પ્રાર્થનાને પત્રો- (૧૧૦) અને (૧૧૧) – ભાગ્યેશ જહા

પ્રાર્થનાને પત્રો…(૧૧૦)

પ્રિય પ્રાર્થના,

ગરમી ચાલુ થઈ ગઈ છે, આમ તો શિવરાત્રી પછી અપેક્ષિત પણ હોય છે કે ઠંડી ‘શિવ, શિવ..’ કરતી ચાલી જાય. પણ જુદી રીતે ગઈ. દિવસે ચાલી જાય અને રાત્રે પાછી આવે. ગામમાં પિયર અને ગામમાં જ સાસરું હોય ત્યારે નવી વહુ જેમ ‘આવે-જાય’ એવો ઘાટ બન્યો છે, જો કે વહુની આવનજાવન બદલ એને સૂચન કે ખખડાવવાની સગવડ સૌ સૌની તાકાત, રિવાજ અને માહોલ પ્રમાણે ઉપલબ્ધ હોય છે. સવારે ઠંડી ક્યારેક તો ‘મોર્નિંગ વૉક’માં સ્વેટર પહેરવાની ફરજ પણ પાડે છે. જો કે ઠંડીનો બીજો અને ફાઈનલ એક્ઝીટ -ગેટ હોળી પણ ક્યાં દુર છે ? પણ પછી કેવી ગરમી પડશે તેની જાતજાતની આગાહીઓ ચાલી રહી છે. આ આગાહીઓ માત્રથી લોકો ધ્રુજી રહ્યા છે. [ કેવું કહેવાય, આ ધ્રુજવાનું ? કોરોનાવાઈરસ પછી આ જગતને તદ્દન નવા જ પ્રકારના ભયનો સામનો કરવો પડી રહ્યો છે..

Continue reading પ્રાર્થનાને પત્રો- (૧૧૦) અને (૧૧૧) – ભાગ્યેશ જહા

થોડી ખાટી, થોડી મીઠી – (૧૭) – દિપલ પટેલ

હું 2014માં અમેરિકા આવી. ધીમે ધીમે નવા દેશમાં ગોઠવાઈ. શરૂઆતમાં હું ક્યાંય જાઉં અને બેઠી હોઉં તો કોઈ વ્યક્તિ મારી બાજુમાં આવીને ન બેસે, એ દૂર બીજી બેન્ચ ઉપર જઈને બેસે. મને ખરાબ લાગતું કે કેમ આ લોકો આવો વ્યવહાર કરતાં હશે? ધીમે ધીમે સમજાયું કે “America respects privacy!”. અને મને અમેરિકાની અમુક બાબતો ગમે છે એમની આ એક 🙂 

બીજી મને ગમતી વાત હોય તો એ છે “Everyone is different”. આ વાત પ્રસંગથી સમજાવું. આ વાત જય વસાવડાએ કહી છે એમનો પ્રસંગ છે. એ કોઈક બહારના દેશના એરપોર્ટ ઉપર બેઠા હતાં અને એક અમેરિકન છોકરી એમની બાજુમાં આવીને બેસી. જય વસાવડા થેપલા ખાઈ રહ્યા હતાં અને એમણે એ બહેનને પણ ખાવા માટે ધર્યા. એ બહેન એ ખાધા. ચોક્કસથી એમના માટે તીખાં હતા. જય વસાવડાએ એમને પૂછ્યું કે કેવાં લાગ્યા? તો એમણે જવાબ આપ્યો “It is different!!” આ પ્રજાને બીજી વ્યક્તિઓ કે વસ્તુઓને અલગ રીતે જોવાની કળા છે. સારું કે ખરાબ છે એના કરતાં કંઈક અલગ છે એવું માનવાવાળી પ્રજા છે! અને એ વાત મને બહુ પ્રભાવિત કરી ગઈ હતી અને મારા જીવનમાં મેં અપનાવી પણ. કોઈ વ્યક્તિ 10 વાગે ઉઠે, તો એ આળસુ જ હોય એવું જરૂરી નથી, એ કદાચ બહુ સુંદર પેન્ટર હોઈ શકે. એ આપણા કરતાં અલગ છે એનો અર્થ એ નહિ કે ખોટો કે ખરાબ કે સારો છે. આ બાબતે મને જજમેન્ટલ બનતાં રોકી. 

