“ઊંઘી ગઈ છે”- ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

“ઊંઘી ગઈ છે” – ગઝલ

ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઊંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઊંઘી ગઈ છે !

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઊંઘી ગઈ છે !!

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઊંઘી ગઈ છે !

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઊંઘી ગઈ છે !!

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઊંઘી ગઈ છે !!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઊંઘી ગઈ છે !!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઊંઘી ગઈ છે !!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઊંઘી ગઈ છે !!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઊંઘી ગઈ છે !

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઊંઘી ગઈ છે !!

રિષભ મહેતા 

રિષભ મહેતા ની ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

ગઝલ જગતમાં રિષભ મહેતાના નામથી કોઈ અજાણ્યું નહિ હોય. મલ્ટી ટેલેન્ટ ધરાવતા કવિ શ્રી ગોધરાના વાતની છે અને ગોધરામાં વસવાટ કરે છે. કવિશ્રી એક સુંદર અવાજના માલિક અને સ્ટેજ શો માટે મશહૂર છે. એમની આ ગઝલ ફેઈસબુક પરથી મળી. વાંચતા જ ગમી જાય એવી આ ગઝલના નવ શેર છે અને ઉંઘી ગઈ છે રદીફ લઈને એક થી એક ચઢિયાતા શેર આપ્યા છે.


ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઉંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે !

કોઈવાર ગઝલ લખવા બેઠા હોઈએ અને કલમ હાથમાં રહી જાય અને કાંઈ સૂઝે નહિ. તો કેવી હાલત થાય. મગજ સુન્ન હોય એમાં કોઈ પણ પ્રકારની ખળભળ ના હોય કશું યાદ ના આવે ત્યારે કોઈપણ કાઇને લાગે કે ટેબલ ઉંઘી ગયું છે ખુરશી ઉંઘી ગઈ છે કાગળ, કમ અને છેવટે ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે. મત્લાનો શેર કોઈપણ ગઝલકારની હાલતનું બયાન કરે છે. આવી પરિસ્થિતિ દરેક કવિના જીવનમાં આવતી હશે. પંક્તિ ડોકિયા કરીને ઉંઘી જતી હોય છે.

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઉંઘી ગઈ છે !!

જેવી બત્તીની સ્વીચ બંધ કરો. અંધકારની ભૂતાવળ ચારેબાજુ ફરવા લાગે છે. અંધકારને બિંદાસ્ત ફરે છે. કારણકે હવે પ્રકાશ એને કનડતો નથી. એને ખબર છે કે બત્તી ઉંઘી ગઈ છે. કવિની બત્તીને ઉંઘાડવાની વાત ગમી. સામાન્ય માણસ હોય તો કહે બત્તી બંધ કરો, પણ કવિ આત્મા હોય તો એમ જ કહે બત્તીને ઉંઘાડી દો.

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઉંઘી ગઈ છે !

પવન ભલે ધીમે ધીમે વાતો રહે. પણ બિલકુલ ચુપચાપ! જરા પણ મર્મર કે સળવળ ના થાએ! કારણ? કારણકે થાકીને આ પર્ણો ઉંઘી ગયા છે અને ડાળી ઉંઘી ગઈ છે. કવિ પ્રકૃતિને પણ સુવાડી દે છે.

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઉંઘી ગઈ છે !!

આજ સારું થશે કાલ સારું થશે !! એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ આ સમય ખરેખર વીતે છે કે કૈક સારું થશે એની આશ માં બેસી રહે છે. આજકાલની પેઢી પર શ્લેષ કરતા કવિ કહે છે કે સારપ ની આખી પેઢી ઉંઘી ગઈ છે. ખરેખર જ્યારે આંખે બુરાઈની પટ્ટી આંખે બાંધેલી હોય એ પેઢીને ઉંઘતી પેઢી જ કહેવાયને!! સારપ ની એ પેઢીને શું થયું? જમાનાની એવી હવા લાગી છે કે લોકો માં ભલમાનસાઈ રહી નથી. સારપ શોધવા જાઓ તો મળતી નથી.

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઉંઘી ગઈ છે !!

મેટ્રો સિટીમાં માણસને માણસની પડી નથી. ગિરદી એટલી છે કે માણસને શોધવો અઘરો છે. એ ગિરદી પણ કેવી? ઉંઘેલી લાગણીવહિન, બેઅસર, પથ્થર સમાન માનવી જાગે તોય શું અને ઉંઘે તોય શું? ગામ છોડવાની સજા છે. કે માણસને પથ્થર બનાવી ગઈ. પછી વિચારો પણ એ રીતે લાગણીવિહીન અને બેઅસર થઇ જતા હશે. બિલકુલ મેટ્રો સિટીની જેમ!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઉંઘી ગઈ છે !!

મંદિરમાં થતા ઘંટારવથી ઈશ્વર જાગતો નથી! તો તમને કેવી રીતે જગાડવા? આ તમારી નિદ્રા કેવી છે ઈશ્વર? મૂર્તિ ઈ સમક્ષ રોજ પૂજા થાય છે. તમને જગાડવા ઘંટારવ થાય છે તમને જગાડતા જગાડતા મૂર્તિ ઉંઘી ગઈ છે! પણ તમારી નિદ્રા તૂટતી નથી! આ કરોના કાળમાં તો દરેક ધર્મના લોકો ઈશ્વરનો દરવાજો ખટખટાવી ચુક્યા પણ ઈશ્વર પણ જાને બધિર થઇ ગયા છે કે પછી ઈન્સાનના પાપ વધી ગયા છે!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઉંઘી ગઈ છે !!

ઉપરના શેર કરતા બિલકુલ વિરુદ્ધનો શેર બન્યો છે કવિને હજુ પણ શ્રદ્ધા છે કે એ ઈશ્વરને જગાડી શકશે. આ તો બુદ્ધિ ક્યારેક ઉંઘી જાય એટલે ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય પણ ફરી શ્રદ્ધા જગાડી પણ જાય અને ઈશ્વરને જગાડે!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઉંઘી ગઈ છે !!

આંખો બંધ કરી લેવાથી સામેથી મુશ્કેલીઓ હટી નથી જતી! એ તો ત્યાંજ હોય છે. આંધળા માણસને વળી પ્રકાશની શું ખબર? એજ રીતે પોતાની આંખનો અંધાપો આપણને ક્યાં સાચી હકીકત બતાવે છે. સુષ્ટિ ઉંઘી નથી પણ મારી આંખ સામે પરદા છે. કહે છે ને જગતના કાંચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,જગત કાજી થઈને તું ના પીડા વહોરી લેજે!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઉંઘી ગઈ છે !

દીવાલ સાથે માથા પટકાવાથી શું ફાયદો? કોઈના દિલમાં ઉતારવા માટે હૃદયની બારી પર દસ્તક કરો અને જ્યારે ખબર પડે કે હૃદયની બારી ના ખુલે તો એ પથ્થર હૃદયની દીવાલો પર ટકોરા મારતા રહો!! બારી જ ઉંઘી ગઈ છે તો ભીંત શું જવાબ આપવાની!

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઉંઘી ગઈ છે !!

ગઝલ આવે તો અડધી રાતે આવે!! આ ગઝલનું પણ એવું છે. દિવસના ભાગમાં ભાગતી ફરે અને રાતે તકિયે આવીને બેસી જાય! એટલે ગઝલ પણ રાતરાણી જેવી છે. એ રાતે જ મહેકે! એને જાગવાની આદત છે. પણ ક્યારેક આખી રાત જાગો તો પણ એ ના આવે! ત્યારે કવિ કહે છે કે આમ તો મોડે સુધી જાગતી હોય છે પણ આજ જરા વહેલી સુઈ ગઈ છે! કવિ શ્રી રિષભ મહેતાજી ખૂબ સુંદર રદીફ સાથે સુંદર ગઝલ !!ધન્યવાદ!

