થોડી ખાટી, થોડી મીઠી- (૧૮) – દિપલ પટેલ

હું વાત કરી રહી હતી, અમેરિકાના લોકોની પ્રામાણિકતા વિષેની. 
આજ વાત આગળ વધારતા એક બીજો કિસ્સો જણાવું. સમય હતો થેન્ક્સગિવિંગનો. જેમાં દુકાનોમાં ખુબ ભીડ અને ચેકઆઊટ કાઉન્ટર ઉપર લાંબી લાઈન હોય. હું પણ આવી જ એક લાઈનમાં કલાકથી ઉભી હતી.

Continue reading થોડી ખાટી, થોડી મીઠી- (૧૮) – દિપલ પટેલ

સાંજને રોકો કોઈ – વાર્તા યામિની વ્યાસ

વાર્તા: સાંજને રોકો કોઈ – યામિની વ્યાસ

‘નિરાંત’ ઘરડાંઘરનો સૂરજ નિરાંતે જ ઊગતો. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભાગદોડ નહીં. રોજની માફક જ પ્રફુલદાદા પ્રાણાયામમાં ને કલાદાદી પૂજાપાઠમાં વ્યસ્ત. બાજુની પાટ પર હરિદાદા સૂતા હતા ને અન્ય વૃદ્ધો ધીમે ધીમે પોતાનું કાર્ય કર્યે જતાં. પ્રફુલદાદાને કલાદાદી ઘણાં વર્ષોથી અહીં રહેતાં. એમનાં દાંમ્પત્યની મીઠી નોકઝોક અને બીજા માટે કંઈ કરી છૂટવાનો સ્વભાવ સૌને આકર્ષતો.

પૂજા પૂરી થતાં જ કલાબા સહેજ નિરાશાથી, ”હર હર મહાદેવ, હે કેદારદાદા, ભોળાનાથ તારે દર્શને આવવાની હવે શક્તિ નથી રહી કે નથી સંજોગો! હવે અહીં બેઠાં બેઠાં જ તારી ભક્તિ કરું છું, સ્વીકારજો. ચાલો, હવે બહોત ગઈ ને થોડી રહી.” પ્રફુલદાદા બોલ્યા વગર કંઈ રહે! ”હોય કંઈ! થોડી ગઈ ને બહોત રહી કહેવાય, અભી તો હમ..” ”જવાન નહીં હૈ હમ” કલાબાએ પૂર્તિ કરી. કલાબાનો ભરાય આવેલો અવાજ સાંભળી, ”અરે દીકો ન રહ્યો તો શું થયું? હું છું ને, ચાર શું ! તું કહે એટલા ધામ જાત્રા કરાવીશ બસ.” ને દાદીની આંખો લૂછતાં, ”સો.. નો રોના, ધોના..” ને કંઈ યાદ આવ્યું હોય એમ હરિદાદા તરફ ફરી એમનું ઓઢવાનું ખેંચતા બોલ્યા ”એ હરિયા, ઊઠ, આજે તો તારો જન્મદિન છે, હેપી બર્થ ડે. ” હરિદાદા ચારસો પોતાની તરફ ખેંચતા બોલ્યા ”સુવા દો ને, માંડ હમણાં આંખ લાગી છે, રાત આખી જાગતો જ હતો” ”તે અલ્યા તું કહેતો હતોને કે રાત્રે બાર વાગે તને વિશ કરવા તારા દીકરાનો ફોન આવવાનો હતો, તે આવેલો? ”હરિદાદા બેઠા થતા ”ના, પ્રફુલભાઈ ના. માફ કરજો, મેં બહુ ગપ્પા માર્યાં, બહુ ડંફાસો મારી, મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન આવવાનો. તમને બધાને હંમેશા જુઠ્ઠું કહેતો રહ્યો. અરે! ફોન તો શું, એઓ મારું મોઢું પણ જોવા નથી માગતાં. મારી પત્નીનાં અવસાન પછી તો તેઓએ મને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. ભાઈ, આજે નહીં તો કાલે તમને આ વાતની ખબર પડવાની જ હતી પ્રફુલભાઈ, કલાબેન.” બોલતા તો એમની આંખો ભીની થઈ ગઈ. કલાબા સાંત્વન આપતાં કહે, ”મન ઉદાસ ન કરો ભાઈ, પણ તમે તો અવારનવાર ફોન પર વાતો કરો છો, એટલે મને થયું..!” ”અરે ના રે કલાબહેન, એ તો આપણને મળવા આવે છે ને કોલેજના છોકરાઓ, એમાંથી એક, બિચારો બહુ ભાવ રાખે છે. એને કહ્યું હતું કે ભાઈ, કોઈ વાર ફોન કરજે, ગમશે. પણ કાલે બિચારો ભૂલી ગયો હશે! આપણાં જ આપણાં ના રહે તો..! બર્થ ડે તો ઠીક મારા ભાઈ!”