ત્રીજી વાત મને અમેરિકાની ગમી એ ત્યાંના લોકોની શિસ્ત અને સામાન્ય સિવિક સેન્સ. આ લોકો માટે એમની શિસ્ત એજ એમના સંસ્કાર! પોતાનું વાહન મૂકે તો પહેલાં એ જુએ કે બીજાના વાહનને નુકશાન નથી થતું ને? એમ્બ્યુલન્સ આવે અને ભરચક રોડ હોય તો પણ ગાડીઓ ખસીને એનાં માટે જગ્યા કરે. (આવું દ્રશ્ય જયારે મેં એક ઓવરબ્રિજ ઉપરથી જોયેલું ત્યારે હું સાચેમાં રડી હતી અને સલામ કર્યું હતું આ દેશના નાગરિકોને). 

એક નાનકડો કિસ્સો જે મારી સાથે થયો હતો એ જણાવું, એક દિવસ અમે સાંજે અમારી ગાડી લઈને બહાર જવા નીકળ્યા અને ગાડીના કાચ ઉપર વાઈપરમાં એક વળેલું એન્વેલોપ હતું. અમે જઈને જોયું તો એમાં એક ભાઈએ કંઈક આવું લખ્યું હતું. “મારુ નામ જો છે, આજે મારો દીકરો અમારી ગાડીનો દરવાજો જોરથી ખોલવા ગયો અને તમારી ગાડીને જોરથી વાગ્યો અને એના કારણે તમારી ગાડી ઉપર સ્ક્રેચ પડ્યો છે, માફ કરશો. આ મારો નંબર છે, તમારી ગાડીને રીપેર કરવાનો ખર્ચો હું આપવા તૈયાર છું. ફરીથી સોરી.” 
હા, ગાડી ઉપર સ્ક્રેચ પડ્યો હતો. બહુ મોટો નહિ, પણ હતો. અમે એ ભાઈને ફોન કરીને આભાર માન્યો. અને એ સ્ક્રેચ કદી રીપેર કરાવ્યો નહિ. એ સ્ક્રેચ જોઈને આ દેશના લોકોની પરવરિશમાં જે પ્રામાણિકતા છે એ હંમેશા અમને યાદ રહે એટલે. ગાડી અમે વેંચી ત્યારે પણ અમે એ સ્ક્રેચ રીપેર નથી કરાવ્યો. અને એ ચિઠ્ઠી હું અત્યારે પણ મારી સાથે લઈને આવી છું, સોવેનિયર તરીકે. 

મજાની વાત એ છે કે એ ભાઈ જયારે આ ચિઠ્ઠી લખતાં હશે ત્યારે અજાણતાં જ એમણે એમના દીકરાને પણ આ પ્રામાણિકતા શીખવી દીધી હશે અને આજ એમના સંસ્કાર 🙂  ReplyForward

હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક – આસ્વાદઃ સુરેશ દલાલ

હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,

               હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,

અંત સમે  એવા  ઓરતડાની હોય ન  ગોતાગોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ

ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણી કણીથી પ્રગટે  એક જ  શાન્ત સરોદઃ

જોજે રખે પડે પાતળું  કદીયે  આતમ  કેરું પોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ

સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ  જ્યોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

આસ્વાદઃ સુરેશ દલાલ

ઈશ્વર જીવન આપે છે. મનુષ્ય યથાશક્તિમતિ, એ જીવન જીવે છે. સંધર્ષો, મથામણો, આનંદ આ બધાંનો અનુભવ કરે છે. પ્રત્યેક મનુષ્ય વ્યાસ વિનાનું મહાભારત છે અને એની મનોભૂમિ કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર છે. માણેક તો મહાભારતના અઠંગ અભ્યાસી.

કવિએ મોતને માગ્યું છે આ કાવ્યમાં. મનુષ્યને ઈચ્છા પ્રમાણેનું જીવન તો મળતું નથી, પણ ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ મળે તો પણ કેવી ધન્યતા! મૃત્યુ એ જીવનનું પૂર્ણવિરામ છે કે નવજીવનની શરૂઆત છે એની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે છે. કવિ જે મૃત્યુને ઝંખે છે એ મૃત્યુ અત્યંત શાંત, નીરવ, સ્વસ્થ. મૃત્યુ પોતે જ જાણે કે ગીતા કે ગીતાનો સ્થિરપ્રજ્ઞાયોગ.

