વરસો પહેલાં મારા બાપુજી ગુરુદતની ફિલ્મ “સાહબ, બીબી ઔર ગુલામ” જોઈને આવ્યા. મેં તેમને પૂછ્યું કે ફિલ્મ કેવી લાગી? ત્યારે તે બોલ્યા, ‘બહુ સરસ હતી, અને તેમાં નિરૂપા રોયનો રોલ સરસ હતો. મને ગમ્યો. ‘સાહેબ, બીબી ઔર ગુલામ અને નિરૂપા રોય?’ મારાથી બોલાઈ ગયું. મેં આગળ ચલાવ્યું, ‘ગુરુદત્તે બીજું પિકચર બનાવ્યું લાગે છે. બાકી એ ફિલ્મમાં મીનાકુમારી છે.’ બાપુજી બોલ્યા, ‘જે હોય તે, મને તેમાં કાંઈ ફેર લાગતો નથી.’ ત્યારે હું વડોદરા કોલેજમાં ભણતો હતો. બાપુજી રિટાયર્ડ થઈને રાજપીપળામાં રહેતા. મને અચાનક મારા બાપુજી યાદ આવી ગયા. જ્યારે મેં મારા દીકરા સંદિપને કહ્યું કે ‘રામલીલા’ ફિલ્મમાં ઐશ્વર્યા રાયના ગરબા બહુ જ સરસ લાગે છે. જાણે કોઈ ગુજરાતણ ન કરતી હોય? સંદિપકુમાર કહે, ‘ડેડ, એ તો દીપિકા હતી. ઐશ્વર્યાનો ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગરબો તો ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં છે. મેં કહ્યું કે, ‘મને તો બધી સરખી લાગે છે. અને મને કોઈનામાં કાંઈ ફેર લાગતો નથી.’ મારો દીકરો કહે કે, ‘ડેડ, યુ આર નાઉ ઓલ્ડ!” અને ત્યારથી મેં “હરનિશનો નિયમ” બનાવી દીધો કે જ્યારે સૌંદર્યવાન છોકરીઓમાં જેને ફેર ન દેખાતો હોય તેને ઓફિશ્યલી સિનિયર કહેવાય. એટલું જ નહીં, તે સહુએ છોકરીઓ જોવાના શોખને તિલાંજલી આપી દેવી જોઈએ. દુઃખની વાત એ છે કે એ કરવાનું હવે ગમે પણ છે! ડોસાઓને પત્ની કરતાં ચશ્માંની જરૂર વધુ હોય છે. તેમ છતાં આપણને ડોસા શબ્દ કરતાં સિનિયર શબ્દ વધારે ગમે છે. નામ જે હોય તે…. હાડકાં તો ડોસા-ડોસી બન્નેનાં દુઃખે છે અને મગજ પણ બન્નેનાં જલદી થાકી જાય છે. અમેરિકામાં ઓલ્ડ થઈએ તે તરત નથી સમજાતું. ઈન્ડિયામાં તો જ્યારથી અજાણ્યાં છોકરાં આપણને કાકા-કાકી કરે ત્યારથી માની લેવાનું કે હવે આપણને ગમે કે ન ગમે, પણ આપણે હવે જુવાન નથી રહ્યાં! પછી ભલે ને દિલને ખુશ કરવા ટીવી પર ‘અભી તો મૈં જવાન હું’ નો પ્રોગ્રામ રોજ જોયા કરીએ!
