ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭
વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા
ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ
________________________________________________
દીપક મહેતા

વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.