અંતિમ વેળાએ, અબળખા, ઓરતા, વાસના, મનોરથ, કોડ આ બધાંનાં વળગણ શા માટે? અ બધાંથી પર જીવનની જાણે કે સ્વાભાવિક ગતિ હોય એવી મૃત્યુની સ્થિતિ, ઉપસ્થિતિ હોવી જોઈએ.

મૃત્યુ આવે છે ત્યારે આપણે જીવન માટે વલખાં મારતા, તરફડિયાં મારતા માણસોને જોયા છે. જિજીવિષા એ રેશમનો તંતુ છે, કાથાનું દોરડું નહિ. પણ મનુષ્ય એ રેશમનું દોરડામાં રૂપાંતર કરી નાખે છે. આ કાયા, આ લોહી, લોહીનો લયઃ- આ બધાંનો ઘોંઘાટ નહિ કોલાહલ કે ધમાલ નહિ, પણ શરીરમાંથી એક શાંત સરોદ પ્રગટ્યાં કરે એની જ ઝંખના. આખી જિંદગી તો આત્માને ઓળખ્યા વિના ચાલી જતી હોય છે. અંતિમ સમયે શોધ બીજા કશાની નહિ, કેવળ આત્માની, આત્મા પાછળ છુપાયેલા પરમાત્માની જ હોય. હું મારામાં લીન થાઉં ત્યારે પણ પ્રાણ ઊડે તો જ કોઈક અ-લૌકિક આકાશ પામ્યાનો અર્થ અને આનંદ.

જીવનમાં કેટલીયે કપરી વિષમતાઓ વેઠી. સારાનરસા સઘળા અનુભવો કર્યા. વન પણ વીંધ્યા અને વાદળોનાં વન પણ વીંધ્યા. પર્વતોનાં કપરાં ચડાણ પણ કંઈ ઓછાં નહોતાં અને આ બધાંનો થાક ઊતરે એવી એક સરિતા પણ અવહેતી, જે પોતે તરતી અને તારતી. કવિનું અંતિમ સ્ત્રોત છે કે મૃત્યુ આવે ત્યારે આંખ સામે હોય કેવળ જનમોજનમનો સાથી- આપણા સૌનો, આપણે બધા જ સ્વજનથી વિખૂટા પડતા હોઈએ ત્યારે આપણો એકમાત્ર સ્વજન – સજ્જન – સજન પરમાત્મા. દયારામે પણ અંત સમયે અલબેલો ચેલો આવે એવી પ્રાર્થના કરી હતી. અને ટાગોરે સન્મુખે શાંતિનો પારાવાર હોય એવી ઝંખના પ્રગટ કરી હતી.

આખા જીવનની અશાંતિ વેઠ્યા પછી કોઈ પણ જીવ શાંતિને ઝંખે એ યાચના સ્વાભાવિક છે. મૃત્યુનું આ નાનકડું ગીત હકીકતમાં તો જીવનના વ્યાકરણનું પૂર્ણવિરામ છે.

*********

આ સાથે કરસનદાસ માણેકની અત્યંત પ્રસિદ્ધ કવિતા , “આ અમને સમજાતું નથી” ના પઠનની લિંક અહીં મૂકી રહ્યાં છીએ.

બે કાઠાંની અધવચ – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની વચ્ચે – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

ઘણા વખતથી વામાના કોઈ ખબર નથી, એમ કેતકીને લાગેલું. એક વાર સુજીતે પણ એને પૂછ્યું, હમણાં વામાનો ફોન-બોન આવ્યો નથી લાગતો.

વામાનું અત્યાર સુધીનું જીવન સુખ અને સ્નેહના વાતાવરણમાં ગયેલું. આર્થિક અછતનો તો એને ખ્યાલ જ નહતો, પણ માનસિક અજંપો પણ એણે ક્યારેય અનુભવ્યો નહતો. અમેરિકામાં અભ્યાસ દરમ્યાન યુવાનો એનાથી આકર્ષાતા રહ્યા હતા, ને બેએક સાથે સારી મૈત્રી પણ થયેલી.

