Category Archives: હરનિશ જાની

સિનીયરોનું લગ્નજીવન (  હરનિશ જાની )

સિનીયરોનું લગ્નજીવન

ઘણાં  સિનીયરોને (ડોસાઓને) , યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા ?  સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું.

જ્યારે પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. પુરુષને સેટલ થવા માટે છોકરી નહીં નોકરી જોઈએ.  અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ?  જુની હિન્દી ફિલ્મોમાં  જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધાં તો છુટી ગયાં. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે તે શોર્ટ ટેમ્પર છે. એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે. અને મને મારો જવાબ મળી ગયો. પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને વરરાજાનું સંબોધન કર્યું. અને વાંદરાને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે  ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓની પરણ્યા પછીની હાલત  જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં દરેક જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું નથી.પણ પરણ્યા પછી અક્કલ ઠેકાણે આવે છે. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.  બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલીની આંખ જ દેખાય છે. એ  માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.  અને સૌએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું ને !  દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠ વરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય. અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે  પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો  બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.

પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં?  હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે.   બીજું તો કાંઈ નહીં  પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. “તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.” જયારે અમે સાથે ટી.વી. જોવા બેઠા હોઈએ છીએ ત્યારે, ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ તે  ટેવ મુજબ, રીમોટ કંટ્રોલ મારા હાથમાં રાખવા દે છે. પણ શું જોવું તે, તે નક્કી કરે. મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.  જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે. તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.  દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં  બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર  કેલ્શિયમની ગોળીઓની. કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કેવી રીતે કરવા તેની. પછી હું સમજી ગયો કે  મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતી કે  બધું બરાબર છે ને!  પેલા ભરતભાઈને  ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું કેવું સંભળાવતાં હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘

“પણ  તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”

“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી ઊંઘની કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.”

વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું  સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું. જીવનમાં હવે પ્રેમ દર્શાવવાની રીત બદલવી પડે છે, સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.આમ નહીં સ્પર્શીને –આઈ લવ યુ દર્શાવવાનું.

પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે   નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે.  મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સ્વભાવ  સિનીયર થતા સુધી રહેવાનો. એ વાતની  કોઈ પણ પુરુષને ખબર હોતી નથી.

હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે આજની બધી આશા પારેખો ભવિષ્યની લલિતા પવારો છે. આજની નાજુક અને નમણી પત્ની અને આજનો સેક્ષી વરરાજા પાંચ વરસ પછી પેટ પર ટાયર લટકાવીને ફરતા હશે, અને જો પેટ ન વધે તો તેમના ટાયરમાંથી હવા નિકળી ગઈ હશે. બોલો, કુર્યાત્ સદા મંગલમ્.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

યોગાનુયોગ  (હરનિશ જાની)

યોગાનુયોગ         

થોડા દિવસ પર અમદાવાદના એક ગુજરાતી છાપામાં ,એક જાહેરાત જોઈ. “આ રવિવારના યોગાના ક્લાસિસ બંધ રાખ્યા છે.” અને મને વિચાર કરતો મુકી દીધો. ખરો સંસ્કૃત શબ્દ છે–યોગ. આ “યોગ”નું “યોગા” કેવી રીતે થયું? પચાસના દાયકામાં રાજપીપલાની વ્યાયામશાળામાં ચંપકભાઈ ભાવસાર અમને “યોગ અને યોગાસનો” શિખવાડતા હતા. ત્યારે આ “યોગા” યોગ હતો. સાઠના દાયકામાં મેં અમેરિકામાં મહર્ષી મહેશ યોગીના મોઢે યોગનું અંગ્રેજીકરણ “યોગા” સાંભળ્યું. સાઠનો દાયકો જ એવો હતો. પં.રવિશંકર તેમના સિતાર ચાહકોને શસ્ત્રીય “રાગા” સંભળાવવા લાગ્યા.રાગ બસંત–રાગા બસંત બની ગયો. તે જમાનામાં ભારતમાં ટી.વી. નહોતો આવ્યો. અમેરિકનોને માટે ઈન્ઠીયા એક રહસ્યમય પ્રદેશ હતો. ન્યૂ યોર્કના ટાઈમસ્ક્વેરમાં સાડી પહેરલી સ્ત્રીને કે કોઈ શીખને જોતાં જ તેમને ઊભા રાખી, અમેરિકનો તેમના ફોટા પાડતા હતા. ત્યારે યુનિ.માં ભણતા,અમે  મુઠ્ઠીભર ઈન્ડિયન સ્ટુડન્ટસ મંડી પડ્યા. અમેરિકનોને ઈન્ડિયાનો પરિચય આપવા. સામાન્ય અમેરિકન ત્યારે એટલું જ જાણતો કે ઈન્ડિયા એટલે લેન્ડ ઓફ એલિફન્ટ એન્ડ કાઉઝ. તેમાં આવ્યા ઈસ્કોનવાળા શ્રીલા પ્રભૂપાદ જેમણે અમેરિકનોને શિખવાડયું “હરે રામા, હરે ક્રીશ્ના” અને પોતે થયા “પ્રભૂપાદા” હવે તમે રામનું રામા કરો તે તો સમજ્યા મારા ભાઈ પણ કૃષ્ણનું કૃષ્ણા કર્યું?  કૃષ્ણને ખોટું લાગે કે મને કૃષ્ણા–દ્રૌપદી કરી નાખ્યો. પરંતુ  અમે ગુજરાતીઓ, અમેરિકનોમાં સામાન્ય બુધ્ધિ નથી. એમ સમજતા હતા. તેમને સમજાવ્યું કે  અમારા ” લોર્ડ શિવા”ને ત્રણ આઈઝ છે. તેનો દીકરો લોર્ડ “ગણેશા”.અમારા ધાર્મિક પુસ્તકો “રામાયના”  અને “મહાભારાતા” છે. તેઓને સમજ પડે એટલે અમે રામાયણનું રામાયના કર્યું. પરંતુ તેઓએ કે મશલમાનબંધુઓએ “કુરાન” નું કુરાના ન કર્યુ. ડોબા લાગતા અમેરિકનો નમાઝને નમાઝ કહે છે.અને અઝાનને અઝાન કહે છે. અને મુશ્લિમોએ જિહાદનું  જિહાદા ન કરતાં અમેરિકનોને દંડા મારીને જિહાદ બોલતા કર્યા. પરંતુ અમારા મનમાં અમે બધું અમેરિકનાઈઝ્ડ કરવાનું નક્કી કર્યું હતું પંડિત રવિશંકરે બિટલ્સને રાગ બસંતનો સ્પેલિંગ આર.એ..એ.જી.– Raag  –Basant રાખ્યો હોત તો બિટલ્સ ‘રાગ’ બોલતા હોત. પરંતુ પંડિતજીએ આર.એ.જી.એ.–Raga– Basant  શિખવાડ્યું. પંડિતજીએ તો વળી ‘Raga‘ નામની ફુલ લેન્થ ડોક્યમેન્ટરી પણ બનાવી. મેં નોંધ્યું છે કે જેમના રાગ પણ  સારા નથી એવા ગાયકો અને સંગીતકારોએ રાગાનું પૂંછડું પકડ્યું છે તે હજુ છોડ્યું નથી. એટલે હવે હિન્દી ટીવી ચેનલોવાળા પણ રાગા બોલતા થઈ ગયા છે. અમેરિકનોને યોગા ગમી ગયો. અને અમેરિકામાં તેને ફેલાવવા અમે લોકો લાગી પડ્યા. હવે દશા એવી થઈ કે અમેરિકન મકડોનલ્ડ સાથે યોગાને પણ આપણે અપનાવી લીધો. એ ભૂલી ગયા કે આ તો આપણો યોગ છે. અને યોગાના ક્લાસિસ ચાલુ થઈ ગયા. હું નથી માનતો કે નવી પેઢીને યોગ અને યોગાનો તફાવત ખબર હોય. કદાચ બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા. પેલા “યોગગુરુ”ના ટાઈટલવાળા બાબા રામદેવ પણ “યોગા કરનેકી સલાહ દેતે હૈં ” આજકાલ આપણે ત્યાં અમેરિકાનું અનુકરણ એટલી હદે થઈ રહ્યું છે કે વીસ ત્રીસ વરસ પર જન્મેલા એમ જ સમજે કે વેલેન્ટાઈન ડે ની પ્રથા આપણે ત્યાં વેલેન્ટાઈન ઋષીએ ચાલુ કરી હશે. અને ફ્રેન્ડસીપ ડે એ રક્ષા બંધનનું બીજું નામ હશે. હવે રાહ જુઓ ક્રિસ્મસની કે જ્યારે લોકો સાંટા ક્લોઝની આરતી ઉતારશે.અને આપણી પ્રથા પ્રમાણે સાંટાની બાધાઓ પણ રાખશે અને મંદીરો બાંધશે.નવાઈ તો એની થશે કે જ્યારે સાંટા ક્લોઝની બાધાવાળાને ઘેર પુત્ર જન્મ થશે. જીવનની વક્રતા તો જુઓ.અમે અમેરિકામાં દિવાળીની ઉજવણી માટે ગવર્મેંટમેંટમાં એપ્લિકેશનો કરીએ છીએ અને આપણે ત્યાં ક્રિસ્મસની રજાઓ માટે અરજીઓ થાય છે.