ને ત્યાં જ આ ઉદાસ વાતાવરણમાં ખુશીઓથી ભરપૂર વવાઝોડું પ્રવેશ્યું. કોલેજનાં ચારેક યુવક યુવતીઓ ”હેપી બર્થ ડે હરિદાદા”ના ગુંજારવ સાથે કેક અને ગિફ્ટ લઈ આવી પહોંચ્યાં. હરિદાદાને વિશ કર્યું. આરોહી, રોનકે કેક કાઢી ટેબલ પર સજાવી. સાહિલ, અનેરીએ બાજુમાં ગિફ્ટ મૂકી. આરોહી બોલી, ”સોરી, યાર કેન્ડલ રહી ગઈ લાગે છે!” કલાબા તરત જ બોલ્યા, ”લે આ દીવો, હરિભાઈનો જન્મદિન મીણબત્તી બૂઝાવીને નહીં, દીવો પ્રગટાવીને મનાવીએ” આરોહીએ દીવો પ્રગટાવ્યો. હરિદાદા પાસે કેક કપાવી, રોનકે મોબાઈલ પર મ્યુઝિક મૂક્યું. ને વડીલોનો હાથ પકડી ડાન્સ કરાવ્યો. બધાં ખુશમિજાજ, ફક્ત અનેરી બહુ મૂડમાં નહોતી! સાહિલ હરિદાદાને ગિફ્ટ આપતા, ”હરિ દાદા, ગિફ્ટ ફોર યુ.” હરિદાદા આભારવશ ગળગળા થઈ બોલ્યા, ”દીકરાઓ, થેંક્યું, તમે મને દાદા કહો છો, પણ મારી પાસે તમને રિટર્ન ગિફ્ટ આપવા કાંઈ નથી, મારી પાસે તો..” આરોહી હરિદાદાને આગળ બોલતાં અટકાવીને બોલી, ”છેને! આપની પાસે અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર ‘થોથાસૂઝ’ કામ ન લાગે ને ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તકો વાંચી તમારે અમને સમજાવવાનું છે.” ”અને હા, ફિકર નહીં કરો. દાદા, પુસ્તક લાઈબ્રેરીનું છે અને અઢાર દિવસમાં પરત કરવાનું છે, વાંચી લો, પછી લઈ જઈશું, બીજા દાદા દાદી માટે, ને તમને બીજું લાવી આપીશું.” પ્રફુલદાદા બોલ્યા, ”આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે, તો તમે ક્યારે વાંચશો?” રોનકે કહ્યું, ”ઓ દાદા, અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાયબ્રેરીની ડયુઅલ મેમ્બરશીપ. લીધી છે, એક અમે વાંચીએ અને એક આપ બધાં માટે, ચાલો અમે જઈએ.” કલાદાદી પ્રસાદનો વાટકો લાવતાં બોલ્યાં, ”લ્યો બેટા પ્રસાદ લેતા જાઓ.” ને અનેરીને સંબોધી કહ્યું, ”કેમ બેટા તું કંઈ નથી બોલતી?” અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ”પહેલીવાર આવી છેને! બીજીવાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે.” અનેરીએ પરાણે સ્મિત આપ્યું. એઓ ‘બાય, બાય’ કરને ગયાં. હરિદાદાથી બોલાઈ ગયું, ”પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન આવા દેવદૂતોને મોકલી આપતા હોય છે!” કલાદાદીથી ના રહેવાયું, ”અરે, કેટલાં  મીઠડાં છે ! અમારો દીકરો હોત તો એને ત્યાં ય કદાચ આવડાં છોકરાં હોત! પ્રભુની ઇચ્છા, બીજું શું?”
***
વૃદ્ધાશ્રમમાંથી નીકળતાં જ સાહિલે અનેરીને પૂછ્યું, ”કેમ અનેરી તને મજા ન આવી?” આરોહી બોલી, ”એ તો ના જ પાડતી હતી. હું એને ખેંચીને લાવી.” અનેરી તરત જ ”યાર, આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલડીઝ.” અનેરીની વાત અટકાવતાં જ આરોહી બોલી, ”મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી. આપણો ‘મોટો’ (Motto) જ એમના ચહેરા પર ખુશી લાવવાનો છે. જો આ પ્રફુલદાદા અને કલાદાદીનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો, હવે એમને કોઈ જોનાર નથી, ને હરિદાદા રોજ રાહ જુએ પણ..” ”આઈ નો બટ.. આઇ રિયલી ડોન્ટ નો વાય.. બટ આઇ  હેઈટ ધીસ ઓલ્ડ પીપલ, રીંકલવાળા ફેઈસ, ટિપિકલ હેબિટ્સ! ખોંખારો ખાયા કરે, અને ગમે ત્યાં ત્યાં થૂંકે, નકામું બોલ બોલ કર્યા કરે, હમારે જમાને મેં ઐસા થા, વૈસા થા…. બ્લા બ્લા બ્લા..!” રોનક તરત જ બોલ્યો, ”નો અનેરી, ધે આર ક્યૂટ, તારે દાદા દાદી હોત તો..” ”આઈ ડોન્ટ નો, હું શું કરત! હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમના મા-પપ્પા ગુમાવેલા.. નો નેવર, હું બીજીવાર નહીં આવું. અરે, હું જુદું સમજી હતી. મને તો સ્વીટ કિડ્સ, ક્યૂટ ડોગ્સ, કે ઈવન બલાઈન્ડસ..પણ ગમે..! એટ લીસ્ટ બ્લેક સનગલાસ પહેર્યા હોય એટલે સારા લાગે!” સાહિલ વાત અટકાવતાં જ બોલ્યો, ”છોડો, ચાલો જલદી, ક્લાસનો ટાઈમ થઈ ગયો.” અનેરીએ જવાબ આપ્યો, ”ઓકે, લન્ચ બ્રેકમાં મળીએ છીએ પિત્ઝા પબ પર.. મારા તરફથી..!”

આ ચારેયની પાક્કી દોસ્તી, બધે સાથે જ જાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે ત્રણ જ જાય. આમ તો અનેરીના ઘરેથી કોલેજ જતાં વૃદ્ધાશ્રમ વચ્ચે જ આવે પણ ત્રણેય મિત્રો એને વૃદ્ધાશ્રમ આવવા દબાણ કરતાં નહીં.

એક વખત ચારેય મિત્રો ફિલ્મ જોઈને પરત ફરતાં હતા. સાહિલ આરોહીને મુકવા ગયો. ને રોનક અનેરીને.. રોનકની બાઈક બગડી, બહુ મહેનત કરી પણ વ્યર્થ! અનેરીએ કહ્યું, ”તું ફિકર નહીં કર, જો પેલ્લું દેખાય મારું ઘર! વોકિંગ ડિસ્ટન્સ જ છે, જતી રહીશ. પહોંચી ફોન કરી દઈશ સ્યોર.” એ પ્રોમિસ લઈ રોનક બાઇક ઘસડતો ચાલવા લાગ્યો.