Continue reading બે કાઠાંની અધવચ – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

http://વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

શિલ્પકાર રાઘવ કનેરિયા.….સંપાદનઃ સરયૂ પરીખ

સ્નેહી મિત્રો,
ભારતના કલાક્ષેત્રે વડોદરાની ફાઇન આર્ટસ કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તેમાના એક, પ્રાધ્યાપક રાઘવ કનેરિયા વિદ્યાર્થી હતા ત્યારથી જ ઘણા પુરસ્કારો અને સન્માનો મેળવતા રહ્યા છે. તેવા પુરસ્કારોની હારમાળમાં એક નવું પુષ્પ હાલમાં જ ઉમેરાયું છે. તે જાણીને મારી જેમ જ બધા કળા પ્રેમીઓને આનંદ થશે. પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટિ તરફથી રાઘવ ભાઈ ને માનદ પદવી- ડૉક્ટરેટ અપાઈ છે.
શુભ નવરાત્ર. કદાચ આજે કેટલાક લોકો ભૂલી ગયા છે કે ગુજરાતમાં ફેલાઈને મુંબઈ સુધી વ્યાપેલ ગરબાનાં આજના સ્વરૂપના  બીજ ઠેઠ 1950ના દાયકામાં ફાઇન આર્ટસ કોલેજમાં રોપાયેલા. તેને વિકસાવનાર માળીઓમાં રાઘવભાઈએ  સિંહ  ફાળો આપેલો.  
તમારા કળા રસિક મિત્રોને આ સમાચાર જણાવશો. ..જ્યોતિ ભટ્ટ.   28 ઓક્ટોબર 2020


ડૉક્ટર રાઘવ કનેરિયાને દાવડાના આંગણાના સાહિત્ય અને કલા રસિક મિત્રો તરફથી અભિનંદન.

હાલમાં તેમના પત્ની શકુંતલા સાથે વડોદરામાં છે.
સંપર્ક માટે તેમના પુત્ર અંકુરની ઈમેઈલ…AnkurKaneria@hotmail.com

૨૦૧૮માં શ્રી દાવડાસાહેબ દ્વારા પ્રકાશિત શ્રી રાઘવભાઈ કનેરિયા વિષેના લેખોને ઘણો આવકાર મળેલ. દાવડાસાહેબ મહિનાઓ પછી પણ આશ્ચર્ય-આનંદ સાથે કહેતા કે કનેરિયાભાઈના વિભાગને હજી સુધી લોકો જોતા રહ્યા છે. એ પ્રકાશનો અહીં ફરીને મ્હાણીએ

વિભાગ-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. એ જ વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા જ ભારતના કલાજગતના ખુબ જ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
વધું વાંચો…શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

વિભાગ-૨

શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.

(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.) આગળ વાંચો..શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા 

વિભાગ–

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.” આગળ વાંચો… શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

વિભાગ-૪

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે. આગળ વાંચો… http://શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

પી. કે. દાવડા

મિત્રો સાથે વાતો. અશક્ય-શક્ય…સત્યકથા.

http://મિત્રો સાથે વાતો. અશક્ય-શક્ય…સત્યકથા.

અશક્ય—શક્ય…સરયૂ પરીખ

દર બે-ત્રણ વર્ષે વડોદરા ભાઈને ઘેર જવાનું હોય અને એક-બે મહિના મહેમાનગતી માણવાની હોય. પરિવારના સભ્યો મારા આગમનથી ખુશ થતાં હોય…તેમાં રસોડા પાસે ઉર્મિલા, “કેમ છો સરયૂબેન?” કહીને હસતી ઊભી હોય. ઉર્મિલાની હાજરી ઘરમાં હંમેશની થઈ ગઈ હતી. નાજુક તબિયતવાળી સત્તર વર્ષની નવવધુ ઉર્મિલાએ ત્રીસ વર્ષ પહેલાં ભાભી-ભાઈના ઘરમાં કામ શરૂ કર્યુ હતું. તેનાં બાળકોના જન્મ સમયે ભાભી અને ભાઈની ખાસ કાળજીને લીધે બન્ને સારી રીતે ઊજર્યાં હતાં. વર્ષો સાથે વિશ્વાસ અને ભરોસો વધતાં રહ્યાં. ભાઈએ નવું ઘર બાંધ્યું ત્યારે ઉર્મિલાના પરિવાર માટે પણ પાકું રહેઠાણ બંધાવી આપ્યું. તેના બાળકોને કોઈ વાતની કમી ન હોય તેના ધ્યાન સાથે તેમને ભણાવવાની જવાબદારી મારા ભાભીએ લીધેલી. ઉર્મિલાનાં બહોળા પરિવારમાં તેની દીકરી પહેલી કોલેજ ગ્રેજ્યુએટ થઈ.