હવે સિનિયર કાંઈ એમ ને એમ પણ નથી થવાતું. સિનિયરનું પણ એક પેકેજ હોય છે. હવે જીવન જીવવાની ફિલસૂફી શીખી લીધી છે. હવે રોજ દાઢી કરવી જોઈએ એવું કઈં જરૂરી નથી. કપડાંને ઈસ્ત્રી હોવી જ જોઈએ એવું પણ આવશ્યક નથી, અરે, પેન્ટની ઝિપર બંધ થાય પણ ખરી અને ન પણ થાય, એમાં કોઈ મોટાઈ કે ઓછપ પણ નહીં! મને ડાયાબિટીસ છે એટલે ઘણી વખત રાતે સૂતી વખતે પગમાં બળતરા થાય છે. એને માટે ડૉક્ટરે મને ગેબેનોપેન્ટીન નામની દવા આપી છે. પણ, ડોક્ટર એ કહેવાનું ભૂલી ગયા કે પગની બળતરા તો જશે પણ સાથે સાથે યાદશક્તિ પણ જશે! આજકાલ કેટલાય જાણીતા ચહેરા તુરંત ઓળખાતા નથી, જો કે એનો વાંધો નથી આવતો કારણ એ લોકો મને ઓળખી જાય છે ને યાદ અપાવી દે છે. ગૂંચવણ ત્યારે ઊભી થાય છે જ્યારે જેને કદી મળ્યો નથી એ બધાં મને ઓળખીતાં લાગે છે, એટલું જ નહીં, એમને ખોટું ન લાગે એટલે તેમને સામેથી બોલાવું છું. મઝાની વાત તો ત્યારે થાય છે કે જ્યારે એ સામી વ્યક્તિ મને ગૂંચવાઈને કહે છે, ‘સોરી હં…પણ તમારું નામ ભૂલાઈ જવાયું છે!’ ગયા અઠવાડિયે ક્રેકર બ્રિજ મોલમાં ગયો હતો. મેં સિયર્સના સ્ટોર પાસે મારી કાર પાર્ક કરી અને હું અંદર ગયો. કલાકેક પછી એક શર્ટ ખરીદીને બહાર નીકળ્યો. બહાર આવીને જોયું તો મારી કાર ન મળે! ખૂબ ફાંફા માર્યા. મને એવો પણ વિચાર આવ્યો કે મારી કાર મેસિઝ પાસે પાર્ક કરી હોય અને મગજમાં સિયર્સ ઘુસી ગયું હોય! એટલે મેસિઝ સામે પણ ચેક કર્યું. ગાડી ત્યાં પણ નહોતી. પછી સિક્યૉરિટી ગાર્ડને મળ્યો અને કમ્પલેઈન્ટ નોંધાવી. પછી ઘરે પત્નીને ફોન કર્યો કે, ‘મને આવીને લઈ જા. મારી ગાડી ચોરાઈ ગઈ છે.’ પત્નીજીએ જવાબ આપ્યો, કે, ‘તારી કાર તો અહીં ઘેર ડ્રાઈવ-વેમાં પડી છે. તું મારી કાર લઈ ગયો છે, મારી કાર શોધ.’ યાદશક્તિ ઓછી થાય એની સૌથી મોટી મુસીબત એ છે કે આપણે હંમેશાં સાચું જ બોલવું પડે અને ખોટાં બહાનાં બનાવવાનાં છોડી દેવાં પડે!
હવે હું ઘણી બધી વસ્તુઓ ભૂલી જાઉં છું, એ ઘરના સૌ જાણે છે. તેમાં એવુંય થાય છે કે મારી દીકરીને હું જો વચન આપું છું તો તે તરત જ લખાવી લે છે. જ્યારે પત્ની ફેબ્રુઆરીમાં આવતા વેલેન્ટાઈન ડે ની ગિફ્ટ તો ડિસેમ્બરમાં ક્રિસમસ ટાણે જ લઈ લે છે. તે પણ હું ખરીદીને આપું તે પહેલાં પોતે મારા કાર્ડ પર, મારા તરફથી ખરીદી લે છે. મારું સૌથી મોટું દુઃખ એ છે કે મને એવું લાગે છે કે, ઘણી વખત એ લોકો મને બનાવે છે! મેં કશું કહ્યું ન હોય તોય મને કહેશે કે, ‘તમે જ તો તેમ કરવાનું કહ્યું હતું. તમને આજ કાલ તો કઈં જ યાદ નથી રહેતું!’ હમણાંનો તો મને એવો વહેમ પણ ઘુસાડવામાં આવ્યો છે કે મને બરબર સંભળાતું નથી. કારણ કે મારા પત્ની થોડી થોડી વારે બૂમ પાડશે કે, ‘આટઆટલી રિંગ થાય છે ને તું ફોન બંધ ન થાય, ત્યાં સુધી ઉપાડતો નથી.’ પછી મને લાગવા માંડ્યું કે આપણામાં જ કઈં ગરબડ છે. ડોક્ટર પાસે તપાસ કરાવવા ગયા તો ડોક્ટરે કહ્યું કે, ‘તમારામાં કાનમાં તો નહીં, પણ કદાચ બહેનના કાનમાં રિંગિંગ ઈફેક્ટ હોય તો તેના માટે કાંઈ કરવું પડશે!’
