું આવશ્યક છે. આમ થાય તો જ વિચારધારાનું અંતર ઘટે છે.

Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૬) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

શિક્ષણક્ષેત્રે મ્યુઝિયમની વિવિધ પ્રવૃત્તિઓઃ

એક નક્કરપણે સક્રિય સંસ્થા લેખે મ્યુઝિયમના મહત્વનો આધાર તે ક્યા કાર્યો કરે છે – કરી શકે છે એના પર રહેલો છે. ધ્યેય નિશ્વિત ન હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચોક્કસપણે કોઈ મહત્વનું કાર્ય કરી શકે નહીં. મ્યુઝિયમનું ધ્યય આનંદ આપવાનું તેમ જ આનંદરસિત શિક્ષણ આપવાનું છે. Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

“ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…” – કબીર – આસ્વાદઃ સુરેશ દલાલ

“ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…” – કબીર

તોકો    પીયા   મિલેંગે.   ઘૂંઘટ  કે   પટ    ખોલ   રે,
ઘટઘટમેં વો સાંઈ રમતા, કટુક વચન ન બોલ રે, – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…

ધન જોબન કો ગરબ ન કીજૈ, જૂઠા પચરંગ ચોલ રે,
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે, – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…

જોગ જુગત સો રંગમહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ  કબીર  આનંદ  ભયો  બાજત  અનહદ ઢોલ  રે,  – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…

કબીરનું આ અત્યંત પ્રસિદ્ધ પદ છે. પ્રસિદ્ધ કદાચ જ્યુથિકા રોયની ગાયકીને કારણે થયું હશે પણ કબીરના પદોમાં આ અત્યંત મહત્વનું પદ ગણાય છે. કહેવાય છે કે કવિતાના આકાશમાં કોઈ કવિ સૂર્ય જેવા હોય, કોઈ ચંદ્ર જેવા, કોઈ નક્ષત્રો જેવા તો કોઈ પછી આગિયા જેવા હોય છે.પણ કબીર માત્ર સૂર્ય કે ચંદ્ર ન હોઈ શકે, એ તો કવિતાનું સ્વયં આકાશ છે. તેમના દોહા અને પદ આપણા મન પર ચંદનનો લેપ કરે છે અને શાતા આપે છે.

કાવ્યની પ્રથમ પંક્તિ ખૂબ મહત્વની છે, કારણ કે એ વાંચતા જ આપણામાં શ્રદ્ધાનો ઉદભવ થાય છે. શ્રદ્ધાની સોગાત રમત રમતમાં આપી જવી એ નાનીસૂની વાત નથી. આ પંક્તિ કોઈ પણ જાતની સંદિગ્ધતા રાખ્યા વિના, કબીર ‘પ્રિયતમ મળશે જ એની પ્રતિતી આપે છે, પણ સાથે એક શરત મૂકે છે કે સામા પક્ષે, એટલે કે આપણે પણ કંઈ જવાબદારીપૂર્વક કરવાનું છે અને તે છે કે “ઘૂંઘટનો પટ ખોલવાનો છે”. પરમાત્મા સહજ છે પ્રાકૃત્ત છે, ખુલ્લો છે, આપણે જ આપણી હયાતી પર પડદાઓ નાખીને આપણો અસલી ચહેરો છુપાવીને રાખ્યો છે. આપણી અને ઈશ્વર વચ્ચેના પટલ હટ્યા કે પરમ તત્વને આપણે સામસામે થયા અને પરમેશ્વરનો આપણને સાક્ષાત્કાર થાય છે. પણ આ પટલો આપણે જ ખસેડવાના છે.

કબીર વણકર હતા આથી વસ્ત્રની ભાષાના તાણાવાણા સમજતા હતા. આ ઘૂંઘટનો પટ એટલે શું? આપણાં કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર અને આપણો પ્રલંબ અહમ્ જ આપણે ઘૂંઘટની ઓથે છુપાવીને રાખીએ છીએ. આ અહમ્ ખસે તો જ સોહમ્ મળે. પરમાત્મા કાશીમાં નથી, વૃંદાવનમાં નથી, એ તો આપણાં ઘટઘટમાં છે. માણસની પાછળ જ માધવ સતત રહેલો છે, એને ટેકો આપવા..! આપણે જ અજ્ઞાની ન તો એના સ્પર્શને ઓળખી શકીએ છીએ કે ન તો આપણી અંદર જ રહેલા એના વજૂદને પીછાણી શકીએ છીએ. દરેક માણસ માત્રમાં રહેલા પરમાત્માને કદીયે કડવાં વચન ન કહેવા જોઈએ. દરેક જીવની અંદર વસતો શિવ આપણી વાણીની કડવાશ અને મિઠાશ બેઉને સાંભળે છે અને ઓળખે છે.

ધન, જુવાની અને સત્તાનો નશો બહુ ખૂંખાર હોય છે. “ઈસ તન ધન કી કૌન બડાઇ” ગાનાર કબીર ઘૂંટી ઘૂંટીને કહે છે કે આ જગતમાં શરીર, દ્રવ્ય બધું જ નશ્વર છે, કશુંય શાશ્વત નથી. આપણું પંચ તત્વનું બનેલું આ શરીર ક્ષણભંગુર છે. જે અંતે પંચ તત્વોમાં જ ભળી જશે તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્વ શા માટે?

કબીર જેવા મોટા ગજાના સંત કવિ શૃંગારની ભાષામાં પણ ગહન જ્ઞાનની વાત કરે છે. કબીર કહે છે કે આ બ્રહ્માંડ તો શૂન્યનો મહેલ છે. આ શૂન્યના મહેલ સમા બ્રહ્માંડમાં તું બ્રહ્મનો દીવો પ્રગટાવ અને મૃગજળ જેવી આશાઓથી ચલિત ન થા. “આસ સો મત ડોલ’ આવી પંક્તિ સહજતાથી કબીર જ લખી શકે, આશાથી જીવવું હોય તો હતાશાનો મુકાબલો કરવા તૈયાર રહેવું પડે અને હતાશાથી પાર જવું હોય તો આશાથી વિચલિત ન થવાય!

શૂન્યના મહેલમાંથી કવિ રંગમહેલમાં જાય છે. પણ આ ‘રંગમહેલ’ ‘રાગ’ વિનાનો છે. જે વીતરાગી હોય એને જ બ્રહ્માંડનો રંગ અને રાગ મળે. અહીં પ્રિયતમા અને પ્રિયતમનું મિલન થાય છે – જ્ઞાનના દીવાની સાક્ષીએ. પ્રિયતમ પોતે જ અણમોલ છે અને આ મહામૂલું મિલન પણ અમૂલ્ય છે. આ મિલનના આનંદને કઈ રીતે વર્ણવવો? સુખ ખંડીત હોય છે અને આનંદ અખંડિત હોય છે. સુખને સરહદ હોય છે ત્યારે આનંદ અનહદ હો છે. અને આ જ અનહદનો જ ઢોલ જ્યારે પીટાવા માં ડે છે ત્યારે અહમ્ નો દહનખંડ શૂન્યના શયનખંડમાં પલટાઈ જાય છે અને આત્મા અને પરમાત્માનું શુભ અને શુભ્ર મિલન થાય છે.

(સૌજન્યઃ સુરેશ દલાલ- ‘ભજનયોગ’ પુસ્તકમાંથી સાભાર)

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

મ્યુઝિયમનું કાર્યક્ષેત્રઃ

મ્યુઝિયમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. તેનાં કાર્યો બે ભાગમાં વહેંચાઈ જાય છેઃ Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