Tag Archives: dharmendrasinhrathod

જીદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

“દાદીમા, આપણે ભગવાનના મંદિરે દરરોજ જઈએ છીએ! રોજે આપણે જ જવાનું? કોઈ દિવસ એ આપણા ઘેર ન આવે?’’ ભોળા બાળકે પૂછેલું.

જવાબમાં દાદીમા પહેલાં તો હસ્યાં અને પછી કહ્યું, “દીકરા એ ન આવે. આપણે જ જવું જોઈએ.’’

“પણ કેમ ન આવે?’’ બાળકે ફરી પૂછયું.

“બેટા, કહ્યુંને એ ન આવે. એ ભગવાન છે.’’ દાદીમાએ ટૂંકો જવાબ આપી વાત પૂરી કરી.

સમય વીત્યે બાળક યુવાન થયો. તેનું નામ અરજણ હતું. દાદીમા તો હવે રહ્યાં નહોતાં પણ પેલો પ્રશ્ન! એ આપણે ઘેર કેમ ન આવે? હજુ ત્યાં જ ઊભો હતો.

ભરયુવાનીમાં પણ ગામના લોકો અરજણને ભગત કહેતા. લગ્ન કર્યાં નહોતાં. ખેતીની સારી આવક હતી. નાના-મોટા રોગોથી પીડાતા લોકોની થાય એટલી સેવા ભગત કરતા.

રણ વિસ્તારના કેટલાક દૂરના ગામોમાં હજુ વીજળીના દીવા પણ આવ્યા નહોતા, ટેલિફોન તો દૂરની વાત હતી. ભગતે એક મોટર વસાવી હતી. ડ્રાઇવિંગ જાતે જ કરતા. આસપાસના ગામો સુધી ભગતની સેવાભાવનાની મહેક પ્રસરી હતી.

ગામના દલિત વિસ્તારમાં સુવાવડી મંગુને અડધી રાતે અચાનક પેટમાં દુખાવો ઊપડયો. વરસાદ કહે મારું કામ! દલિત પરિવાર પર જાણે આભ તૂટી પડયું! ભગતની મોટર ખોરડા પાસે આવીને ઊભી રહી.

“ભગત નહીં, ભગવાન આવ્યા!’’ મંગુની સાસુ હરખભેર બોલી હતી.

આવો મીઠો રણકાર ભગતે ઘણી વખત સાંભળ્યો હતો.

***

વેદના ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

“સમય પણ કેટલો ઝડપથી પસાર થઈ ગયો. સુસવાટા મારતા આ પવનની ઝડપની જેમ જ તો!’’ દેવીપ્રસાદ જીવનની ફ્લેશબૅકની યાત્રા પર હતા.

શહેરમાં દૂરના અલ્પવિકસિત વિસ્તારમાં ખોબા જેવડા મકાનમાં સુનંદા સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત થઈ હતી. સંઘર્ષમય દિવસોનો તબક્કો હતો. નવા શરૂ કરેલ ધંધાના સ્થળે સમયસર પહોંચવા એક સાઇકલની ખાસ જરૂર હતી. પરંતુ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા શક્ય નહોતી. એક સાંજે કામ પરથી પાછો ફર્યો ત્યારે સુનંદા કાંઈક વધારે ખુશ દેખાતી હતી. રાત્રે સૂતા પહેલા ગાંઠ વાળેલ એક રૂમાલ તેણે મને આપ્યો.

“સાનુ, શું છે …. આ રૂમાલમાં?’’ મેં પૂછયું હતું.

“તમે જ ખોલીને જુઓને!’’ લાડ કરતા એ બોલી હતી. રૂમાલમાં હજારેક રૂપિયા હતા. “આ પૈસા તો આપણા લગ્નપ્રસંગે વડીલોએ તને આશીર્વાદ આપતા સમયે આપ્યા હતા એ છે ને? સાનુ, આ પૈસા તારા છે. મારે એ પૈસાને હાથ પણ લગાડાય નહીં.’’ રૂમાલ પાછો આપતા મેં કહ્યું હતું.

“દેવ, તમે પણ! હવે શું મારું અને તમારું! અને હા, નવી સાઇકલ પર બેસવાના અભરખા અમને પણ હોય ને?’’ અને પછી તો હું, સુનંદા, રાહુલ અને અમારી નવી સાઇકલ, રવિવારની સાંજ પડે તેની રાહમાં હોઈએ. સાઇકલ નહીં પણ કોઈ નવા સાથીદારે અમારા જીવનમાં પ્રવેશ કર્યો હતો. દર રક્ષાબંધને સુનંદા સાઇકલના હેન્ડલ પર રક્ષાનો દોરો અચૂક બાંધતી.

પાંચેક વર્ષ પસાર થયાં. સમયે કરવટ બદલી. ધંધામાં બરકત આવી. આવતી જ રહી. શહેરના પોશ વિસ્તારમાં મોટો બંગલો, નોકર-ચાકર અને કોણ જાણે કેટલાંય સ્કૂટરો અને મોટરો બદલાતી રહી. પરંતુ પેલી સાઇકલ સુનંદાએ પૂરા જતનથી સાચવીને રાખી હતી. સુનંદાના અવસાન પછી મેં એ સાઇકલને સ્ટોરરૂમમાં પડેલી જોઈ હતી.