ઉર્મિલાને મદદ કરવા આવી દીકરી, વર્ષા.

વિશ્વાસ અને કુશળતાની વાત કરીએ તો, ગઈ દિવાળીએ અમે વડોદરાથી દિલ્હી અને ત્યાંથી આગ્રા ગયેલાં. હોટેલમાં દરેક જણની પાસે ID card હતું. પણ મારે તો પરદેશી હોવાથી પાસપોર્ટ બતાવવાનો હતો, તે વગર મને રહેવા ન દે. પાસપોર્ટની નકલ દિલ્હીમાં પડી હતી અને પાસપોર્ટ વડોદરા. મારા ભત્રીજાએ વર્ષાને ફોન જોડ્યો. “વર્ષા, ફોઈના રૂમમાં જા, તેની બેગમાંથી પાસપોર્ટ શોધી, ફોટો પાડી, અપલોડ કર.” પંદર મિનિટમાં વર્ષાએ કામ પતાવી દીધું. આવા અગત્યનાં દસ્તાવેજ હોય કે કોઈ કિંમતી ચીજ હોય, ઉર્મિલાના પૂરા પરિવાર પર સંપૂર્ણ વિશ્વાસ. આજે ભાઈની જ કંપનીમાં નાની વર્ષા MSW કર્યા પછી, Head of the Department થવા માટે સક્ષમ્ય બની છે.

ઉર્મિલાના ગામડે તેની મા, ભાઈ-બેનને શું તકલિફ છે તેનું પણ ભાભી ધ્યાન રાખતાં. બધી વાતમાં ઉર્મિલા બેનની સલાહ લેતી. થોડાં વર્ષો પહેલા એક વાત સાંભળી તેમના સરળ સંબંધ વિષે ખ્યાલ આવ્યો. બાજુનાં મોટા બંગલામાં અમેરિકાથી પ્રૌઢ પતિ-પત્ની રહેવા આવ્યાં જેનાં વાત-વ્યવહારમાં ડોલરની ચમક બધી જગ્યાએ દેખાતી. તે બહેન ઉર્મિલાની મદદ લે ત્યારે સારા એવા પૈસા અને ભેટ આપે. એક દિવસ ઉર્મિલા આવીને ભાભીને કહે કે, “બેન, આ બાજુવાળા મને કહે છે કે મારે ઘેર કામે આવી જા. મોટો પગાર અને બીજા લાભ આપીશ.” ભાભી સરળતાથી કહે, “તને સારું લાગતું હોય તો જા. મને વાંધો નથી.” એ તો ન ગઈ પણ હવે, ઉર્મિલાનાં ઘરનાં બીજે રહેવા જાય તો પણ એ બેનને છોડીને ન જાય. તેને ભાભી માટે એટલું માન કે પોતાના મોટા છોકરાઓ જો કાંઈ બરાબર ન કરતા હોય તો એટલું જ કહે કે, “બેન વઢશે.”

એક બીજી મજાની વાત…ઉર્મિલાનો દીકરો ભણવામાં નબળો. તેને ઉત્સાહ આપવા ભાભીએ કહ્યું કે, “તું હાઇસ્કૂલની છેલ્લી પરિક્ષામાં પાસ થઈશ તો તને વિમાનમાં વડોદરાથી મુંબઈ લઈ જઈશ.” પરિક્ષા તો આપી પણ પરિણામ આવતાં પહેલાં જ કહે, “બેન ચાલોને હમણાં મુંબઈ જઈએ!” અમે હસી પડ્યાં…આજનો લ્હાવો લીજીએ રે…પરિણામ પછી જવાની શક્યતા નહીં જાણીએ રે….

ઉર્મિલાએ ભાભીને ઘેર કામ કરવાનું શરૂં કર્યા પછીની મારી એ બારમી મુલાકાત હતી. ઉર્મિલાએ તેની પુત્રવધૂ અને નાના પૌત્રનો પરિચય કરાવ્યો. દીકર-વહુને માટે (ભાભીની મદદથી) અલગ ફ્લેટ હતો પણ વધારે સમય વહુને સાસુ સાથે જોતી. તે ઉપરાંત, ભાભીના માર્ગદર્શનથી ‘બિઝનેસ વુમન’ બની ગઈ હતી. જ્યાં સંપ હોય ત્યાં સુખ, શાંતિ અને સંતોષનો સહજ વાસ હોય છે.               

