હોમાય વ્યારાવાલાઃ ખુદ્દાર જિંદગી
વડોદરા સ્થિત બે ભાઈઓ, શ્રી બિરેન કોઠારી અને શ્રી ઉર્વીશ કોઠારી, સાથે હોમાયબાનુને ઘરોબો હતો. ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં હોમાય બાનુના વ્યક્તિત્વનો સરસ પરિચય આપ્યો છે.
કોઈએ હોમાયબાનુને પૂછ્યું, “આ ઊંમરે તમે ગાર્ડનિંગ કરો છો? અને ગાડી પણ ચલાવો છો?”
“આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪.”
ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે.
૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ નું લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય. વડા પ્રધાન નેહરૂ હોમાય વ્યારાવાલાનો પ્રિય વિષય હતા. નેહરૂના મિજાજ અને લોકપ્રિયતાના અનેક તબક્કા તેમણે ખેંચેલી તસવીરોમાં જોવા મળે છે. તેમાંનો એક અત્યંત જાણીતો ફોટો ‘ફોટોગ્રાફી નોટ એલાઉડ’ ના પાટીયા પાસે ઊભા રહીને ફોટો પડાવતા વડા પ્રધાન નેહરૂનો છે.
હોમાયબાનુએ પાડેલા ફોટોગ્રાફ એ ભારતના ઇતિહાસની ધરોહર છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યા પછી તેમણે પોતાનો પાસપોર્ટ નવો કઢાવ્યો. પાસપોર્ટ તૈયાર થઇને આવી ગયો, એટલે તેમણે વડોદરાના મિત્ર બીરેન કોઠારીને એક પોસ્ટકાર્ડ લખીને સમાચાર આપ્યા અને લખ્યું, ‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું પડશે.’
એક સમયે સરદાર પટેલ-નેહરૂ જેવા નેતાઓ સાથે પરિચય કે દિલ્હીની ‘પેજ ૩’ પાર્ટીઓનો અનુભવ હોવા છતાં, તેમની વાતોમાં કદી અભિમાનની ઝલક જોવા મળતી નથી.
દિલ્હી રહેતાં હતાં ત્યારે સવારમાં ઘરકામ, બપોરે બ્રિટિશ હાઇકમિશનની ઓફિસે ફોટોગ્રાફર તરીકે કામ અને સાંજે ફોટોગ્રાફીનું બીજું કામ.
દિલ્હીમાં ફોટોગ્રાફર તરીકે તેમણે નિષ્ઠા અને ખંતથી કામ કર્યું હતું, પણ ત્યારે એમને એમના કામનું મૂલ્ય સમજાયું ન હતું. પણ આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે બધા લોકો જૂના ફોટોગ્રાફ્સ શોધતા આવ્યા, ત્યારે એમને એમના કામની કિંમત સમજાઇ.’
બૂટના ખોખા જેવડા એક બોક્સમાં સૌથી અગત્યના ફોટાની નેગેટીવ હતી- એમના કામનો લગભગ ૬૦ ટકા હિસ્સો એ ખોખામાં હતો. પણ એ ખોખું ક્યાંક ખોવાઇ ગયું. એ સિવાય ઘણી બધી પ્રિન્ટ નકામી લાગતાં તેને સળગાવી દીધી હતી. એ વખતે એમને ઈકામની કિંમત ન હતી.
બંધ ખોખામાં સચવાયેલી થોડીઘણી પ્રિન્ટ વર્ષો પછી ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયા ટુડે’ના વિશેષાંકો માટે પહેલી વાર તેમણે ખોલી, ત્યારે એ પ્રિન્ટોની ગુણવત્તા જોનાર છક થઇ ગયા. હજુ હમણાં જ તૈયાર કરી હોય એવી એ તસવીરો હતી. અને જે જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય એ તો ખજાનાનો માંડ ૪૦ ટકા હિસ્સો હતો. ૬૦ ટકા હિસ્સો તો કાળના પ્રવાહમાં ક્યાંક ગુમ થયો હતો.
૧૯૯૬ માં બ્રિટીશ આર્ટસ કાઉન્સીલે Dalada 13 નામની ડોક્યુમેન્ટરીમાં હોબાયબાનુનો પરિચય આપ્યો છે. ૨૦૦૬ માં પ્રગટ થયેલું પુસ્તક Camera Chronicles of Homai Vyarawall (લેખિકાઃ સબીના ગડીહોકે) ની દેસ–પરદેસમાં અનેક નકલો ખપી ગઈ. ૨૦૧૦ માં એમને National Photo Award for Lifetime Achievement આપવામાં આવ્યો અને ૨૦૧૧ માં ભારત રત્ન પછીનો એવોર્ડ પદ્મવિભુષણ આપવામાં આવ્યો.
૨૦૧૦ ની આસપાસ પોતાની પાસેનો ફોટોગ્રાફસનો સંપૂર્ણ સંગ્રહ એમણે દિલ્હીના Alkazi Foundation for the Arts સોંપી દીધો.
હોમાયબાનુનું ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૨ ના વડોદરામાં ૯૮ વરસની વયે અવસાન થયું.
એમની થોડી તસ્વીરો સાથે લલિતકળાની આ હારમાળા સમાપ્ત કરું છું.
યુવાન વયે ચંબલની કોતરોમાં બહારવટીયાનો ભય હોવા છતાં ફોટા પાડતા હોમાયબાનુ
અન્ય દેશોમાંથી આવેલા ફોટોગ્રાફરો સાથે પણ એ મિત્ર બની જતા
કોઈ અન્ય ફોટોગ્રાફરને ચીડવવા જીભ બતાડતા હોમાયબાનુ
જૂના જમાનાના ભારે ભરખમ કેમેરા સાથે શોટની વાટ જોતાં હોમાયબાનુ, પારસી સાડીના પોશાકમાં
મોકો મળતાં જ શોટ ઝડપી લેતા હોમાયબાનુ પારસી સાડીમાં
ટેલીલેન્સની મદદથી કોઈ દૂરનો શોટ લેતા હોમાયબાનુ
તસ્વીરની શોધમાં વાટ જોતા હોમાયબાનુ
૮૦ મા વર્ષે પણ તસ્વીર કમ્પોઝ કરતા હોમાય બાનુ
પદ્મવિભુષણ