              કેટલાને ખબર હશે કે ૧૮૭૬માં બંધાયેલા મુંબઈ યુનિ.ના “રાજાબાઈ ટાવર”નું ખરું નામ “રાજબાઈ ટાવર” છે. પરંતુ અંગ્રેજોએ- Rajbai – ન લખતાં Rajabai   લખ્યું અને તેનું ગુજરાતી નામ આપણે “રાજાબાઈ ટાવર’ કર્યું . રાજબાઈ, પ્રેમચંદ રાયચંદ નામના જૈન મહાનુભાવના અંધ માતા હતાં .જેમને સાંજની પ્રાર્થનાના સમયની ખબર પડે એટલે દીકરાએ આ ક્લોક ટાવર બંધાવ્યું હતું. (મારા બાલુકાકાએ તો મારા દાદીમાને એલાર્મ ક્લોક પકડાવી દીધું હોત.)  યોગા,રાગા,શિવા રામા ક્રીશ્નાથી ન અટક્યા. અમેરિકનોને અમારા નામ બોલતા ફાવે એટલે કુણાલનું કેની કર્યું અને સંદીપનું સેન્ડી કર્યું.અમે દુષ્યંતનું ડેવિડ કર્યું  અને બલ્લુભાઈનું બિલી કર્યું  શુક્લનું શુક્લા કર્યું. પરંતું  સારું થયુંને કે હોશિયાર પટેલ– પટેલા ન બન્યા. બિચારા સ્પેનિશ ભાષી લોકોએ પોતાના નામ બે રીતે બોલે છે. હોસે બની ગયા જ્હોન અને હોરહે બની ગયા જ્યોર્જ. આપણે નામ પૂછીએ તો આપણને સામે પૂછે કે ” ડુ યુ વોન્ટ માય સ્પેનિશ નેમ ઓર અમેરિકન નેમ?” અમે ઈન્ડિયનોએ  એ ન જોયું કે અમેરિકનો  Pryzbilowsky , Kowaloski, Eisenhoover  વિગેરે નામો તો પહેલેથી જ બોલતા હતા. પોલેન્ડના લોકોના નામ કે આઈરીશ લોકોના નામ લાંબા લાંબા હોય છતાં તેઓ ગુચવાયા વિના બોલે છે. અને અમે ધારી લીધું કે એમને બાલાસુબ્રમનિયમ નહીં ફાવે. જોકે વાત એમ છે કે ગુજરાતમાં અમારી ગુજરાતી અતુલ કંપનીમા રંગનાથન હતા તેને અમે રંગા કહેતા હતા. અને બાલાસુબ્રમનીયમ પોતે જ બાલા થઈ ગયા હતા. મઝાની વાત કરું અમારી કંપનીમાં કસ્ટમર સર્વિસમાં એક જાપાનિઝ છોકરી કામ કરતી હતી. પહેલે દિવસે મેં તેને તેનું નામ પૂછ્યું તો કહે “માય નેમ ઈઝ ,મિસ બેન નાગી. બટ યુ કેન કોલ મી નાગી.” તો મેં સામે કહ્યું” આઈ વિલ કોલ યુ નાગીબેન”  એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકામાં હાથથી કામ કરનારાને ઈન્ડિયન નામ બોલતા તકલિફ પડતી હતી જ્યારે મગજથી કામ કરનારા હરનિશ જાની બહુ ચોખ્ખી રીતે બોલી શકતા હતા. એટલે જે ધંધામાં સામાન્ય અમેરિકનો સાથે કામ કરવાનું હોય તેમાં ઈન્ડિયન નામ કરતાં અમેરિકન નામ ચોક્કસ કામ લાગે છે. લોયર, કોન્ટ્રાક્ટર કે કોઈ ઈન્સ્યોરન્સ એજન્ટ જેવા ધંધામાં. દુષ્યંતકુમાર કરતાં ઈન્સ્યોરન્સ એજન્ટ ડેવિડ પાસે વધારે અમેરિકનો આવે. અમેરિકનોને બીજા બધાં નામ બોલતા ન ફાવતા હોય પરંતું જ્યારે ભૂખ લાગે ત્યારે ઈન્ડિયન રેસ્ટોરાંમા  “સમોઉસા” ,”પાપડમ”, “ચપાટી”, “ડાલ” જેવા શબ્દો રમતમાં, ગુંચવાયા વિના બોલે છે. અમે લોકો સાઠના દાયકામાં અમેરિકા આવ્યા ત્યારે નોંધ્યું કે અમેરિકામાં ચાઈનિઝ ફુઠ પોપ્યુલર છે. હવે આ ચાલિસ પચાસ વરસ પછી અમેરિકામાં ઈન્ઠિયન ફુડ જામવા માંડ્યું છે. આપણા બાબરચીઓ હવે સમોસા અને ઢોંસા જેવા ફાસ્ટ ફુડ બનાવવા લાગ્યા છે. વાત બહુ સીધી છે. જે ફૂડ સવા અબજ લોકોને પ્રિય હોય તે ૨૫ કરોડને કેમ ન ગમે? અને જો ફુડની ભાષા ન આવડે તો તે ભૂખે મરે. અજ્ઞાની રહેવું પોષાય પણ ભૂખ્યા રહેવાનું ન પોષાય.

સિનીયરનામા (હરનિશ જાની)