એક સવારે ઉર્મિલાના પૌત્રની સાથે છએક વર્ષનો છોકરો રસોડામાં રમતો હતો. મેં પૂછ્યું તો ઉર્મિલા કહે કે, “આ મારા ભાઈનો છોકરો છે. કાલે ભાઈ તો આવીને ગ્યા, પણ દશરથ જીદ કરીને અહીં રોકાઈ ગ્યો.” બાળક મારી સામે જોઈ મીઠું હસ્યો.                       

          ઉર્મિલાનો પૌત્ર અને દશરથ.       

મેં જઈને ભાભીને કહ્યું કે, “છોકરો કેવો મજાનો છે!”

“એની પાછળ તો રસભરી કહાણી છે.” ભાભીએ તેમની વિશિષ્ટ શૈલીમાં વાત કહી. ઉર્મિલાનાં ભાઈના લગ્ન પછી થોડા સમયમાં ખબર પડી ગઈ કે ‘છોકરાં નથી થતાં.’ ગામડાના કુટુંબમાં ચિંતાનો વિષય હતો. છ વર્ષ પહેલાં ઉર્મિલાની બેનને બાળક આવવાનું હતું તેથી તેનાં બા હોસ્પિટલમાં હાજર હતાં. વાતો થતી હતી તે સાંભળવામાં આવી કે… કોઈ બાઈ, છોકરાને જનમ આપીને જતી રહી છે. ગામડા-ગામમાં શોધવા જવાવાળા પોલિસનાં માણસો ક્યાંથી મળે! ડોક્ટર કહે…હવે આ બાળકને કોને સોંપવું! ઉર્મિલાનાં બા અને પરિવારે મળી બાળકને ગોદ લેવાની વાતચીત કરી અને તેને માટે જરૂરી કાગળિયાં કરાવી આ છોકરાને ઘેર લઈ આવ્યા. આ બાળકને કુટુંબીજનોનો પ્રેમ મળી રહ્યો હતો અને તેની આંખોમાં ઊજળા ભવિષ્યની ચમક દેખાતી હતી.

કેવી સરળ વાત…નહીં કોઈ કાયદાના ચક્કર કે આંટીઘૂંટી. માનવ સંબંધો કાયદાઓના ભારથી દબાઈ રહ્યાં છે તેમાં આવી અનુકૂળ હકીકત સાંભળવી ગમે. ઘણા લોકો ભાભીને કહે, “તમારે તો ઉર્મિલા સારી મળી ગઈ. અમને ય શોધી આપો ને.” પરંતુ જ્યાં રાખનારની ઉમદા સમજ અને રહેનારની પ્રમાણિકતામાં સંવાદિતા ન હોય, ત્યાં ઉર્મિલા મળવાની શક્યતા નથી.   

દાદા, પૌત્ર અને અમારી આરિયા.

ઈલા મહેતા લખે છેઃ ‘અશક્ય-શક્ય’ વાત વાંચી. બહુ સરસ લખી છે. આંખમાં પાણી આવી ગયા. આ સત્યકથાનું નામ મેં આપ્યું ઋણાનુબંધ. અમારા સંગને આ દિવાળીએ ૩૦ વર્ષ થશે. મારા બાળકો કરતાં ઉર્મિલા અને તેનો પરિવાર આપણી સાથે વધુ રહ્યાં અને અમારી ખૂબ સંભાળ રાખે છે. આતો અરસ પરસ છે. એક હાથે દેવું ને એક હાથે લેવાની વાત છે. કોઈ અનુબંધ લાગણીઓ હશે. ખરેખર આ ઋણાનુબંધ નહીં તો બીજું શું?  … ઉર્મિલાનાં ‘બેન’

સંતોષ

સ્વપ્ન સમય સાથી  સંજોગ,
 સ્વીકારું  સૌ  યોગાનુયોગ.

શક    શંકા  સંશય મતિદોષ,
વિશ્વાસે    મંગળ    સંતોષ.

સાથ સફર   જે   હો  સંગાથ,
પડ્યું  પાનું  ઝીલવું  યથાર્થ.

 સરળ સ્વચ્છ સ્ફટિક આવાસ,
 આરસીમાં   સુંદર  આભાસ.

 ભક્તને ત્યાં આવે આશુતોષ,
મધુર સબંધ  લાવે  સંતોષ.

