Tag Archives: સોનાની માછલી…સરયૂ પરીખ

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૧૧.સોનાની માછલી

                       ૧૧.સોનાની માછલી…સરયૂ પરીખ

            “અરે વાહ! આ સોનાની માછલીતો બહુ સરસ છે, ક્યાંથી આવી?” જ્યારે પણ હું આ સોનાની માછલી ગળાની માળામાં પહેરું, ત્યારે ઉત્સુક સવાલ સાથે માર્ગરેટની મીઠી યાદની લહેરખી, મારા ચહેરા પર સ્મિત લઈ આવે. 

 

સો

             વર્ષો પહેલાંની વાત…. જ્યારે અમારાં  બાળકો નાના હતા ત્યારે પ્લસેન્શિઆ, કેલિફોર્નિયામાં, મેં ‘એવોન’ નું વેચાણ શરૂ કરેલ. સુગંધી ક્રીમ અને સજાવટનો સામાન વેચવાના આશયથી હું પાડોશના ઘરોના દરવાજાની ઘંટી બજાવતી. એક સાંજે, માર્ગરેટ કાયલિંગને ઘેર જઈ ચડી. માંજરી હસતી આંખો અને ભીની કરચલીઓથી સુશોભિત ચહેરાવાળી બહેને મને પ્રસન્નતાપૂર્વક આવકાર આપ્યો. માર્ગરેટે થોડી વાતો કર્યા પછી પરફ્યુમ વગેરેનાં બે-ચાર ઓર્ડર સરળતાથી આપી દીધાં. પછી તો દર બે અઠવાડિયે અમારી મુલાકાતો શરૂ થઈ ગઈ. દર વખતે વસ્તુઓ ખરીદીને, સામે નાના કબાટમાં મૂકી દેતાં. અને વર્ષો સાથે જોયું કે, જ્યારે પણ કોઈ મહેમાન હોય ત્યારે એમાંથી બે ત્રણ ભેટો કાઢી, ભાવ તાલ જોયા વગર, ખુલ્લા દિલથી આપી દેતાં. તેમને ત્યાં સફાઈ કરનાર બાઈ હોય કે બગીચાનો માળી હોય, દરેક સાથે સ્નેહભર્યું વર્તન તેનાં સરળ મનની આરસીનું પ્રતિબિંબ આપતું.

     માર્ગરેટનાં ઘરમાં એમનાં પતિ, બેંજામિન અને મજાના બે સફેદ કૂતરા હતા. માર્ગરેટ હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. આ બન્ને જર્મન દેશવાસીઓ, જ્યારે જર્મનીમાં ભાગલાં પડ્યાં ત્યારે માંડ બચીને અમેરિકા પહોંચેલા. એ સમયે માર્ગરેટ અને બેંજામિનને આપસમાં પરિચય ન હતો, પણ જર્મનીથી ભાગી છૂટવાના બેઉના આકરા અનુભવો લગભગ સરખા હતા. તેઓ કહેતાં કે, “અમારાં સૌભાગ્યને લીધે અમે એક્બીજાને મળ્યાં.” એ પતિ-પત્ની વચ્ચે અનન્ય પ્રેમ હતો. અનેક યાતનાઓને પરિણામે, પંચાવનની ઉંમરમાં જ નાદુરસ્ત તબિયતને લીધે બેંજામિનને કામ છોડી દેવું પડેલું.

        સમય સાથે ઘનિષ્ટતા વધતી રહી. એમની ઉદારતા વિશિષ્ટ હતી. એક પ્રસંગ ખાસ યાદ આવે છે. અમારા પુત્ર સમીરના જન્મની વધાઈ આપવા…તેમનાં બગીચાના ગુલાબોનો મોટો ગુચ્છ અને એક મોટું કાર્ટન, જેમાં ડાયપરના ચોવીસ બોક્સીઝ હતા, એ લઈને માર્ગરેટ તથા બેંજામિન આવ્યાં ત્યારે અમે આશ્ચર્યમાં પડી ગયેલાં. નવજાત શીશુના માતાપિતા માટે એ ભેટ સૌથી મહત્વની હોય તેમાં શંકા નહીં.