અમેરિકામાં જેટલા કાર એક્સીડન્ટ થાય છે તેમાં મોટા ભાગના એક્સીડન્ટમાં સિનિયર સિટિઝન સંડોવાયેલા હોય છે. એટલે મારાં પત્નીએ મારા ડ્રાઈવિંગને સહેલું બનાવવા મને પૂછ્યા સિવાય એવો નિયમ બનાવ્યો છે, કે, ‘તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.’ અને તે માટે પાછા હાથના સિગ્નલ બનાવ્યા છે. કોઈને આશિર્વાદ આપતો જમણો હાથ ઊંચો થાય એટલે ‘સ્પીડ ઓછી કર.’ ઘઉંમાંથી કાંકરા દૂર કરતી હોય તેમ હાથ હાલે તો મારે માની લેવાનું કે કાર બીજી બાજુ જાય છે. આ બધાં સાથે એની ઈન્સ્ટ્રક્શન તો ચાલુ જ હોય, ‘જો આગળ લાલ લાઈટ છે.’ ‘ચાલ હવે ગ્રીન થઈ.’ ‘પેડેસ્ટ્રીયન ક્રોસિંગની સાઈન છે. સંભાળ.’ મેં એને કહ્યું, “આના કરતાં તું જ ડ્રાઈવ કરી લે!” તો તે બોલી, ‘ગાડી ચલાવવાની મઝા અહીં બેઠાં બેઠાં વધારે આવે છે! ત્યાં બેસું ને ન કરે નારાયણ ને ખોટો એક્સીડન્ટ થઈ જાય તો નકામું મારું નામ આવે.’ હું જ્યારે રિટાયર્ડ થયો ત્યારે મને કશુંયે કર્યા સિવાય આખો દિવસ પસાર કરવો અઘરો લાગતો હતો. મેં મારા એક સિનિયર મિત્રને પૂછ્યું કે, ‘મારો સમય પસાર થતો નથી તો શું કરવું?’ તો તે કહે, ‘રોજ બપોરે ત્રણ કલાક સૂઈ જાઓ. સમયની પછી ચિંતા જ નહીં. ઊઠશો, ચા પીશો ને ડિનર લેશો ત્યાં તો પાછો સૂવાનો ટાઈમ થઈ જશે!’ મેં એ પણ જોયું છે કે જેઓ બપોરે ઊંઘતા નથી તેઓ ટીવી પર ચોંટી જાય છે. નોકરિયાતને નહીં ખબર હોય પણ બપોરે બધી જ ટીવી ચેનલ પર આ ડોસા-ડોસી ઓ માટે બધાં જ રોગોની દવાઓની કમર્શિયલ આવે છે. બે ચાર બપોર મેં પણ આ ચેનલો જોઈ તો એ લોકો જેટલા રોગોના સિમ્પટમ્સ બતાવે છે, એ બધાં જ મને બંધબેસતા થાય છે એવું મને લાગે છે. મને મારામાં એ બધાં જ રોગો દેખાય છે. વાયગ્રા સિવાય બધી મેડિસીનના ઓર્ડર આપવાનું મન થાય છે. બીજું તો કઈં નહીં પણ મારા દાદા વાપરતા હતા એવી મજેદાર લાકડી મંગાવી લીધી છે. આ લાકડીથી મારો વટ પડે તે કરતાં, લોકો મને મદદ કરવા કાયમ તત્પર રહે છે, એની મજા આવે છે. લોકો મારા હાથમાં લાકડી જોઈને સ્ટોરના બારણાં ખોલી દે છે, અને મારા હાથની થેલી પણ માંગીને ઊંચકી લે છે. મારી દીકરીને તે લાકડી નથી ગમતી. તેનું કહેવું છે કે લાકડી મને વધારે ડોસો બનાવી દે છે, અને એ મને પોતાની સાથે બાબા રામદેવના યોગાસનોનો પ્રોગ્રામ જોવા બેસાડી દે છે. હવે છાતી ફૂલાવવાની વાત આવે છે તેટલું મને માન્ય છે. પણ તેમાંય તે કહેશે, ‘છાતી ફૂલાવવાની છે, પેટ નહીં. તમે પેટ ફૂલાવી રહ્યા છો.’ ઊંડા શ્વાસ લેવામાં પણ વાંધો નથી પણ બાબા એમના ટાંટિયા ઊંચાનીચા કરે છે એ જોઈને જ મને હાંફ ચડે છે અને પરસેવો વળે છે. એટલું ખરું કે આટલું કર્યા પછી મને ભૂખ લાગે છે.
મારો એક નિયમ છે કે કોઈ પણ સિનિયરને તેની તબિયતના સમાચાર પૂછવાના નહીં. દસમાંથી નવ જણને કાંઈક ને કાંઈક દુઃખ હશે. અને જો પૂછવાની ભૂલ કરો તો તે જુવાનીમાં કેટલા સ્ટ્રોંગ હતા અને પચીસ રોટલી તો રમતરમતમાં ખાઈ જતા હતા ત્યાંથી ચાલુ કરશે, ને આજ સુધીમાં કેટલા રોગો થયા ને કેટલા ઓપરેશનો થયા ત્યાં સુધીનું રામાયણ કહેશે. અને, તે લોકોને એમની આ વાતો કહેવાની ખૂબ ગમશે કારણ એમના રોગોની કોઈને પડી નથી હોતી. જ્યારે ચાર-પાંચ ડોસાઓને સાથે વાતો કરતા જુઓ તો માની લેવું કે તે એકબીજાના રોગોની વાતો કરતા હશે, એટલું જ નહીં, પણ પોતે અજમાવેલા ઉપાયો પણ સૂચવશે. એ વાત અલગ છે કે એ ઉપાયોથી એમને ફાયદો થયો હતો કે નહીં એ તો ભગવાન જ જાણે! અમેરિકન પ્રેસિડન્ટ લિન્ડન જોહન્સને પ્રેસ કોન્ફરન્સમાં શર્ટ ખોલીને તેમના એપેન્ડિક્સના ઓપરેશનો કાપ બતાવ્યો હતો. પ્રેસિડન્ટ હોય તો શું થયું? તે ડોસા તો હતા જ ને? આ બધી જ વાતોથી બચવા અને સિનિયરોના દુઃખડા ન સાંભળવા પડે તેથી હું સિનિયર સેન્ટરમાં જતો નથી, અને હંમેશાં યાદ રાખું છું કે ‘સર પે બૂઢાપા હૈ મગર દિલ તો જવાન હૈ!’
એ બધી વાતોનો નિષ્કર્ષ એટલો જ કે દરેક સિનિયર પાસે જીવન આખાના અનુભવ હોય છે, તેમ છતાં, દરેક નવી પેઢી પોતાની ભૂલોથી નવા પાઠ ભણશે અને નવું ડહાપણ શીખશે. નવી પેઢીને સિનિયરોની સલાહની કે તેમના અનુભવોની જરૂર નથી. બાકીનું જીવન, મસ્તીથી નિજાનંદમાં જીવો.
મરીઝ સાહેબની જેમઃ
“જિંદગીને જીવવાની અમે ફિલસૂફી સમજી લીધી.
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી”.
(‘ગુર્જરી ડાયજેસ્ટ” ના સૌજન્યથી)