અનેરીએ ચાલતાં ચાલતાં આરોહી સાથે પણ વાત કરી, છેલ્લે હસતાં કહ્યું ”લે તમારાં વૃદ્ધાશ્રમ પાસેથી જ પસાર થાઉં છું, બાય ત્યાં જ પાછળથી કોઈ મવાલી ધસી આવ્યો. અનેરીને પકડી છેડછાડ કરવા લાગ્યો. અનેરી ખૂબ ગભરાઈ ગઈ હતી છતાં ચીસાચીસ કરી મૂકી. ઊંઘ ન આવતા પ્રફુલદાદા બહાર જ આંટો મારતાં હતાં એઓ લાકડી ઠોકતાં દોડી આવ્યા. મોટેથી ઘાંટો પાડ્યો ને મવાલી ભાગી ગયો. કલાદાદી, હરિદાદા પણ દોડી આવ્યા. અનેરીને અંદર લઈ જઈ શાંત પાડી. અનેરી આભારવશ થઈ ‘થેન્ક યુ સો મચ, દાદા આપ ના હોત તો!’ કલાબાએ હેતથી હૈયે વળગાડી કહ્યું, ”અરે અમે હોઈએ તો કોઈ હાથ તો લગાડે અમારી દીકરીને! ચાલ, બહુ મોડું થઈ ગયું છે. મમ્મી, પપ્પાને ફોન કરી દે, તને લઈ જાય. આટલા મોડાં એકલાં નહીં જવાનું દીકરા.” અનેરીએ બધી જ વાતો કરી ને કહ્યું મમ્મી, પપ્પા અમેરીકા છે. મારું આ લાસ્ટ ઈયર પતે પછી જઈશ. હમણાં એકલી જ છું, પણ ઘર સાવ નજીક જ છે, હું જતી રહીશ.” કલાબાએ વ્હાલથી હાથ ફેરવ્યો અને વોચમેનને બોલાવીને એને અને વોચમેનની પત્નીને, અનેરીને ઘરે મૂકવા મોકલ્યા.

બીજે દિવસે જ અનેરી એકલી પહોંચી ગઈ વૃદ્ધાશ્રમ દાદા દાદી માટે કંસાર લઈને! દાદા દાદીએ એને આવકારી ને કંસાર જેવી વાનગીથી આ પેઢી પરિચિત છે, વળી જાતે બનાવે જાણી આનંદ વ્યક્ત કર્યો. અનેરીએ પોતના હાથે ખવડાવ્યો. દરમ્યાન ત્રણેય મિત્રો આવી ગયાં. ખરેખર તો કાલની ઘટના બાબત આભાર માનવા જ આવ્યા હતાં પણ ત્યાં અનેરીને જોઈ સુખદ આશ્ચર્ય થયું અનેરીએ એમને પણ કંસાર ધર્યો. ”કંસાર અને તું?” બધાંનાં ચહેરા વાંચી આરોહી બોલી, ”યાર, ગુગલ સર્ચ કરી ઓલડીઝને.. સોરી દાદાદાદીને શું ભાવે એ શોધી બનાવ્યું.” કહી ચમચી આરોહીના મોઢામાં મૂકી. ”ઓયે, આટલો ખારો! મીઠું નાખ્યું છે, સ્ટુપીડ..” થું થું કરવા લાગી. અનેરીએ દાદાદાદી સામે જોયું, દાદાદાદી બોલ્યા, ”દીકરીના હાથનું મીઠું જ લાગે. અમે તો છોકરાઓના વહાલના ભૂખ્યા છીએ” સોરી કહેતા અનેરીની આંખ ઊભરાઈ ગઈ. પણ બધા ખુશ હતા.

હવે અનેરી પણ નિયમિત વૃદ્ધાશ્રમ આવતી. અરે, નજીક જ રહેતી હોવાથી ઘણીવાર એકલી પણ આવતી, એ દાદાદાદીની વધુ નજીક થતી ગઈ. હવે તો અનેરીએ રોજ જ જવા માંડ્યું હતું. અલકમલકની વાતો થતી. અનેરી દાદી પાસેથી વિવિધ વાનગી, અથાણાં, ભરતગુંથણ, વિવિધ નુસ્ખા વિગેરે શીખતી ને અનેરી દાદાને મોબાઈલમાં જુદી જુદી એપ્સ, ગુગલ વિગેરે ટેકનોલોજી સમજાવતી. દાદી અનેરીને માથામાં તેલ માલીશ કરતી તો અનેરી દાદીને આગ્રહ કરી પેસીયલ કરી આપતી.

કોલેજના એન્યુઅલ ગેધરીંગમાં બધાના આગ્રહથી દાદાદાદીએ જવાનું જ. ત્યાં અનેરીએ નાટકમાં કલાબાનાં ગેટઅપમાં દાદીનું પાત્ર ભજવેલું, જોઈ ખૂબ ખુશ થયેલા.