સપના વિજાપુરા

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઓગણીસમો અધ્યાયમહારાજ પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન

 (પ્રથમ સ્કંધના અઢારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, રાજા પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બનીને શમીક ઋષિના આશ્રમમાં પાણીની શોધમાં આવી ચડે છે. શમીક ઋષિ તો એમની બ્રહ્મ સમાધિમાં લીન હતા. મહારાજના બોલાવવા છતાં એમણે કોઈ જવાબ ના આપતાં ક્ષુધા અને તૃષાથી પીડાતાં મહારાજને ગુસ્સો આવતાં, પાસે પડેલો મરેલો સાપ એમના ગળામાં નાખીને ક્રોધાવશ ત્યાંથી ચાલી નીકળ્યાં. શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે. 

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!

મારા એક મિત્રને બીડી પીવાનું વ્યસન છે. તેઓ ખુદ માને છે કે તમાકુ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રોની મહેફિલ જામી હોય કે કોઈ સભામાં બેઠા હોય ને એમને ખ્યાલ આવે કે હવે નિકોટિનનું લેવલ નીચે જઈ રહ્યું છે એટલે બહાર જઈને તેમણે ધુમ્રપાન કરી આવવું પડે છે. આમ કરતાં તેમને સંકોચ થાય છે, અપરાધભાવ અનુભવે છે, પણ સંનિષ્ઠ પ્રયાસો કરવા છતાં તેમનાથી આ વ્યસન છૂટતું નથી. આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, પણ ભૂતકાળમાં એમણે વ્યસન છોડવાના દિલથી પ્રયત્નો કર્યા હોવા છતાં વ્યસન એમને ગાંઠતું નથી. એમની પ્રામાણિકતા પર શંકા ઉઠાવવાનું કોઈ કારણ નથી. મક્કમ મનોબળ થકી એમણે જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો સર કર્યા છે, પણ નાનકડી બીડી સામે હાથ જોડવા પડ્યા છે.

Continue reading સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

મ્હાંને ચાકર રાખોજી- મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,

      ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં, નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં, ગોવિંદા – લીલા ગાસૂં રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં, સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતાં સરસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે, ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે, મોહન મૂરલીવાલા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી;
સાંવરિયા કે દરસન પાઊં, પહિર કસુમ્બી સારી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે, વૃન્દાવનકે વાસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો, જમુનાજી કે તીરા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મીરાં એટલે તો ભક્તિનું મૂર્તિમંત અને સ્ફૂર્તિમંત સ્વરુપ. મીરાં જેવી કર્મયોગી પણ બીજી કોઈ નહીં મળે. મેવાડ છોડ્યું, વૃંદાવને વ્હાલું કર્યું અને સંપૂર્ણ જીવન માત્ર ભક્તિ અને ભક્તિના પ્રસારમાં વ્યતીત કર્યું. કૃષ્ણપ્રેમ એ જ એનો કર્મયોગ અને એ જ એનો ભક્તિયોગ. જ્યાં કર્મ અને ભક્તિનો સંગમ થાય ત્યાં જ કર્મયોગની પરમ અને ચરમ સીમા છે. આ સીમા પાર કરી જાઓ પછી બસ, ઈશ્વરની અસીમ કૃપાનું બ્રહ્માંડ ઊઘડે છે. મીરાં પાસે નાનું અમથું જાણે ઝાકળબિંદુ કૃષ્ણપ્રેમનું ,જે વિસ્તરતાં બની જાય છે, જ્ઞાનનો આખો સમુદ્ર!

 મીરાંની ભક્તિની પરાકાષ્ઠા એવી કે બીજું કશું ત્યાં ટકી જ ન શકે કે જે કૃષ્ણ સાથે નિયોજીત કે સંયોજીત ન હોય. મીરાં એટલે સર્વસમર્પણ, ચરણાગતિ અને શરણાગતિનું સાયુજ્ય. ‘મ્હાંને ચાકર રાખોજી”, આ ઉદગારમાં “જી” અક્ષરમાં નરી આરત ભરી છે. વિનંતી છે, કોઈ પણ શરત વિનાની શરણાગતિ છે, કારણ, સમસ્ત વિશ્વના વિધાતાના ચાકર રહેવામાં એના સાંનિધ્ય માટેની અમીટ તૃષા છે. એની સાથે ભીની ખુમારી એવી છે કે ઈશ્વરને પણ કહે છે કે તારા માટે અમે બાગ રચી આપીશું. મીરાં બાગને ઉછેરે છે કે ભક્તિને ઉછેરે છે એ મીરાંની અને આપણી મીઠી મૂંઝવણનો વિષય છે. બાગ ઉછેરવાનું તો બહાનું છે. મૂળ કારણ તો રોજરોજ એ બાગના ફૂલો સાંવરિયાનાં ચરણે ધરીને એના દર્શન પામવાનું છે. પણ આ તો મીરાં નો બાગ છે, એ કંઈ જેવો તેવો ન હોય! મીરાંનો બાગ તો આખું વૃંદાવન જ હોય! એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પી જોઈએ ઈશ્વરને માટે બાગ રચવાનો, એ બાગમાં રહેવાનું, રોજરોજ ગોવિંદની લીલા ગાવાની, હરિના દર્શન કરવાનાં, એમના ચરણોમાં ભક્તિપ્રેમનાં બાગમાં ઊગાવેલાં તાજાં, મઘમઘતાં પુષ્પો ધરવાનાં અને કૃષ્ણના સ્મરણનો સતત ઓચ્છવ ઊજવવાનો! આ કેટલું અદભૂત હોય, એ વિચાર આવતાં જ પળવાર મીરાંની અમીરાતની અસૂયા થયા વિના રહે નહીં. મીરાંની પાસે મોટામાં મોટી મૂડી જે છે, તે છે એની ભાવભક્તિ. ઈશ્વરનું સોહામણું સ્વરૂપ મીરાંના જીવનની પળેપળને રળિયામણું કરે છે અને અહીં જ આ ભજન ન રહેતાં કવિતા બની જાય છે. એટલું જ નહીં, એની પરાકાષ્ઠાને પાર કરે છે. અહીં કલ્પનાશીલતા તો જુઓ, ઊંચાઊંચા મહેલ અને બીચબીચ બારી, જે આપણને સીધી પરમાત્માની સાથે જોડી આપે છે! રાજકુંવરી અને રાજરાણી મીરાંની ભક્તિમાં પણ રાજવી ઠાઠમાઠ છે. વાત શરૂ કરતાં કહે છે કે ‘મને ચાકર રાખોજી’ પણ પછી કહે છે કે હું બગીચો રચી આપીશ. ભાવનાને કોઈ અંત નથી હોતો. કહે છે કે, ઊંચાઊંચા મહેલ બનાવીશ, વચ્ચેવચ્ચે બારીઓ રાખીશ અને સંવારિયાનાં દર્શનનો પ્રસંગ એ કંઈ જેવોતેવો નથી. એ દર્શન કરીશ ત્યારે કસુંબી સાડી પહેરીને કરીશ. કસુંબી રંગ પણ સાંકેતિક છે. મીરાં તો જોગ, તપ વગેરેથી પણ પર થઈ ગઈ છે. એ તો હરિભજનમાં રમમાણ થઈ ગઈ છે અને એને તો રસ છે વૃંદાવનવાસી થઈ જવામાં. છતાં સાંવરિયાને રીઝવવાએ કસુંબી રંગના વસ્ત્રો ધારણ કરવા તૈયાર છે કારણ એના હૈયા પર તો પિયુનો કસુંબી રંગ ક્યારનોય ચડી ચૂક્યો છે. એણે પોતાની આસપાસ એક ભજનમય ભાવસૃષ્ટિ રચી છે જેમાં વૃંદાવન છે, યમુનાના નીર છે, યમુનાના તીર છે અને એની સામે એનો ‘મનમોહના’ સાંવરિયો શ્રી કૃષ્ણ છે. આ જ છે મીરાંનું સદેહે રચેલું સ્વર્ગ. આ સ્વર્ગમાં એ એના સાંવરિયા કૃષ્ણના દર્શન કરશે ત્યારે એના સિવાય બીજું કોઈ નહીં હોય, હશે સામે એક માત્ર એનો પિયુ, એનો પ્રીતમ, અને એ મનોમન ગુંજતી હશે, “મૈં તો હરિગુણ ગાવત નાચૂંગી”.