0 0 0

રાતના દસેક વાગ્યા હશે. બારણાને નોક કરી પુત્રવધૂએ દેવીપ્રસાદના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એ આંખો બંધ કરી પથારીમાં જાગતા પડ્યા હતા. “પપ્પાજી દવા સાથે લેવા માટેનું દૂધ ટેબલ પર રાખ્યું છે; અને હા, પપ્પાજી આજે બપોરે સ્ટોરરૂમાં પડેલ બધો જ ભંગાર વેચી નાખ્યો. તેના પાંચસો રૂપિયા આવ્યા છે. એ પણ ટેબલ પર રાખ્યા છે.’’ પુત્રવધૂએ નિર્દોષભાવે કહ્યું.

“વહુબેટા, એ પૈસા તમારી પાસે જ રાખો. દાનધર્મમાં તેનો ઉપયોગ કરજો.’’ ગળગળા અવાજે દેવીપ્રસાદ માંડ એટલું બોલી શક્યા અને ઝડપથી પડખું ફરી ગયા.

***

બૅન્ક-બૅલન્સ્ (લઘુકથા) ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

ત્રીજા માળે આવેલ અમારા ફ્લૅટનાં પગથિયાં દરરોજ ઊતરવાં અને ચડવાનો મારો રોજનો ક્રમ હતો. પરંતુ આજે સાંજે પગથિયાં ચડી ઘરમાં દાખલ થયો અને શ્વાસ ચડ્યો. મારા શ્વાસોચ્છ્વાસની ગતિ જોઈ પુત્રવધૂએ પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગી. તેનો હાથ ફરતો રહ્યો. થોડી વારે હું સ્વસ્થ થયો.

“પપ્પાજી, હવે કેમ છે?’’ તેણે પૂછયું.

“સારું છે, આ પગથિયાં જરા ઝડપથી ચડયો એટલે… અને બેટા, હવે છાસઠ થયાં. ક્યારેક થાય આવું. ચિંતા નહીં કરવાની.’’ મેં સહજભાવે કહ્યું.

કમલ ઘેર આવ્યો ત્યારે ફૅમિલી ડૉક્ટરને સાથે લઈને આવ્યો હતો. ડૉક્ટરે મારું બી.પી. વગેરે તપાસ્યું. બધું જ નોર્મલ હતું. હતી તો માત્ર સંતાનોની મારા તરફની ચિંતા.

સવારે મૉર્નિંગ વૉકમાં અને સાંજે ગાંધી પાર્કમાં જૂના મિત્રોને મળ્યા વગર મને ચાલતું નહીં. આ બંને મેળાપ મારું ‘ટૉનિક’ હતું! કમલ એ જાણતો હતો. મારા આશ્ચર્ય વચ્ચે પંદરેક દિવસ પછી રવિવારની સવારે એક ટ્રક અમારા ફ્લૅટની નીચે આવીને ઊભો હતો.

“નજીકમાં સરકારી ક્વાર્ટર છે. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે રહેવા જવાનું છે.’’ કમલે કહ્યું.

“પણ… ત્યાં તારા પગારમાંથી મોટું ઘરભાડું કપાશે અને આ ફ્લૅટના હપ્તા પણ ચૂકવવાના. મને પૂછવું તો હતું!’’

“પપ્પાજી, કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હવે અમને પણ આપો.’’ પુત્રવધૂએ હસીને કહ્યું. બપોરના એક વાગ્યા સુધીમાં નવા ઘરમાં સામાન પણ ગોઠવાઈ ગયો. કમલ બધા માટે સારી હોટલમાંથી જમવાનું લઈ આવ્યો હતો. જમીને બે-અઢી વાગ્યે કમલ અને પુત્રવધૂ તેમના રૂમમાં જઈ ઊંઘી ગયા. પાંચ વર્ષના લાલાને મારા પડખામાં સૂવાની આદત હતી. થોડી વારે એ પણ ઊંઘી ગયો અને હું વિચારતો રહ્યો…

આઠેક વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે વીસેક લાખ રૂપિયા આવ્યા હતા. કેટકેટલી સલાહ મળેલ ‘જો જો હો… લાગણીમાં આવી બાળકો પાછળ ખર્ચી નાખતા નહીં. આ મરણમૂડી કહેવાય. ખાતામાં પૈસા પડયા હોય તો વૃદ્ધાવસ્થામાં બીમારી સામે લડી શકાય. સારી હૉસ્પિટલમાં સારવાર લઈ શકાય. પૈસા હોય તો બાળકો પણ સારસંભાળ લેવામાં કાળજી લે.’ વગેરે ઢગલો સલાહસૂચનો મિત્રો અને સંબંધીઓ દ્વારા મળ્યા હતા, પરંતુ હું મારા સ્વભાવ પ્રમાણે જ ચાલ્યો. પુત્રને ફ્લૅટ ખરીદવા મોટી રકમ આપી. અને નિવૃત્તિ પછી અન્ય કેટલાક વ્યવહારિક ખર્ચાઓ પણ આવ્યા. પરિણામ બૅન્ક બૅલન્સનું તળિયું દેખાયું.

આજે આ ઉંમરે બૅન્ક બૅલન્સ્ લગભગ નહિવત્. પરંતુ સામે પક્ષે જે કાંઈ હતું એ સો ટચના સોના જેવું હતું.

***