                              સિનીયરનામા                   

                     વરસો પહેલાં મારા બાપુજી ગુરુદત્તની ફિલ્મ “સાહબ બીબી ગુલામ જોઈને આવ્યા. મેં તેમને પૂછયું કે ફિલ્મ કેવી લાગી? ત્યારે તે બોલ્યા,” બહુ સરસ હતી, અને તેમાં નિરૂપારૉયનો રોલ સરસ હતો. મને ગમ્યો.” “સાહેબ બીબી ગુલામ અને નિરૂપારૉય?” મારાથી બોલાય ગયું. મેં આગળ ચલાવ્યું,” ગરુદત્તે બીજું પિક્ચર બનાવ્યું લાગે છે. બાકી એ ફિલ્મમાં તો મીનાકુમારી છે.”. મારા બાપુજી બોલ્યા મને તો બધીઓ સરખી લાગે છે. અને જે હોય તે ,મને તેમાં કાંઈ ફેર લાગતો નથી.” ત્યારે હું વડોદરા કોલેજમાં ભણતો હતો. બાપુજી રિટાયર્ડ થઈને રાજપીપલામાં રહેતા મને અચાનક મારા બાપુજી યાદ આવી ગયા. જ્યારે મેં મારા દીકરા સંદિપને કહ્યું કે રામલીલા ” ફિલ્મમાં ઐશ્વર્યા રાયના ગરબા બહુ જ સરસ લાગે છે. જાણે કોઈ ગુજરાતણ ન કરતી હોય?” સંદિપકુમાર કહે ” ડૅડ,એ તો દિપીકા હતી.ઐશ્વર્યાનો ઢોલી તારો ઢોલ બાજે ગરબો તો “હમ દિલ દે ચૂકે સનમ”માં છે.” મેં કહ્યું કે “મને તો બધી સરખી લાગે છે. અને મને કોઈનામાં કાંઈ ફેર લાગતો નથી.” મારો દીકરો કહે કે “ડૅડ,યુ આર નાઉ ઓલ્ડ.” અને મેં હરનિશનો નિયમ બાનાવી દીધો કે જ્યારે સૌદર્યવાન છોકરીઓમાં જેઓને ફેર ન દેખાતો હોય તેને સિનીયર કહેવાય. અને તેમણે છોકરીઓ જોવાના શોખને તિલાંજલી આપી દેવી જોઈએ. દુખની વાત એ છે કે તેમ કરવાનું હવે ગમે છે.  ડોસાઓને પત્ની કરતાં ચશ્માની જરૂર વધુ હોય છે. તેમ છતાં આપણને ડોસા શબ્દ કરતાં સિનીયર શબ્દ વધારે ગમે છે. નામ જે હોય તે હાડકાં બન્નેના દુખે છે અને મગજ  બન્નેના જલ્દી થાકી જાય છે. અમેરિકામાં ઓલ્ડ થઈએ તે તુરત નથી સમજાતું . ઈન્ડિયામાં તો જયારથી અજાણ્યા છોકરાં આપણને કાકા –કાકા કરે ત્યારથી માની લેવાનું કે હવે આપણને ગમે કે ન ગમે પણ જુવાન નથી રહ્યા. હવે સિનીયર કાંઈ એમને એમ નથી થવાતું. સિનીયરનું તો એક પેકેજ હોય છે. હવે જીવન જીવવાની ફિલસુફી શીખી લીધી છે. હવે રોજ દાઢી કરવી જોઈએ એવું કાંઈ નથી. કપડાંને ઈસ્ત્રી હોવી જ જોઈએ એવું જરૂરી નથી.અરે! પેન્ટની ઝિપર બંધ થાય પણ ખરી અને ન પણ થાય.એવી કોઈ મોટાઈ નહીં. મને ડાયા બિટીસ છે. એટલે ઘણી વખતે રાતે સૂતી વખતે પગમાં બળતરા થાય છે. એટલે ડોક્ટરે મને ગેબેનોપેન્ટીન નામની દવા આપી છે. ડોકટર કહેવાનું ભૂલી ગયા કે પગની બળતરા તો જશે પણ સાથે સાથે યાદ શક્તિ પણ જશે. કેટલા ય જાણીતા ચ્હેરા તુરત ઓળખાતા નથી. જો કે તેનો વાંધો નથી. પણ જેને કદી મળ્યો નથી. તે મને ઓળખીતા લાગે છે. અને એમને ખોટું ન લાગે એટલેથી તેમને સામેથી બોલાવું છું. મઝાની વાત તો તે છે કે એ વ્યક્તિ ગુચવાઈને મને કહેશે,” કેમછો? સોરી તમારું નામ ભૂલી ગયો છું”.  ગયા અઠવાડિયે ક્રેકર બ્રિજ મૉલમાં ગયો હતો. મેં સિયર્સના સ્ટોર પાસે મારી કાર પાર્ક કરી અને હું અંદર ગયો. કલાક પછી એક શર્ટ ખરીદીને બહાર નિકળ્યો. બહાર આવીને જોયું તો મારી કાર ન મળે.  ખૂબ ફાંફાં માર્યા. મને એવો પણ વિચાર આવ્યો કે મેં મારી કાર મેસીઝ પાસે પાર્ક કરી હોય અને મગજમાં સિયર્સ ઘુસી ગયું. એટલે મેસિઝ સામે પણ ચેક કર્યું પછી. સિક્યુરીટી ગાર્ડને મળ્યો અને કમ્પ્લેઈનટ નોંધાવી. પછી ઘેર પત્નીજીને ફોન કર્યો.કે,”મારી કાર ચોરાઈ ગઈ છે.મને આવીને લઈ જા.” પત્નીજીએ જવાબ આપ્યો, કે “તારી કાર અહીં ઘેર ડ્રાઈવ વે માં પડી છે. તું મારી કાર લઈને ગયો છે. મારી કાર શોધ.”  યાદ શક્તિ ઓછી થાય એનું સૌથી મોટું દુખ એ છે કે આપણે હમેશાં સાચું બોલવું પડે અને ખોટા બહાનાઓ બનાવવાના છોડી દેવા પડે.                        

        મારું સૌથી મોટું દુ;ખ એ છે કે ઘણી વખતે  લોકો મને બનાવે છે. મેં કશું ન કહ્યું હોય તો ય મને કહેશે કે “તમે જ તો તેમ કરવાનું કહ્યું હતું. તમને યાદ રહ્યું નથી.”  હમણાંનો મને એવો વ્હેમ ઘુસાડવામાં આવ્યો છે કે મને બરાબર સંભળાતું નથી. કારણકે મારા પત્ની થોડી થોડી વારે બૂમ પાડશે કે “આટ આટલી રીંગ થાય છે ને તું ફોન ઉપાડતો નથી. પછી મને લાગવા માંડ્યું કે આપણામાં કાંઈ ગરબળ છે. પરંતુ ડોકટરે કહ્યું કે ” તમારામાં નહીં પણ બ્હેનના કાનમાં રિંગીંગ ઈફેકટ થાય છે. એને માટે કાંઈ કરવું પડશે.”

                 અમેરિકામાં જેટલા કાર એક્સિડન્ટ થાય છે .તેમાં મોટા ભાગના એક્સિડન્ટમાં સિનીયર સિટીઝન સંડોવાયલા હોય છે. એટલે

મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. “તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.” અને તેને માટે પાછા હાથના સિગ્નલ બનાવ્યા છે. કોઈને આશિર્વાદ આપતો જમણો હાથ ઊંચો થાય એટલે “સ્પિડ ઓછી કર.”  ઘઉંમાંથી કાંકરા  દૂર કરતી હોય એ રીતે હાથ હાલે તો મારે માની જવાનું કે કાર બીજી બાજુ જાય છે. “એને સેન્ટરમાં લાવ.” ” જો આગળ લાલ લાઈટ છે.””ચાલ હવે ગ્રીન થઈ.” મેં કહ્યું કે “આના કરતાં તો તું જ ડ્રાઈવ કરી લે ને!” તો તે બોલી ગાડી ચલાવવાની મઝા અહીં બેઠા બેઠા વધારે આવે છે. ત્યાં બેસું તો  ખોટો એક્સીડન્ટ થઈ જાય.” હું સિનીયર થયો છું. પણ બપોરે આ ડોસાઓ માટે બધાં રોગોની દવાઓની કમર્શિયલ બધી  ચેનલો પર આવે છે. એ લોકો

 જેટલા રોગોના સિમ્પ્ટમ્સ બતાવશે એટલા બધાં જ મને બંધ બેસતા થાય છે. મને મારામાં એ બધાં રોગ દેખાય છે.વાયગ્રા સિવાય બધી મેડિસીનના ઓર્ડર આપવાનું મન થાય છે. બીજું તો કાંઈ નહીં પણ મજેદાર મારા દાદા વાપરતા હતા અવી લાકડી પણ મંગાવી છે.આ લાકડીથી મારો વટ પડે તે કરતાં લોકો મને મદદ કરવા કાયમ તૈયાર રહે છે.સ્ટોરના બારણાં ખોલી દે છે.અને મારા હાથમાંની થેલી પણ માંગીને ઊંચકી લે છે. મારી દીકરીને તે લાકડી નથી ગમતી. તેનું કહેવું છે કે લાકડી મને વધારે ડોસો બનાવી દે છે.અને પોતાની સાથે બાબા રામદેવના યોગાસનોનો  પ્રોગ્રામ જોવા બેસાડી દે છે. હવે જ્યાં સુધી છાતી ફુલાવવાની વાત આવે છે તેટલું મને માન્ય છે. તેમાં પણ તે કહેશે. “છાતી ફુલાવવાની છે. પેટ નહીં. તમે તો પેટ ફુલાવો છો.”  ઊંડા શ્વાસ  લેવાની વાતો માન્ય છે. પરંતુ બાબા તેમના ટાંટિયા ઉંચા નીચા કરે છે તે જોઈને જ મને હાંફ ચઢે છે.અને પરસેવો વળે છે. એટલું ખરું કે આટલું કર્યા પછી ભૂખ લાગે છે.

