http://મિત્રો સાથે વાતો. વાર્તા-કવિતા સરયૂ પરીખ. કાવ્ય.હરીશ દાસાણી
ઉન્માદ અને ઉદાસી… લે.સરયૂ પરીખ
એ દિવસે અમારી સેવા-સંસ્થામાં એક ભદ્ર મહિલા આવી…ગોરો વાન અને ભરાવદાર બાંધાવાળી, આદર્શ ગૃહિણી સમી લાગતી હતી. હિન્દીભાષામાં તેણે મારી સાથે વાતચીત શરૂ કરી.
“મારું નામ શોભા. મારા પતિને છૂટાછેડા લેવા છે. તેની ફરિયાદ છે કે હું થોડી ગાંડી છું અને મારા કારણે અમારી દીકરી બગડી ગઈ છે. નાનપણથી મારો સ્વભાવ અસ્થિર કહેવાતો. પણ આપણા જૂના રીતરિવાજ પ્રમાણે કેળવાયેલી છોકરીની જાત…નમ્રતા સ્વભાવમાં વણાયેલી હોવાથી મારું જીવન ઠીક જઈ રહ્યું હતું. પરંતુ મારી અમેરિકામાં ઊછરેલી કિશોરવયની દીકરીની શું વાત કરું? …તેનામાં ઉન્માદ અને ઉદાસીનો અતિરેક જોતા અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા ત્યારે આ સ્વભાવને નામ મળ્યું, ‘બાયપોલાર’ અને મારા પતિને ખાત્રી છે કે, મારી દીકરી મારે લીધે, વારસાગત બાયપોલાર છે.”
“તમારા પતિ અત્યારે ક્યાં રહે છે?” મેં સવાલ પછ્યો.
“અમે એક જ ઘરમાં રહિયે છીએ. અમારા વચ્ચે કડવાહટ નથી પણ ગમગીની છે, નિરુત્સાહી સહજીવનથી તે દૂર જવા માંગે છે. મુશ્કેલી એ છે કે, તેમણે નક્કી કરેલા વકીલ પાસે જ જવાનું અને તેની વિચારણા પ્રમાણે જ ભાગલા પડે, એવી તેમની જોહુકમી છે, અને તે વાત મને માન્ય નથી. તેથી મારે તમારી સંસ્થાની મદદની જરૂર છે, તમારા તરફથી માનસિક સહારાની જરૂર છે.” શોભાની છૂટાછેડાની કોર્ટની તારીખ નજીક આવી રહી હતી.
“તમારી દીકરી હાઈસ્કૂલમાં ભણે છે અને તમારી સંભાળમાં છે, ખરું?” મેં સવાલ પૂછ્યો.
“અમે ત્રણ જણા એક જ ઘરમાં – પણ જાણે એકલાં છીએ. અમારો નોકરિયાત દીકરો સ્વતંત્ર રહે છે અને ક્યારેક જ મળવા આવે છે. એને અમારા જીવનમાં રસ નથી,” શોભા ઉદાસી સાથે બોલી.
ચાર દિવસ પછી મળવાનું નક્કી કરી શોભા વિદાય થઈ. શોભાની વાત સાંભળ્યાં પછી મેં બાયપોલાર વિષે વાંચ્યું… “બાયપોલાર ડિસઓર્ડર. આ બીમારીના પ્રમુખ લક્ષણ વ્યવહારમાં બદલાવ આવવો છે. દર્દી જેમાં અતિશય ઉત્સાહ અને અતિશય નિરાશા જેવા મૂડના, બે અંતિમો વચ્ચે ઝોલાં ખાધા કરે. થોડાં લોકો સ્વભાવથી અસ્થિર હોય છે, જેનો અર્થ એવો નથી કે તેઓ બીમાર છે. સામાન્ય રીતે બાયપોલાર ડિસઓર્ડરના પ્રાથમિક લક્ષણો કિશોરાવસ્થા અને યુવાનીના પ્રથમ ચરણમાં જ જોવા મળી જાય છે. નિરાશામાં વ્યક્તિ ખૂબ જ નિષ્ક્રિય થઇ જાય છે અને ઉન્માદમાં ખૂબ જ સક્રિય થઇ જાય છે. લગભગ 50 ટકા લોકોમાં આ વિકાર વારસાગત હોય છે. બંને પ્રકારના એપિસોડ્સની દવાઓ પણ અલગ-અલગ હોય છે. અનેકવાર આ વિકાર આપમેળે પણ ઠીક થઇ જાય છે પરંતુ સાવધાની માટે મનોચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી છે. ઘણા કલાકરો જેવા કે, મહાન સંગીતકાર બિથોવન, નારીવાદની પ્રણેતા વર્જિનિયા વુલ્ફ, મહાન પેઇન્ટર વાન ગોગ વગેરે પણ આ રોગના શિકાર હતા.”