રોજની જેમ જ અનેરી વૃદ્ધાશ્રમ ગઈ, આજે ખૂબ ખુશ હતી, ખાસ તો એટલે કે અનેરી એની બર્થ ડે માટે દાદાદાદીને આમંત્રણ આપવા આવી હતી, ”દાદાદાદી, કાલે મારી બર્થ ડે છે, તમારે આવવાનું છે, મેં ઘરે જ નાનકડી પાર્ટી રાખી છે.” દાદી બોલ્યા. ”અરે, અમને ઘરડાંને રહેવા દે, અમારાં આશિષ છે જ.. તું મિત્રો સાથે પાર્ટી કર.” એમ નહીં, દાદાદાદી, તમારો જે સમાન લેવો હોય એ લઈ લો, તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું, મારા પ્રિન્સીપાલસાહેબ અને અહીંના મેનેજમેન્ટની મદદથી પરમિશન મળી ગઈ છે. પેપર્સ તૈયાર છે. ખાલી તમારી હા બાકી છે. તમારે દીકરી નથી ને મારે દાદાદાદી નથી. તો હવે એકે અક્ષર નહીં સાંભળું, બસ મને વહાલ કરતાં હો તો માની જાઓ.” દાદાદાદી એકબીજા સામે જોયું. ”અરે બેટા, ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક.. કાયમ.. તો તને ભારે પડીશું.” ”હું કંઈ ના જાણું” કહેતી અનેરી નીકળી ગઈ. બીજે દિવસે દાદાદાદી ઘરે પહોંચતા જ, ”બહુ જ નજીક છે તારું ઘર બેટા” ”હા મારી કોલેજ નજીક પડે એટલે અહીં આ વન બીએચકે લીધું છે. મોટું ઘર દૂર છે.” હેપી બર્ઢ ડે અનેરી અને વેલકમ દાદાદાદી આમ બે કેક સજાવ્યા હતા. ”ચાલો, દાદાદાદી, પહેલા તમે કેક કાપો..” ડોર બેલ પડતાં જ અનેરી ખોલવા ગઈ, ખુશીથી ઝૂમી ઊઠી, એનાં મમ્મી પપ્પા અમેરિકાથી સરપ્રાઈઝ આપવા આવ્યાં હતાં, ”અરે હું પણ તમને સરપ્રાઈઝ આપું આવો..! દાદાદાદી, આ મારા મમ્મી પપ્પા ને મમ્મી પપ્પા, આ મારા દાદાદાદી..” દાદાદાદી પોતાના જ દીકરા-વહુને અને મમ્મીપપ્પા પોતાના જ મા બાપને જોઈ અવાચક થઈ ગયાં.. દાદા તરત જ ”માફ કરજે બેટા અનેરી” કહી કલાદાદીનો હાથ પકડી ઘરમાંથી નીકળવા જાય, અનેરીને કાંઈ ન સમજાય, પપ્પા દાદાને પગે પડ્યા અને મમ્મી પણ તેમને અનુસરીને, માફી માગતાં કહે ”મા, બાપુજી, ફોરેન સેટ થવાના ને એકલા રહેવાના અભરખાંમાં અનેરીના જન્મ પહેલા મેં જ તમને દૂર મોકલી દેવાની જીદ કરેલી, નહીં તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપેલી..” પપ્પા બોલ્યા ”એ ભૂલ અમને જિંદગીભર સતાવતી રહી.. અમે હવે અહીં જ રહેવા વિચારીએ છીએ. આપની સાથે.. હવે તો અમારી પણ સાંજ ઢળશે.” અનેરીથી બોલાઈ ગયું ”ઓહ, ગોડ.. તો, એકબીજાને મન તો મારા મમ્મી-પપ્પા અને દાદા-દાદી તો જીવતા છે જ નહીં!” કલાબાનો માનો જીવ જરા ખેંચાયો. આ   જોઈ દાદા કલાબાનો હાથ જોરથી ખેંચી બોલ્યા, ”ચાલ કલા..” અનેરીએ ડૂસકાં સાથે દાદાની કફનીની બાંય ખેંચતા આજીજી કરી ”રોકાઈ જાઓ..” ને ઘરની ગરમ થયેલી આબોહવા ગાતી હતી..

‘તપી ગયેલા સૂરજને ટોકો કોઈ..
વહી જતી આ સાંજને રોકો કોઈ..’ 

ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર

ચાલો મારી સાથે       – (૧૦) –        ઉત્કર્ષ મઝુમદાર

ગત વખતની અધૂરી રહી ગયેલી વાત આગળ વધારીએ. બ્રિટનમાંથી નાટકોની,થિએટરની હકાલપટ્ટી કરાવનાર, થિયેટરો ધ્વસ્ત કરી નાખનાર પ્યુરિટન્સના  રાજમાં નાટકોમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ જ ભજવવા લાગી એવું હું  કહું તો માનવામાં ના આવે ખરું? કેટલાક વાચકોને તો વિચાર પણ આવે કે ઉત્કર્ષભાઈ એ ‘છાંટો-પાણી’ કરીને આ લેખ લખ્યો છે કે શું? કારણ કે, આ કઈ રીતે શક્ય છે? નાટકો પર જ બંધી હોય તો પછી નાટકો કેવી રીતે થાય ને જો નાટકો જ ન થાય  હોય તો પછી સ્ત્રી કલાકારો સ્ત્રી પાત્ર ભજવે એ સંભવી જ કેવી રીતે શકે, બરોબર?  ના. લખનારે ‘છાંટો-પા’ણી કરીને આ લેખ લખ્યો નથી ને વાત મારી પુરેપુરી સાચી છે. કોઈ રાજ્યમાં એ દેશમાં દારૂબંધી હોય તેનો અર્થ શું એવો થાય કે ત્યાં દારૂ મળતો જ ના હોય? જાહેરમાં ન મળે પણ ખાનગીમાં તો એ મળી જ રહે ને! બસ તમારા સંપર્કો હોવા જોઈયે બસ એમ જ.

Continue reading ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર

“વારતા રે વારતા”- (૧૭) – બાબુ સુથાર

હાડકાંની અદલાબદલી

બાબુ સુથાર

(આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે. મૂળ વાર્તા પણ અહીં જેમ કહેવામાં આવ્યું છે તેમ માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે. આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે રાષ્ટ્રિય સ્તર પર પણ, ધર્મના, જાતિના, વિસ્તારવાદ વગેરે જેવા અનેક નામે અનેક પ્રકારના યુદ્ધ લડતાં રહીએ છીએ. પણ ક્યાંય એકમેક પ્રત્યેના ધિક્કરને યુદ્ધ પછી પણ ભૂલી શકીએ છીએ ખરા? આ સવાલનો જવાબ , સવાલ બનીને જ આપણી સમક્ષ ઊભો રહી જાય છે અને કોઈ પાસે આજે પણ એ સવાલ બનેલા જવાબનો કોઈ જવાબ નથી! આપણે સહુ વાચકોના સદભાગ્ય છે કે ડો. બાબુ સુથાર દર અઠવાડિયે આવા અનેક રત્નો વિશ્વસાહિત્યના સાગરમાં ડૂબકી મારીને લઈ આવે છે અને આપણી વચ્ચે મૂકે છે. તો ચાલો, આજની આ ટૂંકી પણ સુંદર કથા માણીએ.)

મહાભારતના કવિએ તો કહી દીધું કે યુદ્ધની કથા રમણિય હોય છે. પણ, ના. કાયમ એવું નથી હોતું. સ્વિડીશ લેખક પાર લેજરવિસ્કની ‘અદલાબદલી’ વાર્તા વાંચો તો તરત જ આ વાત સમજાઈ જશે.