મીરાંની કવિતાને બાહ્ય સંગીતની જરુર નથી પડતી કારણ, એ તો મીરાંના રોમરોમથી નીતરતા આંતરસંગીતથી છલોછલ છલકાય છે.

(સુરેશ દલાલ સંપાદિત પુસ્તક “ભજનયોગ”ના સૌજન્યથી, સાભાર . )

પ્રાર્થનાને પત્રો – ૧૧૨ ને ૧૧૩ – ભાગ્યેશ જહા

[૧૧૨] પ્રાર્થનાને પત્રો…

પ્રિય પ્રાર્થના,

‘કોરોનાવાઈરસ’ની વૈશ્વિકખાંસી સંભળાઇ રહી છે, કદાચ જગત હાથને અને નાકને ઢાંકવાના નવા નુસખા શોધવામાં મગ્ન થઈ જાય, એવા બધા લક્ષણો છે. સ્પર્શના નવા સમીકરણો અને વ્યાખ્યાઓ અને પ્રોટોકોલ ગોઠવાય તેવી શકયતા છે.આપણે ત્યાં તડકો છે એટલે થોડા બચી ગયા છીએ. જો કોરોનાવાઈરસ ઘુસ્યો તો આપણને ખાસ્સુ નુકશાન કરી શકે. કારણ એક તો આપણી અધધ વસ્તી, મુંબઈમાં તો બધા એકબીજાને અથડાઈ અથડાઇ ચાલે, અને બીજું, આપણી નબળી હાઈઝીન-સ્વાસ્થ્યરક્ષક-સ્વચ્છતા… ચિંતા થાય એવી પરિસ્થિતિ છે. અમેરિકા તો વધારે પડતું સાવધાન હોય તેવું રીપોર્ટ પરથી લાગે છે. આશા રાખીએ જગત આ સંકટમાંથી જલ્દીથી બહાર આવી જાય.

Continue reading પ્રાર્થનાને પત્રો – ૧૧૨ ને ૧૧૩ – ભાગ્યેશ જહા

અંતરની ઓળખ – (૨૦) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૨૦ ) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સંજોગો એ પરિણામ છે, કારણ નથી

કોઈપણ વસ્તુ કે બનાવ માટે બાહ્ય વસ્તુ કે બાહ્ય સંજોગો કારણભૂત હોય છે એમ માનવું તે એક વહેમ છે. પોતાના જીવનના સંજોગો વિષે ફરિયાદ કરવી એ હંમેશાં આપણી જાતે જેવા છીએ તેની બાહ્ય અભિવ્યક્તિ જ હોય છે.

વ્યક્તિ પોતે જે હોય છે, એ જ પ્રકારની, તેમ જ તેને અનુરૂપ વસ્તુઓ જ એને જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. જો કે અજ્ઞાન માનવ ન્યાયનો જે સિદ્ધાંત સમજી બેઠો છે એ પ્રમાણે આમ બનતું હોતું નથીઃ આ જે બને છે તે અજ્ઞાન માનવીય નિયમ કરતાં ખૂબ જ સૂક્ષ્મ, અતિ ગંભીર ને સૂક્ષ્મ સત્ય એવા નિયમ પ્રમાણે બનતું હોય છે.

સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે

સંજોગો હંમેશાં છુપાઈને રહેલી નબળાઈઓને પ્રકટ કરતા હોય છે. જે નબળાઈઓને પ્રકટ કરતા હોય છે તે નબળાઈઓને આપણે જીતવાની હોય છે. પણ આપણે એને બદલે એને કોઈને કોઈ રીતે છુપાવવાની કોશિશ કરતા હોઈએ છે. જ્યાં સુધી સંજોગોની સમજણ નહીં આવે ત્યાં સુધી કદી આપણે આપણી નબળાઈઓને સુધારી નહીં શકીએ કે એને જીતી નહીં શકીએ.

જે કંઈ બને છે તે આપણને જે વસ્તુ શીખવાની જરૂર હોય છે એ વસ્તુ શીખવવા માટે જ બધું બનતું હોય છે. આ વસ્તુ સમય રહેતાં જ સમજાય છે. તે અને તે ઘડીએ આપણે કશું શીખવું પડે એવા સંજોગો પણ ઊભા થઈ શકે છે. જો એમાંથી ભૂલેચૂકે નિષ્ઠા ચૂક્યા તો સંજોગો આપણને ઘડી શકે એવી ઘડી આપણાં હાથમાંથી સરી જાય છે. આમ સાદા, બીજા શબ્દોમાં કહો તો જો આપણે “સાધના” માટે એકનિષ્ઠ હોઈએ તો એ વસ્તુઓ આનંદપૂર્વક તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ.

  • પરમ પૂજ્ય શ્રી માતાજી
  • *********************************************************

જીવન શું છે?

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સો ગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું આપો નહીં તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે૩. જીવનને તમે શું આપ્યું છે? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજૂસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો, પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય?

 તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહીં, જીવન ફળ્યું નહીં, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરાતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી.ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી કે જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં તમને શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. એક જ સનાતન સત્ય સમજવાનું છે કે જીવન કદી જૂઠું બોલતું નથી.

  • પરમ પૂજ્ય ફાધર વાલેસ

બે કાંઠાની અધવચ – (૧૯) – પ્રીતિ સેનગુપ્તા

           બે કાંઠાની  અધવચ  – (૧૯)  –  પ્રીતિ  સેનગુપ્તા

                                      (૧૯)

ગ્રીન કાર્ડ આવશે, આવી જશે- કરતાં કરતાં, ઘણા મહિના વીતી ગયા. મોડું થઈ રહ્યું છે, એવા કશા ભયથી કેતકી ક્યારેક ફફડી જતી. શું થવાનો ભય હતો, તે સ્પષ્ટ કહી શકતી નહતી.

સચિન ત્રણ વર્ષનો થવા આવ્યો હતો. કેતકીને ઘેર, સચિનને જોવા બધાં ઉત્સુક હતાં. દેવકીનું નક્કી થવામાં હતું. લગ્નમાં કદાચ ના જવાય, પણ વિવાહ વખતે ત્યાં હોઈએ તો સારું. દીજીની તબિયત કેમ હશે? કોઈએ કશું લખ્યું નહતું એ બાબતે, પણ કદાચ એ જ ભય હતો કેતકીના મનમાં.

સુજીતે કેતકીને કહ્યું નહતું, પણ એક વાર દેશ જઈ આવવાની સલાહ પ્રજીતે એને આપેલી. તમે ફાધર પાસેથી ઘરના દસ્તાવેજ પર સહી કરાવી લેજો, ને ઘર આપણા બેનાં નામે કરાવી લેજો.

કેમ, રંજીતનું નામ પણ મૂકવાનું ને?

અરે, એમણે ક્યાં સંબંધ રાખ્યો છે આપણી સાથે? એ ક્યાં છે, એ પણ આપણે જાણતા નથી.

ગજબ ચાલે છે આ પ્રજીતની બુદ્ધિ. શુંનું શું વિચારતો હશે. વધારે પડતો હોંશિયાર થઈ ગયો લાગે છે મને 

તો, સુજીતને થયું. પણ દસ્તાવેજ કરાવી લેવાની સલાહ ખોટી નહતી. આવો દસ્તાવેજ કરાવી તો લેવો જોઈએ. ફાધર અને અમ્મા ક્યાં સુધી રહેવાનાં? ઘર બધાના હાથમાંથી સાવ જાય, એના કરતાં એક વાર ખર્ચો કરીને દેશ જઈ આવવું સારું. આ અગત્યનું કામ તો પતે.