તૃપ્ત મન  સાગર    સમાન
 
વ્હાલા કે વેરીને સરખુ સંમાન.

જે  મારી પાસ   તે  છે  ઘણું,
પછી હોય છોને અબજ કે અણું.
                   ——   સરયૂ પરીખ


પ્રતિભાવઃ ખૂબ સુંદર રજૂઆત…યશવંત ઠક્કર.
—————————————————–

કુદરત અને ચિત્ર…ગીતા આચાર્ય


શરદપૂનમનો ગરબો – યામિની વ્યાસ

હે….અલખનો રાસડો રમણે ચડ્યો
ને રાધા બાવરી શોધે છે કાનને…
હે…વાતા વાસંતી મધુરા વાયરા ને રાસે રમંતા સહુ ભૂલ્યા છે ભાનને…

ચોમેર છલોછલ છલકાતા રંગો
તેમાં રાધાને કાન ક્યાંથી જડે રે લોલ
બસ એક જ મોરપીંચ્છના સહારે કાન
કાળાની ખબર જ્યાં પડે
તેમાં રાધાને કાન ક્યાંથી જડે રે લોલ

લજવાયેલ રાધાની નમણી રતાશ
જ્યાં કેસુડો પાણી ભરે
સઘળા લોભામણા રંગોની ઝરમરમાં
કાનાની કાળાશ તરે
હે..રંગવા બંનેને એક જ રંગમાં રંગો ચડે ચડભડે
તેમાં રાધાને કાન ક્યાંથી જડે રે લોલ

ચોમેર છલોછલ….

કાનના કામણથી રંગાયા રંગ હવે
સહુનાં મનડાં હરે
સત્યા, રુકિ, ગોપી,મીરાંના ચહેરા પર
આખુંય મેઘધનુ સરે
કેટકેટલીય પ્રીતના દડદડતા રંગો
રાધાને કેમ પરવડે?
તેમાં રાધિને કાન ક્યાંથી જડે રે લોલ

ચોમેર છલોછલ….

યામિની વ્યાસ

Attachments areaPreview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસગરબો:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ

નિકી – વાર્તા – રાજુલ કૌશિક

“નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હેવ નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વૉનેજ ફોન-લાઇન ઉષ્મા અને આંસુથી ભીની થતી જતી હતી.

Continue reading નિકી – વાર્તા – રાજુલ કૌશિક

ચાલો મારી સાથે – (૯) – ઉત્કર્ષ મઝુમદાર

ચાલો મારી સાથે.      – (૯) –              ઉત્કર્ષ મઝુમદાર

ગયા વખતે આપણે જોયું કે પ્યુરિટન્સ રાજકર્તાઓએ ગ્લોબ  થિયેટરને મૂળમાંથી ઉખેડી નાખી જમીનદોસ્ત કરી ત્યાં આગળ રહેઠાણ સંકુલ બાંધી દીધું  જેથી ભવિષ્યમાં એ જગ્યાએ કોઈ  પછી ત્યાં નવેસરથી થિયેટર જ ન બાંધી શકે, પણ વાચકો, ગ્લોબ થિયેટર તો ફિનિક્ષ પંખીની  જેમ ફરી બેઠું થાય છે. પણ એવું થતાં સાડા ત્રણસો વર્ષ વીતી જાય છે. એ કેવી રીતે પાછું ધબકતું થાય છે એ વાત કરીએ, એ પહેલાં થિયેટર ચાર્લ્સ બીજાના કાર્યકાલ દરમ્યાન કેવી રીતે પાછું સજીવન થાય છે ને નાટ્યક્ષેત્રે કેવા ધરમૂળથી ફેરફારો થાય છે તેની વાત જાણીએ.

Continue reading ચાલો મારી સાથે – (૯) – ઉત્કર્ષ મઝુમદાર

મુકામ Zindagi – (૧૬) – સ્ક્રિપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

આસપાસ બનતી નાની ઘટના પણ કેટલું બધું શીખવાડી જાય છે!

@मुक़ाम Zindagi

દિપલ પટેલના સુંદર અવાજમાં આખી વાત અહીં સાંભળો:
https://youtu.be/XmH_DEffJis

આજે ગાર્ડનમાં મોર્નિંગ વોક દરમિયાન જોયેલું,મનમાં વસી ગયેલું એક દ્રશ્ય.