               માંડ દોઢ પાનાની આ વાર્તામાં લેખકે યુદ્ધના બિહામણા સ્વરૂપની જે વાત કરી છે એ કદાચ એક મહાકાવ્યમાં પણ ન કરી શકાઈ હોત. આ વાર્તામાં કોઈ નાયક નથી. કોઈ નાયિકા નથી. વાર્તા શરૂ થાય છે બે દેશો વચ્ચે થયેલા યુદ્ધની. લેખક કહે છે: બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું. ક્યાં બે રાષ્ટ્રો વચ્ચે? લેખકે એ કહ્યું નથી. આ બે રાષ્ટ્રોનાં નામ ન આપીને લેખકે ઘણું બધું કહી દીધું છે. એ ગમે તે બે રાષ્ટ્રો હોઈ શકે. એમાંનું એક રાષ્ટ્ર કદાચ વાચકનું પણ હોઈ શકે.

               યુદ્ધ પુરુ થયા પછી પણ હજી બન્ને રાષ્ટ્રોના લોકો એ યુદ્ધની વાત કરતા. અને જ્યારે પણ એ યુદ્ધની વાત કરતા ત્યારે સામેના દેશને ધિક્કારતા. આ રીતે એમની યુદ્ધની વાતો આખરે તો લાગણીની વાતો બની જતી. લેખક કહે છે કે એમાં પણ જે લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધેલો અને યુદ્ધના અન્તે બચી ગયેલા એ લોકો તો ખૂબ જ ઝનૂનથી યુદ્ધની વાત કરતા.

               યુદ્ધ પુરુ થયા પછી બન્ને દેશોએ પોતપોતાની યુદ્ધભૂમિ પર સૈનિકોનાં સ્મારકો બનાવેલાં. એમની સ્મૃતિમાં. કેમ કે એમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. અને બન્ને દેશો એ બલિદાનને યાદ રાખવા માગતા હતા.

               બન્ને રાષ્ટ્રોએ એ યુદ્ધમેદાનને પ્રવાસનું સ્થળ બનાવી દીધું હતું. બન્ને દેશના નાગરિકો ત્યાં જતા અને એમના બહાદૂર સૈનિકોને યાદ કરતા.

               પણ, કોણ જાણે કેમ. થોડાક વખત પછી એ યુદ્ધમેદાનમાં કશુંક વિચિત્ર, કશુંક ન સમજાય એવું બનવા લાગ્યું. લોકો એની વાતો કરવા લાગ્યા. એ કહેવા લાગ્યા કે બન્ને દેશના કેટલાક સૈનિકો રોજ રાતે કબરમાંથી બહાર નીકળે છે અને સીમા ઓળંગીને એકબીજાને મળવા જાય છે. એટલું જ નહીં, એ લોકો એકબીજા સાથે વાતો પણ કરતા હોય છે અને કશાકની આપ લે પણ કરતા હોય છે. લોકો એમ પણ કહેવા લાગ્યા કે એ સૈનિકો એકબીજાને ભેટ આપતા હોય છે.

               દેખીતી રીતે જ, આવી અફવાઓને પગલે બન્ને દેશના નાગરિકો દુ:ખી થઈ ગયા. એમને થયું કે આપણે આપણા સૈનિકો માટે શું નથી કર્યું? આપણે એમનાં સ્મારકો બનાવ્યાં. એમનાં કુટુમ્બોની કાળજી લીધી. એમના નામનાં કાવ્યો રચ્યાં. બાળકોને એમના જીવનના પાઠ ભણાવ્યા. તો પણ આ સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મળવા જાય?

               આખરે આ વાત સરકાર સુધી પહોંચી.

               સરકાર પણ વિચારમાં પડી ગઈ: આવું તે કેમ બને?

               પછી સરકારે પણ એક તપાસ પંચ નીમ્યું અને કહ્યું કે જાઓ, સત્ય શું છે એ શોધી કાઢો.

               ત્યાર બાદ સત્યશોધક પંચ યુદ્ધમેદાનમાં જાય છે. એ પણ રાતે. એ લોકો એક ઝાડ પાસે બેસે છે. ત્યાં જ બન્ને દેશની યુદ્ધભૂમિમાંની કેટલીક કબરોમાંથી સૈનિકો બહાર આવે છે. સત્યશોધક પંચ પોતાના દેશના સૈનિકોને રોકે છે. કહે છે: આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમને અમે આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મન દેશના સૈનિકોને મળવા જાઓ છો?

               સૈનિકો કહે છે: અમારી દુશ્મનાવટ તો ચાલુ જ છે. અમે આજે પણ એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ. પણ, અમે તો રોજ રાતે અમારાં હાડકાંની અદલાબદલી કરીએ છીએ. બહુ મોટો ગોટાળો થઈ ગયો છે. યુદ્ધ પછી એમના સૈનિકોનાં હાડકાં આપણા સૈનિકોનાં હાડકાં ગણાઈને અહીં દાટવામાં આવ્યાં છે.

               ૧૯૫૧માં સાહિત્યનું નોબલ ઇનામ મેળવનાર પાર લેજરવિસ્કની (Pär Lagerkvist) આ વાર્તામાં એક બીજું પાસું પણ જોવા જેવું છે: મરણ પામેલા સૈનિકો પણ કબૂલ કરે છે કે એ હજી દુશ્મન દેશના સૈનિકોને એટલા જ ધિક્કારે છે.

આપણી વાર્તાનો વૈભવ – લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

ઈશ્વર પેટલીકર

(પરિચયઃ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, (૯ મે ૧૯૧૬ – ૨૨ નવેમ્બર ૧૯૮૩) જેઓ ઇશ્વર પેટલીકર વડે જાણીતા હતા, જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળે છે. ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.

Continue reading આપણી વાર્તાનો વૈભવ – લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી(હપ્તો ૬) દીપક મહેતા

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું, મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે આપણા પારસી ભાઈ બહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે.

Continue reading ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

અંતરનેટની કવિતા – (૧૫) – અનિલ ચાવડા

દેહની માટી અને માટલાની માટીમાં ફેર શું?

લોગ ઇનઃ

ખરો બપ્પોર, માથે ચૈતરનો આકરો તાપ,
શોષ પડતો હતો ગળામાં.
ઝપટમાં ને ઝપટમાં પાણી પીવાનું ય ભુલાઈ ગયું ‘તું
થયુઃ આટલો ચાસ કાલાની વીણ પૂરી કરી પાણી પીઉં
શેઢે જઈને અમારાવાળો મોરિયો વાંકો કર્યો,
પણ ટીપું પાણી ના મળે!