આમ કરતાં જરૂરી પેપર્સ અને પરવાના મળી ગયા, સુજીત અને કેતકીને. સચિનને લઈને બંને દેશ ગયાં ત્યારે કેતકીએ સાસરે જ રહેવાનું ધાર્યું હતું. પણ સુજીતની ઈચ્છા એવી હતી, કે કેતકી નાના સચિનને લઈને, એનાં દીજીને ત્યાં રહે. મુસાફરીનો થાક ઊતરે પછી, ફાધર ને અમ્માને મળવા, લઈ જઈશ તમને બંનેને, સુજીતે કહ્યું. જરાક નવાઇ બધાંને લાગી, પણ થયું કે બરાબર છે, થાક ઊતરે પછી જશે.

કેતકીને પણ નવાઈ તો લાગી, પણ આ નિર્ણય જ વધારે ગમ્યો. આટલા વખતે આવ્યા પછી, પહેલી નજરે એને ઘર જુદું લાગ્યું. કદાચ ઇન્ડિયામાં બત્તીઓનું અજવાળું ઓછું હોય છે, તેથી હશે, કેતકીએ વિચાર્યું. પણ નાનપણના એ ઘરમાં ફરીથી રહેવાનું મળી રહ્યું હતું, એ જ કોઈ ઇનામ જેવું લાગતું હતું એને.

ઘરનાં બધાંને જોઈને એ ખુશ તો થયેલી જ, પણ ચિંતિત પણ થયેલી. પાંચેક વર્ષમાં બધાં કેવાં સૂકાઈ ગયેલાં લાગતાં હતાં. બાપ્સ અને માઇનાં મોઢાં પર આટલો થાક કેમ? અને દીજી તો સાવ નંખાઈ ગયાં હતાં. એક દેવકી બહુ ખીલી હતી.

જગતની સાથે એક હૉસ્ટૅલમાં રહેતાં રહેતાં, અને એક કૉલૅજમાં ભણતાં ભણતાં, બંને પ્રેમમાં પડેલાં. પહેલેથી જ સાથે હરવા-ફરવાની તક, તેમજ છૂટ પણ, એમને મળી ગયેલી હતી. કોઈ રોકનાર કે ટોકનાર હતું નહીં. જીંદગીના પ્રથમ પ્રેમને બહુ માણ્યો એમણે.

લગ્ન કરવાનું બંનેએ જાતે નક્કી કરી લીધું, ને તે પછી દેવકી જગતને, બાપ્સ સાથે મેળવવા, ઘેર લઈ આવી. માઇ જરા ચોંકી ગયાં હતાં. દીજી જાણે, કે હવે જમાનો બદલાઈ ગયો છે, જુવાનિયાં જાતે જ નક્કી કરી લે. બાપ્સને વાતચીતમાં જગત પસંદ પડી ગયો. ભણવામાં સારો હતો, બોલવામાં ઠરેલ હતો, અને એના કુટુંબનો સહેજ ખ્યાલ બાપ્સને હતો પણ ખરો.

આ આખી વાત સાંભળી, ત્યારે કેતકીના મનને જરા ઓછું આવી ગયું હતું. પોતાને પણ જીંદગીનો પ્રથમ પ્રેમ થયો હતો, પણ ક્યાં બન્યું, આવું બધું એના જીવનમાં? ક્યાં હરી-ફરી, કે હસી-બોલી, એ એના પ્રિયજનની સાથે?

અરે, પણ એમાં, ઘરનાં કોઈની રોકટોકનો સવાલ નડ્યો જ નહતો. પ્રેમ ક્યાં પાંગર્યો જ હતો, એનો? કેતકીની સાન જાણે પાછી આવી. હા, ઘરનાં કોઈનો વાંક નહતો. એવો પ્રેમ એના નસીબમાં જ નહતો.

પણ તો, સુજીતે શું ઓછું કર્યું એને માટે? પૂરતો રોમાન્સ ના આપ્યો એણે? અરે, હજી યે ક્યાં અટક્યો છે એ?

આ પછી, કેતકીના મનમાંથી દેવકીને માટેનો ઇર્ષાનો ભાવ નીકળી ગયો. બંને નસીબદાર હતાં. બંનેને પ્રેમ મળ્યો હતો, પણ જુદી જુદી રીતે. બસ, હવે દેવકીના વિવાહમાં બહુ મઝા પડશે.

દીજી સચિનને બહુ વહાલ કરતાં રહ્યાં. રોજ એમની પાસે જ રાખે બાબાને. હાથમાં, ખોળામાં, પણ એને ઊંચકીને હવે એ ચાલી ના શકે. દીજી, તમે બરાબર ખાતાં કેમ નથી?, એમને ગળે વળગીને કેતકી પૂછતી.

દીજી કહેતાં, અરે તુકી, ખવાય તેટલું ખાઈ લીધું જીંદગી આખી. હવે આ બાબાને જોઈને જ પેટ ભરાઈ જાય છે.

પોતાના દીકરાની દીકરીનો દીકરો. વાહ, ઘરમાં ચાર ચાર પેઢીઓ હતી અત્યારે. જોજો, કોઈની નજર ના લાગી જાય મારા લાલજીને. એ માઇને કહેતાં, સચિનની નજર ઊતાર. એના કાનની પાછળ મેંશનું ટીલું કર.

સચિન બોલવા માંડ્યો હતો, પણ હજી થોડું કાલું હતું. એટલું તો મીઠું લાગે. ને એને બોલતો, ને દોડતો, ને બધાં સાથે હળી જતો જોઈને, કેતકીને પરમ સંતોષ થતો.

પેલી બાજુ, સુજીતે ધાર્યું હતું તેમ, ઘરના દસ્તાવેજની બાબતે ફાધરે આભ માથે લીધું. એમની ટેવ પ્રમાણે ઘાંટા પાડ્યા, અને સુજીતને ગાળો ભાંડી. આ સલાહ મને પ્રજીતે આપી છે, એને ગાળો દો, સુજીતે સામે કહ્યું. પણ ફાધર બરાડ્યા, હોઈ જ ના શકે, પ્રજીતના નામે જુઠું બોલતાં પણ શરમાતો નથી તું?

છેવટે સુજીતે ફોન બૂક કરાવીને, પ્રજીત સાથે ફાધરની વાત કરાવી. લાઇન બરાબર નહતી, અને માંડ માંડ સંભળાતું હતું, પણ પ્રજીતે ફાધરને ખાતરી આપી, કે થોડા જ વખત પછી, એ ખાસ એમને મળવા ઇન્ડિયા આવી જશે. ત્યારે નિરાંતે વાતો કરીશું, પણ હમણાં દસ્તાવેજ પર સહી થઈ જાય, તો ઘણું સારું, વગેરે.

એની ડાહી ડાહી વાતોથી ફાધર માની ગયા, એટલે કે એમને માની જવું પડ્યું. પ્રજીત બરાબર જ સમજે ને. વળી, મળવા પણ આવવાનો છે. હવે એ જ આશા પર ફાધર ટકવાના હતા.

દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ થઈ. વકીલોનું અને કૉર્ટનું કામ જલદી નથી જ થતું, એ જાણતો હોવા છતાં, સુજીત ચિંતામાં રહેતો હતો, પણ બહારથી ધીરજ રાખતો હતો. આમ ને આમ તો જવાનો દિવસ આવી જશે. ને તોયે જો તૈયાર નહીં થયો હોય, તો શું મારે પણ, પ્રજીતની સાથે ફરી આવવું પડશે?

એટલા ખર્ચાના વિચારે એ વધારે ચિંતિત થતો હતો.