        એમને બાળકો હતા નહીં. એ મારા બાળકોના પ્રેમાળ નાની બની ગયાં. સંગીતા અને સમીર ઉત્સાહથી એમને ઘેર જતાં. તેમનાં બે સફેદ કૂતરા, હાઈડી અને પેટ્સી, હંમેશા જાળી પાછળ ઊભા રહી અમને આવકારતા. જન્મદિવસે પણ માર્ગરેટ તરફથી ભેટ આવતી. એ વડીલ જોડીને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે અમને પહેલાં યાદ કરતાં. આમ માર્ગરેટ અને બેંજામિન અમારા કુટુંબનો પ્રેમાળ હિસ્સો બની ગયાં.

       એ વસંતપંચમીને દિવસે, એવોનનુ કામ પતાવી હું બહાર નીકળી અને માર્ગરેટ પણ મારી સાથે બહાર આવ્યાં. વાતોમાં એમને યાદ આવ્યું કે, એ દિવસે મારો જન્મદિવસ છે. મને કહે, “એક મિનિટમાં આવું છું.” અંદરથી કોઈ નાજૂક વસ્તુ લાવીને, પ્રેમથી મારા હાથમાં બીડાવી. એક સોનાની માછલી! મને નવાઈ લાગી કે મારી જન્મનિશાનીનો ખ્યાલ કેવી રીતે!… પણ એ તો વિચારોમાં ખોવાયેલાં, થોડી પળો મારો હાથ પકડીને નીરવ ઊભાં રહ્યાં. પછી ગળગળા અવાજે બોલ્યાં, “આ મારે આજે તને જ આપવી છે.” વ્હાલથી મારા ગાલ પર ચુંબન કર્યું. માર્ગરેટ તરફથી કોઈ ખાસ ચીજ ભેટ મળી છે તેવી કોઈ અપૂર્વ લાગણી મેં અનુભવી.

       માર્ગરેટ અને બેંજામિન રજાઓમાં પોતાના વેકેશન હોમ, Idyll-wild California નામના ગામડાંમાં જતાં. આ ગામ ઉંચા શીખરોં પર હતું અને અમારા ઘરથી બે કલાક દૂર હતું. એક વખત અમારા પરિવારને ખાસ તેમની કારમાં એ ઘર બતાવવા લઈ ગયાં, જેથી અમે ઉનાળાની રજાઓમાં આઈડલવાઈલ્ડ જઈને દસ દિવસ રહી શકીએ.
આ

       બાળકો છ આઠ વર્ષના હતા ત્યાં સુધી માર્ગરેટનો પરિચય જળવાઈ રહ્યો. અમે પાંચ માઈલ દૂરનાં ઘરમાં રહેવાં ગયાં અને બાળકો શાળાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા. માર્ગરેટ અને બેંજામિન થોડા વર્ષોમાં નિવૃત થઈને, પોતાનું ઘર વેચીને, હેમીટ, કેલીફોર્નિઆમાં રહેવા જતાં રહ્યાં. થોડા વર્ષો પછી અમે ઓર્લાન્ડો, ફ્લોરીડા જતાં રહ્યાં. આમ લગભગ પંદર વર્ષોના વહાણાં વહી ગયા. માર્ગરેટને ક્યારેક યાદ કરી લેતા પણ સંપર્ક કરવા માટે કોઈ ખાસ પ્રયાસ નહોતો થયો.

      ઓર્લાડોમાં એક દિવસ મને વિચાર થયો કે વાગે તો તીર – પ્રયત્ન કરી જોઉં. મેં હેમીટમાં ટેલીફોન ઓપરેટરને માર્ગરેટનું નામ આપી, નંબર માંગ્યો … અને મારા આશ્ચર્ય વચ્ચે ઓપરેટરે મને નંબર આપ્યો.

       “હલ્લો! માર્ગરેટ! તમે કદાચ નહીં ઓળખો. અમે પ્લસેન્શિઆમાં, વર્ષો પહેલાં રહેતા હતા.”……………માર્ગરેટ કહે, “કોણ સરયૂ બોલે છે?”

       લાગણીવશ થોડીવાર મારો અવાજ અટકી ગયો. પછી તો ઘણી વાતો થઈ. મોબાઇલ હોમમાં માર્ગરેટ એકલાં રહેતાં હતાં. સ્ટ્રોકના પરિણામે એક આંખમાં અંધાપાને લીધે લખતાં, વાંચતાં કે ડ્રાઇવ કરતાં તકલિફ પડતી હતી. એમના પતિ, બેંજામિન મૃત્યુ પામેલા, જેનું એમને બહુ દુઃખ લાગતું હતું. મને એ ખ્યાલ હતો કે માર્ગરેટને એક જ બહેન હતાં જે પાછા જઈને જર્મનીમાં વસ્યાં હતાં. અમેરિકામાં માર્ગરેટનાં બીજા કોઈ પણ સગા ન હતા.