                મારો એક નિયમ છે કે કોઈપણ સિનીયરને તેની તબિયતના સમાચાર નહીં પૂછવા. દસમાંથી નવ જણને કાંઈકને કાંઈક દુ;ખ હશે. અને જો પૂછવાની ભૂલ કરો તો  તે જુવાનીમાં કેટલા સ્ટ્રોંગ હતા અને પચીસ રોટલી

ખાતા હતા. ત્યાંથી ચાલુ કરશે, તે આજ સુધીમાં કેટલા ઓપરેશનો થયા ત્યાં સુધીનું રામાયણ કહેશે. અને તે લોકોને એની વાતો કરવાની ખૂબ ગમશે. કારણકે એમના રોગની કોઈને પડી નથી હોતી. જ્યારે ચાર પાંચ ડોસાઓને સાથે વાતો કરતાં જુઓ તો માની લેવું કે તે એક બીજાના રોગોની વાતો કરતાં હશે. એટલું જ નહીં પણ પોતે અજમાવેલા ઉપાય પણ સુચવશે. પોતાને તે ઉપાયથી ફાયદો થયો હતો કે નહીં તે ભગવાન જાણે. અમેરિકન પ્રેસીડન્ટ લિન્ડન જ્હોનસને પ્રેસ કોન્ફરન્સમાં શર્ટ ખોલીને તેમના એપેન્ડિક્સના ઓપરેશનનો કાપ બતાવ્યો હતો. પ્રેસીડન્ટ હોય એટલે શું થયું તે ડોસા તો હતા જ ને!.એ બધી વાતોથી બચવા સિનીયરોના દુખડાં સાભળવા ન પડે તેથી સિનીયર સેન્ટરમાં જતો નથી. અને હમેશાં યાદ  રાખું છું કે “સર પે બઢાપા હૈ મગર દિલ તો જવાં હૈ”

                    આ બધી વાતનો નિષ્કર્ષ  એટલો જ  કે દરેક સિનીયર પાસે જીવન આખાના અનુભવ હોય છે. તેમ છતાં, દરેક નવી પેઢી પોતાની જ ભૂલોથી. નવા પાઠ ભણશે. અને નવું ડહાપણ શિખશે. નવી પેઢીને સિનીયરોની સલાહની કે એમના અનુભવની જરૂર નથી. બાકીનું જીવન નિજાનંદમાં જીવો. મરીઝ સાહેબની જેમ

“જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી.

જે ખૂશી આવી જીવનમાં આખરી સમજી લીધી.”

 

 

એ તો  એમ જ ચાલે ! (હરનિશ જાની.)

(મને શ્રી હરનિશ જાનીના બે પ્રકારના લખાણ ગમે છે. એક તોસુધનઅનેસુશીલાનામના બે ગ્રંથોમાં સચવાયેલા એમના હાસ્ય લેખ અને બીજાફીરભી દિલ હૈ હિન્દુસ્તાનીનામની કોલમમાં પ્રગટ થયેલા માહિતીપ્રદ લેખ.

હરનિશભાઈના લખાણમાં ઈતિહાસ, આંકડા અને માહિતી આધારભૂત હોય છે. માહિતી ઉપરાંત વિષય અંગેના એમના અંગત અનુભવોને પણ એમાં સારી રીતે વણી લે છે. એમની લેખન શૈલી પ્રવાહી છે. એમાં બિન જરૂરી વળાંક કે વમળ નથી હોતા. એમને ભાષાને શણગારવા વિશેષણોની જરૂર નથી પડતી.

તેમના પુસ્તક “સુધન”ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૭નો) દ્વિતિય પુરસ્કાર, સુશીલા પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૯નો) પ્રથમ પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા (ઇ. સ. ૨૦૦૯નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ. સ. ૨૦૧૩નો) વેલજી મહેતા પુરસ્કાર મળ્યો છે.

આજથી ત્રણ મહિના સુધી, દર રવિવારે રવિપૂર્તિમાં હરનિશભાઈના લેખ મૂકવામાં આવશે. મારા આંગણાંને અમુલ્ય લાભ આપવા બદલ હું હરનિશભાઈનો આગોતરો આભાર માની લઉ છુંપી. કે. દાવડા)

   એ તો  એમ જ ચાલે !

                  અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતા વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે. જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતા વાહનોને સામેના વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડીયામાં બધે –બધા જ ક્ષેત્રોમાં–આમ જ બનતું હોય છે. ફોરેનરને હમેશાં આપણે ત્યાં દોડતા વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતા કેમ નથી? મને કહેતા ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની મુશાફરીમાં મેં પાંચ શહેરનો ટ્રાફિક જોયો છે. દરરોજ કારમાં બેઠો છું. પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી.એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું. કારણકે બન્ને કાર ચાલી શકતી હતી. અને બન્ને પાસે વાદ વિવાદનો સમય નહોતો. અને મોટો અકસ્માત થાય તો ય શું ? જો  આપણે જીવતા હોઈએ તો ભૂલ  કબુલવાની નહીં. ભૂલ હમેશાં સામાવાળાની જ હોય છે. અને એ વાતની બન્ને ડ્રાયવરોને ખબર હોય છે. અને પોલીસને પણ ખબર હોય છે.

                આપણે ધ્યાનથી જોઈએ તો આ ટ્રાફિક આખા દેશનું નાનું મોડેલ છે. જો ઈન્ડીયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશના બધા જ ક્ષેત્રમાં બને છે તેમ. એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય તો તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે. અને એક્સીડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો એક્સીડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે. તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરીક બનવા નથી નિકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘુસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાનું વાહન . અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તે. જો સર્કલ પર હો તો –જો ડર ગયા વોહ મર ગયા–ના નિયમ મુજબ આગળ વધ્યે જાવ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય. એને કયાંક જલ્દી જવાની ઉતાવળ છે ? એટલે એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય. એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કુટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં ! લાકડી લઈને પોલીસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નિકળી જવાનું. એ આપણને મારવા માટે નથી રાખી પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મુકી દેવા માટે છે. પોલીસની બીજી જવાબદારી છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. ટ્રાફિક વાયોલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહન ચાલકને કાયદા ભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસુલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદર પંદર –વીસ વીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામુલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે.”સરવાયવલ ઓફ ધ ફિટેસ્ટ.” મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેઈનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટર સાયકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની દરકાર પણ નહીં કરે. દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઉતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્ષાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી સ્કુટર સવાર કોલેજ કન્યાઓ. આપણે જો ધ્યાનથી જોઈએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલીસને એ દુપટ્ટા માથાની હેલ્મેટમાં ખપાવતી હશે. અને પોલીસ એનો વાંધો ન લેતી હોય કારણકે એકસીડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો કામ લાગે. મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલીસ એને રોકે કે ના રોકે?  આપણો ટ્રાફિક તો જાણે યુધ્ધમાં આગળ વધતી સેના. જમણી બાજુ ઐરાવત પછી અશ્વો પછી પાયદળ. આ સ્કુટરવાળી કન્યાઓ તે પાયદળ. ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની ખૂબી એ છે કે તેમણે અંદરો અંદર લઢવાનું હોય છે.

                 હવે દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કુલ– કોલેજમાં એડમિશન લેવું છે.માર્કસ ઓછા છે. તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન કરો. એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે. તો મોટા વાહનની ઓથે ભરાય જાવ. જોઈએ તો પોલીસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રફિક કેટલો વધી જાય? પછી આપણા ટ્ર્રાફિક પોલીસોની નોકરીનું શું?  તમારે મકાન બનાવવું છે. બનાવી દો. મરજી પ્રમાણે માળ બનાવો. જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલીસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડીંગ તોડે ખરું? એ તો એમ જ ચાલે ! ભારતમાં કેટલી ય ગેરકાયદેસર કાર્ય પધ્ધતિઓ છે કે જે વરસોથી ચાલી આવી છે. તમારે મકાન ખરીદવું છે. તો બ્લેકના પૈસા આપો. હવે આ સત્ય દેશનો દરેક નાગરીક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલ્મેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મઝા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં  ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !

             કોણ કહે છે કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા છીએ. તેમની જેમ આપણે પણ કાયદા ભંગમાં માનીએ છીએ. આ ટ્રાફિકના કેટ કેટલાય કાયદા બન્યા હશે. જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું, કાયદાનો ભંગ કરો. “ એ તો ચાલે”. સીટ બેલ્ટ બાંધવો જોઇએ કાયદા કી એસી તેસી.” એ તો ચાલે.” . તમે રેલ્વે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખુલ્શે તો બન્ને બાજુ પર સૈન્યો સામ સામે આવી ગયા છે. તો ટ્રાફિક કેવી રીતે આગળ વધશે? કોણ પકડવાનું છે.? અને આ વાત બધા જ ક્ષેત્રમાં છે. અને એક રીતે જોઈએ તો તેમ ચાલે પણ છે.

               સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે. આમાં હોસ્પીટલો, સ્કુલો, અરે, આર્મી સુધ્ધાં આ ગેરકાયદેસર–કાયદેસર વાતોમાં ફસાયું છે. વીસ ત્રીસ વરસથી જાત જાતના આર્મીના કૌભાંડો બહાર આવે છે. એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજજ છે. હવે આ વાત મારા જેવા ડોબાને ખબર છે .તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય ?

 

 

 

  સ્વર્ગની ચાવી (હરનિશ જાની)

હમકો માલુમ હૈ જન્નત કી હકિકત લેકિન,

દિલકે ખુશ રખનેકો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.