પણ આખરે વકીલે કહ્યું, કે દસ્તાવેજ તૈયાર છે. ફાધરને લઈને સુજીત કૉર્ટમાં ગયો. ત્યાં બેસી રહેવું તો પડ્યું જ, પણ સહી-સિક્કા થયા ખરા. વકીલે કહ્યું, કે દસ્તાવેજ સુજીત અને પ્રજીતના નામે થઈ ગયો છે. પણ એમનો હક્ક બનશે ફાધર, તેમજ અમ્મા, નહીં હોય ત્યાર પછીથી.

વકીલની વાતથી સુજીતે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો, એ હંમેશ માટે રહેવા પાછો દેશ આવે કે ના આવે, એનું પોતાનું ઘર તો રહેશે. પ્રૉપર્ટીના ભાવ તો વધતા જવાના, એટલે બીજું કાંઈ નહીં, તો પૈસા તો મળશે.

પોતે પ્રજીતથી જરાયે ઓછો હોંશિયાર નથી, સુજીત મનોમન ફુલાયો. આ દરમ્યાન ક્યારેક એને રંજીત યાદ આવતો હતો. એને મળવા જવાનું તો બન્યું નહીં, ફોન પર પણ સંપર્ક ના થયો. કાંઈ નહીં, ફરી આવીએ ત્યારે. શું કરું?, બધું તો ક્યાંથી થાય?

આ પછી સુજીત હળવો થઈ ગયો. એ કેતકી અને સચિનની સાથે રહેવા આવી ગયો. બાપ્સને સમજાવી દીધું, કે ફાધરને આમાં વાંધો નથી. સુજીતની હાજરીથી ઘરમાં સરસ વસ્તી રહેતી હતી. ને હવે દેવકીને એણે ધીરેથી કહી દીધું, કે જીતજી કહેવાને બદલે સુજીતભાઈ કહે તો એને વધારે ગમશે. આમે ય હવે જીતજી ને જગતજીમાં ગોટાળા થવાનો સંભવ છે, ખરું કે નહીં? બધાં બહુ હસ્યાં આ મજાક પર.

કેતકીને માટે પણ આ સમય ખૂબ આનંદનો હતો. અમેરિકામાં છેલ્લે છેલ્લે સુજીત થોડો દૂર થતો જતો લાગ્યો હતો. એવું સમજવાની મારી જ ભૂલ હતી. કશો ફેર નથી પડ્યો, કેતકીએ ડાઉટને ખંખેરી નાખ્યો. સુજીતની ભૂખરી-લીલી આંખોમાં ડૂબવાનું હજી એને એટલું જ ગમતું હતું. 

કેતકીએ કૉલૅજની બે-ચાર બહેનપણીઓને મળવાનો ટ્રાય કર્યો, પણ બહુ શક્ય ના બન્યું. સચિન, સુજીત, દીજી, માઇ, બસ, આટલાંમાં જ જાણે દિવસ વીતી જતો. સુમી સચિનને રમાડવા એક વાર ઉતાવળે આવી ગઈ. એને સાસરામાંથી બહુ ટાઇમ નહતો મળતો. સૂકાઈ ગયેલી લાગી.

કેમ, બહુ કામ કરાવે છે?, હસતાં હસતાં કેતકીએ પૂછ્યું.

સુમી જરા ગંભીર થઈ ગઈ. કદાચ એવું જ કહેવાય. કામ બહુ ના હોય, પણ ઘરની બહાર જવા દેવાનું બહુ ગમે નહીં –

કોને, તારાં સાસુને?

અરે, એથી યે વધારે વાંધા નણંદને હોય. કંઇક ને કંઇક બહાનું કાઢે, મને ઘેર રાખવાનું. શરદ બધું જુએ, ને સમજે, પણ ના માને કશું કહી શકે, ના નાની બહેનને યે કશું કહી શકે.

નીલુની કંપની સારી રહી. એને રોજ આવવા દીજીએ કહેલું. તું હોય તો તુકીને વાતો કરવાનું ગમે ને. હજી એનાં લગ્ન નહતાં થયાં, એટલે એ નીકળી શકતી હતી. કેતકીનો સંસાર જોઈને, પોતાને માટે જ એનો થોડો જીવ બળતો. શું થશે મારું? ક્યારે થશે આવી મારી જીંદગી?

પણ કેતકી પર દ્વેષ નહીં. તું થોડી બદલાઈ તો છું જ, હોં, તુકી, એણે કહેલું.

કેતકી વિચાર કરવા લાગેલી. તો શું ઘરમાં પણ બધાંને એવું લાગતું હશે? શું ખરેખર બદલાઈ ગઈ હતી પોતે? એણે કહ્યું, કદાચ એવું હોઈ શકે, નીલુ. ત્યાંનું જીવન એવું જુદું છે, કે એ પ્રમાણે તમારે મનને ઍડજસ્ટ કર્યા કરવું પડે, અને જાતને વધારે ને વધારે ડિવેલપ કર્યા કરવી પડે. બધું જાતે જ કરવાનું, એટલે જાણે ઘડીએ ઘડીએ, કાંઈ ને કાંઈ, નવું શીખવું પડે, જાણવું પડે.

પછી કહે, મને એવું લાગે છે, કે તું પણ ત્યાં આવી જઈશ. ત્યાં રહેતો છોકરો જ મળશે તને, તું જોજે.

નીલુ ભારે મનથી કહે, ખરેખર? મને તો થાય છે, કે હું કુંવારી જ ના રહી જાઉં.

ના હવે, આવું શું બોલે છે?, કહીને કેતકી સચિનની પાછળ દોડેલી.

સુજીત અને કેતકીને લાગ્યું, કે બધું કામ સારી રીતે પતતું જતું હતું. હવે ખરીદી કરવા માટે ટાઇમ કાઢી શકાય તેમ હતો. કેતકી બે-ચાર પંજાબી ડ્રેસ ખરીદવા માગતી હતી. સુજીતને બસ, એ સાડી પહેરે તે જ ગમે. એમાં દલીલો કરવી પડી કેતકીએ, કે અહીં આવ્યાં છીએ, ને નવાં કપડાં લઈ લઉં, તો મારે ચાલેને બીજાં ત્રણેક વર્ષ. પાર્ટીમાં સાડી બરાબર છે, જોકે હવે પાર્ટીમાં પણ ભાગ્યે જ કોઈ સાડી પહેરે છે, પણ સાધારણ કામ માટે નીકળો ત્યારે તો ડ્રેસ જ સારો પડે ને.

દીજી વચમાં પડ્યાં, કે હું આપું છું પૈસા, તુકીને જે ગમે તે ભલે ખરીદતી.

સુજીતને ચીડ ચઢી ગયેલી, જરા મોઢું ચઢેલું, પણ કોઈને ખાસ ખ્યાલ ના આવ્યો.

વિવાહના પ્રસંગોમાં તો કેતકી સાડી જ પહેરતી હતી, તેથી સુજીત ખુશ થઈ ગયો, અને ચીડ ભૂલી પણ ગયો. એક દિવસ, એ જાતે જઈને, એક સાડી કેતકીને માટે લઈ આવ્યો. વાહ, શું ટેસ્ટ છે, સુજીતભાઈ, તમારો, દેવકીએ સાડીનાં વખાણ કરેલાં.

સુજીત જાણતો હતો, કે એ નારાયણપેઠી સાડી હતી. કહે, મેં એ નામ દઈને કઢાવડાવી. મને પણ સાડીઓની થોડી ખબર પડે છે ખરી, હોં.

સાડા ત્રણ અઠવાડિયાં તો આમ ક્યાંયે વીતી ગયાં. બસ, તુકી, તું જવાની? એટલાંમાં વખત થઈ ગયો? દીજીને પહેલી વાર ઉદાસ થયેલાં જોયાં હશે કેતકીએ.

સહેજ બોલે, ને દીજીનો શ્વાસ ઊંચો ચઢી જતો હતો. સાવ નરમ અવાજે કહે, ક્યારે મળીશ તું ફરીથી? ક્યારે હું જોવા પામીશ મારા લાલજીને ફરીથી? એને લઈને જલદી પાછી આવીશ ને, તુકી?

કેતકી પાછી એમને વળગી. આવીશ જ ને, દીજી. તમે જીવ ના બાળો.  એ જોઈને સચિન પણ વળગ્યો, દી, જી, ના, બાલો

(વધુ આવતા ગુરુવારે)

અંતરનેટની કવિતા – (૧૬) – અનિલ ચાવડા

મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું

લોગ ઇનઃ

ખમે છે ભાર જે મારો હું એ કણકણનો ઋણી છું,
છતાં માતા, પિતા શિક્ષક; વિશેષ એ ત્રણનો ઋણી છું.

મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ઋણી છું.

ભલે છૂટાંછવાયાં છે છતાં રેખાને જોડે જે.
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ઋણી છું.

કહ્યું’તું જેમણે કે મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ઋણી છું.

મેં ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું.

સંદિપ પુજારા

સંજુ ફિલ્મમાં સુનિલ દત્તના સન્માનનો એક સિન છે, તેમાં સંજય દત્તે બોલવાનું હોય છે. જિંદગીભર પિતાનું ઋણ તે નહીં ચૂકવી શકે તેની કબૂલાત તેણે કરવી છે. કાર્યક્રમમાં તે બરોબર સ્પિચ તૈયાર કરીને આવે છે; પણ સંજોગો એવા સર્જાય છે કે તેને કાર્યક્રમમાં બોલવાની મંજૂરી નથી આપવામાં આવતી. ઘરે આવીને પિતા કહે છે, ત્યાં તારી સ્પિચ ન બોલી શક્યો તો કંઈ નહીં, અત્યારે મારી સામે વાંચી દે, પણ તે વાંચી નથી શકતો. કહે છે ફરી ક્યારેક સંભળાવીશ. બને છે એવું કે એ જ રાતે પિતાનું અવસાન થાય છે. પિતાનો આભાર પ્રત્યક્ષ ન માની શકવા માટે તેને ખૂબ જ વસવસો થાય છે. આપણે હંમેશાં સમયસર ઋણ ચૂકવાનું ભૂલી જતા હોઈએ છીએ. ઋણ ચૂકવવાની વાત દૂર, સરખી રીતે આભાર પણ નથી માની શકતા.

સંદિપ પુજારાની આ ગઝલ કણેકણથી લઈને મૃત્યુ સુધી જતી હર ક્ષણનો આભાર માને છે. જન્મનો આભાર તો કેક કાપીને કે પાર્ટી કરીને બધા માનતા હોય છે. અહીં તો કવિ મૃત્યુનું ઋણ પણ માથે ચડાવે છે. રાજેશ વ્યાસ મિસ્કીને આભારભાવ વ્યક્ત કરતી ગઝલ લખી છે. પળેપળ શ્વાસ ચાલે છે તે માટે પણ આભાર માનવો જોઈએ. ઘણાને હાથપગ, વાણી, શ્રવણશક્તિ કે દ્રષ્ટિ પણ નથી હોતી. છતાં આનંદથી જીવતા હોય છે. તમે સંપૂર્ણ સ્વસ્થ છો, હરી-ફરી, બોલી-ચાલી, સાંભળી-જોઈ શકો છો તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

સંદિપ પુજારા કહે છે કે જે મારો ભાર ખમે છે એ દરેક કણેકણનો હું ઋણી છું. ભાર ખમવામાં માત્ર પગના ચપ્પલ ન આવે. જિંદગીના તમામ ભારની વાત છે, પગ નીચે દબાતા નાનકડા રજકણથી લઈને, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, વૈચારિક એમ તમામ પ્રકારનો મારો ભાર જે કોઈ સહન કરે છે તેમનો હું ઋણી છું. વળી તેમાં કવ્યનાયક કહે છે તમામમાં માતા, પિતા અને શિક્ષક એ ત્રણનો વિશેષ ઋણી છું. સંસ્કૃતમાં તો बलिहारी गुरु आपनी, जिन्हे गोविंद दियो बताय। કહીને ગુરુનો મહિમા ઈશ્વરથીય વિશેષ ગણાવ્યો છે. માતાપિતાના ઋણની તોલે તો કોઈ આવી જ ક્યાંથી શકે? કવિ એટલા માટે જ આ ત્રણનો વિશેષ આભાર માને છે.

આપણને કંઈક સરળતાથી મળી જાય તો તેનું આપણને કશું મૂલ્ય હોતું નથી. હિન્દીમાં કહેવત પણ છે કે ઘર કી મુર્ગી દાલ બરોબર. જે સરળતાથી હાથવગું છે તેનું આપણને કંઈ મૂલ્ય નથી. જે સંઘર્ષથી મળે છે તે કીમતી છે અને હોવું પણ જોઈએ. સંઘર્ષ છે તો મૂલ્ય છે. ખરું ઋણ તો સંઘર્ષનું માનવું જોઈએ. કાવ્યનાયક આ વાત સારી રીતે સમજે છે. વર્ષો પછી જળ મળ્યું તો અમૃત લાગ્યું, રોજ મળત તો કદાચ પાણી જ લાગત! વર્ષો પછી મળવા પાછળ રણ જવાબદાર છે, રણે સતત તરસ વધારી છે. કવિ પોતાની તરસ વધારનાર રણ પ્રત્યે પણ ઋણ વ્યક્ત કરે છે. આપણે ખરાબ સમયને ભાંડતા હોઈએ છીએ, સંઘર્ષને ગાળો દેતા હોઈએ છીએ. તેનો આભાર ક્યારે માનીશું? સંઘર્ષ થયો તો કશુંક બની શક્યા! ચમકદાર થવા હીરાએ પણ ઘસાવું પડે છે.

સ્ટિવ જોબ્સે આપેલ બિંદુગણનું વ્યાખ્યાન ખૂબ જ લોકપ્રિય છે, યુટ્યૂબ પર ઉપલબ્ધ છે, સાંભળજો. તેણે પોતાના જીવનને જુદા-જુદા બિંદુગણ સાથે સરખાવ્યું છે. તે બધાં બિંદુઓ એકબીજાં સાથે જાડેયાલાં છે. જેમ ઇન્ટરનેટની એક લિંક એકબીજા સાથે જોડાતી હોય છે તેમ! સંદિપ પુજારા એ જ ફિલોસોફી જુદી રીતે વ્યક્ત કરે છે. ચોથો શેર વાંચીને અશોક ચાવડાનો શેર યાદ આવી જાય. મને ખબર છે મને તું કશું ન દેવાનો, કશું ન માગીને હું તારી શાન રાખું છું. નહીં માગીને અશોક ચાવડા શાન રાખે છે, પણ જેમણે કંઈ પણ નહીં આપવાની વાત કરી છે, તેમના કંઈ પણ માટે સંદિપ પુજારા આભાર માને છે. કેમકે તેમના કંઈ પણમાં પણ તેમને ઘણું બધું મળ્યું છે. આપણા જીવનની દરેક ક્ષણ આપણા મૃત્યુ તરફની ગતિ છે. કાવ્યનાયકે મૃત્યુ તરફ ગતિ કરતી દરેક ક્ષણ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું, અર્થાત જિવાયેલી જિંદગીની તમામ ક્ષણનો આભાર માન્યો. શરૂઆતથી લઈને અંત સુધી કવિએ ઋણભાવનો રદીફ સુંદર રીતે જાળવ્યો છે.

લોગ આઉટઃ

ભાર હો તો ક્યાંક જઈ ઉતારીએ,
પણ અહીં આભાર જેવું છે સતત.
ડો. મહેશ રાવલ

મિત્રો સાથે વાતો. ‘ઘર ભાડે મળશે?’ આશા વીરેન્દ્ર. ‘ચાકડો’ કાવ્ય, રસદર્શન.

http://મિત્રો સાથે વાતો. ‘ઘર ભાડે મળશે?’ આશા વીરેન્દ્ર. ‘ચાકડો’ કાવ્ય, રસદર્શન.

ઘર ભાડે મળશે?       લેખિકા. આશા વીરેન્દ્ર

શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં,ખાનદાન અને ભણેલ ગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પી. એચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી રીતે ખુશ હતું. મુશ્કેલીની શરુઆત ત્યારે થઈ જ્યારે બંનેને હૈદ્રાબાદમાં સારી જગ્યાએ અહીં કરતા ઊંચા પગારની નોકરી મળી ગઈ.નોકરીમાં પગાર ભલે સારો હોય પણ બેઉનાં મનમાં મૂંઝવણનો પાર નહોતો.

‘શોએબ, અત્યારે ભલે પગારનો આંકડો મોટો દેખાતો હોય પણ મોટા શહેરના ખર્ચા પણ મોટા. આટલો પગાર તો અડધા મહિનામાં જ ચટણી થઈ જશે.’

 ‘એ તો હું પણ જાણું છું પણ એમ ગભરાઈને બેસી રહીએ તો જિંદગીમાં આગળ કેવી રીતે વધીશું?  હિંમત તો કરવી જ પડશે.’

‘હિંમતે મર્દા તો મદદે ખુદા’-એમ તો હું પણ માનું છું પણ સૌથી મોટો સવાલ એ છે કે હૈદ્રાબાદ જેવા અજાણ્યા શહેરમાં આપણે રહીશું ક્યાં?’

‘મારા કૉલેજના દોસ્ત જુનેદને મેં પૂછ્યું હતું. એણે કહ્યું છે કે ત્યાંના મુસ્લિમોના લત્તામાં ભાડેથી ઘર મળી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક ઘર મળી જ જશે. ને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એનાં ઘરમાં આપણો સમાવેશ થઈ જશે.’ હૈદ્રાબાદ પહોંચીને જુનેદનું ઘર  જોયું તો બંને ડઘાઈ જ ગયાં. બે નાનાં નાનાં રૂમ અને રસોડાનાં ઘરમાં એનાં અમ્મી-અબ્બુ, નાનો ભાઈ અને બેન તથા એ અને એની બીબી એમ છ જણાં સાંકડ-મોકડ રહેતા હતાં. બેઉએ વિચાર્યું કે, ગમે તેમ કરીને જેમ બને તેમ જલ્દી ભાડાનાં ઘરનો બંદોબસ્ત કરવો.

બીજે દિવસે ‘ઘર ભાડે આપવાનું છે’ એવું પાટિયું જોઈને એમણે બેલ મારી. એક કાબરચીતરી દાઢી વાળા, લુંગી પહેરેલા આધેડ વયના પુરુષે તોછડાઈથી ‘શું છે’ એમ પૂછ્યું.શોએબે અત્યંત નમ્રતાપૂર્વક ઘરની જરૂરિયાત વિશે જણાવ્યું.

  ‘ઠીક છે, આવો મારી સાથે ઉપર.’ એણે રૂઆબભેર કહ્યું. ઘર કંઈ ગમી જાય એવું નહોતું પણ અત્યારની તાતી જરૂર જોતાં ખોટું પણ નહોતું. પતિ-પત્ની બેઉએ ઈશારા માં વાત કરી લીધી કે ચાલશે.ભાડું નક્કી થયું, ડિપોઝીટની રકમ અપાઈ ગઈ ને બંને હરખભેર દાદર ઉતરવા લાગ્યાં. હા…શ, કાલ ને કાલ સામાન લઈને આવી જઈશું. પછી તો આપણું પણ એક ઘર…ત્યાં જ પેલા પુરુષના કર્કશ અવાજે પૂછયેલા પ્રશ્ને એમના વિચારો પર બ્રેક મારી.

‘શું નામ કહ્યું તમારું, શોએબ અને શાહીન, બરાબર? એટલે તમે મુસલમાન તો છો જ. તો પછી શાહીન બુરખો કેમ નથી પહેરતી? પડદામાં કેમ નથી રહેતી?’ અચાનક આવેલા આ સવાલથી બંનેને એવો આઘાત લાગ્યો કે, જવાબ શું આપવો એ જલ્દી સૂઝ્યું નહીં.

‘બસ, આમ જ. અમારા ઘરમાં સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ એવો કોઈ આગ્રહ નથી. શાહીને કદી બુરખો પહેર્યો નથી અને પહેરવાની પણ નથી.’

‘તો લો આ ડિપોઝીટના પૈસા પાછા. જેનામાં શર્મો-હયા ન હોય એવી ઓરત માટે આ મહોલ્લામાં કોઈ ઘર નહીં આપે.’ ત્યારપછી, દિવસો સુધી બંનેની ઘરોના દાદર ચઢ-ઉતર કરવાની કવાયત ચાલી. જાતજાતના સવાલોનો સામનો કરવો પડ્યો.

‘હિંદુ કે મુસલમાન?’ ’વેજ કે નોનવેજ?’’ સિયા કે સુન્ની?’ ’તમિલ કે તેલુગુ?’-કેટલાય અપમાનજનક સવાલો અને ધારદાર નજરોનો સામનો કરતાં કરતાં બેઉ હતાશ થઈ ગયાં. શાહીન તો એક દિવસ ખૂબ રડી.

‘શોએબ, મને લાગે છે કે, આપણને ક્યાંય ઘર નહીં મળે કેમકે, કોઈને એ જાણવામાં રસ નથી કે, આપણું ખાનદાન કેવું છે, આપણું ભણતર કેટલું છે, ઈંસાન તરીકે આપણે કેવા છીએ? સૌ પોતપોતાની વાડાબંધીમાં જ જીવતા હોય ત્યાં આપણે કયા ચોકઠાંમાં ફીટ થઈશું?

પણ એક એવો દિવસ ઉગ્યો ખરો જ્યારે એમને નાત-જાતના,રહેણી-કરણીના કે  ખાન-પાનના સવાલો પૂછ્યા વિના એક સજ્જન પોતાનું ઘર ભાડે આપવા તૈયાર થયા. એમણે કહ્યું,

‘હું શા માટે તમને ઘર આપવા માંગુ છું જાણો છો? એક તો એ કે તમને જોઈને જ મને એવું લાગ્યું કે તમારા હાથમાં મારું ઘર સચવાશે. બીજું કે, તમે બંને ભણેલા છો.તમારી પાસેથી મને અને મારા આખા પરિવારને કંઈક સારું શીખવા મળશે, જાણવા મળશે.  હું હંમેશા ભણતરનો આદર કરું છું.’

આ ઘરમાં આવીને શાહીને મકાનમાલિકની કામવાળી નરસમ્માને જ વાસણ અને કચરા-પોતા માટે રાખી લીધી.થોડા દિવસમાં તો એને શાહીન સાથે સારું ફાવી ગયું. નીચેનાં ઘરનું કામ પતાવીને એ ઉપર આવે ત્યારે શાહીન પણ કૉલેજથી આવી ગઈ હોય એટલે નરસમ્મા ફૂરસદના સમયમાં અલક-મલકની વાતો કર્યા કરતી. શાહીન પણ એને કારણે આ શહેરથી થોડી પરિચિત થતી જતી.આમ જ વાતો કરતાં કરતાં નરસમ્માએ એક દિવસ કહ્યું,

‘ભલે જાત જે હોય તે પણ નીચે વાળા શેઠ-શેઠાણી દિલનાં બહુ સારાં. મારા ઘરમાં કંઈ પણ મુશ્કેલી હોય, એ લોકો કાયમ મને મદદ કરે. મારાં છોકરાઓને ભણાવવા માટે પણ પૈસા આપે.’ જે સવાલ પો તાને બંદૂકની ગોળીની જેમ વીંધી નાખતો હતો એ પૂછ્યા વિના શાહીનથી રહેવાયું નહીં. એણે પૂછ્યું,’ એટલે? એ લોકો કઈ જાતના છે?’