       માર્ગરેટ બોલ્યાં, “હાં મારી બહેન બહુ સ્નેહ કરે છે પણ હવે મળવાનું શક્ય નથી લાગતું.” અમે નજદીક હતા એ વર્ષોમાં એક યુવાન જર્મન પતિ-પત્ની એમના અંગત મિત્રો હતા. એમના વિષે પૂછતાં, માર્ગરેટે દુઃખપૂર્વક જણાવ્યુ કે “એ બન્ને પોતાના વિમાનમાં વેકેશન પર જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં માર્યા ગયા હતા. તેમની એક દીકરી છે તે ક્યારેક ફોન કરે છે.”

        “મને રેવા નામના બેનપણી ઘણી મદદ કરે છે. મુશ્કેલીઓ છે તો પણ, હું ઘણી સુખી છું.” મીઠા સંતોષ સાથે લોકોની સુજનતાની વાતો કરી. માર્ગરેટનાં સ્વભાવનો પરિચય હતો, તેથી તેને સારા માણસો મળે… સમજાય તેવી વાત હતી.

સ્નેહનાં વહેણં  કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ  વ્હાલમાં, લીલાપીળાનો કોઈ ફર્ક નહીં.

દરિયા દિલ હેતનાં હીંડોળ પર, હુલાવે સૌને ગમત ગેલથી.
ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં.

         ત્યારબાદ, વાત થાય ત્યારે કોઈ પણ સંજોગોમાં દરેક વખતે ફોન પર પ્રસન્નતાનો સંદેશ આપતાં. એમનાં દર્દગ્રસ્ત હાથથી ખાસ પ્રયત્નપૂર્વક લખાયેલ કાર્ડ આવવાના શરૂ થયા, જેનાથી અમને અનેરો આનંદ થતો. 

        સમીર  ગ્રેજ્યુએટ થઈ વકીલ બનવા માટે અભ્યાસ કરતો હતો. વેકેશન દરમ્યાન નોકરી, (summer-job) પૂરી કરી લોસ એન્જેલસ, કેલિફોર્નિઆથી, કારમાં પાછો ફરવાનો હતો. અમે એ સમયે હ્યુસ્ટનમાં સ્થાયી થયા હતા. હું પણ સમીરને સાથ આપવા હ્યુસ્ટનથી લોસ એન્જેલસ ગયેલી. કારમાં પાછા ફરતા અમે ખાસ હેમીટ ગામમાં જઈ માર્ગરેટને મળવાનું નક્કી કરેલ. મુખ્ય માર્ગથી કલાક ડ્રાઈવ કરીને તેમનાં ગામમાં પંહોચ્યા. સમીર મોટો ફૂલોનો ગુચ્છો પસંદ કરી લઈ આવ્યો. તેમનાં સુંદર મોબાઈલ-હોમના બારણે એ જ હસતો પ્રેમાળ ચહેરો…અમને મળીને માર્ગરેટ ખૂબ ખુશ થઈ ગયાં. સમીર પણ તેની નાનીને મળતો હોય એવા ભાવથી ભેટ્યો. માર્ગરેટનાં બે મિત્રો પણ અમારી રાહ જોતાં હતાં. પોતાના કુટુંબના સભ્યોની ઓળખાણ કરાવતાં હોય એટલા ગૌરવથી માર્ગરેટે અમારો પરિચય આપ્યો. છ ફૂટ ઊંચા સમીર સામેથી તો એમની નજર જ ખસતી નહોતી,…  “ઓહો! કેટલો મોટો થઈ ગયો!” તેમણે સંકુલ પણ ઉષ્માભર્યા ઘરની સજાવટ, પહેલાનાં ઘરની જેમ જીણવટથી કરી હતી. નીકળવાને સમયે મારા હાથમાં સુંદર મુર્તિ મૂકી…માર્ગરેટ ખાલી હાથે ન જ નીકળવા દે.