છેટે ગાડાના શીકામાં ઈમનાવાળી ગટકુડી દેખાઈ,
ખેતરધણી દૂર ખીજડા હેઠે આડો પડ્યો’તો.

હું આગળ વધી…
પગરવથી એણે પડખું ફેરવ્યું,
હું થડકારો ચૂકી ગઈ!
મારી સામું જોતાં જ એના મોંમાંથી લાળ ટપકી,
એવામાં ગટકુડી પર મારી નજર એને પરખાઈ ગઈ,
એની મૂછો તંગ થઈ, ફરફરી, મોંનો કડપ બદલાયો,

એને ગટુકડીની માટી સામે વાંધો હતો,
મારી માટી સામે નહીં!

પ્રતાપસિંહ ડાભી હાકલ

આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ. એક સમય હતો કે વર્ણવ્યવસ્થાના ભેદભાવો પૂરબહારમાં હતા. જોકે એ ભેદભાવો આજે મટી ગયા છે એવું નથી. મારા નાની કહેતા હતા કે એ વખતની આભડછેટું અત્યારની આભડછેટું કરતાં જુદી. એ વખતે દેખાતી, અત્યારે દેખાય નહીં એવી આભછેટું સમાજમાં હાલી રહી છે. દેશીમાં ભાષામાં એ કહેતા ત્યારે અમુક નહીં દેખાતી આભડછેટ આંખ સામે છતી થઈ જતી. પ્રતાપસિંહ ડાભીની આ કવિતા કંઈક એવી જ દિશામાં હાકલ કરે છે. આ કવિતા આપણે એક વાર્તા દ્વારા સમજીએ.

નાનકડું એક ગામ છે. ખરા બપોરનો સમય છે. માથે ચૈતરનો આકરો તાપ ધખધખી રહ્યો છે. એક ખેતરમાં એક મજૂરણ બાઈ કામ કાલા વીણવાનું કામ કરી રહી છે. તરસ લાગી છે, પણ તેને કાલાનો ચાસ પૂરો કરવાની ઉતાવળ છે. ચાસ પૂરો કરવામાં તરસ તેની ચરમસીમાએ પહોંચે છે, ગળું સાવ સુકાવા લાગે છે. તે પાણી પીવા માટે આવે છે અને એમનાવાળો મોરિયો (ગામડામાં માટલાને મોરિયો પણ કહેવામાં આવે છે.) જુએ છે તો ખબર પડે છે કે અંદર તો પાણી જ નથી! આકરા તાપમાં તરસના માર્યા જીવ જાય છે. એવામાં તેનું ધ્યાન થોડે દૂર ગાડામાં રહેલી ખેતરધણીની ગટકુડી (પાણી ભરવાનું એક માટીનું વાસણ) પર ગઈ. ખેતરમાલિક ખીજડના ઝાડ નીચે આડો પડીને આરામ કરી રહ્યો છે. આ બાઈને થાય છે કે ખેતરધણીનું ધ્યાન નથી તો લાવ થોડું પાણી પી લઉં. પણ તે પાણી પીવા માટે આગળ વધે એ જ વખતે તેના પગલાંના અવાજથી ખેતરમાલિક પડખું ફેરવીને આ બાઈ સામે જુએ છે. તે આ સ્ત્રીની દશા સમજી જાય છે. તે જાણી જાય છે કે આને મારી ગટકુડીમાંથી પાણી પીવું છે. તરત જ તેની મૂછો તંગ થઈ જાય છે, થોડો ગુસ્સે થઈ જાય છે. બાઈ રૂપાળી છે, સુંદર છે. તેને જોઈને ખેતરમાલિકની લાળ ટપકે છે. તેનામાં  સૂતેલી વાસના જાગી ઊઠે છે. કોઈ પણ સ્ત્રી પુરુષની વાસના તરત સમજી જતી હોય છે. કાવ્યનાયિકા ખેતરમાલિકની વાસના જાણી ગઈ અને અંદરથી ધ્રૂજી ઊઠી. કાવ્યને અંતે કવિએ કાવ્યનાયિકાના મનમાં એક વાક્ય મૂકીને કવિતા પૂરી કરી દીધી છે. નાયિકા વિચારે છે કે ખેતરમાલિકને ગટકુડીની માટી સામે વાંધો છે, પણ મારી માટી સામે વાંધો નથી!

આપણે શરીરને માટી સાથે સરખાવતા આવ્યા છીએ. માટીનો દેહ છે ને માટીમાં મળી જવાનો છે. બધું જ આખરે માટીને હવાલે થવાનું છે, એ બળીને થાય કે દટાઈને! હિન્દીની એક કાવ્યપંક્તિ છે, માટી કા હૈ પૂતલા એક દિન માટી મેં મિલ જાના હૈ. કબીરનો એક સુપ્રસિદ્ધ દુહો છે, माटी कहे कुम्हार सो, क्यां तू रौंदे मोहि । एक दिन एसा होयगा, मैं रोंदूंगी तोही । કોઈ પણ જાતિનો માણસ હોય, રાજા હોય કે રંક, પોલીસ હોય કે ગુનેગાર, વકીલ હોય કે અસીલ, કાળો હોય કે ધોળો; ધરતી પરનો દરેક માણસ એક દિવસ માટીમાં મળી જવાનો છે. કવિએ જમીનની માટી અને દેહની માટીને સામેસામે લાવીને મૂકી દીધા છે. આજે પણ સમાજમાં આવી અનેક ઘટનાઓ ઘટે છે, અમુક ઘટનાઓ બહાર આવે છે અને અમુક હંમેશાં માટે સમયના પેટાળમાં ધરબાઈ જાય છે. વાસણને અડવામાં અભડાઈ જતા ઘણા લોકો આખા શરીરને ભોગવવામાં જરા પણ અભડાતા નથી! આ કાવ્યમાં રહેલા ખેતરમાલિક માટે પેલી સ્ત્રી કરતા માટીની ગટકુડી વિશેષ મહત્ત્વની છે. સ્ત્રી એને અડશે તો ગટકુડી અને પાણી અભડાઈ જશે, પણ એ પોતે જો સ્ત્રીને અડશે તો એ પોતે નહીં અભડાય! કોઈ પણ જાતિ હોય, એક માણસે બીજા માણસથી શા માટે અભડાવું જોઈએ એ સમજાતું નથી. ખેતરમાલિકના મોંમાંથી ટપકતી લાળમાં તેની વાસના દેખાય છે. કામ કરનાર બાઈના આખા શરીરનો ઉપભોગ કરવામાં એને વાંધો નથી, પણ જો એ જ શરીર ધરાવતી એ બાઈ માટીની ગટુકડીને અડકે તો વાંધો છે! આપણે આવી અનેક વિસમતાઓમાં જીવી રહ્યા છીએ. કવિએ તળપદી ભાષાનો સુપેરે ઉપયોગ કરી જાણ્યો છે. પ્રતાપસિંહ ડાભીની કવિતામાં છલકાતી આવી તળપદી બાની તેમનું જમાપાસું છે.