નાનકડો બગીચો છે,જેમાં નાના બાળકો માટે રમવાના હિંચકા,લપસણી અને સી-સો છે. સી-સો ને ગુજરાતીમાં શું કહેવાય એ મને ખબર નથી,સોરી. પણ બંને બાજુ એક-એક બાળક બેસે અને ઝૂલે એ સાધન.

અત્યારે આખો બગીચો ખાલી હતો. એમાં એક પપ્પા એમના ચારેક વર્ષના દીકરાને લઈને પ્રવેશ્યા. પેલાએ જીદ કરી કે મને સી-સો માં બેસવું છે. એના પપ્પાએ એને બેસાડ્યો. સામે જઈને તેઓ હાથથી સીટ પર વજન આપીને દીકરાને ઝુલાવી રહ્યા હતા. હવે દીકરાએ ફરી જીદ કરી કે તમે બેસી જાઓ એ સીટ પર. એના પપ્પાએ એને પણ ત્યાંથી ઉતારી લીધો,એનો હાથ પકડીને ત્યાં એક બોર્ડ હતું ત્યાં લઇ ગયા અને કહ્યું,જો અહીં શું લખ્યું છે? કે પાંચ વર્ષથી ઉપરના બાળકોએ કે વ્યક્તિઓએ બગીચાના સાધનોનો ઉપયોગ કરવો નહીં.

આ સાંભળીને એ નાના બાળકે કાન પકડીને એ બોર્ડને સોરી કહ્યું. એના પપ્પાએ કહ્યું કે આપણે હજી ભૂલ કરી નથી બેટા,એટલે સોરી ન કહીએ તો ચાલે. એટલે પેલા બાળકે બોર્ડની સામે જોઇને કહ્યું ‘મેરા સોરી વાપસ દે દો. મુજે કહીં ઓર બોલને મેં કામ આયેગા.’ અને પાછો સી-સો તરફ દોડી ગયો.

થોડી વારે આ કાર્યક્રમ પત્યો અને એ લોકો નીકળતા હતા,ત્યારે એ ટેણિયાએ નાનકડું હેલ્મેટ પહેર્યું, અને એની સાઇકલ પર બેસી ગયો,એના પપ્પાએ હેલ્મેટ પહેર્યું, અને એમની સાઇકલ લઈને – બંને બાપ-દીકરો વાતો કરતા કરતા રોડ પર નીકળી ગયા.

આમ જોવા જઈએ તો સાવ સામાન્ય દ્રશ્ય. પણ થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે એક બાપ કેટલું સરસ અને ઊંચું ભવિષ્ય ઘડી રહ્યો છે,રોજિંદી – ઝીણી બાબતો પર ધ્યાન આપીને. નિયમોનું પાલન કરવું, ભૂલ થાય ત્યારે માફી માંગવી અને જિંદગી ભરપૂર જીવવી.

આવું જ એક દ્રશ્ય થોડા દિવસ પહેલા પણ મેં જોયેલું. વિપ્રૉ સિગ્નલ પાસે,સવારમાં સાત વાગે બિલકુલ ટ્રાફિક નહોતો. એક સાઇકલ પર એક ભાઈ,પોતાની ત્રણેક વર્ષની દીકરીને સ્કૂલ મૂકવા જઇ રહ્યા હતા. સિગ્નલ પર રેડ લાઈટ થઈ, એકેય બાજુથી એક પણ વાહન આવી રહ્યું નહોતું છતાં એ ભાઈએ સાઇકલ ઉભી રાખી. એમની દીકરીએ એમની સામે જોયું (આગળ બેસાડી હતી), એમણે રેડ લાઈટ તરફ ઈશારો કરીને સમજાવ્યું કે ગ્રીન થાય ત્યારે જવાનું.

એ ભાઈના પહેરવેશ પરથી લાગતું હતું કે એ પોતે કદાચ ક્યારેય સ્કૂલ નહિ ગયા હોય! અને છતાં એ જે રેડી રહ્યા હતા તે મારફાડ બી.એમ.ડબ્લ્યુ કરતાં પણ અનેક ગણું મૂલ્યવાન હતું!

સમજણ અને સંસ્કાર રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા!

~ Brinda Thakkar

Sent from my iPhoneAttachments areaPreview YouTube video આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!આસપાસ બનતી નાની-નાની ઘટનાઓમાં કેટલી મોટી વાત છુપાયેલી હોય છે!