   પછી જ્યારે પણ શક્ય હોય ત્યારે લોસ એન્જલસથી, સમીર ફૂલો કે ફળ લઈને જતો અને એ સમય માર્ગરેટને માટે ઘણો આનંદપ્રદ બની ગયો. તેમની નાણાકીય મુશ્કેલીમાં અને એમની એકલતામાં, બને તેટલો અમે સાથ આપતા રહેતા.

       હું છેલ્લી વખત મળી ત્યારે સોનાની માછલી બતાવી મેં પૂછ્યું, “યાદ છે! તમે આ મને ક્યારે આપી હતી?” ઉંમર સાથે ભૂતકાળ ધૂંધળો થઈ ગયેલ. પણ સ્મૃતિ તાજી થતાં, સફેદ ગુલાબ સમા હાસ્યથી, એમનો ચહેરો ખીલી ઊઠ્યો.

       માર્ગરેટ ધીમેથી બોલ્યાં, “એ દિવસે મારે આ ઊર્મિશીલ વાત નહોતી કહેવી…પણ આજે જરૂર કહીશ. એ સમયે હું પંદરેક વર્ષની હતી. લડાઈના સમયમાં જર્મનીમાં મારા માતા-પિતાના મૃત્યુ બાદ, હું અને મારી બહેન રાતના અંધારાની ઓથ લઈ અમારે ગામડેથી નીકળી ગયાં. નદી પાર કરીને મારા માસી સાથે આવીને સંતાયા હતાં. સ્વતંત્રતા અને સલામતી માટે અમે બીજા દેશમાં ભાગી જવાનાં હતાં. એ રાત્રે, મારા માસીએ મને છેલ્લી વખત ભેટીને આ સોનાની માછલી આપી હતી. મને ભય હતો કે મારી નાની બેગ કોઈ ખેંચી લેશે. તેથી હાથની મુઠ્ઠીમાં પકડીને આ અમોલી ભેટ સાથે લઈને આવી હતી. આજે એને તારી પાસે સલામત જોઈને યોગ્ય વ્યક્તિને આપ્યાનો સંતોષ થયો.” 

       “ઓહ! તમે મને આ ભેટને યોગ્ય માની…!” મારો અવાજ લાગણીના વમળમાં ઘેરાઈ ગયો. એ દિવસે માર્ગરેટની વિદાય લેવાનું બહુ વસમું લાગ્યું…જાણે અમને બન્નેને લાગતું હતું કે આ છેલ્લી વિદાય છે…        

       આજે તો માર્ગરેટ નથી પણ એની યાદોની સુવાસ અમારા દિલને ભરી દે છે. તમે કોઈને જીવનમાં નિર્મળ પ્રેમ આપ્યો હોય તો તે બમણો થઈ તમને આવી મળે છે.

નેહની લહેર

   સૂતર  આંટીની  સમી    જિંદગાની,
   
તાણું  એક  તાર  વળે ગુંચળે  વીંટાતી.
  
જરા મૂકું  ઢીલ ભલા ભાવે રણજણતી,
સહેલાવું  સ્નેહતાર  
સોણી  સમજણથી.

   નેહનાં  લહેરિયામાં   જાઉં  રે તણાતી,
  
અવળી  ધારા અદલ પ્રીત એ  જણાતી.
   પંખીની  પાંખ  સાથ  વાદળી  વણાતી,
   વ્હાલપની  હોડમાં  આગવી   ગણાતી.

  શાંતિનાં  સરોવરમાં છમછમતી ઘુઘરી,
યાદગાર   મણકાની  માળા   પહેરાવી.
 
તાર તાર  તન્મયતા  કામળી વણાવી,
 
એકાંતે   આજ   એની  હુંફંમાં   સમાણી.
——

આ સત્યકથા અંગ્રેજીમાં પ્રકાશિત થયેલી તેનાં અનુસંધાનમાં,
એક સાવ અજાણ વ્યક્તિનો ભાવસભર પત્ર…
 

Rosemary | February 22, 2010 at 7:59 pm
Dear Saryu,
I have lost my parents and was/am going through their things. My parents were very close to Margret for many years. they used to work together.
I came upon a letter I wrote to Margret but it was returned to me.
I wondered if she was still alive and tried to find her phone number but sadly your story says- no. I grew up in calif. and considered Margret and Ben my adopted per say aunt and uncle as we had no other family.
I knew of the other German couple and use to play with their girl.
What a shock to google Margret Kyling’s name and to come up with your narrative… I had to respond…. Thankfully and sincerely, Rosemary.
———-
saryuparikh@yahoo.com