મનઝૂલો ઝૂલે,
ભાવોના ઠેસ હલેસે, પલના પલકારે ડોલે,
જતન પતન જોળ રે
સ્તુતિ-સુમન ફાલે મ્હાલે, ઊડ ઊડ પતંગા પાંખે,
પાંપણના શુષ્ક પ્રહારે, નીચે ઝૂલણ ઝાલે રે
મનઝૂલો ઝૂલે
એ દિવસે, મળવાના સમય કરતા શોભા થોડી મોડી આવી. “મોડું થઈ ગયું માફ કરજો… પણ ગઈ રાતના નવેક વાગે મારી દીકરી, અમને ન ગમે તેવા કપડા પહેરી, બહાર જવા નીકળી. એક તો ચાલુ સ્કૂલના દિવસો, અને તેના મિત્રો સામે મને અણગમો હોવાથી મેં તેને જવાની ના પાડી. મને ગાંઠતી નહોતી તેથી મારા પતિ વચ્ચે પડ્યા અને પરાણે તેના રૂમમાં ધકેલી… કકળાટ થઈ ગયો. અમારા ત્રણે માટે રાત અને સવાર બહુ ખરાબ હતી.” શોભા ચિડાઈને બોલી, “છોકરીનો ગુસ્સો તેનો બાપ મારા પર ઉતારે છે.”
મેં તેને ઠંડુ પાણી આપી શાંત થવાનો સમય આપ્યો. પછી મેં કહ્યું કે, “અમે એક સેવાભાવી વકીલની સલાહ લીધી છે. તેની સાથે તમારી મુલાકાત ગોઠવી તમારો મુકદ્દમો તૈયાર કરી શકશું.”
આ વાતથી શોભાના ચહેરા પર ચમક આવી. “મારી દીકરી છે અને મને વ્હાલી છે. હું એને નોધારી છોડીશ નહીં. ભલે ગમે તે થાય.” થોડા દિવસોમાં તૈયારી થઈ ગઈ અને કોર્ટનો દિવસ આવી ગયો. છૂટાછેડા પહેલા, સમજાવટ-સુલેહ(mediation), કરાવવા માટેની કારવાહી મહિનાઓ પહેલા થઈ ગઈ હતી તેથી હવે કોર્ટનો ફેંસલો છેલ્લો હતો. એ દિવસે, હું અને મદદગાર વકીલ, શોભાની રાહ જોતા ઉભાં હતાં.
અમારા આશ્ચર્ય વચ્ચે, શોભા, તેનો પતિ અને વકીલ સાથે આવ્યા. મેં શોભાને પ્રશ્ન કર્યો તો એ કહે, “એક ઘરમાંથી નીકળી એક જ કોર્ટમાં જવાનું હતું, તેથી અમે સાથે આવ્યાં.” મને આ સરળ જવાબથી આનંદ થયો.જજની સામે પણ શોભા અને તેનો પતિ યોગ્ય રીતે વર્તતા હતા. શોભાને અમારા વકીલની મદદથી થોડો વધારે ફાયદો થયો અને છૂટાછેડા થઈ ગયા. પતિનો ચહેરો ઉદાસ હતો અને શોભાની આંખો ભીની હતી. પતિ ઘર છોડીને જતો રહેવાનો હતો. પરંતુ શોભાની આંખોમાં પતિની વાપસીનો ઇંતઝાર-એતબાર ઝળકતો હતો.
શોભા બોલી, “હવે મારે છોકરીને કેમ સંભાળવી એ વાતથી ગભરામણ થાય છે. એમને બોલાવીશ તો મદદમાં આવશે પણ અત્યારે તો મને એક પગની આગળ બીજો પગ કેમ મૂકું…તેની મૂંઝવણ છે.”
શોભાને પોતાની અવ્યવસ્થિત હાલત અને તેમાં વળી દીકરીની માનસિક બીમારી, ભવિષ્યની મુશ્કેલીઓની કલ્પનાથી જ ડર લાગતો હતો. તે દિવસે તો હું તેને સહારો આપી શકું પણ પછી શું! એટલું જરૂર કરી શક્યા કે, તેને Bipolar Support Group and Bipolar Treatment Optionsની માહિતી આપી અને તેને સાથે લઈ જઈને સંવેદનશીલ સભ્યોની ઓળખાણ કરાવી.
વેરવિખેર
ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
ઓસરતા ભીને અવસાદે.
ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
સૌ ધીરે ધીરે કરતાં નોખાં.
વેગે વિખરાતી નાની શી દુનિયા
ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં
પાંદડીઓ અળગી વહેણમાં.
સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
ગાણાં સમાઈ ગયાં સૂના સન્નાટામાં
વિહ્વળ રે વ્હાલપ લિસોટા.
——- saryuparikh@yahoo.com
==========================================================
બે કાવ્યો
ક્ષર-અક્ષરની ભીતર…હરીશ દાસાણી
શબ્દની ભીતર છૂપાયા કોઈ અક્ષરમાં મળે.
જે મળે અક્ષરમાં એ કયારેક તો ક્ષરમાં મળે.
આ હવામાં હરક્ષણે મારા જ હસ્તાક્ષર મળે.
રામ હો કે કૃષ્ણ હો, ઇચ્છા જ ઇશ્વર થઇ મળે.
કંઈ નથી આકાશમાં એવું બધાં કહેતાં રહે.
હું જોઉં છું કે તેજબુટ્ટાથી ભરેલી રેશમી ચાદર મળે.
અંધ હો ધૃતરાષ્ટ્ર કિંતુ વેર તો ઝળહળ મળે.
હર પળ શકુનિને સ્મરે, હર પળ કપટનું શર મળે.
—-
પહેલી પંક્તિમાં વૈજ્ઞાનિક તથ્યનું કથન છે. તેથી જ ‘કંઈ નથી આકાશમાં’ એવું બધાં કહેતાં રહે. આ સામાન્ય રીતે સ્વીકૃત વાત છે કે આકાશમાં જે નિર્લેપતા છે તેને કારણે બધું તેમાં છે અથવા તેમાં કંઈ નથી. આ બંને વાતો અલગ અલગ દ્રષ્ટિકોણથી સાચી છે.
હરીશ દાસાણી. harishdasani5929@gmail.com
———
અધ્યાત્મ
એક પગલું આગળ ને બે પગલાં પાછળ,
એવી અધિ આતમની ગતિ સતસંગી,
એવી અધિ આતમની ગતિ….
આજ લગી જાણ્યું સંસાર એ જ સર્વસ્વ,
કેટલાં જતનથી જીરવેલું વર્ચસ્વ,
સાધન હું એને બનાવું રે સાધુ,
એવી અધિ આતમની ગતિ….
સુંદર મુજ આવરણ સજાવ્યું સર્વોત્તમ,
અંતરનુ મંદિર ને વસતાં ત્યાં પુરુષોત્તમ,
અક્ષર આ ક્ષરમાં સમાયું રે સાક્ષર,
એવી અધિ આતમની ગતિ….
ક્વચિત એ મંદમંદ ક્ષણમાં એ તિવ્રત્તમ,
શરીર મન બુદ્ધિની પગથીની ઊતર-ચડ,
ઉગમ આગ મૂલાધાર લાગી રે ગુરુજી,
એવી અધિ આતમની ગતિ….
——- સરયૂ પરીખ
અધ્યાત્મ સાધનામાં વિદ્યાર્થીને પ્રગતિ થતી લાગે ત્યાં પાછી અસફળતા પણ લાગે.
પ્રતિભાવઃ વાહ! “અક્ષર આ ક્ષરમાં સમાયું” આત્મા અને તેનું આવરણ…સુંદર રચના. અંબુભાઈ શાહ.
———
http://www.saryu.wordpress.com
રંગોળી… ઈલા મહેતા