લોગ આઉટઃ

દેહ માટીનો લઈને નીકળ્યા છો,
માર્ગમાં આગળ સમંદર આવશે.

– હનીફ સાહિલ

મુકામ Zindagi – (૧૭) – સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ દિપલ પટેલ

તમે ક્યારેય એકલા જીવ્યા છો?
એકલા એટલે આજુબાજુ વ્યક્તિઓ ન હોય,
એવું એકલા નહિ..
તમારી સાથે તમે ન હોવ, એવું એકલા!

આપણા પડછાયાએ ક્યારેય પોતાના ‘હોવા’ વિશે ચર્ચાઓ નથી કરી અને એ જ વાત ખરેખર સમજવા જેવી છે. મારા ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા હું રોજ એ પોતાની મસ્તીમાં ઝૂમતા કડવા લીમડાને જોયા કરું છું.ત્યાં થોડે દૂર એક કન્સ્ટ્રકશન સાઇટ ચાલે છે,એમાં વપરાતા સળિયાનો અવાજ આખો દિવસ કાનને અથડાયા કરે છે ત્યારે મારા અને લીમડાના એક્સ્પ્રેશન્સ હું નોંધુ છું. મને મજા આવે છે આમ કરવાની.

મને ક્યારેક એમ થાય કે લીમડાના બદલે હું એની આત્મકથા લખું.એ શું અનુભવે છે એ તો મને કેમનું સમજાય?પણ નરી આંખે જેટલું હું એની આસપાસ અને એની ઉપર જોઈ શકું છું એના વિશે તો લખી જ શકાય! લગભગ રોજ એક મોટો સાપ એ લીમડાની ફરતે આંટો મારવા આવે છે. ક્યારેક 3-4 એકભેગા આવે છે. હું એ દૃશ્ય જોઈ નથી શકતી એટલે એના વિશે વધારે કહી ન શકું. એક સાવ કાબર ચિતરું પક્ષી સવાર સવારમાં લીમડાની ડાળ પર બખાળો કરી મૂકે છે. એને જોઈને મને રોજ એમ થાય કે એ કદાચ જિંદગીથી ત્રાસી ગયેલું હશે! રોજ શું એની એ જફામારી!પતાવો યાર વાત! પણ એમનામાં કદાચ આત્મહત્યાવાળો કન્સેપ્ટ નહીં હોય! સુખી છે એ બાબતમાં એ બધાં જ.

કોયલ પણ આવે છે. મારો બ્રશ કરવાનો અને એનો સુંદર ટહુકા કરીને સૂરજને વેલકમ કરવાનો ટાઈમ એક જ. સવારને હું એ કોયલની દૃષ્ટિથી જોઉં તો જાણે આખા દિવસની ખુશીઓનું ભાથું મળી ગયું એમ લાગે. જો મને આટલું બધું લાગતું હોય,તો એ લીમડો તો નાચી જ ઊઠતો હશે ને!

ખરા બપોરે હું અને એ બંને પોરો ખાવા બેસીએ છીએ. અમારી વચ્ચે એક દીવાલ અને લોખંડની ગ્રીલનું અંતર છે. બંને પોત પોતાની જગ્યાએ બેસીને પોતાની જીવાઈ ગયેલી ક્ષણો પર છૂટક નજર નાંખીએ છીએ. પેલી કન્સ્ટ્રકશન સાઇટ પણ બપોરે એકાદ કલાક જંપે છે. આટલી ગરમીમાં પણ લૂ નથી વાતી,ઠંડો પવન આવે છે એના માટે હું રોજ એકવાર તો એ લીમડાને થેન્ક યુ કહું જ છું.

સાંજે પાંચેક વાગ્યે ત્યાં એક ગાય અને બે કૂતરા આવે છે. મેં અને મારા જેવા બીજાઓએ ફ્લેટમાંથી છૂટી ફેંકેલી રોટલીઓ કે અમુક ખાવાની વસ્તુઓ ખાવા માટે તેઓ ફિક્સ ટાઈમ પર આવી જાય છે. હું ને લીમડો,બંને જાણીએ છીએ કે તેઓ કેટલા ભૂખ્યા હોય છે. અમે તેઓની તીવ્ર ભૂખના સાક્ષી છીએ. પણ હા, એ ત્રણેય ક્યારેય એકબીજા સાથે બાખડતા નથી. જેના ભાગે જેટલું આવે,જે જેટલું શોધી શકે તેટલું ખાઈને જતા રહે છે.

વળી સાંજના સુમારે ઢળતા સૂરજની સાક્ષીએ હું એને છેલ્લી વાર જોઈ લઉં છું. પછી દરવાજા બંધ. ફક્ત મારા,કારણકે એની પાસે ન તો દરવાજા છે, ન તાળાં છે. એ તો એમજ અડીખમ, મંદ મંદ મુસ્કુરાયા કરતો ત્યાં જ સ્થિર છે.