‘લે, તમને નથી ખબર? એ લોકો તો ‘અરિજન’.

‘ઓહ દલિત છે એ લોકો?’ કશું પૂછ્યા વિના એમણે પોતાને ઘર શા માટે આપ્યું હતું એ કોયડો આજે આપોઆપ જ ઉકલી ગયો.એણે શોએબને આખી વાત કરતાં કહ્યું,

‘બ્રાહ્મણ, પંજાબી, શીખ, શિયા કે સુન્ની-આ બધા માટે કોઈ ને કોઈ અછૂત છે. પણ જેમને માટે કોઈ અછૂત નથી એવા દલિતો જ શું સાચા માનવ ન કહેવાય?’

‘હા, મને પણ એવું જ લાગે છે. માણસ જેવો છે તેવો એને સ્વીકારી લેવાની સહજતા એમનામાં જ છે.આજે એમની જાતિ વિશે જાણીને  તો મારો એમના પ્રત્યેનો આદર વધી  ગયો છે.

 (ઉમા ભ્રુગુબંદાની તમિલ વાર્તાને આધારે)                           આશા વીરેંદ્ર

 –આશા વીરેન્દ્ર શાહ   વલસાડ. Mobile : 94285 41137 eMail : avs_50@yahoo.com

(તા. 16-9-2019ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી આ વાર્તા, લેખીકાબહેનની અનુમતીથી સાભાર…ઉ.મ.) મુરબ્બી ઉત્તમભાઈએ લખ્યુઃ વહાલાં સરયુબહેન, ‘નેકી ઔર પુછ પુછ!’ લો, આ રહી વાર્તા..!! મંજુરી છે.. મુકો પ્રેમથી…
♦●♦ આવી ‘ટચુકડી’ વાર્તાઓની ‘ઈ.બુક’ તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ – પચીસ વાર્તાની એક રુપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પુરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ uttamgajjar@gmail.com અથવા https://www.aksharnaad.com/downloads/ ઉપરથી 71મી બુક મફત ડાઉનલોડ કરજો. બીજાંય ઘણાં પુસ્તકો ત્યાંથી મળશે.
—————————————————————————————————————————-

કવિ નાથાલાલ દવેના અનેક ચાહકોનું પ્રિય ભજનઃ

ચાકડો

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.
——

કવિ નાથાલાલ દવે, ભાવનગર. કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩.        

રસ દર્શન…મુનિભાઈ મહેતા.
જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવી એટલે જાણે કાચી માટીમાંથી બનાવેલો ઘડો. ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, “મારે કેમ આવા દુખ? કરમનાં ચાકડે ચડવાનું, નિંભાડામાં દુખની જ્વાળાઓમાં શેકાવાનું.” એવાં દુખ આવે કે જાણે એમાંથી ક્યારેય પાર નહીં ઉતરાય. “હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?”

પણ, દુખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. અનુભવોમાંથી નીકળતો, આત્મજ્ઞાન પામતો – ‘नष्ट मोह स्म्रुति लब्धा’ની વાત જાણે સમજતો જાય છે. સુખ-દુખનો સામનો કરી, પુરૂષાર્થથી માર્ગ કાઢે છે.

કવિવર રવિન્દ્રનાથે લખ્યું છે –
“એ જીવન પુણ્ય કરો દહત – દાને.
                                 વ્યથા મોર ઊઠબે જવલે ઉર્ધ્વ – પાને.

                              દાહનું દાન દઈને આ જીવન પવિત્ર કરો,
                              મારી વ્યથા ઉર્ધ્વમુખ બનીને પ્રજળી ઊઠશે.

ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે…
 “હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા ઉચાટ.” 
 

એવું કહીને જીવન જીવ્યાનો, સુખ-દુખથી ઘડાયાનો આનંદ અને સંતોષ સૂચવી જાય છે. અને મનમાં ઓછપ આણ્યા વગર, ઉચાટ કર્યા વગર જીવન જીવવા જેવું છે – માણવા જેવું છે…એવો અનહદ નાદ સૂણાવી જાય છે. અસ્તુ.
કવિશ્રીના ભાણેજ, મુનિભાઈ, પદ્મશ્રી ડો.એમ.એચ.મહેતા. chairman@glsbiotech.com વડોદરા.
————————————————————

રંગોળી, ઈલા મહેતા

વિશિષ્ટપૂર્તિ. નવરાત્ર રંગોળી. ઈલા મહેતા અને ‘ઝૂમ’તો ગરબો…દેવિકા ધ્રુવ.

http://વિશિષ્ટપૂર્તિ. નવરાત્ર રંગોળી. ઈલા મહેતા અને ‘ઝૂમ’તો ગરબો…દેવિકા ધ્રુવ.

રંગોળી-નવરાત્ર. ઈલા મહેતા.
ભારત અને પરદેશના રંગોળી રસિકને જોડતી વિજાણું દોરી રોજ સવારમાં અનેક નવી કલા બતાવે છે. આ ગ્રુપમાં આઠ દિવસ તમે નવી રંગોળી ન મુકો તો બાકાત કરવામાં આવે છે.
આ વર્ષે નવરાત્રના પ્રસંગે નીચે આપેલ સૂચનો અનુસાર રંગોળીઓ કરવાની હતી. તેમાં ઈલા મહેતાની રંગોળીઓ અહીં રજુ કરી છે. સરયૂ

૧. Gray Swastika. 1 સાથિયાની ડિઝાઇન. રંગ ગ્રે.

૨. Orange Stars. સ્ટાર, રંગ ઓરેન્જ.

૩. White Conches  શંખ, સફેદ.

૪. Red Lotus Flower. કમળ, લાલ.

૫. Royal Blue Fish. માછલી બ્લુ.

૬. Yellow Kunbham. કુંભ, પીળો.

૭. Green Padikolam means… 4 lines Rangoli with Chirodi.
Ila got prize in this Rangoli.

૮. Peacock Green. દીવો, મોરપીંછ.

૯. Purple Veena. વીણા જામલી રંગ. અને તેની સાથે આગળના આઠેય એલિમેન્ટ્સ સાથે રંગોળી. 

—————————————————————————————————–
અને પછી તરત આવી કરવા ચોથ… તેથી દર વર્ષની જેમ, પુત્રવધૂ શુભ્રા માટે ઈલાબેને બનાવેલો દીવો..

———————————————————-
પર્ણપુષ્પ
mailmehtaila@gmail.com વડોદરા. — ઈલાનાં બા, હીરાબેન માનશંકર ભટ્ટનો પ્રાતઃક્રમ હતો. શિશુવિહાર, ભાવનગર.

આજનો ‘ઝૂમ’તો ગરબો.

http://આજનો ‘ઝૂમ’તો ગરબો.

નવરાત્રી પૂરી થઈ. શરદ-પૂનમ પણ આવી ને ચાલી ગઈ. દરમ્યાનમાં નેટના પડદે ઘણું ઘણું જોયું. તે પછી આજની સવારે, મૂળે ગંભીર પ્રકૃતિની મને, કોણ જાણે કેમ, એક મજાકી, ટીખળી વિચાર સૂઝ્યો. મને પોતાને ય નવાઈ લાગી. પણ પેનને ચાલવા જ દીધી.
અટકાવી જ ન શકી ને! જુઓ તો, આવું મેં ક્યારેય લખ્યું છે?!!!

હળવો ગરબોઃ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)

ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.

મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..

ઊંડું ને ઊંચું કૈં વાંચવાને બદલે,
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.

લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.

આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા લૈ નીકળીએ રે લોલ.

અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.

ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.

માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..

દેવિકા રાહુલ ધ્રુવ https://devikadhruva.wordpress.com/