દોઢસો વરસ પહેલાં,ગાલિબ સાહેબ આ ડહાપણની વાત કહી ગયા છે. વાત વિચારીએ તો  “જન્નત” છે કે નહીં. તેની પાકી ખાતરી કોઈની પાસે નથી. આજ સુધીમાં એકે હાલતા ચાલતા મનુષ્યએ સ્વર્ગ જોઈને પૃથ્વી પર આવીને સ્વર્ગની વાતો નથી કરી. હવે આ વાત આપણે ફેલાવીએ કે “ભાઈ,ઉપર સ્વર્ગ જેવું કાંઈ છે જ નહી.” તો? અને આપણી વાત લોકો માને તો? આ પૃથ્વી પર કેટલી અરાજકતા ફેલાય? તેની કલ્પના કરવી પણ અઘરી છે.

મારા બાલુકાકા રોજ સવારે ગામના વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરે છે. એમની બે ઈચ્છા છે. એક તો બીજીવાર પરણવું છે અને બીજી ઈચ્છા સ્વર્ગમાં જવું છે. મારે એમને કહેવું પડ્યું કે એક વાર પરણો તો ખરા! પછી આપોઆપ સ્વર્ગના વિચારો સુઝશે. બીજી કાકી સારી હશે તો અહીં જ સ્વર્ગ ઉતારશે. અને નહીં હોય તો તમને સ્વર્ગમાં પહોંચવાની વ્યવસ્થા કરી આપશે.

આપણાંમાંના ઘણાં માને છે કે  ભગવાન કે સ્વર્ગ–નરક જેવું કાંઈ નથી. ચાલો, આપણે તે માની લઈએ. અને કદાચ કોઈ ગેબી શક્તિ (ભગવાન?)  આ પૃથ્વી પરથી બધાં દેવ સ્થળો ગાયબ કરી દે તો? મારા  મિત્ર યોગેશભાઈ દર શનિવારે હનુમાનજીના મંદીરે ચાલતા દર્શન કરવા જાય છે. તે તો ગુંચવાઈ જાય કે સાલું, આ શનિવારે શું કરવાનું?  અને તેનાથી પણ વધુ એમના પત્ની ગીતાબેનનું સરદર્દ વધી જાય. જ્યારે યોગેશભાઈ મંદિરે

જાય છે તે જ સમય ગીતાબેનનો  નિરાંતનો સમય હોય છે. હવે એ ઘેર રહે તો? ભારતમાં મંદીરનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય તો તે સ્ત્રીઓ છે. પત્નીની ભક્તિ કદાચ ફળે તો તેમને પણ સુખ મળવાનુ જ છે. અને ભક્તિ ન ફળે તો ય ઘરમાં તેમની ગેરહાજરીની શાંતિ તો છે!. એમ સમજીને કોઈ પણ ડાહ્યા પતિદેવો તેમને તેમ કરતાં રોકતાં નથી. લાંબા લગ્ન જીવનનું રહસ્ય. એ છે કે બન્ને જણે દિવસના અમુક કલાક છુટાં રહેવું જોઈએ. શરુઆતના વરસો એકમેકની સાથે ચોવીસ કલાક નિકટ રહ્યા હોય છે. એટલે જ પાછલા વરસોમાં થોડા છુટાં રહેવાનું ગમે છે. અને એ ભગવાનની આ એકટિવીટીને કારણે જ શક્ય છે.

હવે બધાં મંદીરો જ ન હોય તો દેશની ઈકોનોમી પડી ભાંગે. ભારતનું આખું અર્થતંત્ર મંદીરો પર નિર્ભર છે. કાલે ઊઠીને કોઈ ડિકટેટર કે જે ભગવાનમાં ન માનતો હોય તેના હાથમાં સત્તા આવે અને કહે કે “બધાં મંદીરો દૂર કરો.”(એકલાં મંદીરો જ નહીં પણ બધાં જ  ધર્મના ધાર્મિક સ્થળો) તો અડધો દેશ બેકાર થઈ જાય.લાખો પૂજારીઓ અને કરોડો ભક્તો જાય કયાં? મંદીર એટલે ઈંટ ચૂનાનું બિલ્ડીંગ જ નહીં પણ તેને લીધે તૈયાર થતાં બીજા સેંકડો  ધંધાઓ પણ ગણવાના. વરસો પહેલાં અમે મોટા અંબાજી ગયા હતા અમદાવાદથી ત્યારે બે ટાઈમ બસ ઉપડતી હતી. અને રહેવા માટે માંડ પાંચ ધર્મશાળાઓ હતી. આજે ત્યાં મોટું શહેર વસી ગયું છે. ફાઈવ સ્ટાર હોટલો છે. મોટો હાઈ વે પણ બન્યો છે. નાનકડું મંદીર આજે મોટો મહેલ થઈ ગયો છે. આ બધું માતાજીના નામ પર થયું છે. અને એનો લાભ કોને મળ્યો? માતાજીને? ના એ પૈસા લોકોના જ ખીસ્સામાં આવ્યા.આમ લોકોની માતાજીમાં શ્ર્ધ્ધાને કારણે થયું છે.

અમે વિજ્ઞાન અને કલાના પારણાં સમાન ઈટાલી ગયા હતા. અમારે જિસસ જોડે આમ જોઈએ તો કાંઈ  લેવા દેવા નહીં. પરંતુ  ક્રિશ્ચિયનોનું વેટિકન સીટી જોવા ગયા. ત્યાં સેન્ટ પિટર્સ બેસેલિકામાં સેન્ટ પિટર્સનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ છે. તેના હાથમા સ્વર્ગની ચાવી લટકે છે. રોજના હજારો લોકો તે સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરવા લાઈનોમાં ઊભા રહે છે. મારા પત્નીએ મને કહ્યું કે,” આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.” મેં કહ્યું કે,” પહેલે નંબર સેન્ટ પિટર્સ મને ઓળખે પણ નહીં. અને ભૂલે ચૂકે મને સ્વર્ગમાં જવા દે તો શું આ

અજાણ્યા લોકો જોડે ત્યાં રહેવાનું?  રામભક્તોની લાઈનમાં ન ઊભો રહુ! જે હોય તે પણ અમે ત્યાં સો, બસો ડોલર ખર્ચી આવ્યા.                                                                                                           ત્યાં તેના પરિસરની બહાર ડઝનબંધી ટુરિસ્ટની બસો ઉભી હતી. અને ત્યાંની અસંખ્ય રેસ્ટોરાં માનવ મહેરામણના પૈસા ભેગા કરતી હતી. અને વેટિકનની ઈકોનોમી સુધારતી હતી. વેટિકનની બીજી તો કોઈ ઈન્કમ જ નથી. લોકો આ સ્વર્ગની ચાવીના ચક્કરમાં જ વેટિકનનું ચક્કર ફરતું રાખે છે. હવે સવાલ એ થાય કે એને શ્ર્ધ્ધા કહેવી કે અંધશ્રધ્ધા ? આ લોકો આગળ હું ગેલેલિયો કે વિન્ચીની વાતો કરું તો કોઈ મને સાંભળે ખરા? ગાલિબ કહે છે તેમ સ્વર્ગ છે કે નહીં તે અગત્યનું નથી. પરંતુ તેના અસ્તિત્વનો વિચાર જ આ જગત માટે પુરતો છે. અને એ વિચાર જગતમાં લોકોને નીતિમય જીવન જીવવા પ્રેરે છે.(નીતિમય જીવન જીવવું કે નહીં તે વાતનો આધાર વ્યક્તિ પર નિર્ભર છે.) જગતના દરેક ધર્મમાં આ જ વિચાર પ્રવર્તે છે. મરણ પછી સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવા સારા કૃત્યો કરવા જરુરી છે. એટલે હજુ લોકોમાં કાંઈક માનવતા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં તે જાણવું હોય તો કોઈપણ હોસ્પીટલની

મુલાકાત લો. પલંગે પલંગે ભક્તો ભગવાનનું રટણ કરે છે. જો ભગવાનનો વિચાર જ ન હોય તો દર્દીઓ શું  બોલિવુડના હીરોનું  નામ લેશે? દુખમાં

તેમની ઈશ્વરમાં શ્રધ્ધા જ રાહત આપે છે. કોઈ અપંગ બાળકના માતા પિતાને સમજાવી જો જો કે ભગવાન જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં.

સવાલ ઈકોનોમીનો છે. પછી તેને શ્રધ્ધા ગણો  કે અંધશ્રધ્ધા. આપણી ઈકોનોમીમાં લોકો પોતાનું સોનું શિરડીમાં ચઢાવે છે. ત્યાં હજારો કિલોગ્રામ સોનું છે. તે આપણું જ છે. બીજા ધંધાઓ કરનારા પણ સોનુ કમાય છે. વકિલો, ડૌકટરો, શિક્ષણ સંસ્થાઓ, સ્ટોક અને શેર બજારવાળા અને ખાસ તો પોલિટીશીયનો ક્યાં લોકોને નથી લૂંટતાં? અને તે લૂંટ સ્વિસ બેંકોમાં જમા કરાવાય છે. દરેક ધંધાઓ કરતાં મંદીરના ધંધા દેશની બેકારી દૂર કરવામાં મદદ કરે છે. અરે!  બુટ ચંપલ સાચવવાનો પણ ધંધો તેને લીધે ખિલ્યો છે. અને એમાં મંદી તો હોય જ નહીં . કથાકારોનો પણ જબરદસ્ત ફાળો છે. કથા કાંઈ એમને એમ નથી થતી. એક કથા પાછળ લાખોનો ધુમાડો  થાય છે. તે ધુમાડો લોકોના શ્વાસમાં જ જાય છે ને! દેશમાં ક્રિકેટના કે કોલસાના કે મિલીટરીના  કોંટ્રાકટોમાં કેટલા કરોડો ખવાય છે. તો એક કથાકાર કથા કરીને કમાય તેમાં શું ખોટું છે? કેટલીય ટીવી ચેનલોને આજે આ કથાકારો પોષે છે! કેટલાય પુસ્તક પ્રકાશનો ધાર્મિક પુસ્તકો છાપીને જીવંત રહે છે. કવિતાના પુસ્તકોથી તો બિચારો કવિ પણ નથી કમાતો.

ટૂંકમાં લોકોનો ઈશ્વરમાં અને સ્વર્ગમાં વિશ્વાસ એમનું જીવન સરળ બનાવી દે છે. અને એ ન હોય તો માનવ જીવનમાં મોટું વેક્યુમ સર્જાય. તે

પુરવા માટે પોલિટીશીયનો અને બીજા ધંધાધારીઓ ઘુસી જાય. તેના કરતાં ભગવાન સારા. એકની એક માન્યતા, કોઈની શ્રધ્ધા અને તો કોઈની

અંધશ્રધ્ધા પણ બની શકે છે. પરંતુ એક વાત સાચી છે કે તે દેશની ઈકોનોમી ટકાવવામાં એ માન્યતા ભાગ ભજવે છે. પછી તમે કે હું  ભગવાનમાં માનીએ  કે ન માનીએ તેથી આ હકિકત બદલાતી નથી.

ગાલિબ સાહેબની વાત સોએ સો ટકા સાચી છે. કે જન્નત નથી .એ બધાંને ખબર છે. પણ જન્નતનો ખ્યાલ જગતને દોડતું  રાખે છે.

Harnish Jani

Date -4th July 2014

સ્વામી વિવેકાનન્દે કહ્યું છે કે. . . (હરનિશ જાની)

(શ્રી હરનિશ જાનીથી આંગણાંના વાંચકો પરિચિત છે, એટલે અહીં એમનો પરિચય આપ્યો નથી)

નાનપણથી એક વાત શિખી ગયો છું કે જો પથ્થર તરાવવા હોય તો ઉપર ‘રામનામ’નો સિકકો મારવો પડે ! મારા હાઈ સ્કુલના દિવસોમાં હું અને મારો મિત્ર યોગેશ રાજપીપળાની કરજણ નદીના ઓવારે પાણીમાં પગ લટકાવીને બેઠા હતા. કિનારા પર ઓવારાને કારણે પાણી વહેતું નહોતું અને ગરમ બાફ આવતી હતી. મેં કહ્યું, ‘ જીવન અને નદી તો વહેતાં સારાં. જો ઘેરાઈ જાય તો ગંધાય, બાફ મારે.’
યોગેશ બોલ્યો, ‘ એવું કોણે કહ્યું છે ? ‘
ત્યારે જ મને સમજાઈ ગયું કે ‘સાલું, આપણા બોલનું વજન નથી.’
એટલે મેં યોગેશને કહ્યું કે ‘એવું વિવેકાન્દે કહ્યું છે.’
પોતાનાં વાક્યો બીજાના મગજમાં ઘુસાડવા માટે લોકો બીજા લોકોના મત- સુવાક્યો પોતાની વાત સાથે જોડી દે છે. આઝાદીના એ સમયમાં જાહેરમાં ભાષણ આપનાર માટે ગાંધીજી પોપ્યુલર હતા. હાલ્યોચાલ્યો દરેક નેતા પોતાના ભાષણમાં પોતાના બકવાશ સાથે ગાંધીજીની એકાદ વાત ઠોકી દે.” બાપુ સાથે અમે યરવાડા જેલમાં હતા ત્યારે બાપુ કહેતા કે ગુલામીમાં આઝાદ રહેવા કરતાં આઝાદીની જેલ સારી.” જો ધ્યાનથી વિચારીએ તો લાગે કે બાપુ આમ બોલે ખરા ? જેણે કહ્યું હોય તેણે, પરંતુ પેલા વક્તાને ગાંધીજીના નામ સાથે તાલીઓના ગડગડાટ મળ્યા.
પોતાના ભાષણમાં નવા નેતાઓ પોતાની પણ કાંઇ કિંમત છે એમ સાબિત કરવા બાપુજી સાથેની પોતાની કોઈ અંગત વાત રજુ કરતા. હવે તે વાત સાચી છે કે ખોટી એને માટે એમને કોઈ સવાલ નહોતું કરવાનું. અમારા ભરૂચ જીલ્લાના કોંગ્રેસી નેતાઓ બાપુનું નામ છુટથી વાપરતા. અમને વિદ્યાર્થીઓને લાગે કે આ નેતાઓ ના હોત તો બાપુથી કંઈ થયું ન હોત.
વરસોથી હું જોતો આવ્યો છું, સાંભળતો આવ્યો છું,વાંચતો આવ્યો છું એવાં નામો છે આઈન્સ્ટાઈન, ડો. રાધાક્રુશ્ણન, જે. કૃષ્ણમુર્તી, વિવેકાનંદ, વાલ્ડો એમર્સન વગેરે. પરંતુ મારા પ્રિય હતા વિવેકાનંદ. હું જયારે–ત્યારે સ્વામી વીવેકાનંદના નામે મારા વીચારો ઘુસાડી દેતો. સૌ કોઈ જાણે છે કે વીવેકાનંદજીએ અમેરીકાની પ્રજાને શીકાગોની પરિષદમાં ‘બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ’નું સંબોધન કર્યું હતું. એથી વીશેષ સામાન્ય લોકોને વીવેકાનંદ વીશે ખબર નથી. એટલે કોઈએ મારી વાતમાં કદી શંકા નથી કરી.
હવે આજના પ્રધાનો માટે કહી શકાય કે તેમને બાપુજીનો પરીચય જ નથી.”ગાંધી” તેમને માટે ફિલ્મ બની ગયા છે.એટલે ગાંધીજીના જ નહીં પરંતુ કોઈનાં સુવાક્યો ભાષણમાં વાપરતાં આવડતાં નથી. કદાચ તેમનો આત્મ વિશ્વાસ વધ્યો હોય કે પછી વાંચવાની ટેવ જ ન હોય.
આપણે જયારે ગુજરાતી મેગેઝીનોમાં કોલમ લખનારા પ્રખ્યાત લેખકોને વાંચીએ છીએ ત્યારે લાગે કે આ લેખકો કેટલા વિદ્વાન છે અને તેઓ કેટકેટલું વાંચે છે, કારણ કે તેમના એક લેખમાં તેઓ ત્રણ-ચાર વ્યક્તિઓનાં બોલેલાં ‘અવતરણો’ ફટકારે છે અને આ એવી વિભૂતીઓ હોય છે કે જે આપણાં જન્મ પહેલાં થઈ ગઈ છે. આ વ્યક્તિઓ ફીલોસોફર હોઈ શકે કે પછી કોઈ નેતા કે મોટા લેખક- કવિ હોય. આ મહાનુભવોનાં તો આપણે નામ પણ ના સાંભળ્યાં હોય. આપણને થાય કે ‘સાલું, આટલાં વરસોથી છાપાં વાંચીએ છીએ અને આપણને આટલું જ્ઞાન પણ લાધ્યું નહીં! હવે ધ્યાનથી જોઇએ તો સમજાશે કે આપણામાં અને એ કોલમ લખનારમાં ફેર એટલો છે કે તેમને એ ફીલોસોફરનાં નામ ખબર છે, આપણને ખબર નથી અને સામ્યતા એટલી છે કે આપણે એ ફીલોસોફરને વાંચ્યા નથી અને પેલા કોલમના લેખકે પણ વાંચ્યા નથી. બ્રિટન અને અમેરીકામાં આ સુવાક્યો–અવતરણોનાં ઢગલાબંધ પુસ્તકો મળે છે. ઓક્સફર્ડની કવોટેશનની ડીક્ષનરી તો વખણાય છે. જો આ કોલમ લેખકો ખરેખર આ ફીલોસોફર અને વિખ્યાત લોકોનાં પુસ્તકો વાંચીને બેઠા હોત તો તેમની પોતાની જ ગણતરી ફીલોસોફરમાં થઈ જાત. પણ કાંઈ નહીં . આવાં અવતરણો શોધીને વાપરવાની હોશીયારી તો છે ને?
સામાન્ય રીતે ગુજરાતી સાહિત્ય રસીકો સામે વક્તાઓ સુવાક્ય યાદ ન આવે તો વાતોમાં ઉર્દુ ગઝલના એક–બે શેર ઠોકી દે. સામાન્ય રીતે કોઈ પણ ગઝલને ગાલીબનો સીક્કો લગાવી દો એટલે કોઈ ચેલેન્જ ન કરે. સામાન્ય જણને માટે તો ગાલીબ પછી કોઈ બીજો ગઝલકાર પેદા જ નથી થયો ! ગુજરાતી સાહિત્યકાર માટે ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ હુકમના એક્કા છે. છેવટે કલાપી, ખબરદાર, બોટાદકર, મેઘાણી, ધુમકેતુનાં વાક્યો, સુવાક્યો ફરી–ફરીને શ્રોતાઓના માથે સાહિત્યકારો ઝીંકે. વધારે સોફીસ્ટીકેટેડ દેખાવા માટે કોઈક ફ્રેન્ચ, મેક્સીકન, ઈટાલીયન સાહિત્યનાં અવતરણો શ્રોતાઓને માથે ફટકારશે. શ્રોતાઓ આમેય તેમનું લેક્ચર સાંભળતા નથી હોતા. એટલે આ પરદેશી અવતરણોની ખરાખરીની ચિંતામાં પડતા નથી.
એના પરથી કોલેજનો મારો મિત્ર “ભટ્ટ” યાદ આવે છે. તે ઈકોનોમીક્સના વિષયમાં ઈંગ્લીશ નામો વાપરીને પોતાના મુદ્દા લખતો. તેને જગતના ઇકોનોમીસ્ટના નામ નહોતા આવડતા.તેમ છતાં ભટ્ટની હોલીવુડના સ્ટાર્સનાં નામ લખવાની જે હોશીયારી હતી. એટલી અમારા પ્રોફેસરની સમજવાની નહોતી. ફ્રેન્ક સીનાટ્રાએ કહ્યું છે કે,- મી. કર્ક ડગ્લાસે કહ્યું છે કે- વિગેરે વિગેરે. છેવટ કશું ન મળે તો. અમેરિકન ભુતપુર્વ પ્રમુખનાં નામ વાપરે. ‘મી. હેરી ટ્રુમેને કહ્યું હતું … ‘. હવે નામ આ લોકોનાં અને ઈકોનોમીકસની થિયરી ભટ્ટની. કહેવાની જરૂર નથી કે ઈકોનોમીકસના વિષયમાં ભટ્ટનો ફર્સ્ટ ક્લાસ આવતો.
આમાં મજા આવી જાય છે ધાર્મિક કથાકારને. તેમનું અડધું ઓડીયન્સ અભણ હોય છે. બાકીના અડધા ઓડીયન્સને ખબર નથી કે તેઓ અભણ છે અને આ સત્ય કથાકાર જાણે છે. કથાકાર એ પણ જાણે છે કે તેમના ઓડીયન્સે ઉપનિષદ કે વેદો વાંચ્યાં નથી. રામાયણ અને મહાભારતનું જ્ઞાન ટીવી સીરીયલો જોઈને મેળવ્યું છે. એટલે કથા કરનાર મહારાજ શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ, યર્જુવેદ વિગેરેમાં ભગવાને શું શું કહ્યું છે એની બોલીંગ કરીને ઓડીયન્સની દાંડીઓ પહેલી પાંચ મીનીટમાં ઉડાડી દેશે.
બાકીનો સમય જયારે મહાત્મા કથા કહે ત્યારે ઓડીયન્સ ચકીત થઈને મહાત્માજીના ચહેરા પર કેટલું પ્રતાપી તેજ છે એ જોશે. આમાં કોઈ દોઢડાહી વ્યક્તિ મહારાજજીની વાતોમાં શંકા કરે તો મહાત્મા ખચકાયા વિના કહેશે, ‘શ્રીમદ્ ભાગવતના ચોથા અધ્યાયના સોળમા શ્લોકમાં સ્વયં ભગવાને કહ્યું છે કે …’ અથવા ‘શાસ્ત્રોમાં લખેલું છે કે …’ હવે જે લોકો શાસ્રો વાંચીને બેઠા છે તેઓ મહાત્માની કથામાં નથી આવતા. એટલે કથાકારની જોડે વાદ વિવાદ કરવામાં ઓડીયન્સમાંથી કોઈની તાકાત કે ઈચ્છા નથી હોતી. કદાચ જો થોડી ઈચ્છા હોય તો દાબી દેવી પડે. શંકા કરે તે શાસ્ત્રોનું — ભાગવતનું અપમાન કહેવાય !
છેવટે મારે એટલું કહેવું છે — ના, ના, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણાં ધ્યાનબીંબ (ધીરજ) ત્રીસ સેકન્ડથી વધારે લાંબાં નથી હોતાં. એટલે તો ટીવી પરની જાહેરખબરો ત્રીસ સેકન્ડની હોય છે. તો લેખકોએ ટુંકા લેખ જ લખવા. લાંબાં ભાષણ, લાંબા લેખ, લાંબા ઉપદેશ આ કમ્પ્યુટર યુગમાં લોકોનાં કાન, આંખ અને મગજને થકવી દે છે. આવું જ કંઈક આઈન્સ્ટાઈન પણ કહી ગયા હતા.
(લેખકના નિબંધ સંગ્રહ-સુશીલા-માં થી)
Harnish Jani
4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA
E-Mail- harnish5@yahoo.com – Phone-1-609-585-0861.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

(શ્રી હરનીશ જાની જાણીતા હાસ્યલેખક અને કટારલેખક છે. એમના હાસ્ય લેખોમાં તમે સંસ્કારી અને સુક્ષ્મ હાસ્ય માણી શકો અને એમની કટારમાં તમે વિગતોની અને આંકડાઓની ચોકસાઈની ખાત્રી રાખી શકો.)

અમેરિકાની ઊજળી બાજુ
આજે પણ પોલિટીક્સની વાત કરવી જ નથી. પોલિટીક્સ એટલે નાદિરશાહની હાથી પરની સવારી. પોલિટીક્સના હાથીની લગામ આપણા હાથમાં કદી હતી નહીં. અને હોવાની નથી. આપણે ઈચ્છીએ કે સરકાર નવા ટેક્ષ ન નાખે. પણ આપણી ઈચ્છા કદી ફળી છે ? હવે જે વસ્તુ પર આપણો કંટ્રોલ ન હોય તેના વિષે હરખ શોક શો? આપણે જેને મત આપીએ તે જીતે કે ન જીતે આપણી રોજિંદી જીંદગીમાં ફેર પડતો નથી, દાળ શાકના ભાવ વધવાના તે વધવાના. કદી સાંભળ્યું છે કે ગયા વરસ કરતાં આ વરસે ટામેટા સસ્તા થયા? એટલે “ચિત્ત તું શિદને ચિંતા કરે સરકારને કરવું હોય તે કરે” આપણું ધ્યેય એ જ રહે છે કે નોકરી પર સમયસર પહોંચવું. –આપણી ,સામાન્યજનની જીંદગી તો લશ્કરના સૈનિક જેવી છે. હુકમનું પાલન કરો.બુધ્ધિને બાજુએ મુકો.
એટલે આજે ગોરા અમેરિકનો કે ઈમિગ્રંટસ્– મુશ્લીમો કે હિન્દુઓની વાત નથી કરવી .આજે વાત કરવી છે તો અમેરિકાના કાળા અમેરિકનોની. જે મૂળ આફ્રિકન હતા. અને અમેરિકાની પ્રગતિમાં તેમનો ફાળો ઘણો છે. તે લોકો પશુ જેવી ગુલામીમાંથી માણસ બન્યા છે. અરે! ૧૮૬૫ પહેલાં ગોરા માલિકો તેમને માણસ પણ નહોતા ગણતા. તેમનો ઈતિહાસ બહુ કરુણાથી ભરેલો છે. મારી દ્રષ્ટિએ અમેરિકન કાળા લોકોની સંસ્કૃતિમાં બે મોટા વળાંકો આવ્યા.એક તો પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનના પ્રયત્નથી ૧૮૬૫માં હાથ પગમાંથી બેડીઓ ગઈ અને તેઓ આઝાદ બન્યા.. બીજો વળાંક રોઝા પાર્કસ્ કે જેમણે મોન્ટગોમરી શહેરમાં”વ્હાઈટ ઓનલીની “ની સીટ પરથી ઊઠવાની નાપાડી. તેમને સહકાર આપવા ૧૯૫૫માં કાળા લોકોએ ૩૮૨ દિવસ સુધી બસ સર્વિસનો બહિષ્કાર કર્યો હતો. અને ડો. માર્ટીન લ્યુથર કિંગ જુનિયર જેમણે( ગાંધીજીની દાંડી કુચની જેમ ) અલાબામાના સેલમા શહેરથી મોન્ટગોમરી શહેર સુધી ૮૦ કિલોમિટરની મતાધિકાર મેળવવા કુચ કરી હતી. આવા સત્યાગ્રહી લિડરોની લડતથી ઝુકીને પ્રેસિડન્ટ જહોનસન વખતે ડેમોક્રેટિક કોન્ગ્રેસે ૧૯૬૪માં તેમને સિવિલ રાઈટસ્ નો કાયદો દાખલ કરી આપ્યો. જેથી તેમને મતાધિકાર જેવા સામાન્ય ગોરા નાગરિકને મળતા હક્કો મળ્યા. જેનો લાભ આપણા જેવા ઈમિગ્રંટસ્ ને પણ મરૂયો. આજે અમેરિકન જીવનમાં રંગભેદ કાયદેસર નષ્ટ છે. આમ જોઈએ તો તેમની ખરી અમેરિકન સફર ૧૯૬૪ પછી સિવીલ રાઈટસ્ લૉ અમલમાં આવ્યા પછી ગણાય. દુનિયામાં લોકશાહીવાળા દેશોની મોટામાં મોટી ખામી એ છે કે– તેના કાયદાઓ એક ચીજ છે. અને લોકોનું વર્તન બીજી ચીજ છે. આપણા દેશમાં પણ દલિતોને અઢળક હક્કો છે. પણ જાહેર જીવનમાં આ એકવીસમી સદીમાં પણ તેમને જીવવાની મુશ્કેલીઓ પડે છે. ખાનગીમાં સવર્ણો તેમની સાથે હજુ અછૂત જેવું વર્તન કરે છે. તેવું જ કાળા અમેરિકનો માટે બન્યું. ગોરાઓ હજુ તેમને નીચા ગણે છે. ૧૯૬૪ પહેલાં તેમને માટે “નિગર” કે “કલર્ડ” કે “બ્લેક” શબ્દ જાહેરમાં વપરાતા તે સામે પછી તેમનું બહુ મોટું સંગઠન કે જે ૧૯૦૯માં સ્થપાયું હતું તે– એન.એ.એ.સી.પી.–એ મિડીયા અને ગવર્મેંટ સામે ઝુંબેશ ચલાવીને કાળા લોકોએ પોતાને માટે “આફ્રિકન અમેરિકન” શબ્દ વાપરવાનો વણલિખીત કાયદો બનાવ્યો. તેમ છતાં મને મારા લેખોમાં કાળા શબ્દ સમજાવવાનો સ્હેલો લાગે છે. એટલે વાપરું છું બીજું કે મારા કાળા મિત્રો વ્યવહારમાં બ્લેક શબ્દ વાપરે છે.કાળા અમેરિકનો સાથે આખી જીંદગી જુદા જુદા લેવલ પર કામ કરવાનો મોકો મળ્યો છે.
પહેલા વળાંકની ૧૮૬૫ની વાત કરીએ તો ગુલામોનું જીવન જીવન જ નહોતું. ગોરા માલિકો સ્ત્રી પુરુષ અને તેમના બાળકને જુદી જુદી જગ્યાએ વેચી દેતા. માના હાથમાંથી બાળક છીનવી લઈને બીજે વેચવું એ એક કસાઈ જેવું કૃત્ય ગણાય.અને આજે કોઈને નોકરીમાંથી છુટા કરવા હોય તો તેને માટે ‘ફાયર કરવામાં આવ્યા” એમ કહેવાય છે. તો તે ફાયર શબ્દ આ ગુલામોને તેમના ગુન્હા બદલ રીતસરના ઝાડ સાથે બાંધી સળગાવી દેવાતા હતા. તેના પરથી આવ્યો છે. એલેક્સ હેઈલી નામના કાળા લેખકે આફ્રિકા જઈને જાત જાતના લોકોના ઈન્ટરવ્યુ લઈને પોતાની સાત પેઢી શોધી કાઢી અને “રુટસ્” નામનું પુસ્તક લખ્યું. (વાંચવા જેવું પુસ્તક છે.) અને તેના પરથી ટીવી સિરીયલ પણ બની છે. આખી જીંદગી પાળેલા કુતરાની જેમ જીવન જીવતા લોકોને કહો કે આજથી તમે સ્વતંત્ર તો તેઓને સમજ પણ નહોતી પડતી કે શું કરવું. ક્યાં જવું .તેમના ગોરા માલિકોએ તેમને ધક્કા મારીને જતા રહેવાનું કહેવું પડ્યું હતું ત્યારે તેમનો મસિહા પેદા થયો. બુકર.ટી.વોશિંગ્ટન જે ગુલામ માતાના પેટે પેદા થયા હતા. પછી તેના ગુલામ પિતા પણ જોડાયા હતા. બુકર,ટી. વોશિંગ્ટનને ભણવાનું ગમતું તેમણે અક્ષરજ્ઞાન મેળવ્યું અને ૩૦ વિદ્યાર્થીઓથી ચાલુ કરેલી એક છાપરાવાળી સ્કુલ પછી ૬૦ મકાનોવાળી યુનિ. અલાબામામાં બની ગઈ અને તેમના વિદ્યાર્થીઓને તેમણે ગોરા લોકોનો પ્રેમ મેળવી. કોઈ હુન્નર શીખવા પર ભાર મુક્યો. તેમના પોતાના દીકરાએ જ ઈંટો બનાવવાનું કારખાનું કર્યું હતું, ત્યાર પછીના વરસોમાં અમેરિકાની પ્રગતિમાં તેમનો મોટો ફાળો છે. કેટલા ય મેયરો અને લિડરો આપ્યા.અને એક પ્રેસિડન્ટ આપ્યા. ઉપરાંત રેફરિજરેશનના શોધક,બેન્જામીન બેંકર બહુ મોટા સાયન્ટીસ્ટ કાળા હતા. થરગુડ માર્શલ પહેલા સુપ્રિમ કોર્ટના જસ્ટિસ હતા. તો ઉત્તર ધ્રૂવ પર પહેલી શોધકોની ટીમમા જનાર વૈજ્ઞાનિક મેથ્યુ એલેક્ઝાન્ડર હેનસન કાળા હતા. જ્યોર્જ વોશિન્ગ્ટન કારવર એ કાળા બોટનિસ્ટ હતા. જેમણે તે ક્ષેત્રમાં ઘણી શોધ કરી છે. તો ડો. ચાર્લ્સ ડ્રુ. મોટા સર્જન હતા. આજની ઘડીએ તો સેંકડો સ્પોર્ટસ્ ખેલાડીઓ પાક્યા છે. પરંતુ તેની શરુઆત જેસી ઓવેન્સ નામના ૧૦૦ મિટરના ફાસ્ટ રનરથી ૧૯૩૬માં જર્મનીમાં સમર ઓલિમ્પીક હતી. હિટલરનું રાજ હતું. હિટલર તે વખતે બણગાં હૂંકતો હતો કે દુનિયામાં ગોરી પ્રજા ( આર્ય) જેટલી બીજી કોઈ પ્રજા બુધ્ધિશાળી નથી કે શક્તિશાળી નથી. તો ૧૦૦ મિટરમાં અમેરિકાએ તેમના ખેલાડી જેસી ઓવેન્સને મુક્યા. જેસી ઓવેન્સ પહેલા આવી ગોલ્ડ મેડલ મેળવ્યો. હવે આ રેસ પહેલાં રેસની વાતો અને હિટલરના બણગાં હતા. કે દુનિયાની નજર આ રેસ પર હતી. જેવો રેસ પુરો થયો કાળો અમેરિકન જીત્યો કે કહેવાય છે કે હિટલરકુમાર સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા.
– હરનિશ જાની.
Email- harnishjani5@gmail.com