કાલે સાંજે કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા માણસોના ટાબરીયા આવી ચડેલા. એમના ખુલ્લા – ચપ્પલ વગરના પગ જોઈને મારાથી નાની ચીસ નીકળી ગયેલી. ત્યાં જીવ જંતુની સાથે સાથે તૂટેલી કાચની બોટલ અને તળિયા છોલી નાંખે એવા કાંકરા પણ છે,એટલે. લીમડો તોયે સ્થિર હતો,અને ભૂલકાં જોઈને રાજી થયો હશે ફક્ત! એમ ને એમ થોડીને સ્થિતપ્રજ્ઞ કહેવાતો હશે?

ખૈર,અત્યારે જ્યાં કન્સ્ટ્રકશન ચાલુ છે,ત્યાં પણ પહેલા આવા જ વૃક્ષો અને અઢળક હરિયાળી હતી. જાણે અમે વાડીમાં રહેતા હોઈએ તેવો ભાસ થતો. પરંતુ થોડા જ મહિનાઓમાં ત્યાં વિકરાળ બિલ્ડીંગ બની ગયું છે. ત્યાંથી ઊડતી ધૂળ રોજ મારા ઘરમાં આવે છે. એને સાફ કરતી વખતે ક્યારેક એમ થાય કે આમાં કપાયેલા વૃક્ષોના અવશેષો પણ હશે જ!

હવે બીક એ વાતની લાગે છે કે અમુક મહિનાઓ પછી જ્યારે હું ફરીથી ઘરમાં ડસ્ટિંગ કરતી હોઈશ ત્યારે,એમાં અમુક રજકણો મારા આ લીમડાની પણ હશે જ ને?

~ Brinda Thakkar

Sent from my iPhoneAttachments areaPreview YouTube video તમે ક્યારેય એકલા જીવ્યા છો?તમે ક્યારેય એકલા જીવ્યા છો?

રાસ – ડો. ભૂમા વશી – સૂર અને સંગીતઃ માયા દીપક

(ડો. ભૂમા વશી એક પ્રસિદ્ધ ઓર્થોડોન્ટીસ્ટ છે અને ૧૯૮૬ થી પ્રેક્ટીસ કરી રહ્યાં છે. મુંબઈના અંધેરી (વેસ્ટ)માં ડો. ભૂમા વશી એમના પતિ સાથે ટોટલ ડેન્ટલ કેર ક્લીનીક છે. તેઓ એમની ફાઈનલ બી.ડી.એસ. પરીક્ષામાં ગુજરાતના ગોલ્ડ મેડલીસ્ટ રહી ચૂક્યા છે. તેમણે પોતાના ક્ષેત્રમાં સ્ટેટ અને નેશનલ સ્તર પર તથા ઈન્ટરનેશનલ સ્તર પર અનેક કોન્ફરન્સીસમાં વૈજ્ઞાનિક સંશોધનોને લગતાં પ્રેઝન્ટેશન કરતાં રહે છે અને એમના ક્ષેત્રની વૈજ્ઞાનિક જર્નલમાં આ બાબત માટેના આર્ટીકલ્સ સતત લખતાં રહે છે.

ભાગ્યે જ ડોક્ટરોને સાહિત્ય સાથે આટલો બધો ઘરબો હોય જેવો ડો. ભૂમા વશીને છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી અને વ્યવસાયિક હોવા છતાં, માંહ્યેલો તો એક સર્જકનો, કવિનો. આથી જ શબ્દોનો સાથ એમને સહજ રીતે અને સતત મળતો રહ્યો છે. એમની કવિતાઓ જ્ન્મભૂમિ, મુંબઈ સમાચાર, ગઝલ ગરિમા, વિચાર વલોણું, કલમ વગેરેમાં પ્રકાશિત થઈ છે. આ સાથે તેઓ વોકલ સંગીતની તાલિમ પણ કુલદીપ સીંગ અને હેમા દેસાઈ પાસે લઈ રહ્યાં છે. તેઓ અનેક કવિ સંમેલનમાં ભાગ લેતાં હોય છે અને સાથે કુશળ સંચાલન પણ કરે છે. સર્જકતાથી સભર આવા કવયિત્રી પાસેથી આપણને સુંદર કાવ્યોનો સંગ્રહ જલદી મળે એવી શુભકામના રાખીએ. ડો. વશી, આપનું હ્રદયપૂર્વક આંગણું માં સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આજે એમનું રચેલું એક સુંદર રાસ-કાવ્ય અહીં માણીએ. આશા છે કે વાચકોને પણ એમનું આ કાવ્ય અને સંગીતમય રજુઆત ગમશે.)

ડો. ભૂમા વશી

*રાસ*

સખી, આજ હું તો  કાન્હાની  સંગ રમી રાસ,
મારા રૂદિયામાં ઉગ્યો છે પ્રેમનો ઉજાસ,
…..સખી, આજ હું તો  કાન્હાની  સંગ રમી રાસ

આકાશી ઓઢણું  ‘ને ધરતી ની ઝાંઝરી,
ને સંગે તારલિયા ચોપાસ,
ચાંદા  ને  સૂરજને ઢોલીડે થાપ દીધી,
ઝૂમી હું તો  કાન્હાની સાથ, …..
સખી, આજ હું તો  કાન્હાની સંગ રમી રાસ….

વાદળનાં ગોટા પર પગમાં થરકાટ,
અને ઉડાડી ઓઢણી યે મારી,
પર્વતનાં પથ્થરમાં કૂંપળોની કેડીએ,
ઝગમગતી લીલી કુમાશ…
…સખી, આજ હું તો  કાન્હાની સંગ રમી રાસ….

વાંસળીના સૂર મહીં ઘેલી થઈને હું તો ,
દોડી’તી કાન્હા ની પાસ,
સૂર અને વ્હાલને પામવાને શ્યામ મારા,
થઈ છું વીંધાવા તૈયાર…

…..સખી, આજ હું તો  કાન્હાની સંગ રમી રાસ…
              ડૉ. ભૂમા વશી.

Attachments area Preview YouTube video Bhuma poetry- “Raas” composed by Maya DeepakBhuma poetry- “Raas” composed by Maya Deepak

“વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર

વ્હાલી સખી વનિતા,

મારી આ વખતની દિવાળી અમેરિકામાં થઇ, ખરેખરતો શું દિવાળી? ના સાથિયા, ના દીવડા, ના તોરણ, ના ફટાકડાના સતત સંભળાતા અવાજો!

Continue reading “વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર