પ્રયોગ
એક દિવસ ડાયરીમાં સાચવી રાખેલું
વર્ષો પહેલાનું સુકાઈ ગયેલું ગુલાબ કાઢી
એને એક
ખાલી કુંડામાં ફરી વાવી જોયું.
બે-ચાર દિવસ પાણી પાયું
પ્રમાણસરનો તડકો પણ આપ્યો
શક્ય એટલી બધી જ કાળજી લીધી
પણ ન તો એ ગુલાબ ફરી પાછું તાજું થયું
ન તો કોઈ નવી કૂંપળ ફૂટી
બસ,
એ દિવસથી તારા પાછા ફરવાની આશા
મેં છોડી દીધી !!
– એષા દાદાવાળા
સુરતમાં રહેતી આ પત્રકાર-કવયિત્રી ગુજરાતી કાવ્યસાહિત્યનું, સવા દાયકાથી ઊભરી ચૂકેલું, ગુજરાત ગૌરવ સન્માનથી પુરસ્કૃત “એષાસ્પદ” નામ છે. પ્રસ્તુત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ ‘જન્મારો’માંથી લીધું છે.
અહીં વાત પ્રયોગની છે, જે સાવ જુદો છે. શાળામાં આપણને વિજ્ઞાનના વિષયમાં પ્રયોગો ભણવાના આવતા. ચંબુમાંથી કસનળીમાં રસાયણ રેડી એમાં અમુકતમુક પદાર્થ નાખો. દ્રાવણને સરખું હલાવો અને 20 મિનિટ રાખી મુકો…. આ રીતે બધી કાર્યવાહી ચાલતી.
જિંદગીના પ્રયોગમાં વાત થોડી જુદી બને. પહેલા તો બે જણ વચ્ચે રસાયણ સર્જી શકાય એટલો સંબંધ વિકસ્યો છે કે નહિ તે જોવાનું હોય. યોગ થયા પહેલા પ્રયોગ કરી લેવો પડે. આ પ્રયોગમાં સફળતા ન મળી હોય ત્યારે મહેબુબ કે મહેબુબા બની મહોબતને બદલે માયુસી પધારી હોય. યાદ આવે છે પેલું ‘મેરે મહેબુબ’ ફિલ્મનું ગીત જેમાં રાજેન્દ્રકુમાર અને સાધના વચ્ચે પડી ગયેલા પુસ્તકો ઉપાડતો નજરોનો ખેલો રચાય છે. નજરો મળે પછીની પ્રોસેસ હૈયા મળે તેની હોય છે. હૈયા મળે પછી વડીલોની અનુમતિ લેવી પડે છે. આમ વિવિધ તબકકામાંથી પ્રેમ પસાર થાય છે. ક્યારેક એકાદ તબક્કે અટકી જવાય તો જિંદગીના સમીકરણ બદલાઈ જાય.
ડાયરીમાં મુકાયેલી ગુલાબની પાંદડીમાં ઘણા સ્મરણો સચવાઈને બેઠા હોય છે. ડાયરીમાં ગજબની તાકાત છે. કબાટમાં એક ખૂણે પડી પડી પણ પોતાનું અસ્તિત્વ નોંધાવે. ડાયરી એ ક્ષણોને સાચવીને બેસે છે જે કદાચ હવામાં ઓસરી ગઈ હોત. એને દસ્તાવેજ સાચવવામાં રસ નથી, એને આંખોનો ભેજ સાચવવામાં રસ છે. પાનાનો રંગ તો વરસો જતા બદલાવાનો જ. એમાં ધબકતો પ્રેમ સમયની પરીક્ષા આપતો રહેવાનો. એક સમયે વિશ્વાસ હોય કે સંબંધમાં દેખાતી ગુલાબની લાલી કદી ઝાંખી નહિ પડે. હાંસિયામાં સચવાયેલી ઈચ્છાઓ હાંસિયાની બહાર નહિ મુકાય. બધું પાર પડી જશે એવી શ્રધ્ધા હોય. આવું કશું ન થાય ત્યારે સ્મરણોના ખાતામાં ઘણું બધું જમા થાય, પણ જિંદગીને ઉઝરડાની ભેટ મળે.
મનગમતી વ્યક્તિ ન મળે ત્યારે ઝુરાપો કબજો લઇ લે. જે કામ થઇ ન શક્યું એનો અફ્સોસ તો ટાંકણીની માફક ભોંકાતો રહેવાનો. સાવ લગોલગ રહેતું પાત્ર અલગ થઇ ગયું હોય ત્યારે ઇનામમાં પીડા સિવાય કશું મળતું નથી. વિસરાયેલા સંબંધને ફરી જીવંત કરવાનું કામ કપરું છે. પ્રયાસ કરીએ તો પણ એ કેટલો ફળીભૂત થશે એની આશંકા વર્તાતી રહે. એક શેર યાદ આવે છે.
સંબંધ તોડ્યા પછી પસ્તાવો કરવાનો નથી કોઈ અર્થ
ફરી જોડો તમે ને તોય સાંધો આંખમાં રહેશે
સવાલ એ છે કે ફરી પાછો તાર સંધાય એના પ્રયાસો કરવા ગુનો છે? નથી. માનસિક તૈયારી એ રાખવાની છે કે આ પ્રયાસો નિરર્થક નીવડે તો શ્વાસોને ટૂંપો ન દઈ દેવાય. પ્રેમ સર્વોપરી છે એમાં કોઈ બેમત નથી, પણ જિંદગી છે તો પ્રેમ છે. દેહ છે તો સાયુજ્ય છે. પ્રસ્તુત કાવ્યના સમર્થનમાં એષાનું જ ‘મૂર્ખામી’ કાવ્ય વાંચવા જેવું છે.
એક દિવસ એ મારી પાસે આવેલો
અને માંગેલું થોડું વહાલ
એણે કહેલું:
મુઠ્ઠી ભરેલા વહાલને
કૂંડામાં રોપીશું
તો વહાલનું એક આખું વટવૃક્ષ ઊગી નીકળશે.
અને હુંય મૂરખી
તે એક મુઠ્ઠી વહાલ આપી
આખાય વટવૃક્ષની રાહ જોતી
હજીય ઊભી છું
એ જ રસ્તાની ધાર પર !!
***
હિતેનભાઈએ સરસ રચનાઓનો અને કવયિત્રીનો પરિચય કરાવ્યો. -‘મૂર્ખામી’ વિશેષ ગમી.
સરયૂ પરીખ.
LikeLike
કવયિત્રી એષા દાદાવાળાની રચના મળ્યા વગરનો મેળો નો હિતેન આનંદપરાનો સ રસ આસ્વાદ:
LikeLike